સમસ્ત વિશ્વમાંની સૌથી પુરાતન સંસ્કૃતિ આપણી વૈદિક સંસ્કૃતિ એ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, તેથી લાખો વર્ષો પછી આ એકવીસમી સદીમાં પણ એ ધબકતી અને જીવંત છે. વિશ્વમાંની ઘણી પુરાતન સંસ્કૃતિઓ જે એક સમયે વૈભવશાળી હતી એના આજે કોઈ નામોનિશાન પણ નથી રહ્યા, કાળક્રમે એ બધી સંસ્કૃતિઓ વિલુપ્ત થઇ ગઈ છે, પણ આપણી વૈદિક સંસ્કૃતિ હજુ મરી નથી ગઈ, એનો પ્રવાહ આજે પણ જીવંત રહ્યો છે… વાત સાચી, પરંતુ, માત્ર આ વાતથી આપણે કાંઈ ગર્વ કરવા જેવું નથી. આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે તેથી આપણે પણ શ્રેષ્ઠ છીએ એવું ના કહી શકીએ, કારણ કે આપણે આપણી સંસ્કૃતિના જે દિવ્ય મૂલ્યો છે, જે દિવ્ય જીવન પરંપરાઓ છે એના પ્રમાણે તો આપણે નથી જ જીવી રહ્યાં.

ભારતમાં અંગ્રેજ શાસકોના સમયના એક જાણીતા ઇતિહાસકાર અને અંગ્રેજ રાજકારણી થોમસ મેકોલેએ કહ્યું હતું કે “ભારતમાં મારા ભ્રમણ દરમિયાન મેં જોયું કે આ દેશમાં લોકો ઘરને તાળા નથી મારતા, અરે! આ દેશના લોકો તો તાળા વાપરતા જ ન્હોતા!! બીજું, એ કે મેં આખા દેશમાં કોઈ ભિખારી પણ ન્હોતો જોયો એટલી સમૃદ્ધ આ દેશની સમાજ-વ્યવસ્થા હતી, અને અહીંના જેવી સમાજ વ્યવસ્થા આખી દુનિયામાં મેં બીજે ક્યાં’ય જોઈ નથી. લગભગ ૧૮૩૦-૧૮૫૦ના સમયકાળમાં આખી દુનિયાના કુલ GDPમાં ભારતનો હિસ્સો-ભાગ ૨૫% જેટલો સૌથી વધુ હતો!!”

ઈતિહાસકારોના કહેવા મુજબ સોળમી સદી સુધી ભારત આખા વિશ્વમાં સૌથી સમ્મૃદ્ધ દેશ હતો!! આ અરસાના વિશ્વમાં લગભગ ૧૬૦૦ વર્ષો સુધી એક માત્ર ભારતનું જ અર્થતંત્ર સૌથી વધુ અદ્યતન, એડવાન્સ્ડ અને સમ્મૃદ્ધ હતું. 1

આવા સમ્મૃદ્ધ ભારતની અર્થવ્યવસ્થાને અંગ્રેજોએ ૧૭-૧૮મી સદી દરમિયાન લૂંટી, તોડી-મરોડી છેવટે નબળી પાડી હતી, અને પછી આ જ ભારતને એમનો ગુલામ-દેશ પણ બનાવી દીધો!

આપણે તો એવું પણ સાંભળીએ છીએ કે કોઈ એક વાસ્કો દ’ગામાએ ભારતની શોધ કરી હતી!! જાણે ભારત દેશ ક્યાં’ક દટાયેલો ના હોય!! અને બીજા પ્રચલિત અંગ્રેજી ઇતિહાસકારોના લખાણોને માનીએ તો એમાં તો એવું પણ કહેવાયુ છે કે આ દેશમાં લોકો જંગલી-આદિવાસી હતા, એમની પાસે કોઈ જ ભણતર-એજ્યુકેશન ન હતું, કોઈ સભ્યતા જ ન્હોતી… અને અંગ્રેજોએ અહીં આવી આપણને બધું શીખવ્યું!!

  1. 1. Economic historian Angus Maddison says: ‘India was the richest country in the world and had the world’s largest economy until the 16th century AD. According to the Balance of Economic Power, India had the largest and most advanced economy from 1 AD to 16th century AD, the most of any country for a large part of the last two millennia.’ (from his book The World Economy: A Millennial Perspective, (સ્રોત – https://en.wikipedia.org/wiki/Economic_history_of_India)

યુરોપીય વૈશ્વિકરણના ઈતિહાસ મુજબ લગભગ ૧૫મી-૧૮મી સદીના ગાળામાં યુરોપમાં વૈશ્વિક વ્યાપારિક જાગ્રતિ આવી. ઈતિહાસકારોના કહેવા મુજબ, આ નવા-સવા જાગ્રત થયેલા યુરોપના વેપારીઓને દરિયાઈ માર્ગે એ સમયના સમ્મૃદ્ધ ભારત સુધી પ્હોંચવાની ઉત્સુકતા જાગી તેથી દરિયાઈ રસ્તો શોધવા માટે એ દેશોના આગેવાનો ખૂબ વિચારતા હતા કે કઈ રીતે ભારત પહોંચી શકાય. આ અતિ જોખમી કામ માટે બે મુખ્ય વ્યક્તિઓના નામ આગળ આવે છે – એક, ઇટલીના ક્રિસ્ટોફર કોલમ્બસ (જે ૧૪૯૨માં ભૂલથી પશ્ચિમ માર્ગે જઈ પહોંચી ગયો પુરાતન અમેરિકા, ત્યાં જે ભૂમિ અને એમાં વસતા લોકોને જોઈ એણે કહ્યું કે “આ ઇન્ડિયા છે, અને અહી વસતા લોકો ઇન્ડિયન્સ છે!”); બીજો હતો પોરચ્યુગીસ વાસ્કો દ’ગામા જે પહેલો યુરોપીયન હતો જે દરિયાઈ માર્ગે સાચે જ પૂર્વ દિશામાં નીકળી ૧૪૯૮માં સૌથી પહેલા ભારત પ્હોંચ્યો હતો.

કહેવાય છે કે વાસ્કો દ’ગામા આફ્રિકા પ્હોંચ્યો પછી મૂંઝાયો કે હવે ભારત કઈ રીતે જવું, કેમ કે આફ્રિકાથી ભારત આવવા માટે તો વિશાળ ભારતીય મહાસાગરને ક્રોસ કરવો પડે! લોકોક્તિ મુજબ આવામાં એમને એક ભારતીય મળ્યો, અને એ પણ એક ગુજરાતી વ્યાપારી મળ્યો! ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે એ ભારતીય હતા કાનાભાઈ! આ કાનાભાઈએ એમના ત્રણ મોટા જહાજોની વચ્ચે વાસ્કો દ’ગામાના જહાજને રાખીને સુરક્ષિત રીતે ભારત લઇ આવ્યા હતા!! અહીં આશ્ચર્યજનક અને મહત્ત્વની વાત તો એ હતી કે વાસ્કો દ’ગામા પાસે યુરોપનું સૌથી મોટું જહાજ હતું; જયારે આપણા ગુજરાતી કાનાભાઈનું જહાજ તો એનાથી બાર ગણુ વિશાળ હતું!! યુરોપના સૌથી મોટા જહાજ કરતાં ભારતના કાનાભાઈનું જહાજ બાર ગણુ મોટું જહાજ હતું!! એ સમયના સમ્મૃદ્ધ ભારતનો વેપાર અને વૈભવ બંને કેવા સબળા હશે તે આ વાત ઉપરથી કલ્પી શકાય છે.

આ વાત છે ૧૪૯૮ની, ત્યારે પણ ભારત તો સ્વતંત્ર જ હતું, અને છ-સાત સૈકાઓ બાદ પણ આજે ભારત તો સ્વતંત્ર જ છે, તે છતાં આજનું ભારત કોઈ એક મોટું ક્રુઝ પણ નથી બનાવી શકતું, કે નથી કોઈ ફાઈટર-લોન્ચિંગ શિપ બનાવી શકતું!! એ જમાનાના ભારતમાં સમ્મૃદ્ધિ હતી, તે છતાં મેકોલેના જણાવ્યા મુજબ અહીં લોકો તાળા જ ન્હોતા વાપરતા!! ત્યારે લોકો ચોરી તો નહીં કરતા, જુઠું પણ ન્હોતા બોલતા!! અને આજે લોકોની માનસિકતા અને સમાજની દશા કેવી છે એ આપણે સૌ જાણીએ છીએ.

હું એક વખત મારા ગુરુજીને ત્યાં આશ્રમમાં રહેતો હતો, લગભગ ત્રણ દાયકા પહેલાંની વાત છે. ત્યારે આશ્રમમાં એક સરકારી મહેસુલ (રેવેન્યુ) ખાતાના અધિકારી આવ્યા હતા, એમણે મને વાત કરી હતી તે યાદ આવે છે. એમની ઓફીસમાં એક દિવસ એક વ્યક્તિ કોઈ દસ્તાવેજનું કામ લઇને આવ્યો હતો. જોયું તો એ ગરીબ હતો, વૃદ્ધ પણ હતો એના કપડાં ફાટલાં હતાં, એને એવું લાગ્યું કે હું એમનું કામ કરી આપીશ; તેથી મેં કહ્યું “દાદા, આપકા કામ હો જાયેગા.”

મેં જેવું કહ્યું કે આપકા કામ હો જાયેગા, એ સાંભળીને તરત એમણે એમના ફાટલા ધોતીયાના એક ખૂણામાંથી સાચવીને બાંધેલી એક પોટલી કાઢી, એ પોટલી ગંદી અને ફાટલી હતી… એમાંથી એણે બે-રૂપિયાની ફાટલી નોટ કાઢી, અને એ અધિકારીને આપવા લાગ્યો, કહે, “ઈ તુ લઇ લે, હમાર કામ કર દિહા.”

પેલા અધિકારી કહે, “આ જોઈ હું તો કંપી જ ગયો, વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું?” એક અતિ સામાન્ય માણસનું પણ એવું જ માનવું છે કે આ દેશમાં સરકારી ખાતામાં પૈસા આપ્યા વગર કોઈ કામ નહીં થાય. ખોટું કામ કરાવવા માટે તો પૈસા આપવા જ પડે, પરંતુ સાચું કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડે. એ અધિકારી પછી કહે, ‘હું એટલો બધો મુંઝાયો કે જો પૈસા ના લઉં તો એ વૃદ્ધને રાતે ઉંઘ નહીં આવે કે પૈસા નથી લીધા તો મારું કામ નહીં થાશે, અને એના બે રૂપિયા પણ હું કઈ રીતે લઉં? છેવટે મેં મન મક્કમ કરી એના બે રૂપિયા લઇ લીધા, કેમ કે એને રાહત થાય કે પૈસા આપ્યા છે તો એનું કામ થશે.’

આ તાસીર છે આજના ભારતની, આ માનસિકતાએ તો દરેકે-દરેક ક્ષેત્રને કલુષિત કરી છે, મેડીકલ હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય, બધે જ આવી સ્થિતિ છે.

હું એક વખત એક શહેરમાં ગયો હતો, ત્યાં ચાર-પાંચ પરિચિત ડોકટરો પણ હતા, એમને માટે મે પૃચ્છા કરી, તો જેને ત્યાં હું ગયો હતો એ કહે, “બધા જ ડોકટરો વેકેશન માણવા ગયા છે!” મેં પૂછ્યું “ક્યાં ગયા છે?” કહે બધા’ય સિંગાપોર ગયા છે, “કેમ બધા સાથે ગયા?” તો કહે, “કોઈ દવાની કંપનીએ સ્પોન્સર કર્યા છે પોતાની નવી દવાને પ્રમોટ કરવા માટે બધા ડોકટરોને લોભામણી મોંઘી, સોગાત-ગીફ્ટ આપે છે, કોઈ ગાડી આપે, કોઈ ફોરેન ટૂર પણ કરાવે. બસ, પછી તો કમ્પનીને ફાયદો થાય એવું જ પ્રિસ્ક્રિપશન આ ડોકટરો લખે રાખે, પછી દર્દીનું જે થવાનું હોય એ થાય. બધાં બધું જાણે છે, આમાં કોઈનાથી કશું છુપું નથી.”

આ દેશમાં પણ આવી માનસિકતા પ્રસરી વળી હોય તો એમાં આપણે ગૌરવ લેવા જેવું કાંઈ જ નથી… તેમ છતાં, આવી વિકૃત માનસિકતાઓ વચ્ચે પણ અમુક લોકો હજુ’ય એવા છે કે જે ભગવાનની તોલે આવે એવા કહી શકાય, કેમ? તો મેં પહેલાં કીધું એમ, આપણી સંસ્કૃતિ અના મૂલ્યોના આધારે આજે પણ જીવંત છે, છેક મરી નથી ગઈ.

હું એક સરકારી અધિકારીને જાણું છું, એ જે ઉંચા હોદ્દા પર છે ત્યાંથી એ રાજ્યના દરેક I.A.S.ની બદલી ફાવે ત્યાં કરી શકે, જરૂર પડે તો રોકાવી પણ શકે તેટલી સત્તા એના હાથમાં છે. તો, એના હોદ્દાને જોરે, એ અધિકારી ધારે તો રોજ લાખો રૂપિયા ઘરે લઇને આવે, પણ આ એવો અધિકારી છે જે માત્ર નિયત કરાયેલા માસિક રૂ.૧૮,૦૦૦ના પગારમાં કામ કરે છે; એના દીકરાને કોઈ જોબ નથી, થોડા દિવસો પહેલા જ માંડ-માંડ એને રૂ.૧૦,૦૦૦ ની જોબ મળી, તો એ અધિકારી તો ખુશ-ખુશ થઇ ગયા કે મારા દીકરાને જોબ મળી ગઈ!

હવે, આ અધિકારીના એક મિત્રે મને વાત કરી કે એનું કોઈ કામ થઇ ગયું હશે, અને આમ તો એ અધિકારી પૈસા લે નહીં, તેથી એ અધિકારીને મોટી હોટલમાં જમવા લઇ ગયા. એ મિત્ર કહે, “અમે ગયા હોટલમાં, ટેબલ પર બેઠા, પાણી-બાણી પીધું, પછી મેનુકાર્ડ આવ્યું, જોયું તો એમાં રોટલીના રૂ.૮૦/-!! પેલા અધિકારી તો ઉભા જ થઇ ગયા કહે, “આપણે રૂ.૮૦ની રોટલી કેવી રીતે ખાઈ શકીએ?” અને બંને હોટલની બહાર નીકળી ગયા. તો, આ જ દેશમાં આવા સારા અધિકારીઓ પણ છે.

એક શહેરના એક અગ્રણી ડોક્ટરને હું ઓળખું છું, એ ઓર્થોપેડિક સર્જન છે, અને એમના શહેરના સૌથી સીનિયર સર્જન છે. થોડા દાયકાઓ પહેલા ડોક્ટરોની પ્રેક્ટિસ સાફ હતી, એમાં કોઈ લેવડ-દેવડ ન્હોતી. વર્ષો વિતતા ગયા, નવા ડોકટરો આવતા ગયા, અને પછી તો શરુ થઇ કમિશનની પ્રેક્ટિસ! આ નવા વાતાવરણમાં બધાનું કમીશન નક્કી હોય – ટેક્સી-રીક્ષાવાળો કોઈ દર્દીને અમુક ડોક્ટર પાસે લઇ ગયો હોય તો એનું પણ કમિશન, કમિશન આપવાનું રૂટીન થઇ ગયું છે.

એક P.H.C. સેન્ટરના ડોક્ટરને એક સર્જન તરફથી એક ચેક મળ્યો; ડોકટરે સર્જનને પૂછ્યું તમે મને જે ચેક મોકલ્યો એ શેનો છે? તો, એણે રજીસ્ટર ખોલી જોયું, કહે, “તમે આટલા કેસ મને મોકલ્યા હતા એના કમિશનનો ચેક છે; કોઈ માગે કે ના માગે, એને કમિશન તો પહોચી જ જાય, રૂટીનમાં છે.”

આ શિરસ્તા મુજબ હવે નવા આવેલા જુનિયર ડોકટરો આ સિનીયર ડોક્ટરને કહે કે “અમે તમને દર્દીઓ મોકલીએ એનું અમને કમિશન આપો.” આ ડોકટરે તો કહી દીધું કે “હું કમિશન નહીં આપું. હા, તમે જો કોઈ ગરીબ દર્દીને મારી પાસે મોકલશો તો હું એને મફત ટ્રીટમેન્ટ આપીશ, પણ કમિશન તો હું નહીં આપું.” બસ, તે દિવસથી નવા જુનિયર ડોક્ટરોએ એમની પાસે દર્દીઓને મોકલવાનું બંધ કરી દીધું! જે ડોક્ટર સિનીયર હતા, એમની ધીકતી પ્રેક્ટિસ હતી, એ ડોકટરે એમનું દવાખાનું બંધ કરી દીધું, જગ્યા વેચી દીધી, કહે કમિશન લઈશ નહીં, આપીશ પણ નહીં.

તો, આજે પણ આવા સત્યવાદી, કાબેલ, સારા કહી શકાય એવા ભગવાનની તોલે આવે એવા ડોકટરો છે, ઓછા હશે, પણ છે, તેથી જ આપણી આ સંસ્કૃતિની સિસ્ટમ છેક કોલેપ્સ નથી થઇ, હજુ એ જીવિત છે, છેક મરી નથી પર્વાર્યું. હા, સમાજમાં વિકૃત લોકો એમની વિકૃતિઓ સાથે છે, તેથી મુશ્કેલીઓ પણ છે, ભૂતકાળમાં ભારત માટે ઘણું બધું ખરાબ થયું હતું, તેમ છતાં, એ બધાં વચ્ચે કાંઇક સારું તો છે, અને એ કાંઇક સારામાંથી આપણને આશા જાગે એવું છે… અને તેથી, આ જ ભારતે એની દરેક પ્રકારની મુશ્કેલીઓ, જાત-જાતની અડચણો છતાં મુશ્કેલીઓ અને અડચણોની વચ્ચેથી છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં દુનિયાને આપ્યું જ છે, અને જે આપ્યું છે એ એકદમ અદ્વિતીય છે.

યોગનું જ દૃષ્ટાંત લઈએ, આજે અમેરિકામાં ઓછામાં-ઓછા ૭-૮ ટકા લોકો કોઈ-ને-કોઈ રૂપમાં યોગાભ્યાસ કરે છે, યોગનો અભ્યાસ કરે છે. વળી, અમેરિકામાં જ લગભગ વીસેક જેટલી મેનેજમેન્ટ યુનિવર્સીટીઓમાં શ્રીમદ્ભગવદ્ ગીતા ભણાવવામાં આવે છે. આવા વિવધ કારણોસર આજે અમેરિકામાં, પાશ્ચાત્ય જગતમાં ભારતની કળા, એના સાહિત્ય વિગેરેમાં નવી રૂચિ ઉદ્દીપ્ત થઇ છે.  હવે તો વૈજ્ઞાનિકો પણ કબૂલે છે કે ભારતમમાં જે જ્ઞાન આજથી ૮,૦૦૦-૧૦,૦૦૦ વર્ષો પહેલા હતું એની તોલે આવે એવું જ્ઞાન દુનિયામાં બીજે ક્યાં’ય ન હતું. આપણે જયારે વિશાળ જહાજોમાં દરિયાઈ માર્ગો ખેડી વિદેશોમાં વ્યાપાર કરતા હતા, અને વિમાનોમાં પણ ઉડીને જતા હતા, તે વખતે યુરોપમાં તો હજુ આધુનિકતાનો ઉદયકાળ હતો.

ભારત અને બીજા એશિયાઈ દેશો સાથેના વ્યાપારિક સંબંધોને લીધે યુરોપમાં સોળમી સદી પછી વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્રાંતિ આવી, પ્રગતિ શરુ થઇ… પછી સત્તરમી સદીમાં અંગ્રેજોએ પણ ભારત આવી એને ગુલામ બનાવ્યો; ભારતની સાચી-ખોટી વાતો પ્રસરાવી… ભારત પછી આઝાદ થયો, ત્યાર બાદના થોડા દાયકાઓ પછી, યોગ ગુરુઓએ પશ્ચિમ દેશોમાં યોગનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો, અને તેથી છેલ્લા થોડાક દાયકાઓથી ધીમે-ધીમે ભારત વિશે વધુ જાણવાની જીજ્ઞાસા વધતી રહી છે.

આપણી વૈદિક સંસ્કૃતિ જે આપણને વારસામાં મળી છે, એને આપણે થોડી પણ જો જાણી-સમજીને સાચવી શકીશું તો એમાં જ આપણું કલ્યાણ અને શુભ છે, અને આપણું એકલાનું જ નહીં, આખી દુનિયાનું પણ શુભ એમાં છે, કેમ કે દુનિયાને જીવનનો સાચો માર્ગ, એ માટેનું સાચું જ્ઞાન, સત્ય, જીવનનું મૂળ રહસ્ય જો કોઈ સમજાવી શકે એમ હોય તો એ માત્ર આ જ દેશનું જ્ઞાન છે, અન્ય કોઈ નહીં.

આજે માત્ર એક જ ધર્મ જે ઘાતકી-ઝનૂની છે એને અનુસરનારાઓને કારણે સમસ્ત વિશ્વમાં કેવી અકલ્પનીય પરિસ્થિતિ છે એનાથી તમે બધ’ય માહિતગાર હશો. ગલ્ફ અને આરબ દેશોમાં જે બધું થઇ રહ્યું છે એનાથી તમે બધાં’ય માહિતગાર હશો. એમના મુજબ એમની માન્યતા જ સાચી, જે આ માન્યતાને નથી માનતા એ બધાં’નું બસ કત્લેઆમ કરો, એક જ વાત લઇ બધાં’યનું કત્લેઆમ કરો, અને એ લોકો એમની આ એક જ માન્યતા છેલ્લા દોઢ હજાર વર્ષથી કરતા આવ્યા છે. તો, આ ભારત દેશ જ દુનિયાને સાચો માર્ગ બતાવી શકશે, અને આ ભારતની જે વિશેષતાઓ છે એને આપણે સમજીશું.

કોઈ પણ સમાજની સૌથી અગત્યની વાત હોય તો એ છે એની શિક્ષણ વ્યવસ્થા. પુરાતન ભારતીય સમાજમાં જે દિવ્યતા, ભવ્યતા ઉદ્ભવી શકી હતી, એની સુવાસ જે વિશ્વ આખામાં પ્રસરી હતી એનું પણ સૌથી મુખ્ય કારણ એની શિક્ષણ વ્યવસ્થા જ હતી.

આજના સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા છે એની વાત નથી કરતો. આજે જ એક દૈનિક પેપરમાં વાંચ્યું કે અમુક ટેકનિકલ કોલેજ માત્ર રૂ.૪૫૦ કરોડના ખોટમાં ગઈ છે, અને એની અમુક સીટો તો ભરાઈ પણ નથી. આમ, શિક્ષણ આપતી કોલેજો જાણે કે કોઈ દુકાનદારની દુકાન ના હોય! નફા-નુકશાન તો વેપાર-ધંધામાં જ હોય, શિક્ષણમાં ના હોવા જોઈએ, પણ છે એ હકીકત, તેથી જે સીટો ભરાતી નથી એની કિંમતના આંક જાહેર થાય – રૂ. એક લાખમાં અમુક સીટ, રૂ.બે લાખમાં અમુક સીટ, રૂ.દશ લાખની, અને રૂ. વિશ લાખની પણ અમુક સીટ!! ગમે તે કરો, ખાલી સીટો ભરાવી જોઈએ, પૈસા આવવા જોઈએ.

આપણા પુરાતન ભારતમાં આવી શિક્ષણ વ્યવસ્થા તો ન્હોતી જ. તે છતાં, એ પુરાતન ભારતની અદ્વિતીય અને સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થા જે હતી, એ માટે મને પૂરે-પૂરો વિશ્વાસ છે કે જો એ શિક્ષણ વ્યવસ્થાના જે આદર્શો, જે મૂલ્યો હતાં, જે આપણા ધર્મ અને મૂલ્યોને આધારિત પદ્ધતિ હતી, એમાં આજના આધુનિક ભારતમાં સમયોચિત માત્ર થોડા પણ ફેરફારો કરી ફરી એવી જ શિક્ષણ વ્યવસ્થા લાવી શકાય એનું બાહ્ય સ્વરૂપ જુદું હોય શકે એમાં થોડાં ફેરફાર સાથે એ મૂલ્યોને, એ પ્રિન્સીપલ્સ એમાં વણી લેવાય તો ભારત દુનિયામાં ફરી શિખર ઉપર હશે, કારણ કે એ જ શિક્ષણ, એ જ જ્ઞાન ભારતને અને વિશ્વને સારું અને સાચું શિક્ષણ આપી શકશે, એ સિવાય બીજી કોઈ વ્યવસ્થા નહીં આપી શકશે.

પહેલી અગત્યની વાત તો એ કે શિક્ષણ વ્યવસ્થા જ સમાજનો પાયો છે, કેમ કે ત્યાંથી ભણીને જ વિદ્યાર્થીઓ સમાજના દરેક ક્ષેત્રમાં જશે – કોઈ ડોક્ટર બનશે, વકિલ બનશે, કોઈ ઇલેક્ટ્રિક-મિકેનીકલ ઇન્જીનિયર, કોઈ આર્કિટેક્ટ, સોફ્ટવેર-હાર્ડવેર ના ક્ષેત્રે જશે. આમ, સમાજના દરેક વર્ગની વ્યક્તિઓ જો ભેગી થાય છે તો એ છે સમાજનું વિદ્યામંદિર!  સમાજના બધાં લોકો માત્ર ડોક્ટરને ત્યાં કે પછી કોઈ ઇન્જીનિયરને ત્યાં ભેગા મળે એ જરૂરી નથી, પણ ગુરુકુળ એક એવી જગ્યા છે, વિદ્યામંદિર એવી જગ્યા છે કે જ્યાંથી બધા’ય ક્ષેત્રના લોકો નીકળે છે – જાણે કે સમાજના આવશ્યક એવા સતત નૂતનીકરણ કાર્ય માટેના રો-મટીરિયલ તૈયાર થઈને ના નીકળતા હોય!! તો, આવી અદ્ભૂત જગ્યા છે વિદ્યામંદિર, ગુરુકુળ!! તેથી, આ જગ્યા જો સારી હશે તો જ સમાજ સારો હશે, એ સિવાય નહીં.

આપણા પુરાતન ભારતનું જે અલૌકિક વિદ્યાનું ક્ષેત્ર હતું એમાં મુખ્યત્વે બે પ્રકારની વિદ્યાઓ શીખવવામાં આવતી હતી પરા અને અપરા – द्वे विद्ये वेदितव्ये परा चैव अपरा च. અપરા વિદ્યાના ભાગમાં આજે જે દરેક ક્ષેત્રની વિદ્યા શીખવવામાં આવે છે એ હતું – વિજ્ઞાનના દરેક ક્ષેત્ર (ભૌતિક, રાસાયણિક, જીવ-શાસ્ત્ર, ઈત્યાદિ), સાહિત્ય અને વ્યાકરણ, છંદ, જ્યોતિષ, ટેકનિકલ… જેવું બધું જ આવી જતું; બીજું જે ક્ષેત્ર હતું એ હતું પરા વિદ્યાનું – બ્રહ્મવિદ્યાનું, આત્મવિદ્યાનું. આમ, એ સમયે વિદ્યા આ બે પ્રકારની હતી, અને એ બંને પ્રકારની વિદ્યાને આધારે આપણું આખું વિદ્યાનું ક્ષેત્ર આપણા દેશમાં વિકસ્યું હતું.

દુન્યવી વિદ્યા, અપરા વિદ્યા અને આત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા – આ બંને પ્રકારની વિદ્યાથી જ આપણા પુરાતન ભારતનું વિદ્યા ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર પૂર્ણ હતું. આ વાતને સમજજો, અને એ સમજવા માટે બીજે ક્યાં’ય જવાની જરૂર નથી, આપણે આપણી જાતને જ જોવાની છે. સમુદ્રનું પાણી કેવું છે એ જાણવા માટે આપણા હાથના એક ખોબામાં ભરી ચાખી લઈએ તો ખબર પડી જાય કે એ વિશાળ સમુદ્રનું પાણી કેવું છે, એ પાણીના વિશેષ ગુણો જાણવા માટે જો વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ કરવું હોય તો પણ થોડું અમસ્તુ પાણી પર્યાપ્ત છે; એવી જ રીતે આપણા આખા શરીરમાંના લોહીની પણ જો તપાસ કરવી હોય તો માત્ર બે-ચાર ટીપાં જ જોઈએ, એવી જ રીતે આખી સૃષ્ટિને સમજવા માટે આપણા શરીરને જ સમજીશું તો એમાં જ બધું આવી ગયું.

કુદરત પાસેથી આપણને માનવ શરીર મળ્યું છે, તો એને ટકાવવા માટે શું-શું આવશ્યક છે એ સમજીએ તો સૃષ્ટિને પણ સમજી શકાય. શરીરને ટકાવવા માટે રોટી-કપડા-મકાન સૌથી વિશેષ રીતે જોઈએ. રોટી એટલે ખોરાક – એ ફાસ્ટ ફૂડ પણ હોય, નેચરલ ફળ-ફળાદી-શાક-ભાજી, કઠોળ વિગેરે પણ હોઈ શકે – પણ ખોરાક તો જોઈએ જ જોઈએ, અને મૂળ ખોરાક ઉગે છે ખેતરોમાં, તો ખેતરોમાંથી ધાન્ય, ખોરાક બની આપણી થાળી સુધી લાવવા માટે કેટ-કેટલી શાખા-પ્રશાખાઓ છે. એક જ ક્ષેત્ર માટે – ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી, કેટ-કેટલા માણસો, સર-સાધનો એવું ઘણું બધું જોઈએ. એવી જ રીતે શરીરને ઢાંકી એના રક્ષણ માટે કાપડ તો આવશ્યક છે જ, પછી એ કુદરતી રેસાનું કાપડ હોય કે સિન્થેટિક, પણ કાપડ તો જોઈએ જ. જીવન અને શરીરની ત્રીજી મુખ્ય આવશ્યકતા એટલે મકાન – એ ઝુંપડી’ય હોય, અને ભવ્ય આલીશાન મકાન પણ હોય!

આ તો થઈ ભૌતિક શરીરની આવશ્યકતાની વાત, પરંતુ, આ શરીર માત્ર અણુ-પરમાણુઓનું નથી કે માત્ર અમુક મોલેક્યુલ્સના સંમિશ્રણથી બન્યું, કે આ-આ-આ મોલેક્યુલ્સ ભેગા થઇ ગયા છે, અને આપણું શરીર બની ગયું! આપણે માત્ર મોલેક્યુલર ફિનોમિના જ છીએ એના સિવાય કશું જ નથી, એવું નથી, તેમ છતાં આજનું વિજ્ઞાન, આજના વૈજ્ઞાનિકો એમના ફિઝિકલ જગથી આગળ નથી જઈ શકતા, તેથી એમ જ માને છે કે આપણે તો માત્ર મોલેક્યુલર ફિનોમિના જ છીએ, આપણે માત્ર ફિઝિકલ એન્ટિટી જ છીએ… અને આ જ વાત આજના જમાનાની સૌથી વધુ મુશ્કેલી ઉપજાવનારી છે.

આજના વૈજ્ઞાનિકો ભૌતિકતા, ફિઝીકલ, લોજીકલ આસ્પેક્ટ અને વર્લ્ડથી આગળ નથી વિચારી શકતા, તેથી સ્વીકારી પણ નથી શકતા; તેઓને તો કોઈ પણ ઉપકરણો દ્વારા કે અન્ય ઇન્દ્રિયોથી અનુભવી શકાય એ જ વાત માન્ય છે, એ સિવાય નહીં. તેથી લગભગ બધા જ લોકો પણ એવું માનતા થઇ ગયા છે કે આપણી દરેક સમસ્યાઓનું સમાધાન આ ભૌતિક ઉપાયો/ઉપકરણો સુધી જ સીમિત છે, એથી આગળ કે ભીતર નહીં. મેડીકલ જગતમાં તો એવી જ માન્યતા છે કે જો કોઈ બિમારી મોટે ભાગે કોઈ બેક્ટેરિયા કે વાયરસના ઇનફેક્શનથી થતી હોય છે, અને જો ઇન્ફેકશનથી નથી થતી તો નવી શોધો અનુસાર નવું જીનેટિકલ સ્ટ્રક્ચર કે gene જે બીમારિને કંટ્રોલ કરે છે તો એને જ આપણે બદલી નાંખીએ! તો, એ બિમાર આમ એની મેળે ઠીક થઇ જાય. પરંતુ, બિમારીનું મૂળ મહદઅંશે ભૌતિકતાથી પણ સૂક્ષ્મ ક્ષેત્રમાં હોઈ શકે છે તેને તો શોધવાનો તો બિલકુલ વિચાર કે પ્રયત્ન જ નથી થતો.

આવી જ રીતે આજના ભૌતિક સમાજની સુખની પરિભાષા એટલે બધો સર-સામાન, ઉપકરણો, ગેજેટ્સ – મોંઘા મોબાઈલ ફોન્સ, કાંડા ઘડિયાળ, બૂટ-ચપ્પલ, કપડાં-માલમત્તા, TV-ગાડી-બંગલો ઈત્યાદિ જો હોય તો તમે સુખી, નથી, તો તમે દુઃખી.

હમણાં સ્ટેટ્સમાં પબ્લીશ થયેલા એક સર્વે મુજબ ત્યાં આશરે ૬૦-૭૦% લોકો એવા નીકળ્યા જે તેમના મોબાઈલ, કે એવા અન્ય ગેજેટ્સ વગર એક દિવસ પણ નથી રહી શકતા, એમને એમના ઉપકરણો વગર એક દિવસ પણ નથી ચાલતુ, મોબાઈલ જેવા ગેજેટ્સ વગર એ લોકો જીવનની કલ્પના જ નથી.

આપણા ઋષિઓએ ધ્યાનસ્થ થઇ જોયું કે ના, સુખ તો આત્મામાં જ છે, અને જે આત્મામાં છે, એનો બોધ કરીને, સાક્ષાત્કાર કરીને જે સુખી થાય છે એ જ ખરેખર સુખી છે, તેથી તેમણે કીધું કે

एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति |
तमात्मस्थं येऽनुपष्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ||
                                                                                                                                       (कठोपनिशत्, २-२-१२)

જે લોકો આત્માનો સાક્ષાત્કાર કરે છે એ જ ખરેખર સુખી અને શાંત થઇ શકે છે, એ સિવાય કોઈ નહીં.

આ જે ભૌતિક જગત છે એનાથી પણ શું કશું અતીત છે? એનાથી પરે, આગળ કશું છે? એનાથી પરે કશું’ક તો છે, અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન તો કીધું જ હતું કે ‘ક્વોન્ટમ ફીઝીક્સ કહે છે કે સત્ય તો માનવીય વિચારો, અટકળો, આંતરિક સમજથી ખૂબ જ દૂર છે; તેથી આ સત્યની ખરી સાતત્યતાને આપણે આપણા મગજ કે સામાન્ય બુદ્ધિથી બિલકુલ જાણી નહીં શકીએ.’[1]

આજના વૈજ્ઞાનિકો હવે ધીરે-ધીરે એ સમજી, સ્વીકારવા પણ લાગ્યા છે કે આપણી ભાવનાઓ, આપણો સંકલ્પો, આપણી શ્રદ્ધા આ બધું આપણા જૈવિક (જીનેટિક) સ્ટ્રક્ચરને પણ બદલી શકે છે.[2]

આપણે ત્યાં કેટલા’ય ગામડાંઓમાં હોળીના દિવસોમાં ઘણા લોકો આગ ઉપર ચાલીને જતા હોય છે. હું જે ગામમાં રહું છે એ ગામની નજીક પલાણા ગામ છે ત્યાં તો આખું ગામ હોળીના દિવસોમાં સળગતા દેવતા ઉપરથી પસાર થાય છે! આખું ગામ!! વૈજ્ઞાનિકોએ આ જોઈ વિચાર્યું કે આગ ઉપર ચાલતી વખતે એવું તે શું થાય છે કે આ લોકો જરા પણ દાઝતા નથી. વૈજ્ઞાનિકોએ જોયું તો આ ગામના અને એમના જેવા અન્ય લોકોની અદમ્ય શ્રદ્ધાને કારણે એટલા થોડાં સમય માટે પણ એમનું જીનેટિક સ્ટ્રક્ચર બદલાઈ જતું હોય છે, કારણ કે એટલા સમય માટે એમના કોષોએ જે સામાન્ય રીતે આગથી દાઝી જતા હોય છે, એ કાર્ય-કારણનો જે કુદરતી સંબંધ છે એ ત્યારે કાર્યરત નથી રહેતો, એ એમની શ્રદ્ધાને કારણે તૂટી જાય છે, કહો કે તત્પુરતો ડિસકનેક્ટ થઇ જાય છે; એટલા સમય પુરતું પગના કોષો દાઝવાનું ભૂલી જાય છે. હા, આવી તો કેટલી બધી વાતો છે આ દેશમાં જેને આપણે આધુનિક ભાષામાં કહીએ તો આપણે રોકડી નથી કરી.

અમેરિકામાં એક બહુ પ્રસિદ્ધ વ્યક્તિ છે, એન્થની રોબિન્સ, તમે કદાચ નામ સાંભળ્યું હશે. સાત વર્ષની કુમળી વયમાં એના માતા-પિતા છૂટા પડ્યા, માતાએ પછી એને છરી બતાવી ઘરમાંથી કાઢી મૂક્યો હતો એ પછી આ જ એન્થની વયસ્ક થયો, જાતે સેલ્ફ-હેલ્પનો, પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોચ બન્યો, neurolinguistic programming (NLP), હિપ્નોટિઝમ વિગેરેના વર્ગો લેતો થયો. ત્યાર પછી એ ભારતમાં આવ્યો અને એક-બે નાના સાધુઓ પાસે રહીને આગ પર ચાલવાનું, આવાં બીજા એક-બે ગતકડાં શીખીને પાછો અમેરિકા ગયો. પોતાની કાબેલિયતની સાથે એણે આ આગ ઉપર ચાલવાની કળા પણ એના સેમિનારોમાં ઉમેરી, એ એના સ્ટુડન્ટોને, પાર્ટીસિપન્ટોને એમને પણ સળગતા દેવતા ઉપર ચલાવે. જોત-જોતામાં એના લેક્ચર્સ-સેમિનારો, ટોક-શો ખૂબ પ્રચલિત થતા ગયા. આજે આ એન્થની અમેરિકાના અબજોપતિઓની હરોળમાં કદાચ આગલી હરોળમાં હશે, અને બહુ ચર્ચિત TED lecturesમાં એના લેક્ચર્સ સાતમાં સ્થાને છે. રોકડી કરવી આને કહેવાય.

તો, શરીરનું જે ફિઝિકલ ફિનોમિના છે, જે મોલેક્યુલર ફિનોમિના છે એનાથી પણ આગળ એવું કશુંક છે જે કોષોના શારીરિક સ્ટ્રક્ચરને, એની રચનાને બદલી કાઢે છે, જેનાથી આપણું આખું શરીર પણ બદલાતું રહે છે. આપણા તો કેટ-કટલા જન્મો થયા હોય એ જન્મોની બધી જ સ્મૃતિઓ કોઈ અલૌકિક ડિવાઈસમાં સંગ્રહાતી હોય છે; શરીર ભલે નષ્ટ થઇ જાય છે, માટીમાં મળી જાય છે, પરંતુ આ શરીરની નાની અમસ્તી એક પણ સ્મૃતિનું વિલોપન નથી થતું, કે નથી એ નષ્ટ થતી. આપણી બધી જ સ્મૃતિઓ, અને તે પણ કેટલા બધાં જન્મોની સ્મૃતિઓ એ અલૌકિક ડિવાઈસમાં સંગ્રહાતી હોય છે. વિચાર કરો, આ ડિવાઈસ કેટલું અદ્ભુત હશે, અને એ પણ ફિઝિકલ તો નથી જ; અને જો ફિઝિકલ નથી તો પછી એ અવશ્ય અતિ સૂક્ષ્મ જ હશે.

આપણા હાલના ફોન, કમ્પ્યુટર વિગેરે ઉપકરણો માટેના જે મેમરી કાર્ડ છે એ ભલે પહેલા કરતાં નાના થઇ ગયા છે, એ ઉપકરણોને ઉપયોગી બનાવવા માટે કશું’ક ભૌતિક ફિઝિકલ સ્ટોરેજ ડિવાઈસ તો જોઈએ જ એના વગર, આ મેમરી કાર્ડ વગર આવા ઉપકરણો કામના નથી. બીજી બાજુ, પરમાત્માનું જે સ્ટોરેજ ડિવાઈસ છે એ તો કેટલું સુક્ષ્મ છે, એની સ્ટોરેજ કેપેસીટી તો અધધધ કેટલી બધી, એ કલ્પી નથી શકાતી. વળી, આજના મેમરી કાર્ડ તો માત્ર બે જ સેન્સિસના તરંગોને પકડી, રેકોર્ડ કરી, એનું સ્ટોરેજ કરી શકે છે – (આંખ) દૃશ્ય અને (કાન) શ્રવણ. આપણી જે બીજી ત્રણ સેન્સિસ છે – જીભ (રસ), નાસિકા (ગંધ) અને ત્વચા (સ્પર્શ) એનું તો ક્યાં’ય સ્ટોરેજ કરી જ નથી શકાતું. પરમાત્માની સ્ટોરેજ ડિવાઈસ તો કેટલી બધી એડવાન્સ્ડ છે કે એમાં પાંચે’ય સેન્સિસનું સ્ટોરેજ થઇ શકે અને એ પણ એવું ડિવાઈસ કે જે ફિઝિકલ પણ નથી!

આજના એડવાન્સ્ડ વિજ્ઞાન છતાં આપણે બાગમાં ફરતા હોઈએ અને ત્યાંના કોઈ એક-બે ફૂલોની ગંધ આપણને ગમી જાય તો એનું રેકોર્ડીંગ નથી કરી શકાતુ, તેથી જયારે જોઈએ ત્યારે એ સુગંધોને ફરી માણી પણ નથી શકતા, એવી જ રીતે આપણે સ્વાદને નથી રેકોર્ડ કરી શકતા, અને મનમાં આવતા અસંખ્ય વિચારોને તો ક્યાં’ય રેકોર્ડ જ નથી કરી શકાતા!! જયારે, પરમાત્માનું એ સ્ટોરેજ ડિવાઈસ તો કાંઈ ગજબનું જ કહી શકાય, એમાં બધું જ રેકોર્ડ થઇ શકે – તમારા કાર્યો, એ સમયના, કે એનાથી જુદા સ્પંદનો, વિચારો, ઉર્મીઓ; શું ખાધું હતું, શું જોયું હતું, વિગેરે એમાં બધું જ રેકોર્ડ થઇ જાય છે. આપણા શરીરમાં જે સૂક્ષ્મ શરીર છે એમાં બધું રેકોર્ડ હોય છે.

આ બધાની આગળ, એ બધાંનો જે આધાર છે, સૌનો જે આધાર છે, બધી જ જે વિદ્યાઓ છે, જ્ઞાન છે, બધી જ શક્તિ જ્યાં સંગ્રહિત હોય છે, જ્યાં ભેગી હોય છે એને આપણે આત્મા કહીએ છીએ, અને એ જ આપણું ખરું વાસ્તવિક અસ્તિત્વ છે. તો, આપણી ખરી પર્સનાલિટી આપણો આત્મા છે, એ કેટલો વિશુદ્ધ, ઉચ્ચ કોટિનો છે એ આપણી અસલ ઓળખ, પર્સનાલિટી છે, નહીં કે આપણું આ શરીર. ભૌતિક, પંચ-તત્ત્વનું જે આ માળખું છે એ તો માત્ર એક ઘર જેવું છે, વસ્ત્ર જેવું છે… ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ।।२:२२।।

આપણે જેમ વસ્ત્રો બદલીએ છીએ, એમ મૃત્યુ પછી શરીર બદલીએ છીએ. અને તેથી, આ દૃષ્ટિએ પણ આપણે શરીર તો નથી જ, આપણી સાચી, ખરી વાસ્તવિકતા આત્મા જ છે.

આપણા શરીરના જે આભૂષણો કહી શકાય તે છે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વિગેરે એ બધામાં મુખ્ય છે આત્મા, જેમ કે દરેક આભૂષણોમાં સુવર્ણ મુખ્ય છે અને જો એ આભૂષણોમાંથી એ સુવર્ણ કાઢી લેવાય તો શું બાકી રહે, કશું જ નહીં. એવી જ રીતે, આપણા આ સુંદર, ‘આભૂષણો’વાળા શરીરમાંથી જો આત્મા કાઢી લઈએ, કે એ નીકળી જાય તો પછી ત્યાં શું શેષ રહે? માત્ર હાડ-ચામનું માળખું. તો, આપણી અંદર આપણો આત્મા જ શરીર રૂપે વ્યક્ત થઇ રહ્યો છે, દાગીના રૂપે સુવર્ણ જ છે બધામાં, માટીના પાત્રોમાં જેમ મુખ્ય વસ્તુ છે માટી, એવી જ રીતે સમસ્ત સંસારમાં જે બધાં આકારોમાં, આકારો દ્વારા વ્યક્ત થઇ રહ્યું છે એ છે પરમાત્મા!! પરમાત્મા જ જગતના સમસ્ત રૂપોમાં વ્યક્ત થઇ રહ્યા છે, તેથી, પરમાત્મા સિવાય બીજું કશું જ નથી.

તો, આ આત્મા છે, એ જે આત્મતત્ત્વ છે એને જાણ્યા વગર માણસની બાબતમાં આપણે જે પણ જાણીએ છીએ એ બિલકુલ અધૂરું જ છે, એમાં જરા પણ પૂર્ણતા નથી. બીજી મહત્ત્વની વાત તો એ કે જેમ મારી બધી મેમરી, સ્મૃતિઓ મારી પેલી અદ્ભુત સ્ટોરેજ ડિવાઈસમાં સંગ્રહિત છે, તેવી જ રીતે આ આખું બ્રહ્માંડ છે, યુનિવર્સ છે એની પણ કલેક્ટીવ મેમરી ક્યાં’ક તો હશે જ ને! એને આપણે યુનિવર્સલ માઈન્ડ કહીએ છે, કોન્સિયસનેસ કહીએ છીએ, અને આપણે એને પરમાત્મા કહીએ છીએ.

 તો, આ આત્માને જાણ્યા વગર, એને સમજ્યા વગર, એ આત્મવિદ્યાને પામ્યા વગર, એ જ્ઞાનને મેળવ્યા વગર હું માણસની બાબતમાં જે પણ કરવા જઈશ તો પણ એને હું તૃપ્ત નહીં કરી શકીશ, પૂર્ણ નહીં કરી શકીશ. એટલે, એ અધૂરા જ્ઞાન સાથે વિજ્ઞાનની જેટલી પણ ફેકલ્ટી ઉભી થશે – વિજ્ઞાન, મેડીકલ, લો, કોમર્સ, ઈન્જીનીયરીંગ, આર્કિટેક્ટ કોઈ પણ હોય, એ બધી જ અધૂરી રહેવાની, અને એ અધૂરી હોવાને કારણે થોડા-થોડા સમયાંતરે એમાં જાત-જાતના બદલાવો આવ્યા જ કરવાના છે.

આધુનિક મેડીકલ ક્ષેત્રે શરુ-શરૂમાં નવી દવાઓ આવી હતી, પેનિસિલીન, એન્ટી-બાયોટિક્સ, વેક્સિનેશન વિગેરે, ત્યારે આ ક્ષેત્રના વૈજ્ઞાનિકો, શોધકર્તાઓને એમ થયું કે આપણે હવે દુનિયામાંથી રોગ નાબૂદ કરી દઈશું. પરંતુ, આજે પરિસ્થિતિ એવી થઇ રહી છે કે હવે તો વૈજ્ઞાનિકો પણ કહેવા લાગ્યા છે કે આવનારા સમયમાં જ ચાર માંથી એક વ્યક્તિને કેન્સરનો વ્યાધી હશે, અને એની સાથે આપણે જીવવું પડશે.

તો, જે સિસ્ટમ અધૂરી છે, એ અધૂરી જ રહેવાની, અન્ય ક્ષેત્રોમાં પણ આવું જ છે, બધે જ અધૂરપ છે. માણસ એના સુખ માટે, સ્વાસ્થ્ય માટે કેટ-કેટલી સુવિધાઓ ઉભી કરે જ જાય છે, કેટલી સુવિધાઓ! કલ્પનામાં ના આવે એટલી બધી સુવિધાઓ આપણે માટે વધતી જ રહી છે, પણ માણસ તો એટલો ને એટલો જ સ્ટ્રેસ, તકલીફોમાં મુકાતો જાય છે તેથી એ દુઃખી જ થતો જાય છે. એકંદરે, પૈસા, સુખ-સ્વાસ્થ્યના સાધનો હોવા છતાં માણસ તૃપ્ત નથી, સુખી નથી, કારણ કે જે જ્ઞાન પર બધું રચાયું છે એ અધૂરું જ છે.

એટલે, સૌથી જે મહત્ત્વની વાત છે એ છે પૂર્ણ જ્ઞાનની, પૂર્ણ શિક્ષણની, જે આપણે ત્યાં હતું.

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते  –

અર્થાત્, (એ) પરમાત્મા પૂર્ણ છે, અને આ (ઈદમ્) દૃશ્માન જગત પણ દિવ્ય અને પૂર્ણ છે  એ પૂર્ણમાંથી જો કાંઈ લેવામાં આવે તે પછી જે શેષ રહે છે એ પણ પૂર્ણ જ છે   

આ પૂર્ણ વિદ્યા છે, માનવ જીવનની બાબતમાં પણ જે બધું કહેવાયું છે, આનાથી આગળ, આનાથી બિયોન્ડ કશું જ નથી, કારણ એ પૂર્ણ છે. એટલે, આપણું જે શિક્ષણ હતું એ પૂર્ણ હતું, અને છે, સૌથી મહત્ત્વની વાત આ છે.

આપણા શિક્ષણ-વિદ્યાની એક અદ્ભુત લાક્ષણિકતા એ છે કે એ પૂર્ણ હોઈ, એ દરેકે દરેક શાખા કે ક્ષેત્રમાં પણ પૂર્ણતા જ અર્પશે. ચિકિત્સાની શાખા હશે, એમાં એવું શિક્ષણ હતું કે એ તમને છેવટે અંતિમ ગંતવ્ય આત્મા તરફ લઇ જશે; આપણું જે અર્થશાસ્ત્ર છે એના જ્ઞાન-વિજ્ઞાન-શિક્ષણ એ પણ ધીમે-ધીમે આત્મા તરફ લઇ જશે. આપણું સંગીત શાસ્ત્ર પણ એવું કે એ પણ ધીમે-ધીમે આત્મા તરફ લઇ જાય છે, તેથી એવુ સંગીત જયારે આપણે સાંભળીએ છીએ, ત્યારે એવું થાય છે કે એને બસ, આંખો બંધ કરી, આપણે સાંભળ્યા જ કરીએ, એવું થાય છે, એ સંગીત સાંભળતા-સાંભળતા ધ્યાનસ્થ થઇ જઈએ, અંદર ઉતરી જઈએ છીએ.

ચેન્નાઈના શિવામણિ એક જાણીતા કલાકાર છે, પર્ક્યુઝનિસ્ટ છે જે જાત-જાતના સાધનો દ્વારા એક પ્રકારનું સરસ સંગીત વગાડે છે. આ પ્રમાણેના સંગીતમાં એ એટલો તો તલ્લીન, ભાવયુક્ત થઇ જાય છે કે એક સમયે તો એના શ્રોતાઓ પણ એક હિપ્નોટિક સ્ટેજમાં, ભાવદશામાં જતા રહે છે. શિવામણિ કહે છે કે જયારે હું સંગીત વગાડવાનું શરુ કરું છું તે પહેલાં હું મારા ગુરુજનોને પ્રાર્થના કરું છું કે તમે મારા શરીરમાં પ્રવેશ કરો, અને આ શરીરને તમને જે ગમે એ સંગીત માટે સાધન બનાવો. પછી એ જ કહે છે કે હું પછી ભાવમાં જતો રહું છું, મને ખ્યાલ પણ નથી હો’તો કે શું થાય છે, પણ હું ફીલ કરું છું કે મારી અંદર કોઈ શક્તિ જાગી રહી છે, અને મારા શ્રોતાઓની અંદર પણ એ જાગી રહી છે… પછી તો બધાં’ય ભાવદશામાં જતા રહીએ છીએ. કાર્યક્રમ પૂરો થઇ ગયા પછી એને પૂછવામાં આવે કે તમે કઈ રીતે આટલું સુંદર સંગીત વગાડ્યું? એ કહે કે, મને ખબર નથી… મને, ખબર નથી.

પશ્ચિમમાં ૧૫-૧૯મી સદીમાં કહી શકાય કે સુંદર સંગીત, સિમ્ફનિ (ક્લાસિકલ અને રોમેન્ટિક) નો સમય હતો; એ સિમ્ફનિઓ પણ ભાવમય, હૃદય સ્પર્શી હોવાને કારણે અપ્રતિમ હતી! પરંતુ, ત્યાર બાદનું, હવેનું પાશ્ચાત્ય સંગીત તમને એકસાઈટ કરનારું બની ગયું છે. આધુનિક પાશ્ચાત્ય સંગીત સાંભળતા તમને પહેલા તો  હાથ-પગ હલાવવાનું મન થશે, પછી ઉભા થઇ ઝૂમવાનું મન થશે, પછી ધીરે-ધીરે નાચવા-કૂદવાનું મન થશે, પછી તો કૂદકાઓ સાથે ચીસો પણ પાડવાનું જાણે કે અનિવાર્ય બની જાય છે! આવું સંગીત ઘોંઘાટવાળું, અશાંત હોઈ, સાંભળનારને પણ અશાંત અને એકસાઈટ કરે છે.

આમ, આપણી અને પશ્ચિમની વિદ્યાઓમાં જે મુખ્ય અંતર છે તે એ છે કે આપણી બધી જ વિદ્યાઓ અંતર્મુખ છે, આધ્યાત્મિક અને આત્મ-કેન્દ્રિત છે, જયારે પશ્ચિમની બધી જ વિદ્યાઓ બહિર્મુખ, ભૌતુકી (ફિઝિકલ) અને શરીર-કેન્દ્રિત છે.

આપણી બધી જ વિદ્યાઓનું જે ફોર્સ છે, સેન્ટ્રિપીટલ ફોર્સ છે તે કેન્દ્રાભિગામી છે, અને એ બધી વિદ્યાઓનો કેન્દ્ર આત્મા છે. આ જ કારણે આપણી બધી જ વિદ્યાઓ તમને ધીમે-ધીમે, ધીમે-ધીમે આત્મા તરફ, સત્ય તરફ, પૂર્ણતા તરફ લઇ જશે. એ બધી વિદ્યાઓ તેથી જ પૂર્ણ વિદ્યાઓ છે, અને આ જ કારણે આપણું જે વિદ્યા-વિજ્ઞાન-શિક્ષણ ક્ષેત્ર છે એ પણ આખે-આખું પૂર્ણ જ છે.

આગળ કહ્યું તેમ, આજનું પાશ્ચાત્ય વિજ્ઞાન બધું જ અધૂરું છે, અને એમ પણ કહી શકાય કે એ એક જ આંખવાળું છે. આજના સમયમાં ભારતમાં પણ જો કોઈ એક ક્ષેત્રનું તમે ભણતા હોય, ધારો કે ટેક્સટાઈલનું ભણતા હોય, તો એ સિવાય ભણનારને મહદંશે દુનિયાની બીજી કોઈ વાતની ઝાઝી ખબર ના હોય. હા, એનું આખું જીવન ટેકસટાઇલના ક્ષેત્રમાં કામ કરતા પૂરું થઇ જાય, પણ એને ટેકસટાઇલ સિવાય બીજુ કશું જ ખબર ના હોય. અરે! એને જીવન વિશે પણ કશી ખબર ના હોય, કે કેવી રીતે શું ખાવું-પીવું જોઈએ, જીવન શું છે, એ રહસ્યમય શું કામ છે? એ કઈ રીતે જીવાવું જોઈએ? જીવનમાં જો સુખનું જ મહત્ત્વ હોય તો સુખ એટલે શું, એ ક્યાંથી મળે? શાંતિ જોઈએ છે, તો એ ક્યાંથી મળે? ના, આવી કોઈ વાત એને ખબર જ ના હોય.

વિદ્યાર્થી એના જીવનના સુંદર-મહત્ત્વના ૨૦-૨૫ વર્ષો ભણવામાં વાપરી નાંખતો હોય છે, તો પણ એને માત્ર અમુક ક્ષેત્રનું થોડું જ્ઞાન, કપડાં, ફેશન, એ સિવાયની કોઈ ખબર જ ના હોય, કોઈ માહિતી જ ના હોય. તેથી, તથા-કથિત લાઈફ-કોચ, સાઇકોલોજીસ્ટ વિગેરે તમને તમારા જીવનના કટકા કરતા શીખવે છે – સેગ્મેન્ટ્સ compartmentalise, વર્ગીકરણ  કરાવે છે. પૂર્ણ જીવન માટેનું શિક્ષણ તો ક્યાં’ય આવતું જ નથી.

પુરાતન ભારતની જે શિક્ષણ પદ્ધતિ હતી એ પૂર્ણતા પ્રદાન કરનારી હતી. બીજી મહત્ત્વની વાત એ હતી કે એ શિક્ષણ નિ:શુલ્ક હતું, કોઈ જ ફી ન્હોતી; છેક એવું પણ નહતું કે ફીસ ન્હોતી, ફી તો હતી, પણ વિદ્યાર્થીએ ગુરુકુળમાં રહી સેવાના રૂપમાં ફી આપવાની હતી, કોઈ પૈસાના રૂપમાં નહીં. વિદ્યાર્થી ગુરુકુળમાં રહી, સેવા કરતો, અને સેવામાંથી સમય કાઢી ભણતો પણ હતો.

હું હૃદયપૂર્વક માનું છું કે જો આપણે ત્યાં શિક્ષણ નિ:શુલ્ક નહીં કરીશું – પછી એ ગમે તે સ્વરૂપે હોય – તો આપણને કોઈ દિવસ હેલ્ધિ સમાજ, સ્વસ્થ અને સુખી સમાજ નહીં મળશે, કોઈ દિવસ નહીં. યુરોપિયન દેશોમાં (જર્મની, નોર્વે, સ્વિડન, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, શેઝ રિપબ્લિક, ફ્રાંસ, બેલ્જિયમ, ગ્રીસ, સ્પેનમાં) તો લગભગ ૨૦૧૩થી સંપૂર્ણ શિક્ષણ (કોઈ દેશોમાં તો માસ્ટર્સ ડીગ્રી સુધીનું સુદ્ધાં) તદ્દન નિ:શુલ્ક કરી દેવામાં આવ્યું છે; બ્રાઝીલ, ઉરુગ્વે, ફીજી અને અમુક સ્તર સુધી તો શ્રીલંકામાં પણ શિક્ષણ નિ:શુલ્ક કરી દેવાયું છે.[3]

ભારતની વાત કરીએ તો અહીં એક રેડિયોલોજીસ્ટના ભણતરની એક વર્ષની ફી લગભગ રૂ.૫-૭ લાખ હોય, પણ અમુક સારી કોલેજોમાં આ ક્ષેત્રની જે ઓછી સીટો હોય તો ત્યાં એડમીશન માટેની કિંમત ક્યારે’ક તો રૂ.એક-દોઢ કરોડ જેટલી બોલાતી હોય! જો આટલી મોટી રકમની લોન લીધી હોય, અને કોર્સ જો ત્રણ વર્ષનો હોય તો એણે ફી ઉપરાંત વ્યાજના વાર્ષિક લગભગ રૂ.૬.૫૦-સાત લાખ ચૂકવવા પડે! હવે રેડિયોલોજીસ્ટનું ભણવું હોય તો એણે ઓછામાં ઓછું MBBS તો કરવું જ પડે, જેને માટે પણ એણે લગભગ રૂ.૨-૪ કરોડ તો ખર્ચ્યા જ હોય! બધું મળીને એક રેડિયોલોજીસ્ટે ડીગ્રી મેળવવા અંદાજે રૂ.૫-૭ કરોડ તો ખરચવા જ પડે છે. આ મોંઘવારીના સમયમાં કોઈ મા-બાપ આટલી મોટી રકમ એમના બાળકને આપી શકે નહીં, તેથી એણે બેંક પાસેથી જ લોન લેવી પડે.

તમે વિચાર કરો, જે પ્રમાણેની લોન લીધી હોય, માથે વ્યાજ ચૂકવવાનું હોય… અને તમે એને કહો કે સમાજની સેવા કર, તો, એ તો એની ઉપર આપણે અન્યાય જ કરીએ છીએ ને! એક તો રેડિયોલોજીસ્ટ બનવા માટે એ રૂ.૫-૭ કરોડ ખર્ચો કરે, એને માટે એણે લોન લેવી પડે, પછી એ બેંકને હપ્તાઓ પણ ચુકવે… અને એને કહીએ કે તું સમાજની સેવા કર! આ તે કેવો ન્યાય? એની પાસેથી જો સેવા જ લેવી હતી, તો એને નિ:શુલ્ક જ ભણાવવું હતું?! જો સમાજને એની પાસેથી સેવાની આશા છે કે એણે સમાજમાં સેવા કરવી જોઈએ, તો પછી સમાજે જ એને એ પ્રમાણે જોઈતા પૈસા આપવા જોઈએ, જેથી એનું ભણતર નિ:શુલ્ક થઇ જાય. પણ જો એ કરોડો રૂપિયા લઇ, માથે વ્યાજ પણ ચડે, પછી એને કહો કે તું સેવા કર, તો એ સેવા નહીં કરશે, એની પાસેથી સેવાની અપેક્ષા જ ખોટી છે. ભારતમાં આજે બેંકોને માથે એજ્યુકેશન લોનને નામે લગભગ રૂ.એક લાખ કરોડ ઉધાર છે, એમાંથી દશ ટકા તો નથી જ આવવાના, બાકીના ક્યારે આવશે, એ ખબર નથી.

આજે અમેરિકામાં જો કોઈ ડોક્ટર થઈને નીકળે તો એને પાંચ-પાંચ લાખ ડોલરનું માથે દેવું હોય છે. આ ડોક્ટર પછી માનો કે રોજ ૧૫-૨૦ પેશન્ટ પણ જુએ તે છતાં એને માથે તો પ્રેકટિસની તલવાર લટકતી જ હોય; વળી, એણે દર્દીઓ દ્વારા ક્યારે’ક ખોટા નિદાનના કાયદાકીય કેસોથી બચવા માલ-પ્રેક્ટિસ ઇન્સુરન્સ તેના પ્રીમિયમના દર વર્ષે એક લાખથી પાંચ લાખ ડોલર પણ ભરવા પડે છે… જે બધું એણે એના રોજના ૨૦ પેશન્ટો પાસેથી જ લેવાનું હોય.

હવે અમેરિકા જેવા સંમૃદ્ધ દેશમાં પણ લોકો પાસે આટલા પૈસા નથી હોતા તેથી લોકો ડોકટરો પાસે ચિકિત્સા કે ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા. આવા કારણોને લીધે હવે ત્યાં હાયર એજ્યુકેશન નથી લઇ શકાતું, બધાં’ય નું સામર્થ્ય નથી હો’તું… આપાણા દેશમાં પણ આવું થતું જાય છે, કોઈ મધ્યમ વર્ગનો માણસ ડોક્ટરની ફી નથી ચૂકવી શકતો, કે અમુક વર્ગના વિદ્યાર્થીઓ ડોકટરીનું કે એવું બીજું સારું મોંઘુ ભણી નથી શકતા.

એટલે, હવે વિદ્યાધામ એ સેવાનું ધામ રહ્યું જ નથી, આજે જે છે એ માત્ર કમાવા અને નફો કરવા માટેની વિવિધ દુકાનો બની ગઈ છે, એમાં સ્કુલ-કોલેજો આવી ગઈ, ડોકટરી પણ આવી ગઈ, દવાખાના પણ, હોસ્પિટલો પણ… મોટી ઇન્સ્ટીટયુટ બનાવી હોય, મોટી હોસ્પિટલ બનાવી હોય તો એ માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોય, લોન પણ લીધી હોય, તેથી એ રોકાણકારોને તો થાય, કે ભઈ, આટલો નફો તો એમને મળવો  જ જોઈએ, નફા વગર કાંઈ ચાલતું નથી, તગડું વળતર જોઈએ પછી એ માટે એમને તો ઘરાકો જોઈએ, જે પછી વિદ્યાર્થી હોય કે પેશન્ટ હોય, એમને તો બસ નફો જોઈએ. આવાં ધંધાકીય ક્ષેત્રોમાં, બિઝનેસ સેન્ટરોમાંથી જે કોઈ વિદ્યાર્થી ભણીને નીકળશે એ સેવા નથી કરવાનો.

Compartmentalised, વર્ગીકૃત થયેલા આવા સમાજમાં દરેકે-દરેક ક્ષેત્ર એક-એક પ્રોફિટ સેન્ટર જ છે. અમુક દેશોમાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ પ્રોફિટ-સેન્ટર છે. એમાં પોલીસોની એ જ રીતે ગોઠવણી હોય કે એ જે પેનલ્ટી લગાવતો હોય એમાંથી જ એનો પગાર પણ નીકળતો હોય. તો, સમાજના રક્ષક પોલીસ ડિપાર્ટમેન્ટે પણ વેપાર જેવું કરી નફો-પ્રોફિટ કરવું જોઈએ; જ્યુડીશીયરીએ પણ પ્રોફિટ કરવું જોઈએ; સ્કુલ-કોલેજો, હોસ્પિટલો, બધાં એ બસ પ્રોફિટ કરવું જોઈએ.

આપણી પુરાતન સંસ્કૃતિમાં દુકાન-વેપાર (ધનોપાર્જનનું કાર્ય) અને રાજા-રાજ્યતંત્ર (સમાજમાં ધર્મ, સુવ્યવસ્થા અને રક્ષણનું કાર્ય) અલગ રાખેલા, વૈશ્ય અને ક્ષત્રિય બંને અલગ-અલગ વ્યક્તિઓ હતી, એમાં ક્ષત્રિય-રાજા કોઈ દિવસ વેપાર ન્હોતો કરતો, એ કોઈ દિવસ બિલ્ડર કે કોન્ટ્રેકટર, કે બિઝનેસમેન ના હોય. પરંતુ,

હવે આજના જમાનાની સિસ્ટમમાં તો જાણે બધાં જ રાજકારણીઓના હાથમાં મોટા-મોટા સરકારી કોન્ટ્રેક્ટ હોય, અલગ-અલગ વ્યાપાર હોય તેથી બધાં એક જ વર્ણના – વૈશ્યો, બીઝ્નેસ-માઇન્ડેડ બની ગયા ના હોય! તેથી હવે બધે જ નાની-મોટી દુકાનો છે, એમાં વિવિધ પ્રકારના દુકાનદારો, આનાથી વધુ કશું જ નહીં હોય. આવા સમાજમાં ધીમે-ધીમે બધાં’ય દુકાનદારો જ રાજા થઇ જશે, ગુનેગારો પણ રાજા જ થઇ જશે…તો પછી પ્રજાનું શું થશે?

એટલે, એક અગત્યની વાત છે કે સમાજની શિક્ષણ વ્યવસ્થા નિઃશુલ્ક હોવી જોઈએ; અને જો શિક્ષણ વ્યવસ્થાને નિઃશુલ્ક રાખવી હોય તો એમાં અપાતું શિક્ષણ મૂલ્યો-આધારિત, ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ, અને ત્યાંની અન્ય આવશ્યક વ્યવસ્થાઓ સાદી હોવી જોઈએ. આપણે ત્યાં પહેલા શિક્ષણ વ્યવસ્થા કોઈ રાજા ઉપર આશ્રિત ન હતી, ત્યાં ભણતા બધાં’ય વિદ્યાર્થીઓ આસ-પાસના ઘરોમાંથી ભિક્ષા કરીને આવતા (એટલે કે વિદ્યાર્થીઓના ભોજનની જવાબદારી નજીકના સમાજ ઉપર આધારિત હતી); ત્યાર પછી ગુરુની પાસે રહી શિક્ષણ ગ્રહણ કરતા હતા. જે દિવસથી ગુરુકુલો રાજાને આશ્રિત થવા લાગ્યા, રાજાને પૈસે ગુરુકુલો ચાલવા લાગ્યા એ દિવસથી એ ગુરુકુલોની તેજસ્વિતા ઓસરી ગઈ, નષ્ટ થઇ ગઈ.

વિદ્યા એક પવિત્ર દાન નથી રહી, એ તો હવે વેપારની વસ્તુ અને નફો કરવાનું ક્ષેત્ર પણ થઇ ગઇ છે; આ બદલાવનું પરિણામ એ આવ્યું છે કે હવે એવી જ વિદ્યા કે શિક્ષણની શાખાઓનો વિસ્તાર થયો છે અને થશે પણ જેમાંથી વધારે પૈસા કમાવી શકાય, જે શિક્ષણથી વધારે મોટા પગારનું પેકેટ મળી શકે અથવા બધી જ માનવોપયોગી વિદ્યાઓ જેમ કે યોગ, ધ્યાન, અધ્યાત્મ, જીવન-નિર્માણ ઇત્યાદિને પૈસા કમાવી શકાય એ રીતે એનું શિક્ષણ આપવું પડશે. વિદ્યાલયો વિદ્યામંદિર ન રહીને વ્યાપાર કેન્દ્રો થશે. આ પ્રકારના શિક્ષણથી કદાચ બાહ્ય વૈભવ વધશે, પરંતુ માણસ અંદરથી ખલાસ થતો જશે.

એટલે એક સ્વસ્થ સમાજ માટેની પહેલી આવશ્યકતા નિ:શુલ્ક શિક્ષણની છે, આ વિષય ઉપર વિશેષ ચર્ચા આગળ કરીશું.

ॐ तत् सत्

[1] Quantum physics tells us that reality is far beyond human perception and intuition. In other words, our rational mind and common sense are just not capable of understanding the true nature of reality – Albert Einstein

[2] Cell Biologist, Bruce H Lipton says “Beliefs control our biology… and we are not stuck with our genes or our self-defeating behaviours! (Book – The Biology of Belief)

[3] https://en.wikipedia.org/wiki/Free_education;

https://www.scoopwhoop.com/These-10-Countries-Offer-Free-Education-To-International-Students-Time-To-Pack-Your-Bags/#.hwtj7fkbp