हरि ॐ

થોડા સમય પહેલા એવી કોઈ કલ્પના પણ ન્હોતી કે ભારત કોઈ આર્થિક સત્તા બની શકે, અને આ કલ્પના ૨૦-૨૫ વર્ષો પહેલા પણ ન્હોતી, અને એવું પણ કોઈ વિચારી ન્હોતું શકતું કે ભારત પાસે એવું કશું’ક છે જે એ દુનિયાને આપી શકે…પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે તે ત્યાં સુધી કે વિશ્વના ઘણા દેશોમાં એક પ્રકારનો વિચાર અને અવાજ પણ વહેતો થયો છે કે આવનારો જે સમય છે એ ભારતનો છે. આવા ભારત-તરફી વાતાવરણને અવગણીને, કે એના ભયથી ડરી જઈ ભારતને ફરી કચડી નાંખવા, એને નષ્ટ કરવા દુનિયાની ઘણી બધી સત્તાઓ અને તાકાતો અત્યારે પણ જાત-જાતના સઘન પ્રયત્નો તો કર્યે જ રાખે છે. આવું હોવા છતાં જાણે કે ભારતની દિવ્ય ભૂમિના પેટાળમાંથી એક પ્રકારની શક્તિ ફરી જાગ્રત થઇ રહી છે એવું વાતાવરણ થઇ રહ્યું છે.

આ જ સંદર્ભમાં મેં બીજી વાત એ અનુભવી છે કે મને જો કોઈ વિચાર આવ્યો હોય, કે આવું થઇ શકે છે, અને મેં એ બાબતમાં કોઈ અધ્યયન પણ ના કર્યું હોય, ક્યાં’ય સાંભળ્યું પણ ના હોય અને મને લાગે કે એવો વિચાર મને જ આવ્યો છે… અને થોડા દિવસોમાં જ હું જોઉં છું કે એ જ દિશામાં ઘણા લોકો પણ વિચાર કરી રહ્યાં છે.

થોડા દાયકાઓ પહેલા સમાજના અમુક લોકોમાં એક વિચાર હતો કે ભારત જે એક સમયે વિશ્વગુરુ હતો, પછી એ લગભગ ૧૦૦૦ વર્ષો સુધી અન્ય સત્તાઓનો ગુલામ પણ થયો… એ જ ભારત સ્વતંત્ર થયે સાત દાયકઓ વીતી ગયા છે, હવે આજના સ્વતંત્ર ભારતને એ જ વિશ્વગુરુના ઉચ્ચાસને ફરી સ્થાપવાની વાતો, એની ગરિમા, માન એને ફરી મળે એ દિશામાં આપણે કાંઈ’ક કરવું છે એ બાબતના વિચારો ફરી ગતિમાન થતા જાય છે. આવા વિચારો લગભગ ૧૯૯૦થી ઉદ્ભવી, ધીરે-ધીરે ભારતમાં અને વિદેશોમાં પણ પ્રસરતા રહ્યાં છે, અને મેં જોયું કે ઘણા લોકો આ જ દિશામાં વિચારી રહ્યા છે કે ભારતને ફરી વિશ્વગુરુ બનાવવો છે. અહીં હું નથી કોઈ શાસ્ત્રની વાત કરતો, કે નથી કોઈ વિશેષ સાધનની વાત કરી રહ્યો… પરંતુ, તમે અહીં આવીને એ વિષય પરની વાતોને સાંભળો છો તો મને એવું લાગે છે કે પરમાત્માની જ એ ઈચ્છા છે જે આપણા બધાં’યની અંદર હૃદયમાં પ્રવેશી છે, અને એ દિશામાં વિચાર કરવા માટે આપણને પ્રેરિત કરે છે. હવે આવશ્યકતા એ છે કે આ દિશામાં કાંઈ’ક થવું જ જોઈએ, કેમ કે આપણી જેવી સુંદર, ભવ્ય સંસ્કૃતિ, સભ્યતા પૃથ્વી ઉપર બીજે ક્યાં’ય ન્હોતી અને થશે પણ નહીં, આવી સંસ્કૃતિ બીજે થઈ શકે એ શક્યતા જ નથી.

આપણી એકમેવ પૃથ્વીને, એના પરની સમસ્ત મનુષ્ય જાતિને જો કોઈ સુખ, શાંતિ, સમાધાન અને પરસ્પર પ્રેમથી રહેતા જો કોઈ શિખવાડી શકશે તો એ માત્ર આપણી સંસ્કૃતિ અને એનું દિવ્ય જ્ઞાન જ શીખવાડી શકશે, બીજું કોઈ નહીં. તેથી, આ જ્ઞાન માત્ર આપણે માટે જ નહીં, આખી દુનિયા માટે એ જ્ઞાન, એનું તેજ જે છે એની સુરક્ષા સમસ્ત માનવજાતના હિત માટે થવી જ જોઈએ, કોઈ પણ હિસાબે થવી જોઈએ.

આ સંદર્ભમાં આપણે આપણી પુરાતન શિક્ષણ વ્યવસ્થા ઉપર વિચાર કરતા હતા કે ભારતીય સંસ્કૃતિની એવી કઈ વિશેષતા છે કે એ લાખો વર્ષો સુધી આજે પણ ચાલી રહી છે, અને એ પણ તદ્દન  સ્વાભાવિકતાથી, સહજતાથી ચાલી રહી છે – તે એવી વ્યવસ્થા છે કે જેને આપણા ઋષિઓ હજારો વર્ષો પહેલા એવી રીતે ગોઠવી ગયા છે કે આજે પણ એ સિસ્ટમ autonomous (સ્વયંસંચાલિત) હોય એ રીતે ચાલી રહી છે. વળી, વેદો આધારિત આપણી સંસ્કૃતિની સિસ્ટમ સમાજ કે સામાજીક વ્યવસ્થાનો તો કોઈ મુખી કે વડો નથી, જેમ કે અન્ય નવી જે સંસ્કૃતિઓ ઉદ્ભવી છે અને એ સંસ્કૃતિઓનું સંચાલન એના એક-એક મુખિયા કે વડો (leader) કરતો હોય. ખ્રિસ્તી ધર્મ-સંસ્કૃતિ-સમાજનો વડો છે Pope, મુસ્લિમ ધર્મ-સંસ્કૃતિ-સમાજનો વડો એના ઈમામ છે. આ ધાર્મિક વડાઓ  એમના ધર્માનુયાયીઓની કાળજી લે છે. જયારે આપણે ત્યાં આવા કોઈ જ વડા નથી કે જેના માર્ગદર્શનથી જ આ સંસ્કૃતિ, ધર્મ, સમાજ ચાલે; આ જ આ દેશની, આ સંસ્કૃતિની વિશેષતા છે જેના ઉપર આપણે વિચાર કરી રહ્યાં છીએ, અને એમાં પણ આ સંસ્કૃતિને એક સમયે વિશ્વગુરુ જેવા સર્વોચ્ચ સ્થાને લઇ જનારી એની જે શિક્ષણ વ્યવસ્થા હતી એના ઉપર આપણે વાત કરી રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિની બાબતમાં આપણે જયારે પણ વિચારીએ છીએ ત્યારે એની એક મૂળભૂત વાત કાયમ હૃદયમાં રાખવાની કે આ સંસ્કૃતિ, એનું જ્ઞાન, એનો ધર્મ, એને આધારિત સમાજ રચના, એમાંની જીવન શૈલી અને સમસ્ત જીવનનું પરમોચ્ચ ધ્યેય છે આત્મા, આત્મસાક્ષાત્કારમાં જ આપણા જીવનની પૂર્ણતા છે. તેથી જ્યાં સુધી  આપણે પોતાને, પોતાના આત્માને નહીં જાણીશું ત્યાં સુધી આપણું જીવન અપૂર્ણ જ રહેવાનું, અધૂરું જ રહેવાનું. જીવનની પૂર્ણતાની આ વાતને જો વૈશ્વિક ફલક સુધી વિસ્તારીને જોઈએ તો એ જ વાત સમસ્ત મનુષ્ય જાતિના પણ વિકાસની, આત્મસાક્ષાત્કારની વાત, ચરમ સીમા છે એમ કહી શકાય. આ તથ્યને, આ જ્ઞાનને આધાર રાખીને આપણી સંસ્કૃતિનો વિકાસ થયો છે.

પશ્ચિમની જે આધુનિક સંસ્કૃતિ ઉભી થઇ છે એ એવી સમજ ઉપર આધારિત છે કે માણસ પાસે જેટલી ભૌતિક સમ્મૃદ્ધિ, સુખ-સુવિધા હશે એટલો એ સુખી થશે. એટલે, એ સભ્યતા માત્ર આર્થિક મૂલ્યો (economical values) દ્વારા જ માણસનું પણ મૂલ્યાંકન કરે છે; માણસની આર્થિક તાકાત એ જ એની પણ તાકાત ગણાય, એ સિવાય ત્યાં એ સંસ્કૃતિમાં માણસની બીજી કોઈ ગણના કે મૂલ્ય જ નથી. તો, આપણી અને પશ્ચિમની બે સભ્યતાઓમાં આ જ મુખ્ય અંતર છે.

આપણી સંસ્કૃતિની શિક્ષણ વ્યવસ્થાની બાબતમાં આપણે એક-બે વાતો જોયેલી કે એમાં શિક્ષણ નિ:શુલ્ક અપાતું હતું, ગુરુકુળોની વ્યવસ્થા સીધી-સાદી હતી, અને છેલ્લે એ પણ સમજ્યા હતા કે એ વ્યવસ્થા તદ્દન સ્વતંત્ર હતી, એ autonomous વ્યવસ્થા હતી જેમાં ના તો રાજ્યતંત્રનું કે ના તો ધનપતિઓની અર્થ વ્યવસ્થાનું, કે અન્ય કોઈનું બહારનું કોઈ દબાણ હોય. ઋષિઓ ઉપર કોઈનું દબાણ ના ચાલે, ત્યારના સમયમાં રાજા પણ જો ગુરુકુળમાં આવતા તો એમણે મોજડી-બૂટ-ચપ્પલ, શસ્ત્રો બધું આશ્રમની બહાર મૂકીને પ્રવેશ કરતા. ગુરુકુળોમાં રાજતંત્રનું કશું જ ન્હો’તું ચાલતું કે અમુક જ વાતો ભણાવો, આ ના ભણાવો એવું ઋષિઓ ઉપર કોઈ જ દબાણ ન્હોતું, કારણ કે ઋષિઓ તદ્દન નિ:સ્પૃહી હતા જેમને કોઈ આર્થિક કે ભૌતિક ઈચ્છા કે મહત્ત્વકાંક્ષા ન્હોતી, ના તો એમને કોઈ મોજ-શોખ હતા, ના તો એમને બંગલા ગાડી કે સુખ-સુવિધાઓ જોઈતા હતા.

આમ, આત્માને કેન્દ્રમાં રાખીને ઉભી થયેલી સંસ્કૃતિમાંની શિક્ષણ વ્યવસ્થા ઋષિઓના હાથમાં હતી. એ ઋષિઓ એવા હતા જેઓ પરિણીત પણ હતા, પતિ-પત્ની, અને બાળકો હોય તો બાળકો સાથે શહેર-ગામથી થોડે દૂર જંગલમાં રહેતા, એમનું જીવન સાદું, સરળ હતું, અને તેઓ સ્વતંત્ર રીતે અન્ય  બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપતા. પૈસાની એટલી બધી આવશ્યકતા ન્હોતી કે પૈસા એમની ઉપર dominate કરે, કે પૈસાની વાત એમના ઉપર હાવી થઇ જાય.

આજે જોઈએ છીએ કે શિક્ષણ પણ બીજી બધી industryની જેમ એક ઇન્ડસ્ટ્રિ બની ગઈ છે, ત્યાં સાચા જ્ઞાન અને સારા શિક્ષણ કરતા પૈસાનું જ મહત્ત્વ વધારે છે, શિક્ષણ સંસ્થાઓ ઉપર ધનપતિઓનું જાત-જાતનું દબાણ હોય છે, અને આવા વિચારોનું ચલણ તો હવે વૈશ્વિક બની ગયું છે. આજે તો એવું છે કે કોઈ શ્રેષ્ઠી, બીઝનેસમેન હોય, પોતાના ગામમાં, શહેરમાં કે રાજ્યમાં મોટો ગણાતો હશે…એવું’ય હોય કે એનો વેપાર-ધંધો આખી દુનિયામાં વિસ્તાર્યો હોય, એના નામની બધે સાખ હોય અને તેથી એના જ કબજામાં ઘણી બધી વાતો હોય, એમ શિક્ષણ પણ હોય.

છેલ્લા કેટલા’ક દાયકાઓથી એવું થતું આવ્યું છે કે કોઈ અમેરિકન કંપનીના હાથમાં કોઈ ઉદ્યોગ આવે, તો ધીરે-ધીરે એ અન્ય દેશોમાં અને પછી આખી દુનિયામાં એનો પગપેસારો થઇ જાય છે, એ નામની કંપનીમાં હજારો કામદારો હોય અને દુનિયાની મોટા ભાગની માર્કેટ એના હાથમાં આવી જાય. વિસ્તાર અને વધુ વિસ્તાર એ મંત્ર લઇને જ કામ થાય છે. ઉદા. તરીકે જોઈએ તો અમેરિકાની જાણીતી એવી મેક ડોનાલ્ડ કંપનીને નામે કોઈ અન્ય દેશમાં રેસ્ત્રોં (restaurant) ઉભી કરે, તો લોકોને તો એમ જ થાય કે વાહ! આને તો મેક ડોનાલ્ડની કંપની છે! પરંતુ, વાસ્તવમાં ત્યાં ગલ્લા પર દેખાતો માણસ માલિક નથી હો’તો, એણે તો માત્ર એ કંપનીમાં અમુક પૈસાનું રોકાણ માત્ર કર્યું છે, ત્યાંની આકર્ષક જગ્યા માટે. તે છતાં, એ રેસ્ત્રોમાંની કમાણીમાંથી મોટો ભાગ તો મૂળ મેક ડોનાલ્ડ કંપનીને જ જતો હોય, અને એને તો પેટ પુરતું જ, થોડું-ઘણું કમીશન મળે, વધારે કશું નહીં. પાશ્ચાત્ય દેશોમાં ધંધાઓ આ પ્રમાણે જ થતા જાય છે.

પશ્ચિમી દેશોમાંના ઉદ્યોગ-ધંધા-વેપારના આ મોડેલનું બીબું આપણે ત્યાં ભારતમાંના હોસ્પિટલ, શિક્ષણ ક્ષેત્રે પણ આવી ગયું છે, જેને કારણે આવા ક્ષેત્રો પણ હવે ધનપતિઓના, ઇન્વેસ્ટરોના હાથમાં જતાં જાય છે, મોટી-મોટી international કંપનીઓના હાથમાં ઉદ્યોગો જતા જાય છે, ધીમે-ધીમે આ ટ્રેન્ડ વેગ પકડશે.. અને પછી એવો સમય આવતા વાર નહીં લાગે કે આખી દુનિયાનું તંત્ર એક મસમોટી કંપની બધાં જ ક્ષેત્રો સંભાળતી હશે. તમને પણ ખબર હશે કે હવે આવી મોટી કંપનીઓ તો એટલી મોટી થઇ ગઈ છે કે  દુનિયાના ૨૦-૨૫ દેશો છોડીને બીજા જે નાના-નાના દેશો છે એને જ ખરીદી શકે છે, આખે-આખા દેશો જ ખરીદી લઇ શકે એટલી મોટી કંપનીઓ થઇ ગઈ છે.

કોઈ પણ ઉદ્યોગ-ધંધાનો મૂળ હેતુ છે એને વિકસાવવાનો અને વધુ પૈસા કમાવાનો. હવે જો ઉદ્યોગપતિઓ, ઇન્વેસ્ટરો શિક્ષણને ક્ષેત્રે આવે તો અહીં પણ આ જ હેતુ હોય અને એના નિયમો લાગુ પડે, અને પછી તો એ જ પ્રમાણેનું શિક્ષણ એ સંસ્થાઓમાં આપવામાં આવશે કે એ બિઝનેસ કઈ રીતે improve થાય, કઈ રીતે બધી જગ્યાએ એની પકડ વધે! એક માહિતી તો એવી પણ છે કે આખી દુનીયાને માત્ર ૩૦-૩૫ માલેતુજારો (multi-billionaires) ચલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

થોડા સમય પહેલા મારા હાથમાં એક પુસ્તક આવેલું, ‘Confessions of An Economic Hitman’ (2004; by John Perkins). આ પુસ્તકમાં લેખક જણાવે છે કે આજે પણ દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ અમેરિકાએ UNOના માધ્યમથી આખી દુનિયામાં એવી ગજબની ડરામણી જાળ પાથરી છે કે દુનિયાના દરેક દેશોની સિસ્ટમોને, એની શિક્ષણ વ્યવસ્થા સુદ્ધાંને, એવી રીતે સમૂળગી બદલી નાંખવાની કે એ દેશે પોતાના અસ્તિત્વ માટે છેવટે પૂરે-પૂરી રીતે અમેરિકા ઉપર જ નિર્ભર થઇ જવું પડે.

આજના અમેરિકાની વાત જુદી છે, એનો ધાક પહેલા હતો એટલો આજે નથી રહ્યો બલ્કી એને એક બે દેશો એવા છે જે અમેરિકાને હવે ધમકાવે છે. પરંતુ, બે દાયકાઓ પહેલાના અમરિકાની ધાક જબરી તો હતી જ, ત્યારે પણ આ જ અમેરિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હતી, બેરોજગારી તો ત્યાં પણ હતી છતાં, એના ડોલરનું મૂલ્ય તો ઊંચું ને ઊંચું જ હતું. વિશ્વની આર્થિક લેવડ-દેવડમાં ડોલર જ સૌથી મહત્ત્વનું ચલણ હતું; આજે પણ ત્યાં એ દેશમાં ઘણું બધું બદલાયું છતાં ડોલરની સાખમાં ખાસ ફરક નથી પડ્યો અને આજે પણ વૈશ્વિક ચલણી બજારમાં (international currency marketમાં) લોકોએ મોટે ભાગે ડોલર ઉપર જ મદાર રાખવો પડે છે; આજે પણ વૈશ્વિક બજાર ડોલર ઉપર જ વધુ નિર્ભર છે, ડોલરનો ડંકો તો આજે પણ એટલો ને એટલો જ વાગે છે, એટલો ને એટલો જ આકર્ષક પણ છે!

એક રીતે જોવા જઈએ તો વૈશ્વિક વેપાર મહદંશે અમેરિકા ઉપર નિર્ભર છે. હવે, વિચાર કરો કે અમેરિકાનો એક આકર્ષક ઉદ્યોગ ફેશન ઉદ્યોગ છે, એને વિકસાવવા એ લોકો શું કરશે કે જે દેશના માર્કેટ પર પકડ મજબૂત કરવી હશે તે દેશમાં beauty contestનું આયોજન કરશે; ધીમે-ધીમે પછી એ જ દેશની કોઈ યુવતીને વિશ્વ સુંદરી જાહેર કરી દેશે; એની પાસે જ પછી મફતમાં એ દેશના beauty પ્રોડક્ટ્સની જાહેરાતો કરાવશે  – ભારતમાં, આફ્રિકામાં, દક્ષિણ-એશીયાઇ દેશોમાં… એ દેશના માર્કેટમાં વિવિધ પ્રકારે પૈસા વેરી એ લોકોના પ્રોડક્ટ્સની માંગ ઉભી કરશે એવી રીતે કે ત્યાંની છોકરીઓને એમ જ થવા માંડે કે અમે પણ વિશ્વ સુંદરી બની શકીએ છીએ… એના પ્રોડક્ટ્સની માંગ વધી, પછી દેશના વિવિધ સ્તરોએ લોભામણી મોટી-મોટી જાહેરાતો કરી, beauty contestનું આયોજન કરશે – શહેરોમાં, પ્રાંતમાં, જીલ્લા-તાલુકામાં, રાજ્યભરમાં… એના પ્રોડક્ટ્સની માંગ વધતી રહે, એટલે પછી એ લોકોના પ્રોડક્ટ્સની આયાત કરો… વારાફરતી આમ કરતા રહે છે અને એ દેશોનો એક ઉદ્યોગ (ફેશન) અમેરિકન કંપનીઓ ઉપર નિર્ભર થઇ જાય, ત્યાંની કંપનીઓને ઘી-કેળા!

હવે વાત પેલા પુસ્તકની કરીએ, લેખક જ્હોન પર્કિન્સ કહે છે કે થોડા વર્ષો પહેલા એની પોસ્ટીંગ દક્ષિણ અમેરિકાના ઉત્તર-પશ્ચિમી ભાગના એક નાનકડો દેશ Equador છે ત્યાં થઇ હતી. ત્યાં જઈ એણે એ દેશના અર્થતંત્રને એવી રીતે corrupt કરવાનું હતું કે એ દેશ સમુચો અમેરિકા ઉપર નિર્ભર થઇ જાય. સ્વાભાવિક છે કે આવું કરવા માટે એને સારા પૈસા, સંરક્ષણ અને સુવિધાઓ અપાયા હશે તેથી એ ભાઈએ તો ત્યાં લગભગ દશે’ક વર્ષો સુધી એવું કામ કર્યું કે એ દેશની કુદરતી-પ્રાકૃતિક જે સમ્મૃદ્ધિ હતી જેના ઉપર આખો દેશ નિર્ભર હતો એને જ ધમરોળી, વેરવિખર કરી નાંખી, તે ત્યાં સુધી કે આવતા ૫૦ વર્ષોમાં પણ એ દેશે અમેરિકા ઉપર નિર્ભર રહેવું જ પડે! એ દેશ અમેરિકાના આર્થિક સકંજામાંથી નીકળી જ ના શકે એવું એણે કરી દીધું હતું!

એના કામ માટે લેખક જ્હોન પર્કિન્સને પૈસા ઉપરાંત ઘણું બધું મળ્યું હશે, પણ સાથે એને અંદરથી એટલી બધી ગ્લાનિ થઇ કે એને થયું, “આ તો હું ખોટું કરું છું…” અને છેવટે, એણે એના કામમાંથી resign કરી દીધું… અને એણે એની વાત એના પુસ્તકમાં વિગતવાર લખી છે.

Hitman (હીટમેન)નો સામાન્ય અર્થ છે – અદાવત માટે, પૈસા મળે એ માટે કોઈને પણ મારી નાંખવા માટેનો ભાડુતી માણસ. Economic Hitman એટલે આર્થિક અર્થતંત્રને સમૂળગું ખરાબ કરનાર ભાડુતી માણસ. તો, એ પ્રમાણે પછી શિક્ષણ ક્ષેત્રનો hitman હશે, સાંસ્કૃતિક hitman હશે, ધાર્મિક hitman હશે… સમાજના દરેક મહત્ત્વના ક્ષેત્ર માટે ખતરનાક ભાડુતી માણસ હોઈ શકે છે, અને એ લોકો પછી જે-તે દેશોની દરેક સિસ્ટમને ક્યાં તો તોડી નાંખે છે, અથવા તો એ સિસ્ટમમાં અરાજકતા ઉભી કરે, કે પછી અમેરિકા જેવા દેશો ઉપર નિર્ભર કરતા કરી મૂકે છે, ખાસ કરીને આવા લોકોના આકાઓનો ઉદ્દેશ્ય એવો હોય છે કે જે-તે દેશો છેવટે અમેરિકા ઉપર જ નિર્ભર થઇ જાય. પરિણામે જે દેશ સંમૃદ્ધ, સ્વતંત્ર, આત્મ-નિર્ભર હોય એને પણ ધીરે-ધીરે અરાજકતાના વમળમાં ઢસડી જઈ અને એવા દેશને પણ સંપૂર્ણ રીતે દેવાદાર બનાવી દે, અમેરિકાનો આશ્રિત બનાવી દે.

અમેરિકાની કે એના જેવા એક-બે દેશો એવા છે કે અન્ય દેશોની મોટી-મોટી કંપનીઓ વિવિધ રીતે આવા કામોમાં વ્યસ્ત છે. આપણો દેશ આવી અને એના જેવી ઘણી બાબતોથી જો બચી શક્યો હોય તો એનું એક મુખ્ય કારણ છે કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે; ભારત ખાવાની બાબતમાં આત્મનિર્ભર દેશ છે. આ આત્મનિર્ભર ક્ષેત્રને હાની પહોંચાડવા માટે અમેરિકાની ખેતીના ક્ષેત્રની બે-ત્રણ માતબર કંપનીઓ ખૂબ કાર્યરત છે, જેનાથી અમેરિકન કંપનીઓને ફાયદો થાય. રશિયા, ચીનમાં તો આપણા કરતા અનેક ગણી વધારે જમીન છે, તે છતાં, એ દેશોએ ઘણી વખત અનાજની આયાત કરવી પડતી હોય છે. દરેક બિઝનેસમાં મંદી આવી શકે, પણ કરિયાણાના બિઝનેસમાં મંદી ના આવે, જીવવા માટે પહેલા પેટ તો ભરવું જ પડે.

વિવિધ કારણોસર આપણા દેશમાં લગભગ ૫૦% લોકો એવા હશે જે સાદું જીવન જીવતા હશે, બે ટંકનું ખાવાનું મળી જાય તો’ય ઘણું, સંતોષી જીવ હોય અને તેથી એ લોકો જ્ઞાનમાં ઉણા ઉતરે એવું નથી, એ લોકો જ્ઞાની હોય, પણ એમને થોડામાં સંતોષ હોય, એવી રીતે જીવતા હોય એ લોકો. તો આપણે હજારો વર્ષોથી ખેતી-વાડીના ક્ષેત્રે આત્મનિર્ભર હતા (અને ઘણે અંશે આજે પણ છીએ) અને આપણી ખેતી પણ કેવી કે ખાનારને પુષ્ટ રાખે, અને શુદ્ધ પણ રાખે.

છેલ્લા કેટલા’ક દાયકાઓથી ખેતીના ઉદ્યોગ-ક્ષેત્રમાં રસાયણોનો વપરાશ ખૂબ વધી ગયો હોવાથી હવે દુનિયાનો ઝોંક ફરી organic, જૈવિક ખેતી તરફ વધી રહ્યો છે. હવે આ જૈવિક ખેતી દ્વારા ઉગાડાયેલા ખેત-પેદાશોનો ઉદ્યોગ ખૂબ ફૂલ્યો-ફાલ્યો છે. વળી, એમાં bio-controlની વાતો, ઝેરીલા રસાયણોનો વપરાશ બંધ કરવાની ઝુંબેશ વિગેરેએ વેગ પકડ્યો છે. સાથે હવે તો જેનેટિકલી મોડીફાઈડ (GM) cropsની વાતોએ પણ જોર પકડ્યું છે (વિરોધ પણ વધ્યો છે). હવે આ બધામાં જે માલેતુજારો છે એ લોકો પોતે જૈવિક (organic) ખેતી કરાવી સારો, રસાયણો વગરનો ખોરાક ખાય છે (આપણે ત્યાં પણ આવા organic ફૂડસ મળે છે, પણ એ સામાન્ય વસ્તુઓ કરતા બે-થી-ત્રણ ઘણા ભાવે મળે છે);  અને સામે લોકોને રસાયણવાળો ઝેર-યુક્ત ખોરાક, preservatives, કૃત્રિમ રંગોવાળો ખોરાક જાહેરાતોના મારા દ્વારા લલચાવી ખવડાવે છે.

માલેતુજારોના વિચારો અને દુનિયા જુદા હોય છે, હવે એ લોકોએ પોતાને સારો, રસાયણો વગરના organic ફૂડસ મળી રહે એ માટે organic users’ associations ઉભા કર્યા છે. મજાની વાત તો એ છે કે આ જ લોકો મોટા-મોટા ખેતરો રાખે, એમાં નવી શોધો અને ટેકનોલોજીનો વપરાશ લોકોને બતાવી જૈવિક ખેત-પેદાશ માટે લોકોને જાગૃત કરે (awareness વધારે), તમને એવી ખેતી કરવા પ્રેરણા આપે, તમે એમના મોંઘા બિયારણો ખરીદો, મોંઘી ટેકનોલોજી એમની પાસે ખરીદો, પછી ઇન્સ્પેકશન એમનું, માર્ગદર્શન એમનું, એમના માર્ગદર્શન મુજબ તમે એ ખેતી કરો … અને પછી એ લોકો જ buyer પણ હોય.

ખેતીના ક્ષેત્રે પશ્ચિમી દેશોમાં બીજી જે ડરામણી ટેકનોલોજી ઉદ્ભવી છે તે છે terminator seeds – નીરુપજાઉ બી, એવા બી કે જેમાંથી ઉગેલા ફળ બીજી વખત ઉગાડવા કામ ના આવે. આપણે ત્યાં સીડલેસ દ્રાક્ષ, પપૈયા વિગેરે ફળો મળે છે એવા. અનાજ-ધાન્ય કે કપાસમાં પણ આવા બી-ની શોધો થઇ છે. આ ટેકનોલોજી દ્વારા આવા બી ઉગાડી ખેડૂતોને લલચાવી, વેચી એમાંથી સારો એવો નફો કરવાનું, અને ખાદ્ય-પેદાશની વૈશ્વિક બજારને થઇ શકે એટલી કબજે કરવાનું કારસ્તાન કહી શકાય એવું એક દાયકા પહેલા ખૂબ પ્રસર્યું હતું. આવી જૈવિક, GM, વિગેરેની બીયારણની ટેકનોલોજીમાં અમેરિકાની એક કુખ્યાત કહેવાય એવી Monsanto નામની કંપની હતી, જેણે ભારતના કપાસના બિયારણના બજારને કબ્જે કરવાના અને મોટો નફો કરવાના હેતુથી એના કપાસના terminator seeds ભારતમાં મૂક્યા હતા. પહેલા તો એ લોકોએ કપાસના ખેડૂતોને આવા બી મફતમાં આપ્યા, આ બી-ની ખેતી એક જ વખત થાય, જો બચ્યા હોય તો પણ એ બી બીજે વર્ષે વાપરવાના નહીં, કંપની પાસેથી નવા લેવાના. ખેડૂતો એ બી વાપરતા થાય એટલે એમને બે-ત્રણ વરસ પછી મોંઘા ભાવે વેચ્યા; ખેડૂતોએ કપાસના બિયારણ માટે એ કંપની ઉપર નિર્ભર રહેવાનું આવ્યું, આ બી માટે જોઈતી અન્ય મોંઘી દવાઓ પણ કંપની પાસેથી જ ખરીદવાની હોવાથી જે ખેડૂતોએ જુના બી વાપરવાની હિંમત કરી એમને દંડ પણ કર્યો, અને બીજા ખેડૂતોને ડરાવ્યા કે તમે આવું ના કરતા.

આ Monsanto કંપની સામે અમેરિકામાં અને અન્ય દેશોમાં ખૂબ ઉહાપોહ, વિરોધ થયો, એની સામે ઘણા કેસો પણ થયાં, એની સામે વૈશ્વિક વિરોધ તો આજે પણ ચાલુ જ છે… આવી ઘણી ઉપાધિઓ, અસંખ્ય વિરોધો, કાયદાકીય પણોજણથી બચવા કહો કે અન્ય કોઈ પણ કારણસર Monsanto કંપની તા. ૨૧-૩-૨૦૧૮ના રોજ એના જેવી કહી શકાય એવી યુરોપની એક બીજી કંપની Bayer પાસે વેચાઈ ગઈ, Bayerએ Monsantoને $૬૨.૫ બિલિયન ડોલરમાં ખરીદી લીધી હોવાના સમાચાર હતા. (સ્રોત: Reuters)

આપણા દેશમાં ખેતી એકદમ પ્રાકૃતિક રીતે થતી હતી; સમયાંતરે આ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિસરાતી ગઈ; આ પદ્ધતિમાં ખેડૂતો દરેક પાક પછી થોડુ બિયારણ બીજા પાક માટે સાચવી રાખતા, અને એ સાચવેલા બી-ની ખેતી કરી બીજો પાક સહજતાથી લઇ લેતા. પહેલાના સમયમાં દુનિયામાં બધા ખેડૂતો આવી જ રીતે ખેતી કરતા, અને તેથી ખેડૂતો એકદમ આત્મનિર્ભર હતા; અને મહદંશે ખેતીપ્રધાન દેશ પણ આત્મનિર્ભર હતો. Monsanto જેવી seed technologyની અને અન્ય રાસાયણિક ખાતર, જંતુ-નાશક દવાઓ બનાવતી કંપનીઓએ આ આત્મ-નિર્ભરતાને તોડવાની શરૂઆત કરી ત્યારથી ખેતીના ક્ષેત્રે વિવિધ પ્રકારની શોધો સાથે તકલીફો અને મોટી કંપનીઓની જાત-જાતની બળજબરી પણ આવતી ગઈ.

કહેવાય છે કે Monsanto જેવી કંપનીનો નફો એટલો બધો વધી ગયો હતો કે એવી કંપનીઓ તો દુનિયાના નાના દેશો જ ખરીદી લે પોતાના પ્રોડક્ટ્સના ટેસ્ટિંગ અને માર્કેટિંગ માટે; એવી મોટી- મોટી કંપનીઓ છે અને મોટા ભાગની આપણી કોલેજો-યુનિવર્સિટીઓમાં, અન્ય જગ્યાએ મોટા ખેતી-વિષયક મોટા ટ્રેડ-ફેર (trade fairs), સેમીનારો-કાર્યક્રમો થતા હોય એને પણ વૈચારિક અને આર્થિક રીતે ખૂબ સપોર્ટ કે સ્પોન્સર પણ Monsanto જેવી મોટી-મોટી કંપનીઓ જ કરે છે. આમ કરી એ કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સનું માર્કેટ-બજાર-માંગ વધારે. એ માટે ખેતી વિષયક શિક્ષણમાં પણ એવી કંપનીઓની તરફેણમાં જ ભણાવવાનું કે એના જ બિયારણ ‘નવી ટેકનોલોજી’વાળા હોવાથી એ જ વાપરવાના, એ જ કંપનીની વધુ પાક માટેની દવાઓ, જંતુનાશક દવાઓ પણ ખેડૂતને ઉપયોગી-ફાયદાકારક હોય છે’ એવું શીખવવાનું…પછી તો ખેડૂતવર્ગ એ જ કંપનીઓ ઉપર નિર્ભર થઇ જાય; દેશના કાયદાઓ પછી એ કંપનીઓને ફાયદાકારક થાય એ પ્રમાણે ઘડવાના…

એટલે, આવી રીતે અન્ય ક્ષેત્રોની સિસ્ટમ પણ ધીરે-ધીરે corrupt થતી જાય, દેશના વિવિધ ક્ષેત્રો ઉદ્યોગપતિઓના હાથમાં જાય તો એમના ફેવરમાં બધું કરવા માંડે; શિક્ષણ ક્ષેત્ર પણ એ જ પ્રમાણે ધનપતિઓના હાથમાં જાય તો પછી એ ક્ષેત્ર પણ capitalistની તરફેણમાં જ ફેરવવા માંડે, સરકારી તંત્ર એમની જ ફેવરમાં થતું જાય – જેમ કે અમેરિકા, યુરોપ વિગેરે દેશોમાં છે એ રીતે.

ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વચેટીયાઓ બધાં મળીને સરકારી તંત્ર એમને અનુકૂળ બનાવી લે, પછી સરકારી બાબુઓને પણ ‘વેપારી’ બનતા વાર નથી લગતી. છેલ્લા પાંચે’ક દાયકાઓથી ઉદ્યોગ જગતના લોકો અને સરકારી બાબુઓમાં ઝાઝો ફેર નથી લાગતો, કોઈ ભેદ જ નથી વર્તાતો. દેશના વિકાસમાં મોટા-મોટા કોન્ટ્રેકટો જે સરકારી તંત્રમાંથી પાસ કરાવવા પડે છે, તેથી હવે એવું થઇ ગયું છે કે જે મોટા, ‘મલાઈ’વાળા કોન્ટ્રેકટો હોય છે એ બધા જે-તે ખાતાઓના રાજકારણીઓ પાસે જ હોય છે – પછી એ રોડ બનાવવાના હોય, મોટા-મોટા બ્રિજના હોય, રેલવેના હોય જે પણ હોય એ બધા એ ખાતાના politicians પાસે હોય છે.

પશ્ચિમ મુંબઈના વસઈ વિસ્તારમાં આપણા એક સાધક છે, એ ત્યાં સિવિલ કન્સ્ટ્રકશનનું કામ કરે છે. હવે આ ક્ષેત્રમાં જમીનના સોદાઓ પણ કરવાના હોય, મોટા બિલ્ડીંગો બનાવવાના હોય. આવા મોટા કામોમાંનો નફો જોઈ ત્યાંની આજુબાજુની માફિયા ટોળકી તરફથી સમસ્યા થવા લાગી. આપણને તો ખબર છે કે મોટા શહેરોના આવા ક્ષેત્રોમાં કેવી-કેવી સમસ્યાઓ હોય, તો આ ભાઈની કંપનીને માફિયા લોકો તરફથી સમસ્યા થવા લાગી. સમસ્યા છે તો એનો ઉકેલ (solution) પણ હોય, ના હોય તો શોધવાનું. આ ભાઈએ પોતાને નડતી સમસ્યાના ઉકેલ માટે શું કર્યું કે ત્યાંના લોકલ કોઈ રાજકારણીને જ પોતાની કંપનીમાં ભાગીદાર તરીકે લઇ લીધા… અને માફિયાની સમસ્યા હલ થઇ ગઈ!!

ઠીક આવી જ રીતે પછી આવા જ લોકોના હાથમાં દેશના વિવિધ સ્તરોનું (તાલુકા, જીલ્લો, રાજ્ય…) શિક્ષણ ક્ષેત્ર પણ આવતું જાય. શિક્ષણ ક્ષેત્ર તો વેપારી-ઉદ્યોગપતિઓના હાથમાં છે તો હવે એ લોકોને શું જોઈએ? પહેલી વાત તો નફો કેમ થાય એ જોઈએ, બીજું, એ માટે સારું ભણેલા અને સસ્તા ગુલામ જેવા નોકરો જોઈએ; તેથી, આવા ધનપતિઓના આશ્રયથી ચાલતી શિક્ષણ વ્યવસ્થા પણ એવું જ ભણાવશે કે જેમાંથી એમને જોઈએ એવા ગુલામ-નોકરોનો ‘ફાલ’ મળે!

શિક્ષણક્ષેત્રનો આવો માંચડો ઉભો થાય, એમાં કોલેજો-યુનિવર્સિટીઓના હોદ્દેદારો પછી જે-તે કંપનીઓના હોદ્દેદારો સાથે મિટીંગ કરે, ધનપતિઓને જેવા નોકરો જોઈએ એવું સિલેબસ તૈયાર કરે, એ પ્રમાણેના ડિપાર્ટમેન્ટ પણ ઉભા કરી લે, એ પ્રમાણેના શિક્ષકો-સ્કોલરો પણ આવી જાય…પછી બે-ત્રણ વર્ષના મોંઘા ‘સ્પેશીયલ’ કોર્સ પછી કંપની ત્યાંથી એ કેમ્પસ સિલેક્શન પણ કરે… કેવું રૂપાળું અને આકર્ષક નામ છે ‘કેમ્પસ સિલેક્શન’! એમાં લગભગ બધાં’ય ખુશ – કોલેજ/યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ અને કંપની/ઓ. સરસ મજાના ઇન્ટરવ્યુ થાય, પછી ૧૦૦% ‘સિલેકશન’ પણ થઇ જાય!! (વિવિધ કારણોસર હવે કદાચ ઓછું થતું હશે)

તો, આવા શિક્ષણક્ષેત્રનો મતલબ શું છે કે જે કેપિટલિસ્ટ છે, મોટી-મોટી કંપનીઓ છે એમને કેવા નોકરો જોઈએ, કેવા ગુલામો જોઈએ તમે કલ્પના ના કરી શકો – એવા નોકરો જે થોડા કે વધારે પગારમાં ૧૦-૧૨ કલાક કામ કરવા તૈયાર હોય, અને કંપની ચાહે તો એવા નોકરોને અડધી રાતે કાઢી પણ શકે.

કેપિટલિસ્ટ સિસ્ટમમાં કંપની એ શેઠ છે, નોકરી કરનાર એ ગુલામ; તો ગુલામ માટે કોઈ કંપનીને દયા ના હોય. હું જયારે કેલિફોર્નિયા હતો, તો ત્યાં આપણા એક યુવાન સાધક છે, IT ક્ષેત્રની કોઈ કંપનીમાં હતા. એમની સાથેની વાતમાં જાણવા મળ્યું કે એ કંપનીએ ૧૫૦ માણસોને કાઢી મૂક્યા છે. સ્વાભાવિક છે કે એ ૧૫૦ લોકો અને એમના પરિવારના જે લોકો હોય એ બધાં tensionમાં હતા. એ ભાઈએ વાત કરી કે કંપની જેને કાઢી મૂકવાની હોય એને પહેલાથી જણાવે નહીં (આપણે ત્યાં તો કંપની બે-ત્રણ મહિના પહેલા એ માણસને જણાવે છે કે તારે બે/ત્રણ મહિના પછી નવી નોકરી શોધી લેવાની). ત્યાં પરદેશમાં ખાસ કરીને IT ક્ષેત્રની ઘણી કંપનીઓમાં તો એવી સિસ્ટમ હોય છે કે જે નોકરને જે દિવસથી કાઢવાના હોય અને એ વ્યક્તિ પોતાની સવારની ડ્યુટી પર જાય, ત્યારે કંપનીના ગેટ ઉપર જ એને જણાવવામાં આવે કે પહેલા તમે મેન (main) ઓફીસમાં મળી આવો, પછી તમારા ઓફીસના ટેબલ પર જજો. આ દિવસે  એને એના ટેબલ પર પણ જવા ના દે, એણે તો પહેલા ત્યાં મેન ઓફીસમાં જ જવાનું, એ ત્યાં જાય ત્યારે એ જુએ છે કે એનો resignation લેટર તૈયાર છે; એણે સમજી જવાનું કે એણે એ લેટર પર સહી કરી જ દે’વાની અને resign કરી જ દે’વાનું છે, એ માટે એને પહેલેથી કોઈ જ સૂચના ના અપાઈ હોય કે એની નોકરી જઈ રહી છે.

હવે, ત્યાંના ઓફિસરો જયારે એની પાસે એના જ resignation લેટર પર સહી કરાવતા હોય ત્યારે ત્યાં બે-ત્રણ બીજી વ્યક્તિઓ હાજર હોય – એક, ડોક્ટર અને ૧-૨ કદાવર માર્શલ. અચાનક નોકરી જતી રહી છે, તમારે પરાણે સહી કરવી પડે એ વાતથી તમને સ્ટ્રેસ વધી જાય, ચક્કર આવે કે હાર્ટ એટેક આવે તો એ સમય માટે ત્યાં ડોક્ટર હાજર હોય; બીજું એ કે તમે સ્વસ્થ હો, અને આવી અચાનક ઘટના જેવી વાતને લઇ તમે ત્યાં ધમાલ ના કરો, તોફાન ના કરી બેસો એ માટે ત્યાં પેલા માર્શલ તૈયાર ઉભા હોય.

મેન ઓફિસમાંથી એ વ્યક્તિ બહાર આવે તો ત્યાં એને માટે શોફરવાળી ગાડી તૈયાર હોય, એણે એની ગાડીમાં ઘરે ના જવાનું હોય, કંપનીની ગાડીમાં જ જવાનું, તે એટલા માટે કે આવા ટાણે સ્ટ્રેસ-ટેન્શન સાથે ઘરે જતાં રસ્તામાં કોઈ અકસ્માત ના નડે, અથવા એ કોઈ અકસ્માત ના કરી બેસે (અને કંપનીને કોઈ પણ પ્રકારે તકલીફમાં ના મૂકી ‘દે) અને એને સારી રીતે ઘરે લઇ જવા માટે એ શોફરવાળી ગાડી હોય. પેલા ડોક્ટર અને માર્શલ પણ સાથે જ ગાડીમાં બેસે, એના ઘર સુધી સાથે જ હોય. આમ, કંપની પરાણે સહી કરાવી ઘરે સલામત રીતે મૂકી જાય; ઓફિસમાં એનો જે સામાન હોય એ બીજે દિવસે FedEX મારફતે એને ઘરે પહોંચી જાય.

કોઈ પણ વ્યક્તિને આવા ઓચિંતા આવી પડેલા કપરા સમયે શું-શું થઇ શકે છે એ કંપનીના અધિકારીઓ સારી રીતે જાણતા હોય છે, તેથી એ માટે બધી જ જરૂરી વ્યવસ્થા પહેલેથી કરી રાખે, પણ કંપનીને નોકરો પ્રત્યે દયા બિલકુલ ના હોય, કંપનીને તકલીફ પડે ત્યારે કે અન્ય કોઈ પણ કારણસર એ નોકરોને સેહ્જે દયા વગર કાઢી મૂકે છે, અડધી રાતે પણ કાઢી મૂકે છે.

તો, ભૌતિકવાદી, કેપિટલિસ્ટ સિસ્ટમની કંપનીઓને આવા ગુલામો જેવા નોકરો જોઈએ. હવે આવા  કેપિટલિસ્ટ લોકોને હાથમાં જો રાજ્ય કે દેશ આખાનું education સિસ્ટમ આવી જાય તો એને જે પ્રમાણેના નોકરો જોઈતા હોય એ પ્રમાણેના કોર્સ-સિલેબસ કોલેજ-યુનીવર્સિટીઓમાં લઇ જશે. આ જ કારણે આજે કોલેજો કે યુનિવર્સિટીઓમાં લગભગ એકસરખી જ ફેકલ્ટિઓ જોવા મળશે. તમે કોઈ યુવાન/યુવતીને પૂછો કે તમે શું ભણો છો તો મોટે ભાગે જણાવશે “engineering”, કે “ડોક્ટર” કે પછી “MBA”, આનાથી વધારે કોઈ વિભાગ જ નથી દેખાતા, જો હોય તો માંડ-માંડ ફાર્મસી હોય.

વિશ્વભરમાં કેટ-કેટલિ કળા-કૌશલ્ય છે, અરે! આપણા જ દેશમાં હજારો જાતની કળા-કારીગરી એટલી બધી વિકસી હતી જેને કારણે પણ આપણો દેશ પહેલા ઉદ્યોગી, સ્વતંત્ર, હતો અને તેથી ‘सोने की चिड़िया’ કહેવાતો હતો. આજે એમાંની ઘણીખરી કળા-કારીગરીઓ નષ્ટ થઇ રહી છે

કારણ કે આધુનિક જમાનામાં એવી વસ્તુઓ જુનવાણી લાગે, એની માંગ-બજાર જ નથી રહ્યા, તેથી એ માટેનું કોઈ શિક્ષણ પણ નથી, કે નથી કોઈ કંપની ઉભી થઇ જે એવી કળા-કારીગરીને વિકસાવી એની માંગ ઉભી કરે.

આવા ઘણા કારણોસર આપણી સમાજવ્યવસ્થામાં લોકોના કામમાં નાવિન્ય હતું, એ લોકો creative અને મહેનતુ (industrious) હતા, સમાજ અને દેશ નાના-મોટા ઉદ્યોગોથી સંમૃદ્ધ હતો, અને આપણી આખી સિસ્ટમ સ્વતંત્ર હતી, એનું શિક્ષણ ઋષિઓના હાથમાં હતું, ના કે કોઈ વેપારીના હાથમાં. આજની સિસ્ટમ ભૌતિકવાદી-કેપિટલિસ્ટ-ધનપતિઓના હાથમાં હોઈ એમને તો બસ, નોકરો અને ગુલામો જ જોઇતા હોય.

મેં પેલા ભાઈને પૂછ્યું કે કંપની આવું કેમ કરે છે? તો એમણે કીધું કે ત્યાં (કેલીફોર્નીયા/USA) જેવા દેશોમાં કંપની એની જગ્યાએ સાચી છે, અને એ કામદારોને જે પ્રમાણે treat કરે છે એ પણ એની રીતે સાચું છે, કેમ કે કંપનીએ પોતાનું હિત સાચવવાનું હોય, તેથી જે નોકરને કાઢી મૂકવાની હોય અને જો એ એને પહેલેથી જણાવે અને જો એ કંપનીના મહત્ત્વના data સંબંધિત કામ કરતો હોય તો શક્ય છે કે એ નોકર કંપનીના dataમાં ચેન-ચાળા, ફેરફાર કરી શકે. એટલે ત્યાંની કંપનીઓએ બધા માટે જ એવું નક્કી કરી દીધું કે કોઈ પણ નોકરને કાઢતા પહેલા એને કોઈ વાત જણાવવી નહીં, એને એના ટેબલ સુધી પણ જવા ના દે’વાનો કેમ કે ત્યાં જઈ એ કશું તોફાન-બોફાન કરી દે, કંપનીના dataમાં કશું’ક ફેરફાર કરી ‘દે, ત્યાંના કમ્પ્યુટર-સિસ્ટમને કરપ્ટ કરી ‘દે, તેથી એને એના ટેબલ પર ના જવા દે; ત્યાંની આખી સિસ્ટમ જ એવી છે.

માની લઈએ કે ત્યાંની સિસ્ટમ એવી છે, પણ તમે વિચારો કે એ નોકરે એના પગારને આધારે બેંકની લોન લઈને ઘર લીધું હોય, ગાડી લોન પર લીધી હોય, એના બાળકોનું શિક્ષણ પણ લોનના આધારે હોય, બીજું પણ ઘણું બધું લોન પર હોય અને એ બધાંની લોનના હપ્તાઓ એના પગારમાંથી કપાતા હોય…અને કોઈ પણ સૂચના વગર એને કાઢી મૂકવામાં આવે તો એના પોતાના જીવનનું શું? નોકરી જાય, પગાર બંધ થાય તો બેંકના હપ્તા ના ભરાય, તેથી એણે થોડા દિવસમાં ઘર ખાલી કરવું પડે, ગાડી પાછી આપી દે’વાની… તો પછી, એવા સમયે માણસ રહેશે ક્યા, શું ખાશે… ક્રેડીટકાર્ડ હોય તો એ કેટલા દિવસ ચાલે? નવી નોકરી ના મળે ત્યાં સુધી એનું જીવન અસ્ત-વ્યસ્ત હોય, મન-મગર ઉપર અકથ્ય ટેન્શન હોય…અણધારી બિમારી પણ આવી જાય…

અહીં ભારતમાં હોય ત્યારે પિતાના પૈસે, ખંત અને ઉત્સાહથી IT, BTech, MBA જેવું ભણે, પછી વિદેશ જવા શું-શું કરે… અને પછી વિદેશ જઈને છેલ્લે તો ત્યાંની સિસ્ટમની ગુલામી જ કરતો હોય.

આપણી પુરાતન વર્ણાશ્રમની સમાજ-વ્યવસ્થામાં તો ગુરુકુળમાંથી નીકળે ત્યારથી એનો વ્યવસાય નક્કી હોય અને એ સ્વતંત્ર પણ હોય; પિતાનો જો વ્યવસાય હોય તો તેને માટે ગાદી તૈયાર જ હોય, કમાવા માટે એણે કોઈ ઝાઝું વિચારવાનું જ ના હોય. એમ કહીએ તો ચાલે કે એના વ્યવસાય,ધનોપાર્જન, કમાણીનું સાધન-ક્ષેત્ર તો એ મા-ના ગર્ભમાં આવ્યો ત્યારથી જ નક્કી થઇ ગયું હોય… મોટો થાય પછી ધનોપાર્જન માટે એને કોઈ ચિંતા જ નહીં, એણે કોઈની ગુલામી નહીં કરવાની, એ સ્વતંત્ર જ હોય.

સ્વતંત્રતા – માનસિક, આર્થિક બંને – બોધ, જ્ઞાન માટે, ઈશ્વરના સાક્ષાત્કાર માટે ખૂબ આવશ્યક છે. આપણા ઋષિઓએ તો શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે ‘स्वातंत्र्यात् लभते ज्ञानम्, स्वातंत्र्यात् परमं पदम्’ કે સ્વતંત્રતાથી જ જ્ઞાન મળે છે, સ્વતંત્રતાથી જ પરમ પદ પ્રાપ્ત છે.

એટલે, પરમ પદના જે જીજ્ઞાસુ છે, જે પરમ પદના સાધક છે અને જેને માત્ર પરમ પદ જ જોઈએ છે એ સિવાય કશું જ ના જોઈતું હોય એવા જે સ્વતંત્ર એકનિષ્ઠ સાધક છે, એવા જે ત્યાગી-સંન્યાસી છે એમને તો આપણી સમાજ વ્યવસ્થાએ પૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે, કે તમે તદ્દન સ્વતંત્ર છો, તમને કોઈ બંધન નથી, આપણા સમાજે સંન્યાસીઓ ઉપર કોઈ જ બંધન નથી રાખ્યું.

હું જયારે નડિયાદના હેરંજ ગામમાં રહેતો હતો તો ત્યાં કોઈને ખબર ન્હોતી હતી કે હું કયા પ્રાંતનો છું, હું શું ભણ્યો છું, હું કયા સમાજમાંથી કે પ્રાંતમાંથી આવ્યો છું, મારું કુળ કયું, મારા માતા-પિતા કોણ… મારા વિષે કોઈને કશી જ ખબર ન્હોતી. પછી જયારે મારે વિદેશ જવાનું થયું ત્યારે મારો passport બનાવવાનો હતો, ત્યારે આવી બધી વિગતો ભેગી કરવી પડી. Passport અધિકારીઓએ મારી પાસેથી મારું રેશનકાર્ડ માગ્યું, હવે એ તો મારી પાસે હતું નહીં કેમ કે મારે જાતે કોઈ દિવસ રેશન લાવવાની જરૂર ન્હોતી પડી, મારું તો ક્યાં’ય નામ જ નથી નોંધાયું; પછી કહે પંચાયતનો દાખલો લાવો. હવે, હું હેરંજ ગામમાં બે દાયકાઓથી રહેતો હતો ત્યાં મારે કોઈનો’ય દાખલો લાવવો ન્હોતો પડ્યો; કહે કોઈ ID પ્રૂફ આપો, એ પણ નહીં… મારે passport બનાવવો પડ્યો તે પહેલા મારી ઉપર ક્યારે’ય કોઈ પ્રકારનું, કોઈનું દબાણ જ ન્હોતું, પંચાયતનું દબાણ નહીં, સરકારનું દબાણ નહીં… મારી સાધના માટે મારે તો માત્ર બે રોટલી જોઈએ અને હું મારી રીતે મારી સાધના કરવા સ્વતંત્ર હતો. તો, આપણે ત્યાં સંન્યાસીઓ માટે આવી સુંદર વ્યવસ્થા હતી… અને એવી જ રીતે આત્મવિકાસ માટે, જ્ઞાન માટે, પરમાત્માને પામવા માટે સ્વતંત્રતા સૌથી પહેલા જોઈએ કેમ કે આત્મા તો પરમ સ્વતંત્ર જ છે.

સ્વતંત્ર ભારતને વિદેશી સત્તાઓએ લગભગ ૧,૦૦૦ વર્ષો સુધી ગુલામ બનાવી રાખ્યો હતો; ત્યાર પછી (ઈ.સ. ૧૬૦૦-૧૯૪૭ સુધી) અંગ્રેજોની ગુલામી આવી, એમાંથી ૧૯૪૭માં સ્વતંત્રતા મળી, ત્યારથી ‘સ્વતંત્રતા’ માટેની આપણી સમજ જ આખી બદલાઈ ગઈ, અને આપણે સ્વતંત્રતાને સ્વચ્છંદતા માની લીધી. હવે તો બધા જ કહેતા થઇ ગયા છે કે અમે તો ભઈ સ્વતંત્ર છીએ, હું ગમે તેમ કરું, ગમે તેવું ખાઉં, ગમે તેવા કપડા પહેરું, ગમે તે સમયે દિવસે, રાત્રે મારે જ્યાં જવું હોય ત્યાં જાઉં, જે મનમાં આવે તે કરું… તો, આવી વાતોને, સ્વચ્છંદતાને આપણે સ્વતંત્રતા માનીએ છીએ, પણ આપણે જે સમજીએ છીએ એ સ્વતંત્રતા નથી.

વેદો આધારીત સનાતન ધર્મમાંની આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વતંત્રતાનો સાચો અર્થ એ છે કે તમે માનસિક રીતે ક્યાં’ય પણ – વ્યક્તિ, વસ્તુ કે ઈચ્છાઓ સાથે – બંધાયેલા નથી, તમે માત્ર આત્મામાં જ સ્થિત છો, એ જ પરમ સ્વાતંત્ર્ય છે. વૈદિક જ્ઞાન-પરંપરામાં આત્મા જ સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ હોવાથી એ પ્રમાણેનું સ્વાતંત્ર્ય જરૂરી હતું… આજના ભૌતિકકાળ અને સમાજમાં તો કોઈ પ્રકારની સ્વતંત્રતા જ નથી, દરેક વ્યક્તિ કોઈ-ને-કોઈ રીતે, કોઈ સાથે, ક્યાં’કથી કાંઇ’ક-ને-કાંઇક મેળવવા માટે બંધાયેલી જ છે, કહો કે ગુલામ જ છે. ભૌતિક સમાજની સિસ્ટમમાં જે વર્ગ તૈયાર થાય છે એ તો નોકરો જ તૈયાર થાય છે. ભારત અને એના જેવા અન્ય developing દેશો છે એ તો પશ્ચિમના ધનિક, developed દેશો માટે, ત્યાંની મોટી-મોટી કંપનીઓ માટે સારા કામદારો, નોકરો જ પૂરા પાડે છે – એ નોકરો પછી શારીરિક (physical) કામ માટેના હોય કે મગજના/intellectual કામ માટેના white collarના, પણ હોય તો એ લેબરર્સ જ.

મેં પહેલા વાત કરી હતી કે અમેરિકાની માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક અને જે વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય છે એ બિલ ગેટ્સને કોઈએ પૂછ્યું કે “માની ‘લો કે તમે કોઈ પણ કારણસર તદ્દન નાદાર (bankrupt) થઇ જાવ તો તમે શું કરશો?” તો એમણે સ્હેજે પણ વિચાર કર્યા વગર કીધું કે “હું ભારત જઈ ત્યાંથી ૪૦ IT ઈન્જીનિયરોને બોલાવીશ અને ફરી નવી કંપની ઉભી કરીશ. (આ સાંભળીને સ્વામીજીનું પ્રવચન સાંભળતા શ્રોતાઓએ તાળીઓ પાડી), “ના, આમાં હરખાઈ, તાળીઓ પાડવા જેવું નથી, કહી શકાય કે આપણે શરમાવા જેવું છે, કેમ કે બિલ ગેટ્સને વિશ્વાસ છે કે ભારતના નોકરો-મજૂરો એ સારામાં સારા છે, એમને જોઈએ એવા સારાં intellectual લેબરર્સ ભારત સિવાય એમને બીજે ક્યાં’ય નહીં મળે.

ભારત ઉપર અંગ્રેજોનું જયારે રાજ હતું ત્યારે એમને પણ આવો જ વિશ્વાસ અને ખાતરી હતી, તે ત્યાં સુધી કે એ લોકોએ કોઈ પણ ભારે, ખૂબ મજૂરીવાળું કામ ક્યાં’ય પણ કરવાનું થયું તો એ માટેના જરૂરી મજૂરો ભારતમાંથી લઇ ગયા – કેન્યાના જંગલોમાં રેલવે લાઈન નાંખવાની હતી, આફ્રિકામાં રેલવે લાઈન નાંખવાની હતી, ફિજીમાં મોટા-મોટા ખેતરોમાં ખેતી કરવાની હતી, તો આવા બધા કામો માટે મજૂરો ભારતમાંથી લઇ ગયા, અને એ પણ ભારતના બિહાર, યુ.પીના લોકો. અંગ્રેજોને ખાતરી થઇ ગઈ હતી કે ભારતના લોકોનું માનસ ગુલામીનું માનસ થઇ ગયું છે, અને તેથી આપણે બસો વરસ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા હતાં.

આપણું માનસ ગુલામીનું માનસ હતું, તેથી આપણે બધાની ગુલામી કરી છે. ભારતના જેવા ગુલામો દુનિયામાં બીજે ક્યાં’ય નહીં મળે, એ લોકો (આપણે જ) જેમ કહો તેમ કરે, “ઉઠ” કહો તો એ તરત જ ઉઠી જાય, “બેસ” કહો તો બેસી જાય. દેશને સ્વાતંત્ર્ય મળ્યાને આજે સાત દાયકો વિતી ગયા છતાં આવી ગુલામીની માનસિકતા હજુ છે – તમે એ નોકરને રાત્રે દશ વાગ્યે બોલાવો, બાર વાગ્યે બોલાવો, એને કહો આજે રવિવાર છે, જોબ પર આવવાનું છે, એ કહેશે “હા, સાહેબ,” તૈયાર જ હોય. “શનિ-રવિવારે તમારે જોબ પર વધારે સમય આપવો પડશે,” એ કહેશે “હા, સાહેબ” તૈયાર. બધી રીતે તૈયાર, આવા મજૂરો બીજે ક્યાં’ય નહીં મળે.

પુરાતન ભારતમાં શિક્ષણ વ્યવસ્થા કોઈ વેપારી-ધનપતિના હાથમાં ન્હોતી તેથી ત્યાં કોઈનું કોઈ પ્રકારનું દબાણ ન્હોતું, રાજાના હાથમાં પણ ન્હોતું, તેથી રાજાનું પણ દબાણ ન્હોતું, કેમ કે રાજા જો કોઈ એક નીતિ સાથે જોડાયેલો હોય તો એ પ્રમાણેનું શિક્ષણ આપવા એ દબાણ કરે, સાથે-સાથે ધર્મના શિક્ષણમાં પણ એનો હસ્તક્ષેપ હોય…આમ, એ રાજા એના જ વિચારો, એના જ ધર્મની વાતો પ્રજા ઉપર ઠોકી બેસાડે. અને જો રાજતંત્ર પર કબજો ધનપતિઓનો હોય તો એ લોકો પણ એ પ્રમાણે જ કરશે – ધનપતિઓ, વેપારી વર્ગ પોતાને અનુકૂળ થાય એવી જ આખી વ્યવસ્થા, શિક્ષણ, સરકારી તંત્ર બધું જ એ પ્રમાણે કરશે. રાજાશાહી ગયા પછી સમાજ લોકશાહી (democracy) પ્રમાણે ચાલે છે તેથી, આખું તંત્ર ધીમે-ધીમે બીઝનેસમેનોના હાથમાં જતું જશે, કેમ કે સરકારીતંત્ર રાજકારણીઓના હાથમાં હોય, અને એ રાજકારણીઓ ચૂંટાય છે લોકમતથી અને એવી ચૂંટણીઓ માટે સારું એવું funding કરવાનું હોય, અને funds હોય છે ધનપતિઓ પાસે, બીઝનેસમેનો પાસે. પહેલા આવા બીઝનેસમેન funding કરી પોતાને અનુકૂળ હોય એવા લોકોને જીતાડીને સરકારી તંત્ર પર આડકતરી રીતે control મેળવતા; હવે તો બીઝનેસમેન પોતે જ ચૂંટણી લડતા થઇ ગયા છે.

અમેરિકાનું કહેવાતું લોકતંત્ર ત્યાંના ધનાઢ્ય એવા બુશ પરિવાર, ઉપરાંત બીજા ૪૦-૫૦ એવા ધનપતિઓનાં હાથમાં છે. (સ્રોત: www.cbsnews.com/pictures/americas-50-most-prominent-families-named/4/ ; The Bush Family Destroying America for the past more than 30 years – https://realclimatescience.com/2017/08…) આ બુશ પરિવારની કેટલી મોટી-મોટી કંપનીઓ છે, એ લોકો એમની industry તો ચલાવે જ છે, સાથે-સાથે ત્યાંની ચૂંટણીઓ લડે, જીતે પણ છે અને અમેરિકાના લોકતંત્ર ઉપર લોખંડી પકડ પણ જાળવી રાખી છે. તો, આવી જ રીતે કોઈ પણ દેશનું રાજતંત્ર કે લોકતંત્ર જો કોઈ એવી વ્યક્તિઓના હાથમાં જાય પછી તો એ લોકો જે વિચારધારા સાથે જોડાયેલા હોય, જે ધર્મને અનુસરતા હોય એ જ પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા, અન્ય વાતો ત્યાં હશે. એ વિચારો સિવાય બીજા કોઈ જ વિચારોને ત્યાં ટકવા જ નહીં દે’શે, અને જો મુસ્લિમ વિચારધારાના લોકો હશે, રાજ્ય તંત્રમાં હશે તો એ લોકો પહેલું શું કરશે કે ત્યાં જે મુસ્લિમ વિચારધારાને ના સ્વીકારે એનું ગળું જ કાપશે.

એવી જ રીતે Communismની વિચારધારા સાથે પણ થશે, જે દેશમાં કોમ્યુનિઝમ આવે તો ત્યાં સૌથી પહેલા શિક્ષણ વ્યવસ્થામાં આ જ વિચારધારા ભણાવાશે, બીજું કશું નહીં. ભારતમાં ભારત-વિરોધિઓમાં નક્સલવાદ ઘણો પ્રસર્યો છે, નક્સલવાદી લોકો પણ વિદેશી મદદથી એમના કન્ટ્રોલવાળા પ્રદેશોમાં સૌથી પહેલા શિક્ષણ વ્યવસ્થા પર જ કબજો કરશે, એમની જ વાતો-દર્શન ભણાવે છે નાના-નાના બાળકોને… તે ત્યાં સુધી એ બાળકોને પ્રભાવિત કરે છે કે ૫-૫, ૭-૭, ૧૦-૧૦ વરસના બાળકોના મગજમાં પહેલા તો હિંસા ભરી દે, અને પછી એમના હાથમાં ગન પકડાવી દે. જેવું ભણવામાં આવે એવું જ વિચારવામાં પણ આવે, અમલ પણ એ જ વિચારોનો થાય – પછી તો એમની વિચારધારાના વર્તુળની બહારના લોકો એટલે દુશ્મન, એમની હિંસા જ કરવાની, અને એ લોકોને આવી વાતો ખોટી છે એવું પણ નથી લાગતું, એ ખોટું છે એવું લાગતું જ ના હોય.

જે વિચારધારાના લોકો રાજ-કે-લોકતંત્રના રાજકારણમાં હશે એ જ પ્રમાણેનું શિક્ષણ પણ હશે, જીવન પણ એવું જ હોય… તેથી, આપણે ત્યાંની ગુરુકુળની શિક્ષણ વ્યવસ્થા પૂર્ણ રીતે આત્મનિર્ભર અને સ્વતંત્ર હતી. બીજી વાત એ કે એ વ્યવસ્થા સાદી હતી, વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણવા આવે ત્યારથી એ ગુરુના શિષ્ય બનીને રહેતા, ૨૪ કલાક ગુરુની સાથે જ રહેવાનું, ભણી લે ત્યાં સુધી ગુરુકુળમાં જ રહેવાનું અને ત્યાં ગુરુકુળમાં શિક્ષણ નિ:શુલ્ક અપાતું.

ગુરુકુળમાં મળતા શિક્ષણની એક મહત્ત્વની વાત એ પણ હતી કે એ શિક્ષણ applied હતું, જીવનોપયોગી, જીવાનોત્કર્ષવાળું હતું, જયારે આપણા દેશનું આજનું શિક્ષણ theoretical છે, applied નથી. આ વાતને સમજજો – કોઈ વિદ્યાર્થી civil engineeringનું ભણીને આવે કે B.E. કરીને આવ્યો હોય અને એને જો કહેવામાં આવે કે ભઈ, તમારે આ મકાન બનાવવાનું છે, તો એ બનાવી નહીં શકે. તો પછી એણે કોલેજમાં પાંચ વરસ કર્યું શું? હું જોઉં છું કે કોઈ અભણ માણસ પણ જો કોઈ કારીગર સાથે એક વરસ જ રહે છે, તો પણ એ મકાનનું બધું જ કામ કરવા લાગે છે, તો આવું બધું શીખવા માટે એક વરસ તો બહુ કહેવાય, એક વરસમાં તો એને નાનું-મોટું મકાન બાંધતા તો આવડી જાય. જયારે પેલો BE Civil કરવા માટે પાંચ વરસ કોલેજમાં ભણે છે તો પણ પાંચ વર્ષના અંતે એ જાતે મકાન તો ના જ બનાવી શકે. તો એણે પાંચ વરસ કર્યું શું? એવી જ રીતે MBBS કરીને આવ્યો હોય, તો એની પણ પરિસ્થિતિ લગભગ આવી જ હોય, એને કોઈ એક દર્દી આપી દ્યો અને કહો કે આને તારે સાજો કરવાનો છે, એ નહીં કરી શકશે. તો એણે પણ પાંચ વરસ કર્યું શું?

પુરાતન ભારતના ગુરકુળોમાં અપાતું શિક્ષણ applied હતું, પ્રેક્ટિકલ હતું. આપણા એક સાધકના છોકરાએ આયુર્વેદનું ભણવા માટે કોઈ કોલેજમાં એડ્મિશન લીધું. મને વાત કરી, ત્યારે મેં એને કીધું કે તું પહેલા દિવસથી જ કોઈ વૈદ્યને ત્યાં જજે, એને કહેજે કે મને તમારી સાથે રહેવા દો, ભલે શિખવાડી ના શકતા હો તો પણ વાંધો નહીં, પણ મને તમારે ત્યાં કામ કરવા દો, હું તમારે ત્યાં બધું કામ કરીશ, સેવા કરીશ…” એ છોકરાએ એવું કરવા માંડ્યું, કોલેજના પ્રોફેસરોને ખબર પડી તો એ પેલા છોકરાને કહે, “તું આવું બધું ના કર, પહેલા મન દઈને ભણી લે, પછી આવું કરજે.” એણે આવીને મને વાત કરી, મેં કીધું કે “તું કોઈનું સાંભળતો નહીં, ફરી તું કોઈ વૈદ્યને ત્યાં જ, એ વૈદ્ય ના માને તો કહેજે કે હું તમારે ત્યાં બધું કામ કરીશ – કચરો વાળીશ, સાફ કરીશ, તમારી ક્લિનિકમાં દવા વિગેરે બધું વ્યવસ્થિત ગોઠવી આપીશ, પડીકા બાંધીશ, રોજ બે કલાક સેવા આપીશ, તમે મને પૈસા-બૈસા કાંઈ ના આપતા.”

શિક્ષણ પ્રથામાં અહીં જે બે પ્રકારની પરિસ્થિતિઓ છે એ સમજજો – એક છે પુરાતન ભારતની, બીજી છે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલી આધુનિક ઇન્ડિયાની વ્યવસ્થા. પુરાતન વ્યવસ્થામાં વૈદકીય વિદ્યા-અર્થી હતો એ વૈદ્ય પાસે રહે, સેવા કરે, વૈદ્યના નાના-મોટા ક્લિનિક પર ઝાડુ-બાડુ લગાવે, સાફ-સફાઈ પણ કરે, દવાઓ, કેસ-પેપર્સ-ફાઈલો ગોઠવે, સવારના વૈદ્યની ક્લિનિક તૈયાર કરી લે. આવું બધું જાતે કરતા એને દવાખાનું ચલાવવાનું મેનેજમેન્ટ આવડી જાય; ત્યાર પછી વૈદ્ય એને જડી-બુટ્ટીઓ, દવા માટેની અન્ય સામગ્રીઓને વાટવા-ફૂટવાનું આપે એ પણ એ શીખી લે, એવી બધી સ્વે આપે. સાથે-સાથે એ જ વૈદ્ય ખુશ થાય એટલે એને વૈદ્યચિકિત્સાનું પણ ભણાવતા જાય… આમ, એ વિદ્યા-અર્થીને સાથે-સાથે દવાનું ‘મેન્યુફેક્ચરિંગ’ (દવા બનાવવાનું) પણ આવડી જાય.

વૈદ્યનો ‘શિષ્ય’ આવી રીતે તૈયાર થાય પછી એને દર્દીને તપાસતી વખતે વૈદ્ય પોતાની સાથે બેસાડતા જાય, કેસ-બાય-કેસ એને ભણાવતા પણ જાય… આવી રીતે એ ‘વિદ્યા-અર્થી’ને પછી consulting પણ આવડી જાય. આવું બધું કરતાં-કરતાં બે-ત્રણ વરસમાં તો એ બધી રીતે વૈદ્ય કે ડોક્ટર બની જાય.

હવે તમે વિચાર કરો કે માતા-પિતા નક્કી કરે કે એમના બાળકને ડોક્ટર બનાવવો છે, તો એ જો આઠ-દશ વરસનો હોય ત્યારથી જ જો એ કોઈના દવાખાને-હોસ્પિટલમાં જવા લાગે, એની ક્ષમતા પ્રમાણે એને થોડું-થોડું કામ આપો, રોજ સવારે એ બે કલાક આવા બધાં કામો કરે, અને દરરોજ સાંજે એને ૩-૪ કલાક એને જરૂરી જ્ઞાન અને મેડિકલ વિગેરનું ભણાવતા જાય, તો આવું બાળક કેટલી ઉંમરમાં ડોક્ટર થઇ જાય? ખંત અને મહેનતથી આવું કરે, શિખી લે તો બીજા ૬-૮ વર્ષો તો બહુ થઇ જાય, એ ૧૫-૧૬ વર્ષનો થાય એટલે એ ડોક્ટર થઇ જાય.

મને યાદ છે કે મારા પૂર્વાશ્રમમાં મારી સાથે એક છોકરો ભણતો હતો, એ મારો મિત્ર પણ હતો. એ છોકરાના પિતા child-specialist હતા. તો આ છોકરો નાનપણથી જ એના પિતાની હોસ્પિટલમાં જતો; થોડા વખત પછી કોઈ કારણસર એના પિતા જો ૧-૨ દિવસ માટે બહાર ગયા હોય તો ત્યારે એ હોસ્પિટલની સંભાળ લે’તો…આમ કરતાં-કરતાં એ જયારે કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે તો એ આખી હોસ્પિટલ સંભાળતો થઇ ગયો હતો.

તમને યાદ હશે કે પહેલા આપણે ત્યાં ત્રણ વરસમાં RMP (registered medical practitioner) બનાવતા હતા; કોઈ ડોક્ટરને ત્યાં કોઈએ ત્રણ વરસ કામ કર્યું હોઈ તો એને અનુભવી કહી શકાય એવા ડોક્ટરનું RMPનું સર્ટિફિકેટ આપતા હતા; એને પછી મેડિકલ પ્રેક્ટિસ પણ કરવા દે’તા હતા. આવા RMP બહુ ભણેલા ન્હોતા, અને જો એને વ્યવસ્થિત રીતે મેડિકલનું ભણાવવામાં આવે તો એ ત્રણ વરસમાં તો પાકો અધિકૃત ડોક્ટર થઇ જ જાય.

હવે આજની શિક્ષણ પદ્ધતિને જુઓ – તો પહેલાના વખતના જે ૧૫ વરસમાં ડોક્ટર થઇ શકતો, એની જગ્યાએ આજે ૨૫-૩૦ વર્ષો ભણ્યા પછી તો એને મેડિકલની ડિગ્રી મળે, અને એ ડોક્ટર થાય, અને એ પણ બિન-અનુભવી! ૩૦ વરસ ભણ્યા પછી પણ બિન-અનુભવી ડોક્ટર!? તો, એ યુવાનના ૧૫ વર્ષો ક્યાં ગયા? એ ૧૫ વર્ષોની એની ઊર્જા-એનરજી (energy)નું શું? અને આવા તો કેટલા’ય યુવાનો દર વર્ષે ડોક્ટર બનીને બહાર આવે છે, તો, એ બધાંના એટલા (૧૫) વર્ષો જે ગયા, એમની energy ગઈ એનું શું? કોઈએ MSc કર્યું હોય, MA કર્યું હોય… અને ઘણા એવા ડિગ્રીધારકો છે જે યોગ્ય નોકરી શોધતા ના મળે તો છેવટે બેંકમાં કારકુનની નોકરી કરવી પડે છે. હવે કારકુન તો એ ૧૦માં ધોરણ પછી પણ થઇ શકતો હતો! આજની શિક્ષણ પદ્ધતિમાં પટાવાળાની નોકરી મેળવા માટે Masters કરેલા લોકો પણ એપ્લીકેશન કરે છે!!

આધુનિક ઇન્ડિયાની પશ્ચિમી ઓપવાળી શિક્ષણ પધ્ધતિમાંથી દર વર્ષે લાખો યુવાનો-યુવતીઓ વિવિધ ક્ષેત્રની કોલેજોનું ‘ભણી’ને બહાર આવે છે, લગભગ બિનઅનુભવી કહી શકાય એવા…અને, શોધે છે નોકરી… મળે કે ના પણ મળે, પછી તો જે મળે તે લઇ લે… તો, આવી પરિસ્થિતિમાં એ બધાંની જીવન શક્તિનું શું? તો, આજની શિક્ષણ પદ્ધતિ applied નથી, પ્રેક્ટિકલ નહીંવત્. પુરાતન ભારતની શિક્ષણ પદ્ધતિ applied હતી, જે ભણવાનું હોય એ પહેલેથી જ નક્કી હોય, એ દિશા-ક્ષેત્રનું ભણે અને એને લગતા કામ પણ કરતા હતા. તો, આવી, વિશેષતા હતી આપણા પુરાતન ભારતની શિક્ષણ પદ્ધતિની.

ॐ तत् सत्