ભારતીય સંસ્કૃતિ – પ્રવચન પુષ્પ 34 – સંન્યાસ – 3
(પરમ પૂજ્ય સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)
ભારતીય સંસ્કૃતિ એટલી બધી વિકસિત અને એડવાન્સ્ડ છે કે એને સમજવી થોડી અઘરી પડે, એવી જ રીતે કે જેમ કોઇ પણ વ્યવસ્થા ધીમે-ધીમે વિકસતી જાય છે, વિકસિત થતી જાય છે તેમ એને જાણવા, સમજવા માટે વધારે ઇંટેલિજન્સ, બુદ્ધિ જોઇએ. સન 1984-85માં સૌથી પહેલા આવેલા મોબાઈલ ફોન તો સાદા-સિમ્પલ-ફિચર ફોન હતા, એ ફોનથી આપણે બે મુખ્ય કામ કરતા હતા – બીજા સાથે વાતચીત કરતા અને કોઇનો ફોન આવે તો એને રિસીવ કરતા. આવા સાદા ફોનમાં જો ક્યારે’ક કોઈ ગરબડ થતી, તો એને રસ્તાને કિનારે બેસતો મિકેનિક સહેલાઈથી રીપેર કરી આપતો. છેલ્લા દોઢ-બે દાયકામાં મોબાઈલ ફોન ટેક્નિકલી એટલા તો એડવાન્સ્ડ થઈ ગયા છે કે હવે એને કોઈ સાદો મિકેનિક રીપેર નહીં કરી શકે, કેમ કે એની જે વિકસિત ટેક્નોલોજી છે એ મુખ્યત: એડવાન્સ્ડ સોફ્ટવેર-આધારિત હોવાથી હવે એ ટેક્નોલોજી કોઈ સાદા મિકેનિકને સમજાય એવી નથી રહી, એ હવે માત્ર ફોઁન બનાવનાર જે-તે કંપનીના હાથમાં, કે કંપની સાથે જોડાયેલા સોફ્ટવેર ટેક્નીશિયનોના હાથમાં અથવા તો એ ટેક્નોલોજીને જાણનાર અન્ય સોફ્ટવેર ટેક્નીશિયનોના હાથમાં જતી રહી છે, અને તેથી આજના ફોનમાં જો કોઈ નાની ગરબડ પણ થાય તો રીપેર કરવા માટે જે-તે કંપનીના સર્વિસ સેંટર પર જ આપવો પડે. વાત માત્ર ફોનના પ્રોગ્રામિંગની હોય કે ડિઝાઇનિંગની હોય, એને શીખવા માટે કેટલું બધું જાણવું પડે, ભણવું પડે અને એમાં કદાચ આખું જીવન પણ લગાવી દો તો’ય પ્રોગ્રામિંગ પૂરેપૂરી ન જાણી શકાય. આવી જ રીતે કોઇ પણ વ્યવસ્થા હશે એ જેમ-જેમ વિકસીત થતી જશે એડવાન્સ્ડ થતી જશે તેમ-તેમ એને સમજવું અઘરું પડે છે .
મને ખ્યાલ છે કે નડિયાદમાં એક વખત પશ્ચિમમાં રહેતા એક ભાઈ આવ્યા હતા; એ ઘણા દિવસોથી ભારતમાં ફરતા હતા અને નડિયાદમાં આવી એમણે એક-બે ઉત્સવો જોયા. એમને પૂછ્યું કે હિંદુ ધર્મ તમને કેવો લાગે છે. એ કહે “મને એવું લાગે છે કે હિન્દુ ધર્મને સમજવા માટે મને કદાચ એક જન્મ પણ ઓછો પડશે કેમ કે અહીં કોઈ કયા દેવને પૂજે છે, કોઈ બીજા દેવને, કોઈ કશું પૂજે છે, કોઈ બીજું કાંઇ કરે છે, કશું સમજાતું જ નથી.”
હવે એમના ખ્રિસ્તી ધર્મમાં વાત બધી સીધી અને સરળ છે – એમને માટે ધર્મ એટલે સન્ડે ચર્ચમાં જાવ, ત્યાં ‘માસ’(mass)માં જઈને પ્રેયર કરો, બાકીના દિવસે તમે ફ્રી; એ વચ્ચે તમને કોઈ મુશ્કેલી થાય તો ચર્ચના ફાધરને કન્ફેશન કરી આવો, કોઈ વિધિ કરાવવી છે તો તમે એને કહી ’દો; ભગવાનને કશું કહેવું છે તો ફાધરને એના કાનમાં કહી ’દો એટલે પતી ગઇ. તો, ખ્રિસ્તી ધર્મની વાત આટલી, અને બાઇબલનો શક્ય એટલો વધુને વધુ અભ્યાસ કરો.
ભારતમાં સનાતન ધર્મની વાત કરીએ તો અહીં તો કેટલા ગણ્યા-ગણાય નહીં એટલા શાસ્ત્રો છે, કેટલા બધાં દેવ-દેવીઓ છે, એટલી પૂજાવિધિઓ છે, અને જોઈને કોઈને સમજાતું જ નથી કે આ બધું છે શું?
આપણે આ વ્યવસ્થા અંગે થોડી ચર્ચા કરી રહ્યા છીએ, અને એમાં પણ ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય જીવનની જે પરમોચ્ચ સ્થિતિની છે, જ્યાં ભારતીય સંસ્કૃતિની સીમા પૂરી થાય છે, જ્યાં માનવ જીવન પૂરું થાય છે, મનુષ્ય જીવનની ઉપલબ્ધિ પૂરી થાય છે એ છે સંન્યાસ. આ સંસ્કૃતિમાં ચાર પુરુષાર્થો કહ્યા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણી સંસ્કૃતિ સંન્યાસમાં અને પછી મોક્ષમાં પૂરી થાય છે.
સંન્યાસની બાબતમાં આપણને જ બહુ બધી શંકા-કુશંકાઓ છે, આપણે જ બહુ દ્વિધામાં હોઈએ છીએ, તેથી સંન્યાસ માટે બે વર્ગ છે – એક વર્ગ કહે છે સંન્યાસ નકામો છે, લોકો સંન્યાસને નામે ભાગી જાય છે, પોતાની જવાબદારીઓથી ભાગે છે, કામ-ધંધો છોડી દે છે, એ લોકોને સંન્યાસ માટે બિલકુલ રિસ્પેક્ટ નહીં હોય; બીજો વર્ગ છે એમાં પણ બે મત છે એક, કે જે સંન્યાસને રિસ્પેક્ટ કરે છે એ એમ માને છે કે અમારે માટે સંન્યાસ જ સર્વસ્વ છે. બીજો વર્ગના લોકો સાધુને માનતા તો હોય પણ પોતાના ઘરની કોઈ વ્યક્તિ સાધુ થાય એ એમને માન્ય નથી; એટલે પછી એ સંન્યાસને ગાળ પણ આપતા ચૂકતા નથી. હા, મોટા ભાગના લોકો એવું જ કહે કે સાધુ પોતાના ઘરેથી નહીં, બીજાના ઘરથી કોઈ સાધુ થાય તો એમને ચાલે, કોઇને સંન્યાસ લેવો જ હોય તો આપણા ઘરેથી કોઈએ ન લેવો.
હમણાં થોડા દિવસ પહેલા જ આશ્રમમાં મને મળવા માટે ચાર પાંચ ભાઈઓ આવ્યા હતા; એમના ગામમાં કોઈ આશ્રમ હશે, ત્યાં ઘણા દિવસથી કોઈ સંત નથી. એ લોકોએ મને કીધું કે “કોઈ સંત હોય તો એ આશ્રમમાં રહે, અમે બધી વ્યવસ્થા સાચવી લઇશું. મેં કીધું, “તમે પાંચ જણા છો, તમારામાંથી જ કોઇ સાધુ થઈ જાવ, ત્યાં આશ્રમમાં જઈને બેસો ને! ક્યાં તકલીફ છે? સંત કોઇ આકાશમાંથી નથી આવવાના, તમને કેમ નથી થતું કે આટલા દિવસથી આશ્રમ ખાલી પડયો છે તો હું જાતે જ જવાબદારી લઉં હું જાતે જ સાધુ થઈ જાઉં, અને ત્યાં બેસી જાઉં; ક્યાં તકલીફ થવાની છે તમને.”
આ સંસ્કૃતિએ સંન્યાસને શિખર પર સ્થાપ્યું છે. આપણે એ પણ વાત કરી હતી કે રાજા મહારાજાઓના સમયમાં, કોઈ મોટા મહારાજા, ચક્રવર્તી રાજા હોય એ પણ સાધુને જોઈને દંડવત્ પ્રણામ કરતો હતો, પછી એ સંન્યાસી ભલે નાનો આઠ વર્ષનો’ય બાળક કેમ ન હોય! તો પણ ચક્રવર્તી રાજા, મહારાજા એને પ્રણામ કરતા હતા.
અહીં મહત્વનું એ છે કે આપણા ઋષિઓની જે દ્રષ્ટિ છે, સંન્યાસ પ્રત્યેની એમની જે સમજ છે, એમનું જે બૃહદ, વૈશ્વિક જ્ઞાન છે એને આપણે સમજવું છે.
સંન્યાસનો અર્થ એવો નથી કે બધું છોડી, ભગવા વસ્ત્રો પહેરી લો તો સંન્યાસી થઇ જવાય, અને એવો અર્થ પણ નથી કે કશું પણ છોડીએ જ નહીં અને તો પણ સંન્યાસી થવાય. ઘણા લોકો તો એમ કહેતા હોય છે કે સંન્યાસ એ તો એક આંતર્નિષ્ઠા છે, એ તો મનની એક સ્થિતિ છે, એટલે સંન્યાસને બહારના ત્યાગથી શું મતલબ.
એક વખત મેં સંન્યાસ પ્રત્યે આવો વિચાર રાખનારા એક સાધકને પૂછ્યું, જો સંન્યાસ માત્ર આંતર્નિષ્ઠા જ હોય, સર્વસ્વ છોડી, ત્યાગ કરી માત્ર આત્મસ્થિતિમાં રહેવું એ માત્ર આંતર્નિષ્ઠા જ છે, અને સંન્યાસમાં જો બધું અંદરથી જ થઇ જતું હોય, મનથી જ થઇ જાય, માત્ર મનથી જ ત્યાગ થઇ જાય અને બહારથી કશું છોડવાની જરૂર નથી, તો પછી ગૃહસ્થાશ્રમ પણ મનથી થઇ શકે છે ને? મનથી લગ્ન કરી લો, મનથી બાળકો થઇ જાય, મનથી બધું કરી લો, અને જે કરવું હોય એ બધું મનથી કરી લો, બહારથી કરવાની ક્યાં જરૂર છે? ના, એવું નથી થતું, બધું બહારથી જ હોય; અને અંદરથી ના હોય એવું પણ નથી, બંને જોઇએ.
સંન્યાસ કાષાય વસ્ત્ર પહેરીને થઇ શકે છે, અને કાષાય વસ્ત્ર પહેર્યા વગર પણ થઇ શકે છે. એટલે, સંન્યાસને થોડું વધારે સમજવાની જરૂર છે.
સંન્યાસને સાચા અર્થમાં સમજવા માટે એવું સમજો કે એક અખંડ ચેતના, એક અખંડ તત્ત્વ જે છે, જે કણ-કણમાં વ્યાપ્ત છે, અને એનો જ બધો વિસ્તાર છે, એમાંથી જ આપણું અસ્તિત્વ, આપણી ઓળખ, આઇડેન્ટિટી બધું છૂટું પડ્યું છે… અને,
એટલે જ કહેવાય છે ને કે જ્ઞાની મહાપુરુષો જે છે એ સ્વયં નથી બોલતા, નથી સાંભળતા, નથી જોતા, નથી કશું કરતા … એની અંદરથી પરમાત્મા જ બોલે છે, પરમાત્મા જ સાંભળે છે, પરમાત્મા જ જુએ છે, એ જાતે કશું જ નથી કરતા, કેમ કે એની જે ચેતના છે એ પરમાત્મા સાથે એક થઇ ગઇ હોય છે, અને એને માટે એ જ સંન્યાસ છે.
આપણી વાત થઇ હતી કે દરેક મનુષ્યનો સ્વભાવ છે કે એની સાથે જે-જે દૃશ્યો, વસ્તુઓ, વ્યક્તિઓ સંપર્કમાં આવે છે એની સાથે એ રાગ અથવા દ્વેષથી બંધાય છે; એવી જ રીતે જગ્યા પણ બાંધે છે, સ્વાદ બાંધે છે, માણસો સાથેના સંબંધો બાંધે છે. ઇન્દ્રિયોના સંપર્કમાં જે પણ કશું આવે છે, એની સાથેના જે પ્રમાણેના ભાવો હોય એ ભાવોથી લોકો એ દરેક વસ્તુના, વ્યક્તિના બંધનમાં પડે જ છે. જો એ ભાવ તીવ્ર રાગનો હોય તો પછી એના વગર નથી રહી શકતા, જો અણગમાનો કે દ્વેષનો ભાવ હોય તો એ પ્રમાણેનું બંધન પણ થાય છે… આ રાગ-દ્વેષ-જનિત બંધનોની પ્રક્રિયા તો જન્મો-જન્મથી ચાલતી આવી છે, જન્મો-જન્મ સુધી ચાલતી રહેવાની.
આપણે કેટલા’ય જન્મોથી જાણતા-અજાણતા આવા બંધનો ઉભા કરતા આવ્યા છીએ – અને જેણે આવા દરેક પ્રકારના બંધનોથી મુક્ત થવું છે, દરેક પ્રકારની લાગણીઓ, રાગ-દ્વેષોથી મુક્ત થઇને, બસ સ્વ-માં જ સ્થિત થવું છે એને માટે સંન્યાસ છે. મનુષ્ય જીવનના આ પરમોચ્ચ, પરમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની જે સાધના છે એ સંન્યાસ છે.
આ વાતને સરળતાથી સમજીએ, કે આપણે ઘરેથી ગમે ત્યાં ગયા હોઇએ, દૂર પણ જઇએ, અને માની લો કે દિલ્લી ગયા, ત્યાં જોઇએ તો હજારો લોકો હોય આજુ-બાજુ, પણ કોઇ જાણીતી વ્યક્તિ ના હોય, તો ત્યાં આપણને એકલું લાગે છે કે ભર્યું-ભર્યું લાગે? ત્યાં આપણી આજુ-બાજુમાં તો હજારો લોકો હોય તો પણ કેમ એકલું લાગે છે? અને માનો કે ત્યાં આપણને કાંઇ થાય તો સૌથી પહેલા શું સાંભરે, યાદ આવે છે? હા, તરત જ ઘર યાદ આવે છે; અરે! શરીર જો સહેજે’ય ગરમ થયું હોય તો પણ થાય કે ચલો ઘરે પાછા જઇએ. ત્યાં તમારી પાસે પૈસા હોય, અન્ય સગવડો હોય, સારી હોસ્પિટલો પણ હોય તો’ય તમે ઘર તરફ દોટ મૂકો છો.
આનો અર્થ એ થયો કે આપણે ગમે ત્યાં જઇએ, આપણું મન તો ઘર સાથે બંધાયેલું જ હોય, ઘરના સંબંધો સાથે બંધાયેલું જ હોય, એક ઉડતી પતંગની માફક – પતંગ ભલે આસમાનમાં ઉડતી હોય, પણ એની ડોર તો નીચે કોઇના હાથમાં જ હોય; એવી જ રીતે આપણે ગમે તયાં ફરતા હોઇએ, આપણા મનની ડોર તો ઘરે જ બંધાયેલી હોય છે.
હવે, સર્વ-વ્યાપ્ત પરમ ચેતના એ જ આપણું મૂળ ‘ઘર’ છે, અને એ જ ચેતના આપણા હ્રદય-ગુહાની અંદર સ્થિત છે. એ ચેતના તો પૂર્ણ છે, સૌની અંદર છે, અને એ સર્વત્ર વ્યાપ્ત પણ છે, તેથી તાત્ત્વિક રીતે તમે (અને આપણે બધા) એ પરમ ચેતના સાથે જોડાયેલા છીએ, તમે પણ પૂર્ણ છો, તમે પણ સૌની અંદર છો, તમે પણ સર્વત્ર છો. આ દિવ્ય, અલૌકિક અનુભવ સાથે કઇ રીતે જીવવું એ સમજાવવા માટે ઋષિઓએ સંન્યાસની વ્યવસ્થા આપી છે.
આપણા ઋષિઓએ એમની સમાધિ-અવસ્થામાં જાણ્યું હતું કે સત્ય શું છે, આખા અસ્તિત્વની અંદરનું રહસ્ય શું છે, જીવન શું છે, જીવનની પૂર્ણતા શું છે. આવા ગહન પ્રશ્નો જેને પણ થતા હોય એ બધા માટે ઋષિઓએ એક ઉત્તમ ઉત્તર તરીકે સંન્યાસની વ્યવસ્થા આપી. સંન્યાસનો અર્થ છે કે સાધકે હવે (સંન્યાસ લીધા પછી) એના ‘પતંગ’ની ડોર બાહ્ય ભૌતિક સંસાર સાથે જે જોડાયેલી હતી એ જ કાપી દીધી છે, એ હવે સંન્યાસી છે; તો, હવે શું કરવાનું? એણે તો ક્યાં’ય જવાનું છે જ નહીં, એને કોઇ ઘર નથી, નથી કોઇ માતા-પિતા, ના ભાઇ-બહેન, ના કોઇ અન્ય સગા કે સંબંધિઓ, ના કોઇ સમાજ; એનું પોતાનું કહી શકાય એવું હવે કોઇ કે કશું જ નથી રહ્યું.
એટલે, સંન્યાસની વ્યવસ્થા ગજબની છે – આપણે સંન્યાસીને એવું ના પૂછી શકીએ કે તમે કઇ જ્ઞાતિના છો, તમારું ગામ ક્યાં છે, તમારા મા-બાપ કોણ, તમે શું ભણ્યા છો?… કેમ કે એણે તો સમાજ-સંસાર સાથેની એની ડોર કાપી જ નાંખી છે… તમે કોઇ સંન્યાસી વિશે કશું પણ જાણતા નથી તો પણ એની સ્થિતિને, એને તમે સ્વીકારો છો, એક્સેપ્ટ કરો છો, માન પણ આપો છો. સંન્યાસી થયા પછી તમને એક આંતરિક ભાવના જાગે છે કે અરે! બધું જ આપણું છે, બધાં’ય માણસો આપણા છે, બધાં’ય ઘર આપણા છે, સમસ્ત કુદરત આપણી છે, કોઇ પારકું છે જ નહીં… કશું પારકું નથી.
મેં પહેલાં વાત કરી હતી કે એક વખત સ્વામી રામતીર્થ વહાણથી જાપાન ગયા હતા; ત્યારે દરિયા-માર્ગેથી વિદેશ જવાતું હતું. જાપાનનું બંદર આવ્યું અને લોકો ઉતરવાની ઉતાવળમાં હતાં; સ્વામી રામતીર્થ તો આરામથી વહાણના ડેક પર ઉભા-ઉભા મસ્તીથી દરિયાને જોતા હતા.
આ દૃશ્ય જોઇને એક ભાઈને જિજ્ઞાસા થઈ, કે એક તો ભગવા વસ્ત્ર પહેરેલા કોઈ વ્યક્તિને જહાજ ઉપર પહેલી વખત જોયા; અને બીજું એ કે એ વ્યક્તિ આ રીતે બહુ શાંતિથી ડેક પર ઊભા છે, કોઈ ઉતાવળ નથી, આરામથી મસ્તીથી દરિયાને જુએ છે. એ એમની પાસે ગયા, અને પૂછ્યું, “તમે ઉતરવાના નથી?” રામતીર્થે કીધું “મારે ઉતરવું છે”. પેલા ભાઇએ ફરી સવાલ પૂછ્યો “ક્યાં જવું છે તમારે? તમે ક્યાં જવાના છો?” રામતીર્થ કહે “મારે એક મિત્ર છે એમને ત્યાં જઈશ.” પેલા ભાઈએ ફરી જિજ્ઞાસા જાહેર કરી, “તમારો ફ્રેન્ડ કોણ છે?” અને તરત જ રામતીર્થે તો એ જ ભાઈની પીઠ પર હાથ મુક્યો અને કહ્યું “આ મારો ફ્રેન્ડ છે.” એટલે, એ ભાઈને જ કહું કે તમે જ મારા ફ્રેન્ડ છો; તો પેલા ભાઈ તો થોડી વાર ચમક્યા, પછી કહે “હા તમે મારી સાથે આવો,” કહીને એ એમના ઘરે લઇ ગયા.
હવે, તમે કલ્પના કરો કે સ્વામી રામતીર્થને પરમાત્મામાં કેટલો વિશ્વાસ હશે, પોતાની અંદર કેટલી આત્મીયતા હશે, કે એક અજાણ્યા માણસ માટે પણ પોતાપણું હશે તો જ માણસ એવું કહી શકે, અને સામેવાળો માણસ શંકા વગર એને સ્વીકારી પણ શકે. તો, આવું ક્યારે બને?
હું એક વખત દિલ્લીમાં રોકાયો હતો, ત્યારે ત્યાં ગુરુજીનો એક કાર્યક્રમ હતો એમાં હું ગયો હતો. એ કાર્યક્રમમાં એક ભાઈ, સાધુઓને પીરસવા માટે આવતા; તો, મારી જોડે એમની થોડી વધારે આત્મીયતા થઈ, મારી જોડે વાતો કરી. પછી એક દિવસ એમણે મને પૂછ્યું “તમે મારા ઘરે આવશો?” મેં કહ્યું “કાર્યક્રમ પતી જાય પછી વિચારશું”. મને એમ કે સહજતાથી આમ જ કહ્યું હશે, પણ કાર્યક્રમ પૂરો થયો અને એ તો ભાઈ હાજર થઈ ગયા, રાતના આઠ વાગ્યે આવ્યા, કહે, “ચાલો”.
તો, હું એમના ઘરે ગયો; દિલ્લીમાં એમનું નાનું ઘર; એક જ રૂમ, એમાં તેમના પત્ની, બે બાળકો, એમના મા પણ હતા, એ પોતે, અને હું. એમણે બધાંની પથારી લાઈનસર કરી દીધી એક ખૂણામાં હું સુઈ ગયો. બીજા દિવસે એ ભાઈ જોબપર જતા રહ્યા, પછી એમના પત્ની એ પણ જોબ પર જતા રહ્યા; બંને છોકરાઓ સ્કૂલે ગયા, અને ઘરમાં હું એકલો. મને થયું, ગજબની વાત છે, હું એક અજાણ્યો માણસ, અને એ ભાઇને મારા પ્રત્યે કેટલો બધો વિશ્વાસ છે કે એ એનું આખું ઘર મારા ભરોસે છોડીને જતા રહ્યા.
હું કાયમ બપોરે સુઈ જઉં એકાદ કલાક, પણ એ દિવસે હું સૂતો નહીં, મને થયું એ માણસે મારા ઉપર વિશ્વાસ મુક્યો છે, જો હું સૂઈ જઈશ અને ઘરમાં આવીને કોઈ કશું લઈ જાય તો એના વિશ્વાસનું શું? અને એ દિવસે બપોરે હું સુતો નહી.
સંન્યાસનો મતલબ છે બધું જ આપણું છે; એ જાતની વ્યવસ્થા સ્થૂળ વ્યવસ્થા, બાહ્ય વ્યવસ્થા સંન્યાસની છે, કે હવે એનું કશું જ નહીં, એક સૂક્ષ્મ દોરી પણ ક્યાં’ય બંધાયેલી નથી, કે નથી કોઇ દોરી એને બાંધતી… અને સંન્યાસી તો બસ નીકળી ગયો. અડધું કામ થઈ ગયું, બધું છૂટી ગયું, આત્મા સિવાયનું જે બંધાયેલું હતું એ બધું છૂટી ગયું.
આ વાતને સમજજો – લોહીના સંબંધો જે રીતે બાંધે છે, એ વ્યક્તિઓના ‘જીન્સ’ (genes)માં જે સિમિલરિટી હોય છે એ માત્ર ભૌતિકી નથી હોતી, માત્ર ફિઝિકલ નથી હોતી. કોઈ પણ ‘જીન્સ’માં જે એક-સરખી, સિમિલર રચના હોય છે એ ‘જીન્સ’ના લક્ષણો વિશેષ પ્રકારના હોય છે. કોઇ છોડ હશે અને એ જ જાતિનો બીજો છોડ હશે, તો એ છોડવાઓ વચ્ચે સંદેશાઓની આપ-લે હશે – એક છોડ બીજાને મેસેજ કરે છે, વાતચીત પણ કરે, એકબીજાને સમાચાર મોકલે છે, એક છોડને જો કોઇ પ્રકારનો ભય વર્તાયો હોય તો એ ભયનો સંદેશો બધા વચ્ચે પહોંચી જાય; કે અહીં ભય છે, અહીં જીવાત આવી રહી છે, દવા આવી રહી છે.
આવી જ રીતે, માણસો જો એક જ લોહીના હોય, એક જ સ્ટ્રકચરના છે, અને આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, એક જ લોહીના હોઇએ, એક ‘જીન્સ’ના હોઇએ એ બાંધે જ છે, કુદરતી રીતે, અજાણતા. આવા એક જ લોહીના લોકો વચ્ચે જે કુદરતી બોન્ડિંગ (બંધાણ) હોય છે એને સંન્યાસ તોડે છે, સંન્યાસ એ વ્યવસ્થા તોડે છે.
તો, એ જે સામાજીક, ભૌતિક વ્યવસ્થા છે, સ્થૂળ વ્યવસ્થા છે એ અનંતમાં વિલીન થવામાં પણ ઉપયોગી થાય છે, નહીં તો આ વ્યવસ્થાએ પહેલા ‘માતૃ દેવો ભવ’, ‘પિતૃ દેવો ભવ’ એવું કીધું છે, અને ગુરુની, ભગવાનની વાતો પછી કરી છે; કેમ કે માતા દેવ છે, પિતા દેવ છે, આચાર્ય પણ દેવ છે, તેથી એ બધાં પૂજનીય છે… અને એ જ વ્યવસ્થાએ જે સંન્યાસની વ્યવસ્થા આપી એમાં એવું પણ કીધું છે કે સંન્યાસમાં કોઈ ગુરુ નથી, કોઈ મા નથી, કોઈ બાપ નથી, બીજું કશું જ નથી સંન્યાસમાં, એક આત્મા જ છે. તો, એક જ વ્યવસ્થાએ બે પરસ્પર વિરોધી જણાતી વિચારધારાઓ આપી છે, પણ એ બંનેમાં પરસ્પર વિરોધ પણ નથી.
સંન્યાસ એ પૂર્ણતા માટેની વ્યવસ્થા છે, કે હવે સંન્યાસીની બીજી કોઈ જ અભિલાષા રહી નથી, કોઈ લૌકિક ઈચ્છાઓ રહી નથી માત્ર આત્મા માટેની જ અભિલાષા રહી છે; એટલે આ વ્યવસ્થા સંન્યાસી માટે છે જેમાં પૂર્ણતા જ જોઈએ; જેમ-જેમ એ અભિલાષા વધે છે તેમ-તેમ સંન્યાસીના પોતાના વિકાસની યાત્રા આરંભાય છે, અને એ યાત્રા અંદરની તરફ થાય છે.
આપણી સંસ્કૃતિ એ માત્ર બહારના ભૌતિકી વિકાસની જ વ્યવસ્થા નથી આપી, કે નથી માત્ર અંદરના વિકાસની જ વ્યવસ્થા આપી, પરંતુ અંદરના અને બહારના એમ બંને દિશાના વિકાસની વ્યવસ્થા આપી છે, કેમ કે એ બંને એક-બીજાના વિરોધી નથી, પરંતુ એક-બીજા માટે પૂરક છે.
મનુષ્ય અને સમાજના વિકાસની વાત એક નાના છોડની વાતથી સમજીએ – છોડના બે ભાગો હોય છે, એક, જે બહાર દેખાય છે એ, અને બીજો, જે જમીનની અંદર દટાયેલા મૂળીયા છે એ. આ બંને ભાગોનો વિકાસ સમાંતર હોય તો જ છોડ વૃદ્ધિ પામે છે, વૃક્ષમાં પરિણમે છે અને ત્યારે જ એ વૃક્ષ ફળ આપે છે. વૃક્ષનું થડ, પાંદડાઓ, ફૂલો, ફળ એ બધું મૂળથી અલગ નથી, એ બધું એક જ છે.
આજનું વિજ્ઞાન માત્ર બહાર જ જુએ છે, શરીર સુધી જ જુએ છે, એ દરેક વસ્તુના મોલેક્યુલર સ્તર સુધી જઈ શકે છે, પરંતુ એનાથી આગળ, સુક્ષ્મતામાં નથી જોઇ શકતું. એટલે, અધ્યાત્મરૂપી આપણું વિજ્ઞાન જે છે એને સમજજો, કે જ્યાં સુધી કોઇ પણ વસ્તુની સૂક્ષ્મતાને એના મૂળ સુધી નહીં લઈ જઈ શકીશું ત્યાં સુધી એ વસ્તુ સાથે પુરેપુરો ન્યાય નહીં કરી શકીશું.
માની લો કે આપણી પાસે કોઈ લાકડું છે, અને માત્ર સ્થૂળ, બહારની જ વાતો સમજીએ છીએ, તો એમાંથી આપણે ખુરશી, ટેબલ કે એવી કોઈ વસ્તુ બનાવી શકીશું. આજનું વિજ્ઞાન આનાથી આગળ નહીં જઇ શકે, પરંતુ એ જ લાકડાના સૂક્ષ્મમાં જો જઇ શકાય એના એટમ, ઇલેક્ટ્રોન સુધી, કે એના હજુ સૂક્ષ્મ સ્તરે જઇ શકીએ અને ત્યાં અમૂક પ્રકારના ફેરફારો જો કરી શકીએ તો એ જ લાકડાને લોખંડ બનાવી શકાય, અન્ય ધાતુ કે વસ્તુઓ પણ બનાવી શકાય. આ જુદા પ્રકારના વિજ્ઞાનથી કોઇ પણ વસ્તુને શું-શું ના બનાવી શકીએ!! વળી, જ્યારે કોઇ પણ વસ્તુની સૂક્ષ્મતામાં જતાં જઇએ છીએ ત્યારે એ જ વસ્તુમાંથી બનાવી શકાતી અન્ય વસ્તુઓના વૈવિધ્યની શક્યતાઓ ખુલતી જાય છે.
હમણાં થોડા દિવસ પહેલાં જ વાંચતો હતો કે આધૂનિક ટેક્નોલોજીના સંશોધકોએ એવા નવા સોફ્ટવેર વિકસાવ્યા છે કે જેના દ્વારા Whatsapp મેસેજને એ લોકો એમની રીતે તો ફેર-બદલી કરી શકે, અને એનાથી પણ આગળ જઇને એવું નવું app વિકસાવ્યું છે WhatsApp Toolbox કે જે કોઇ આ એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરે તો વ્યક્તિગત રીતે એ પણ મેસેજ બદલી શકે.
હવે, ધારો કે ઓફિસથી તમારો સહ-કર્મચારી તમને પૂછે કે “તમે આજે ઓફિસે કેમ નથી આવ્યા? ” તમે Whatsapp પર મેસેજ લખીને મોકલો કે “આજે હું બીમાર છું, મારાથી આવી શકાય એવું નથી.” હવે, નવા સોફ્ટવેરને આધારે આ જ મેસેજ Whatsapp-વાળા તો બદલી શકે છે, અને સહ-કર્મચારી પણ એને જે મેસેજ મળે તે મેસેજને જાતે બદલીને એવો બનાવી શકે કે ‘આજે મારે ઓફિસમાં આવવાનું નહોતું, હું તો અહીં રેસ્ટોરન્ટમાં મોજ કરું છું.’ હવે તમારો સહ-કર્મચારી આ બદલેલો મેસેજ જઈને તમારા બોસને બતાવે તો તમારું શું થાય? પરિણામ શું આવે?
લગભગ એક દાયકાના સંશોધનો બાદ સંશોધકો આવું કરી શક્યા હતા. આવા નવા ડેવલપ કરાયેલા સોફ્ટવેરને તમારા ફોન/કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો તો એ નવા સોફ્ટવેરથી તમે પણ એ પ્રમાણે ઘણું બધું બદલી શકો છો.
છેલ્લા થોડા વર્ષોથી વિકસેલી Artificial Intelligence (AI) ટેક્નોલોજીને આધારે વિકસાવાયેલી એક નવી ટેક્નોલોજીને બે અલગ-અલગ શબ્દો (Deep+fake)ના જોડાણથી બનાવાયેલા એક નવા શબ્દ Deepfake, (ઉંડાણ-પૂર્વકની નકલ)ના હુલામણુ કહી શકાય એવું નામ અપાયું છે.
આપણે કોઈ પણ વીડિયો જોઇએ તો એ સાચો છે એમ જ માની લેઇએ છીએ, એને કરપ્ટ/ચેંજ કરી શકતા ન હતા. નવી ટેક્નોલોજીને આધારે બીજી રીતે પણ થઇ શકે છે -વીડિયો, એમાંના ચહેરા, શબ્દો બધું આ આધારે કોઇ પણ જાણકાર વ્યક્તિ મૂળ વિડિઓમાંના એક-બે જાણીતી વ્યક્તિના ચહેરા પણ બદલી શકે, એમના મૂળ વિડિયોમાં બોલાયેલા શબ્દો, વાક્યો, આખી-ને-આખી વાતો, વક્તવ્ય સુદ્ધાં બદલી કે ઉલટાવી શકાય છે.
હવે આ Deepfake ટેક્નોલોજી દ્વારા કોઈ પાંચ-દશ મિનિટનો જે વિડીયો અને ઓડીઓ હશે એને એ મૂળ વાત કહેનાર વ્યક્તિના ચહેરા ઉપર બીજી જ કોઇ વ્યક્તિના ચહેરાને મૂકી શકાય છે – એટલે, બીજી વ્યક્તિએ એમાંનું કશું જ ના કીધું હોય, તો પણ એ આબેહુબ રીતે ફેર-બદલી કરાયેલા વીડિયોને આધારે લોકોને એવું જ સમજાય કે એ બીજી વ્યક્તિએ જ આ કીધું છે. આવું કરવા માટે એ લોકો બીજી વ્યક્તિના હજારો ફોટા પાડીને એમાંથી હોંઠનું હલન-ચલન, ચહેરાના હાવભાવ, એક-એક મુવમેન્ટ, જેશ્ચર્સ (gestures)ને ઝીણા (માઇક્રો) ભાગોમાં વિભાજીત કરી, એનું પછી study કરે છે, એને પહેલી વ્યક્તિના ફોટાઓ ઉપર પરફેક્ટલી મેચ કરી મૂકી ‘દે છે. આ રીતે, એ લોકોએ જે વ્યક્તિ પાસે જે બોલાવવું હશે એ બોલાવડાવી શકે છે.
આવો જ (બદલાયેલો) વીડિયો તમારો આવશે, તમારા ચહેરાના હાવભાવ, ફ્રેશ હશે, હોંઠ, હાથ-પગ એવી રીતે હાલતા હશે, બધું જ થતું હશે, તમારાથી માનો કે વિરોધીઓએ જે બોલાવવું હોય એ લોકો વીડિયોની આ નવી ટેક્નોલોજી દ્વારા બોલાવી શકે છે… પણ વાસ્તવમાં, હકીકતમાં બીજા કોઇએ કીધું હોય, અને વીડિઓમાં તમે દેખાઓ, એટલે જોનારા એમ સમજે કે તમે જ એ બધું કીધું/કર્યું છે. એવું પણ થઇ શકે – Deepfake, ઉંડાણ-પૂર્વકની નકલ દ્વારા.
એ સંશોધકો ગજબની બારીકાઇથી આવું કેવી રીતે કરી શક્યા? કેમ કે સંશધોકો એમના સોફ્ટવેર અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઇનર-લેયર, ઉંડાણમાં ગયા છે, વધારે સૂક્ષ્મમાં ગયા છે.
એવી જ રીતે આપણા દેશમાં ચેતના તરફની યાત્રા કરતા-કરતા યોગીઓ ધ્યાન અને સમાધિના માર્ગે પ્રકૃતિના મૂળ તત્ત્વ સુધી ગયા, ત્યાં જઈને એ લોકો મૂળ તત્ત્વને કન્ટ્રોલ કરી શકતા હતા અને મૂળ વસ્તુમાંથી બીજી જ વસ્તુ સહેલાઇથી બનાવી શકતા હતા, એવી સિદ્ધિઓ ધરાવતા સિદ્ધોની વાત આપણે સાંભળી હશે પણ એ માત્ર કથા-વાર્તા નથી, બધું જ શક્ય છે.
સ્વામી વિશુદ્ધાનંદજી હતા, તેમણે સૂર્ય સાધના સિદ્ધ કરી હતી; તેઓ સૂર્યના કિરણોથી તમે જે કહો એ બનાવી (રૂપાંતરિત કરી) દે’તા હતા – તમે કહો કે ગુલાબનું ફૂલ, તો તેઓ ગુલાબનું ફૂલ બનાવી દે; તમે કહો સફરજન, તો તેઓ સફરજન બનાવી દે… કેમ કે એમની સિદ્ધિથી તેઓ મૂળ તત્ત્વને સૂક્ષ્મતાથી, ભીતરથી કંટ્રોલ કરી શકતા હતા. એ જ ચેતનાની અંદરની યાત્રા છે.
આજના વિકાસનો જે કન્સેપ્ટ, અવધારણા છે તે માત્ર ભૌતિક અને એ પણ બહુ જ સીમિત છે – પૈસા, ઘર, મકાન, ગાડી, વાહન અને ઉચ્ચ એજ્યુકેશન, અને આ એજ્યુકેશન પણ કેવું, કે જેમાં પૈસા વધારે મળતા હોય એ જ, બીજું નહીં, જેમાં વધારે મોટું ‘પેકેજ’ હોય એ જ એજ્યુકેશન કહેવાય, બીજું એજ્યુકેશન નહીં કહેવાય.
પાશ્ચાત્ય દેશોની વિસ્તરેલી ભૌતિકી વિચારધારાને કારણે આપણે માટે પણ વિકાસ એટલે માત્ર બહાર દેખાતી ભૌતિક વસ્તુઓ, વૈભવ, અને એમનું વિજ્ઞાન ત્યાં સુધી જ જઈ શકે છે, પણ આ બધામાં મારો પોતાનો, અંદરનો વિકાસ શું છે? આ બધાંમાં હું ક્યાં છું? બાહ્ય ચમકતા વિકાસમાં હું ક્યાં છું? મારી કિંમત પણ અંકાય છે માત્ર પૈસા, ધનદોલત એવા બધાથી; અને છોકરાના લગ્ન માટે છોકરી જોવા જાઓ તો છોકરો ભણેલો છે કે કેમ, કેટલું ભણ્યો છે? એનું ઘર છે કે નહીં, ગાડી-બાડી છે કે નહીં … બધે આ માપદંડોથી જ છોકરાની ‘કિંમત’ અંકાય છે.
આ સમાજમાં જો મારી પાસે પૈસા ના હોય, ઘર ના હોય, ગાડી ના હોય તો શું મારી કોઈ કિંમત નથી? મારી શું કિંમત? તમે ઘડિયાળની ગુણવત્તા, એની કિંમત ઘડિયાળથી નક્કી કરો કે એના પેકિંગના ડબ્બા પરથી? ઘડિયાળનો પેકિંગ બોક્સ સરસ હોય એટલે ઘડિયાળ પણ સારું જ હોય એમ માની ખરીદો છો? એવી જ રીતે, મારી કિંમત શું? એક વ્યક્તિ, માણસ, મનુષ્ય તરીકે તમારો વિકાસ શું કહેવાય?
સંન્યાસનો અર્થ છે કે મનુષ્યનો, મારો પોતાનો વિકાસ, મારી ચેતનાનો વિકાસ – એટલે સંન્યાસની આખી યાત્રા એ અંતર્યાત્રા છે, આપણા સૌના, બધી જ વસ્તુઓના, સમસ્ત જગતના મૂળ તત્ત્વ સુધી પહોંચવાની યાત્રા છે, જેમાં સંન્યાસીને માત્ર પૂર્ણતા જ જોઈતી હોય, બીજું કશું નથી જોઈતું, એને વચ્ચેનું કશું જ ના જોઈએ.
ઉપનિષદમાં પણ આવા જ એક સંવાદની વાત આવે છે – ઋષિ યાજ્ઞવલ્કય સંન્યાસ લેતી વખતે એમના પત્ની મૈત્રેઇને સંપત્તિ આપીને જતા હતા; મૈત્રેઇએ સવાલ કર્યો, તમે કેમ જાઓ છો? યાજ્ઞવલ્ક્ય કહે, સત્ય માટે જાઉં છું. મૈત્રેઇ કહે મને એ સત્ય જ જોઈએ, જેનાથી મને અમૃત-તત્ત્વ ના મળે, સત્ય ના મળે તો, આ સંપત્તિને લઈને હું શું કરીશ?
એટલે, સંન્યાસનો અર્થ એ છે કે જેને સત્ય સિવાય કશું જ ના જોઈતું હોય. આ વાતને સમજજો, કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, કે સંન્યાસનો આદર્શ શું છે? સંન્યાસની વ્યવસ્થા શા માટે છે? સંન્યાસની અવધારણા શું છે?
જો કોઈ આત્મ-સ્થિતિમાં રહે છે, ચેતના સાથે જીવે છે, તો એની ઉપસ્થિતિ માત્ર અદ્ભૂત છે, એની ઉપસ્થિતિ માત્ર સર્વસ્વ છે. શાસ્ત્રો કહે છે કે એવા જે મહાપુરુષો હોય, જ્ઞાની પુરુષો હોય તો એ જ્યાં રહે છે એ સ્થળ તીર્થ થઈ જાય છે સાંઇની શેરડીને કોણ જાણતું હતું? અરુણાચલને ક્યાં કોઈ જાણતું હતું? ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની વાતો તો આપણે હજારો વર્ષોથી કરતા આવ્યા છીએ, તેમ છતાં, વૃંદાવનને તો આપણે લગભગ સોળમી સદીમાં છે’ક (ત્યારના પશ્ચિમ બંગાળ) કલકત્તાથી ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા પછી જાણતા થયા; અને દક્ષિણેશ્વરને એટલું બધું કોણ જાણતું હતું?
તો, જ્ઞાની-જનો, સંતો, મહાપુરુષો જે બોલી જાય એ શાસ્ત્ર થઈ જાય છે, જે કરી જાય છે એ પૂજા થઇ જાય છે એવી પરમાવસ્થામાં, એવી પરમ-ચૈતન્ય સાથે એક અવસ્થામાં જે જીવી જાય એની આજુબાજુ માત્ર રહેવું એ જ ભાગ્ય છે, એ જ સૌભાગ્ય છે.
આપણે Water Has Memory (વૉટર હેઝ મેમરી)ની બાબતમાં વાત થઇ હતી; આ શોધ ઘણી જૂની છે તો પણ વર્તમાનમાં એમાં વધારે કામ થઈ રહ્યું છે. આપણી ભાવનાઓની અસર પાણી ઉપર થાય છે એને વૈજ્ઞાનિકો સમજી શક્યા છે કે પાણી ઉપર આપણી ભાવનાઓની, વિચારોની શું અસર થાય છે; ઘણા સંશોધનો બાદ વૈજ્ઞાનિકો સમજી શક્યા છે કે એનાથી પાણીની આખી ભૌતિક રચના બદલાઈ જાય છે. તમે જો પાણીને પ્રેમ કરો તો એની ભૌતિક રચના જૂદી જ થઈ જાય, એના molecules જે ક્લસ્ટર્સ બનાવે એ જુદી જાતના બનાવે અને એની ભૌતિક રચના બદલાય; તેનાથી પાણીના ગુણધર્મો પણ બદલાઈ જાય છે. તમે જો પ્રેમભાવવાળાઓની ઉપસ્થિતિમાં આજુબાજુ પાણી મુક્યું હોય તો એ પાણી ધીમે-ધીમે અમૃત થઈ જાય છે; જેવા લોકો આજુબાજુમાં હોય એ લોકોના ભાવોની અસર પાણી પર થાય છે; પાણી દવા થઈ જાય છે, અને દુષ્ટ પ્રકૃતિના માણસોની આજુબાજુમાં પાણી ભર્યું હોય તો પણ પાણી ઝેર થઈ જાય છે.
આ વિષયમાં દુનિયામાં ઘણા પ્રયોગો થયા છે, અને એ પણ જોવાયું છે કે માણસોના ભાવોની અસરથી બધું જ બદલાય છે, માત્ર પાણી જ નથી બદલાતું. આવી રીતે લોકોની આજુ બાજુમાં રહેલી દરેક વસ્તુઓ જો એ પ્રમાણે બદલાતી હોય છે – ત્યાંની માટી, પથ્થર, છોડ-વૃક્ષ એ બધાંમાં જો બદલાવ આવે છે, તો, વિચાર કરો કે આત્મ-સ્થિતિ તો પ્રેમની પરાકાષ્ઠા છે, આત્મસ્થિતિ બોધની પરાકાષ્ઠા છે, આનંદની પરાકાષ્ઠા છે, તો, આવા જ્ઞાનીજનો, સંતોની આજુબાજુના લોકો, વસ્તુઓ ઉપર શું અને કેવી સારી અસર થતી હશે? જ્યાં આવા મહાપુરુષો એવી સ્થિતિમાં જીવી જાય છે તો ત્યાં બધું જ બદલાઈ જાય છે.
છેલ્લા એક દાયકાથી અમેરીકાના એક સેલ (cell) બાયોલોજીસ્ટ Bruce Liptonએ આ વિષય ઉપર ઘણું કામ કર્યું છે. એમણે Biology of Belief (બાયોલોજી ઓફ બીલીફ) નામનું સરસ પુસ્તક પણ લખ્યું છે; એ પુસ્તક મળે તો વાંચજો તો સમજાશે કે આપણી ભાવનાઓની અસર મનુષ્યના છેક કોષો પર કેવી રીતે અને શું થાય છે.
મારી ભાવનાથી જો પાણી બદલાય છે, માટી બદલાય છે, વૃક્ષ બદલાય છે, તો મારા-તમારા શરીરમાં 80 ટકા પાણી છે એ પાણી બદલાય જાય, એના કણ-કણ બદલાય જાય, કણ-કણ અમૃત પણ થઈ જઈ શકે છે. ભાવનાઓની તીવ્રતાને આધારે જે માણસ આનંદમાં જીવતો હોય એના મન-મસ્તિષ્ક, માંસ, મજ્જા, હાડકા સુધી બધું જ બદલાઈ જાય છે. એટલે, એ વૈજ્ઞાનિકે શું કીધું કે અત્યારે આખી દુનિયામાં માણસ એટલો બધો લોભી થઈ ગયો છે, એને પૈસા સિવાય કશું દેખાતું જ નથી, સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી; અને અંગ્રેજીનો જે capital I એ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે, હવે બસ ‘હું’ ‘મારું’ (I, ME, Myself); ‘મારી સ્વતંત્રતા’ (My Personal Freedom) એ જ મહત્વનું છે; પરંતુ, ધીમે-ધીમે બધું એની ધારણાથી વિપરીત થતું જાય છે, એને કશી ખબર નથી પડતી કે એનું કશું રહ્યું નથી બધું સરકારની પાસે જતું રહ્યું છે માણસ કેટલો બધો સ્વાર્થી થતો જાય છે.
બ્રુસ લિપ્ટને સમજાવ્યું છે કે માણસના વધતા લોભ, લાલચ, ઇર્ષ્યા, હિંસા જેવા નેગેટિવ વિચારો, ભાવોને કારણે એના શરીનું આખું cellular structure કઇ રીતે બદલાઇ જાય છે, એની અસર આખા શરીર પર કેવી પડે છે, કેવા ફિઝિઓલોજીકલ ચેંજીસ આવે છે, એ બધી વાતોનું એણે ખૂબ ઉંડાણ–પૂર્વક સંશોધન કર્યું છે. એનું કહેવું છે કે માણસ જો લોભી-હિંસક એવો-ને-એવો જ રહેશે, જ્યાં સુધી માણસ પોતાના વિચારો, ભવનાઓ, સ્વભાવ, વાણી-વર્તન જાતે સકારાત્મક રીતે બદલશે નહીં ત્યાં સુધી આ પૃથ્વીપરના જીવનમાં સુધારો નહીં થાય.
એટલે, તમે જોતા હશો કે ધીમે-ધીમે આખી દુનિયામાં યોગ કેમ સ્વીકૃત, પોપ્યુલર થઈ રહ્યો છે. નાના બાળકોપર પણ હવે તો એના પ્રયોગો થયા છે કે જે બાળકો બહુ હાઇપર એક્ટિવ હોય, તોફાની હોય, એ કોઇ સાઇકિક સમસ્યાઓથી પીડાતા હોય એ બાળકોને યોગના હલકા આસનો, થોડા પ્રાણાયામ, થોડું મેડિટેશન પણ કરાવવાથી ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે, કેમ કે યોગ, પ્રાણાયામ વિગેરે કરાવવાથી એમના cellular structure બદલાય છે.
હવે વિચાર કરો કે, જે યોગી, સંત, જ્ઞાની આત્મ-સ્થિતિમાં રહ્યા હોય તે કેવા થઈ ગયા હોય? એટલે, કોઈ મહાપુરુષે, કોઈ સંતે એ કોઈ પણ વસ્તુ વાપરી હોય તો આપણે એ વસ્તુને ભાવથી, પ્રેમથી સંઘરીને રાખીએ છીએ.
એક બહુ મોટા સંત થઈ ગયા, એ ગુરુ સ્વામી વિવેકાનંદની પાસે થોડો સમય રહ્યા હશે, ત્યારે સ્વામી વિવેકાનંદે એમને એક ચપ્પુ આપ્યું હતું; એ ચપ્પુ પોતે જીવ્યા ત્યાં સુધી સંઘરીને રાખ્યું હતું. આપણે કોઇ નાની વસ્તુ પણ વાપરવી હોય તો પહેલા કોઈ મહાપુરુષને કહીએ કે તમે એને (એ વસ્તુને) થોડો સ્પર્શ કરી ‘દો ને!
આપણે સમજતા નથી કે આવું કરવાથી શું થઈ રહ્યું છે, પણ આપણી અંદર એ પ્રમાણેના સંસ્કારો કેટલા ઉંડા છે! તમે ધ્યાન આપ્યું હશે કે આપણી વ્યવસ્થામાં ગૃહસ્થને અગ્નિ-સંસ્કાર કરીએ છીએ, પણ સંન્યાસીને અગ્નિસંસ્કાર નહીં, સમાધિ આપીએ છીએ, કેમ કે તેનું શરીર તો મંદિર થઈ ગયું હોય, એની અંદર પરમાત્માનો પ્રકાશ થઇ ગયો હોય. ગૃહસ્થના પાર્થિવ શરીરને આપણે સળગાવીએ છીએ કેમ કે એની ચેતના દેહભાવમાં હોય છે. મરી ગયા પછી એની ચેતનાને એમ જ થાય કે આ મારું શરીર છે, મારો દેહ છે’ એટલે ચેતના એ દેહને છોડીને જલ્દી જતી નથી. વળી, એના કર્મો એવા હોય કે તરત જ નવો જન્મ મળતો ના હોય, તો એ ચેતના એની આજુબાજુ જ ભમ્યા કરે છે, એને છોડતી જ નથી. કેટલાય ઉદાહરણો એવા છે કે ઘરમાં આસક્તિ રહી ગઈ હોય, કોઈનું કશું કામ બાકી રહી ગયું હોય, કોઈનું મર્ડર થઈ ગયું હોય, એવા જીવે પછી પોલીસને પણ મદદ કરી હોય. તો, એ ચેતના એ શરીરને મૂકીને જાય નહીં, એટલે આપણી વ્યવસ્થા એવી ઉભી થઇ કે માણસના મૃત્યુ પછી એના શરીરને સળગાવી દે’વામાં આવે છે. મર્યા પછી ચેતના સૌથી વધારે રોકાય છે માથામાં. એટલે, જો શરીર બળતા કોઈની ખોપડી રહી જાય તો તાંત્રિકો એ ઉપાડી લઈ લે, અને એ ખોપડીથી જેનું શરીર હતું એ જીવને તંત્ર વિદ્યાથી પાછો ખેંચી લાવીને એને પોતાના વશમાં રાખે, કેમ કે એ શરીરની ચેતના ત્યાં જોડાયેલી હોય છે, એટલે, ગૃહસ્થને અગ્નિસંસ્કાર કરીએ છીએ; અને એના જે હાડકાં બચ્યાં હોય એને આપણે નદીમાં પધરાવી દઈએ છીએ, એને વિસર્જન કરી દઈએ છીએ.
એટલે, સંન્યાસનો અર્થ છે કે સંન્યાસીએ ક્યાં’ય રોકાવાનું નથી, અને એ જ્યાં હોય એને પણ ધીમે-ધીમે છોડી દેવાનું છે. ઋષિઓએ સંન્યાસની આખી જે વ્યવસ્થા આપી છે તે એવી રીતે તેની ગોઠવણ કરીને આપી છે કે આ ચેતના-ઉપાસક વ્યક્તિને, એ ઇચ્છનીય સ્થિતિ મેળવવા માટે તેને સહયોગી થાય એ રીતે એ વ્યવસ્થા ઊભી કરી છે. તો, આપણે સંન્યાસની શું વ્યવસ્થા છે એ હવે પછી વાત કરીશું.
ॐ तत् सत