દૈવી સંપત્તિઓ – ભાગ ૧૨

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૨મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે.

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशूनम् |
दयाभूतष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२

ભગવાન શ્રીકૃષ્ણએ જે દૈવી સંપત્તિઓ કહી છે એ અમૂલ્ય રત્નો સમાન છે, એમાંના એક મહત્ત્વના રત્ન ‘અક્રોધ’ ઉપર આજે થોડો વિચાર કરીશું, કેમ કે દૈવી સંપત્તિની જે ઉપલબ્ધિ છે, એમાંથી મળનારું જે ફળ છે એ એવું છે કે એ મળ્યા પછી સાધકના મન-મસ્તિષ્કમાં કોઈ સમસ્યા, પ્રશ્નો શેષ રહેતા નથી, કોઈ અપૂર્ણતાનો અહેસાસ સુદ્ધાં નથી રહેતો. તો, આવી ઉપલબ્ધિ, આવું અનન્ય ફળ મેળવવામાં જે બાધારૂપ દુર્ગુણો છે એમાં ક્રોધ સૌથી મોટો દુર્ગુણ છે, તેથી ક્રોધ-રૂપી જે મોટો દુર્ગુણ છે એનાથી વિપરીત ગુણ એ અક્રોધ. આમ, જો ક્રોધ મોટો દુર્ગુણ છે, તો અક્રોધ સૌથી સારો ગુણ છે. એટલે, આ અક્રોધરૂપી જે ગુણ છે એ ગુણ આપણી અંદર આવે, ખીલે એ માટે ભગવાને એનો દૈવી સંપત્તિઓમાં સમાવેશ કર્યો છે. આપણા માર્ગમાં, સાધકના માર્ગમાં ભગવાને બે બહુ મોટા શત્રુઓ કીધા છે –

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः |
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् || ३:३७

સાધનાના માર્ગમાં સાધક માટે કામ અને ક્રોધ એ બે બહુ જ મોટા શત્રુઓ છે, કારણ કે મનની જે બીજી દુર્બળતાઓ છે એ આપણા વ્યક્તિત્વને એટલું નુકશાન નથી કરતી જેટલું આ બે કામ અને ક્રોધ નુકશાન કરે છે. ક્રોધને કારણે તત્ક્ષણે કે લાંબે ગાળે પણ આપણું આખું વ્યક્તિત્વ જ વિકૃત થઇ જાય છે. ક્રોધ તો છેક મનના ઉંડાણથી લઇ આપણા બાહ્ય વ્યવહાર સુધીના આખા વ્યક્તિત્વને નુકશાન કરે છે, અને જો કોઈ દુર્ગુણ આપણને સૌથી વધુ નુકશાન કરે છે તો એ છે ક્રોધ.

અક્રોધ શબ્દ જે છે એ નિષેધાત્મક (નેગેટિવ) શબ્દ છે, જયારે સત્ય, દયા, દાન એ બધા વિધેયાત્મક (પોઝિટિવ) શબ્દો છે. ક્રોધનું વિરુદ્ધ એટલે અક્રોધ, ક્રોધ નહીં કરવો, ક્રોધ નહીં લાવવો. મારા ગુરુજી અમને કહેતા કે કોઈને ‘ના કર’ એમ નહીં કહેવાનું, કે તમે આ ના કરો, પેલુ ના કરો, ગુસ્સો ના કરો, ચિંતા ના કરો દારુ ના પીવો, વ્યસન ના કરો, તમાકુ ના ખાવ, ઝઘડો ના કરો… “ના કરો” એમ નહીં કહેવાનું; એનાથી ઊલટું “આ કરો” કે “આમ કરો” કહેવાનું – તું યોગ કર, ધ્યાન કર, સેવા કર, જપ કર, પૂજા કર, કશું કરવા કહેવાનું, કેમ કે “ના કર” એ નિષેધાત્મક કામ છે, તેથી એ બહુ અઘરું કામ છે.

તમે જો કોઈને કહો કે “તમે ગુસ્સો નહીં કરો,” તો એ કદાચ સાંભળશે’ય ખરો, એને પણ ખબર છે કે ગુસ્સો નહીં કરવાનો. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે એ ક્રોધ કરીને પછી ખુશ થાય, અને કહે કે ‘આહા-હા! કેટલું સરસ થયું કે મને ગુસ્સો આવ્યો,’ અથવા તો એ જ્યારે ક્રોધિત હોય ત્યારે એને મજા પડતી હોય, ‘ભલે મારો ગુસ્સો હજુ થોડીવાર વધારે રહે અડધો-પોણો કલાક વધુ રહે’ આવું કહેનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, કારણ કે બધાં’ય સમજે છે કે ગુસ્સો નહીં કરવો જોઈએ, એ ખરાબ છે, પણ જયારે ગુસ્સો આવે છે ત્યારે એ ક્યાં કાબુમાં રહે છે? એટલે, મારા ગુરુજી કહેતા કે એવી વ્યક્તિને કશું’ક કરવા કહેવાનું – એને “તું કર” કહેવાનું. આમ કહેવાથી એનું મન ધીમે-ધીમે શાંત થશે, પછી આનંદમાં આવશે, એની અંદરથી થોડી શાંતિ પણ પ્રકટ થશે અને પછી એનો ગુસ્સો એની મેળે શાંત થશે, વ્યસનો હશે તો એ પણ ધીરે-ધીરે એની મેળે જશે; અને કોઈ પણ વ્યક્તિ વ્યસન એટલે કરે છે કે એને મનમાં, ચિત્તમાં, શરીરમાં, ક્યાં’ય અશાંતિ ઉભી થઈ છે, ક્યાં’ક સ્ટ્રેસ ઉભો થયો છે; જો એના સ્ટ્રેસ, અશાંતિ, જાય તો એના વ્યસન પણ એની મેળે જતા રહેશે.

અહીં ભગવાન અક્રોધ કેળવવાની વાત કહે છે તે સંદર્ભમાં ગુરુજીનું કહેવું છે કે “ના કર” નહીં કહેવાનું, પણ “આ કર”, “આમ કર” કહેવાની વાત એક સરળ રસ્તો હતો. પરંતુ ક્રોધ તો એવો છે કે એ આવે જ છે, અને શાંતિને આવતા તો વાર લાગશે, ક્યારે ગુસ્સો ઉતરશે, ક્યારે એને શાંતિ આવશે, ક્યારે એને આનંદ આવશે….? અરે! ત્યાં સુધીમાં તો ક્રોધ આપણું બહુ નુકશાન કરી દે છે. એટલે,

ક્રોધને લીધે થયેલી અશાંતિ માટે શાંતિના પ્રયોગ સાથે-સાથે ક્રોધના ઉપશમનના પ્રયોગો, પ્રયાસો પણ કરવા જોઈએ. ભગવાન ભાષ્યકાર કહે છે ક્રોધનું ઉપશમન કરવું એ અક્રોધ છે. ઉપશમનનો અર્થ છે ક્રોધ તો અંદર છે જ એ ક્રોધનું અંદર જ શમન કરવાનું છે.

સામાન્યરૂપે આપણને એમ થાય કે કોઈ પરિસ્થિત થઇ એટલે મને ગુસ્સો આવ્યો, જો એવું ના થયું હો’ત તો મને ગુસ્સો ના આવત. કોઈની ભૂલને કારણે અંદર રહેલો ગુસ્સો બહાર આવ્યો. માનો કે સામેવાળી વ્યક્તિએ ભૂલ કરી એટલે મને ગુસ્સો આવ્યો, પણ વસ્તુત: એવું નથી, કારણ કે ગુસ્સો તો આપણી અંદર જ હોય છે, એના મૂળ સ્વરૂપમાં એ પહેલેથી જ આપણી અંદર હોય છે, કોઈનો વ્યવહાર આપણા માટે પ્રતિકુળ થતા અને ક્રોધમાટે એ પરિસ્થિતિ અનુકૂળ થતા એ ત્યાંથી નીકળી પડતો હોય છે, જેમ જમીનમાં દરેક જાતના બી હોય, તેથી જે બી’ને અનુકુળ પરિસ્થિતિ મળે એ અંકુરિત થતું હોય છે – ચોમાસુ આવે ત્યારે ચોમાસાવાળા બી અંકુરિત થાય, શિયાળો આવે ત્યારે એ પ્રકારના બી અંકુરિત થાય, ઉનાળામાં એ પ્રમાણેના બી અંકુરિત થાય. જેમ જમીનમાં બી હોય તેમ આપણી અંદર પણ વિકારો પડ્યા જ છે, તેથી ક્રોધની પરિસ્થિતિ આવે તો ક્રોધ વ્યક્ત થાય, કામની પરિસ્થિતિ આવે તો કામ વ્યક્ત થાય, ઈર્ષ્યાની પરિસ્થિતિમાં ઈર્ષ્યા વ્યક્ત થાય, તો આવા બધા વિકારો આપણી અંદર પહેલેથી જ હોય છે.

ક્રોધની વાત કરીએ તો વિચાર આવે કે ખરેખર ક્રોધ છે શું? એ ક્યારે આવે છે? વસ્તુત: ક્રોધ એક જાતનો આંતરિક ક્ષોભ છે, મનની અંદરનો ક્ષોભ છે. મોટે ભાગે આપણી ઈચ્છાઓ, કામનાઓ, તૃષ્ણાઓ જે બધી અધૂરી રહી ગઈ હોય, પૂરી ના થતી હોય, જે વિચારતા હોઈએ, જે ઈચ્છતા હોઈએ એનાથી વિરુદ્ધ જયારે થાય ત્યારે મનમાં અજંપો વધતો જાય, ધીમે-ધીમે એ ક્ષોભમાં રૂપાંતરિત થાય… અને પછી એ જ ક્ષોભ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતા ક્રોધના રૂપમાં વ્યક્ત થાય છે. તો, આપણી ઈચ્છા વિરુદ્ધ થાય, આપણા મૂલ્યો વિરુદ્ધ, માન્યતાઓ વિરુદ્ધ કે સમજ વિરુદ્ધ જયારે કશું પણ થાય છે ત્યારે એ જે અંત:કારણનો ક્ષોભ છે એ આપણા આખા અસ્તિત્વ ઉપર છવાઈ જાય છે, જેમ નાની ચિનગારી ધીમે-ધીમે આગનું રૂપ પકડે, ભડકો થાય અને પછી  ધીમે-ધીમે દાવાનળની જેમ પ્રસરે છે. બસ, ક્રોધનું પણ આવું જ છે… વિવિધ કારણોસર વધતા ક્ષોભને કારણે દુઃખ થાય, પછી એ લાગણીઓના રૂપમાં વ્યક્ત થાય, વિચારોના રૂપમાં બહાર આવે, પછી પ્રાણના માધ્યમથી આખા શરીરમાં પ્રસરતો જાય છે. ક્રોધનો આ વિકાર પછી આપણા શરીરની આખી રચનાને બદલી કાઢે છે, બધાં’ય હોર્મોન્સને બદલી કાઢે છે, આપણા શરીરના બધા રસાયણોને બદલી કાઢે છે અને પછી અંગે-અંગમાં ક્રોધ વ્યાપી જાય છે; શરીરના દરેકે-દરેક કોશોને એ ગ્રસી લે છે, એક પણ કોશ એવો નથી રહેતો જ્યાં ક્રોધ વ્યાપી ગયો ના હોય, અને પછી આપણો એકે’ય વ્યવહાર એવો નથી રહેતો કે જેમાં ક્રોધ વ્યક્ત ના થતો હોય.

ક્રોધના વિકારને કારણે આપણી આખી બોડી-લેન્ગવેજ જ ક્રોધવાળી થઇ ગઈ હોય – આંખમાં ક્રોધ, બોલવામાં, ચાલમાં ક્રોધ વ્યક્ત થતો હોય છે, એની વાત સાંભળીએ તો સમજાય જાય કે એ ક્રોધમાં છે; એ જ્યાં હોય ત્યાં ઊપરથી વાતાવરણ શાંત ભલે દેખાતું હોય, એ માણસ પણ શાંત બેઠો હોય, ભલે એ કશું બોલતો ના હોય, તો પણ આજુ-બાજુનું આખું વાતાવરણ જ અશાંત અને ક્ષુબ્ધ હોય, આપણને હિંમત ના થાય કે એની જોડે જઈને વાત કરીએ, કારણ એની આસપાસના આખા વાતાવરણમાં જ એક જાતનો ક્ષોભ વ્યાપી ગયો હોય. એ ડ્રાઈવિંગ પણ કરતો હશે તો સ્ટિયરીંગ, બ્રેક, એક્સીલારેટરને પણ ખબર પડે છે કે એ ગુસ્સામાં, ક્રોધમાં છે, ઘરમાં હોય અને વાસણ સફાઈ કરતો હશે તો વાસણને પણ ખબર પડે, કાચના વાસણોને ડર લાગે કે ક્યાં’ક મને તોડી-ફોડી તો નહીં દે !

આમ, ક્રોધ વ્યક્તિના અંગે-અંગને વિકૃત કરી નાંખે છે; આ મનની વિકૃતિ એની પોતાની ક્ષમતાને કમજોર કરતી હોય, એને નુક્શાન કરતી હોય છે, એને ક્યાં’ય પણ શાંતિ નથી મળતી, એ શાંતિ માણી નથી શકતો, એને કશું પણ સહજ નથી લાગતુ, એનું B.P. વધી જ જવાનું, હૃદયમાં તકલીફ થવાની જ, કિડનીમાં તકલીફ થવાની જ, શરીરના અલગ-અલગ અવયવોમાં તકલીફ થવાની જ. આખા અસ્તિત્વને એ વિકૃત કરી દે છે…પછી ભડકો, પછી દાવાનળ… એ એનું બધું સળગાવી મૂકે છે.

ભાષ્યકાર કહે છે કે ક્રોધને કારણે આવું બધું ખરાબ થાય – શરીરમાં, ઘરમાં, સમાજમાં – એના કરતા મને ક્રોધ જ્યાંથી, જ્યારથી, સમજાય, જ્યાંથી ખ્યાલ આવે કે તરત જ ત્યાંથી એને રોકવાનો પ્રયત્ન કરવાનો, એને શાંત કરવાનો…અને સાથે, સાથે શાંતિ માટે, આનંદ માટે વિધેયાત્મક, પોઝિટીવ પ્રયત્નો તો કરવાના જ, સાથે-સાથે ક્રોધને પણ રોકવાનો.

ક્રોધના ઉપશમનની વાત આવે ત્યારે ભલે સ્વીકારીએ કે એ આવશ્યક છે, પણ જયારે ક્રોધ આવે છે ત્યારે એ સમજાતુ ના હોય કે એનું ઉપશમન કેવી રીતે કરવું. આનું એક કારણ એ છે કે ક્રોધના મૂળ તો બહુ પહેલેથી જ હોય છે, એની શરૂઆત તો બહુ સૂક્ષ્મથી થઇ ગઈ હોય, મનના ઊંડાણમાં થઇ ગઈ હોય, પછી એ પ્રાણમાં આવે છે, ઇન્દ્રિયોમાં આવે, અંદરના અવયવોમાં પ્રસરે, ત્યાર પછી એ બહારના અવયવોમાં દેખાય છે. હવે, મને જો આ વાત સમજાઈ હોય, અને મને ખબર પડે કે એ ક્રોધ મૂળમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે, હજુ તો એ ચિનગારી જ થઇ છે, એને કારણે મનમાં થોડીક જ આગ લાગી છે…અને એને જો હું તરત જ ઓલવી દઉં તો વધારે સારું છે, પરંતુ કેટલી વખત એવું બને કે કપડાના કોઈ એક ખૂણે ચિનગારી લાગતા એ ભાગમાં આગ જેવું લાગ્યું હોય આપણે દાઝતા પણ હોય, પરંતુ ખબર નથી પડતી કે ક્યાં છે, તેથી એને બુઝાવી નથી શકતા અને પછી આગની તીવ્રતા વધી જઈ વધુ નુકશાન કરે છે.

હવે, ક્રોધની બાબતમાં પ્રશ્ન થાય કે ખબર કેવી રીતે પડે કે એ ક્યારે આવશે? ક્રોધ તો બહુ ઝડપથી આવે છે તેથી એને રોકવો કઈ રીતે? તો, સરળ વાત છે કે ક્રોધ પણ આપણો અને શરીર પણ આપણું, તો ક્રોધનો ઉદ્ભવ આપણા શરીર મારફતે જલ્દી ખબર પડે છે, શરીર તો સ્થૂળ છે, ત્યાં ઉપશમન કરવું સહેલું પડે છે, એટલે કોઈ પણ રીતે આવતા ક્રોધને શાંત કરવો, જ્યારથી સમજાય ત્યારથી.

હવે, ક્રોધના ઉપશમન માટે ભાષ્યકાર કોઈ ઠોસ ઉપાય નથી બતાવતા, તેથી આપણા ક્રોધના શમન માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો પડે, આપણે જ આપણી રીતે એના ઉપાય શોધી કાઢવાના, કે એને કઈ રીતે શાંત કરી શકાય. ઘણા એવું પણ કહેશે કે ભઈ, ઠંડુ પાણી માથે રેડવાનું, ઠંડુ કપડું માથે મુકવાનું… વિગેરે. તમને પણ યાદ હશે નાનપણનું એક ગીત હતું તે “દાદી-અમ્મા, દાદી-અમ્મા માન જાવ, ગુસ્સા હો’તો ઠંડા પાણી પી લિયા કરો…” તો, આ પણ એક સ્થૂળ ઉપાય છે કે ગુસ્સો આવે ત્યારે માથે કશું’ક ઠંડું મુકવાનું… સ્થૂળ ઉપાય છે.

એક બહેનને ગુસ્સો આવતો હશે, એક સંત પાસે જઈ વાત કરી; સંતે ઉપાય કહ્યો… થોડા દિવસ પછી સંતે એ બહેનને પૂછ્યું કે હવે તમને કેમ છે? એ બહેને કીધું કે “હવે તો ગુસ્સો નથી આવતો, તમે જે ઉપાય બતાવ્યો હતો એ બહુ કારગર નીવડ્યો.” ઉપાય માટે સંતે એવું કહેલું કે જયારે તમને ગુસ્સો આવે અને પછી ખબર પડે કે ગુસ્સો આવ્યો હતો, તો તમારે રૂ.૫૦/- નું દાન ક્રરી દેવાનું. કહે, એવું બે-ચાર વખત તો થયું કે ગુસ્સો આવ્યો પછી મેં રૂ.૫૦/-નું દાન કરી દીધું, પણ હવે મને એ ભારે પડવા લાગ્યું. સંતનું વચન તો ઉથલાવાય નહીં તેથી મને થયું કે આપણે જ ગુસ્સો નહીં કરવો.

આમ, તમારા ગુસ્સાનું શમન કરવાના ઉપાય તમે જાતે જ શોધી કાઢો. બીજો એક ઉપાય એ પણ છે કે ગુસ્સો આવે ત્યારે ઉંડો શ્વાસ લઈએ તો’ય ગુસ્સો શાંત થઇ જાય. ખબર પડે છે કે ગુસ્સો આવે છે, તો તરત જ દીર્ઘ પ્રાણાયામ, ઉંડો શ્વાસ લઇ, શરીરને રિલેક્સ કરવા લાગીએ તો પણ ગુસ્સો શાંત થઇ જાય. ગુસ્સો આવે છે ત્યારે મનમાં, હ્રદયમાં ટેન્શન વધે છે, પણ આપણે ત્યાં સુધી ઝટ પહોંચી ટેન્શન ઓછું નથી શકતા, શરીરના દરેક કોશો પણ તંગ-ટેન્સ થઇ જાય છે, તેથી શરીરને શાંત કરવાના પ્રયત્નો કરીએ, શરીરને રિલેક્સ કરીએ, ઢીલું મૂકીએ તો જે સ્નાયુઓ તંગ થઇ ગયા હોય એ રિલેકસ થાય તેથી પણ ગુસ્સો શાંત થઇ જાય.

આમ, ક્રોધના શમન માટે આપાણને અનુકૂળ એવા કોઈ સ્થૂળ ઉપાય કરી શકાય. ક્રોધ કોઈ-ને-કોઈ રૂપમાં વ્યક્ત થતો હોય છે – વાણીના રૂપમાં, અપશબ્દોના રૂપમાં, ગાળના રૂપમાં, દુર્વ્યવહારના રૂપમાં વ્યક્ત થતો હોય, પરંતુ, આપણે એના ઉપશમનના રૂપમાં આપણી પ્રતિક્રિયાઓને થોડી મોડી – delay – તો જરૂર કરી શકીએ.

એક લેખકના જીવનનો પ્રસંગ છે, એણે કોઈ મહાપુરુષને માટે થોડી નિષેધાત્મક વાતો લખી હશે જે એ મહાપુરુષના એક અનુયાયીને ના ગમી, એને ખોટું લાગ્યું. તો, પ્રતિકાર રૂપે એ અનુયાયીએ એ લેખકને બરાબર અપશબ્દો લખીને કાગળ મોકલ્યો, અને એ લખાણ એ લેખકના હાથમાં આવ્યું; લેખક તો લેખક, એમણે પણ બરાબર અપશબ્દો લખીને પત્ર તૈયાર કર્યો, પણ કોઈ કારણસર એ દિવસે એમને પોસ્ટ કરવામાં થોડું મોડું થઇ ગયું. એમને થયું હું કાલે પોસ્ટ કરીશ. બીજે દિવસે એ પોસ્ટ કરવા જતા હતા તો એમને થયું કે લાવ, હું ફરી વાંચી તો લઉં કે મેં શું લખ્યું હતું, ગઈકાલે હું ગુસ્સામાં હતો. પોતાનું જ લખાણ વાંચી એમને લાગ્યું કે મારાથી થોડું વધુ પડતુ લખાઈ ગયું છે, તેથી એમણે પોતાનો એ પત્ર કેન્સલ કર્યો, બીજો પત્ર લખ્યો… પછી એમને ફરી વિચાર આવ્યો કે લખેલો પત્ર પોસ્ટ કરવામાં થોડું મોડું થવાથી ઘણા ફેરફાર પણ થયા, તો હું હજુ એક-બે દિવસ રોકાઈ જાઉં તો?  એ તો ફરી એક-બે દિવસ રોકાઈ ગયા; પછી એમણે જે પત્ર લખ્યો એ માફી માંગતો પત્ર લખ્યો, કે ‘મારાથી ભૂલ થઇ ગઈ હતી, તમારી લાગણી મેં દુભાવી તેથી મને ક્ષમા કરશો.’ આ વાંચી સામેવાળાનો પણ માફીનો પત્ર આવ્યો કે ‘મેં પણ ગુસ્સામાં તમને વધારે લખી દીધું હતું.’

તમને કોઈ વાતનો અસંતોષ છે, કોઈ કારણસર તમને ગુસ્સો આવ્યો… તો કહેવામાં કે પ્રતિક્રિયા કરવામાં થોડું મોડું કરો, delay કરો. તમે એક વાતની નોંધ લીધી હશે કે કોઈથી કાંઈ ભૂલ થઇ હોય અને તમે તત્કાલ એને ગુસ્સે થઈને કશું કહેવા જાવ તો સામેવાળી વ્યક્તિ સ્વીકારતી નથી, ઉલટાનું એ તરત જ પોતાના બચાવમાં ડિફેન્સમાં ઢાલ લઈને ઉભી હોય છે, એ કહે કે ના, આવું થયું હતું, એટલે મારાથી આવું થયું. એ આપણી વાત નહીં સ્વીકારે. કોઇથી કાંઈ ભૂલ થઇ હોય, એને સુધારવા આપણે એને કશું કહેતા હોઈએ છીએ, એ એની ભૂલ સ્વીકારી, સુધારે એ માટે કહેતા હોઈએ છીએ… પણ ગુસ્સામાં, ક્રોધમાં કહીએ છીએ, ફેર એટલો જ છે. વળી, હું immediately કહું ત્યારે એનું કોઈ પરિણામ નથી આવતું… પરંતુ, આવા સંજોગોમાં આપણે જો રોકાઈ જઈએ તો પેલાની પણ ઉત્તેજના ઓછી થઇ ગઈ હોય, એ ગભરાયો હોય, એને પણ અફસોસ હોય… મારી પણ ઉત્તેજના, ગુસ્સો ઓછા થઇ ગયા હોય અને પછી કહીએ તો એ સ્વીકારે ખરો, એ સમજે પણ ખરો કે મારી ભૂલ થઇ છે, તો વાણીથી એ વાતને આપણે delay કરી શકીએ છીએ, થોડી રાહ જોઈ શકીએ છીએ, અથવા તો શાંત થઇ જાવ, બસ. સામેવાળી વ્યક્તિ ક્યા સુધી બોલશે, જો બે-માંથી એક વ્યક્તિ તદ્દન મૌન થઇ જાય તો સામેવાળી વ્યક્તિ ક્યા સુધી બોલશે?

મેં ઘણા સમય પહેલા એક વાર્તા વાંચી હતી, એક પરિવારના પતિ-પત્ની વચ્ચે બહુ ઝગડો થયા કરતો, બંને પોત-પોતાના ગુસ્સા માટે હેરાન હતા પણ પોતાનો જ ગુસ્સો બે-માંથી કોઈ રોકી પણ ન્હોતા શકતા. એક દિવસ, પત્નીએ પાડોશમાં એની બહેનપણીને વાત કરી કે આવું-આવું થાય છે, પરિણામે ખૂબ ઝગડા થાય છે, અને કોઈ હિસાબે ઘરનું વાતાવરણ શાંત નથી થતું. એ બહેને તેની બહેનપાણીને કીધું, “તમે જ મને કોઈ ઉપાય બતાવો.”

એમના બહેનપણીએ એમને એક લિક્વીડ દવા આપી, અને સાથે એ પણ કીધું કે જયારે ઝઘડો થાય ને, ત્યારે એ લિક્વીડ દવા મોઢામાં રાખજો.’ થોડા દિવસ પછી એ બહેન આવ્યા, કહે તમે બહુ સરસ દવા આપી હતી, ઝઘડો સાવ બંધ થઇ ગયો. તો, તમે એ દવામાં શું આપ્યું હતું?”

સામેવાળા બહેને કીધું, “કશું નથી, માત્ર પાણી હતું, મેં એમાં થોડો રંગ નાંખી દીધો હતો, બીજું કશું જ ન હતું.” વાત એમ હતી કે ગુસ્સો આવે ત્યારે એ પાણી મોઢામાં રાખવાથી એ બહેન બોલી ના શકે…તેથી, સામેવાળાનો પણ ગુસ્સો ઓછો અને શાંત થઇ જતો. ગુસ્સા વખતે બીજું કાંઈ ના કરીએ પણ શાંત તો રહી શકીએ છીએ.

આ વાતને હજુ સૂક્ષ્મતાથી વિચાર કરીએ, જો મને મન અને વિચારોના સ્તરથી  ખ્યાલ આવે છે કે મને ગુસ્સો આવી રહ્યો છે, તો એ સમયે થોડી જાગરૂકતા કેળવી, ધીમે-ધીમે વિવેક પણ વિકસાવવાનો છે, ‘દુઃખદોશાનુદર્શનમ્’ કે ક્રોધ કરવાથી શું ખરાબ થાય છે એ વિચાર કરવાનો, ક્રોધથી કોને કેટલો ફાયદો થયો છે, મને, સામેવાળાને, પરિસ્થિતિને? ક્રોધથી તમને શેમાં, કેટલો ફાયદો થાવાનો છે? એ પ્રકારનો વિવેક વિકસાવીએ તો ઉંડાણથી મન સ્વીકાર કરતું થાય કે ના, ક્રોધ નહીં કરવાનો, નહીં કરવો જોઈએ, બીજાના દોષ જોવા કરતા જાતે પોતાની અંદર પણ થોડું ડોકિયું કરવાનું.

આ સંદર્ભમાં એક સંત તો એવું પણ કહે કે સાધકે જાતે એવું વિચારવું કે મારા એવા કોઈ કર્મ-વ્યવહારથી સામેવાળાએ એવો વ્યવહાર કર્યો, સારું, એનાથી હું મુક્ત થઇ ગયો, એનાથી હું નીકળી ગયો. સામેવાળી વ્યક્તિને ગુસ્સો છે, ક્રોધ છે તો એને એક બીમારીના રૂપમાં લેવું, એને એક રોગના રૂપમાં લેવું. સામેવાળી વ્યક્તિ જાતે દુઃખી થાય છે, તેથી પછી એ ગુસ્સો કરે છે. એક દુખિયારી વ્યક્તિના રૂપમાં લેવું કે એ વ્યક્તિ દુઃખી છે, ઋગ્ણ છે, બીમાર છે. કોઈ માણસને તાવ આવ્યો હોય તો આપણે ગુસ્સો નથી કરતા કે એને તાવ કેમ આવે છે? એને ગુસ્સો આવ્યો છે એ પણ એક પ્રકારની ઋગ્ણતા જ છે.

મને ખ્યાલ છે કે એક વખત એક ભાઇ એમના ઘરમાં બહુ ગુસ્સે થયા, ગમે-તેમ બોલવા માંડ્યા, અને એટલું બધું બોલવા માંડ્યા કે એમનો શ્વાસ ચઢી ગયો, હાંફવા માંડ્યા, એટલી બધી કમજોરી અનુભવતા હશે. હું જોઉં છું કે બહેન કશું બોલ્યા નહીં, એમને માટે ખુરશી લાવી સામે મૂકી દીધી, કહે, બેસો. તો ભાઈ તો બેસી ગયા, અને તો પણ બોલવાનું તો ચાલુ જ, બોલ્યા જ કરે. બહેન ઠંડુ પાણી લઇ આવ્યા, કહે, “થોડું પાણી પીવો”. કશું બોલ્યા નહીં. બહેને તો જેમ બીમાર માણસની ટ્રીટમેન્ટ કરતા હોય એમ પાણી આપ્યું, ખુરશી મૂકી આપી આરામથી બેસાડી દીધા…ધીમે-ધીમે એ ભાઈ શાંત થઇ ગયા. પાણી પીતા-પીતા ગુસ્સો ઉતરી ગયો, અને એ ભાઈ શાંત થઇ ગયા. કોઈ માંદી વ્યક્તિને જોઈને આપણે ઉશ્કેરાતા નથી એ પ્રમાણે ક્રોધને પણ આપણે બીમારી, માંદગીના રૂપમાં લઇ શકીએ છીએ.

તો, ક્રોધનું કોઈ પણ ઉપાયે ઉપશમન કરવું, અને તીવ્ર પ્રતિક્રિયા ટાળવી જોઇએ   નહીં તો એ શરીરને, મનને વ્યવહારને નુકશાન કરે છે. આપણે ક્રોધમાં કોઈને કશું બોલી ગયા હોઈએ…પણ માણસ શસ્ત્રનો માર ભૂલી જાય, પણ વાણીનો માર ભૂલતો નથી, કોઈ દિવસ ભૂલતો નથી, અને પછી નુકશાન કરી દે છે. તેથી, ક્રોધનું ઉપશમન કરવું જોઈએ.

અને જયારે ઉપશમનના પ્રશ્ન આવે, જયારે હું વિવેકપૂર્વક ઉપશમન માટે પ્રયત્ન કરું છું, તો મારી અંદર મારી પોતાની જાગૃતિ વધે છે.

ક્રોધ દુઃખ જ આપે છે, પણ ક્યારે આપે? ત્યારે કે જયારે એ મને સજા કરે, માર મારીને જતો રહેતો હોય છે ત્યારે; પણ એ આવે છે બહુ સૂક્ષ્મમાંથી, એની આવવાની ચાલ તો પહેલેથી જ શરુ થઇ ગઈ હોય છે, પહેલા ક્રોધ એ રીતે આવે છે કે અમુક માણસને, કે રામને ક્રોધ આવ્યો, પછી જોવે છે કે ભાઈ, મારી સામેવાળી વ્યક્તિને ક્રોધ આવ્યો, પછી મને પણ ક્રોધ આવ્યો… તો ક્રોધ છે, એ આવી રહ્યો છે, મારી ઉપર પણ સવાર થઇ ગયો છે, … તો આ ત્રણે’ય સ્ટેપ્સ આપણને દેખાતા નથી, હું પણ એ ક્રોધની સાથે એટલો તાદાત્મ્ય થઇ જઉં, એકાકાર થઇ જઉં કે મને ખબર જ ના પડે અને   માણસ જયારે ગુસ્સામાં હોય ત્યારે એને એક જાતનો સંતોષ પણ હોય કે એ બહુ સારું કામ કરી રહ્યો છે, એ બહુ સારી દલીલો કરી રહ્યો છે, અને એ એકદમ યોગ્ય છે; પરંતુ જયારે એમાંથી એ નીકળી જાય ત્યારે એને ખબર પડે કે એવું નથી. ત્રીજી વ્યક્તિ તરીકે ક્રોધ આવ્યો છે એટલે કે હજૂ દૂર કશું સૂક્ષ્મ છે, એવું જો મને ખબર પડી જાય તો એ સારામાં સારી વાત કહેવાય, કારણ કે જેવો હું ક્રોધને બીજામાં જોઈ લઉં છું, હું સાવધ થઇ જઉં છું, ત્યારે એ પછી વિલીન થઇ જાય છે, એ સ્તરમાં પણ હું જોઈ લઉં છું.

વિપશ્યના, સાક્ષીભાવ એ જે સાધનાઓ છે, એમાં આ જ રહસ્ય છે કે દરેક સંવેદનાઓ મનમાં ધીમે-ધીમે આવતી હોય છે, એ ક્રોધ હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, કોઈ પણ પ્રકારની સંવેદના હોય, મનની વિકૃતિ પણ હોય, એ પણ મારા શરીરમાં ધીમે-ધીમે આવતી હોય છે, પણ ક્રોધનું શાંત આગમન મારા ધ્યાનમાં નથી આવતું… એ તો ત્યારે જ ખબર પડે છે કે જયારે એ આખા શરીરને નુકશાન કરી દે’ છે, ત્યારે ખબર પડે છે, પણ ત્યારે તો બધું પતી ગયું હોય.

મારા બેધ્યાનપણાને બદલે જો હું ધ્યાનસ્થ થઉં છું, પૃથક થઇ, શરીરને ‘હું’ જોવા લાગુ છું, શરીરની સંવેદનાઓને ‘હું’ જોવા લાગુ છું, તો પછી મને ધીમે-ધીમે સમજાય છે કે કઈ ક્રોધની સંવેદના છે, કઈ ઈર્ષ્યાની, કઈ દ્વેષની, કઈ ચિંતાની સંવેદનાઓ છે. આ બધી વાતો મને સમજાય છે સાધના કરતા-કરતા, એ પણ સમજાય છે કે એ સંવેદનાઓ શરીરના સ્તરે તો બહુ પાછળથી આવે છે, દરેક સંવેદનાઓ પહેલા સૂક્ષ્મ સ્તરમાં આવે છે, ઉદ્ભવે છે… અને જો હું આ સ્તર પર સમતા ભાવ રાખું, જો હું સાક્ષીભાવ રાખું છું, તો એ ધીમે-ધીમે મારો વિકાર ત્યાં જ વિલીન થઇ જાય છે, ત્યાં જ એનું શોધન થઇ જાય છે. તો, સંવેદનાઓને સૂક્ષ્મ સ્તર પર જાણવા-સમજવા માટે મારામાં એ પ્રમાણેની જાગૃતિ જોઈએ.

અમે જયારે હરિદ્વારમાં રહેતા હતા, ત્યારે ત્યાં શિયાળામાં એક સંત છેક નેપાળથી આવતા, ભારતમાં આવી હરિદ્વાર, ઋષિકેશમાં બે-ચાર મહિના રહેતા, અને ફરી નેપાળ જતા રહેતા. નેપાળમાં ખપ્તર નામની કોઈ જગ્યા હશે ત્યાં એ રહેતા હતા. આ જગ્યા એવી કે આ સંતને એ જગ્યાએ ત્યાંના મહારાજા એમના હેલિકોપ્ટરમાં લઇ જઈ છોડી આવતા, અન્ય કોઈ માણસ ત્યાં જઈ ના શકે એવી એ જગ્યા હતી, જ્યાં એ સંત તદ્દન એકાંતમાં આઠ-નવ મહિના એકલા જ રહેતા; જયારે ઠંડી પડતી ત્યારે મહારાજા એમના હેલિકોપ્ટરમાં પાછા લઇ આવે અને પછી એ સંત ભારત આવી હરિદ્વાર વિગેરે જગ્યાઓમાં બે-ચાર મહિનાઓ રહેતા.

એક વખત અમે ચાર-પાંચ સાધુઓ બેઠા હતા, સાથે એ સંત પણ હતા, ત્યારે એમને પૂછ્યું કે “આપનો શો અનુભવ છે? તમે ત્યાં આટલા એકાંતમાં રહો છો તો તમારો શું અનુભવ છે?” તો એમણે કીધું કે, “મનમાં કોઈ વિચાર આવે છે એ પહેલા એ વિચાર બહુ દૂર હોય છે, ત્યારે મને ખબર પડી જાય છે કે આ વિચાર આવે છે.”

તો, આ સભાનતા, જાગૃતિ છે, અને ક્રોધની બાબતમાં જોઈએ તો ક્રોધ પણ આવે છે એ પણ ખબર પડે છે, એ ત્યારે શક્ય બને છે કે જયારે સાધના વિધેયાત્મક હોય ત્યારે, સાધના જેટલી વિધેયાત્મક થાય એટલી આપણી જાગૃતિ, સભાનતા વધુ સારી થાય, અને એવી સભાનતા, જાગરૂકતાથી આપણે સંવેદનાઓને, વિચારોને દૂરથી પણ ઓળખી શકીએ છીએ…પછી ધીમે-ધીમે એવી સ્થિતિ પણ આવતી હોય કે ક્રોધનો આવિર્ભાવ જ ના થાય.

સંત જ્ઞાનેશ્વર આ વાત અને સ્થિતિને બહુ સારી રીતે સમજાવે છે, તેઓ કહે છે કે જે લોકોની સાક્ષીભાવમાં આવી સ્થિતિ થઇ ગઈ હોય અંદર, પૂર્ણ સ્થિતિમાં એ પહોંચી ગયા હોય ત્યાં જેમ આકાશમાં ફૂલ ના ઉગે – ગમે તે થાય આકાશમાં ફૂલ ના ઉગે – છાશનું પાણી હોય એને તમે ગમે તેટલું વલોવો, એમાંથી માખણ ના નીકળે, ભસ્મ છે એમાં તમે ગમે તેટલુ ઘી નાંખો, એમાંથી અગ્નિ પ્રદીપ્ત થતો નથી… એવી જ રીતે પછી સાક્ષીભાવમાં સ્થિત રહેતી વ્યક્તિમાં ક્રોધ આવતો નથી. તો, સંતો આવા છે અને એમના દૃષ્ટાંતો સાચા છે, માત્ર વાર્તાઓ નથી.

સંતો માટે સ્વામી વિવેકાનંદ એટલે જ કહેતા કે સંતો છે એ શાસ્ત્રોના જીવંત દાખલા છે. શાસ્ત્રોમાં લખ્યું હોય કે એવું-એવું હોય, કે જ્ઞાની લોકો શારીરિક, માનસિક પીડાથી મુક્ત થઇ જાય છે. પરંતુ, આપણે આપણા જીવનમાં એવા જીવંત દાખલાઓ ના જોઈ શકતા હોઈએ, આપણને એવા દૃષ્ટાંતો સમાજમાં જોવા મળતા ના હોય તેથી શાસ્ત્રો પર વિશ્વાસ જ ના થાય, અને પૂછીએ, એવું કાંઈ થતું હશે? એવું તે કાંઈ હોય? એવું શક્ય છે ખરૂ?

મહારાષ્ટ્રના સંત એકનાથ હતા, એમને માટે એક બહુ જાણીતી વાત એ કહેવાય છે કે એમને કોઈ દિવસ ગુસ્સો નથી આવ્યો. તો, એમને ગુસ્સો આવે એ માટે એ જ્યાં રહેતા હતા ત્યાંના અમુક લોકોએ એક મુસલમાનને તૈયાર કર્યો, એને થોડી લાલચ આપી. તો એ મુસલમાને શું કર્યું કે એક દિવસ સંત જ્ઞાનેશ્વર ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા આવતા હતા ત્યારે એમની સામે થોડા અપશબ્દો બોલીને ગંદુ નાંખી દે. સંત કશું બોલ્યા નહીં, અને ફરી નદીમાં ન્હાવા ગયા, સ્નાન કરીને આવ્યા, તો પેલાએ ફરી એવું જ કર્યું. કહેવાય છે કે એ મુસલમાને આવું આશરે સો વખત કર્યું હશે, પણ એ સંત એમની રીતે ફરી ને ફરી ન્હાવા જાય, સ્નાન કરીને પાછા આવે… અંતે, એ માણસ હારી ગયો. સંતના ચરણોમાં પડ્યો, પગે લાગ્યો, સંતની માફી માંગી…તો સંતના આવા સ્વભાવથી એ મુસલમાન આખો બદલાઈ ગયો, અને સંત એકનાથની ક્ષમા માંગી.

બુદ્ધની બાબતમાં પણ આવું જ કાંઈ થયું હતું. એક બ્રાહ્મણને બુદ્ધ માટે બહુ દ્વેષ હતો, બુદ્ધનું નામ પડે કે તરત એમને ગુસ્સો આવે. એક દિવસ એમના ઘરની સામે કોઈ ભિક્ષુકનો ભિક્ષા માટે અવાજ સંભળાયો. એ બ્રાહ્મણ બહાર આવ્યો, જોયું તો સામે જ બુદ્ધ ઉભા છે. એને તો બહુ ગુસ્સો આવ્યો, અપશબ્દો બોલવા લાગ્યો. બુદ્ધ તો શાંત ઉભા રહ્યા, કોઈ જ પ્રતિક્રિયા ના કરી. હવે આવી સ્થિતિમાં માણસ ક્યાં સુધી બોલ-બોલ કરે? છેવટે એ બ્રાહ્મણનો ગુસ્સો ધીમે-ધીમે શાંત થઇ ગયો. પછી બુદ્ધે શાંતિથી પૂછ્યું કે “તમારે ત્યાં કોઈ આવે અને તમે એને ફળ કે કોઈ વસ્તુ આપો અને એ ના લે તો એ વસ્તુ કોની પાસે રહેશે?” બ્રાહ્મણ બોલ્યો, “મારી પાસે રહેશે.” તો બુદ્ધે કીધું કે “તમે મને જે અપશબ્દો કીધા એ હું ના લઉં તો?” બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ, એને ક્ષોભ થયો, એણે બુદ્ધની ક્ષમા માંગી.

આવા દૃષ્ટાંતોથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે. હું એક વખત હરિયાણામાં ભિક્ષા માટે, માધુકરી માટે ગયેલો. ભિક્ષામાં અમે તો તૈયાર રસોઈ લઈએ, કાચી રસોઈ એટલે કે લોટ, દાળ-ચોખા, વિગેરે ના લઈએ, તૈયાર ભોજન હોય એ જ લઈએ. હું એક ઘરની બહાર જઈ ઉભો રહ્યો, ભિક્ષા માંગી તો એ ઘરના વહુ લોટ લઈને આવ્યા. હરિયાણામાં લોટને ‘ચૂન’ કહે. તો, એ ચૂન (લોટ) લઈને આવ્યા. મેં કીધું, બહેન, “મારી પાસે રસોઈ બનાવવાની કોઈ જ વ્યવસ્થા નથી, તેથી જો તૈયાર ભોજન હોય તો એ આપો.” એ તો ઘરમાં અંદર ગયા, અને એમના સાસુ બહાર આવ્યા, મને જોઇને એટલા તો ગુસ્સે થયા, કહે, “તૂંને મના ક્યોં કિયા? તૂજે તો ભિક્ષામેં જો દે વો લેના ચાહિએ…” સાથે ગાળ પણ ખૂબ આપી. હું ત્યાં લગભગ સાતે’ક મિનિટ ઉભો રહ્યો. મને થયું, હું એમ જ જતો રહીશ તો એને સંતોષ નહીં થાય, “કે મારે હજુ કે’વાનું હતું, અને ભિક્ષુક તો વચ્ચેથી જ જતા રહ્યા”. એવું ના થાય એટલા માટે હું ત્યાં ઉભો રહ્યો… એ બહેને જે કહેવાનું હતું એ કહીને સંતોષ પામીને જતા રહ્યા, પછી હું ત્યાંથી ગયો.

સંતોના જીવન પરથી આપણને પ્રેરણા મળતી હોય કે પ્રતિકૂળ સંજોગોમાં જીવન કેવી રીતે જીવવું. દરેક વિકારમાં પણ એક વિવેક તો જોઈશું જ; ક્યાં’ય પણ ક્રોધ જોઈશું તો એમ-ને-એમ માની ના શકાય કે એ વ્યક્તિ ક્રોધી છે, એની અંદર ક્રોધનો વિકાર છે. એવું પણ બની શકે કે ત્યાં ક્રોધ ના હોય, એવું પણ બનતું હોય છે. એવા પણ મહાપુરુષો હોય કે બહારથી ક્રોધ દેખાતો હોય, અંદર ક્રોધ જેવું કશું જ ના હોય… આવી પણ સ્થિતિ હોય. આ બધામાં મુખ્ય વાત એ છે કે ક્રોધ હોય એ મારી ઉપર હાવી ના થઇ જાય, મારો ક્રોધ મારી ઉપર સવાર ના થઇ જાય એ અગત્યનું છે.

મહર્ષિ રમણના જીવવનો એક પ્રસંગ છે. એક વખત કોઈ વિદ્વાન બ્રાહ્મણ એમની પાસે આવ્યા, શાસ્ત્રોની વાતો લઇ ખૂબ દલીલો કરવા લાગ્યા. રમણે એમને થોડું સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ જોયું કે આણે તો પોપટની જેમ શાસ્ત્રોમાંથી બધા શબ્દો જ ભેગા કર્યા છે, એમાં જ્ઞાન જેવું તો આમની પાસે છે જ નહીં. એ વિદ્વાન તો ચુપ જ ના થાય. પછી રમણના રહેરામાં ધીમે-ધીમે થોડા હાવ-ભાવ બદલાયા, ગુસ્સાનો ભાવ આવ્યો. પેલાએ જોયું અને એ તો ગભરાયો. પછી રમણે ધીમે રહીને પાસેની લાકડી ઉપાડી. પેલાને થયું કે રમણ મને હવે મારશે, તરત જ ઉભો થઇ ગયો, રમણ પણ ઉભા થઇ ગયા અને એમણે જોયું કે પેલા વિદ્વાને તો દોટ મૂકી… રમણ પણ એમની પાછળ-પાછળ ગયા. એ ભાઈ તો જતા રહ્યા, રમણ પાછા આવ્યા, લાકડી મૂકી હંસતા-હંસતા બેસી ગયા. તો, આમ, એવું પણ બને કે ક્રોધ માત્ર દેખાવ પુરતો જ હોય.

મારા એક ગુરુભાઈ છે, એક વખત એમનો અનુભવ કહેતા હતા. એક દિવસ ગુરુજી કોઈના ઉપર ખૂબ ગુસ્સે થયા હશે, ગુસ્સામાં ગુરુજી લાલ-પીળા થઇ ગયા હતા, સામે ઉભેલા માણસને કશું’ક કહેતા હશે, પણ જોર-જોરથી કહેતા હતા. મારા ગુરુભાઈ કહે, “અમે તો ગુરુજીના દર્શન માટે ત્યાં ગયેલા, પણ ગુરુજીનું આવું ગુસ્સાવાળું સ્વરૂપ જોઇને અમારી તો હિંમત જ ના થઇ કે ત્યાં એમની પાસે જઈએ. એવામાં ઓચિંતાને ગુરુજીની નજર અમારી ઉપર પડી, જોયું કે અમે થોડા દૂર ઉભા છીએ, તો અમારી તરફ મ્હોં ફેરવ્યું, થોડું અમારી તરફ આગળ આવ્યા અને હંસતા-હંસતા અમારી જોડે વાત કરવા લાગ્યા. અમને થયું, આ માણસ ઘડી પહેલા ગુસ્સામાં લાલચોળ થયા હતા, અને તરત જ બીજી જ ક્ષણે એમનામાં ગુસ્સાની કોઈ વાત જ નથી, ગુસ્સાનો અણસાર સુદ્ધાં નથી દેખાતો.”

તો, સંતો, સિદ્ધોમાં આવી સ્થિતિ પણ હોય છે, કે દરિયો છે, એ ઉપરથી ગમે તેટલો તોફાની થાય, ઉંડાણમાં તો એ શાંત જ હોય, ગંભીર હોય, એકદમ ગંભીર હોય.

તો, ક્રોધ છે એ આપણા અસ્તિત્વમાં છે એને જ્યાંથી સમજાય ત્યાંથી એનું ઉપશમન કરવું, કેમ કે આપણી જે યાત્રા છે, સત્યને પામવાની એમાં એ મોટામાં-મોટો શત્રુ છે.
એટલે, ભગવાને એમ પણ કીધું છે –

शक्नोतीहैव यः सोढुं प्राक्-शरीरविमोक्षणात |
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः || ५:२३

– કે આપણું શરીર છૂટે એના પહેલા એવી સ્થિતિ આવવી જોઈએ કે કામ-ક્રોધના આવેગોથી હું મુક્ત થઇ જઉં, ક્રોધના આવેગોથી, તૃષ્ણાઓના આવેગોથી હું મુક્ત થઇ જઉં… આપણું શરીર છૂટે એ પહેલા એવી સ્થિતિ આવવી જોઈએ. જેની આવી સ્થિતિ આવે છે, જે એ આવેગોને સહન કરી શકે છે, એટલે કે એનું ઉપશમન કરી શકે છે એનો ઉપરામ થઇ જાય છે, શરીર છૂટતા પહેલા. અને તેથી જ ભગવાન કહે છે કે ‘એ જ યોગી છે, એ જ યુક્ત છે, એ જ મુક્ત છે અને એ જ સુખી છે’. અને ઊલટું, જે એ બધા આવેગોને રોકી, સહન નથી કરી શકતો એ સુખી નથી થવાનો. તેથી, જે પણ ઉપાયથી, મને જે રીતે સમજાય એ રીતે આ અક્રોધનું રત્ન જે છે એને ખૂબ સંઘરીને રાખવા જેવું છે.