માર્દવમ્ | દૈવી સંપત્તિ
(.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના શ્લોક ૨-પરના પ્રવચન પર આધારિત. આ અધ્યાયના શ્લોકો ઉપરના અન્ય પ્રવચનો પાછલા અંકોમાં છપાયા છે)

દૈવી સંપત્તિઓથી ભગવાન આપણી ઝોળી ભરતા જાય છે, એટલે આપણી ઝોળીમાં ઘણી બધી સંપત્તિઓ આવી રહી છે, પરંતુ, એ સંપત્તિઓને વટાવવી હોય તો એ માટે આપણે મહેનત તો કરવી પડે, તેથી, ભગવાન આપણને હોમ-વર્ક પણ ઘણું આપતા જાય છે. સંપત્તિઓ દૈવી છે, અને એ પણ ભગવાને આપેલી છે. એ સંપત્તિઓ આપણી ઝોળીમાં તો આવી જાય છે, પરંતુ એ સંપત્તિને જો પચાવવી હોય તો એ માટે કામ તો આપણે જાતે જ કરવાનું છે.

આ સંપત્તિઓ તો આપણે માટે, મનુષ્યો માટે જ છે, અને ભગવાનની એકે-એક દૈવી સંપત્તિઓ આપણા જીવનને કૃતાર્થ કરી શકે છે; માત્ર પહેલી સંપત્તિ ‘અભય’ને પણ જો પૂરે-પૂરી સમજી લઈએ, કે પછી સત્યને સમજી લઈએ અને જીવનમાં ઉતારીએ તો કૃતાર્થ થઈ જઈએ એવી છે. માણસ કૃતાર્થ થાય એવી ભગવાનની ઇચ્છા છે, એમણે આટલી બધી દૈવી સંપત્તિઓ કહેવી પડી એના મૂળમાં આપણે છીએ, એટલે આપણાં જીવનમાં આ સંપત્તિઓ હોવી જોઈએ. पराञ्चि खानि व्यतृणत् स्वयंभूस्तस्मात्पराङ् पश्यति આ नान्तरात्मन् (કઠોપનિષદ્ – ૨:૧:૧) કે, એક તો પ્રકૃતિએ આપણી ઇન્દ્રિયો બહિર્મુખ કરીછે, અને આપણે જે આધ્યાત્મનો વિકાસ કરવાનો છે, જેને માટે દૈવી સંપત્તિઓ ભગવાને આપી છે, એ વિકાસ તો  અંદર કરવાનો છે.

આ દિશામાં પહેલી વાત તો એ કે મારી અંદર જે ઉણપો, ખામીઓ, દુર્ગુણો છે એ મને દેખાવા જોઈએ; મારી અંદર જે અજ્ઞાન છે, અસત્ય કે હિંસાના ભાવો છે એ મને સમજાવા જોઈએ; પરંતુ આપણી મુશ્કેલી આ જ છે કે મને બીજાની ઉણપો, અજ્ઞાન, અસદ્વર્તન, દુર્ગુણ એવું બધુ મને જલ્દી દેખાય છે, અને મારી ઉણપો, મારું ખરાબ વર્તન, મારા દુર્ગુણો મને નથી દેખાતાં – કેમ કે આપણી આંખ, કાન, જીભ ઇન્દ્રિયો બધી બહિર્મુખ છે, તેથી એ આંખ બહાર જ વધારે જુએ છે, કાન બહારનું વધારે સાંભળે છે, મારે મારી અંદર જોવું હોય તો મારે મહેનત કરવી પડે, અને મારે બહાર જોવું હોય તો બહુ સરળ છે, કેમ કે મારી આંખ બહાર જ જુએ છે.

મહત્ત્વની વાત તો એ છે કે આધ્યાત્મની શરૂઆત જ અહીંથી થાય છે – કે જ્યારે હું મારી બહિર્મુખ દૃષ્ટિને અંતર્મુખ કરી જોવાનું શરૂ કરું, બહાર જોતી મારી આંખને હું પલટાવીને મારી બાજુ જોવા લાગુ, કે હવે હું દુનિયાને સુધારવા માટે નથી મથતો, મારી જાતને સુધારવા મથું છું; દુનિયાના અજ્ઞાનને મટાડતા પહેલા હું મારા અજ્ઞાનને મટાડવાનો પ્રયત્ન કરવા લાગુ છું.

આ દિશામાં મારી મુશ્કેલી એ છે કે મને જે આંખ મળી છે એ બહિર્મુખ છે, એ બહાર જ જાય છે, અને મારે જો પોતાનો વિકાસ કરવો છે તો મારે જાતે એ માટે પ્રયત્ન કરવા પડે; બીજું, એ કે હું જે જાઉં છું તે મારી જ આંખોથી જોઈ શકું, બીજાની આંખોથી તો હું જોઈ ના શકું, કે ના તો હું બીજાના કાનેથી સાંભળી શકું. વળી, બીજા સાથેના વ્યવહાર માટે પણ મારી જ લાગણીઓ હોય, વર્તન પણ મારું જ હોય – આમ, મારી પાસે જે સાધનો છે એનાથી જ મારે મારા આધ્યાત્મ-વિકાસનું કામ કરવાનું છે.

હવે, ભગવાન કહે કે સત્ય બોલવું જોઈએ; અને જો મને નિંદા કરવાની કુટેવ હોય તો બીજાના વાણી-વર્તન-સ્વભાવ જે ખરાબ હોય એ જ બધે હું કહેતો ફરું, અને કહું કે ‘ભગવાને સત્ય બોલવા કહ્યું છે, તેથી હું તો સત્ય જ બોલું છું’. આ કારણે ભગવાને ‘અપૈશુનમ’ કહેવું પડ્યું, નહીં તો ભગવાને ‘અપૈશુનમ’ (કોઇની નિંદા નહીં કરવી) કહેવું ના પડ્યું હો’ત.

આવું દરેક દૈવી સંપત્તિઓ સાથે થયું છે, અને એટલે જ દરેક સંપત્તિઓ જાણે ચારે બાજુથી આપણા ઉપર ઉપકાર કરવા આવી રહી હોય, ચારે બાજુથી, કે આપણને ક્યાં’ય છટક બારી ના મળે અને આપણે ક્યાં’યથી છટકી ના જઈએ, ક્યાં’યથી પણ આપણી અંદર દુર્ગુણો આવી ના જાય…એટલે, ભગવાન આટલી બધી દૈવી સંપત્તિઓ કહેતા જાય છે.

માર્દવમ્ – દૈવી સંપત્તિઓમાંથી આજે આપણે ‘માર્દવમ્’ સંપત્તિની ચર્ચા કરવાના છીએ. અલોલુપ્ત્વમ્ પછી ભગવાને “માર્દવમ્” કીધું છે – વાણી-વર્તન-સ્વભાવ-વિચાર દરેક વાતમાં મૃદુતા, સરળતા, કોમળતા હોવી જોઈએ.

માર્દવમ્ એક એવો સદ્ગુણ છે કે જે આ લોક અને પરલોક બંને સુધારે છે. જો મારા વાણી-વર્તનમાં મૃદુતા નથી, વ્યવહારમાં કોમળતા નથી તો આ લોકમાં, વ્યાવહારિક જગતમાં હું વૈયક્તિક કે વ્યાવસાયિક ક્ષેત્રે પણસફળ નહીં થઈ શકીશ – ના બિઝનેસ-વેપારમાં, ના મેનેજમેન્ટમાં કે ના પરિવાર-ગૃહસ્થીમાં. વળી, મૃદુતા એવો સદ્ગુણ છે, જેને આધારે હું જાગૃત રહી, ધીરે-ધીરે મૃદુ બનતો જાઉં, સાત્ત્વિક થતો જાઉં; અને પછી એ સાત્ત્વિકતા મને આધ્યાત્મ માર્ગ માટે પરિપક્વ બનાવે, અને મને સત્ય તરફ લઈ જાય છે.

મનુષ્યના સ્વભાવમાં માર્દવમ્, મૃદુતા, નમ્રતા, softness હોવી જોઈએ, કેમે કે કોમળ વસ્તુ હોય એ કોઈને વાગતી નથી; દડો પણ જો સોફ્ટ હોય અને ક્યારે’ક કોઈને પણ લાગી જાય તો એ વાગતો નથી; અને જો કઠણ હોય તો…? એવી જ રીતે વાણી-વર્તન-સ્વભાવનું છે, એ કર્કશ કે કડક હોય તો બીજાને ‘વાગે’ છે. મારા વાણી-વર્તનમાં જો માર્દવમ્, મૃદુતા હશે તો એ સામેવાળાને ‘વાગતા’ નથી, કોઈને દુ:ખ કે પીડા નથી પહોંચાડતા.

એટલે, મને લાગે છે કે આ સંપત્તિનો સદ્ગુણ આપણે વ્યવહારમાં લેવો, ખાસ કરીને ગુજરાતમાં, કેમ કે એ થોડું સરળ પણ છે, અને આ દિશામાં આપણે જો થોડી પણ મહેનત કરીશું તો એમાં બહુ આગળ વધી શકીશું.

મારા એક મિત્ર છે, એ ભારતના ઘણા રાજ્યોમાં રહ્યા છે; એક દિવસ મને કહે કે “હું હરિયાણા પણ રહ્યો છું, અને ગુજરાતમાં પણ રહ્યો છું; પણ બંને રાજ્યોમાં એક ફેર છે.” મેં પૂછ્યું, “શું ફેર છે?” એ કહે “હરિયાણામાં માણસ કોઈને પ્રેમ પણ કરતો હોય ને તો લાગે કે હમણાં મારશે.”

હું પણ જ્યારે હરિયાણાના એક ગામમાં રહેતો હતો ત્યારે એક વખત ભિક્ષા માટે ગયેલો, ત્યા ડે’લો હોય, મોટું ઘર હોય, એના મોટા ગેટની બહાર હું ઊભો રહ્યો. ત્યાં, બહાર ખાટલા ઉપર ચાર-પાંચ જણ હુક્કો પી’તા બેઠા હતા. હું “નારાયણ હરી” બોલીને ઊભો રહ્યો. થોડી વારમાં એક જણની નજર મારા પર પડી; એ મોટેથી બોલ્યા, “बाबा, के है? क्युं खड़ा है?” મેં કહ્યું કે હું ભિક્ષા માટે ઊભો છું. તો, કહે, “भिक्षा के लिए ) नहीं बोलता है, तू “नारायण” नहीं बोलता, कुछ बोलता नहीं… ऐसे ही खड़ा है.” હું થોડું ધીમેથી બોલ્યો હતો, એટલે એમને ખ્યાલ નહીં આવ્યો હશે.

“क्या लेगा?” મેં કહ્યું, “कुछ रोटी-बोटी हो तो मिल जाये… ”  “रोटी? तो यहां बाहर क्युं खड़ा है? अंदर जा, यहां थोडी रोटी है, अंदर मिलेगी रोटी.” તો હું ડે’લાની અંદર ગયો, ધીમેથી, ડરતો-ડરતો ગયો, અને એ ભાઈ ત્યાંથી જ બેઠો-બેઠો બૂમ પાડીને કહે, “ए बब्बे को रोटी दे, कोरी रोटी ना दइयो, घी लगा के दइयो.”

તો, એ ભાઈમાં પ્રેમ દેખાતો હતો, કે સાધુને તો રોટલી સારી મળવી જોઈએ, પણ ભાષા એવી થોડી કર્કશ… અને મારા મિત્ર મને કહે કે ગુજરાતમાં આપણા પર કોઈ માણસ ગુસ્સો પણ કરે ને તો એમ લાગે કે આપણને એ પ્રેમ કરે છે. તો સ્વભાવમાં, વર્તનમાં એવું હોય.

આપણે ત્યાંના ઘણા પરિવારોમાં હું જોઉં છું કે એ લોકો બાળકોને માર-ઝૂડ નથી કરતા, બાળકને જલ્દી મારશે નહીં, બાળક જીદ કરશે તો એને સંભાળી લે’શે, અને એની જીદને તાબે થઈ જશે, પરંતુ બીજા પ્રાંતોમાં બાળકો સાથે એવું નથી કરતાં.

અમે ઉત્તર ભારતના પ્રાંતમાં રહેતા ત્યાં ઉપવસ્ત્ર ભાગ્યે જ પહેરીએ, કાયમ માત્ર કટિ વસ્ત્ર પહેરીને જ ફરતા હોઈએ, શરીર ખુલ્લું હોય. ગુજરાતમાં લોકો ઘરમાં પણ હોય તો માત્ર ટુવાલ પહેરીને ફરે એવું ઓછું કરે.

હું જ્યારે ખંભાતમાં આવ્યો ત્યારે ત્યાં પણ ઉપવસ્ત્ર ન્હોતો પહેરતો, માત્ર કટિ વસ્ત્ર જ પહેરતો, શરીર ઉપર તો કંઇ જ ન હોય. એક વખત બે બહેનો મને મળવા માટે આવતાં હતાં, એમનામાં પ્રેમ હતો, પરંતુ મને જોઈને એમને થોડો સંકોચ થતો હશે; તે છતાં મને સીધું કશું ના કહે, પણ એવું પૂછ્યું કે તમને પવન નથી લાગતો? ઠંડી જેવી નથી લાગતી? મેં કીધું, “ના મને બરાબર છે.” મને કશું અજુગતું ન્હોતું લાગતું, અને મને ખ્યાલ પણ ના આવ્યો. હવે, એ બહેનો મને બે-ચાર વખત આવું પૂછ્યા કરે તો પણ મને સમજાયું નહીં. પછી એક દિવસ એ બહેનો મારે માટે બે બંડી લઈ આવ્યા અને મને આપી કહે, “સ્વામીજી, આ પહેરો, તમને ઠંડી કે પવન નહીં લાગશે, તમને સારું રહેશે.”

તો, વર્તનની આ નમ્રતા છે, કોમળતા છે. એ બહેનો એવું પણ કહી શકતા હતા કે અહીં લોકોને આવું નથી ગમતું, તેથી તમે આ પહેરો, કે અમે આવીએ છીએ ત્યારે તમારા પહેરવેશથી અમને સારું નથી લાગતું; અને જો કીધું હો’ત તો મને ક્ષોભ થા’ત કે અરે! મારાથી આ ભૂલ થાય છે, બહેનો સામે મારે આમ ઉપવસ્ત્ર વગર ના રહેવું જોઈએ,  પણ એમના નમ્ર સ્વભાવ અને વર્તનથી મને ક્ષોભ થવા ના દીધો. ગુજરાતમાં આવું સામાન્ય રીતે જોવા મળે.

સ્વભાવની આ જે મૃદુતા, નમ્રતા છે એ આપણાં જીવનમાં દરેક જગ્યાએ આવવી જોઈએ, નાની-નાની વાતોમાં એ વાત પ્રત્યે સજાગ રહેવાનું કે આપણે કારણે સામેવાળાને કોઈ તકલીફ તો નથી થઈ રહી. ઉપર કહેલા બે બહેનોના પ્રસંગમાં એવું પણ થઈ શક્યું હો’ત કે એ બહેનોએ મને બંડી આપી એ વાત પછી બીજાને પણ કહે કે જુઓ, આ લોકોને આટલી’ય સમજ નથી પડતી… તો, સામે કોમળતા હોય, પણ એમાં તમસ ભળેલું હોય.

મૃદુતા જેમ-જેમ આપણા જીવનમાં આવતી જશે તેમ-તેમ આપણી અંદર દયા, કરૂણા, પ્રેમ ખીલતા જશે, અને એ ગુણ સત્ય તરફ લઈ જાય છે. આપણા જીવનમાં જો કોઈ દિવસ દુ:ખ કે પીડા આવી ના હોય તો આપણને સામેવાળાનું દુ:ખ કે પીડા સમજાતી નથી.

ભગવાન અલોલુપ્ત્વમ્-ની વાત કહ્યા પછી માર્દવમ્-ની વાત કહે છે. અલોલુપ્ત્વમ્-નો અર્થ છે કે એને વિષયો કે ઇન્દ્રિયોનું આકર્ષણ નથી, ખાવા-પીવામાં-જોવામાં આસક્તિ નથી, એ સંયમિત જીવન જીવે છે. હવે, માણસ સંયમિત જીવન જીવતો હોય , એને ખાવા-પીવામાં બહુ આસક્તિ ના હોય, રસ ના હોય, બીજા કોઈ મોજ-શોખમાં રસ ના હોય, તો, એની અંદર પછી ધીમે-ધીમે, અજાણતા ક્યારે કઠોરતા આવી જાય એ ખબર જ ના પડે, એને ખ્યાલ પણ ના આવે કે એ કઠોર થઈ રહ્યા છે.

અમે એક વખત આબુ ગયા હતા, અમારી સાથે એક વડીલ પણ હતા અને બીજા નાની ઉંમરના સાધકો હતા. હવે, એ વડીલને ખાવા-પીવામાં કોઈ રસ ન્હોતો; એ તો સવારે માત્ર થોડું ચા-દૂધ લઈ લે, અને પછી એક-બે વાગ્યા સુધી તેઓ કશું જ ખાતા નહીં, એમને એમ ચાલે. તો, એ વડીલ રસ્તામાં અમારી ગાડી ક્યાં’ય ઊભી જ ના રહેવા ‘દે. સાથેના જે યુવાનો, છોકરાઓ હતા એ મને આવીને કહે, “સ્વામીજી, અમને તો થોડું સારું ખાવાનું જોઈએ.” હવે, આ વડીલને ખાવા-પીવામાં રસ ના હોય, લોલુપતા ના હોય તો એ બીજાની સાથે પણ એવું જ વર્તન કરે કે મને ખાવા-પીવામાં કોઈ રસ નથી તો બીજાએ પણ એવું જ કરવું, વઘારે કે સારુ ખાવું ના જોઈએ.

આવી જ રીતે, એક વખત અમે હિમાંચલ ગયેલા, સાથે સાત-આઠ સાધકો હતા, એટલે મેં એમને કહેલું કે થોડો નાસ્તો લે’તા આવજો, આપણે આટલા જણ છીએ અને તેથી નાસ્તો હોય તો સારું.

નાસ્તાની બાબતમાં આપણા ગુજરાતમાં કેવું તે બધાં’ય પ્રાંતના લોકો જાણે છે કે ગુજરાતના લોકો ફરવા કે યાત્રા કરવા ટ્રેનમાં જતા હોય તો એ ગુજરાતીઓની આજુબાજુના લોકોને ખાતરી હોય કે હમણાં ડબ્બાઓ ખુલશે અને આપણને ખાખરા, ઢેબરા બધું મળશે – બીજા પ્રાંતવાળાઓ પાસે આવું બધું ના હોય.

હવે, આઠ સાધકો, આઠ જણ માટે, આઠ દિવસ ચાલે એટલો નાસ્તો લઈને આવ્યા! એ સાધકોમાં એક વડીલ હતા, એ કહે, “સ્વામીજી, આ બધું તો બગડી જશે, તો આ તો પહેલા ખાવું પડે, જલ્દી પુરું કરવું પડે.” એટલે, બે-ત્રણ દિવસો સુધી એ વડીલ સવારે-સાંજે એ જ નાસ્તો કાઢી-કાઢીને બધાને આપે. ત્રણ દિવસ પછી એક-બે જાણ મારી પાસે આવ્યા કહે, “સ્વામીજી, થોડો ભાત તો મળવો જોઈએ, આ તો ખઈ-ખઈને હાલત ખરાબ થઈ ગઈ છે,” કેમ કે માણસ જાતે ચલાવી લે’તો હોય, એને કશા’યમાં ભાવ ના હોય, પરંતુ હું બીજાને માટે અજાણતા ક્યારે કઠોર થઈ રહ્યો છું એ ખબર ના પડે.

જે માણસ જાતે કોઈ દિવસ બીમાર ના પડ્યો હોય એ બીમાર માણસની વ્યથા-પીડા કોઈ દિવસ સમજે જ નહીં, કેમ કે એ કઠોર હોય.

હું જ્યારે નડીઆદમાં વિકાસદીપ સોસાઇટીમાં રહેતો હતો. ત્યાં સામે એક પરિવાર રહેતો હતો. ઘરની કોઈ એક વ્યક્તિ બીમાર થઈ, એ જાતે દુ:ખી હોય એમાં વળી, એ ઘરવાળા ભઇ એટલા તો ગુસ્સે થાય, કહે કે “તમે માંદા કેવી રીતે પડી ગયા? મને જુઓ, હું કોઈ દિવસ માંદો પડું છું? તમે કેમ માંદા પડ્યા?” હવે, પોતે માંદા નથી પડ્યા, પણ બિચારા જે માંદા હતા એ તો જાતે દુ:ખી હતા, એમાં ઉપરથી એ એને ધમકાવે કે માંદા કેમ પડ્યા.

થોડા વખત પછી આ જ ભઈને આંખની તકલીફ થઈ, સર્જરી માટે હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં ઓપરેશન ટેબલ, મશીન બધુ જોઈને એના હ્રદયના ધબકારા વધી ગયા કેમ કે એ કોઈ દિવસ માંદા ન્હોતા પડ્યા, હોસ્પિટલમાં જવાનું થયું ન્હોતું, એટલે ત્યાં હોસ્પિટલમાં જ એમનું તો BP વધી ગયું… ગભરાટમાં ત્યાં જ એમને એટેક આવી ગયો, ઘરે લઈ આવ્યા… પછી, “હાય-હાય…” આ જ માણસે પોતાની બીમારને કારણે આખા ઘરને માથે લીધું હતું.

એટલે, જીવનમાં જે વાતોમાંથી આપણે પસાર ના થયા હોઈએ, એ વાતોની પીડા આપણને સમજાતી નથી, અને જો હું બિમાર ના પડ્યો હોઉં તો હું બીમારની પીડા નથી સમજતો. મને ખાવા-પીવામાં રસ ના હોય, મેં મોજ-શોખ ના કર્યા હોય તો મને આવી વાતોની ખબર ના હોય… બીજી તરફ, એક માણસે ખૂબ મોજ-શોખ કર્યા હોય, વ્યસનો હોય, સિગારેટ-દારૂ, બીજા વ્યસન હોય,પછી, ધીમે-ધીમે એ સંયમિત થયો હોય, અને પછી બધું છોડી દીધું હોય તો એ વ્યક્તિ બીજો કોઈ દારૂની લતવાળો હોય એને સમજી શકે છે, વ્યસનથી થતી એની પીડાને સમજી શકે છે, કે એ કેવી પરિસ્થિતિમાં, કેવા દુ:ખમાં માણસ વ્યસન કરતો હોય. કેટલી વખત વ્યસની એના વ્યસનથી બહાર નીકળવા માટે મથતો હોય, પ્રયત્ન પણ કરતો હોય, એનાથી એને સારું ના લાગતું હોય, અને છતાં’ય એ પોતાના વ્યસનમાંથી નીકળી ના શકતો હોય… એની પોતાની એક વેદના હોય. તો, માણસ એમાંથી પસાર થયો હોય તો એ બીજાની પીડાને સમજી શકે, નહીં તો એ પીડા સમજાય જ નહીં. એટલે, ઘણી વખત એવું લાગે કે માણસ એવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોય તો સારું… ઘણા લોકો બીજાને સલાહ આપે, પોતાના છોકરાઓની પાછળ પડ્યા હોય, કહે એણે આવી રીતે ભણવું જોઈએ, આટલા ટકા આવવા જ જોઈએ… વિચાર કરો, કેવો માણસ છે?

મેં એક વખત વાંચેલું કે એક ભઈ એના છોકરા પર થોડા નારાજ હતા, એ એક દિવસ છોકરાને કહે કે નહેરૂજી તારી ઉંમરના હતા ત્યારે તો બેરિસ્ટર થઈ ગયા હતા. તો, છોકરાએ કીધું, પપ્પા, તમારી ઉંમરના હતા ત્યારે તો એ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા હતા. સામેવાળી વ્યક્તિને સમજવા જ તૈયાર નથી, એટલે જરૂરી છે કે સામેવાળી વ્યક્તિની પીડાને હું સમજુ, અને એમાં સારું તો એ કહેવાય કે હું એ પરિસ્થિતિમાંથી કોઈ દિવસ પસાર ના થયો હાઉ તો’ય હું સામેવાળા માણસને સમજતો હોઉં.

પરમાત્માની કૃપાથી, મારી ઉપર શિવજીની કૃપા રહી છે – હું જ્યારે પૂર્વાશ્રમમાં હતો ત્યારે મારા ઘણા મિત્રો સ્મોક કરતા, ડ્રિંક્સ લેતા હતા, પણ મેં ક્યારે’ય નથી સ્મોક કર્યું કે નથી ડ્રિંક લીધું. તો પણ મને કોઈ દિવસ એ લોકો માટે દુર્ભાવ નથી થયો. હું મારી રૂમમાં બધી જાતની સિગારેટ રાખતો, એ લોકોને ઓફર કરતો; ક્યારે’ક ચાર-પાંચ મિત્રો મળીને સાથે બહાર ફરવા ગયા હોઈએ ત્યારે ડ્રિંક્સ સાથે પેલું ડ્રાયફ્રૂટ્સ, શેકેલા, ખારાં-મીઠાં એ પણ મારી પાસે હોય… એ તો ઠીક, એમને જોઈતા દારૂની બોટલ પણ મારી પાસે હોય… પણ મને એમના પ્રત્યે ક્યારે’ય દુર્ભાવ નથી આવ્યો, અને એ લોકોને ક્યારે’ય એવું નથી લાગ્યું કે આ (હું) કોઈ બહારની વ્યક્તિ છે (છું). તમે જોયું હશે કે તમે કોઈ વ્યસની માણસની પાસે જશો તો એ તમને એની ટીમમાં સામેલ કરવા મથશે.

આપણા એક સાધકનો છોકરો છે, એના મિત્રોએ એક દિવસ પાર્ટી કરી હશે. એ ડ્રિંક લે’તો ન હોતો, તો એના મિત્રોએ કોકા કોલાની અંદર ભેળવીને એને ડ્રિંક પીવડાવી દીધું. કેમ? કેમ કે એને (એના મિત્રને) એમ થશે કે કાલે મને આ ખરાબ કહેશે એને મારે માટે એને અભાવ (દુર્ભાવ) થશે, એટલે એ એની ટીમમાં તમને સામેલ કરવા મથશે.

એટલે, જે વ્યસનની પીડામાંથી પસાર થયો હોય, આ જન્મમાં નહીં તો પાછલા જન્મમાં, અને એના વ્યસનમાંથી એ બહાર નીકળ્યો હોય તો એ બીજા વ્યસનીની પીડા વધારે સારી રીતે સમજી શકશે; અને, ભગવાનની બહુ જ કૃપા હશે તો એના જીવનમાં કોઈ દુર્ગુણો ના હોય અને છતાં’ય દુર્ગુણોવાળી વ્યક્તિઓ માટે પણ એની અંદર કોમળતા હોય, અંદર બધાં’ય માટે લાગણી હોય, એવી વ્યક્તિ બહુ ભાગ્યશાળી હોય. તો એના જીવનમાં એવું બનતું હોય, કે એ બધાં’ય માટે ઉદાર હોય.

તમે એક વાત જોશો કે કોઈ માણસને કોઈ બહુ ખરાબ ટેવ હોય, એ સારો ના હોય, અને ધીમે-ધીમે એ માણસ સુધરી ગયો હોય, એની લાઇન જ આખી બદલાઈ ગઈ હોય  અને એ સારા રસ્તે, સાચી દિશામાં આવી ગયો હોય તો એ માણસ છે ને, કોઈ પણ કામ હાથમાં લે ને, તો એ એને ક્યાં-થી-ક્યાં પહોંચાડી ‘દે છે.

એક વખત હું કર્ણાટક ગયેલો; ઉડુપીની પાસે જેમને ત્યાં રોકાયો હતો એ ભઇએ કીધું કે “અહીં થોડે દૂર એક સાંઇ મંદિર છે, બહુ સરસ છે – આપણે ત્યાં જઈએ?” અમે એ મંદિરમાં ગયા, અને ત્યાં દર્શન કરતા હતા… એટલામાં, ત્યાં એક વ્યક્તિ આવી અને એણે આખું મંદિર બતાવ્યું, મંદિર વિષે વાતો પણ કરી. પછી એ વ્યક્તિએ કીધું, “સ્વામીજી, તમે ઘરે આવો”.

એ મંદિરની સામે જ એમનો બંગલો હતો, ત્યાં અમે ગયા, બેઠા, વાતચીત કરતાં ખબર પડી કે એ ભઇ મુંબઈની કોઈ માફિયા ટોળકીના એક ગેંગસ્ટર હતા; પછી કોઈ સંતના સંપર્કમાં આવ્યા તો બધું જ છોડી દીધું, અને અહીં મંદિર બનાવીને ત્યાં જ રહે છે, ભક્તિ કરે છે; બીજી એક-બે સંસ્થાઓમાં ધ્યાન રાખે છે. તો મેં કહ્યું, “તમે માફિયા ગ્રુપમાં હો તો તમે બહાર નીકળી ના શકો, એ લોકો એમના ગ્રુપની બહાર તમને જીવવા ના ‘દે.” તો એણે કીધું, “સ્વામીજી, એ લોકોએ ઘણી વખત મારું મર્ડર કરવાના પ્રયત્નો કર્યા છે, પણ મને ભગવાનની કૃપા છે કે હજુ સુધી હું બચી ગયો છું, મને કશું થયું નથી. હવે એ લોકો પણ ઢીલા પડી ગયા છે.” પછી એમણે મને આગ્રહપૂર્વક કીધું કે “તમે નિત્યાનંદ આશ્રમ જરૂર જજો, ત્યાં પણ હું ટ્રસ્ટી છું.”

હવે, આવી વ્યક્તિ છે એ કોઈ પણ કામ હાથમાં લેશે, તો એમાં એ બહુ ઝડપથી સફળ થશે, કેમ કે એ બધી વ્યક્તિઓને સાંકળી શકશે, એની અંદર એક જુદી જ પ્રતિભા હશે.

કામ ગમે તેવું હોય, એ એકલાથી થતું નથી, કામ પાર પાડવા માટે દરેક પ્રકારના થોડા-ઘણા માણસો તો જોઈએ જ, અને જે લોકો આપણા કામમાં જોડાવા તૈયાર હોય, એ બધા કાંઇ સોને મઢેલા ના હોય; કોઈ વ્યક્તિ ગંગાજળ જેવી પવિત્ર હોય પછી આપણી પાસે આવે એવું ના બને. અપણે કેવા-કેવા લોકો સાથે જોડાવું પડે – તો એ બધા માટે સહૃદયતા જોઈએ. જો કોઈ બહુ સાત્ત્વિક માણસ હોય તો અમુક પ્રકારના માણસો માટે એને પહેલાથી જ ગ્રંથિ બંધાઈ હોય કે આ માણસ ખરાબ છે, એની સાથે સંબંધ ના રખાય, એની પાસેથી કામ ના લે’વાય. તો, આપણે એવી વ્યક્તિને સાથે લઈ ના શકીએ; જ્યારે પહેલા જે વ્યક્તિ ખરાબ હોય (પછી એ સારા થઈ ગયા હોય) એ

આવી વ્યક્તિ પાસેથી પણ કામ લઈ શકે.

એક વખત મારે થોડી વસ્તુઓની જરૂર હતી એ લેવા માટે હું એક સાધક સાથે એક શહેરમાં ગયો હતો. એ સાધકે કીધું કે સ્વામીજી આવો, હું તમને વ્યવસ્થા કરી આપું. અનાયાસે એ વ્યક્તિ સાથે મને એ શહેરના બે-ચાર બીજા સાધકોએ જોયો હશે, તો અહીં આશ્રમમાં ફોન આવવાના શરૂ થઈ ગયા, કે સ્વામીજી આ વ્યક્તિ સાથે કેમ ફરે છે, એનાથી આશ્રમની બદનામી થઈ જશે. મેં કહ્યું, “કોઈ પણ માણસ હોય, એ પાપી હોય, લોભી હોય, જેવો હોય, એ મંદિરમાં ભગવાન પાસે અને સાધુ પાસે નહીં જશે તો ક્યાં જશે? એવા લોકો માટે મંદિર અને સાધુ આ બે-જ જગ્યાઓ છે એ તો રહેવા દો એને માટે કે એ ભગવાન પાસે જઈને એ નિર્ભીક-પણે કહી શકે કે ‘હું ગમે તેવો છું, ખરાબ છું, જેવો છું તેવો, તમારો છું, કંઈક કૃપા કરો!’ અને, સંતો તો ભગવાનના પ્રતિનિધિ જેવા હોય, તો એમની પાસે તો એવા લોકોને જવા દો, ક્યાં તકલીફ છે? વ્યસનીની પણ એક પીડા હોય છે.

અહીં આશ્રમમાં એક વખત એક સાધક આવેલા, એ બહુ સ્મોક કરતા હતા (ચેન-સ્મોકિંગ), રોજની ૪0-૫0 સિગરેટ પી જાય. અહીં આવ્યા, અને બીજા દિવસે મને હાથ જોડીને કહે, “હું ઘરે જાઉં છું”. મેં કહ્યું, “તમે તો બે-ત્રણ દિવસ માટે આવ્યા હતા…” કહે, “હું અહીં અઢાર કલાકથી છું, જીવનમાં પહેલી વખત હું આટલા સમય સુધી સિગારેટ વગર રહ્યો છું…” અને એમ કહેતા એના આંખમાં આંસુ આવી ગયાં. તો, મેં કહ્યું, “ભલે, હવે તમે ફરી જ્યારે આવશો, ત્યારે હું તમને બે-ચાર કલાકની છૂટ આપીશ, ગેટની બહાર થોડું જઇ આવજો, આંટો મારી આવજો, હવે ચિંતા નહીં કરતા.”

જો તમારે કોઈ કામ સફળતાથી કરવું છે, દરેક પ્રકારની વ્યક્તિઓને સાથે લઈને કરવું છે તો મૃદુતા વગર એ શક્ય નથી, કોમળતા વગર એ શક્ય નથી. દરેક વ્યવહારમાં કોમળતા તો જોઈએ, અને તેથી એ કોમળતાને થોડી સમજીશું, હું કદાચ કોઈનું કામ કરી દઉં, પણ એ કામ કરવાની રીતમાં ઘણો બધો ફેર હોય.

એક બહેન છે, એમણે બીજા બહેને કશું કામ બતાવ્યું; જેને કામ બતાવ્યું એ બહેન પાણી પી’તા હતા એ પેલા બહેનને ખ્યાલ નહીં હશે કે એ પાણી પી’વે છે. તો, પેલા બહેન જોરથી કહે, ‘હું પાણી પછી પી’શ, પહેલા તમારું કામ કરી આપું.’ એક તો આ રીત છે, એમાં તમસ છે, એકદમ તમસ છે. બીજી રીત એ છે કે એ કહે, ‘હું પાણી ‘પી લઉં અને તમારું કામ કરી આપું છું’ – આ રજસ છે, અને ત્રીજું, હું કામ કરીને આવું, કામ પૂરું કરી દઉં, પછી સામેવાળી વ્યક્તિને ખબર પડે કે અરે! તમે પાણી પી’તા હતા મને ખ્યાલ જ ના આવ્યો’. એટલે, મેં ક્યારે પાણી પી’ લીધું, ક્યારે એમનું કામ કરી દીધું, એ સામેવાળી વ્યક્તિને ખબર જ નથી પડી – આ સાત્ત્વિકતા છે.

બીજો પ્રસંગ – હું જમતો હોઉં ત્યારે કોઈનો ફોન આવે, સામેવાળી વ્યક્તિને ખબર પડે કે હું જમું છું, તો એને ક્ષોભ થાય કે ‘મેં તમને તકલીફ આપી, તમને જમતી વખત ફોન કર્યો…’  ના, એને ખબર જ ના પડે કે તમે જમતા હતા – આ સાત્ત્વિકતા છે. વ્યવહાર-વર્તનમાં આવી સાત્ત્વિકતા હોય એ ઇચ્છનીય છે કે ધીમે-ધીમે મારું વર્તન, મારા દરેક વર્તન સાત્ત્વિક થાય. તામસિક સ્વભાવ-વર્તન એ છે કે મારા વર્તનથી સામેવાળાને ક્ષોભ થાય, દુ:ખ થાય એની મને ખબર નથી પડતી, અને રજસનો અર્થ છે કે હું સામેવાળી વ્યક્તિ સાથે ત્યારે જ સારું વર્તન કરીશ કે જ્યારે મારી સાથે એ સારું વર્તન કરશે, જો મારી સાથે એ ખરાબ વર્તન કરશે, ખરાબ રીતે બોલશે તો એમને મારું વર્તન સહન કરવાની, સાંભળવાની તૈયારી જોઈએ – આ રાજસી વર્તન છે, રજસ છે. સાત્ત્વિકતાનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ મારી સાથે ગમે તેવું વર્તન કરશે, હું તો પ્રેમ જ કરીશ, મારામાં કોમળતા જ હશે, એ સાત્ત્વિકતા છે.

એક સરસ સુગંધી ફૂલ છે, પણ એની આજુબાજુ કોઈ ગંદી વસ્તુ આવી જાય, એની દુર્ગંધ હોય, તો એ ફૂલ કંઈ એની સુવાસ ફેલાવવાનું બંધ કરી ‘દે છે? એ પણ શું બગડી જાય? કે ના હું પણ હવે ગંધ જ મારીશ, હું શું કરવા સુવાસ, સુગંધ ફેલાવું? શું ચંદનકાષ્ઠની આજુબાજુમાં ગંદી વસ્તુ હોય તો એ કાષ્ઠને ક્યારે’ય એવું થાય કે હું શું કરવા ચંદનની સુગંધ ફેલાવું? જ્યારે હું એવું વિચારું છું કે હું સદ્વર્તન જ કરીશ ત્યારે મારા વર્તનમાં કોમળતા જ હશે, ત્યારે એ સાત્ત્વિક વર્તન, એ કોમળતા મારો સ્વભાવ બને છે – એ સ્વભાવ પછી કોઈથી પણ પ્રભાવિત થઈને કે કોઈ લાલચ-વશ, કોઈ ભય-વશ હવે નથી.

એક સાધક એક-બે દિવસ પહેલા જ વાત કરતા હતા કે ગાંધીનગર સેક્રેટરીએટમાંના એક અધિકારી કોઈ એક મંદિરમાં ગયા હશે, ત્યાં એમને એક રૂમ જોઈતી હતી એટલે એમણે મંદિરમાં ફોન કરી પૂછ્યું, ઉત્તર મળ્યો કે કોઈ રૂમ મળે એમ નથી; પછી એમણે બીજો ફોન કરી કીધું કે હું સેક્રેટરીએટમાંથી બોલું છું, ઉત્તર મળ્યો કે એક સામાન્ય રૂમ છે એ કદાચ તમને મળી જાય. ત્રીજો ફોન કર્યો, કીધું કે હું રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં છું, મને રૂમ જોઈએ છે… સામે મંદિરવાળાનો ભાવ તરત જ બદલાઈ ગયો, કહે “હું જોઉં છું, કદાચ VIP રૂમ ખાલી હોય તો તમને વ્યવસ્થા કરાવી આપું.” આ પ્રસંગમાં કોમળતા આવી છે, પણ એ સ્વભાવગત નથી, સામે લાલચ, સ્વાર્થની વાત છે એટલે અવાજમાં કોમળતા આવી – આ રજસ છે. મૂળમાં કોમળતા મારો સ્વભાવ બને, બીજાને મદદ કરવાનો મારો સ્વભાવ બને, એ ઇચ્છનીય છે.

સાધ્વીજી એક વખત એક સંસ્થામાં ગયેલા, પછી આવીને મને વાત કરી કે ત્યાં બહેનો એમને જમાડતા હતા; જમી લીધા પછી થાળીમાં જ હાથ ધોઈ લીધા; ત્યાં એ સંસ્થામાં જમ્યા પછી થાળીમાં હાથ નહીં ધોતા હશે; પછી સાધ્વીજીને અહેસાસ થયો કે આ તો મારી ભૂલ થઈ કે મેં તો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ લીધા; એ માટે તેઓ અફસોસ વ્યક્ત કરવા ગયા કે મારી આ ભૂલ થઈ છે. વાત સાંભળીને એ લોકો એ કીધું કે ના-ના, એ થાળી હાથ ધોવા માટે જ છે, તમે સ્હેજે’ય ચિંતા ના કરો.

આવા સંજોગમા સામેવાળા સાથે એકદમ ભળી જઈએ તો એને ક્ષોભ ના થાય; નહીં તો એમાં રજસ હોય, તો કહેશે – “હા, હા, સંસ્થામાં તો એવો નિયમ છે, પણ તમે હાથ થાળીમાં ધોઈ લીધા છે તો વાંધો નહીં,” આવું પણ થઈ શક્યું હો’ત; અને ત્રીજી રીતે પણ થઈ શક્યું હો’ત કે, “વાંધો નહીં, હાથ થાળીમાં ધોઈ લીધા તો ધોઈ લીધા, … પછી, બધાને કહે કે “જુઓ, આટલી પણ સભ્યતા કે સમજ નથી,” આવું પણ વર્તન હોઈ શકે, એ તમસ છે.

અહીં વાત છે આપણા સ્વભાવમાં મૃદુતા, કોમળતા વિકસાવવાની. અને ક્યારે’ક જોઈએ તો સંતોના જીવનમાં કઠોરતા પણ દેખાતી હોય – ગુરૂજનોના, સંતોના જીવનમાં ક્યાંક કઠોરતા દેખાતી હોય છે, પણ એમની કઠોરતા સાત્ત્વિકતા સાથે હોય, સત્ત્વ સાથે હોય એ સામેવાળી વ્યક્તિના ઘડતર માટે હોય.

હું જ્યારે મુંગેર હતો ત્યારે ત્યાં કેટલી વખત એવું થતું કે અમને આદેશ મળે કે તમારે બનારસ જવાનું છે – ક્યારે જવાનું છે, કઈ રીતે જવાનું છે, પૈસાની કોઈ વાત ના કરી હોય… અને અચાનક, દશ મિનિટ પહેલા આવે અને ટિકિટ આપે, પૈસા આપે, કહે ચાલો, બેસી જાવ… ત્યાં સુધી કંઇ ખબર ના હોય. તો ઘણા ગુરુભાઈઓ હેરાન થઈ જાય કે અમને કહેતા નથી, અમારી પાસે પૈસા નથી … તો કહે, “થઈ જશે”… છેક સુધી ના કહે. તે વખતે અમને લાગતું કે આ તો કઠોરતા છે, આવું વર્તન તે કાંઇ હોય? કે અમને કશી વાતની પહેલેથી જાણ જ ના હોય.

વર્ષો પછી આજે મને સમજાય છે કે આવી વાતોએ અમને ધીમે-ધીમે સમર્પણ કરતાં શીખવ્યું. વાત નાની છે, પણ ધીમે-ધીમે અમને સરેન્ડર કરતાં શીખવ્યું કે જે થશે, જ્યારે થશે, બધું સ્વીકાર્ય છે. આવી રીતે ગુરુજનો શીખ આપતા હતા કે માણસ સરેન્ડર થવાની વાત કઈ રીતે શીખશે. તો, “જે આવશે તે સ્વીકાર્ય છે,” એ વાત વ્યવહારિક દૃષ્ટિએ કઠોરતા લાગે, પરંતુ એ જ વાતને જીવનમાં કઈ રીતે ઉતારવી, કઈ રીતે applicable કરવી એ આવી વાતોથી સમજાય છે.

મેં એક ગુરુ વિષે સાંભળ્યું હતું, તેઓ એક શિલ્પકાર હતા, એમણે એમના એક શિષ્યને એ વિદ્યા આપી; ધીમે-ધીમે એ શિષ્ય પણ સારા શિલ્પકાર થયા, એમણે ખાસ્સી એવી ખ્યાતિ મેળવી. શિષ્ય ક્યારે’ક ગુરુ પાસે પોતાની કોઈ શિલ્પની કૃતિ લઈને જાય તો ગુરુ એમાં બે-ચાર ખામીઓ કાઢી જ ‘દે – કહેતા કે ‘આમાં આ બરાબર નથી, આમાં આ બરાબર નથી…” એટલે ખ્યાતનામ શિષ્યનો અહંકાર ઘવાય, કે મારી કૃતિઓ તો આખી દુનિયા વખાણે છે, અને આ એક જ એવી વ્યક્તિ છે જે મારી કૃતિઓને ખામીવાળી કહે છે; એટલે, એક વખત એમને બહુ ગુસ્સો આવ્યો અને નક્કી કર્યું કે આજે તો હું ગુરુ સાથે લડી લઇશ, ગુરુને પૂછીશ કે તમે મારી સાથે આવું કેમ કરો છો?

શિષ્ય તો ગયા ગુરુ પાસે, જોયું તો ત્યાં ગુરુ કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરતા હતાં, એટલે એ ઊભા રહ્યા… સાંભળ્યુ તો, ત્યાં વાત તો એમની જ ચાલતી હતી, ગુરુ એમના એટલા વખાણ કરતા હતા કે મારો એક જ શિષ્ય છે, જે એટલી મહેનત કરીને આ કળામાં પારંગત થયો છે, આગળ આવ્યો છે… હવે, મારી એવી ભાવના છે કે એની અંદર જે થોડી, નાની-નાની ઉણપો છે એ બધી ઉણપો નીકળી જાય, અને એ હજુ’ય એ મહાન બને.” પોતાના ગુરુના આવા વખાણ સાંભળીને શિષ્યને બહુ ક્ષોભ થયો, જઈને ગુરુના પગે પડી ગયા.

એટલે, જ્યારે પણ સંતોના, ગુરુજનોના વ્યવહારમાં કઠોરતા દેખાતી પણ હોય એમાં મૃદુતા જ હોય. એક મા એના ચાર-પાંચ બાળકોને એમની સ્થિતિ પ્રમાણે ભોજન આપતી હોય – કોઈ બાળક માંદું હોય તો એને દવા આપે અને દવા પણ અલગ-અલગ હોય; એક બાળક કહે એને મીઠી દવા આપે છે, મને કડવી દવા આપે છે. તો શું મા પક્ષપાત કરે છે? ના, જેને કડવાશની જરૂર છે એને મા કડવી દવા આપે છે.

રામકૃષ્ણ પાસે શિષ્યો આવતા ત્યારે કોઇની સાથે ભક્તિની વાત કરે, કોઇને ત્યાગની વાત કરે, કોઇને કહે ‘ના, તમારે ત્યાગ નહીં કરવાનો, ઘરમાં જ રહેવાનું’; કોઈ કહે ઘર? તો તેઓ કહે, ‘તમારે ઘરે રહેવાનું જ નહીં, તમારે તો ત્યાગ જ કરવાનો.’ આમ, તેઓ અલગ-અલગ વ્યક્તિ સાથે અલગ-અલગ વાતો કે વર્તન કરતા હોય છતાં એ બધાં પ્રત્યે એમને સદ્ભાવ હોય.

આપણા જીવનમાં દરેક માટે કોમળાતા આવી રહી છે એની ઓળખ એ જ કે મારી સાથે, મારી પાસે આવતા કોઈને ભય ના લાગે; જો એ કંપનીનો માલિક હોય તો એની કંપનીના નાના કર્મચારીને પણ એની પાસે જતાં ભય ના લાગે.

એક અંગ્રેજ પત્રકારે ગાંધીજીના જીવનનો એક પ્રસંગ લખ્યો છે – એક વખત, થોડા અંગ્રેજ લોકો અને ભારતના થોડા ગણમાન્ય લોકોની ગાંધીજી સાથે મિટિંગ ચાલતી હતી, તેઓ કોઈ એક ગંભીર પ્રશ્ન ઉપર વાત કરતા હતા. એટલામાં, એમના આશ્રમનો એક નાનો બાળક આવ્યો અને કહે, “બાપુ, પેલી બકરી પડી ગઈ છે, એનો પગ ભાંગી ગયો છે, એ લંગડાય છે, તો શું કરું?” તરત જ ગાંધીજી ચર્ચા રોકી, અને એ બાળકને કહ્યું કે “તું જા, ત્યાંથી દવા લે, અને બકરીને દવા લગાવી, આવી રીતે પાટો બાંધજે… આમ કર.” અને છોકરો શાંતિથી જતો રહ્યો.

આ પ્રસંગ ઉપરથી એ સમજાય છે કે ગાંધીજી એક બાળકના પ્રશ્નનું પણ કેટલી સહજતાથી સમાધાન કરે છે, અને બાળકને પણ એમની પાસે જતા ડર નથી લાગતો, કે એને એવું પણ નથી લાગતુ કે બાપુ પાસે ના જવાય.

અને આપણે? આપણે જ્યારે કોઈ કામ કરતા હોઈએ અને કોઈ વચમાં આવી હેરાન કરે તો કહીએ, ‘ચલ હટ, અત્યારે મને કામ કરવા ‘દે.’

મૃદુતા, કોમળતાનો અર્થ એ છે કે મારી પાસે આવતા કોઈને ડર ના લાગવો જોઈએ, અને જીવનમાં આ ગુણ એકદમ અનિવાર્ય ગુણ છે. પહેલાં વાત કરી હતી કે મારી અંદર કોમળતા નથી તો હું વ્યવહારમાં પણ બહુ સફળ નહીં થઈ શકું; હા, સ્વાર્થ કે ભયવશ ભલે લોકો મારું કામ કરતા હોય, પરંતુ એ કામ સારું ના કહેવા, સારું તો એ કહેવાય કે જ્યારે લોકો અંદરથી એમના ઉત્સાહ, ઉમંગથી મારું કામ કરતા હોય. 

અધ્યાત્મ માર્ગની બીજી વાત કે મારી અંદર કોમળતા નથી તો ધીમે-ધીમે બીજા દુર્ગુણો આવતા વાર નહીં લાગે. જો મારે મારી અંદર કોમળતા લાવવી છે, તો સૌથી પહેલા જરૂરી છે કે મારા વર્તન પ્રત્યે હું જાગ્રત થઉં, મારી અંદર જોતો થઉં. ક્યારે’ક એવું થતું હોય કે અજાણતા કે સ્વભાવવશ કશું’ક થાય અને એના કારણની મને ખબર ના પડતી હોય; પણ જો હું જાગ્રત હોઉં તો મને ખબર પડે છે કે મારી અંદર કોમળતા નથી. કારણ ખબર ના પડે એટલે એ સ્વાભાવવશ થતું હોય, એનો ઉછેર જ એવા પરિવેશમાં થયો હોય કે જ્યાં કોમળતા ના હોય ઘરના બધાં’ય એક-બીજા સાથે ગમે-તેમ બોલતા હોય, ગમે-તેવો વ્યવહાર કરી દે’તા હોય, એક-બીજાને ધુત્કારતા જ હોય…તો એ બધું એના સ્વભાવમાં આવી ગયું હોય, એને કાઢવું થોડું અઘરું પડશે, પણ અશક્ય તો નથી જ, થોડું અઘરું પડશે. મારી સાથે જે વર્તનો થયા હોય એની પ્રતિક્રિયાવશ મારામાં ઉગ્રતા આવી ગઈ હોય – ક્યારેક અણસમજને લીધે જ એવું બનતું હોય છે.

હું કોઈને અમુક રીતે કહેવા માંગતો હોઉં, કોઈ’ક રીતે કશું કરવા માંગતો હોઉં અને સામેવાળી વ્યક્તિ એમની ભાવના પ્રમાણે સમજે, તમારે માટે એમને કોઈ ગ્રંથિ બંધાઈ હોય અને ક્યારે’ક એવું’ય બને કે તમે અમસતા જ હંસતા હો, અને એ જો સામે હોય તો એને એમ જ થાય કે જો, મારા ઉપર જ હંસે છે – આવું છે એટલે એણે આવું કર્યું કેમ કે એને ગ્રંથિ બંધાઈ ગઈ છે. આમ, સામેવાળી વ્યક્તિના વર્તનથી મારું વર્તન ધીમે-ધીમે એવું કઠોર થઈ ગયું હોય, મારી અંદર કઠોરતા આવી ગઈ હોય – અરે, એ તો આવું વર્તન કરે છે, એટલે હું પણ એવું જ વર્તન કરીશ … આમ, આવી રીતે મારી અંદર કઠોરતા આવી ગઈ હોય અને એ કઠોરતા આવે પછી મને એવી જ ટેવ પડે છે… અને તેથી હું બધી જગ્યાએ એવો જ વ્યવહાર કરું, મારી સાથે કોઈ કોમળતાથી વર્તે તો’ય હું કઠોરતાથી જ વર્તુ, ધીમે-ધીમે સ્વભાવમાં એવું આવી ગયું હોય.

તો, પહેલું કામ તો એ છે કે મારે જાગવું પડે, સમજવું પડે કે મારી અંદર શું થઈ રહ્યું છે; જો હું જાગીશ તો જ મને આવી વાતો ખ્યાલમાં આવશે … અને, આ ‘જાગ્યા’ પછી એક લાંબી યાત્રા છે કે જેમાં મારા સ્વભાવમાંથી ધીમે-ધીમે મારી અંદરની કઠોરતા જતી જાય અને મૃદુતા આવે. જ્યારે માણસ પ્રયત્ન કરે છે ત્યારે સમજાય છે કે આ કેટલું અઘરું છે.

માણસ એમ-ને-એમ, અમસ્તો જ બીડી છોડી નથી શકતો, સિગારેટ નથી છોડી શકતો, એ આખું જીવન પ્રયત્ન કરતો હોય તો પણ એ છોડી નથી શકતો, તો વર્ષો જૂની જે કઠોરતા હોય એ કાંઇ ઝટ દઈને જતી રહેશે? કે હું જલ્દી મૃદુ થઈ જઈશ? ના, એવું નથી બનવાનું, એને માટે સમય અને મહેનત બંને જોઈશે, એ શ્રમ માંગશે… અને જો મારી અંદર ધીરજ હશે, ખંત હશે, સંકલ્પ હશે તો જ એ શક્ય બનશે, અને તો જ મારી અંદર ઇચ્છિત બદલાવ આવશે જ. એ માટે પહેલા તો મારે કારણ શોધવું પડે કે કયા કારણથી મારી અંદર આવી પ્રતિક્રિયા થઈ રહી છે, પહેલા તો એ કારણ શોધવું પડે. હવે, એ કઠોરતા માટે જો કોઈ બીજી વ્યક્તિ જવાબદાર હોય તો મારી અંદર બદલાવા ના ઉપાય નથી; જે દિવસે એવું લાગશે કે મારી જ કોઈ ઉણપ હશે એ શોધું ત્યારે એ ઉણપને હું ખંત-પૂર્વક સુધારી શકું તો જ મારા સ્વભાવમાં પણ બદલાવ લાવી શકું. એવા ઘણા મહાપુરુષો થયા છે કે એમની સાથે ગમે એવા કઠોર થયા હોઈએ, ગમે તેવા વ્યવહાર કર્યા હોય, તો પણ એ મહાપુરુષોની મૃદુતા ગઈ ના હોય.

મહારાષ્ટ્રના સંત એકનાથની બાબતમાં કહેવાય છે કે એમને કોઈ દિવસ ગુસ્સો જ ન્હતો આવતો, તો એક દિવસ ગામના લોકોએ એક બ્રાહ્મણને તૈયાર કર્યો કે તું જા, એકનાથજીને ગુસ્સો કરાવી ‘દે, એને માટે અમે તને પૈસા આપીશું. એ માણસે એકનાથજી સાથે ગમે તેવું વર્તન કરીને, બોલીને બહુ ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કર્યો, તો પણ એકનાથજી ગુસ્સે ના થયા, એને બદલે એક દિવસ એને માટે રસોઈ બનાવી, પ્રેમથી જમવા બેસાડ્યા, ત્યારે તો એ માણસે હદ જ કરી કે એકનાથજીના પત્ની એમને નમીને પીરસતા હતા તો એ કૂદીને એમની પીઠ ઉપર જ બેસી ગયો. તરત જ એકનાથજીએ કીધું કે જો–જે, એ ભૂદેવ પડે નહીં; અને એમના પત્નીએ કીધું કે બાળક નાનું હતું ત્યારે હું આ જ રીતે એને ખભે બેસાડતી હતી, એટલે તમે ચિંતા ના કરો, એ પડશે નહીં.’ એ માણસ છેવટે ભાંગી પડ્યો, એકનાથજીને પગે લાગ્યો, એમની ક્ષમા માંગી, કીધું કે મેં પૈસાના લોભે તમારી સાથે આવું વર્તન કર્યું હતું, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો.

એટલે, જ્યાં સુધી મારી ઉણપો માટે, મારા કઠોર સ્વભાવ માટે બીજી વ્યક્તિ જવાબદાર છે ત્યાં સુધી મારી અંદર કોઈ ફેરફાર આવવાનો નથી; પરંતુ જ્યારે મને એમ લાગશે કે ના, કોઇ મારી સાથે ગમે તેવું વર્તન કરશે હું મારું સારું વર્તન નહીં છોડીશ, હું મારી અંદર સુધારો કરીશ… તો, એ જે ખરાબ સ્વભાવ હતો એ ધીમે-ધીમે સાત્ત્વિક થતો જશે, મારી અંદર કઠોરતા જતી જશે, અને મૃદુતા આવતી જશે. આવા બદલાવ જરૂર સારા પરિણામ આપે છે. રાજસિક મૃદુતા એ છે કે મારી સાથે જે સારું વર્તન કરશે, એની સાથે હું પણ સારું વર્તન કરીશ; જો ખરાબ વર્તન કરશે તો હું પણ એ પ્રમાણે વર્તન કરીશ – આ સ્વભાવ અંતત: દુ:ખમાં જ પરિણમશે. કોઈ પણ કાર્ય રજોગુણ સાથે થાય તો એનું પરિણામ દુ:ખ જ આવે, પરંતુ, હું જ્યારે મારું વર્તન સુધારીશ, મારી અંદર ઋજુતા, મૃદુતા, સદ્ભાવ લાવીશ, બીજાના ભાવ પ્રત્યે, બીજાના કષ્ટ પ્રત્યે જાગ્રત થઈશ; હું ધીમે-ધીમે સભાન થઈશ એવો ભાવ જ્યારે અંદર જાગશે ત્યારે કંઇક રૂપાંતરણની શરૂઆત થાય. અને પ્રયત્ન કરવા છતાં જો કોઈ બદલાવ ના આવે,  તો ભગવાનને પ્રાર્થના તો કરી શકીએ. ઘણી વખત આપણે અવશ થઈ જતા હોઈએ, આપણા સ્વભાવ માટે, આપણા વર્તન માટે… આપણે બહુ વિચારીએ કે મારાથી ભૂલ થાય છે, ખરાબ થાય છે, એવું ના થવું જોઈએ… તો પણ ક્યારે’ક અવશ રીતે થઈ જ જતું હોય… ત્યારે દિલથી, હ્રદયથી ભગવાનને પ્રાર્થના કરવી કે મારી અંદરથી આ દુર્ગુણ જાય અને સદ્ગુણ આવે… પ્રાર્થના કરવી. ભગવાનને પ્રાર્થના તો કરી જ શકીએ છીએ… રોજે-રોજ પ્રાર્થના કરવી, જેટલી વખત ભૂલ થાય એટલી વખત પ્રાર્થના કરવી, કે ‘હે ભગવાન! મારા પ્રયત્નો છતાં મારાથી બદલાવ નથી થતો, તો તમે હજુ મારી પ્રાર્થના સાંભળો… મારી અંદર તમે એ બદલાવ લાવો.’

તો, જે દિવસે આપણી અંદર ભાવના જાગશે, ધીમે-ધીમે આપણી અંદર પરિવર્તન જરૂર આવશે. આપણી અંદર મૃદુતા, કોમળતા આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

ૐ તત્ સત્