ગીતા જયંતિ – ગુરુ તત્ત્વ અને જ્ઞાનોદય

આજે ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી ઉદ્ભવેલી શ્રીમદ્ભગવદ્ગીતાનો પ્રાગટ્ય દિવસ છે. આપણે પહેલા પણ ક્યારે’ક વાત થયેલી કે કોઇ પણ બનાવ નષ્ટ નથી થતો, એ બનાવ બન્યા પછી સૂક્ષ્મમાં જતો રહે છે, અને એ ત્યાં સ્થિત રહે છે. એવી જ રીતે આપણે જે કાંઇ બોલીએ છીએ એ કોઇ દિવસ નષ્ટ નથી થતું, એ સૂક્ષ્મમાં સુરક્ષિત રહે છે. એટલે, આજના વૈજ્ઞાનિકો હવે પ્રયત્નો કરી રહ્યા છે કે વિરાટ, અસીમ બ્રહ્માંડમાં સૂક્ષ્મરૂપે રહેલા ભગવાનના એ દિવ્ય સંદેશના શબ્દોને શોધી શકાય તો… પછી આપણે પણ એ દિવ્ય સંદેશના શબ્દોને સાંભળી શકીશું, એવું બને.

દરેક સંવત્સરમાં, દરેક વર્ષમાં જ્યારે એક પવિત્ર ગણાતી તિથિ આવતી હોય ત્યારે પહેલા બનેલો એ બનાવ જે સૂક્ષ્મમાં સંગ્રહિત છે, એ આખો બનાવ ફરી સૂક્ષ્મમાંથી થોડો બહાર આવે છે, અને ત્યારે એવું-ને-એવું દિવ્ય વાતાવરણ ફરી બને છે – આ દિવ્યતાને તો માત્ર આપણી અંદર ઝીલવાની પ્રબળ ઇચ્છા, એક મનોભૂમિકા હોવી જોઇએ તો એને ઝીલી શકાય છે.

શ્રીમદ્ભગવદ્ગીતા તો અદ્ભુત છે, પૂર્ણ છે, અને આપણા બધા’ય શાસ્ત્રોનો એ સાર છે, બધા ઉપનિષદોનો સાર છે – सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः – સર્વ ઉપનિષદો ગાયો છે, અને અના દિવ્યઅમૃત દૂધના દોગ્ધા ગોપાલનંદન છે! એટલે, ગીતા બધા ઉપનિષદો, શાસ્ત્રોનો સાર છે. આપણે ગીતાનો પાઠ કરીએ છીએ, કેમ કે આપણને એને માટે આદર છે, પ્રેમ છે, ભાવ છે – આ જ વાતોની સાથે એક-બે બીજી વાત સમજીને ઉમેરવાની જરૂર છે, તે એ કે ભગવાનના આ દિવ્ય સંદેશને મારા જીવનમાં હું કઈ રીતે લાવી શકું, એ મારા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, અને એ સંદેશ દ્વારા હું મારું, આપણે આપણું જીવન કઈ રીતે બદલી શકીએ.

આપણા એક સાધક છે, એ થોડા દિવસ નર્મદા-કિનારે પ્રવાસમાં ગયેલા, આવીને એમણે એમનો અનુભવ કીધો કે મધ્યપ્રદેશના વિભાગમાંથી વહેતી નર્મદા નદીને કિનારે કોઇ એક આશ્રમમાં રોકાયા હતા; ત્યાં જર્મનીના બહેન સંન્યાસ લઈને ત્યાં વર્ષોથી રહેતા હતાં. આ ભાઇ એમને પ્રણામ કરીને બેઠા, અને એમણે ભાઇની શીખા જોઇ, સમજી ગયાં કે બ્રાહ્મણ છે. એમણે એ ભાઇને પૂછ્યું, “તમે બ્રાહ્મણ છો?” “હા”. બીજો સવાલ “તમે વેદોનું અધ્યયન કર્યું છે?” “ના, મેં વેદોનું અધ્યયન નથી કર્યું.” “તમને વેદોમાંનો કોઇ સ્તોત્ર, કે એવી કોઇ બીજી રચના આવડે છે?” “હા, મને શ્રીસુક્તમ્ આવડે છે.”

એ સાધ્વીજીએ આ ભાઇને શ્રીસૂક્તમ્ બોલવા કહ્યું, અને એ તો ધડ-ધડ બોલી ગયા; એ પૂરું થયું પછી સાધવીજીએ પૂછ્યું, “તમે શ્રીસુક્તમ્ બોલ્યા એનો અર્થ જાણો છો?” “ના, અર્થ તો હું નથી સમજતો.” એટલે, એ બહેન થોડા નારાજ થયા, અને કીધું કે “તમારા ભારતીયોની આ જ મુશ્કેલી છે કે તમારી પાસે શું છે એની તમને કંઇ ખબર જ નથી, અને તમે એ માટે જરા પણ ગંભીર નથી; તમે લોકો આવી વાતોને ગંભીરતાથી લેતા જ નથી. તમને ખબર છે, શ્રીસૂક્તમ્-માં સોનું બનાવવાની પંદર જાતની રીતો છૂપાયેલી છે?”

આપણે ત્યાં હજારો વર્ષો પહેલા મોટા-મોટા ગુરુકુલો ઋષિઓ ચલાવતા હતા, અને એ ઋષિઓ ક્યાં’ય કે કોઇની પાસે ડોનેશન માંગવા જતા ન્હોતા, એ ઋષિઓને જેટલી જરૂર હતી એટલું સોનું જાતે બનાવી લે’તા, અને એમાંથી એમના ગુરૂકુલો ચલાવતા હતા. તમે શ્રીસૂક્ત બોલી જશો, પણ કોઇ દિવસ વિચારતા જ નથી કે શ્રીસૂક્તમ્-ની પછી લક્ષ્મીજીનું સૂક્તમ્ છે, અને એ માત્ર ગાવા માટે જ નથી.

બીજું, કનકધારા સ્તોત્ર છે તો એ પણ માત્ર પાઠ કરવા માટે નથી, એમાં રહસ્યો છૂપાયેલા છે, ઘણી જાતના રહસ્યો છે, એની અંદર, પણ એનું અનુસંધાન આપણે કોઇ દિવસ કરતા જ નથી.

એટલે, આ પ્રકારની ભાવના આપણી અંદર આવે, આપણા દિવ્ય, જ્ઞાનસભર શાસ્ત્રોની મહત્તાને સમજીએ, અને આપણી અંદર એ ભાવ પણ હોવો જોઇએ કે આ બધી કેટલી પવિત્ર વાતો છે, કેટલી સારી વાતો છે, તો એ બધા સુધી કેવી રીતે પહોંચે.

મને વિદ્વાન અને દાર્શનિક એવા રામાનુજાચાર્ય માટે બહુ આદર છે – રામાનુજાચાર્યને એમના ગુરુજીએ દિક્ષા આપી, ગુરુમંત્ર આપ્યો, અને કીધું કે એ મંત્રને ગુપ્ત રાખવાનો છે, શૂદ્રોને એ મંત્ર નહીં કહેવાનો, અન્ય કોઇ અનધિકારીને એ મંત્ર નહીં કહેવાનો. એમણે ગુરુને પૂછ્યું કે “હું એ મંત્ર કોઇને કહીશ તો શું થશે? લોકો સાંભળશે તો શું થશે?” ગુરુજી કહે, “જે લોકો એ મંત્ર સાંભળશે, એ લોકોના તો ભાગ્ય ઉઘડી જશે.”

રામાનુજાચાર્ય તો ગયા અને એક મંદિરના શિખર ઉપર ચઢી ગયા; ત્યાંથી બૂમ પાડી-પાડીને બધાને ભેગા કર્યા, અને કીધું, કે “આવો, આવો! હું તમને બધાને એક એકદમ પવિત્ર મંત્ર આપું છું”, અને પોતાને જે મંત્ર મળ્યો હતો એ મંત્ર બધાને જાહેરમાં કહી દીધો.

આપણી અંદર એવી ભાવના કેમ ના થાય કે મારા બાળકો, બીજા બધા આ (ગીતાના) શ્લોકો, મંત્રો જાણે, એમને મળે અને એ લોકો એ શ્લોકો બોલે, મંત્રનો જાપ કરે? એવો ભાવ આપણી અંદર આવવો જોઇએ; આવો ભાવ આપણી અંદર આવે એવી ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું અને આજે એવો સંકલ્પ કરીએ કે તમે બધા’ય જેટલા જણા છો એ એવું નક્કી કરે કે ‘હું પાંચ જણાને તો ગીતાના શ્લોકો શિખવાડીશ, મારી સાથે હું પાંચ જણાને લઇશ, અને હું જાણું છું એવો અહંકાર નહીં રાખીશ, કે હું બહુ સારું કામ કરું છું.’ પ્રશંસા છે ને…

હું હંમણા એ જ વિચારતો હતો કે આજે મારા બધા’ય પુણ્યો જતા રહ્યા, કેમ કે, કોઇ પોતાની પ્રશંસા કરે તો એ આત્મહત્યા બરાબર છે, આત્મહત્યા… અને જો એ પોતાની પ્રશંસા સાંભળે ને તો પણ એના પુણ્યો ક્ષીણ, નાશ થઇ જાય. તો, મને થયું કે મારા જેટલા પુણ્યો હતા એ કાશીથી ભારત-ભ્રમણ કરતા-કરતા આજે અહીં આવેલા બ્રહ્મચારીજીએ મારી પ્રશાંસા કરી, મેં એ સાંભળી, અને તેથી મારા જે પુણ્યો હતા એ જતા રહ્યા; પરંતુ પછી મેં સંતોષ માન્યો કે પાપ-પુણ્યથી તો હું મુક્ત થઉં! પ્રશંસા છે એ વધારે ખતરનાક છે, કેમ કે એ અહંકારને પોષે છે, અને અહંકાર જ તો બંધન છે! એટલે, નિંદા સારી, કેમ કે એ મને પોતાની બાબતમાં વિચાર કરવા માટે મજબૂર તો કરે છે! કે હું જો કંઇક ઉપર ચઢી ગયો હોઉં તો મારી નિંદા મને નીચે પાડી તો દે. તો, પાપ એટલું ખરાબ નથી, પુણ્ય વધારે ખરાબ છે. એટલે, મને પછી એ સંતોષ થયો કે મારા પાપો તો મારા શિવજી બાળવાના જ છે, તમે બધા મારા પુણ્યો બાળી દે’શો.

બ્રહ્મચારીજી કીધું ને કે, “હમ…” એટલે “અમે જે છીએ એ સંતોને લીધે છીએ,” અને હું તો મારી ભાવનાઓને નથી કહી શકતો, પણ જે કંઈ મારી અંદર છે, અથવા મારાથી જે બધું થઈ રહ્યું છે, મારાથી કરાવવામાં આવી રહ્યું છે એ ગુરુજીની કૃપાથી થાય છે. હું જ્યારે કશું બોલું, કહું, ત્યારે ગુરુજી જ બોલતા હોય, અને જ્યારે એ જગ્યાએથી હું નીકળી જાઉં, ત્યાર પછી તો હું સાવ માટીનો થઈ જાઉં છું, ખાલી થઈ જાઉં છું, પછી તમે મને પૂછો તો મને કંઈ જ ખબર ના હોય.

મને યાદ છે, એક વખત હું લોનાવાલા ગયો હતો, ત્યાં કૈવલ્યધામ બહુ મોટી સંસ્થા છે, ત્યાંથી મેં થોડાં પુસ્તકો લીધા, અને એક સાધક સાથે હતા એમને મેં થોડી ઇન્કવાયરી કરવા માટે કીધું, એ ઓફિસમાં ગયા, અને હું એકલો ત્યાં બુક સ્ટોલની બહાર ઉભો હતો. બુક સ્ટોલમાં એક વયોવૃદ્ધ સજ્જન હતા, અને થોડું પ્રભાવિત કરે એવું એમનું વ્યક્તિત્વ હતું મોટી ઉજ્જ્વળ દાઢી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, એ ત્યાં બેઠા હતા, અને મને જોયા કરતા હતા. હું સામે ઊભો હતો, અને થોડી વારમાં એ ઉભા થઇ અને મને પગે લાગ્યા. મેં પૂછ્યું “શું થયું તમને?” તો એમણે કીધું કે “તમારા ઉપર તમારા ગુરુજીની કૃપા છે, એવું મને લાગ્યું.”

હું કશું બોલ્યો નહીં, પણ લાગ્યું કે વાત તો સાચી છે. મારી અંદર જે છે એ ગુરુજીની જ કૃપા છે; અને આપણી અંદર ગુરુ તત્ત્વ પ્રત્યે જેટલું સમર્પણ, સરન્ડર, શ્રદ્ધા, વિશ્વાસ થતું જાય તેટલું આપણા ઉત્કર્ષ માટે ઉપયોગી છે, કેમ કે ગુરુનું જે વ્યક્ત સ્વરૂપ છે એ કાયમ માયાની સાથે હોય, તો એ ગડબડવાલું હોય, પણ આપણી અંદરનું જે ગુરુ તત્ત્વ જે છે એ કોઈ દિવસ કશાથી પણ બગડતું નથી. તો, ગુરુ તત્ત્વને સમજવાનું છે, શરીરને ભુલીને, ગુરુ તત્ત્વને સમજવાનો પ્રયાસ કરવાનો કે ગુરુ તત્ત્વ શું છે, અને એ ગુરુ તત્ત્વ તમારી અંદર પણ છે.

બહારના ગુરુની એટલી જ મહત્તા છે કે એ તમારા અંદરના ગુરુનો તમને અનુભવ કરાવી દે, અને તમે તમારા અંદરના ગુરુને સમજતા થઈ જાવ, તમે એમની સાથે વાત કરતા થઈ જાઓ, એમનું માર્ગદર્શન લેતા થઈ જાઓ… બસ, બહારના ગુરુની એટલી જ અગત્યતા, એટલું જ મૂલ્ય છે, પછી બહારના ગુરુ તો આવે છે, અને જવાના છે, આજે આવ્યા છે, કાલે જવાના છે, એ બહારવાળા ગુરુ તો રહેવાના નથી, પણ અંદરવાળા જે ગુરુ છે, જે ગુરુ તત્ત્વ તમારી અંદર છે, એ તો સદાય તમારી સાથે રહેશે, અને એ પ્રમાણે જ આપણને ભગવદ્ગીતા મળી છે, કેમ કે અર્જુનની અંદર शिष्यस्तेहं शाधिमां त्वां प्रपन्नम् એ શિષ્યત્વ આવ્યું છે એટલે જ ભગવદ્ગીતાનું પ્રાગટ્ય થયું છે.

એવા કેટલા’ય દાખલા છે કે શિષ્યત્વ આવ્યું હોય તો એને બળદે ઉપદેશ આપ્યો હોય, અગ્નિએ ઉપદેશ આપ્યો હોય, એવા-એવા દાખલાઓ છે. આપણી અંદર શિષ્યત્વ આવશે તો ક્યાં’યથી પણ ઉપદેશ મળશે, ક્યાં’ય પણ ગુરુ મળી જશે, કોઈ પણ ગુરુ થઇ જશે. ભગવાન દત્તાત્રેયના તો કેટલા બધા ગુરુ હતા, તો, વ્યક્તિમાં શિષ્યત્વ અગત્યનું છે, શરણાગતિ અગત્યની છે, એને લીધે તો ગીતાનું પ્રાગટ્ય થયું.

ભગવાનની, કુદરતની વાત એવી છે કે જેમ વાછરડો જો ભૂખ્યો હોય તો એની મા, ગાયના આંચળમાં દૂધ આવી જ જતું હોય, એને મા પણ ના રોકી શકે એના આંચળ દૂધથી ભરાઈ જ જાય! એમ, આપણી અંદર જો શિષ્યત્વ આવે તો જ્ઞાન ચારે બાજુથી આવી જવાનું છે.

આજના પાવન દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી અંદર શિષ્યત્વ આવે.

ॐ तत् सत्
(તા. ८-૧૨-૧૯ ના ગીતા જયંતીના પાવન પ્રસંગે પ.પૂ. સ્વામીજીનું હ્રદયસ્પર્શી વક્તવ્ય)