અલોલુપ્ત્વ | દૈવી સંપત્તિ
(.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના બીજા શ્લોક પરના પ્રવચન પર આધારિત. આ શ્લોકો ઉપરના અન્ય પ્રવચનો પાછલા અંકોમાં છપાયા છે.)

અધ્યાત્મની આખી યાત્રા જડથી ચેતનની યાત્રા છે, દેહથી દેહાતીત શુદ્ધ ચૈતન્ય સુધીની યાત્રા છે, જીવથી શિવ થવાની યાત્રા છે. આ યાત્રાની પહેલી અગત્યની વાત એ છે કે દરેક વસ્તુનો, જીવનો પોતાનો એક કુદરતી સ્વભાવ, ગુણ-ધર્મ હોય છે, જે શુદ્ધ હોય છે. પોતિકા સ્વભાવવાળી એ વસ્તુ સાથે  એક-બે વાત થતી હોય છે – પહેલી, એ કે એ વસ્તુ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવ-ગુણ-ધર્મ સાથે હોય છે ત્યારે જ એનો મૂળ સ્વભાવ પૂરી રીતે ખીલેલો હોય છે – દા.ત. સોનુ, એ જ્યારે શુદ્ધ, સો-ટચનું હશે ત્યારે જ એના બધાં’ય ગુણો ખીલેલા હોય છે; બીજી વાત, આ શુદ્ધ સોનામાં જો કોઈ પણ બીજી વસ્તુનું મિશ્રણ કરવામાં આવે તો એ શુદ્ધ સોનામાં કંઈ-ને-કંઈ પરિવર્તન થાય છે; પરિણામે, એ શુદ્ધ સોનુ પોતાની કુદરતી, મૂળભૂત શુદ્ધતા ખોઈ ‘દે છે, મિશ્રણને કારણે એ શુદ્ધ સોનામાં એક પ્રકારનું agitation, ક્ષોભ, અશાંતિ ઉત્પન્ન થાય છે. પાણીનો કુદરતી, મૂળ સ્વભાવ છે કે એ નીચે તરફ વહે છે. હવે પાણી જ્યારે નીચે પડતું હોય, અને જો એને રોકવામાં આવે તો એની અંદર પણ નીચે તરફની ગતિના પોતાના મૂળ સ્વભાવને ફરી પામવા માટે એક ક્ષોભ ઉત્પન્ન થાય છે.

આવી જ રીતે, પરમ ચૈતન્યનું પણ છે. પરમ ચૈતન્યમાં બીજું કશું ભળ્યું તો એની અંદર પણ એક ક્ષોભ ઉત્પન્ન થાય છે અને એ એનો મૂળભૂત સ્વભાવ જે આનંદ, શાંતિ, શાશ્વત, પરમ સંતોષ, પરમ તૃપ્તિ અને પૂર્ણતા છે; એ સ્વભાવને એ ખોઇ ‘દે છે, જેને કારણે એની અંદર અતૃપ્તિ, અશાંતિ થાય છે.

પરમ ચૈતન્ય તો દરેક જીવમાં આત્મારૂપે વિરાજમાન છે, અને મનુષ્યની અંદર પણ છે; મનુષ્ય પણ મૂળમાં ચૈતન્ય-રૂપ જ છે, તેથી મનુષ્યનો મૂળભૂત સ્વભાવ પણ પ્રકાશમય અને આનંદ જ છે; આવા મનુષ્યની અંદર જ્યારે બીજું કશુંક આવી જાય છે, ત્યારે એની અંદર અજ્ઞાન, અશાંતિનો ક્ષોભ ઉમળે છે. હવે, જો મનુષ્ય પોતાના ક્ષોભના કારણને સાચી રીતે નથી સમજતો, તો પછી એ તૃપ્તિ, સંતોષ, શાંતિ માટેના ઉપાયો ખોટી દિશામાં શોધે છે – અને ત્યાર પછી જે શરૂ થાય છે એ છે સંસાર; પરંતુ, જો એને પોતાના ક્ષોભ-અતૃપ્તિ-અસંતોષ-અશાંતિ-નું સાચું કારણ સમજાય અને એ સાચી દિશામાં પોતાની શોધ જ્યારે આદરે, શરૂ કરે છે ત્યારે આધ્યાત્મની શરૂઆત થાય છે.

આમ, મનુષ્યના ક્ષોભના નિવારણ માટે બે દિશા છે – એક સાચી, બીજી ખોટી; સાચી, ઊર્ધ્વગામી દિશામાં પરમ તત્ત્વ છે, જ્યારે બીજી અધોગામી દિશામાં સંસાર છે.

ઊર્ધ્વગામી, સાચી દિશા તરફની યાત્રામાં જવા માટે ભાથામાં શું-શું જોઈએ એ ભગવાન આપણને દૈવી સંપત્તિઓના રૂપમાં આપતા ગયા છે – જેમાં આપણે ‘અભય’થી લઈને દયા સુધીની જે સંપત્તિઓ છે એ વિષે વિચાર કર્યો છે. એ બધી સંપત્તિઓમાં દયા, કરુણા એ ખૂબ જ અગત્યના ગુણો છે. આ માર્ગે જતા કોઈ પણ સાધકનો વિકાસ થઈ રહ્યો છે, એ આધ્યાત્મમાં ખરેખર આગળ વધી રહ્યો છે એનું માપદંડ એની કરુણા છે – એ બીજાના દુ:ખ માટે, બીજાની લાગણી માટે કેટલો સંવેદનશીલ છે એ એની કરુણાથી ખબર પડે કે એ આધ્યાત્મ માર્ગમાં આગળ વધી રહ્યો છે; અને જો કોઈ સાધક માત્ર પોતાની જ લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ છે, તો એ પણ ખબર પડે કે એ આધ્યાત્મ માર્ગથી કેટલો દૂર છે.

દૈવી સંપત્તિઓમાં ભગવાને માત્ર દયા જ નથી કહી, બીજા ગુણો પણ કહ્યાં છે, કેમ કે, ભગવાને બીજું વધારે કહેવું પડે એમાં આપણો સ્વભાવ જ કારણ છે. આપણે દરેક ઉપદેશને, શાસ્ત્રોને, અન્ય વાતોને આપણી સમજ, રીત પ્રમાણે બદલીને, મુલવીને જોઈએ છીએ, પછી આપણને જે અનુકૂળ આવે તેટલું જ લઈએ છીએ – એટલે, ભગવાન ચોરને પણ અનુકૂળ આવી જાય છે, જુગારીને પણ અનુકૂળ આવી જાય છે; તેથી એમને ભગવાન શ્રીકૃષ્ણની વાતોમાં પણ જુગાર જ દેખાય (મહાભારતમાં પાંડવો કૌરવો સાથે જુગટું રમ્યા હતા ને?) ભગવાનમાં પણ ચોરી જ દેખાય, માખણ ચોરી જ દેખાય.

હવે, ભગવાન બીજી વાત કહે છે ‘અલોલુપ્ત્વ’ની, કે લોલુપ્ત્વ નહીં હોવું જોઈએ. ઇન્દ્રિયોની સામે કોઈ વિષય આવે, તો એને માટે આપણી અંદર એક પ્રકારની લાલચ ઊભી થાય, માંગ-ડિમાન્ડ ઊભી થાય, સાથે ક્ષોભ પણ થાય. આ માંગ આપણા મન-મગજ ઉપર હાવી થઈ જાય, આપણે એની ઉપર સંયમ ના રાખી શકીએ… તો, આ આખી વાત લોલુપ્ત્વ છે. મીઠાઇ જોઈને મ્હો’માં લાળ આવવા માંડી, એ લાલચ/ઈચ્છા આપણાં હાથમાં નથી, અને જ્યાં સુધી એ મીઠાઇ આપણને મળે નહીં ત્યાં સુધી આપણને સંતોષ ના થાય – તો આ પણ લોલુપ્ત્વ છે. ભગવાન કહે છે, આવું લોલુપ્ત્વ ના હોવું જોઈએ. આ સાથે ભગવાન એ પણ કહે છે કે દયા ક્યારે છાની-માની લોલુપ્ત્વમાં બદલાઈ જાય એ ખબર ના પડે. કોઈ માણસ મીઠાઇનો ખૂબ લાલચુ હોય, લોભી પણ હોય… તો એક રીતે એ મીઠાઇ ખાઈને ઇન્દ્રિયો ઉપર દયા જ તો કરતો હોય છે! એને પણ એમ થાય કે હું તો ઇન્દ્રિયો ઉપર દયા કરું છું – પોતાના ઉપર નહીં તો ‘બીજા’ના ઉપર!

વર્ષો પહેલા દિલ્લીના એક આઈ-સ્પેશ્યલિષ્ટ ઉપર કેસ થયેલો. એ ડોક્ટરને ત્યાં કોઈ બેન દર્દી તરીકે આવેલા, એને આંખોની અને બીજી ઘણી બધી તકલીફો થઈ હતી. ડોક્ટર એ બેન સાથે થોડા સંવેદનશીલ થયા, એમને દયા આવી … અને ધીમે-ધીમે એમની ‘દયા’ ક્યારે લોલુપ્ત્વમાં, કામ-ના લોલુપ્ત્વમાં સરી પડી એ ખબર જ ના પડી. પછી તો એ સંબંધો એટલા બધા ગાઢ થઈ ગયા કે ડોક્ટરે એમના પત્નિની હત્યા પણ કરી દીધી! કેમ કે આ બે-ના સંબંધમાં પત્નિ અવરોધ હતા. આમ, દયા ક્યારે લોલુપ્ત્વમાં ફેરવાઇ જાય એ ખબર ના પડે.

ભાગવતમાં જડભરતનો કિસ્સો આવે છે. જડભરતને એક હરણ ઉપર દયા આવી, અને એમની ‘દયા’ ક્યારે લોલુપ્ત્વમાં બદલાઈ ગઈ ખબર ના પડી, અને એમણે હરણના શરીરમાં જવું પડ્યું.

એટલે, કદાચ, ભગવાને દયા પછી અલોલુપ્ત્વની વાત કીધી હશે (ગીતા–૧૬:૨) કેમ કે માણસની દયા ક્યારે લોલુપ્ત્વમાં સરી પડે એ ખબર જ ના પડે.

આપણા એક સાધક છે, એમના પિતાને ડાયાબિટીસ હતું, તો પણ એમને મિઠાઇ વગર ચાલે નહીં, અને ચરી પાળી શકે નહીં, બસ, મીઠાઇ તો જોઈએ જ. એટલે, એમણે યુક્તિ કરી – ઘરમાં જ્યારે એમના પત્ની ના હોય ત્યારે પોતે દયામણા થઈ ને વહુને કહે, “આટલા દિવસો થઈ ગયા, મેં મીઠાઇ નથી ખાધી, અને આ તારી બા છે ને, એ મને મીઠાઇ બિલકુલ આપતી નથી. તું મને થોડી મિઠાઈ આપ ને!” એટલે, વહુને દયા આવે, અને સસરાને થોડી મીઠાઈ ખવડાવી ‘દે. પછી જ્યારે વહુ ઘરમાં ના હોય ત્યારે પત્નીને કહે, તારી વહુ મને મીઠાઈ આપતી જ નથી, તું મને આપ ને.” તો પછી એ પણ એમને થોડી મીઠાઈ ખવડાવે, કે લો, ભઈ, થોડું ખઈ લો.

તો, આમ, પોતે દયામણા થઈને પોતાના માટે બીજાની ‘દયા’નો ઉપયોગ કરવો એ પણ લોલુપ્ત્વ જ છે.

આ લોલુપ્ત્વને થોડું વધારે સમજીએ – આમ તો લોલુપ્ત્વ એ એકદમ સહજ, સાહજીક પ્રક્રિયા છે. કોઈ પણ જીવ બીજાના સંસર્ગમાં આવે ત્યારે એની અંદર એક પ્રકારની રાગાત્મક સંવેદના, ભાવ, જાગે છે, અથવા તો એનાથી અવળું થાય કે દ્વેષનો ભાવ આવે. આસક્તિ-રાગ થાય કે પછી દ્વેષ-અણગમો થાય – જેમ કે કારેલા, એ કોઈને બહુ ભાવે, કોઈ કારેલાના નામથી ભડકે.

એક રોચક કિસ્સો છે – અમે જ્યારે નાના હતા ત્યારે પાડોશમાં એક ભાઈ રહેતા હતા, એમને કારેલા શબ્દથી જ નફરત, એટલી નફરત હતી કે કોઈથી “કારેલા” એટલું સાંભળે કે મારવા દોડે, અને ઘરમાં એમના પત્નીને કારેલા બહુ ભાવે. મને ખ્યાલ છે કે એક દિવસ સવારે એ ભઈ નોકરી પર ગયા, ત્યારે પત્ની આનંદથી કારેલાનું શાક બનાવવા જતા હતા, એટલામાં એ ભઈ કોઈ કારણસર પાછા આવ્યા… જોયું તો ઘરમાં કારેલાનું શાક બને છે, એટલે એમણે તો કારેલા બનાવવાનું વાસણ જ લઈને બહાર ફેંકી દીધું હતું.

તો આમ, દરેક વસ્તુ – જડ-ચેતન – જ્યારે એક-બીજાના સંસર્ગમાં આવે છે ત્યારે એની અંદર એક પ્રકારનો ક્ષોભ, uneasiness, agitation ઉત્પન્ન થાય છે, ત્યાર પછી પ્રતિક્રિયા (response) ઉદ્ભવે – એ પ્રતિક્રિયા રાગાત્મક કે દ્વેષાત્મક હોય શકે.

વીસમી સદીની શરુઆતના સમયના એક પ્રખ્યાત ઓસ્કાર વિજેતા રશિયન માનસચિકિત્સક (સાયકોલોજીસ્ટ) હતા ઇવાન પાવલોવ. તેઓ એમના એક કૂતરાને ખાવાનું આપવા જતાં પહેલા ઘંટડી વગાડીને જતા.. એમણે જોયું તો કૂતરાના મ્હોં-માં બહુ લાળ આવતી. એટલે, વિષય સામે હોય એને લીધે ઇંદ્રિયોમાં ક્ષોભ થાય, અને એ ક્ષોભના પરિણામે લાળ આવે. ત્યાર પછી એમણે એ પણ માર્ક કર્યું કે કો’ક દિવસ જ્યારે નિયત સમયે ઘંટડી વગાડી હોય પણ ખાવાનું નહી લઈ ગયા હોય, તો પણ ઘંટડી સાંભળીને એ કૂતરાના મ્હોં-માં લાળ આવતી હતી, ખૂબ લાળ આવે અને એવા મ્હોં-થી એ પાવલોવને વ્હાલ કરે; પાવલોવ ક્યારે’ક કંટાળી જતા. તમને તો ખબર હશે કે કૂતરા-પ્રેમીઓની હાલત કેવી હોય છે – એ એમને ચાટે, ગળા પર, માથા પર, બહુ ચાટે, કૂદા-કૂદ કરે, ગમે ત્યાં ચઢી જાય. તો, પાવલોવ પણ ક્યારે’ક કંટાળી જતા એમના કૂતરાના વર્તનથી.

હવે, આ વર્તનથી ઉંધુ પણ થઈ શકે – માનો કે પાવલોવ ઘંટડી વગાડી એ કૂતરાને ખાવાનું ના આપે, પણ ચાબુક મારે, લાકડીના બે ઘા કરે, તો? ત્યારે, એ જ કૂતરાને એ જ ઘંટડી સાંભળીને ભય લાગે, ભયની સંવેદના થાય, જેના કારણે દ્વેષની પ્રતિક્રિયા થાય…પરિણામે એવું પણ થાય કે એ ધ્રૂજવા લાગે… એવું પણ બને.

તો, આવું જડ-ચેતન દરેક વસ્તુ સાથે થતું હોય. એ માત્ર મોટા પશુઓ સાથે જ નથી થતું, નાના-નાના પ્રાણી હશે એમાં પણ એ ભાવ હોય છે, એમાં એ વ્યક્ત ના થતા હોય, એને ખ્યામાં ના પણ આવતો હોય એ જુદી વાત છે. વૃક્ષ પણ ભાવ-સંવેદના વ્યક્ત કરે છે. જે વ્યક્તિ વૃક્ષને ખાતર-પાણી આપતી હોય, પ્રેમ આપતી હોય, એનો ખ્યાલ રાખતી હોય તો એ વ્યક્તિની ઉપસ્થિતિ થતાં એની અંદર પણ રાગની સંવેદના – સારી સંવેદના – ઉત્પન્ન થતી હોય છે. અને જ્યારે કોઈ એને કાપવા કે સળગાવવા જતો હોય ત્યારે વૃક્ષને એ પ્રમાણેની, ભય, દ્વેષની સંવેદનાઓ થતી હોય છે.

ભારતમાં કેટલા તીર્થો ઊભા થયાં છે કે જે સ્થળ પર જ્ઞાની સંતોએ, કોઈ મહાપુરુષે તપ કર્યું હોય, જ્ઞાની પુરુષે તપ કર્યું હોય જ્યાં એની ઉપસ્થિતિ રહી હોય એ જગ્યા પાવન થઈ હોય, તો એ સ્થળની સંવેદના જ આખી બદલાઇ ગઈ હોય. આમ, દરેક વસ્તુ પ્રતિક્રિયા કરે છે, એમાં જે રાગાત્મક પ્રતિક્રિયા છે એને આપણે લોલુપ્ત્વ કહીએ છીએ, એટલે, ખાવાની વસ્તુ જોઈને લાળ ઝરવા લાગે.

એક સંત કહે, એક વખત એક ભાઈ બીમાર હતા, ત્યારે એમણે એક બીજા ભાઈને કીધું કે એને શિકંજી બનાવી આપે. એ બીજા ભાઈ લીંબુનું શરબત બનાવતા હતા, ત્યારે એમના મોઢામાંથી લાળ ટપકીને ગ્લાસમાં પડી ગઈ. એવું બને એ જ લોલુપ્ત્વ છે, અને એ એક સહજ પ્રક્રિયા છે – એટલે, કહેવાય છે કે કોઈ ગાયક હોય, એનો પ્રોગ્રામ ચાલતો હોય અને એની સામે જો કોઈ ખાટી વસ્તુ ખાય તો એનું આખું ગાયન જ બગડી જાય!

એવી રીતે વિજાતિ (ઓપોઝિટ સેક્સ) વ્યક્તિને લીધે કોઇની અંદર સંવેદનાઓ બદલાઈ જાય; સ્ત્રી સામે પુરુષની, પુરુષ સામે સ્ત્રીની ઉપસ્થિતિ, આસક્તિથી સંવેદનાઓ બદલાઈ જતી હોય છે. એ જે લોલુપ્ત્વ છે એ એક સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે. બીજા પ્રાણીઓમાં તો સારું છે, મનુષયોમાં આ પ્રક્રિયા ક્યારે’ક અસીમ થઈ જતી હોય છે – એને સમજજો.

કૂતરાને એના ખોરાક માટે લોલુપ્ત્વ થાય, અને જો તમે પાઉં-ભાજી બનાવતા હો ત્યારે કૂતરાના મ્હોમાં પાઉં જોઈ લાળ આવે, પણ ભાજી માટે કદાચ લાળ ના આવે, સફરજન જોઈને એને લાળ ના આવે; તો, આમ પશુને લાળ આવવા માટેની એક સીમા હોય છે. વળી, જ્યારે એનો સંસર્ગ’નો સમય પસાર થઈ જાય, પછી ભલે ને એની આજુ-બાજુ માદાઓ ફરતી હોય તો પણ એને બીજા વિકારો ના આવે. પરંતુ, મનુષયના લોલુપ્ત્વની ક્યાં’ય સીમા જ નથી, એને કોઈ પણ પ્રકારના ખોરાક માટે લાળ આવી શકે છે.

આપણાં એક સાધક છે, એ એક યુરોપિયન કાર્ગો-શિપમાં જોબ કરતા હતા. એક વખત એ શીપ પર કોઈ બીજી કન્ટ્રીના જે લોકો હતા, એમાં કદાચ રોમેનિયન હશે, એમને એ શિપ ઉપર એક કૂતરું દેખાયું, એને જોતાં જ એ લોકોના મોઢા એટલા તો ખીલી ગયા… જેમ કે આપણને કોઈ ભાવતી વાનગી જોઈને મોઢામાં કેવું થાય, એવા… અને થોડા જ દિવસમાં એ કૂતરુ ગુમ થઈ ગયું! એટલે, માણસની અંદર ક્યારે પણ લોલુપતા આવી શકે છે, કોઈ પણ વસ્તુ માટે આવી શકે છે, એની કોઈ સીમા નથી. સ્ત્રીને પુરુષને જોઈને, કે પુરુષને સ્ત્રીને જોઈને જે સંવેદનાઓ થતી હોય, એની કોઈ સીમા જ નથી, કાળની કે ઉંમરની પણ કોઈ સીમા જ નથી.

એટલે, મનુષ્ય માટે લોલુપ્ત્વમાંથી નીકળવું થોડું અઘરું છે, તેમ છતાં એમાંથી બહાર નીકળવું પણ મનુષ્યથી જ શક્ય છે, બીજા કોઈ માટે શક્ય નથી. જો દુનિયાની કોઈ પણ ખાવાની વસ્તુ માટે એને લાલચ થઈ શકે, તો એવું પણ થઈ શકે કે એની સામે જાત-જાતની વાનગીઓ, બધું જ પડ્યું હોય તો પણ એની અંદર કોઈ પ્રકારની સંવેદનાઓ, વિકૃતિ ના આવે. એવું પણ બની શકે છે; એ બ્રહ્મચારી રહી શકે છે, એ મનુષ્ય જ રહી શકે છે. આપણે કોઈ પ્રાણીને બ્રહ્મચારી ના બનાવી શકીએ, પ્રાણીને મૌન પળાવી ના શકીએ, પણ મનુષ્ય મૌન રહી શકે છે, શબ્દોની સીમાઓને ઓળંગી શકે છે, મનની સંવેદનાઓને ઓળંગી શકે છે.

લોલુપ્ત્વ એક સહજ, સ્વાભાવિક પ્રક્રિયા છે – ચા પીવાથી જેને એક પ્રકારનો સંતોષ મળતો હોય, ચા-ના અભાવે એના શરીરમાં એક જાતનો ક્ષોભ થાય, ચા જો ના મળે તો માથું દુ:ખતું હોય, અને ત્યારે એને કોઈ આવીને એક સુખદ સમાચાર આપે, “હવે ચા બની રહી છે,” તો એટલા શબ્દોથી જ એનું માથું દુ:ખતું મટી જાય…ત્યારે ત્યાં, એની અંદર ચા-માટેની લોલુપતા દૃઢ થતી જાય. એવી જ રીતે, જે વધારે નશાવાળા પદાર્થો છે, જેને કારણે એના બંધાણીઓમાં લોલુપ્ત્વને કારણે જે ક્ષોભ થાય છે એ તીવ્ર હોય છે, અને એ ક્ષોભ એ લોકોની અંદર એટલો બધો સૂક્ષ્મ થઈ ગયો હોય કે એ નશીલી વસ્તુના અભાવે એમની અંદર જે શારીરિક, માનસિક વિકૃતિઓ આવતી હોય એ પરિણામ એમના હાથમાં ના હોય, એ માણસના હાથમાં ના હોય.

આવી માનસિક વિકૃતિઓ ક્યારે’ક તો એટલી તીવ્ર હોય છે કે એવા લોકોને જેલમાં રાખ્યા હોય તો ત્યાં પણ પોલીસે એ લોકોને નશીલા પદાર્થો (હેરોઇન, મારિજુઆના, કોકેન વિગેરે) લાવી આપવા પડે છે. આવું લોલુપ્ત્વ એ લોકોના સૂક્ષ્મમાં ઉતરી ગયું હોય છે કે ત્યાંથી એને કાઢવું  અઘરું છે. એવા લોકો ગમે તેટલા સંકલ્પો કરે કે હું હવેથી દારૂ નહીં પી’શ, તમાકુ નહીં ખાઉં… તો પણ એ છોડી ના શકતો હોય; એની સામે કેન્સરથી લોકો રીબાઈ-રીબાઈને મરતા હોય, અને એ ગુટકા એના મોઢામાં હોય… આવી બધી લતોથી એ લોકો બહાર ના નીકળી શકે, કેમ કે લોલુપ્ત્વ એ લોકોના સૂક્ષ્મમાં જતું રહ્યું હોય.

એક સાધકનો મને ખ્યાલ છે કે એને તમાકુ ખાવાની ટેવ છે, તો જઈને ગંગાજીમાં પાણી લઈને સંકલ્પ કરી આવ્યા કે હવે જીવનમાં ક્યારે’ય તમાકુ નહીં ખાઉં… પછી તો દર વર્ષે સંકલ્પ કરવો પડે… છોડવું અઘરું થઈ પડે, અને એ ક્યારે’ક ક્યારે’ક એટલું બધુ સૂક્ષ્મમાં જતું રહ્યું હોય કે એને જન્માંતર સુધી એની અસર હોય.

મેં ઘણી વખત વાત કરી છે એક ડૉ. કિરણભાઇના અનુભવની – અહીં આશ્રમ નજીક ખાંધલીમાં જ હતા. એક વખત તેઓ એક બેન-દરદીને જોવા ગયા, એમને કોઈ તકલીફ હશે, દવા આપી. પછી કહે, હું બેઠો, અને જોયું તો એ બેનનો વ્યવહાર થોડો અસ્વાભાવિક, એબ્નોર્મલ હતો. એ બેનના પાડોશના આઠ-દશ બહનો ભેગાં થઈ ગયાં, એવામાં એક જે વડીલ માજી હતા એમણે એ બેનનો ચોટલો પકડ્યો, પૂછ્યું, કે ‘કોણ છે તું?’ તો, એણે નજીકની એક નાની ઝૂંપડીમાં એક બેન રહેતાં હતાં એ થોડા દિવસ પહેલા ગુજરી ગયાં હતાં, એનું નામ લીધું, ‘હું એ છું’. માજીએ ફરી પૂછ્યું, ‘શું જોઈએ છે?’ એ કહે, ‘મારે શીરો ખાવો છે.’ ‘શીરો ખાઈશ તો જતી રહેશે?’ કહે, ‘હા, જતી રહીશ.’ વડીલ બેને કહ્યું, એને શીરો બનાવી આપો. એક બેન શીરો બનાવવા રસોડામાં ગયા, તો આ બેન ખાટલે બેઠા-બેઠા કહે, ‘એ ઘી ઓછું નાંખે છે,’ વડીલ બેને જોરથી કહ્યું, ‘ના, ના એને ઘી બરાબર નાંખીને આપો.’

શીરો બનાવીને લઈ આવ્યા, તો જે બેન ગુજરી ગયેલા એના પતિનું નામ લીધું, કહે કે ‘મારે એમની સાથે શીરો ખાવો છે.’ તો, એ ભાઈને બોલાવ્યા, અને એ બે જણ જેમ પતિ-પત્નિ ખાય એવી રીતે શીરો ખાધો. ‘હવે તું જઈશ?’ એ કહે, ‘હા, હવે હું જતી રહીશ.’ એ ઊભી થઈ, અને પડી ગઈ. જે બેન બીમાર હતા એ ભાનમાં આવ્યા, એટલે બધાંને પૂછવા લાગ્યા કે ‘તમે આટલા બધા કેમ ભેગા થયા છો? મને કશું થયું નથી ને?’

તો, ગુજરી ગયેલા બેનની શીરો ખાવાની જે અતૃપ્ત ભાવના રહી ગઈ હતી, એ એને માટે લોલુપ્ત્વ, લાલચ એને ત્યાં રોકી રાખે, એ વાસના એને બીજા જન્મમાં જતાં રોકે છે. મરતા સમયે માણસને જો કશું’ક ખાવાની આકાંક્ષા અતૃપ્ત રહી ગઈ હોય, અને મર્યા પછી ક્યારે’ક માણસ બીજા જન્મમાં જતો રહ્યો હોય, તો ત્યાં એ અતૃપ્ત ઈચ્છા એના બીજા જન્મમાં પણ રહી હોય.

એટલે, લોલુપ્ત્વ જે નાનો અવગુણ દેખાય છે એ આપણને કેટલો બંધનકારી બની શકે એ આ વાત પરથી ખ્યાલ આવે છે. એટલે, કોઈ વહુએ સાસુ-સસરાને મનભાવતી વસ્તુ ના આપી હોય તો બની શકે, એ મૃત્યુ પછી ત્યાં રહી જાય. એટલે આપણે કહીએ છીએ કે વડીલોને બહુ દુ:ખ થાય એવું નહી કરવાનું.

આવી બધી વાતોથી પ્રશ્ન થાય કે તો પછી એ લોલુપ્ત્વથી બહાર નીકળવાનું કઈ રીતે? પહેલો સરળ ઉપાય એ કે એવા સંસર્ગથી દૂર રહેવું, કેમ કે સંસર્ગ જ શરૂઆત છે. આપણે બંગાળની જાણીતી મીઠાઇ ‘સંદેશ’ની બાબતમાં કશું જાણતા ના હોઈએ, તો એના માટે લોલુપતા ના હોય, પણ એક-બે વખત કલકત્તા ગયા હોઈએ, અને ત્યાં ‘સંદેશ’ મીઠાઇ ખાધી હોય…તો, એવું બને કે ધીમે-ધીમે પછી ‘સંદેશ’નું નામ સાંભળીએ અને મોઢામાં પાણી આવે, એવું બને. એટલે વિષયોના સંસર્ગથી દૂર રહીએ; જો કે, એનાથી એકદમ નિરાંત નહીં થઈ જવાશે.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ।। (गीता – ર:૫૯)

કે આપણી પાસે વિષય ના હોય તો એને માટે આપણી અંદર કોઈ લાલચ ના ઊભી થાય, પણ તેથી લાલચ જતી રહી, લોલુપ્ત્વ પૂરી રીતે ગયું એવું ના કહેવાય…
જ્યારે વિષય સામે આવે ત્યારે પાછી ફરી લાલચ આવી જાય.

તો, જ્યારે પરમ, પૂર્ણ ચેતનાનો સાક્ષાત્કાર થશે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે ત્યારે જ લોલુપ્ત્વ જશે, એ સિવાય નહીં જાય – परं दृष्ट्वा निवर्तते’, પણ લોલુપ્ત્વમાંથી ધીમે-ધીમે કઈ રીતે નીકળવું એને સમજીએ, કેમ કે એમાં એક વસ્તુ થતી હોય છે કે આપણા શરીર, મન, પ્રાણના જે વિકારો છે, વિકૃતિઓ છે – શાસ્ત્રીય ભાષામાં કહીએ ત્રણ ગુણો વચ્ચે સંવાદિતા નથી, હાર્મની નથી, એ એનું કારણ હોય એ જુદાં-જુદાં રૂપોમાં એ વ્યક્ત થતી હોય; આપણી જે લાલચ છે એ પણ જુદી-જુદી રીતે વ્યક્ત થતી હોય. તો, એ વિકારોને શરીરના સ્તરથી, મનના સ્તરથી, ઇંદ્રિયોના સ્તરથી ધીમે-ધીમે કાઢવા પડે.

મારા ગુરુજી એક વાત કહેતા કે કોઈને “ના કર” એવું નહી કહેવાનું, કે ‘તું દારૂ ના ‘પી, તમાકુ ના ખા, આ ના કર, આ ના કર,…’ એવું નહી કહેવાનું; એને “તું આ કર, તું જપ કર, તું ધ્યાન કર, તું આસન કર, પ્રાણાયામ કર…” એવું કહેવાનું. આવું કહેવાથી એવું જોવામાં આવ્યું છે કે જ્યારે શરીર, ઇન્દ્રિયો, મન વિગેરે સારી પ્રવૃત્તિઓથી શુદ્ધ થાય છે ત્યારે વિકારોના ઓછા થવાથી ઇન્દ્રિયોની લોલુપતા આપોઆપ ઓછી થાય છે, કેમ કે શુદ્ધિકરણથી એને અંતરમાં સહજ આનંદની પ્રતીતિ થવા લાગે છે.

બહુ વર્ષો પહેલા લશ્કરમાં પ્રયોગ કરાયો હતો કે આર્મીના થોડા જવાનોને છ મહિના સુધી નોન-વેજ ખાવા આપ્યું, સાથે દારૂમાં કદાચ રમ અપાતું હતું, સીઝર્સ બ્રાંડની સિગારેટ પણ અપાતી. આ બધી વસ્તુઓની સાથે એમને કોઈએ, કોઈ જ ઉપદેશ નથી આપ્યો; પછી એમને ધીમે-ધીમે યોગાભ્યાસ, શિથિલીકરણ, ષટ્કર્મની ક્રિયાઓ એવું બધુ કરાવવાનું શરુ કર્યું. આ પ્રયોગનું પરિણામ એ આવ્યું કે ત્રણ મહિનાની અંદર અડધા જવાનોએ દારૂ પીવાનો બંધ કરી દીધો.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે “તમારામાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું? તમને કોઈએ ના નથી કીધી, તમને કોઈએ કોઈ ઉપદેશ નથી આપ્યો, તો દારૂ પીવાનું ઓછું કેવી રીતે થયું?” એમણે કીધું કે “અમારું શરીર જ સહન નથી કરતું, અમે કદાચ દારૂ ‘પી પણ લઈએ, તો અમને એટલી બધી બેચેની થાય છે કે હવે નહીં રહેવાશે.” તો, નોન-વેજ, દારૂ, સિગારેટ જેવી વસ્તુઓથી લશ્કરના જવાનોને પણ આવી સ્થિતિ આવે છે, એ લોકો પણ અમુક લિમિટથી વધારે નથી લઈ શકતા, અને ધીમે-ધીમે પૂરી રીતે છૂટી પણ શકે છે.

હું નાનો હતો ત્યારે મને એક વખત દાંતમાં દુ:ખાવો થયો, દાંત બહુ દુખતો હતો; કોઈએ કીધું કે ‘તમાકુ ખાવ, તો દાંત દુખતો મટી જશે.’ એટલે, હું 30-નંબરનું તમાકુ લઈ આવ્યો; જેવું ખાધું કે તરત જ મને આખા શરીરે પરસેવો-પરસેવો થઈ ગયો; એટલો બધો પરસેવો થયો કે મને ચક્કર આવી ગયા, તેથી પાણી ‘પી-ને હું સૂઈ રહ્યો. પછી, બીજી એક વખત આ જ તમાકુ ખાવાનું સાહસ કર્યું, અને પહેલા જેવો જ અનુભવ થયો. મે કહયું, આપણું કામ નથી. તો, તમે આવા પદાર્થોનું સેવન કરી જ ના શકો.

લોલુપ્ત્વ જેવા અવગુણોને કાઢવા માટે બે મુખ્ય માર્ગો છે – એક, શુદ્ધિકારણનો માર્ગ, બીજો, ભક્તિ-માર્ગ. શુદ્ધિકરણના ત્રણ ભાગ છે – શારીરિક, પ્રાણિક અને માનસિક. શરીરના સ્તર પર યોગાભ્યાસ, શિથિલીકરણ, શવાસન વિગેરે કરવાથી શરીર શુદ્ધ થાય છે; પ્રાણાયામ કરવાથી પ્રાણની શુદ્ધિ થાય. ત્યાર પછી, ઊંડાણ સુધી સૂક્ષ્મમાં ઉતરી ગયેલા અવગુણોના સંસ્કારો યોગનિદ્રા, ધ્યાન, વિગેરેથી જ નીકળી શકે, ગહન ધ્યાન સિવાય એ કાઢવા શક્ય જ નથી, અને આ બધુ ધીમે-ધીમે કરવાનું. અંતત: તો અવગુણો જશે પૂર્ણ બોધની સ્થિતિથી જ જશે.

ભક્તિના માર્ગમાં ભક્તિની એક વિશેષતા છે – આ જે લોલુપ્ત્વ છે એનું સબ્લિમેશન (sublimation – પ્રવાહી થયા વગર ઠોસ પદાર્થનું ગેસ-જેવુ થવું, એટલે રૂપાંતરણ થવું), તનુ, ક્ષીણ થાય ભક્તિ દ્વારા, સગુણોપાસના દ્વારા. કોઈને મીઠાઇ ખાવાની ખૂબ લાલચ છે, તો મીઠાઇ ભગવાનને ધરાવીએ છીએ. એવી જ રીતે જેટલી વસ્તુઓમાં લાલચ થાય એ બધી જ વસ્તુઓ પહેલા ભગવાનને ધરાવીએ. હવે, જ્યારે પણ મન-ગમતી વાનગીઓ જોઈએ અને ખાવાનું મન થાય તો તરત ભગવાન યાદ આવશે, અરે!  આ ભગવાનને ધરાવવાનું છે, પહેલા ભગવાનને આપવાનું છે. આવું કરવાથી એ વસ્તુઓ માટે મારી ઇંદ્રિયોમાં જે  વિકૃતિઓ આવે છે, એ પ્રભુ-સ્મરણમાં બદલાશે, એનાથી પછી લાલચ, લોલુપ્ત્વ વિગેરેનું sublimation થતું જાય છે. એટલે, જ્યાં રજોગુણ વધારે છે, ત્યાં ભક્તિ કરવાનું કહ્યું છે. એને સરસ પહેરવાનું જોઈએ, ખાવાનું સરસ જોઈએ, બધું જ સરસ જોઈએ, તો એ બધું પહેલા ભગવાનને અર્પણ કરો… એ નિમિત્તે પણ વૃત્તિ ભગવાન તરફ અભિમુખ થાય. વિકૃતિઓ આપણા શરીરમાં કોઈ-ને-કોઈ રૂપમાં આવતી જ હોય છે, અને એ સહજ રીતે આવતી હોય, આપણને ખ્યાલ પણ ના આવતો હોય, પરંતુ જ્યારે થોડા સભાન થવા લાગીએ તો ધીમે-ધીમે આપણને સમજાય કે જ્યારે આપણી અંદર કોઈ લાલચ જાગે છે, ત્યારે શરીર, મનમાં એક પ્રકારનો ક્ષોભ, હલકું આંદોલન (agitation) શરૂ થઈ જાય છે. હું જો સભાન હોઉં અને આ પ્રકારના ક્ષોભનો મને જો ખ્યાલ શરૂઆતામાં જ આવી જાય તો હું એનાથી ચેતી જાઉં, અને મુક્ત પણ થઈ શકું છું; અને એ agitationને જો હું માત્ર સાક્ષી-ભાવે જોઈ લઉં, તો એનાથી મુક્ત થઈ જઈશ – એને જ ભગવાને ગીતમાં (पश्यञ्श्रृण्वन्स्पृश-… ૫:૮-૯) સાધના તરીકે કહી છે, કે જોતાં, હરતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, શ્વાસ લેતાં-છોડતા…, इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् (૫:૮-૯) – આ બધો વ્યવહાર ઇંદ્રિયો જ કરે છે, હું નથી કરતો, એ રીતે સજાગ રહી, ધીમે-ધીમે એ બધી સંવેદનાઓથી, અંદરની બધી વિકૃતિઓથી બહાર નીકળું છું, અને હું જોઈ લઉં છું, સાક્ષીભાવે જોઈ લઉં છું. આવું કરવાથી હું એ બધાથી બહાર નીકળી જઉં, મારી અંદર લોલુપ્ત્વ ખતમ થતું જાય છે, અને અંતત: એક સ્થિતિ એવી આવે છે કે જ્યાં ખાવાનું હોય, જોવાનું હોય જે પણ વિષયો, ઉપભોગની વસ્તુઓ હોય, છતાં ચિત્ત બિલકુલ નિર્વિકાર હોય. આમ, ખરી પરીક્ષા તો ત્યાં જ છે કે બધું જ સામે હોય છતાં મન, ચિત્ત નિર્વિકાર હોય.

હું એક સંતને મળ્યો હતો, ખેમકાજી નામ હતું, એ એમના જીવનના અનુભવ કહેતા, કે એક સંત જે બહુ મોટા, મહાન સંત કહેવાય, સમાજમાં બહુ પ્રસિદ્ધ સંત, એમની બાબતમાં કહે કે, સ્વામીજી, મારી ઉપર એમનો મેસેજ આવ્યો કે ‘હું ક્યાં’ક અટકું છું, તું મને બતાવ કે હું ક્યાં અટકું છું.’ તો ખેમકાજી કહે, કે એ કેટલા વડીલ સંત, હું તો નાનો, ઉંમરમાં પણ નાનો… અને એ સંત મને પૂછે છે? મેં એમને કહ્યું, કે ‘હું તો બાળકની માફક તમારા ખોળામાં ઉછર્યો છું, છતાં તમે મને પૂછો છો એટલે સંકોચ સાથે કહું છું કે તમે થોડી જગ્યામાં બંધાવ છો; એક, તો તમે વિલ (will) કર્યું છે – એ સંતે વિલ કર્યું હતું કે મારી પાછળ સમાધિ ના બનાવવી, અમુક ના કરશો, મારું કોઈ સ્થાન ના બનાવશો, , આવું-આવું ના કરશો… તો, ‘વિલ’નો મતલબ એ કે જતી વખતે તમારી કોઈ ઇચ્છા છે; અને જ્ઞાનનો મતલબ છે સમર્પણ, સમર્પણનો અર્થ છે કે તમારી કોઈ ઇચ્છા ના હોવી જોઈએ, એટલે, તમારી અંદર ઇચ્છા છે, એ તમને રોકે છે. બીજું, તમે ૯૦ વર્ષના થયા તો પણ તમે સ્ત્રીઓથી એટલા દૂર કેમ ભાગો છો? એમનામાં તમે આત્મા કેમ નથી જોઈ શકતા, એમની અંદર તમે માતૃશક્તિ કેમ નથી જોઈ શકતા? કેમ દૂર ભાગો છો? તો, આ પણ એક પ્રકારનું બંધન જ છે.’

એટલે, એક વખત બધા વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે, એ પૂર્ણ રીતે નષ્ટ થવું જોઈએ. એવું કહેવાય છે કે, ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ભાવાવસ્થામાં હોય ત્યારે એમના મ્હોં-માં સાકર નાંખી દે’તા, મીઠાઇ મૂકી દે’તા, તો પણ લાળ નહોતી આવતી. આમ, વિકૃતિ માટેના બધાં જ વિષયો હોય, તો પણ ભાવ નિર્વિકાર હોય. આવી પૂર્ણ સ્થિતિ નહીં આવે, ત્યાં સુધી પ્રયાસ તો કરવાના જ.

થોડા દિવસો પહેલાં મારા ગુરુજી પૂજ્ય સ્વામી સત્યાનંદજીની બાબતમાં એક સાધક વાત કરતા હતા કે ‘ગુરુજી ક્યારે’ક કહેતા હશે કે મારી સામે સેંકડો સુંદરીઓ હોય, મને જોઈને એ હસતી પણ હોય, તો પણ મને કશું ના થાય…પણ જો મારા ગુરુજી, મને જોઈને હસસે ને તો હું તો મરી જ જઉં.’

એટલે, સુંદરીઓનું જે હસવાનું છે એની જો અસર થઈ, તો તમે સંસારની તરફ ગયા – અને જો એમના હંસવાથી તમને આસક્તિ ના થઈ તો તમે મોક્ષની તરફ ગયા, મુક્તિની તરફ ગયા. એટલે, લોલુપ્ત્વનું રૂપાંતરણ તો થવું જ જોઈએ, કેમ કે જ્યાં સુધી મોક્ષ ના મળે, સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી જીવન પૂર્ણ નથી કહેવાતું, આ જ અંતિમ સ્થિતિ છે.

ૐ તત્ સત્