વિશ્વભરના યોગપ્રેમીઓને નમસ્કાર!

21મી જૂન એટલે ભારતનું ગૌરવ એવો યોગ દિવસ. મોટાભાગના દેશો આ દિવસને યોગદિવસ તરીકે ઉજવે છે. આપણું આખું જીવન જ શું યોગ નથી? જન્મજન્માંતરના સંસ્કારો હશે ત્યારે તો મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય શરીરથી જ યોગ સાધી શકાય છે. પશુ-પક્ષીને યોગ કરવાનું ના કહી શકીએ. પૂ. ગુરુદેવ કાયમ કહે છે, મનુષ્ય મુક્ત પણ થઇ શકે છે અને સાવધાન ના રહે તો જ્યાં છે ત્યાંથી નીચે પણ આવી શકે છે. મનુષ્ય કોઇ પણ અવાજમાં બોલી શકે છે એટલુ જ નથી એ મૌન પણ રહી શકે છે. જ્યારે બીજી યોનિઓમાં એના જે સંસ્કારો હોય એ પ્રમાણે જ એ કરી શકે એ સિવાયનું બીજું કશું જ એ ના કરી શકે.

યોગ એટલે આસન, પ્રાણાયામ, ધ્યાન તથા જાગૃતિપૂર્વક થતાં કર્મો બધું જ યોગ છે. સાચો યોગ તો હું  જ મારામાં ઉતરું, સ્વ નો  બોધ થવો એ છે. શરૂમાં જ્યારે હું મારામાં ઉતરું છું ત્યારે જ મને મારો વિસંવાદ દેખાય છે, તો હરપળ જરૂર છે. તેથી યોગ એક દિવસની જ પ્રક્રિયા નથી, યોગ તો જીવન પર્યંતની અનુભૂતિ છે.

ખાલી તરસ છીપાવવા પાણી જોઇએ તો 1 ગ્લાસ પાણી તો ક્યાંયથી મળી જાય પરંતુ જમીનમાંથી પાણી જોઇએ તો પ્રયત્ન કરવો પડે. જમીનમાં પાણી તો છે જ પરંતુ ક્યાંક તે ઉપર તો ક્યાંક તે ખૂબ ઊંડે છે. એવી રીતે આનંદ આપણી અંદર જ છે. પણ એની અનુભૂતિ કરવા માટે પ્રયત્ન કરવો પડે. આ પ્રયત્ન કરવો એ જ જીવન છે. જેમ જમીનમાં પાણી હતું તેથી જ તે બહાર આવ્યું તેવી રીતે  આનંદ આપણી અંદર જ છે. જે અંદર, સાચી દિશામાં શોધે છે તેને એ મળે છે.

હવે આનંદ છે ભીતર અને શોધ થાય છે બહાર. બહારથી અંદર કોણ લાવે આપણને? એ તો કોઇક માર્ગદર્શક, અનુભવી સદ્ગુરુ જ લાવી શકે. કારણ કે આપણી જીવન પદ્ધતિ, શરીર, મન બધાની સાથે આપણી એટલી બધી તાદાત્મ્યતા છે કે એનાથી બહાર નીકળવું અશક્ય તો નથી જ પરંતુ અઘરું જરૂર છે. સદ્ગુરુના માર્ગદર્શનથી શિષ્ય એ પથ પર આગળ વધે છે ત્યારે યોગ સધાય છે. યોગસાધના એ શરીરમાંથી મનમાં અને મનમાંથી આત્મામાં પ્રવેશ કરવાનો રાજમાર્ગ છે. રાજમાર્ગ લક્ષ્ય છે પરંતુ શરૂઆત તો જ્યાં છીએ ત્યાંથી જ કરવાની છે.

રોજબરોજના જીવનને સરળ બનાવવા માટે આસન, પ્રાણાયામ જેવી બધી ક્રિયાઓ છે. પરંતુ જ્યારે યોગ કરીએ છીએ ત્યારે જ આસનસ્થ રહીએ અને પછી બીજા સમયમાં અસ્ત-વ્યસ્ત રહીએ તો આ યોગ યોગના રૂપમાં નથી પરંતુ એ યોગ પણ ક્રિયાકાંડ બની જાય છે. યોગ તો અભિગમ બદલે છે, વલણ બદલે છે. જીવન જીવવાનો માર્ગ બદલે છે. યોગ અનુભૂતિ છે. તેથી જ યોગી પરમ શાંત, ધીર અને ગંભીર હોય છે. આ શાંતિની સાથે તે બીજાના દુઃખ, પીડાની ઉપેક્ષા નથી કરતો પરંતુ તેને પણ તે શાત, શાંતિ આપે છે, સમાધાન આપે છે. ટૂંકમાં યોગ એ એક દિવસીય કસરત નથી, યોગ એ સાધના છે. જે જીવનપર્યત સાથે જ રહે છે.

પોંડીચેરી આશ્રમમાં શ્રીમાતાજીને કોઇએ પૂછ્યું, કર્મયોગ એટલે શું? શ્રીમાતાજીએ કહ્યું, હું કોઇ ગરીબનો ઓરડો સાફ કરતી હોઉં ત્યારે એટલી કાળજી લઉં કે જાણે હું કોઇ ઑપરેશન – થિયેટર સાફ કરી રહી છું તે મારું યોગમય કર્મ છે. યોગ આપણી આદત બની જાય.

આપણે સૌ ભાગ્યશાળી છીએ કે દિવ્ય યોગની ગુરુપરંપરા સાથે જોડાયા છે. આપણા પરમ યોગી સદ્ગુરુદેવના ચરણ કમળમાં પ્રણામ.

હરિ: ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિઃ ૐ