ભારતીય સંસ્કૃતિ | પ્રવચન પુષ્પ – ૨૯ | ચતુરાશ્રમ – ૧
(પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આખા અસ્તિત્વમાં આપણને જે બધું દેખાય છે, જે નથી દેખાતું, જે સુક્ષ્મ છે… આવા આ અસ્તિત્વની કોઇ સીમા જ નથી, એ અસીમ છે; અને તેથી તમે જ્યાં સુધી નજર નાંખો ત્યાં સુધી આ અસ્તિત્વ તમને કોઇ-ને-કોઇ રૂપમાં વિદ્યમાન હશે જ. હવે, આ અસ્તિત્વ જેને આધારે છે એ સૌનું મૂળ જે છે એ પરમચેતના છે, એને જ આપણે પરમાત્મા કહીએ છીએ, એનો જ આ બધો વિસ્તાર છે, એનો જ આ બધો વિલાસ છે, એની જ આ બધી ક્રીડા છે, એ સિવાય બીજું કશું જ નથી.

હવે આ પરમચેતના, પરમાત્માના વૈવિધ્યની વાત કરીએ તો કેટ-કેટલી વિવિધતા, કેટલી diversity છે આ જગતમાં, કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ! આંબાના વૃક્ષનું એક સાદું પાંદડું હશે, એ જ વૃક્ષ ઉપર એના જેવું જ બીજું પાંદડું તમને નહીં મળશે; સાદા વાળની પણ જો વાત કરીએ તો એક વ્યક્તિના વાળ જેવો જ બીજી વ્યક્તિનો વાળ તમને નહીં મળશે. તો, વિચાર કરો કે કેટલું અપાર, અકલ્પનીય વૈવિધ્ય છે સમસ્ત અસ્તિત્વમાં, અને આશ્ચર્યની વાત તો એ છે કે આ બધાંનું મૂળ તો એક જ છે, જુદું-જુદું નથી! સમસ્ત અસ્તિત્વમાં, જે પણ સુંદરતા, ભવ્યતા દેખાય છે એ બધું જ ‘એ’ને જ કારણે છે, ‘એ’નો જ બધો વિસ્તાર છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આ વાતને વિસ્તારપૂર્વક અને સરસ-સરળ રીતે સમજાવી છે (विभूतियोग નામના ૧૦માં અધ્યાયમાં).

બીજી વાત એ કે, વાસ્તવિકતા એક જ છે, અને જે બધું દૃશ્ય-અદૃશ્ય વૈવિધ્ય છે એ આભાસ (માયા, illusion) છે, એવી આપણને પ્રતીતિ થાય છે. આ બધામાં એક જે સૌથી મહત્ત્વની વાત છે તે એ કે જ્યાં સુધી આપણે આ ‘એક’ને (પરમચેતનાને) નથી જાણતા ત્યાં સુધી આપણા જીવનમાં પૂર્ણતા નથી, સમાધાન નથી. આ જ એક કારણે વિશ્વમાંની દરેકે-દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે ‘એ’ને જ ઝંખી રહી છે! વિચાર કરો, આપણામાંથી એવું કોણ હશે જે સુખ ના ઝંખતુ હોય? જે આનંદ ઝંખતુ ના હોય? તો, આપણે બધા એ સુખ, એ આનંદના રૂપમાં એ એકત્વને, પરમતત્ત્વને, પરમચૈતન્યને જ ઝંખતા હોઇએ છીએ.

આપણે ભલે ‘એ’ને સમજતા કે જાણતા ના હોઇએ, પણ આપણે જાત-જાતની વસ્તુઓમાં જે આનંદ સમજતા હોઇએ, આપણને જોઇએ છે, કે ઇચ્છતા હોઇએ, એ દરેક પ્રકારનો આનંદ તો ‘એ’નો જ છે, સુખ પણ ‘એ’નું જ છે. એવી કઇ વ્યક્તિ હશે જે સ્વતંત્રતા ઇચ્છતી ના હોય? અને ‘સ્વતંત્રતા’ના રૂપમાં પણ ‘એ’ને જ ઇચ્છીએ છીએ. તો, એવું કોણ હશે જે જીવનમાં અપૂર્ણતા, કે અધૂરપ ઇચ્છતું હોય?

સમસ્ત સંસારની દરેક વ્યક્તિ પોત-પોતાના ક્ષેત્રમાં, પોત-પોતાની રીતે આનંદ મેળવવાના પ્રયાસો કરે જ છે – કળાના ક્ષેત્રોમાં હોઇએ, જ્ઞાનના માર્ગે હોઇએ, ઘર-વેપાર-વાણિજય-બિઝ્નેસમાં, ટેક્નોલોજીના ક્ષેત્રમાં હોઇએ, અન્ય કોઇ પણ ક્ષેત્રમાં હોઇએ, આપણને એવું થયા કરે કે હું આગળ-ને-આગળ વધુ, મને વધારે નામના મળે, વધારે પૈસા, વૈભવ મળે… જીવનમાં જ્યારે પૈસા હજારમાં આવતા હોય ત્યારે લાખોમાં આવતા થાય એવું ઇચ્છીએ, લાખોમાંથી કરોડોની ઇચ્છા થાય… પછી અબજોની… તો, સારી વસ્તુ વધારે-ને-વધારે મળતી રહે એવું જ થયા કરે… એ ઇચ્છાઓ રોકાતી જ નથી; એટલે જ લોકોક્તિ છે કે ‘ઇચ્છાઓ અને લોભને થોભ નથી’.

મનુષ્ય જીવન અને ઇચ્છાઓના સંદર્ભમાં આપણા ઋષિઓએ કહ્યું છે કે જે વસ્તુ (જાતે) જ અધૂરી છે એને મેળવીને કોઇ દિવસે પૂર્ણતાને મેળવી નહીં શકાય. આપણે માટે પૈસા-વૈભવ કોઇ દિવસ પર્યાપ્ત નહીં થઇ શકે, કેમ કે એ જ અધૂરા છે. એવી જ રીતે, જગત્-ની દૃશ્યમાન બધી જ વસ્તુઓ પણ અધૂરી છે, અપૂર્ણ છે… પૂર્ણ તો માત્ર ‘એ’ એક પરમતત્ત્વ જ છે. એટલે, જ્યાં સુધી ‘એ’ સત્ય, જે આપણા બધાની વાસ્તવિકતા છે ‘એ’ને અનુભવીશું નહીં, મેળવીશું નહીં, પામીશું નહીં, ‘એ’ની સાથે એક થશું નહીં… ત્યાં સુધી આપણી ‘વધુ-ને-વધુ’ માટેની જે દોડ છે એ ચાલુ જ રહે છે.

कठोपनिषद्માં ૠષિ કહે છે – मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ।। (२-१-१०), અર્થાત્, જે વ્યક્તિ (બધામાં એક પરમતત્ત્વના ઐક્યને બદલે) બધું જુદું-જુદું, પૃથક-પૃથક સમજે છે, જુએ છે એનું જન્મ-મરણનું ચક્ર ચાલુ જ રહે છે, એનાથી એ મુક્ત નહીં થઇ શકશે.

પૂર્ણપરમાત્માનું જે જ્ઞાન છે, એ મેળવવામાં જ મનુષ્ય જીવનનો સર્વોચ્ચ સાર છે, એના જીવનની પૂર્ણતા છે. આ પરમોચ્ચ જ્ઞાન ઉપર જ આપણી આખી સંસ્કૃતિ આધારિત છે, આ જ્ઞાન આપણી સંસ્કૃતિનો આત્મા અને હ્રદય બંને છે; પરમચૈતન્ય જ સત્ય છે, આ જ્ઞાન સાથે આ સંસ્કૃતિ હજારો વર્ષોથી જીવતી આવી છે. આટલી વાત જો સ્પષ્ટ હશે તો આપણી સંસ્કૃતિની બધી જ વાતો આપણને સમજાશે, નહીં તો એમાં ક્યાં’ક અધૂરપ, ક્યાં’ક કચાશ લાગશે, ક્યાં’ક વિરોધાભાસ પણ લાગશે.

આવા પરમ જ્ઞાન સાથે હજારો-લાખો વર્ષો સુધી જીવનારા લોકોની હિંમત, સાહસ, જુસ્સો તો જુઓ કે ‘એ’ના હોવા માટે કોઇ પ્રત્યક્ષ પ્રમાણ નથી, જેને આપણે નરી આંખે જોઇ નથી શકતા, કોઇ આપણને દેખાડી નથી શકતું, મનથી ‘એ’ને વિચારી નથી શકતા, કોઇ એવા કશા નક્કર પુરાવા નથી આપી શકતા કે લો, આ પડીકું છે એમાંનું મિશ્રણ ખાવ તો તમને જ્ઞાન થઇ જશે; કે પછી, લો, આ અમુક સાધન, instrument છે એનાથી તમે બ્રહ્મને જોઇ-જાણી ‘લો…’ ના, ‘એ’ પરમ સત્યને જાણવા માટે આવું કોઇ પ્રમાણ-સાધન નથી, જે છે તે માત્ર-ને-માત્ર ઋષિઓની સ્વત:સિદ્ધ વાણી છે, અને માત્ર એમની અનુભવ-સિદ્ધ વાણી ઉપર જ પૂર્ણ વિશ્વાસ મૂકીને આ દેશમાં લોકોએ જે સાહસ કર્યું છે…!! માત્ર એ ઋષિઓની વાતને જ સાચી માનીને હજારો વર્ષો પહેલાંના લોકોએ આપણી આવી અદ્વિતીય સંસ્કૃતિ ઉભી કરી છે, અને એ પણ કેવી સંસ્કૃતિ કે જે હજારો વર્ષોના સમય-કાળના નાના-મોટા થપેડા ઝેલતા, વિદેશીઓના જીવલેણ હુમલાઓનો સામનો કરતા-કરતા આજ સુધી જીવંત છે… તમે કલ્પના કરો, આ કંઇ મામૂલી વાત છે?

હું હરદ્વાર જતો ત્યારે મને ત્યાંથી જે સંત ગુજરાત લાવ્યા એ હતા સ્વામી આત્માનંદજી. ત્યાં એમનું ગુરૂસ્થાન. એમના આશ્રમમાં ક્યારે’ક-ક્યારે’ક એક ભિખારી જેવો માણસ આવી ચડે – ફાટલા કપડા સિવાય બીજું કશું જ નહીં. ભોજનનો સમય થાય ત્યારે એ આવીને ઉભા રહે. આશ્રમના સાધુઓ એમ સમજે કે ‘હશે, કોઇ ભિખારી હશે, એ આવ્યો હશે, ભોજનનો સમય થયો એટલે આવ્યો હશે’; પણ ત્યાંના જે મંડલેશ્વરજી હતા એ પારખુ હતા; પેલા ભિખારીને જોઇ આશ્રમના એક-બે જણને કહે, ‘આમને ભિક્ષા લાવીને આપો,’ એને પછી ભિક્ષા આપે, એ લઇને જતા રહેતા.

સ્વામી આત્માનંદજીને એમનામાં કઇં’ક વિશિષ્ટતા દેખાઇ, કે એ માણસ સામાન્ય ભિખારી નથી. એક દિવસ, એ ‘ભિખારી’ આશ્રમમાંથી નિકળ્યા, તો સ્વામીજી એમની સાથે ગયા; જોયું તો એ નહેરને કિનારે-કિનારે ચાલતા હતા, એમની આંખો નીચી જે માત્ર પાંચ-દશ ફીટના અંતર સુધી જ જો’તી હતી…

સ્વામીજી કહે, “આમ, એક કિ.મી. સુધી હું એમની જોડે-જોડે ચાલ્યો હોઇશ, પણ ક્યાં’ય એમણે આંખનું મટકું નથી માર્યું, કે નથી આમ-તેમ જોયું, કે નથી લાંબે જોયું… નજર માત્ર દશ ફીટ સુધીની જ રાખી. આપણા શાસ્ત્રોમાં જેને શાંભવી મુદ્રા કહી છે તે ‘अंतर्लक्ष्य बहि: दृष्टि निमेषोन्मेषवर्जिता कथिता सा शांभवी मुद्रा सर्व तंत्रेषु गोपिता ।। કે લક્ષ્ય અંદર હોય, આંખો સ્થિર હોય, ઉઘાડ-બંધ ના થતી હોય, મટકું’ય ના હોય, સ્થિર હોય, પણ એ ક્યાં’ય બહાર ના જો’તી હોય, એ જ બધા તંત્રોમાં ગુપ્ત રખાયેલી શાંભવી મુદ્રા છે.

એક વખત હું એક સાધક જોડે મુંબઈમાં થાણા જિલ્લા નજીક ગણેશપુરી ગયેલો; ત્યાં આશ્રમની દિવાલો ઉપર નિત્યાનંદજી મહારાજના જુદા-જુદા પોઝમાં ફોટાઓ મઢ્યા હતા – એમની બેસવાની એક ખાસ મુદ્રા હતી – એ’ય તમારે મસ્ત રીતે બેઠા હોય! મેં સાથેના સાધકને પૂછ્યું કે “તમને એમની આંખોમાં કોઇ વિશેષતા દેખાય છે?” એ સાધક કહે, “સ્વામીજી, એમની આંખ છે તો ખુલ્લી પણ એવું નથી લાગતું કે એ કશું જોઇ રહી છે, જાણે શૂન્યમાં ક્યાં’ય ખોવાયેલી હોય, ક્યાં’ક અંતરમાં ધ્યાન હોય, પણ સ્થિર આંખો, ખુલ્લી.”

તો, સ્વામી આત્માનંદજીએ કીધું કે તેઓ પેલા ‘ભિખારી’ જેવા માણસ સાથે ચાલતા ગયા; થોડા સમય પાછી એને કદાચ અહેસાસ થયો હશે કે કોઇ મારી સાથે ચાલે છે; તો પણ તે કશું બોલ્યા નહીં. એકાદ કિ.મી. સુધી ચાલ્યા, પછી સ્વામીજીથી રહેવાયું નહીં, એટલે સ્વામીજીએ એમની આગળ જઇને પ્રણામ કર્યા, અને કહ્યું કે “મને તમે કશું કહો.” તે છતાં તેમણે તો બાજુમાં થોડો રસ્તો કરીને પાછું ચાલવા માંડ્યા. સ્વામીજી ફરીથી એમની પાછળ-પાછળ ગયા, અને ફરી સામેથી એમને પ્રણામ કર્યા, વિનંતિ કરી કે “કૃપા કરીને તમે મને કશું કહો.”

પછી, ચાલતાં-ચાલતાં ત્યાં રસ્તાની બાજુમાં એક બાકડો હશે એના ઉપર તે બેસી ગયા; એમણે પછી એમના જીવનની થોડી વાતો કરી, આત્માનંદજીએ પણ પોતાની થોડી વાતો કરી. આ બધી વાતો પરથી આત્માનંદજીને ખબર પડી કે આ વ્યક્તિ તો પહેલા, IAS મોટા સરકારી ઓફિસર હતા!

હવે, તમે વિચાર કરો કે જે વ્યક્તિ IAS જેવા મોટા સરકારી ઓફિસર હોય, એમના હોદ્દા અનુસાર એમની કેટલી મોટી જવાબદારી હશે, એમની નીચે કેટલા બીજા લોકો હશે; એમનો પરિવાર હશે… સુનિશ્ચિત, સગવડતાભર્યું જીવન હશે, એ બધું જ છોડીને તદ્દ્ન અનિશ્ચિત જીવન સ્વીકારી લઇ તેઓ બસ, નીકળી પડ્યા; આ માર્ગમાં નથી એમને માટે રહેવાનું કોઇ ઠેકાણું, એમને ખાવાનું મળશે કે કેમ એ પણ ખબર નથી, એ જે વસ્તુ માટે નીકળી પડ્યા છે એ એને મળશે કે કેમ, એ નિશ્ચિત નથી, એ જીવશે કે મરશે એની પણ એને ખબર જ નથી…અને આવું જીવન તે પણ કોઇ એક એવી વસ્તુ મેળવવા માટે કે જેને માટે માત્ર થોડું-ઘણું સાંભળ્યું જ છે, કોઇ દિવસ જોયું નથી, અનુભવ્યું નથી …અને એને માટે આવી વ્યક્તિ પણ નીકળી પડતી હોય, તો આ કંઇ ઓછું સાહસ છે?

આ તો એક વ્યક્તિની વાત થઇ; ભારતનો ઇતિહાસ જોશો, વાંચશો તો ચોંકી જશો કેમ કે એવા ઘણા લોકોએ ‘એ’ સત્યને પામવા માટે મહેલો છોડ્યા છે, ઘર-પરિવાર છોડ્યા છે, મોટા વેપાર-ધંધાઓ છોડી દીધા છે, વૈભવ-સુખ-સગવડો બધું જ છોડી દીધું હોય છે; એમની પાસેની જાત-જાતની વિદ્યાઓ હતી એ છોડી છે, ગાંડા થઇને, લોકો માટે મૂર્ખ થઇને રહ્યા હોય, એકાંતમાં ફર્યા હોય…માત્ર ‘એ’ એક પરમ સત્યને પામવા માટે – અને આવું આ દેશમાં જ થયું છે.

આ દેશે સંન્યાસની વ્યવસ્થા પણ આપી છે, તેથી છોડનાર અને એને સંભાળનાર બંને પ્રકારના લોકોએ ‘એ’ પરમ સત્યને પામવા માટે ખૂબ સાહસ કર્યું છે. કોઇ એક માણસ એકાંતમાં બેઠો હોય, આપણને ખબર નથી કે એ શું કરે છે; આપણને તો એટલું જ દેખાય કે એ કશું જ નથી કરતો, કોઇને ભણાવતો નથી, કોઇની સારવાર કે દવા-દારૂ નથી કરતો, કોઇને સાંભળતો નથી… કશું જ કામ નથી કરતો… બસ, એ તો એકાંતમાં જ બેસી ગયો હોય… અને પછી, આવા લોકોને જોવા-મળવા માટે બીજા લોકો લાઈન લગાવે, એને જે સુવિધા જોઇએ એ સુવિધાઓ આપે…અને એ તો ભજન કરે, ભગવાનનું નામ લે છે. તો, આ પણ તો હિંમતનું કામ છે!

મેં એક વખત વાત કરી હતી કે હું જ્યારે હરિયાણામાં રહેતો હતો ત્યાંથી બે-અઢી કિ.મી. દૂર એક ગુરુકુલમાં વ્યાકરણના અધ્યયન માટે રોજ જતો, ત્યાં હું અષ્ટાધ્યાયી ભણતો. આ માર્ગમાં વચ્ચે એક ગામ આવે; ત્યાં ઓટલે બે-પાંચ જણા હુક્કો પી’તા હોય, આવા જ નાના-નાના ગ્રુપમાં ગામના લોકો બેસી વાતો કરતા હોય. એક દિવસ એક ગ્રુપના એક વ્યક્તિએ મને ઈશારો કર્યો, કહે “बाबा, अटे आ”, એટલે, અહીં આવ. હરિયાણાની ભાષા આવી છે, એ એમની પ્રેમની ભાષા છે. મારા એક મિત્ર મને કહે કે હરિયાણવી માણસ પ્રેમ પણ જો કરતો હોય તો આપણને ડર લાગે કે હમણાં એ મારી બેસશે; અને ગુજરાતી માણસ ઝઘડો કરે તો’ય લાગે કે એ પ્રેમ કરે છે. તો, મને એ લોકોએ બોલાવ્યો, પૂછ્યું, “कट्टे जाये है?” ક્યાં જાય છે. તો મેં કીધુ કે હું સંસ્કૃત વ્યાકરણ ભણવા જાઉં છું. “अरे, तू भी बाबा, पढते ही रहेगा? क्या पढता है? तू यहाँ मंदिर है ना वहाँ बैठ जा, वहाँ भजन कर, तेरे को सब ला-के देंगे, हम रोटी देंगे, दूध देंगे, सीत (છાશ) देंगे…सब देंगे, बैठ जा वहाँ, भजन कर.”

અમેરિકામાં જઇને કહો કે, “હું તો હવે ભગવાનનું નામ લઇશ, રામ, રામ, રામ, રામ કરીશ, બીજું કશું નહીં કરીશ”, તો ત્યાં તમને કોઇ ખાવાનું આપશે?

હવે, જે-નો કોઇ અનુભવ નથી, જે-નો મન-ઇંદ્રિયોથી પણ કોઇ અનુભવ થઇ શકતો નથી, ‘એ’ને માટે સર્વસ્વ છોડી દે’વાનું? અને, છોડી દીધા પછી એ કરે છે શું? એ જે કરે છે એમાં સમાજને કોઇ પ્રત્યક્ષ ઉપયોગિતા ના દેખાતી હોય, આપણને, સમાજને પ્રત્યક્ષ ઉપયોગિતા તો લૌકિક વસ્તુઓમાં, ઉપલબ્ધિમાં દેખાતી હોય; અને જ્યાં, કે જેનામાં આવી ઉપયોગિતા દેખાતી હોય એને માટે સમાજ એની સાથે ઉભો હોય. તો, આવો સમાજ પણ અદ્ભૂત કહેવાય ને?

આવી, અકિંચન બની ‘એ’ પરમતત્ત્વને પામવાની જે અદ્વિતીય, અનોખી પરંપરા છે, એ એક-બે વર્ષ કે પેઢી નહીં, હજારો વર્ષોથી પળાતી આવી છે, કેમ કે એ સ્વત:સિદ્ધ ઋષિઓની સત્ય વાણી છે, જે-જે ઋષિઓને ‘એ’ પરમ સત્યનું જે જ્ઞાન થયું છે એ બધાંને થયેલા દિવ્ય જ્ઞાનનું અપ્રતિમ, પ્રબુદ્ધ, વિષદ્ સંકલન એટલે આપણા વંદનીય ચાર વેદો! દિવ્ય, પરમ જ્ઞાન થવાની જે વાત છે એને સંસ્કૃતમાં वेद કહે છે. આ ‘વેદ’ શબ્દ સંસ્કૃત ભાષાનો विद् ધાતુ (મૂળ) શબ્દ ઉપરથી બન્યો છે, અને ધાતુ-શબ્દ विद्નો અર્થ છે, જાણવું, જ્ઞાન થવું.

આપણા ઋષિઓએ ‘એ’ સત્યને જાણ્યું છે, જાતે અનુભવ્યું છે અને એટલે જ તેઓ હિંમતથી કહી શક્યા

“नान्य: पन्था विद्यतेSनाय”…(यजुर्वेद् ३१-१८; श्वेत°-उप° ३-८)       
“तमात्मस्थं ये नुSपश्यन्ति धीरा: तेषां सुखं शाश्वतम् नेतरेषाम् (कठ° २-२-१३)

એટલે કે, સુખનો અનુભવ તમે આત્માની અંદર કરશો તો જ સાચું, શાશ્વત સુખ મળશે, અન્ય કોઇ રીતે નહીં; અને એવું સુખ મેળવવા માટે ભીતર જવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી…

ઋષિઓએ પરમ સત્યને, એના દિવ્ય અનુભવોને અને સંલગ્ન બીજું બધું જાતે તીવ્ર સાધના-ધ્યાન-સમાધિથી અનુભવ્યું છે. એ સત્યની ઉપલબ્ધિ એટલી તો દિવ્ય હતી કે એ મેળવ્યા પછી ઋષિઓને આપણા માટે, સમાજના બીજા ખોજીઓ માટે હ્રદયમાં કરુણા ઉમટી કે આ સત્ય અમે બીજા બધાંને પણ ઉપલબ્ધ કરાવી એમને પણ દિવ્ય અનુભવ કરાવીએ. બસ, આ જ શ્રેયહેતુથી ઋષિઓએ આવી દિવ્ય વ્યવસ્થા (સનાતન ધર્મની વ્યવસ્થા) આપણે માટે ઉભી કરીને ગયા; અને તે પણ એવી સુંદર વ્યવસ્થા કે તમને ખબર ના પડે અને તે છતાં એ પ્રકારની જીવન-પ્રણાલી, રીત-રિવાજો બધા  આપણને ધીમે-ધીમે સત્ય તરફ લઇ જતા હોય.

આવી આપણી પુરાતન, અદ્વિતીય સંસ્કૃતિમાંની બે-ત્રણ વ્યવસ્થાઓ અંગે આપણે થોડી વાતો કરી છે – ગુરૂકુલ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને પંચયજ્ઞો અંગે વાતો કરી છે. હવે, એક બીજી વ્યવસ્થા, ચતુરાશ્રમની વાત કરીએ.

ચતુરાશ્રમની વ્યવસ્થામાં ઋષિઓએ સમાજ-જીવનને ચાર વિભાગોમાં વહેંચ્યુ હતું – એ દરેક વિભાગને ‘આશ્રમ’ કહ્યાં. આજે આપણે કોઇ સાધુનું કે બાવાનું સ્થાન હોય એને આશ્રમ કહીએ છીએ; ના, તમારા ઘરને પણ ‘આશ્રમ’ કહ્યો છે – ગૃહસ્થાશ્રમ એ પણ ‘આશ્રમ’ છે, પણ એને ‘આશ્રમ’ જેવુ બનાવવુ પડે, જેમાં એક નાનું મંદિર હોય, અને જ્યાં મંદિર હોય ત્યાં ભગવાન હોય; આપણે ઘરમાં મંદિર મૂકીએ છીએ એની સાથે એક બીજું મોટું ‘મંદિર’ પણ હોય છે – TV-દેવનું મંદિર! અને આ ‘મંદિર’ની નીચે, ગોખલામાં ભગવાન હોય! આશ્રમ તો આવો ના હોય, ઘર પણ જો ‘આશ્રમ’ હોય તો એને એ પ્રમાણે ‘આશ્રમ’ બનાવવું પડે. એટલે, સમાજના ચારે’ય વિભાગોને ‘આશ્રમ’ કીધા છે – બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.

સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે આ બાવા લોકોની દુનિયા જુદી, અને આપણા સંસારીઓની દુનિયા જુદી; સાધુઓનું કામ જુદું, આપણું કામ જુદું. ના, એવું કેમ હોય? તમે એમ કહી શકો કે ડોક્ટરનું કામ જુદું અને આપણુ કામ જુદું? કે, લેક્ચરરનું કામ જુદું અને મારું કામ જુદું? દરજીનું કામ જુદું અને આપણું કામ જુદું? આવું તમે કહી શકો છો? જો હા કહો તો એ કહો કે દરજીનું કામ આપણા કામ સાથે નથી જોડાયેલું? ડોક્ટર આપણા કામ સાથે નથી જોડાયેલો? આ બધા એક જ સમાજના લોકો છે ને? તો             -જો શરીરથી, કાપડથી જોડાયેલી વ્યક્તિ આપણી (એક કહી શકીએ એવા સમાજની) છે, તો ચેતનાથી જોડાયેલી વ્યક્તિ પારકી કેમ હોઇ શકે? આત્માને હું મારી જાતથી જુદો કરી શકું?

તો, સંન્યાસી એટલે જે આત્મા સાથે જોડાયેલો છે, જે આત્મા સાથે કામ કરનાર વ્યક્તિ છે (જેમ દરજી કાપડ સાથે કામ કરે છે). એટલે, ઋષિઓએ સમાજને ચાર આશ્રમોમાં વહેંચ્યો, અને ચતુરાશ્રમ માટેનો ભાવ એવો હતો કે ઓછામાં ઓછું દરેક વ્યક્તિ એના મૃત્યુ પહેલાં તો આત્મજીજ્ઞાસા સાથે જોડાય, શક્ય હોય તો એ આત્માને પામે, અને, જો નહીં પામ્યા હોય તો આત્મજીજ્ઞાસા સાથે જાય, આત્માના પ્રશ્ન સાથે જાય. જો એ (કોઇ પણ વ્યક્તિ) ઘરના પ્રશ્ન સાથે જશે, તો બીજા જન્મમાં એ ઘર બનાવશે; કોઇ સાથેના વેરનો પ્રશ્ન લઇને જશે તો એ સાપ થવાનો છે (મનુષ્યેતર યોનિમાં જનમશે) અને વેર લે’શે; લોભ-લાલચ સાથે જશે તો એનો એવો જન્મ થવાનો છે; અને જો એ આત્માના પ્રશ્ન સાથે જશે તો એ બીજા જન્મમાં એની આત્માની શોધ ચાલુ રહેશે જેમાં એનું પરમ કલ્યાણ છે, કેમ કે વેદો-આધારિત સનાતન ધર્મમાં આત્મા જ સૌથી મહત્ત્વનો છે, એટલે, આત્મજ્ઞાન પરમોચ્ચ પ્રાપ્તવ્ય ધ્યેય કહ્યું છે, જે મેળવવા માટે બે-પાંચ-દશ કે વધારે જન્મો પણ લાગે.

આપણા ચતુષ્પાદ ધર્મ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ) માં મોક્ષ મહત્ત્વનો છે; આ મોક્ષ-આત્મજ્ઞાનને કેંદ્રમાં રાખીને આપણા ઋષિઓએ એવી વ્યવસ્થા કરી કે જીવનના અંતિમ ભાગમાં કોઇ-ને-કોઇ રૂપમાં સંન્યાસ લેવાનો જ; અને જો બધાંને મોક્ષ જોઇતો હોય તો બધાં માટે સંન્યાસ ફરજીયાત છે.

હવે, સંન્યાસ ભલે ફરજીયાત છે, પરંતુ એ માટે જરૂરી નથી કે એ ભગવા વસ્ત્રમાં જ હોય. ભગવા વસ્ત્ર સાથેનો સંન્યાસ એ લિંગ સંન્યાસ છે, જે એ વ્યક્તિની ઓળખ આપે છે કે એણે ગૃહત્યાગ કર્યો છે, તેથી એનો ઘર સાથે, સંસાર સાથે કોઇ સંબંધ નથી.

જો લિંગ સંન્યાસ છે, તો અલિંગ સંન્યાસ પણ છે – આપણે ઉપર, એક વ્યક્તિની વાત કરી હતી કે એ કોઇ પણ ઓળખ વગર રહેતા હતા, અકિંચન, ભિખારીની જેમ થઇને ફરે, એમણે કાઇ સાધુના જેવા કપડા નથી પહેર્યા, એ ગમે તે પહેરે, ગમે તે કપડા પહેરી લે, એવા કેટલા’ય અવધૂત લોકો મળી જશે.

તો,

સંન્યાસ માટે વેષ જરૂરી નથી, પરંતુ, એક મુખ્ય વાત જે બધામાં સરખી (કોમન) છે તે એ કે સંન્યાસ લીધા પછી હવે એની જીજ્ઞાસા આત્મશોધ માટે જાગી છે; એને માટે જીવનના બીજા પ્રશ્નો કે વાતો ગૌણ થયાં છે; એને માટે એક જ વાત મુખ્ય છે – આત્માને જાણવો છે, આત્માને પામવો છે. સંન્યાસનો આ મતલબ છે, એ સિવાય બીજો કોઇ પ્રશ્ન કે વાત જ નથી.

ઘરે રહીને પણ સંત-સંન્યાસીની જેમ રહી શકો, આત્મશોધના પ્રશ્ન સાથે ઘરમાં રહી જાવ, ઘરના વ્યવહારમાં માથું ના મારો, બીજું કશું ના કરો, માત્ર ભોજન મળી જાય એટલાથી મતલબ રાખો, તો તમે સંન્યાસી છો. કુટિચક્ર સંન્યાસની વ્યવસ્થા એવી જ છે કે ઘરે રહીને, એક ઓરડીમાં જુદા રહો, આત્મશોધ કરો, અધ્યયન કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, ધ્યાન કરો, બીજા કોઇ વ્યવહારમાં માથાકૂટ ના કરો તો આ તમારા પણ હિતમાં છે અને છોકરાઓના પણ હિતમાં છે કે તમે બહુ દખલ ના કરો, એ બધાં’યના હિતમાં છે. સંન્યાસનો આ અર્થ છે.

ચતુરાશ્રમની વ્યવસ્થામાં આપણા ઋષિઓનો હેતુ એ હતો કે માણસથી એના જીવનના પહેલા ત્રણ આશ્રમોમાં આત્મશોધની ઇચ્છા કે પ્રયાસો ના થયા હોય તો ચોથા ભાગમાં (સંન્યાસાશ્રમમાં) આ સ્થિતિ તો આવવી જ જોઇએ, કેમ કે મનુષ્ય જીવન સિવાય ‘એ’ સત્યને પામવાની બીજે ક્યાં’ય શક્યતા જ નથી. માણસને મનુષ્ય જીવન મળ્યું છે અને એ આત્માથી અજાણ, વંચિત રહીને જતો રહે તો આ જીવનમાં એને કેટલું મોટું નુક્શાન છે?

ईह चेदवेदीदथ सत्यमस्ति न चेदिहावेदीन्महती विनष्टि: । (केनोपनिषद् २-५) – ઋષિ કહે છે કે આ જીવનમાં, આ જન્મમાં પરમ સત્યને જાણી લીધું તો ખરું, નહીં તો બહુ મોટું નુક્શાન થશે; બીજા જન્મમાં કોણ જાણે કે શું થશે, પછી તક મળશે કે નહીં, વિચાર આવશે, નહીં આવશે, કાંઇ નક્કી છે? એટલે, એ લોકોએ એવી વ્યવસ્થા કરી કે જીવનના અંતિમ ચરણમાં સંન્યાસ તો હોવો જ જોઇએ… અને શાસ્ત્રોમાં તો અહીં સુધીનું વિધાન છે કે જો તમે કપરી પરિસ્થિતિમાં આવી જાવ, મરણ જેવી તમારી સ્થિતિ સામે આવી પડે, તમે જીવવાના નથી એવું થઇ જાય, ત્યારે આતુર સંન્યાસ લઇ લેવાનો.

આપણા આશ્રમમાં એક સંત છે, સ્વામી ધર્માનંદજી, એમને હિંદુ ધર્મ માટે બહુ પ્રેમ, દેશ-રાષ્ટ્ર માટે પણ બહુ લાગણી, ચિંતા હતી. મને મળ્યા ત્યારે શરૂમાં એમને અધ્યાત્મ માટે એટલો ભાવ ન્હોતો, પણ મારી સાથે થોડી લાગણી બંધાઇ, સ્નેહ થયો, એટલે આશ્રમમાં આવતા-જતા થયા…અને એકા’દ-બે વર્ષ પછી આશ્રમમા આવતા રહ્યા; પરંતુ, એમને એક પ્રશ્ન કાયમ રહે કે સમાજમાં, દેશમાં જે બદલાવની આવશ્યકતા છે એને માટે અધ્યાત્મ તો બહુ જ ધીમી પ્રક્રિયા છે, આ રાષ્ટ્ર માટે તો બહુ કામ કરવું છે, તો એ બધું ક્યારે બદલાશે? આવા બધા વિચારો સાથે એ આશ્રમમાં આવી ગયા.

હવે, પૂર્વાશ્રમમાં એમને હાય-BPની તકલીફ ઘણા વર્ષોથી હશે, અને તો પણ એ તો નોર્મલ જીવન જીવતા હતા. આ હાય-BPની વાત એમને ખબર કઇ રીતે પડી? એક દિવસ બ્લ્ડ ડોનેટ કરવા ગયા હશે ત્યાં એમના BPમાટેની રેગ્યુલર ટેસ્ટ કરી; તો, ત્યાંના BP માપવાવાળા ભાઈ તો એમનું BP જોઈને ગભરાઇ ગયા; પછી એમને બેસાડ્યા અને પૂછ્યું કે, “તમને કશું થતું નથી?” એ કહે “ના, હુ તો નોર્મલ, બરાબર છું, મને કશું થતું નથી”. થોડી વાર પછી ફરી BP માપ્યું, પાછું પૂછ્યું, “તમને કશું થતું નથી?” “ના, મને કશું થતું નથી, આમ જ છે.” પેલા ભાઇએ એમને કીધું, “તમે ઘરે જાવ, કોઇ ડોક્ટરને બતાવો, પ્રોપર ટ્રીટમેન્ટ લો.”

તો, તે વખતે એમનું BP 210 જેટલું હતું, અને છતાં વર્ષોથી એ તો આરામથી જીવતા હતા. થોડા દિવસ દવા લીધી-ના-લીધી અને આશ્રમમાં આવતા રહ્યા. મેં એક-બે વખત એમને કીધું કે “ભઇ, તમે ફરી વખત પ્રોપર ચેક-અપ કરાવો, અને એવું લાગે તો દવા લો”, તો એ કહે, “नहीं, नहीं, मुझे ठीक है”.

અને એક દિવસ રાત્રે અચનાક જ એમને પેરેલાઇટિક એટેક આવી ગયો! હવે, એમનું શરીર તો ભારે, માંડ-માંડ ઉંચકીને પહેલે માળથી નીચે લઇ આવ્યા અને લાકડાના પાટ ઉપર સુવાડી રાખ્યા; જોયું તો હોઠ આગળથી મોઢું વાંકુ થઇ ગયેલુ, એમનાથી બરોબર બોલાય નહીં, બોલે તો એ પણ માંડ બોલી શકે.

હવે, એમને થયું કે આ રીતે આ જીવનમાં કેવી રીતે જીવાશે? તો, મને કીધું, “अगर मुझे कुछ हो जाय, तो आप मुझे संन्यास दे, देना”. મેં એમને કહ્યું, “तुम अभी जाओ, तुम्हे कुछ नहीं होगा, अभी होस्पिटल जाते हैं, फिर देखते हैं.”  અમે એમને રાત્રે ૨.૩૦ વાગ્યે હોસ્પિટલ લઇ ગયા…અને સવાર સુધીમાં તો એમને થોડું સારું થઇ ગયું, એમના મ્હોનું હલન-ચલન પણ શરૂ થઇ ગયુ. સવારે જ્યારે હું એમને મળવા ગયો ત્યારે એમને સારું હતું; મેં એમને પૂછ્યું, “तुम कह रहे थे कि तुम्हे कुछ हो जाए तो संन्यास दे देना, और अगर कुछ नहीं हुआ तो?” કહે, “तो भी संन्यास दे देना.”

એટલે, જીવનમાં ક્યારે પણ કોઇ પણ ઘટના નિમિત્ત બની જાય છે, માણસને જીવનની અને જગતની નશ્વરતા સમજાઇ જાય છે – આતુર સંન્યાસનો એવો અર્થ છે.

આપણા એક બીજા સાધક છે, કહે, સ્વામીજી, મને તમે આતુર સંન્યાસ આપજો;  ભરુચ બાજુના છે, એટલે કહે કે ‘તમે મને આટુર સંન્યાસ આપજો.’ બીજા એક સાધક કહે, સ્વામીજી, હું એક-બે વાક્ય બોલું ને તો સામેવાળો પૂછે “તમે ભરૂચના છો?” એ કહે, હાં, ભઇ, ‘ભડુચ’નો છું.” તો એ પણ અમને કહે, ‘મને તમે ‘આટુર’ સંન્યાસ આપજો.”

આતુર સંન્યાસની ઇચ્છા ઘણાને થાય ડોંગરે મહારાજજીએ આતુર સંન્યાસ લીધેલો, જ્યારે એ નડિઆદના સંતરામ મંદિરમાં હતા ત્યારે. એ સમયે એમને થયું કે એમનું શરીર નહીં જ રહેશે, એટલે એમણે કીધું કે મને આતુર સંન્યાસ આપી ‘દો.

આતુર સંન્યાસ માટેનો ભાવ એવો છે કે સંન્યાસ લીધા વગર મરવું નહીં; સંન્યાસ સિવાય મૃત્યુ નહીં. એટલે, જે કરી લેવું છે એ મરતા પહેલાં જ કરી લેવું છે; મરતા પહેલા એવી સ્થિતિ આવવી જોઇએ કે મને સમજાઇ જાય કે ‘એ’ના સિવાય, પરમ સત્ય સિવાય બીજું બધું જ નકામું છે.

આમ, ઋષિઓએ આપણને સંન્યાસનો આવો ક્ર્મ આપ્યો છે – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. અ-ક્ર્મ (ક્રમ વગરનો) સંન્યાસ એટલે કોઇને ઇચ્છા થાય ત્યારે એ સંન્યાસી થઇ શકે છે, કે જ્યારે વ્યક્તિની એવી મન:સ્થિતિ થઇ જાય કે બસ, હવે આત્મા સિવાય બીજું કશું જ ના જોઇએ, તો એને માટે અ-ક્ર્મ (ક્રમ વગર) સંન્યાસની પણ વ્યવસ્થા છે. આ અ-ક્રમ સંન્યાસ કોઇ પણ વ્યક્તિ, કોઇ પણ ઉંમરે, ગમે ત્યાંથી, ગમે ત્યારે લઇ શકે, અને આવા તો કેટલા’ય દાખલાઓ છે – ભગવાન શંકરાચાર્યજી માત્ર આઠ વર્ષની ઉમરે સંન્યાસ લેવા ઘરમાંથી જતા રહ્યા હતા; સંત જ્ઞાનેશ્વર મહારાજ માત્ર ૨૧ વર્ષ જ જીવ્યા છે, અને એમણે ૧૬ વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી!

આપણા સનાતન ધર્મમાં સંન્યાસની વ્યવસ્થા હજારો વર્ષોથી છે, સાથે-સાથે બાલ-સંન્યાસની પણ વ્યવસ્થા હતી; અમુક પંથોમાં આજે પણ આ બાલ-સંન્યાસની પ્રથા પ્રચલિત છે. છેલ્લા થોડાંક વર્ષોથી બાલ-સંન્યાસને લઇને, બાલ-દીક્ષાને લઇને સમાજમાં ઊહાપોહ થયા કરે છે. બની શકે કે એકા’દ-બે કિસ્સાઓમાં સારું નહીં થયું હશે, કંઇ લોભ-લાલચને લઇને થયું હશે, તો આવું ક્યાં નથી થતું? સમાજના કયા વિભાગમાં નથી થતું? આવા એકા’દ-બે કિસ્સાઓને લીધે તમે એ વ્યવસ્થાને જ કાઢી નાંખો તો શંકરાચાર્યનું શું થશે? જ્ઞાનેશ્વરનું શું થશે? જડ ભરતનું શું થશે? શુકદેવનું શું થશે? આ બધા નાનપણમાં જ ઘરમાંથી નીકળી ગયા હતા…તો, તમે એને બાંધી ના શકો.

બાળકને કે કોઇને પણ સંન્યાસ આપવો કે નહીં એ જ્ઞાની પુરુષ, ગુરુ નક્કી કરે કે સંન્યાસ માટે એ યોગ્ય છે કે અયોગ્ય છે; સંન્યાસ માટેની યોગ્યતા-અયોગ્યતાની વાત-નિર્ણય કંઇ રાજકારણીઓ, કે કોર્ટમાં બેઠેલા જજો ના કરી શકે; એ નિર્ણય તો આ ક્ષેત્રના અનુભવી પુરુષો જ નક્કી કરે.

તો, સંન્યાસ માટેની જે અદ્ભુત વ્યવસ્થા છે એમાં ઉંમર કે પરિસ્થિતિનો કોઇ બાધ જ નથી; કોઇ વ્યક્તિ યુવાવસ્થામાં હોય અને નીકળી જાય, વિવેકાનંદ વગેરેના દાખલાઓ છે; કોઇ તો વળી લગ્ન મંડપમાંથી પણ ભાગી ગયા હોય, ત્યાં મંડપમાં પંડિત રાબેતા-મુજબ બોલતા હોય “વર-વધુ સાવધાન!” “વર-વધુ સાવધાન!” અને એ સાંભળીને જ મંડપમાંથી જતા રહ્યા હોય – સમર્થ રામદાસનો એવો દાખલો છે; કોઇ પરણ્યા હોય, અને થોડાં દિવસો જ ઘરમાં રહ્યા હોય, અને પછી નીકળી ગયા હોય; કોઇને તો લગ્ન પછી બાળક થયું હોય અને નીકળી ગયા હોય – બુદ્ધ આવી રીતે નીકળી ગયા હતા; કોઇને બે-ચાર બાળકો હોય તો પણ એ નીકળી ગયા હોય – મહાવીર સ્વામી છે, સ્વામી રામતીર્થ છે એમને ત્રણ બાળકો હતા… આવી જ રીતે આતુર સંન્યાસનો પણ કોઇ ક્રમ નથી.

આમ, સંન્યાસના દરેક જાતના દાખલાઓ છે, એ બધામાં એક મુખ્ય વાત છે કે જ્યારે પરમ ચૈતન્ય માટે એવી પાકી નિષ્ઠા જાગે, જ્યારે એવો પ્રેમ-ભાવ જાગે, જ્યારે વૈરાગ્ય જાગે, ત્યારે સંન્યાસ માટે જવાની છૂટ છે; પરંતુ, આવી સ્થિતિ નથી તો પછી ક્રમથી, ધીમે-ધીમે, વૈરાગ્યભાવ માટે પરિપક્વ થતાં-થતાં, મેચ્યોર થતાં-થતાં એ સ્થિતિએ પહોંચવાનું હોય છે.

રહી વાત, બાળ-સંન્યાસ કે બાળ-દીક્ષાની તો આપણે ત્યાં ગુરૂકુલ વ્યવસ્થામાં બાળકોને દીક્ષા અપાતી હતી, આજે પણ ઘણા સંપ્રદાયોમાં બાળકોને દીક્ષા અપાય છે. એટલે, જે-તે સંપ્રદાયો-પંથોમાં કહેવાયું હોય, એમની જે વિચારધારા, પ્રથા હોય અને ત્યાંના ગુરૂ-મંડળ કહે એ પ્રમાણે કરી શકાય છે, પરંતુ એમાં ના તો રાજકારણીઓ જોઇએ કે ના તો કોર્ટ-કાનૂનના જજો જોઇએ; અને અમુક ખાસ ધર્મના લોકો પણ એમના ધર્મની અને એમના સમાજની વાતોમાં રાજકારણ કે કોર્ટને બિલકુલ આવવા જ નથી દે’તા.

સંન્યાસની જે વ્યવસ્થા છે, એ માટે ઋષિઓ કઇ ખોટું નથી કહેતા કે આ ખરાબ છે, આ ખોટું કરે છે…ના, હું જેવો છું તેવો છું, જેવો છું તેવો ભગવાનનો છું, અધ્યાત્મ માર્ગની મારી યાત્રા કરવાની મને તક, છૂટ હોવી જોઇએ. સંન્યાસ માટે વૈરાગયનો ભાવ આવશ્યક છે, અને જો એ નથી, તો ઋષિઓની બિલકુલ તૈયારી નથી કે કોઇ ઘર-પરિવાર છોડી ભાગી જાય.

મહાભારતના યુદ્ધના આરંભમાં જ અર્જુન ભગવાન આગળ કેટલી દલીલો કરે છે, કહે છે મારે યુદ્ધ નથી કરવું, મારે કોઇની પણ હત્યા નથી કરવી, હત્યા કરીને મારે કોઇ પાપ નથી કરવું, મારે તો હવે સાધુ જ થઇ જવું છે, અને માંગીને ખાઇને જીવવું છે; પણ ભગવાન એને છૂટ નથી જ આપતા, કેમ કે એને વૈરાગ્ય સાચો નથી થયો, એ તો તત્પૂરતો માત્ર કહેવાનો જ ‘વૈરાગ્ય’ હતો, એટલે, ભગવાન એને સાધુ બનવા માટે છૂટ નથી આપતા.

વૈરાગ્ય તો બહુ સજાગતાથી, સાવચેતીથી, ધીમે-ધીમે પરિપક્વ થાય એ મહત્ત્વનું છે. એક નાનુ જન્મેલુ બાળક હોય, એ ધીમે-ધીમે મોટું થાય છે, અને કઇ રીતે એ વૈરાગ્યની સ્થિતિ સુધી પહોંચી, આત્માનુસંધાન કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી એનો મનુષ્ય જન્મ સાર્થક કરી શકે એ માટે આ ચતુરાશ્રમ વ્યવસ્થા છે.

ચતુરાશ્રમમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ. જન્મ પછી બાળક લગભગ 6-8 વર્ષનું થાય ત્યાં સુધી મા-બાપ જ એના ગુરૂ હોય; અને બાળકના સારા ઉછેર માટે મા તો જોઇએ, મા-નો પ્રેમ જોઇએ. આ સંદર્ભમાં સંસ્કૃતમાં એક શ્લોક છે –

लालयेत् पञ्च वर्षाणि; दशवर्षाणि ताडयेत्।
प्राप्ते तु षोडषे वर्षे पुत्रं मित्रवदाचरेत् ।।

કે પાંચ વર્ષ સુધી બાળકને પ્રેમ જોઇએ, હૂંફ-વ્હાલ જોઇએ, એને મા-ની છાતી જોઇએ, મા એના બાળકને છાતી સાથે વ્હાલથી ચાંપી રાખે એવો પ્રેમ જોઇએ – અને જે બાળકો આવા પ્રેમથી વંચિત રહી જાય છે એ પછી જાત-જાતની સમસ્યાઓ લઇને મોટા થતાં હોય છે. વર્તમાન સમયના સમાજમાં જે એટલી બધી તાણ વધી રહી છે, કેટલુ સ્ટ્રેસ વધ્યું છે, કેટલી એકલતા, અસુરક્ષિતતા, હિંસક માનસિકતા, હિંસાઓ વધી રહી છે.

તમે જુઓ કે જે દેશે અન્ય દેશોના બધા પૈસા ભેગા કર્યા છે, ખૂબ સમૃદ્ધ છે, એ દેશમાં એક નાનું બાળક પણ બંદૂક (ગન) લઇને નીકળે છે, કોઇ પણ કારણ વગર પાંચ જણને તો એની બંદૂકથી ઢાળી દે છે!! આવી માનસિકતા માટેના બીજા કારણો હશે, પરંતુ, એક કારણ આ પણ છે કે આવા બાળકોને એમના મા-બાપનો પ્રેમ નથી મળતો. આ એવા બાળકો હોય છે કે એના મોટા થતાં-થતાં મા સાવકી હોય, કે બાપ સાવકો હોય અને એની બે-ચાર મા બદલાઇ ગઇ હોય, ક્યારે’ક બાપે’ય બે-પાંચ બદલાયા હોય. બાળકોનું આવુ જીવન એમની અંદર તાણ પેદા કરે છે.

એટલે, નાના બાળકોને પ્રેમ જોઇએ, હવે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે બાળકને જે ભણાવવાનું છે એ એની પાંચ-છ વર્ષની ઉંમર પછી જ શરૂ કરો. એટલે, હવે નવી સ્કૂલોમાં બાળકોને સીધે-સીધું ભણાવાતું નથી, રમતાં-રમતાં થોડું-થોડું શિખવાડે છે. આપણે ત્યાં હવે નવી પ્રથા શરૂ થઇ છે કે બાળક થોડું રડે કે તોફાન કરે તો કહે, ‘જવા ‘દો એને બેબી સિટિંગમાં, ચાર-પાંચ કલાક તો શાંતિથી નીકળી જશે,’ આપણે એવું વિચારીએ છીએ; ના, બાળકની પહેલી શિક્ષિકા મા હોય.

હમણાં થોડા દિવસ પહેલાં જ એક બેન એની દીકરી સાથે આવ્યા, દીકરી પ્રેગ્નન્ટ હતી, મેં એને કહ્યું, હાલરડા શીખજે. એ બે’નને તો બહુ સરસ-સરસ હાલરડાં આવડે, તો મેં એને કહ્યું, “તમે એકા’દ હાલરડુ ગાઓ ને.” તો એમણે એક હાલરડું ગાયું. એમાં બધો જ ઉપદેશ હતો, બહુ પ્રેમથી ગાતા-ગાતા ગીતમાં કહે કે તું શું કરીશ, તું આ કરજે, એવું કરજે, કેવું થશે, આવી ઘણી સરસ વાતો હોય છે. તો, આમ, બાળકના સંસ્કારો, શીખવાનું બધું એની ગર્ભાવસ્થાથી શરૂ થઇ જતું હોય છે, માતા-બાળક્નો સંવાદ તો ૩-૪ મહિનાથી જ શરૂ થઇ જાય છે. આવા બીજા ઘણા કારણો છે કે ૫-૭ વર્ષ સુધી બાળકને મા-નો પ્રેમ તો જોઇએ જ, સાથે બાપનો પણ પ્રેમ જોઇએ. એટલે, આપણી એક-એક વાતો વિજ્ઞાનસભર વાતો છે.

ગર્ભસંવાદની વાતો હવે વૈજ્ઞાનિકો પણ કહેતા થઇ ગયા છે, તેથી પશ્ચિમી સમાજમાં સ્વીકારાય છે કે માતાએ એના ગર્ભમાંના બાળકની જોડે વહાલ, આનંદ સાથેનો ‘ધ્વનિ’ સંવાદ કરવો જોઇએ. એ બાળકના ઉછેરની પ્રક્રિયા ગર્ભમાં ૩-૪ મહિનાથી જ શરૂ થઇ જાય છે, તેથી એ બાળક બહારના સ્પર્શ, ધ્વનિ જેવા તરંગોને રિસ્પોંડ કરે છે; એના કાન ઉગવાની પ્રક્રિયા ૨૫ અઠવાડિયાથી જ શરૂ થઇ જાય છે, તેથી એને હલકુ-મધુર સંગીત સંભળાવો. માતા સાથે એ જોડાયેલું હોવાથી માતાના અંતરના, મનના ભાવોથી, સુખ-દુ:ખથી પણ પ્રભાવિત થાય છે; એણે વારે-વારે અનુભવેલા ભાવો, સાંભળેલા શબ્દો (હાલરડા, મધુર ગીત-સંગીત, સ્તુતિ, પ્રાર્થના) એ બધું યાદ પણ રાખે છે, અને આવું બધું કરવાથી મા-બાળકનો સંબંધ વધુ ગાઢ પણ બને છે. એટલે, બાળકને ૫-૭ વર્ષ સુધી મા-બાપનો પ્રેમ જોઇએ જ.

પછી કહે કે એને દશ વર્ષ અંકુશ જોઇએ, એટલે ત્યારે એને ગુરૂકુલમાં મોકલતા હતા, કેમ કે આપણે ઘરે અંકુશ ના રાખી શકીએ; જો બાપ બાળકને કોઇ વસ્તુ આપવાની મના કરે તો, એ વસ્તુ એની મા ચુપકીથી આપી દે છે; જો મા કડક થાય અને ઘરમાં વડીલો હોય તો વડીલો આપી ‘દે છે. એટલે, ઘરમાં કોઇ તો ઢીલું થઇ જ જાય. એણે TV જોવું હોય, એને પોતાનો મોબાઇલ લાવવો છે, એને રમવું-રખડવું છે… તો ઘરમાં કોઇ તો ઢીલું થઇ જ જાય, એટલે એને ગુરુકુલ મોકલો, બાળક ગુરૂકુલમાં જ તૈયાર થશે.

સમજવાની વાત છે કે જ્યાં સુધી ગુરૂકુલની વ્યવસ્થા ફરી ઉભી નહીં થાય ત્યાં સુધી આ દેશની જે દિવ્ય, અદ્વિતીય, અપ્રતિમ સંસ્કૃતિ છે એને આપણે ફરી સુવ્યવસ્થિત અને સક્ષમ નહીં કરી શકીશું. આ અંગે આપણે ઘણી વખત વાતો થઇ છે.  

ગુરૂકુલમાં એને બીજા મા-બાપ મળશે, જ્ઞાની મા-બાપ મળશે. ગુરૂ એ જ હોઇ શકે જેની એક આંખ નરમ હોય, બીજી આંખ લાલ-ગુસ્સાવળી હોય. वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि, કે જે વજ્રથી પણ કઠોર થઇ શકે, અને કુસુમ-ફૂલથી પણ કોમળ થઇ શકે. ગુરૂને એમના ગુરૂકુલમાં આવનાર બધા બાળકો પ્રત્યે આવા બંને ભાવો હોય, એ પ્રેમ પણ એટલો આપે પછી ભલે એ વિદ્યાર્થી લુચ્ચો-બદમાશ હોય, ચોર હોય, ડાકુ હોય, એ જે હોય એના પ્રત્યે પણ પ્રેમ તો એટલો જ હોય, અને ગુરુ જે વાત કહેવા, કરાવવા માંગે છે એમાં તે કઠોર પણ હોય, જરા પણ ચૂકે નહીં, નમે નહી.

ઘરમાં આપણે આવું નથી કરી શકતા, મા આવી કડક નથી થઇ શકતી, બાપ એવો થઇ ના શકે, એટલે બાળકને ગુરૂ પાસે જ મોકલવાનો. બાળક ગુરૂકુળમાં જાય, ત્યાં એ 24-કલાક ગુરૂ સાથે જ રહે – હા, ચોવીસ કલાકનો સાથ જોઇએ, કેમ કે ગુરૂકુળમા વિવિધ પ્રકારની, જુદા-જુદા વિષયોની વિદ્યા શિખવાડાતી હતી, માત્ર અર્થકરી વિદ્યા જ ન્હોતી શિખવાડતા. ત્યાં દુન્યવી વિદ્યાઓ, ટેકનિકલ જ્ઞાન, અર્થજ્ઞાન સાથે ધર્મશાસ્ત્રોનું જ્ઞાન, અધ્યાત્મની સમજ, જીવન વિષે,  જીવન શું છે, એનું રહસ્ય શું, એની પૂર્ણતા શું, સમાજ-વિજ્ઞાન, જીવનમૂલ્યો, સંસ્કાર વિષે… જીવન વિષેની બધી જ નાની-નાની વાતો ગુરૂકુલમાં ભણાવાતી હતી.

આજનો યુગ અર્થ-પૈસાનો યુગ છે, દરેક ક્ષેત્રનુ શિક્ષણ અર્થલક્ષી બની ગયું છે, બધી જ વિદ્યાને અર્થકરી બનાવી દીધી છે; એમાં IT (ઇંફર્મેશન ટેક્નોલોજી), મેનેજમેન્ટનું મહત્વ વધારે; જે ક્ષેત્રમાં વધુ પૈસા મળે એ ક્ષેત્રનું ભણવા માટે વિદ્યાર્થીઓ દોટ મુકે – (MBA) બિઝ્નેસ મેનેજમેંટ, ગ્રાફિક્સ-ડિઝાઇન, કમ્પ્યુટર હાર્ડવેર-સોફ્ટવેર, વિગેરે. જે ક્ષેત્રમાં માણસો વધુ જોઇતા હોય, પગારનું પેકેજ તગડુ હશે, એ જ ફેકલટીમાં બધા દોડશે. ડિગ્રી લઇને આવ્યો અને કોઇ આઠ લાખમાં વેચાઇ ગયો, કોઇ વધારે મોટા પેકેજમાં વેચાઇ ગયો હોય; મોટી-મોટી કંપનીઓએ પૈસા આપ્યા હોય એવી કોલેજોના ‘કેમ્પસ’માંથી જ  વિદ્યાર્થી ‘વેચાઇ’ ગયો, જેમાં વિદ્યાર્થીની ‘કિંમત’ વધી જાય. પશ્ચિમની કંપનીઓ જ કહેતી કે “અમારે ત્યાં આવી ભણો, પગાર ડોલરોમાં, USA (અમેરિકા) જવા મળશે, ઓસ્ટેલિયા જવા મળશે,” એટલે આ દેશનું યુવાધન પરદેશ ઘસડાતું ગયું છે, અને નવા યુગમાં નવા પ્રકારની બુદ્ધિ, કુશળતા, વધુ ભણતરવાળાની માંગ છે, એટલે પાંચ-છ દાયકાઓ પહેલાના સિવિલ-મિકેનિકલ-ટેક્નિકલ કોર્સવાળા બિચારા આજે રખડે છે.

ગુરૂકુલમાં વિદ્યાર્થી ૨૪ કલાક ગુરૂ સાથે રહેતો હતો, તેથી ગુરૂ એની નાની-નાની વાતોનું પણ ધ્યાન રાખતા કે એ કઇ રીતે ઉઠે છે, કઇ રીતે બેસે છે, કઇ રીતે વાતો કરે છે, કઇ રીતે એ અધ્યયન કરે છે. ગુરૂકુળમાં એ બાળકને સનાતન ધર્મ, ધર્મશાસ્ત્ર, અધ્યાત્મની સાચી સમજ, જીવનની સર્વાંગીણ સમજ મળતી, ઉપરાંત, એને પોતાના ક્ષેત્રનું પણ જ્ઞાન મળતું હતું, એટલે એ જ્યારે ગુરૂકુળમાંથી નીકળી સમાજમાં દાખલ થતો ત્યારે એ સર્વાંગીણ, પૂર્ણ જ્ઞાન સાથે નીકળતો, એના ક્ષેત્રમાં આગળ રહેતો.

આવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અર્જુનને મળ્યું હતુ, દુર્યોધનને પણ મળ્યું હતું, એ ધર્મ-યુક્ત જ્ઞાનનો જીવનમાં કોણ, કેવો, કેટલો ઉપયોગ કરે, પાળે ના પાળે એ જુદી વાત છે. રાવણને પણ ધર્મશાસ્ત્રોની ઉંડી સમજ હતી એટલે તો ભગવાન શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણને એની પાસે મોકલ્યા હતા, એમ કહીને કે ‘જા રાવણ પાસેથી ઉપદેશ લઇને આવ.’ દુર્યોધનને પણ સમજ હતી, સમજ ન હતી એવું નથી, પરંતુ એ જ કહેતો હતો કે “जानामि धर्मं न च मे प्रवृत्तिः जानाम्यधर्मं न च मे निवृत्तिः”, કે ધર્મ શું છે એ હું જાણુ છું, પણ હું એનું પાલન નથી કરી શકતો,” અને એ એમ પણ કહે છે કે “અધર્મ શું છે એ પણ હું જાણુ છું પણ છોડી નથી શકતો”. આ વાતને સમજજો.

ગુરૂકુલમાં બાળકને એના જીવન માટેના ઉત્તમ જ્ઞાન અને દિશા મળતાં, અધ્યાત્મ જ્ઞાન, ધર્મ શું છે, કર્તવ્ય શું છે, સુખ શું છે, સત્ય શું છે, જીવનની પૂર્ણતા ક્યાં છે એ જ્ઞાન, સાથે એને એના ક્ષેત્રનું ટેકનિકલ નોલેજ પણ મળતું. આ જ કારણે જીવનના આ બંને ક્ષેત્રોમાં ભારત દેશ સૌથી ઉચ્ચ સ્થાને હતો. તત્કાલીન જગતની અન્ય સંસ્કૃતિઓ અને દેશો કરતાં ભારતમાં સૌથી વધુ વૈભવ હતો, ઉચ્ચ પ્રકારનું ભૌતિક જ્ઞાન, ટેકનિકલ નોલેજ જે હતું એવું જ્ઞાન બીજા કોઇ દેશો પાસે ન્હોતું, કેમ કે એ જ્ઞાન અસ્તિત્વના મૂળ જ્ઞાન સાથે જોડાયેલું હતું, સાથે અધ્યાત્મ જ્ઞાનના મજબૂત પાયા પણ હતા, તેથી એ વિદ્યાર્થીના સર્વાંગીણ જ્ઞાનના મૂળિયા મજબૂત હતાં. આ બધા કારણે આ દેશમાં વૈરાગ્ય, ત્યાગ, આત્મનિષ્ઠા એ બધું પણ એટલું સઘન અને ઉચ્ચ સ્તરનું હતું કે સામે તલવાર લઇને પણ જો કોઇ માણસ ઉભો હોય, સામે સાક્ષાત્ મૃત્યુ હોય તો પણ એ જ્ઞાની-ત્યાગી તો હંસતો હોય કે હું તો આત્મા છું, મને કોણ મારી શકે? તો, એની નિષ્ઠા આટલી દૃઢ, પાકી હતી! અને આ આત્મ-જ્ઞાની પાસે કશું જ ના હોય, તો પણ એ પોતાને બાદશાહ કહેતો હોય, એ શહેનશાહ હોય, એની મસ્તી હોય!

સ્વામી રામતીર્થ એક વખત વિદેશ ગયેલા, અને પાછા વળતી વખતે એ જહાજની જ્યારે ટિકિટ લેવા ગયા, ત્યારે એમણે એમનું નામ ‘રામ બાદશાહ’ લખાવ્યું. જહાજના અધીકારીએ એમનું નામ વાંચ્યું, તો કહે, “અરે! આ તો સરસ સંયોગ છે!” સ્વામીજીએ પૂછ્યું, “કેમ, શું થયું?” તો એ કહે, “આ જ જહાજ પર તમારી સાથે બીજો એક બાદશાહ પણ મુસાફરી કરે છે.” આ સાંભળીને સ્વામી રામતીર્થે કીધું, “મારી ટિકિટ કેન્સલ કરો, બે બાદશાહ જોડે-જોડે નહીં જશે, એક જ બાદશાહ જશે.”

તો, આવો ત્યાગ પણ આ દેશમાં જીવાયો છે, કેમ કે ગુરુકુળમાં ભૌતિકી જ્ઞાન સાથે અધ્યાત્મ જ્ઞાન પણ શિખવવામાં આવતું હતું. જો કોઇએ અધ્યાત્મમાં જ જવું હોય  તો એ એમાં જાય, એને છૂટ હતી; એ રીતે એ ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરતા.  અને છોકરીઓને શિક્ષણ વેગળું, જુદું અપાતું હતું, અને એ જમાનામાં છોકરીઓ પણ શિક્ષિત હતી, અને એ શાસ્ત્રજ્ઞ પણ હતી!

આઠમી સદીમાં, એક વખત પૂર્વ મીમાંસા દર્શનના બહુ જ પ્રસિદ્ધ આચાર્ય મંડનમિશ્ર અને ભાષ્યકારનો જ્યારે શાસ્ત્રાર્થ થયો હતો, ત્યારે એમાં જજ એક મહિલા હોય છે! તો, આ મહિલા વિદુષી નહીં હશે? વિદુષી એટલે વિદ્વાન, તો, વિદુષી થયા વગર આવું નહીં બની શકે, કોઇ મહિલા જજ ના બની શકે, અને એ પણ બે ધુરંધર, માનનીય વિદ્વાનો વચ્ચેના અદ્વૈત જેવા પરમોચ્ચ શાસ્ત્રાર્થના અંતિમ નિષ્કર્ષ માટે! એટલે, એ સમયમાં છોકરીઓની, મહિલાઓ માટે અલગ શિક્ષણ વ્યવસ્થા હતી, એ શાસ્ત્રજ્ઞ પણ થતી હતી! આજે જે વિચાર પ્રસર્યો છે કે જૂના જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ ન્હોતું અપાતું, એમના પ્રત્યે અન્યાય થતો હતો, એમને માટે સમભાવ ન્હોતો… આ એક જ ઉદાહરણ દ્વારા એ બધું ખોટું છે એ પુરવાર થાય છે.

આજે આપણે હોસ્પિટલોમાં દર્દીઓને જુદાં-જુદાં વોર્ડોમાં નથી રાખતાં? તો શું, દર્દીઓ પ્રત્યે અન્યાય થાય છે એવું કહી શકાય? છોકરાઓ અને છોકરીઓ માટે જુદી-જુદી કોલેજો હોય છે, તો શું અન્યાય થયો કહેવાય? નહીં ને? તો, એ સમયમાં છોકરા-છોકરીઓના શિક્ષણ માટે જે વર્ગીકરણ હતું, તે એક મહત્ત્વની વાતને ધ્યાનમાં રાખીને થતું હતું, અને તે એ કે દરેકના શરીર-મનની રચના જુદી-જુદી છે, અને વિદ્યાર્થીઓએ એમના ૨૫ વર્ષના વિદ્યાર્થીકાળમાં સંયમપૂર્વક રહેવાનું આવશ્યક હોય છે; વિદ્યાભ્યાસ સિવાય બીજું કશું જ વિચારવાનું નહીં, એને માથે કમાવાનો કે બીજો કોઇ બોજો ના હોય. આવી શિક્ષણ વ્યવસ્થા હતી તેથી એ સમયમાં મહિલાઓ પણ ઉચ્ચ કક્ષાની વિદુષી બની શકી હતી!!

પશ્ચિમી ભૌતિકી સમાજના જેવી આ દેશમાં પણ હવે નવી શિક્ષણ વ્યવસ્થા ઉભી થઇ રહી છે એમાં ૧૦-૧૫ વર્ષના છોકરાઓએ પણ વિદેશોમાં કરવું પડે છે એવી રીતે હવે કામ કરવું જ પડશે, નહીં તો એ ભણવા માટે ફી-ના પૈસા લાવશે ક્યાંથી? એ ફી કેવી રીતે ભરશે? એ પોતાનો ખર્ચો કઇ રીતે કાઢી શકશે? આજે વિદ્યાર્થીઓ ઉપર બોજો છે. શિક્ષણ એટલું મોંઘુ થતું જાય છે કે ઉચ્ચ શિક્ષણ માટે એણે લોન લેવી જ પડે છે.

અમેરીકામાં દર વર્ષે વિદ્યાર્થી-લોનનો આંક કૂદકે-ને-ભૂસકે વધતો જ રહ્યો છે; ૧૯૧૮માં આ આંક US$1.5 ટ્રિલીયન જેટલો થઇ ગયો છે! જે સરકાર અને આખા દેશ ઉપર મોટો આર્થિક બોજો છે, આ લોન પરત આવી શકે કે કેમ એ મોટો પ્રશ્ન છે. એક સર્વેક્ષણ મુજબ, USAમાં અંદાજે ૪.૫ કરોડમાંના દરેક વિદ્યાર્થીઓને માથે $૩૮,000નો (રૂ-28 લાખથી રૂ.30 લાખ) માત્ર ભણવાનો જ બોજો છે; રહેવાનો, ખાવાનો, અન્ય ખર્ચાઓ તો જુદા!!

ભારતમાં વિદ્યાર્થીઓની હાલત પણ કાંઇ’ક આવી જ છે. આજનું શિક્ષણ ખૂબ મોંઘું થતું જાય છે; ઘણા વિદ્યાર્થીઓએ દેશમાં-કે-વિદેશોમા જઇને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવી જ પડે છે. બેંકોએ ધીરેલી આ વિદ્યાર્થી-લોનનો આંક લગભગ રૂ-૭૫,000 કરોડ જેટલો થઇ ગયો છે; ઘણા વિદ્યાર્થીઓ લીધેલી લોનના પૈસા પરત નથી કરી શકતા. એક સર્વેક્ષણ મુજબ ભારતમા ૨૦૧૪-૧૬ના માત્ર ત્રણ વર્ષોમાં વિદ્યાર્થી-લોન જે પાછી નથી આવી એનો આંક ૧૫0% વધી રૂ-૬,૫00 કરોડ જેટલો છે‍!

ભારતમાં ગુરુકુલમાં શિક્ષણ નિ:શુલ્ક હતું, તેથી વિદ્યાર્થીઓ ઉપર આવા કોઇ આર્થિક કે અન્ય બોજ ન્હોતા. હવે, ઘણા દેશોની આ મોટી સમસ્યા છે કે ત્યાંના બાળકો ઉચ્ચ શિક્ષણ નથી લઇ શકતા, કેમ કે ત્યાં દસમાં ધોરણ પછી એમણે ફરજીયાત કામ કરવું જ પડે છે, અને નોકરી કરે, પૈસા આવતા થાય એ જલ્દી વાપરતા થઇ જાય છે; એટલે, એનું મન ભણવા પરથી ઉઠી જઇ, બીજી બાજુ જ જતું રહે છે; આવામાં વિદ્યાર્થી કોઇ એક જ વિષયમાં સમર્પિત થઈ લાગેલો રહે એવું નહીં બને.

વળી, ગુરુકુલ શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને કોઇ લૌકિક આકર્ષણ પણ ન્હોતું… અને, આજે જુઓ તો આઠ-દશ વર્ષની બાળકીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે! જે પ્રમાણેની આજની શિક્ષણ વ્યવસ્થા છે એમાં તમે આવું થતા રોકી નહીં શકો, અને જો રોકવું હોય તો બાળકોને સમાજથી જુદા રાખો, કેમ કે સમાજમાં સારું-નરસુ બંને હોય, અને કેમે-કરીને બાળકોને તમારે સમાજની ખરાબ વાતોથી દૂર રાખવા જ પડશે. તમે એને ઇંટરનેટથી અલગ રાખી શકશો? બાળકોને સસ્તા-મોંઘા સ્માર્ટ ફોન આપી દીધા હોય, એનું પોતાનુ ટેબલેટ/કમ્પ્યુટર હોય, તો મા-બાપને ખબર ના પડે કે એ ત્યાં શું જુએ છે, શું કરે છે.

એટલે, બાળકોને સમાજથી દૂર રાખો, શક્ય હોય તો ગુરુકુલ વ્યવસ્થા હોય ત્યાં મોકલો, તો તમારા બાળકને કોઇ એક-બે વિષયમા ઘડી શકશો; નહીં તો એના મન-મગજમાં ટકાવારીનો ૮0-૯0%નો, A-Grade, વિગેરેનો જ જપ ચાલ્યા કરશે, કેમ કે આજુ-બાજુમાં બધે એક જ મુખ્ય પ્રશ્ન છે – કેરીયર બનાવવાનો!! એ સિવાય બીજુ કશું જ નથી વિચારતો, કે નથી એને બીજા કશાની ખબર. આવા બાળકને એક દિવસ માટે પણ જો ઘરમાં એકલા છોડી દો, તો એ પંગુ જેવો થઇ જશે, એ ત્યાં કશુ પણ ના કરી શકશે, જીવી જ ના શકે… તો, એ ખાશે શુ? એ એના ઘરને કઇ રીતે મેનેજ કરી શકશે?

અમારા હેરંજ આશ્રમમા ઘણા બાળકો શહેરોથી આવતા હોય, એને ખબર સુદ્ધાં નથી કે દૂધ ક્યાંથી આવે છે. એને એ જ ખબર છે કે દૂધ તો બાટલીમાંથી આવે છે, દુકાનોમાંથી આવે છે… એટલે, જ્યારે એ કોઇને ગાય-ભેંસમાંથી દૂધ કાઢતા જુએ છે તો એને બહુ નવાઇ લાગે છે, એ ફોટા પાડશે, વીડિયો ઉતારશે…અને આવા બાળકો મોટા થઇને કોઇ ક્ષેત્રમાં ખૂબ ભણ્યા હોય, ટોપ ગ્રેડ મેળવ્યા હોય… તો પણ એને ખબર નથી કે દૂધ ક્યાંથી આવે છે, દૂધ ગાય આપે છે કે ભેંસ આપે છે…તો, આવા બાળકોનું જ્ઞાન અધુરું-એકતરફી, જીવનથી તદ્દ્ન અલગ, જીવનથી ખૂબ દૂરનું હોય છે.

ગુરુકુલોમાં નાનપણથી જીવનને પૂર્ણતાથી સમજવાનું મળતું, સાથે-સાથે, એને અધ્યાત્મનું જ્ઞાન પણ મળતું… પછી એ પૂરી સમજ સાથે જો એનામાં વૈરાગ્ય છે તો સીધો સંન્યાસ માર્ગે જશે, નહીં તો એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે.

આજે આટલું જ રાખીએ.

તત્ સત્