નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે.
અહીં એ પ્રવચનોનો
૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃત
ના આગલા અંકોમાં છપાયા છે.

अहिंसा सत्यमक्रोधस्त्याग: शान्तिरपैशुनम् |
दयाभूतेष्वलोलूप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२ ||

        જે મૂલ્યવાન રત્નોનો પારખી હોય, એની પાસે ઘણા રત્નો હોય અને એ બધાં જ રત્નો એટલા સારા અને મૂલ્યવાન હોય કે ક્યારેક-ક્યારેક તો એને પણ સિલેક્ટ કરવું મુશ્કેલ થઇ પડે કે કયું રત્ન વધુ મૂલ્યવાન છે અને કયું ઓછું મૂલ્યવાન. જો રત્ન-પારખીની આવી પરિસ્થિતિ હોય તો પછી જે પારખી ના હોય એની પરિસ્થિતિ કેવી હોય? એવી જ રીતે ભગવાને આપણને જે બધી દૈવી સંપત્તિઓ કહી છે એ સંપત્તિઓ મૂલ્યવાન રત્નો સમાન છે, એ દૈવી સંપત્તિઓ શ્રેષ્ઠ છે, કેમ કે એ આપણને સ્વયં ભગવાનના મૂખારવિંદમાંથી મળી છે; ભગવાનની વાણી તો દિવ્ય અને હૃદયંગમ ભગવદ્-ગીતો છે જે આપણને ભગવદ્ગીતાના રૂપમાં મળી છે.

મહદઅંશે દરેક માની એવી ઈચ્છા હોય કે એનું બાળક સર્વગુણોથી સંપન્ન બને; એ એને એ રીતે ઉછેરે છે કે એના બાળકનો સર્વાંગીણ વિકાસ થાય, એના ઉછેરમાં કોઈ કચાશ ના રહી જાય, કોઈ ઉણપ ના રહી જાય – એ શરીરથી સ્વસ્થ બને, મનથી પણ સ્વસ્થ બને, એ સારું ભણે અને પૈસે ટકેથી પણ એ સુખી બને, પણ એવું નહીં કે એના બાળક પાસે ખૂબ પૈસા આવે, અને સુખ હોય કે ના હોય તો ચાલશે, ના એવું નહીં, એ તો એના બાળકનો દરેક રીતે વિકાસ ઈચ્છતી હોય.

બસ, આવી જ રીતે પરમ-કૃપાળુ, દયાનિધાન ભગવાન પણ એમના બાળકો – મનુષ્યો – માટે દિવ્ય સંપત્તિઓ કહી છે, અને મા-ની જેમ ભગવાન પણ ઈચ્છે છે કે દિવ્ય સંપત્તિ-સમાન દિવ્ય ગુણો દરેક સાધકની અંદર હોવા જોઈએ, એનામાં, એની સાધનામાં કોઈ કચાશ ના રહી જાય – કેમ કે માણસમાં કચાશ રહેવાની પૂરે-પૂરી શક્યતા છે. આ કચાશની શક્યતાનું કારણ એ છે કે કહેનાર એક ભૂમિકામાં છે, સાંભળનાર કોઈ બીજી જ ભૂમિકામાં છે, જેવી રીતે કહેનારની આંખો ખુલ્લી હોય અને સાંભળનારની બંધ હોય, કહેનાર પ્રકાશમાં હોય, સાંભળનાર અંધકારમાં હોય, કહેનાર જ્ઞાનમાં હોય, સાંભળનાર અજ્ઞાનમાં હોય, કહેનાર બધી જ આસક્તિઓથી ઉપર ઉઠી ગયો હોય, એ બધાં’ય મોહ-માયાથી ઉપર ઉઠી ગયો હોય અને સાંભળનાર એ બધામાં હોય, કહેનાર માત્ર એક જ સત્ય જોતો હોય જયારે સાંભળનારને સંસાર અને એની વિવિધતા જ દેખાતી હોય… એટલે, બહુ અંતર છે કહેનાર અને સાંભળનાર વચ્ચે, તેથી સાંભળનારને સમજવામાં ભૂલ થાય છે, અને કચાશ રહી જાય છે.

માણસમાં, ખાસ કરીને અધ્યાત્મમાર્ગના સાધકમાં કોઈ સમજફેર, કોઈ ગૂંચ ના ઉભી થાય એનું એણે ખાસ ધ્યાન રાખવું પડે. આ માર્ગે આગળ વધવા માટે આપણે કોઈ પણ ઉપાય કરવા જઈએ, એમાં ક્યાં’ય સમજફેર થાય, ગુંચવાડો થવા લાગે છે, કચાશ રહે… એટલે ક્યારે’ક આપણા ઉપાયો જ બંધનના કારણો બનતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે આપણે જે ઉપાયો બંધનથી બહાર નિકળવા માટે કરતા હોઈએ એ જ ઉપાયો બંધનના કારણ બનતા હોય છે, એટલે સાધકમાં આવું ના થાય એ માટે ભગવાને આટલા દૈવી-સંપત્તિઓ રત્નો સમાન બધા ગુણો કહેવા પડ્યા.

દૈવી સંપત્તિઓની શૃંખલામાં આપણે ગઈ વખત अपैशुनम् વિષે ચર્ચા કરી હતી. એ ચર્ચાનું હાર્દ એ હતું કે બીજાના દોષોને ઉદ્ઘાટિત નહીં કરવા, એને ગમે ત્યાં પ્રકટ નહીં કરવા, આપણામાં દોષદૃષ્ટિ નહીં રાખવી. હવે, બીજાના દોષો તો આપણને દેખાવાના જ, આપણી નજરમાં આવશે જ. માનો કે કોઈને ગુસ્સો છે, કોઈને કોઈ પ્રત્યે આસક્તિ છે, કોઈને બીજાની નિંદા કરવાની ટેવ છે, કોઈને ચોરી કરવાની ટેવ છે… એ બધા જે દોષો છે, એ આપણી નજરમાં ના આવે એવું તો શક્ય જ નથી, એવું તો ના બને કે કોઈ ગુસ્સો કરે છે અને હું ત્યાં હોઉં અને છતાં જોઉં નહીં. આપણી નજર સમક્ષ થતી દોષવાળી વાતો આપણને દેખાશે અને ભગવાન કહે છે કે કોઈના દોષો જોવા નહીં, દોષદૃષ્ટિ ના કેળવવી, બીજાના દોષો દેખાય તો બીજાને કહેવા નહીં, કોઈની સામે કોઈના દોષો કહેવા નહીં. બીજાના દોષો પ્રત્યે મારી દૃષ્ટિ, મારો અભિગમ, મારી પ્રતિક્રિયા એવી હોવી જોઈએ જે મને બંધનકારક ના હોય, એ જેવી હોવી જોઈએ એના કરતા વિપરીત ના કેળવાય, એ માટે એક ઉપાય જે છે એ છે ‘દયા’, આપણી અંદર સહજરૂપે દોષી વ્યક્તિ પ્રત્યે તિરસ્કારની લાગણી આવી જતી હોય, અમુક વ્યક્તિ ક્રોધી છે, વ્યસની છે, ચોર છે. એની જગ્યાએ દોષી વ્યક્તિ પ્રત્યે પણ આપણને દયા હોવી જોઈએ. આ વાતને સમજીએ કે દોષ અને દોષી બંને માટે પણ દયા હોય.

ગુસ્સાની વાત કરીએ તો ગુસ્સો જે છે એ માણસની એક પ્રકારની રૂગ્ણતા છે, કોઈને ગુસ્સો કરવાની આદત હોય, એનો સ્વભાવ હોય તો એ એની રૂગ્ણતા છે, એક જાતની મનની બિમારી છે. જેમ કોઈ માણસ તાવથી પીડાતો હોય, એને શરીરમાં વેદના થતી હોય એવી જ રીતે જેને ક્રોધ આવે છે ત્યારે એ માણસ પણ પીડાતો હોય છે, તેથી એ ગુસ્સામાં, ક્રોધમાં હોય ત્યારે એ ગમે-તેમ બોલશે, ગુસ્સો વધી જાય તો સામેવાળી વ્યક્તિને એ મારશે પણ ખરો, એના હ્રદયના ધબકારા વધી જશે, બી.પી. વધી જશે, શરીરનો તાપ વધી જશે, ક્યારેક તો પોતાની જાતને મારશે, એ પોતાના જ વાળ ખેંચશે… આવું બધું ના થઇ શકે એમ હોય તો છેલ્લે એ ઊંડો શ્વાસ લઈને ખૂણામાં બેસી જશે. ગુસ્સામાં માણસ જાતે જ હેરાન-પરેશાન થતો હોય છે, સ્વભાવને કારણે ક્યારે’ક એ ક્રોધ એના કાબુમાં ના પણ હોય… તેથી, આ ક્રોધ માણસની રૂગ્ણતા, બીમારી છે. એવી જ રીતે દરેક પ્રકારના જે દોષો છે ક્રોધ, આસક્તિ, દ્વેષ, હિંસા…એ દરેક દોષોની એક જુદી જ પીડા હોય છે.

સામાન્ય રીતે આપણે કોઈ માણસ બીમાર હોય, એને તાવ આવ્યો હોય તો એને ખિજાતા નથી. ઘણા તો એવા હોય છે જે કોઈ દિવસ બીમાર ના પડ્યા હોય અને જો એને ત્યાં કોઈ બીમાર થાય તો એ બીમાર વ્યક્તિ ઉપર બહુ ખિજાય.

એક વખત અમે નડીયાદમાં એક પરિવારની સામે રહેતા હતા; એ ભાઈ કોઈ દિવસ માંદા પડ્યા ન્હોતા. એક દિવસ ઘરમાં કોઈને તાવ આવ્યો તો એને એ ભાઈ દવાખાને ના લઇ જાય, કહે તમને તાવ આવ્યો જ કેમ, બહુ ધમકાવે, એ ઘરમાં કોઈને નાની-મોટી બીમારી થાય તો ધમકાવે. થોડા વખત પછી એમને જ એમની આંખની સર્જરી કરવાની આવી. ઘરના લોકો એમને સર્જરી માટે લઇ ગયા દવાખાને, પણ એ ભાઈ તો એટલા ગભરાઈ ગયા કે એમને ત્યાં જ હાર્ટ એટેક આઈ ગયો, માંડ-માંડ બચ્યા, ઘરે લઇ આવ્યા ત્યારે એમને ખબર પડી કે બીમારી એટલે શું, બીજા જયારે બીમાર થાય ત્યારે એમને શું થાય.

એટલે, કોઈ બીમાર હોય, એને શારીરિક તકલીફ હોય તો આપણે એની ઉપર ખિજાતા નથી, એવું નથી કહેતા કે કેમ બીમાર પડ્યો છે. કોઈ પણ પ્રકારની બીમારી હોય એ દુઃખદાયક જ હોય છે, અને જો શારીરિક રીતે બીમાર હોય તો આપણે ખિજાતા નથી, તો માનસિક રીતે બીમાર વ્યક્તિ ઉપર ખીજાવું કેમ? જે માણસ બહુ ગુસ્સો કરે, કે બહુ બોલ-બોલ કરે એ પણ બીમાર છે.

મને એક કિસ્સો યાદ આવે છે કે એક સંત એક વખત ભિક્ષા માટે કોઈ એક ઘરે ગયેલા; એમને જોઇને ઘરના બહેન લોટ લઇ આપવા આવ્યા. સંત સંન્યાસી હતા, અને સંન્યાસઓની જેમ એ પણ કાચી ભિક્ષા, કાચું અનાજ લે નહીં. તેથી એમણે એ બહેનને નિવેદન કર્યું કે ‘હું લોટનું શું કરીશ? તમે મને કાંઈ ખાવાની વસ્તુ આપો – રોટલી, કે જે કાંઈ ખાઈ શકાય એવું હોય તે આપો.’ એ બહેન અંદર ગયા. એટલામાં એમના સાસુ બહાર આવ્યા, અને એ તો સંત ઉપર બહુ ખિજાયા, કહે, ‘तुजे जो दिया जाय वो तुजे ले लेना चाहिए, तूने ना क्यूँ किया?’ એ ખૂબ ઉશ્કેરાયેલા હતા અને બહુ ગાળો આપવા લાગ્યા.

સંત તો સંત, એ તો ત્યાં શાંતિથી ઉભા રહ્યા, એમને થયું કે આ બહેનને કેટલી બધી તકલીફ થઇ રહી છે, ગુસ્સામાં ગમે-તેમ બોલે છે, આકુળ-વ્યાકુળ જેવા થઇ ગયા હતા. તેથી એ સંત તો ઉભા રહ્યા છેક સુધી. એમને થયું કે જો હું વચ્ચેથી જતો રહીશ તો એ બહેનને અસંતોષ રહી જશે કે મારે જે બધું કહેવું હતું એ કહી શકી નહીં. એ સંત તો ઉભા રહ્યા, થોડી વાર પછી એ બહેન શાંત થયા અને ઘરમાં જતા રહ્યા પછી એ સંત ત્યાંથી ખસ્યા, પછી આગળ ગયા. તો, કોઈને જો આવી માનસિક તકલીફ છે તો એ પણ એક જાતની રૂગ્ણતા છે, એ વ્યક્તિ રૂગ્ણ છે, તેથી એ વ્યક્તિ દયાને પાત્ર છે.

સંતોનું હૃદય જે છે ને એ બહુ વિશાળ, વિરાટ હોય છે એમના એ હૃદયમાં દયા આવતી હોય છે, ત્યાં કોઈ પ્રતિક્રિયા ના થતી હોય. તો, દોષો પ્રત્યે આપણી પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? દયારૂપી પ્રતિક્રિયા હોવી જોઈએ, દયા જોઈએ. બીજાને દુઃખમાં જોઇને, બીજાની પીડા જોઇને આપણી અંદર એક માનસિક સંવેદના જે પ્રકટ થતી હોય, એને માટે પ્રેમની જે ભાવના, કરુણાની ભાવના જે ઉત્પન્ન થતી હોય, સાચી લાગણી જાગતી હોય એ દયા છે.  

આ લાગણી, આ કરુણાને લીધે આપણે અંદરથી દ્રવિત થતા હોઈએ છીએ, એનું દુઃખ જોઇને ક્યારે’ક આપણા રુંવાટા ઉભા થઇ જતા હોય છે, આપણી આંખોમાં આંસુ ‘ય આવતા હોય છે – આ પ્રકારની સંવેદનાઓ દયાના જ ભાગો છે. તો, કોઈનું દુઃખ જોઇને આપણને દયા થવી જોઈએ. જે કોઈ વ્યક્તિ અધ્યાત્મ માર્ગમાં આગળ વધી સફળ થયા હશે અને જીવનના શ્રેષ્ઠતમ શિખરને સર કર્યા હશે એમનામાં આવા ગુણો હશે જ.

દયાની વાત કરીએ છીએ ત્યારે આપણે પરમાત્માને જ જોઈએ તો સમજાશે કે પરમાત્મા કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે! એમની દયા તો અવિરત વહેતી જ હોય છે – કોઈ પણ હેતુ વગર, કોઈ પણ કારણ વગર, કોઈ પણ પક્ષપાત વગર કોઈ પણ ચોઈસ વગર સર્વ ઉપર વહેતી જ હોય છે. પરમાત્માની દયા માત્ર શાહુકાર કે સારા કે ભલા માણસ ઉપર જ હોય એવું નથી, એ તો બેઈમાન ઉપર પણ એટલી જ દયા હોય છે અને ચોર માટે પણ એટલી જ દયા. પરમાત્મા તો દરેકને જ શક્તિ આપે છે, દરેકમાં પ્રાણ પૂરતો હોય છે. અને ક્યારે’ક કોઈમાં અધ્યાત્મથી વિપરીત ગતિ હોય, એની અંદર દુર્ગુણ હોય ત્યારે એવું લાગે કે જાણે પરમાત્મા એને માટે રાહ જોતો હોય કે કયારે એ વ્યક્તિ સુધરીને મારી બાજુ આવશે.

મા-ને એના બાળકો માટે સરખો પ્રેમ, દયા હોય છે, અને જો એકા’દ છોકરો બગડી જાય તો એ એનાથી દુઃખી જરૂર હોય, પણ એને માટે મા-ને તિરસ્કાર તો ના જ આવ્યો હોય, એને એમ જ થાય કે એનો એ છોકરો ક્યારે સુધરશે, ક્યારે એ સાચા રસ્તે વળશે. બસ, બિલકુલ મા-ની જેમ જ પરમાત્મા પણ એમના દરેક બાળકો માટે રાહ જુએ છે કે અવળે રસ્તે જઈ રહેલા લોકો કયારે એમને સમજી એમના તરફ – સત્ય તરફ – કઈ રીતે, ક્યારે વળશે.

તો, આપણા દરેક પ્રયાસો એવા હોવા જોઈએ કે આપણે પરમાત્માના સાચા પ્રેમને ઓળખી શકીએ. ભગવાને કીધું કે ‘दया भूतेषु’ પ્રાણી માત્ર ઉપર દયા હોવી જોઈએ. સંતોને જોઈએ, કોઈ આધ્યાત્મિક વ્યક્તિ હશે તો એમનામાં આ દયાનો ભાવ હશે જ. હિન્દી ભાષામાં એક કહેવત છે કે ‘होनहार बिरवान के होत चीकने पात’; આ જ વાત આપણે ગુજરાતીમાં આવી રીતે કહીએ છીએ કે ‘મોરના ઈંડાને ચીતરવા ના પડે’. માણસની વાત જુદી છે, પણ સંતોને જોઈએ તો કેવા-કેવા, કેટલા દયાળુ સંતોના દાખલાઓ આપણે ત્યાં છે.

પરમહંસ રામકૃષ્ણના એક શિષ્ય નાગમહાશય, તેઓ ગૃહસ્થ સંત હતા. નાગમહાશયનો સ્વભાવ જ એવો કે કોઈ એમને માટે કામ કરે, થોડું પણ કષ્ટ ઉઠાવે તો એ સહન જ ન્હોતા કરી શકતા. નાની એક ઝુંપડી હતી, કાચું એક ઘર, નળિયાવાળુ ઘર અને એમાં પણ નળિયા તૂટી ગયેલા; વરસાદમાં ક્યાં બેસીએ, ક્યાં રહીએ એવો પ્રશ્ન ઉભો હોય, પણ કોઈ માણસને કામ માટે લાવવા ના દે’. એમના પત્નીને છૂટ ન્હોતી, રજા પણ ના આપે, કહે, ‘ના, કોઈને આપણા માટે તકલીફ થાય એવું નહીં કરવાનું.’

હવે, નાગમહાશય જાતે તો નળિયાનું કામ કરી શકતા ન્હોતા, એટલે, એક વખતે તેઓ કોઈ કામ માટે બહાર ગયા હશે, અને લાગ જોઇને એમના પત્ની એક-બે માણસોને બોલાવી લાવ્યા, ઘરના નળિયા સરખા કરાવવા લાગ્યા. એટલામાં નાગમહાશય આવી ગયા, અને ઘરમાં માણસોને કામ કરતા જોઈને એકદમ બેબાકળા થઇ ગયા, કહે, “નીચે ઉતરો, નીચે ઉતરો, નીચે ઉતરો…” પણ પેલા લોકો નીચે ઉતરે નહીં, એ તો મજૂર, કામ માટે જ આવ્યા હતા. મજૂરો નીચે ના ઉતર્યા તેથી નાગમહાશય તો પોતાની ચપ્પલ કાઢીને પોતાને જ મારવા લાગ્યા, કહે, ‘હું કેવો પાપી છું, મારા લીધે આવા લોકોને કષ્ટ વેઠવું પડે છે, આવા લોકોને તકલીફ થાય છે…’ એમના જેવા વ્યવહારની તો આજે કલ્પના પણ ના કરી શકીએ. છેવટે મજૂરો બિચારા નીચે આવી ગયા, એટલે નાગમહાશયે તો એમને બેસાડ્યા, હુક્કો-બુક્કો પણ આપ્યો, બીડી આપી અને બાજુમાં બેસીને જાતે મજૂરોને પંખો પણ કરવા લાગ્યા!!

બંગાળમાં પહેલા લગભગ દરેક ઘરની બાજુમાં નાનું તળાવ હતું, પૂકુર કહે એને, તળાવમાં પાણીને લીધે મચ્છરો પણ બહુ હોય, એને લીધે ઉંઘ પણ ના આવે. નાગમહાશયની બાબતમાં એવું કહેવાય છે કે રાત્રે જયારે તેઓ સૂઈ જતા ત્યારે મચ્છરોથી બચવા મચ્છરદાની તો લગાવતા પણ પછી બંને પગ થોડા ખુલ્લા પણ રાખતા, કહે, મચ્છરોનું પણ કામ થતું રહે ને, બિચારા એ પણ ભૂખ્યા તો ના રહે ?!!

તો, એ સંતોની અંદરે જે ગુણો છે એ કઈ સીમા સુધી હોય આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એમની દયા આવી, આટલી પણ હોય! અને ઘણામાં તો દયા નાનપણથી જ હોય છે. સ્વામી વિવેકાનંદમાં એટલી દયા હતી કે એમને ઘરે કોઈ ભિક્ષા લેવા માટે આવે તો ઘરમાંથી કોઈ પણ વસ્તુ લાવીને આપી દે. એમના મા હતા એ બિચારા પરેશાન થાય. એક વખત માએ ઘરનું બારણું બહારથી બંધ કરી દીધું. એક ભિખારી આવ્યો, તો વિવેકાનંદે એમની પાછળની બારીમાંથી એ ભિખારીને બોલાવીને ત્યાંથી, અંદરથી વસ્તુ આપી દીધી.

ગુરૂ નાનકજીની તો દૂકાન હતી, સારો એવો વ્યવસાય હતો. પિતાજીએ એમને ખરીદી કરી વેપાર માટે ક્યાં’ક મોકલેલા. નાનક તો ખરીદી કરીને પાછા આવતા હતા, ત્યાં રસ્તામાં ગરીબ લોકો મળી ગયા, જરૂરતમંદ લાગ્યા તેથી નાનાકજીએ તો ખરીદેલી વસ્તુઓ ત્યાંજ રસ્તામાં એ લોકોને વહેંચી દીધી. ઘરે પહોચ્યા તો બાપે બહુ માર માર્યો એમને.

એટલે, દયાનો અંશ દરેક મહાપુરુષોમાં કોઈ-ને-કોઈ રૂપમાં રહેવાનો. અને દયા, કરુણા એ તો ભક્તિનો પાયો અને એની ભૂમિકા છે, આ ગુણો દ્વારા જ ભક્તિની શરૂઆત થાય છે. જેવી રીતે વાવણી કરતા પહેલા જમીનને પહેલા ખેડીને, પાણી નાખીને નરમ કરવી પડે પછી જ એમાં કાંઈ’ક સારી ખેતી થાય, એવી જ રીતે આપણું હૃદય જે વિવિધ કારણોસર કઠણ થઇ ગયું હોય એ દયાથી, કરુણાથી નરમ થાય છે, પછી જ હૃદયમાં પણ કાંઈ’ક સારું ઉમેરી શકાય.

સ્વામી વિદેકાનંદ જયારે અમેરિકાથી ભારત આવ્યા, ત્યારે અહીં એક વિદ્વત્ સભા યોજાઈ હતી. આ સભામાં ભારતીય દર્શનની, પશ્ચિમી ફિલોસોફીની થોડી ઉંડી વાતો થવા લાગી. આ સભામાં ગિરીશબાબુ પણ બેઠા હતા, એમણે કીધું, ‘તમે બધાં શું દર્શનની અને વેદાંતની વાતો કરો છો? તમે  આ દેશની ખરી પરિસ્થિતિને જાણો કે સમજો છો? આ દેશમાં લોકોને ખાવા માટે અન્ન નથી, પહેરવા કપડા નથી, રહેવાને ઘર નથી, ઘણા તો ભૂખ્યા જ મરે છે…’ આવું બધું સાંભળીને સ્વામી વિવેકાનંદજીની આંખમાં આંસુ આવી ગયા, એ ત્યાં બેસી શક્યા નહીં અને એ ઉભા થઈને રૂમમાં અંદર જતા રહ્યા. આ જોઇને ગિરીશબાબુએ કીધું કે ‘જુઓ, આટલા માટે હું એમને માનું છું. એ બહુ વિદ્વાન છે, વેદાંતના આચાર્ય છે, આપણા દર્શન શાસ્ત્રો સારી રીતે જાણે છે…અને તેઓ બહુ પ્રભાવશાળી વક્તવ્ય પણ આપી શકે છે તેથી જ માત્ર હું એમને નથી માનતો, પરંતુ એમનું હૃદય પણ એવું કુણું, દયાળુ છે તેથી હું એમને માનું છું.’

દયા જે છે એ આપણી અંદર અધ્યાત્મની ભૂમિકા બનાવે છે કે જયાં સત્યના અવતરણનું બી નંખાય છે, અધ્યાત્મ માર્ગના દ્વાર અહીંથી શરુ થાય છે. અને સંતોની જે દયા હોય એ કોઈ ભેદભાવવાળી નથી હોતી; પોતાના શત્રુ હોય એવા લોકોની ઉપર પણ સંતોએ કેવી દયા કરી છે?!?!

સ્વામી દયાનંદ સરસ્વતી હતા (૧૮૨૪-૧૮૮૩; જેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી); એમને કોઈ કારણસર કોઈ વેશ્યા ઉપર ગુસ્સો આવ્યો હશે, ખીજાઈને એને કશુંક બોલ્યાય હશે. આ સાંભળીને વેશ્યાને બહુ ગુસ્સો આવ્યો અને એણે નક્કી કર્યું કે હું એમને મારી જ નાંખું. એ વેશ્યાએ થોડા પૈસા આપીને સ્વામીજીના રસોઈયા દ્વારા ભોજનમાં ઝેર નંખાવ્યું. સ્વામીજીને ખબર પડી ગઈ કે મારા ભોજનમાં ઝેર નંખાયું છે. રસોઈયો એકદમ ગભરાઈ ગયો, સ્વામીજી પણ સમજી ગયા કે એણે જ આ કર્યું છે, અને રસોઈયાએ કબૂલી લીધું કે મારાથી આ ભૂલ થઇ છે. તો, દયાનંદ સરસ્વતીજીએ એમની પાસે પૈસા હતા એમાંથી એને આપ્યા અને કીધું ‘તું અહીંયાથી ભાગી જા, નહીં તો મારા અનુયાયીઓ તને જીવતો નહીં રહેવા દે’શે. તું અહીંથી ભાગી જા.’

આમ, પોતાના શત્રુને, પોતાને નુકશાન કરનાર ઉપર પણ સંતોની એટલી જ દયા છે, કેમ કે દયાની ભૂમિકા વગર અધ્યાત્મ શરુ નથી થતું, જીવનમાં અધ્યાત્મ પાંગરવા અને દૃઢ થવા માટે દયાની ભૂમિકા જોઈએ. સામાન્ય રીતે અધ્યાત્મની બાબતમાં ક્યારેક ક્યારેક આપણી બહુ ખોટી સમજ હોય છે કે આપણે ધ્યાન કરતા હોઈએ એને અધ્યાત્મ કહીએ, તીર્થ યાત્રા કરી આવીએ એ અધ્યાત્મ, દક્ષિણા, પૂજા વિગેરે કરી લઈએ એ અધ્યાત્મ.

અમે જયારે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ત્યારે અમે સાગા રોકાયા હતા. ત્યાં ખબર પડી કે કોઈ એક બંગાળી યુવક કોમામાં જતો રહ્યો છે. નજીકની એક હોસ્પિટલમાં એને દાખલ કર્યો હતો ત્યાં અમે એને જોવા ગયા. વાત કરતા ખબર પડી કે એમની સાથે આખું ૩૦-૩૫ માણસોનું ગ્રુપ હતું. આ યુવકને મૂકીને એ ગ્રુપના બધા સભ્યો એકસાથે યાત્રા અને દર્શને જતા હતા. મને આશ્ચર્ય તો એ વાતનું થયું કે એ આખા ગ્રુપમાંથી આ યુવક સાથે રહેવા, રોકાવા કોઈ પણ તૈયાર ન્હોતું, એ કોમામાં જતો રહ્યો હતો તો પણ એની સાથે કોઈ વ્યક્તિ ઉભી ના રહી, બધાં’ય આગળ ‘જાત્રા’માં જતા રહ્યા. હા, એ લોકો બે શેરપાને એ યુવકની સંભાળ રાખવા બેસાડી ગયા હતા, એ શેરપાઓ એની પાસે બેઠાં હતા, હોસ્પિટલની વ્યવસ્થા વિગેરે સારી હતી… પણ, કોઈ વ્યક્તિ કોમામાં જતી રહે, ત્યારે એની સાથે એના જ કોઈ માણસો ના હોય, કોઈ સગું પણ ત્યાં રહેવા તૈયાર ના હોય…! મને એ ના સમજાયું કે આ તે કેવી યાત્રા કરવા નીકળ્યા છે આ લોકો??

અહીં આશ્રમમાં થોડા દિવસો પહેલા જ એક ગ્રુપ આવ્યું હતું, અને એમાંના એક બહેન અચાનક બહુ બીમાર થઇ ગયા. એ બહેનના નજીકના બીજા બહેન એમની સેવા-સંભાળ માટે રોકાવાને તૈયાર થઇ ગયા. આ લોકોને સોમનાથ વિગેરે સ્થળોએ જવું હતું, તો બધાંય એ બીજા બહેનને આગ્રહ કરે કે ‘ના, તમે તો આવો જ, તમારા વગર નહીં ચાલશે. મેં કીધું કે એ બહેન બીમાર છે, એમને કોઈ પોતાની, વિશ્વાસુ વ્યક્તિ હોય એની એને જરૂર છે. આવા સમયે જો કોઈ પોતાનું માણસ સાથે હોય તો એને ધરપત રહે કે મને કોઈ સાચવનાર છે. ‘ અને મેં એ લોકોને એ પણ કીધું કે તમે કેવી યાત્રા કરવા નીકળ્યા છો? મને આવી યાત્રા નથી સમજાતી.

સોળમી સદીના મહારાષ્ટ્રના વારકરી પંથના મહાન સંત એકનાથ એક વખત ગંગોત્રીથી ગંગાજળ લઇ છેક રામેશ્વરમ્ જઈ ત્યાંના આરાધ્ય શિવજી ઉપર અભિષેક કરવાની યાત્રાએ નીકળેલા. લગભગ ૩,૦૦૦-૩૫૦૦ કી.મી. ની લાંબી, કઠીન યાત્રા. એમની સાથે ચાર-પાંચ જણ બીજા પણ હતા. આ આખી યાત્રામાં ગંગાજળના પાત્રને નીચે જમીન ઉપર રાખવું નહીં એવું એમણે નક્કી કર્યું હતું. તમે જોતા હશો કે કાવડની યાત્રા કરનારાઓ કાવડ ખભે જ રાખે છે, અને થાકી જાય ત્યારે કાવડ ઉતારવી હોય તે માટે ત્રણ દાંડા જેવા પાયા હોય એના પર એ મૂકે. તમે વિચાર કરો કે આજથી ત્રણસો-ચારસો વર્ષો પહેલાની યાત્રા કેટલી કઠીન, અઘરી હશે? પાકા રસ્તાઓ ન્હોતા, બીજી કોઈ સુવિધા-વ્યવસ્થા પણ નહીં, એટલે જંગલોમાં થઈને કપરી યાત્રા કરવી પડતી હતી. આજે તો ઠેર-ઠેર જાત-જાતની વ્યવસ્થાઓ, સુવિધાઓ હોય, પૈસા આપી આપણે આગળ ચાલતા થઈએ. ત્યારે તો પૈસા પણ સાથે લઈને નીકળતા ના હતા.

એકનાથજી અને એમના સાથીઓ જયારે રામેશ્વરમ નજીક પહોંચવાના હતા ત્યારે રસ્તામાં એમણે સામે પાણી માટે તરફડતો એક ગધેડો જોયો. આ લોકો પાસે તો માત્ર ગંગાજળ જ હતું એ એકનાથજીએ એ ગધેડાને પાઈ દીધું. સાથેના બ્રાહ્મણો તો એમના ઉપર ખીજાયા કે ‘અરે! આપણી આટલી કપરી યાત્રા પૂરી થવાની છે, અને તમે તો ગંગાજળ આ ગધેડાને જ પાઈ દીધું, હવે ભગવાન શંકરને અભિષેક તો થઇ નહીં શકશે. આપણી આખી યાત્રા અધૂરી રહી જશે. ‘

એકનાથજીએ એમને કહ્યું કે ‘મારા શિવજી તો અહીં જ છે, આ જ મારા શિવજી છે. ‘

એમની સાથે જેટલા યાત્રીઓ હતા, અને બીજા કોઈ યાત્રીકોને આપણે ઓળખતા ના હોઈએ, એમનું નામ ઇતિહાસમાં નથી નોંધાયુ કે એ કોણ લોકો હતા, કદાચ એમણે રામેશ્વરમમાં શિવજીનો અભિષેક પૂરો કર્યો હશે, શિવજીને સ્નાન પણ કરાવ્યું હશે, એમની પણ ઇતિહાસમાં કોઈ નોંધ નથી, પરંતુ ગધેડાને પાણી પાનારની – સંત એકનાથની – ઇતિહાસે નોંધ લીધી છે, અને ભગવાને પણ એમના કાર્યની નોંધ લીધી જ હશે.

તો, આ જે કરુણાનો ભાવ છે, દયાનો ભાવ છે એ અધ્યાત્મની અનિવાર્યતા છે. સામાન્ય રૂપે જયારે ધ્યાનમાં  કોઈ બેશે ત્યારે ઘણી વખત એવું થતું કે ધ્યાન કરવું છે, અનુષ્ઠાન કરવો છે, ત્યારે કોઈ બીમાર હોય એને માટે એને કોઈ લાગણી જ ના થાય, એવા સમયે એને તો બસ એવું જ થાય કે, ‘મારું અનુષ્ઠાન પૂરું થવું જોઈએ, મારા જપ પૂરા થવા જોઈએ. ‘

અધ્યાત્મની આપણી એવી સમજ, કે અણસમજ જે છે એ અધ્યાત્મ નથી. અધ્યાત્મની ભૂમિકા જ બંધાય છે દયાથી, એટલે સંતોએ કીધું છે કે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે… ‘ કે જે બીજાની પીડા સમજે છે, બીજાની પીડાથી જે દ્રવિત થઇ શકે છે, જેના હૃદયમાં બીજાના દુઃખથી દુઃખી થવા જેટલી સંવેદના છે, આવી વ્યક્તિ અધ્યાત્મમાં આગળ વધતી હોય છે. દયા, કરુણા જેના હૃદયમાં છે એની અંદર અધ્યાત્મનો પાયો નંખાતો હોય છે, એની યાત્રા ખરેખર ત્યાંથી જ શરુ થતી હોય છે, કે જયારે એની અંદર દયાનો આવિર્ભાવ થાય છે.

એટલે, મનુષ્ય જીવનમાં પરોપકારને સૌથી મોટો ધર્મ કીધો છે, બીજાનું દુઃખ દૂર કરવા માટેની ભાવના છે, એ માટેની પ્રવૃત્તિ છે એને સૌથી મોટો ધર્મ કીધો છે – परोपकार: पुण्याय पापाय परपीडनम्. એટલે કહ્યું છે કે સૌથી મોટો ધર્મ છે પરોપકાર ધર્મ.

એક વખત દેવો, મનુષ્યો અને દૈત્યો બ્રહ્માજી પાસે ગયા અને જઈને બધાએ કીધું કે અમને શાંતિનો રસ્તો બતાવો. તો બ્રહ્માજીએ ત્રણે લોકોને કીધું ‘દ’, ‘દ’, ‘દ’. આ ગૂઢ ભાષાના ‘દ’-થી દેવો ‘દમન’ સમજ્યા, મનુષ્યો ‘દાન’ સમજ્યા, અને દૈત્યો ‘દયા’ સમજયા, કરુણા સમજ્યા. કેમ કે એ દૈત્યોની જે ક્રૂરતા છે એ દયાથી જ નાશ થાય. આપણી અંદર પણ જે રાક્ષસી વૃત્તિ છે, બીજાના દુઃખ માટે કોઈ સંવેદના સુદ્ધા નથી એ પણ એક જાતની ક્રૂરતા જ છે.

માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરી શકતો હોય, અને તેથી દયા, કરુણાની વાતો આપણને સમજાતી ના હોય. ક્યારેક-ક્યારેક આપણા વ્યવહારમાં એ સૂક્ષ્મ ક્રૂરતા, દયા-હીનતા એટલી બધી વધી ગઈ હોય કે ત્યાં સાચી દયા, કરુણા, સંવેદનાની વાતો સમજાય જ નહીં. કેટલા ડોકટરો હોય એ એમને દર્દી ઉપર દયા જ ના હોય, ખોટ-ખોટી સર્જરી કરી દેતા હોય છે, ખોટા બિલો બનાવે… અને આવું તો હવે દરેકે-દરેક પ્રોફેશનમાં થતું હોય છે, પોતાના ખોટા કામોથી કે વ્યવહારથી બીજા કોઈને દુઃખ થાય તે ખબર જ નથી પડતી, કોઈને કોઈ પ્રત્યે લાગણી ના હોય, કોઈના દુઃખ માટે ના તો સંવેદના હોય કે ના તો પીડા હોય, એ જ ક્રૂરતા છે, એ જ રાક્ષસવૃત્તિ છે. દૈત્યોનો અર્થ એ નથી કે એને માથે શીંગડા ઉગ્યા હોય, એને મોટા દાંત હોય, એ કાળો હોય, ભયાનક દેખાતો હોય… રાવણ પણ રૂપાળો હશે, સુંદર હશે તો જ એ સ્વયંવરમાં જઈને મંદોદરીને લઇ આવ્યા.

માણસની અંદર કરુણાનો જે ભાવ છે એ આપણી અંદર રહેલી ક્રૂરતાને કાઢે છે અને એ જ ખરેખર પશુત્વમાંથી મનુષ્યત્વમાં લઇ જાય છે, આપણને પશુથી મનુષ્ય બનાવે છે દયા, કરુણાનો ભાવ.

કોઈ એક બળદ હોય, એ ઘાસ ખાતો હોય અને ત્યાં બીજો બળદ આવી એને કહે કે હું ત્રણ દિવસથી ભૂખ્યો છું મને ઘાસ ખાવા દે. બળદ તો બળદ, પશુ એ પશુ જ હોય, એ કાંઈ આવું કહેવાથી ત્યાંથી ખસી ના જાય, માણસ ખસી શકે છે, કે ના, તમે ખાઈ લો. માણસ ભલે બે-ત્રણ દિવસથી ભૂખ્યો હોય, તો પણ એ ધારે તો બીજા માટે પોતાની થાળી છોડી શકે છે. બસ, માણસની માણસાઈ ત્યાંથી જ શરૂ થાય છે.

દયા એક જાતની અનિવાર્યતા છે મનુષ્ય હોવા માટે; અધ્યાત્મ માર્ગ માટે જે કોઈ સાધકે આગળ વધવું હોય, ઉન્નતિ કરવી હોય તો એને માટે દયા, કરુણા અનિવાર્ય છે, એકદમ અનિવાર્ય છે. દયા વગર કોઈ પણ સારાપણાના બીજ રોપાવાનું નથી, અને દયા વગર જો કોઈ બી રોપાયું પણ હશે તો એ ફળશે નહીં. જેનામાં દયા નથી, કરુણા નથી, તો એ ગમે તેવા ધ્યાન-જપ-અનુષ્ઠાન કરશે તો એ ફળશે નહીં. એટલે દયા તો હોવી જ જોઈએ, કોઈ પણ ઉપાયે, કોઈ પણ ભોગે આપણી અંદર દયાનો થોડો તો થોડો, સંચાર આવવો જ જોઈએ.

ક્યારેક માણસને દયા આવે, એ અમુક ખાસ સમયે કહેશે કે ‘બહુ ખોટું થયું, બહુ ખરાબ છે, … ‘ વિગેરે. એવું કહેશે, પણ કશું કરે નહીં. જો ખરેખર દયા હોય તો એવી દયા સક્રિય થવી જોઈએ, એક્ટિવ થવી જોઈએ… માત્ર આશ્વાસન રૂપે ન હોવી જોઈએ.

એક વખત હું અમરનાથની યાત્રા માટે જતો હતો, દિલ્લીથી જમ્મુની ટ્રેનમાં બેઠો હતો. ત્યાં, મારી સીટની સામે એક ભઈ હતા. એક નાના સ્ટેશને ગાડી ઉભી રહી, અને એ ત્યાં થોડું બહાર ગયા હશે, ત્યાં તો એમનું પર્સ કોઈએ ચોરી લીધું. હવે એમના પર્સમાં એમની ટિકિટ, પૈસા બધું હતું, એ બધું જ જતું રહ્યું. એ ભઈ પાછા આવ્યા ત્યારે એકદમ રડુ-રડુ થઇ ગયા. એ ભઈ એન્જીનિયર, એટલે એ આમ તો મોટી વ્યક્તિ કહેવાય, એની આંખમાં આંસુ આવી ગયા. કહે, હવે તો મારી પાસે કશું જ નથી, હું હવે પાછો જાઉં છું. ‘

ત્યાં એ કંપાર્ટમેન્ટમાં જે લોકો બેઠા હતા એ કહેતા હતા, કે ખોટું થયું, બહુ ખોટું થયું, આવું-આવું થાય છે, દોષો આપે, કહે રેલવેનો દોષ છે, ચોરોને દોષ આપે… પણ ત્યાંના એ લોકોએ જો માત્ર રૂ.૧૦૦-૧૦૦ ભેગા કર્યા હો’ત તો પેલાને મદદ થઇ શકી હો’ત, પણ કોઈએ પૈસા કાઢ્યા નહીં.

આ વાત લગભગ ૧૯૮૬ની છે, મારી પાસે પણ કાંઈ બહુ પૈસા ન્હોતા. આગળ મારે જે ટૂરમાં જવાનું હતું ત્યાં મારે પૈસા ભરવાના હતા. તો પણ મેં તો શિવજીનું નામ લઈને પેલા ભઈને પૈસા આપી દીધા, કે ‘આ લો તમે, તમે જે કામ માટે નીકળ્યા છો, એ માટે તમે જાવ, અને ઈચ્છેલી યાત્રા કરો. ‘ એ ભઈ વૈષ્ણો દેવીના દર્શને જતા હતા, માના દર્શને જતા હતા, ‘તમે દર્શન કરજો, અને પછી પાછા જજો. ‘ તો, એ ભઈ મને કહેવા લાગ્યા કે ‘મને તમારું સરનામું વગેરે આપો, હું જઈને તમને આ પૈસા મોકલી દઈશ. ‘ મેં કહ્યું, ‘તમે બીજા સાધુની સેવા કરજો, બધાંય સાધુઓ સરખા હોય, એમાં આવી ગયું. ‘

દયા છે, આપણી દયા હોય એ સક્રિય, એક્ટિવ થવી જોઈએ, નહીં તો ક્યારેક શું થાય કે આપણી દયા જો સક્રિય ના થાય તો એવું પણ બને કે કોઈ ભિખારીને જોઈ એને કશું આપીએ એવું થાય, સાથે એ વિચાર અસમંજસમાં અટવાઈ જાય, આપું કે ના આપું, એમ કરતા એ ઘડી, એ પળ નીકળી જાય અને આપણે પૈસા ના આપીએ. પછી આપણને પસ્તાવો થાય કે પૈસા આપ્યા હોત તો સારું થયું હોત, આપણી અંદર અફસોસનો ભાવ થાય. ક્યારેક એવું પણ થતું હોય કે આપણું જ મન જાત-જાતના બહાના પણ લઇ આવે, એ માણસ યોગ્ય નહીં હશે, એટલે જ ભગવાને મને પ્રેરણા ના આપી, પછી મન ચાલાકી પણ કરવા લાગે. એટલે, કોઈ પણ હિસાબે દયા ધીમે-ધીમે સક્રિય થવી જોઈએ, પછી ભલે એ લોભથી સક્રિય થાય, લાલચથી સક્રિય થાય. કોઈને થાય કે સ્વાર્થથી પુણ્ય મળશે, સ્વર્ગ મળશે, ભક્તિ થશે… જે રૂપે હોય, પણ એક વખત શરૂઆત થાય, અને દયાનું પણ એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે, એને સમજજો.

મને મારા શરીર પ્રત્યે કેવી દયા આવે છે? મને આંગળીમાં કાંઈ વાગે તો મને એને માટે કેવી લાગણી થઇ જાય? હું એની દવા કરું, એનો ઈલાજ કરું,  કેટલી કાળજી લઉં કે એનું દરદ મટી જાય. અને જયારે એ દરદ મટે, દુઃખ દૂર થાય તો મને હાશ થાય, કે હાશ, સારું થઇ ગયું. સંતોનું મન પણ એવું જ હોય, કે બીજાના દુઃખે દુઃખી થઇ જાય, અને જયારે એ બીજાનું દુઃખ દૂર થાય ત્યારે એને હાશકારો થાય, સારું થયું કે એનું દુઃખ દૂર થઇ ગયું; અને જેની અંદર આવા ગુણો આવે એ સંત જેવા જ હોય.

અમેરિકાના સોળમાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન (૧૮૦૯-૧૮૬૫)ની બાબતમાં કહેવાય છે કે એક વખત એ એક મિટિંગમાં જતા હતા. એમની કારની બારીમાંથી એમની નજર કાદવમાં ફસાયેલા એક ભૂંડ પર પડી, જોયું તો ભૂંડ બહાર નિકળવા માટે બહુ તરફડે છે પણ નિકળી નથી શકતો. એમણે ડ્રાઈવરને કાર ઉભી રાખવા કીધું, કારમાંથી ઉતરીને એ તો ગયા પેલા ભૂંડને કાદવમાંથી બહાર કાઢવા; જાતે થોડા પ્રયત્ન કર્યા પછી ભૂંડને બહાર કાઢ્યો. આટલું કરતા કાદવના છાંટા એમના કપડા ઉપર પડ્યા, તેમ છતાં મીટિંગ સમય થઇ જવાથી પહેરેલા કપડે જ એ એમની મિટિંગમાં ગયા. ત્યાંના લોકોએ જોયું કે પ્રેસિડેન્ટના કપડા તો કાદવથી ગંદા છે, તરત જ ડ્રાઈવરે સ્પષ્ટતા કરી કે ‘અહીં આવતા રસ્તામાં એમના સાહેબે કાદવમાં ફસાયેલા ભૂંડને જોયું, એનું દુઃખ એમનાથી જોવાયુ નહીં, અને એને બહાર કાઢ્યુ તેથી એમના કપડા ગંદા થઇ ગયા. ‘ લિંકને તરત જ ચોખવટ કરી કે “ના, એવું ન હતું, પણ એ ભૂંડનું દુઃખ જોઇને મને એટલું બધું દુઃખ થઈ ગયું કે હું જ્યાં સુધી એને બહાર કાઢત નહીં, ત્યાં સુધી મને સંતોષ ના થાત, મારું જ દુઃખ ઓછું ના થાત. જો મેં ભૂંડને બહાર કાઢ્યું ના હોત તો હું દુઃખી જ રહત, તેથી એવું કરીને મેં મારું જ દુઃખ દૂર કર્યું છે. ‘

બીજાના દુઃખ પ્રત્યે દયાનો ભાવ થવો એનું જે વિજ્ઞાન છે એ અહીં જોવા મળે છે. મને મારી આંગળીમાં કાંઈ વાગે, ઘા પડે અને મને જે દુઃખ થાય, એને મટાડવા, દુઃખ ઓછુ અને દૂર કરવા માટેનો મારો ભાવ, મારા પ્રયત્નો સહજ રીતે જ થતા હોય છે, અને આવું એટલે થાય છે કેમ કે મારી ચેતના ત્યાં આંગળીમાં પણ જોડાયેલી છે, મારી આંગળી સાથે મારું ઐક્ય છે, હું અને મારી આંગળી જુદા નથી, એક જ છીએ – આ ભાવ, આ અનુભવ, આ સમજને કારણે મારી ચેતના મારા આખા શરીરમાં દરેક ભાગ અને અંગોમાં ફેલાયેલી હોય છે, દરેક છેડા સુધી આ ચેતના ફેલાયેલી છે. અને જો આ ચેતના શરીરમાં બધે ફેલાયેલી ના હોય, અને કદાચ કોઈ જગ્યાએ એ ચેતના નથી પહોંચી તો મને એ ભાગ, એ અંગ માટે કોઈ સંવેદના જ ના થાય, અને તેથી મને એ માટે કોઈ પીડાનો અનુભવ ના હોય, એ ભાગને કાપી નાંખવામાં આવે તો પણ મને કશી જ પીડા ના થાય. એટલે જ્યાં મને દુ:ખની, પીડાની ખબર નથી પડતી ત્યાં મારી ચેતના નથી હોતી, અને જ્યાં મને દુ:ખની પીડાની ખબર પડે છે, તો મારી ચેતના ત્યાં હોય છે.

બિલકુલ એવી જ રીતે મને કોઈ વ્યક્તિને થતી પીડાની જો ખબર પડે છે તો મારી ચેતનાનો વિસ્તાર થાય છે, હું એ વ્યક્તિમાં પણ ચેતનાને અનુભવી શકું છું. હું ત્યાં ચેતનાને અનુભવી શકું છું, મારી સંવેદના જો ત્યાં ગઈ છે તો મારી ચેતના પણ ત્યાં ફેલાયેલી છે. જે ચેતના મારી અંદર છે એ જ ચેતના એની પણ અંદર છે અને આવો અનુભવ મને પ્રત્યક્ષ થયો છે, તો જ એનું દુઃખ મને દુઃખી કરી શકે, મારી ચેતનાનો વિસ્તાર થાય છે.

મારી અંદર જેમ-જેમ દયા, કરુણા વધે છે, તેમ-તેમ મારી ચેતના વિસ્તરે છે, એ વિસ્તાર પામે છે, અને જેમ મારી ચેતના બીજા સુધી વિસ્તાર પામે છે, તો એમાં મને મારાપણું લાગે છે, કે એ મારું જ છે, એવું લાગે છે. જયારે જેની અંદર આવું થાય છે ત્યારે એ વ્યક્તિની ચેતના વિરાટ સાથે જોડાય છે, અને એની અંદર સહજતાથી એક આનંદ પણ પ્રકટ થાય છે, એક પ્રકારની શાંતિ એની અંદર સ્ફુરે છે. જેની અંદર દયા, કરુણા પ્રમાણમાં વધારે હોય એ જ આ પ્રકારના આનંદની સ્ફુરણા અનુભવી શકે, કારણ કે વિરાટમાં જ સુખ છે.

તો, એની વિસ્તરેલી ચેતના હવે એના શરીર પૂરતી જ સીમિત નથી રહી, બીજા શરીરોમાં, બીજા પ્રાણીઓમાં બધી જગ્યાએ એ ચેતના ફેલાતી જાય છે. સંતોમાં એમની ચેતના ક્યારે’ક-ક્યારે’ક આવી રીતે વિસ્તરેલી હોય છે – પશુ, પક્ષી, અન્યોમાં બધે એ ચેતના ફેલાયેલી હોય છે.

મહાવીર સ્વામીની બાબતમાં કહેવાય છે કે એ ચાલતા તો ઘાસ ઉપર એવી રીતે પગ મૂકતા કે ઘાસને બહુ સહન કરવું ના પડે, તેઓ સાચવીને પગ મૂકતા. રામકૃષ્ણની બાબતમાં પણ લગભગ આવું જ કાંઈ હતું. એક વખત તેઓ ઘરમાં બેઠા હતા અને બહારના ઘાસ સાથે એટલા બધા તાદાત્મ્ય થઇ ગયેલા કે એક વ્યક્તિ જયારે એ ઘાસ ઉપર ચાલવા લાગી તો એમણે એકદમ ચીસ પાડી, એમને એમ જ લાગ્યું કે કોઈ એમની છાતી ઉપર ચાલ્યું! અને જોયું તો રીતસર એમની છાતી પર લાલ-લાલ ઝામટા પડ્યા હોય. એટલે, એમની ચેતના ઘાસ સાથે જોડાયેલી હતી, એમની ચેતના ઘાસમાં પણ વિસ્તરી હતી.

આમ, મારી અંદર દયા, કરુણાનો ભાવ બીજા સુધી વિસ્તરે છે ત્યાં સુધી મારી ચેતનાનો વિસ્તાર થાય છે, ઘાસમાં પણ વિસ્તરી છે. આપણને એવું થાય કે બીજને માટે દયા કરવાથી શું મળશે? જરૂર મળશે, અને એ તો એ જ સમજશે જે મેળવતો હોય, એ જ સમજતો હોય, એ ‘મળવાનું’ કદાચ પૈસા ના રૂપમાં ના હશે, કોઈ લૌકિક વસ્તુના રૂપમાં ના મળે, પણ એ એટલું શુભ હશે કે એ શુભ એના જીવનને ધન્ય બનાવશે. અને પછી તો એ ચેતના સામેથી રિસ્પોન્સ પણ કરવા લાગે છે, એટલે જો કશુક ઠોસ મેળવવાની ભાષામાં વિચાર કરીએ તો એ એને દુઆ મળતી હોય છે. આ વાતને સમજજો.

આપણે જો કોઈ વૃક્ષ, કોઈ છોડને પણ પ્રેમ કરી છીએ તો એ વૃક્ષ, એ છોડ પણ સામેથી રિસ્પોન્સ કરે છે, આપણી ભાવનાનો ઉત્તર પણ આપે છે, અને બીજી રીતે કહીએ – જે બધા એનર્જીની ભાષામાં વાતો કરે છે – તો એ વૃક્ષ, એ છોડ આપણને પોઝિટિવ એનર્જી આપશે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં તો અહીં સુધી જોવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ એક છોડને બહુ જ પ્રેમ કરતી હોય, અને એ વ્યક્તિ જો થોડા દિવસો માટે બહારગામ જાય તો એને ચિંતા હોય કે એના છોડને પાણી કોણ પાશે? એનું ધ્યાન કોણ રાખશે? એ સુકાઈ જશે? એવામાં એ વ્યક્તિને કોઈ એક્સિડેન્ટ થાય, કે બીજું કશું થયું હોય તો એ છોડ રિસ્પોન્સ કરે છે. હજારો માઈલોની વચ્ચે રહીને પણ એ છોડ રિસ્પોન્સ કરે છે. આ પ્રયોગમાં એ છોડના રિસ્પોન્સ એક ટોનોગ્રાફીના યંત્રમાં સ્પષ્ટ દેખાય છે કે એ છોડને તકલીફ થઇ રહી છે. એ રિસ્પોન્સ કરતા થયા છે. આપણા પ્રેમ, દયાને એ ચેતના ત્યાં જોડતી હોય એને રિસ્પોન્સ કરે છે, અને આપણને એ દુઆ પણ આપે છે.

વર્ષો પહેલાની વાત છે, હું મુંબઈ જતો ત્યાં એક ભઈ એક વખત મળવા આવેલા, બહુ મોટા બીઝનેસમેન હતા. પોતાની વાત કરતા-કરતા એણે કીધું કે સ્વામીજી, હું ઓફીસથી ઘરે આવું તો અડધો કલાક મારી મા સાથે હોઉં, એને થોડું શરીર દાબી આપુ, એની સાથે થોડી વાતો કરું અને તે વખતે બીજું કોઈ ના હોય, મારી પત્ની પણ નહીં, બાળક પણ નહીં; હું એકલો જ મારી મા સાથે હોઉં. ત્યારે એ ઘરની બધી વાતો કરે, આખા દિવસમાં જે થયું હોય એ કહે. એક દિવસ શું થયું કે મારા પત્નીનું માથું દુઃખતું હતું. તો મારા છોકરાએ કીધુ કે ‘મમ્મી, હું તારા માથાપર બામ લગાવી આપુ. ‘ મારા પત્નીએ એને કીધું કે ‘ના બેટા, તું રહેવા દે, હું જાતે જ લગાવી લઇશ. ‘  તરત જ છોકરાના દાદીમા (મારા મા)એ કીધું કે ‘ના એવું ના કર તું, એને તું બામ ઘસવા દે, એ બામ ઘસશે, તને થોડી રાહત થશે, તારા માથાનો દુખાવો મટશે, તારા મ્હોં-માંથી હાશકારો નીકળશે, સહજ રીતે તારી અંદરથી એને માટે આશીર્વાદ, દુઆ નીકળશે…તેથી, એ બાળકને તું એનાથી વંચિત ના કર. એને માટે તારા આશીર્વાદ જે છે એ વહેવા દે, એને પ્રવાહિત થવા દે, એને એનાથી વંચિત ના કરી દે. ‘

એટલે, આ જે વડીલોની દુઆ છે, એવી જ વૃક્ષોની પણ દુઆ હોય, પત્થરની પણ દુઆ હોય શકે. એટલે, સાધકના જીવનમાં એક એવી સ્થિતિ આવતી હોય છે કે એવા સંતો તો વાસણ પણ ધીમેથી મૂકે, એને તકલીફ ના થાય, ક્યારેક આપણને નથી થતું કે જે-જે વસ્તુઓ વાપરું છું, એ બધી મારા કાર્યમાં સહોગી થઇ રહી છે, તો એ બગડે નહીં, એ જાતની પણ સંવેદના ના હોય?

હું અહી આશ્રમમાં જોઉં છું, જે પાઈપથી પાણી છાંટ્યું હોય, બીજા કામમાં એનો ઉપયોગ કર્યો હોય તો એ તડકામાં પડેલી હોય, બિચારી એકલી. અને આ પરિસ્થિતિમાં તો એક જ મહિનામાં એના ફુરચા ઉડી ગયા હોય. તો, એને માટે આપણને એવી સંવેદના ના થાય કે આ વસ્તુ મને ઉપયોગી છે, મારે એને ખરાબ ના થવા દેવી જોઈએ? હું કોઈ પણ વસ્તુ વાપરતો હોઉં, એને સાચવીને એવી રીતે રાખું…

મારી પાસે એક મચ્છરદાની છે ૧૯૮૦થી મારી પાસે છે, મને સહયોગ કરી રહી છે, તો હું એનો ખ્યાલ નહીં રાખું કે એ ખરાબ ના થાય, એ ફાટે-તૂટે નહીં એને કોઈ તકલીફ નહીં થાય? તો, દરેક વસ્તુ માટે મારી અંદર એક સંવેદના હોય, એને માટે એક પ્રકારનો ભાવ હોય, અને જ્યાં-જ્યાં મને આવી સંવેદના થશે ત્યાં-ત્યાં મારી ચેતનાનો વિકાસ થશે, મારી ચેતના ત્યાં સુધી પહોંચશે, અને પરમાત્મા તો બધે જ છે, સર્વવ્યાપક છે, બ્રહ્મ છે, હું બ્રહ્મ છે, માત્ર આવા વિચારોથી લાભ ના મળે. બ્રહ્મની સંવેદના તો હોવી જ જોઈએ – મારી અંદર અને બહાર, બધી જગ્યાએ, શક્ય હોય એટલા લોકો માટે મારી સંવેદના તો હોવી જ જોઈએ. તો, એ ભાવને વિસ્તારશે આપણી કરુણા, આપણો પ્રેમ… અને આ ભાવ જ્યાંથી પણ શરુ થાય, કોઈ પણ રીતે થાય આપણા જીવનમાં એની શરૂઆત થવી જ જોઈએ.

આપણા જીવનમાં આ સંવેદનાનું આપણે માટે કેટલું મહત્ત્વ છે એનું આ વાતથી ખ્યાલ આવશે કે આપણી અંદર ગરીબો માટે દયાના ભાવનો વિકાસ થાય એને માટે હજારો મહાપુરુષો, સંતો, સિદ્ધો, અવતારી પુરુષો, અને જેમના કેટલા’ય રાજા-મહારાજાઓ શિષ્યો હતા એવા આચાર્ય શંકર, બુદ્ધ, મહાવીર જેવા સમર્થો પણ ભિક્ષાપાત્ર લઈને આપણી ગલીઓમાં, આપણા બારણે વિચરણ કર્યું છે, એ તેમની, આપણી ઉપર મોટી દયા, કરુણા જ હતી.

ॐ तत् सत्