આરોગ્ય

આપણે એક-બે ચર્ચાઓથી આરોગ્યની બાબતમાં વિચાર કરી રહ્યા છીએ, એમાં આપણે જોયું કે આધુનિક ચિકિત્સા પદ્ધતિ બહુ વિકસિત થઈ હોવા છતાં બીમારી સંક્રામક કે બિન-સંક્રામક હોય તો પણ અંતત: એ બીમારીને સાજી કરવામાં તો આપણું પોતાનું શરીર તંત્ર, સિસ્ટમ જ કામ કરતું હોય છે – આપણા જ શરીરનો ઓજ, એની ઉર્જા, એની રોગ-પ્રતિકારક શક્તિ – immune system – જ અંતત: કામ કરતી હોય છે. બીમારી સંક્રામક હોય અને એને મટાડવા માટે કોઇ પણ દવા લઇએ ત્યારે એ દવા અસર કરી શકે એ માટે શરીરમાં થોડી પણ પ્રાણશક્તિ હોય એ જરૂરી છે, સાથે એની રોગ-પ્રતિકારક શક્તિ થોડી પણ હોવી આવશ્યક છે, અને જો આ નહીં હોય તો દવાઓ કામ નહીં કરી શકે. એવી જ રીતે, જો BP જેવી બીમારી બિન-સંક્રામક હોય તો એમાં પણ આપણે જોયું કે આપણી પોતાની સિસ્ટમ જ એ બીમારી ઠીક કરી દે’તું હોય છે.

આવી વાતો દરમિયાન આપણે એ પણ જોયું કે આપણું જે તંત્ર છે એ પરમાત્માએ એવું સરસ બનાવ્યું છે કે શરીરની દરેક સમસ્યાઓનું સમાધાન એની રીતે જાતે કરી શકે છે, અને જો એ ઠીક નથી કરી શકતું તો સમજવું કે એમાં કોઇ અશુદ્ધિ આવી ગઇ હોય અને તેથી એ તંત્રની ક્ષમતામાં ક્યાંક ઓછપ આવી છે, એવું પણ બની શકે.

માનો કે એક કાર છે અને જો એના પેટ્રોલના પાઇપમાં કચરો ભરાઇ જાય તો ગાડીમાં જોઇતું પેટ્રોલ ના પહોંચે તેથી એ ગાડીની કાર્યક્ષમતા બગડતી હોય છે. ઠીક, આવી જ રીતે આપણું શરીર પણ એક યંત્ર જ છે, તેથી એમાં પણ જો કોઇ અશુદ્ધિ આવે તો એની કાર્યક્ષમતા નબળી પડે છે, અને આ જ નબળી કાર્યક્ષમતા જો અવગણવામાં આવે તો પછી એ બીમારીના રૂપમાં પરિણમતી હોય છે; એ શરીર પછી જાતે BP જેવી બીમારી ઠીક ના કરી શકે. શરીરના અન્ય ભાગોને સારી રીતે કાર્યરત રાખવામાં એ મેનેજ ના કરી શકે, અથવા તો, શરીરમાં કોઇ ભાગમાં વાયરસનો હુમલો થયો હોય ત્યારે શરીરની જે રોગ-પ્રતિકારક શક્તિ છે એ નબળી થઇ ગઇ હોય, એટલે એ વ્યક્તિને વાયરલ ડિઝીઝ થાય. આવા સમયે આપણે એ વાયરસને દુર કરવા માટે કશું જ નથી કરી શકતા, શરીરની ક્ષમતાનું જ ધ્યાન રાખીએ છીએ. જ્યારે શરીરની ક્ષમતા બગડે  ત્યારે એની ચિકિત્સા કરતા હોઇએ છીએ; જો પેટ બગડ્યું હોય તો એને સારું કરતા હોઇએ, કે બીજું કશું પણ કરતા હોઇએ, પણ પેટના વાયરસ માટે આપણે કશું નથી કરી શકતા, કેમ કે ત્યારે આપણે આપણી ક્ષમતા જ ઠીક રાખવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ.

આ વાતને સરળ રીતે સમજીએ – આપણું આખું શરીર તંત્ર જે છે એનો વ્યવહાર મહદંશે બહારના જગતમાં છે, એ માટે ઇન્દ્રિઓ છે, મન છે, પ્રાણ છે અને ચેતના પણ છે – આ બધું મળીને આપણું શારીરિક અસ્તિત્વ છે. હવે, આ તંત્રમાં ક્યાંય પણ જો અવ્યવસ્થા આવે, અશુદ્ધિ આવે તો એની કાર્યક્ષમતા બગડે જ, અને આ વાતનો સ્વીકાર હવે વિજ્ઞાન પણ કરે તો છે, પરંતુ વિજ્ઞાન જે પણ કશું વિચારે છે એ માત્ર મોલેક્યુલર લેવલમાં જ કશું પણ કરવાનું વિચારી શકે છે, એનાથી આગળના સૂક્ષ્મ સ્તરમાં નથી વિચારી શકતું.

હમણાં જ હું એક લેખ વાંચતો હતો જેમાં જણાવ્યું હતું કે આપણા દરેક કોષોની અંદર જે એનર્જી, ઉર્જા છે અને એને જે મેનેજ કરે છે એ શક્તિ તો સૂક્ષ્મ DNAમાં હોય છે એ કરતી હોય છે. આપણા શરીરની પૂરેપૂરી ઉર્જા એના લીધે છે.

આપણા શરીરમાં પેટની પાછળ જે પેનક્રિયાસ્ (સ્વાદુપિંડ, અગ્નાશય) હોય છે, એમાં જો ક્યારે’ક  અશુદ્ધિ આવે તો insulitis નામનો રોગ થાય છે, અને જો એ ૨૫%થી વધારે હોય તો એ Type-1 ડાયાબિટીસનું કારણ બની શકે છે. આપણે આગળની ચર્ચાઓમાં એક અગત્યની વાત સમજ્યા હતા કે શરીરમાં અશુદ્બિઓ આવવાનું મૂળ કારણ અવિદ્યા છે, અને અવિદ્યાને લીધે શરીરમાં પછી જે અશુદ્બિઓ આવે છે એ આપણા કર્મોને કારણે હોઇ શકે, આપણા આહાર-વિહારથી હોઇ શકે, ઇન્દ્રિયોથી હોઇ શકે, મનથી હોઇ શકે, વિચારોથી હોઇ શકે છે.

આપણું શરીર નાના-નાના અણુઓ-પરમાણુઓથી બનેલું છે, અને પરમાણુઓ     ઇલેક્ટ્રોન્સ, ન્યુટ્રોન્સ, ફોટોન્સથી બનેલા છે. આજના વિજ્ઞાનનું નવું ફિઝિક્સ એવું જ વિચારે છે કે ફોટોન્સ જે છે એ વિચાર કરવાનું કાર્ય કરે છે અને મમેરી, યાદ રાખવાનું કાર્ય પણ કરે છે. વળી, ફોટોન્સ બે પ્રકારના કહેવાય છે – એનર્જી ફોટોન્સ અને વર્ચ્યુઅલ (અપ્રાકૃતિક) ફોટોન્સ (VF). આ VF એ પણ અન્તત: મનથી બનેલા છે, અને મનનું મૂળ છે ચૈતન્ય, તેથી VF પણ ચૈતન્યથી જ બન્યા છે. આ સંદર્ભમા વિજ્ઞાન એવું વિચારે છે કે VF તો મનના જ નાના-નાના કણોથી બન્યા છે, અને એ જ આખા શરીર તંત્રનું સંચાલન કરે છે.

હવે, આપણે જે વાત કરીએ છીએ કે બીમારીનું મૂળ કારણ અવિદ્યા છે, એને કારણે મન બગડે, તેથી મન અને મનની પ્રતિક્રિયાઓ (મનના reactions, responses) પણ કારણ છે; મનની પ્રતિક્રિયાઓની અસર શરીરમાં વ્યક્ત થાય છે, તેથી અસર શરીર પર પણ થાય છે. આપણા દરેક વિચારોની કે ઘટનાઓની પ્રતિક્રિયાઓ બે પ્રકારની હોય છે – પોઝિટિવ અને નેગેટિવ. હવે જો પ્રતિક્રિયાઓ વિધેયાત્મક હોય – શાંત, સ્થિર, પ્રેમ, દયા, કરુણા વિગેરે હોય તો એનાથી આખા શરીરમા જે સ્થિતિ પરિણમશે એ સારી હશે; પરંતુ પ્રતિક્રિયાઓ જો નેગેટિવ, નકારાત્મક હોય – લોભ, ઇર્ષ્યા, ક્રોધ, ચિંતા વિગેરે હોય તો એ પ્રતિક્રિયાઓ એસિડ ઉત્પન્ન કરનારી હોવાથી શરીર માટે નુક્શાનકારક બને, અને એવી પ્રતિક્રિયાઓ પછી બીમારીઓને આમંત્રણ મોકલતી હોય છે. આજનું વિજ્ઞાન પણ એવું જ માને છે, જ્યારે  આપણા ઋષિઓએ તો આ વાત હજારો વર્ષો પહેલા કીધી હતી અને આ જ વાત સંતો, ગુરૂજનો પણ કહેતા આવ્યા છે.

સંક્ષેપમાં એટલું સમજીએ કે બીમારી કોઇ પણ હોય, એને માટે જવાબદાર માણસ, વ્યક્તિ જાતે જ છે, બીજું કોઇ કે કશું નહીં, અને તેથી માણસ જો એવું ધારી લે કે હું મારી રીતે સ્વસ્થ રહું, ઠીક થઉં, તો એમા મને નથી લાગતું કે કશું અશક્ય હોય.

આપણા એક સાધકની વાત મને યાદ આવે છે, અત્યારે તેઓ અમેરિકામાં રહે છે; ૧૯૯૭-૯૮ના સમયની વાત છે, ત્યારે આ સાધકને વર્ષોથી ડાયાબિટીસ હતો, ઉપરાંત, એમને મોશનમાં લોહી પણ આવતુ હતું. તેઓ એક યોગસત્રમાં આવ્યા હશે, ત્યારે એમણે મને પુછ્યું , “સ્વામીજી, ડાયાબિટીસ મટી જાય?” મેં કહ્યું, “માણસ ધારે તો કશું જ અશક્ય નથી જે ના થાય.”

ત્યાર પછી એમને ભગવાનની પ્રેરણા થઇ હશે, અને એમણે એવું નક્કી કરી લીધું કે મારે દવા વગર જ ડાયાબિટીસ જરૂર મટાડવો છે. એ વખતે (૨૦વર્ષ પહેલા) એમનું વજન ૧૦૫ કિલો જેટલું હશે, તો પણ એમણે નક્કી કર્યા પ્રમાણે ત્યારથી તે આજ સુધી એ ભાઇ રોજ સવારે ૩.૩૦-૪.૦૦ વાગ્યે ઉઠી જાય, પછી રોજ દોઢ-બે કલાક સમય કાઢે છે, આસન, પ્રાણાયામ, ધ્યાન કરે. એમના દિનચર્યાના આવા કડક નિયમ પાલનથી એમનું વજન માત્ર બે જ વર્ષમાં ૭૦-૭૧ કિલો જેટલું થઇ ગયું, અને ડાયાબિટીસ તો લગભગ જતો રહ્યો. આ સાથે એમણે અમેરિકાના ડૉ. નીલ ડી. બર્નાર્ડના TV પર આવતા Reversing Diabetesના પ્રોગ્રામો જોઇ, એના માર્ગદર્શનથી એમણે પોતાના આહારમાં થોડો ફેરફાર પણ કર્યો.

સરવાળે, ધાર્યું પરિણામ આવ્યું, આજે એમને ડાયાબિટીસ બિલકુલ નથી, ગોળની બધી જ વાનગીઓ ખાય છે, તે ત્યાં સુધી કે હું અડધો લાડુ ખઉં, એ ભાઇ બે લાડુ ખાય!

એટલે, જ્યાં સુધી હું જાતે સ્વીકાર નહીં કરુ કે મારી જે કોઇ પણ બીમારી છે એને માટે હું જ જવાબદાર છું; શરીરમાં જો ક્યાં’ક પણ અવ્યવસ્થા છે…એ ના થાય એ માટે વિવેક રાખવાનો. મેં ગયા વખતે પણ વાત કરી હતી કે આપણને જો ડાયરિયા થયો હોય તો એક વાત સ્વીકારી લેવાની કે શરીર જાતે અશુદ્ધિઓને સાફ કરી રહ્યું છે, પણ એવું માનીને ડૉક્ટરને ના બતાવીએ, દવા જ ના લઇએ તો ના ચાલે. આવી બાબતોમા વિવેક જોઇએ કે દવા ક્યારે લેવી જોઇએ અને ક્યારે ના લેવી જોઇએ.

એટલે, સંક્ષેપમાં એટલું સમજીએ કે આપણી બીમારીના મૂળમાં જે વિકારો છે એને તો સૌથી પહેલાં દૂર કરવા કોઇ પણ પદ્ધતિથી યોગ, આયુર્વેદ, નેચરોપેથી કે અન્ય પદ્ધતિથી, પણ વિકારો દૂર થાય એ મહત્ત્વનું છે; ક્યારે’ક એવું પણ બને કે વિકારો થોડાં સાફ થાય, પછી પાછા જમા થાય તેથી પણ વિકારો દૂર થાય એ મહત્ત્વનું છે.

અહીં આપણા એક સાધક બેઠાં છે, એમને માઇગ્રેનની ખૂબ સખત તકલીફ હતી, મહિનામાં એકાદ વખત તો ઓફિસ છોડીને ઘરે આવી જવું પડતું હતું. ડૉક્ટર પાસે ગયા, છાતીનો X-ray કઢાવ્યો, એમાં ‘સાયનસ છે, ખૂબ કફ ભરાઇ ગયો છે’ એવું આવ્યું. ડૉક્ટરે કીધું સર્જરી કરવી પડશે, કરાવો તો બધો કફ કાઢી દઇએ, પણ કફ ફરી નહીં ભરાય એની ગેરંટી નહીં આપી શકાય. હવે, આ સાધકને મેં યોગના ૧-૨ ઉપચાર જણાવ્યા, નેતિ અને થોડા પ્રાણાયામ; એમણે એ કર્યા અને બે-અઢી મહીનામાં એમનો માયગ્રેનનો વ્યાધિ મટી ગયો.

શરીરના કોઇ પણ અંગમાં અશુદ્ધિઓ ભેગી થાય એટલે એ અંગની કાર્યક્ષમતા નબળી પડે, તેથી અશુદ્ધિઓ દૂર કરવી જોઇએ. એ કરવા માટે યોગ સૌથી સારો માર્ગ છે અને સરળ ઉપાય. હવે, આપણે અશુદ્ધિઓના પ્રકારો સમજીશું, અશુદ્ધિઓ આમ તો હોય છે વ્યવહારની, શરીરની, પ્રાણની, ઇન્દ્રિઓની, મનની, પરંતુ જે અશુદ્ધિઓ શરીરમાં પહેલેથી જ હોય એને દૂર કરવા માટે આયુર્વેદમાં પંચકર્મનો ઉપાય કહ્યો છે; નેચરોપેથીમાં પણ ઉપચારો છે. સ્થૂળ અશુદ્ધિઓ સ્થૂળ રૂપે મટી શકે દા.ત. શરીરમાં એસિડીટી થાય એ સ્થૂળ હોવાને કારણે એ સ્થૂળ રીતે દૂર કરી શકાય જેમ કે વમનથી, વિરેચન વિગેરેથી સાફ થઇ શકે. એસિડીટી છે, તો એ મનના વિચારોથી પણ દૂર કરી શકાય છે; મનના વિચારો શાંત થાય તો પણ એસિડીટી ઓછી થઇ શકે, પણ સ્થૂળ રૂપે, સ્થૂળ ઉપાયથી, સહેલાયથી થઇ શકે છે.

ઉદાહરણરૂપે – કાંડા ઘડિયાળ છે, એને સ્થૂળરૂપે હું ઉંચકીને બાજુમાં મુકી શકું (આ રીતે). આ જ કામ કોઇ એના મનની શક્તિથી પણ કરી શકે, પણ અંતે કામ તો એ જ થયું – ઘડિયાળ બાજુમાં મુકવાનું, પરંતુ સ્થૂળ રીતે બધાથી થઇ શકે, અને સહેલાઇથી.. એવી જ રીતે અશુદ્ધિઓ સ્થૂળરૂપમાં હોય તો એ સ્થૂળ રીતે દૂર કરી શકાય. યોગમાં ષટ્કર્મ છે, નેતિ, ધૌતિ, નૌલી, બસ્તિ વિગેરે શરીરના સ્થૂળ વિકારોને સાફ કરે છે, એવી જ રીતે કપાલભાતિ પ્રાણના વિકારોને સાફ કરે છે, અને ત્રાટક મનના વિકારોને સાફ કરે છે, એટલે આપણા એ વિકારો, જૂના વિકારો અંદરથી સાફ થાય. નેચરોપેથીમાં પંચ તત્ત્વોથી કરતા હોય છે – માટી, પાણી, તાપ (અગ્નિ), વાયુ અને આકાશ. વાયુ વિકાર છે, તો એ પ્રાણાયામ વિગેરેથી દૂર થઇ શકે, આકાશના વિકારો સ્વર, સંગીત વિગેરેથી દૂર થઇ શકે. આપણી અંદર પ્રાણ શક્તિ છે એ પણ વધે એ માટે ઉપાયો સંક્ષેપમાં છે.

આમ, શરીરમાંના વિવિધ પ્રકારના જે વિકારો છે એ સાફ થાય એ જરુરી છે, અને નવા વિકારો નહીં આવે એની પણ ખાસ કાળજી રાખવાની હોય છે. આ સંદર્ભમા શ્રીમદ્ ભગવદ્ગીતાનો એક મહત્ત્વનો શ્લોક છે એને આપણે કાયમ ધ્યાનમાં રાખીએ, કેમ કે આપણે જે વાતો કરીએ છીએ એ બધી જ વાતો એમાં આવી જાય છે –

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ।। ६-१७ ।।

योगो भवति दुःखहा – યોગ જે છે એ બધાં દુ:ખોનો નાશ કરે છે. અહીં જે ‘યુક્ત આહાર’ની વાત છે એને બહુ સરળતાથી કહીએ તો એ આહાર પ્રાંતીય હોય; પ્રાંતીય આહાર એટલે જે પ્રદેશમાં મારો જન્મ થયો હોય, હું ઉછર્યો હોઉં એ પ્રદેશના ખોરાકથી મારા શરીરનું બંધારણ થયું હોય એ ખોરાક મારે માટે ‘યક્ત આહાર’ યોગ્ય છે. અહીં એક મહત્ત્વની વાત એ છે કે જે પ્રદેશની વાત કરીએ છીએ, એ માત્ર મારા જન્મ, ઉછેર પુરતી જ સીમિત નથી, એવા ખોરાકનું મહત્ત્વ તો આપણા પૂર્વજોની કેટલી’ય પેઢીઓ સુધીનું છે. એ પ્રદેશના જે પ્રકારના પ્રાકૃતિક વાતાવરણમાં અને ત્યાંની કે આજુબાજુની વનસ્પતિ, ખોરાકથી જ એ લોકોના, પ્રાણિઓના શરીરનું પોષણ, બંધારણ થયું હોય, અને મારું પણ થયું હોય, તો એ જ ખોરાક મારે માટે ‘યુક્ત આહાર’ કહી શકાય.

કોઇ પ્રદેશની વાત કરીએ છીએ તો માનો કે રણ છે, તો રણમાં એવી જ વનસ્પતિ ઉગશે જે એ પ્રદેશમા જીવંત રહી શકે, survive થઇ શકે; ત્યાંના પ્રાણિઓ પણ એવા જ હશે કે જે એવા વાતાવરણમાં ટકી શકે. ઊંટ છે, એને એ પ્રદેશની જ વનસ્પતિ વધારે માફક આવશે. તમે હિમાલય જાવ, તો ત્યાંનો પ્રદેશ, ત્યાંની જમીન, વનસ્પતિ, જીવો, પ્રાણીઓ બધુ જ ત્યાંના વાતાવરણને અનુરૂપ હશે, એ પ્રકારનું હશે, ત્યાંના લોકોનો ખોરાક પણ એ પ્રદેશને અનુરૂપ હશે.

તો, આપણું શરીર જ્યાં જન્મીને ઉછર્યુ હોય એ જગ્યા-પ્રદેશને અનુરૂપ હશે, ખોરાક પણ એ પ્રદેશને અનુરૂપ હશે. હજારો વર્ષોથી પરિવારમાં ટ્રેડીશનથી જે ખવાતું આવ્યું હોય એ મારો ખોરાક. જો હું ગુજરાતમા જન્મ્યો હોઉં તો મારો ‘યુક્ત આહાર’ ગુજરાતમાં ઉગતી વનસ્પતિ, ત્યાંના શાકભાજી વિગેરે હોય. એવી જ રીતે બંગાળના બંગાળીઓ એમના પ્રદેશનો ખોરાક ખાય, પંજાબના લોકો પંજાબી વાનગીઓ ખાય; દક્ષિણના લોકો ત્યાંનો ખોરાક ખાય.

હવે, આપણે આપણા ખોરાકમાં જે જાતજાતના ફેરફાર કરીએ છીએ એ બદલાયેલો ખોરાક મહદંશે શરીરને માફક નથી આવતો, ખાસ કરીને વેસ્ટર્ન, કોન્ટિનેન્ટલ, ચાઇનીસ, થાઇ વિગેરે. ફાસ્ટ ફૂડ્સનો ખોરાક આપણે માટે તદ્દન અયોગ્ય છે, કેમ કે એમાં પોષક તત્ત્વો હોય તો પણ એમાં જે જાતજાતના કેમિકલ્સ વપરાય છે એ ઝેર છે – તળેલા, પેક્ડ ફુડ્સમાં પ્રિઝર્વેટીવ્સ હોય, બનાવટી, આર્ટિફિશીયલ કલર્સ હોય, એસેન્સ હોય. આજકાલ જે બધી બીમારીઓ વધી રહી છે – એમાં કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે એમાં મોટા ભાગનું કારણ આ જ છે કે ભોજનમાં ઝેરી રસાયણો હોય છે, તેથી હવે ભોજન ઝેર જેવું થતું જાય છે. (*)

અમે એક દિવસ સંજોગથી નર્મદા કિનારેથી પસાર થતા હતા; ત્યાં જોયું તો અમુક લોકો ખેતરમાંથી કેળા લાવી-લાવીને પેક કરતા હતા, બજારમાં લઇ જઇ વેચવા માટે. એ લોકો પાસે એક ટબ કોઇ પ્રવાહીથી ભરેલું હતું, એમાં એ લોકો કેળા ડુબાડી-ડુબાડીને ટ્રકમાં ફેંકતા હતા. છેલ્લા કેટલા વર્ષોથી આવું થતું રહ્યું છે, અને હવે તો તમે કોઇ પણ ફળ, વનસ્પતિ, શાકભાજી લો તો એમાં નર્યુ ઝેર હશે, અને આપણે કશુ કરી શકતા નથી, આમાં મહત્ત્વનું એ છે કે આપણે જ્યાં જેટલું પણ  સાચવી શકીએ તેટલું કરીએ તો પણ ઘણું છે.

ખોરાક બાબતે આટલું સમજીએ કે મારા પ્રાંતનો આહાર જ મારે માટે યોગ્ય છે, એ માપસર, સમયસર પણ હોવો જોઇએ, ઘડીએ-ઘડીએ ખાવું નહીં – અને આ અંગે તો આપણે ઘણી વખત ચર્ચા થઇ છે કે ખૂબ ચાવીને ખાવું, શાંતથી ખાવું જોઇએ, ઉતાવળે નહીં ખાવાનુ, ખાતી વખતે મન શાંત હોવું જોઇએ, સાથે પૂજાનો ભાવ પણ હોય.

મને યાદ છે, એક દિવસ હું એક દુકાનમાં બેઠો હતો, ત્યારે એ ભાઇનું ટિફિન આવ્યું એ ખોલીને જમતા હતા; એટલામાં એમના ફોનની રીંગ વાગી…રીંગ વાગતી રહી પણ એ ભાઇ ફોન ઉપાડે નહીં. મેં કહ્યું “તમારો ફોન છે”, તો એમણે થાળી તરફ ઇશારો કરી કહ્યું, “આને માટે તો બધુ ઉભું કર્યું છે, તેથી હું અત્યારે ફોન નહીં લઉં.” તો, ઓછામાં ઓછું આપણે આટલો તો વિવેક રાખી શકીએ કે ભોજન સમયે તો શાંતિ રાખીએ…નહીં તો એવો સમય આવી રહ્યો છે કે આપણે ભોજન પણ ગમે ત્યાં, રસ્તામાં, ગમે ત્યારે લઇ લેશું, ગાડીમાં ક્યાં’ક જતાં-જતાં જ ખાઇ લેશું, ઓફિસથી નિકળતાં-નિકળતાં ઉતાવળમાં ઠાંસી દે’શું…ફાસ્ટ ફૂડ બનાવ્યું જ એટલા માટે છે કે ખાવા બાબતમાં તમને પૂરી સગવડ મળે, તમારે જમતા હાથ ખરાબ નહીં કરવા પડે, તમે ગમે તે રીતે ખાઇ શકો… એવો જમાનો ધીરે-ધીરે શરૂ થઇ ગયો છે.

આહારનો અર્થ એ છે કે હું શાંતિથી જમુ છું; અને એવો આહાર દરેક ઇન્દ્રિયોનો છે – મનનો, આંખ, કાન, નાક બધી ઇન્દ્રિયોનો આહાર હોય છે; અને જીભની જેમ બીજી ઇન્દ્રિયોને પણ બધું સારું-સારું જોઇએ – સારું સાંભળીએ, સારું જોઇએ; જપ-ધ્યાન, પૂજા-ભજન, સારું વાંચન, સારા વિચારો એ મનનો આહાર છે; પ્રાણાયામ કરવાથી પ્રાણ વધે, પ્રાણશક્તિ વધે, મન મક્કમ-મજબૂત બને.

તો, એક બહુ સરળ અને સંક્ષેપમાં આટલી વાત કે યોગ અને આયુર્વેદ આપણી સાથે હોય, એ બંનેનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો જીવનમાં બીમારીના કારણ અને અવસરો ઓછા હશે; શરીરમાં કોઇ વ્યાધિ ના થાય, અને જો થાય તો એને કાઢવાનો સારામાં સારો ઉપાય આ જ છે, પણ વિવેક રાખવાનો કે એલોપેથી નથી જ કરવી, એવું ક્યારે’ય નહીં રાખવું કે કહેવું. આજની પરિસ્થિતિમાં જ્યારે-ક્યારે પણ કોઇને કોઇ એક્યુટ બીમારી થઇ હોય, તીવ્ર તકલીફો છે, કોઇ સર્જરી કરવી જ પડે, કે ડાયેરિયા થયો, મેસિવ હાર્ટ એટેક આવે તો આવા સંજોગોમાં એલોપેથી સિવાય બીજો કોઇ પર્યાય જ નથી. ધણા લોકોને એલોપેથી માટે દુરાગ્રહ હોય કે ‘એલોપેથીને રસ્તે નથી જ જવું’, ના, એવું નથી કરવું અને આવશ્યક સંજોગોમાં એલોપેથીનો ઉપાય કરી લેવો. આ સાથે એ પણ સમજવાનું કે એલોપેથી અંતિમ ઉપાય નથી, તેથી એલોપેથીની મદદ, દવા લીધા પછી, સાથે આયુર્વેદ ચિકિત્સા પણ કરવી જોઇએ અને સારું થવા લાગે ત્યારે યોગથી ફોલો-અપ (follow up) કરવું હિતાવહ છે.

તો, જીવનમાં યોગ્ય આહાર-વિહાર હોય, યોગ્ય અને એકદમ નિયમિત યોગાભ્યાસ હોય – મેં ખાસ કરીને જોયું છે કે વ્યક્તિગત યોગાભ્યાસ કરવા કરતાં યોગકેન્દ્રમાં જઇને યોગાભ્યાસ કરીએ તો એ વધારે સારું, કેટલાક સાધકોનો અનુભવ છે કે એમને કોઇ તકલીફ થઇ હોય અને એ એકલા યોગાભ્યાસ કરે એના કરતા યોગકેન્દ્રમાં જઇને યોગાભ્યાસ કરવાથી પરિણામ સરસ મળ્યું હોય, આવું તમને આપણા દરેક કેન્દ્રમાં જોવા મળશે ત્યાં બે-ચાર સાધકો તો એવા મળશે કે તેમને વર્ષોથી કોઇ બીમારી રહી હોય, એ યોગકેન્દ્રમાં જઇને યોગાભ્યાસ કરવાથી મટી ગઇ હોય.

વડોદરામાંના એક મંગલમૂર્તિ પ્લોટના કેન્દ્ર-શિક્ષકને યોગાભ્યાસ શરુ કર્યો એ પહેલાં એન્જીઓપ્લાસ્ટી કરાવવી પડી હતી; એ પહેલાં તેઓ વર્ષોથી BPની દવા લેતા હતા…અને કેન્દ્રમાં આવી માત્ર ૫-૧૦ મહિના યોગાભ્યાસ કરવાથી એમની બધી જ ગોળીઓ લેવાની બંધ થઇ ગઇ. એલોપેથી ચિકિત્સામાં એવું વિચારાતું જ નથી કે કોઇને BPની દવા લેવાની જરૂર પડી, એ શરૂ થઇ પછી એ દવા લેવાનું ક્યારે’ય પણ બંધ કરે, જ્યારે આપણી યોગ અને આયુર્વેદની સિસ્ટમમાં દર્દીને બીમારી ધીમે-ધીમે મટે છે, શરીર સક્ષમ થતું જાય અને પછી એની સિસ્ટમ જ એ બીમારી ઠીક કરે છે.

આજે આપણી પાસે સમય થોડો છે, તેથી હવે આરોગ્ય વિષે તમને કોઇ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.

પ્રશ્ર્નસ્વામીજી, તમે કહ્યું કે વ્યક્તિના જન્મના પ્રદેશનો ખોરાક એ જ એનો યુક્ત, યોગ્ય ખોરાક, એને માટે એ ખોરાક સારો, પણ જો એ વ્યક્તિને ૬-૧૨ મહિના બીજા પ્રદેશમાં કે વિદેશ જવાનું થાય અને ત્યાંનો ખોરાક જુદો હોય તો શું કરવું?

ઉત્તરમાણસની પ્રકૃતિ ચાર-છ મહિનામાં નથી બદલાઇ જતી, એ બદલાવાની એક સીમા હોય, એ બદલાવાની પ્રક્રિયા માટે એની સિસ્ટમે સંઘર્ષ કરવો પડે છે. માણસની જગ્યાએ કોઇ પ્રાણીનો પણ વિચાર કરીએ, ઊંટ છે એ રણનું પ્રાણી છે, એને તમે હિમાલયમાં લઈ જાવ તો એની પણ પ્રકૃતિ કાંઇ બે-ચાર મહિનામાં ના બદલાય. માણસના શરીરની ક્ષમતા એવી છે કે એ જેવી પરિસ્થિતિ આવે એ જાતે એડ્જસ્ટ પણ કરતું હોય, પણ એડ્જસ્ટ કરવાની એની એક સીમા હોય. તમે દક્ષિણ ભારતમાં જાવ તો ત્યાંનો ખોરાક તમને બે-પાંચ મહિનામાં અનુકૂળ થઇ જશે એવું ના બને.  

એક વખત હું કેરાલાના તિરુણાવલ્લઇ ગયો હતો, ત્યાં માત્ર ત્રણ જ દિવસ રહ્યો હતો, તો પણ મને પગમાં ખુબ દુ:ખાવો ઉપડ્યો; અને જેવો હું એ જગ્યા-પ્રદેશમાંથી બહાર નીકળી ગયો કે તરત પગનો દુ:ખાવો  જતો રહ્યો – કેમ કે, ત્યાં મારે દિવસમાં ત્રણે વખત ભાત સાથે સાંભાર ખાવો પડતો હતો, ત્યાંના સાંભારમાં આંબલીનું પ્રમાણ વધારે હોય છે. દક્ષિણમાં લોકો પેઢીઓથી આવી દાળ ખાતા આવ્યા હોય, એ એમના genesમાં હોય તેથી એ લોકો રોજ ખાતા હોય, અને આ પ્રકારનો ખોરાક કાંઇ એક-બે પેઢીમાં ના આવે. એટલે, ગુજરાતની વ્યક્તિ જો લંડન કે બીજા દેશમાં જાય તો પણ એનું ભોજન એના શરીર પ્રમાણે હોય એ વધારે યોગ્ય છે; હા, ક્યારે’ક-ક્યારે’ક પંજાબી વાનગી કે બીજી કોઇ ખાઇએ એ વાત જુદી છે, તો ચાલે, પણ વધારે પડતો બહારનો ખોરાક એના શરીરને અનુકૂળ નહીં આવે. ગુજરાતમાં પણ કચ્છના લોકોને ચોખા-ભાત કરતા બાજરી-કઠોળ વધારે માફક આવે, કેમ કે ત્યાં ચોખા નથી ઉગતા. તો, માણસની પ્રકૃતિ થોડા દિવસોમાં ના બદલાય.

ॐ तत् सत्