કોઇ પણ ફળ, ફૂલ, વસ્તુ, વ્યક્તિ દરેકનું એક આગવું સૌંદર્ય એની આગવી ઓળખ હોય છે. ધારો કે એક ફૂલ છે તો તેનો રંગ, સુગંધ, સ્પર્શ તેની ઉપયોગીતા અને તેના ગુણધર્મો આ બધુ મળીને ફૂલનું અસ્તિત્વ હોય છે. ફૂલના દેખાતા જુદા જુદા ગુણો એક બીજાના વિરોધી નથી પરંતુ એ બધાં વિવિધતામાં એકત્વનું પ્રતીક છે. એ બધાં સાથે રહીને ફૂલની શોભા વધારે છે.

જેમ કે સંગીતના સાતેય સૂરો અલગ-અલગ છે પરંતુ તેને જ્યારે લયબદ્ધ રીતે ગાવામાં આવે છે તો સુંદર રાગનો જન્મ થાય છે. એ પ્રમાણે સંગીતના વાદ્યો અલગ-અલગ હોવા છતાં જ્યારે સમૂહમાં, એક સૂરમાં, એક આલાપમાં વાગે છે તો તે સૌને મંત્રમુગ્ધ કરી દે છે.

આ પ્રમાણે ભગવાને આપણને જે કંઇ આપ્યું છે તે વિચારીને જ આપ્યું છે. દરેક વ્યક્તિનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, દોષ યથા યોગ્ય જ છે. આ વિવિધતા એ વ્યક્તિનું સૌંદર્ય છે. આ અલગ-અલગ દેખાતી વ્યક્તિ જ્યારે એક થઇ, એક નિષ્ઠાથી, એક ધ્યેય માટે કામ કરે છે ત્યારે એ કાર્ય પરમાત્મા પ્રીત્યર્થ થઇ દિવ્ય બની જાય છે. અલગ-અલગ પુષ્પ જ્યારે સૂત્ર સાથે જોડાય છે ત્યારે તે માળા થઇ જાય છે. પુષ્પની અલગ ઓળખ હોવા છતાં તે માળા તરીકે ઓળખાય છે.

આ પ્રમાણે બધા સાધકો ભેગા મળીને સંઘભાવથી જ્યારે કાર્ય કરે છે અને એ કાર્ય જ્યારે અહંકાર રહિત, સૌના હિત માટે થવા લાગે છે ત્યારે પ્રત્યેક કૃતિ પૂજા થઇ જાય છે.

આ ભાવ વિરાટ બને. સૌની સાથે પરસ્પર પ્રેમ અને આત્મીયતાના ભાવનો વિકાસ થાય એવી પરમાત્માને પ્રાર્થના.