આપણે ભારતીય સંસ્કૃતિ અને એની આખી જીવન વ્યવસ્થા વિશે વિચાર કરી રહ્યા છીએ. એમાંની એક-બે મુખ્ય વાતો જે ધ્યાનમાં રાખવાની છે તે, એક તો આ સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પુરાતન અને અદ્વિતીય સંસ્કૃતિ છે જે લાખો વર્ષોથી આજ સુધી જીવંત રહી છે; બીજું એ કે આ સંસ્કૃતિએ મનુષ્યના જીવનના દરેક ક્ષેત્રોમાં અદ્ભુત યોગદાન આપ્યું છે.

સમાજ કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં એ પુરાતન હોય સાથે-સાથે જીવંત પણ હોય, એ એની વિશેષતા છે, જેનું કારણ એ છે કે એ સંસ્કૃતિ, કોઈ એક વ્યક્તિને લીધે ઉભી નથી થઇ, પરંતુ એ સંસ્કૃતિ, હજારો-હજારો સાક્ષાત્કારિઓ, ઋષિઓ, જ્ઞાનિઓના યોગદાનને કારણે ઉભી થઇ છે, ટકી પણ છે; અને હજારો-લાખો વર્ષો સુધી એ સંસ્કૃતિએ સમાજના લાખો-કરોડો લોકોના જીવનને ઉન્નત કરી છે, એ લોકોથી એ સંસ્કૃતિ અનુભૂત પણ થઇ છે.

સમયના પ્રવાહમાં ટકી શકેલી કોઈ પણ સાંસ્કૃતિક વ્યવસ્થા થોડા સમય પછી જૂની’ય થાય છે, અને ત્યારે એમાં અમુક તકલીફો પણ ઉભી થાય છે. સમયાંતરે લોકો એ વ્યવસ્થાના બાહ્ય સ્વરૂપને જ પકડતા થઇ જાય છે, અને જે મૂળ, જીવંત તત્ત્વ છે, જે એનું હૃદય છે એ ધીમે-ધીમે વિસરાતું જાય છે, ભૂલાઈ પણ જાય છે તેથી આપણે આપણી પુરાતન સંસ્કૃતિના મૂળ-હૃદયને ખોઈ બેસીએ છીએ. જેમ કે આપણે કોઈ પૂજા કરતા હોઈએ, તો પહેલા તો ખૂબ ભાવથી કરીએ છીએ, થોડા સમય પછી એ જ પૂજામાંથી એ જ દેવ-દેવીની પૂજા પ્રત્યે આપણો હાર્દિક-આત્મિક ભાવ ધીરે-ધીરે ઓછો થતો જાય છે, પૂજામાંથી હૃદય ખોવાતું જાય છે, અને શેષ રહે છે માત્ર પૂજાના પ્રકારો, રીત-રિવાજો.

હવે, ભાવ વગરની માત્ર બાહ્ય પૂજા-વિધિઓ જેમ જૂની થઇ જાય પછી એમાં થોડો બદલાવ, થોડાં-થોડાં સમયાંતરે  કાંઇક નવીનતા દેખાવા લાગે છે, એમાં ચેતનતાનો અભાવ દેખાવા લાગે છે તો એ સંસ્કૃતિ કે એ વ્યવસ્થાનો દોષ નથી, પણ એ સંસ્કૃતિની માન્યતાઓને, એ વિધિઓને માનનારા-આચરનારાઓનો દોષ છે, ફોલોઅર્સનો દોષ છે. જયારે કોઈ પણ વાત કે વિચાર નવા હોય તો એમાં એક પ્રકારનો ઉત્સાહ, ઉમંગ, ધગશ, જીવંતતા,  liveliness વધારે હોય છે, એ કોઈ એક-બે વ્યક્તિઓના અનુભવને લીધે એ વ્યવસ્થામાં અમુક પ્રકારનું નાવિન્ય આવ્યું હોય, તેથી આકર્ષક લાગે… પરંતુ આ બધું નવું તે નવું જ હોય એ કાંઈ હૃદયંગમ ના થયું હોય કે લોકોથી અનુભૂત પણ ના થયું હોય. થોડા સમય પાછી આ જ ‘નવી’ વ્યવસ્થા, પદ્ધતિ માટે લોકોને થાય કે આ નથી સારું, એ જૂની થઇ જાય છે, અને નવું નામ આપી એનું સ્થાન વળી કોઈ નવા રીત-રિવાજો લે’શે, અથવા તો જૂની જ વાતો-વિચાર કે પદ્ધતિને પાછી સ્વીકારશે.

અમેરિકામાં એરોબિક્સ ૧૯૭૦ના દાયકાઓમાં ખૂબ પ્રચલિત થયું હતું, ત્યાંથી ભારતમાં પણ પ્રચલિત થયું. શરીરના સ્વાસ્થ્ય માટે આ નવી પદ્ધતિ આવી ત્યારે એમાં ભાગ લેનારાઓમાં ખૂબ ઉત્સાહ હતો, બધાંને એમ જ થયું કે એરોબિક્સ કરવાથી હવે શરીરની બિમારીઓનું બધું સમાધાન થઇ જશે. સ્વાભાવિક છે, એરોબિકસ સામે યોગ ખૂબ ધીમો લાગતો હતો, ડલ (dull) પણ લાગતો હતો. પરંતુ, થોડાં જ સમયમાં લોકોને સમજાઈ ગયું કે એરોબિક્સ નથી સારું, યોગ જ સારો છે.

તો, પહેલી આ વાત ધ્યાનમાં રાખવી; બીજી વાત એ ધ્યાનમાં રાખવી કે આ સંસ્કૃતિ પૂર્ણ જ્ઞાની પુરુષોએ નિર્માણ કરી છે, એવા જ્ઞાની પુરુષો કે જેમને જીવનના બધાં જ રહસ્યોનું જ્ઞાન હતું. જગતનું અને જીવનનું જે મૂળ કારણ છે પરમ ચેતના, પરમચૈતન્ય છે જેનો જ બધે વિસ્તાર છે, જે સમસ્ત અસ્તિત્વનું મૂળ કારણ છે એ જ બધાં કાર્યોના રૂપમાં વ્યક્ત થઇ રહ્યું છે, જેમ કે સુવર્ણ આભૂષણોના રૂપમાં વ્યક્ત થઇ રહ્યું છે, આ વાતને પૂરી રીતે સમજીને, હૃદયંગમ કરીને, અનુભવીને આપણા ઋષિઓ, જ્ઞાની પુરુષોએ એવી અદ્વિતીય જીવન અને સમાજ વ્યવસ્થા ઉભી કરી હતી કે જેને આધારે આ દેશના જીવનના દરેક ક્ષેત્રોમાં ખૂબ વિકાસ થઈ શકયો છે.

આજની જે સમાજ વ્યવસ્થા છે એ પૂર્ણતયા તર્ક અને વિજ્ઞાનને આધારે ઉભી કરવામાં આવી છે. હા, એવું કહી શકાય કે આજના વૈજ્ઞાનિકો materialistic ભૌતિકી હોઈ, ભૌતિક material જગત વિશે સારું એવું જાણે છે, પણ ઘણું બધું જાણે છે એવું ના કહી શકાય, અને કોન્સિયસનેસ consciousnessના જગત, ચેતનાના જગત વિશે એ કશું જ જાણતા નથી. આનું એક મુખ્ય કારણ એ છે કે કોન્સિયસનેસ, ચેતના તો સ્પિરિચ્યુઅલ છે, પૂર્ણતયા અતીન્દ્રિય, ઇન્દ્રિયાતીત છે, એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. તો, આજની જે ભૌતિકી મટીરિઅલિસ્ટિક વ્યવસ્થા ઉભી થઇ છે એમાં જીવનમાં એકમેવ કેન્દ્રબિંદુ છે પૈસા, પૈસા જ જીવન અને સમાજના વિકાસનો મુખ્ય આધાર છે; તેથી આ વ્યવસ્થામાં માત્ર ઈકોનોમિસ્ટો, અર્થશાસ્ત્રીઓ, મૂડીવાદીઓ જ મહત્ત્વના છે, બીજા કોઈ નહીં, તેથી આજની વ્યવસ્થા એ અપૂર્ણ છે, પૂર્ણ નથી.

આ મૂડીવાદી વ્યવસ્થાએ છેલ્લા ૨૦૦-૨૫૦ વર્ષોમાં વિજ્ઞાનની જાત-જાતની શોધોને આધારે ઘણા લોકોને અકલ્પનીય ભૌતિકી સુખ-સુવિધાઓ આપી છે, પરંતુ સાથે-સાથે આ જ વ્યવસ્થાએ માણસને ઘણી બધી માનસિક મુશ્કેલીઓમાં ધકેલી પણ દીધો છે, એ તમને કદાચ ધ્યાનમાં તો આવતું જ હશે. સમાજમાં પરસ્પર દોષારોપણ, દ્વેષ, વૈમનસ્ય, સંઘર્ષ વધતાં જ જાય છે, વાતાવરણ એટલું બધું કલુષિત થઇ ગયું છે, વૈવિધ્યપૂર્ણ જીવ સૃષ્ટિમાં ધીમે-ધીમે વનસ્પતિઓ, જીવો નષ્ટ થતાં જાય છે, કુદરતી આફતો વધતાં જ રહ્યાં છે, તેથી આખી પૃથ્વી પણ એવી કપરી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે કે લોકો અંદરથી ભયભીત થઇ ગયા છે, એમને સતત એવા જ વિચારો આવે છે કે હવે શું થશે?

દરેક સમાજની ઉન્નતિનું કેન્દ્રબિંદુ છે એની શિક્ષણ વ્યવસ્થા. આપણે ભારતની વૈદિક સમાજવ્યવસ્થાની શિક્ષણ વ્યવસ્થા વિશે થોડી ચર્ચા કરતા હતા, જેમાંથી આપણે એ પણ સમજ્યા કે એ વ્યવસ્થામાં શિક્ષણ તદ્દન નિ:શુલ્ક અપાતું હતું, એ વ્યવસ્થામાં શિક્ષણ વેચાતું ન્હોતું, એ ક્ષેત્રમાં નફા-નુકશાનની વ્યાપારી ગણના ન્હોતી.

મને આજે પણ યાદ આવે છે કે હું જયારે નાનો હતો ત્યારે સાંભળતો હતો કે ત્યારે કોઈ પણ માણસ જો પૈસા લઈને કોઈને ભણાવતો હતો તો એને સમાજના લોકો સારા ભાવથી ન્હોતા જોતા, કહેતા કે એ પૈસા લઈને વિદ્યા શિખવાડે છે, કહે વિદ્યા કાંઈ વેશ્યા થોડી છે કે એને વેચી શકાય?

શિક્ષણ-વ્યવસ્થા તો નિ:શુલ્ક જ હોય, ફી આપીને, શુલ્ક આપીને, લાખો રૂપિયા ભરીને, કે લોન લઈને જે વિદ્યાર્થી ભણીને સમાજના કોઈ પણ ક્ષેત્રમાં જશે – ઈન્જીનીયર, ડોક્ટર, વકીલ, ધંધાર્થી, જે પણ લાઈનનું ભણશે – તે ક્ષેત્રમાં જઈ ત્યાં આ જ વિદ્યાર્થીને સૌથી પહેલો વિચાર આવશે કે વિદ્યા ગ્રહણ માટે જે પૈસા મેં ખર્ચ્યા છે એ કેવી રીતે જલ્દીથી ભેગાં કરું કે લોન પર લીધેલા પૈસા ભેગાં કરી શકું.

લોકો કહે છે કે આજના ડોકટરોની દાનત ખરાબ છે, એ પૈસા માટે ખોટું પ્રિસ્ક્રિપ્શન લખે છે, ખોટે-ખોટાં ઓપરેશનો પણ કરે છે, બધું ખોટું કરે છે. અરે! આ વિદ્યાર્થીને ડોક્ટર બનવા માટે એણે મોટી લોન લેવી પડી હોય, સમાજે જ એની પાસેથી લાખો રૂપિયા લીધા છે, સમાજે ડોકટરીની વિદ્યા એને વેચી છે, તો આવા દેવાદાર વિદ્યાર્થી પાસેથી તમે સેવાની કે ઈમાનદારીની આશા રાખો તો એ ખોટું છે, સમાજ એના પર અન્યાય કરે છે. સમાજે એને વિદ્યા વેચી, એ હવે એની પ્રેક્ટિસ વેચે છે. હિસાબ બરોબર કે નહીં? જો ડોક્ટર કે વકીલ પાસેથી સેવા, દયા વિગેરેની આશા રાખવી છે તો એને એ પ્રમાણેનું નિ:શુલ્ક ભણતર આપવું જોઈતું હતું !

તો, વિજ્ઞાન અને પૈસા આધારિત સમાજમાં સૌથી મહત્ત્વનું છે પૈસા કમાવાનું, અને તે પણ યેન-કેન-પ્રકારેણ. દરેક ક્ષેત્રના બધા જ લોકો હવે એક જ વાત, પ્રોફિટની જ વાત કરશે, “આમાંથી મને શું અને કેટલો ફાયદો મળશે”.  અહીં અમદાવાદમાં એક યુરોપિયન છોકરો રહે છે, લોકોએ એને પૂછ્યું કે તમે અહીંયા રહેવાનું કેમ પસંદ કર્યું, તો કહે, “અહીં ગાડી ચલાવવાની મઝા પડે છે, ત્યાંના જેવું અહીં કોઈ જ બંધન કે ચુસ્ત નિયમ જ નહીં, તેથી આપણે ટેન્શન ફ્રી થઇ જે રીતે ગાડી ચલાવવી હોય તેમ ચલાવાય!” ફાયદો!

થોડા વખત પહેલા સાંભળ્યુ હતું કે લંડનની વિશ્વવિખ્યાત પોલીસ સંસ્થા સ્કોટલૅન્ડ યાર્ડની ભવ્ય ઈમારત દુબઈના ઇન્વેસ્ટરોએ ખરીદી લીધી પૂરા ૩૭૦ મીલીયન પાઉન્ડમાં (અંદાજે રૂ.૩૭ કરોડ)!! ત્યાંની મીડિયાએ આને પોલીસ તંત્ર દ્વારા ધોળે દિવસની લૂંટ કહી! આમ, હવે તો સરકારી પોલીસ તંત્ર પણ પ્રોફિટનો જ વિચાર કરે છે; ન્યાયતંત્ર જ્યુડીશીયરી પણ આવા જ વિચારો કરે છે. પરદેશોના શહેરના અમુક રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા અમુક જગ્યાએ CCTV કેમેરાઓ મુકાયા હોય એ પણ પ્રોફિટને ધ્યાનમાં રાખીને એવી સરસ જગ્યાએ ગોઠવ્યા હોય કે ૬૦ની સ્પીડ તરત જ અડધી થઇ ૩૦ની સ્પીડ થઇ જાય! આ 3૦ની સ્પીડનું બોર્ડ ઝટ નજરમાં નહીં આવે એવી જગ્યાએ મુક્યું હોય પણ ત્યાં ગોઠવાયેલો કેમેરો તમારી સ્પીડને પરફેક્ટ નોંધી લે છે!! આમ, પોલીસ તંત્ર પણ CCTV નો ઉપયોગ માત્ર સ્પીડ ચેકિંગ કરવા માટે કેમેરાઓ નથી મુકતુ, પણ મેક્સીમમ પ્રોફિટ કરવા માટે મૂકાયા હોય છે.

આ પ્રોફિટની માનસિકતાથી બધા જ ગ્રસ્ત છે, તેથી બધા ક્ષેત્રોમાં કામ કરતા લોકો પ્રેશર, દબાણમાં જ જીવે છે. એક જ વાત, પ્રોફિટ વધારો, ટાર્ગેટ હોય બધા માટે, તેથી બધા જ દબાણમાં જીવે છે. આમ દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ દબાણમાં રહેશે, કારણ કે બધે જ બધા લાગ જોઇને જ બેઠા છે કે કેવી રીતે, ક્યારે આનું ખીસું વેતરું. તો આવા વાતાવરણમાં ચેનથી કઈ રીતે જીવવું?

હા, આવા પૈસા કેન્દ્રિત સમાજમાં જીવનનું સ્તર લિવિંગ સ્ટાન્ડર્ડ થોડું હાઈ દેખાશે, આ સમાજમાં મજૂર પાસે પણ પોતાનું મકાન હશે, ગાડી હશે, અન્ય સુખ-સુવિધાઓ હશે, બધું હશે… પરંતુ, આ સમાજમાં માણસ અંદરથી ખાલી હશે, એવો સમાજ બહુ ઉન્નત સમાજ ન કહી શકાય.

થોડા દિવસો પહેલાં અમેરિકાથી એક ભાઈ મુંબઈ આવેલા. મુંબઈમાં એમણે બધું જોયું, પછી એક વાત કરી, કહે, “અહીં જોઈએ તો રસ્તાઓમાં, પબ્લિક સર્વિસિસમાં બધે અસ્ત-વ્યસ્તતા દેખાય, બધું આડે-ધડ હોય એવું દેખાય, ક્યાં’ક અરાજકતા જેવું પણ દેખાય… પણ અહીં માણસને જોઈએ તો એ અંદરથી ભરેલો લાગે છે; મોટે ભાગે લોકો હંસતા દેખાય, જાણે અંદરથી કોઈ ચિંતા જ નથી, તેથી, અહીં માણસ ભરેલો જ લાગે છે.”

લોકો અમેરિકા, યુરોપ જાય તો ત્યાંની સમાજ-વ્યવસ્થા, ત્યાંના માણસોમાં બધે એક પ્રકારની સિસ્ટમેટીકતા દેખાય છે, બધે, બધું ઘણું વ્યવસ્થિત, ચોખ્ખું અને આકર્ષક દેખાય છે, તેમ છતાં ત્યાંના માણસોમાં એક પ્રકારની અરાજકતા, ડિસ્ટર્બન્સ હોય છે, ધ્યાનથી જોશો તો તમને ત્યાં બધું ખોખલું લાગે.

પૈસાના જોરે માણસના કામોમાં, એના વ્યવહાર, કૃતિમાં થોડું પરફેકશન દેખાતું હોય છે, એમાં એક પ્રકારની સામૂહિક સંમતિ collective acceptance પણ દેખાતી હોય, પરંતુ આ બધામાં જે નથી દેખાતું એવું એક પ્રકારનું ખાલીપણું પણ હોય છે, એનાથી પણ આગળ જોઈએ તો ત્યાં જે એક શુદ્ધતા, પવિત્રતા, સાત્વિકતા હોવા જોઈએ, જે દૈવત્વ, ડિવીનિટી હોય એવું નહીં બને.

પાશ્ચાત્ય જગતમાં ગીત-સંગીતના ભવ્ય કાર્યક્રમો હોય જેમાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ હોય, એ બધા જ કાર્યક્રમો પૈસાના જ જોરે થતા હોય છે, તેથી ચિત્તને જે શાંત કરે, એ સ્થિતિ ત્યાં ક્યારે’ય નહીં આવે. માઈકલ જેક્સન અમેરિકન ગીત-સંગીત જગતનો જાણે કે બાદશાહ હતો!! યૂથનો તો જાણે એ ભગવાન! એના શોનું જેટલું આકર્ષણ હોય એવું બીજા કોઈના શોમાં ન્હોતું જણાતું… એ બહારથી ખૂબ ભભકાદાર દેખાય છે, એના શ્રોતાઓ ખરેખર તરબોળ થઇ જતા. વળી એવું પણ કહટ વાય છે કે એને નાના બાળકની જેમ રમકડાંનો ખૂબ શોખ હતો!! એના શો માટે જયારે એ લંડન જતો, ત્યારે ત્યાંના માત્ર ટોય્ઝની મોટામાંમોટી દુકાનના માલિકો એના આવકાર માટે લાલ જાજમ તો બિછાવે જ, પણ એના માનમાં એ દુકાન બીજા ઘરાકો માટે આખો દિવસે બંધ પણ રાખે છે… કારણ માઈકલ જેક્સન એને ગમતા રમકડાંની એટલી બધી ખરીદી કરે કે ના પૂછો વાત!! આ બધું હોવા છતાં એ અંદરથી અશાંત હતો, એકલો અટૂલો હતો, અને છેવટે ગયો પણ એવી જ રીતે, અશાંતિમાં, વેદનામાં!!

તો, એ

પૈસાની રેલમછેલવાળા સમાજમાં ભૌતિકતા ઘણી બધી હશે, પરંતુ ત્યાં મનને જે શાંતિ આપે, હૃદયમાં જે સાત્ત્વિક, પ્યોર સુખ આપે એવી સ્થિતિ નથી હોતી, પૈસાના જોરે તો એ સ્થિતિ નહીં જ આવશે.

આપણે ત્યાં ગાયનના વિશારદોમાં એક નામ અતુલ્ય છે હરિદાસનું. એમની પાસે ગાયનની એક અદ્વિતીય દૈવી દેન હતી, પણ કોઈ મિલકત કે પૈસા, કે વૈભવ ન્હોતો. એ જયારે પણ ગાતા ત્યારે માત્ર ભગવાનની સામે જ ગાતા હતા, અને એને કારણે એમના ગાયનમાં જે ઉચ્ચતા, જે દિવ્યતા હતી એ સીધી હ્રદયને સ્પર્શતી હતી એ આજ સુધી બીજામાં નથી આવી. જો પૈસા જ કેન્દ્રમાં હશે, તો એ ભૌતિકતાના માહોલમાં ગીત-સંગીતની હરિદાસ જેવી ઉચ્ચતા, દિવ્યતાનો, આવો આત્મિક સ્પર્શ નહીં જ મળે.

જીવનના દરેકે-દરેક ક્ષેત્રે આવી અલૌકિકતા, દિવ્યતા આવી શકે એ માટે આપણે ત્યાં ઋષિઓએ દરેક ક્ષેત્રની વિદ્યા નિ:શુલ્ક જ રાખી હતી. આવું કરવાથી વિદ્યાર્થીને એવો ભાવ અચૂક ઉત્પન્ન થશે કે આ વિદ્યાને આધારે હું જયારે પણ કાંઈ કામ કરીશ તો એ સેવાભાવથી કરીશ, પરમાત્માને સમર્પણના ભાવથી કરીશ. આ ભાવના એની અંદર બે વાત લાવશે – એક, સાત્ત્વિકતા, દિવ્યતા અને બીજું, એના કામમાં એક પ્રકારની પરફેક્શન લાવવાની ઈચ્છા, ધગશ. આ વાત પૈસાથી અપાતા શિક્ષણમાં નહીં આવી શકે, કારણ કે પૈસાને આધારે થતાં કામો શરૂઆતમાં વિકાસ કરતા દેખાય છે, પણ એની અંદર એ કામ પ્રત્યે લગાવ, ભાવ ના હોવાથી એ કામ એને સંતોષ નથી આપી શકતું, એને શાંતિ નથી આપતું, આનંદ નથી આપતું; હા, એ કામ કરે છે, થોડું સારું પણ કરે છે પણ એ પૈસાને લોભે કરે છે, વધુ પૈસા કમાવવાની જે ઈચ્છા છે એ જ એને અંદરથી અશાંત રાખે છે, એને અપૂર્ણ જ રાખે છે, અને એ અપૂર્ણતા, ખાલીપાને દૂર કરવા માટે અજાણપણે એ દુનિયાના આકર્ષણો, અજાયબીઓ તરફ લોલુપ થઇ આકર્ષાતો જાય છે… હા, આવું કરવાથી, આ જીવન પદ્ધતિથી પૈસા મળશે, પણ એનાથી એને જે અસંતોષ, અપૂર્ણતા મળે છે એને કારણે અંદરથી એ ખાલી થતો જાય છે અને એના કામોમાં પેલી દિવ્યતા, ભવ્યતા ક્યારે’ય નથી આવી શકતી.

આપણા ઋષિઓએ અર્થ-પૈસાનું આ પાસું પણ જોઈ સમજ્યા હતા, તેથી એમણે શિક્ષણ ક્ષેત્રમાંથી પૈસાની વાત જ કાઢી નાંખી. જો પૈસા જ લક્ષ-કેન્દ્રમાં હોતે તો આપણા દેશમાં આટલી બધી વિદ્યાઓ આજ સુધી સુરક્ષિત ના રહી શકી હો’ત. વેદોના અધ્યયનની આજે કોઈ આર્થિક વેલ્યુ નથી, જે રીતે ડોક્ટર્સની, વકીલોની વેલ્યુ છે કે વિદ્યાર્થી ભણીને ડોક્ટર કે વકીલ થાય તો સારું કમાઈ શકશે. પણ કોઈ જો સંસ્કૃતમાં લખાયલા વેદોની ઋચાનું અધ્યયન કરતો હોય, તો એની કોઈ આર્થિક વેલ્યુ નથી,પણ જ્યાં સમર્પણનો ભાવ છે ત્યાં આર્થિક વેલ્યુ કે કિંમત જ નથી ત્યાં તો એક જ વાત મહત્ત્વની છે – આ મારું કર્તવ્ય છે, આ મારી પૈતૃક નિષ્ઠા છે, આ વિદ્યા સચવાય એ જ મહત્ત્વનું છે. આજ સુધી વેદો સચવાયા છે તે શાને લીધે? આ કર્તવ્યભાવ, આ સમર્પણને લીધે.

પશ્ચિમ જગતમાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં શોધો થતી રહી છે, અને ત્યાં પણ એવા કેટલાં’ય ક્ષેત્રો છે કે જેમાં માણસ સતત મહેનત કરતો હોય, લાગેલો હોય – કોઈ અજગર-સાપ કે મગર સાથે ભયાનક વાતાવરણમાં કામ કરતો હોય, કોઈ વાઈલ્ડલાઈફના અન્ય ક્ષેત્રમાં કામ કરતો હોય, કોઈ વળી વનસ્પતિ કે અમુક છોડવાઓ ઉપર રિસર્ચનું કામ કરી રહ્યા હોય…અને એ બધાં કમાય છે, સર્વાઈવ કરી રહ્યા હોય છે. પશ્ચિમી સમાજે આવા લોકો માટે એક આર્થિક વેલ્યુ ઉભી કરી છે. ત્યાં તમે કોઈ એક નવો રિસર્ચ પ્રોજેક્ટ લઈને જાવ, તમને એ કામ માટે લાખો ડોલરનો સહયોગ, મદદ મળે, જેથી તમે એનું માર્કેટિંગ પણ કરી શકો છો.

રાજકોટમાં આપણા એક સાધક છે જેને ઘરે એક જર્મન ભાઈ આવે છે. એ છેલ્લા ૨૫-૩૦ વર્ષોથી ગાંધીજી ઉપર કામ કરી રહ્યા છે. એમને તમે ગાંધીજીનો કોઈ પણ ફોટો બતાવો તો એ કહી શકે કે આ અમુક સમયનો ફોટો છે, એમાં અમુક-અમુક વ્યક્તિઓ છે. તો માત્ર એક ગાંધીજી ઉપર એમનું આટલું અધ્યયન છે!  હવે ગાંધીજીના જીવન ઉપર આટલો ઉંડો અભ્યાસ કરતા હોય, અને એ પણ ૨૫-૩૦ વર્ષોથી તો એમની આજીવિકાનું શું? તો એમણે ગાંધીજીના આધારે જ આખું માર્કેટિંગ માળખું ઉભું કરી દીધું છે! ત્યાં ગાંધીજીના સિક્કાઓ ટાંકેલા થેલા વેચે છે, બંડી વેચે છે, એવી તો ઘણી વસ્તુઓ ગાંધીના નામની છે જે બનાવી એ વેચે છે અને તે પણ ઓન-લાઈન, સાથે આખી દુનિયામાં એ લોકો સેમીનાર પણ કરે છે, ફીસ પણ લે છે. તો, આમ એ લોકોએ ગાંધીને પણ એમનું કમાવાનું એક સાધન બનાવી જ લીધું છે.

એટલે, પાશ્ચાત્ય જગતની સિસ્ટમ જ એવી છે કે એ દરેક જ્ઞાનને ઘીમે-ધીમે માર્કેટિંગ કઈ રીતે કરવું એ રીતે તમને તૈયાર કરી દે’તી હોય છે. આમ, આ વ્યવસ્થા દેવત્વ, ડિવિનીટીને નષ્ટ કરી નાંખે છે. ડિવિનીટી વગરના આવા સમાજમાં બોધની, જ્ઞાનની શક્યતા નહીંવત્ થઇ જાય છે, ત્યાં બોધની કોઈ શક્યતા જ નથી રહેતી. 

હા, લૌકિક વિકાસ થઇ શકે છે, અને એ પણ ખૂબ થશે, પણ ત્યાં સાત્ત્વિક, નિર્મળ આનંદ, આત્મિક શાંતિ આપનારો વિકાસ નહીં હોય. સાથે પૈસાથી મળતા જ્ઞાન, એને આધારે આવતા પરફેક્શનની એક સીમા હોય છે.

કંપનીઓના માલિકો, ઊંચા હોદ્દેદારો માણસની પૈસાની અદમ્ય ભૂખની વૃત્તિને જાણે છે, સારી રીતે સમજે પણ છે, તેથી એ લોકો એમના પણ ફાયદા માટે અમુક લોકોને તૈયાર કરે છે, કહે કે લો, તમને મહીને ૧૦ લાખ, ૧૫ લાખ, ૨૦ લાખઆપીશું. મોટી કંપનીઓના જે CEO હોય, તેમના તગડા પગાર તો હોય જ સાથે દરેક જાતના એલાવન્સ પણ હોય, ઘણું બધું હોય… પણ એક સમય એવો આવે છે કે માણસ એમાંથી થાકી જાય છે કે બસ, હવે નથી કરવું, કશું જ નથી કરવું.

આપણા એક સાધકભાઈ છે, એને કંપનીએ વાર્ષિક ૫૦ લાખનું પેકેજ આપ્યું હતું. એક વખત એની કંપનીએ એને સાત દિવસ માટે જાપાન મોકલ્યો હોય, ત્યાંથી એ ઘરે આવ્યો પણ ના હોય અને જાપાનથી ચાઈનાની ટિકિટ તૈયાર હોય. આવામાં કૌટુંબિક જીવન, ફેમિલી લાઈફ જ નહીં, કોઈ પર્સનલ લાઈફ નહીં. કંટાળીને એણે બધી જ જોબ છોડી દીધી, કહે, હવે નથી કરવું. અમુક સમય સુધી માણસ મજબૂરીમાં પૈસાથી લલચાઈ કામ કરે, થોડું ખેંચાય પણ ખરો… પણ એક-ને-એક દિવસ એ કોલોપ્સ થવાનો જ છે.

માણસની પૈસાની અદમ્ય ઈચ્છાવાળી જીવન પદ્ધતિ જોઈ, ડોકટરો હવે ચેતવે છે કે આવનારો સમય એવો હશે કે જેમાં માણસ ૨૫-૪૫ની ઉમરનો જે સ્વસ્થ હશે તો પણ એને અચાનક મેસીવ એટેક આવશે, આપણે તાત્કાલિક સહાય માટે જે કાંઈ કરી શકીએ તે કરીએ’ય ખરા, એમ્બ્યુલેન્સ આવશે, પણ ત્યાં સુધીમાં તો એ શરીરમાં કશું જ નહીં હોય. તમે પણ આવા કેસો વિશે સાંભળ્યું હશે કે માત્ર ૩૦ વર્ષની કોઈ વ્યક્તિ હોય, સ્વાસ્થ્ય તદ્દન સારું, કોઈ જ બિમારી નહીં, અને અચાનક એક દિવસ બસ, જમતા-જમતા જતી રહી હોય! કારણ? ફાસ્ટ લાઈફ, ફાસ્ટ-ફૂડ વાળી લાઈફસ્ટાઈલ તો ખરી, પણ એની સાથે આવતા સ્ટ્રેસ, અને સ્ટ્રેસનું મોટામાં મોટું કારણ પૈસાની ભૂખ.

એટલે, માત્ર પૈસા ઉપર જ ઉભી કરાયેલી જીવન અને સમાજ વ્યવસ્થા કે જેમાં શિક્ષણ ક્ષેત્ર પણ માત્ર પૈસા ઉપર જ નભતું હોય, ત્યાં નક્કર, સાત્ત્વિક માણસ નિર્માણ નહીં થઇ શકે કે જેનાથી સમાજમાં સાચું જ્ઞાન, સાચી શાંતિ મળી શકે, જેનાથી વ્યક્તિના જીવનમાં સાચી શાંતિ મળી શકે.

આગળ કહ્યું તેમ, દરેક સ્વસ્થ સમાજનો પાયો છે એની શિક્ષણ વ્યવસ્થા, એ સમાજનો પાયો છે કેમ કે અહીંથી જ બધા વિદ્યાર્થિઓ સમાજના દરેક ક્ષેત્રમાં જાય છે. આજનો વિદ્યાર્થી આવતી કાલનું નિર્માણ કરનાર છે; તેથી, આપણી સંસ્કૃતિમાં શિક્ષણ કેન્દ્ર એ ધંધાની દુકાન ન્હોતી, એ તો વિદ્યાનું ધામ, મંદિર ગણાતું હતું અને હોવું પણ જોઈએ. વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો આપણા ઋષિઓએં તો આપણને દરેક જગ્યાને જ મંદિર તરીકે જોવા-સમજવાનું શિખવાડ્યું છે. ગીત-સંગીત છે, નૃત્ય છે એ બધું તો ઈશ્વરની, દેવોની આરાધના માટે હતું તેથી એ બધું મહદંશે મંદિરોમાં થતું હતું, આજની જેમ એ કાંઈ નાઈટ ક્લોબોમાં ન્હોતું થતું.

આ તો થઇ એક વાત, બીજી મહત્ત્વની વાત એ કે ગુરુ તો શિષ્યને નિ:શુલ્ક જ વિદ્યા આપે છે, પણ સાથે-સાથે એવું પણ નથી કે આવ્યા, શીખ્યા અને ધૂળ ખંખેરીને ચાલતા થઇ ગયા. ના, છેક એવું પણ ન્હોતું, શિષ્ય એના ગુરુને પ્રત્યાર્પણ – પ્રતિ+અર્પણ – કરે છે સેવાના રૂપમાં. વિદ્યાર્થી ગુરુકુળમાં રહે, ભણે, અને ત્યાં રહીને એ દરેક નાના-મોટા કામો પણ કરે છે, પછી એ વિદ્યાર્થી ભલે રાજકુંવર કેમ ના હોય, એ પણ ગુરુકુલમાં બીજા સાથે કે એકલો કચરો વાળે, ગાયનું વાસીદું કાઢતો હોય,  જંગલમાંથી લાકડાં પણ કાપીને લાવે, એ પણ યજ્ઞની વેદી તૈયાર કરતો હોય… આમ, ગુરુકુલના વિદ્યાર્થીઓ આવાં બધાં કામો સેવાના રૂપમાં કરતા હોય. એવું નથી કે પૈસાના અભાવે કે મજબૂરીમાં આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, ના, એવું નથી.

તમને ખ્યાલ હશે કે ભગવાન રામચંદ્રજીનો જયારે વનવાસ શરુ થાય છે, ત્યારે ઘરમાં ભરત હાજર  ન્હોતા, તેથી ભરત પાછળથી અયોધ્યાની આખી સેના સાથે જાય છે, એમ દૃઢ માનીને કે ભગવાન રામ પાછા આવશે તો? એ લોકો સરયુ નદીને પાર કરીને ગયા, ત્યાં રસ્તામાં ભારદ્વાજ મુનિનો આશ્રમ આવ્યો, ભરતજી એમના સૈન્ય સાથે ઋષિના આગ્રહ થી ત્યાં રોકાયા. ઋષિ હોવા છતાં, ભારદ્વાજ મુનિએ તો પોતાના સંકલ્પબળથી પોતાની સિદ્ધિઓથી જેને જે રીતની વ્યવસ્થા જોઈએ એવી વ્યવસ્થા ઉભી કરી આપી. બીજે દિવસે ભરત એના સૈન્ય સાથે આગળ પ્રયાણ કરે છે, અને આશ્રમમાં જે બધી વ્યવસ્થાઓ ઋષિના સંકલ્પ બળથી ઉભી કરવામાં આવી હતી, એ બધી વ્યવસ્થાઓ પાછી સંકલ્પ બળથી જ સંકેલી પણ લે છે. શિષ્યો પણ પોત-પોતાના કામમાં લાગી જાય છે. વિદ્યાર્થીઓમાં પણ સરળતા છે, અને એ લોકોની વૃત્તિઓ અન્ય દિશાઓમાં, વિચારોમાં ડાઈવર્ટ નથી થતી.

આવા સમાજમાં જીવનશૈલીની બીજી પણ એક અગત્યની વાત છે, કે સમાજ છે, રાજા છે તો વૈભવ પણ હોય, તે છતાં ગુરુકુળમાં રાજા અને રંક એક જગ્યાએ સાથે ભણી શકે. કોઈ દિવસ શ્રીકૃષ્ણ અને સુદામા અગર ગુરુકુળ ના હોય તો એક સાથે ભણી ના શકે. ગુરુકુળ વગર એક સામાન્ય માણસનો છોકરો એક રાજાના છોકરા સાથે ભણી ના શકે. જો આવી વ્યવસ્થા હોય તો સમાજમાં લોકો વચ્ચે ઉંચ-નીચનો ભેદ બહુ ના હોય; ગુરુકુળમાં બધાં સાથે ભણ્યા હોય તેથી સ્વાભાવિક રીતે ભાવાત્મક નિકટતા કેળવાઈ હોય, તેથી ગુરકુળ બહારના જીવનમાં પણ એક પ્રકારનું માનસિક ઐક્ય બને છે, ક્યારેક એમ પણ થાય કે પેલા રાજા છે એ મારી જોડે ભણતા હતાં, અમે સાથે ભણતા હતાં. ક્યારે’ક એવું પણ બને કે કોઈ દિવસ એને ત્યાં જઈ સાથે બેસી એ બંને અલક-મલકની વાતો પણ કરે. તો, આ રીતે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિને કારણે પણ સમાજમાં લોકો વચ્ચે એક-બીજા વચ્ચે દૂરી ના વધે, પરસ્પરમાં એક પ્રકારની એકતા હોય, બધાં સંકળાયેલા હોય, એ બધાં વચ્ચે ભાવનાત્મકતા હોય છે.

આજની શિક્ષણ પદ્ધતિમાં તો આર્થિક વર્ગોને આધારે શાળાઓ હોય છે, કરોડપતિના, સધ્ધર ઉચ્ચ વર્ગના બાળકો માટે સૂટ-બૂટ સાથે ભણવાની શાળા હોય, ત્યાં તગડી ફી ઉપરાંત બીજા ખર્ચાઓ પણ ખરા; જયારે સામાન્ય વર્ગના બાળકો માટે તો જુદી, સાદી શાળા હોય. તો આ બે વર્ગો વચ્ચે જુદા-પણાનું બીજારોપણ શાળાઓમાંથી જ થવા લાગે છે, તેથી એ વિદ્યાર્થીઓમાં એકતાનો વિચાર જ ના આવી શકે. પૈસા બધાને એક બીજાથી દૂર કરતો જાય છે. આર્થિકતાને આધારે સમાજમાં સમીકરણો થતાં જાય છે, અને દરેક વર્ગ પછી સ્વાયત્ત બની જાય છે. અમુક વર્ગ તો વળી એવો કે એક મોટી માલેતુજાર કંપની છે જેના માલિકોએ તો પોતાની કંપની, ફેક્ટરી ઉપરાંત પોતાની જ શાળા, પોતાની જ કોલેજ, અને હોસ્પિટલ પણ ઉભી કરી દીધી હોય. આમાંના લોકોને જીવવા માટે જે જોઈએ એ બધું જ આ કંપની કૈમ્પસમાં પૂરું પાડે, બહાર ક્યાં’ય જવાની જરૂર જ ના પડે તેથી પછી તો એમને દુનિયા સાથે કોઈ નિસબત જ ના હોય,એ લોકો દુનિયાથી અળગા જ હોય તેથી સમાજમાં માણસ બગડે, કારણ-અકારણ સામાજીક વાતાવરણ બગડે, કે પછી સમાજ આખો બગડે… એને નથી કોઈની ચિંતા, કે નથી કોઈથી નિસ્બત.

અર્થ-પૈસા આધારિત સમાજમાં લોકો વચ્ચેની દૂરીની જાણે ખાઈ બનતી જતી હોય છે, એ સમાજનું વિભાજન કરી તોડે છે અને પરિવારોને પણ તોડતી જાય છે. બધાં માટે એક માત્ર પૈસો જ મહત્ત્વનો હોય, તેમ છતાં દરેકને માટે આર્થિક હેતુ જુદાં હોય. એટલે, સમાજમાં હવે બધી વાતો પર્સનલ થઇ ગઈ હોય છે, તમે નથી પર્સનલ બાબતમાં કે ના તો આર્થિક બાબતમાં કશું બોલી શકતા. પરદેશોમાં પતિ-પત્નીના બેંક ખાતાઓ અલગ હોય છે, એવું ભારતમાં પણ થશે. બંને એક બીજાની આવક અને ખાતા વિશે કશું પૂછી નહીં શકશે, કે ના તો એની રહેણી-કરણી વિશે કે એ શું ખાય છે, શું પીએ છે, ક્યાં જાય છે વિગેરે હવે પૂછી નહીં શકશે… આમ, પૈસો ઘર, કુટુંબ, સમાજ બધાને વેર-વિખેર કરતો હોય છે.

સાંદીપનિના ગુરુકુળમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ શિક્ષા ગ્રહણ કરવા રહ્યા હતા. વિદ્યાભ્યાસનો સમય પૂરો થાય, વિદાય વખતે ગુરુને પૂછે છે, “ હું તમને શું દક્ષિણા આપું?” ગુરુ કહે કે મારા બાળકોને સ્વર્ગમાંથી પાછા લાવી આપો; બસ, ગુરુએ કહ્યું અને શિષ્ય શ્રીકૃષ્ણએ કર્યું, એમણે ગુરુના બાળકોને સ્વર્ગમાંથી પાછા લાવી આપ્યા. એકલવ્ય છે, નિચલા વર્ગનો હોઈ જંગલમાં રહીને ગુરુની મૂર્તિ બનાવી ધનુર્વિદ્યા શીખે છે, પછી ગુરુ દ્રોણને પૂછે છે, શું ગુરુદક્ષિણા આપું? ગુરુએ એના જમણા હાથનો અંગૂઠો માંગ્યો, શિષ્યે એ આપી દીધો.

તેથી, ગુરુકુળ પદ્ધતિમાં એવું ન્હોતું કે ફીસ ન્હોતી આપતા, પૈસા ભલે ન્હોતા આપતા, પણ શિષ્ય ગુરુને ત્યાં રહી વિદ્યા ગ્રહણ કરતા સેવા પણ કરે, પછી ગુરુદક્ષિણા રૂપે પણ આપે… આવું બધું કરવાથી એનામાં ગુરુ પ્રત્યે માન-ભાવ ઉત્પન્ન થાય, ગુરુ-શિષ્ય વચ્ચે એક પ્રકારનો ભાવ-સંબંધ બંધાય, પોતાપણું નિર્માણ થાય, નાના-મોટા કોઈ કામ પ્રત્યે એને સુગ ના હોય, કે કોઈ ભીતિ પણ ના હોય, એ નાનામાં-નાનું કામ કરે તેથી એ કામ પ્રત્યે એક પ્રકારનો લગાવ પણ જાગે, એની અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ પણ જાગે છે કે, “હું જીવનમાં બધું જ કરી શકીશ.”  મારાથી આ નહીં થાય, આ નહીં થાય એવું એને ક્યારે’ય ના હોય. આવા વિદ્યાર્થીઓમાં પછી સરળતા આવે, સૌમ્યતા આવે, સાદગી પણ આવે. એ સમાજમાં જયારે દાખલ થાય છે ત્યારે એ એની સાથે આવા બધાં ગુણો સાથે લેતો જાય છે.

આજે તો ફીસ આપી દીધી તેથી નથી સેવાની વાત કે ના તો ગુરુદક્ષિણાની વાત, કોઈએ કશું જ નથી આપવું, કોઈ બ્રાહ્મણ ક્યારે’ક વધારે દક્ષિણા લેતા હોય તો લોકોને થાય કે જુઓ, બ્રાહ્મણ કેટલા સ્વાર્થી થઇ ગયા છે. એમને નથી બ્રાહ્મણોની સેવા કરવી કે નથી એમને કાંઈ આપવું. અમુક વર્ગના બાળકોને બાળપણથી જ લક્ઝરીની આદત પડી જાય છે, ઘરમાં અને શાળા-કોલેજમાં પણ, ઘરમાં તો ગાડી હોય, શાળામાં જવા માટે એ.સી. બસ, શાળામાં પણ એ.સી. હોય, ત્યાં પંચ-તારક સુવિધાઓ હોય.. બધે જ લક્ઝરી. આ બાળક પછી સામાન્ય નહીં થઇ શકે, એ કોઈ દિવસ સહજ ના થઇ શકે, એની અંદર એક પ્રકારની ગુરુતાગ્રંથી (superiority complex) બંધાઈ જાય છે, તેમ છતાં એની અંદર આત્મવિશ્વાસ ના હોય કે હું બધું જ કરી શકીશ.

તો, પહેલાંની શિક્ષણવ્યવસ્થાની વિદ્યા બધાને સાદાઈ પણ શીખવતી, વિનય પણ શીખવતી, ગુરુને માથે વિદ્યાર્થીની વ્યવસ્થાનો કોઈ ભાર ન્હોતો. આ વાતને સમજજો. જો કોઈ ગુરને ત્યાં માનો કે ૪૦ વિદ્યાર્થી ભણતા હોય તો એ બધા ત્યારે ભિક્ષા લેવા જતા, પછી એ કાચી ભિક્ષા લઇ આવે અને જાતે પકવે, કે પછી કોઈને ઘરે જમવાની વ્યવસ્થા કરેલી હોય; એક વિદ્યાર્થી આ ઘરે જમશે, બીજો બીજાને ઘેર, આમ વિદ્યાર્થીઓના જમવાની વ્યવસ્થા થતી, એ વિદ્યાર્થીઓ ગુરુકુળમાં સાદી પથારીમાં સૂતા હતા. આમ, ગુરુને માથે વિદ્યાર્થીનો કોઈ જ ભાર ન્હોતો.

આજની શિક્ષણ વ્યવસ્થામાં જો કોઈ શિક્ષક વિચારે કે હું કોઈ સ્કૂલ ઉભી કરી બાળકોને ભણાવું, કે કોઈ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી ભણાવું, તો એ એને માટે સંભવ જ નથી. જો આવું કરવું હોય તો એ આજના જમાનામાં વેપારી જ કરી શકે. એટલે હવે સ્કૂલ છે, ગુરુકુળ છે એ માત્ર વેપારી વર્ગ જ કરી શકે, શિક્ષક તો માત્ર એને ત્યાં નોકરી જ કરી શકે, શિક્ષક ગુલામી જ કરી શકે. વેપારી તો વેપારી જ હોય, કેપીટલીસ્ટ જ હોય, એ જ આવી સંસ્થાઓ ઉભી કરી ચલાવી શકે. હવે આ સંસ્થા-ઇન્સ્ટીટયુટમાં જો વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય તો સમસ્યા ઉભી થાય, તેથી છાપામાં મોટા અક્ષરોમાં જાહેરાતો છપાવવી પડે, “અહીં અમુક જ સીટો ખાલી છે…” બધું કર્યા છતાં પણ જોઈતી આવક ના થાય તેથી, પછી એ સંસ્થાને આટલા કરોડનું નુકશાન થયું એવું પણ છાપામાં આવે.

આપણી જૂની વ્યવસ્થામાં એવું પણ હતું કે એક જ વિદ્યાર્થી હોય તો પણ એને માટે અધ્યયાપનની વ્યવસ્થા હોય, ભગવદ્ગીતા હોય. ઉડિયા ભાગવત છે, એક જ જણ માટે લખાયેલ છે. તો જ્યાં સાચી જીજ્ઞાસા હશે, તો એ વિદ્યા બહાર નીકળશે જ. એ વ્યવસ્થા એવી હતી કે પૈસા એનો આધાર નથી, પરંતુ એની વિશેષતા એ હતી કે એમાં વિદ્યાર્થી સાદાઈથી રહી, ઉચ્ચ કક્ષાની વિદ્યા સરળતાથી મેળવી શકતો હતો. એક મા છે તો વિચારો કે એનું બાળક ક્યાં’ય ભણવા ગયું હોય, અને એને ત્યાં કોઈ બાળક ભોજન માટે આવે તો એને થાય કે આ મારું જ બાળક છે એવું એને દેખાશે! વિદ્યા મેળવવા માટે ના તો પરિવાર પર ભાર હતો કે ના તો ગુર ઉપર. આજે તો ભણતર જ કેટલું મોંઘુ થતું જાય છે એની ચિંતા માતા-પિતાને રોજ સતાવે છે.

હમણાં હું એક ઘરમાં ગયો હતો, ઘરથી થોડેક દૂર એક કાકા બેઠા હતા. મને જોઈ બોલી ઉઠ્યા, “અરે! સંત આવ્યા, સંત આવ્યા”, ફરીને ફરી કહે, “હું આવું છું, હું આવું છું દર્શન કરવા આવું છું.” અને એ મળવા આવી ગયા, પાસે બેઠા. વાતમાં ખબર પડી  કે એમના ભાઈ પણ સાધુ થઇ ગયા છે, એટલે, જેના ઘરમાં સાધુ થયો હોય, કોઈએ સંન્યાસ લીધો હોય તો એને સંન્યાસી માટે જે ભાવ જાગે, એ ભાવ જ જુદો હશે. મારો એક છોકરો હોય, એ ગુરુકુળમાં ક્યાં’ક ભણતો હોય, ત્યાં ભિક્ષાવૃત્તિ કરીને રહેતો હોય, તો મારે ત્યાં કોઈ બાળક ભિક્ષા માટે આવશે તો મને એમાં મારો જ છોકરો દેખાશે. માને પણ એવું થાય કે મારો દીકરો જમે છે, ભલે પછી બીજાનું બાળક હોય. તો, આમ આખા સમાજમાં આવું ભાવમય વાતાવરણ નિર્માણ થઇ પ્રસર્યું હોય, એ સમાજમાં રહેતા બધા એક કુટુંબની રીતે વર્તતા હોય, અને એમાં બાળકોને, ક્યારે’ક અતિથિને ઘરનું સીધું, સરળ, ભાવ પૂર્વક જમવાનું મળતું હોય.

આજે તો ઘરથી દૂર ભણતા વિદ્યાર્થીને સ્કૂલ-કોલેજની મેસ-માં જમવાનું હોય, પૈસા પણ ઢગલાબંધ આપો અને જે મળે એ ખાવાનું. પહેલાની વ્યવસ્થામાં તો ઘરના જેવું ખાવાનું, અને એ પણ પોતાનું બાળક હોય એ રીતે જમાડે, અને તેથી ગુરુ ઉપર એના વિદ્યાર્થીઓનો આર્થિક રીતે કોઈ જ ભાર ન્હોતો. ધીરે-ધીરે આ બધું મૂડીવાદીઓએ પોતાના હસ્તક લઇ લીધું તેથી શિક્ષકોએ એ સિસ્ટમને સરન્ડર થવું જ પડે, છૂટકો જ નથી, અને ગુરુ-શિક્ષક બધા મૂડીવાદીઓના તાબામાં જતા રહ્યા કે પછી તો ગુરુની જે તેજસ્વીતા છે એ સાથે બીજું બધું પણ જતું રહે છે.

તમને યાદ હશે, મહાભારતમાં ગુરુ દ્રોણ આ પ્રમાણે ત્યારની સરકારને, ત્યારના રાજાને, ત્યારના મૂડીવાદીને સરન્ડર થઇ ગયા હતા, અને પછી તો આખું પતન થઇ ગયું. એટલે, ગુરુ છે, એ એની તેજસ્વિતા જાળવી શકે તે મહત્ત્વનું છે, જો પૈસા જ દરેક વ્યવસ્થાનો, શિક્ષણ વ્યવસ્થાનો પણ આધાર હશે તો ગુરુ એની તેજસ્વિતા જાળવી નહીં શકે.

સમાજના નિર્માણમાં સૌથી મહત્ત્વની વાત છે એની શિક્ષણ વ્યવસ્થા, અને આ શિક્ષણ વ્યવસ્થામાં ગુરુ એની તેજસ્વિતા જાળવી શકે એ પણ મહત્ત્વનું છે. એટલે, ગુરુ, નિ:શુલ્ક ભણાવે છે, એ વિદ્યાનું દાન કરે છે, વિદ્યા વેચતા નથી, વિદ્યાનું દાન આપે છે, વિદ્યાદાન કરે છે. શિષ્ય એ વિદ્યાદાન લે છે અને સાથે એ ગુરુને ત્યાં સેવાના રૂપમાં, ગુરુદક્ષિણાના રૂપમાં પાછુ વળતર પણ આપે છે.

જે કોઈ વિદ્યાર્થી આવું નથી  કરતો તો એ પછી કૃતઘ્ની કહેવાય છે, અને શાસ્ત્રોમાં કૃતઘ્નતાથી મોટું કોઈ પાપ નથી. મારે માથે કોઈનું પણ ઋણ હોય, કોઈનો ઉપકાર હોય નાનો પણ ઉપકાર હોય, અને એ જો હું ભૂલી જાઉં, તો એનાથી મોટું કોઈ પાપ નથી.

આપણા શાસ્ત્રોમાં દરેક પાપોના પ્રાયશ્ચિત જણાવાયા છે, પણ કૃતઘ્નતાનું કોઈ જ પ્રાયશ્ચિત નથી, એ પાપનું ફળ ભોગવવું જ પડે છે, કોઈ પણ રીતે વળતર આપવું જ રહ્યું. મારા મા-બાપ ભલે અભણ હોય, મને જેટલું પણ ભણાવ્યું હોય તે વખતે શિક્ષણ ગ્રહણ કરવાની મારી પણ એટલી જ લાયકાત કે શક્તિ હશે તેથી કદાચ વધુ ભણી ના શક્યો હોઉં, પરંતુ, માતા-પિતાને ક્યારે’ય નહીં ભૂલવાના. એ જે ભૂલી જાય છે અને ખરાબ વર્તન, અપમાન કરે છે તો બધું જ ખલાસ થયું સમજો. હું નાનો હોઉં, પ્રાયમરી સ્કુલમાં જતો હોઉં કે પછી હું વિદ્વાન થઇ ગયો હોઉં, ડોક્ટર થઇ ગયો હોઉં, પણ હું મારા શિક્ષકને માન આપવાનું કયારે’ય નહીં ભૂલું. શિક્ષક પણ જો પૈસાના મોહ વગર ભણાવતો હોય તો વિદ્યાર્થીના મનમાં એ ગુરુ પ્રત્યે જે વિશ્વાસ જાગે છે, જે માન ઉત્પન્ન થાય છે જે મનમાં શ્રદ્ધા જાગે છે એ ઘણી બધી વધી જાય છે.

આપણા આશ્રમ નજીક પલાણા નામે એક ગામ છે ત્યાં હું એક વખત ગયેલો. એ ગામમાં જે બધો વિકાસ થયો છે એમાં ત્યાંના એક વ્યક્તિનું યોગદાન ૮૦ ટકા જેટલું છે. એ વ્યક્તિ ત્યાંના એક શિક્ષક હતા, જે અત્યારે નિવૃત્ત થઇ ગામના વિકાસમાં પ્રવૃત્ત છે. એ ગામમાં સફાઈ માટે એમણે એક ટીમ રાખી છે, એ બધાને પગાર પણ આપે છે, જાતે એક ટૂંકી ચડ્ડી, ઉપર પહેરણ અને પગમાં સ્લીપર પહેરી ફરે છે. આ શિક્ષકે મને વાત કરી પ્રાયમરી સ્કૂલમાં મારા જે વિદ્યાર્થીઓ હતા તેમાંના થોડા આજે લંડન, અમેરિકા સ્થાયી થઇ ગયા છે. હું અહીં ગામમાં કોઈ પણ વાતનું આયોજન કરું કે કાંઈ કરવાનો વિચાર કરું તો એ લોકો મને વગર પૂછે, વિચાર્યે પૈસા મોકલ્યા કરે છે. કોઈ વખત સામેથી આપી જાય, કહે, લો કોઈ સારા કામમાં વાપરજો.

એ શિક્ષકે પછી કીધું, કે મેં એ વિદ્યાર્થીઓને પૂછ્યું, તમે મારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરો છો? આટલા બધાં પૈસા મને આપી દો છો? તો એ વિદ્યાર્થી કહે, “સાહેબ, અમે ભણતા હતા તો અમે જોતા કે અમે છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યાં સુધી તમારા પગે વર્ષો પહેલાં હતી એ જ સ્લીપર હતી, અમને એ દિવસો આજે પણ યાદ છે, એટલે તમારી ઉપર અમે આટલો બધો વિશ્વાસ કરીએ છીએ.

હવે, આજની શિક્ષણ વ્યવસ્થામાં તો એવું થઇ ગયું કે જો હું અમુક ટીચરનું ટ્યુશન નહીં કરીશ તો નક્કી નાપાસ જ થવાનો. તો, આવી વ્યવસ્થામાં કયો વિદ્યાર્થી કયા શિક્ષક ઉપર કેવો વિશ્વાસ મૂકશે?

સો વાતની એક વાત, ઉન્નત, સ્વસ્થ સમાજ માટે આવશ્યક છે નિ:શુલ્ક શિક્ષણ. આ શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થી ચોવીસે કલાક ગુરુની દેખરેખ હેઠળ ગુરુકુળમાં જ રહીને વિદ્યાભ્યાસ કરતો. વિદ્યા એ કાંઈ માત્ર શાબ્દિક જ્ઞાન નથી કે અમુક વિષયમાં ભણી લીધું, માનો કે ઇતિહાસનું ભણી, સારાં માર્ક લાવી, ડીગ્રી મેળવી, એમ.એ. પી.એચ.ડી પણ થઇ ગયા તેથી કાંઈ આખું જીવન સમજી લીધું એવું થોડું છે?

આજનું શિક્ષણ આવું છે, શાબ્દિક ભણતર, ઈતિહાસ ભણાવે,પણ જીવન શું છે, એ કેમ જીવવું જોઈએ, કેવા સંસ્કાર, વર્તન, ભાવ કેળવવા જોઈએ એમાનું તો કશું જ નથી શીખવાડાતું. કોઈને થાય કે હું તો આ વિષયમાં માસ્ટર્સ થઇ ગયો છું, હવે મારે આ વિષયમાં વધુ ભણવાની ક્યાં જરૂર છે? એ વિષય માટે મને કોઈએ ટોકવો નહીં જોઈએ. એટલે, આજની વ્યવસ્થામાં વિદ્યાર્થી એવું માને છે કે શિક્ષકે સંસ્કાર, આચાર-વિચાર જેવી વાતો કરવી નહીં, માત્ર એનો નિયત વિષય શીખવાડે પછી એ એના રસ્તે, અમે અમારા રસ્તે.

જો બોધ છે, જ્ઞાન છે, એ જો ખરેખર મેળવ્યા હોય તો વિદ્યાર્થીના સંસ્કારો, આચાર-વિચાર એની ભૂલો વિગેરે એના વાણી-વર્તન-વ્યવહારમાં વ્યક્ત થશે, એના એકેએક વર્તન-કૃતિમાં દેખાશે એના બેસવા-ઉઠવામાં, બોલવામાં, ઉંઘવામાં, ખાવા-પીવામાં બીજા સાથેના વર્તનમાં બધામાં દેખાશે. તેથી, જો એ ગુરુ પાસે વિદ્યાગ્રહણ કરતો હોય તો એ ગુરુ પાસે ચોવીસ કલાક રહેશે તો જ એ ગુરુના સાન્નિધ્યમાં હોય, ગુરુ એને જુએ, સમજાવે, ટોકે પણ ખરા અને એમ એ એના અવગુણોને કાઢી ગુણોનું વર્ધન કરી શકે છે.

આ શિક્ષણવ્યવસ્થામાં ગુરુકુળ સમાજથી દૂર હતા, જ્યાં વિદ્યાર્થી ગુરુ સાથે ચોવીસ કલાક હોય. ત્યાં સમાજ થી દૂર, કુદરતી વાતાવરણમાં એ ગુરુના સાન્નિધ્યમાં રહી, ગુરુ જે શીખવાડે એ જ શીખશે. વિદ્યાર્થી જો સમાજમાં એકલો સ્વતંત્ર રહેતો હોય તો એક સંત કહે તેમ, સમાજ વચ્ચે રહે છે તો સમાજના દૂષણો પણ એની અંદર આવવાના, સંસ્કારો કરતાં દૂષણો પહેલાં આવે.

આજે અમેરિકા જેવા દેશોમાં સ્વતંત્રતાના નેજા હેઠળ સ્કૂલોમાં જ ­એવા બનાવો બનતા હોય છે કે સાતમાં-આઠમાં ધોરણના છોકરા-છોકરીઓ એક રૂમમાં પુરાઈ જઈ શારીરિક સંબંધો સુદ્ધાં કરતા હોય, શિક્ષક બહાર ઉભા હોય, કશું બોલી ના શકે. તેથી, આજના નાના બાળકો પણ પાંચમાં-છઠ્ઠા ધોરણમાં હોય તો પણ ફિઝીકલી એટલા મેચ્યોર દેખાય કે આ તો જાણે લગ્ન કરવા જેવા થઇ ગયા છે. તો, આવાં વાતાવરણમાં વિદ્યાર્થીઓએ જે નથી શીખવાનું એ પહેલા શીખશે.  આજે એ જ અમેરિકામાં સારા કહી શકાય એવા સમાજ સુધારકો કોર્ટમાં કહે છે કે બાળકો અને યુવાઓ માટે બોલ્ડ ફિલ્મ્સ એ કોઈ પણ રીતે બેન કરવી જ જોઈએ. બાપના પૈસા લઈને યુવાન જાય, અને માત્ર થોડીવારમાં તો બધા પૈસા ફૂંકી આવે છે, માત્ર અમુક ક્ષણોની થ્રિલ માટે!! તો, વિદ્યાર્થીએ જે નથી શીખવાનું એ પહેલાં, જલ્દી શીખશે, જે ભણવાનું છે, જે જ્ઞાન મેળવાનું છે એ તો બાજુએ રહી જાય છે.

ગુરુકુળમાં આવું બનવું શક્ય જ નથી, કારણ કે એ ગુરુકુળો ઋષિ- ગૃહસ્થો જેવા – જે સંન્યાસી ના હોય, વાનપ્રસ્થો હોય એવાના હાથમાં હોય. સાધુ-સંન્યાસીઓ ગુરુકુળ ન્હોતા ચલાવતા. કારણ જોઈએ તો સમજાશે કે બૌદ્ધ સંપ્રદાયમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ બધી જ એ સંપ્રદાયના સંન્યાસીઓના હાથમાં છે, એ લોકો પછી બીજા ક્ષેત્રો પણ ચલાવતા હોય. આ સંપ્રદાયમાં નિર્દોષ બાળકને પણ મુંડન કરાવીને, ભગવા વસ્ત્ર પહેરાવી, મોનેસ્ટરીમાં જ ફરજીયાત રહીને ભણવાનું હોય. જેણે પણ બૌદ્ધ ધર્મ વિશે ભણવું હોય તો આ પ્રમાણે જ ભણવાનું. ત્યાગ છે એ સમજદારી પૂર્વકનો હોવો જોઈએ. હવે આ સંપ્રદાયમાં બાળકોને જે ત્યાગની વાત કરી, ભણાવાય છે એ સમજ પૂર્વકનો ત્યાગ નથી હોતો, બળજબરીવાળો ત્યાગ હોય છે, એને તો માત્ર મેકેનીકલી સાધુ ઘડી દીધો હોય છે.

તેથી, આપણે ત્યાં ગૃહસ્થો, વાનપ્રસ્થો ગુરુકુળ ચાલવતા હતા, ઋષિમુનીઓ હતા, પણ ત્યાગી-સંન્યાસિઓ ન્હોતા, તો આવા ગુરુકુળોમાં વિદ્યાર્થીને ગુરુપત્ની-રૂપે મા પણ મળી રહે, અને ગુરુના રૂપમાં પિતા પણ. ઉગતા બાળકને બંને જોઈએ, એક આંખ પ્રેમની, બીજી આંખ લાલ જ્ઞાન-સંસ્કાર માટે, બંને જોઈએ. આવા વાતાવરણમાં ભણેલો વિદ્યાર્થી સફળ થઇ શકે, જે પછી પ્રેમ પણ કરી શકે અને આવશ્યક પડે ગરમ પણ થઇ શકે. માત્ર ગુસ્સો, ગરમ થતો હોય તો એ માણસ પોતાના જીવનને કોઈ વ્યવસ્થિત ઘાટ ના આપી શકે, એ તો ગઠ્ઠો જ રહેવાનો, એના જીવનને સરસ ઓપ આપી શકે એ માટે એને કોઈ ધમકાવનાર પણ જોઈએ અને સાથે પ્રેમ કરનાર પણ જોઈએ.

આ સંસ્કૃતિના વિવિધ પાસાઓને જાણી-સમજવાના ક્રમમાં આપણે બીજી વ્યવસ્થાઓ જે છે એ વિશે આગળ વિચારીશું.