આજનું જીવન દુઃખ અને સંતોષોથી ભરપૂર છે. જો માણસ યોગના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોને પણ અમલમાં મૂકવા યત્ન કરે તો આવી વિક્ષુબ્ધ સ્થિતિમાં પણ સારી રીતે જીવન જીવી શકે.

યોગ વડે પૂર્ણતા, શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. યોગના મહાવરાથી હંમેશાં તમારું મન શાંત જ રહેશે અને તમારી શક્તિ, તાકાત તથા તંદુરસ્તીનું સ્તર ઊંચું આવશે. થોડા સમયમાં જ તમે ઘણું ઉત્તમ કાર્ય કરી શકશો. જીવનના દરેક તબક્કે તમને સફળતા પ્રાપ્ત થશે. યોગ તમારા હૃદયમાં નવું બળ અને આત્મવિશ્વાસ પેદા કરશે. તમારું શરીર અને મન તમારા કાબુમાં રહેશે.

યોગ તમારા આવેગોને કાબૂમાં રાખશે. તે તમારા કાર્યની એકાગ્રતા વધારશે. યોગની શિસ્ત પ્રત્યેકના જીવનમાં અનેરી સુસંવાદિતા દાખલ કરે છે. યોગ દ્વારા માણસ ઇશ્વરને ઓળખી શકે છે અને માનવ તથા ઇશ્વરના સંબંધને પણ જાણી શકે છે.

અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, દુર્બળતામાંથી બળ તરફ, વિસંવાદિતામાંથી સંવાદિતા તરફ, ઇર્ષ્યામાંથી પ્રેમ તરફ, અછતમાંથી તૃપ્તિ તરફ, ભિન્નતામાંથી એકતા તરફ અને અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ લઇ જનાર ફક્ત યોગ જ છે. યોગ દુઃખીઓને દિલાસો, નિર્બળને બળ, માંદા માણસને તંદુરસ્તી અને અજ્ઞાની લોકોને જ્ઞાન આપે છે.

યોગની શિસ્ત દ્વારા મન, શરીર અને વાણીના અવયવો સંવાદિતાથી કાર્ય કરે છે. યોગના આરાધકને નવું જીવન, નવીન તંદુરસ્તી અને નવીન તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.

સત્તાલોલુપતા, ભૌતિક લાલસા, ઇન્દ્રિયોની ઉત્તેજનાઓ, સ્વાર્થ, ધન લોલુપતા અને નિમ્ન બુભુક્ષાઓ માનવીના જીવનની સાચી શક્તિને દુન્યવી ભોગો તરફ ખેંચે છે. જો માનવી સમજણપૂર્વક, દિલથી યોગના સિદ્ધાંતોનું પાલન કરે તો તે દિવ્ય કીર્તિને ફરીથી પ્રાપ્ત કરી શકે. યોગ પશું જેવા સ્વભાવનું દિવ્ય સ્વભાવમાં રૂપાંતર કરી શકે છે અને અંતે તેને દિવ્ય કીર્તિ અને પરમાનંદની ટોચ પર મૂકી દે છે.