દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુહિ બ્યાપા
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ

રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે કે ‘રામ-રાજ્યમાં’ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઇનેય વ્યાપતો નો’હતો. સર્વે મનુષ્ય પરસ્પર પ્રેમ કરતા હતા અને વેદમાં બતાવેલી નીતિ (મર્યાદા)માં તત્પર રહીને પોત-પોતાના ધર્મોનું પાલન કરતા હતા.

જ્યાં રામ છે ત્યાં આરામ છે. જ્યાં પરસ્પર પ્રીતિ છે ત્યાં આનંદ છે. જ્યાં શ્રુતિ અનુસાર સ્વધર્મનું પાલન કરવામાં આવે છે ત્યાં સુખ હોય છે. ત્યાં દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ આવી શક્તા નથી.

દૈહિક એટલે આધ્યાત્મિક તાપ શારીરિક કે માનસિક પીડામાંથી ઉત્પન્ન થતાં અંતરાય, દુઃખ એ આધ્યાત્મિક તાપ છે. જ્યાં મનુષ્યની પહોંચ નથી પરંતુ કોઇ અવ્યક્ત સત્તા દ્વારા થતાં પ્રકોપ જેવાં કે ધરતીકંપ, લીલો-સૂકો દુકાળ જેવી અણધારી આફતોને આધિદૈવિક તાપ કહે છે. આસપાસનાં માણસો, પ્રાણીઓ, જીવ-જંતુઓ તથા સુખ-સગવડના સાધનોના માધ્યમથી ઉત્પન્ન થતાં અંતરાયો, દુઃખો એ આધિ ભૌતિક તાપ છે. આ ત્રણેય તાપના નષ્ટ થવાથી જ સાચી શાંતિ મળે છે.

આપણે પણ કોઇ પણ કાર્યક્રમની શરૂઆત અને અંતમાં ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ બોલીએ છીએ એ આ ત્રણેય તાપની શાંતિના પ્રતિકરૂપે જ બોલીએ છીએ. આ ત્રણેય તાપ રામ-રાજ્યમાં નો’હતા અને આજે પણ જ્યાં આ ત્રણેય તાપ નથી એ જ રામ-રાજ્ય છે.