ભારતીય સંસ્કૃતિ | પ્રવચન પુષ્પ 36 | સંન્યાસ – 6

ભારતીય સંસ્કૃતિ દરિયા જેવી છે, એને સમજવા માટે દરિયાદિલ જોઈએ, બહુ મોટું દિલ જોઈએ, અને એને સમજતાં-સમજતાં કાયમ એ વાત ધ્યાનમાં રાખવી કે તેની અંતિમ ઉપલબ્ધિ છે બોધ, મનુષ્ય જીવનની પૂર્ણતા પરમ સત્યના બોધમાં છે. પરમાત્મા, આત્મા, બ્રહ્મ, પરમ ચૈતન્યના બોધને આધારે જ આપણી સંસ્કૃતિની દિવ્ય કહી શકાય એવી અદ્ભુત સમાજ વ્યવસ્થા ઊભી થઈ છે. પરમ સત્યની ઉપલબ્ધિમાં જ મનુષ્ય જીવનની પૂર્ણતા છે, કેમ કે ‘એ’ જ સૌનો આધાર છે, આખા બ્રહ્માંડમાં જે પણ કશું અસ્તિત્વમાં છે એ બધાંનો સાર ‘એ’ જ છે, એટલે કોઈ કે કશું પણ એનાથી અલગ, જુદું નથી જેમ કે કોઈપણ સુતરાઉ કાપડ હોય એનું મૂળ તત્ત્વ કપાસ છે, એવી જ રીતે આખા અસ્તિત્વનો સાર, એનું મૂળ આત્મા છે. એટલે એ દરેકથી જોડાયેલો છે કશા’યથી પણ એ અલગ નથી.

આ સંસ્કૃતિની દરેક વ્યવસ્થાને કોઈપણ દ્રષ્ટિ બિંદુથી વિચારશું તો એ બધી રીતે પૂર્ણ જ હશે – पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते. એને તમે વ્યવહારિક રીતે જુઓ, દાર્શનિક રીતે જુઓ, સૈદ્ધાંતિક રૂપે જુઓ, અનુભવની રીતે જુઓ દરેક રીતે જુઓ, તો એમાં આપણે કોઈ ઉણપ ના શોધી શકીએ એવી આ અદભુત વ્યવસ્થા છે.આ વ્યવસ્થાના સૌથી જે ઉંચા અને સન્માનનીય સ્થાને છે એવી અદ્વિતીય સંન્યાસ વ્યવસ્થાની બાબતમાં આપણે વાત કરી રહ્યા છીએ.

સંન્યાસ આપણી સમાજ વ્યવસ્થાનું શિખર છે – ચાર આશ્રમોમાં વહેંચાયેલા મનુષ્ય જીવનમાં સંન્યાસ શિખરના સ્થાને છે. સંન્યાસ વ્યવસ્થામાં એક સૌથી અગત્યની વાત એ છે કે સંન્યાસીએ સર્વનો ત્યાગ કરવાનો હોય છે, અને આ વાત કોઈને નહીં સમજાય એવી છે. વ્યાવહારિક જીવનમાં, આપણે જ્યારે કોઈને વધારે સન્માન આપીએ છીએ, એને ઉંચું સ્થાન, હોદ્દો આપીએ છીએ ત્યારે એની સુખ-સુવિધાની સગવડ પણ વધારતા જઈએ છીએ. કોઈ કંપનીનો મેનેજર હોય તો એને સુવિધા વધારે મળશે; એ જો જી-એમ (GM) હશે તો એને એનાથી પણ વધારે સુવિધા મળશે, જો એ MD હશે તો બીજા બધાથી એની સુવિધાઓ વધારે અને સારી પણ હશે. દેશના વડાપ્રધાન હોય તો એમની સુવિધાઓ, સગવડ, ઘણી બધી હશે.

એટલે, આપણે કોઇને જેમ-જેમ વધુ રિસ્પેક્ટ, આદર આપીએ છીએ, એને મહાન ગણીએ છીએ, તેમ-તેમ એની સુવિધાઓ પણ વધારતા જતા હોઇએ છીએ, પરંતુ સંન્યાસી જે આ સંસ્કૃતિમાં સૌથી વધુ પૂજ્ય છે, એની બધી જ સુવિધાઓ આ વ્યવસ્થાએ લઈ લીધી છે. સંન્યાસીને કોઈ સુવિધા જ નથી આપી – એને નથી ઘર, નથી પરિવાર, નથી પૈસા, નથી કોઈ અધિકાર કે હક કશું જ નથી, તે ત્યાં સુધી કે એને ખાવા માટે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી…જે કાંઇ આપ્યું છે, એની પાસે જો કશું હોય તો એ માત્ર ભિક્ષાપાત્ર છે, એણે માંગીને જે મળે તે ખાવાનું. સંન્યાસી માટે પણ રસોડું નથી, એટલે પ્રશ્ન થાય કે આ વ્યવસ્થા આવી કેવી છે? પણ ના, એને સમજીશું.

સંન્યાસની વ્યવસ્થા પરમ સત્યને પામવાની, માણવાની અને જીવવાની વ્યવસ્થા છે. પરમ સત્યને જોઇ તો શકાય છે, પરંતુ એ ખુલ્લી આંખોથી નથી જોઇ શકાતું, એ તો એને જ દેખાય છે જે પોતાની બુદ્ધિ સૂક્ષ્મ કરીને હ્રદયમાં ઉતરે છે – दृश्यते त्वग्र्या बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः (कठोपनिषद् – 1-3-12); જેની બુદ્ધિ સૂક્ષ્મ થઈ છે મનથી, ચિંતનથી, સ્વાધ્યાયથી, તપથી, સાધનાથી, ધ્યાનથી, એને સત્યનો, પરમ ચૈતન્યનો, પરમાત્માનો દિવ્ય અનુભવ થાય છે.

સત્યને પામવા માટે સંન્યાસ-માર્ગી સંન્યાસીએ સર્વનો ત્યાગ કરવો પહેલી આવશ્યક વ્યવસ્થા છે, સંન્યાસીએ સર્વનો ત્યાગ કરવાનો છે. એક નજરે જોઈએ તો આ વાતમાં અભાવ જેવું દેખાય છે, બધું છોડી દેવાનું… પણ જે ક્ષણે માણસ બધું છોડી દે છે એ ક્ષણે એ બધું જ મેળવી પણ લે છે, સર્વસ્વ ત્યાગ એટલે સર્વની ઉપલબ્ધિ. સંન્યાસીએ જો નાની સીમાને છોડી છે, તો એને વિરાટ મળ્યું છે! એટલે, એ વિરાટનો અનુભવ કરવો હોય તો સંન્યાસીએ નાની સીમાઓને છોડવી જ પડે.

આપણે જો આપણા ઘર માટે જીવતા હોઈએ, ઘરને ખૂબ સમર્પિત હોઈએ તો ઘરવાળા આપણો ખ્યાલ રાખે, તેવી જ રીતે તમે સમાજ માટે કશું કરતા હો, ઘરનો સ્વાર્થ ભૂલી જઇને સમાજને સમર્પિત હો તો એ જ સમાજ તમારો ખ્યાલ રાખે. તમે કોઈ મોટી કંપનીને સમર્પિત હો, એને જ માટે કામ કરતા હો, એનું જ ધ્યાન રાખતા હો, એને માટે ઘર વગેરે બધું ભૂલી જાવ છો, તો એ કંપની તમારો ખ્યાલ રાખે છે તમારા insurance નો ખ્યાલ રાખે છે, બીમાર થાવ તો મેડિકલ ખર્ચાની વ્યવસ્થા કરે છે, તમારા રહેવાની વ્યવસ્થા કરે છે… તમે કંપની માટે સમર્પિત છો, તો પછી એ કંપની તમારે માટે બધું કરે… એવી જ રીતે જ્યારે વિરાટ માટે કોઇ વ્યક્તિ સમર્પિત થાય છે તો વિરાટ એનો ખ્યાલ રાખે છે.

હું આખા શરીર સાથે જોડાયેલો છું, એટલે શરીરના કોઈપણ ભાગમાં કશું થાય છે જો આંગળીમાં સોય કે ટાંકણી પણ લાગે તો શરીરના દરેક ભાગને ખબર પડે છે આંખ ને, કાનને શરીરના એકેએક કણ ને ખબર પડી જાય છે કે એક જગ્યાએ ટાંકણી વાગી છે કેમકે આપણે આખા શરીરથી જોડાયેલા છીએ. જો આપણે આખા શરીરથી જોડાયેલા ના હોઈએ તો કદાચ લોહી ફરતું હોય પણ મારી ચેતના, મારી ભાવના, મારા અનુભવો જોડાયેલા ના હોય, શરીરના કોઈ ભાગથી આ બધી વાતો જોડાયેલી ના હોય તો શરીરના બીજા ભાગને એ વાતની ખબર નથી પડતી – હાથની જો સંવેદના જતી રહે તો હાથને કાપી પણ કાઢો તો બીજા ભાગને ખબર નથી પડતી, કદાચ લોહી ફરતું હોય હાથ જીવંત હોય તો પણ.

એવી જ રીતે, જ્યાં સુધી આપણે જાતે ભાવથી, અનુભવથી, એક્સપિરિયન્સથી વિરાટ સાથે નથી જોડાતા, તો વિરાટને આપણે છીએ એ વાતની ખબર પડતી નથી. આપણે જો વિરાટથી છુટા હોઈએ તો વિરાટને આપણા હોવાની ખબર ના પડે, પછી ભલે આપણને હવા મળતી હોય, પાણી મળતું હોય કુદરત પાસેથી બધું જ મળતું હોય. આપણા હોવાની વિરાટને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે જાતે ભાવનાથી, હૃદયથી વિરાટ સાથે જોડાયેલા હોઇએ.

સંન્યાસ લીધા પછી સંન્યાસીનું સમાજમાં કોઈ નથી એ તો માત્ર વિરાટ સાથે જ જોડાયેલો છે, એ વિરાટનો જ છે.

સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે – તેઓ એક વખત ટ્રેનમાં રાજસ્થાનમાં ક્યાં’ક જતા હતા, ઉનાળાને લીધે ખૂબ ગરમી હતી, બપોરનો સમય થઈ ગયો હતો, એમને તરસ, ભૂખ પણ લાગી હશે, પાણી વેચાતું મળતું હતું પણ પૈસા ન્હોતા, પાણી પણ લઈ ના શક્યા. સામે એક વેપારી ભાઈ બેઠા હતા એ સ્વામીજીને જુએ, એમનું હ્રૃષ્ટ-પુષ્ટ શરીર જોઇને એને થાય – આ કેવો સાધુ છે, જુઓ, મફતનું ખાઈ-ખાઈને આમ કેવો થઈ ગયો છે – ઘણાને એવું બધું થાય. સાધુ બિચારો હ્રૃષ્ટ-પુષ્ટ હોય તો’ય ગરબડ, બીમાર થાય તો’ય ગરબડ સાધુ થઇને કોઈ બીમાર થાય?

સ્વામી સચ્ચિદાનંદજીએ એમની વાત કરી છે કે મને આશ્રમ બનાવવાની ઈચ્છા ન હતી, અને તેઓ કથા-પ્રવચન કરતા. કોઈ આશ્રમમાં કથા ચાલતી હશે ત્યાં એમના ખાવામાં કંઈક આવી ગયું. રોજે ખાવાનું બદલાય, જુદું- જુદું ખાવાનું હોય, જુદાં-જુદાં ઘરનું હોય અને ત્યાં એ લોકો વધારે પડતા ભાવથી ખવડાવતા હોય. એટલે એમનું પેટ ખરાબ થઈ ગયું, એમણે ગામવાળાને કહ્યું કે મને પેટમાં સારું નથી મને ખીચડી બનાવી આપો. તો આ સાંભળીને બધાં વાતો કરવા લાગ્યા કે આ કેવા સાધુ છે? સાધુનું પેટ કેવી રીતે ખરાબ થાય? બધાં એવી ગમે તેમ વાતો કરવા લાગ્યા. સ્વામીજીએ વિચાર્યું કે હવે એક કુટિયા તો જોઈએ જ, જ્યાં હું બીમાર થાઉં તો ખીચડી બનાવીને ખાઈ શકું, સ્વસ્થ રહી શકું. એટલે, સાધુ સ્વસ્થ હોય તોય ખરાબ, બીમાર થાય તોય ખોટું.

પેલો વેપારી પાણી લે, ખાવાની વસ્તુઓ લે અને સ્વામી વિવેકાનંદને ખીજવતો જાય કે જો મારી માફક તું કામ કરતો હો’ત તો તારી આવી દશા ન થઈ હો’ત, તું પણ સરસ પાણી પીવ’ત, સરસ ખાવાનું ખાઈ શકતે. સ્વામીજી તો શાંતિથી બેઠા હતા, પછી તેઓ એક જગ્યાએ ઉતર્યા અને થાકેલા હતા એટલે જઇને એક વૃક્ષ નીચે બેસી ગયા. સંયોગથી પેલો વેપારી પણ ત્યાં જ ઉતર્યો અને સામે એક રેસ્ટોરન્ટ જેવું હશે ત્યાં ગયો, ત્યાં પૂરી-શાક લઈને ખાતો હતો, અને ત્યાં દૂરથી પણ એ વેપારી સ્વામીજીને પૂરી બતાવ્યા કરે.

એટલામાં શું થયું કે એક ભાઈ દોડતા-દોડતા આવ્યા, એમના હાથમાં નાની પોટલી હતી અને બીજા હાથમાં પાણીનો લોટો હતો, સાથે આસન પણ હતું. આવીને એણે ઝાડ નીચેની જગ્યા જલદી-જલદી સાફ કરી, પાણી છાંટયું, આસન પાથર્યું અને સ્વામીજીને જઈને આમંત્રણ આપ્યું કે આપ આવો અને જમી લો. સ્વામીજીએ કહ્યું કે “તમે કોઈ બીજાને માટે ભોજન લાવ્યા હશો”. એ કહે, “નહીં, હું તો તમારે માટે જ લાવ્યો છું, હું તમને ઓળખું છું. ”

તો, સ્વામીજીને નવાઈ લાગી, તમે મને કઈ રીતે ઓળખો? આપણે કોઈ દિવસ મળ્યા નથી. તો એણે વાત કરી કે અહીં મારો નાનો પાનનો ગલ્લો છે, બપોરે જમીને મને સહેજ ઝબકી આવી ગઈ. હું વર્ષોથી ભગવાન રામની પૂજા-ઉપાસના-ભક્તિ કરું છું, મને ત્યારે સ્વપ્નું આવ્યું કે મારા ઈષ્ટ ભગવાન રામ જે છે એમની સાથે તમે ઉભા છો અને એમણે તમારી તરફ ઈશારો કરીને કીધું કે આ મારો ભક્ત છે, ભૂખ્યો-તરસ્યો આવી રહ્યો છે એ અહીં ઉતરવાનો છે, એટલે તું જલ્દી જઈને એમને માટે ખાવાની વ્યવસ્થા કરી આવ. એમ કહીને એ ભાઈ રડી પડ્યા, કહે વર્ષોથી હું ભગવાનની પૂજા-ઉપાસના કરું છું, પણ મને કોઈ દિવસ એમના દર્શન ન્હોતા થતા, તમારા નિમિત્તે મને આજે ભગવાનના સ્વપ્નમાં પણ દર્શન થયા અને એ સાચું દર્શન છે. એમણે કીધું કે આ મારો ભક્ત આવે છે, અને તમે ખરેખર આવ્યા અહીં, તો એ ખોટું દર્શન નથી. આ સાંભળીને સ્વામીજીની આંખમાં પણ આંસુ આવી ગયા.

હવે, સ્વામી વિવેકાનંદને અને રામને કશું બહુ લેવા-દે’વું નથી કેમ કે એ તો નિર્ગુણના ઉપાસક હતા, તેઓ રામની ઉપાસના ન્હોતા કરતા, પરંતુ એ જ પરમ સત્ય બધાંય ભગવાનના રૂપમાં સર્વત્ર બિરાજે છે, જ્યાં જેવી સગવડ હોય ત્યાંથી તમારે માટે વ્યવસ્થા એ કરી આપે છે. વિરાટ સાથે જોડાયેલા હો, તો એને ખબર પડે છે કે તમે ભૂખ્યા છો, તમને ખાવાનું જોઈએ છે…. તો, આવું થઇ શકવા માટે તમે વિરાટ સાથે જોડાયેલા હોવા જોઇએ, તમને વિરાટ પર પૂરેપૂરો વિશ્વાસ અને અનુભવ બંને હોવા જોઈએ, તમે એને સમર્પિત થઈને જીવતા હોવા જોઈએ… અને એ પણ ઘમંડી, કે ઈગોઇસ્ટિક થયા વગર; અને જો તમે કર્તા બન્યા, તો તમે તમારી જાત ને સીમિત કરી દીધી, અને એટલે પછી તમે એ વિરાટથી છૂટા પડી ગયા, કપાઇ ગયા.

પંજાબમાં સાધુઓની મંડળીઓ હોય, એ નિરંતર ચાલ્યા કરે; ક્યારે’ક એક-બે દિવસ કોઇ ગામમાં રોકાય, અને પછી એ આગળ જાય. એ સાધુઓ પોતાની પાસે પૈસા ન રાખે, ભિક્ષા, ભિક્ષાટન કરીને જ રહે, સાંજે સત્સંગ થાય, આમ એ સાધુઓ બે-ત્રણ દિવસ ગામમાં રહે, પછી આગળ ચાલવાનું.

એક દિવસ એક મંડળીને બપોરે એક વાગ્યા સુધી ભિક્ષા ના મળી, એટલે જે વરિષ્ઠ સાધુ હતા એ કહે આવું કોઈ દિવસ બન્યું નથી કે આપણને ભિક્ષા ના મળી હોય. આજે ભિક્ષા ના મળી અને ઘણા બધા સાધુ હતા બધાં’ય ભૂખ્યા હતા. કોઈએ કીધું કે તમે જુઓ કોઈની પાસે કશું, પૈસા તો નથી ને. તપાસ કરી તો બે નવા સાધુઓ ઉમેરાયા હતા એમણે છાનામાના પોતાની પાસે પૈસા રાખ્યા હતા, એમના પૈસા વરિષ્ઠ સાધુએ લઈને ફેંકી દીધા, અને તુરંત જ એ બધા સાધુઓ માટે ભિક્ષાની વ્યવસ્થા થઈ ગઈ.

તો, સમર્પણને સમજજો, શ્રદ્ધાને સમજજો.

ભગવાન શ્રીકૃષ્ણનો એક બહુ સરસ પ્રસંગ છે કે ભગવાન એક વખત જમવા બેઠા હતા, રુકમણીજી એમને જમાડતાં હતા, અને જમતાં-જમતાં ભગવાન એકદમ બેચેન થઈ ગયા અને બારી પાસે જવા એમણે તો દોટ મૂકી! ત્યાં જઈને આરામથી ઉભા રહી ગયા, પછી થોડી વારમાં શાંતિથી આવીને પાછા બેસીને જમવા લાગ્યા. એટલે, રુકમણીજીને નવાઈ લાગી કે જમતાં-જમતાં ભગવાને કેમ દોટ મૂકી, અને તરત પાછા આવી પણ ગયા! ભગવાનને પૂછ્યું કે “આ બધી વાત શું છે? તમે કેમ આવી રીતે ઊભા થઈ ગયા, બારી પાસે ગયા, પાછા તરત આવી ગયા? ” તો ભગવાને કીધું કે “હું જમતો હતો ત્યારે મારા એક ભક્તને અમુક લોકો હેરાન કરતા હતા, પછી એ લોકો ભક્તને પત્થર મારવા માંડ્યા, એટલે ભક્તને લોહી નીકળવા માંડ્યું એટલે મેં પછી દોટ મૂકી.” “ઠીક, પણ પાછા કેમ આવતા રહ્યા? ” ભગવાન કહે, “પછી એ જ ભક્ત જે લોહી લુહાણ થયો હતો એણે પોતાના રક્ષણ માટે, બીજા લોકોને ભગાડવા માટે લાકડી ઉગામી લીધી, એટલે પછી હું પાછો આવતો રહ્યો.”

આવા તો ઘણા-ઘણા પ્રસંગો છે. એટલે, આ માર્ગમાં જે-જે લોકો પણ નીકળ્યા છે એ લોકોના જીવનમાં, અમારા સાધુ લોકોના જીવનમાં, આવા ઘણા અનુભવો હોય, ડગલે-ને-પગલે એવા અનુભવો થતા હોય કે, ખરેખર કોઈ અમારી સંભાળ લઇ રહ્યું છે.

તો, તમે વિરાટને એક વખત સમર્પિત થઈને તો જુઓ! એક વખત ઘરની સીમાઓને તોડી ને, છોડીને બહાર જઈ તો જુઓ – બધાં ઘર તમારા છે! તમારા ઘરની સ્પેસથી બહાર નીકળીને તો જુઓ, આખા બ્રહ્માંડની સ્પેસ તમારી છે, આખું વિશ્વ તમારું છે, આખી પૃથ્વી તમારી છે! તમે એક વખત નીકળી તો જુઓ, એક વખત મનથી નીકળી તો જાવ, તો સમજાશે કે આટલું જ તમારું નથી, આખું વિરાટ તમારું છે!

હું 1990ના અરસામાં જ્યારે નડિયાદ રહેતો હતો ત્યારે મારી પાસે એક ભાઈ આવતા હતા, સાંજે એકાદ કલાક બેસે, કાયમ આવે. આ ભાઈ એક દિવસ આવીને કહે “સ્વામીજી, મારે અનુષ્ઠાન કરવું છે, તમે કોઇ ઉપાય બતાવો, હું ક્યાં’ય જઈને એકાંતમાં અનુષ્ઠાન કરી શકું.” મેં કહ્યું, “તમે જ્યારે નક્કી કરો કે તમારે અનુષ્ઠાન કરવું છે, ત્યારે આવજો, એ વખતે મને જે સૂઝશે તે હું કહીશ. ”

એક દિવસ એ ભાઈ ફરી આવ્યા, કહે, “હું કાલથી વિચારું છું, અનુષ્ઠાન કરવા માટે.” ત્યારે મારા મગજમાં કોઈ પ્લાન ન હતો, અને તે વખતે અમસ્તુ જ મોં-માંથી નીકળી ગયું કે તમે એક કામ કરો, તમે ક્યાં જવાના છો? ” તે કહે, “ચાણોદ જઈશ.” તો મે કીધું “તમે ચાણોદ જતા હો તો માત્ર ત્યાંનું ભાડું લઈને જાવ, અહીંથી બીજું કશું નહીં લઈ જવાનું, પૈસા વધે તો કોઈને આપી દે’જો, અને સાત-આઠ દિવસ તમે એ રીતે રહીને આવો, પાસે પૈસા નહીં રાખવાના.” તો એ ભાઈ કહે, “આ તે કેમનું થશે?” મને પૂછ્યું, તો મેં કીધું “હવે, કરવું નહીં કરવું એ તમારા ઉપર છે.”

એ ભાઈ સંતરામ મહારાજને ગુરુ માનતા હતા, તો, એમણે પૂછ્યું, “હું મહારાજને પૂછી જોઉં?”  મેં કહ્યું, “ભલે, એમને પૂછી જુઓ.” એ ભાઈએ જઈને સંતરામ મહારાજને વાત કરી, કીધું કે “સ્વામીજી તો આવું કહે છે.” ત્યારે સંતરામ મહારાજે કીધું કે “ભલે, સ્વામીજી કહે છે તો જાઓ.” એ ભાઇએ એમના ઘરે વાત કરી, ઘરવાળા બહુ નારાજ થયા કહે કે, આ સંન્યાસી તો અહીં બેઠા છે, શાંતિથી રહે છે, અને અમારા જેવા લોકોને આવું કરવા વગર પૈસે મોકલે છે.

ગમે તેમ કરીને ભાઈ તો હિંમત કરીને ગયા; પાંચ-છ દિવસ પછી એ સાંજે આવ્યા તો શરીર થોડું સૂકાઈ ગયેલું, પણ એમને એટલો બધો આનંદ અને ઉત્સાહ હતો એ જોઇને મને નવાઇ લાગી, આશ્ચર્ય પણ થયું, કે એમને આટલો બધો આનંદ!

એ ભાઇએ પોતાનો અનુભવ કહેવાનો શરૂ કર્યો, પણ પછી થોડું મોડું થયું, તો કહે, સ્વામીજી મોડું થઈ ગયું છે, જોયું તો રાતના બાર વાગી ગયા હતા! આ ભાઈ ત્રણ-ચાર કલાક સુધી મારી સાથે પોતાનો અનુભવ કહેતા રહ્યા, હું શાંતિથી સાંભળતો હતો. એમને એટલો બધો ઉત્સાહ હતો, તો મેં એમને કહેવા દીધું.. એમણે કીધું કે પહેલા દિવસે તો બપોરે હું પહોંચ્યો તો ત્યાં નર્મદા નદીના ઘાટ પર જ એક જગ્યાએ બેસી ગયો અને આસન લગાવી દીધું, અને એ દિવસે ખાવાનું તો મળ્યું નહીં, તો જઈને નર્મદાજીનું પાણી પી’ને રહ્યો. એક દિવસ તો એવો નીકળી ગયો, બીજે દિવસે બપોરે બહુ ભૂખ લાગી, એમ થાય કે હવે ઉબકા આવશે અને ઊલટીઓ શરૂ થઇ જશે, અને અંદરથી ઉબકા આવે એવું પણ થતું હતું. મને થયું કે હું કોઇ નજીકના આશ્રમમાં જઈને ક્યાં’કખાવાનું મળે તો જોઉં. એક મંદિરમાં ગયો, એ મંદિરમાં હું પહેલાં પણ રોકાયો હતો ત્યારે મને બહુ સરસ વ્યવસ્થા તેમણે કરી આપી હતી, પણ એ મંદિરમાં આ વખતે ગયો અને એમને ખબર પડી કે મારી પાસે કશું જ નથી, તો એ લોકોએ મને ઉતારો ન આપ્યો. ત્યાંથી નીકળીને હું બીજી જગ્યાએ ગયો કે ક્યાં’ક એક રૂમ મળી જાય. એ લોકોએ જાણ્યું  કે મારી પાસે કશું નથી, તો એ લોકોએ પણ મને રૂમ આપી નહીં. ત્યાં જે ભાઇ હતાં એ ચા બનાવતા હતા, એમણે મને પૂછ્યું કે ચા પીશો? મેં કીધું, “ભલે ચા પી’શ”, એમણે મને ચા આપી, એટલામાં એક ભાઈ ઉપરથી નીચે ઊતર્યા. એમને જોઈને મારાથી અમસ્તુ બોલાઈ ગયું “રૂમ તો છે,” ત્યાં તો પેલા ભાઈ એટલા ગરમ થઈ ગયા, કહે કે “અમે તમને ચા પીવડાવી એ કાંઇ ગુનો કર્યો? કહ્યું ને કે રૂમ નથી”.

એ ભાઈ કહે, “આ સાંભળીને હું તો આવતો રહ્યો, અને મને ભૂખને લીધે કાંઇ નહોતું ગમતું, પણ નક્કી કરેલું કે અહીં રહેવું જ છે. એવામાં, રાત્રે 8:30-9.00 વાગ્યે એક પંદર-સોળ વર્ષની કન્યા હશે અને એક વૃદ્ધ એની સાથે હતા; ત્યાં ઘાટ ઉપર પૂછતા આવ્યા — વિચાર કરો, રાત્રે સાડા આઠ – નવ વાગ્યાનો સમય અને એક દીકરી અને એમનાવડીલ મોટેથી બૂમ પાડતા હતા કે `અમારી પાસે જમવાનું છે, કોઈને ખાવું છે? ’ આ સાંભળીને હું સફાળો બેઠો થઈ ગયો, અને મારી પાસે તો એક ગ્લાસ જ હતો, તો એક ગ્લાસ લઈને ગયો અને એમાં ગરમ-ગરમ ભાત-દાળ મને મળ્યા, હું એ ખાઈ ગયો. મને તો ખૂબ જ સંતોષ થયો.” ત્યાર પછી એ ભાઈ કહે, “મને થયું કે આટલી મોડી રાતે કોણ છોકરી આવે અને ગરમ-ગરમ ખાવાનું આપીજાય ? થયું કે એ તો મા જ હોવા જોઈએ, નર્મદા મા જ હોવા જોઈએ!”

આવા અનુભવો જો ના હોય તો સેંકડો વર્ષોથી, હજારો વર્ષોથી લોકો નર્મદાની પરિક્રમા નહીં કરતા હોત! તો લોકો મા-ની શરણે થઈને નીકળે નીકળતા હોય છે એટલે મા એ લોકોની સંભાળ અવશ્ય લે જ છે. “બીજે દિવસે હું નીકળ્યો, અને જોયું તો થોડે દૂર માછીઓ જમતા હતા, એ લોકોએ મને જોઈને કીધું, આવો, તમે પણ જમી લો. પહેલા તો મને સંકોચ થયો, કે આ માછીઓ સાથે હું કેવી રીતે જમું, પછી થયું કે ના, ભગવાને જ તેમને પ્રેરણા આપી હશે, તો હું એ લોકો સાથે જમવા બેસી ગયો. વાત કરતા એમને ખબર પડી કે હું અહીં બે દિવસથી ભૂખ્યો હતો અને પછી ખાવાનું મળ્યું, તો એ ગળગળા થઈ ગયા, કહે અમને કહ્યું હો’ત તો અમે તમને રોજે લાવીને જમાડતા હો’ત. “તે દિવસે મને વિશ્વાસ થઈ ગયો કે હવે અહીં વાંધો નહીં આવે.” પછી કહે, મને વધારે હિંમત આવી કે અહીં ભગવાને સંભાળ લીધી છે તો બધી જગ્યાએ પણ એ સંભાળી લેશે. એટલે, વિચાર્યું કે હવે અહીં નથી રહેવું, હવે હું આગળ જઈશ.”

એટલે જ સાધુ ચાલતા રહે છે, બધી જગ્યાએ પરમાત્મા એમની સંભાળ લે છે.

પછી એ ભાઈ તો આગળ ગયા, તો ત્યાં પણ એમની ખાવાની વ્યવસ્થા થઈ ગઈ; ચાલતા-ચાલતા એમને એક સ્વામીજી મળ્યા, એમણે મારી વાત જાણી, મને એમણે થોડા પૈસા પણ આપ્યા, અને પછી સ્વામીજી કહે, “જાવ, હવે તમારું અનુષ્ઠાન પૂરું થઈ ગયું, હવે ઘરે જાવ.” તો, આમ, કરીને મને ઘરે પાછા જવા માટે ભાડું’ય મળી ગયું, અને એ ભાઈ ઘરે આવી ગયા.

તમે ભગવાન પાસે જાવ તો ભગવાન તમારી લૌકિક ઈચ્છાઓ તો સમજે જ ને? હવે, સંયોગથી એવું થયું કેએ ભાઇએ એક પ્લોટ ખરીદ્યો હતો જેમાં નવું મકાન બાંધવું હતું, પણ જે ઘરમાં રહેતા હતા એ ઘર જૂનું હતું તેથી એ વેચાતું જ ન્હોતું, જો એ જૂનું ઘર વેચાય તો નવું મકાન બાંધી શકાય. જૂના ઘરના તે વખતે માંડ પોણા બે લાખઆવતા હતા. તો એ ભાઇ નર્મદા કિનારે અનુષ્ઠાન કરી આવ્યા અને થોડા દિવસમાં જ અઢી લાખમાં એમનું જૂનું ઘર વેચાઈ ગયું! અને એ વખતે એમને એટલો બધો ‘ભાવ’ હતો કે ત્યાં નવા પ્લોટમાં જઈને એ ભાઈએ તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હવે કોઈ સારો એન્જિન્યર મળી જાય… ’ અને, એમને સારો એન્જિન્યર મળી ગયો, કામશરૂ કર્યું. આ બધું થઈ ગયા પછી એ ભાઈ તો પોતાના જુના ઘરના ધાબા ઉપર જઈને ભગવાનને પ્રાર્થના કરી કે “હે ભગવાન! આ એન્જિન્યરના હૃદયમાં તમે જ પ્રવેશીને, તમે જ મારું આ નવું મકાન બનાવજો”. અને સાચેસાચ, ખરેખર એટલા ઓછા પૈસામાં એમનું નવું મકાન બન્યું હતું… અને મને ખ્યાલ છે કે હું એ ઘરમાં અવાર-નવાર જતો હતો. તો, વર્ષોથી જે નવા ડોમેસ્ટિક construction કરતા હતા એવા એન્જિન્યર એમનું ઘર જોવા આવતા હતા, એટલું સરસ ઘર બન્યું હતું! પણ ભગવાન પ્રત્યેનો એમનો જે ભાવ હતો એ થોડા જ દિવસ રહ્યો, પછી બધું પૂરું થઈ ગયું, ધીમે-ધીમે એમના એ ભાવ પર ધૂળ જામી ગઈ. એનું નામ ગૃહસ્થ હોય! થોડા દિવસ માટે જ એને વૈરાગ્ય આવેસાધુ થઈ જઉં એવો ભાવ રહે.

મેં એક વાત સાંભળી હતી, એક વૃદ્ધ હતા તે ઘરની બહાર બેસીને રડતા હતા, ત્યાંથી કોઈ સાધુ નીકળ્યા હશે, તો પૂછ્યું, શું થયું, કેમ રડો છો? કેહે, મારા છોકરાને કેટલી મુશ્કેલીએ ઉછેર્યો, મહેનત કરીને ખવડાવ્યો, પીવડાવ્યો, મોટો કર્યો, ભણાવ્યો, અને હવે એ ઝઘડો કરે છે, આજે તો એણે મને માર્યો..” એમ કરીને બહુ ધ્રુસકે-ધ્રુસકે રડે.. સાધુ કહે “સંસાર એવો જ છે, બધા’ય પોતાના સ્વાર્થી છે, ચાલો, મારી સાથે..” તો, આ સાંભળીને એ વૃદ્ધ તો એકદમ ટટ્ટાર બેસી ગયા, “તમે કોણ વચ્ચે પડનાર? છોકરો છે તો મારો, માર્યું તો શું થયું? મારા છોકરાએ મને માર્યો તમને શું તકલીફ છે? ” તો, આનું નામ પણ ગૃહસ્થ, એને વૈરાગ્ય ના આવે… પણ જો એ ભગવાનને સરેન્ડર, સમર્પિત થાય તો વિરાટ એની સંભાળ લે છે.

એવું કહેવાય છે કે બુદ્ધ એક વખત સંઘ છોડીને જંગલમાં જતા રહેલા; તો, ત્યાં પ્રાણીઓ એમનું ખાવાનું લઈને આવતાં – તેમને માટે ફળ લઈને આવે, બીજું બધું લઈને આવતા, પ્રાણીઓ એમના માટે ભોજનની વ્યવસ્થા કરી આપતાં હતાં, એમણે તો તત્ત્વનો અનુભવ કરવો છે, એ તત્ત્વ સાથે એમણે જીવવું છે. તો, જ્યાં સુધી તમારી પાસે થોડું પણ કશું છે તો ત્યાં સુધી વિરાટને નહીં અનુભવી શકો, બધું છોડવું જ પડે.

એટલે, આપણી સંસ્કૃતિમાં સંન્યાસની એવી વ્યવસ્થા છે કે સંન્યાસીથી પાછું ના અવાય,

કેમ કે આપણું મન બહુ હોંશિયાર હોય, તમને એમ થાય કે એક વર્ષ એવું કરી જોઈએ પછી પાછો આવી જઈશ – તો, મન સમજૂતી કરી લે છે કે ચાલો ભાઈ, એક વર્ષનો તો મામલો છે, કરી લો બધું, આવું મન વિરાટને જીરવી શકે નહીં.

એટલે, એ વ્યવસ્થા રાખી કે સંન્યાસીથી પાછું ના અવાય. એક રીતે જોઈએ તો અન્યાય લાગે કે આવું કઈ રીતે કરી શકાય, કે એની પાસે કશું રાખવાનું જ નહીં? હા, સંન્યાસીને માટે ભિક્ષાની વ્યવસ્થા આપી છે, ભિક્ષા કરીને ખાવાનું, પણ રસોડું નથી રાખવાનું. એટલે, સંન્યાસીએ કાચી ભિક્ષા પણ નહીં લેવાની, એણે લોટ કે દાળ એવું નહીં લેવાનું, તૈયાર ભિક્ષા હોય તો તે લેવાની, કેમ કે જો એણે સત્યને પામવું છે, સત્ય સાથે જીવવું છે તો એનું મન બીજે ક્યાં’ય વિચલિત ના થાય, એનેબીજા કોઈ વિચારો ના આવે. એટલા માટે એને કોઈ જવાબદારી પણ નથી આપી, અને રસોડું પણ નથી આપ્યું કેમ કે રસોડાથી જ ધીમે-ધીમે બધું ઊભું થાય છે.

વામદેવજી કરીને એક સંત થઇ ગયા હતા, એમની સાધુઓની મંડળી જે ભિક્ષાવૃત્તિ કરીને રહે. એક સંત મંડળીમાં જોડાયા, જે બહુ ભણેલા-ગણેલા હતા, સારી ડિગ્રી હતી એમની પાસે, અને પછી સાધુ થયા હતા. એક દિવસ આ નવા સંત ભિક્ષા માંગવા ગયા હશે, તો કોઈએ એમનું બહુ અપમાન કર્યું, ગાળ આપી હશે, કશું અભદ્ર કહ્યું પણ હશે, તો આવીને એ નવા સંત બહુ ખિજાયા કહે, “હું હવે ભિક્ષા લેવા નહીં જાઉં, ભિક્ષા નહીં કરું, મંડળીમાં મારે નથી રહેવું, હું કોઈ આશ્રમમાં રહીશ જ્યાં બધી વ્યવસ્થા હશે ત્યાં રહીશ, મારે એવું મંડળીમાં ભિક્ષા કરીને નથી રહેવું.” તો, વામદેવજીએ પાસે બેસાડીને એમને સમજાવ્યા કે “દેખ, તુજે પતા નહીં હૈ કિ દાલ- રોટી કે લિયે ગૃહસ્થ લોગોં કો કિતને પાપડ બેલને પડતે હૈં, અગર તુઝે દો-ચાર ગાલી દે-કે ભી દો રોટી મિલ જાતી હૈ તો ભી તું ફાયદે મે હૈ,  તેરા કુછ ભી નુકસાન નહીં હૈ.”

તમને ખબર હશે કે ઘર ચલાવવા માટે કેવી, કેટલી મુશ્કેલીઓ હોય છે. અહીં ગામમાં કેટલા છોકરાઓ હોય એને ખેતી ના ગમે, એને એમ થાય કે હું શહેરમાં જઈને નોકરી કરીશ. એટલે એક છોકરા પાસે 20 વીંઘા જમીન, ખેડૂત ધારે તો 20 વીંઘામાંથી લાખો રૂપિયા પેદા કરી શકે છે, એ વરસમાં પંદર-વીસ લાખ રૂપિયા કમાઇ શકે, પણ, ના એને ખેતરમાં તપવું નથી, એટલે એ શહેર ગયો. મેં એના ઘરવાળાને કીધું કે એને અહીંથી કશું આપશો જ નહીં અનાજનો એક દાણો પણ આપશો નહીં, જે કમાય એ ખાય.

હવે શહેરમાં એને ત્રણ-ચાર હજારની નોકરી મળી, પણ સામે અઢી-ત્રણ હજારનું તો એના નવા ઘરનું ભાડું જ હતું, ભાડાનું ઘર, અને એને પછી એક બેબી થઈ, બેબીના દૂધની વ્યવસ્થા એ કરી ન શક્યો… પછી, પાછો આવતો રહ્યો.

તો, ગૃહસ્થીએ ઘર ચલાવવા માટે કેટલું બધું કરવું પડે છે. એટલે એવી વ્યવસ્થા રાખી કે સંન્યાસીએ તૈયાર રસોઈની જ ભિક્ષા લેવાની, કોઈના પણ ઘરેથી લઈ લેવાનું, અને એક ઘરમાંથી એક રોટલીથી વધારે લેવું નહીં.

હું ઋષિકેશમાં જ્યારે મધુકરી કરતો હતો ત્યારે મને ખ્યાલ છે કે એક દિવસ ભિક્ષા માટે ગયો હતો, ત્યારે એક ઘરેથી એક જ રોટલી લીધી, અને ઊભો-ઊભો ખાતો હતો, તો એ ભાઈ મારી જોડે જ ઉભા રહ્યા, અને મને જોયા કરે, પછી ધીમેથી કહે, “आप मेरे घर रोज आइयेगा,”  “नहीं, मैं रोज नहीं आउंगा”, હું રોજ અલગ-અલગ ઘરે જતો હતો, દસ-પંદર દિવસે એક બાજુના ઘરમાં જવાનું હોય. તો પણ એ ભાઈ કહે, नहीं, आप मेरे घर रोज आइये ना, हमें एक रोटी देने में कोइ आपत्ति नहीं है, एक रोटी देने में कहाँ आपत्ति है। मैं जब छोटा था न, तो हमारे गाँव में भी एक साधु ऐसे ही रहते थे. वो एक कुटिया में रहते थे, और रोज गाँव में भिक्षा के लिये आते थे; भिक्षा ले कर चले जाते थे अपनी कुटिया में, और वो वहीं रहते. हम जब कभी उनकी कुटिया में जाते थे, तब वो बडे प्रेम से हम लोगोंको बुलाते थे, फिर कहते, “मुझे दे दो, जितनी बुराईयाँ है ना, सब मुझे दे दो… और वे बडे अच्छे संत थे.

આ વાતને હું જ્યારે પણ વિચારું છું ને તો મને રોમાંચ થાય છે કે શંકરાચાર્યજી જેવી વિભૂતિઓ, બુદ્ધ જેવા મહાપુરુષો કોઈને બારણે ઊભા રહીને ભિક્ષા લીધી હશે, અને જે ગૃહસ્થોએ એમને ભિક્ષા આપી હશે…એ બધા કેટલા ભાગ્યશાળી હશે! એમને બારણે ઊભા રહીને કોઈ મહાપુરુષે ભિક્ષા લીધી હોય તો એ પ્રસંગ, એની ખુશ્બુ,  એના સંસ્કાર, એના ભાવ બે-ચાર પેઢી સુધી એની વાતો થશે; આજે પણ થાય છે, નહીં? કેટલા મહાપુરુષોના જ્યાં પગલાં પડ્યા હોય છે, ત્યાં લોકો મંદિર બનાવે, કહે, અહીં બેઠા હતા, અહીં રહ્યા હતા, એ મહાપુરુષ.

મને ખ્યાલ છે, હું જે ગામમાં રહું છું ત્યાંના એક ભાઈએ મને એક દિવસ વાત કરી, અને વાત કરતા એગળગળા થઈ ગયા હતા, “મારે ત્યાં એક બ્રાહ્મણ આવ્યા હતા ભિક્ષા માટે, તેણે થોડું અનાજ લીધું, અને જાતે જ બનાવીને ખાધું હતું, મારે ત્યાં. એ દિવસથી મારા ઘરની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ, મારું આખું ઘર જ એકદમ આગળ આવતું રહ્યું! તો, પરસ્પર માટે કેવો ભાવ છે!

એટલે, ભિક્ષાનો એવો નિયમ છે કે સંન્યાસીએ એક જગ્યાએથી એક રોટલીથી વધારે લેવાની નહીં, પાંચ-થી-સાત ઘરથી ભિક્ષા લેવાની, ગર્વથી ભિક્ષા લેવાની, સમાજથી સીધી ભિક્ષા લેવાની. થોડા સમયથી આપણને ગવર્નમેન્ટ બહુ સુવિધાઓ આપતી જાય છે, બહુ સારું લાગે છે પણ એ સુવિધા માત્ર ભૌતિકી, શરીરની જ છે; એ સુવિધાઓને કારણે મનુષ્યની અંદર આંતર-ઉપલબ્ધિઓની જે શક્યતાઓ છે, એઓ છી થતી જવાની છે, કેમ કે પરસ્પર ભાવ, પ્રેમ, એકબીજા માટે લાગણી એ બધું ઓછું જ થતું જશે. બાળકોની વ્યવસ્થા પણ જો સરકાર સંભાળતી હોય તો મા-બાપ શું કરવા પોતાના બાળકોની વ્યવસ્થા કરે?

એક વખત મને એક ભાઈ કહે કે યુ.એસ.એ.માં એનો એક જનરલ સ્ટોર છે, સ્ટોરમાં ક્યારે’ક બહેનો આવે, સિગરેટ વગેરે લેવા માટે, સાથે નાનો છોકરો હોય એ ચોકલેટ-ટોફી માટે રડતો હોય; તો એની મા સિગરેટ લે, અને પછી છોકરાને કહે, “તારી પાસે પૈસા છે, તારા પૈસા છે તો તું તારે માટે ટો ફી લઈ લે, ચોકલેટ લે.”

આવું કેમ? કેમ કે ત્યાં ગવર્મેન્ટ સોશિયલ સિક્યુરિટી પ્રોગ્રામ, કે અમેરિકન ફેમિલી એક્ટ હેઠળ નાના બાળકોને એલાઉન્સ આપે છે (છ વર્ષ સુધીના બાળક માટે માસિક 300 ડોલર = રૂ.21,000, અને ઘરના દરેક બાળકને 17 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને 250 ડોલર = 18,000). બાળકને પણ ખબર છે કે મને આટલા પૈસા મળે છે, એટલે મારે એ રીતે કરવું છે.

પાશ્ચાત્ય દેશોમાં વૃદ્ધોની બધી વ્યવસ્થા પણ ગવર્મેન્ટ જ કરતી હોય, તો પછી છોકરાઓ શું કરવાવૃદ્ધોની સેવા કરે? સવાલ એ છે કે સરકાર ખર્ચ ક્યાંથી કરશે? એક નહીં તો બીજી રીતે, જ્યાંથી મળે ત્યાંથી, દેવુંલઈને કરશે, અથવા તો દેશની રિઝર્વ બેંકને ખલાસ કરીને કરશે. વાહ! વાહ! વાહ! જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી સરકાર ખર્ચ કરશે, અને પૈસા નહીં હશે તો?

આજે ઘણા દેશોમાં ચર્ચા ચાલી રહી છે મર્સી કિલિંગ (mercy killing)ની, કેમ કે છેલ્લાં કેટલા દાયકાઓથીદરેક દેશોમાં વૃદ્ધોની સંખ્યા, દેશની કુલ જનસંખ્યામાં એમની ટકાવારી ઘણી બધી વધતી જાય છે – ખાસ કરીને યુરોપીયન દેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વિડન કે જ્યાં per capita income ખૂબ વધી છે, એટલે ત્યાંની ગવર્નર્મેન્ટ બધાંને ઘરબેઠાં સારું એવું પેન્શન આપે છે; જેને જોબ નથી એને પણ બધી સુવિધા આપે છે, અને સારામાં સારી સુવિધાઓ આપે છે, એટલા બધા પૈસા છે એ દેશોમાં, પણ સહ-કુટુંબની વ્યવસ્થા એ દેશોમાં નથી, એટલે વૃદ્ધો suicide એટલા ને એટલા કરતા પણ જાય છે કેમકે એ એકલવાયા થઈને રહી ગયા છે એમની દેખરેખ રાખવા માટે ત્યાં સરકાર સિવાય કોઈ જ નથી, પહેલેથી બધું સરકાર જ કરતી આવી છે અને હજુ પણ સરકાર જ કરે છે, તો બીજા લોકો વૃદ્ધોની  સેવા શું કામ કરે?

એટલે, બહારની ભૌતક સુવિધાઓ મળતી જશે પણ આંતર ઉપલબ્ધિની શક્યતા એટલી ને એટલી ઓછી થઈ જશે. આપણી વૈદિક પરંપરામાં સંન્યાસની વ્યવસ્થા રાજા કે સરકાર ઉપર નથી છોડી, સંન્યાસીનો સંબંધ સમાજસાથે સીધો છે, અને એમાં પણ એક-એક રોટલી જ લેવાની.

હું એક વખત કેન્યા દેશમાં ગયો હતો; ત્યાં હતો ત્યારે એક સ્પેનિશ બહેન એમેલિયા મારી પાસે યોગ શીખવાઆવ તાં હતાં. એક દિવસ હું જ્યાં રોકાયો હતો (ભાવનાબેન કરીને એમનું નામ હતું). એમેલિયાએ ભાવના બેનનેપૂછ્યું કે “હું સવારે ફ્રી હોઉં છું, મારી પાસે ગાડી છે અને જો સ્વામીજી હા કહે તો એમને હું આખું નાયરોબી બતાવીઆવું?” તો, ભાવનાબેને મને પૂછ્યું કે એમેલિયા આવું પૂછે છે, ત્યારે મેં એમને કહ્યું કે “ભલે, હું આવીશ.”

એમેલિયા રોજ સવારે આઠ-નવ વાગ્યે આવી જાય, અને પછી એમની સાથે મને અલગ-અલગ જગ્યાએ લઈજાય, વાતો થાય, થોડી સંન્યાસની વાતો થાય, તો જે ચર્ચા થાય પછી રોજ સાંજે જઈને એ વિષયમાં એ ઈન્ટરનેટમાં શોધે, અને સ્ટડી કરીને આવે. એમેલિયાએ આવીને મને કીધું કે આ વાત સાચી છે કે સંન્યાસ જેવી વ્યવસ્થા ભારત સિવાય બીજે ક્યાં’ય નથી, આ વ્યવસ્થા માત્ર ભારતમાં જ છે.

કોઈ સરકાર ઇચ્છશે કે તમે કશું કર્યા વગર રહો? તમે હેલધિ છો, ભણેલા છો, બધી યોગ્યતા છે તમારામાં, તમે કામ કરી શકો છો, અને તો પણ તમે કશું કરો જ નહીં, અને એમ કહો કે, હું તો માત્ર ધ્યાન જ કરીશ. તો શું,

તમારી બધી વ્યવસ્થા કરી આપે કોઈ સરકાર? કરશે આવું? ના, કોઈ સરકાર નહીં કરે. તો, સરકારના હસ્તક જે બધી વ્યવસ્થાઓ જતી રહે તો ત્યાં આધ્યાત્મ, આત્મ-શોધ જેવી વાતો રહેવાની નથી, અને જો કદાચ ક્યાં’ક હોય તો પણ એની શક્યતા એટલી-ને-એટલી જ ખલાસ થતી જશે.

એમેલિયા જ્યુઇશ (યહુદી) હતા, એમણે કીધું કે આવી વ્યવસ્થા અમારા જ્યુઝ (Jews) સમાજના જેસેનેગોગ (synagogue, યહુદીઓના ગિરજાઘર) ના પૂજારીઓ માટે છે, અને એ પૂજારીઓના પરિવારનો ખર્ચો બધો સરકાર આપે છે; પરંતુ, હવે એ સમાજમાં આ વ્યવસ્થા સામે બહુ વિરોધ થવા લાગ્યો છે કેમ કે સમાજમાં ગૃહસ્થી લોકો બધા ટેક્સ ભરતા હોય છે, તેથી તેમનું એવું કહેવું છે કે મહેનત ગૃહસ્થીઓ કરે, અમે (એ લોકો) ટેક્સ આપીએ, તો પછી પૂજારીઓએ પણ તેમની વ્યવસ્થા જાતે કરવી જોઈએ, આ તેમની માંગ છે.

ત્યારે મને વિચાર આવ્યો કે જો કોઈ સંન્યાસી એક ઘરેથી માત્ર અડધી કે એક રોટલી જ લે’તો હોય તો કોઈ એને કોર્ટમાં ના લઈ જાય. એક રોટલી આપવામાં ક્યાં કોઈને તકલીફ હોય? એટલે, સંન્યાસી માટે રોટલી માટે પણએક જ ઘરની વ્યવસ્થા રાખી નથી, સંન્યાસી રોટલી કે ખાવાનું પણ લે તો એણે જુદાં-જુદાં ઘરોથી ભિક્ષા લેવાની, એક-એક રોટલી જ, અને વધારે પણ નહીં લેવાનું. સંન્યાસીઓ માટે અલગ-અલગ વ્યવસ્થાઓ હતી, પણ દરેક વ્યવસ્થાનો સાર એ છે કે સાધુને રસોડું નહીં હોવું જોઇએ..

સાધુ-સંન્યાસી ઇચ્છે તો એણે ભ્રમરવૃત્તિ કરવી, કે જેમ ભમરો હોય એ ક્યાં’ય પૂડો ના બનાવે, જે ફૂલો ખિલ્યા હોય એ ફૂલો પર જઈને ભમરો બેસે, ત્યાં જ એ ખોરાક લઈ લે, એમ સાધુ હોય તો એ જ્યાં ઊભો હોય ત્યાં જે ખાવાનું મળે એ ત્યાં જ ઊભો-ઊભો ખાઇ લે, બેસીને જમી લે, જે રીતે હું ઋષિકેશમાં કરતો હતો. તો, આ જ રીતે થતું – હું પાંચ-સાત ઘરોમાં જઉં, ત્યાં ઊભા-ઊભા ખાઇ લેવાનું, બેસાવા કહે તો બેસી જવાનું, કોઈ વખત ખુરશી આપે, કોઈ વખત ભગાડી પણ મૂકે. તો, એ રીતે વ્યવસ્થા હતી.

એવી પણ વ્યવસ્થા હોય કે સંન્યાસી બે-ચાર ઘરોથી થોડી-થોડી ભિક્ષા લઈને અને પછી એક જગ્યાએ બેસી ને ખાઈ લે છે – આ મધુકર વૃત્તિ કહેવાય; જૈન પરંપરામાં એને ગોચરી કહે છે તે લોકો જેવી રીતે ગાય ચરતી હોય, થોડું ઘાસ ચરતી હોય, એને ગોચરી કહેવાય. બીજી એક અયાચક વૃત્તિ હોય, કે તમને કોઈ આમંત્રણ આપે અને તમે ત્યાં જઇને જમી આવો.

પછી, અજગર વૃત્તિની વ્યવસ્થા – આમાં સાધુ ક્યાં’ય પણ જાય નહીં, એને કોઈ ખાવાનું આપી જાય તો જ ખરું. આમાંવળી ઘણા સાધુઓ તો એવા વ્રત લઈને બેસે કે એ કોઈ જગ્યાએ જાય પણ નહીં અને પોતાની જાતે ખાય પણ નહીં, કોઈ એના મોઢામાં ખાવાનુ નાંખી દે તો જ એ ખાય.

જ્યારે હું ઋષિકેશ રહેતો હતો તો ત્યાં એક મસ્તરામ કરીને સંત હતા, એ એવી અજગર વૃત્તિથી રહેતા, વર્ષો પછી બહુ પ્રસિદ્ધ થઈ ગયેલા, એટલે પછી એમને ખવડાવવા માટે લોકોની લાઈન લાગતી હતી! પણ જ્યારે શરૂઆતના દિવસો હતા ત્યારે એમની સાથેના સાધુઓ વાત કરે કે ક્યારે’ક સાત દિવસ સુધી પણ એમને ખાવાનું નહોતું મળતું, તો’ય એ તો મસ્ત જ રહેતા. એટલે, એમનું નામ મસ્તરામ પડ્યું હતું.

આમ, સાધુ-સંતોની ભોજન વ્યવસ્થા માટે ભિક્ષા વૃત્તિ વ્યવસ્થા જ રાખી અને એ પણ એવી કે એ સંન્યાસી કોઈના ઉપર ભારરૂપ લાગે જ નહીં. સાધુએ થોડું-થોડું કરીને પાંચ-સાત ઘરેથી લઈ લેવાનું.

સંન્યાસ માર્ગની આવી તો ઘણી અદ્ભૂત વાતો છે. આગળની વાતો ફરી કરીશું.

ॐ તત્ સત