ભારતીય સંસ્કૃતિ | પ્રવચન પુષ્પ | સંન્યાસ – 6

અમેરિકાના કેથોલિક ખ્રિસ્તી ડેવિડ ફ્રોલીએ હિન્દુ ધર્મનું સારું એવું અધ્યયન કર્યા પછી ૧૯૯૧માં આચાર્ય વામદેવ શાસ્ત્રી બન્યા હતા. તેઓ પૂર્ણકાલીન હિન્દુ ધર્મના પ્રસારના કાર્ય ઉપરાંત, આયુર્વેદ, જ્યોતિષશાસ્ત્ર, અને યોગના પણ આચાર્ય છે, સાથે તેઓ હિન્દુ ધર્મ વિષે સારા લેખક પણ છે. એમના એક પુસ્તક Arise Arjunaમાં તેઓ કહે છે કે અર્જુન, તું ઊભો થા, તું જાગ” અર્જુન નું સંબોધન એમણે ભારતના દરેક હિન્દુઓ માટે કર્યું છે, કેમ કે લેખકને દરેક હિન્દુઓમાં અર્જુન ની શક્યતા દેખાય છે.

ભગવાને અર્જુનને ઝાઝું તો નથી કહ્યું, પણ જે કહ્યું છે એના દ્વારા ભગવાને એની દ્રષ્ટિ બદલી છે, એના વિચારો, એની સમજ, એનું જ્ઞાન, એમાં જ થોડો ફેરફાર કર્યો છે, બીજું કશું નથી કર્યું; અને, એવું પણ નથી કે ભગવાને યુદ્ધમાં જીતવા માટે અર્જુનને કોઈ પ્રકારનું વધારે બળ આપી દીધું હોય, કે કોઈ વધારાની શક્તિ આપી દીધી હોય – ના એવું કશું જ નથી કર્યું, તે છતાં, ભગવાને જે કહ્યું એનાથી એક અર્જુન *જાગ્યો)*, અને મહાભારતના યુદ્ધનો નિર્ણય થઈ જાય છે.

આજના જમાનામાં, ભારતના કરોડો લોકો – કરોડો અર્જુનોજો જાગે તો ભારત અને એના વૈદિક જ્ઞાન અને ધર્મ દ્વારા વિશ્વભરમાં કેવો સારો બદલાવ આવી શકે? એટલે, ડેવિડ ફ્રોલીએ ભારતના દરેક હિન્દુઓમાં એકએક અર્જુનની શક્યતા જોઈ છે.

લેખકે એમના પુસ્તકમાં એક બીજી નાનકડી,પણ સાચી વાત કહી છે કે ભારત આજની તારીખમાં એના આત્મા સાથે નથી જીવી રહ્યો. આજે આપણે આ દેશના હ્રદય, આત્મા પ્રમાણે નથી જીવી રહ્યા, અને તે છતાં, ભારતે પાછલા ૫૦૧૦૦ વર્ષોમાં દુનિયાને જે આપ્યું છે એ ગજબનું છે, અદ્ભત છે. આપણને ઋષિઓ, જ્ઞાનીઓ, ગુરુજનો, સંતો પાસેથી જે અલૌકિક જ્ઞાન હજારો વર્ષોથી મળતું રહ્યું છે, એ જ્ઞાન વગરઆજે આપણે જીવીએ છીએ, અને તેથી આપણે આપણી જાતનેસમજ્યા વગર જીવીએ છીએ–તે છતાં, આ જ ભારત દેશ આખા વિશ્વને કશુંક વૈભવશાળી આપી શકે છે, અને, લેખકના કહેવા પ્રમાણે, ભારત જો એના જ્ઞાનના વૈભવમાં, હ્રદયથી, આત્મામાં ફરી જીવતો થશે, અને એના દ્વારા જો ભારતના અર્જુનો જાગશે, તો વિચાર કરો કે ભારત સમસ્ત વિશ્વને કેટલું બધું આપી શકશે!

આજે દુનિયાના કરોડો લોકો વૈદિક મંત્રોનો જપ કરે છે, અરે! ઓછામાંઓછું તો બોલે જ છે; યોગાભ્યાસ કરે છે, પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, મહર્ષિ પતંજલિના યોગસૂત્રોનું અધ્યયન કરે છે, ભારતના બીજા ઘણા શાસ્ત્રોનું પણ અધ્યયન કરે છે – અને આવી ઘણી વાતોને લઈને વિશ્વના કરોડો લોકોને ભારત તરફથી એક આશા દેખાય છે; તે ત્યાં સુધી કે, વર્તમાન કે ભવિષ્યમાં પણ જો વિશ્વમાં કશુંક સારું થશે, તો એ ભારતથી જ થઈ શકશે, કેમ કે દુનિયાની બાબતમાં જે સારું વિચારે છે એ લોકોને એવું થાય છે કે વૈશ્વિક હિતની વાત એ ભારત સિવાય બીજે ક્યાં’ય નહીં થઈ શકશે.

આવા ઘણા કારણોને લીધે ડેવિડ ફ્રોલી એક બીજી સરસ વાત પણ કહે છે કે ભારતે કોઈ પણ હિસાબે જાગવું જ જોઈએ – અને એ માત્ર પોતાને માટે જ નહીં, આખી દુનિયા માટે, દુનિયાના હિત માટે ભારતને જાગવાની વાત કરે છે, કેમ કે વિશ્વના કરોડો લોકો ભારતને એક અહોભાવની દૃષ્ટિએ, પૂજ્યભાવથી જુએ છે – આજથી નહીં, કેટલાય વર્ષોથી.

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા હતા (૧૮૯૩ના વિષ્વ ધર્મ સંમેલનમાં) ત્યારે એક દિવસ જર્મન તત્ત્વવિદ્અને સંસ્કૃતના વિદ્વાન ફ્રેડરિક મેક્સ મૂલર (૧૮૨૩૧૯૦૦) એમની જોડે બેઠા હતા. મેક્સ મૂલરના વેદો અને વૈદિક વાંગમય ઉપરના જર્મન અને અંગ્રેજી ભાષાંતરના મહત કાર્યથીસમસ્ત પાશ્ચાત્ય જગતને ભારત વિષે અને વેદો વિષે જાણ થઈ હતી, અને તેથી વિવેકાનંદ એમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. વાત કરતાંકરતાં વિવેકાનંદજીએ મેક્સ મૂલરને કહ્યું કે તમે એકાદ વખત તો ભારત આવોને. આ સાંભળીને મેક્સ મૂલર તો એકદમ ચપ થઈ જાણે શૂન્યમાં જોવા લાગ્યા. સ્વામીજીને લાગ્યું કે હું કંઇ ખોટું બોલી ગયો કે કેમ. થોડીવાર પછી એમણે જ કીધું કે ના, હું ભારત નહીં આવું. પૂછ્યું, કેમ? તો કહે, હું જો ભારત આવીશ ને તો ત્યાંથી પાછો નહીં આવી શકું, એટલે.

તો, આમ ઘણા લોકોને ભારત પ્રત્યે આદર, અહોભાવ છે, પરંતુ જ્યારે તેઓ ભારત આવે છે ત્યારે એમને શું મળે છે? – ગંદકી, ચોરી, બેઈમાની, અનૈતિકતા જાહેર જીવન અને રાજનીતિમાં બધે જ. સામાન્ય રીતે આપણને મંદિરો, એમાંના દેવદેવીઓ પ્રત્યે કેવો ભાવ હોય! અને જ્યારે મંદિરોમાં જઈએ, દર્શન કરીને પાછા આવીએ ત્યારે કેવો અનુભવ અને ભાવ રહી જતો હોય? આવા કારણોને લીધે લોકોને કહેતા સાંભળ્યા છે કે હવે ક્યારેય મંદિરમાં નથી જવું.

એટલે, હિન્દુઓ, આપણે કોઈ પણ ક્ષેત્રમાં આત્મા પ્રમાણે નથી જીવી રહ્યા, અને જો આત્મા પ્રમાણે જીવવું પણ હોય તો પહેલાં તો આપણે આત્માને સમજવો પડે, અને જો આપણે ભારતના હ્રદયને, આત્માને સમજીશું તો જ એના પ્રમાણે જીવી શકીશું અને આ જ સંદર્ભમાં પાછલા ચારપાંચ સત્સંગમાં આપણે ભારતીય સંસ્કૃતિ વિષે વિચારતા આવ્યા છીએ.

આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ વિષે વાત કરીએ છીએ, ત્યારે એ વેદો આધારિત જે સનાતન જ્ઞાન છે એને આધારિત જે સનાતન સંસ્કૃતિ ઊભી થઈ છે એની વાતો કરીએ છીએ. આવી સંસ્કૃતિની વિશેષતાઓમાંથી બે મુખ્ય વિશેષતાઓમાની પહેલી એ છે, આ સંસ્કૃતિ દુનિયાને કશું’ક શુભ આપી શકશે;બીજી વિશેષતા એનો સનાતન ધર્મ તેથી આ સંસ્કૃતિને થોડું જાણવાસમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આવી આપણી સંસ્કૃતિ પાસે વૈયક્તિક, વ્યાવહારિક, સામાજીક, લૌકિક જીવનના દરેક ક્ષેત્ર માટે જ્ઞાનનો એટલો મોટો ભંડોળ હતો જેની તમે કલ્પના પણ ના કરી શકો. તમે જીવનનું કોઈ પણ ક્ષેત્ર લો એમાંનું આપણી પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનનો હજારમો ભાગ પણ આજે આપણી પાસે નથી.

આ સંસ્કૃતિના વૈદિક કાળની વાત કરીએ તો ત્યારે વેદોની કેટલી બધી શાખાઓ હતી – એક માહિતી મુજબ પતંજલિજીના કહેવા પ્રમાણે ઋગ્વેદની ૨૧ શાખાઓ હતી, યજુર્વેદની ૧૦૦ શાખાઓ, સામવેદની ૧,૦૦૦ શાખાઓ અને અથર્વવેદની નવ શાખાઓ હતી. જુદાજુદા લોકોએ વેદોની શાખાઓના આંક જુદાજુદા કહ્યા છે, પરંતુ આજે એ બધી શાખાઓમાંથી માંડ ચારપાંચ જ શાખાઓ રહી છે, અને એમાંનું જે જ્ઞાન આજે આપણી પાસે છે એ જ્ઞાન પણ ગજબનું છે, એની કોઈ તુલના જ નથી.

આ સંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસના મૂળમાં એ દિવ્ય, સનાતન જ્ઞાનના સ્રોત સમાન અલૌકિક જે દિવ્યતા છે, તો એનું હ્રદય, એનું બીજ શું અને ક્યાં છે?એ દિવ્ય જ્ઞાન શું છે?એવી કઇ સ્થિતિ છે? એ જ્ઞાનનો મૂળ આધાર શું છે કે જ્યાંથી આવી ભવ્ય સંસ્કૃતિનો જન્મ થયો હતો?

આ ભવ્ય સંસ્કૃતિનો મૂળ આધાર છે સનાતન ધર્મ, સનાતન ધર્મના આધારે જ આ ભવ્ય સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને વિકસી પણ હતી – અને એ વિકાસ માત્ર ધર્મ કે અધ્યાત્મના ક્ષેત્રે જ ન્હોતો થયો, પરંતુ જીવનના દરેકેદરેક લૌકિક, વ્યાવહારિક ક્ષેત્રોમાં, વિજ્ઞાનના ક્ષેત્રે, અન્ય દરેક ક્ષેત્રોમાં જે વિકાસ દેખાય છે, એનો આધાર સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ છે.

આવી વાતો ઉપરથી એવો પ્રશ્ન થાય કે સનાતન ધર્મ એટલે શું? સામાન્ય રીતે ધર્મનું નામ આવે તો આપણે એમ જ કહી કે પેલા ભાઈ અમુક ધર્મ પાળે છે, તો એ લસણડુંગળી નથી ખાતા, પેલા ભાઈ અમુક ધર્મ પાળે છે, તો એ આમ કરે છે. હું આ ધર્મ પાળું છું, આ દેવીદેવતાને માનું છું, કોઈ કયાં દેવને માનતા હોય, કોઈ અન્ય કોઈ દેવને માનતા હોય. આમ, ધર્મની વાત આવે એટલે કોઈ રીતિરિવાજ, વ્રતઉપવાસ, રહેણીકરણી, અમુક દેવદેવી એવી વાતોને જ આપણે ધર્મ કહી છીએ.

તો શું, આપણાં ઋષિઓ ધર્મની બાબતમાં આવું જ કહેવા માંગતા હતા? કે ધર્મ એટલે કોઈ અમુક જ આચારવિચાર હોય, શું ધર્મ એટલે આટલી જ વાતો? એનું હ્રદય ક્યાં છે?

સનાટનનો અર્થ છે જે શાશ્વત છે, કોઈ દિવસ એમાં ફેરફાર નથી થતો, એક તો બધી વસતો જોઈએ છીએ, આપણને જે બધું દેખાય છે એ બધુ જ આવે છે અને જાય છે, અને એ દરેક નશ્વર વસ્તુઓમાં પણ અલગઅલગ સ્વભાવ હોય છે, એનો નેચર, સ્વભાવ હોય છે – જેમ અગ્નિ છે, એનો એક સ્વભાવ છે, પાણી છે તો એનો સ્વભાવ છે, વૃક્ષ છે, એનો એક સ્વભાવ છે – આમ, દરેકેદરેક વસ્તુઓના પોતાના સ્વભાવગુણધર્મ હોય જ છે, એ કુદરતી છે, તેથી એમાં કોઈ ફેરફાર ના હોય.. ..

પરંતુ, દરેક વસ્તુઓના જુદાજુદા સ્વભાવગુણધર્મ પાછળ એક શાશ્વત સત્તા છે, પરમ સત્તા છે અને એના જ આધારે જ બધું છે, જે બધું થઈ રહ્યું છે એ દરેકના મૂળમાં એ પરમ, શાશ્વત સત્તા છે એને આપણે શુદ્ધ ચેતના કહીએ છીએ, આત્મા કહી છીએ, પરમાત્મા કહી છીએ, બ્રહ્મ કહીએ છીએ…. એનો સ્વભાવ છે કોઈ દિવસ નષ્ટ નથી થતો. હા, એવું હોય શકે કે કોઈ ગુણો વ્યક્ત નથી થયા, પણ દરેક પ્રકારના ગુણો વ્યક્ત થવાની શક્યતા સાથે છે – જેમ કે સૂર્યના કિરણોનો પોતાનો કોઈ જ રંગ નથી, કે નથી એના કોઈ રંગ વ્યક્ત થયા, અને તે છતાં બધાં જ રંગો એનાથી જ આવતા હોય, જ્ન્મતા હોય છે.

એટલે, એક પરમ, શાશ્વત સત્તા છે, સૂર્યના કિરણોમાં કોઈ જ ફેરફાર નથી, અને જે આપણને દેખાય છે, જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, અને જે ગ્રાહ્ય નથી, સૂક્ષ્મ છે એનો અને શાશ્વત સત્તાનો સંબંધ છે, રીલેશન છે – જેમ કે દરેક સુવર્ણન આભૂષણોનું કારણ સુવર્ણ છે એટલે આભૂષણો અને સુવર્ણ વચ્ચે એક સંબંધ છે; દરેક સુતરાઉ કાપડનું કારણ રૂછે, એ બે વચ્ચે સંબંધ છે.

એવી જ રીતે શુદ્ધ ચેતના છે, પરમાત્મા છે અને આ જગત છે એનો જે વિસ્તાર છે, ફેલાવો છે એની વચ્ચેનો સંબંધ છે, એ સંબંધને જેને સમજ્યો છે, જેને એનું જ્ઞાન થયું છે, જેને આખું અનુભવ્યું છે, અને માવતાની પૂર્ણતા ક્યાં છે, માનવ શું છે? મનુષ્ય શું છે, એ જ્ઞાન અને એના જવનની અંતિમ સ્થિતિ, એની ઉપલબ્ધિ શું છે, એ બધી વાતોને સમજીને આખો જે ધર્મ ઊભો થયો છે એ સનાતન ધર્મ છે. એટલે, ધર્મની એક પરિભાષા છે –स्वभावो धर्म:, સ્વભાવનો ધર્મ, જેમ અગ્નિ છે, એનો એક સ્વભાવ છે કે એ ગરમ હોય છે, એટલે એ દઝાડે છે – તો, અગ્નિનો ધર્મ છે દાહકતા.

તો પછી, જગતનો શો સ્વભાવ છે? મારો શો સ્વભાવ છે, શરીર,અને ચેતના શું છે? એ જે એ સ્વભાવને સમજે છે, જગતના મૂળ કારણને, જગતના પૂરેપૂરા સ્વભાવને, પૂરી સમગ્રતાથી સમજે છે, અને જે દરેકેદરેક સ્વભાવને પોતાની અંદર આવરી લે છે એ સનાતન ધર્મ છે.

ધર્મની એક બીજી પણ પરિભાષા છે –यतो अभ्युदयनि:श्रेयससिद्धि: स धर्म😐 કણાદ ઋષિ એમના વૈશેષિક દર્શનમાં ધર્મની વ્યાખ્યા, સમજ આ પ્રમાણે આપે છે. આપણે ધર્મ કોને કહીએ? એને કે જેનાથી માણસની લૌકિક (ભૌતિક) અને પારલૌકિક (આધ્યાત્મિક) બંને ઉન્નતિ થાય, બધી જાતની ઉન્નતિ થાય. હું શરીરથી સ્વસ્થ હોઉં, સુખસમૃદ્ધિ હોય, ગરીબીભૂખમરો ના હોય, અને એની સાથેસાથે મારા આત્માનો પણ વિકાસ થતો હોય, આધ્યાત્મિક વિકાસ પણ થતો હોય એ ધર્મ છે. આવો સર્વાંગીણ વિકાસ આ લોકમાં, સંસારમાં, જગતમાં બધે જ સરખી રીતે થતો હોય અને એની સાથેસાથે મારા, અને બધાના આત્માનો પણ વિકાસ થતો હોય.

એટલે, ટૂંકમાં એટલું સમજો કે જેના દ્વારા શરીર અને આત્મા બંનેની ઉન્નતિ થતી હોય, એને આપણે ધર્મ કહી એ છીએ, માત્ર શરીરની જ ઉન્નતિ, વિકાસ હોય, એને ઉન્નતિ કે વિકાસ ના કહીએ, સાથેસાથે આત્માની પણ ઉન્નતિ જોઈએ, માત્ર જડમાં જ ઉન્નતિ થાય, ચેતનાની ઉન્નતિ ના થાય એને ધર્મ ના કહેવાય.

એટલે, ક્યારે’ક એવો પ્રશ્ન થાય કે વર્તમાન સમયમાં જે વિકાસ દેખાય છે, જેને વિકાસ કહીએ છીએ એ તો મારો, વ્યક્તિનો પોતાનો વિકાસ છે, એ વિકાસ તો ટેકનોલોજીનો, ઉપકરણોનો, વિગેરેનો વિકાસ છે, એ બધી ભૌતિક બાબતોનો, વસ્તુઓનો વિકાસ હોય, એમાં મારો પોતાનો વિકાસ ક્યાં છે?

તમને યાદ હશે, થોડા દાયકાઓ પહેલાં આપણે અન્ય રાજ્યમાં કે વિદેશમાં ફોન કરવો હોય ત્યારે આપણે એ ફોનકોલને ફોન કંપનીમાં નોંધાવવો પડતો હતો, ક્યારેક બેચાર કલાકરાહ જોવી પડતી હતી, ક્યારેક મધ્યરાત્રિ સુધી પણ રાહ જોવી પડતી હતી, ક્યારેક અડધી રાત્રે એ ફોન લેવા માટે બીજાને ત્યાં દોડવું પણ પડતું હતું, અને જ્યારે વાત કરવાનો પ્રયત્ન કરતાં હતા ત્યારે વાત કરવા માટે જોરથી બોલવું પડતું હતું, તો પણ ક્યારેક માંડમાંડ સંભળાતું હતું.અને આજે? ટેકનોલોજીના, ઉપકરણોના વિકાસને લીધે લગભગ બધાં પાસે મોબાઈલ ફોન આવી ગયા છે, એવા ફોન પણ છે કે જેમાં નંબર ડાયલ પણ નથી કરવો પડતો, માત્ર એમાં જે વ્યક્તિ સાથે વાત કરવી હોય એનું નામ જ બોલી દેવાનું, અને એમાં નંબર લાગી જાય, તમે ગમે ત્યાં બેસીને, ચાલતા કે સૂતાસૂતા વાત કરી શકો છો.

આ તો માત્ર એક ક્ષેત્રની વાત થઈ, એવું દરેક ક્ષેત્રોમાં થયું છે, તેમ છતાં, વ્યક્તિનો વૈયક્તિક રીતે વિકાસ, કે શારીરિક વિકાસ, શારીરિક શક્તિમાં વિકાસ થયો છે ખરો? શું, પહેલાં કરતાં માણસ આજે વધુ શક્તિશાળી બન્યો છે ખરો? શું માણસની બુદ્ધિ, મેધા, પ્રતિભામાં વિશેષ વિકાસ થયો છે ખરો? હું કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહી શકું છું ખરો? કોઈ તાણ કે ચિંતામાં ના હોઉં, પણ મોજમાં જ રહું? એવું થયું છે ખરું? એવી મારી આત્મોન્નતિ થઈ છે ખરી?

આજના વિકાસમાં ટેક્નોલોજીના વિકાસનો ગ્રાફ ઉપર જ જતો દેખાય છે, જ્યારે વ્યક્તિગત વિકાસનો, આત્મોન્નતિનો ગ્રાફ નીચે જ જતો દેખાય છે. એટલે, જ્યાં સનાતન ધર્મનું જ્ઞાન નથી, સનાતન નિયમોનું જ્ઞાન નથી, જે માત્ર ભૌતિક વિજ્ઞાન, માત્ર મટિરિયલ્સ, જડ તત્ત્વ જ જાણે છે, ચૈતન્ય consciousnessને જાણતો નથી.

આજનું વિજ્ઞાન માત્ર જડને જ સમજે છે અને જ્યાં સુધી મેટર છે ત્યાં સુધીની જ વાત આજનું સાયન્સ કરે છે અને એના આધારે જે આખી સિસ્ટમ રચાય કે ઊભી થાય આવી સિસ્ટમમાંઅભ્યુદય – ભૌતિક વિકાસ – ખૂબ દેખાય છે, અને વિદેશોમાંના વિકાસને જોઈએ છીએ ત્યારે તો એવું જ લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ!! પરંતુ, આવા વિકાસ સાથે આરોગ્યની રીતે તો બધાંયને ચિંતા થાય છે એટલું આરોગ્ય કથળતું જાય છે, લોકોની સુખશાંતિ જતી રહી છે, બધા લોકો ઓછેવત્તે સ્ટ્રેસમાં જીવતા થઈ ગયા છે; પારિવારિક સંબંધો તૂટતાં જાય છે,માનવીય અરસપરસના સંબંધો બગડતાં જાય છે, માણસોમાંથી માણસાઈ ધીમેધીમે ખતમ થઇ રહી છે.

આજની આવી પરિસ્થિતિમાં માત્ર અભ્યુદયના વિકાસની વાસ્તવિકતા અને એના પરિણામો આપણી નજર સમક્ષ છે, જેમાં પૈસા, ધન, ભૌતિક સુખસંપત્તિ સિવાય કશું જ મહત્ત્વનું નથી; આવી સિસ્ટમથી એટલું શીખવાનું કે ભૌતિક સુખસંપત્તિ આપણને સંતોષ ના આપી શકે.

પહેલાં માણસ પાસે ૧૦૨૦ લાખ રૂપિયા હતા તો એને એમ થતું કે બસ, હવે આપણે સુરક્ષિત છીએ, એને કોઈ અસુરક્ષા ન્હોતી, એને કોઈ ઉન્માદ ન્હોતો, તેથી એ *હવે શાંતિથી જીવશું)* એમ વિચારતો હતો. આજે માણસ પાસે પહેલાં કરતાં પાંચદશગણાં પણ જો પૈસા આવી જાય તો એ કોઈ જગ્યાએ મકાન લેશે, શેરબજારમાં, બીજી કોઈ જગ્યાએ નાણાં રોકશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે.. ભલે પછી એ મકાનજગ્યામાં રહેવા જવાય કે ના જવાય, એ ઘરજગ્યા સાફ થાય કે ના થાય; આજે માણસને ભીતરમાં એક જાતની અસુરક્ષાનો ભય પ્રસરી ગયો હોય, એને સુરક્ષા નથી લાગતી અને તેથી એને વધુનેવધુ પૈસા તો આવવા જ જોઈએ એવું જ લાગે છે, વિચારે છે; એને સંતોષ જ ના હોય; પૈસા હોય છતાં એને થાય કે વધુ પૈસા મળે, આવે.. .. આવી વાતો માણસને આજે ઉન્માદી બનાવી દે છે, એને ભીતરમાં એક જાતની અસૂરક્ષાનો ભય પ્રસરી ગયો હોય, એને સુરક્ષા નથી લાગતી અને તેથી એને વધુનેવધુ પૈસા તો આવવાજ જોઈએ એવું જ લાગે છે.

આજની વિજ્ઞાનની, ભૌતિક અભ્યુદયની, ભૌતિક સિસ્ટમમાં એક પ્રકારની અસુરક્ષાને લીધે દરેક વ્યક્તિ સંઘર્ષ કરતી થઇ ગઈ છે. આ ભયનું મૂળ છે આજના ઇંગ્લેન્ડ(પહેલાના યુનાઈટેડ કિંગડમ)ના જાણીતા ઉત્ક્રાંતિવાદ ચાર્લ્સ ડાર્વિનના એક મુખ્ય સૂત્રો ખુબ પ્રચલિત થયા હતા, એમના બે સૂત્રો આ પ્રમાણે હતા. એક, Survival of the fittest- કે જે શક્તિશાળી હશે એ જ ટકી શકશે. બીજું, Struggle for Existence જીવન ટકાવવા માટે સંઘર્ષ અનિવાર્ય, જે કુદરતમાં બધે જ દેખાય છે, સંઘર્ષ વગર તમે જીવી જ ના શકો. ડાર્વિનની આવી વાતોને કારણે એ સમાજમાં ખોટું સંઘર્ષ ઉભું થયું હતું, જે એમના પછી ૨૦૦ વર્ષો સુધી ચાલતુ આવ્યું છે.

ભારતીય જીવન દૃષ્ટિકોણ જુદો છે, ભારતીય દર્શનમાં, પ્રકૃતિની દરેક પ્રકારની બધી વિવિધતાઓ, બધા વિરોધાભાસ વચ્ચે એક પરમ સત્તા છે, અને આ સત્તાની વિજ્ઞાનને ખબર કે ખ્યાલ નથી. આપણા શરીરની જ વાત કરીએ તો એમાં કેટલા વિવિધ, અને વિરોધી લાગતાં અંગો છે, એમના ધર્મો અને કાર્યો જુદાજુદા છે, અને તે છતાં એ વિવધતા, વિરોધાભાસ વચ્ચે એક પ્રકારની સુસંગતતા, harmonyછે, કેમ કે એ દરેક અંગ જે છે એ શરીરમાં રહેલી એક સત્તા માટે કામ કરે છે.

એવી જ રીતે આ જગતમાનું અપાર વૈવિધ્ય અને કેટકેટલા વિરોધાભાસ છતાં કોઈ એક સત્તાને આધારે એ બધું જ એકબીજાથી સંકળાયેલું છે, આ જગતમાંની દરેકેદરેક વસ્તુજીવમાણસ વચ્ચે કોઈ ખાસ પ્રકારનો સંબંધ –relation – છે, બધું ભલે જુદું દેખાતું હોય, પરંતુ એ એકદમ અલગઅલગ નથી – અને આ જ વાત વિજ્ઞાનને સમજાતી નથી, કે એક પરમ સત્તા જે છે, એક ચૈતન્ય, consciousnessનું જે શાશ્વત અસ્તિત્વછે, એ વાત જ વિજ્ઞાનને સમજાતી નથી.

છેલ્લાં બેહજાર વર્ષોમાં ઉદ્ભવેલી નવીનવી સંસ્કૃતિઓ, ખાસ કરીને ખ્રિસ્તીપાશ્ચાત્ય સંસ્કૃતિમાં, પશ્ચિમી જગતમાં જે વિચાર અને સમાજ વ્યવસ્થા ઉદ્ભવી છે, જેમાં માત્ર અભ્યુદયનો જ વિકાસ થયો છે એ સમાજમાં, નિ:શ્રેયસનો વિચાર, કે કાર્ય નહીં થશે, આત્મોન્નતિ નહીં થશે.

પરમ સત્તાના અજ્ઞાન સાથે, કે પછી એ સત્તાને અવગણીને મનુષ્યના સમાજની આ સ્થિતિ આવવી અનિવાર્ય જાણીને જ આપણા ઋષિઓએ એવા સમાજની રચના કરી હતી કે જ્યાં અભ્યુદય પણ હોય અને સાથે નિ:શ્રેયસ પણ હોય. આ જ વાતને એક ધર્મના બે સંલગ્ન ભાગ કે ધર્મ સમજાવ્યા હતા – એક પ્રવૃત્તિ ધર્મ જે ગૃહસ્થનો ધર્મ છે, અને બીજો નિવૃત્તિ ધર્મ,જે સંન્યાસીનો ધર્મ છે; આ બંને ધર્મોના પરસ્પર સમન્વયથી જ મનુષ્યનો વૈયક્તિક અને સામાજિક ધર્મ પૂરો થતો હોય છે. જગતમાં વ્યાવહારિક રૂપે બંને ધર્મો એકલા હોય તો અધૂરા છે, તાત્ત્વિક રૂપે નહીં.

આપણે ઘણી વખત વાત કરી હતી કે આપણા જીવનમાં પણ જોઈ શકીએ છીએ કે આ બંને ધર્મોથી જ આપણું જીવન છે – સવાર થતાં જ આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ, આપણી દરેક ઇન્દ્રિયો એક્ટિવ થઈ જાય છે, આપણે એક્ટિવ થઈ જઈએ છીએ અને આખો દિવસે આપણે આવશ્યક કામો હોય એ કરવા માટે પ્રવૃત્ત રહીએ છીએ, આમ આપણે પ્રવૃત્તિ ધર્મમાં હોઈએ છીએ અને રાત્રે પછી જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે નિવૃત્તિધર્મમાં જતાં રહીએ છીએ, ત્યારે આપણે બધું જ છોડી દઈએ છીએ, બધી વાતોનો *ત્યાગ)* કરી દઈએ છીએ, અને તેથી રાત પૂરતાં તો આપણે બધાં *સંન્યાસ)* જ લઈએ છીએ.

હવે વિચાર કરો, શું આપણને એક રાતના ત્યાગ, સંન્યાસ વગર ચાલવાનું છે? એક રાતના સંન્યાસ વગર બીજે દિવસની પ્રવૃત્તિ થઈ શકશે ખરી? આપણી દરેક પ્રવૃત્તિનો આધાર એની નિવૃત્તિ છે. આપણે દિવસે સારામાંસારી રીતે કાર્યો કરી શકીએ તો એનો આધાર આગલી રાતની સારમાંસારી ઊંઘ છે, ઊંઘમાં સર્વ ત્યાગ છે, ત્યારે પાસે કશું જ નથી રાખતા,અને જો કશું સાથે રહી ગયું હોય, ચિંતા, વિચાર, અસુરક્ષા, અસ્વસ્થતા, કે પછી ઓફિસની ફાઇલ, ફેક્ટરીનું પ્રોડક્શન, બેન્કની લોન એવું કશું પણ જો રાતની ઊંઘમાં રહી જાય, તો બીજે દિવસની પ્રવૃત્તિ બગડવાની છે. ઊંઘમાં જે સર્વત્યાગ થાય છે એનાથી જ આપણે બીજે દિવસે સારી રીતે આપણાંકામો કરી શકીએ છીએ.

આમ, આપણા જીવનમાં રોજ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મનો સમન્વય છે, અને જો સરખી રીતે શારીરિક, માનસિક, તાણચિંતાથી મુક્ત થઈને કામ નહીં કરીએ, તો રાત્રે સારી ઊંઘ પણ નહીં આવે; જો સ્ટ્રેસ હશે, આપણી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માણસોને દુભાવશો, હેરાન કરશો, તો પણ રાત્રે સારી ઊંઘ નહીં આવશે; એટલે, સારી પ્રવૃત્તિ માટે સારી નિવૃત્તિ જોઈએ, અને સારી નિવૃત્તિ માટે સારી પ્રવૃત્તિ જોઈએ.

આમ, જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેના હોવાથી માણસનું આખું જીવન હોય છે. આ જ ધર્મની વાતને આપણા ઋષિઓએ વ્યવહારમાં આપી, સમસ્ત સમાજ માટે આપી – એક વર્ગ માટે પ્રવૃત્તિ ધર્મ છે, જેમાં એ પણ સમજાવ્યું કે આખું જગત ભગવાનનું ઐશ્વર્ય છે; અને આપણા જીવનના પ્રવૃત્તિ ધર્મના બધાં કાર્યો,ભગવાનની જ પૂજા છે, એમ સમજીને જીવવું, અને જગત સાથે વર્તવું, જગતમાં રહેવું– આ ગૃહસ્થ ધર્મ છે, કે દરેક કર્મની પાછળ, દરેક ઐશ્વર્યની પાછળ, દરેક શક્તિની પાછળ પરમાત્માની જ શક્તિ છે, એ અનુસંધાનની સાથે, એ સમજની સાથે જ માણસે પોતપોતાના દરેક કાર્યો, કરવાં.

આવા જ્ઞાન, આવી સમજ સાથે આ દેશના લોકો હજારો વર્ષોથી જીવતા આવ્યા છે અને એને પરિણામે જ આપણી સંસ્કૃતિમાં જીવનના દરેકેદરેક ક્ષેત્રમાં ગજબનો વિકાસ થયો હતો – પછી એ સંગીતનું ક્ષેત્ર હોય, વિદ્યાની જુદીજુદી શાખાઓ હોય, સાહિત્ય હોય, કળા હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, જીવનના દરેક ક્ષેત્રમાં ગજબનો વિકાસ થયો હતો.

આ સંદર્ભમાં બીજી એક મહત્ત્વની વાત એ છે કે મનુષ્ય જીવનના, સમાજના દરેક પ્રકારના જ્ઞાનના ક્ષેત્ર, શાખા સાથે પણ પરમ ચેતના જોડાયેલી છે, સાથેસાથે એના જ્ઞાનથી, નિષ્ઠાથી અંદરની અનુભૂતિથી પણ એ ચેતના જોડાયેલી છે, અને એવાએવા સંતો મળતા રહ્યા છે જેમણે ભગવાન સાથે વાતો પણ કરી છે, ભગવાનને સાથે રાખીને જીવ્યા છે, એ દિવ્ય ચેતના જ એમને ઉર્જા પૂરી પાડતી હતી, હજારો વર્ષો સુધી ભક્તિ માટેની, આત્મશાંતિ માટેની ઉર્જા એ દિવ્ય ચેતના જ પૂરી પાડે છે.. .. અને આ જ ભાવસભર સમજ, ભાવને આધારે જ આપણા જીવન અને સમાજમાં વિવિધ વિધિઓ ઊભી થતી આવી છે, કે આમ કરો, આવું કરો, આટલું કરો તો તમને ફાયદો થશે, તમારા દુ:ખ દૂર થશે, સુખ પામશો, વિગેરે, એ દરેક વિધિઓમાં એ પરમ ચેતના સાથે જોડાવાની વાત મુખ્ય છે.

રામકૃષ્ણની વાત કરીએ તો એમની પાસે તો કશું જ ન્હોતું, તેઓ દેવીમાના પરમ ભક્ત હતા, અને તેઓ પૈસાને અડકી સુદ્ધાં ન્હોતા શકતા! આ જ રામકૃષ્ણના સ્મરણ થકી જ એમના નામથી હજારો સંસ્થાઓ ઊભી થઈ ગઈ છે. તો, માત્ર મંદિરોથી ચેતના નથી થતી, જાગ્રત ચેતનાથી મંદિરો થતાં હોય છે.

એટલે, એક વાત તો સ્પષ્ટ છે કે પરમ ચૈતન્ય, Supreme Consciousness જ સમસ્ત જીવજગત, માનવ સમાજ અને સંસ્કૃતિનું હ્રદય, હાર્દસમ દિવ્ય સ્રોત છે, અને તેથી મનુષ્યના વૈયક્તિક, સામાજીક જીવનમાં, સમાજમાં જો એ પરમ ચેતના સાથેનું હ્રદયપૂર્વકનું, ભાવપૂર્વકનું જોડાણ નહીં હોય, જો એ ખતમ થઈ જશે તો માત્ર બાહ્ય શરીર કે રચનાને ઝાઝું ટકાવી નહીં શકાશે. પ્રકૃતિ, માનવજીવન અને સમાજના આ મુખ્ય આધાર– પરમ ચેતનાને અકબંધ રાખવા માટે આપણા ઋષિઓએ આપણને વૈભવ માટેનો પ્રવૃત્તિ ધર્મ અને ત્યાગનો નિવૃત્તિ ધર્મ બંને ધર્મોનો સુભગ સમન્વય એક ધર્મમાં આપ્યો હતો/છે.

આ જ વાતને પરમાણુશાસ્ત્રના જનક મહર્ષિ કણાદે એમના વૈશેષિક દર્શનના એક સૂત્ર દ્વારા સમજાવી છે કે – *यतो अभ्युदयनिःश्रेयससिद्धिस् धर्म)* –જેનાથી અધ્યાત્મિક અને ભૌતિક વિકાસ બંને થાય એ ધર્મ છે.કોઈ વ્યક્તિ કે સમાજની અધ્યાત્મિક વિકાસનો અર્થ એવો નથી કે સમાજમાં જ્ઞાનીઓ હોય પણ સમાજમાં ભૂખ હોય, ગરીબી હોય, ચોરી હોય, અન્યાય, અત્યાચાર હોય બલ્કે વૈદિક ધર્મમાં બાહ્ય વૈભવ અને આંતર વિકાસ, બંનેનું સંતુલન છે.ધર્મને સકારાત્મક રીતે ધ્યાનમાં રાખીને, એના સમજપૂર્વકના પાલનને લીધે આ દેશ અભ્યુદય, ભૌતિક સમૃદ્ધિમાં પણ શ્રેષ્ઠ રહ્યો હતો. એક સમયે ભારતમાં એટલું તો સોનું હતું કે વિશ્વમાં બીજે ક્યાંય એટલું ન્હોતું; એવી જ રીતે, આત્મોન્નતિના ક્ષેત્રમાં પણ આ દેશ બંને ધર્મયુગ્મનો સમન્વયકરીને શ્રેષ્ઠ રહ્યો છે.

એટલે, જે સમાજમાં માત્ર અભ્યુદય, ભૌતિક સમૃદ્ધિની જ વાત સમાજના કેન્દ્રમાં હોય ત્યાં નિ:શ્રેયસ, નિવૃત્તિમાર્ગની કોઈ જ શક્યતા ના હોય શકે, કેમ કે નિવૃત્તિ માર્ગનો આધાર છે સર્વત્યાગ – જેમ આપણે વાત કરી કે સારી ઊંઘનો આધાર શું, તો કહે કે સર્વત્યાગ. વિચાર કરો, કે તમે ઊંઘમાં કોઈ પણ વસ્તુ લઈને જઇ શકશો? ના, ઊંઘમાં તો બધું જ છોડીને ઊંઘી જવાનું હોય – અને તેથી જ અધ્યાત્મનો પણ આધાર છે સર્વત્યાગ.

જીવનમાં, અધ્યાત્મમાં, સમાજમાં સર્વત્યાગનું મહત્ત્વ છે, પરંતુ સમાજમાં એવા ત્યાગી માણસોને પણ પેટ તો હોય જ છે, ત્યાગી માણસ પોતાનું બધું જ ઈશ્વરને સમર્પિત તો કરશે, પણ એણે પોતાની સાધના માટે શરીર તો ટકાવવું પડશે. એટલે, ઋષિઓના માર્ગદર્શનથી સમાજમાં ભિક્ષાની વ્યવસ્થા રાખી, કે સંન્યાસી હોય એ ગમે તે બારણે જઈને ઊભો રહે તો લોકો એને આદરથી, પ્રેમથી ભિક્ષા આપશે કે જમાડશે; અને માત્ર સંન્યાસીને જ નહીં, આપણે બારણે કોઈ પણ ભૂખ્યો આવીને ઊભો રહે તો એને પણ થોડું ખાવાનું તો આપીએ જ છીએ. અધ્યાત્મને, નિવૃત્તિમાર્ગને મજબૂત કરવા, એનો પણ વિકાસ કરવા આવી વ્યવસ્થા ઊભી થઇ હતી.

આને સમજજો, આપણા દેશમાં અતિથિ સત્કારની જે વ્યવસ્થા છે એ આખી દુનિયાના બીજા કોઈ દેશમાં ક્યાં’ય નથી. એક અજાણ્યો માણસ આપણે બારણે આવી ઊભો રહે, એટલું જ કહે કે મને એક જ રોટલી આપો બીજું કશું જ ના જોઈએ, તો મને નથી લાગતું કે આપણામાંથી કોઈ પણ એને એકબે રોટલી આપવા માટે ના પાડે.

શાસ્ત્રોમાં સંન્યાસી માટે એવો નિર્દેશ છે કે એણે કોઈ પણ ઘરેથી એકબે રોટલીથી વધારે નહીં લેવું, પાંચસાત ઘરેથી લેવું.વળી, એણે ગામમાં ભિક્ષા માટે ત્યારે જ જવું કે જ્યારે ત્યાંના ઘરોમાં રસોઈના ચૂલાનો ધુમાડો નીકળતો બંધ થઈ જાય, અને એ લોકો ભોજનના કામથી પરવારી ગયા હોય, અને ત્યાર પછી જો સંન્યાસી જાય તો એમને સહેજે’ય એવું ના લાગે કે, અરે! મારે આને માટે એક રોટલી વધારે કરવી પડશે.

સંન્યાસીઓ માટે સર્વત્યાગ કહ્યો છે, સાથે એમના ભોજનની વ્યવસ્થા પણ આ પ્રમાણે કરી છે, અને એ પણ આદર સાથે, તિરસ્કાર સાથે નહીં. અને, જ્યારે જ્યાં માત્ર અભ્યુદયની વાત છે ત્યાં આવી કોઈ વ્યવસ્થા નથી.

એક વખત હું કેન્યા ગયો હતો, ત્યાં ધ્યાન શિબિર હતી એટલે. ત્યાં એક સ્પેનિશ બહેન આવતા હતા. જે ઘરમાં હું રોકાયો હતો, એ બહેનને આ સ્પેનિશ બહેને કીધું કે હું સ્વામીજીને લઈ જાઉં, અને એમને નૈરોબી બતાવી આવું, અને એ બહેનને કીધું, કે જો સ્વામીજી કહેતા હોય તો હું લઈ જાઉં. મેં કહ્યું, હા.

ત્યાર પછી એ સ્પેનિશ બહેન બેત્રણ દિવસ સવારે મને નૈરોબી બતાવવા લઈ જતા, રસ્તામાં થોડી ઘણી વાતો થતી; અને સંન્યાસની વાત નીકળી, તો એણે કીધું કે ખરેખર આવી વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથીકે એક માણસ કશું જ કામ ના કરતો હોય, માત્ર આત્માનુસંધાન કરતો હોય, માત્ર આંતરિક સાધના, આત્માના વિકાસ માટે જ કશું કરતો હોય, અને એને પોતાની આજીવિકાની, ભોજનની કોઈ જ ચિંતા ના હોય, એ ગમે ત્યાં જઈને ઊભો રહેશે, અને એને ભોજન મળી જશે – આવી વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથી.

હું ક્યારે’ક સાધકોને કહું કે તમે પશ્ચિમના દેશોમાંથી માત્ર પાંચ એવા ફેમિલી તૈયાર કરીને બતાવો કે એમને બારણે કોઈ જાય અને એ ખાવાનું આપે, માત્ર પાંચ જ ફેમિલી.. .. ના, તમે ના કરી શકો, જેને અનુભવ હશે એને તો ખ્યાલ હશે કે કેવી સ્થિતિ છે.

આપણા એક સાધક છે, એમને ત્યાં ઘણા જર્મન લોકો ગાંધી ફિલોસોફીના અધ્યયન માટે આવતા હોય. સામાન્ય રીતે આપણે ભારતીય લોકો મહેમાનને કેવી રીતે રાખીએ છીએ તમને તો ખબર જ છે. તો એક વખત એ ગ્રુપના થોડા લોકો એમને જર્મની લઈ ગયા, કહે કે તમે અમારે ત્યાં ગાંધીજી વિષે વાત કરજો.

એ લોકોએ, આ ભાઈને એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી, તો જેમને ત્યાં વ્યવસ્થા હતી એ ભાઈ લઈ ગયા, એમનો બેડરૂમ બતાવ્યો, અને કહે, “તમારું જ ઘર છે, તમારું માનજો,.. .. આખુંય ઘર બતાવ્યું, પછી છેલ્લે કિચનમાં લઈ ગયા, ત્યાં ફ્રિજ બતાવ્યું, અને કહ્યું, **આ ખાનું તમારું છે, એ તમે તમારી રીતે વાપરી શકો છો, અહીં નો ગેસ છે એ વાપરી શકો છો.))** પછી, બહાર સાથે લઈ ગયા, એક દુકાન બતાવી, કીધું કે, **અહીં શાકભાજી મળે છે, અનાજ પણ મળશે, તમે લઈ આવજો, ઘરમાં બનાવજો, તમારું જ ઘર છે.))**

આવી વાતો સાંભળીને આ ભાઈને તો નવાઈ લાગી. એ વિચાર કરતાં થઈ ગયા કે એમણે કીધું કે, તમારું જ ઘર છે, તમરું જ ફ્રિજ છે, તમારું જ ખાનું છે, કિચન તમારું, તમે ગેસ વાપરી શકો છો.. .. સાંભળીને એમને તો બહુ નવાઈ લાગી.

એટલે, પશ્ચિમના દેશોમાંઆ સિસ્ટમ જ એ જાતની છે, ત્યાં આવી મહેમાનગતિ હોય છે. આમ, ત્યાં મહેમાનગતિ તો બહુ સારી થઈ, બેપાંચ દિવસથી વધારે રહેવા તો આપે જ નહીં, જરૂર હોય તો એ તમને હોટલ બતાવે, પણ એ લોકોનો ભાવ તો એટલો બધો હતો કે એમણે આટલું તો કરી આપ્યું એમને.

એક વખત હું મુંગેર ગયો હતો, ત્યાં થોડા વિદેશીઓ આવ્યા હતા, તો એ લોકો ગુરુજીના દર્શને રિખિયા જતા હતા ત્યારે મારા ગુરુભાઈએ કીધું કે તમે એમની સાથે જ રિખિયા જતા રહો, મેં કહ્યું ભલે, અને હું ગયો, ત્યારે ત્યાં આશ્રમ બન્યો ન્હોતો, એટલે રિખિયાની હોટલમાં રૂમ રાખી, પછી જમ્યા. ત્યાં એક બેન આવી મારા ભાગનું જે બિલ હતું એ મને આપી દીધું; મેં કહ્યું, ભલે.

એટલે, જ્યાં સમાજમાં આવી સ્થિતિ છે, ત્યાં નિવૃત્તિ ધર્મ ના હોય; હોય તો એનો વિકાસ નહીં થાય…. ત્યાં તમને અબજોપતિ બિલ બેટ્સ મળશે, વોરેન બફેટ મળશે, હેન્રી ફોર્ડ મળશે, એવા બધા’ય મળશે, પણ બુદ્ધ નહીં મળે, રમણ નહીં મળે, રામકૃષ્ણ નહીં મળે, શંકરાચાર્ય નહીં મળે, કેમ કે એ લોકો તો પૂરું સમર્પણ (ત્યાગ) કરીને જન્મ્યા હોય એ ત્યાં શક્ય નથી, અને તેથી, એ સમાજમાં તમને ઊંઘવાનું, વિશ્રામનું જે પાસું છે એ નહીં મળે, ત્યાં આ પાસું અધૂરું જ રહેશે,

એટલે, જ્યાં માત્ર પ્રવૃત્તિ જ છે, ત્યાં એ લોકોની ઊંઘ જતી રહી છે, એ લોકોની શાંતિ જતી રહી છે. આપણી સંસ્કૃતિમાં બંનેનો સમન્વય કરીને ચાલે છે, બંનેનો વિકાસ એમાં થયો છે.

ૐ તત્ સત્