ૐ દૈવી સંપત્તિ | હ્રી,ह्रीः– લજ્જા

(.પૂ. સ્વામી શ્રીઅસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના શ્લોક ૨-પરના પ્રવચન પર આધારિત. આ અધ્યાયના શ્લોકો ઉપરના અન્ય પ્રવચનો પાછલા અંકોમાં છપાયા છે)

ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં જે દૈવી સંપત્તિઓ કીધી છે, એમાં ‘હ્રી’ને પણ સ્થાન આપ્યું છે. ‘હ્રી’એટલે લજ્જા, એક જાતનો સંકોચ;જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણસર ક્ષોભમાં મુકાઈ જતી હોય. એમ કહીએ કે સ્ત્રીઓમાં આ ભાવ સ્વાભાવિકરૂપે હોય છે. આપણો સંકોચનો મનોભાવ હોય, જેને આપણે વ્યક્ત કરવા ઇચ્છતા ના હોઈએ તે છતાં વ્યક્ત થઈ જાય, જાહેર થઇ જાય એ ‘હ્રી’.

ભગવાન રામચંદ્રજી જ્યારે પહેલી વખત જનકપુત્રી સીતાજીના સ્વયંવરમાં ગયા હતા, તો એમ કહેવાય છે કે સીતાજીને એમના ખૂબ વખાણ સાંભળવા મળ્યા હતા; અને જ્યારે સવારે પોતાના ઇષ્ટના દર્શન કર્યા પછી સખીઓ સાથે તેઓ બાગમાં ગયા હતા ત્યારે ત્યાં માતાજીને એમના દર્શન સૌ પ્રથમ થયા – ત્યારે એમના મનમાં રામચંદ્રજી માટે પ્રેમની, આકર્ષણની જે લાગણી જાગી હતી એ સખીઓએ જોઈ લીધી હતી. માતાજી પોતાના આ ભાવ છુપાવવા ઇચ્છતા હતા તો પણ છુપાવી ના શક્યા, એટલે સખીઓએ જ્યારે ઈશારો કર્યો તો એ શરમાઈ ગયા, એમને લજ્જા આવી ગઈ. એવી જ રીતે લગ્ન બાદ જ્યારે તેઓ વનમાં ગયા હતા તો ત્યાં અમુક બહેનોએ પરિચય પૂછયો કે તમારી સાથે જે છે એ કોણ છે? તો, એમણે લક્ષ્મણજીનો પરિચય તો કરાવ્યો, પછી ભગવાનનો પરિચય કરાવવાનું થયું, તો શરમાઈને નીચે જોઈ રહ્યા, એમને લજ્જા આવી ગઈ.

આમ, લજ્જાનો ગુણ નારીમાં સ્વાભાવિક હોય છે; અને સ્ત્રીમાંથી ધીમે-ધીમે લજ્જાનો જે ગુણ છે એ જો જતો રહે તો એને માટે પણ સારું નથી. આજે આપણે નારી સ્વતંત્રતાને નામે બહેનોમાંથી આ ભાવ, ગુણ ધીમે-ધીમે ખતમ કરી રહ્યા છીએ, અને એ વાત એમને પણ નથી સમજાતી કે આ ગુણના અભાવે છેલ્લે એમનું જ નુકસાન થઈ રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીને હિજાબમાં કે બુરખામાં નથી રાખી, અને માત્ર પેન્ટીઝમાં પણ એકલી નથી રાખી, કેમ કે એને એક મર્યાદા હતી. જીવનમાં બધું જ હોય – સંસાર છે, સુખ છે, વૈભવ છે, બધું છે, પણ બધું એક મર્યાદાની અંદર છે; અને જો એ મર્યાદા તૂટતી જાય… જેમ કે હિજાબમાં, ત્યાં એના વિકાસનો કોઈ અવસર જ નથી, ભણતર-એજ્યુકેશન નથી, કશું જ નથી.

ભગવાન શંકરાચાર્યનો જ્યારે મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ થયેલો ત્યારે ત્યાં જજ તરીકે મંડનમિશ્રના પત્ની હતાં જે વિદુષી, વિદ્વાન હતાં; જે વ્યક્તિ જજ હોય એ વકીલથી ઓછું જાણતા ના હોય, વકીલથી વધારે જાણતા હોય, તો જ જજ તરીકે એની નિમણૂક થાય.

કહેવાય છે કે વૈદિક-કાળમાં ઋષિ વચક્નુની વિદ્વાન પુત્રી ગાર્ગી રાજા જનકની સભામાં વિદ્વાન, માનનીય ઋષિ યાજ્ઞવલ્ક્ય જેવા અન્ય ઋષિઓ સાથે ‘બ્રહ્મયજ્ઞ’ જેવા ગહન વિષય ઉપર શાસ્ત્રાર્થ કરતાં હતાં, અને એક મર્યાદા પણ રાખી હતી.

શરીરની રીતે જ જો લઈએ તો તમને ખ્યાલ હશેકે સ્ત્રીના પગની માત્ર પાની, ચરણ ઉપર જ કવિઓએ કેટલું બધું સાહિત્ય લખ્યું છે;પણ હવે,જેમ-જેમ મર્યાદાઓ તૂટતી જાય છે,લજ્જા ઓછીથતી જાય છે, ત્યારે સ્ત્રી માત્ર એક ભોગ્યની વસ્તુ રહી જાય છે,એની ગરિમા ખલાસ થઈ જાય છે. આજેતમે જુઓ કે નાની-નાની જાહેરાતોમાં પણ સ્ત્રી જાણે માત્ર કોઈ ‘વસ્તુ’ ના હોય! એવી રીતે એમનું ‘પ્રદર્શન’ થતું હોય છે.

આપણી દૃષ્ટિ એવી નથી, કેમ કે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને મા-ના સ્વરૂપમાં વર્ણવી છે. વળી, સ્ત્રી એ માયાનું પ્રતીક છે, અને માયા કાયમ રહસ્યમય જ હોય, એટલે ભાષ્યકારે પણ કીધું છે કે મોટામાં-મોટું રહસ્ય શું છે એ સમજાવ્ચું છે – કે જેની બાબતમાં કશું કહેવાય નહીંએ રહસ્ય, તો એ કીધું કે સ્ત્રી છે;એટલે કીધું કે એના રહસ્યની ગરિમા છે.

લજ્જાનો જે ગુણ જે છે એ ધીમે-ધીમે જ્યારે પુરુષમાં પણ આવે, અને એનામાં પુરુષત્વના ગુણો પણ હોય, નહીં તો પુરુષનો ભાવ, પુરુષત્વ જતું રહે અને માત્ર લજ્જા આવે, એવું નહીં. પુરુષના પુરુષત્વ સાથે એની અંદર લજ્જા આવે તો એ પુરુષ પૂર્ણ કહેવાય છે.

પુરુષ અને સ્ત્રીની વાત સમજીએ કે આ બંને પરમાત્મામાંથી જ બે ભાગ થયા છે, એમનો જન્મ થયો છે- પુરુષ અને પ્રકૃતિ તરીકે; પરમાત્માના અડધા ગુણ પુરુષમાંજતા રહ્યા, અડધા ગુણ સ્ત્રીમાં જતા રહ્યા. આમ,બે’ય અધૂરા હોય છે.પુરુષમાં તર્ક, વિચારનો ભાવ વધારે હોય, જ્યારે સ્ત્રીમાં કરુણા, પ્રેમ, ભક્તિના ભાવો વધારે હોય; જ્યારે એક બીજાના ગુણ પરસ્પર અંદર આવે – સ્ત્રીની અંદર એના સ્વાભાવિક ગુણો સાથે વિચાર, તર્ક, જ્ઞાનનો ભાવ આવે, પુરુષની અંદર ભક્તિ, કરુણા, દયા, પ્રેમ જેવા ભાવો પણ આવે ત્યારે પુરુષ પૂર્ણ હોય છે.

એવી જ રીતે જ્યારે ‘હ્રી’, લજ્જા પણ આવે, સ્વાભાવિક રૂપે અને જો એ ગુણ એની અંદર હોય, તો ક્યારે’ક કોઇની ગરિમા તૂટતી હોય તો એને પણ થોડી શરમતો આવે–ક્રિકેટનો કોઈ એક ખેલાડી હોય, એ બહુ સરસ રમતો હોય, એને પોતાની એક ગરિમા હોય, એક પ્રતિષ્ઠા હોય… અને જો ક્યારે’ક એ સારી રીતે ના રમી શક્યો હોય, અથવા એ જો જલ્દી આઉટથઈ જાય, તો એ માથું નીચું કરીને પેવીલિયનમાં જાય છે,કેમ કે એને લજ્જા થાય છે, ક્યાં’ક એની ગરિમા હણાઇ હોય છે. એવી જ રીતે, કોઈ વિદ્વાનની ગરિમા હણાઇ હોયતો એને પણ લજ્જા, શરમ જેવું થાય; કોઈ વેપારી હોય, માર્કેટમાં એની એક શાખ હોય, પ્રતિષ્ઠા હોય, અને કોઈ કારણસર કોઈ પાસેથી લીધેલું દેવું એ ના ચૂકવી શકતો હોય, તો એને લજ્જા આવે, કેમ કે એની પ્રતિષ્ઠા, ગરિમા, સ્વાભાવિક રૂપે હોય છે.

આ લજ્જા, શરમનો ગુણ-ભાવ અલગ-અલગ પ્રજામાં જુદા-જુદા પ્રકારનો હોય; કેવા-કેવા પ્રકારના એ ભાવ હોય!

મને એક બનાવ યાદ આવે છે કે એક વખત એક અમેરિકન વ્યક્તિ પોતાના કાર્યાર્થે જાપાન ગયા;ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા; અને જ્યારે નીકળવાના હતા ત્યારે એમને ખબર પડી કે એમની બહુ જ કિંમતી ડાયમંડની વીંટી હતી એ એમની પાસે નથી; એમણે તપાસ કરી પણ મળી નહીં, એટલે એનેશંકા થઇ કે રૂમમાં જેબે’ન સફાઈ માટે આવતાં હતાં એણે એ વીંટીની ચોરી કરી હશે. એટલે જઈને એણે મેનેજરને ફરિયાદ કરી કે મારી વીંટીચોરાઈ ગઈ છે. મેનેજરે એને કીધું,ના,એવું ના બને, કેમ કે એ બે’ન તો વર્ષોથી અહીં કામ કરે છે, એ એવુ ના કરે; એટલે તમારી કિંમતીવસ્તુ ચોરાઈ જાય એવું ના બને.’ એણે કીધું કે એનાસિવાય રૂમમાં બીજું કોઈ ગયું જ ન્હોતું. તો મેનેજરે એ બે’નને પૂછ્યું, થોડું ડરાવીને પૂછ્યું, તો તેણે કહ્યું કે મેં નથી લીધી.

પછી એ ભાઈ તો અમેરિકા જતા રહ્યા;ત્યાં અચાનક એમની વીંટી એમના જ કપડાંના ગજવામાંથી નીકળી, એટલે એમણે તરત જ જાપાનની એ હોટલમાં ફોન કર્યો કે મારી વીંટી મને મારી પાસેથીજ મળી ગઈ છે, તમે એ બે’ન ને કહેજો કે મને ક્ષમાકરે, મારા તરફથી એ બે’નને સોરી કહેજો. તો, મેનેજરે બહુ દુઃખી અવાજસાથે કીધું કે “સર, એ બે’ન હવે રહ્યા નથી, એમણે તો સુઈસાઈડ કરીલીધી છે.”

આમ, અમુક પ્રજાની આવી ખુમારી હોય છે,અને જો એ ગરિમા કોઈ રીતે તૂટી જાય તો એને ખૂબ શરમ લાગે, એને મરવા જેવું લાગે, અને ઉપરના કેસમાં થયું એમ સુઈસાઈડ પણ કરી લેતા હોય. આપણા દેશમાં ક્ષત્રિયોને પણ આવી જ ગરિમા હતી. રાજસ્થાનમાં એક સતી થયાં, એમનું લગ્ન થોડા સમય પહેલાં જ થયું હતું, લગ્ન કરીને આવ્યાં હતાં, અને તરત જ એ જે રાજ્યમાં આવ્યાં હતાં એ રાજ્યનું બીજા રાજ્ય જોડે યુદ્ધ થયું; એટલે એમના પતિને એમાં જવાનું થયું; પણ નવું-નવું લગ્ન થયું હતું અને એનાથી પત્નીનો વિયોગ સહન થયો નહીં એટલે એ ભાઈ તો યુદ્ધમાંથી ચોરી-છૂપીથી, ભાગીને ઘરે આવતા રહ્યા. એનારીએ જોયું કે એનો પતિ યુદ્ધથી ભાગીને આવ્યો છે… અને એક ક્ષત્રિય માટે એનાથી વધારે ખોટું શું હોઈ શકે કે એ યુદ્ધ છોડીને ઘરે ભાગી જાય? એ નારીને બહુ જ ક્ષોભ થયો કે મારા પતિ આવું કરે? આ શરીર માટે એમણે આવું કર્યું? એટલે, પછી જ્યારે એના પતિ આવ્યા કે તરત જ એમની સામે એમની જ તલવાર લઈને કહે કે “તમે આના (શરીર) માટે યુદ્ધ છોડીને ભાગી આવ્યા?” અને એણે તલવાર પોતાની અંદર ખૂંપી દીધી.

તો, ‘હ્રી’, લજ્જાની વાત અહીં સુધીની છે.એટલે, ક્યાં’ય પણ માણસની ગરિમા હણાતી હોય, એની પ્રતિષ્ઠા ખોવાતી હોય, તો એને ખૂબ લજ્જા થાય.

એક સંત થયા હતા, નામ શિવ રામકિંકર; તેઓ એટલા વિદ્વાન સંત હતા કે આખા કાશી-બનારસમાં એમની પ્રતિષ્ઠા હતી; સ્વામી વિવેકાનંદ એમની પાસે વેદાંત ભણ્યા હતા. આ સંત આખો દિવસ વિદ્યાર્થીઓને ભણાવ્યા જ કરે, એમને કોઈ પાસેથી કોઈ જાતની અપેક્ષા ન હતી. તો, વિદ્વાન, સંતની એવી ઉચ્ચ પ્રતિષ્ઠા હોય; સંસ્કૃતના ક્ષેત્રે હજુ આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. હું બનારસ હતો ત્યાં એક વ્યાકરણી હતા; એમની ઓરડી જોઈએ તો આઠ-બાય-દસની માંડ હશે; નાની ઓરડી હતી, એમાં જ કિચન, એમાં જ બાથરૂમ, એમાં જ બેડરૂમ બધું જ એમાં હતું અને એમાં જ એમની સ્કૂલ પણ ચાલે. તેઓ કોઈ પાસેથી પૈસા લે’તા નહતા, કોઈ વિદ્યાર્થી આવ્યો હોય, ખૂણામાંના સ્ટોવ પર એમને માટે કશું બનાવી ‘દે,એ ખાઈ લે. આમ, સવારના ચાર વાગ્યાથી રાત્રે ૯-૧૦ વાગ્યા સુધી વ્યાકરણનો સ્વાધ્યાય ચાલ્યા કરે.

હવે, શિવ રામકિંકરને કોઈ અપેક્ષા ન્હોતી. એક વખત એવું થયું કે એમની પાસે એક વ્યક્તિ બેઠી હતી અને શિવ રામકિંકર પાસે એક પત્ર આવ્યો; પત્ર વાંચતાં એ રડી પડ્યા! તે વ્યક્તિને થયું કે એવું તે એ પત્રમાં શું હશે કે એ વાંચીને સંત રડી પડ્યા? એણે એમને પૂછ્યું કે શું છે?તો,એમણે કીધું કેકંઈ નહીં, એવું કહીને પત્ર બાજુમાં મૂકી દીધો. તો પણ એમણે બહુ આગ્રહ કર્યો કે, “ના, શું છે તે મને કહો.”

ત્યારે એમણે આંખમાંઆંસુ સાથે કીધું કે આ પત્ર કોઈએ કલકત્તાથી લખ્યો છે, મારે માટે અપરિચિત છે એ વ્યક્તિએ પત્રમાં એવું લખ્યું છે કે,‘હું શિવભક્ત છું,અને મને કોઈ દિવસ ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ થયો નહતો; થોડા દિવસ પહેલા જ મને સ્વપ્નમાં મારા ઇષ્ટના દર્શન થયા, અને તમારુંનામ, સરનામું બધું મને કીધું, અને એમ પણ કીધું કે એ ત્રણ દિવસથી ભૂખ્યા છે અને એમને ત્યાં ખાવા માટે કશું જ નથી;તો,તું એનેપૈસા મોકલ.’એ જમાનામાં એ ભાઇએ 30 રૂપિયા મોકલેલા, સાથે લખ્યું હતું કે ‘તમે કૃપયા આ પૈસા સ્વીકારજો. ’

તો, શિવ રામકિંકરજી આવા નિસ્પૃહી સંત હતા, કોઈ પાસેથી કોઈ દિવસ કશું માગ્યું ન હતું. ત્યાં બનારસના મહારાણી તેમના ભક્ત હતા; એ કેટલી વખત સામેથી મદદ કરવા આવ્યા હશે તો’ય શિવ રામકિંકરે એમની પાસેથી કશું લીધું ન્હોતું;અને એમના જ પૌત્ર જઈને બધા પાસેથી એમના નામે પૈસા માંગી લાવે! હવે વિચાર કરો, તેમને ક્ષોભમાં કેટલું મુકાવું પડ્યું હશે? તો, કોઈને પોતાની પ્રતિષ્ઠા હણાતી હોય ત્યારે પણ લજ્જા થાય.

આજે લજ્જાનો ગુણ છે એ દૈવી સંપત્તિ ક્યારે બને? ભગવાને એવી સંપત્તિને ‘दैवी संपद्विमोक्षाय’ (ગીતા – ૧૬:૫) કે,દૈવી સંપત્તિઓ એ મુક્તિ માટે છે, એ ભવ-બંધનથી મુક્ત કરવા માટે છે. ભગવાને જેટલી દૈવી સંપત્તિ કીધી છે, એમાં ‘હ્રી’ને પણ સ્થાન આપ્યું છે. લજ્જા દૈવી સંપત્તિ કઈ રીતે છે? દૈવી સંપત્તિ કહેવા પાછળ ભગવાનાનો શું ભાવ છે? ‘હ્રી’,લજ્જા કઈ રીતે મને મારી સાધનામાં આગળ લઈ જઈ શકે, અને ધીમે-ધીમે મને એ મુક્તિ તરફ કઈ રીતે લઈ જઈ શકે, એને સમજવા માટે પહેલાં ‘અભય’ને સમજવું પડે.

ભગવાને દૈવી સંપત્તિઓમાં ‘અભય’ પહેલાં રાખ્યું છે કે ‘અભય’ એ દ્વારપાલ તરીકે છે, બધી દૈવી સંપત્તિનો દ્વારપાલ એટલે ‘અભય’. સાધકની અંદર નિર્ભયતા જોઈએ, કોઈ જાતનો ભયના જોઈએ; જેમ પરમાત્માએ anti-body આપણા મોઢામાં જ રાખી છે જેને કારણે બહારથી મ્હોંમાં આવતા બેક્ટેરિયા ત્યાં જ મરી જાય, એ પછી શરીરમાં આગળ જાય જ નહીં, એવી રીતે બીજી દૈવી સંપત્તિઓ અહીં ‘અભય’ પાસે શુદ્ધ થઈ જાય, પછી આગળ જઈ શકે.

કોઈ પણ સારું, શુભ કાર્ય જો ભયની સાથે કર્યું હોય તો એ કાર્ય એનું ફળ નહીં આપે. પૂજાની વાત કરીએ તો પૂજા તો ભગવાન પ્રત્યેના પ્રેમનું કાર્ય છે, અને તેથી પૂજા જો ભયની સાથે કરો છો તો એવી પૂજા ફળ નહીં આપી શકે. ઘણા લોકો પોતાના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ વધારતા જ જાય છે, પછી જ્યારે એમને કહીએ કે તમે થોડું ધ્યાન કરો, તો, હવે એ કોનું ધ્યાન કરે? કોની પૂજા ઓછી કરે? કોની માળા ઓછી કરે? એને થાય કેઆ દેવ નારાજ થઈ જશે, આ નહીં કરું તો આ દેવ નારાજ થઈ જશે; આ નારાજ થઈ જશે… એટલે,પછી એ ડરના માર્યા એના મંદિરમાંના બધા દેવોની, ભગવાનની માળા કર્યા કરે… એને ભય હોય કે જો કોઇની માળા કરવાની છૂટી ગઈ તો એ દેવ નારાજ થશે.

આમ, ભયની સાથે હું કશું પણ કરતો હોઉં, દાન પણ કરતો હોઉં, યજ્ઞ કરતો હોઉં, હું ચાલતો હોઉં, ખાતો હોઉં,તો એ બધા કામો મને ફળ, પોષણ નહીં આપે. અહિંસા પણ જો ભયની સાથે કરતો હોઉં, કે મારામાં કોઈ તાકાત ના હોય અને કહું કે હું તો અહિંસામાં માનું છું તો એ અહિંસાનું ફળ નહીં આપે.

બીજી વાત એ કે‘અભય’ ધીમે-ધીમે વિકૃત ના થઈ જાય, નિર્ભયતા ધીમે-ધીમે વિકૃત ના થઈ જાય,‘અભય’નો ભાવ બગડી ના જાય… એનું પણ ધ્યાન રાખવું પડે. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આપણે ગાડી ચલાવતા હોઈએ ત્યારે એવું નથી કરતાં કે સ્ટિયરીંગને આપણે ફિક્સ કરી દઈએ, અને ગાડી એની મેળે ચાલ્યા કરે…ના, રસ્તામાં ગાડી જો ડાબી તરફ જવા લાગે તો સ્ટિયરીંગને જમણી બાજુ ફેરવી, ગાડી જમણી બાજુ જવા લાગે તો ડાબી બાજુ સ્ટિયરીંગને ફેરવીને સીધે રસ્તે લાવીએ… આમ સતત જાગરૂક રહીને સ્ટિયરીંગને ડાબે-જમણે ફેરવવું જ પડે… એટલે, એક ગુણ ને સાચવીએ તો બીજા અવગુણો ના આવે;અને ક્યારે’ક એક ગુણજો બગડી જાય તો, એને સંયમિત, સારો કરવા માટે બીજો ગુણ હોય… એટલે, ભગવાને આટલા બધા ગુણો કહેવા પડ્યા છે.

અભય, નિર્ભયતા બગડે નહીં એટલા માટે લજ્જા છે. હું નડીયાદ રહેતો હતો, ત્યાંના એક ભાઈએ મને એક વાત કરેલી કે નડીઆદમાં એક ગુંડોહતો, આખું ગામ એનાથી ડરે. એ ભાઈને થયું કે જોવામાં એ ગુંડો તો સાવ સુકલકડી માણસ છે, અને લોકો એનાથી આટલું બધું કેમ ડરે છે?એક વખત ત્યાંની કોર્ટમાં કેસ ચાલતો હતો,એ ભાઈ અને પેલો ગુંડો પણ બંને ત્યાં હતા, ત્યારે એણે તો ધીમે રહીને પેલાને પૂછ્યું કે “તમારાથી લોકો કેમ ડરે છે?” તો, પેલા ભાઈએ કીધું કે “હું અત્યારે, અહીં જ જજને ગોળી મારી શકું છું, તું મારી શકે છે?”પેલા ભાઈ કહે, આપણાથી આવું તે કહેવાય? આવું વિચારાય પણ નહીં. પેલાએ કીધું કે “હું તો ધારું તો જજને ગોળી મારી દઉં, અહીં કોર્ટમાં”. તો, એ ‘નીડર’ છે, એને કોઈ ભય નથી, પણ એની નિર્ભયતાએ દિશા ખોટી પકડી લીધી છે.

એટલે, એની નિર્ભયતાએ ખોટી દિશા પકડી છે, હવે એવા માણસને ક્રોધમાં, હિંસામાં સંયમ નથી, કોઈ ભય નથી, કોઈ શરમ પણ નથી, કોઈ લજ્જા નથી… રાવણ છે, એ અનૈતિક કામ કરે છે, એને કોઈ લાજ કે શરમ નથી, એના ભાઈ, કુટુંબના લોકો બધા એને કેટલું બધું સમજાવે કે ‘ભાઈ, તું સીતા મા-ને પાછી મોકલી આપ, તું ભગવાન રામની શરણે જા’ પણ એને કોઈ લાજ જ નથી. દુર્યોધનને પણ કોઈ લાજ-કે-શરમ ન્હોતી, એના જ કુટુંબની એક સ્ત્રીનું અપમાન થાય તો એ આખા રાજ્યનું અપમાન છે… પણ એને તો કોઈ જાતની શરમ જ નથી. માણસની અંદર જ્યારે ગુસ્સો આવે, ક્રોધ આવે ત્યારે એ શું બોલે છે, ક્યાં બોલે છે, કોને બોલે છે એનો એને કોઈ વિચાર જ ના રહે, એને કોઈ લગામ જના રહે, કોઈ શરમ જ નથી, લજ્જા જ નથી એવા સમયે એ શું બોલે છે, શું કરે છે.

માણસમાં જો જાગૃતિ ના હોય ,તો ધીમે-ધીમે એના મનની વિકૃતિઓ એના સંયમમાં ના રહે, એના કંટ્રોલમાં ના રહે, એનો ક્રોધ કંટ્રોલમાં ના રહે, એની હિંસા કંટ્રોલમાં ના રહે, અને જો એ સ્વભાવ કાબૂમાં ના હોય તો પછી ધીમે-ધીમે એ વિકૃત થતાં જાય છે,પછી એક સ્થિતિ એવી આવી જાય છે કે માણસ એમાં વધારે-ને-વધારે ખૂંપતો, ખૂંચતો જાય,પછી એ જ ભાવ એને ચારેબાજુથી ઘેરી લે છે, એટલે પછી એ કામમાં ડૂબતો જાય, તો કામનો ભાવએને ઘેરી લે, ક્રોધમાં ડૂબતો જાય તો એને ક્રોધનો ભાવ ઘેરી લે, લોભનો ભાવ એને ઘેરી લે… ચારેબાજુથી માણસ ઘેરાઈ જાય છે. એમાંથી એ બહાર ના નીકળી શકે; પોતાના ખરાબ ભાવોથી એ બહાર નીકળે એવો ભાવ એને આવે જ નહીં. આવા સમયે એને લજ્જારૂપી સંપત્તિ કામ આવે, કે એને લજ્જા હોય, ખોટું કામ કરતાં, હિંસા કરતાંએને લજ્જા થાય કે લોકો શું કહેશે.

એટલે, જ્યારે એ કોઇ અનૈતિક કામ કરે, ના કરવા જેવું કામ કરે ત્યારે એને થાય કે સમાજના લોકો શું કહેશે? એ માટેની એને લાજ-શરમ હોય, લોક-લાજ હોય, પરંતુ આમાં,‘બીજા શું કહેશે’? એ બહારના ડરમાં એટલી શુદ્ધિ નથી, કે જેટલી શુદ્ધિ સહજ, સ્વાભાવિકજ હોય કે આવું કામ ના કરાય, એ અનાયાસે હોય તો વધારે સારું, તેમ છતાં બિલકુલ ના હોય એના કરતાં અન્યનો ડર, સમાજનો ડર હોય એ પણ સારું છે.

એટલે, આપણે કોઈ સન્માર્ગે જઈએ, સારું કામ કરીએ એ માટે આપણા ઋષિઓએ એક વ્યવસ્થા આપી છે કે, ભાઈ, થોડો ભક્ત હોય તો એણે તિલક કરવાનો, ચાંદલો કરવો, કંઠી પહેરવી…, એટલે એ વસ્તુઓ સતત એને યાદ કરાવે કે ખોટું કામ ના કરવું; સાધુનો ભેખ છે, તે એને યાદ કરાવે છે કે એ શે’ને માટે સમર્પિત, ડેડીકેટેડ છે. ભજનમાં ગવાય છે કે ‘ગુરુજીની માળા છે ડોકમાં, જુઠું બોલાય નહીં…’ હવે જૂઠું ના બોલાય. લોકો કહેશે છે કે, અરે! તિલક/ચાંદલો કરીને આવું કામ કરે છે? કંઠી પહેરીને આવું કામ કરે છે?” બીજાને કંઠી પહેરાવી છે, અને પોતે આવું કામ કરે છે? લોકો એવું કહેશે. તો, એવી લોક-લજ્જા હોય… અને જે કામ એ છુપાવીને કરી શકતો હોય, તો એ છુપાવીને કરે, પણ એનાથી એ મુક્ત ના થાય; એટલે સારાં કામ કરવાની જે પ્રક્રિયા છે એ સ્વાભાવિક હોવી જોઈએ, સહજ પ્રક્રિયા થવી જોઈએ.

મેં એક સંતની બાબતમાં સાંભળેલું કે એમની પાસે જે ભિક્ષા આવે એ કાયમ બધું ભેગું કરીને એક કાપડની પોટલીમાં લઈ જાય અને પછી એ પોટલીને ગંગાજીમાં ડુબાડીને પછી આરોગતા. ઘણા સંતો પહેલાં આવું કરતાં કે ભિક્ષામાં જે પણ આવ્યું હોય તેને એક કપડાની પોટલીમાં લઈ ગંગાજીમાં અથવા પાણીમાં ડૂબાડી ‘દે, પછી એને વાપરે.

એક દિવસ આ સંતને જલેબી ખાવાનો બહુ ઉત્કટ ભાવ થયો; પછી એમને શરમ આવી કે આવું કેમ થયું? મને જલેબી ખાવાનો એટલો વિકાર, એટલો રાગ મને કેમ ઉત્પન્ન થયો? તો કહેવાય છે કે તેઓ એટલી બધી જલેબી લઇ આવ્યા અને જાતે મનને કીધું કે,‘ચલ, આજે આ બધી જલેબી ખા,’ એમ કરીને મનને જલેબી ખવડાવી, ખવડાવી, એટલી બધી જલેબી ખવડાવી કે અમને ઉલટી થવા લાગી…ત્યારે પણ પોતાની જાત ઉપર ગુસ્સે થઈને “તું ખા,”,“તું ખા”, “તું ખા” “ખઇ લે” એટલે, મનમાં પણ જો કોઈ કમજોરી દેખાય તો એને પોતાને જ પોતાના ઉપર લજ્જા આવે.

રામકૃષ્ણના જીવનમાં પણ આવી ઘટના બની હતી કે એક વખત એમને કામ વિકાર આવી ગયો તો તેઓ એટલા બધા હેરાન થઈ ગયા હતા કે મને આવું કેમ થયું.

તો,

 મનની જે વિકૃતિઓ છે એના માટે લજ્જા-શરમ આવે, ખોટા વ્યવહારને કારણે વ્યવહારમાં લજ્જાઆવે… અને એ વિકૃતિ, એ ખોટા આચાર-વિચાર મને સાચી દિશામાં આગળ વધતા અટકાવે છે. એટલે, હ્રી, લજ્જાનો જે ગુણ છે એ દૈવી સંપત્તિ છે જે સાધકને અધ્યાત્મ માર્ગમાં આગળ લઈ જાય છે.

એક સંત બહુ સરસ વાત કહેતા હતા કે જુઓ, નદી ધીમે-ધીમે જઈને છેવટે દરિયામાં વિલીન થઈ જાય છે; નદીનું ઉદ્ગમ હોય છે ત્યારે એ બહુજ નાની હોય છે,ત્યારે એનો પ્રવાહ નાનો અમસ્તો હોય છે – નર્મદાને જુઓ ને તો,એના ઉદગમનો પ્રવાહ બહુ જ નાનો છે, પરંતુ ધીમે-ધીમે,જેમ-જેમ એ દરિયાની પાસે પહોંચતી જાય છે, તેમ-તેમ એનો પ્રવાહ મોટો થતો જાય છે, અને દરિયા પાસે હોય છે ત્યારે તો જાણે એ દરિયા જેવી જ થઈ જાય છે,પછી એમાં મોટા મોટા વહાણ પણ ચાલી શકે. બંગાળની ખાડીમાં તમે જો’શો ત્યાં ગંગાજી દરિયા જેવી જ લાગે અને છતાં એ હોય છે તો નદીજ, દરિયો નથી હો’તી; એવી રીતે, જ્યાં સુધી જીવ પૂરી રીતે બ્રહ્મમાં, અનન્ત સત્તામાં વિલીન ના થઇ જાય ત્યાં સુધી એ જીવ જ હોય છે.

સારા-સારા સાધકોની અંદર પણ આંશિક રીતે કોઈ નબળાઈ હોઈ શકે છે, તો એને લજ્જા રોકે છે, બચાવે છે; અને જો લજ્જા ના હોય તો પછી માણસ બે-લગામ બની એ ખોટી દિશામાં આગળ વધતો જાય… અને પછી એક સ્થિતિ એવી આવે છે કે જ્યાં એ બહાર નીકળી ના શકે. એટલે, જે નિંદ્ય કર્મો હોય, જેને સારું કામ ના કહેવાય, એવું કરતા એક જાતનો એને સંકોચ હોય.

બીજું, કહે છે કે, કોઈનું સારું કામ હોય એને માટે એની કોઈ બહુ પ્રશંસા કરે તો પણ એને લજ્જા આવે. માનો કે આપણી અંદર કોઈ એક સારો ગુણ છે, અને એને લઈને સારા કામ કરતા હોઈએ, કોઈ શુભ કામ કરતા હોઈએ તો પણ આપણને ગર્વ ના હોય, અભિમાન ના હોય, નમ્ર રહેતા હોઈએ. એટલે, શુભ કામ કરીએ અને કોઈ બહુ પ્રશંસા કરે, બહુ વખાણ કરે, બહુ કશું થાય તો, એને એક જાતની લજ્જા હોય, ત્યાં એને આ લજ્જા કામ આવે છે, કેમ કે આવા ગુણ માણસથી દેવ બનવાની પ્રક્રિયા છે, દેહાભ્યાસથી, દેહભાવથી આત્મ-ભાવમાં જવાની પ્રક્રિયા છે; અને જ્યાં આ દેહાભ્યાસ છે, દેહભાવ છે, ત્યાં બધાને પ્રશંસા બહુ ગમે તે સ્વાભાવિક છે; સ્વાભાવિકરૂપે પ્રશંસા બધાંને ગમે–માણસની સામે જ એની પ્રશંસા થાય તો એને અંદર ગલગલી થયા કરે, છુપો આનંદ આવે, એટલે માણસે કોઈ સારું કામ કર્યું હોય, સારું ગીત ગાયું હોય, તો એ પૂરું થઈ ગયા પછી બીજાને પૂછશે કે “કેમ, કેવું ગવાણું હતું?” તો, કોઈ કહેશે, “બહુ સરસ, તમેબહુ સરસ ગાયું,” તો, એક વખત કહી દીધું કે બહુ સારું ગાયું છે, તો તમે કહેશો કે “ના, ના એટલું સારું તો ન હતું જેટલું તમે કહો છો તેટલું સારું તો નહીં હતું…” ફરી, સામેવાળો કહે, કે “ના, ના, બહુ સારું હતું..” ફરીથી ત્રીજી વખત વખાણ સાંભળવાની ઇચ્છા છે, તો કહે છે કે “ના, કાયમ એટલું બધું સારું નથી હો’તું, એ તો આજે હું ગાઈ ગયો…” એ કહેશે, “એમ? મને તો એમ હતું કે તમે કાયમ આવું સારું ગાતા હશો.” તો, તરત જ ભાષા બદલાઈ જશે, “ના… એવું નથી, હું તો ક્યારે’ક ક્યારે’ક સારું પણ ગાઉં છું.” આમ, કોઈ પણ હિસાબે સામે પ્રશંસા થાય તો એને ગમતું હોય છે.

પશ્ચિમની વ્યવસ્થામાં આત્મ-ભાવની કોઈ વાત જ નથી, ત્યાં માત્ર દેહ—ભાવની જ વાત છે; એટલે, ત્યાં ધીમે-ધીમે એવી વ્યવસ્થા આવી કે દરેક નાના-નાના કામ કરનારને appreciation, પ્રશંસા, વખાણ મળવા જ જોઈએ, નાનું પણ કામ કરો, તો “ગુડ જોબ” કહેવું પડે; તમારી જોડે કોઈએ વાત કરી, તો, તમારે “થેન્ક યુ” કહેવું પડે, “થેન્ક યુ ફોર ટોકિંગ વિથ મી,” તમે કોઈ ને એના સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે પૂછશો તો એ કહશે, “થેન્ક યુ ફોર આસ્કિંગ અબાઉટ માય હેલ્થ”.

આમ, આ સહજ લાગતી પ્રથામાં તમને પ્રશંસા, વખાણ જોઈએ જ; પછી એમાં એવું થઈ જાય કે appreciation જો ના મળે તો એને બહુ ખોટું લાગે; અને પ્રશંસાનો એ જે ભાવ છે કે મને દરેક કામમાં appreciation મળતું હોય, દરેક કામમાં appreciation જોઈતું હોય, ધીમે-ધીમે એ માણસને અહંકારી બનાવી દે છે, એને ખબર પણ ના પડે કે એ અહંકારી થઈ જાય છે …અને ક્યારે’ક એવું પણ બને છે કે જો તમે appreciate ના કરો તો એ આખું આસમાન માથે લઈ લે! કોઈએ કોઈ સંસ્થામાં મોટું દાન આપ્યું હોય, અને જો કદાચ ભૂલથી માઇકમાં એમનું નામ જાહેર કરવાનું ચૂકી જવાયું હોય તો એ ઉભા થઈને સભા જ છોડીને જતા રહે પછી એમના તરફથી કોઈ દિવસ એ સંસ્થાને રૂપિયો’ય નાઆવ્યો હોય.      તો, appreciation થવું જ જોઈએ, જો મેં કર્યુંછે તો મને એપ્રીસિએશન મળવું જ જોઈએ, અને આ એપ્રીસિએશનનો જે ભાવ છે એ પશ્ચિમી જગતમાં પેટન્ટ રાઇટ્સમાં પરિણમ્યું છે કે, અમુક વસ્તુ બનાવવા માટે મેં મારી બુદ્ધિ, પૈસા લગાવ્યા છે તો મને એનો લાભ મળવો જ જોઈએ – અને પેટન્ટ રાઇટ્સના નામે મોટી-મોટી કંપનીઓ લોકોનું કેવું શોષણ કરે છે આપણે જાણીએ જ છીએ, ૨૦૦-રૂપિયાની દવા લાખ રૂપિયામાં વેચતા હોય! તમે પૂછો કે આમ કેમ? એટલી મોંઘી કેમ? તોએ કહેશે, કેઅમે રિસર્ચ કરી છે, અમારી બુદ્ધિ વાપરી છે, અમારી પાસે એના patent rights છે.

ભારતમાં Patent Rightsનો કાયદો તો છેક ૧૮૫૬માં અંગ્રેજ સરકારના સમયમાં આવ્યો હતો, એ પહેલા આપણે ત્યાં કોઈ patent rightsની વાત કે પ્રથા જ ન હતી, કેમ કે આપણું માનસ જુદી જાતનું છે. તમે વિચાર કરો, આપણાં ઋષિઓ કેટલી મોટી-મોટી શોધ કરીને દુનિયાને આપીને ગયા છે, તો પણ ક્યાંય એમનું કોઈ appreciationનથી, કે નથી એમના કોઈ patent rights.

આપણું માનસ જુદી જાતનું છે- હમણાં એક ભાઈએ સરસ કામ કર્યું, તો મેં એમને આભાર કહેવડાવ્યો; તો પેલા ભાઈ કહે, “તમે આવું બોલો છો? તમારે એવું થોડું કહેવાનું હોય.” હું ભૂલે ચૂકે કોઈને થેન્ક યુ કહું, તો એ કહે, “અરે! તમારે એવું નહીં કહેવાનું, એ તો મેં મારું કર્તવ્ય પૂરું કર્યું.” થેન્ક યુ કહેવાનું આપણું માનસ જ નથી.

તમે એક વાત માર્ક કરી હશે કે ઇંગ્લિશની આલ્ફાબેટ્સથી લઈને સમસ્ત અંગ્રેજી વાઙ્ગ્મયમાં ‘આઈ’ (I) ‘હું’ કાયમ કેપિટલમાં (મોટા અક્ષરમાં) જ હોય છે, અને બીજા બધા’ય લેટર્સ નાના, small જ હોય છે પણ ‘હું’ દર્શાવતો આઈ-I કોઈ દિવસ સ્મોલ નથી લખાતો! ‘હું’ એટલે first person હોયછે, ફર્સ્ટ, સૌથી પહેલો. ભારતીય વ્યાકરણમાં ફર્સ્ટ પર્સન,‘પ્રથમ પુરુષ’ એટલે ‘તે’ હોય છે, કેમ કે આપણી સંસ્કૃતિ આ ભાવને આધારે માણસને ધીમે-ધીમે અકર્તા તરફ લઈ જાય છે, અને એને કર્તા-ભાવથી મુક્ત કરે છે, કે ‘હું’ કર્તા નથી–नाऽहं कर्ता, त्वमेव कर्ता – ‘હું’ કર્તા નથી, ભગવાન, તમે જ કરનારા છો’. એટલે, આપણે એટલી બધી શોધો પણ કરીશું, પરંતુ કોઈએ એમ નથી કીધું કે મેં આ શોધ કરીછે.

તમે વિચાર કરો, કેટલા મોટા-મોટા ઋષિઓએ, યોગીઓએ પોતાની બાબતમાં કશું ક્યાં’ય કહ્યું જ નથી, એ ઋષિઓ ક્યાં જન્મ્યા, ક્યારે થયા, કયા વર્ષમાં થયા એ પણ આપણે કેટલી વખત શોધવું પડે; આપણે એ પણ નથી જાણતા અમુક ગ્રંથ કોનો છે,  અમુક વસ્તુ કોની શોધ છે, એ બધું જ એમનું છે,પરંતુ એ બધું આપીને પછી જાતે ખોવાઈ ગયા છે. એટલે, આ સંસ્કાર આજે પણ આપણી અંદર છે કે પ્રશંસા કરો તો લજ્જા આવે.

એટલે, તમે જુઓ કે આપણે ક્યાં’ક જતાં હોઈએ, માનો કે મુંબઈ જતાં હોઈએ, અને કોઈ પૂછે કે મુંબઈ ક્યારે આવશે? તો જવાબમાં કોઈ તરત કહેશે, “બસ,મુંબઈ આવવાનું જ છે”, પણ મુંબઈ તો એક જગ્યાએ જ રહેવાનું છે. આપણે કહીએ કે ‘મુંબઇ જતું રહયું’. ઈંગ્લિશમાં એવું નથી બોલાતું; કોઈ ઈંગ્લિશમાં બોલે, બોમ્બે is coming (મુંબઈ આવે છે) તો બોમ્બે કમિંગ નથી હોતું, we are reaching Bombay’ એવું કહેવાય છે (આપણે મુંબઈ પહોંચીએ છીએ), એવું કહેવાય છે.

આપણી સંસ્કૃતિને આધારે આપણું વ્યાકરણ, વાઙ્ગ્મય, સંસ્કારમાં જે મૂળભૂત ફેર છે તે એ છે કે આપણી ભાષામાં ‘આપણે સ્થિર જ છીએ’,‘હું’ તો ચાલતો જ નથી, મુંબઈ આવે અને જાય, આપણે તો સ્થિર જ છીએ…’ અને આ ભાવ, ધીમે-ધીમે અકર્તાના ભાવ તરફ લઈ જાય છે; અંગ્રેજીમાં અકર્તા ના હોય.

એટલે, ઋષિઓએ કેટલી બધી શોધો કરી, એ તો એમજ કહે કે ‘એ ધ્યાનમાં બેઠા અને પરમાત્માએ એમને એ જ્ઞાન આપ્યું છે, એમાં મારું કશું જ નથી.’ હું કોઈને માટે કશું કરું છું તો મારા તરફથી હું કશું જ નથી કરતો પરમાત્માના તરફથી જ બધું થાય છે, ‘પરમાત્મા જ કરે છે’ આપણને એમ જ શીખવાડ્યુંછે કે પરમાત્માને એ જપ્રાર્થના કરવાની કે તું આ શરીરને માધ્યમ બનાવ… કોઈ ગાયક હોય એ ભગવાનને પ્રાર્થના કરે કે આ શરીર થકી તું ગા, આ શરીરના માધ્યમથી તું કામ કર’ … ત્યારે, આપણે તો ખસવા માંગીએ છીએ. જ્યારે કોઈ પ્રશંસા કરે, તો સાંભળનારને લજ્જા-શર મઆવે.

સ્વામી વિવેકાનંદજીના જીવનનો એક પ્રસંગ છે, કે એક વખત કોઈ એક સભામાં એક વ્યક્તિ એમની પ્રશંસા કરવા લાગ્યા કે વિવેકાનંદજી તો બહુ વિદ્વાન છે,અમેરિકામાં ભારતનું આટલું મોટું નામ કરીને આવ્યા, હિન્દુ ધર્મની વાત કરીને આવ્યા…’પછી એક ભાઈએ એમના તરફ જોયું, તો એ તો લાલ-લાલ એકદમ છોકરીની માફક શરમાઈ ગયા, ચહેરો એકદમ લાલ થઇ ગયો, અને એ પ્રશંસા સાંભળીને વિવેકાનંદ તો ઊભા થઈને ત્યાંથી જતા રહ્યા. આવી લજ્જા ક્યારે આવે? જ્યારે પોતાના ગુણો-વખાણ સાંભળતા હોઈએ ત્યારે.

આપણી સંસ્કૃતિએ શીખવાડ્યું છે કે પોતાની પ્રશંસા કરવી એ પોતાની જ હત્યા કરવા જેવી વાત છે, બીજાની નિંદા કરીએ, કોઈ મહાપુરુષની નિંદા કરીએ તો એ પણ એમની હત્યા જેવું છે. એટલે, પોતાની પ્રશંસા બહુ ગમવા લાગે તો ધીમેધીમે એની અંદર અહંકાર  આવે કર્તા ભાવ વધારે થાય, જીવ ભાવ વધારે દૃઢ થાય, અને મુક્તિથી એટલો જ એ દૂર જતો રહે.
 

મેં એક સંતની બાબતમાં સાંભળેલું કે તેઓ તેમની પાસે જે કાંઇ પણ આવે એ બધી વસ્તુઓનું દાન કરે, અને જ્યારે દાન કરતા હતા, લોકોને આપતા હોય ત્યારે એ પોતાનું માથું નીચું રાખતા, તો કોઈએ એમને પૂછ્યું કે તમે દાન કરો છો ત્યારે માથું નીચે કેમ રાખો છો? તો, એ ભાઈ પહેલા તો કશું બોલ્યા નહીં; ફરી પૂછ્યું, તો કહે, “મને શરમ આવે છે, લજ્જા આવેછે…” પેલા ભાઈ કહે કે ‘અરે! તમે એટલું સારું, શુભ કામ કરો છો, શુભ કરવામાં તમને લજ્જા કેમ આવે છે?’ તો એ સંત કહે,“મને શરમ એ વાતની આવે છે કે આપનાર કોઈ બીજું છે, અને લોકો એમ સમજે છે કે હું આપુંછું, એટલે મને શરમ આવે છે.”

પોતાના ગુણોના વખાણ થાય એમાં ગર્વ ન થાય, એક જાતની નમ્રતા રહે એ ભાવ વધારવામાં લજ્જા સહયોગી થાય છે, એટલે ભગવાને ‘હ્રી’, લજ્જાનું સ્થાન પોતાની દૈવી સંપત્તિઓમાં રાખ્યું છે; જ્યાં ભૂલ થાય છે, ત્યાં લજ્જા આવે એ સારું છે, એમાં અભિમાન ના આવે, તેને માટે લજ્જાનો ભાવ આપણી આંતરિક, ઊર્ધ્વગામી યાત્રામાં એક ગતિ આપે, એક ગુણ, એકસંપત્તિ ઉમેરાય.

ૐ તત્ સત્