દૈવી સંપત્તિ | તેજ
(પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ ‘દૈવાસુરસમ્પદ્વિભાગયોગ’ના શ્લોક ૩–પરના પ્રવચન પર આધારિત.આ અધ્યાયના શ્લોકો ઉપરના અન્ય પ્રવચનો પાછલા અંકોમાં છપાયા છે)
तेज: क्षमा धृति: शौचमद्रोहो नातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
— १६:३
ભગવાન આપણને એમની દૈવી સંપત્તિઓમાંથી એક–એક સંપત્તિઓ આપતા જાય છે. આ પહેલા આપણે ‘અચાપલમ્’ વિષે ચર્ચા કરી હતી; ‘અચાપલમ્’ એટલે શરીરની અનાવશ્યક ગતિવિધિ ના હોવી, પરંતુ, સામાન્ય પ્રવાહ એવો છે કે ચંચળતા લોકોને રુચિકર થતી હોય છે – માણાસ વધારે બોલતો હોય, વધારે કામ કરતો હોય, વધારે દોડા–દોડ કરતો હોય અથવા, યેન–કેન–પ્રકારેણ, કોઈ પણ હિસાબે એનો પ્રભાવ વધે એવો પ્રયત્ન કરતો હોય. ચંચળતાથી વિપરીત જે ભાવો છે દા.ત. શાંત રહેવું, અને આ બાબતમાં ક્યારે’ક શંકા હોઇ શકે. ઘણાને શંકા થાય છે કે જે લોકો અનીતિ કરતા હોય, નીતિથી ના રહેતા હોય, સત્યથી ના રહેતા હોય, એ લોકો વધારે સુખી છે એવી શંકા થતી હોય છે, એટલે ભગવાન એક મહત્ત્વની સંપત્તિ ‘તેજ’ને અહીં પહેલા કહી છે.
માણસ દૈવી સંપત્તિઓ સાથે જીવતો હોય તો એનામાં તેજ હોવું જોઈએ, એના કાર્યમાં તેજ હોવું જોઈએ. આ પહેલા ભગવાને જે બધી દૈવી સંપત્તિઓ કીધી છે – અભયમ્, સત્ત્વસંશુદ્ધિ વિગેરે એ બધી સંપત્તિઓ જેનામાં હોય છે એનામાં એક પ્રકારનું તેજ હોય, જેમ કે ત્યાગનું એક તેજ હોય છે, શાંતિનું એક તેજ હોય, અહિંસાનું તેજ હોય, પોતાના કાર્ય માટેની નિષ્ઠાનું તેજ હોય, અને જો હું કોઈ પણ કાર્ય આવી નિષ્ઠા સાથે, સ્હેજ પણ શંકા વગર જ્યારે કરું છું, હું એનાથી વિરોધી પરિબળોને જોઈને નથી આકર્ષિત થતો, નથી ગભરાતો, ત્યારે એ કાર્ય તેજસ્વી થાય છે, એમાં તેજ વધે છે.
ભગવાનની પહેલી દૈવી સંપત્તિ ‘અભય’ છે, એની વાત કરીએ તો એ ‘અભય’, મજબૂરીંમા ના હોવી જોઈએ, મજબૂરીમાં ‘અભય’ નથી. હું બીજાને ‘અભય’ આપું છું તો મારી નબળાઈ કે મજબૂરીમાં નથી આપતો – કે હું નબળો છું, એટલે હું ‘અહિંસક’ છું, તો, આમાં ‘અભય’ નથી, અને આ વાત માટે આપણને ક્યારે’ય શંકા નથી થતી. એવી જ રીતે કોઈને માટેનો સદ્ભાવ, કોઈ પણ સદ્વિચાર સાથે કરાયેલું કાર્ય, કોઈ પણ સત્કૃતિ આપણી અંદર એક પ્રકારનું તેજ લાવતી હોય છે, એનું એક બળ હોય, એ બળને વધારવું એ ‘તેજ’ સંપત્તિ છે – આવી વ્યક્તિમાં એવું તેજ–બળ હોય કે કોઈ ગમે તેવો વિરોધી હોય, એની પાસે આવીને એ શાંત થઈ જાય; કોઈ જો અભાવમાં જીવતો હોય, તો એના અભાવમાં, એના ત્યાગમાં એનું તેજ હોય છે.
પૂ. સ્વામી શિવાનંદજી પાસે એક વખત એક બહુ મોટા બિઝનેસમેન આવ્યા હતા, એમણે ખાસ્સું એવું મોટું દાન સંસ્થાને કરવું હતું, અને એ વખતે સંસ્થાને આવશ્યકતા પણ હતી, પરંતુ એ વ્યક્તિના વાણી, વ્યવહાર–વર્તનમાં સ્વામીજીને નર્યો અહંકાર દેખાયો, એટલે સ્વામીજીએ એમની પાસેથી દાન લેવાની ના કહી દીધી. સ્વાભાવિક છે કે પોતાના મોટા દાન માટે પણ સ્વામીજીના અસ્વીકારથી એને બહુ આશ્ચર્ય થયું, એણે કીધું, “તમને આટલું મોટું દાન કોઈ નહીં આપશે.” સ્વામીજીએ કહ્યું “વાંધો નહીં”. તો, આવો શંકા વગરનો ત્યાગ સામાન્ય રીતે ના થાય, એટલે આવા ત્યાગમાં અનોખું તેજ છે, એનું બળ છે.
સંસ્કૃત વ્યાકરણના એક બહુ મોટા વિદ્વાન થયા હતા કાશ્મીરના કૈયટ (અંદાજે ૧૭મી સદીમાં) – શાસ્ત્ર ચિંતન, મનન, અધ્યયન, લેખન એ જ એમનું જીવન હતું. તેઓ પાણિનિ વ્યાકરણ અને પતંજલિજીનું પાણિનિ વ્યાકરણ ઉપરનું મહાભાષ્ય ઈત્યાદી કંઠસ્થ રીતે જ ભણાવતા હતાં. કહેવાય છે કે તેઓ કાશ્મીરી પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવીને પછી કાશી આવ્યા હતા, અને એ પણ પગપાળા જ; ત્યાં કાશીના પંડિતોને પણ હરાવ્યા હતા. આટલા મોટા વિદ્વાન હતાં, તો પણ એમની આજીવિકા માટે કોઈ જ વ્યવસ્થા ન હતી; એમના પત્ની જંગલમાંથી લાકડાં લાવી વેચતા, એમાંથી એમનું ઘર ચલાવતાં.
એક વખત એ જે રાજ્યમાં રહેતા હતા, એ રાજયમાં બનારસથી થોડા વિદ્વાનો આવ્યા, ત્યાંના રાજાને મળ્યા અને ઈચ્છા વ્યક્ત કરી કહ્યું કે ‘અમારે કૈયટને મળવું છે’. રાજા કૈયટને જાણતા ન હતાં, એટલે પૂછ્યું “કોણ કૈયટ?” એટલે, એ વિદ્વાનોએ રાજાને ઠપકો આપ્યો કે “તમે કેવા રાજા છો? તમારા રાજ્યમાં આટલા મોટા વિદ્વાન છે અને તમને એની ખબર પણ નથી?”
વિદ્વાનોની વાત સાંભળીને રાજાને ક્ષોભ થયો, એમણે કૈયટ વિષે તપાસ કરાવી, ત્યારે ખબર પડી કે તેઓ તો એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. રાજા જાતે કૈયટને મળવા ગયા, ત્યારે કૈયટ કોઈ ગ્રંથ લખતા હતા, એટલે, રાજા બારણા પાસે જ ઊભા રહ્યા; થોડીવારમાં કૈયટની નજર રાજા પર ગઈ, પરિચય પૂછ્યો, આવવાનું કારણ પૂછ્યું. રાજાએ પોતાનો પરિચય આપ્યો “હું અહીંનો રાજા છું, મને તમારી સેવા કરવાની કોઈ તક આપો.” કૈયટે બહુ જ નમ્રતા અને વિવેકપૂર્વક કહ્યું કે “અત્યારે મને અંદરથી જે રચનાઓ આવી રહી છે એને હું લખું છું, એમાં તમે વિક્ષેપ ના કરો, અત્યારે જાવ, એ જ સેવા છે.”
તો, પોતાના કાર્ય પ્રત્યેની આવી અડગ, સાચી, પાકી નિષ્ઠા જ્યારે હોય, અને આવી સ્થિતિ હોય ત્યારે સામે એનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી.
આપણે થોડા સમય પહેલા સાંભળ્યુ હતું કે આપણાં પ્રધાન મંત્રીના બા બીમાર થયા; એમના પરિવારના લોકોએ અન્યો માટે હોય એવી એક સાદી એમ્બ્યુલન્સ બોલાવી, અને બા–ને નજીકની સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આ વાત મજબૂરીમાં નથી થઈ – પ્રધાન મંત્રીજીના બા માટે તો સારામાં–સારા ડોક્ટરોની એક આખી ટીમ ઘરે આવી શકી હો’ત; અરે! ઘરે જ એક ઈમરજન્સી યુનિટ ઊભું થઈ શક્યું હો’ત; અને બા–ની સારવાર માટે આવશ્યક બધી જ વ્યવસ્થાઓ ઘરે જ થઈ શકતી હતી, અને આ માટે દેશનો કોઈ પણ નાગરિક કે વિરોધી કેમ્પના રાજકારણીઓ સુદ્ધા કોઈ કમેન્ટ ના કરી શકે… અને એના પ્રભાવમાં આવ્યા વગર ના રહે – તો, આ ત્યાગનો, સાદાઈ અને સરળતાનો પ્રભાવા લોકોના ઉપર પડ્યા વગર ના રહે.
તીવ્ર પ્રકાશમાં આપણી આંખો જે રીતે અંજાઈ જાય છે, એવી જ રીતે સમાજના ઊંચા સ્તર પરની વ્યક્તિના અણીશુદ્ધ, સરળ, દંભ રહિત, દૃઢ વ્યવહારથી કોઈ પણ વ્યક્તિ અભિભૂત થયા વગર નહીં રહે. વ્યક્તિત્વનું આવું પ્રભાવી તેજ જન્મતું હોય છે એની નિષ્ઠા અને દૃઢતાના પ્રભાવથી – આ પ્રકારની દૃઢતા જ પછી એને ધીમે–ધીમે સત્ય તરફ લઈ જતી હોય, એ જ દૈવી સંપત્તિ એને મોક્ષ તરફ લઈ જતી હોય છે.
આવા તેજ–ને ભગવાને દૈવી સંપત્તિ કીધી છે. કોઈ ગુનેગાર, દુષ્ટ માણસનો પણ પ્રભાવ હોય જ છે, કોઈ હિંસા કરનારથી પણ લોકો ‘પ્રભાવીત’ થતા હોય, અને એની પાસે જતાં ડરે, એનો પણ પ્રભાવ હોય.
થોડા દિવસ પહેલા જ મને એક ભાઈએ વાત કરી કે એના ખેતરમાં વાંદરાઓનો ખૂબ ત્રાસ થઈ ગયો છે; એ ભાઈ પણ કંટાળી ગયા હતા. છેવટે, એ ભાઈ એક ગન (gun, બંદૂક) લઈ આવ્યા, અને ત્યાંના વાંદરાઓના લીડરને શોધી, મારી નાંખ્યો, અને એને મહી–નદીની કોઈ એક કોતરમાં નાંખી દીધો. એ ભાઈ કહે, “હવે હું કોઈ પણ જગ્યાએ જાઉં છું, તો વાંદરાઓ મારાથી ડરે છે, અને માત્ર મારા જ ખેતરના વાંદરાઓ નહીં, આજુબાજુના બધા’ય વાંદરાઓ હવે મારાથી ડરે છે.”
આપણા રામાયણ, મહાભારતમાં પણ આવા જ પાત્રો છે, જેમ કે રાવણ, એ જે સભામાં હોય, ત્યાં ઉપસ્થિત અન્ય રાજાઓમાં એને માટેનો એક જાતનો ડર બેસી જતો, એના નામ માત્રથી લોકો ડરતા; દુર્યોધનનો પણ એક અલગ પ્રકારનો ડર હતો, કેમ કે એ ક્યારે, શું, કેવો નિર્ણય લેશે એ ખબર ના પડે. તો, આવા નેગેટિવ ‘પ્રભાવ’ને ભગવાન ‘તેજ’ નથી કહેવા માંગતા.
‘તેજ’ એ હોય કે દૈવી સંપત્તિઓ સાથે જીવતી વ્યક્તિને મોક્ષની તરફ લઈ જાય, જે શાંતિ તરફ લઈ જાય, આનંદ તરફ લઈ જાય, સુખ તરફ લઈ જાય – એવું તેજ હોવું જોઈએ.
એક સંતે બહુ સરસ વાત કરી કે મારા કયા ગુણો સાચી દિશામાં જઇ રહ્યા છે, મારી કઇ ટેવો ખોટી દિશામાં જઈ રહી છે, એનો અનુભવ તો મારું પોતાનું મન/શરીર જ કરાવી શકે; આને માટે એમણે એક સરળ સૂત્ર આપ્યું કે જે ભાવોથી મને comfortability, કમ્ફર્ટેબિલિટી (સુખકારકતા) લાગતી હોય, મારી અંદરથી મને એક પ્રકારની સહજતા પ્રતીત થતી હોય, આનંદ પ્રતીત થતો હોય, શાંતિની પ્રતીતિ થતી હોય, એ ભાવો બરાબર છે; જેમાં એનાથી ઊલટું થતું હોય એ ભાવો બરાબર નથી, જેવા કે ક્રોધ, ચિંતા.
ક્રોધથી મને કમ્ફર્ટેબિલિટી (સુખકારકતા) નથી લાગતી, એવું નથી લાગતું કે ક્રોધ ભલેને થોડી વાર હજુ રહે, એવું નથી લાગતું. દરેક વ્યક્તિને ક્રોધ પછી વહેલે–મોડે પસ્તાવો તો થાય જ છે. એવી જ રીતે ચિંતા હોય, ચિંતામાં મને સારું નથી લાગતું; એવું નથી લાગતું કે મને ચિંતા રહ્યા જ કરે, કે મને રોજ ચિંતા થાય. એટલે, મારા કોઈ પણ સ્વભાવથી જો મને સુખકારકતા નથી લાગતી તો બીજાને પણ ના જ લાગે, કોઈને પણ એવો સ્વભાવ સુખકારક નહીં લાગશે.
મને કરુણા, પ્રેમ, દયા, અહિંસા, ત્યાગથી અંદર શાંતિ અને આનંદનો અનુભવ થાય છે, અને એ આનંદનો જે પ્રભાવ છે, એમાં પણ એક પ્રકારનું radiation, રેડીએશન (કિરણોત્સર્ગ) હોય છે, એ સ્વભાવોના પણ તરંગો હોય છે, એ તરંગો એની આજુ–બાજુ જે હોય એને પ્રભાવિત કર્યા વગર રહે નહીં, ‘તેજ’નો આવો પ્રભાવ હોય.
આપણા સકારાત્મક, positive ભાવો–ના રેડીએશન (કિરણોત્સર્ગ)ની જે વાત છે એ અનાયાસે નથી થતું, એની પાછળ એક science છે, વિજ્ઞાન છે. મારા સકારાત્મ્ક કે નકારાત્મક જે ભાવો છે એ મારા જ મનના તરંગો છે; એ ધીમે–ધીમે નાડીના માધ્યમથી મારા આખા શરીરમાં પ્રસરે છે, અને ધીમે–ધીમે મારા આખા શરીરની રચનાને બદલી કાઢે છે. એવી જ રીતે એ જ તરંગો બહાર પણ ફેલાતા હોય છે, ખાસ કરીને પાણીમાં, અને માણસના મનના ભાવોની અસર પાણી ઉપર કેવી, કેટલી થાય છે એ અધ્યયનના પરિણામો બહુ ગજબના જોવા મળ્યા છે.
Water has memory – આ વિષય ઉપર તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો ત્યાં ઘણી આશ્ચર્યજનક માહિતી મળશે. દરેક ભૌતિક વસ્તુની જેમ પાણીનું પણ એક ખાસ પ્રકારનું ફિઝીકલ, મોલેક્યુલર સ્ટ્રક્ચર હોય છે. વૈજ્ઞાનિકોએ જોયું છે કે જો આપણે પાણી પાસે બેસીને એના તરફ પ્રેમનો ભાવ કરીએ તો એ પાણીનું જે ભૌતિક સ્ટ્રક્ચર છે એ ધીમે–ધીમે બદલાવા લાગે છે; એના જે મોલેક્યુલ્સ છે એ ભેગા થઈને એક cluster, ક્લસ્ટર બનાવે, એક જુદી જ રચના બનાવે છે. એ પાણીની નજીક રહેલી વ્યક્તિ/વ્યક્તિઓનો જે પ્રમાણેના ભાવો હોય એ પ્રમાણેનું એમાં સ્ટ્રક્ચર બને છે – પ્રેમનું જુદું હોય, કરૂણાનું જુદું હોય, હિંસાની રચના જુદી હોય. તમે આ બધી રચનાના જો ફોટા જોશો તો જે સકારાત્મક, પોઝીટિવ ભાવો છે, વિચારો છે એની રચના બહુ સુંદર દેખાશે, જાણે કે કોઈ સોનીએ નાના હીરા–રત્નોને લઈને એવી રચના ના કરી હોય! એટલા સુંદર એ સ્ટ્રક્ચર હશે. ક્રોધના, ચિંતાના, જુદા વિચારોના ભાવોના આધારે બનેલા સ્ટ્રક્ચર જો જોઈએ તો એ તો આપણને દીઠે ના ગમે એવા હોય. આમ, માણસના ભાવોને લઈને પાણીના સ્ટ્રક્ચર બદલાતા હોય છે.
આ સંદર્ભમાં બીજા વિશ્વ યુદ્ધ (સપ્ટેમ્બર ૧૯૩૯ – સપ્ટેમ્બર ૧૯૪૫)ના સમયની એક ઘટના છે. એ સમયના સોવિયેટ રશિયા, અમેરિકા, જર્મની, કેનેડા, જાપાન જેવા મોટા દેશોના વૈજ્ઞાનિકોની એક ગુપ્ત બેઠક યોજાઇ હતી – જૈવિક હથિયાર (biological weapons) વિષે ચર્ચા કરવા માટે, જો એ વાપરવામાં આવે તો ઘણા મોટા પાયે જાનહાનિ થાય એમ હતું. કોઈ કારણસર આ ગુપ્ત બેઠક અધવચ્ચેથી જ બંધ કરી દે’વી પડી હતી, અને અચાનક એ મીટિંગમાં હાજર રહેલા બધા જ વૈજ્ઞાનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, કેમ કે એ બધાંને ફૂડ–પોઈઝન (food poison) થઈ ગયુ હતુ.
આવું કેમ થયું? તપાસ કરતા જણાયું કે એ લોકોએ તો એ મીટિંગ દરમિયાન કશું ખાધું જ ન હતું, એ લોકો જમ્યા જ ન્હોતા, માત્ર પાણી જ પીધું હતું. તો, સવાલ એ હતો કે તો પછી એ લોકોને ફૂડ પોઈઝન કેવી રીતે થયું? એ મીટિંગમાં જે પાણી હતું એ પાણી વૈજ્ઞાનિકોએ સાચવી રાખ્યું હતું; અને પછી એ પાણી ઉપર ઘણી રિસર્ચ થઈ… છેક ૧૯૮૫ના અરસામાં વૈજ્ઞાનિકોને ખબર પડી કે એ સાચવેલા પાણીનું ફિઝિકલ સ્ટ્ર્ક્ચર જ બદલાઈ ગયું હતું, પણ પાણીનું chemical structure (રસાયણિક રચના, H2O) નહોતું બદલાયું, એટલે એ તો સમજાયું કે એ પાણી તો ચોક્ખું હતું, એમાં કોઈ ઇન્ફેકશન ન્હોતું, તો પણ, એ જ પાણી એ લોકો માટે ઝેર થઈ ગયું હતું, જેનાથી એ લોકોને ફૂડ પોઈઝન થયું હતું.
એ શુદ્ધ પાણી ઉપરની આ પ્રાથમિક શોધ પછી તો પાણી ઉપર ઘણા પ્રયોગો અને રિસર્ચ થયા; મનુષ્યના વિવિધ ભાવો પાણીના સ્ટ્રક્ચરને કેવી રીતે બદલે છે, એ વિષય ઉપર પણ ઘણી શોધો થઈ છે, હજુ પણ વ્યાપક પ્રયોગો થઈ રહ્યા છે (આ સાથે–સાથે છોડવાઓ ઉપર પ્રયોગો થઈ રહ્યા છે). પાણીમાં જો તમે પ્રેમનો ભાવ કરો, અને એ જ પાણીને બીજા સાદા પાણીમાં ઉમેરી દઈ, પછી એ મિશ્રિત પાણીથી જો સિંચાઇ કરવામાં આવે તો ખેતીની પેદાશ વધી જાય છે.
આવી બધી શોધોના પરિણામોને આધારે વૈજ્ઞાનિકોને એટલું સમજાયું કે પાણીના chemical structure કરતા ફિઝિકલ સ્ટ્રક્ચર વધારે મહત્ત્વનું (valuable, વેલ્યુએબલ) છે. આ તારણો ઉપરથી એક તારણ એ પણ નિકળ્યું કે જે જમીન વર્જીન, અણખેડાયેલી હોય, જ્યાં પ્રકૃતિ સિવાય બીજી કોઈ વસ્તુનો સ્પર્શ ના થયો હોય એવી જગ્યાએથી પાણી લઈને એ પાણીને પછી આપણા ઘર સુધી જ્યારે લાવવામાં આવે છે, તો એ પાણી ક્યારે’ક ગટર લાઇન સાથે પણ જોડાયું હોય, એ શુદ્ધ પાણી ક્યાં–ક્યાંથી થઈને આપણા ઘર સુધી આવતું હોય… અને હાલના ROનું (reverse osmosis), અને વળી ફિલ્ટર પણ થયેલું પાણી જેને આપણે ચોક્ખું માની લેતા હોઈએ, એ બે પાણીમાં જમીન–આસમાનનો ફેર હોય છે.
હવે એ વાત સમજવા જેવી છે કે જો શરીરની બહારના પાણીની રચનામાં મારા ભાવોથી (ઉપર કહ્યું એ પ્રમાણેનો) એટલો ફેર લાવી શકે છે, તો શરીરની અંદર તો ૮૦% પાણી છે, તો એ પાણીમાં મારા ભાવોથી કેટલો બધો ફેર પડી શકે છે / લાવી શકાય? એટલે, મારી અંદર પ્રેમની સંવેદના જાગે, આનંદની સંવેદના, ભાવ, ઊર્મિઓ જાગે ત્યારે મારા શરીરનું જે ૮૦% પાણી છે એ અમૃત થઈ જાય!! અને આવા સકારાત્મક ભાવોથી માત્ર પાણી જ નહીં, આખા શરીરની રચનાઓમાં પણ એ પ્રમાણેનો સકારાત્મક પ્રભાવ પડે છે – ભલે આ ક્ષેત્ર કે વિષય ઉપર વૈજ્ઞાનિકોની શોધ નથી થઈ, પણ માટી, અગ્નિ, હવા એકે–એક કુદરતી વસ્તુઓ વ્યક્તિના ભાવોથી પ્રભાવિત થતી હોય છે.
એક સામાન્ય વાત આપણે સૌ જાણીએ છીએ કે હું કોઈ પણ જગ્યાએ બેસું છું, કોઇ જગ્યાએથી ચાલીને જાઉં છું, માત્ર થોડી સેકંડ માટે – વધારે નહીં – જો કોઈ જગ્યાએથી પસાર પણ થયો હોઉં, તો એક કૂતરું કે હાથી એ જગ્યા/વસ્તુને સૂંઘતા–સૂંઘતા મારા સુધી પહોંચી જાય છે. આનો અર્થ છે કે ત્યાંની માટી, ઘાસ, પત્થર એ બધા એ જગ્યાએથી મારા પસાર થવાની વાતના સાક્ષી, witness છે કે આ વ્યક્તિ અહીં બેઠી હતી, કે અહીંથી પસાર થઈ છે. તો, મારા ત્યાં હોવાથી કે જવાથી એ વસ્તુઓ, વાતાવરણના કણોમાં કોઈ–ને–કોઈ ભૌતિકી બદલાવ, ફિઝિકલ ચેન્જીસ થયા હોય જે કૂતરું કે હાથી સમજી શકે છે, પણ આધુનિક વિજ્ઞાનના સાધનો નથી સમજી શકતા. એટલે, માણસના પ્રેમના કે અન્ય ભાવો એ વ્યક્તિની નજીક રહેલા પાણીના સ્ટ્રક્ચરને તો બદલે છે, માણસના આખા શરીરની રચનાને પણ બદલી દે’તા હોય, અને પાણીના સ્ટ્રક્ચરની જેમ આ ક્ષેત્રે પણ ઘણી રિસર્ચ થઈ છે.
અમેરિકન બાયોલોજીસ્ટ (જૈવિકશાસ્ત્રના વૈજ્ઞાનિક) Bruce Lipton-એ એક સરસ પુસ્તક લખ્યું છે – Biology of Belief (માન્યતાઓનું જીવ વિજ્ઞાન), એ વાંચવા જેવું છે. માણસના શરીરના cells, કોષો પરની એમની શોધના નિષ્કર્ષરૂપે તેઓ કહે છે કે આપણા ભાવો, વિચારો, માન્યતાઓ સુદ્ધાંને કારણે માત્ર આપણાં શરીરના કોષો જ નથી બદલાતા, આખું શરીર અને વ્યક્તિત્વ પણ બદલાઈ જાય છે. શરીરમાંના એક કોષને જો કોઈ વાત મળી હોય – ભાવ, વિચાર કે માન્યતારૂપે – તો એ વાત/મેસેજ તરત જ બીજા કોષોમાં પ્રસરી જાય છે; અને એ કોષ એના જેવા બીજા કોષોમાં એ બહુ જલ્દી મેસેજ કરે છે.
પ્રકૃતિમાં પણ આવું જ છે – આ અસ્તિત્વમાં જે કોઈ વસ્તુ છે એની અંદર જે પણ કંઈ થઈ રહ્યું છે, એનો મેસેજ તરત જ પ્રસરી જાય છે – દા.ત. કોઈ એક છોડને કોઈ ઇન્ફેકશન લાગ્યું હોય, તો એ વાત નજીકના છોડોમાં, આખા ખેતરમાં અન્ય છોડને મેસેજ આપી ‘દે છે, કે ‘અહીં આ બેક્ટેરિયા છે, બચાવ કરો’; એ છોડો, તરત જ સ્વબચાવ માટે જરૂરી આંતર્સ્રાવ (secretion) શરૂ કરી ‘દે છે. આમ, કોઈ એક છોડને જો કોઈ ભય લાગ્યો હોય તો તરત જ એ સંવેદના બીજાને મળી જાય છે.
તમે કોઈ વખત ધ્યાન આપ્યું હોય કે એક જગ્યાએ કોઈ માણસ ગુસ્સામાં બેઠો હોય, અને જો તમે એની પાસે જઈને બેસશો, તો એ બોલશે નહીં, પણ તમને અંદરથી કાંઇક બેચેની લાગશે, કાંઇ સારું નહીં લાગે, કેમ કે એ વ્યક્તિના ગુસ્સાના તરંગોથી એનું આખું શરીર બદલાઈ ગયું છે, એના ગુસ્સાના વાયબ્રેશન બાજુમાં બેઠેલા આપણા કોષોને પણ અસર કરે છે, જેને કારણે આપણને સારું ના લાગે. હવે, બીજી કોઈ એક વ્યક્તિ જે શાંત–પ્રશાંત થઈ બેઠી હોય એની પાસે જાવ, તો તમને તરત જ શાંતિનો અનુભવા થશે, કેમ કે એના શરીરના દરેક કોષો એના ભાવ, એની શાંતિના જ મેસેજ આપે છે.
આમ, આપણા ભાવોને આધારે આપણા આખા શરીરમાં ફેરફાર થઈ જાય છે. એટલે, જ્યારે આપણી અંદર સાત્ત્વિક ભાવો–વૃત્તિઓ જાગે છે, આવે છે, કોઈ પણ શંકા–પ્રલોભન–મજબૂરી વગર, ત્યારે એ સાત્ત્વિકતાનું એક પ્રકારના ઓજ, તેજમાં રૂપાંતરિત થતું હોય છે, એનું એ તેજ એવું હોય છે કે સામેવાળી વ્યક્તિ એના પ્રભાવમાં આવ્યા વગર રહે નહીં. દરેક સદ્–વૃત્તિનો એવો પ્રભાવ હોય.
આપણા અધ્યાત્મિક દર્શન–ફિલોસોફી મુજબ, આપણી ‘યાત્રા’ શરૂથી જોઈએ તો શરીરથી લઈને ચેતના સુધીની છે; આ ‘યાત્રા’માં ચાલતા દરેક શરીરનો પોતિકો એક પ્રભાવ હોય, એની સુંદરતાનો પ્રભાવ હોય – હા, મેકઅપનો પણ ક્યારે’ક ‘પ્રભાવ’ હોય, સામેવાળાને એ એવી જ રીતે પ્રેરિત કરે, ઇન્સપાયર કરે કે એ પણ બાહ્ય વસ્તુઓથી, પ્રસાધનોથી શરીરને વધારે સુંદર બનાવે, પરંતુ એવો પ્રભાવ તો દેહભાવ અને બંધન તરફ લઈ જાય, મોક્ષ તરફ લઈ જનારો ના હોય. એટલે, ભાષ્યકાર પ્રસાધનોથી શરીરના તેજની વાત નથી કરતા, પરંતુ, એ તેજની વાત કરે છે જે અંદરની શુદ્ધિથી, સાત્ત્વિકતાથી આવવા લાગે.
એક વખત આપણા એક સાધકે એમના અનુભવની વાત કરી – કહે કે મેં થોડા દિવસથી યોગ, પ્રાણાયામ, ધ્યાન વગેરે થોડું–થોડું શરૂ કર્યું. આગળ કહે, “એક દિવસ મારા બનેવી ઘરે આવ્યા, અમે બંને બેઠાં હતા, અને એ મારી સામે જોયા કરે.” મેં એમને પૂછ્યું, “શું જુઓ છો?” તો એ કહે, “તમે કાંઇ યોગાભ્યાસ, ધ્યાન કરો છો?” “હા, થોડા દિવસથી કરું છું, પણ તમને કેવી રીતે ખબર પડી?” “તમારો ચહેરો કંઈ જુદો લાગે છે, તમારા મોઢા પર થોડી ચમક, તેજ જેવું લાગે છે.”
તો, એવી ચમક, તેજ અંદરથી આવતું હોય છે, અને યોગાભ્યાસ ચાલુ રાખીએ તો સમયાંતરે એ આપણને ચેતના તરફ આગળ વધવાની પ્રેરણા આપનારું હોય છે, મોક્ષના માર્ગ ઉપર આગળ લઈ જનારું હોય છે – એ ‘તેજ’ છે. આવું ‘તેજ’ યોગાભ્યાસથી થાય છે, અને યોગાભ્યાસની શરૂઆત મહર્ષિ પાંચ ‘યમ’થી કરે છે, જેને પંચ મહાવ્રત, પંચશીલ પણ કહે છે. આ પાંચ–યમ શરૂ થાય છે ‘અહિંસા’થી, અને જ્યારે સાધકમાં ‘અહિંસા’નો ભાવ પૂરેપૂરો આવી જાય તો મહર્ષિ પતંજલિજી કહે છે, अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः।|यो.सू – २:३५|| પૂર્ણરૂપે અહિંસા જ્યારે આવી જાય છે, ત્યારે એ સાધક, યોગી નિર્વૈર થઈ જાય છે, એની આગળ હિંસક પ્રાણી હોય તો એ પણ એના વેર–ભાવથી રહિત થઈ જાય છે; માણસ નિડર બની જાય.
હમણાં હું એક વ્યક્તિનો વીડિયો જોતો હતો, એ આફ્રીકન યુ–ટ્યુબની જાણીતી પર્સનાલિટી છે The Lion Man, Kevin Rene Richardson-નો વીડિયો. કેવિન ૪૫ વર્ષના છે, તમે જો એના વીડિયો જોશો તો તમને આશ્ચર્ય થશે કે ખરેખર આવું થઈ શકે ખરું?
કેવિનની ખૂબી એ હતી કે એ આફ્રિકાના જંગલના – ચિડિયાઘરના, ઝૂ–ના પાળેલા સિંહ નહીં – મોટા મોટા સિંહોને, અને એ સિંહો એને ખુલ્લામાં પરસ્પર વ્હાલ કરે! એ સિંહો એની ઉપર ચઢી જાય, ક્યારે’ક તો ત્રણ–ચાર સિંહો એને ઘેરી વળે, એની સાથે રમે, એને પ્રેમથી બૂચકારે, અને પાળેલા કૂતરાઓ ચાટે એમ એ સિંહો પણ એને ચાટે’ય ખરા – આમ આ કેવિન એકદમ નિડર થઈને એ સિંહો વચ્ચે ફરતો હોય.
કેવિને આવી નિડરતા, આવી યોગ્યતા એક–બે દિવસમાં ન્હોતી મેળવી, એ મેળવવા માટે એને વર્ષો લાગેલા. એણે કીધું કે પહેલા એ ઝૂ–માં એક સિંહ પાસે જતો હતો, ત્યાં એ સિંહ પાંજરામાં હતો, તો પણ કેવિનને જોઈને દોડે. શરૂમાં કેવિનને થોડો ભય લાગતો, પછી ધીમે–ધીમે એણે એ સિંહ–ના વર્તનનો અભ્યાસ કર્યો, એને સમજ્યો… અને, આમ કરતાં–કરતાં સિંહો માટે એની અંદરનો જે ભય હતો એ નીકળતો ગયો… અને પછી એની અંદર કોઈ ભય જ ના રહ્યો, અને ના તો એની અંદર સિંહ માટે કોઈ પ્રકારની હિંસાનો ભાવ રહ્યો. થોડા વખત પછી, સિંહ એમની પાસે આવ્યો, શાંતિથી બેઠો, અને કેવિનને એ સિંહે એની પીઠ આપી, ખંજવાળવા માટે!
એટલે, મારી અંદર જે અહિંસાનો ભાવ જે છે, એ મારા સેલ્સ–કોષોને બદલે, પરંતુ એ અહિંસાનો ભાવ અહીં કેવિનના કેસમાં specific, વિશેષ રૂપથી છે, સિંહોના એક નાના ગ્રૂપ, સમૂહ પૂરતો જ છે; બની શકે કે બીજા પ્રાણીઓ માટે એને હિંસાનો ભાવ હોય, જે ભાવ એણે કેળવેલા સિંહ માટે નથી.
બુદ્ધ માટે કહેવાય છે કે, એક વખત તેઓ જ્યારે પરિવ્રજનમાં જવા માટે ગામમાંથી નીકળતા હતા, ત્યારે તે ગામના લોકોએ એમને કીધું કે “આ રસ્તે તમે ના જાવ, આગળ રાક્ષસ જેવો એક અંગુલિમાલ છે”. તે વખતે એ પ્રદેશમાં અંગુલિમાલનો બહુ ત્રાસ હતો, કેમ કે એ માણસોને મારી નાંખતો, પછી એ મૃતની આંગળીઓ કાપીને ભેગી કરે અને એની માળા બનાવી ગળામાં પહેરતો. આ સાંભળીને બુદ્ધ કશું બોલ્યા નહીં, અને ગયા એ જ રસ્તે. કહેવાય છે કે અંગુલિમાલ જ્યારે બુદ્ધની સામે આવ્યો તો એનો જે હિંસાનો ભાવ હતો એ જતો રહ્યો, અને એ જ અંગુલિમાલ પછી બુદ્ધ ભિક્ષુક થયો. ભિક્ષુક થયા પછી ઘણા લોકો જે પહેલાના અંગુલિમાલથી દુ:ખી થયા હતા એ હવે આ ભિક્ષુક અંગુલિમાલને દુ:ખી કરવા લાગ્યા – તે ત્યાં સુધી કે લોકો એને અપમાનિત કરતા, પત્થર મારતા, એ ઘવાય જાય તો પણ એ કોઈ જ પ્રતિક્રિયા ના કરતો.
મેં જોયું છે કે કોઈ વ્યક્તિની ખરાબ વૃત્તિ હોય, એ હિંસક હોય, ગુનો કરતો હોય, ચોરી કરતો હોય, દુષ્ટ હોય, બીજાને સતાવતો હોય એ જ માણસ જ્યારે બદલાઈ જાય છે, અને જો કોઈ પવિત્ર કાર્ય સાથે, પવિત્ર હેતુ સાથે, પવિત્ર માર્ગ સાથે જોડાઈ જાય છે, તો, એ બીજા લોકો જે વર્ષોથી એ માર્ગમાં ચાલતા હોય, એમની સરખામણીમાં એ વધારે ઝડપથી આગળ પહોંચી જાય છે, કેમ કે હવે એણે આ નવો માર્ગ હ્રદયથી લીધેલો છે.
અમુક લોકો ચોરી કરતા હોય, બીજા લોકો ચોરી નથી કરતા, અને ઘણા ચોરી નથી કરતા, પરંતુ એ લોકોની અંદર અચૌર્યનો ભાવ આવી ગયો છે, એવું કદાચ ના પણ હોય – કે હવે ચોરી નહીં કરવાની, મહેનતનું જ ખાવાનું, મહેનતનું જ લેવાનું, એવો ભાવ આવી ગયો એવું નથી; અને ઘણા લોકો ચોરી નથી કરતા કેમ કે એમનામાં ચોરી કરવાની હિંમત જ ના હોય, એવું પણ બની શકે. ચોરી કરવી એ કાંઇ મામૂલી વાત નથી, ચોરી કરવા માટે ખાસ્સી એવી આવડત જોઈએ, સ્ટ્રોંગ હિંમત જોઈએ – રાતના સમયે, અજાણી જગ્યામાં, અજાણ્યા ઘરમાં સિફતથી પેંસવું, અંધારામાં ચોરી કરીને, પાછું સિફતથી નીકળી પણ જવાનું – અને એવામાં જો પકડાયા તો એ ઘરવાળા તમને મારી પણ નાંખે… એવું બની શકે. તો, આવી હિંમત હોય તો જ ચોરી કરી શકાય, વગર હિંમતે ચોરી થાય?
અહીં, નડીઆદમાં પહેલા એક ગુંડો હતો, દેખાવે એકદમ સુકલકડી શરીર. એક દિવસ એણે કોર્ટમાં જવાનું થયું, અને ત્યાં એને કોઈએ પૂછ્યું કે “તારાથી લોકો આટલા બધા કેમ ડરે છે?” એણે સામે પૂછ્યું, “તું આ જજ–ને મારી શકે છે?” “અરે! કેવી વાત કરે છે? અહીં કોર્ટમાં એવું થાય?” એ કહે, “હું તો જજ–ને અત્યારે, અહીં જ ગોળી મારી દઉં.” તો, આવા ગુનેગારને કેટલી હિંમત જોઈએ? આ તો હિંમતવાળો છે. હવે, માનો કે આ જ ગુનેગાર કોઈ સદ્માર્ગે, સન્માર્ગે આવે તો એની હિંમત સાથે આવતો હોય, બળ સાથે આવતો હોય, નિષ્ઠા સાથે આવતો હોય. એટલે, એવા લોકો આ નવા માર્ગમાં ક્યારે’ક બહુ ઝડપથી આગળ વધી જતા હોય છે, અને જે મજબૂરીમાં અહિંસક હોય, એ માળા ફેરવતો રહે, જપ કરતો રહે, પૂજા કરતો રહે, અને એ ત્યાં–ને–ત્યાં જ હોય.
લંડનમાં ૨૦૧૧ના ઓગસ્ટ મહિનામાં અકલ્પનીય આગ ચાંપવાની, લૂંટ–ફાટ, ખૂનામરકીનું તાંડવ કહી શકાય એવું લગભગ એક અઠવાડીયા સુધી ચાલ્યું હતું. ત્યાંના લોકોને સરકાર પ્રત્યે કોઈ કારણસર ગુસ્સો આવ્યો, એ ભભૂકી ઉઠ્યો, અને એ લોકોએ કેટલા’ય મોલ, દુકાનો બાળી નાંખ્યા હતા, ખૂન કર્યા હતા. આખી દુનિયામાં કોઈને વિશ્વાસ ન થયો કે એકદમ અનુશાસિત દેશની રાજધાનીમાં લોકો આવું કરે! ટોળામાં સારા–સારા લોકોએ પણ મોટી દૂકાનો અને મોલ્સ–માંથી મોંઘી–મોંઘી વસ્તુઓ લૂંટીને પોતાને ઘર ભેગી કરી હતી. નારાજ થયેલા ત્યારના પ્રાઇમ મિનિસ્ટરે જ્યારે મિલીટરી બોલાવવાની ધમકી આપી ત્યારે લોકો શાંત થયા. એ દેશના કાયદાઓ એટલા કડક છે કે સામાન્ય રીતે લોકો ચોરી નથી કરતા.
તો, ભય સાથે અચૌર્યનો ભાવ માણસમાં તેજ નથી જન્માવતું; સાચું તેજ તો આવે છે સંનિષ્ઠ અહિંસાથી, અણીશુદ્ધ સત્યથી – એવા અહિંસાનું તેજ હોય, સત્યનું જુદું તેજ હોય, પરંતુ એ પ્રકારના તેજ કોઈ પણ ભય કે દબાણ વગર હોય ત્યારે જ એમાં તેજ હોય.
ગાંધીજી એમની કાયદાકીય પ્રેક્ટિસ કરતા હતા ત્યારે, જ્યારે પણ કોર્ટમાં પ્રવેશ કરતા, ત્યારે જજ–ને ખબર જ હોય કે ગાંધીજી ખોટા કેસ લેતા જ નથી, અને તેથી ક્યારે’ક એવું પણ બનતું કે ઉતાવળમાં જજ ગાંધીજીના ફેવર (fevour)માં ચૂકાદો આપી દે’તા. સાચા જ કેસ લેવાના – એ ગાંધીજીની મજબૂરી ન્હોતી, ખોટા કેસ લેવાનું એમનાથી થઈ જ ન્હોતું શકતું.
એક વખત કોર્ટમાં ગાંધીજી પોતાના અસીલની વકીલાત કરતા હતા, અને વચમાં જ એમને ખબર પડી કે એમનો અસીલ જ ખોટો છે, તો ગાંધીજીએ એને કીધું કે “તું આ કેસ મારી પાસેથી પાછો લઈ લે, નહીં તો હું જ તારી વિરુદ્ધ થઈ જઈશ અને હું જ જજ–ને કહી દઇશ કે આ ગુનેગાર છે; આ કેસ હું નહીં લડી શકું.”
રાજા હરિશ્ચંદ્રની વાર્તા આપણે સાંભળીએ છીએ, ત્યારે સમજાય છે કે સત્ય આચરતા એમને કેટલી બધી મુશ્કેલીઓ આવી હતી, સત્યને માટે એમણે કેટલું દુ:ખ વેઠ્યું હતું, તે છતાં એમણે ક્યારે’ય ખોટું નથી કર્યું. હજારો વર્ષો પહેલાની આ વાત છે, તે છતાં આજે પણ જ્યારે સત્યની વાત આવે છે ત્યારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની વાત આવશે જ – હું મારી મહેનતનું જ ખાઇશ, એ સિવાય હું બીજું કશું જ નહીં લઇશ – આ અચૌર્ય છે. મહેનત વગરની લેવાની ઈચ્છા, આદત લાંચ–રૂશ્વત, એનાથી જ વ્યક્તિમાં અને સમાજમાં જાત–જાતના કરપ્શન પેદા થયા હોય છે – જેનાથી આજનું આપણું આખું સમાજ તંત્ર ખદબદી રહ્યું છે.
તમને ખ્યાલ હશે કે ટી.એન. સેશન (T.N. Seshan) જ્યારે ભારતના ૧૦–મા ચીફ ઇલેક્શન કમિશનર હતા (૧૯૯૦–૧૯૯૬) ત્યારે સત્ય સાથેનું એમનું જે તેજ હતું, એનાથી કેટ–કેટલા લોકો અંજાયા હશે, અને એમણે એ જ તેજથી કેટલાને દઝાડયા પણ હશે. મને ખ્યાલ છે કે સેશનના સમયના જ એક પ્રધાન મંત્રી નરસિંહા રાવ એક વખત ચૂંટણી પ્રચારની એક સભામાં લોકોને કહેતા હતા કે “મારે તમને ઘણી બધી વાતો કરવી છે, પણ મારી આચાર સંહિતાને લીધે હું એ બધું બોલી નથી શકતો.” ત્યારે મને થયું કે આ સેશનનું તેજ કેટલું છે કે એક PMને પણ એમની આચાર સંહિતા યાદ અપાવી ‘દે છે, અને તેઓ એ આચાર સંહિતાથી ગભરાય પણ છે. સેશન પહેલા કોઈ પ્રધાન મંત્રી કે રાજકારણી ક્યારે’ય આચાર સંહિતા વિષે વિચારતા જ ન હતા.
રાજતંત્રમાં નાના અધિકારીઓ પણ હોય છે જે કરપ્શન નથી કરતા, એનું એક ‘તેજ’ હોય છે, મજબૂરીમાં નથી કરતા એવું નથી, એમને નિષ્ઠા છે કે ના, જીવવું તો ઈમાનદારીથી જ જીવવું.
આવી જ રીતે બ્રહ્મચર્યનું પણ ‘તેજ’ હોય છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે અમેરિકા ગયા હતા, ત્યારે એક વખત ભૂલથી તેઓ ત્યાંના રેડ–લાઇટ એરિયામાં નીકળી ગયા; ત્યાંની બહેનો એમની નજીક આવીને હાંસી–મશ્કરી કરવા લાગ્યા. તરત જ તેઓ “મા”, “મા” બોલ્યા, તો એ બહેનો એકદમ નીચે ઘૂંટણીએ પડી ગયા, એમના વસ્ત્રોને ચૂમવા લાગ્યા (ખ્રિસ્તી ધર્મમાં આમ કરવું પવિત્ર ગણાય છે). તો, બ્રહ્મચર્યનું એક ‘તેજ’ હોય છે. સાદાઈ, સરળતાનું એક તેજ હોય.
આ જે ‘તેજ’ છે એ શરીરના અંતર્ભાવથી શરૂ થાય છે, ઇંદ્રિયોના કોઈ કાર્યથી થાય છે. ઇંદ્રિયોની એવી વિશેષતા છે કે કોઈ પણ ઇંદ્રિયનું તપ હોય, તો એ ઇંદ્રિય શાંત હોય, અને અંદરથી મન પૂરેપૂરી રીતે જાગરૂક હોય – ત્યારે એ ઇંદ્રિય ધીમે–ધીમે શરીરની ઇંદ્રિયોની સીમાની બહારથી પણ કામ કરતી થઈ જાય છે. સામાન્ય રીતે, ચક્ષુ–ઇંદ્રિયને કશું પણ જોવું હોય તો એને આંખ–રૂપી સાધન (instrument) જોઈએ, આંખ વગર એ જોઈ શકે નહીં; પરંતુ જો કોઇ વ્યક્તિનું તપ વધી જાય તો એ આંખ વગર પણ જોઈ શકે છે. એક ભાઈ છે, એ હાથના અંગૂઠાથી વાંચી શકે છે. હવે તો નાના–નાના બાળકો માટે આવા વગર આંખે જોઈ શકે એવા પ્રયોગો શરૂ થયા છે.
આંખના તપની વાત મહાભારતના ગાંધારી દ્વારા જાણીતી છે – ગાંધારીની બાબતમાં આપણે સાંભળ્યું છે કે તેમણે લગ્ન બાદ આખા જીવન સુધી પતિવ્રતને હિસાબે એમની આંખો ઉપર પાટો બાંધી દીધો હતો. દાયકાઓની આવી કડક તપશ્ચર્યાથી એમની આંખમાં એટલું તેજ આવી ગયું હતું કે છેક મહાભારતના યુદ્ધ પહેલા તેમણે એ પાટો જ્યારે કાઢ્યો અને પુત્ર દુર્યોધનના શરીર પર દૃષ્ટિ કરી, અને એમણે પુત્રનું આખું શરીર વજ્રનું બનાવી દીધું હતું, અને એનો વધ ના થઈ શકે એવો એને બનાવી દીધો હતો; પરંતુ, આ તો ભગવાન શ્રીકૃષ્ણે સમય–સૂચકતા અને હોંશિયારી કરી દુર્યોધનને ચડ્ડી પહેરાવી દીધી, નહીં તો એનો વધ ના થા’ત.
આવી રીતે, કોઈ પણ ઇંદ્રિયનું તેજ વધી શકે છે; વિચારોનું પણ એક અનોખું તેજ હોય છે, એકાગ્રતાનું એક તેજ હોય છે, સારા ભાવોનું તેજ હોય, પ્રેમનું, કરુણાનું, દયાનું, ત્યાગનું… બધાં’ય ભાવોનું તેજ હોય, અને એ તેજ આખા શરીરને રૂપાંતરિત કરી ‘દે છે; ત્યાર પછી મેં જે વાત કરી તેમ ધીમે–ધીમે એની આજુ–બાજુ બધું એને રૂપાંતરિત કરતું હોય, અને એ રૂપાંતરણના હિસાબે જ માણસના વિરોધીઓ પણ વિરોધ ના કરી શકે એવી સ્થિતિ આવતી હોય, લોકો એનાથી અંજાઈ જતાં હોય છે.
આપણું તેજ વિવિધ પ્રકારે વધી શકે છે – કર્મયોગથી થાય, ભક્તિથી થાય, યોગ–થી થાય. આ માટે એક સીધું સરળ તાત્પર્ય છે કે ભગવાન છે, અને ભગવાન મારી સાથે છે, હું ભગવાનનો છું – આ સત્યનું ક્યારે’ય વિસ્મરણ નથી થતું, જેમ મને મારી જાત માટેનું વિસ્મરણ નથી થતું એવી રીતે. મને કોઈ દિવસ હું ‘મોહનભાઇ’ છું, ‘પ્રતાપભાઈ’ છું એ યાદ રાખવા માટે મારે રોજે–રોજ માળા નથી કરવી પડતી, કે હું ‘મોહનભાઇ’ કે ‘પ્રતાપભાઈ’ છું; ‘આ પ્રતાપભાઈ, પ્રાતાપભાઈ આમ, પ્રતાપભાઈ આમ…’ ‘મોહનભાઈ આ છે, મોહનભાઇ આ છે, મોહનભાઇ આમ હોય…’ એવી વાતો માટે આપણે પોતાને માટે રટણ કે માળાજાપ નથી કરવા પડતા. જો આવું છે, તો પછી મારે/આપણે ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય—ની જપ–માળા કેમ કરવી પડે છે? એક વખત મનથી, દૃઢતાથી સ્વીકારાઇ જાય કે શિવજી છે, શિવજી મારી સાથે છે, શિવજી મારા છે, હું શિવજીનો છું – એ વાત નિષ્ઠાથી ભક્તની અંદર ઉતરી જાય, ત્યારે એની અંદર એક પ્રકારનું તેજ ઉત્પન્ન થાય છે.
વીસમી સદીના અમેરિકાના ન્યુ જરસીમાં એક બહેન નામે Mildred Lisette Norman થઈ ગયા (૧૯૦૮–૧૯૮૧), જે અમેરિકામાં એક શાકાહારી, આધ્યાત્મિક, mystic, અલગારી વ્યક્તિ તરીકે જાણીતા થયા હતા. તેમણે ૧૭ વર્ષની ઉંમરથી મોટે ભાગે ચાલવાનું શરૂ કર્યું હતું, અને આખું જીવન, આખા અમેરીકામાં હજારો માઈલ ચાલ્યા હશે, ક્યારે’ક મળે તો વાહનમાં લિફ્ટ લઈ લે’તા હશે; અમેરીકામાં આખું જીવન આવા કપરાં કાર્યો કરવા લગભગ અશક્ય છે, હા, ભારતમાં શક્ય છે કે લોકો ચાલતા હોય, ભગવાનના ધામ માટે નીકળ્યા હોય તો એમની બધી આગતા–સ્વાગતા થતી હોય, એમને માટે બધે–બધી વ્યવસ્થા થતી હોય, સાધુ–સંતોને માટે વ્યવસ્થતા થતી હોય, ભક્તો માટે વ્યવસ્થા હોય… પણ અમેરીકા જેવા પાશ્ચાત્ય, ધની, એકદમ ભૌતિકી સમાજ! આવા દેશમાં તમે કોઈ આવક–વાળા કામ ના કરો તો જીવી ના શકો, સરવાઈવલ માટે તમારે કામ તો કરવું જ પડે, અને કામ કર્યા વગર તમે એ દેશમાં આખું જીવન રહી જાવ! એ પણ ચાલતા રહીને, અજાણી જગ્યામાં ફરતા રહો, અને એ પણ સ્ત્રી–શરીરે?
આ બહેને એમના અનુભવોનું એક પુસ્તક લખ્યું છે – Peace Pilgrim (પીસ પિલગ્રિમ – શાંતિ–દૂત / શાંતિ–માર્ગના યાત્રી). આ પુસ્તકમાં એમના જીવનનો એક કિસ્સો છે – એક દિવસ એ એવી રીતે ગયા હશે, કોઈ ટેક્સીમાં લિફ્ટ લીધી હશે, અને ટેક્સીવાળો ક્યાં’ક રોકાયો હશે, થોડો વિશ્રામ કર્યો હશે, અને એ બેન તો એ ટેક્સીમાં નિરાંતે સુઈ ગયા. ટેક્સીવાળાની વૃત્તિ થોડી ખરાબ થઈ, તો જ્યારે એ પાછળની બાજુ જવા લાગ્યો, અને ત્યાં જોયું તો એ બેન શાંતિથી ઊંઘતા હતા. ત્યારે ટેક્સીવાળાએ એમના ચહેરા ઉપર જે તેજ જોયું! પછી તો એની હિંમત જ ના થઈ, અને એ પાછો આવી ગયો.
મીંરા સાથે પણ આવું થયેલું – એક વખત મીંરાબાઈ વૃંદાવન જતા હતા – અને એ વખતે (લગભગ ૫૦૦ વર્ષ પહેલા) તો જંગલોમાંથી ચાલતા જવાનું હતું રાજસ્થાનથી છેક વૃંદાવન (જે આજના સુધારેલા રસ્તાઓથી પણ લગભગ ૮૬૫ કિ.મી.નું અંતર થાય). વિચાર કરો, કેટલું અઘરું હશે એ સમયમાં! અને મીંરા તો રાજસ્થાનના રાજકુળના હતા, સુંદર હશે. આવા કઠિન રસ્તે ચાલતા એક જગ્યાએ સાંજ પડી ગઈ, આજુ–બાજુ કોઈ ઘર દેખાયું નહીં, વિચાર કરવા લાગ્યા કે રાતવાસો ક્યાં કરીશું? ત્યાં, રસ્તામાં એક ભાઈ મળ્યા, કહે કે “નજીકમાં કોઈ ઘર નથી, એક મારું જ ઘર નજીકમાં છે, તમે આજે રાતે ત્યાં રોકાઈ જાઓ, સવારે આગળ જજો.” મીંરાએ કહ્યું “ભલે”. એ ભાઈએ એમને એક રૂમ આપી દીધો, એમાં મીંરા સૂતા હતા. ભાઈની વૃત્તિ ખરાબ થઈ, અને જ્યારે એ રૂમમાં ગયા અને મીંરાને સૂતેલા જોયા, ત્યારે મીંરા સાથે ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ પણ હતી. એ ભાઈએ જોયું તો એ મુર્તિમાંથી એટલું બધું તેજ નિકળતું હતું કે એ એનાથી અંજાઈ ગયો, ગભરાઈ ગયો, અને રૂમની બહાર નીકળી ગયો. બીજે દિવસે એણે ક્ષમા માંગી.
તુલસીદાસજી સાથે પણ આવું થયું હતું. તુલસીદાસજીના ‘માનસ’ (રામચરિત માનસ)ને નષ્ટ કરવા કાશીના અમુક વિઘ્નસંતોષી પંડિતો ભેગા થઈને બે જણાને મોકલેલા. એ બંને જણ જ્યારે તુલસીદાસજીની કુટિયામાં ગયા, તો ત્યાં એમણે જોયું કે બે યુવાનો ધનુષ–બાણ લઈને ઊભા છે!! પછી, રાત્રે પાછા એ બંનેએ ‘માનસ’ ચોરવા માટે બે–ત્રણ વખત પ્રયત્ન કર્યો, અને દર વખતે એ લોકોને ત્યાં બે યુવાનો ધનુષ્ય–બાણ સાથે ઉભેલા જોયા!!
તો, આ ભક્તિનું ‘તેજ’ છે, અને એ તેજ ભક્તના શરીરથી વ્યક્ત થઈ શકે, એના ઇષ્ટથી વ્યક્ત થઈ શકે, કોઈ પણ માધ્યમથી વ્યક્ત થઈ શકે. બીજે દિવસે એ બંને ચોરો ગયા તુલસીદાસજી પાસે, એમને પગે લાગ્યા, અને એમની ક્ષમા માંગી.
હવે, આપણે તુલસીદાસજીનો ભગવત્પ્રેમ જોઈએ– તુલસીદાસજીને ખબર પડી કે અરે! મારા ઈષ્ટએ, ભગવાન રામે મારી આ નાનકડી રચનાને લીધે રાત્રે ઊભા રહેવું પડે, જાગવું પડે?! તો, એ જ ક્ષણે એ તો ઊભા થઈ ગયા, અને પોતાની ‘માનસ’ની રચનાને લઈને ગંગાજીમાં પધરાવવા જતાં હતા, કહે મારે આ રચના ના જોઈએ, કેમ કે એને માટે મારા ભગવાને આવો, આટલો કષ્ટ લેવો પડ્યો, મારે આ રચના ના જોઈએ.
અને આપણે? આપણે તો કેવી–કેવી નાની–નાની વાતોમાં ભગવાનને કષ્ટ આપીએ છીએ – લગ્ન ના થતું હોય તો ભગવાનને કહીએ, ‘થોડું જો–જો, હાજર રહેજો’. અને, તુલસીદાસજીને જુઓ, ‘માનસ’ તો એમના આખા જીવનની ભક્તિ–સભરની મહેનત હતી, એમની કમાણી હતી, અને તેઓ એ જ ‘માનસ’ની રક્ષા માટે ભગવાનને જરા સરખું પણ કષ્ટ આપવા તૈયાર નથી – આનું નામ ભક્તિ! નિષ્કામ ભક્તિ. અને આપણે ભગવાનને જ કહીએ છીએ કે ‘તમે મને આટલું કરી આપો તો હું આટલું કરીશ’ એ તો નર્યો ધંધો, બિઝનેસ હોય… ‘બે કિલો પેંડા ચઢાવીશ’, ‘થાળ ધરાવી દઇશ’, ‘તારા દર્શને આવીશ…’ જાણે કે ભગવાન ઉપર બહુ મોટો ઉપકાર કરતા હોઈએ! ભગવાનને આપણા દર્શનની જરૂર નથી, નહીં જઈશું તો’ય એમને કશું થવાનું નથી.
તો, ભક્તિનું તેજ હોય, આત્મનિષ્ઠાનું તેજ હોય, આત્માનું તેજ હોય, એની સત્તા માત્રનું તેજ હોય!
રમણ હતા, રામકૃષ્ણ હતા… રામકૃષ્ણ પાસે એક વખત રાજસ્થાનના એક બહુ મોટા વિદ્વાન આવેલા, એ રાજગુરુ હતા. એ વિદ્વાન રામકૃષ્ણને મળ્યા એ પહેલા (એ સમયના) કલકત્તામાં એમના પ્રવચનો ચાલતા, આખા કલકત્તામાં તેઓ પ્રસિદ્ધ થઈ ગયા હતા – તમે શાસ્ત્રોનો કોઈ પણ પ્રશ્ન એમને પૂછો તો એ તત્કાળ સમાધાન આપી દે’તા, એટલા વિદ્વાન હતા.
એક દિવસ કોઈએ એમને કીધું કે અહીં દક્ષિણેશ્વરમાં એક સંત રહે છે, ત્યાં જજો. એ ભાઈ તો ગયા રામકૃષ્ણને મળવા, અને રામકૃષ્ણને જોઈને એમને લાગ્યું કે ‘હું તો એકદમ ખાલી છું, હું કશું જ નથી’, અને રામકૃષ્ણની પાસે ધ્રુસકે–ને–ધ્રુસકે રડી પડ્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને કહે, “મેં મારા જીવનમાં કશું કર્યું જ નથી.” કહેવાય છે કે એ વિદ્વાન પછી સંન્યાસ લઈને કલકત્તાથી નીકળી ગયેલા, અને સાધનામાં લાગી ગયેલા.
તો, આત્મનિષ્ઠાનું એક તેજ હોય, જે કોઈ પણ ગુણમાં, કોઈ પણ સદ્ગુણમાં આપણી વૃત્તિ, સંશય વગર હોય, પાકી નિષ્ઠા હોય, કોઈ પણ પ્રકારના ભય કે પ્રલોભન વગર હોય. આવી રીતે હું જે પણ આચરણ કરતો હોઉં તો મારી અંદર એ તેજ ધીમે–ધીમે વધે, અને જેમ તેજ હોય ‘ના, એમ એ ધીમે–ધીમે આવે. અંધારામાં તેજ પ્રગટ થાય તો પહેલા બધી વસ્તુઓ સ્પષ્ટ થાય, દેખાય… એવી જ રીતે જ્ઞાન થાય તો એને બધું ‘દેખાય’ કે સત્ય શું છે? અસત્ય શું છે? એ સમજે, કે ખોટું શું છે, સાચું શું છે. એ જ વ્યક્તિ પછી એ જ્ઞાનના ‘તેજ’થી અંજાવા લાગે, એટલે પછી એને વિસ્મય થાય કે અરે!… તો, આ ‘અરે!…’ જે છે, એને ભગવાન કહે છે ‘आश्चर्यवतपश्यति कश्चिदेनम् … (गीता, २–२९) કે એને આશ્ચર્ય થાય, વિસ્મય થાય, “અરે…”! એ જે પ્રતીતિ થતી હોય આનંદની, શાંતિની, બોધની, એને આશ્ચર્ય જ થતું જાય, એ આશ્ચર્ય વધતું જાય… … અને એક સમય એવો આવે છે કે પ્રકાશ થઈ જાય, … … એને બોધ થઈ જાય … … પછી, બધું એક થઈ જાય… કોણ, કોને જોનાર છે?! તો, ત્યાં પ્રકાશ – પરમ તેજ – સિવાય બીજું કશું જ ના હોય.
એમ, એ જે તેજ છે, કોઈ પણ સત્કૃતિનું, સદ્–વૃત્તિનું, એ ધીમે–ધીમે આપણને સત્ય તરફ લઈ જાય.