(નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે )

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||

                                                                                    .गी. १६:

આ પૃથ્વી ઉપર ઘણી જગ્યાએ જાત-જાતના બી પડ્યા હોય છે જે કોઈએ વાવ્યા નથી હોતા. આવા બી અનૂકુળ પરિસ્થિતિ મળે એટલે એ પછી અનાયાસે ઉગી છોડમાં પરિવર્તિત થતા હોય છે; અમુક બી એવા હોય છે કે જે વરસાદના પાણીથી જ અંકુરિત થાય, એના વગર એ અંકુરિત ના થાય અને એ જમીનમાં જ પડ્યા રહે. એવી જ રીતે શુદ્ધ હૃદયમાંથી જયારે કોઈ જિજ્ઞાસા ઉદ્ભવે છે, કોઈ પ્રશ્ન તીવ્રતાથી હૃદયમાં ઉભો થાય છે તો એની અંદર રહેલા ઉત્તરોમાંથી પરમાત્મા જ એને કોઈ-ને-કોઈ રૂપમાં યોગ્ય ઉત્તર પ્રકાશિત કરતા જ હોય છે.

અહીં શ્રીમદ્ ભગવદ્ગીતામાં તો શુદ્ધ અને સરળ હૃદયવાળા અર્જુન છે જેની સામે આવી પડેલા ઘોર યુદ્ધની શરૂઆતમાં જ એને ઘણા પ્રશ્નો સતાવે છે, એ પ્રશ્નોનું સમાધાન અને આપણો પરમોત્કર્ષ કરાવે એવા ઉત્તરો આપવા માટે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ હાજર છે જેમની શુભ કરનારી વાતોથી આ આખું શાસ્ત્ર ભરેલું છે. આ સોળમાં અધ્યાયમાં ભગવાને જે બધી સંપત્તિઓ કીધી છે એ તો જાણે બધી સંપત્તિઓ ભેગી થઈને સુંદર મણીઓની એક દિવ્ય, અલૌકિક માળા ના હોય, એવું છે.

આપણે જયારે-ક્યારે બજારમાં કશું’ક લેવા જઈએ છીએ ત્યારે ત્યાં જાત-જાતની લોભામણી વસ્તુઓ આકર્ષક રીતે ગોઠવી હોય છે, આપણને એ બધી જ વસ્તુઓ સારી-સુંદર જ લાગતી હોય ત્યારે આપણે નિર્ણય જ ના કરી શકીએ કે એમાંથી આપણે કઈ વસ્તુ લઈએ અને કઈ ના લઈએ.

આ અધ્યાયમાં ભગવાને જે બધી સંપત્તિઓની વાત કરી છે એમાં બધા’ય જે ગુણો છે એમાંથી કયો ગુણ શ્રેષ્ઠ છે, એ નિર્ણય આપણે નથી કરી શકતા; અને જો એ બધામાંથી આપણે એકાદ એવી મનગમતી સંપત્તિ કાઢી લઈએ તો એવું લાગે કે જાણે એ દિવ્ય માળા ખંડિત થઇ જાય એવું લાગે. બીજી રીતે એવું પણ લાગે કે સુંદર ફૂલોનો મનમોહક એક બુકે (bouquet, ગુલદસ્તો) હોય જેના આકર્ષણમાં દરેક ફૂલો પોતાની રીતે ઉમેરો કરતા હોય છે, અને એમાંથી જો એકાદ ફૂલ પણ કાઢી લઈએ તો એની શોભા, મનમોહકતા જાણે બગડી જાય એવું લાગે.

ભગવાન શ્રીકૃષ્ણે  દિવ્ય સંપત્તિઓમાં સૌથી આગવા સ્થાને મુક્યું છે ‘અભય’, નિર્ભયતાને; અને તેથી સાધકમાં જો ભય હોય તો ત્યાર પછીની જે બધી સંપત્તિઓ ગણાવી છે – સત્ત્વસંશુદ્ધિ, જ્ઞાનયોગવ્યવસ્થિતિ:…  એમાંનું કશું જ ના મળે, ભય સાથે આ બધી સંપત્તિઓ ના આવી શકે, કારણ કે ભય સાથેનું કોઈ પણ આચરણ એના હૃદય સુધી ના લઇ જઈ શકે, અને પછી એનો જે સાર છે, એ નિર્ભયતાનો જે રસ છે એ આપણને ના આપી શકે. સાચું બોલવાથી લાભ જરૂર થાય, પરંતુ જો હું સાચું બોલું પણ ભય સાથે બોલું તો મને એ સાચું બોલ્યાનો લાભ નથી મળતો. એવી જ રીતે અહિંસાનું પણ છે, કે હું ભય સાથે અહિંસાનું આચરણ કરું છું તો એ અહિંસા નથી. દા.ત. કોઈ એક સુકલકડી માણસ એક પહેલવાન સાથે કોઈ કારણસર વાદ-વિવાદમાં ઉતરી પડે, અને કહે કે “જા, જા, હું તો અહિંસામાં માનું છું, નહીંતર તને જોઈ લે’ત,” તો, આવી અહિંસાનો કોઈ અર્થ નથી રહેતો.

ભારતમાં ૧૯૪૦ના દાયકાઓમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે જર્મનીના હિટલર અને એના સાથી દેશો વિરુદ્ધ લડવા માટે અંગ્રેજોને સૈન્યબળની જરૂર હતી, તે વખતે ભારતના કોઈ પણ નેતા અંગ્રેજોને સહાય આપવા માટે તૈયાર ન્હોતા. આ નેતાઓ ત્યારે કહેતા હતા કે અંગ્રેજો આપણી ઉપર રાજ કરે છે, જુલમ પણ કરે છે અને એ આ યુદ્ધમાં ફસાયા છે તો છો ફસાતા, આપણે એમની સ્થિતિનો લાભ લેવો જોઈએ. આવા સમયમાં ગાંધીજીએ એ બધા નેતાઓને અને બીજા લોકોને પણ અપીલ કરી કે તમે અંગ્રેજોના સૈન્યબળમાં જોડાવ. ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે તમે આવું કેમ કરો છો, આ તો સારી તક છે લાભ લેવાની, ત્યારે ગાંધીજીએ કહ્યું કે ના, એ લોકો અત્યારે મજબૂરીમાં છે, આપણે એમની મજબૂરીનો લાભ નથી લેવાનો. એ લોકોએ કીધું, “બાપુ, તમે અહિંસાની વાત કરો છો, અને આ તો ઘોર હિંસાની વાત છે,” ત્યારે તેમણે કહ્યું, “મારી અહિંસા કાયરની અહિંસા નથી, જેમ નપુંસકના બ્રહ્મચર્યનો કોઈ અર્થ નથી હો’તો, અને કોઈ નપુંસક કહે હું બ્રહ્મચર્યનું પાલન કરું છું તો એનો કોઈ મતલબ નથી, એમ કાયરની અહિંસાનો કોઈ અર્થ નથી. હું જાણું છું કે મારી સાથે જે લોકો જોડાયા છે એમાંથી ઘણાં ખરા એવા છે કે જે લોકો હિંસા નથી કરી શકતા, એમનામાં હિંસા કરવાનું સાહસ કે સામર્થ્ય નથી, અને એવા લોકો મારી સાથે જોડાયા છે. તો, મારી અહિંસા કાયરોની અહિંસા નથી.”

ગાંધીજીએ જે પ્રકારે અહિંસાના પ્રયોગો કર્યા હતા એ માટે પાકી નિર્ભયતા જોઈએ, શારીરિક બળ ઉપરાંત આંતરિક બળ પણ જોઈએ… એ મામૂલી વાત નથી, કે તમારા ઉપર લાઠીના વાર થતા હોય, હાડકા-પાંસળા તૂટે પણ ખરા, જીવલેણ પણ બને એવી રીતે માર પડતો હોય, અને ત્યારે ત્યાં તમે કોઈ પણ પ્રતિક્રિયા કર્યા વગર બસ, માત્ર ઉભા જ રહો… ના, આવું કરવું એ મામૂલી વાત નથી, અને ગાંધીજીને અનુસરનારાઓમાંથી ઘણા લોકોએ અહિંસાના મંત્રને કારણે આવી રીતે લાઠીના જીવલેણ માર ખાધા છે, કેટલા’ક મર્યા’ય ખરા… આવી અહિંસાના દૃશ્યો જોઇને, વાંચીને દુનિયાના વિચારકો અચંબિત થઇ હચમચી ગયા હતા. તો, આવી અહિંસા નિર્ભયતા સાથે જ શક્ય છે, જો ભય સાથેની હોય તો એ કામની નથી.

જેમ ફૂલોની માળા કે મોતીઓની માળામાં દરેક  ફૂલ કે મોતી એક-બીજા સાથે જોડાયેલા હોય છે, અને જોડાયેલા હોવાને કારણે એક-બીજા ઉપર એ અસર પણ કરે છે. એવી રીતે આ બધી સંપત્તિઓ એક-બીજા સાથે આપસમાં જોડાયેલી હોય છે. વસ્તુત:, પૂર્ણ અહિંસા તો સત્યની, પરમાત્માની ઉપલબ્ધિ વગર શક્ય નથી. કુદરતમાં જે સંપૂર્ણ રીતે અહિંસક તત્ત્વ છે એ એક સર્વવ્યાપક શક્તિ છે, અનંત તત્ત્વ છે એને સમજ્યા વગર, એને જાણ્યા વગર એની સાથે એકરૂપ થયા વગર પૂરી અહિંસા શક્ય નથી. આપણને ખબર ના પડે એ રીતે આપણા જીવનમાં હિંસા ક્યાં’ક-ને-ક્યાં’ક અજાણ પણે આવી જતી હોય છે.

અહિંસાનું ઉદ્ગમ સ્થાન છે આત્મનિષ્ઠા. માણસમાં બધા ગુણો, બધી સંપત્તિ આ આત્મનિષ્ઠાથી આપોઆપ આવી જતી હોય છે, જેમ સૂર્યના કિરણોથી આપોઆપ અનંત રંગો ઉદ્ભવતા હોય છે, એમને તો જેવી પરિસ્થિતિ કે વાતાવરણ સામે મળે છે એવો રંગ એમાંથી ઉદ્ભવે છે. એવી જ રીતે આત્મનિષ્ઠા છે એમાંથી જ બધી દિવ્ય સંપત્તિઓ પણ પ્રકટ થાય અને એમાંની એક અહિંસા પણ છે, કેમ કે જ્યાં એક જ પરમ તત્ત્વ છે, આ પરમ તત્ત્વ સિવાય બીજું કશું જ નથી, અને જેને એનો સાક્ષાત્કાર થઇ ગયો છે પછી ત્યાં એ એક જ છે, બીજું તો કોઈ છે જ નહીં, ત્યાં કોણ કોનો દ્વેષ કરશે, કોણ કોનો રાગ કરશે, ત્યાં કોણ કોની હિંસા કરશે? કોનું મૃત્યુ? કોઈનું મૃત્યુ જ નથી, કેમ કે એ પરમ તત્ત્વ તો સનાતન છે, એનો તો ક્યારે’ય જન્મ જ નથી થયો, તો પછી મૃત્ય કેવી રીતે, કોનું? અને જ્યાં બીજું કોઈ નથી, તો પછી કોનો ભય હોય? દરેક ભયના મૂળમાં મૃત્યુનો જ ભય હોય છે, તેથી જે મૃત્યના ભયથી નિશ્ચિંત થઇ ગયો, જે નિર્ભય થઇ ગયો… એણે એ પરમ તત્ત્વને પામી લીધું, ઓળખી લીધું, તો એ કોની હિંસા કરશે? ત્યાં તો બસ, અહિંસા જ રહેશે, ઉદ્ભવશે, અને સહજતાથી સાથે આવશે કરુણા, પ્રેમ, ત્યાં એ બધું જ પ્રકટ થતું હોય.

આપણા શરીરમાં એક જ તત્ત્વ છે, એ તત્ત્વ સિવાય બીજું કશું જ નથી. હાથમાં, પગમાં, આંખમાં, કાનમાં, માથામાં, … બધામાં એ એક જ તત્ત્વ છે, અલગ-અલગ નથી, એક જ ચેતના છે, એટલે, આપણા શરીરમાં કોઈ પણ અંગ અન્ય અંગની ‘હિંસા’ ક્યારે’ય નથી કરી શકતું, ત્યાં હિંસા શક્ય જ નથી – હાથ કોઈ દિવસ આંખનું અહિત કરે એ  શક્ય જ નથી, કાનનું, માથાનું એ અહિત કરે કોઈ અંગ બીજા અંગનું અહિત કરે એવું શક્ય જ નથી; આપણી ચેતના ક્યારે’ય આપણું નુકશાન નથી કરતી. એટલે, કોઈ દિવસ માણસ જાતે એનું નુકશાન ના કરે, એ જાતે એની આત્મહત્યા ના કરી શકે, જો એણે કોઈ શસ્ત્રથી નહીં (જેમ કે છરી, બંદુક કે દોરડી વિગેરેથી નહીં), પણ માત્ર પોતાના શરીરના અંગોથી જ આત્મહત્યા કરવી હોય તો એ ના કરી શકે, એ જાતે પોતાનું ગળું ના દબાવી શકે, કારણ કે ગળું દબાવે કે તરત જ શ્વાસ રૂંધાય, એ બેભાન થઇ જાય અને ગળાપરથી એનો હાથ છૂટી જાય. આમ, પોતાની જ શક્તિ, પોતાની જ ચેતના પોતાનું અહિત કે હિંસા ના કરી શકે.

એટલે, અહિંસાનો સાચો ઉપાય છે નિષ્ઠા, બોધ અને ત્યાંથી જ સાચી અણીશુદ્ધ અહિંસા પ્રકટ થાય છે. આ માર્ગનો જે સાધક છે, જેણે આ અહિંસાના માર્ગથી આગળ વધવું છે તો એની પૂર્ણતા પણ બોધ જ છે. આમ, અહિંસા બોધમાં પૂર્ણ થાય છે, પરિણમે છે, બોધ સિવાય અહિંસા પૂરી નથી થતી. અને, આપણે જયારે બોધથી, નિજથી, નિજાનંદથી ખસીએ છીએ ત્યારથી જ ધીમે, ધીમે, આપણી અંદર હિંસાનું બી રોપાતું જાય છે, હિંસાની શરૂઆત ત્યાંથી જ થઇ જાય છે.

આપણી અંદર અહિંસાનું જે મૂળ છે ત્યાંથી આપણે જયારે ખસ્યા ત્યારથી સૂક્ષ્મ રીતે હિંસાની શરૂઆત થાય છે, નિજથી દૂર થયા કે અવિદ્યા આવી, અવિદ્યા આવી તેથી હિંસા પણ આવી. વિદ્યા હોય, બોધ હોય ત્યારે માણસ નિજમાં તૃપ્ત હોય છે, સ્વાંત: સુખી માણસ એ છે જે પોતાની અંદર તૃપ્ત છે, મસ્ત છે, નિજાનંદમાં છે… અને જયારે એ જ વ્યક્તિ આ કેન્દ્રથી ખસે છે, ધીમે ધીમે કે ત્વરિત, એ પછી પોતાના સુખ, આનંદ, સમાધાનને છોડી દે’તો હોય છે અને સૂક્ષ્મ રીતે એના મનમાં અજંપો, અતૃપ્તિ આવતી જાય છે.

હવે, માણસનો મૂળ સ્વભાવ તો આનંદ, તૃપ્તિ જ છે, અને જયારે એ ત્યાંથી ખસે છે, તો એ જ આનંદ, એ તૃપ્તિને, એ સુખને ફરી શોધે છે, એ મેળવવા પ્રયાસ કરતો હોય…એ પોતાનો, નિજનો આનંદ નથી જાણતો તેથી એ બહાર વિષયો-વસ્તુઓના ઉપભોગમાં, sense gratificationમાં એ સુખ, આનંદ શોધે છે… ત્યાં એ નથી મળતો તેથી અતૃપ્તિ અનુભવે, તેથી એને ગુસ્સો આવે; બસ, હિંસાની શરૂઆત થઇ ગઈ. માણસ જયારે બહાર વિષયોમાં સુખ માણવા લાગે છે ત્યારે સ્વાભાવિક રીતે બીજા સાથે ટકરાવ થાય, બીજાના હિતથી પણ ટકરાવ સ્વાભાવિક છે, બીજાના હિતને ઘવાયા વગર, ઘા કર્યા વગર આપણું હિત સિદ્ધ નથી થતું.  જયારે હું વિષયોમાં સુખ જોવા લાગ્યો ત્યારે મને બીજાના અનુમોદન appreciationની પણ ઈચ્છા જાગે છે, કારણ, વિષયોનું સુખ એ બીજાનું અનુમોદન માંગે જ, બીજાનું અનુમોદન, appreciation જોઈએ, જો એ નથી મળતું, તો મને વિષયોમાં કે વસ્તુઓની વિપુલતામાં સુખ નથી મળતું, મને મજા નથી આવતી.

વિચાર કરો, તમને મર્સીડિસ લઈને જંગલમાં ફરવામાં આનંદ આવે? જંગલમાં ઘર હોય, ત્યાં તમારી પાસે મર્સીડિસ પણ હોય, પરતું ત્યાં બીજું કોઈ ના હોય તો તમને એ જ મર્સીડિસ સુખ ના આપતી હોય. તમારી પાસે મર્સીડિસ છે એનું appreciation કરવા કોઈ બીજું જોઈએ, કે “વાહ! શું વાત છે મર્સીડિસ ખરીદી! ક્યારે લાવ્યા? કેટલાની આવી?” બીજાનું appreciation જોઈએ. કોઈ પણ વ્યક્તિ જો ઘરમાં જ હોય તો એ કોઈ દિવસ મેક-અપ, શૃંગાર નથી કરતી, પણ જો એ કોઈ ફંકશનમાં કે પાર્ટીમાં જવાની હોય તો જરૂર મેક-અપ, શૃંગાર કરીને જ નીકળે, લોકો કહેશે, વાહ, તમે તો સુંદર દેખાવ છો! એવી જ રીતે ગાડી, પૈસા, મકાન જેવા બહારના સુખના સાધનો બીજા પાસેથી અનુમોદન માગે છે, આનંદ તો આવે જ, સાથે અહં ઈગો, પણ પોષાય છે. અને જયારે હું મારા કરતા કોઈ વધારે સુખીને જોઉં તો લોકોનું અનુમોદન મને નથી મળતું, બીજાને મળે છે…આ પરિસ્થિતિ પછી સંઘર્ષ ઉપજાવે, સંઘર્ષ વગર રહી ના શકાય, સંઘર્ષ એટલે મારું કે બીજાનું હિત ઘવાય, દ્વંદ્વ થશે, હિંસા થશે. બસ, હિંસાની આ શરૂઆત.

મને યાદ છે કે અમે નાના હતા ત્યારે કાંડા ઘડિયાળ બાંધવાનું એ પણ એક પ્રકારની લકઝરી ગણાતી! કોઈ નવું ઘડિયાળ લાવ્યા હોય તો વાતે-વાતે એ એના શર્ટની બાંયો ઉંચી કરે, પ્રયાસ કરે કે આપણી, સામેવાળાની નજર એની નવી ઘડિયાળ તરફ જાય. બહેનો પાર્ટીમાં જાય અને કોઈ કિમતી હાર પહેરીને ગયા હોય તો સાડીનો પાલવ આમ-તેમ કર્યે રાખે જ્યાં સુધી કોઈ પૂછે નહીં કે “કેટલો સરસ હાર છે, કેટલાનો આવ્યો?” “રૂ.દશ લાખનો છે.” “વાઉ! WOW! દસ લાખનો!!” આ WOW નથી પણ હાય છે, કે તમારી પાસે છે, મારી પાસે નથી. આ બીજાની હાયમાં જે મને સુખ મળે છે એજ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે કે બીજાને હું જ્યાં સુધી દુઃખી ના જોઉં, કે કરું ત્યાં સુધી મને સુખ મળતું જ નથી. જયારે હું વિષયોમાં સુખ જોઉં છું, તો બીજાના દુઃખે જ મને સુખ મળે છે. એટલે, બીજાનું સુખ મને દુઃખી કરી દે છે. અને જેટલું નજીકનો માણસ હોય એનું સુખ મને વધારે દુઃખી કરતુ હોય. ગામમાં કોઈ મર્સીડિસ લાવે તો મને દુઃખ ના થાય, પણ જો મારો જ ભાઈ મર્સીડિસ લઇ આવે તો મને તકલીફ થઇ જાય, ઘરે ઝઘડો શરુ, “જુઓ, જુઓ, ત્યાં સામે નવી મર્સીડિસ ગાડી આવી ગઈ, અને તમે જૂની ને જૂની ગાડી લઇને ફરો છો! આવું ક્યા સુધી ચાલશે?” બસ, આપણી તકલીફ શરુ.

એટલે, જો હું વિષયોમાં સુખ જોઉં છું તો ધીમે-ધીમે મારું બધું જ કરપ્ટ (corrupt) ભ્રષ્ટ થાય છે, મારી બધી જ સંપત્તિઓ ભ્રષ્ટ થાય છે. દાન છે, તો એમાં પણ સૂક્ષ્મ હિંસા આવશે. તમે જો કોઈ જગ્યાએ દાન લખાવવા જાવ, તો જોશો કે લોકો કહેતા હોય “લિસ્ટ બતાવોને, કોણે કેટલું આપ્યું એ જોવું છે.” લિસ્ટ જુએ, અને જેમનાથી એમને ના ફાવતું હોય એના કરતા વધારે જ લખાવશે, અને માણસની એવી વૃત્તિનો બહુ હોંશિયાર લોકો પૂરેપૂરો ફાયદો લે છે.

એક દિવસ હું એક સંપ્રદાયના ચાતુર્માસના સમાપનના ઉછામણા કાર્યક્રમમાં ગયેલો. ત્યાં લોકો એક ફોટાનું ઉછામણુ કરતા હતા. ચાતુર્માસમાં એ ફોટાની આરાધના થઇ હતી. એક ભાઈ ઉછામણુ બોલાવતા હતા. એ લોકો માંડ-માંડ રૂ.પાંચ હજાર સુધી જઈ શક્યા. થોડી વારમાં ત્યાં એક બીજા ભાઈ આવ્યા ને એવી વાતો કરી, એવી વાતો કરી કે પાંચ હજારના રૂ.૫૦,૦૦૦ સુધી ગયા એ લોકો. હવે, જે ભાઈએ રૂ.૫,૦૦૦ બોલ્યા હશે એમનું મન રૂ.૫૦,૦૦૦ થયા એનાથી દુભાયું નહીં હશે? આમ, દાનમાં પણ હિંસા આવશે, યજ્ઞમાં હિંસા આવશે.

યજ્ઞની વાત આવી એટલે મને યાદ આવ્યુ કે હું થોડા દિવસો પહેલા એક યજ્ઞના કાર્યક્રમમાં ગયેલો. ત્યાં એ યજ્ઞ કરાવનાર ભાઈ થોડા સમય પહેલા બીજે ક્યાં’ક યજ્ઞમાં ગયા હશે, ત્યાં જોઇને એ ભાઈને થયું કે લાવને, એના કરતા હું  અહીં મોટો યજ્ઞ કરી બતાવું. બસ, આ ભાઈએ તો ઓછામાં ઓછા રૂ.૫૦ લાખથી રૂ.૬૦લાખનો ખર્ચો કરી મોટો યજ્ઞ કર્યો! એમાંથી અડધા તો એ ભાઈએ મહીને ત્રણ ટકાના વ્યાજે લાવીને આવડો મોટો આ યજ્ઞ કર્યો. અને ભૂદેવો તો એમને એટલા ચઢાવે, એટલા ચઢાવે કે જાણે એમના જેવો યજ્ઞ કરનાર થયા જ નથી. આવી જ રીતે, તપસ્યામાં પણ હિંસા આવશે. હું જયારે ઋષિકેશ હતો ત્યારે દર પંદર દિવસે નીલકંઠ દર્શને જતો. આજે જીપ જે રસ્તે જાય છે (લગભગ ૩૫-૪૦ કિ.મી. લાંબો રસ્તો છે) ત્યારે એ રસ્તો ન હતો, અમે જંગલના ટૂંકે રસ્તેથી જતા. ત્યાં રસ્તામાં એક ગુફા આવતી, નજીકમાં ઝરણું વહેતું હતું. ત્યાં એ ગુફામાં અમે થોડીવાર બેસીને પછી આગળ જતા. થોડા દિવસ પછી એક સંત ત્યાં રહેવા લાગ્યા, એમની પાસે એક જ કૌપીન, ભભૂતિ લગાવે અને ધૂણો હોય. અમે એમની પાસે પાંચ-દશ મિનિટ બેસી, વાતો કરતા, આનંદ આવતો. એક દિવસ આમ જ વાત-વાતમાં જ એ કહેવા લાગ્યા કે અત્યારે ભારતમાં બે જ તપસ્વીઓ છે. એક કોઈ સંતનું નામ લીધું, અને કહે બીજો હું છું. એટલે, હિંસા આવી, એટલે તપ પણ બગડ્યું… બધું જ બગડતું જાય.

વિષયોમાં સુખ જોવાની વૃત્તિ આવે એટલે હિંસાથી મુક્ત આપણે નહીં થઇ શકીશું; હિંસા પછી કોઈ પણ જાતની હોય શકે. પતંજલિ એમના યોગસૂત્રના સાધાનપાદમાં કહે છે કે –

वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका
मृदुमध्याधिमात्रा दु:खाज्ञानानन्तफ़ला इति प्रतिपक्षभावनम् ||

– प.यो.सू. २:३४

હિંસા કેવી છે? તો એના મૂળમાં લોભ હોય, ક્રોધ હોય, મોહ હોય. એવું પણ બને કે લોભને કારણે હિંસા થાય, મોહને કારણે કે ક્રોધને કારણે પણ હિંસા થતી હોય. कृतकारितानुमोदिता – જાતે એવું કરીએ કે બીજા પાસે કરાવીએ, અનુમોદન આપીને કરાવીએ એવું કહીને કે “હા, હું બેઠો છું ને, તું તારે કરને,” અનુમોદન આપીએ. આવું કરવાથી दु:खाज्ञानानन्तफ़ला અનંત પ્રકારના અજ્ઞાન અને એને લીધે અનંત પ્રકારના દુઃખો મળે છે. એ દુઃખોની સીમા પૂરી થતી નથી અને ખાસ કરીને જે હિંસાનો ભાવ છે એ જલદી પીછો નથી જ છોડતો. કોઈને નુકશાન કરવાનો ભાવ છે, ક્રોધ છે, પછી એ જે હિંસાના રૂપમાં અભિવ્યક્તિ છે એ શરીરથી હોય, વાણીથી હોય કે પછી મનથી હોય, એ જલદી પીછો નથી છોડતી.

મકરંદ દવેએ એમના ગુરુજી સાથેનો એક પ્રસંગ લખ્યો છે. એક વખત તેઓ એમના ગુરુજી પાસે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યા, એ દુઃખી હતા, કારણકે થોડા દિવસો પહેલા જ એમની દશ વર્ષની દીકરીને સાપ કરડ્યો હતો અને એ મરી ગઈ. બધી વાત કહેતા, એ ભાઈએ કીધું કે દુઃખ એ વાતનું વધારે થાય છે કે એ છોકરી ઘરમાં મૂકેલા લાકડા લેવા ગઈ હતી, ત્યાં એક સાપે એને દંશ માર્યો. આ જ જગ્યાએ થોડી વાર પહેલા એમના માજી ગયેલા, ત્યાંથી લાકડા લઈને આવેલા, તો એમને કશુ ના થયુ, અને મારી દશ વર્ષની દીકરીને સાપ કરડ્યો! એવું કેમ?”

એ સંત થોડી વાર મૌન રહ્યા પછી પૂછ્યું કે તમે થોડા દિવસ પહેલા (અન્ય શહેરનું નામ લીધું) ત્યાં હતા? “હા”, “ત્યાં તમારી દીકરીને ચામડીનું દર્દ થયેલું, માંડ-માંડ મટ્યું હતું. ત્યારે પણ આ જ સાપે એને દંશ માર્યો હતો, પણ ત્યારે એને ફાવ્યું ન હતું, સાપનું પૂરેપૂરું ઝહેર ઉતર્યું ન્હોતું, એટલે એને ત્યારે ચામડીનું દરદ થયેલું, પણ એ વધ્યું ન્હોતું. પછી તમારી અહીં ટ્રાન્સફર થઇ… એ સાપ પછી ગુડ્સ-ટ્રેનમાં ચઢી અહીં આવી ગયો અને લાગ જોઈ તમારી દીકરીને દંશ માર્યો.”

કોઈને થાય કે આ ઘટના કોઈ આયોજન પૂર્વક ના થઇ હોય, પણ એવું થતું હોય કે કુદરત એ રીતે ગોઠવતી જ હોય; અનાયાસે સાપને એ રીતે પ્રેરણા થાય, તેથી એ તમારી દીકરીને શોધતો અહીં આવ્યો અને અહીં એણે તમારી છોકરીને દંશ માર્યો છે; એનું કારણ એ કે તમારી છોકરીએ એના ગયા જન્મમાં એને ઝેર પીવડાવીને એની હત્યા કરી હતી.”

ક્રોધ, નફરત, દ્વેષ, વેર-ઝેરની વાત, હિંસાની વાત એ ભાવ અને એ માટેની કૃતિ એ કાંઈ કોઈના એક-બે જન્મોમાં પૂરા નથી થતા; ઉપરના કિસ્સા પરથી સમજી શકાય કે એવી વાતો તો જન્મો-જન્મ સુધી પીછો કરે છે.

Many Lives Many Masters નામનું એક સરસ પુસ્તક એક અમેરિકન મનોવૈજ્ઞાનિક અને પૂર્વ-જન્મની વાતોના નિષ્ણાત ડોક્ટર Brian Leslie Weissએ લખ્યું છે. આ પુસ્તકમાં લેખક એના એક પેશન્ટ કેથરીનની વાત કહે છે. આ કેથરીનને એક છોકરો બહુ પજવતો હતો, કાયમ એને હેરાન જ કર્યા કરે. એ આ ડોક્ટર પાસે આવી; એમણે એને હિપનોસીસ / રિગ્રેશનના પ્રયોગ દ્વારા એને પાછલા જન્મોમાં લઇ ગયા. પૂર્વ જન્મમાં લઇ જવાયેલી કેથરીને એમને કીધા પ્રમાણે અમુક જન્મો પહેલા આ છોકરાએ કેથરીનનું મર્ડર કરેલું.

તો, એ શત્રુતા, એ હિંસા માણસના જન્મો-જનમ પીછો કરે છે; એ હિંસા માત્ર શરીરથી જ થાય છે એવું નથી, એના વિવિધ પ્રકારો હોય છે – કોઈને સતાવતા હોઈએ, કર્મથી સતાવતા હોઈએ, વાણીથી સતાવે. મહાભારતનો એક સુંદર પ્રસંગ છે કે એક વખત કૌરવોએ નક્કી કર્યું કે આજે આપણે ગમે-તેમ કરીને યુધિષ્ઠિરને મારી નાંખીએ; એ મરી જશે તો એના બીજા ચાર ભાઈઓ ઢીલા થઇ જશે, અને એ લોકો પછી લડી નહીં શકશે. પરંતુ એમને ખબર હતી કે જ્યાં સુધી અર્જુન છે ત્યાં સુધી યુધિષ્ઠિરને મારી નહીં શકાય, તેથી કૌરવોએ એમના અમુક સૈનિકોને અર્જુન પાછળ મોકલ્યા એને દૂર લઇ ગયા. પછી કર્ણએ યુધિષ્ઠિર ઉપર હુમલો કરી દીધો. હવે, એ સમયમાં યુદ્ધના નિયમો મુજબ બંને લડવૈયાઓ પાસે એક સરખા હથિયાર હોવા જોઈએ – ધનુર્ધારી હોય એ જ ધનુર્ધારી સાથે લડી શકે, ગદાધારી જ ગદાધારી સાથે લડી શકે, પાયદળ પાયદળ સાથે લડે, રથી હોય એ જ રથવાળા સાથે લડે. અહીં યુધિષ્ઠિરનું શસ્ત્ર તલવાર હતું અને સામે ધનુર્ધારી કર્ણ જો હુમલો કરે છે તો એ અધર્મ, અન્યાય કરે છે, એકદમ અન્યાય કહેવાય.

હવે, યુધિષ્ઠિર કર્ણ સામે લડવામાં લાચારી અનુભવતા ચારે બાજુ નજર કરી શોધે છે કે અર્જુન ક્યાં છે; હવે અર્જુનને તો કૌરવોએ એમના સૈનિકો જોડે લડવામાં વ્યસ્ત કરી દીધો હતો. આવા કપરા સમયે અર્જુન નથી તેથી યુધિષ્ઠિરને અર્જુન પર ખૂબ ગુસ્સો પણ આવ્યો. ધનુર્ધારી કર્ણ સામે તલવારમાં નિપુણ એવા યુધિષ્ઠિર લડી ના શક્યા અને ખૂબ ઘવાઈ ગયા છે, એમના સારથી એમને છાવણીમાં લઇ આવ્યા. થોડી વાર પછી અર્જુને જોયું કે યુધિષ્ઠિરના રથની પતાકા નથી દેખાતી, તપાસ કરી તો જાણ્યું કે તેઓ તો ખૂબ ઘવાઈ ગયા છે, તેથી ત્વરિત યુધિષ્ઠિરની છાવણીમાં ગયા. અર્જુનને જોતાં જ યુધિષ્ઠિરે અર્જુન ઉપર અને એના ગાંડીવ ઉપર પણ એમનો ગુસ્સો કાઢ્યો, કહે આવા સમયે તારું ગાંડીવ કામ ના આવે તો એ નકામું છે.

હવે અર્જુને તો પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ગાંડીવનું જો કોઈ અપમાન કરશે, એને માટે ખરાબ બોલશે તો એને હું જીવતો નહીં રાખુ. પ્રતિજ્ઞા તો પ્રતિજ્ઞા, અને એ પણ ક્ષત્રિય-રાજપૂતની પ્રતિજ્ઞા! બસ, અર્જુન કહે કે આજે તો હું યુધિષ્ઠિરને જીવતો નહીં રાખું. પણ એવું કાંઈ બને? ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં આવી ગયા, અર્જુનને સમજાવ્યો કે આપણાથી મોટા, વડીલ હોય, શ્રેષ્ઠ પુરુષ હોય એને અપશબ્દ કહીએ, અપમાનિત કરીએ તો એ એમની હત્યા જેવું જ હોય, એટલે તું યુધિષ્ઠિરને થોડા અપશબ્દો કહી દે તો એ એમની હત્યા જેવી જ ગણાશે.

અર્જુન તો ભગવાન શ્રીકૃષ્ણનો મિત્ર અને તે પણ સૌથી પ્રિય, એણે તો ભગવાનની વાત માની લીધી, યુધિષ્ઠિરને થોડા અપશબ્દો કીધા તેથી એમની પ્રતિજ્ઞા માન્ય ગણાઈ કારણ કે એ વાણીથી ‘હત્યા’ કરાઈ હતી! તો, હત્યા આવી રીતે પણ થતી હોય.

સામાન્ય રીતે કોઈ પણ નામી, પ્રખ્યાત વ્યક્તિ એની કળા, કાબેલિયત, સિદ્ધિ, હોદ્દા વિગેરેથી પ્રખ્યાત હોય છે; એની મહત્તા, એનું સમસ્ત જીવન એની સિદ્ધિ ઉપર જ આધારિત હોય છે એની સિદ્ધિ, એની કળા એ બધું એને માટે પ્રાણ સમાન હોય છે. કોઈ સંગીતકાર હોય, ગાયક હોય, સેના નાયક હોય, જે પણ હોય એને જો જાહેરમાં એની કળા કે એની પોતાની બાબતમાં કોઈ ખૂબ અપશબ્દો કહે, અપમાનિત કરે તો એ વાત એને માટે મરવા જેવી થઇ જાય, એને થાય કે હવે એના જીવવાનો કોઈ અર્થ જ નથી રહેતો.

અર્જુને એની પ્રતિજ્ઞા મુજબ વાણીથી યુધિષ્ઠિરની ‘હત્યા’ કરી કહેવાય, લોકોએ એ વાત માન્ય પણ કરી, પણ હવે અર્જુનને ક્ષોભ થયો કે મેં મારા મોટાભાઈને કેવા-કેવા, કેટલા બધા અપશબ્દો કીધા, મારા જીવનને ધિક્કાર છે, હવે હું જીવીને શું કરું? અર્જુને તો અણધારી વાત કહી, ગાડી ઉંધી દિશામાં વાળી, કહે, હું જ આત્મહત્યા કરી લઉં, મને હવે જીવવાને અધિકાર જ નથી, હું જ મરી જાઉં… ભગવાન તો ભગવાન, શ્રીકૃષ્ણ ફરી સામે આવી ગયા, અર્જુનને સમજાવી કીધું કે ના, એવું ના કરાય, તું જ તારી પ્રશંસા કરી લે, આપણે પોતાની જ પ્રશંસા કરીએ તો એ પણ આત્મહત્યા જેવું જ કહેવાય.

હત્યાના કેટલા પ્રકારો! પોતાની પ્રશંસા એ પણ એક પ્રકારની હિંસા છે, કેમ કે ચેતના પોતાની પ્રશંસા કેવી રીતે કરી શકે? કોણ-કોની પ્રશંસા કરશે? પ્રશંસા થાય તો એ તો દેહની થાય, વિષયો-વસ્તુની થાય. તેથી, હું મારી, મારા દેહની જેટલી પ્રશંસા કરું, એટલો હું મારો જ દેહભાવ મજબૂત કરું છું અને આત્માથી, મારી ચેતનાથી દૂર થતો જાઉં છું. એટલે જે આત્માને નથી જાણતો, શ્રુતિ એને आत्महा આત્મઘાતી કહે છે, કારણ કે જેણે આત્માને નથી ઓળખ્યો, સત્યને નથી ઓળખ્યું, પરમાત્માને નથી જાણ્યા, નથી પામ્યા એ જ આત્મઘાતી છે.

અર્જુનની વાતનો વિચાર કરીએ તો અર્જુને પોતાની પ્રશંસા કરી એ પણ આત્મઘાત જેવું જ ગણાયું, બધાએ કીધું, ચાલો, તારી પ્રતિજ્ઞા પણ પૂરી થઇ ગઈ. આમ, વાણીથી હિંસા થાય, ક્રિયાથી હિંસા થાય, શરીરથી હિંસા થાય, મનથી થાય…

ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ છે – એમની પાસે એક રાજાએ થોડા દિવસો પહેલા જ સંન્યાસ લીધેલો, અને એ ઉભા-ઉભા તપસ્યા કરતા હતા, ધ્યાન કરતા હતા. એવામાં એ રાજાના રાજ્યના બીજા લોકો મહાવીરને મળવા આવ્યા, રસ્તામાં એમણે જોયુ કે એ રાજા તો ઉભા-ઉભા ધ્યાન કરે છે. બન્યું એવું હતું કે આ રાજાએ જયારે એનું રાજ્ય છોડ્યું ત્યારે એના પાડોશી રાજાએ એના રાજ્ય ઉપર હુમલો કર્યો અને એના પરિવાર સહિત બધું જ ખેદાન-મેદાન કરી દીધું હતું. એટલે, એ લોકો આપસમાં બોલ્યા કે, જો આ તો અહીં સાધુ થઈને ધ્યાન કરે છે, અને ત્યાં એના રાજ્ય અને પરિવારને પેલા રાજાએ (એનું નામ લીધું) તો હુમલો કરી બધું સત્યાનાશ કરી દીધું છે. આવી વાત કરી, પછી મહાવીર સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું કે આ રાજાએ એનું રાજ્ય છોડીને સાધુતા ગ્રહણ કરી છે, તો એની કેવી ગતિ થશે? શું ગતિ થશે? તો મહાવીર સ્વામીએ કીધું કે “તમે લોકો જયારે તમે એના રાજ્ય ઉપર બીજા રાજા દ્વારા આક્રમણની વાત કરી તે વખતે જો એમનું મૃત્યુ થા’ત તો એ નરકમાં જા’ત, અને જો અત્યારે એનું મૃત્યુ થાય તો એ સ્વર્ગમાં જશે. એ લોકોએ આનું કારણ શું એવું પૂછ્યું. મહાવીર સ્વામીએ કીધું કે તમે લોકોએ જયારે વાત કરી તે એમણે સાંભળીને તરત જ એમનો હાથ એમની તલવાર પર ગયો, કે તલવાર કાઢું, પણ ત્યાં તો સાધુને  હવે માત્ર કૌપીન જ હતી, તલવાર તો હતી નહીં; ત્યારે એને ખ્યાલ આવ્યો કે, ‘અરે! હું તો સાધુ થઇ ગયો છું,’ ફરી એ પોતાની સાધનામાં લીન થયા થઇ ગયા, તો તલવાર કાઢતી વખતે જો એમનું મૃત્યુ થા’ત તો એ નરકમાં જા’ત, કારણ કે એમનું ચિત્ત તે વખતે હિંસાથી ભરેલું હતું; હવે અત્યારે એ ધ્યાનમાં છે એનું ચિત્ત સમાહિત છે, અત્યારે એનું મૃત્યુ થશે તો એ સ્વર્ગમાં જશે.”

મનની છેલ્લી સ્થિતિમાં પણ જો હિંસાનો ભાવ છે તો માણસની સદ્ગતી નથી થવાની, અને મૃત્યુ સમયની મનની છેલ્લી સ્થિતિ કેવી હોય છે? આપણા સમસ્ત જીવન દરમિયાન આપણી અંદર જે ભાવનું પ્રાધાન્ય હોય, જે વાતનો સૌથી વધુ પ્રભાવ હોય તો છેલ્લા સમયે એ વાત ફળીભૂત થવા જોર કરે છે. કોઈ વ્યક્તિ માટે વેરભાવ, દુશ્મનાવટ હોય તો છેલ્લા સમયમાં એ જ બહાર આવશે, જેમ આખા દિવસ દરમિયાન જે ભાવ, જે ક્રિયાઓએ આપણને વધારે પ્રભાવિત કરી હોય તો એ જ ભાવ, એ જ વાત, રાતે ઉંઘતી વખતે યાદ આવશે, સ્વપનામાં પણ એ જ આવ્યા કરે છે, અને ઉંઘતી વખતે તો ખાસ, અને તેથી એને ઉંઘ પણ ના આવે; કોઈ ચિંતાની વાત હોય તો એ જ વિચારો એના એ જ આવ્યા કરે છે…જા ણે, એ એના વિચારોના વમળમાં ફસાઈ જાય છે, અને એ પ્રયત્ન કરી એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પણ એવા સમયે એની તાકાત ઓછી પડે છે. આમ એ-ના-એ જ વિચારો એને ગ્રસી લે છે એ એમાંથી નીકળી નથી શકતો, અને ખૂબ પ્રયત્ન કરવા છતાં એને ઉંઘ આવતી નથી.

એવી રીતે આખા જીવનમાં જે વાત વધારે હોય – દ્વેષ, ક્રોધ, હિંસા એવું જે વધારે હોય તો એ મૃત્યુ સમયે ભૂલી નથી શકતો, કોઈને ક્ષમા નથી કરી શકતો કે નથી એ વાતોને ભૂલી શકતો. તો એ આવી વાતોના, સ્મરણોના વમળ મૃત્યુ સમયે ચાલુ થઇ જાય છે અને એ વિચારો મૃત્યુ પછી બીજા જન્મમાં  સાથે આવે છે… અને પછી શરુ થાય છે दु:खाज्ञानानन्तफ़ला અનંત પ્રકારના અજ્ઞાન અને એને લીધે અનંત પ્રકારના દુઃખો મળે છે; છેલ્લે આવી વાતોનું ફળ દુઃખ જ હોય છે.

પતંજલિના મનથી અષ્ટાંગ યોગમાં સૌથી મહત્ત્વની વાત જ અહિંસાની છે; સમગ્ર યોગ જે છે એની શરૂઆત જ અહિંસાથી થાય છે. કેવી રીતે? અષ્ટાંગ યોગને સમજાવતુ સૌથી મહત્ત્વનું સૂત્ર છે – यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावंगानि || प.यो.सू. २:२९. આમાં, પાંચ વાતોથી બનેલો યમ જે છે એ પહેલા આવે છે; વળી, આ યમ-ની વાતોમાં અહિંસા સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વાત કહી છે – अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा: यमाः (२:३०).

સત્ય સારી વાત છે, પણ એમાં પણ હિંસા છુપાયેલી હોય છે તેથી ક્યારે’ક વિચાર, વાણી, વર્તન સાચું હોવા છતાં એમાં પણ ક્યારે’ક હિંસા આવી જતી હોય છે. એટલે કહ્યું છે सत्यं ब्रूयात्, प्रियं ब्रूयात्, સત્ય બોલો, પણ પ્રિય બોલો, એમાં હિંસા ના હોવી જોઈએ. તમે સાચું બોલો, તેથી એવું થોડું છે કે એનાથી કોઈની ‘હિંસા’ થાય એવું બોલો?

તો, આમ, અહિંસા તત્ત્વ આટલુ બધું મહત્ત્વનું છે. એમાં કોઈ પણ રીતે વિચાર-વાણી-વર્તન દ્વારા સાથે રજસ-તમસ-ભાવ હોય તો એનું પરિણામ દુઃખ જ હોય છે. તેથી આપણે હિંસાને પણ સારી રીતે, ઊંડાણથી સમજવી પડશે; જો સમજીશું તો જ મન અને જીવનમાંથી એને કાઢી શકીશું, અને આપણા જીવનમાં અહિંસા આવી શકશે.