ભારતીય સંસ્કૃતિ | પ્રવચન પુષ્પ | સંન્યાસ – 6
આપણી સાથે એક વાત સ્વાભાવિક રીતે થતી હોય છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે કાર્યની સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે એની સાથે ગમા કે અણગમા, રાગ કે દ્વેષ સાથે બંધાઈ જતા હોઈએ છીએ, પણ અલિપ્ત કે નિરપેક્ષ નથી રહી શકતા, આ બે આયામો વચ્ચેનું સંતુલન નથી જાળવી શકતા, જીવનમાં જે સમત્વ હોવું જોઈએ એ નથી રાખી શકતા, ધીમે–ધીમે એ ખોઈ દઈએ છીએ – આપણી સાથે આવું બધું સહજ રીતે થતું હોય છે.
આપણે ક્યારેક કોઈ ભોજ્ય વસ્તુ ખાઈએ ત્યારે આપણને એ ભાવે, સારી લાગે, અથવા તો નથી ભાવતી, સારી નથી લાગતી, એ ખરાબ પણ લાગે. એવી જ રીતે જીવનમાં માણસ જો થોડીક કે બહુ સુવિધાઓ સાથે જીવતો હોય – ઘરમાં સોફા, એ–સી, અન્ય સુવિધાઓ હોય, અને પછી જો ક્યારેક એવી સુવિધાઓ ના હોય તો એ બધા વગર માણસને જીવવું આકરું લાગે છે, ક્યારેક એ જીવી પણ નથી શકતો. ખાવાની બાબતમાં જો માણસ થોડુંક સ્વાદિષ્ટ ખાવા લાગે, એવું ખાવાનું એને ગમવા લાગે, પછી એ ફિક્કું ખાવાની કલ્પના જ નથી કરી શકતો કે એવું પણ ખાઇ શકાય કે ખાવું જોઈએ, અને જો એ સાદું ભોજન ખાવા લાગે તો સ્વાદિષ્ટ ભોજનથી દૂર ભાગે; એ જો બાફેલું ખાતો હોય તો પછી બીજા પણ બાફેલું જ ખાય, લોકોએ સ્વાદિષ્ટ ખાવું જ ના જોઈએ, એ લંગોટી પહેરીને એવા જ પ્રયત્નો કરતો હોય કે બધા મારી જેમ જ સાદું, ફિક્કું, બાફેલું ખાય.
એટલે, સામાન્ય રીતે માણસ બે પરસ્પર વિરોધી આયામો વચ્ચે સંતુલન કે સમન્વય નથી જાળવી શકતો; અને આ વાત દરેક વસ્તુમાં હોય, અને ક્યારેક બે વિરોધી વિચાર હોય તો સમન્વય સ્હેજેય થતો નથી. પરંતુ જીવન સીધે–સીધું નથી હોતું, એ વિરોધી વાતોની વચ્ચે હોય છે, જીવનમાં કોઈ એક જ વાત નથી હોતી જેમ કે માત્ર જાગવાનું કે માત્ર ઉંઘવાનું જ નથી હો’તું, જીવન માટે આ બંને વાતો આવશ્યક હોય છે. જેમ કે કોઈ વૃક્ષ, એમાં બે વિરોધી ભાગ હોય, પરંતુ એ બંને પરસ્પરાવલંબી હોય છે –એક, જમીન ઉપરના થડ, ડાળીઓ વિગેરે, અને બીજો જમીનની અંદર એના મૂળિયા; એકને જીવવા, વૃદ્ધિ માટે પ્રકાશ જોઈતો હોય, બીજાને અંધકાર – જોઈએ તો બંને વિરોધી વાતો છે, પરંતુ એ બંનેના સમન્વયથી જ વૃક્ષ બનતું હોય છે.
એવી જ રીતે, જીવનમાં માત્ર દિવસ જ નથી હોતો કે જેમાં આપણે જાગતા જ રહીએ અને માત્ર કામ જ કર્યા કરીએ, અને માત્ર રાત પણ નથી હોતી કે આપણે કુંભકરણની જેમ બસ, ઉંઘતા જરહીએ – ના, એવું શક્ય નથી બનવાનું, જાગવા અને ઉંઘવા બંનેથી જ જીવન ચાલતું હોય છે, જેમાં જાગવું છે, તો ઉંઘવું પણ છે.
શરીરની સક્રિયતા છે, ઇન્દ્રિયોની સક્રિયતા છે, વિચારોની સક્રિયતા છે, જ્યારે જાગીએ છીએ ત્યારે શરીર, ઇન્દ્રિયો, બધું સક્રિય થતું હોય છે – આંખ–કાન–નાક–જીભ બધી ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો સારી રીતે કરતી હોય, એ બધાંને સારું–સારું જોઈએ – આંખને સારું જોવાનું ગમે, કાનને સારું સાંભળવાનું જોઈએ, જિહ્વાને સારું ખાવાનું જોઈએ…. બધી જ ઇન્દ્રિયો, મન, શરીર સક્રિય થતાં હોય છે. સક્રિયતાની સાથે–સાથે નિષ્ક્રિય પણ થવું એટલું ને એટલું જ જરૂરી છે, સક્રિયતા અને નિષ્ક્રિયતા બંનેનો સમન્વય જોઈએ.
આપણી વૈદિક સંસ્કૃતિની એ જ વિશેષતા છે, કે એમાં બે વિરોધી લાગતી વાતોનો સુભગ સમન્વય કર્યો છે અને તેથી જ આ સંસ્કૃતિ પૂર્ણ છે. દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય કે એ પોતાની પ્રકૃતિ, વિચાર, ઈચ્છા વિગેરેને લઈ કોઈ એક જ વાતને પકડતો હોય – એને જો ત્યાગ ગમે છે, એણે ત્યાગ કરવો છે તો એ એકાંતમાં રહેતો હોય, ટોળામાં રહેવાનું એને અઘરું પડે, એ ટોળામાં ના રહી શકે; અને જો એને મિત્ર–પરિવારમાં રહેવાનું ગમતું હોય અને એકલું રહેવાનું આવે તો અઘરું પડે.
આમ, એક મહત્ત્વની વાત એ છે કે માણસ–માણસથી જ કુટુંબ–પરિવાર–વ્યવસાય આદિ બનતા હોય, માણસથી કુટુંબ અને સમાજ, સમાજ–વ્યવસ્થા પણ ઊભી થતી હોય, દેશ અને દેશની સંસ્કૃતિ પણ માણસથી જ ઊભી થતી હોય છે, અને સમાજ વ્યવસ્થા એ સંસ્કૃતિનો પડઘો છે, દરેક દેશની વ્યવસ્થામાં એ સંસ્કૃતિનો પડઘો પડતો હોય.
આપણે પાછલી ચર્ચાઓમાં વાત કરી હતી કે જ્યારે રાજાશાહી હતી ત્યારે એ વ્યવસ્થામાં રાજા જ સર્વસ્વ હોય અને એ તંત્રની સામે ધીમે–ધીમે બધું જ દબાઈ ગયું. રાજાશાહીને પાડીને પછી પશ્ચિમના અમુક દેશોમાં મજૂરશાહી આવી – કમ્યુનિઝમ આવ્યું. એ સમયના એ સમાજમાં મજૂરશાહી આ નારા સાથે આવી હતી કે *બધાનું શાસન, બધાની સરકાર)* અને ત્યાં મજૂરો જ સર્વસ્વ થઈ ગયા હતા સમાજ–દેશની સત્તા, કાર્યભાર બધું જ મજૂરોના હાથમાં આવી ગયું હતું.
દરેક સમાજમાં સુવિધાઓ તો બધાને જોઈએ, પણ મજુરો જ્યાં સર્વસ્વ હોય ત્યાં સમાજ અને દેશની શું પરિસ્થિતિ થાય? એ વ્યવસ્થાનું પરિણામ આપણે જોયું કે એ સમાજમાં મજૂરોને નામે માત્ર ધનાઢ્ય, વગદાર ૫૦–૬૦ લોકો પાસે જ ત્યાંની સત્તા રહી હતી, અને તેથી એ કમ્યુનિષ્ટ વ્યવસ્થા એક જ સૈકામાં ધીમે–ધીમે વિશ્વના ઘણા દેશોમાંથી જતી રહી, સિવાય કે ત્યારનું વિશાળ સોવિયેત રશિયા, જે ૧૯૯૨માં તૂટી ગયું હતું, જુદા–જુદા દેશોમાં વિભાજિત થઈ ગયું હતું, અને આજનું જે રશિયા છે, ત્યાં હવે અમેરિકાજેવી પણ મિશ્રિત લોકશાહીવાળી રાજકીય વ્યવસ્થા છે – Federal semi-Presidential Republic of Russia કહેવાય છે, જેમાં લોકશાહી જેવી વ્યવસ્થા છે, જુદી–જુદી પાર્ટીઓની ચુંટણીઓ થાય છે, એમાંથી ચૂંટાયેલા લોકો મંત્રીઓ છે, થોડા વર્ષોને અંતરે નવી સરકારનું ગઠન થાય છે, પ્રધાન મંત્રી ચૂંટાય છે, પ્રેસિડેન્ટ પણ નિમાય છે, પરંતુ આજે પણ લોકશાહી જેવી વ્યવસ્થા હોવા છતાં એ દેશની સત્તાની દોર તો પ્રેસિડેન્ટના હાથમાં છે. અને ૨૦૧૨થી આજ સુધીના વર્તમાન પ્રેસિડેન્ટ સર્વે–સર્વા વ્લાદિમીર પુતીન છે, એમને પડકારનાર જો હોય તો એ જેલમાં હોય, એનો દેશ–નિકાલ થયો હોય, અથવા..
ચીનમાં પણ કમ્યુનિઝમની વ્યવસ્થા છે – જે માર્કસ અને લેનિનની મિશ્રિત વિચારધારાથી બનેલી વ્યવસ્થા છે. ચીનમાં એક જ રાજકીય પાર્ટી છે Chinese Communist Party (CCP) છે, જેના હાથમાં દેશની બધી જ સત્તા છે. મુખ્યત: આ પાર્ટીમાં સત્તાની વહેંચણી માત્ર ૧૦૦–૨૦૦ ધનાઢ્ય અને શક્તિશાળી સૂત્રધારો વચ્ચે જ હોય છે. વિચાર કરો કે આ બધામાં મજૂરોના હિતની વાત ક્યાં આવી?
આખા વિશ્વમાં જોઈએ તો મુખ્યાત: બે જ વિચારધારાઓ અને રાજકીય વ્યવસ્થાઓ છે –સમાજવાદ (કમ્યુનિઝમ) અને મૂડીવાદ (કેપિટલીઝમ), અને છેલ્લા ૧૦૦–૨૦૦ વર્ષોમાં દુનિયામાં વિશેષ રીતે મૂડીવાદજ વધારે પ્રભાવિત અને સ્વીકૃત રહ્યો છે. મૂડીવાદી વ્યવસ્થા આપણને એક પક્ષીય જ ચિંતન, વિચાર આપે છે કે, ભઇ, જેની પાસે જેટલા પૈસા, ધન હશે, જેટલી સુવિધાઓ, ઐશ્વર્ય–ભોગ–વિલાસના સાધનો હશે એટલો એ માણસ સુખી થશે. એટલે કેપિટલિઝમ, મૂડીવાદ આવા મૂલ્યો ઉપર ઊભી થઈ છે કે મારી પાસે કેટલા પૈસાછે, સુખ–આનંદ–ભોગ માટે કેટલી વસ્તુઓ છે.
હવે, આવી ભૌતિક વિચારધારાવાળા સમાજમાં ત્યાગની વાત, ઇંદ્રિયોથી બહાર નીકળી જવાની વાત, આત્મસ્થિતિની વાત એ બધું તો એક બાજુ ફેંકાઇ જ જાય છે, એવા સમાજમાં ચિંતનનું સ્થાન જ નથી રહેતું, અને તેથી એ વ્યવસ્થા આજે નહીં તો કાલે અસફળ થવાની જ છે, એનું આયુષ્ય લાંબુ નથી જ રહેવાનું, કેમ કે એ વ્યવસ્થા ધન–સુખ–સુવિધા જેવા મૂલ્યોને ધ્યાનમાં રાખીનેઊભી થઈ છે.
પ્રચલિત વિચારધારા અને એને આધારે ઊભી થયેલી વ્યવસ્થાની અસફળતાની દિશામાં છેલ્લા એક દાયકામાં Anti-Capitalism, મૂડીવાદ વિરોધી ચળવળ ઘણા દેશો અને શહેરોમાં ધીમે–ધીમે પ્રસરતી રહી છે. આ ચળવળની શરૂઆત અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં ૨૦૧૧માં શરૂ થઈ હતી, જેમાં લગભગ ૧૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ ચળવળ *Occupy Wall Street)* અને *Occupy)*-ને ટૂંકા નામે જાણીતી છે. અમેરિકાથી પછી આ વિચારધારા લંડન, ફ્રેંકફર્ટ, રોમ, મૈડ્રિડ, સિડની, હૉંગ કૉંગ જેવા લગભગ ૮૨ દેશોના ૯૫૦ જેટલા શહેરોમાં પ્રસરતી રહી છે. આ ચળવળના આયોજકોનો એક ખાસ મુદ્દો છે *initiate global change’ – વૈશ્વિક બદલાવની શરૂઆત કરો)*.
*Occupy)*(કબજે કરો)ની મૂળ વાત એ છે કે મૂડીવાદમાં મોટી–મોટી કંપનીઓ, રાજકારણીઓ, માલેતુજારોની સમાજ પર જે કડક સકંજા જેવી પકડછે, અને પરિણામે લોકોના જીવન પર જે માઠી અસર થાય છે, જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે, રાજકીય અને સામાજીક ક્ષેત્રે લોકોમાં તવંગર અને ગરીબો વચ્ચેની ખાઈ વધતી જાય છે, દુ:ખો, અસંતોષ, વૈમનસ્ય વધતા જાય છે,આ બધી વાતોની સામે લોકો પોતપોતાના આક્રોશ સાથે એક થઈ મૂડીવાદના બહિષ્કાર અને નવી વિચારધારા, વ્યવસ્થા માટેની ખુલ્લી માંગ કરતા થઈ ગયા છે.
આજના મૂડીવાદમાં વિકાસની પરિભાષા, માપદંડ એક જ – વિકસિત માણસ કોણ? જેની પાસે વધારે પૈસા છે; અને જો સુખ–સાહ્યબી માટે પૈસા ઓછા હોય તો દેવું કરો, જે માણસ વધુ દેવાદાર હોવા છતાં એ વિકસિત કહેવાય! અને સૌથી વધુ વિકસિત દેશ કયો? તો કહે, જે દેશ દુનિયામાં બીજા દેશોનો સૌથી વધુ દેવાદાર હોય એ દેશ.
તમને ખ્યાલ હશે કે ક્રેડિટ સિસ્ટમ કઈ રીતે હોય કે તમે એક લોન લીધી અને લોનનું ઇન્સ્ટોલમેન્ટ– માનો કે તમે દર મહિને એક હજાર ડોલર ભરી શકો છો; એટલે, ૩૦–૪૦ વર્ષની લોન આપનાર ગણતરી કરે કે તમે કેટલી લોન લઈને ભરી શકો છો, એટલી તમારી સાખ, ક્રેડિટ ગણાય. આને આધારે પછી એ જ, કે બીજી બૅન્ક તમને વધારે લોન લેવા લલચાવશે, કહશે કે તમે આટલું તો ભરી જ શકો છો. એ રીતે તમે વધારે લોન લીધી, તો પછી તમારે વધારે મોટા ઇન્સ્ટોલમેન્ટ ભરવાના આવે – ધારો કે ૨૦૦૦–૨૫૦૦ ડોલર દર મહિને ભરવાના આવે, આમ તમારી ક્રેડિટ વધારે ગણાય.
વધારે સુખ–સાહ્યબીના ચક્કરમાં તમે દેવુ કરતા જાવ અને એ દેવુ ભરવા માટે પછી તમે દિવસ–રાત જાગીને કામ કરો, ઉંઘવાનું ઓછું, નહીંવત્ થઈ જાય, જ્યારે ઉંઘવાનું જો મળે તો એમાં ચિંતા હોય, શાંતિની ઉંઘ ના હોય અને પછી સમજાય કે તમે જે કમાઓ છો એમાંથી મોટા ભાગનું કે બધું જ એ લોન આપનાર–ને આપી દો છો.
એટલે, એ વ્યવસ્થા, સિસ્ટમ જ એવી ઊભી થશે કે એમાં તમને રોકડ પૈસા રાખવા જ ના દે – કેમ કે, રોકડ પૈસા તમારી પાસે હોય એનો કોઈ મતલબ ના હોય, કેમ કે એના ઉપર તમને વ્યાજ ના મળે, અને જો બેન્કમાં હોય તો બેન્ક એના પર વ્યાજ ઓછું આપે, અને ઘણા દેશોમાં તો વળી બેંકવાળા તમારા પૈસા સાચવવા માટે સર્વિસ ટેક્સ પણ લેતી હોય. તો, આવી વ્યવસ્થામાં માણસ બેન્કમાં શું કરવા પૈસા રાખે? એટલે, પછી તમે પારાયણ ખર્ચો કરતા થઈ જાવ – નવા ફોન, નવી ગાડી, મકાન એવું બધુ લેતા થઈ જાવ, અને એ પણ લોન ઉપર.
આવી વ્યવસ્થામાં જીવવાનું હોય તો ત્યાં તમે શાંતિથી નિરાંતે, જીવનના બીજા આયામો માટે ના તો વિચાર કરી શકો, ના તો પ્રવૃત્ત થઈ શકો, એ ખોવાઈ જાય, ત્યાં એ બીજા આયામો માટે કોઈ વ્યવસ્થા જ ના હોય. એટલે, પરાણે કહો કે જે પણ, ત્યાં માણસ એક જ દિશામાં વિચારતો હોય, કાયમ એક જ દિશામાં ગતિ કરતો હોય, જીવનની બીજી આવશ્યક વાતો ભુલાઈ જતી હોય કે જો પૈસા જરૂરી છે તો પૈસાનો ત્યાગ પણ જરૂરી છે; જીભને સારું–સ્વાદિષ્ટ ખાવાનું જોઈએ, તો કોઈ દિવસ કડવું પણ ખાવું પડે, જોઈએ; બધી સુવિધાઓ જોઈએ તો હું અસુવિધામાં રહેતા શીખું, અસુવિધામાં પણ હું રહી શકું, જીવી શકું – એવું મારે શીખવું પડે, એ સંતુલન હું એ વ્યવસ્થામાં નથી જાળવી શકતો, મારા જીવનમાં સંતુલન, બેલન્સ, નથી રાખી શકાતું.
આપણી ભારતીય સંસ્કૃતિની આ જ વિશેષતા છે કે એણે બંને પક્ષે સંતુલન જાળવીને સંતુલિત વિકાસ કર્યો છે.
બીજી મહત્ત્વની વાત જે છે એ તમને ફરી યાદ કરાવું કે હું જે વાતો સંસ્કૃતિ માટે કહું છું એ આજે પણ એવી–ને–એવી જ હોય કે છે એ માની લેવાની જરૂર નથી કે જે આપણા મૂલ્યો છે, આદર્શો છે કે જે આપણી સંસ્કૃતિની વિશેષતા છે એ બધી વિશેષતાઓ સાથે આપણે જીવી રહ્યા છીએ એવું માની લેવાની જરૂર નથી, પણ છતાં આ દેશની માટીની, આ ભૂમિની, આ સંસ્કૃતિની કોઈ તો વિશેષતા છે. વર્તમાન સમયમાં આપણે આપણા મૂલ્યો સાથે બિલકુલ નથી જીવી રહ્યા, તે છતાં એમાં કંઈક તો વિશેષતા છે કે જે આપણને ટકાવી રાખે છે, અને વર્તમાન સમયની આટલી બધી વિષમતાઓમાં પણ ટકાવી રાખ્યા છે.
જ્યારે હું આપણી સંસ્કૃતિની વાત કરું છું, આપણાં ઋષિઓએ જે મૂલ્યો બનાવ્યા હતા, અને જે પ્રમાણે વ્યક્તિગત–જીવન, સામાજિક જીવન વ્યવસ્થા ગોઠવી હતી એ વ્યવસ્થાને લીધે આપણે લાખો વર્ષોથી આજ સુધી ટકી શક્યા છીએ, ટકી રહ્યા છીએ.
આ પૃથ્વી ઉપર આપણી સંસ્કૃતિ જેવી અને એ પણ સૌથી જૂની અન્ય કોઈ સંસ્કૃતિ નથી, અને આજે પણ એ જીવંત હોય. આ પૃથ્વી ઉપર ઘણી બધી સંસ્કૃતિઓ આવી હતી – ચીનની ૨૫૦૦–૩૦૦૦ વર્ષો પહેલાં ઘણી સારી સંસ્કૃતિ હતી, એ પહેલાંમેસોપોટેમિયા, મિસ્ર, એવી કેટલી ભવ્ય સંસ્કૃતિઓ હતી જેણે ભવ્ય પિરામિડો વગેરે બનાવ્યા હતા, બીજી ટેકનોલોજીમાં પણ એ સંસ્કૃતિઓ આપણાથી આગળ હતી – તે છતાં, આજે એમનું કોઈ નામ–નિશાન નથી રહ્યું.
એટલે કહ્યું છે કે આપણી સંસ્કૃતિ જેવી કોઈ અન્ય સંસ્કૃતિ નથી, હા,એનો પ્રવાહ ધીમો પડ્યો હશે, મંદ થયો હશે પણ એ તદ્દન નષ્ટ તો નથી જ થઈ. આપણી પુરાતન સંસ્કૃતિમાં આપણે કોઈ દિવસ બાહ્ય ઐશ્વર્યનો, વૈભવનો નિષેધ નથી કર્યો– મનુષ્ય જીવન છે તો સાંસારિક સુખો જોઈએ, પૈસા જોઈએ વૈભવ જોઈએ કેમ કે જો બહારનું ભૌતિક સુખ ના હોય અને મને સુખની અનુભૂતિ જ ના થઈ હોય તો કોઈ દિવસ આંતર સુખની શોધ શરૂ થતી નથી.
ભૌતિક, સાંસારિક સુખોની વાત કરીએ તો એ આવે છે, ક્યારેક છાયાની જેમ મળીને જતું રહે છે, પછી દુ:ખ આવે ત્યારે મને ફરી થોડું સુખ મળે એવું થાય, અને જો કદાચ મળે તો એ સુખ પણ શાશ્વત ના રહી શકે, એ સુખ પહેલાં જેવું એવું–ને–એવું ના રહી શકે, મને એક જ પરિસ્થિતિમાં સુખ મળે છે, કાલે એ–ની–એ પરિસ્થિતિમાં સુખ નથી મળતું; જે સંબંધોમાં મને આજે સુખ મળે છે એ સંબંધોમાં કાલે એ સુખ નથી મળતું, જે પૈસા મને આજે સુખ આપે છે એ કાલે સુખ નથી આપતા, તો મને પ્રશ્ન ઊભો થાય છે કે સુખ છે શું? તો સુખની આંતર શોધ શરૂ થતી હોય છે.
તમે જોયું હશે કે ભૂતકાળમાં આ સંસ્કૃતિ જીવનના દરેક આયામોમાં, ક્ષેત્રોમાં આપણે કંઈ પાછળ ન હતા, વૈભવમાં કંઇ પાછળ ન હતા, દરેક ક્ષેત્રમાં વૈભવ હેતો, અને આજે પણ પરદેશોના ઘણા ક્ષેત્રોમાં આપણા લોકો જ્યાં છે એમની એવી કઈક વિશેષતા તો છે કે જે દુનિયાના અન્ય માણસોથી આપણને અલગ તારવે છે.
મેં એક–બે વખત વાત કરી હતી એ તરફ ધ્યાન આપ્યું હશે – કે આજથી ચાર–પાંચ દાયકઓ પહેલાં આપણે કોઈ દિવસ એવી કલ્પના પણ નહતી કરી શકતા કે અહીંના ઉદ્યોગપતિઓ વિશ્વના ૧–૧૦ ક્રમમાં આવશે. ત્યારે આપણે ત્યાં બે–જ મોટા કહી શકાય એવા ઉદ્યોગ–ગૃહો હતા – એક, બિરલા અને બીજું ટાટા, અને વિચાર કરો શું એમના નામ ત્યારના વિશ્વના ૧–૧૦૦માં પણ હતા ખરા? કેમ કે ત્યારે વેપાર–ઉધોગ કરવા માટેની તક જ ન્હોતી, જેનું એક મુખ્ય કારણ એ હતું કે ત્યારના પ્રધાન મંત્રી નેહરુ ભારતને એ સમયના રૂસની પદ્ધતિમાં લઈ જવા માંગતા હતા કે જ્યાં સરકાર જ બધું કરે.
તમને ખ્યાલ હશે કે અહીં આપણા દેશમાં ત્યારે ક્વોટા–સિસ્ટમ હતી – તમારે જો સ્કૂટર પણ લેવું હોય તો એને માટે ૪–૪ વરસ રાહ જોવાની, પછી નંબર આવતો, અને એમાં પણ તમને સ્કૂટર તો ત્યારે જ મળતું કે જ્યારે તમે ૫–૧૦ હજાર ઉપરથી આપો. ત્યારની સરકારે દરેક કંપની અને એના પ્રોડક્ટ માટે ક્વોટા જાહેર કર્યો હોય, કે અમુક કંપનીએ નિર્ધારિત સ્કૂટરો જ બનાવવાના – માનો કે ૧૦,૦૦૦ સ્કૂટરનો ક્વોટા હોય, કે એક લાખ સ્કૂટરનો, પણ દરેક કંપનીઓ પોતાના ક્વોટા કરતાં ઓછા જ સ્કૂટરો બનાવતી હતી. કંપનીઓની આવી નીતિને કારણે બજારમાં સ્કૂટરોની અછત વર્તાય, ખરીદનારે પછી એને માટે ૪–૫ વરસ રાહ જોવાની, જલ્દી જોઈએ તો *on-ઉપરના)* પૈસા આપવાના, નહીં તો રાહ જોવાની, લાઇનમાં ઊભા રહેવું પડતું.
એ દાયકાઓમાં મોટે ભાગે સરકારની જાહેર ક્ષેત્રની (public sector) કંપનીઓ જ બધું બનાવતી કે કરતી હતી, પ્રાઇવેટ કંપનીઓ બહુ જ થોડી, એમને માટે ક્વોટા સિસ્ટમ – આમ ઉદ્યોગોને બિઝનેસ કરવાની છૂટ જ ન હતી. દોઢ–બે દાયકાઓ પહેલાં થોડી છૂટ નરસિંહ રાવ જ્યારે પ્રધાન મંત્રી બન્યા હતા ત્યારે મળતી થઈ હતી.
તમને યાદ હશે કે ત્યારના રસ્તાઓ કેવા હતા? અને આજે? છેલ્લા ૧૦–૨૦ વર્ષોમાં હાઇ–વે ના રસ્તાઓ માટે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રેક્ટ અપાતા થયા છે, એ કંપનીઓ જાતે જ બધા રસ્તાઓ બનાવે – સરકારે કોઈ ખર્ચા નહીં કરવાના – અને એ ખાનગી કંપનીઓ પછી ટોલ–ટેક્સ લે એમાંથી પોતાના પૈસા વસૂલ કરે. પરિણામે આજના રસ્તાઓ કેવા સરસ થઈ ગયા છે!
તો, છેલ્લા એક–બે દાયકાઓમાં જ ખાનગી કંપનીઓ, ઉદ્યોગોને છૂટ મળવાથી એટલા તો વિકસિત થઈ ગયા છે કે એમના માલિકો હવે વિશ્વના આગલી હરોળના ઉદ્યોગપતિઓ સાથે કોમ્પિટિશન કરે છે, અને ૧–૪૪ ક્રમમાં આપણા ઉદ્યોગપતિઓ આવતા થઈ ગયા છે.
અમેરિકાની કેટલીક ફાર્મા કંપનીઓને ભારતની ફાર્મા કંપનીઓ ટેકઓવર કરે છે, જ્યારે વિવિધ કારણોસર યુરોપના ફ્રાંસ જેવા દેશોમાં ટેક્સટાઇલ મિલો ઓછી કે બંધ થઈ ગઈ છે, અને એ બધી કંપનીઓની મશીનરીઓ એશિયાના દેશોમાં – ખાસ કરીને ભારતમાં આવી ગઈ છે! આવું થશે એવી કોઈ કલ્પના જ ન્હોતી.
ઔદ્યોગિક ક્ષેત્રે આવા free, છૂટછાટવાળા વાતાવરણમાં ભારતમાં સરકાર દ્વારા ઉદ્યોગ–વેપારને ઘણી છૂટ મળવાથી સરકારી વિભાગોની હાલત નબળી કહી શકાય એવી થઈ ગઈ છે; આજે ભારતમાં એવી પરિસ્થિતિ છે કે સરકારી તંત્ર (બ્યુરોક્રેસી) ખાનગી ક્ષેત્રની કંપનીઓને એટલું સપોર્ટ નથી કરતું જેટલું વિકસિત દેશોમાં સપોર્ટ કરે છે. ભારતના મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ ભલે લાખો–કરોડો રૂપિયાના ટેક્સ ભરતા હોય, તો પણ સરકારી તંત્રના અધિકારીઓ તો એ લોકોને ‘ચોર’ની જેમ જ સમજી વર્તન કરે છે – જાણે વધારે ટેક્સ પણ ભરવો ગુનો છે!! જેટલો વધારે ટેક્સ ભરે એટલો સરકારી ખાતાઓમાંએ મોટો ‘ચોર’ ગણાય.
અવિકસિત ભારતની બ્યુરોક્રેસી સામે વિકસિત દેશોમાંના વેપારીઓ તરફ ત્યાંની બ્યુરોક્રેસીના ધારા–ધોરણ, વેલયુઝ કેવા હોય છે, વેપારીઓ, ઉદ્યોગો સાથે એ લોકો કેવું વર્તન કરે છે એ સમજજો – હું એક વખત અમેરિકાના સાઉથ કેરોલિનામાં સાઉથ કોલમ્બિયાશહેર છે ત્યાં એક પરિવારમાં ભિક્ષા લેવા ગયો હતો. ત્યાં એ ભાઈના ચાર–પાંચ નાના સ્ટોર હશે. એમની સાથે વાત નીકળી તો એમણે કહ્યું કે થોડા દિવસ પહેલાં જ એમને અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ સાથે ભોજન માટે આમંત્રણ મળ્યું હતું! અને એ દિવસે આખા દેશમાંથી ૫૦૦–૬૦૦ લોકોને પ્રેસિડેન્ટ સાથે ભોજન માટે બોલાવાયા હતા.
એમની વાત સાંભળીને મેં એમને પૂછ્યું, તમે એવું શું કર્યું કે તમને પ્રેસિડેન્ટ સાથે ભોજન માટે આમંત્રણ મળ્યું? એ ભાઈ કહે કે એનો પાંચ–છ નાના સ્ટોરનો નાનો બિઝનેસ છે, મોટો બિઝનેસ નથી; તો એ નાના બિઝનેસને હિસાબે એની આખી કાઉન્ટી (જિલ્લા)માં એણે સૌથી વધારે ટેક્સ ભર્યો છે. એક નાના વેપારીએ એના જેવા બીજા વેપારીઓ કરતાં સૌથી વધારે ટેક્સ ભર્યો હતો, તેથી એને એ દેશના પ્રેસિડેન્ટ સાથે ભોજન સમારંભમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું, એમના સૌથી વધારે ટેક્સ–પેમેન્ટ માટે એને એપ્રિસિયેટ કરવામાં આવ્યા, કે આ ભાઈ વધારે વેપાર કરે છે, વધારે ટેક્સ ભરે છે!
ભારતમાં તો ઉદ્યોગપતિઓને, વેપારીઓને સરકારી ખાતા દ્વારા ચોર જ સમજવામાં આવે છે, અને આ સમજ અને માનસિકતાને કારણે પછી કોઈ પણ નાનો અધિકારી એ લોકોની સાથે દુર્વ્યવહાર, મિસબિહેવ કરી શકે છે, એની સાથે સારું વર્તન નહીં હોય. તો, આવી પરિસ્થિતિ છે, અને આપણે ત્યાં લગભગ દરેક સરકારી વિભાગ સ્પીડ બ્રેકરનું કામ કરતો હોય – તમને દરેક કામમાં કઈ રીતે અટકાવે એ જ રીતે વ્યવહાર કરતો હોય.
માનો કે તમારો કોઈ પ્લાન છે, અને એ સરકારી ખાતા પાસેથી પાસ કરાવવા તમે જે–તે ખાતામાં જાવ; ત્યાં એ પ્લાનને લગતા ખાતાના માણસો જાત–જાતના બહાનાઓ, કારણો બતાવી તમારી ફાઇલ આગળ જતા અટકાવે – હેતુ એક જ, કે એમના ખીસા ગરમ કરો તો પછી તમારી ફાઇલ આગળ વધે. આવી જ રીતે ઉદ્યોગ માટે ઇલેક્ટ્રિક કનેક્શન માટે જાવ, લોન સેન્ક્સન કરાવવા જાવ, અને લોન પાસ થાય તો એ અડધી–પડધી મળે. આવું તો દરેકવિભાગોમાં થતું હોય – એ લોકો તમને અટકાવતા હોય, અને આવી પરિસ્થિતિમાં પણ આજના ભારતના વેપારીઓ અને ઉદ્યોગ જગતના નાના–મોટા ઉદ્યોગપતિઓ જ દેશને આગળ લાવ્યા છે, અને દુનિયામાં ઘણા ક્ષેત્રોમાં એવું બની રહ્યું છે.
આજે અમેરિકામાં ૩૦–૩૫% ડોકટરો ભારતીય છે; આઇટી ક્ષેત્રમાં ૩૦–૩૫% લોકો ભારતીય છે,NASAમાં ૧૨–૧૫% વૈજ્ઞાનિકો ભારતીય છે. આમ, વિશ્વના ઘણા દેશોમાં ભારતીયો ગયા છે, અને એ દરેકમાં કોઈ–ને–કોઈ વિશેષતા છે.
તમે કોઈ દિવસ વિચારજો કે દુનિયામાં કોઈ પણ એવો દેશ છે કે જ્યાં હજારો વર્ષોથી એક જ લોહી–વાળી જાતિ (કમ્યૂનિટી), એક જ કામ કરતી આવી હોય? એક જ લોહીવાળી જાતિ પેઢી–દર–પેઢી માત્ર વેપાર જ કરતી આવી છે – અગ્રવાલ, માહેશ્વરી, વાણિયા, ગુપ્તા એ લોકો હજારો વર્ષોથી માત્ર ધંધો–વેપાર જ કરતા આવ્યા છે.
બીજી જાતિ છે ક્ષત્રિયોની, જેના લોકો લડતા જ આવ્યા છે, એટલે ભારતના જેવા સૈનિકો દુનિયામાં બીજે ક્યાંય નથી, કેમ કે ભલે એમની પાસે યુરોપ અને અન્ય વિકસિત દેશોના સૈનિકો પાસે હોય છે એવી આધુનિક સુવિધાઓ ના હોય, પરંતુ ભારતીય સૈનિકોનું જે પ્રમાણેનું મનોબળ છે – એ જો મારી દે’વામાં ના આવે તો એમના જેવા દૃઢ મનોબળથી લડનારા દુનિયામાં નથી.
મને યાદ છે કે ૧૯૯૯–માં પાકિસ્તાન સાથે કારગીલનુંયુદ્ધ થયું હતું અને બહુ જ કપરી પરિસ્થિતિઓમાં આપણા સૈનિકો જીવ–સટોસટના લોહિયાળ ખેલ ખેલીને શત્રુ દેશના સૈનિકોને હરાવીને, એ લોકોએ ખોટી રીતે પચાવી પાડેલી આપણી જગ્યાને પાછી લઈ લીધી હતી, અને ભારતને એ યુદ્ધમાં જીતાવ્યું હતું. એ યુદ્ધમાં આપણા સૈનિકો જે ખૂબ જ ઘાયલ થયા હતા, બચી ગયા હતા એમને મળવા માટે ત્યારના પ્રેસિડેન્ટ કે. આર. નારાયણન મિલીટરી હોસ્પિટલમાં ગયા હતા. આ મુલાકાત દરમિયાન એક–બે સૈનિકોએ એમના જીવલેણ ઘા બતાવ્યા અને કીધું હતું કે જુઓ, મને દુશ્મનની ગોળી છાતીમાં વાગી છે, પીઠ ઉપર નથી વાગી.. અહીં ગોળી વાગી હતી કેમ કે શત્રુઓ પહાડની ટોચ ઉપર હતા અને અમારે નીચેથી જવાનું હતું, શત્રુના સૈનિકો જોઈ શકતા હતા, અને અમને રોકવા માટે એ લોકો ટોચ ઉપરથી ગોળીઓ ચલાવતા હતા – આમ, સામે મૃત્યુ જેવા શત્રુના સૈનિકો હતા અને અમારે એ લોકોની સાથે લડીને એમને મારવાના હતા; આવી જીવલેણ પરિસ્થિતિમાં આપણા સૈનિકો લડ્યા અને શત્રુ દેશ પાસેથી એ જગ્યા ખાલી કરાવી હતી.
આપણા સૈનિકોની બહાદુરી બીજા એક યુદ્ધ દરમિયાન જોવા મળી હતી ૧૯૭૧માંના ભારત–પશ્ચિમ પાકિસ્તાનના યુદ્ધ વખતે – જેમાં ભારતે આજના બાંગલાદેશ (ત્યારના પૂર્વ પાકિસ્તાનને) મદદ કરીને પશ્ચિમ પાકિસ્તાનની ચંગુલમાંથી છોડાવ્યું હતું, સ્વતંત્ર બાંગલાદેશ બન્યું હતું. એ યુદ્ધમાં આપણી સેનાએ પશ્ચિમ પાકિસ્તાનના લગભગ એક લાખની આજુબાજુ પાકિસ્તાની સૈનિકો પાસે ભારત સામે સમર્પણ કરાવ્યું હતું, આ એક ઐતિહાસિક ઘટના હતી, કેમ કે ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું ન્હોતું.
આપણે ત્યાં તો યુદ્ધમાં સૈનિકો કેસરિયા કરતા હતા, રાજસ્થાન વગેરેનો ઇતિહાસ કેવો હતો? ત્યારે આપણા સૈનિકો યુદ્ધમાં કેસરિયા કરતા હતા – કેસરિયા ત્યારે કરતા હતા કે જ્યારે યુદ્ધ દરમિયાન કિલ્લામાં થોડા જ સૈનિકો બચ્યા હોય, બહાર શત્રુના હજારો સૈનિકો છે જે હુમલો કરી રહ્યા છે; આવા સંજોગોમાં બચવાની કોઈ શક્યતા જ નથી ત્યારે કિલાની અંદરના સૈનિકો માથે કેસરીયો ફેંટો બાંધે અને કિલ્લા ઉપરથી નીચે કૂદી પડે –શત્રુ–સૈનિકો વચ્ચે –એ વિચારતા કે મરવું જ છે તો દશ શત્રુ–સૈનિકોને મારીને મરશું – પણ કોઈ દિવસ સમર્પણ, સરેન્ડર ન્હોતા કરતા.
અહીં હજારો વર્ષોથી એક જ લોહી માત્ર સંગીત જ વગાડતું આવ્યું હોય, માત્ર વેદાધ્યાયન જ કરતા આવ્યા હોય. થોડા સમય પહેલાંબીબીસી–એ એક ડોક્યુમેન્ટરી બનાવી હતી–The Story of India. આ ડોક્યુમેન્ટરીમાં બીબીસી–ના માણસોએ દક્ષિણ ભારતમાં પહેલાંલોકો કેટલા traditionalહતા, એ લોકો કેવી–કેવી વિષમ પરિસ્થિતિઓમાં હોવા છતાં પણ વેદાધ્યયન કરતા હતા, વેદોનું ચેન્ટીંગનું કરતા હતા. એ ટ્રેડીશન હજારો વર્ષોથી આજ સુધી ચાલુ છે, એ અદભૂત છે. આ અમૂલ્ય ટ્રેડીશનને કારણે જ આજ સુધી આપણા વેદો સુરક્ષિત રહ્યા છે – આપણી સંસ્કૃતિની આવી વ્યવસ્થા હતી.
આપણા ઋષિઓએ બે પરસ્પર વિરોધી લાગતી વાતોનું સંતુલન કરવા માટે બે માર્ગો બતાવ્યા હતા, એને આપણે સમજીશું. ભગવત્પાદ આદિગુરુ શંકરાચાર્યજીએ શ્રીમદ્ ભગવદ્ગીતા પરના એમના ભાષ્ય(શાંકરભાષ્ય)ના ઉપોદ્ઘાતની શરૂઆતમાંજ કહ્યું છે કે –द्विविधो हि वेदोक्तो धर्म: प्रवृत्तिलक्षणोनिवृत्तिलक्षण: च –કે ધર્મના બે મુખ્ય પાયા છે – પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ; પ્રવૃત્તિમાર્ગ છે સક્રિયતાનો, activityનો માર્ગ છે, અને નિવૃત્તમાર્ગ એ ત્યાગનો માર્ગ છે. આ બે ધર્મ આ જગતને ટકાવે છે, અને એ બે ધર્મ જગતને બચાવે પણ છે. વ્યક્તિ અને સમાજનો સાચો વિકાસ ધર્મના આ બંને પાયા મજબૂત હશે એનાથી થશે, એનાથી જ પછી જગતનો પણ વિકાસ થશે.
આ પ્રકારના ધર્મને સમજવા માટે આપણા જીવનને જ સમજીશું તો બહુ સરળ બનશે– આપણે જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે આપણી બધી ઇન્દ્રિયો પણ જાગૃત થાય છે, દરેક અંગો અને અવયવો પણ સક્રિય બને છે, અને આપણે પ્રવૃત્તિ કરીએ છીએ; અને જ્યારે ઉંઘી જઈએ છીએ ત્યારે દરેક ઇન્દ્રિયો અને અંગો પણ સાથે નિવૃત્ત થતા હોય છે, આંખ જોવાનું બંધ કરી દે છે, કાન સાંભળવાનું બંધ કરી દે છે મન વિચાર કરવાનું બંધ કરી દે છે.
દરેક મનુષ્યના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને વાતો મહત્ત્વની છે, તેથી, બે–માંથી કોઈ એકને જ મહત્ત્વનું કહેવું હોય તો એ કયું મહત્ત્વનું છે – પ્રવૃત્તિ કે નિવૃત્તિ? જાગવું કે ઉંઘવું? બંને મહત્ત્વના છે. માત્ર જાગીને જ જીવન ના ચાલી શકે, એક–સરખું જાગીને જ માણસ દશ–બાર દિવસથી વધારે દિવસ જીવી ના શકે; પરંતુ ઉંઘીને માણસ વર્ષો જીવી શકે.
આમ, જીવનને નિવૃત્તિ વધારે ટકાવતી હોય છે, કેમ કે નિવૃત્તિમાં માણસ પોતાની, સ્વ–ની નજીક હોય છે, જ્યારે પ્રવૃત્તિમાં એ સ્વ–થી દૂર હોય છે, નિવૃત્તિમાં ક્યારે’ય એવું નથી હોતું, ત્યાં દુ:ખ હોય– કોઈને ગાઢ–નિદ્રામાં દુ:ખ મળ્યું હોયએવો દાખલો તમને નહીં મળે, કે માણસ ગાઢ–નિદ્રામાં ગયો હોય અને પછી એને એવો અનુભવ થયો હોય કે *મને બહુ દુ:ખ થયું, બહુ પીડા થઈ)*; ના, એને તો એમ જ થશે કે આજે હું ગાઢ–નિદ્રામાં સૂઈ ગયો, આજે મને બહુ જ શાંતિ થઈ, બહુ જ આનંદ મળ્યો, મને એકદમ નિરાંત થઈ ગઈ.
માણસ જ્યારે પ્રવૃત્તિ કરતો હોય – જાગૃત કે સ્વપ્નાવસ્થામાં – ત્યાં સુખ હશે, સાથે દુ:ખ પણ હશે, માત્ર સુખ જ હશે એવું ના હોય, બંને હશે. નિવૃત્તિમાં સુખ–ને–સુખ જ હશે, પ્રવૃત્તિમાં સુખ–દુ:ખ બંને હશે, અને પ્રવૃત્તિમાં જે સુખ મળે છે એ પણ ખરેખર નિવૃત્તિનું જ સુખ છે, આત્માનું જ સુખ છે.
આપણા ઋષિઓએ આ તથ્યને જાણીને જે પરમ સત્યને કેન્દ્રમાં રાખીને આ સંસ્કૃતિની આખી વ્યવસ્થા ઊભી કરી કે જે સુખની સ્થિત નિવૃત્તિમાં છે, એ સ્થિતિ જો હું જાગૃતાવસ્થામાં, જાગતા–જાગતા લાવી શકું તો પછી જીવનમાં દુ:ખનું નામ જ ના હોય.
હવે નિવૃત્તિમાં મળતા સુખને સમજીશું – નિવૃત્તિમાં જ્યારે સુખ હોય છે ત્યારે મારી પાસે કશું જ નથી હોતું, કશું જ હોતું નથી, ત્યાં *હું)* સિવાય બીજું કશું જ નથી, અને તે વખતે મને શાંતિ જ મળે છે, સુખ જ મળે છે, ત્યાં સુખ અને શાંતિ સિવાય બીજું કશું નથી મળતું. તો, આ પ્રકારનું સુખ કોનું? એને જ કહે છે તું જ સુખ છે, તારું જ સુખ છે, એનાથી આગળ તારું જ સુખ છે, માત્ર એવું નહીં પણ તું જ સુખ છે, તું જ આનંદ છે, તું જ સચ્ચિદાનંદ છે! પણ આવા સુખનું જ્ઞાન ક્યારે થશે, કે જ્યારે એ બધી વસ્તુઓથી મુક્ત થશે ત્યારે, અને જ્યાં સુધી એ બધી વસ્તુઓથી મુક્ત ના થાય ત્યાં સુધી એ સ્વ–ની અનુભૂતિ સુધી પહોંચી શકે નહીં.
એટલે, મારી પ્રવૃત્તિની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે મારા સ્વ–ને અનુલક્ષીને હોય, જો જાગતા–જાગતા માત્ર હું, માત્ર સ્વ–ને ઓળખીને, માત્ર સ્વ–માંસ્થિત થઈને જાગીને જીવી શકું તો પછી એવા જીવનમાં દુ:ખ નહીં હોય.
કલ્પના કરો જેને એવું થઈ જાય કે હું શાશ્વત છું, હું શાશ્વત આત્મા છું, મારો કોઈ દિવસ નાશ જ નથી થવાનો, એને ક્યારેય ભય લાગશે? એને ક્યારેય મૃત્યુની પીડા થવાની છે? અને એ જ નિર્ભયતા છે, ભયથી જે મુક્તિ છે એનું બળ જુદું જ હોય.
તમને ખ્યાલ હશે કે સિકંદર જ્યારે ભારત આવવાના હતા ત્યારે એમના ગુરુએ કહ્યું હતું કે તમે ભારત જાવ છો તો ત્યાંથી કોઈ જ્ઞાની પુરુષને સાથે લેતા આવજો. તો એવું કહેવાય છે કે ભારતમાં એના કાર્યો પૂરા થઈ ગયા પછી, સિકંદરે કોઈ જ્ઞાની પુરુષ માટે બહુ શોધ કરી હતી; પછી એમને ખબર પડી કે અહીં જંગલમાં એક સંત રહે છે ડેન્ડમીઝ નામે (એવો ઉલ્લેખ છે, એટલે કદાચ એ દંડી સ્વામી હશે). આ સંત એકદમ અવધૂતાવસ્થા, નગ્નાવસ્થામાં રહેતા હતા. સિકંદરને ખબર પડી કે એ સંત બહુ જ્ઞાની છે, એટલે એણે એવો નિર્ણય કર્યો કે આપણે તો એ સંતને સાથે લઈ જઈશું.
એ સંતને બોલાવવા માટે સિકંદરે એના એક સિપાઈને એમના સંદેશા સાથે મોકલ્યો, એને કહેજો કે અમારી સાથે આવે. સંતે એ સિપાઈની વાત સાંભળી, અને ના પાડી, કહ્યું, મારે ક્યાંય જવાની જરૂર નથી, હું અહીં બરાબર છું.
એ સંત આવ્યા નહીં, એટલે પછી સિકંદરે એના કોઈ મોટા અધિકારીને મોકલ્યા અને થોડીક લાલચ આપી કે તમને ત્યાં બધી સુવિધાઓ આપીશું, દરેક પ્રકારના ઐશ્વર્ય તમને મળશે, તો પણ એ સંત સંમત ના થયા. સિકંદરે પછી થોડા મોટા અધિકારીઓને મોકલ્યા…
પછી એમ કહેવાય છે કે જ્યારે એ સંત કોઇની સાથે ના ગયા તો સિકંદર પછી જાતે ગયા, જાતે સંતને કીધું, **તમે કલ્પ્યું પણ ના હશે એ પ્રકારના ઐશ્વર્ય, દરેક જાતના ભોગ–વિલાસ, બધું જ તમને મળશે, રાજ મહેલ મળશે, સુંદર–સુંદર સ્ત્રીઓ મળશે.. .. તમે મારી સાથે આવો))**. આ બધી વાતો સાંભળતા પેલા સંત તો મલકાતા જ રહ્યા, કહે, ના, મારે ક્યાંય જવાની જરુર નથી.
સિકંદરે એ સંતની વાત સાંભળીને પોતાની જાતને હીન, અંદરની એક પ્રકારની અકથ્ય ઉણપ અનુભવી, કે પોતે એક વિશ્વ–વિજેતા અને સામે એક અવધૂત માણસ એની વાત નથી માનતો! મારી ઈચ્છા વિરુદ્ધ એ માણસ મને ના કહી શકતો હોય, કેમ કે જીવનમાં કોઈએ પહેલી વખત એની વાત ના માની હોય અને તે પણ એવી વાત કે જેમાં એવી–એવી સુવિધાઓ, ઐશ્વર્યો આપવા હું તૈયાર છું, કે જેને માટે હું આખી દુનિયામાં ફરું છું એવી સુવિધાઓ આપવા હું માંગુ છું, અને એ મને ના પાડે છે!?
એ સંતનું વર્તન જોઈને, સિકંદરને ગુસ્સો આવ્યો, એણે તો એની તલવાર કાઢી, અને એ સંતને કીધું કે હવે જો તમે ના કહેશો તો તમારું માથું કાપી નાખીશ. આ સાંભળીને એ સંત તો જોરથી અટ્ટહાસ કરવા લાગ્યા, કહે કે આવી ખોટી વાત મેં પહેલી વખત સાંભળી કે મને કોઈ મારી શકે છે, હું તો શાશ્વત આત્મા છું, મને કોણ મારી શકે? હું અજર–અમર છું.
પોતાની સામે થઈ, આવી નિર્ભયતા સિકંદરે જીવનમાં જોઈ ન્હોતી, કે ન્હોતી સાંભળી. એની અડધીહાર તો આ તદ્દન અકિંચન, અવધૂત અને નિર્ભીક સંત સામે જ થઈ ગઈ હતી, અને એમનું વિશ્વ–વિજેતાવાળું આખું જે મનોબળ હતું એ મનોબળ પણ આ સંત સામે તૂટી ગયું.
એટલે, જો માણસને આવી નિર્ભીક્તા આવી જાય તો પછી એને દુનિયામાં કોઈ જાતનો ભય જ ના હોય, એને કોઈ જાતની પીડા જ ના હોય.
હૃષિકેશમાંના કૈલાસઆશ્રમના સંસ્થાપક ધનરાજગિરિજી હતા; એમનું શરીર જ્યારે છૂટવાનું હતું ત્યારે એ સૂઈ ગયા હતા, આજુ–બાજુ બધા શિષ્યો ભેગા થઈ ગયા હતા, એમને થયું કે ગુરુજીનું શરીર છૂટી ગયું છે, એટલે એ બધા રડવા લાગ્યા. અને અચાનક, ધનરાજગિરિજી તો બેઠા થઈ ગયા, શિષ્યોને કહ્યું, **અરે! આખું જીવન મેં શું તમને બધાને આ શિખવાડ્યુ હતું, આ જ સંભળાવ્યું હતું? મેં તો તમને બધાને આખું જીવન આવું જ્ઞાન આપ્યું હતું કે જો કોઈ શરીરથી જાય, શરીર છોડીને જાય તો તમે તમે રડજો, મેં શું તમને એવું શિખવાડ્યું હતું? મેં તો તમને કહ્યું હતું, શિખવાડ્યું હતું કે *તમે ચેતના છો, તમે બ્રહ્મ છો, તમે શુદ્ધ આત્મા છો)* એ જ શિખવાડ્યું છે.))** શિષ્યોને આવો ઉપદેશ આપીને એ સૂઈ ગયા, જતાં રહ્યા.
આવા શુદ્ધ ચૈતન્યના જ્ઞાન સાથે જો માણસનું જીવવાનું થાય, એ જ્ઞાન સાથે એની બધી પ્રવૃત્તિઓ થાય, તો એના જીવનમાં કોઈ દિવસ દુ:ખ હોય જ નહીં. એટલે, જો પ્રવૃત્તિ કરવી છે તો નિવૃત્તિને ધ્યાનમાં રાખીને કરવી છે, ચેતનાને ધ્યાનમાં રાખીને કરવી છે આ સંસ્કૃતિની વિશેષતા છે. નિવૃત્તિમાં માત્ર આત્મા હોય છે, પ્રવૃત્તિમાં શરીર છે, એમાંની ઇન્દ્રિયો છે, બધું જ છે, પણ શરીર આત્મા વગર ના હોય – શરીરમાંથી આત્માને જો બાદ કરીએ, કે એ નીકળી જાય તો શરીર રહેશે નહીં, કોઈ ઇન્દ્રિયો નહીં રહે – આંખો રહેશે નહીં, આંખોનું ઐશ્વર્ય રહેશે નહીં, કાનનું ઐશ્વર્ય રહેશે નહીં, વિચારોનું વૈવિધ્યરૂપી ઐશ્વર્ય રહેશે નહીં, મનનું ઐશ્વર્ય રહેશે નહીં, જો આત્માને શરીરથી, કાઢી દઈએ તો.
આત્માને કાઢી દેવાનું એટલે શું? આત્માને નહીં જાણવાનું, એ જ આત્માની હત્યા છે. એટલે, આત્માને જે નથી જાણતો એને શાસ્ત્રોમા આત્મઘાતી, આત્માનો હત્યારો કહ્યો છે; પરંતુ, આત્માને જે નથી જાણતો એટલે એનો આત્મા મરી ગયો છે એવું નથી, પરંતુ આત્માનું જે ખરું ઐશ્વર્ય છે, આત્મજ્ઞાનનું જે ખરું ઐશ્વર્ય છે, એનાથી એ વંચિત રહી જાય છે, અને તેથી, આપણે પણ જો આત્માને નથી જાણતા તો આપણે પણ આત્માનું જે પરમ ઐશ્વર્ય છે એનાથી વંચિત રહીએ છીએ.
વળી, જો આત્માને નથી જાણતા તેથી એ જીવશે નહીં, મરી જ જશે એવું પણ નથી, એ જીવશે ખરો, પણ સુખ–દુ:ખના દ્વંદ્વમાં જ જીવશે, અને આત્માનું જે ખરું ઐશ્વર્ય છે, આત્મજ્ઞાનનું જે ખરું ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય વગર એ જીવશે.
અને, જેવી વ્યક્તિ એવો સમાજ હોય, અને એ સમાજમાં આત્મજ્ઞાનના કોઈ વિચારો જ નહીં હશે, એ સમાજમાં પછી આત્મજ્ઞાનને મેળવવાની, આત્મજ્ઞાન તરફ વધવાની શક્યતાઓ જ નહીં હશે, એટલે એ આખો સમાજ પછી સુખ–દુ:ખના દ્વંદ્વમાં જ જીવશે, પરિણામે એ સમાજ પૂર્ણ નહીં હશે.
માણસને એના જીવનમાં ગમે તેટલું ભૌતિક ઐશ્વર્ય મળી જાય, પરંતુ જો એને અંદરની શાંતિ જ ના હોય, એને સમાધાન ના હોય, તો એનું જીવન અધુરું જ રહેશે, અપૂર્ણ જ રહેશે, અને પછી તો એ અપૂર્ણતાના અહેસાસ સાથે જ જીવવાનું થશે.
એટલે, તમે જાતે અનુભવ કર્યો હશે કે જેમ–જેમ તમારી પાસે પૈસા આવતા જાય, અને ભૌતિક સુખની, અન્ય વસ્તુઓ વધતી જાય છે, તેમ–તેમ જીવનમાં એક પ્રકારની અપૂર્ણતા પણ વધતી જાય છે, એક પ્રકારની ભીતરની ઉણપ, કે *ગરીબી)* પણ વધે છે.
આ વાત એક બનાવથી સમજી શકાશે – એક ફકીરે પોતાની ઝુંપડી બનાવવી હતી, એટલે એને પૈસાની જરૂર હતી, તો એને થયું કે ચાલ–ને, હું રાજા પાસે જઉં અને એને કહું કે મને તમે મદદ કરો, એમની મદદથી હું મારી ઝુંપડી બનાવી લઇશ. એ ફકીર રાજા પાસે ગયા, ત્યાં જોયું તો રાજા પોતે ભગવાનને પ્રાર્થના કરતા હતા, અને રાજા પ્રાર્થનામાં ભગવાન પાસે માંગતા હતા કે મને પડોસીનું રાજ્ય મળી જાય, મારા રાજ્યની સીમાઓ વિસ્તરતી જાય, મારા ધનનો ભંડારમાં વૃદ્ધિ થતી રહે..
ફકીરે આ બધું જોયું, તો એને થયું કે આ રાજા તો મારા કરતા પણ મોટો ભિખારી છે, હું તો માત્ર મારી એક ઝુંપડી માંગુ છું, અને આ તો કરોડો રૂપિયા માંગે છે. ફકીર તો પાછા ફરવા જતા હતા એવામાં રાજાનું ધ્યાન એમના ઉપર ગયું, કે ફકીર આવીને પાછા જાય છે.
રાજાએ પોતાની પ્રાર્થના જલ્દી પૂરી કરી, ફકીરને બોલાવ્યા અને પૂછ્યું તમે પાછા કેમ જાવ છો? તમે કેમ આવ્યા હતા? ફકીરે કીધું, **હું તો રાજા પાસે આવ્યો હતો, પણ અહીં જોયું ત્યારે ખબર પડી કે હું તો ભિખારી પાસે આવ્યો છું, એટલે હું પાછો જાઉં છું.
એટલે, જેમ–જેમ આપણી પાસે વસ્તુઓ વધતી જાય છે, તેમ–તેમ આપણી ઈચ્છાઓ પણ વધતી જાય છે.
મને એક ભાઈ મળ્યા હતા, એ બહુ દુ:ખી હતા. એમણે વાત કરી કે અમે ત્રણ ભાઈઓ, નાના હતા ત્યારે અમારી પાસે કાંઇ ન્હોતું, અમે બધા એક નાના ઘરમાં, એક રૂમમાં સાથે રહેતા હતા, બધા ભાઈઓ વચ્ચે પ્રેમ હતો, સુખ હતું. આજે ત્રણેય ભાઈઓ પાસે ખૂબ જ પૈસા છે, બધા પાસે પોત–પોતાના મકાનો છે.પણ બધા એક–બીજાના લોહીના તરસ્યા છે, અમે એક બીજાના દુશ્મન થઈ ગયા છીએ, પણ કેમ દુશ્મન થઈ ગયા?
માણસને એમ થાય કે મારા કરતા એની પાસે વધારે છે, અને એનું જે છે એ પણ હું લઈ લઉં એની પાસે ના રહેવું જોઈએ, ત્યારે જ દુશ્મનાવટ થતી હોય. છે. એટલે, જેમ–જેમ માણસની પાસે ભૌતિક સુખ, ધન–વૈભવ વધતાં હોય ત્યારે જો અંદરની સંપત્તિ, અંદરનો ખજાનો ના મળ્યો હોય એને, આત્માનું જ્ઞાન ના હોય, આત્મા તરફની એની દિશા કે ગતિ ના થઈ હોય તો બહારનું ભૌતિક ઐશ્વર્ય ગમે–તેટલું હશે, એ એને ભિખારી જ બનાવશે – અને જોયું હશે, કે કેટલા લોકો એવા છે, જેમની પાસે ઘણું બધુ, સુખ, સુવિધાઓ હોય, પરંતુ એ દુ:ખી હોય.
મેં એક વખત વાત કરી હતી કે હું આસામના એક ભાઈને ત્યાં ગયો હતો, ત્યારે એમને પેપ્ટિક કોલાઈટિસ–ની તકલીફ, ડાયાબીટીસની તકલીફ, અને એ સ્ટ્રેસમાં રહ્યા કરે, વજન ઘટતું જાય. મેં એમને પૂછ્યું કે તમને તકલીફ શું છે? કહે ડોક્ટરે એ જ કીધું કે તમે સ્ટ્રેસમાં જીવો છો, બહુ ચિંતામાં જીવો છો, બ્લડપ્રેશરની તકલીફ છે. તમે ચિંતા શું કરવા કરો છો? તો કહે, બિઝનેસની ચિંતા, ઘરની ચિંતા, મકાનની ચિંતા એવું બધું થયા કરે છે.
આ વાત દશ–પંદર વર્ષો પહેલાંની છે, એમને ત્યાં જે ઘરમાં હું રોકાયો હતો, એ વખતે એમનું ઘર નહીં–નહીં તો’ય રૂ–પચાસ લાખનું હશે, બીજું એવું–ને–એવું ઘર બનાવતા હતા, બે ગાડીઓ હતી, સારો બિઝનેસસ હતો – અને તો’ય એટલી જાતની બીમારીઓ લઈને બેઠા હતા.
એમની વાતો સાંભળી, પછી મેં પૂછ્યું, આજથી પચ્ચીસ વર્ષો પહેલાં તમે શું કરતા હતા? કહે, સ્વામીજી, એક નાની નોકરી હતી, કોઇના ઘરમાં ભાડે રહેતા હતા.. ત્યારે ઘરની બાબતમાં તમારું સ્વપ્ન શું હતું? ત્યારે અમે ભાડાના ઘરે રહેતા હતા. મને એ જ વિચાર આવતો હતો કે આપણું પોતાનું એક રૂમનું ઘર મળી જાય તો ભલુ–ભલુ.” મેં બીજો સવાલ કર્યો, “ગાડી વિગેરે માટે કોઈ વિચાર હતો? ત્યારે મારી પાસે એક સાઇકલ હતી, એટલે વિચાર થતો કે એક સ્કૂટર આવી જાય તો કેટલું સારું, મને શાંતિ થઈ જાય, અને ત્યારે કોઈ બિઝનેસ માટે તો કલ્પના પણ ન્હોતી કે મારો પોતાનો બિઝનેસ થશે.
મેં કહ્યું, **પચ્ચીસ વર્ષ પહેલાં તમે જે સ્વપ્ન જોતા હતા, જે સ્વપ્નમાં જીવતા હતા, એ સ્વપ્ન કરતાં તમને આજે કેટલા ગણું વધારે મળ્યું છે? તો, હવે તમે શાંતિથી કેમ નથી જીવતા?))**
એટલે, માણસ પાસે જેમ–જેમ ધન–વૈભવ આવતા જાય એમ–એમ એની અંદર અધૂરપ પણ વધતી જાય છે, અને ભીતર/અંદર ચેતનાનો સ્પર્શ નથી, આત્માનો સ્પર્શ ન હોય, આત્માથી દૂર થતા જઇએ છીએ.. .. આ બધી વાતોમાં, સાચા સુખનો અર્થ છે કે તમે આત્માની કેટલા નજીક છો.
એટલે, આ વ્યવસ્થાને, આ લક્ષ્ય રાખીને બે માર્ગની અવધારણા થઈ છે – એક પ્રવૃત્તિમાર્ગની, બીજી નિવૃત્તિ માર્ગની – આ બે અવધારણાઓને આપણે આગળની ચર્ચાઓમાં થોડી–થોડી સમજીશું.