ભારતીય સંસ્કૃતિ – પ્રવચન પુષ્પ – ૩૦ – ચતુરાશ્રમ – ૨
(પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ચતુરાશ્રમ વ્યવસ્થા ઉપર વિચાર કરી રહ્યા છીએ. આપણા ઋષિઓએ જીવનને ચાર ભાગોમાં વહેંચ્યું હતું – બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ભારતીય સંસ્કૃતિની મોટામાં મોટી વિશેષતા એ છે કે એ શાશ્વત, સનાતન જ્ઞાન ઉપર આધારિત છે, અને એ જ્ઞાન માત્ર ઇંદ્રિયોથી નથી આવેલું; એ પરમોચ્ચ જ્ઞાન તો ઋષિઓની ગહન સમાધિ દશામાંથી આવ્યું હતું; એ ઋષિઓએ એમના હ્રદયના ઉંડાણમાં જઈ છેક આત્મા સુધી પહોંચીને, ત્યાં મજ્જન કરી, સ્નાન કરી પછી બહાર, વાસ્તવિક જગતમાં આવ્યા હતા.

ઋષિઓના એ જ્ઞાનની અભિવ્યક્તિ થઇ છે. એટલે, સમસ્ત અસ્તિત્વમાં આપણને જે પણ કશું દેખાય છે અને જે નથી દેખાતું એ પણ, એ બધી જ વસ્તુઓને તેમના ચિંતન, જ્ઞાને આવરી લીધું હતું. એ દરેકે-દરેક વસ્તુઓના સનાતન નિયમો શું છે, જીવનના સનાતન નિયમો શું છે, બ્રહ્માંડ આખાના નિયમો શું છે? એવી દરેકે-દરેક વસ્તુના સત્યને holistically, સર્વાંગીણ રીતે સમજીને એક ગહન દર્શન (ફિલોસોફી)ને આધારે આ દેશની સંસ્કૃતિની રચના, બહોળા સમાજનું એક અદ્ભુત, અલૌકિક માળખું તૈયાર થયું છે. એટલે, એ જ્ઞાન, એ નિયમો, એ વ્યવસ્થા બધું શાશ્વત છે, સનાતન છે – અને આ મૂળ વાતને કેંદ્રમાં, ધ્યાનમાં રાખીને આપણે ચાલવું છે.

પરમ જ્ઞાન પામેલા આપણા ઋષિઓએ કીધું હતું કે *એ)* અખંડ, અનંત, શાશ્વત, પરમ ચેતનાનો જે સ્વભાવ છે એ જ આપણો પણ મૂળ સ્વભાવ છે; તેથી, આત્માના સ્તરે આપણે બધાં જ સત્ય, અજર, અમર, નિત્ય આનંદ, સચ્ચિદાનંદ છીએ, એ જ આપણો મૂળ સ્વભાવ છે; પરંતુ, આપણે આજની ભૌતિકતા-પ્રબળ પરિસ્થિતિઓમાં આપણા આ મૂળ દિવ્ય સ્વભાવથી ચ્યુત થઈ ગયા છીએ, અને તેથી આપણે આપણા પોતાના મૂળ આત્મિક સ્વ-ભાવમાં નથી, અને પોતાને માત્ર નશ્વર દેહ જ માનીએ છીએ. અને જ્યાં સુધી આપણે આપણા મૂળ સ્વભાવને પામીશું નહીં ત્યાં સુધી આપણને ક્યાંય ચેન, શાંતિ નથી મળવાની, કેમ કે મૂળ સ્વભાવને જાણવામાં, પામવામાં જ મનુષ્યના જીવનની પૂર્ણતા છે. આવી અનન્ય સંસ્કૃતિમાં દરેક વ્યક્તિ પોતાના આશ્રમ અને ધર્મને અનુસરતા, આનંદ કરતાં-કરતાં, અનાયાસે ધીમે-ધીમે એટલી સરળ રીતે આગળ વધે છે એને એ ખબર જ ના પડે.

આપણા ઋષિઓએ એવી જીવન અને સમાજ રચના કરી છે, કે જાણે એમાં દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે એવી  રીતે જીવે છે કે આ આખા હિંદુ-ધર્મની સમાજ રચના જાણે auto-mode પર, સ્વયંસંચાલિત હોય! તમે જો વિચારશો તો સમજાશે કે સનાતન ધર્મના બૃહદ હિંદુ સમાજની આવી વિશાળ જીવન-સમાજ રચનાને, એ આખી વ્યવસ્થાનું, એમાંના જુદા-જુદા વર્ગો, સમાજોનું, એમાંની દરેક વ્યક્તિનું ધ્યાન રાખવા માટે, સંભાળવા માટે, એ બધાંને મેનેજ કરવા માટે એવી બીજી કોઈ મોટી organised સંસ્થા જ નથી, જેવી બીજા ધર્મો-સંપ્રદાયોમાં હોય છે. આવા જીવન-સમાજ રચનાની જે દિવ્ય વાતો આપણા ઋષિઓએ, ધર્મ શાસ્ત્રકારોએ આપણા પૂર્વજોને એટલી તો સરસ રીતે સમજાવી હતી કે એ વાતો પછી પેઢી-દર-પેઢીથી આપણા હૃદયના અંતરાળમાં, કહો કે DNAમાં એટલી સુંદર રીતે વણાઇ ગઇ છે કે જાણે આ ધર્મની દરેકે-દરેક વ્યક્તિનો એ સ્વભાવ બની જઇ દરેક વ્યક્તિ પોતે જ એક-એક *સંસ્થા)* બની ગઇ છે! એટલે, આપણા શાસ્ત્રકારોએ ધર્મની એવી પણ વ્યાખ્યા કહી છે કે स्वभावो धर्म, અને તેથી, એ બધા સહજતાથી, પૂરા પ્રેમ-ભાવથી, પોત-પોતાની રીતે એ સમજાવેલા *ધર્મ)*નું પાલન કરતાં આવ્યાં છે, એવું સમજી-વિચારીને કે મારે, મારા કુટુંબે આ પ્રમાણે જ કરવાનું છે, અને આમ, સનાતન ધર્મનું આચરણ અનાયાસે થતું આવ્યું છે – લાખો વર્ષોથી થતું રહ્યું છે.

તો, આ સનાતન હિંદુ સમાજ અંતર્ગત આપણે થોડી વાતો બ્રહ્મચર્યાશ્રમ અંગે કરી છે. જીવનના આ પ્રથમ *આશ્રમ)*ના દરેક બાળકની એક મૂળ સ્વભાવની તેથી મહત્વની વાત છે કે જીજ્ઞાસા દરેક બાળકનો સ્વભાવ છે, અને એ બાળક જેમ-જેમ મોટું થતું જાય, સમજણું થતું જાય, એની ચારે બાજુ જે બધું જોતું થાય તેમ-તેમ એની જીજ્ઞાસાઓ વધતી જાય, એ બધા માટે એને પ્રશ્નો પણ થાય.

હમણાં જ આશ્રમમાં એક નાની દીકરી આવી હતી, એ પ્રશ્ન કરે કે **આકાશ કોણે બનાવ્યું?))* એને અમે કીધું કે **આકાશ ભગવાને બનાવ્યું છે.))* તરત જ બીજો પ્રશ્ન, **ભગવાનને કોણે બનાવ્યા?))* આમ, બાળકની અંદર જીજ્ઞાસા હોય, એ એનો સ્વભાવ છે.  તો, આ જ તક છે, એની જીજ્ઞાસાઓને સંતોષવા માટે એને ગુરૂકુળમાં મોકલો. બાળકના વિદ્યા અર્ચન, જ્ઞાનોપાર્જનની શરૂઆત બાલ્યાવસ્થાથી જ શરૂ થઇ, યુવાવસ્થા સુધી હોય છે.

ગુરુકુળમાં મળતા જ્ઞાન વિષે આપણે થોડી વાતો કરી છે, કે એ જ્ઞાન માત્ર બાહ્ય જગતનું સાંસારિક જ્ઞાન જ ન્હોતું, સાથે-સાથે એના મૂળનું આધ્યાત્મિક જ્ઞાન પણ એને મળતું, જે જ્ઞાનથી એની અંદર સનાતન ધર્મ વિષેની સમજણનો ઉદય થતો હતો. *ધર્મ)* એટલે લૌકિક અને પારલૌકિક બંને વાતોની સમજ – यतो अभ्युदयनिःश्रेयस्- सिद्धिःस धर्म: (વૈશેષિક દર્શનના પ્રણેતા, ઋષિ કણાદ) – બંને વાતોની સમજનો વિકાસ થાય. આ પ્રમાણેના વિચારો, એની સમજ, બંને વાતોનું વ્યવસ્થિત જ્ઞાન માત્ર આ દેશમાં જ આપવામાં આવતું હતું; સાંસારિક, ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનના ક્ષેત્રોની પાકી સમજ, એ બંને ક્ષેત્રોની વિશેષતાઓ, જુદાં-જુદાં મૂલ્યો ગુરુકુળમાં સાથે-સાથે ભણાવવામાં આવતા હતાં, અને તેથી જ આ દેશમાં બંને ક્ષેત્રોનો વિકાસ સાથે-સાથે થયો છે – ભૌતિકતા, કે જેમાં એક બાજુ રાજા વૈભવ અને સત્તા સાથે રહેતો હોય, અને એ જ સમાજના આધ્યાત્મિક જગતમાં એક અકિંચન, ભિક્ષુક, ફકીર કે જેની પાસે એક વસ્ત્ર પણ ના હોય; ભિક્ષુકને પોતાની સ્થિતિ માટે સ્વાભિમાન હતું, રાજાને એના જીવન માટે સ્વાભિમાન હતું! આ દેશમાં જ આવી પરસ્પર-વિરોધી વિચારધારા માટે સ્વીકૃતિ અને માન બંને હતા, તેથી આ બંને ક્ષેત્રોમાં આપણે ટોચ ઉપર હતા.

અંગ્રેજો જ્યારે 18મી સદીમાં ભારત આવ્યા ત્યારે તે વખતે ભારત દેશ ખૂબ સમૃદ્ધ હતો, એની આર્થિક સ્થિતિ એટલી તો સરસ હતી કે ત્યારના ભારતનું GDP ૨૭% જેટલું હતું; એ સમયે યુરોપિયન દેશો તો હજુ તો ઉભા થતા હતા, તેથી એ દેશોની આર્થિક સ્થિતિ ભારત જેટલી સદ્ધર ન હતી. યુરોપમાં સમૃદ્ધિ, સદ્ધરતા લાવવા માટે સામ્રાજ્યશાહી અંગ્રેજોએ ભારતની પ્રજા ઉપર કેટ-કેટલા અત્યાચારો કર્યા,  આપણી સમૃદ્ધિના બધા જ સાધનો ખૂંચવી લઇ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપિયન દેશોને સમૃદ્ધ કર્યા. જ્યારે અંગ્રેજો 1947માં ભારતમાંથી ગયા ત્યારે સમૃદ્ધ ભારતને કંગાળ કરીને ગયા, ભારતનું ઉચ્ચ GDP ગબડીને માંડ 1-2% કે માયનસમાં, ઋણમાં થઇ ગયું! રાજ દરમિયાન એ લોકોએ ભારતમાં શું-શું કર્યું હશે એ આ આંકડાઓ પરથી સમજી શકાય છે.

અને જો, અધ્યાત્મ વગર માત્ર એકાંગી ભૌતિક્તા માટે જ બધા પ્રયાસો, બુદ્ધિ, શક્તિ વપરાતા હોય તો કદાચ ત્યાં (પાશ્ચાત્ય) જગતમાં તમને વૈભવ મળશે, પરંતુ ત્યાં શાંતિ નહીં મળશે.એટલે, વર્તમાન યુગમાં વિકસિત, ધનીક દેશોમાં જે મોટામાં મોટી સમસ્યા છે તે સ્ટ્રેસની છે. ત્યાં વિજ્ઞાન, વિચાર વૈવિધ્ય, વૈભવ, બધું જ છે, પણ મન અને હ્રદયની શાંતિ નથી. સમાજમાં લોકોમાં આવી પરિસ્થિતિ ના આવે એ માટે આપણે ત્યાં ગુરુકુળની વ્યવસ્થા હતી; શિક્ષણ માટે આનાથી બીજી કોઇ શ્રેષ્ઠ વ્યવસ્થા નથી. ગુરુકુળમાં બાળકનો સર્વાંગીણ વિકાસ થતો હતો.

પણા દર્શનોમાં જે એક મહત્વની વાત છે તે એ કે, બહાર જે વૈવિધ્ય અને વૈભવ દેખાય છે એ પરમાત્માથી જુદું નથી; પ્રવૃત્તિને આપણે દોષપૂર્ણ નથી ગણતા, એની અવગણના નથી કરી, પરંતુ, જો વૈભવ પરમાત્માથી વિમુખ કરી દે, માણસને ઉંધી દિશામાં લઇ જાય, તો એ વૈભવ, સમૃદ્ધિ શત્રુ છે. આપણે લક્ષ્મીજીના રૂપમાં સમૃદ્ધિને, વૈભવને સ્વીકાર કરીએ જ છીએ, એમની પૂજા પણ કરીએ છીએ, અને એને કારણે પણ ભારત દેશ સમૃદ્ધ તો હતો. આમ, બાળકને ગુરુકુળમાં બંને પ્રકારનું જ્ઞાન મળતું.

ગુરુકુળની બીજી એક ખાસ વાત એ હતી કે બાળક યુવાન થાય ત્યાં સુધી એણે ગુરુકુળમાં રહેવાનું અને એ બધાં વર્ષો દરમિયાન એણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય, દરેક શિષ્યોએ એમના વીર્યની રક્ષા કરવાની હોય. આજના જમાનામાં પાશ્ચાત્ય વિચારધારામાં આ વાત અવૈજ્ઞાનિક ગણાય છે, અને તેથી અસ્વીકાર્ય થતી જાય છે, ભારતમાં પણ. આજે ડોક્ટર, મનોવૈજ્ઞાનિક, આધુનિક વિચારકો, બધા કહે છે કે બ્રહ્મચર્યની વાત સ્વાભાવિક નથી, કોઇ નહીં કહેશે કે બ્રહ્મચર્ય સ્વાભાવિક છે. આ વિચારના પ્રણેતા છે અંગ્રેજ ન્યુરોલોજીસ્ટ સિગ્મંડ ફ્રોયડ (1856-1939), જેણે કહેલું કે માણસની દરેક પ્રવૃત્તિના મૂળમાં સેક્સ છે; ત્યાં સુધી કે બાળકના માતાના સ્તનપાનમાં પણ એણે સેક્સ જ જોયું! મા-ના બાળક પ્રત્યના કુદરતી પ્રેમ-વ્હાલમાં પણ એણે સેક્સ જ જોયું! બસ, આ જ વાતને લઇને સમસ્ત પાશ્ચાત્ય જગત બ્રહ્મચર્યની વાતને એકદમ અસ્વાભાવિક માનવા લાગ્યું.

મનુષ્ય જીવનના સાચા વિકાસના સંદર્ભમાં જોઇએ તો ખરેખર બ્રહ્મચર્ય વધારે સ્વાભાવિક હોવું જોઇએ; પરંતુ, પૂર્ણ બ્રહ્મચર્ય તો ત્યારે શક્ય હોય કે જ્યારે એને આત્મનિષ્ઠા હોય, એના સિવાય નહીં; અને માણસનો જો આ સ્વભાવ છે, અને એ જો આત્મરતિમાં છે, બ્રહ્મમાં ચરે છે, બ્રહ્મમાં રહે છે ત્યારે જ બ્રહ્મચર્ય સહજ-સ્વાભાવિક છે.

વર્તમાન જીવન અને વિચારધારા ભોગ-પ્રધાન પાશ્ચાત્ય વિચારધારાથી સૌથી વધુ પ્રભાવિત છે, એ ભૌતિકતા ઉપર જ કેંદ્રિત હોઇ, ઇંદ્રિયો-જનિત છે, જેમાં બાહ્ય વિષયો પ્રત્યે આકર્ષણ છે, ભૌતિકતા જ જીવનનો આધાર છે, અને તેથી આજના સમાજે બ્રહ્મચર્યને અસ્વાભાવિક બનાવી દીધું છે, એટલે, આપણને પણ લાગે છે કે એ અસ્વાભાવિક, અસહજ છે. આવી વાતોના મૂળમાં ફ્રોયડનું મનોવિજ્ઞાન છે. એણે કીધું હતું કે કોઇ પણ માણસની ઇચ્છાપૂર્તિ ના થાય, એને રોકવામાં આવે તો એની અંદર એક પ્રકારની ગ્રંથિ બંધાય, જે ગ્રંથિ એના સૂક્ષ્મ મનને અસર કરે છે, અને એને લીધે એ વ્યક્તિને જાત-જાતની શારીરિક, માનસિક, વ્યાવહારિક તકલીફો ઉભી થાય છે.

હવે, કોઇ પણ વસ્તુ પ્રત્યે ગ્રંથિ ક્યારે બંધાય છે? ત્યારે કે જ્યારે મને એમાંનું કંઇ પણ જે રીતે મળ્યું હોય, એ મારી ઇચ્છા વિરુદ્ધનું હોય એટલે એનો હું અસ્વીકાર કરું છું, એને સ્વીકારતો નથી; મારી ઇચ્છા કઈંક હોય અને મારી સાથે થતું હોય બીજું જ કશું, ત્યારે મારી અંદર ગ્રંથિ બંધાતી હોય છે. મને મીઠાઇ ખાવાની ઇચ્છા છે, અને કોઇ પણ કારણસર મને મીઠાઇ નથી મળતી તેથી મારી અંદર ગ્રંથિ બંધાય છે; મને ગાડી જોઇએ છીએ, પણ મળતી નથી, તો મને ગ્રંથિ બંધાય છે; કોઇને કામ પરત્વેનો અસંતોષ ઉભો થતો હોય. પરંતુ, જેણે ફકીરી જ સ્વીકારી છે, એને મીઠાઇ કે ગાડી નહીં હશે તો પણ એને કોઇ ગ્રંથિ નથી બંધાવાની. કોઇએ એક-બે દિવસનું વ્રત લીધું હોય, કે સાદું ભોજન, કે ફળાહાર જ  કરવું છે, તો એને એ પ્રમાણેનું ભોજન કે ફળાહાર જ મળે, કોઇ મીઠાઇ નથી મળી રહી, તો એને કોઇ ગ્રંથિ નથી બંધાવાની.

એવી જ રીતે જેણે બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે, બ્રહ્મચર્ય એનું લક્ષ્ય છે, એનો આદર્શ છે, એણે એ પ્રમાણે જ જીવવાનું છે…તો એને કોઇ ગ્રંથિ નથી બંધાવાની; અને જો ક્યારેક બ્રહ્મચર્ય પાળવું હોય તે છતાં માનો કે એને કામ ભાવ આવ્યો અને એ સંયમ ના રાખે અને એનું બ્રહ્મચર્ય ભંગ કરી લે, તો, જે કામ-વિહીન આત્મનિષ્ઠા છે કે જ્યાં આત્મરતિ થાય છે એ સ્થિતિમાં પછી એ કોઇ દિવસ પહોંચી નહીં શકે. આત્મરતિનો અર્થ છે કે જ્યાં જુદાં-પણું, દ્વૈત, ડ્યુએલિટી ખતમ થઇ જાય છે, એ સ્થિતિ.

ગુરુકુલમાં ૨૫ વર્ષ સુધી જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એને ગૃહસ્થાશ્રમમાં મોકલવામાં આવતો, બ્રહ્મચર્યાશ્રમથી પણ સંન્યાસની સુવિધા હતી, પણ એ સામાન્ય નિયમ ન્હોતો; એ સુવિધા તો અસામાન્ય વિદ્યાર્થી માટે હતી, કે જેની અંદર તીવ્ર વૈરાગ્ય છે, જેને આત્મા સિવાય બીજું કશું જ ના જોઇએ, અને ખરેખર એક એવી અવસ્થા હોય છે જે એને અનુભવતો હોય એ જ આ વાત સમજી શકે છે.

મને લોકો ઘણી વખત પૂછે કે **એવું તે શું થયું કે સંન્યાસ લઇ લીધો?))* આના ઉત્તરમાં હું એમને એમ કહું છું કે **તમારો પ્રશ્ન એવો છે કે કોઇ વ્યક્તિ પ્રેમમાં પડી હોય અને એને તમે પૂછો કે એવું શું થયું કે પ્રેમમાં પડી ગયા?))* કહે, બસમાં સાથે જતા હતાં, સાથે ભણતા હતાં, પાડોશમાં રહેતા હતાં… તો, પાડોશમાં તો ઘણા લોકો રહે છે, એ બધાંની સાથે પ્રેમ જેવું કેમ નથી થઇ જતું? એવી જ રીતે સંન્યાસ લેતાં પહેલા અમુક  વ્યક્તિની એવી મનોદશા હોય કે એને સંસારમાં બધું નિરર્થક લાગે, એને માત્ર સત્યની શોધ જ કરવી છે; આત્મામાં કઇંક જે દિવ્ય-અલૌકિક છે એ જ એને દેખાય, અને એ સંન્યાસ લઇ લે છે; એને કોઇ રોકી શકે નહીં, જેમ કે કોઇ પ્રેમીને ના રોકી શકાય. કોઇને ભર યુવાનીમાં સાધુ બનતા રોકવા માટે લોકો કેટ-કેટલા પ્રયત્નો કરે છે, ઘરના લોકોને ખૂબ ગુસ્સો આવે, વડીલો કહે કે **જુઓ આ નાનો છોકરો તો મારી સામે દલીલ કરે છે, મને સમજાવે છે…))*; પછી બધા સગા-સંબંધિઓને બોલાવે, સાધુ થતાં રોકવા માટે સમજાવે, કોન્ફરંસ પણ કરે, ખૂબ દલીલો કરે, ફરી સમજાવે કે સાધુ ના થાય, પણ એની મનોદશા તો એ જ સમજે.

તો, જેને તીવ્ર વૈરાગ્ય હોય એવા ગુરુકુલના વિદ્યાર્થી કે અન્ય યુવાન માટે બ્રહ્મચર્યથી સંન્યાસની સુવિધા હતી; અને વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી જો સંન્યાસ નથી લેવો, તો એણે ગૃહસ્થાશ્રમમાં જવાનું, અને ત્યાં જઇ **प्रजातंतुं मा विच्छेदसी))*; ઘરનો વંશ આગળ ચલાવવો. આ સંસ્કારો હજુ સુધી આપણી અંદર છે કે લગ્ન થાય, અને એને બાળક ના થાય તો ઘણો અસંતોષ રહ્યા કરે છે, કેમ કે કોઇ પણ હિસાબે એને બાળક થવું જોઇએ, એ સંસ્કાર આપણી અંદર ભર્યા છે. ગૃહસ્થ માટે એ કર્તવ્ય છે કે એણે બાળક કરવું, બાળક એનું ભાગ્ય છે, એણે પૂર્વજોના ઋણમાંથી બહાર નીકળવાનું છે.

તો, આપણે ત્યાં, બાળક માત્ર સેક્સનું જ બાય-પ્રોડક્ટ ન હતું, લગ્ન પછી બાળક એ કર્તવ્ય હતું. ગુરુકુળના વિદ્યાભ્યાસ પછી દરેક વિદ્યાર્થીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું હોય, એ *આશ્રમ)*ને પણ માણવાનો. આમ, આ *આશ્રમ)* માટે આપણે ત્યાં ઊંડું ચિંતન છે, એને થોડું સમજીશું.

પરમાત્મા એક જ છે, જગતમાં જે બધાં ગુણો છે એ એમની અંદર છે, પરમાત્મામાં બધાય ગુણો અવ્યક્ત રીતે છુપાયેલા હોય છે. જ્યારે પરમાત્મા નિર્ગુણ સ્વરૂપે હોય તો એની અંદર બધાય ગુણોની શક્યતા હોય છે, જેમ કે સૂર્યના કિરણો છે, એમાં કોઇ રંગો દેખાતા નથી, એ બધાં રંગો ભેગા મળી સફેદ જ દેખાય છે, પરંતુ એની અંદર અનંતાનંત રંગોની શક્યતા છે. એવી જ રીતે બ્રહ્મ નિર્ગુણ છે, પરંતુ એમની અંદર  અનંતાનંત ગુણોની શક્યતાઓ છે.

હવે આ એક જ નિર્ગુણ ચૈતન્ય, જે અદ્વૈત છે એમાંથી પછી દ્વૈત, બે મુખ્ય ભાગ બને છે – male-female, પુરુષ અને પ્રકૃતિ **प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि…))* (भ.गीता १३:१९). જે રીતે પરમ ચૈતન્ય અનાદિ છે એવી જ રીતે આ પુરુષ અને પ્રકૃતિ પણ અનાદિ છે. આ *દ્વૈત-યુગલ)*ને આપણે અર્ધનારીશ્વર સ્વરૂપ તરીકે માનીએ છીએ, એમાં વામ (ડાબા) ભાગમાં પ્રકૃતિ (નારી) છે, દક્ષિણ (જમણા) ભાગમાં પુરુષ (નર) છે. એટલે, પરમાત્મામાં જેટલા ગુણો છે, એ બધાં જ ગુણો આ દ્વૈતમાં, બે સરખા ભાગોમાં વહેંચાઇ જાય છે, અડધા ગુણો પુરૂષમાં, અડધા નારીમાં. ત્યાર પછી ગુણોયુક્ત એ બંને ભાગો, જાણે કે બે છેડાઓ (poles) હોય તેમ છૂટા પડી જાય છે – એક ઘન-પ્રધાન, પુરુષ (male, positive pole), અને બીજો, ઋણ-પ્રધાન, પ્રકૃતિ, (female, negative pole)ની રચના થાય છે. એટલે, સમસ્ત પ્રકૃતિમાં જે બધું વ્યક્ત સ્વરૂપમાં છે, ત્યાં આ duality, દ્વૈત મળશે જ, અને આ દ્વૈત, duality વગર કોઇ ક્રિયા શક્ય નથી.

એટલે, આપણી વ્યવસ્થા એવી છે કે જો સંસારમાં રહેવું છે, કોઇ શુભ કર્મ કરવું છે તો લગ્ન કરીને રહેવું હિતાવહ છે; અને જો માત્ર ભગવાન માટે, આત્મા માટે, એકલા જ રહેવું છે તો સંન્યાસ લેવો; આ બે વગર સંસારમાં પ્રવૃત્તિ શક્ય નથી. કોઇ પણ પ્રવાહ, કોઇ પણ ક્રિયા, કોઇ પણ ગતિ હોય એ આ બે વગર, દ્વૈત વગર શક્ય નથી, સ્ત્રી-પુરુષની duality જોઇએ. પુરુષની અંદર તર્ક, વિચાર, પ્રવૃત્તિ, ચંચળતા, કઠોરતા એવા બધા ગુણો હોય, સ્ત્રીમાં પ્રેમ, દયા, કરુણા, ભાવ, ભક્તિ, સહનશક્તિ, સ્થિરતા જેવા ગુણો હોય. પુરુષમાં પ્રવૃત્તિનો સ્વભાવ વધારે હોય, એટલે એને ઘેર બેસવાનું ના ગમે, અને બહેનોને મોટેભાગે ઘેર જ રહેવાનું ગમે. એટલે, ઘણાં બે’નોને થાય કે ઘરે ભક્તિ ના થાય; પછી કેમ આ આશ્રમ, પેલો આશ્રમ, આ સાધુ, બીજો સાધુ… કરે, ઘરમાં સ્થિર બેસીને ભક્તિ ના થાય.

આ રીતે બે ભાગોમાં બંને પ્રકારના ગુણો સરખી રીતે વહેંચાયા; તે છતાં, કારણ કે આત્મા પૂર્ણ છે એટલે, આત્માના લેવલ (level) પર દરેક વ્યક્તિ (પુરુષ અને સ્ત્રી, બંને) પૂર્ણ છે; પરંતુ, શરીરના લેવલ પર બંને અપૂર્ણ જ છે, શરીરના લેવલ પર કોઇ પુરુષ કે સ્ત્રી પૂર્ણ નથી હોતા; સાથે-સાથે, દરેક પુરુષની અંદર, સૂક્ષ્મમાં, સુપ્ત રીતે સ્ત્રી છુપાયેલી હોય જ છે, દરેક સ્ત્રીની અંદર, સૂક્ષ્મમાં સુપ્ત રીતે પુરુષ છુપાયેલો હોય છે; બંનેની અંદર વિરોધી ગુણો સુપ્ત દશામાં (dormant) હોય છે. એટલે, હવે *સેક્સ-ચેન્જ)* એક સામાન્ય વાત થઈ ગઇ છે, ડોક્ટર કોઇ એક વ્યક્તિની અંદર રહેલા એ સુપ્ત વિરોધી હોર્મોન્સ બદલી નાંખે, અને થોડા જ સમયમાં એ વ્યક્તિ શરીરથી આખી બદલાઇ જાય, મનથી પણ બદલાઇ જાય.

હવે, પુરુષ-સ્ત્રીનું જે દ્વૈત છે એ પરમ ચૈતન્યનું વ્યક્ત સ્વરૂપ છે સમસ્ત જીવ જગતમાં આ દ્વૈત છે. પ્રકૃતિમાં શું થઇ રહ્યું છે કે દરેક પ્રાણી સમુદાય એને મળેલી પ્રકૃતિના નિયમોને અનુરૂપ જ જીવે છે, કોઇ પ્રાણી એ નિયમોનું ઉલ્લંઘન નથી કરી શકતા, તેથી પ્રકૃતિને પ્રાણીઓના અસ્તિત્વથી કોઇ વ્યવધાન, અડચણ નથી, એ જે રીતે જીવે છે એ રીતે જ જીવશે, એ કોઇ ફેરેફાર ના કરી શકે; કોઇ પ્રાણી એમ વિચાર કરે કે એણે લગ્ન નથી કરવા, સંતતિ નથી જોઇતી તો એ એવું ના કરી શકે, પ્રકૃતિના પ્રવાહને, પ્રકૃતિની ગતિને, નિયમોને કોઇ પ્રાણી તોડી ના શકે, પ્રાણી જગતમાં પ્રાણીઓ માટે સંતતિ માટે જુદી-જુદી પ્રાકૃતિક વ્યવસ્થા-નિયમો હોય છે – કોઇ આજીવન સાથે રહેતા હોય, કોઇ દર વર્ષે પાર્ટનર બદલતા હોય, કોઇમાં પુરુષ પ્રધાનતા હોય (જેમ કે વાંદરાઓમાં), કોઇમાં સ્ત્રી-પ્રધાનતા હોય (જેમ કે મધમાખીના સમુદાયમાં એક જ મુખ્ય ‘સ્ત્રી’ મધમાખી (queen-bee) હોય છે, અને ઘણા *પુરુષ)* મધમાખી હોય…તો, પ્રાણી જગતમાં પ્રાકૃતિક વ્યવસ્થાનો નિયમભંગ થતો નથી. મનુષ્ય પણ જીવ-જગતમાંનો એક પ્રકારનું પ્રાણી જ છે તે છતાં એ પ્રકૃતિના કોઇ પણ નિયમોને ક્યારે પણ તોડી શકે છે, એ ગમે તે વ્યવસ્થામાં જીવી શકે છે. એટલે,

જે આત્મનિષ્ઠા છે, જે બોધ છે, સાક્ષાત્કારનું જે પરમ ધ્યેય છે, એનાથી મનુષ્ય ચ્યુત ના થાય એ માટે એની વૃત્તિઓ, ઇંદ્રિયોને સંયમમાં રાખવા માટે આપણા ઋષિઓએ ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા કરી છે; અને આ ‘આશ્રમ’ માત્ર કામભાવની પૂર્તિ માટે નથી, એ તો આપણી ઇંદ્રિયોને, આપણા મૂલ્યોને, આપણા ચરિત્રને, આપણા જીવનને સંયમમાં રાખી, નિયંત્રિત કરી અને સાથે-સાથે વિકાસ કરી, પરમ લક્ષ્યને પામીએ, એ માટે ગૃહસ્થાશ્રમ છે.

વૈદિક વ્યવસ્થામાં ઘણા પ્રકારના લગ્નોનું વિધાન છે – બ્રહ્મલગ્ન, દેવલગ્ન, પ્રજાપતિ લગ્ન, ગાંધર્વ લગ્ન, અને પછી રાક્ષસ અને પિશાચ લગ્ન પણ છે. પણ જે બ્રહ્મ કે દેવ લગ્ન છે કે પતિ-પત્ની બંને પરસ્પર સમજીને, વિચારીને, બધી ભાવનાઓનો વિચાર કરીને લગ્ન કરતા હોય એ વધારે યોગ્ય ગણવામાં આવ્યું છે. એટલે, આપણે ત્યાં સપ્તપદી વગેરે કરીએ છીએ; એમાં સંસ્કૃત ભાષામાં બોલાતા મંત્રોના ભાવો સમજજો કે  વર-વધૂ શું-શું કહે છે, શું બોલીને લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં આવ્યા છે; ક્યારે’ક તો જો’જો કે અગ્નિ સમક્ષ શું બોલ્યા હતા? એમાં મુખ્ય વાત એ છે કે ‘અમે બંને પરસ્પર એક-બીજા માટે સમર્પિત છીએ; આપણે બંને એક છીએ, એક થઇને જીવીશું, સાથે કામ કરી આગળ વધીશું; પરસ્પર વિશ્વાસ રાખીશું’. પુરુષ માટે એક પત્નીવ્રત-એક સ્ત્રી માટે એક પતિવ્રત છે, એ માત્ર પત્ની માટે જ છે એવું નથી, પતિ માટે પણ છે… અને, પછી જીવનનું જે પરમ લક્ષ્ય છે એ દિશામાં પણ સાથે આગળ વધવું છે. એટલે, લૌકિક, સાંસારિક કાર્ય સાથે-સાથે કરવાના, અને ધાર્મિક, આધ્યાત્મિક કાર્ય પણ સાથે-સાથે કરવાની વાત છે.

તમને ખ્યાલ હશે કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીને યજ્ઞ કરવાનો હતો ત્યારે મા-સીતાજી અયોધ્યામાં ન હતાં, તેથી છેલ્લે એમણે સુવર્ણના ‘સીતાજી’ને સાથે બેસાડવા પડ્યા હતા! તો, સ્ત્રી-શક્તિ વગર પુરુષથી કોઇ શુભ કાર્ય ના થાય, કેમ કે પુરુષ અને સ્ત્રી એક પૂર્ણના બે સરખે-સરખા અડધા ભાગો છે, અને બંનેએ એકબીજા પાસેથી શીખવાનું છે – પુરુષે સ્ત્રી પાસેથી સહનશક્તિ, મૃદુતા, બીજા માટે ભાવ, પ્રેમ, વગેરે છે એ શીખવું, અને બહેનોએ પુરુષ પાસેથી વિચાર, કઠોરતા, નિર્ણય કરવાની વાત એ બધું શીખવું, કેમ કે માત્ર લાગણી-મૃદુતાથી કામ નહીં થાય.

આપણે બાળકના વિદ્યાધ્યયનના સમયની વાત કરતા હતા, કે બાળકને માતા અને પિતા બંને જોઇએ, એને પ્રેમથી સંભાળી શકે એ પણ અને આંખ લાલ કરી શકે એ પણ. પછી, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે ત્યારે પતિ-પત્ની બંને પરસ્પર પ્રેમ સાથે જીવે, જેમ કે એક જીવન-રથના બે પૈંડા હોય. આ રીતની આપણી ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા છે.

ગૃહસ્થાશ્રમમાં બીજી મહત્વની વાત એ છે કે પતિ-પત્ની બંને વચ્ચે જો સાચો, પ્રેમ, પરસ્પર વિશ્વાસ, સાચી નિષ્ઠા હોય તો એ સંબંધ એક જ જન્મમાં પૂરો નથી થઇ જતો, જન્મો-જનમ સુધી એ જ પતિ-પત્નીના સંબંધો રહેતા હોય છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા તો ત્યાં બધા ઉપભોગોને સ્થાન મળ્યું છે, ત્યાં સ્ત્રી સરસ શ્રુંગાર કરી શકે, ગીત-નૃત્ય, લલિત-કળાઓનો અભ્યાસ કરી શકે, પુરુષ ઘરમાં વૈભવ લાવી શકે, એનો નિયંત્રિત, યથા-યોગ્ય ઉપભોગ કરી શકે, એ વૈભવનો ઉપભોગ અનિયંત્રિત ના થઇ જાય એ બધી વાતોનું પણ આપણી સંસ્કૃતિએ ધ્યાન રાખ્યું છે.

એટલે, તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં નૃત્ય, સંગીત, અન્ય લલિત કળાઓનો વિકાસ મંદિરોમાં થયો હતો, રાજ દરબારમાં કે કોઇ ક્લબમાં કે નાઇટક્લબમાં નથી થયો. બાહ્ય વૈભવ, બાહ્ય કળાઓ, બાહ્ય સુંદરતા પણ હોવી જોઇએ. તમે કલ્પના કરો કે જો બહાર ઇંદ્રિયો-જનીત સુખ છે જેમ કે આપણને ખાવામાં, જોવામાં, સાંભળવામાં, વિચારવામાં, બીજા કશા’યમાં જે સુખ મળે છે જો એ ના હો’ત તો ‘સુખ’ નામની વસ્તુ કે અનુભવ બ્રહ્માંડમાં છે એ કઇ રીતે ખબર પડે? આનંદ નામનો કોઇ આહ્લાદક અનુભવ છે એ કઇ રીતે ખબર પડતે? ફૂલોમાં, નદી-પર્વતોમાં, સમસ્ત પ્રકૃતિમાં જે બધી સુંદરતા દૃષ્યમાન છે…તો, એ બધું બનાવનાર પરમાત્મા કેટલા સુંદર હશે, કે જ્યાંથી બધું આવ્યું છે? તો, બધાં સુખો, ભોગ-સામગ્રીઓનો ઉપભોગ, બધી સુંદરતા જે છે, વૈભવ, કળા, એ બધું આપણે માટે એ પરમાત્મા-પ્રાપ્તિ માટેના દિવ્ય માધ્યમ બને એવું ઋષિઓએ આપણને શીખવ્યું છે.

આપણે ત્યાં સૈકાઓથી એક વણલખ્યો ભાવમય નિયમ છે જે ઘણા ઘરોમાં, સમાજમાં, વાર-તહેવારો-આરાધના-માનતા ઇત્યાદિની ઉજવણીમાં, મંદિરોમાં, સામાજીક પૂજા-કથા-ઉત્સવોમાં આજે પણ એ પ્રેમ અને આનંદથી પળાય છે – કે ઘરમાં કોઇ સરસ ભોજન-વાનગી બનાવી હોય, તો સૌથી પહેલાં એ ‘ભોગ’ તરીકે ભગવાનને ધરાવીએ છીએ, ‘ભગવાન માટે’ પણ સરસ વાનગીઓ બનાવીએ છીએ, અને પછી એ પ્રસાદરૂપે લઈએ છીએ, વહેંચીએ પણ છીએ. કોઇ કહેશે કે અંતે આ તો સ્વાદિષ્ટ ભોજન ખાવાની જ વાત છે, પરંતુ, આને બીજી રીતે જોઇએ તો એ જીહ્વાને સ્વાદ-રૂપી વૈભવ-સુખ જે મળવાનું છે, જીહ્વાથી જે આનંદ મળવાનો છે એ ભોજન-પ્રસાદ આત્માના સુખ-આનંદ માટેનું દ્વાર સમાન છે, એને ‘ખોલવાનું’ છે…અને આનાથી પણ સૂક્ષ્મમાં જઇ આધ્યાત્મિક રીતે જોઈએ તો એ જીહ્વાના ઐંદ્રિક આનંદ-રૂપી દ્વારને ભાવથી પરમાત્માની પ્રાપ્તિ માટેનું દિવ્ય પ્રવેશદ્વાર બનાવવાનું છે! તો,

ઐંદ્રિક જીહ્વાનો આનંદ એ માત્ર વૈયક્તિક ભોગ માટે નથી, અને જો એ આનંદ પરમાત્મા-પ્રાપ્તિ માટેનું દ્વાર નથી બનતો તો એ ભોગ આપણને એમાં-ને-એમાં ફસાવી રાખી આપણને જ નષ્ટ કરી ‘દે છે!

ઋષિ સમાન વિદ્વાન રાજા ભર્તૃહરિએ એમના वैराग्य शतक-७ માં કહ્યું છે કે “भॊगा न भुक्ता वयमेव भुक्ता:”, કે ખરેખર ભોગોને (મિષ્ટાન્ન, સ્વાદિષ્ટ ભોજન, વિગેરે) આપણે નથી ખાતા, ખાંડને આપણે નથી ખાતાં, એ ખાંડ, મીઠાઇ, વિગેરે અનિયંત્રિતપણે ખાધે રાખીએ તો એ આપણને ‘ખાઇ’ જાય છે. એમ, કોઇ પણ ભોગ, કોઇ પણ ઇંદ્રિય સુખ અનિયંત્રિત થઇ જાય તો ધીમે-ધીમે આપણને ફસાવી લે છે, જાળમાં ફસાવી નાંખે છે, અને આપણને નષ્ટ કરી ‘દે છે. અને જો આવું થવા ના દે’વું હોય, એને બદલે દરેક ભોગ આપણા અંતિમ લક્ષ્ય માટેનું દ્વાર બને એ રીતની વ્યવસ્થા આપણા ઋષિઓએ હજારો વર્ષો પહેલાં કરી આપી છે.

માતાજીની આરાધના માટેનો નવરાત્રિનો પર્વ સમસ્ત ગુજરાતમાં, અને હવે તો વિદેશોમાં પણ ખૂબ ઉલ્લાસથી ઉજવાય છે; એમાં બહેનો રોજ નવા-નવા આકર્ષક ડ્રેસ પહેરે છે, અને કેટલાક ડ્રેસ રૂ. એક લાખ સુધીના’ય હોય, દશ દિવસના ડ્રેસ માટે રૂ. 10 લાખ! આ વૈભવનો ઉપભોગ છે, પરંતુ, કેંદ્રમાં માતાજી છે! હવે આવા વૈભવનો ઉપભોગ અનિયંત્રિત ના થઇ જાય, એ ઇંદ્રિય સુખ અનિયંત્રિત ના થઇ જાય એનો ખ્યાલ આપણે જ રાખવાનો હોય. એટલે, ગીત-સંગીત-નૃત્ય એ ભક્તિ સાથે હોય તો ધીમે-ધીમે એ આપણને અંદરની તરફ ઉર્ધ્વ-ગતિ કરાવે છે, સાચી શાંતિ અને આનંદ આપે છે, સ્વાસ્થ્ય આપે છે; અને જો આવું નથી થતું, તો એ જ ગીત-સંગીત આપણને ધીમે-ધીમે ભોગોન્મુખ કરી ‘દે છે, અને પછી નશા તરફ ઘસડી જઇ, એમાં ડુબાડી ‘દે છે.

માઇકલ જેક્સન વીસમી સદીના અમેરીકાના સૌથી પ્રખ્યાત પોપ-સિંગર હતા; ઓગષ્ટ 2009માં એમની ૫૧ વર્ષની ઉંમરે, જ્યારે એમનું મૃત્યુ જાહેર કરાયું એ પહેલા કેટલાક સમયથી એ અનિદ્રાથી એટલા તો પીડિત હતા કે ભારી ગોળીઓ લીધા વગર એ ઉંઘી ન્હોતા શકતા. કેટલા કલાકારો એવા હોય છે કે તેઓ ટોચ ઉપર પહોંચી જાય પછી ધીમે-ધીમે ડ્રીંક લેતા થઇ જાય, નશો કરવા લાગે, કેમ કે આવું કર્યા વગર એ અમુક ખાસ સ્થિતિ જેને એ લોકો ‘particular ઝોન’ zone કહે છે, એમાં એ જઇ નથી શકતા, કે જ્યાંથી એ સુંદર ગાયન-સંગીત ઉદ્ભવે છે. હવે, જો આવા લોકો સાથે ભક્તિ ના હોય તો એ પેલા ખાસ ઝોનમાં પ્રવેશી નથી શકતા, એટલે, એમણે ડ્રીંક, ડ્રગ્સ લઇને નશો કરવો જ પડે છે. પરંતુ, નશા વગર પણ કલાકારો એ ‘ઝોન’માં પ્રવેશી શકે છે, અને એ માટે એક જ ઉપાય છે ભક્તિ, ભક્તિ જ એને ત્યાં ‘particular ઝોન’માં લઇ જઇ શકે.

એટલે, ગૃસ્થાશ્રમમાં ઉપભોગો માટે સ્વતંત્રતા મળી છે, પણ એ નિયંત્રિત સ્વતંત્રતા છે, વ્રત-સંયમ-ભક્તિ સાથેની સ્વતંત્રતા છે. હા, સારું-સારું ખાવું, પહેરવું-ઓઢવું, પણ ભક્તિ સાથે. જો હું વિપરીત પરિસ્થિતિમાં સમ નથી રહી શકતો, સારી રીતે જીવી નથી શકતો તો હું કોઇ દિવસ આનંદને નહીં સમજી શકીશ; સુખમાં હું શાંત રહી શકું, તો દુ:ખમાં પણ રહી શકવું જોઇએ; મને જો માત્ર માનમાં જ સુખ મળે છે તો હું આનંદને નહીં સમજી શકીશ; મારે અપમાનમાં પણ શાંત રહેવું જોઇએ; જો સારું-સારું જ ખાઉં છું, તો કોઇ દિવસ સાદું કે કડવું પણ ખાવું જોઇએ; રોજ સારાં કપડા પહેરીએ છીએ, તો કો’ક દિવસ સાદા કપડાં પણ પહેરવા જોઇએ; રોજ રાત્રે સારા ગાદલા-પલંગ પર સૂઇએ છીએ તો કો’ક દિવસ નીચે, સાદી પથારીમાં, કે ચટાઇ ઉપર પણ સૂઇ જવાનું… અને જો આવી સમતાવાળી સ્થિતિ મારી અંદર નથી, તો મારા જીવનમાં અશાંતિ રહેવાની છે; અને એટલે, એ અશાંત મનને શાંત રાખવા માટે આપણને દરેક જાતના વ્રત-ઉપવાસ શીખવાડ્યા છે.

જીવનમાં બેલન્સ, સમતા કેળવવી બહુ આવશ્યક છે, ગૃહસ્થાશ્રમમાં બધાં ઉપભોગોની સાથે ભક્તિ-વ્રત-ઉપવાસ પણ હોવાં જોઇએ, સુંવાળપ સાથે શિસ્ત-નિયમ-કઠોરતા પણ શીખવાના. આપણી વ્યવસ્થામાં, જે ગૃહસ્થ બને છે એના ઉપર પોતાના કુટુંબ-પરિવારની જવાબદારી તો આપી જ છે, સાથે-સાથે સમાજમાંના અન્યોની જવાબદારી પણ આપી છે – બ્રહ્મચારીઓની જવાબદારી, સાધુ-સંતોની જવાબદારી,  અતિથિ સેવાની, વિગેરે; આ બધું કરવાથી ગૃહસ્થી ઉપર સમાજનું જે ઋણ છે તે અદા કરવાની આ રીત છે.

અતિથિ સેવા કેવી ગજબની વ્યવસ્થા છે જે ભારત સિવાય આખી પૃથ્વીમાં બીજે ક્યાં’ય નથી. એક અજાણ્યો માણસ આપણા બારણે આવી જાય તો એ ભૂખ્યો-તરસ્યો ના રહે. અતિથિ સેવા એ પ્રભુ સેવા છે, આ વાત જેને માટે જીવનમંત્ર બની ગઇ હોય એવા કેવા-કેવા મહાપુરુષો આપણા દેશમાં થઇ ગયા છે. મહારાષ્ટ્રના સંત એકનાથજી હતા, એમને ત્યાં એક વખત થોડા અતિથિઓ આવી ચડ્યા; ઘરમાં રસોઇ કરવા સૂકા લાકડા ન્હોતા તો એના માટે એમણે પોતાના છાપરા પરથી લાકડા કાઢી લીધા. વળી, એકનાથજીને ગુસ્સો ન્હોતો આવતો, તો ફરી ગામના અમુક લોકોએ એમને ગુસ્સો આવે એવું કરવા માટે એક બ્રાહ્મણને તૈયાર કર્યો. એ બ્રાહ્મણ એમને ત્યાં અતિથિ બનીને ગયો. એ દિવસે એકનાથજીના પત્નીએ સરસ રસોઇ બનાવી, તે બ્રાહ્મણને જમાડવા બેસાડ્યા, એટલામાં અચાનક પેલો બ્રાહ્મણ પત્નીની પીઠ ઉપર જ ચઢી ગયો! સંત તો સંત, જોઇને પત્નીને કહે, “અરે! જો’જે-જો’જે, એ પડી ના જાય!, એને વાગે નહીં.” પત્ની પણ સંતના જ, એ તરત બોલ્યા, “આપણું નાનું બાળક હતું એને સંભાળવાની મને ટેવ છે, વાંધો નહીં”.

તો, કેવા-કેવા દાખલાઓ છે અતિથિ સેવાના! આમ, ગૃહસ્થી અતિથિનું બધું સહન કરી લે’તા, કેમ કે એ અતિથિ છે! આજે લોકોને વિદેશ વધુ પસંદ છે, એનું એક કારણ આ પણ છે કે ‘અતિથિ’ની ખટપટ જ નહીં; આજે કાકા-કાકી આવ્યા, કાલે બીજા આવે, પછી અન્ય સંબંધી આવે… બધાંને સંભાળો! એના કરતાં ત્યાં પરદેશમાં સારું, પણ ત્યાં જો તમે દવાખાનામાં હો, તો તમને કોઇ પૂછવા પણ ના આવે.

એક વખત હું લંડન ગયો હતો; ત્યાં એક બહેન મારી સાથે વાત કરતાં-કરતાં રડી પડ્યાં, કહે, “સ્વામીજી, હું પંદર દિવસ દવાખાને હતી, કોઇ મને જોવા’ય ના આવ્યું”. કોઇ પૂછવા’ય ના આવે, ત્યાં પરદેશમાં જન્મ’ય રવિવારે થાય, લગ્ન’ય રવિવારે, મરણે’ય રવિવારે… બધું સન્ડે જ થાય. મેં કહ્યું, “આ તો સારું છે”, કેમ કે બધા પ્રસંગોના કામો  માટે માણસો ભાડે લાવવાના હોય! અને આપણે ત્યાં? લગ્ન કે કોઇ પ્રસંગ હોય તો પાડોશના, સમાજના, ગામના બધા લોકો કેવા મળીને શેરીમાં-ખડકીમાં બધું આનંદથી કરી ‘દે! બધું હાથો-હાથ થઇ જાય, ઘરવાળાને ખબર પણ ના પડે. અને આજે? પ્રસંગ વખતે ખબર ના પડે, પણ લાંબુ બીલ ચૂકવવાનું આવે ત્યારે ખબર પડે કે બધું ભાડેથી આવેલું! અને ત્યારે કોઇ ઉભો ના રહે, ઉલ્ટાનું હેરાન કરે… જ્યારે, કુટુંબના-પાડોશના માણસો કામ કરતા હોય, એ મુશ્કેલીમાં આપણી પડખે ઉભા રહે, કામ હોય તો દશ માણસો પણ આવી સાથે ઉભા રહે!

પરદેશમાં આજની વ્યવસ્થા જુદી છે, ત્યાં મહદંશે જીવનનો આધાર સરકાર છે; ત્યાં, તમે જો બાળકને ઉછેરી ના શકતા હો તો સરકાર એને એલાઉન્સ આપે, એને ભણાવશે, એને નોકરી આપવાની જવાબદારી પણ સરકારની; વિદ્યાર્થી ભણવા માટે ફીસ નથી ચૂકવી શકતા, તો જોબ કરે, એમાંથી જે પૈસા આવે એ પ્રમાણે એ ફીસ માટે લોન લે, લોનના હપ્તાઓ ચુકવી ભણે.

વળી, ત્યાં લગ્ન કરાવવાની જવાબદારી મા-બાપની નથી; અને હવે કેટલા લોકો વગર લગ્ને સાથે રહે છે, બાળકો’ય થઇ જાય, પણ લગ્ન નથી કરતા, કેમ કે લગ્નનો ખર્ચ પચાસ-પચાસ હજાર ડોલર, એક-એક લાખ ડોલર ખર્ચો થાય તો, ત્યાં લગ્ન કોણ કરે? ક્યાંથી લાવે આટલા પૈસા? અને ઘરડા થઇ ગયા, તો એમનો ખ્યાલ સરકાર રાખે! આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં બધી જવાબદારી વૈયક્તિક, કુટુંબ, પરિવાર, સમાજ લઇ લે છે, બાળકો અને મા-બાપની જવાબદારી પરસ્પર છે, એ ધર્મ છે… અને જો તમે માંદા પડો તો સૌથી વધુ ચિંતા કોને થશે – ઘરવાળાને, બાળકોને, પરિવારને, કે સરકારને કે સરકારી માણસને થશે?

હું લંડન એક પરીવારમાં રોકાયો હતો, એમના પત્ની કોઇ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કામ કરે છે. એણે કીધું, “સ્વામીજી, હોસ્પિટલમાં ટ્રોમાના 45 કેસો લાઇનમાં છે, અને નંબર આવતા બે-ત્રણ મહિના લાગશે.” હવે, વિચાર કરો, આમ એ બધાં જીવતા રહેવાના છે કંઇ? તમે લગભગ મરણ પથારીએ હો, અને કહે હોસ્પિટલમાં દાખલ થવા માટે તમારો નંબર બે-ત્રણ મહિને આવશે, તો? અને જો જલ્દી નંબર આવી ગયો, અને ત્યારે જો સરકાર પાસે તમારી સારવાર કરવા માટે પૈસા નહીં હશે તો? આપણી સંસ્કૃતિમાં આવા લોકોની સાર-સંભાળ જો ઘરના બાળકો નથી કરી શકતા તો કુટુંબ-પરિવારમાંના ભાઇઓ-કાકા-મામા કરે, ઓળખીતા કરે, એ‘ય નથી કરી શકતા તો સમાજ કરે છે.

અહીં, થોડા દિવસો પહેલાં કડવા પાટીદારોની ઉમિયામાતાજીને નામે જે સંસ્થા છે, એના હોદ્દેદારોએ નક્કી કર્યું કે સમાજ માટે રૂ.૧00 કરોડ ભેગા કરવા છે. શાને માટે? તો કહે, વિધવાઓ માટે, બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, હોસ્પિટલ-સર્જરી વગેરે  માટે. તો, સમાજના લોકોએ આ સંસ્થાને રૂ.600 કરોડનું ભંડોળ આપ્યું!! તો, સમાજ જે રીતે આપણી ચિંતા કરે છે, શું એ રીતે સરકાર કે સરકારી માણસ કરશે?

આપણી વ્યવસ્થા માણસ-માણસને જોડે છે, જ્યારે પાશ્ચાત્ય સમાજની વ્યવસ્થામાં બધી જવાબદારી સરકારની હોવાને કારણે લોકો એક-બીજાથી વિમુખ થઇ જાય છે કે બધી જવાબદારી તો સરકારની છે, તે ત્યાં સુધી કે એ વ્યવસ્થા તો બાળકને એની મા-થી પણ વિખૂટું પાડી ‘દે છે!

હું એક ભાઇને ત્યાં રોકાયો હતો, એનો ત્યાં સ્ટોર છે; કહે કે કોઇ બહેન સામાન લેવા આવે, એ સિગારેટ ખરીદે, અને સાથે એનો નાનો છોકરો હોય એ ચોકલેટ માટે રડે. તો મા કહે, “તારા પૈસા હોય તો એનાથી લઇ ‘લે,” કેમ કે ત્યાંની સરકાર બાળકોને એલાઉન્સ આપતી હોય છે, એટલે મા કહે કે ‘તું તારા પૈસાથી ચોકલેટ લઇ લે’!

એટલે, પાશ્ચાત્ય જીવન વ્યવસ્થા મા-થી બાળકને તોડે, પરિવારને તોડે; સમાજને તોડે!! ત્યાં દરેક વ્યક્તિ એકલી-અટૂલી થતી જાય છે. આજે એ દેશોમાં પરિસ્થિતિ એવી છે કે તમે વિશ્વાસપૂર્વક નથી કહી શકતા કે આજીવન આ વ્યક્તિ મારી સાથે હશે; ત્યાં, માણસ એકલો પડતો જાય છે, એવામાં એને ના તો કોઇની હુંફ હોય, કે ના તો પોતાના માણસથી સુરક્ષા, એને કોઇ માનસિક આધાર (mental support) નથી, કોઇ લાગણીઓનો આધાર જ નથી.

તમે કલ્પના કરો કે તમે ગુજરાતથી દિલ્હી એકલા જાવ છો, પાસે પૈસા છે, અને દિલ્હીમાં તમારું કોઇ પરિચિત નથી. કોઇ કારણસર તમે ત્યાં માંદા પડી જાવ, તો તમારી પાસે પૈસા હોવા છતાં તમે તમારી જાતને સુરક્ષિત મહેસુસ કરશો? ના, આવા સમયે, તમને ઘરના લોકો યાદ આવશે તેથી, તમે ઘરે જ દોડશો, કેમ કે તમને ખાતરી છે કે ત્યાં મારું કોઇક તો છે જ, જે મને પાણી, દવા આપશે, મારી સાર-સંભાળ લે’શે, મને હુંફ અને પ્રેમ આપશે.

આપણે ત્યાંની કૌટુંબિક વ્યવસ્થા હોવાને કારણે મા-બાપ-બાળકો સાથે રહે છે, મા-બાપને વિશ્વાસ છે કે દીકરો તો સાથે છે ને, પતિ-પત્નીને એક-બીજા માટે વિશ્વાસ છે કે કોઇ એક તો મારું છે, મારા સુખ-દુ:ખમાં, મુશ્કેલીઓમાં મારી સાથે છે. એક દૃઢ માનસિક આશ્વાસન છે, એટલે એ પરિવારના, સમાજના લોકો આપણને નડતા નથી, સમયે આવી ઉભા પણ રહે છે.

આજે આટલું જ.

ॐ तत् सत्