(પ. પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

तेषां सततयुक्तानां भजतां प्रीतिपुर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ 10:10॥

વિભૂતિયોગ નામના દશમાં અધ્યાયના આ શ્લોકમાં સ્વયં ભગવાનનું વચન છે કે જે લોકો પોતાનું બધું જ છોડીને, પોતાની બધી જ ઇચ્છાઓ છોડી એક માત્ર મને જ ભજે છે, મારી સાથે જ યુક્ત રહે છે, મારામાં જ એમનું ચિત્ત છે એમને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું અને એ બુદ્ધિયોગ દ્વારા પછી એવા લોકો મને પ્રાપ્ત પણ કરે છે.

સ્વયં ભગવાનનું આશ્વાસન છે, ભગવદ્ પ્રેમને પંથે જે કોઇ પણ આગળ વધે છે એનો ભગવાન જાતે હાથ ઝાલે છે અને એ પંથે સ્વયં પોતાની પાસે લઇ જઇ છેવટે પોતાનો ભેટો પણ કરાવે છે. આ ભગવદ્ પંથે ચાલનારાઓ માટે ભગવાને પહેલો શબ્દ વાપર્યો છે, પહેલી વાત કહી છે ણૈશ્વાઁ, એ લોકો, પરંતુ આ વાતને વિસ્તારથી સમજાવતા પહેલાં એમણે આગળના નવમાં શ્લોકમાં એ પણ કહ્યું છે  – કે જે લોકોનું ચિત્ત એકસરખું, સતત મારામાં જ છે, અને પ્રાણ પણ મારે માટે જ છે, એવા લોકો, ભગવાન સિવાય અન્ય કોઇ જ વાતોમાં એમનું ચિત્ત ટકતું જ નથી, વસતું જ નથી, અને એમના પ્રાણ જે છે એ પણ માત્ર ને માત્ર ભગવાન માટે જ છે, તે ત્યાં સુધી કે એમનું આખું જીવન જ ભગવાન માટે જ છે, અને એમના પ્રાણ ટકી રહ્યાં હોય તો એ પણ એટલા માટે જ તે પછી ભગવાનનું ભજન કરી શકાય, ભગવાનની ભક્તિ થાય, ભક્તિ માટે જ પ્રાણ ટકી રહ્યાં છે.

જ્ઞાનીની વાત કરીએ તો એવું કહેવાય છે કે એને પરમાત્માનું જ્ઞાન થઇ ગયું છે, પરમાત્મા સાથે તે પોતે એક થઇ ગયા પછી જ્ઞાનીને મન એના જીવનનો અર્થ જ પૂરો થઇ ગયો હોય છે, અને એવું પણ કહેવાય છે કે આત્મસાક્ષાત્કાર થયાં બાદ માત્ર થોડા જ દિવસો સુધી એના પ્રાણ ટકી શકે છે. તો પછી જ્ઞાનીને જ્ઞાન, બોધ કે આત્મસાક્ષાત્કાર થયા પછી પણ એનું શરીર ટકે છે, તે શેના માટે ? જીવનમુક્તિના આનંદ માટે નિષ્કામ ભક્તિના આનંદ માટે. એવી જ રીતે એના પ્રાણ પણ જો ટકી રહ્યાં છે, એના પ્રાણને પણ ભક્ત ટકાવી રાખે છે તો ભગવાન માટે ટકાવી રાખે છે. ભક્ત એનું બધું કામ કરે છે, પણ એ બધું કામ માત્ર ભગવાન માટે જ કરે છે.

ચૈતન્ય મહાપ્રભુના પત્ની હતા વિષ્ણુપ્રિયા. એમને માટે કહેવાય છે કે જ્યારે ચૈતન્યપ્રભુએ સંન્યાસ લઇ લીધો ત્યારે વિષ્ણુપ્રિયાને થયું કે હવે તો ‘એમના’ દર્શન થશે નહીં, પણ જીવનમાં ક્યારેક તો દર્શન થશે એ આશાથી એમણે કહ્યું કે હું શરીર ટકાવી રાખું છું, શરીર ટકાવી રાખવાને માટે મારે બીજું કોઇ જ પ્રયોજન કે હેતુ નથી. તો આવું થઇ શકે એ માટે એમણે એક વ્રત લીધેલું કે ‘હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે’ એવો એક મંત્ર બોલવાનો અને એક ચોખાનો દાણો લઇ ભઆઝઉએ મુકવાનો.. આમ કરતાં દિવસમાં જેટલાં ચોખાના દાણા ભેગા થાય એટલા જ દાણાને રાંધીને ખાવું, એ સિવાય બીજું કશું ખાવાનું નહીં, બસ એટલો જ ભાત ખાવો વધારે નહીં.

ભક્ત છે, ભક્તિ કરી રહ્યા છે, પ્રાણ ટકાવી રાખ્યા છે તે એટલા માટે કે કોક દિવસ તો એને ભગવાનની પ્રાપ્તિ થશે. શબરીએ એનું આખું જીવન બસ માત્ર ભગવાનની પ્રતીક્ષા કરવામાં, ભગવાનની રાહ જોવામાં ગાળ્યું હતું. ભગવાન મળશે એ આશાએ શબરી એનું બીજું કામ કરતા રહ્યા, ફૂલ વીણે, પૂજા કરે, બધું કરે પણ ભગવાનના આગમનની રાહ જોતાં-જોતાં કરે, ભગવાનને મળવા માટે જ એમના પ્રાણ પણ ટકી રહ્યા હતા.. એક દિવસ તો ભગવાનના દર્શન અવશ્ય થશે.. અને વર્ષો બાદની તપસ્યાના અંતે શબરીને છેવટે પ્રભુ શ્રી રામના દર્શન થયાં અને પછી એમણે પ્રભુના ચરણ પોતાના અશ્રુઓથી ધોયાં !

પિતૃઆજ્ઞાનું પાલન કરતા પ્રભુ શ્રી રામચંદ્રજી એમના 14 વર્ષના વનવાસ દરમિયાન ભાઇ લક્ષ્મણ સાથે સીતાજીની શોધમાં નીકળ્યા હતા ત્યારે એમણે શબરીને દર્શન આપ્યાં હતાં, ત્યાં શબરીના ગુરુ માતંગ ઋષિનો આશ્રમ હતો. શબરી અને રામ-લક્ષ્મણના મિલન બાદ આ વનક્ષેત્ર પવિત્ર બની ગયું, અને તેથી સમયાંતરે એ આશ્રમ પછી શબરીમાતાના આશ્રમ તરીકે ઓળખાવા લાગ્યો. ગુજરાતના ડાંગ જિલ્લાના વનક્ષેત્રમાં સુબીર ગામમાં આ શબરી આશ્રમ છે, જ્યાં આજે પણ ત્યાંના વનવાસીઓ  આ શબરીધામ પંપા સરોવરમાં શબરી માતાના જન્મ દિવસ શરદ પૂર્ણિમાએ શબરી-કુંભનો મેળો ભરાય છે, વનવાસી કુટુંબો આ મેળામાં આનંદભેર ભાગ લેવા દૂર દૂરથી આવી શબરી માતાને યાદ કરે છે, પંપા સરોવરમાં સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે.

તો, આવા લોકો માટે ભગવાને કહ્યું છે तेषां सततयुक्तानां, કે આવા લોકોનું ચિત્ત સતત પરમાત્મામાં જ રહે છે, સતત એમની સાથે જ જોડાયેલું રહે છે, અનુસંધાનમાં રહે. જો ભક્તના મનમાં ભગવાન સિવાય અન્ય કોઇ પણ વાત હોય તો એ આ ભગવદ્-માર્ગ પર ચાલવા માટે અવરોધરૂપ બને છે, એ ચિત્ત બીજી વાતોમાં અટવાયા કરતું હોય, પણ ભગવાનમાં સતત નથી રહેતું.

તો, કોનું મન ભગવાનમાં સતત રહી શકે ? કહે છે કે ભગવાન સિવાય જેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થઇ ગઇ હોય, નષ્ટ થઇ ગઇ હોય, બીજી કોઇ જ ઇચ્છા શેષ રહી ના હોય – એટલે ભાષ્યકારે કહ્યું છે કે ભગવાન સિવાયની જેની બધી જ એષણાઓ નષ્ટ થઇ ગઇ હોય – એનું જ ચિત્ત ભગવાનમાં સતત સ્થિર થઇ યુક્ત રહી શકે. જો એની થોડી અમસ્તી પણ ઇચ્છા ક્યાંક, કશાંક માટે પણ રહી ગઇ હોય તો પછી એ ચિત્ત ત્યાં એ વસ્તુ મેળવવા, ઇચ્છા પૂર્ણ કરવા માટે જવાનું, એ ચિત્ત પછી ભગવાનમાં નથી રહેવાનું. આપણા મનમાં જે કોઇ ઇચ્છા પ્રબળ હશે, ત્યાં જ આપણું ચિત્ત પણ જવાનું જ, અથવા તો ઘડીએ-ઘડીએ જે બધી વિધ-વિધ ઇચ્છાઓ મનમાં ઉભી થયા કરે છે ત્યાં જ ચિત્ત અને મન પણ ઘુમારાયા કરશે, ભગવાન નહીં. તો, જેની બધી જ ઇચ્છાઓ નષ્ટ થઇ ગઇ હોય, એક માત્ર ભગવાનની ઇચ્છા સિવાય અન્ય કોઇ જ ઇચ્છા ના રહી હોય એનું જ મન સતત ભગવાનમાં રહી શકે.

એક દિવસ, રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને કહ્યું, ‘મને સાધના દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે એ હું કોઇને આપવા માંગુ છું, મારો ભાવ છે કે એ બધી સિદ્ધિઓ હું તને આપી દઉં,’ અને પછી પૂછયું, ‘તારો શું વિચાર છે ?’ વિવેકાનંદે તો સીધું જ પૂછયું, ‘એ સિદ્ધિઓથી મને ભગવાનનો સાક્ષાત્કાર થશે ?’ રામકૃષ્ણે કહ્યું, ‘ના, એ સિદ્ધિઓથી બીજી બધી લૌકિક સુખ-સુવિધાઓ મળે, ઐશ્વર્ય મળશે, સિદ્ધિ પણ મળશે, પણ એનાથી ભગવાન મળશે એવું કહી શકાય નહીં.’ વિવેકાનંદે તરત જ કહ્યું, ‘તો, પછી મને એ સિદ્ધિઓ નથી જોઇતી, એવી સિદ્ધિઓ મારે નથી જોઇતી.’ ભગવાન સિવાય બીજી કોઇ ઇચ્છા જ નથી.

તો, જ્ઞાની હોય, જેને જ્ઞાન થઇ ગયું હોય, અને તેથી એનું ચિત્ત તો સતત ભગવાનમાં જ રહ્યા કરે, એના ચિત્તમાં બીજો કોઇ ભાવ જ ના હોય, હરતાં-ફરતાં બધાંય કામો કરતાં એનું ચિત્ત તો ભગવાનમાં જ રહ્યાં કરે એ તદ્દન સહજ રીતે, જેમ કે આપણને દેહ-ભાવ સહજ છે તેમ.

હું માણસ છું, હું શરીર છું આ વાત માટે આપણને લગીરે શંકા નથી, આ દેહ ભાવ આપણને સહજ રીતે હોય છે, એ યાદ રાખવા માટે આપણે કોઇ મંત્ર કે જાપ નથી કરતાં કે હું મોહનભાઇ છું, હું મોહનભાઇ છું, હું મોહનભાઇ છું.. કે હું રમેશભાઇ છું, હું રમેશભાઇ છું.. એવો કોઇ જપ આપણે નથી કરવો પડતો, કે નથી કરતાં, એ માટે કોઇ પૂજા પણ નથી કરતા, કારણ કે દેહભાવ આપણે માટે સહજ છે. હું ચાલતો હોઉં, ખાતો હોઉં, પીતો હોઉં.. પણ મને સહજ રીતે (નેચરલી) માણસ હોવાનો અને એ શરીર હોવાનો ભાવ રહ્યા જ કરે છે, એનું કોઇ દિવસ વિસ્મરણ નથી થતું, બસ, તદ્દન આવી જ સહજ રીતે જ્ઞાનીને આત્મભાવ, પરમાત્મા સાથેનો આત્મભાવ સહજ હોય છે.

જ્ઞાની અષ્ટાવક્રે તેથી જ એક જગ્યાએ જનકરાજાને કીધું છે કે ‘તું, શુદ્ધ-બુદ્ધ ચેતના છે, તારી મુશ્કેલી એ જ છે કે તું ધ્યાન કરે છે, સમાધિ માટેનો પ્રયત્ન કરે છે, निःसंगो, निष्क्रियोऽसि.. તું નિઃસંગ છે, તું નિષ્ક્રિય છે, તું સ્વયંપ્રકાશ છે, તારું બંધન જ આ છે કે તું ધ્યાન કરે છે, સમાધિ માટેનો પ્રયત્ન કરે છે.. આ જ બંધન છે.’

જ્ઞાનીને તો આવી બધી વાતો, આત્મભાવ તદ્દન સહજ હોવો જોઇએ, કેમ કે હું જ્યારે માળા લઇને બેસું છું ત્યારે મને એ તદ્દન સ્પષ્ટ છે કે હું માણસ છું, મને મારો દેહભાવ દૃઢ છે, અને જો મને મારા માણસ હોવા માટે જરા પણ શંકા હોય, કે હું માણસ નહીં, પણ કૂતરો છું, વાનર છું, ગધેડો છું.. એવું લાગતું હોય તો મારે ‘હું માણસ છું’, ‘હું માણસ છું’,.. એમ જાપ જપવો પડે. જો મને હું માણસ સિવાય અન્ય છું એવો વિચાર આવતો હોય તો મારે ‘હું માણસ છું’, એવું મારી જાતને કહેવું પડે, જાપ જપવા પડે. અને જો હું પોતાને અનાત્મ માનતો હોઉં, તો જ ‘હું આત્મા છું’, ‘હું આત્મા છું’, એવો જાપ જપવો પડે. અને તું પોતાની જાતને રાજા જનક, અનાત્મ માને છે તો જ એનાથી બહાર આવવા ધ્યાન-સમાધિનો અભ્યાસ કરે છે એ જ તારી મુશ્કેલી છે.

એટલે, જ્ઞાનીને તો આવું બધું સહજ હોય, પણ બીજા જેને આ વાત સહજ નથી એણે તો ભગવાન સાથે સતત યુક્ત રહેવા માટે કોઇ-ને-કોઇ પ્રયત્ન તો કરવા જ પડે.

જ્ઞાનીને મન એવો કોઇ સવાલ જ નથી કે હું ભગાવન સાથે કઇ રીતે યુક્ત રહું, એના ચિત્તમાં તો બસ એક જ વૃત્તિ હોય આત્મભાવની બીજા કોઇ વિચાર જ ના હોય, બીજો કોઇ ભાવ જ ના હોય અને તેતી એના દરેક કર્મ પરમાત્માને સમર્પિત કરીને જ થવાના.

માણસ ભગવાન સાથે જોડાઇ રહે એ માટે આપણા સંતોએ ભક્તિની સુંદર વિધિઓ ઘડી આપી હતી કે ભઇ, ખાવાનું બનાવવાનું છે તો ભગવાન માટે બનાવવું. હવે, જ્યારે આપણે ત્યાં કોઇ મહેમાન ઘણાં વર્ષો પછી આવવાના હોય, એમના પ્રત્યે ખૂબ પ્રેમ-લાગણી પણ હોય અને વર્ષો પછી મળતાં હોઇએ તો એમને માટે આપણે બધી સરસ તૈયરી કરીએ, ઘર સાફ કરીએ, ઓરડો સાફ કરી દઇએ, એમને માટે સરસ ભોજન પણ બનાવીએ.. તો આવું બધું કરતાં-કરતાં એ વ્યક્તિની ભાવાત્મક હાજરી સતત આપણી સાથે હોય, એનું પ્રેઝન્સ હોય, એની એક પ્રકારની ઉપસ્થિતિ આપણા હૃદયમાં, મનમાં રહ્યા કરતી હોય, ઘરના અન્ય કામો પણ કરીએ પણ મનમાં સતત એની યાદ રહેતી હોય, બીજું બધું કરતાં હોઇએ, પણ સતત એનું પ્રેઝન્સ હોય, એની ઉપસ્થિતિ હોય જ.

તો, જે ભક્ત કે સાધકનું મન સતત યુક્ત નથી, પૂર્ણ રૂપે પરમાત્મા સાથે આત્મસાત નથી થયું, જેનો આ ભાવ સહજ નથી હોતો, તો પછી એણે હું સતત કોઇ-ને-કોઇ નિમિત્તથી ભગવાન સાથે જોડાઇ રહું એ ભાવ દૃઢ કરવા માટે આવશ્ય પ્રયત્નો કરવા. એક સંત તો ત્યાં સુધી કહે છે કે આપણે બાથરૂમ જઇએ તોય એવો ભાવ રાખવો કે હું બાથરૂમ જઇ આવું પછી સાધના કરીશ, ન્હાવા જઇએ તો નાહીને આવીને પછી ધ્યાન કરીશ. એટલે, આપણી દરેક ક્રિયાઓમાં ભગવાન સાથે મારું ધ્યાન, સંબંધ જોડાયેલા રહે, એ પ્રમાણેનો ભાવ નિર્માણ થાય તો, પછી ધીમે-ધીમે મારું ચિત્ત એમાં જ રહેવા લાગે. હું કામ ભલે કોઇ પણ કરું, પણ મન, ચિત્ત તો ભગવાનમાં જ રહ્યું હોય.

મને ઘણી વખત વિચાર આવે કે આપણે કોઇ મંદિરમાં સેવા આપવા જઇએ, અથવા કોઇ મંદિરની પ્રદક્ષિણા કરતાં હોઇએ તો મંદિર તો એ જ વસ્તુઓથી બન્યું હોય છે જેનાથી આપણું ઘર-મકાન બનેલું છે – રેતી, સિમેન્ટ, કપચી, લોખંડ, લાકડાં, ગારો, ચૂનો, વિગેરેથી. પણ, મંદિર ફરતે ફરીએ છીએ તો એને આપણે પ્રદક્ષિણા કહીએ છીએ, પણ ઘર કે મકાન ફરતે ફરીએ છીએ તો એવું નથી કહેતાં, ઘર-મકાન ફરતે આંટો મારીએ છીએ, કે ટહેલીએ છીએ એેવું કહીએ છીએ. ચાલવાની ક્રિયા તો બંને ફરતે છે, તેમ છતાં, એકને માટે આપણે પ્રદક્ષિણા કહીએ છીએ, બીજા માટે સામાન્ય આંટો કે ટહેલવાનું કહીએ છીએ. આવું કેમ ? કારણ કે મંદિરમાં સતત ભગવાનનું અસ્તિત્વ હોવાનું, ત્યાં જતાં, ફરતાં સતત ભગવાનનું સ્મરણ થતું રહે છે – ત્યાં, મંદિરમાં હું શરીરથી ચાલુ તો છું, પણ મારું ચિત્ત તો ભગવાનમાં છે, જ્યારે બીજી જગ્યાએ  ભગવાનના અસ્તિત્વની વાત જ નથી હોતી, તેથી ત્યાં ચાલવાને આપણે પ્રદક્ષિણા નથી કહેતાં. એવી જગ્યાઓમાં પ્રદક્ષિણા નથી થઇ શકતી, કે નથી પરિક્રમા હોતી. પરંતુ, જો આમ કોઇ પણ જગ્યાએ ચાલવાનું હોય અને ત્યાં મારું શરીર, મન, ચિત્ત બધું જ ભગવાન સાથે હોય તો એ ચાલવાની ક્રિયા પણ પરિક્રમા થઇ શકે છે.

ભાષ્યકાર કહે છે संचारः पदयोः प्रदक्षिण विधिः કે હું જે રીતે ચાલું છું, જ્યાં પણ ચાલું છું, ગમે ત્યાં ચાલુ છું તો પણ હે પ્રભુ, એ બધું તારી જ પ્રદક્ષિણા છે.

આપણે મંદિરમાં જઇએ છીએ અને આપણામાં સેવાભાવ પણ છે, તો ત્યાં વિવિધ વિભાગોમાં સેવાની આવશ્યકતા હોય છે, અન્નપૂર્ણામાં પણ સેવા હોઇ શકે, અન્નપૂર્ણામાં શાક સુધારવાની પણ સેવા હોઇ શકે, રોટલી વણવાની સેવા હોઇ શકે, રોટલી શેકવાની પણ સેવા હોઇ શકે.. ત્યાં આપણે એવું નથી કહેતાં કે હું તો શાક સુધારું છું, ત્યાં તો એવું કહીએ છીએ કે સેવા કરીએ છીએ, ભગવાનની સેવામાં રહીએ છીએ. ત્યાં કચરો વાળવાનો હોઇ શકે, બીજું પણ કોઇ કામ હોઇ શકે, કોઇને ઓફિસમાં સેવા હોઇ શકે, કોઇને બીજા વિભાગમાં સેવા હોઇ શકે છે, ત્યાં કોઇ સાધક સ્ટોલમાં હોય, ત્યાં એ કશુંક વેચતો હોય, કોઇ નાનો-મોટો સામાન વેચતો હોય, પુસ્તક પણ વેચતો હોય.. તો ત્યાં, એનો એવો ભાવ નથી થતો કે હું અહીં પુસ્તક વેચવા આવું છું, ના, ત્યાં તો ભગવાનની સેવા માટે આપણે જઇએ છીએ.

આમ જોવા જઇએ તો વ્યવહારિક જીવનમાં થતાં ઘણા કામો ત્યાં મંદિરમાં પણ કરાતાં હોય છે, પરંતુ જે કામ વ્યવહારિક જીવનમાં થાય છે એ પોતાને માટે, પોતાના સ્વાર્થ માટે, ક્યારેક કુટુંબ-સંસારને માટે કરાતાં હોય છે, જ્યારે મંદિરમાં કરાતાં એ જ કામો તો ફક્ત ભગવાન માટે નિઃસ્વાર્થ ભાવે જ કરાતાં હોય છે, તેથી એ જ કામો સેવા બની જાય છે. કામો એ-ના-એ જ હોય છે, માત્ર ભાવ બદલવાનો છે, એટલે હું જે પણ કાંઇ કામ કરું છું એ કામ સાથે મારા સ્વાર્થનો ભાવ બદલાય, એની જગ્યાએ સેવાનો ભાવ આવે, તો સાથે-સાથે એ દરેક કાર્યો કરતાં-કરતાં પણ હું ભગવાનની સાથે એક થઇ, યુક્ત થઇ રહી શકું છું.

જે લોકો આવી રીતે ભગવાન સાથે સતત યુક્ત થઇ રહી શકે છે, એવા લોકોને ભગવાન કહે છે तेषां सततयुक्तानां, એવા લોકોને બીજી આશા, એષણા નથી અને એ લોકો भजतां प्रीतिपूर्वकम् માત્ર ને માત્ર પ્રેમવશ થઇ ભગવાન ભજે છે, ભજન માટે એમનો બીજો કોઇ આશય નથી, પ્રયોજન પણ નથી, બસ તેઓ તો પ્રેમવશ થઇ ભગવાનને ભજે છે.

રામકૃષ્ણ પાસે હલધારી નામે એક ભાઇ રહેતા હતા, અને એ ભાઇ તો આખો દિવસ એમના રૂમની બહાર બેસીને માળા કર્યા કરે. હેતુ શું, તો કહે એમને માથે થોડું દેવું ચડી ગયું હતું, તેથી એમને એમ કે રામકૃષ્ણ પાસે બહુ મોટાપૈસાવાળા લોકો પણ આવે છે તો એમનામાંથી કોઇ સાથે આપણો પરિચય થઇ જાય તો આપણી સમસ્યાનું નિરાકરણ પણ થઇ જશે.

હું જ્યારે ખંભાત રહેતો હતો ત્યાં એક ભાઇ જે કોઇ વીમા કંપનીમાં પદાધિકારી હતાં તે એક દિવસ મળવા આવ્યા હતાં. સ્વાભાવિક છે કે આ ભાઇને પબ્લિક ડીલિંગ વધારે હોય, તો એણે જોયું કે ગળામાં કંઠી પહેરવાથી આપણું કામ વધારે સારું થાય એમ લાગે છે. તો થોડાં દિવસમાં પછી મળવા આવ્યા ત્યારે મેં જોયું તો એણે તો કપાળ પર તિલક પણ કર્યું હતું, ગળામાં કંઠીય હતી !

તો, મેં એ ભાઇને કીધું, ‘કેમ ભાઇ, તેં તો કંઠી પહેરી લીધીને કાંઇ ?’ તો કહે, ‘આમ કરવાથી મારું કામ સહેલું થઇ જાય છે.’ થોડા સમય પછી બીજા શહેરમાં એને જોયા તો એણે કંઠી કાઢી નાંખી હતી. એટલે, લોકો આવું બધું કરતા હોય – માથે ચાંલ્લો-ટીલો કરે, ગળામાં કંઠીય પહેરે, પછી એ મંદિરે પણ જતા હોય, ભગવાનનું ભજન કરતા હોય. શેને માટે ? આપણું કામ થઇ જશે એટલા માટે. એ લોકોને ભગવાન પ્રત્યે પ્રેમ ના હોય, સ્નેહ ના હોય, માત્ર પ્રેમવશ ભજતાં હોય એવું ના હોય.

વિવેકાનંદ રામકૃષ્ણ પાસે જતા, નિયમિત જતા. તો, રામકૃષ્ણ થોડા દિવસો સુધી બીજા ભક્તો આવ્યા હોય, બીજા લોકો ત્યાં આવ્યા હોય એ બધાં સાથે વાતો કરે, પણ વિવેકાનંદ બાજુ જોવે પણ નહીં, એમની સાથે વાતો પણ ના કરે. રામકૃષ્ણે જોયું કે એમના આવા વર્તન છતાં વિવેકાનંદ તો નિયમિત રીતે આવે જ છે. એટલે એમણે વિવેકાનંદને એક દિવસ પૂછયું, ‘હું તારી તરફ જોતો પણ નથી, તારી સાથે વાત પણ નથી કરતો, તોય તું આવે છે!’ વિવેકાનંદ કહે, ‘મેં ઘણી વાતો સાંભળી છે, હું અહીં આવું છું તે એટલા માટે કે મને તમારી જોડે સ્નેહ છે, પ્રેમ છે એટલે હું અહીં આવું છું, તમારી માત્ર વાતો સાંભળવા નથી આવતો.’

આપણે કેટલી વખત જોઇએ છીએ કે કોઇ આપણને મળવા આવ્યું હોય, અને તેવામાં એના તરફ થોડું પણ ધ્યાન અપાયું ના હોય તો બીજા જ દિવસે એમને થાય કે ‘મારી તરફ તો જોયું પણ નહીં, મારી સાથે વાત પણ ના કરી.’ અહીં આશ્રમ પર એક સાધક આવે, તો એક વખત એમની વ્યવસ્થામાં એક-બે વખત જગ્યા બદલવાની થઇ, અને વ્યવસ્થાપકોએ એ જ્યાં બેઠાં હતાં એ વ્યવસ્થામાં થોડો ફેરફાર કર્યો હશે, એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસાડી દીધા, તો એ ભાઇ તો એ દિવસથી આશ્રમ પર આવતા જ બંધ થઇ ગયા !

એટલે, એમનો મળવા આવવાનો હેતુ પ્રેમ ના હોય, માત્ર સ્નેહનો હેતુ ના હોય, એ સિવાય બીજો હેતુ હોય, કોઇને-કોઇ આશા હોય એ માટે આવતા હોય.

ધારો કે આપણે બજારમાં ગયા, શાક માર્કેટમાં જઇએ તો એમ જ વિચારીએ ને કે જે સારું-સારું હોય એ શાક-ભાજી લાવીએ, એવું તો ના વિચારીએ ને કે ગમે તેવું હોય, કે થોડું બગડેલું હશે તોય લેતાં આવીશું, એવું તો ના જ વિચારીએને ? કોઇ કાપડની દુકાનમાં જઇએ તો સારાં કપડાં જ લાવીએ, ડૉકટર પાસે જઇએ તો આશા રાખીએ કે એ સારા હોય, સારી દવા આપશે, આપણો વ્યાધિ ઝટ દૂર કરશે. તેવી જ રીતે, કોઇ વકીલ પાસે જઇએ તો થાય કે એ સારો હોય, કોર્ટમાં જજ સામે સારી રીતે દલીલ કરી આપણો કેસ જીતાડી આપશે.

મંદિરમાં જઇએ તો ત્યાં શું આશા લઇને જઇએ ? હું શાક માર્કેટમાં જાઉં ત્યારે સારું જ શાક લાવવાનું વિચારું, શાળા-કૉલેજમાં જાઉં તો ત્યાં મને સારી રીતે ભણાવનારા શિક્ષક મળે, મને સારાં માર્ક આવે એવું વિચારીએ. અને મંદિર જતો હોઉં તો હું શું કરું છું ? એ આશા લઇ ત્યાં જાઉં છું કે ત્યાંથી મને બે સફરજન મળી જાય, મારો તાવ મટી જાય, મારે ત્યાં બાળક આવી જાય.. અરે ! આવું બધું તો ડૉકટરો પણ કરી શકે છે, ભગવાન પાસે મંદિરમાં જઇને આવું બધું શું માગ્યું ?

તો, ત્યાં મંદિરમાં ભગવાન પાસે જઇ શું માંગવાનું ? મંદિરમાં જઇને ભગવાન પાસે ભગવાનનો પ્રેમ માંગવાનો હોય. ડૉકટર પાસે કેળું લેવા ના જઇએ, શાક લેવા ના જઇએ, તો ભગવાન પાસે જઇને અનન્ય ભગવદ્પ્રેમ જ માંગવાનો હોય.. અને બીજું માંગીએ તો એ ભાજી-પાલો માંગવા જેવું થાય, અને સામાન્ય રીતે લોકો ભગવાન પાસે તો જાય છે, પણ ત્યાંથી શું માંગી લાવે છે ? ભાજી-પાલો.

વળી, ભગવાન પાસે જઇ અનન્ય  એવો ભગવદ્પ્રેમ સિવય અન્ય વસ્તુ માંગી લાવીએ તો એને ખરી, સાચી બુદ્ધિ નથી કહેતાં. ખરી બુદ્ધિ તો એ છે કે જે સાધકને ભગવાન સાથે મેળાવી આપે, આને જ ભગવાન બુદ્ધિયોગ કહે છે. અને ભગવાન આ શ્લોકમાં સ્વયં આશ્વાસન આપે છે કે હું આ બુદ્ધિયોગ આપું છું ददामि बुद्धियोगं – પણ કોને આપું છું ? ‘તેમને, तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्’, બીજા કોઇને નહીં.

આમ તો બુદ્ધિ બધાં પાસે હોય છે, પણ એ બુદ્ધિ ભગવાનની સાથે યોગ કે યુક્ત કરાવી આપનારી નથી હોતી. વ્યવહારમાં ભક્ત કરતાં, સીધા સાદા માણસ કરતાં ચોર વધારે ચતુર હોઇ શકે.

હું એક વખત નડીયાદ રહેતો હતો એ ઘરની સોસાયટીની બાજુની સોસાયટીમાં કોઇને ઘેર ચોરી થઇ. ચોરી કઇ રીતે થઇ એ વાત જરા રોચક છે. જેના ઘરમાં ચોરી થઇ એ બહેન ક્યાંક નોકરી કરતા હશે, અને ચોરી કરતાં પહેલાં ચોરે આ ઘરની ઝીણામાં ઝીણી વિગત જાણી લીધી હતી. એ દિવસે ચોર સિફતથી એ ઘરમાં ઘુસ્યો. ત્યાંનું બધું સમેટતા સાંજ થઇ ગઇ.

એ ઘરમાં રોજ સાંજે એક નાની છોકરી દૂધ આપવા આવે અને એ ઘરમાં તાળું હોય તેથી રોજ એ દૂધ ત્યાં ખીંટી પર ડોલકું હોય એમાં દૂધની થેલી ટીંગાળી દે અને જતી રહે. એ દિવસે એણે જોયું તો તાળું ન્હોતું, તેથી એણે બારણું ખખડાવ્યું. બારણું ખખડ્યું તો બારણું પેલા ચોરે જ ખોલ્યું. છોકરીએ જોયું કે ઘરમાં બીજું જ કોઇ છે, ચોર સજાગ થઇ ગયો, કહે ‘હું બેનનો ભાઇ છું, બીજા ગામમાંથી મળવા આવ્યો છું. તારે શું કામ હતું ?’ છોકરીએ કીધું કે ‘હું દૂધ આપવા આવી છું.’ ‘દૂધ મૂકી દે’ અને છોકરી તો ત્યાંથી ગઇ, ચોરે દૂધ લઇ લીધું.

એવામાં સંજોગોવશાત્, પેલી છોકરીને એ ઘરના બેન જ સામેથી આવતાં દેખાયા, આજે સંયોગથી એ ઘરે વહેલા આવતા હતા, તો છોકરીએ એને કહ્યું કે ‘અરે ! તમારા ઘરે તમારાં ભાઇ તમને મળવા આવ્યા છે.’ બેને કીધું કે એના ભાઇના આવવાની કોઇ જ વાત થઇ ન્હોતી. એને થયું કે જરૂર કાંઇ ગરબડ લાગે છે. એ તો આવ્યા ઘરે દોડતા-દોડતા. બારણું ખખડાવ્યું, તો ફરી પેલા ચોરે જ ખોલ્યું, કહે, ‘તમારા ભાઇ આવ્યાં છે ને તે અંદર રૂમમાં બેઠાં છે, તમારી રાહ જુએ છે.’ બેન જેવા અંદર ગયા કે ચોર તરત જ ફરાર !

કેવી બુદ્ધિ છે ? સાદો-સીધો માણસ હોય તો ક્યાંક ભૂલ કરી બેસે, એવાને તો ચોરી કરવા જતા પહેલાં પૂરે-પૂરી રીતે તૈયાર કરવા પડે અને એ ભલો માણસ હોય તો એના તો હાથ-પગ જ ઢીલા થઇ જાય એ બીકે કે પકડાઇ જશે તો ? સાદા માણસની બુદ્ધિ, ચોર જેવી તીક્ષ્ણ બુદ્ધિ ના હોય. તો ચોર છે, નાસ્તિક છે એવા લોકોને પણ બુદ્ધિ હોય છે.

ભારતના છ મુખ્ય દર્શન-શાસ્ત્રો (Philosophies) છે, એમાંનું ગોતમ ઋષિનું ન્યાય દર્શન-શાસ્ત્ર (science of logic) ક્રમમાં પહેલું ગણાય છે. પંદરમી સદીમાંના પશ્ચિમ બંગાળના રઘુનાથ શિરોમણી આ ન્યાય દર્શન શાસ્ત્રના એક પ્રખર નૈયાયિક (logician) હતા. એક વખત એમણે એવી ચેલેન્જ આપી હતી કે તમે કોઇ પણ વાતને હકારાત્મક (પોઝિટિવ) રીતે કહો તો હું એને નકારાત્મક (નેગેટિવ) રીતે સિદ્ધ કરી દઇશ અને જો નકારાત્મક રીતે કહેશો તો હું હકારાત્મક રીતે સિદ્ધ કરી દઇશ. તમે એમ કહેશો કે ભગવાન નથી, તો હું એમ સિદ્ધ કરી દઇશ કે ભગવાન છે, અને જો તમે કહેશો ભગવાન છે, તો હું સિદ્ધ કરી આપીશ કે તે નથી.

તો, બુદ્ધિ તો બધાંય પાસે હોય, નાસ્તિક પાસે પણ હોય અને આસ્તિક પાસે પણ હોય, આસ્તિક કહેશે કે ભગવાન છે, નાસ્તિક સિદ્ધ કરી શકે કે ‘ભગવાન નથી’, પણ ભક્ત હોય તે કદાચ ‘ભગવાન છે’ આવું સિદ્ધ ના કરે. તમે ભગવાનમાં માનતા હો અને તમને કોઇ કહે કે ‘સિદ્ધ કરી આપો કે ભગવાન છે’ તો એ સિદ્ધ કરવું તમારે માટે અઘરું થઇ પડે. પણ નાસ્તિક સિદ્ધ જરૂર કરી આપશે કે ‘ભગવાન જેવું કશું છે જ નહીં.’ તો બુદ્ધિ તો એને પણ હોય, પરંતુ આવી અવળી, નકારાત્મક બુદ્ધિ ભગવાન પાસે લઇ જનારી નથી હોતી. જેમ ભક્તને, વિદ્વાનને, ભગવાને બુદ્ધિ આપી છે, એવી જ રીતે ચોરને પણ બુદ્ધિ ભગવાને જ આપી છે.

બુદ્ધિશાળીઓની એક બહુ શરસ વાત છે. વિદ્યાના ધામ તરીકે જાણીતા બનારસમાં પહેલા વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ થતાં, એમાં બે મુખ્ય પક્ષો હોય, એક વાદી (pro, for) અને બીજો પ્રતિવાદી (anti, against). એક ત્રીજો પણ પક્ષ હોય જેમાં અમુક વિદ્વાનો અલગથી બેઠાં હોય. જ્યારે કોઇ વાદી કે પ્રતિવાદી પોતાની વાત વ્યવસ્થિત રીતે સામેના પક્ષને કહી ના શક્તો હોય ત્યારે આ ત્રીજા પક્ષનો એકાદ વિદ્વાન એને મદદ કરે, વિસ્તૃત રીતે એને સમજાવે કે તમે આમ કહેવા માંગતા હતા. આ ત્રીજા પક્ષના વિદ્વાનો વાદી અને પ્રતિવાદી એમ બંને પક્ષને મદદ કરતાં. તો, ઘણા એવા લોકો પણ હોય છે જે બંને રીતે વાત કહી શકતા હોય – પોઝિટિવ રીતે અને નેગેટિવ રીતે પણ.

ભગવાને તો બુદ્ધિ બંનેને આપી છે, આસ્તિકને પણ અને નાસ્તિકને પણ, પરંતુ ભગવાન આ બંનેમાંથી બુદ્ધિયોગ કોને આપે છે ? तेषां सततयुक्तानां भजतां प्रीतिपुर्वकम्, કે જે માત્ર ભગવાનને જ પ્રેમ કરે છે, એમનું જ નિઃસ્વાર્થ રીતે ભજન પણ કરે છે, ભગવાન પાસે એ કશું જ માંગતા ના હોય.. તો, ભગવાન આવા લોકને સાચા, ખરા અર્થમાં બુદ્ધિશાળી કહે છે. ગીતા જ્ઞાન આપતા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અન્ય એક જગ્યાએ સમજાવ્યું હતું કે बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः (2ः49) ‘અર્જુન, તું બુદ્ધિની શરણમાં જા, કર્મફળની ઇચ્છાવાળા છે એ તો કૃપણ છે, બુદ્ધિશાળી નથી, હોંશિયાર નથી.’

જે સમસ્ત બ્રહ્માંડના રચયિતા છે, નિયંતા છે અને પાલનહાર પણ છે અને આ કારણે જગતની બધી જ વસ્તુઓ એમના તાબામાં છે, એમની પાસે.. છે તો, આવા જગતના સ્વામી પાસે જઇને તું એને ના માંગે, અને એની પાસેથી માત્ર કોઇ નાની વસ્તુ માંગીને આવતો રહે, તો શું તું બુદ્ધિશાળી કહેવાય ? જો આવું કરે તો તારી બુદ્ધિ કેવી કહેવાય ? ભગવાનનું હું ભજન કરું છું, આજીજી-વિનંતી પણ કરું છું એની પાસે પણ જાઉં છું અને જ્યારે માંગવાની વાત આવે ત્યારે હું કોઇ એકાદ-બે ફળ માંગીને આવતો રહું.. !?!?!

હું એક રાજા પાસે જાઉં છું, ત્યારે રાજા ખુશ હોય, મને કહે ‘તારે જે જોઇએ એ તું માંગ, હું તને આપીશ.’ અને ત્યારે હું માંગુ કે ‘મારે એક ઓરડી બનાવવી છે, તો એને માટે મારે ત્યાં ઇંટ-પત્થર-રેતી બધું મોકલી આપો’ અથવા તો મારે માટે ખાવાનું માંગી આવતો રહું.. ?

એટલે, ભગવાન પાસે જઇને હું ભગવદ્-પ્રેમ ના માંગુ તો એમાં મારી બુદ્ધિમાની નથી, બુદ્ધિમત્તા તો ત્યારે કહેવાય કે જ્યારે હું ભગવાન પાસે જાઉં અને ત્યારે માત્ર ભગવદ્-પ્રેમ માંગુ છું, એના સિવાય બીજું કશું જ નથી માંગતો. જો હું આવું નથી કરતો તો જેવું ધ્રુવને પસ્તાવાનું થયું તેવું થાય. આકરી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ધ્રુવને સાક્ષાત્કાર થયો, ભગવાનનાં દર્શન થયાં, અને ભગવાને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે ધ્રુવે રાજ્ય માંગ્યું, સ્વર્ગ માંગ્યુ અને જ્યારે એ સ્વર્ગમાં જાય છે ત્યારે ત્યાં ધ્રુવને પસ્તાવો થાય છે કે મેં માંગી-માંગીને આવું, આટલું જ માંગ્યુ, પણ આ બધાનો સ્વામી જે છે એ સ્વયં ભગવાનને ના માંગ્યા, હું કેવો મૂર્ખ છું.’

તો, જેને ભગવાન સિવાય કશું જ ના જોઇતું હોય એને માટે ભગવાન કહે છે હું એને બુદ્ધિયોગ આપું છું, એવી બુદ્ધિ આપું છું જે ભગવાન સાથે, પરમ ચૈતન્ય સાથે યોગ કરાવી દે છે, એ બુદ્ધિયોગ છે, જે એની સાથે યુક્ત કરાવી દે છે.

ભાષ્યકાર કહે છે કે હું બુદ્ધિ એટલે એટલું જ સમજી શકું એ પરમ સત્તા છે, પરમ ચૈતન્ય છે જે દરેક વસ્તુનું મૂળ કારણ છે, આ એ જ પરમ સત્તા છે જેમાંથી જ બધી વસ્તુ આવી છે, અને તે એવી સત્તા પણ છે જે દરેકે-દરેક વસ્તુની અંદર પણ છે – એ જ પરમાત્મા છે, એ જ પરમ જ્ઞાન છે, એ જ બુદ્ધિ છે.

જ્ઞાન અને અજ્ઞાનમાં બહુ ફેર છે. એક સંત એવું કહેતાં કે જ્ઞાન હોય તો સંસારમાં બધે ભગવાન દેખાય અને અજ્ઞાનને લીધે ભગવાનમાં પણ સંસાર દેખાય. તો, જ્ઞાન અને અજ્ઞાનમાં તફાવત છે. તફાવત બુદ્ધિ અને મૂર્ખતામાં છે, મૂર્ખતા એટલે ભગવાનમાં સંસાર દેખાય, અને બુદ્ધિમત્તા એટલે ભગવાન સંસારમાં દેખાય, સમસ્ત બ્રહ્માંડના એકએક કણમાં ભગવાનને જોઇ શકે, એને જાણી શકે, એને અનુભવી શકે.. આ બુદ્ધિયોગ, અને આવો બુદ્ધિયોગ હું આપું છું – ददामि बुद्धियोगं तं. કોને આપું છું ? કહે કે જે પ્રીતિપૂર્વક, સ્નેહસભર નિઃસ્વાર્થ રીતે મને ભજે છે, એના માટે પછી બધી વ્યવસ્થા ભગવાન કરે.

એક દિવસ મહારાષ્ટ્રના એ સમયના થોડા સંતો બેઠા હતા, તો આમ, અમસ્તા જ એ સંતોમાં એવી વાત નીકળી કે ચાલો, આપણે જોઇએ કે આપણામાંથી કોણ પાકો સંત છે, અને કોણ કાચો. આ સંતોમાં એક ગોરા કુંભાર નામના સંત પણ હતા, બધા સંતોએ એમને જવાબદારી સોંપી કે તમે નક્કી કરો. ત્યાં સંત એકનાથ, સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઇ, નિવૃત્તિનાથ સાથે અન્ય સંતો પણ હતા. કુંભારનો વ્યવસાય એટલે નામ પડ્યું હતું ગોરા કુંભાર, માટીના માટલા બનાવે, એ તો રોજ લાકડીથી ટકોર કરી તપાસી જુએ કે બનાવેલું માટલું કાણું છે, કાચું છે, કે પાકું છે એમને તરત ખબર પડે. એવી જ રીતે સંતોને કાચા છે કે પાકા તપાસવા માટે એમણે તો લાકડી લીધી, અને સંતો પર હળવેથી લાકડી મારી જોઇ અને કહે કે આ પાકો છે.. આમ કરતાં-કરતાં તેઓ આવ્યા સંત નામદેવ પાસે. તો નામદેવને ગમ્યું નહીં કે આ તો આપણને લાકડી મારે છે. એટલે એ તો ઉશ્કેરાઇને બોલ્યા, ‘ના, ના, તમે મને આવું ના કરશો.’ તરત જ મુક્તાબાઇ બોલી પડ્યા કે ‘આ કાચો’. એટલે બધા સંતો હસી પડ્યા, કહેવા લાગ્યા કે ‘આ કાચો.’

નામદેવને બહુ દુઃખ થયું, કે ‘હું તો ભગવાનની કેટલી ભક્તિ કરું છું, ભગવાન સાથે રમું છું, ભગવાન મને સાક્ષાત્ દર્શન પણ આપે છે, એમની સાથે તો હું વાર્તાલાપ પણ કરું છું, ભગવાન પ્રત્યે મારો આટલો બધો પ્રેમ છે, તોય મારી ભક્તિ હજી કાચી, હું કાચો.. !?’

પછી જ્યારે ભગવાનના દર્શન થયા, ત્યારે નામદેવે ભગવાન સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ભગવાને કહ્યું, ‘તને મારા વ્યક્ત સ્વરૂપનો જ ખ્યાલ છે, અવ્યક્ત સ્વરૂપનો ખ્યાલ નથી, તને મારા સગુણ સ્વરૂપનો જ ખ્યાલ છે, નિર્ગુણ સ્વરૂપનો નહીં, તું મારા સાકાર સ્વરૂપને ઓળખે છે, નિરાકારને નહીં. તેથી તારી ભક્તિ અધૂરી કહેવાય, કાચી કહેવાય. પૂર્ણ ભક્તિ તો એને કહેવાય કે જે સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર એમ બંનેને એમ પૂર્ણ રૂપે સમજતી હોય, જેમાં ભક્તિનો પ્રેમભાવ પણ હોય અને જ્ઞાનનું તેજ પણ હોય, જ્ઞાનાગ્નિ પણ હોય અને ભક્તિની ભીનાશ પણ હોય, ઠંડક પણ હોય. એવી ભક્તિ પાકી, ભક્ત પાકો.

રામકૃષ્ણ કહેતા કે ભક્તિમાં એટલી ઠંડક હોય છે કે એ ઠંડી પાણીને બરફ બનાવી દે, બાષ્પને પણ બરફ બનાવી દે, એવી ભક્તિ નિરાકારને સાકાર બનાવી દે, અને જે સર્વ-વ્યાપક છે એને એ પ્રતિમામાં, એક ઇષ્ટદેવની મૂર્તિમાં અનુભવ પણ કરી શકે છે એટલી ઠંડક હોય છે ભક્તિમાં. જ્ઞાનમાં એટલું તેજ હોય છે કે એ આકારને પણ નિરાકાર બનાવી દે, સગુણને પણ નિર્ગુણ બનાવી દે, અને સગુણમાં, મૂર્તિમાં પણ એ નિર્ગુણને, સર્વાવ્યાપકને જોઇ શકે.

એટલે, પૂર્ણ સમજ, પૂર્ણ બુદ્ધિનો અર્થ એ છે કે એમાં ભક્તિનો ભાવ પણ છે, અને જ્ઞાનનો પ્રકાશ પણ છે, જ્ઞાનની પણ દૃષ્ટિ છે, અને ભક્તનું હૃદય પણ છે – આવી હોય છે જ્ઞાનીની પૂર્ણ પ્રતિભા, પૂર્ણ સ્થિતિ.

ભગવાને એટલે નામદેવને કહ્યું કે તને નિરાકારનો હજુ ખ્યાલ નથી. તો નામદેવે પૂછયું, ‘મારે શું કરવાનું ?’ ભગવાને ત્યારે એક સંતનું નામ લીધું, કહે, ‘તું ત્યાં એમની પાસે જા, એ તને ઉપદેશ આપશે.’

ભગવાન પણ કોઇ-ને-કોઇ નિમિત્તથી, કોઇ-ને-કોઇ માધ્યમથી વ્યક્ત થતા હોય છે, ક્યારેય સીધા એમના પોતાના સ્વરૂપથી મદદ ના કરે, બીજા દ્વારા, બીજા માધ્યમથી મદદ કરે. અને ભક્તને એમના પ્રત્યે ખરેખર એવો તીવ્ર ભાવ હોય તો લૌકિક કાર્યમાં પણ એવું જ થતું હોય છે, અને એ વાત મેં જોઇ છે.

મને એક સાધકનો ખ્યાલ છે. એક દિવસ એ સાધક થોડા દિવસો માટે ઘરમાંથી પૈસા-બૈસા લીધા વગર નીકળી પડ્યો, અને એવી રીતે રહીને પણ આવ્યો. એ વખતે ભગવાન પ્રત્યે એમનો એટલો બધો દૃઢ ભાવ હતો કે એ તો એમના ભગવાનને પૂરેપૂરા સમર્પિત થઇ ગયા હતા, ટોટલ સરન્ડર, કહેતા કે મને સંભાળનાર છે, અને ભગવાને એમને સંભાળ્યા હતા. પછી એ ઘરે આવી ગયા.

એ અરસામાં એમને માથે પોતાનું મકાન બનાવવાનું આવ્યું, મને કહે, ‘હું તો મારા જૂના ઘરના ધાબા પર ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે ‘હે ભગવાન ! હવે તો તું જ આર્કિટેક્ટ, એન્જિનિયરોના હૃદયમાં પ્રવેશ કરી જજે, અને એના થકી તું મારું આ મકાન બનાવજે.’ અને ખરેખર, એમનું ઘર એટલા સસ્તામા  થયું કે કોઇ કલ્પના પણ ના કરી શકે, અને એ ઘર તો એટલું સરસ બન્યું હતું, કે 20-25 વર્ષો સુધી એ ઘરને આર્કિટેક્ટો જોવા પણ આવતા હતા, એટલું સરસ બન્યું હતું.’

આવી જ રીતે ભગવાન ડૉકટરના હૃદયમાં પણ જઇને કામ કરી શકે છે, આપણે એવી શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરી શકતા હોઇએ, એવી શ્રદ્ધા રાખી શકતા હોઇએ તો અંતતઃ તો ભગવાન જ બધું કામ કરતો હોય છે, પણ અન્યોના માધ્યમથી.

એટલે, ભગવાને નામદેને એ સંત પાસે મોકલ્યા. નામદેવ આવ્યા, અને જોયું તો એ તો ભગવાન, શિવજીના શિવલિંગ તરફ પગ કરીને સૂતા છે. નામદેવને તો બહુ ખોટું લાગ્યું, થયું, ‘ભગવાને મને કોની પાસે મોકલી દીધો ? આ તો સાવ નાસ્તિક લાગે છે, શિવલિંગ સામે પગ રાખી સૂતા છે.’ એમણે તો પેલા સંતને કહ્યું કે ‘તમે શિવલિંગ સામે પગ રાખીને સૂતા છો.’ ‘તો, તમે જ મારા પગ એ બાજુ કરી દો, કે જ્યાં શિવજી નથી.’ ત્યાર પછી, નામદેવને આ વાત ધીરે-ધીરે સમજાઇ.

મારા જીવનમાં પણ એક વખત આવું જ બનેલું. હું જ્યારે અમરનાથની યાત્રાએ જતો હતો, ત્યારે અમારી બસ શ્રીનગરથી શંકરાચાર્ય ટેકરી પર જઇને આગળ જવાની હતી, ત્યાં શંકરાચાર્ય ટેકરીએ દર્શન કરીને પછી આગળ જવાના હતા, પણ સંજોગથી એ દિવસે ત્યાં બહુ ગિર્દી હતી, બહુ જ ભીડ જામી હતી. મંદિરમાં જવા માટેની જે મુખ્ય લાઇન હતી એમાં ઉભા રહીએ તો દર્શન થઇ શકે એમ હતા નહીં, અને બસ તો થોડા જ સમયમાં ઉપડવાની હતી. હું તો બહાર ઉભો હતો અને મને એવું લાગ્યું કે દર્શન નહીં થાય. ત્યાં થોડે દૂર એક સંત ઉભા હતા એ મારા ભાવને સમજી ગયા, મારી પાસે આવ્યા અને મારી આંખમાં જોઇ એમણે ઉપર આકાશ તરફ આંગળી ચીંધી, અને કહ્યું : ‘તને અહીં ઉપર શિવજી દેખાય છે?’ પછી, હું તો હસી પડ્યો અને એય હસી પડ્યા.

એટલે, આપણે બધી જ જગ્યાએ એ પરમ તત્ત્વને જોઇ શકીએ એ માટે એવી બુદ્ધિ ભગવાન આપણને આપે છે. ददामि बुद्धियोगं , માત્ર ભગવાનને માટે જ, ભગવાનને ઇચ્છીને ભજતો હોય, એને બીજી કોઇ જ ઇચ્છા ના હોય. આવું કરતાં પહેલાં, ભગવાન ક્યારેક આકરી પરીક્ષા લે પણ ખરાં, તેમ છતાં, ભગવાન પાસે કશું જ ના ઇચ્છતા હોઇએ, એના બદલે એ તો એમ કહે કે, ‘લો, તમારે કેટલું દુઃખ આપવું છે? જેટલું આપવું હોય તેટલું આપો, પણ તમને એમ તો નહીં જ છોડું.’

ઘણી વાર એવુંય બને ને કે ભક્તિ કરવા છતાં થોડું નુકશાન થયું, તો જે તે ભગવાનની મૂર્તિઓ હોય એને લઇને નદીએ પધરાવીને આવતા રહે, કહે, ભગવાનને ભજવાનો, ભક્તિ કરવાનો મતલબ શું ?, એટલે, જો પરીક્ષામાં નાપાસ થઇ ગયાં, એટલે ભગવાનને વિસરી જવાના !

પંદરમી સદીમાં મથુરામાં થઇ ગયેલાં વ્રજ-ભાષી પણ પ્રજ્ઞાચક્ષુ કૃષ્ણ ભક્ત કવિ સૂરદાસજીની બાબતમાં કહેવાય છે કે એક વખત તેઓ જંગલમાં ક્યાંક જતાં હતાં, તો અચાનક કોઇ કૂવામાં લપસી પડ્યા. ત્યાં આજુ-બાજુમાં કોઇ જ ન્હોતું કે એમને બહાર કાઢે, તેમ છતાં, ક્યાંકથી ત્યાં એક બાળકે આવીને સૂરદાસજીને હાથ પકડી બહાર કાઢ્યા. એ તો પાકા કૃષ્ણ ભક્ત હતાં, બાળકના સ્પર્શથી એમને શંકા થઇ કે આ તો મારા ઇષ્ટદેવ લાગે છે. એમણે પેલા બાળકનો જ હાથ પકડી લીધો, અને પૂછયું ‘કોણ છો?’ ‘તમે કોણ છો?’, જવાબ મળ્યો, ‘કોઇ નહીં, હું તો અહીં નજીકમાં ગાયો હતો, મને અવાજ સંભળાયો એટલે અહીં આવી ગયો છું, હું તો ગાયો ચારુ છું,’ એમ કહી એ બાળકે તો હાથ છોડાવવા માંડ્યો.

સૂરદાસજીએ તો એમનો હાથ વધારે જોરથી પકડી રાખ્યો, કહે, ‘ના, તું સાચું કહે કોણ છે તું?’ અને અચાનક બાળક તો હાથ છોડાવીને જતા રહ્યા.. અને ફરી કહ્યું, ‘હું તો બસ, ગાયો ચારુ છું.’ ત્યારે સૂરદાસજીએ આ પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે એમના ભજનમાં, ‘बांह छुडाए जात हो, निर्बल जानके मोहिþ, हृदय से जब Êनकसिहो तो प्रभु जानहु तोहिþ’- કે, હું નિર્બળ છું તેથી તમે હાથ છોડાવીને જતા રહ્યા, પણ તમે મારા હૃદયમાંથી જઇને બતાવો તો હું સમજું કે કાંઇક તમે પણ પ્રભુ છો, છે તમારામાં તાકાત ?’

તો, આવી ભક્તિ, કે ભગવાન સિવાય બીજું કશું જ નહીં જોઇએ, એને જ ભગવાન કહે છે કે એ ભક્તને હું એવી ભક્તિ આપું છું કે मामुपयान्ति ते, એ મને પામે છે. જો સાધક કે ભક્ત બીજી કોઇ વસ્તુની ઇચ્છા કરતો હોય તો એ જે-તે વસ્તુ કદાચ પામી પણ લે અને જતો રહે, એને ભગવાન સાથે કોઇ જ લેવા-દેવા ના હોય, એને તો બસ જે વસ્તુ જોઇએ એની સાથે જ નિસ્બત હોય. કહે, ‘ભઇ, મારે ત્યાં બાળક આવશે તો હું પાંચ-દશ-પંદર વખત તમારે મંદિરે ચાલતો આવીશ.’ બાળક આવી ગયું, કહ્યા મુજબ ચાલતા જવાઇ ગયું, બસ, પતી ગયું, પછી ભગવાન એના સ્થાને, આપણે આપણી જગ્યાએ, આપણે બાળકમાં ખુશ, ભગવાન મંદિરમાં ખુશ, પછી એમની સાથે આપણે કોઇ મતલબ જ ના રહે.

અને, જરૂર નથી કે એ જે ઇચ્છે એ બધું ભગવાન પૂરું પાડે, અને જો કદાચ એમાંથી થોડું-ઘણું પૂરું કરે તો પણ પછી એને ભગવાન નથી મળતા. ભગવાન તો એને જ મળે જે ભગવાનને અનન્ય ભાવે, નિઃસ્વાર્થ ભાવે ભજે છે, ભગવાન સિવાય એને બીજું કશું જોઇતું નથી, એને તો માત્ર ભગવાન જ જોઇએ. ભગવાન કહે છે मामुपयान्ति ते મને એ લોકો પામે છે, અને પછી એની જીવન આવશ્યકતાઓ ભગવાન પૂરી કરે છે, જેમ કે રામકૃષ્ણે તોતાપુરી માટે વ્યવસ્થા કરી હતી તેમ.

પંજાબમાં એક મુસ્લિમ સંત થઇ ગયા હતા, એની બાબતમાં એવું કહેવાય છે કે કોઇ બીજા સંતે એમને કોઇ મંત્રનો ઉપદેશ આપ્યો, તો એ માળા લઇને મંદિરની બહાર બેસી બસ, માળા જ કર્યા કરે. એમણે તો ઘર-બાર બધું જ છોડી દીધું, મંદિરની બહાર જ રહે, માળા કર્યે રાખે, દિવસ-રાત આવું કરે રાખે. જરૂર પડે ત્યારે નજીકના ગામમાં જઇ ભિક્ષા કરી લે, અને પાછા જપ કરવા બેસી જાય.

ત્યાં, નજીકમાં કોઇ એક બીજા સંત રહેતા હતા, તો થોડા દિવસમાં ભગવાને એમને દર્શન આપ્યા, સ્વપ્નમાં ભગવાન આવે, અને કહે, ‘ત્યાં મારો એક ભક્ત છે, જઇને તું એને બોધ આપ, જ્ઞાન આપ.’ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સતત આવું જ સ્વપ્ન આવ્યા કરે. છેવટે એ તો ત્યાં ગયા, જોયું તો ખરેખર સ્વપ્નમાં ભગવાને જેવું કીધું હતું એવો જ માણસ હતો. એમણે એના સ્વપ્નની એમને વાત કરી, કહ્યુ, ‘ભગવાને મને તમને બોધ આપવા મોકલ્યો છે.’ પછી, એમને જ્ઞાન આપ્યું, એમને સંતોષ થયો પછી નીકળ્યા. નીકળતા કીધું, ‘ફરી તને કોઇ દિવસ જરૂર હોય તો મને કહેજે, હું નજીક જ રહું છું.’ તો પેલો હસવા લાગ્યો. ‘તું કેમ હસે છે ?’ કહે, ‘હું તમારી વાત પર હસુ છું, હું ક્યાં તમને બોલાવા આવ્યો હતો ? જેમણે તમને મારે માટે મોકલ્યા છે, તો જરૂર પડ્યે એ જ ફરી તમને મોકલશે, હું શું કરવા કોઇને કહું.’

એટલે, ભગવાન ગમે તેમ કરીને, કોઇ પણ હિસાબે તેઓને માટે રસ્તો કરી જ આપે છે, શરત એટલી કે એ ભગવાનને અનન્ય રીતે, નિઃસ્વાર્થ રીતે પૂર્ણ પ્રેમથી ભજે તો, અને પછી એને તો ભગવાન પણ મળે છે.

॥ ૐ તત્ સત્ ॥