જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ

એક વખત દ્રોણાચાર્યજીના શિષ્યોએ તેમના ગુરુને પૂછ્યું – “હે ભગવાન! રાજા યુધિષ્ઠિરને લોકો સદ્ગુણનું મૂર્તિમંત સ્વરૂપ માને છે, અને દુર્યોધનને દુષ્ટ મનુષ્ય માને છે, આવું કેમ?”

દ્રોણાચાર્યજીએ કહ્યું, “આ બે પિતરાઇ ભાઇઓ વિષે લોકોનો અભિપ્રાય કારણસર છે, આપણે તેને જોઇએ.” ત્યાર પછી, ગુરુએ પહેલા દુર્યોધનને બોલાવ્યો, અને એને કીધું, “હે દુર્યોધન! કોઇ સદ્ગુણી વ્યક્તિને શોધી લાવ.”

દુર્યોધને લાંબી મુસાફરી કરી, જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લીધી, અને પાછો આવ્યો, અને ગુરુને કીધું, “મારા પૂજ્ય ગુરુજી, આખી દુનિયામાં મને એક પણ સદ્ગુણી વ્યક્તિ મળી નથી શકી, મેં તો બધે દુષ્ટ સ્વભાવના જ મનુષ્યો જોયા.”

દ્રોણાચાર્યૅ પછી યુધિષ્ઠિરને કહ્યું, “ હે રાજા! દુનિયામાંથી મને કોઇ દુષ્ટ માણસને શોધીને મારી પાસે લઇ આવ.”

યુધિષ્ઠિરે પણ લાંબી મુસાફરી કરી, પાછો આવ્યો, અને ગુરુને કીધું, “મારા આદરણીય ગુરુજી, આખી દુનિયામાં મને એક પણ દુષ્ટ વ્યક્તિ મળી નથી.”

દ્રોણાચાર્યના શિષ્યોને બન્ને રાજકુમારોની વાત સાંભળીને આશ્ચર્ય થયું; તેઓ કંઇ બોલી શક્યા નહીં.

ત્યારે ગુરુ દ્રોણાચાર્યજીએ કહ્યું, “દરેક વ્યક્તિ પોતાના મનનું જ પ્રતિબિંબ દુનિયામાં પડતું જુએ છે, એટલે યુધિષ્ઠિરને આખું જગત સદ્ગુણી માણસોથી ભરેલું, અને દુર્યોધનને તે જ જગત દુષ્ટ માણસોથી ભરેલું દેખાય છે – જેવું મન તેવી દૃષ્ટિ, અને જેવી દૃષ્ટી તેવી સૃષ્ટિ.”

માટે, બધાંમાં સારું જોવાનો પ્રયત્ન કરો; આ વલણ જ બીજાઓને મદદરૂપ થશે. એટલું જ નહીં, પણ આપણા પોતાના મનને શુદ્ધ અને ઇશ્વરનો પ્રકાશ ઝીલવા માટે સુયોગ્ય બનાવશે.

ૐ નમો નારાયણ