કઠોપનિષદ પૂર્વભૂમિકા / એક ઝલક
ઉપનિષદ શબ્દનો મુખ્ય અર્થ ‘બ્રહ્મવિદ્યા’ છે. ‘બ્રહ્મવિદ્યા’ જ જીવને મૃત્યુના ભયથી મુક્ત કરી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે. એટલે કઠોપનિષદના અંતમાં ઋષિ કહે છે – ब्रह्मप्राप्तोऽविरजोभूतविमृत्युः|
પરબ્રહ્મ પરમાત્માની આત્માના રૂપમાં અનુભૂતિ એ જ બ્રહ્મવિદ્યા છે. આ બ્રહ્મા વિદ્યાને પ્રાપ્ત કરવી એ જ મનુષ્ય જીવનની કૃતાર્થતા છે. બાકી દુનિયાભરનો વૈભવ પ્રાપ્ત કરી લેશે પરંતુ જે પરમ પુરુષાર્થ છે તેનાથી મનુષ્ય વંચિત જ રહી જાય છે. કઠોપનિષદમાં ઋષિ કહે છે – इह चेदवेदिदथ सत्यमस्ति न चेदिहावेदिन्महती विनष्टिः|
આ મનુષ્ય શરીરમાં પરબ્રહ્મ પરમાત્માને જાણી લીધો તો બરાબર છે અને આ શરીરમાં પરબ્રહ્મ પરમાત્માને જાણ્યા વગર મૃત્યુ થયું તો બહુ જ ખોટું થયું કહેવાય. કારણ કે મનુષ્યનો જન્મ આત્માના સાક્ષાત્કાર માટે જ મળ્યો છે. એ જ પરમ પુરુષાર્થ છે, એને જાણીને, અનુભવીને જ મનુષ્ય કૃતાર્થ થાય છે. કારણ કે બ્રહ્મવિદ્યા ને આત્મસાત્ કરવાથી જ જીવ કૃતાર્થ થઇ જાય છે.
આપણે ત્યાં ચારેય વેદોમાં કુલ ૧૧૮૦ શાખાઓ છે . આ પ્રત્યેક શાખાના અંતમાં ઉપનિષદો વેદમસ્તકના રૂપમાં વિરાજમાન છે. કઠોપનિષદ કૃષ્ણ યજુર્વેદની કઠ શાખનું હોવાથી તેને કઠોપનિષદ કહે છે.
કઠોપનિષદ એક આકર્ષક આખ્યાયિકા છે. આ આખ્યાયિકામાં પરમગૂઢ તત્ત્વને ખૂબ જ સરળતાથી સમજાવ્યું છે. સાધારણ જિજ્ઞાસુઓ પણ આસાનીથી સમજી શકે તેવી રીતે કહેવાયું છે. એમાં યમ અને નચિકેતાના સંવાદરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત વર્ણન કરેલું છે.
આ ઉપનિષદ ઉપર ભાષ્ય લખતી વખતે આદિગુરુ ભગવત્પાદ શ્રી શંકરાચાર્યજીએ બ્રહ્મવિદ્યાના આચાર્ય સૂર્યપુત્ર યમ અને નચિકેતાને અત્યંત આદરપૂર્વક નમસ્કાર કર્યા છે. આચાર્યશ્રી એ માત્ર બ્રહ્મવિદ્યા પ્રતિ જે આદર દાખવ્યો છે એટલું જ નહિ પરંતુ બ્રહ્મવિદ્યાના પ્રવક્તા આચાર્ય અને શિષ્ય માટે પણ ખૂબ જ આદર દાખવ્યો છે. ગુરુ–શિષ્યના સંવાદરૂપે પ્રાપ્ત થયેલ આ ઉપનિષદ ખૂબ જ સરળ અને મનનીય છે. આમાંના કેટલાક મંત્રોનો ઉલ્લેખ શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કરવામાં આવ્યો છે.
એવું કહેવાય છે કે નચિકેતાના પિતા વાજશ્રવસ્ના પુત્ર ઉદ્દાલક એ કર્મકાંડી તથા એકદમ ક્રોધિત થઇ જાય એવા તપસ્વી બ્રાહ્મણ હતા. એક દિવસ પિતા ઉદ્દાલકે નચિકેતાને કહ્યું,’ બેટા! મેં નદીકિનારે દર્ભ અને લોટો (કળશ) મુક્યો છે તે લઇ આવ.’ નચિકેતા નદી કિનારે જાય છે પરંતુ ત્યાં તેણે દર્ભ કે લોટો દેખાયો નહીં કારણ કે નદીમાં પૂર આવવાથી બધું તણાઈ ગયું હતું.
તેથી નચિકેતાએ પાછા આવીને કહ્યું,’ પિતાજી! ત્યાં તો મેં દર્ભ કે લોટો એવું કશું જ જોયું નથી.’ એટલું સંભાળતા જ પિતા ઉદ્દાલકે કહ્યું,’ એ બધું નથી જોયું તો જા તું મોતને જો.’ પિતાજીના વચન સાંભળી નચિકેતા બેભાન થઇ પૃથ્વી ઉપર પડી ગયા. આ જોઈને પિતા ઉદ્દાલક પણ ખૂબ પશ્ચાતાપ કરતા બેભાન થઇ ગયા.
ત્યાર પછી નચિકેતા પોતાને યમરાજાની સામે ઉભેલો છે એવો અનુભવ કરે છે. યમરાજા નચિકેતાને કહે છે ‘હે સૌમ્ય! તારા જેવો શુદ્ધ હ્રદય એકદમ નિર્દોષ ,સરળ બાળક અહીં કેવી રીતે આવ્યો ?’ ત્યારે નચિકેતા એ પોતાની મધુર ભાષામાં પૂર્વ વૃત્તાંત સંભળાવીને કહ્યું ,’પિતાજીએ મને આપની પાસે મોકલ્યો છે તેથી હું આપની પાસે આવ્યો છું .
યમરાજા ખૂબ પ્રસન્ન થાય છે .એમણે કહ્યું કે,’ હે પુણ્યાત્મા! તે પિતાની આજ્ઞાનું પાલન કરી લીધું છે. હવે તું પાછો જાય તે પેહલાં હું તને દિવ્ય લોકોના દર્શન કરાવા ઈચ્છું છું.’ એવું કહીને યમરાજાએ બ્રહ્મલોકથી લઇ અનેક લોકોના દર્શન કરાવ્યા. એમાં નચિકેતાએ એવા લોકના પણ દર્શન કર્યા કે જ્યાં તાજા દુધના ઝરણા મનને ખૂબ પ્રસન્નતા આપતા હતા . તેથી નચિકેતાએ યમરાજને પૂછ્યું,’ ભગવાન! આ લોકની પ્રાપ્તિ કોને થાય ?’ ત્યારે યમરાજે કહ્યું, આ બધુ જ ગોદાનનું (ગાયોના) દાનનું ફળ છે. જે દૂધ આપવા વળી ગયોનું દાન કરે છે એમને આવા દીવ્યલોકોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગો દાનના મહિમાનું વર્ણન કરી યમરાજાએ નચિકેતાને કહ્યું , ‘હે સૌમ્ય! તારા પિતા ઉદ્દાલક તને બેભાન અવસ્થામાં જોઇને ખૂબ જ વિલાપ કરે છે. ખૂબ જ દુઃખી છે. તું હવે જલ્દી એમની પાસે પહોચી જા જેથી એમના પ્રાણોની રક્ષા થાય.
આ પ્રમાણે નચિકેતા પૃથ્વી લોકમાં આવી જાય છે. જાણે સમાધિ માંથી યોગી પરમાનંદની પ્રાપ્તિ કરીને બેસી જાય છે. પિતા ઉદ્દાલક પુત્રને જોઇને એને આનંદથી હૃદયે લગાડી દે છે અને એની અલૌકિક પ્રસન્નતાનું કારણ પૂછે છે. ત્યારે નચિકેતા સ્થૂળ શરીરથી નીકળી અને પાછા આ શરીરમાં કેવી રીતે આવ્યો એ બધું જ વૃત્તાંત ખૂબ વિસ્તારથી પિતાજીને સંભળાવે છે. દિવ્ય લોકોની રમણીયતા સાંભળીને ઉદ્દાલકના મનમાં સ્વર્ગના સુખની કામનાનો ઉદય થયો તેથી ઉદ્દાલકે સ્વર્ગ સુખ પ્રાપ્ત કરવાના હેતુથી વિશ્વજીત નામનો યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. જયારે નચિકેતાની દૃષ્ટિ સત્યધર્મ પર હોવાથી સ્વર્ગના ઐશ્વર્યને પ્રત્યક્ષ જોવા છતાં એના મનમાં ક્યાંય આસક્તિનો પ્રાદુર્ભાવ નથી થયો અને પિતાની શાંતિ માટે એ તરત જ પાછો આવી ગયો. ખરેખર નચિકેતામાં જન્મથી જ સાધકના શમદમાદિ ગુણો વિદ્યમાન છે.
ઉદ્દાલક વિશ્વજીત યજ્ઞ કરવા તૈયાર થાય છે. એમના હૃદયમાં સ્વર્ગના સુખની પ્રબળ કામના છે. તો બીજી બાજુ પુત્ર મોહમાં તે અનર્થ કરી રહ્યા છે. તેઓ જે બધું સારુ–સારું હતું , સારી–સારી ગયો હતી તે બધું જ નચિકેતાને આપી દે છે અને જે જીર્ણ– શીર્ણ ગાયો હતી , જે સંપત્તિ બહુ કામની નો’હતી તે પોતાની પાસે રાખે છે અને એ જ ગયોનું દાન કરવા લાગ્યા . દાનમાં આપવા માટે આવી જીર્ણ–શીર્ણ ગાયોને જોઈને શુદ્ધ સાત્વિક હૃદય નચિકેતાથી રહેવાયું નહિ . તેણે બાલસુલભ વાણીમાં પિતાજીને કહ્યું, “तत कस्मै मां दास्यति |” હે પિતાજી! આપ મને કોને આપશો? નચિકેતાનો પ્રશ્ન અત્યંત વિચારણીય છે કારણ કે સર્વસ્વ દાન કર્યા વિના વિશ્વજીત યજ્ઞ પૂરો થયો કહેવાય નહિ .નચિકેતાને થાય છે કે હું પણ પિતાજીની સંપત્તિ જ છું. મને પણ દાનમાં આપી દેશો તો જ સર્વસ્વ દાન કહેવાશે અને તો જ એમને સ્વર્ગ સુખની પ્રાપ્તિ થશે. વારંવાર પૂછવાથી ક્રોધાવેશમાં આવીને પિતા ઉદ્દાલકે નચિકેતા ને કહ્યું ,’ જા હું તને મૃત્યુને આપીશ. નચિકેતા તરત જ આચાર્ય યમરાજ પાસે જાય છે એમાં પિતૃ ભક્તિ અને ગુરુ ભક્તિ બંનેનો સમાવેશ થયો છે. તેનો વ્યવહાર આદર્શ પુત્રત્વ અને શિષ્યત્વને સિદ્ધ કરી બતાવે છે.
પ્રત્યેક જિજ્ઞાસુઓ માટે આ કાર્ય અનુકરણીય છે. શાસ્ત્રમાં કહ્યું છે, “यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरौ | तस्यै ते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः” જેની ઇષ્ટ દેવમાં પરા ભક્તિ છે એવી જ સદ્ગુરુમાં છે એના હૃદયમાં ઉપનિષદોના અર્થો પ્રકાશિત થાય છે. આથી સિદ્ધ થાય છે કે માતા–પિતા અને ગુરુમાં ભક્તિ ભાવ બ્રહ્મવિદ્યા પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. યમલોકમાં આવ્યા પછી યમરાજા ઘરે નો’હતા.તે ક્યાંક બહાર ગયા હતા. તો એમની ગેરહાજરીમાં ભોજન વિગેરેની પરવાહ કર્યા વગર તે યમરાજના દ્વાર પર ત્રણ દિવસ સુધી ઉભા રહ્યા . જયારે યમરાજા આવ્યા ત્યારે નચિકેતાની તિતિક્ષાથી પ્રસન્ન થઇ તેને ત્રણ વરદાન માંગવાનું કહ્યું એમાં નચિકેતાએ પ્રથમ વરદાન પિતૃ સંતોષનું લીધું . બીજા વરદાનમાં સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન અગ્નિ વિજ્ઞાન માંગ્યું. ત્રીજા વરદાનમાં આત્મજ્ઞાન માંગ્યું. ત્રણેય વરદાન અદ્ભુત રહસ્યમય છે. પ્રથમ વરદાનમાં પિતાના વચનને સત્ય કરવા, પિતાની ઈચ્છા વિરુદ્ધ યમલોકમાં આવી ગયા તેથી એમના પિતાને સ્વભાવિકરૂપે દુઃખ હતું. આવી પરિસ્થિતિમાં નચિકેતાને લાગ્યું કે પ્રથમ મારા પિતાને સંતોષ થાય કારણકે પિતાજી અસંતુષ્ટ હશે તો મને કેવી રીતે શાંતિ મળશે ? નચિકેતા જેવો પુત્ર આ જ ઈચ્છે . આ વરદાનમાં પિતૃ સંતોષ સાથે પોતાનું નવ–જીવન માંગવું એ પણ નચિકેતાની અત્યંત બુદ્ધિમત્તા દર્શાવે છે.
લૌકિક શાંતિ પછી મનુષ્યને સ્વાભાવિક રીતે જ પારલૌકિક સુખની ઈચ્છા થાય છે. પારલૌકિક સુખની પ્રબળ આકાંક્ષા થયા પછી સાધક ઐહિક સુખોને તિલાંજલિ આપી દે છે. તેથી જ નચિકેતા એ બીજા વરદાન માં સ્વર્ગલોકની પ્રાપ્તિમાં સાધન રૂપ અગ્નિવિજ્ઞાનની માંગણી કરી , જેમાં પરોપકારની ભાવના સ્પષ્ટ જણાય છે. નચિકેતાને પોતાને તો સ્વર્ગ સુખની પણ કામના નથી. તેથી ત્રીજા વરદાનમાં આત્મજ્ઞાન મેળવવા જ દૃઢનિર્ધાર જાહેર કરે છે. અને પોતાના લક્ષ્યથી ચ્યુત થતાં નથી . જયારે યમરાજા એ જોયું કે નચિકેતા ઐહિક તથા પારલૌકિક ભોગથી સર્વથા ઉદાસીન છે એટલું જ નહિ, પણ પૂર્ણ વિવેક, વૈરાગ્ય શમાદિ સાધન સંપન્ન છે અને એની અંદર તીવ્ર મુમુક્ષાની અગ્નિજ્વાળા પ્રજ્વલિત થઇ રહી છે ત્યારે યમરાજા નચિકેતાની ખૂબ–ખૂબ પ્રશંસા કરે છે અને એમની શાંતિ માટે જ્ઞાનામૃતની અનરાધાર વર્ષા કરે છે એ જ “કઠોપનિષદ.”
વિશ્વકલ્યાણ માટે આજે પણ કઠોપનિષદ આપણને જીવન જીવતા શીખવે છે, મનુષ્ય જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા એકમાત્ર ઉપાય ઔપનીષદ આત્માજ્ઞાન જ છે. નચિકેતાની જેમ અન્ય જિજ્ઞાસુ પણ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરે એવી પરમપિતા પરમાત્માના ચરણોમાં પ્રણામ સાથે પ્રાર્થના.