હે પરમાત્મા,
અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર
તમે તમારા હાથમાં લઇ લો
અને સંપૂર્ણ પણે અમને દોરો.
અમારા સઘળાં કાર્યો
અમારી બુદ્ધિ, અમારી ઇચ્છા અમારા અહંકાર વડે નહિ
પણ તમારી ઇચ્છા વડે પ્રેરિત થાઓ.
કોઇ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા
તમારી યોજના મુજબ જ બનતી હોય છે.
આ વાતને સમજવા એનો સ્વીકાર કરવા જેટલી
નિર્મળતા સમજ અમને આપો.
અમે ખૂબ બધું મેળવવા ચારેબાજુ ફાંફા ન મારીએ.
કોઇ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ માટે
વ્યાકુળ ના થઇ જઇએ.
તમે જે સ્થિતિમાં અમને રાખો, તેમાં
ફરિયાદ કર્યા વિના, આનંદ-પૂર્વક રહી શકીએ
એવી સ્થિર શ્રદ્ધા અને સમર્પણ બુદ્ધિ આપો.
અંતે તો તમને પામવું એ જ અમારું લક્ષ્ય છે…
એ માર્ગે દિવસ-રાત અમારી યાત્રા આગળ વધતી રહે
તમારી ચૈતન્યધારામાં અમારી મતિ
રોજરોજ ધોવાતી રહે, એવા અમને આશીર્વાદ આપો.