हरि ॐ

વેદો-આધારિત આપણી ભારતીય સંસ્કૃતિ માટે સ્વામી વિવેકાનંદજીએ એક બહુ અગત્યની વાત કહી હતી કે જો આ દેશ એની સંસ્કૃતિને નહીં ભૂલે, અને ભૂલ્યા વગર એની રક્ષા કરશે તો દુનિયાની કોઈ તાકાત એને હરાવી નહીં શકશે કે કોઈ પ્રકારનું નુકશાન પણ નહીં કરી શકશે; અને સાથે-સાથે એ પણ કહ્યું હતું કે જે દિવસે, જે સમયે આ દેશ એની સંસ્કૃતિને ભૂલી જશે, અવગણશે તો દુનિયાની કોઈ તાકાત એને બચાવી નહીં શકશે.

આ વાતને આપણા કરતા અંગ્રેજ શાસકો સારી રીતે સમજી શક્યા હતા; આ દેશમાં આવ્યાના થોડાં જ દાયકાઓમાં એ લોકો સમજી ગયા હતા કે જો આ દેશની સંસ્કૃતિને તોડવામાં નહીં આવે તો આપણે (એ લોકો) અહીંની પ્રજા ઉપર શાસન નહીં કરી શકીશું. એમની આવી પાકી સમજને લઇ એ લોકોએ એમના ૧૦૦-૧૨૫ વર્ષોના શાસન દરમિયાન ખૂબ બુદ્ધિ, યુક્તિ અને ચતુરાઈથી અહીંના લોકો ઉપર અને એમની આ સંસ્કૃતિ ઉપર ક્રૂર કઠોરાઘાત કરી, આપણી સંસ્કૃતિને ખૂબ નુકશાન કર્યું હતું.

યેન-કેન-પ્રકારેણ આ દેશના વૈભવોને લૂંટ્યા બાદ અંગ્રેજોએ જે જીવલેણ કહી શકાય એવી છેલ્લી, આખરી રમત રમી, ચાલ ચાલી, એ અહીંના ધર્મ-અધ્યાત્મવાળા શિક્ષણ ક્ષેત્ર ઉપર. આટલા મોટા દેશ ઉપર રાજ કરવા માટે એમને મોટા પ્રમાણમાં કારકૂનો તો જોઈતા જ હતા, સાથે-સાથે આ દેશની સંસ્કૃતિને પણ તોડવી હતી તેથી એમણે ભારતમાં અંગ્રજી શિક્ષણ પદ્ધતિ આપણી ઉપર ઠોકી બેસાડી. અંગ્રેજોનો ઈતિહાસ વાંચીશું તો સમજાશે કે જ્યાં-જ્યાં એ લોકોએ રાજ કર્યું છે ત્યાં-ત્યાં એ લોકોએ આ પ્રમાણે કારકૂનો-કામદારો માટેની શિક્ષણ-વ્યવસ્થા ઠોકી બેસાડી હતી. (અમેરિકાના લોકોને આજે ૨૧મી સદીમાં પણ દુઃખ થાય છે કે ત્યાંની સરકારે કારખાનાઓ ચલાવી દેશ ઉભો કરવા માટે કારકુનો-કામદારો માટેનું જે શિક્ષણ આપ્યું હતું, એને કારણે ત્યાંના લોકો મહદંશે એક જ ઘરેડમાં વિચાર કરે છે, એ દેશોમાં વિચારોના વૈવિધ્યનો, ઉત્કૃષ્ટ જીવન-પદ્ધતિનો અભાવ રહ્યો છે)

 ભારત ઉપરના એમના શાસન દરમિયાન અને ત્યાર પછી પણ ભારત ના ઈતિહાસને ખોટી રીતે ભણાવવામાં આવ્યો, તે ત્યાં સુધી કે એમના કહેવા મુજબ અહીં ભારતમાં શિક્ષણ જેવું કશું હતું જ નહીં; અને એ લોકોએ જે શિક્ષણ પદ્ધતિ આપણી ઉપર થોપી હતી એ કદાચ ત્યાંની  સમાજ વ્યવસ્થાને અનુરૂપ હશે, ત્યાંની નવી ઉદ્ભવતી સંસ્કૃતિને અનુરૂપ હશે; એ સંસ્કૃતિને બહુ લાંબો સમય નથી થયો, આ આધુનિક સમાજ અને સંસ્કૃતિને તો માત્ર ૨૦૦-૨૫૦ વર્ષો જ થયાં છે.

અંગ્રેજોએ એમના શાસન દરમિયાન આપણી સંસ્કૃતિને જે નુક્શાન કર્યું હતું એની માઠી અસર અને એને કારણે થતી મુશ્કેલીઓ તો આજે ૨૫૦ વર્ષો પછી પણ સામે આવી રહી છે, અને એ આપણા લોકોને, આપણા દેશને બહુ હેરાન, નુકશાન કરે એવી છે. પાશ્ચાત્ય વિચારધારા, જીવન પદ્ધતિ આધારિત જે વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે એનું આયુષ્ય બહુ લાંબુ હશે કે કેમ એ પણ શંકા જ છે.

આ વાતને કેન્દ્રમાં રાખી આપણે ભારતીય સંસ્કૃતિની બાબતમાં થોડો ઘણો વિચાર કરી રહ્યા છીએ, અને ખાસ તો શિક્ષણ વ્યવસ્થા અંગે થોડી-ઘણી વાતો પણ કરી છે. પૌરાણિક ભારતની જે શિક્ષણ વ્યવસ્થા હતી એ વિદ્યાર્થી માટે ખરેખર જીવનોપયોગી હતી, એના સર્વાંગીય વિકાસને ધ્યાનમાં રાખીને ઘઢાઈ હતી, એ વ્યવસ્થા આજની જેમ માત્ર પૈસા કમાવા માટેની ન્હોતી, પણ વિદ્યાર્થીના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, લૌકિક બધી રીતે એનો વિકાસ થાય એ દૃષ્ટિ સાથે એ શિક્ષણ વ્યવસ્થા ઉદ્ભવી હતી.

થોડા સમય પહેલાં આશ્રમમાં આપણે એક શિબિર રાખેલી, એમાં થોડા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એક દિવસ મેં એક પ્રયોગ કર્યો તે એવો પ્રયોગ હતો કે અમુક વિદ્યાર્થીઓને મેં સવારે બોલાવ્યા અને એમની પાસેથી એમના પૈસા, મોબાઈલ વિગેરે બધું જ લઇ લીધું; બે-બે જણાના ગ્રુપ કરીને એમને કીધું કે નજીકના કોઈ એક ગામમાં તમારે જવાનું; આશ્રમની બહાર જઈને કોઈને પણ પૂછી લેવાનું કે એ ગામ ક્યાં છે, ત્યાં કઈ રીતે જઈ શકાય, અને તમારે ત્યાં એ ગામમાં જવાનું, આખો દિવસ ત્યાં જ રહેવાનું છે, ત્યાં તમારો કોઈ પરિચય નથી. એ લોકો તો ગયા; પછી ૧૧  વાગ્યે મને થયું, લાવ’ને થોડી તપાસ કરું, જોઉં કે એ લોકો ત્યાં શું કરે છે.

હું એ ગામમાં ગયો, જોયું તો એ લોકો ત્યાં હતા, કાંઈ યોગ શિખવાડવા માટેની તૈયારી કરતા હતા. વિદ્યાર્થીઓને ખબર પડી કે સ્વામીજી આવ્યા છે, એ મારી પાસે આવ્યા ત્યારે ખબર પડી કે એ લોકો માટે સવારથી ચા-નાસ્તાની કોઈ જ વ્યવસ્થા ન્હોતી થઇ.

એમાંના એક વિદ્યાર્થીએ કીધું કે સ્વામીજી, મને લાગે છે કે અમારા જીવનની આ સૌથી કપરી, ખરાબ પરિસ્થિતિ હોઈ શકે, કેમ કે એકદમ અજાણી જગ્યામાં જવાનું, ત્યાં કોઈ જ પરિચય ના હોય, પાસે પૈસા ના હોય, મોબાઈલ પણ ના હોય…

ઈન્જીનિયરિંગમાં ભણતા એ વિદ્યાર્થીએ કીધું, “સ્વામીજી અમે આટલા વર્ષોથી ભણીએ છીએ પણ અમને એવું તો શિખવાડવામાં આવ્યું જ નથી કે જીવનમાં આવી અણધારી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે અમારે શું કરવું જોઈએ, એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો. અજાણી જગ્યામાં જવાનું થાય તો ત્યાં કોની સાથે, કેવી, શું વાતો કરવાની, ત્યાં કઈ રીતે રહેવાનું… એ પરિસ્થિતિમાં આપણી શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ… કોલેજોમાં આવું કશું જ શિખવાડવામાં નથી આવતું.”

જો આપણે આવી સ્થિતિને જીવી જઈએ તો મને નથી લાગતું કે જીવનમાં આપણે ક્યાં’ય પાછળ પડીએ.

આજની સમાજ અને શિક્ષણ વ્યવસ્થા એવી છે કે કોઈને નોકરી ના મળે તો એ તો ડિપ્રેશનમાં ઉતરી જાય, ક્યારે’ક તો એવું ય થાય કે એને હોસ્પિટલમાં લઇ જવો પડે… તો આનાથી ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે?

તો, આજની શિક્ષણ વ્યવસ્થા આવી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એવું તો શિખવાડતી જ નથી. આજની શિક્ષણ વ્યવસ્થા તો એવી છે કે એ તો માત્ર-ને-માત્ર વિદ્યાર્થીઓને ભણાવવાના નામે અને એ લોકોને સારો પગાર મળે એ માટે એમને નાની-મોટી કંપનીઓ માટે એક પ્રકારના ભણેલા અને જીવંત સંસાધન (resources) જ પેદા કરે છે – જેમ કે કંપનીઓ કે ફેકટરીઓ માટે ઉત્પાદન કરવા, નફો કરવા અલગ-અલગ ક્ષેત્રોના સંસાધનો હોય છે – જેમ કે પાણી, ક્રુડ તેલ, ખનીજ, મિનરલ્સ, કોલસા, કપાસ, મગફળી, તેલીબિયાં કે પછી ગામ આખાનો કચરો (waste-management) વિગેરે હોય છે તેમ, ભણેલા યુવકો, વયસ્કો બધા કંપની-ફેકટરીઓ માટે એક પ્રકારના resources જ છે, આ સંસાધનનું નામ કે પ્રકાર જુદા હશે – human resources… અને આ resources પણ કેવા? કોઈ વસ્તુ, મશીન, વિગેરે જેવા… કોઈ રૂ.૫-૬ લાખના પેકેજમાં વેચાઈ જાય, કોઈ વળી રૂ.૬-૮ લાખના, કોઈ વળી રૂ.૮-૧૦ લાખના પેકેજમાં વેચાઈ જરૂર જાય છે! માલેતુજારો માલિકો માટે વધુ નફો રળાવી આપવા માટેનું જાણે એક જીવતું-જાગતું tool, ઓજાર, મશીન – human resources!

હું ઘણી વખત વિચાર કરું છું કે આપણે કહીએ કે એણે (કોઈ એક યુવક/યુવતીએ) BE, BTech / MTech / MA / MCom કે એથી પણ ઉંચી ડિગ્રીવાળો અભ્યાસ કર્યો છે; કોઈ’કે અમુક ક્ષેત્રમાં specialization પણ કર્યું હોય… તો આપણે એવા લોકોને સારુ, કે ખૂબ ભણેલા ગણીએ છીએ. હવે જો એ લગ્નના બજારમાં આવે તો એની ‘કિંમત’ કેટલી થઇ જાય (શ્રોતાઓમાં હાસ્યની લહેર ફરી ગઈ)…હાં? આપણે બાળકોને એટલા માટે જ ભણાવીએ છીએ ને કે એને સારો વર, કે સારી છોકરી મળે? છોકરો હોય તો એને સારી નોકરી મળે, વિદેશ જવાના ચાન્સીસ વધી જાય…વિગેરે.

હવે, જો કોઈએ ટેક્સટાઈલ ક્ષેત્રે MTech કર્યું હોય તો એ કાપડ સિવાય કશું જ નથી જાણતો, એને કાપડ સિવાય બીજા ક્ષેત્રની ભાગ્યે જ જાણકારી હશે, કારણ કે એને એવું શિક્ષણ જ નથી મળ્યું. પોતાના સ્વાસ્થ્ય માટે શું કરવું? સ્વાસ્થ્ય જાળવવા શું કરવું જોઈએ, શું ખાવું-પીવું જોઈએ? માંદા પડીએ ત્યારે એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો, કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો એણે કઈ રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો… આવી બધી જીવનાવશ્યક વાતો આજના શિક્ષણમાં શિખવવામાં ના આવી હોય.

આશ્ચર્યની વાત તો એ પણ ખરી કે આજની શિક્ષણ વ્યવસ્થા તો ડોક્ટરને પણ નથી શિખવતી કે એણે શું, કેવું, કેટલું ખાવું જોઈએ. હમણાં જ માલસરમાં એક શિબિર હતી તો ત્યાં એક ડોક્ટર પણ આવ્યા હતા. આ ડોકટરે સ્વીકાર કર્યું, કીધું કે બેક્ટેરિયાનું જે ઇન્ફેકશન થાય છે એ તો બીમારીની બહુ પાછળની સ્થિતિ છે. સૌથી પહેલાં તો માણસમાં કોઈ પણ પરિસ્થિતિને લઈને મનમાં અશાંતિ ઊભી થાય છે; એ અશાંતિ શાંત થાય એ માટેના વિવિધ ઉપાયો શોધે છે, ખોટી ટેવ તરફ વળે છે… એ ખોટી ટેવને લીધે પછી શરીરમાં વિકારો ભેગાં થાય છે, વિકારો વધે છે, પછી વિકૃત થઈને આખા શરીરમાં ફેલાય છે… ત્યાર પછી એ વ્યક્તિને બેક્ટેરિયલ ઇન્ફેકશન થતું હોય છે.

તો, આજની એલોપથી ચિકિત્સા પદ્ધતિ રોગને પારખી શકતી હોય તો ક્યારે? જયારે બીમારી ખૂબ આગળ વધી ગઈ હોય. દા.ત. ડાયાબિટીક પેશન્ટમાં સુગર છે એ ક્યારે ખબર પડે? કે જયારે સુગર લોહીમાં પચતું નથી, તેથી એ સુગર લોહીમાં દેખા ‘દે છે ત્યારે. આવા કેસમાં પેશન્ટે સૌ પ્રથમ તો એના ખોરાકમાં ફેરફાર લાવવાનો હોય છે, એના વાણી-વર્તન-વ્યવહારમાં પોઝીટિવ ફેરફાર કરવાનો હોય… પણ આજનું મેડિકલ જગત આવી જીવનાવશ્યક વાતો નથી જાણતી, કે નથી સ્વીકારતી, કારણ કે એમને આવી વાતો શિખવવામાં આવતી ના હોય. જો ડોકટરોને આવી વાતોની જાણકારી જ ના હોય તો પછી સામાન્ય વિદ્યાર્થી કે માણસને આવી વાતોની સમજ કેવી રીતે હોય?

આ વાત કહેનાર ડોક્ટર આપણા સાધક છે, અને એ ENT સ્પેશિયલિસ્ટ છે. એમણે કીધું કે “સ્વામીજી, અમને આવું બધું તો શિખવવામાં આવતું જ નથી; અમને તો એવું જ શિખવવામાં આવે છે કે બીમારી તપાસી એ મટાડવા માટેની અમુક નિશ્ચિત દવા આપવી – અમુક બીમારી છે, આ દવા-ગોળી આપો; બીજી કોઈ વ્યાધિ છે, બીજા પ્રકારની દવા આપવી; તમને કોઈ ગરબડ છે, એન્ટિબાયોટિક આપો, જો એનાથી ખાવાનું પચે નહીં, એસીડીટી થાય છે તો એ મટાડવા માટેની દવા આપી દો; એનાથી પેટમાં ગેસ થાય છે? માથું દુઃખે છે? તો ડોક્ટર એ માટેની દવા આપી દે, જો એ દવાથી નર્વસનેસ, બેચેની થાય, ઉંઘ જેવું થયા કરે તો એને મટાડવા માટે એક-બે ગોળીના નામ લખી આપશે, એક-બે વિટામિનની ગોળીના નામ પણ કહેશે. તમે જે પ્રમાણેના, જેટલા symptoms લઈને ડોક્ટર પાસે જાવ, એટલી દવાઓ વધતી જાય, અને મોંઘી પણ થતી જાય. તો, આજનું મેડિકલ શિક્ષણ જો ડોક્ટરને પણ સાચી દિશા નથી ભણાવતું, નથી દર્શાવતું, તો એ ડોક્ટર સામાન્ય માણસની, દર્દીની સાચી ચિકિત્સા કઈ રીતે કરશે?

આપણી શિક્ષણ વ્યવસ્થામાંની બે-ત્રણ વાતો જોઈ તેમાંની એક મુખ્ય હતી કે ત્યારની શિક્ષણ વ્યવસ્થા તદ્દન નિ:શુલ્ક હતી; બીજું, દરેક વિદ્યાર્થીને એના પૈત્રિક વ્યવસાયનું શિક્ષણ આપવામાં આવતું હતું, અને એની સાથે એના જીવન સંબંધી જે વાતો હતી એ પણ શિખવાડવામાં આવતી. વિદ્યાર્થીનો પૈત્રિક ધંધો કોઈ પણ હોય, એને એના શરીર-મન-ચેતના સંબંધી જ્ઞાન તો જરૂર આપવામાં આવતું હતું.

હમણાં એક શિબિર હતી, ત્યાં અમે એક વાતને ગણિતના આંકડા દ્વારા સમજવાનો પ્રયત્ન કરતા હતા કે જો સમાજને આધ્યાત્મિક જ્ઞાન જોઈએ છે તો એ માટે કોઈ આચાર્ય, કોઈ શિક્ષક તો જોઈએ, તો કેટલા આચાર્ય-કે-શિક્ષક જોઈએ. હવે તમે જ કહો, અને ઈમાનદારીથી કહેજો કે કોઈ પણ શિક્ષક, આચાર્ય કેટલા વિદ્યાર્થીઓને આવું આવશ્યક જ્ઞાન આપી શકે, અથવા તો એ કેટલા વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક, સારી રીતે ભણાવી શકે?

તમને શું લાગે છે? મને લાગે છે કે કોઈ પણ આચાર્ય કે શિક્ષક ૨૦-૩૦ વિદ્યાર્થીઓને ન્યાય આપી શકે, એનાથી વધારે હોય તો નહીં આપી શકે; તો, આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે દર ૨૦-૩૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક આચાર્ય કે ગુરુ જોઈએ.

હવે વિચાર કરો વડોદરાની વસ્તી કેટલી? ૨૦-૩૦ લાખ? ૩૦ લાખની આજુ-બાજુ હોઈ શકે (એક સાધક કહે, ૧૮ લાખ). માની લઇએ કે વડોદરાની વસ્તી ૧૮ લાખની છે અને જો દર ૩૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક આચાર્ય કે ગુરુ હોય, તો આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે માત્ર વડોદરામાં જ ૬૦,૦૦૦ જેટલા આચાર્યો કે ગુરુજનો જોઈએ; અને જો ૩૦ લાખની વસ્તી હોય તો એક લાખ આચાર્યો જોઈએ. કહો જોઈએ, આજે એવા કેટલા આચાર્યો-ગુરુઓ છે જે આધ્યાત્મિક જ્ઞાન આપતા હોય?

આ પ્રમાણે વાત ચાલતી હતી એવામાં એક સાધકે કીધું કે આ ગણિતમાં થોડી ગરબડ છે. મેં પૂછ્યું કે કેમ? તો એ ભાઈ કહે કે લોકોને કપડા જોઈએ, અને એ બનાવતા શિખવાડવા માટેના શિક્ષકો તો બહુ જ ઓછા હોય’ એનાથી આગળ જઈએ તો કાપડ-ટેકસટાઇલની વાતો શિખવાડવા માટેના શિક્ષકો તો એથી પણ ઓછા હોય… પછી આવે દરજી… મેં કહ્યું, “વાત બરોબર છે, ૧૦ માણસ છે, અથવા એક કંપની છે એ કાપડ સીવે છે, અને બધાં’ય માટે શર્ટ બનાવે છે, પછી એ બજારમાં વેચી ‘દે છે… આમ સમાજમા કારોબાર ચાલે છે; અનાજના ક્ષેત્રમાં પણ એવું જ છે; અમુક ખાસ દવા બનાવતી કંપનીઓ પણ માત્ર બે કે ત્રણ જ છે, એ કંપનીઓ આખી દુનિયામાં એમની દવાઓ વેચે છે, જેને જોઈએ એને જયારે જોઈએ ત્યારે એ દવા મળે છે … તો શું, આધ્યાત્મિક જ્ઞાન પણ એવું છે કે એક કંપની જ્ઞાનની ઘૂંટી બનાવતી હોય, અને બજારમાં બીજી વસ્તુઓની જેમ વેચી ‘દે, પછી બીજા લોકો એ ઘૂંટી બધાં’યને પીવડાવતા હોય… અને પછી એ ઘૂંટી દ્વારા બધાંને પરમાત્માનો સાક્ષાત્કાર થઇ જાય? તમે જ કહો, કોઈ કંપની આવી ઘૂંટી બનાવી શકે?

આધ્યાત્મ જ્ઞાન તો ગુરુ પાસેથી મળે ખરું, પણ શિખવું તો જાતે જ પડે, એ જ્ઞાન દરેકે યથાયોગ્ય મહેનત કરી જાતે જાણવું પડે, અને તેથી દરેકને માટે ગુરુ જોઈએ. વિદ્યાર્થીનો પૈત્રિક ધંધો કોઈ પણ હોય, એ વિષેના શિક્ષણ સાથે એના જીવનની વાતો, આધ્યાત્મિક જ્ઞાન, તો એને મળવા જ જોઈએ, જે આજના શિક્ષણમાં નથી મળતું.

પૈત્રિક વ્યવસાયના શિક્ષણ બાબત આપણે પહેલાં થોડી વાતો કરી હતી, એમાં અગત્યની વાત તો એ હતી કે બાળકને નાનપણથી જ જો નક્કી હોય કે એણે મોટા થઈને શું ભણવાનું છે, શું કરવાનું છે તો એ બાળક એ દિશાનું વ્યવસ્થિત શિક્ષણ અને જ્ઞાન મેળવતો થઇ જાય; જો એણે ડોક્ટર બનવું હોય હોય, વકીલ બનવું હોય, કે બીજું કાંઈ પણ, એ એના ક્ષેત્રનું ભણે છે. એનો જે પૈત્રિક ધંધો હોય, એ ક્ષેત્રના શિક્ષણ સાથે એને બીજી વાતોનું પણ શિક્ષણ આપવામાં આવે, વિદ્યાર્થી એના ક્ષેત્રાના અન્ય લોકોમાંથી એકાદ-બે જણને ત્યાં રોજે બે-ત્રણ કલાક જઈ એની ઉંમર અને ક્ષમતા પ્રમાણે કામ કરે, જરૂર પડે તો ઝાડું-પોતું પણ કરી લે, આવશ્યક પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવે. જો એ પાંચ વર્ષની ઉંમરથી આવું કરતો થાય તો મને નથી લાગતું કે ૧૫-૨૦ વર્ષથી વધારે જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ દ્વારા એ બાળક એના ક્ષેત્રનું જોઈતું જ્ઞાન ૧૫-૧૭ વર્ષમાં મેળવી શકે, અને સમાજને ૨૦ વર્ષના યુવાન ડોક્ટર, કે વકિલ, કે ઈજનેર મળી શકે.

આજની શિક્ષણ વ્યવસ્થા આવું નથી કરતી, આજની વ્યવસ્થામાં એક ડોક્ટર થવા માટે ૩૦-૩૫ વર્ષ થઇ જાય છે, જે પહેલાંના જમાનામાં માત્ર ૨૦ વર્ષમાં થઇ શકતું હતું. તો, આજના યુવાનના જીવનના જે કિંમતી ૧૫ વર્ષો અને દરેક વર્ષોના દરેક દિવસોના ૧૦-૧૨ કલાકોની મહેનત જે એણે કરી હતી એ બધાં વર્ષો, અને એ બધાં વર્ષોની ઉર્જા, એનર્જીનું શું? દેશના આવા લાખો યુવાનોની energyનું નુકશાન એ દેશનું જ નુકશાન છે.

આજે ૩૦-૩૨ વર્ષે કોઈ યુવાન સિવિલ એન્જિનિયર થઇ નીકળે, તે છતાં એને મકાન બનાવવાનો કોઈ અનુભવ તો હોય નહીં; એને કહો કે તું એક મકાન બનાય… પણ એને તો એક ઝુંપડી બનાવવાની પણ આવડત ના હોય, તેથી એ માટે એણે બીજી ટ્રેનિંગ લેવી પડે. પણ જો એ પાંચ વર્ષની ઉંમરથી એના ભણતર, શિક્ષણ સાથે રોજે કોઈ કન્સ્ટ્રકશન સાઈટ પર જતો હોય, સાથે બીજું આવશ્યક જ્ઞાન એને આપવામાં આવતું હોય તો એ ૧૫-૨૦ વરસની ઉંમરમાં સરસ ઈન્જીનિયર થઈને નીકળી શકે.

અહીં રાજપીપળા પાસે એક પરિવાર છે, પતિ-પત્ની બંને ઈન્જીનિયર હતા, બંનેને વિચાર આવ્યો કે સમાજમાં એક બહુ મોટી તકલીફ એ છે કે આધુનિક રસાયણો યુક્ત ખેતી પદ્ધતિને લીધે આપણે દરેક પ્રકારના ખોરાકમાં ઝેર પણ ખાઈએ છીએ. આ બંનેએ નક્કી કર્યું કે આપણે સમાજને બની શકે તેટલું ચોખ્ખું ખાવાનું આપી શકીએ એ માટે આપણે કાંઈ’ક કરવું છે.

પોતાના વિચારને અમલમાં મૂકવા માટે એ બંને એ પોતાની નોકરી છોડી દિધી, પોતાની બધી મૂડી ભેગી કરી, ઘર નજીક અઢી-ત્રણ વીંઘા જમીન ખરીદી લીધી, ત્યાં એ બંને સજીવ અને ઓર્ગેનિક ખેતી કરે છે, એનો જાતે પ્રચાર પણ કરે છે, એ માટે પોતાનું એક મેગેઝીન પણ બહાર પાડે છે.

આ યુગલના બે પુત્રો, પણ એમને એમણે સ્કુલમાં નથી મોકલ્યા, જાતે અંગ્રેજી, એકાદ-બે યુરોપિયન ભાષાઓ, બીજી એક-બે ભાષાઓ શીખવી, બાળકો એ ભાષાઓ બોલે છે; બાળકોને વિજ્ઞાન અને અન્ય જીવન જરૂરીયાતનું શિક્ષણ પણ જાતે આપી ભણાવ્યા, અને એ લોકો ખેતી કરે છે. ક્યાં’ય સ્કૂલ કે કોલેજની જરૂર ખરી?

મારા જે ગુરુભાઈ છે, એ આજે દુનિયાની યોગની મોટામાં મોટી સંસ્થા – Bihar School of Yoga – છે એના એ પ્રેસીડેન્ટ છે. એ કોઈ સ્કુલમાં નથી ગયા, કે નથી એમનું એકે’ય ધોરણનું શિક્ષણ.

તો, પહેલાની શિક્ષણ વ્યવસ્થા એવી હતી કે એ આપણને પૂર્ણતા તરફ લઇ જતી હતી, પરંતુ આજની જે શિક્ષણ વ્યવસ્થા છે, એ સિસ્ટમ આપણને જીવનમાં પૂર્ણતા તરફ તો નથી જ લઇ જતી.

બીજી અગત્યની વાત એ કે પહેલાની વ્યવસ્થામાં બાળક ૨૦ વર્ષમાં એને ગમતા ક્ષેત્રમાં સ્નાતક થઇ શકતો હતો, એની સામે આજની સિસ્ટમમાં ૩૦-૩૫ વર્ષ થઇ જાય છે, તો એના ૧૫ વર્ષની ઉર્જાનું શું?

ત્રીજી વાત, કોઈ પણ વ્યક્તિ સ્ફૂર્તિથી, energetically ૧૫-૨૦ વર્ષ સુધી જ કામ કરતો હોય છે, ત્યાર પછી તો એ ઢીલો પડવા માંડે છે, exceptionsની વાત નથી કરતો, બ્રિટેનના પ્રખ્યાત વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ જેવાની પણ વાત નથી કરતો, પરંતુ સામાન્ય માણસ જે છે એ એના જીવનના પ્રથમ ૧૫-૨૦ વર્ષો કામ કરીને પછી ઢીલો થઇ જતો હોય છે, પછી પહેલા જેટલું કામ એનાથી નથી થઇ શકતું, અને જો કરે તો પણ એનું શરીર ૪૦ વર્ષની ઉંમર પછી એને બે-તાલા આવી જાય. આનો અર્થ એ થયો કે એનું શરીર હવે ડીજેનરેટ (degenerate) થઇ રહ્યું છે, હવે જીવનની ઢાળ શરુ થઇ ગઈ છે અને અહીંથી (૪૦-૪૨ પછી) એનું શરીર ક્ષીણ થતું જશે.

હવે, આજની શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ સ્નાતક ૩૫ સુધી પહોંચતા-પહોંચતા તો એ આયો હોય કામ કરવા માટે. તો એ વ્યક્તિ આધ્યાત્મ માટે ક્યારે કામ કરશે? અને પછી, ૬૦-૭૦ વર્ષની ઉંમર સુધી એ કામથી નિવૃત્ત પણ ના થયો હોય. જયારે પૈત્રિક વ્યવસ્થામાં એના છોકરાએ ૧૮-૨૦ વર્ષની ઉંમરે એનો ધંધો સંભાળી લીધો હોય, તેથી એવો માણસ સાંસારિક જવાબદારીઓથી લગભગ મુક્ત થઇ ગયો હોય. જીવનની જે અલૌકિકતા છે, બીજી જે દિવ્યતા છે એ દિશામાં પછી એ માણસ કામ કરી શકતો હોય. એ પછી આધ્યાત્મ માટે, ભક્તિ માટે, જીવનના બીજા ક્ષેત્રોમાં, બીજા આયામોમાં વિચાર કરી શકતો હોય… હવે, આજની વ્યવસ્થા, જીવન શૈલીમાં આ બધું તો ખોવાઈ જ ગયું છે.

પહેલાની વ્યવસ્થામાં માણસને પોતાને, અને સમાજને પણ લગભગ દરેકે-દરેક વ્યક્તિની પૂરે-પૂરી ઉર્જા-energy મળી શકતી હતી; જ્યારે આજે શિક્ષણ વ્યવસ્થામાં જ શરૂઆતના ૧૫ વર્ષ દરેક યુવાનના કહો કે વેડફાઈ જાય છે, એના ૧૫ વર્ષની ઉર્જાનું શું? અને આવા તો અનેક, કરોડો માણસોની ઉર્જા જો કલાકોમાં ગણવામાં આવે કે પછી પૈસામાં ગણવામાં આવે… તો સમજાશે કે એ માનવ-ઉર્જા (human energy)ના ક્ષેત્રે નુકશાન-જ-નુકશાન છે – દરેકને પોતાને, સમાજને, દેશ આખાને.

ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા એવી હતી કે લગભગ દરેકે-દરેક વિદ્યાર્થી ૨૪-૨૫ વર્ષમાં તો એકદમ પૂરી રીતે તૈયાર થઈને સમાજમાં પ્રવેશતો – જો એ વૈદ્યનું ભણવા ગયો હોય, તો એ પૂરેપૂરો વૈદ્ય થઈને ૨૪-૨૫ વર્ષમાં આવતો હોય, શસ્ત્રવિદ્યા માટે ગયો હોય તો એ પણ આટલી ઉંમરમાં તૈયાર થઇ આવતો; જે પણ ફેકલ્ટીમાં ગયો હોય, ગુરુકુળમાં ૨૪-૨૫ વર્ષે તો તૈયાર થઈને આવતો હોય. નાનપણથી જ નક્કી હોય કે એણે જીવનમાં કરવાનું શું છે? આજે? મોટે ભાગના વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે એણે શું ભણવું છે, જીવનમાં શું કરવું છે… અને ભણે છે ત્યારે એ વિદ્યાર્થીઓના કિંમતી ૧૫ વર્ષો વેડફાય છે, એનર્જી વેડફાય છે, તો એની વેડફાયેલી ઉર્જાનું શું?

આજની નોકરી-પ્રધાન શિક્ષણ વ્યવસ્થામાં એ ભણે, ધારો કે અંગ્રેજીમાં MA કરે, કે MCom કરે, economics, હિસ્ટ્રીમાં આગળ ભણ્યો હોય … ફાંફા મારવાના અંતે ક્યાં’ય નોકરી ના મળે તો છેવટે પછી બેંકમાં ક્લાર્કની નોકરી મળે એ લઇ લે, કે પછી પ્યુન થઇ જાય, ક્યાં’ક પટાવાળો થઇ જાય. એ જે ભણ્યો હોય એ તો એને મળેલી નોકરીમાં કશું કામ ના આવતું હોય, એને એના ભણતરનો કોઈ ઉપયોગ નથી.

મહદંશે આવી સ્થિતિ હોય છે આજના ભણેલાઓની, એ ભણે શું, જીવનમાં નોકરી-ધંધાઓ કરે શું કશા’યનું ઠેકાણું જ નથી હોતું. લાખો લોકોના વર્ષો વેડફાય, એ બધાની વેડફાયેલી ઊર્જા… એ બધાંનું શું? પાઈ-પાઈને સાચવવાની વાતો કરનારા આપણે આપણા અમૂલ્ય એવા યુવા-ધનને વેડફી રહ્યા છીએ, દેશને કેટલું નુકશાન થાય છે? આવા ઘણા કારણોને લીધે ઘણા યુવાનો પરદેશ ભાગી જઈ ને ત્યાં મહેનત કરે છે, કિસ્મત અજમાવે છે, ઘણા સફળ પણ થાય છે… અને આ બધામાં ભારતને ભાગે નુકશાન જ નુકશાન.

કોઈ પણ વ્યક્તિ જીવનમાં સફળ ક્યારે થાય? એ જ માણસ જીવનમાં સફળ થતો હોય છે કે એને પોતાની અંદર એ કાર્ય કરવા માટે એક પ્રકારની તીવ્ર ધગશ, કહો કે ‘આગ’ હોય છે, એ કરવા માટે, એના ક્ષેત્રમાં સફળ થવા માટે બધું જ કરવા તૈયાર હોય છે, પૈસા મળે કે ના મળે એને તો બસ એ જ કરવું છે… સંગીતમાં જો કશું કરી બતાવવું છે, તો એ સંગીતમાં સફળ થતો હોય.

પંડિત જસરાજ છે, તેઓ શરૂઆતમાં ગાયકીમાં ન્હોતા, પહેલાં એ તબલચી હતા, તબલાવાદક. એમના સમયમાં ત્યારે તબલાવાદકને આજે મળે છે એટલું માન ન્હોતું મળતું, કારણ કે તબલચી તો કોઈ ગાયક કે વાજિંત્રવાદક હોય એની સાથે સંગતમાં જ હોય, તબલાવાદકની કોઈ સ્વતંત્ર ગણના ન્હોતી. સંગીતના ક્ષેત્રે તબલાવાદકોને માન મળવાનું શરુ થયું પ્રસિદ્ધ શહેનાઈવાદક બિસ્મીલાહ ખાનના સુપુત્ર ઝાકીરહુસેનના સંગીતના ક્ષેત્રે તબલા સાથેના આગમન પછી.

એક વખત એક કાર્યક્રમમાં આયોજકોએ બેઠક એવી રીતે રાખી હતી કે શ્રોતાઓને તબલાવાદક દેખાય જ નહીં. જસરાજે ફરિયાદ કરી કે મારી બેઠક આવી રીતે કેમ રાખી છે? ગાયક ત્યાં મંચ ઉપર છે, મને તબલાવાદકને ત્યાં નીચે બેસાડી દીધો?” તો, બધાંએ કીધું કે तबलची को तो वहीँ बैठना होता है.

આ સાંભળીને જસરાજજીને બહુ અપમાન લાગ્યું, ઘરે આવીને રીતસરના રડ્યા, અને તબલાને પ્રણામ કરીને કીધું કે ‘હવે હું ગાયક થઈને બતાવીશ…’ અને એ જે એમની આગ હતી એ આગે એમને પંડિત જસરાજ બનાવ્યા.

એટલે, કોઈ પણ ક્ષેત્રમાં માણસ ત્યારે જ આગળ વધતો હોય છે જયારે એની અંદર એક लौ અગન-પિપાસા પ્રજવળતી હોય, કે મારે તો બસ આ જ કરવું છે, એને અંદર એક ધગશ, એક તીવ્ર જીજ્ઞાસા, એ કાર્ય માટે પ્રેમ જાગૃત થતો હોય અને એ એની દિશા જાણી-સમજી એ જ દિશામાં બસ, આગળ ને આગળ વધતો રહે છે.

આજના બાળકોની વાત તદ્દન જુદી જ છે. તમે ૧૭-૧૮ વર્ષના કોઈ યુવાનને પૂછો કે તારે શું કરવું છે?” તો કહેશે, “ખબર નથી, જેમ માર્ક/percentage આવશે એમ થશે.” કશું નક્કી જ ના હોય, જીવનમાં કેટલી બધી uncertainty હોય! હવે એને જો ખબર જ નથી કે એણે શું કરવું છે અને એ પણ ૧૮ વર્ષની ઉંમરે ખબર નથી, તો એ બનશે શું – ડોક્ટર, વકીલ, ઈજનેર, એકાઉંટટ, આર્ટીસ્ટ, ગાયક, તબલચી, નૃત્યકાર, હોટલ-boy, ચપરાસી, ક્લાર્ક, પટાવાળો? તો એ બનશે શું? અને જીવનમાં સફળતા ક્યાં?

આજે લગભગ ૭૦% યુવાનો એવા હોય છે કે જે ઈચ્છાતા કાંઇક હોય, થઇ ગયા બીજા જ કોઈ; તો એવા લોકોના જીવનમાં સંતોષ જેવું હોવાનું ખરું? એને એના કાર્યથી, કામથી, જીવનથી થશે કે “હા હું જે કરું છું, એનાથી મને સંતોષ મળે છે?”

સંતોષ માત્ર પૈસાનો નથી હો’તો. કેટલા કલાકાર, આર્ટીસ્ટ એવા હોય છે, જેને પૈસાનું ઠેકાણું નથી હો’તું, તે છતાં એમને એમના કામનો સંતોષ હોય છે. જેને જીવનમાં શું કરવું છે એ જ જો ખબર ના હોય, નક્કી ના હોય તો એને જીવનમાં સંતોષ મળવાનો જ નથી.

આપણી વ્યવસ્થા એવી હતી કે બાળકે જે કરવાનું છે એ એને મા-ના ગર્ભમાંથી જ સમજાઈ જતું હતું – કે એણે વેદાધ્યયન કરવાનું છે, એણે વૈદ્ય બનવાનું છે, કે પછી એને લૂંટારો જ બનવાનું છે… એ સમયમાં બાળકને કોઈ જ દ્વિધા-અસમંજસ જેવું કશું હતું જ નહીં, એ ગર્ભમાં હોય ત્યારથી જ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે, જન્મતાની સાથે જ, જેમ કે અભિમન્યુનું શિક્ષણ નક્કી થઇ ગયું હતું, કેમકે જે પ્રમાણેના વાતાવરણમાં એ જન્મે છે એ જ પ્રકારનું એને શિક્ષણ પણ મળતું જ હોય.

હમણાં આશ્રમમાં કામ ચાલે છે, તો જે કારીગરો કામ કરે છે, તેમની એક નાનકડી દીકરી છે, માંડ દોઢે’ક વર્ષની હશે. એને માટે એના બાપાએ એક ટોપલી જેવી છાબ લાવી આપી છે. આ નાનકડી દીકરી ત્યાંના બીજા કારીગરો સાથે જાય, રેતી ભરે, અને બીજા જ્યાં રેતી નાંખે ત્યાં જઈને એ પણ એની છાબમાંની રેતી નાંખી આવે, પણ એને જો એની છાબમાં રેતી ભરી ના આપે તો એ રડે. એટલે, એનું education ત્યાંથી જ શરુ થઇ ગયું.

કોઈનું પણ કાર્યક્ષેત્ર બાળપણથી નક્કી હોય અને એ પ્રમાણેનું શિક્ષણ એને મળે, તો જીવનમાં ક્યારેય કોઈ દ્વિધા, અનિશ્ચિતતા ના હોય; ના તો સમાજમાં બેરોજગારી જેવું કશું હોય. આજે વિશ્વભરના મોટાભાગના દેશોમાં, અને ભારતમાં પણ, જો સૌથી મોટી સમસ્યા હોય તો એ છે બેરોજગારીની. અને આવા વાતાવરણમાં રાજકારણીઓ જાણે કે આપણી ઉપર ઉપકાર કરતા હોય કે આપણા ભગવાન હોય તેમ, કહે કે હવે એ ચૂંટણી જીતશે તો અમુક હજાર-લાખ લોકો માટે નોકરીઓ ઉભી કરશે; એમની સરકાર આવશે તો વિદેશથી નિવેશકારોને લાવી નવી ફેકટરીઓ ઉભી કરશે, રોજગારની ઘણી તકો ઉભી કરશે… આ જ રાજકારણી એ નહીં કહેશે કે જો એ લોકોની કંપની કોઈ પણ કારણે મુશ્કેલીમાં મુકાશે તો એ કંપની અમુક કામદારોને કાઢી પણ મૂકશે, એમને રસ્તે રઝળતા કરી દે’શે.

મેં કદાચ એક-બે વખત વાત કરેલી કે હું જયારે કેલિફોર્નિયા હતો ત્યાં એક ભાઇને ત્યાં ભિક્ષા માટે ગયેલો. એ ભાઈ વાત કરે કે એની કંપનીએ (ત્યારે)૧૫૦ માણસોને કાઢી મૂક્યા હતા. IT ક્ષેત્રમાં કામ કરતી એ કંપનીએ જણાવ્યું હતું કે ‘હજુ બીજા લોકોને પણ કાઢવાના છે’, તેથી બધાં tensionમાં હતા.

આગળ વાત કરતા એ ભાઈ કહે કે કંપની છેલ્લી ઘડી સુધી જેને કાઢવાના હોય એને જણાવે નહીં, બીજે દિવસે એ વ્યક્તિ officeમાં આવે ત્યારે એને કંપનીના ગેટ ઉપરથી જણાવાય કે તમારે પહેલા main officeમાં જવાનું છે ત્યાં જાવ. ક્યારેક એવું પણ બને કે કોઈ ઉંચા હોદ્દાની વ્યક્તિ હોય કે જેને જોઈ દરવાન ગેટ પર કડક સલામ અને સ્માઈલ પણ આપતો હોય, પણ એ દિવસે જો બેમાંથી એકે’ય ના હોય તો એ ‘સાહેબે’ સમજી લેવાનું કે આજે એણે રાજીનામું (resignation) આપી દે’વાનું છે.

ઓફીસમાં resignation લેટર તૈયાર હોય, એ કાર્યવાહી ચાલતી હોય ત્યારે ત્યાં એક ડોક્ટર પણ હાજર હોય, કેમ કે અચાનક આવું કરવું પડતું હોય ત્યારે એને depression આવી જાય, કે એને હાર્ટ એટેક થાય તેથી ત્યાં ડોક્ટર હોય; ત્યાં વળી એક-બે હટ્ટા-કટ્ટા માર્શલ્સ પણ અદબથી ઉભા હોય એ જોવા કે એ વ્યક્તિ બેકાબૂ બની કાંઈ ધાંધલ-ધમાલ તો નથી કરતો ને; એ વ્યક્તિને એની પોતાની ઓફીસ કે ટેબલ સુધી પણ જવા ના ‘દે, એનો જે પણ કાંઈ પર્સનલ સામાન હોય એ બીજે દિવસે FedEx દ્વારા એને ઘરે પ્હોંચી જાય; વળી એ વ્યક્તિએ પોતાની કારમાં જાતે ડ્રાઈવ કરીને જવાનું નહીં, એની જ કાર કંપનીનો કોઈ માણસ ડ્રાઈવ કરી એને ઘરે મૂકી આવે, કે રસ્તામાં એ કોઈ અકસ્માત ના કરી બેસે.

મેં એ ભાઈને કહ્યું કે કંપનીને ખબર છે કે આવું-આવું થઇ શકે છે, તો’ય એ વ્યક્તિને કાઢી મૂકે, હજારો કે લાખો ડોલરોનું પેકેજ હોય તો પણ; હવે એ વ્યક્તિએ એના પગારને આધારે ગમે તેમ કરીને લોન લઈને ઘર, ગાડી વિગેરે બધું લીધું હોય, લોન પર બાળકોની ફીસ પણ ભરાતી હોય…અને અચાનક જો એની નોકરી જતી રહે તો આ બધાં માટે એ તાત્કાલિક પૈસા લાવે ક્યાંથી? એ રસ્તે રઝળતો થઇ જાય, એનું પરિવાર રસ્તા પર આવી જાય. તો પરદેશોમાં આવું પણ થાય કે કંપની સારા પગારે નોકરી તો આપે, પછી ક્યારે પાછી લઇ લે એ ખબર ના હોય.

આની વિરુદ્ધ આપણે ત્યાં ઘર-પરિવારવાળો માણસ હોય, પૈત્રિક ધંધો હોય, ત્યાં તો આવું નહીં થાય, ક્યારે’ક ધંધો મંદો ચાલે તો એક રોટલીમાંથી બધાં વહેંચી લે; પરદેશમાં કંપનીને કાંઈ તકલીફ હોય તો મોટા હોદ્દાવાળા અધિકારીઓના પગાર ઓછા નહીં કરે, એમના બોનસ ઓછા નહીં કરે, પણ નીચેના, સામાન્ય લોકોમાંથી અમુક લોકોને સીધા કાઢી જ મૂકે અને એમ પૈસા બચાવે છે એવું દેખાડે. ક્યારે’ક તો કંપની હજારોની સંખ્યામાં કામદારોને કાઢી મૂકે અને એની બેલન્સ શીટ ચોક્ખી અને હેલ્ધી કરી નાંખે…અને પછી એ કંપનીના શેરના ભાવ વધવા માંડે!!

અમેરિકામાં લગભગ એક દાયકા પહેલા (૨૦૦૮ની આખરમાં) એવું તો નાણાકીય તંગદિલીનું ભીષણ વમળ ફરી વળ્યું હતું (severe financial crisis) કે એની તીવ્ર માઠી અસરોમાં અમેરિકાની મોટી-મોટી બેંકો, કંપનીઓ ફસાઈ ગઈ હતી, કેટલી’ક તો ડૂબી પણ ગઈ… જેને કારણે આખું વિશ્વ પણ એ વમળમાં ફસાઈ ગયું હતું. યુરોપ, ઇંગ્લેન્ડ જેવા માતબર દેશોની મોટી-મોટી બેંકો પણ આમાં ફસાઈ હતી. આ વમળમાં અમેરિકાની પ્રખ્યાત સિટી બેંક પણ હતી. ત્યારની જ્યોર્જ બુશની સરકારે કહ્યું કે અમુક બેંકોને બચાવી લેવી પડશે, જો એમ નહીં કરવામાં આવે તો આ ભીષણ વમળમાંથી અમેરિકાની બીજી બેંકો, અમેરિકાનું અર્થતંત્ર કદી આ કણણમાંથી બહાર નહીં આવી શકે. બુશ સરકારે સિટી બેંકને (ત્યારના) $૩૦૬ બિલીયન આપી એને કણણમાંથી બહાર કાઢી હતી.

વિવધ કારણોસર ભારતમાં આ વૈશ્વિક નાણાકીય વમળની અસર ધારવા કરતા ઘણી ઓછી થઇ હતી; ગુજરાત રાજ્યની બેન્કિંગ સિસ્ટમ હચમચી ગઈ હતી, અને એમાં અમદાવાદની એક સહકારી બેંક પણ ડૂબી ગઈ હતી. એક મોટી બેંક ડૂબે તો એની તીવ્ર અસરો ઘણાને ડૂબાડે તો ખરી.

આ વમળમાંથી ઉગારવા, ફરી પગભર થવા માટે અમેરિકાની સરકારે ડૂબતી બેંકોને અબજો ડોલર મફતમાં કહી શકાય એવા આપીને બચાવી તો ખરી, તો પણ એ બેંકોના ઉચ્ચ અધિકારીઓએ improvement માટે કશું નહીં કર્યું, ઉલટાના એ બેંકોમાંથી નીકળતા એમના જે મસમોટા increment અને બોનસના પેકેજ ફ્સ્યા હતા એ સરકાર પાસેથી કઢાવ્યા, અને એ લેવા એ લોકો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં ગયા!! એટલે કે સરકાર દ્વારા અપાતી ભીખ લેવા આ માલેતુજાર executives પોતાના પ્લેનમાં ગયેલા.

વિચાર કરો, અહીંની વ્યવસ્થામાં કોઈ બાપ તો એવું નહીં કરે, કે દીકરો ભૂખે મરતો હોય અને પોતે વિમાનમાં એશોઆરામ કરે! ભારતીય સમાજ વ્યવસ્થાની ચાતુર્વર્ણ વ્યવસ્થામાં આવું ક્યારે’ય નહીં થાય, કેમ કે અહીં લોકોના અને એમના બાળકોના સુદ્ધાં વેપાર-ધંધાઓ-કાર્યો બધું જ સુનિશ્ચિત હતાં, અહીં કયારે’ય બેરોજગારી જેવું કશું હતું જ નહીં. આજે સ્વતંત્ર ભારતમાં ૭૦ વર્ષો પછી બેરોજગારી એક મોટી સમસ્યા થઇ ગઈ છે, દયનીય વાત તો એ છે કે માસ્ટર્સની ડિગ્રીવાળા અને ડબલ ગ્રેજ્યુએટ લોકો પણ પ્યુન અને સફાઈ કામ માટે આવતા હોય છે. એ લોકોએ પ્રાથમિક શાળાઓમાં, સ્કૂલોમાં શિક્ષક માટેની અરજીઓ ભરી હતી, અને એની જરૂર નથી તો સફાઈ કામ લેવા મજબૂર થઇ જાય છે.

આપણે ત્યાં પહેલા બેરોજગારી હતી જ નહીં. આજે બેરોજગારની શું વ્યથા છે એ તો જાતે અનુભવીએ ત્યારે ખબર પડે. બેરોજગારને ઘેર પાંચ જણા ખાનારા હોય, આવક હોય નહીં, તો એની સ્થિતિ શું હોય એ સમજી શકો છો. ખેડૂત ખેતી કરે, ફળ-ફળાદિ, ધાન્ય ઉગાવે, પોતાને અને સમાજને માટે પણ… તે છતાં આપણે સમાચારોમાં છાશવારે વાંચીએ છીએ, TV પર જોઈએ છીએ કે દર વર્ષે કેટલા ખેડૂતો આપઘાત કરે છે!! એના છોકરાઓ આપઘાત નહીં કરે તો બીજું કાંઈ આડું-આવડું કરે છે… સમાજમાં બેરોજગારીના ઝેરીલા તંતુઓ વિસ્તરતા જાય છે.

આજની શિક્ષણ વ્યવસ્થા અર્થકરી વ્યવસ્થા છે, એમાં ભણનારાઓને જ્યાં પૈસા વધુ મળે ત્યાં જશે. થોડાં વર્ષો પહેલા એન્જિનિયરિંગની બોલબાલા હતી તો યુવાનો એમાં જતા હતા; રાજ્યોમાં એ માટે કોલેજો ઉભી થઇ ગઈ હતી; આજે એન્જિનિયરોની માંગ જ ઘણી ઓછી થઇ ગઈ છે તેથી રાજ્ય સરકારોએ એન્જિનિયરિંગની ઘણી કોલેજો બંધ કરવી પડે છે; ત્યાર પછી civil ક્ષેત્રે માંગ હતી, એમાં પણ આજે માંગ ઓછી છે; હવે નવું આકર્ષક ક્ષેત્ર છે ટેકનોલોજી, IT. યુવાનો પતંગિયાની જેમ જ્યાં પ્રકાશ (વધુ પૈસા) દેખાય ત્યાં દોડે, પડે!! બીજા બે-ત્રણ ક્ષેત્રો છે એ છે CA, મેડિકલ એ સિવાય આપણને બીજા ક્ષેત્રો દેખાતા જ નથી.

આજે લાખો યુવાનો કોલેજનું ભણીને બહાર આવે છે, તો પણ એમને આ અર્થકરી સિસ્ટમમાં નોકરી માટે ફાંફા મારવા પડે છે, નોકરી મળે તો એમાં પણ નિશ્ચિતતા હોતી નથી… માનો કે કોઈ કંપનીમાં vacancy હોય ૫૦૦ની, અને એને માટે અરજદારો ૫૦,૦૦૦!! હવે select તો ૫૦૦ જ થવાના છે, બાકીનાને પણ તો પેટ છે, પરિવાર છે, એનું શું થશે? અને નોકરી ના મળે તો કારણ-અકારણ એ વ્યક્તિની અંદર, એના ઘરમાં વિવિધ પ્રકારના અસંતોષને કારણે સંઘર્ષ ઉદ્ભવે છે, જેની આડ અસર સમાજમાં પણ પ્રસરે છે.

સમાજમાં આવા અકારણ સંઘર્ષને લીધે અશાંતિ ઉભી થાય, પછી એને લીધે જે ખુરશી પર હોય ત્યાં લાંચ-રિશ્વત વિગેરે આવશે (એ જુદી વાત છે તેથી પછી ક્યારે’ક કરીશું); સમાજના વિવિધ સ્તરો પર જાત-જાતની પાવર-ગેમ્સ રમાતી થશે, લાઠીની પણ અને હોદ્દાની પણ… પછી જે હોદ્દા ઉપર હશે એ લોકો જ vacancy ભરી શકશે, બીજા કોઈ નહીં, તો આવા ખેલમાં બાકીના લોકોનું શું?

વિકસતા સમાજમાં થોડા-થોડા સમયે આવડતોની માંગ બદલાતી રહે છે, અમુક સમયે અમુક ક્ષેત્ર તરફ ઝોંક હોય, ત્યારે એ સમાજ-જીવનમાં જે બીજી વાતો છે, વિવિધ કળા-કારીગરી છે એ બધાનું શું? જે વિદ્યા, જે કળા પૈસા ના આપી શકે એ કળાઓનું શું?

તમે કલ્પી નહીં શકો કે ભારતમાં કળા-કારીગરીનું કેટલું વૈપુલ્ય, વૈવિધ્ય હતું; જોવા જઈએ તો ડગલે-ને-પગલે એ વૈવિધ્ય, એ વૈપુલ્ય જોવા મળતું હતું. સંગીતના ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં ગાયન, ભજનો, લોક સંગીત, ભવાઈ, લોકાખ્યાન, લોકનૃત્ય, વિવિધ જાત-જાતના વાજિંત્રો…; કારીગરીમાં પણ કેટલું વૈવિધ્ય? ભારતભરમાં જેટલા મંદિરો છે એ બધાં મંદિરોની કારીગરીમાં કેટલું વૈવિધ્ય છે, એ કારીગરી જ અપ્રતિમ છે, એ મંદિરો જેવા મંદિરો આજે આપણે નથી બનાવી શકતા.

ચિત્રકલા, મૂર્તિકળા જેટલી ભારતમાં વિકસી હતી, એટલી ભાગ્યે જ બીજા દેશોમાં વિકસી હશે; તે છતાં આજે એમાંની કલાઓ બહુ જૂજ બચી શકી છે. આજે કોતરકામ, carving માટે ભલે મશીનો આવી ગયા છે, પણ જાતે, મનથી, ખંતથી, હૃદયના ભાવથી જે મૂર્તિ બને છે એની ઓળખ કાંઈ જુદી જ હોય છે, એ બધું મશીનની મૂર્તિમાં નહીં મળે. CAD કમ્પ્યુટરની મદદથી કોઈ મૂર્તિ બને તો એમાં કદાચ perfection હશે, પણ એમાં ભાવપૂર્ણતા નહીં હોય; હાથે કંડારાયેલી મૂર્તિનું આકર્ષણ જ જુદું હોય છે!

આવી ઘણી બધી કલાઓ આજના અર્થકરી સમાજમાં મૃતપ્રાય: થઇ રહી છે. એ ક્ષેત્રોમાં પણ હોય છે તો જીવતા માણસો જ, એમને પણ પેટ-પરિવાર હોય, એમને પણ પૈસા મળે તો એ કળા જીવંત રાખી શકે, ના મળે તો એ છોડી બીજે જ્યાં પૈસા મળશે ત્યાં જશે.

આપણે વેદોની વાત કરીએ તો વેદોની તો હજારો શાખાઓ હતી, આજે માત્ર ૫-૭ જ શાખાઓ બચી છે, બાકીની બધી ધીમે-ધીમે લુપ્ત થતી ગઈ, વિસરાઈ ગઈ, મરી જેવી ગઈ છે, એ શાખાઓનું જ્ઞાન જ લુપ્ત થઇ ગયું છે; જે શાખાઓ બચી શકી છે એમાં પણ અમુક શાખાઓમાં માત્ર એક-બે જ જાણનારા વિદ્વાનો રહ્યા છે. કારણ? આવા જ્ઞાનની શાખાઓ માટે કોઈ તગડું આર્થિક પેકેજ છે જ નહીં, તો એ લોકો વેદ કઈ રીતે, શું કરવા અધ્યયન કરશે?

સમાજના સામાન્ય માણસની સમજ અને એની આવશ્યકતાને જ ધ્યાનમાં રાખીને જો કોઈ પણ વ્યવસ્થા ઉભી કરવાની હોય તો વિચાર કરો કે એક ફિલ્મી જગતમાં જ લોકોને કેવી ફિલમો ગમશે? તો જેની માંગ છે એ જ ફિલમોનું ઉત્પાદન વધારવાનું, લોકોને જેવું ગમે એવું જ પીરસવાનું?!?!

આવા સમાજમાં બાળક અમુક વસ્તુ માટે જીદ કરે તો એને એ લઇ આપવાની, રોકવાનું-ટોકવાનું નહીં; ખાવાની બાબતમાં જો છૂટ મૂકી દો, તો બાળક શું પસંદ કરશે? મેગી, ઓરીઓ બિસ્કીટ… એ કાંઈ ખીચડી પસંદ કરશે? બાળક માંગે છે ને? તો એને આપે રાખો મેગી, બિસ્કીટ, ચોકલેટ વિગેરે. ભણવાની બાબતમાં આચાર્ય નક્કી કરશે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય, કે પછી વિદ્યાર્થી નક્કી કરશે?

કોઈ પણ સમાજ વ્યવવસ્થા સમાજની માંગને આધારે જ ઉભી કરાય છે તો સામાન્ય વ્યક્તિની સમજ કેટલી, એની જરૂરીયાતો કેટલી? થોડા વખત પહેલા સરકારે એક નિર્ણય લેવાનો વિચાર કર્યો હતો કે ઇન્ટરનેટ પરની પોર્ન સાઈટ્સ બંધ કરી દે’વાની. સમાજમાં હો-હા થઇ ગઈ, મુક્તજીવીઓ, યુવાવર્ગ, બધાએ મળીને સરકારને જ ધમકી આપી કે જો આવું કર્યું તો જો-જો આવતી ચૂંટણીમાં શું થશે? કોઈ તમને મત નહીં આપશે. નિર્ણય સારો હોવા છતાં સરકારે એ બધી સાઈટ્સ બંધ કરવાનું માડી વાળ્યું…

એટલે, જો પૈસા આધારિત સિસ્ટમ ઉભી કરવી છે તો આ મોજ-શોખની જ વાતો કરો, જેવું જોઈએ તેવું જ આપો, તો આવી વાતો સિવાય સમાજમાં કશું બચશે જ નહીં. અને આવી વાતો કયા સમાજને સુખ, શાંતિ તરફ લઇ જશે?

મને ૩૦-૩૫ વર્ષો પહેલાની વાત આજે પણ યાદ છે કે થોડા કાછીયા પટેલ લોકો હતા તો એ લોકો વર્ષોથી civil કારીગરીનું કામ, બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન વિગેરે કામ કરતા. એમાંના એક ભાઈ જોડે વાત થઇ તો કહે, ના, એ તો અમારા બાપ-દાદાનું કામ છે એને, તો હું નહીં છોડું, મારે તો બસ આ જ કામ કરવાનું.” આવી નિષ્ઠા હતી પોતાના કામ માટે, અને આવું તો આપણા આખા સમાજમાં હતું – વડીલો પ્રત્યેનું એમનું માન, વડીલોએ આપેલા વેપાર-ધંધા માટેની લગન, ધગશ! અને આવા સમાજમાં કોઈને ઓછામાં ઓછુ પેટ માટે, દવા માટે, કોઈ દિવસ એને અસુરક્ષા ના થાય, સમાજની સમજ અને વ્યવસ્થા જ એ પ્રમાણેની હતી. કોઈ કામ કરે કે ના કરે, એણે પેટ અને દવા માટે વિચારવું ન્હોતું પડતું. આજે કદાચ પેટ માટે વિચારવું ના પડે, પણ ગમે તેટલા પૈસા હોય તો પણ દવા માટે તો વિચારવું જ પડે.

આજે સારા કહેવાતા વિકસિત દેશોમાં લોકો પોતાનો આવશ્યક ઈલાજ પણ નથી કરાવી શકતા. એવા લોકો આજે પણ છે કે જે રહે છે અમેરિકામાં પણ દાંત repair કરાવવા ભારત આવે છે; આપણને ખબર છે એ કેમ એવું કરે છે. અને ધારો કે ભવિષ્યમાં ભારત પણ જો વિકસિત દેશોની હરોળમાં ઉભું હોય, અમેરિકા જેવું, તો પછી ભારતના લોકો દાંત repair કરાવવા ક્યાં જશે? જો આપણે જ ભારતમાં ના કરાવી શકીશું, તો આપણે પણ પછી કોઈ third-world countryમાં જઈ કોઈ ‘સારો’ ડોક્ટર ગોતવો જ પડશે, દાંત repair કરાવવા!

એટલે, આવી બધી વાતોને થોડું ગંભીરતાથી વિચારવા જેવું છે કેમ કે જે સભ્યતા,જે સમાજ એનો ઈતિહાસ ભૂલી જાય, એનું જ્ઞાન ભૂલી જાય, એનું હૃદય ભૂલી જાય એ સમાજ માટે આગળ વધવું બહુ અઘરું છે, એને માટે આગળ અંધારું છે. (દા.ત. જાપાન જે ધનાઢ્ય કહી શકાય એવો દેશ છે તો પણ છેલ્લા ત્રણ દાયકાઓથી એ દેશ એની સંસ્કૃતિમાં આગળ વધવા માટે ખૂબ તરફડે છે, પણ ત્યાંના આગેવાનો અને પ્રબુદ્ધ જનોને અમન્ય લોકોને સાથે લઈને આગળ જવાની નથી સમજ, કે નથી દિશા સુઝતી). આજે આપણે જે બધું શીખી રહ્યા છીએ એ બધું આપણી સંસ્કૃતિ સાથે બિલકુલ સુસંગત નથી. આજે આપણે તો બસ, પશ્ચિમે આપેલું ભણી રહ્યા છીએ, પરંતુ આપણે ક્યારે’ય પણ એમની સાથે હૃદયથી નથી ભળી શકવાના.

તો, સમાજની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે મારા હૃદય સાથે, મારા લોહી સાથે મેળ ખાતી હોય, મારા મૂલ્યો સાથે મેળ ખાતી હોય, મારી સમજ સાથે હોય.