વચનામૃત

पराञ्चि  खानि  व्यतृणत्  स्वयंभू- ,
स्तस्मात्  पराङ्पश्यति नान्तरात्मन् ।

कश्चिद्धीरः   प्रत्यगात्मानमैक्ष  – ,
दावृत्तचक्षुरमृतत्त्वमिच्छन्          ॥

કઠોપનિષદ, અધ્યાય – 2, વલ્લી-1, શ્લોક-1.

પદચ્છેદ :-   पराञ्चि, खानि, व्यतृणत्, स्वयंभूः, तस्मात्, पराङ्, पश्यति, न, अन्तरात्मन्, कश्चित्, धीरः, प्रत्यग्, आत्मानम, ऐक्षत्, आवृत्तचक्षुः, अमृतत्त्वम्, इच्छन् ॥

ભાવાર્થ  :-  શબ્દ,સ્પર્શ, રૂપ,રસ અને ગંધ આ બધા ઇંદ્રિયોના વિષય છે. આ વિષયોનું યથાર્થ જ્ઞાન થાય એ માટે પરમાત્માએ ઇંદ્રિયોની રચના કરી. મનુષ્ય ઇંદ્રિયો દ્વારા શરીર, મન, બુદ્ધિ, અને વ્યવહારને સારી રીતે કરી શકે, તેનાથી સુખ લાભ લઇ શકે માટે ઇંદ્રિયોને બહિર્મુખ કરી પરંતુ વિવેકના અભાવને કારણે મનુષ્ય વિષયોમાં આસકત થઇ જાય છે અને અંતર્યામી પરમાત્માની અનુભૂતિ નથી કરી શકતો. પરંતુ કોઇ બુદ્ધિમાન વ્યકિત જ સ્વાધ્યાય, સત્સંગ તથા પરમાત્માની કૃપાથી વિવેક જાગૃત કરી વિષય ભોગોના પરિણામને  દુ:ખરૂપ સમજી, ઇંદ્રિયોને અંતર્મુખ કરી અંદર રહેલા આત્મતત્ત્વની અનુભૂતિ કરી શકે છે.

વાક્ પુષ્પ

પોતાની સત્તા (હોવાપણું) સત્ છે અને હું-પણું (અહંકાર) અસત્ છે. અસત્ નો ત્યાગ કરવાથી સત્ નો સંગ અર્થાત્ સત્ માં પ્રેમ થાય છે, સત્ નો સાક્ષાત્કાર થાય છે, સત્ માં નિષ્ઠા થાય છે, સત્ માં સ્થિતિ થાય છે. વાસ્તવમાં અસત્ નિરંતર આપણો ત્યાગ કરી રહ્યું છે. જે નિરંતર આપણો ત્યાગ કરી રહ્યું છે તેવો જ ત્યાગ કરવાનો છે અર્થાત્ તેનાથી દૂર થવાનું છે.

હવે આપણો ત્યાગ કોણ કોણ કરી રહ્યું છે તેને સમજીએ- શરીર નિરંતર આપણો ત્યાગ કરી રહ્યું છે, પ્રાણ નિરંતર આપણો ત્યાગ કરી રહ્યો છે, મન-બુદ્ધિ-ઇંદ્રિયો નિરંતર આપણો ત્યાગ કરી રહ્યાં છે.

શરીરથી આપણે નિરંતર જીવી રહ્યાં છીએ- આ તો વહેમ છે, પણ આપણે શરીરથી નિરંતર મરી રહ્યાં છીએ. આ વાત સાચી છે. શરીર નિરંતર આપણાથી અલગ થઇ રહ્યું છે, આ જ તેનું મરવું છે. આપણે સ્વયં એમના એમ જ છીએ. સ્વયંની જે સત્તા બાળપણમાં હતી તે જ આજે છે એવું આપણે કહી શકતા નથી. શરીર તે જ નથી, મન-બુદ્ધિ-ઇંદ્રિયો પણ તે જ નથી, આપણા સિદ્ધાંતો, મૂલ્યો, ભાવ કશું જ તે  નથી. હજુ વધુ વિચારીએ તો આપણી સામગ્રી, આપણા સાથીઓ, આપણો કાળ, આપણી અવસ્થા, આપણી પરિસ્થિતિ કશું જ એ જ નથી પરંતુ એટલું જ કહી શકાય કે “ હું સ્વયં એ જ છું , જે પહેલા હતો”.

“હું તે જ છું” આમાં સ્થિતિ હોવી એનું નામ જ તત્ત્વની પ્રાપ્તિ છે. આ ભાવ આપણા જીવનમાં ચરિતાર્થ થાય તેવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના

પરમ પૂજય સ્વામીજીના જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાસુમન
-દિનેશભાઇ પોપટ

સ્નેહ અને સદભાવ તણી સરવાણી બનતું સ્મિત તમારું,
ઉત્સાહને ઉલ્લાસ તણી ઉજાણી કરતું સ્મિત તમારું,
વ્યોમ મહીં બંધાતાં વાદળ જેવી એક અગોચર ઘટના,
વર્ષે ત્યારે અવનિને હરીયાળી કરતું સ્મિત તમારું,
ચક્ર્વ્યૂહની છલના  જેવી રચના કરતાં કંઇક અસુરો,
દુષ્ટ વૃત્તિનાં સાતેય કોઠા ભેદી વળતું સ્મિત તમારું,
છીછરાં ખંધા બીંબાઢાળ ને બનાવટી સ્મિતોની વચ્ચે,
શીતલ નિર્મલ ઝરણાં જેવું ખળખળ વહેતું સ્મિત તમારું,
તસ્વીરોમાં ના બંધાતુ પૃથ્થકરણથી ના પરખાતું,
ઇશ કાર્યના પગલે પગલે છે વિસ્તરતું સ્મિત તમારું.