‘નિત્ય નિત્ય ભજીએ તારું નામ…’ ભજનની આ કડીમાં ભક્ત કહે છે – નિત્ય એટલે કે દરરોજ ભગવાનનું નામ ભજીએ નામ લઇએ. ભજન કીર્તનમાં મનને પરોવીએ પરંતુ આ જીવને રોજ ખાવું, પીવું, હરવું – ફરવું, ગપ-સપ કરવી, આરામ કરવો તથા આજીવિકા માટે કંઇક કરવું. આટલા બધા કામ સાથે ભજન – ધ્યાનની વાત આવે છે ત્યારે થોડું અઘરું લાગે છે. જપ, ધ્યાન, ભજન, સાધના તો શાંતિથી કરીશું, હજુ ઉંમર બહુ નાની છે. ‘ઘડપણમાં ગોવિંદ ગાશું.’ ના… ઘડપણમાં આખું જીવન જે કર્યુ હશે એનું જ ચિંતન થશે.

એટલે આપણા ઋષિમુનિઓ કહે છે – “उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।’ હે મનુષ્યો ! ઉઠો, અજ્ઞાન નિદ્રામાંથી જાગો અને વરાન એટલે શ્રેષ્ઠ પુરુષો પાસે જઇને બોધ પ્રાપ્ત કરો. જે પરમ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને બધાં જ કર્મો કરે છે તેને કર્મનું બંધન થતું નથી. જે સ્વાર્થ બુદ્ધિથી પ્રેરાઇને, માત્ર ફળની અપેક્ષાથી, મને જ સારામાં સારું મળે એવા ભાવ સાથે જે જપ, તપ, યજ્ઞ, દાન કરે છે તે બધું જ સ્વાર્થ બુદ્ધિને કારણે વિકૃત થઇ જાય છે. તેનું ફળ મળે છે પરંતુ એ એવું સુખ મળે છે જે અધ્યાત્મ માર્ગમાં બાધારૂપ થાય છે.

નિષ્કામ ભાવથી કરેલા કોઇ પણ કર્મ સાધકને તેના પરમ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે – ‘ખાતાં, પીતાં, જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, જાગતાં-ઊંઘતાં તથા શ્વાસ અંદર લેતા કે બહાર કાઢતાં જે એવો ભાવ રાખે છે કે ઇન્દ્રિયો જ એનું કાર્ય કરે છે, હું કશું કરતો નથી, હું દૃષ્ટા છું, ‘ આ  ભાવ સાથે કરેલા કર્મો સાધકને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આ ભાવનું સતત સ્મરણ રહે એ જ પરમાત્માનું નિત્ય-નિત્ય ભજન છે.