ભારતીય સંસ્કૃતિને જો એના સાચા અર્થમાં સમજવી હોય તો એ માટે વિશેષ બુદ્ધિ અને દ્રષ્ટિ પણ જોઈએ, એવી સમજ, એવી બુદ્ધિ, એવા વિચારો અને એવું જ્ઞાન પણ હોવું જોઈએ કે જે માત્ર ઇન્દ્રિયો ઉપર જ આધારિત કે સીમિત ના હોય – કે જે બાહ્ય ઈન્દ્રિયોથી અનુભવાય છે એટલું જ ના હોય – પણ એનાથી પણ આગળનું અને સૂક્ષ્મ પણ હોય. જો માત્ર ઇન્દ્રિયો સુધીની સીમિત સમજ, બુદ્ધિ ઈત્યાદિથી ભારતીય સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું, તો એને સમજવું બહુ અઘરું છે.

આ સનાતન સંસ્કૃતિને સમજવા માટેની સમજ, બુદ્ધિ, જ્ઞાન સૂક્ષ્મ જોઈએ, અને એ સૂક્ષ્મ ત્યારે થઇ શકે છે જ્યારે એ ધ્યાન, ઉપાસના, તપથી સંસ્કારિત અને તીક્ષ્ણ થઇ હોય ત્યારે. જે લોકોમાં કે ધર્મ-સંપ્રદાયોમાં ધ્યાન, મનની એકાગ્રતા, ચિત્તની એકગ્રતા, ચિત્તની શાંતિની વાતો નથી એ લોકોને આ સંસ્કૃતિ નહીં સમજાય. 

        કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે સૌથી પહેલા તો એ સમજવું પડે કે એ સંસ્કૃતિ, એ વિચારધારા એ સિસ્ટમનો આધાર શું છે, એનું લક્ષ્ય શું છે અને એ બધી વાતો કઈ ઉપલબ્ધિને (ગોલ, રિઝલ્ટને) ધ્યાનમાં રાખીને ઉભી થઇ છે, અને એવું કરવા પાછળ એનો હેતુ શું છે, એની ફલશ્રુતિ શું છે?

ભૌતિક જીવનમાં કોઈ એક નાનું પ્રોડક્ટ બનાવવા માટે નાની ફેક્ટરી પણ જો ઉભી કરવી હોય તો એ ત્યારે શક્ય બને છે જયારે આવા બધા સવાલો અને એના જવાબો પણ મેળવ્યા હોય. જો સીમેન્ટની ફેક્ટરી ઉભી કરવી છે, અને જો હું સીમેન્ટને ધ્યાનમાં રાખી  કોઈ કેમિકલ ફેક્ટરી જોઉં તો મને બધું વિચિત્ર, કે ખોટું લાગે? “ના, સીમેન્ટ ફેક્ટરીને હું જાણું-સમજું છું, અને મારે જે બનાવવું છે એમાંનું તો અહીં (કેમિકલ ફેકટરીમાં) કશું છે જ નહીં.” બીજી વાત, કે મને જો માત્ર રોટલી જ બનાવતા આવડતી હોય, અને જો પૂરી બનાવવા જઉં તો મને તો એ ખોટું જ લાગે કે આ તો ખોટું છે, સાચું નથી.

આવી જ રીતે, હું ધર્મને, કે સંસ્કૃતિ શબ્દથી જો અમુક જ વાતો સમજતો હોઉં તો બીજી બધી વાતો-વિચારો જે ધર્મ, સંસ્કૃતિ, એના જ્ઞાન સાથે સંકળાયેલા હોય એ બધું મને ખોટું જ લાગવાનું છે, અને વિચારું કે કહું છું કે “અરે! અહીં તો બધું ખોટું જ થઇ રહ્યું છે, કાંઈ પણ સાચું નથી અહીં.”

તેથી, જો સનાતન ધર્મ, સંસ્કૃતિ વિશે આપણે સાચે જ જાણવું હોય તો એને લગતી અમુક પાયાની, મુદ્દાની વાતોને ધ્યાનમાં રાખવી, કે એ વિચારધારા, એ સિસ્ટમ શે’ના આધારે ઉભી થઇ છે, એની મૂળભૂત વાતો શું છે, એમાં એવું તે શું છે કે જે આખી દુનિયામાં આપણને કાંઇક વિશિષ્ટ બનાવે છે, અલગ બનાવે છે? અને શેને આધારે આપણી અંદર એવી વિશિષ્ટતાઓ છે…જો આવા સવાલોના જવાબો આપણી પાસે નહીં હોય, તો આ સંસ્કૃતિ સમજાય નહીં.

તમે કોઈ હિન્દૂના ઘરે જાઓ અને જુઓ તો દેખાશે કે એમના મંદિરમાં કેટલી જાતના ભગવાન હોય, જાત-જાતના ભગવાન હોય છે. કોઈને તમે પૂછો કે આ સંસ્કૃતિના સ્થાપક કોણ છે? તો, એના કોઈ સ્થાપક જ ના મળે; બીજા સંપ્રદાયોની જેમ આ સંસ્કૃતિમાં નિયમન કરનાર કોઈ સંસ્થા નથી, ના તો એ ધર્મ-સંપ્રદાયના કોઈ વડા કે કોઈ ધર્મગુરુ પણ નથી, અને છતાં કોઈ પૂછે કે આ ધર્મનું નિયમન કરવા માટે કોઈ નિયામક છે ખરો? તો એનો પણ કોઈ ઉત્તર નથી, કારણ કે આ ધર્મનો નિયામક એક માત્ર પરમાત્મા જ છે. ઠીક છે, તો આ ધર્મનો કોઈ એક ગ્રંથ ખરો કે? એના કોઈ એકાદ દેવ? એની કોઈ એક સ્પષ્ટ વિચારધારા કઈ – કે ભાઈ, તમે મૂર્તિને માનો છો, કે મૂર્તિમાં નથી માનતા…? તો આપણે કહીએ છીએ કે અમે તો બધાંને માનીએ છીએ. કોઈ પૂછે કે કયા ભગવાનમાં માનો છો, તો સ્વાભાવિક રીતે આપણા મ્હોંમાંથી નીકળી જાય કે બધાને માનીએ છીએ.

એટલે, જે લોકો અમુક એક જ વિચારધારાને માનતા હોય, એક જ આંખથી જોવાને ટેવાયા હોય, એને આ ભારતીય સંસ્કૃતિની વિવિધતાની વાતો સમજાય નહીં, એ કહેશે કે આ બધું છે શું? અહીં દેવોનો પાર નથી, રીત-રિવાજોનો પાર નથી, માન્યતાઓનો પાર નથી, ઉત્સવોનો પાર નથી… અને છતાં, અહીં કશું’ક એવું તત્ત્વ છે જે અહીં રહેનારા આપણને બધાને એકસૂત્રે જોડીને રાખે છે. અહીંની જે બધી વાતો છે એ હજારો વર્ષોથી છે, વૈદિક કાળથી આ સંસ્કૃતિમાં વૈવિધ્યભરી વાતો ધબકતી રહી છે.

હા, કાળક્રમે અહીંના દેવતાઓ બદલાયા, વધતા-ઓછા થાય છે, એના રીત-રીવાજો, માન્યતાઓ ભાષાઓ બદલાતી આવી છે, મંદિરો બદલાયા છે… ઘણું બધું બદલાયું છે તે છતાં, અહીં એવું કાંઈક અક્ષુણ્ણ ધારા જેવું છે, કોઈ એવું તત્ત્વ છે જે અનંત ધારાની જેમ આપણી અંદર-બહાર બધે પ્રવાહિત થઇ રહ્યું છે.

તો, આ સંસ્કૃતિમાં ઘણી એવી મૂળ-ભૂત વાતો છે જે એનો આધાર છે, આ બધામાં સૌથી અગત્યની વાત એ છે કે આપણા ઋષિઓ ધ્યાનસ્થ થઇ, સમાધિમાં જઈ અંદર ઉતર્યા અને એ પરમ તત્ત્વ સુધી પહોંચ્યા, એ તત્ત્વનો જાતે સાક્ષાત્કાર કર્યો કે જે તત્ત્વ જગતનો આધાર છે, અને જે જગતનું મૂળ પણ છે. એ તત્ત્વને એ લોકોએ પરબ્રહ્મ કીધું, ચૈતન્ય કીધું, પરમ ચૈતન્ય કીધું… કે આ જગતનો આધાર એ જ છે અને એ પણ કીધું કે આના સિવાય બીજું કશું જ નથી; જેમ કે માટીના વાસણોનો આધાર માટી છે, સુતરાઉ કાપડનો આધાર રૂ-છે…એવી રીતે આ જગતનું મૂળ આધારસમ એ તત્ત્વ છે જેને આપણે પરમ-તત્ત્વ કહીએ છીએ.

સમાજમાં એવા બીજા પણ અમુક ધર્મો કે સંપ્રદાયો છે જે પણ એવું માને છે કે સત્તા કે પરમાત્મા તો એક જ છે, તો એ ધર્મો-સંપ્રદાયોમાં અને આપણા ધર્મમાં ફેર ક્યાં છે? મૂળ ફરક એ છે કે એક-જ સત્તા, એક જ પરમાત્મામાં માનતા હોવા છતાં પણ એ લોકો મૂર્તિને નથી સ્વીકારી શકતા, પરમાત્માના સાકાર-સ્વરૂપને નથી સ્વીકારી શકતા તેથી એ લોકો મૂર્તિની નિંદા કરે મૂર્તિમાં માનનારાઓની નિંદા કરે, મૂર્તિ-ભંજક એટલે એ લોકો મંદિરો તોડતા હોય.

આપણે ભારતીયો પણ એક પરમ તત્ત્વને માનીએ છીએ, સાથે-સાથે એવું પણ માનીએ છીએ કે એ એક તત્ત્વનો જ આ બધો વિસ્તાર છે, એની જ આ બધી વિવિધ અભિવ્યક્તિ છે, અને બધામાં અનંત સ્વરૂપે એ જ ધબકી રહ્યો છે.  તો, આ બંને વિચારધારાઓમાં આ જ મુખ્ય ફેર-અંતર છે… બધી વિચાર-ધારાઓ ને લઈને ધીમે-ધીમે આગળ ને આગળ જતા જઈએ, તો પછી છેવટે એ એક જ તત્ત્વ અવશિષ્ટ રહે છે – एकमेवाद्वितीयं કહે કે બધાંમાં એ એક જ છે.

થોડાં દિવસો પહેલાં મારે એક સંતની પાસે જવાનું થયું. ત્યારે હું એક ગૃહસ્થને ઘરે રોકાયો હતો, અને એ સાધક મારી સાથે પેલા સંત પાસે લઇ જવા માટે આવ્યા હતા. એ સંતને મળ્યા પછી એમની રાજા લે’તી વખતે એ ભાઈએ એ સંતને કીધું કે “સ્વામીજી મારે ત્યાં રોકાયા છે, આપ પણ આવો.” હવે, સાધુઓમાં એક વણલખ્યો પ્રોટોકોલ એવો છે કે એક સાધુ કોઈને ત્યાં રોકાયા હોય તો બીજાએ ત્યાં નહીં જવાનું. એટલે એ સંતે મારી તરફ જોયું, અને ધીમેથી બોલ્યા “द्वितीयाद्वैयं भवति”, કે બીજાથી ભય થાય છે. એટલે, બે હોય તો ભય ઉભો થાય. તો મેં હંસતા-હંસતા કીધું, “સ્વામીજી, બે છે જ નહીં, એક જ છે एकमेवाद्वितीयं, એક જ છે, પછી તો કોઈ ભયનું કારણ નથી. આ સાંભળીને એ સંત તો રાજી થઇ ગયા, અમારી સાથે આવ્યા, અને ત્યાં રોકાયા.

એટલે, એક જ પરમ સત્તાને માનનારાઓમાં પણ ફેર છે – આપણે માનીએ છીએ કે એ એક જ નિરાકાર પરમ સત્તા છે જે બધાં વિવિધ રૂપોમાં અભિવ્યક્ત થઇ છે, બધામાં, એ બધાંના કણે-કણમાં, એ બધાંના રોમે-રોમમાં, પ્રકાશમાં, હવામાં, પૃથ્વીમાં, પર્વતોમાં, નદીઓમાં, વૃક્ષોમાં બધી જ જગ્યાઓએ એ જ પરમ તત્ત્વ, વિલસી રહ્યું છે. ગંદામાં-ગંદો માણસ હોય કે પવિત્રમાં પવિત્ર માણસ હોય, બધાંની અંદર એક જ તત્વ વિલસી રહ્યું છે. બીજાની અને આપણી વિચારની મૂળ માન્યતામાં આ જ ફેર કે ભિન્નતા છે, એ સિવાય બીજું કશું નથી.

આપણે માનીએ છીએ કે એક જ પરમ તત્ત્વની બધી અભિવ્યક્તિ છે, ‘એ’ જ તત્ત્વનો બધો વિલાસ અને વિકાસ પણ છે… પછી, સાધના દ્વારા એક એવી સ્થિતિ આવે છે કે જ્યાં મૂર્ત અને અમૂર્ત, વ્યક્ત અને અવ્યક્ત, આકાર અને નિરાકાર બધું એક જ થઇ જતું હોય છે, જેમ પદાર્થને આપણે સૂક્ષ્મમાં જોઈએ, એને તોડતા જઈએ, તોડતા જઈએ, તોડતા જઈએ, તો ત્યાં છેવટે, છેલ્લે માત્ર ઉર્જા જ શેષ રહે છે, અને ઉર્જા-એનર્જીનો તો કોઈ આકાર હોતો જ નથી. આ સ્થિતિથી પણ આગળ જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાં એ તત્ત્વ એવું છે કે જેને એનર્જી પણ નથી કહી શકતાં, કે નથી મેટર કહી શકતાં… એ quanta* ક્વોન્ટાને* આપણે બંને કહીએ છીએ – મેટર અને એનર્જી, અને બે-માંથી કશું પણ નથી કહી શકતા… એ તત્ત્વ એવું છે કે એને જો એનર્જી તરીકે જોવાય તો એ એનર્જી છે, જો એ પદાર્થ તરીકે જોવાય છે તો એ મેટર છે.

(*quanta એટલે પરિમાણ; એ quantum નું બહુસંખ્યક(plural) શબ્દ છે; એક ક્વોન્ટમ, એકથી વધુ ક્વોન્ટા. quantum એટલે કોઈ પણ વસ્તુના અસ્તિત્વનું સૌથી ઓછામાં ઓછું પરિમાણ; In physics, a quantum (plural: quanta) is the minimum amount of any physical entity involved in an interaction -(Wikipedia))  

પરમ સત્ય જે છે એ શુદ્દ ચેતનાની રીતે જોવા જાવ તો એ નિરાકાર, નિર્ગુણ છે, અને જગતના રૂપમાં જોવા જાવ તો એ જ જગતના રૂપમાં બધે જ વ્યક્ત થયું છે, એના સિવાય બીજું કશું જ નથી. પરમ બ્રહ્મ બસ આ જ છે, આ જ એનો ભેદ છે, અને એ જ અંતિમ સત્ય છે. કોઈ પણ વસ્તુની મને જે સ્થૂળ આકાર કે આકૃતિ, દેખાય છે એનો ક્રમબદ્ધ સંબંધ એના જ સૂક્ષ્મ અસ્તિત્વ સાથે છે. મેટર એ એનર્જીનું જ સ્થૂળ સ્વરૂપ છે; એટલે મને જે રોટલી દેખાય છે એ મૂળ-તત્ત્વની ઉર્જા-એનર્જીથી ભિન્ન નથી. એ મૂળ તત્ત્વ, એ મૂળ એનર્જીના જે બધાં અસંખ્ય સ્વરૂપો છે, એમાંથી એક સ્વરૂપ રોટલીના રૂપમાં પણ આવ્યું છે; એક જ મૂળ શક્તિ (એનર્જી) યાત્રા કરીને મેટર, સ્થૂળ સ્વરૂપે આવે છે; એ જ મૂળ તત્ત્વ પત્થરના રૂપમાં આવી છે, એ જ અગ્નિના રૂપમાં આવી છે… એક યાત્રા કરીને આવી છે, તેથી ‘એ’ પરમ શક્તિ યાત્રા કરીને, વિવિધ સ્વરૂપે બધે, બધામાં વિલસે છે, અને તેથી એ શક્તિ અને એના બધાં જ દ્રશ્યમાન સ્થૂળ આકારો-સ્વરૂપો એક-બીજાથી ભિન્ન નથી થઇ જતા; આત્મા જ શરીરના રૂપમાં વ્યક્ત થઇ રહ્યો છે!

‘એ’ પરમ તત્ત્વ, પરમ શક્તિ બહુ લાંબી યાત્રા કરીને આપણા સુધી આવી છે – એ પહેલાં અવ્યક્ત પ્રકૃતિ થયું, પછી પ્રકૃતિ પણ બની, પંચભૂતો પણ બન્યું, પંચભૂતોથી કારણ શરીર, એનાથી પછી સૂક્ષ્મ શરીર, અને અંતે દૃશ્યમાન સ્થૂળ શરીરરૂપે વ્યક્ત થાય છે, અને તેથી એ બધાં તબક્કાઓ એક-બીજાથી અલગ નથી, ના, અલગ નથી.

એટલે, ભારતીય સંસ્કૃતિમાં પાયાની આ વિશેષતા છે કે આપણે સમસ્ત જગતને, બ્રહ્માંડને એક પૂર્ણ, અખંડ તત્ત્વના રૂપમાં જોઈએ છીએ; આ આખી સૃષ્ટિથી, બધાથી ‘એ’ને અલગ નથી જોતાં, બધું એક જ છે, એક અખંડ એકમ, યુનિટ તરીકે જોઈએ છીએ. આપણા શાસ્ત્રોમાં સમસ્ત બ્રહ્માંડને એક પુરુષની કલ્પના કરવામાં આવી છે (પુરુષ-સૂક્ત – ઋગ્વેદના દસમાં મંડળના દસમું સૂકત) કે ‘એ’ તત્ત્વ એક વિરાટ પુરુષ છે, જેની આંખો સૂર્ય અને ચંદ્ર છે, સમુદ્ર એનું ઉદર છે, પૃથ્વી પર જે બધી વનસ્પતિઓ છે એ એની રૂંવાટી છે… આમ, જગતની કલ્પના એક પુરષાકારે કરવામાં આવી છે.

આપણે જો આપણા જ શરીરને એના અલગ-અલગ અંગો-ઘટકોમાં જોઈએ તો એ ઘટકો કાંઈ આખું શરીર નથી, અને આવી રીતે જોવાથી નુકશાન તો આપણને જ થાય. શરીરતો બધાં ઘટકો મળીને આખું બને છે, અને તો જ શરીર કહેવાય, અને જે આખું છે એને જો આખું તરીકે ના જોઈએ, ના સમજીએ તો આપણે એને ન્યાય નથી કરી શકતા; એવી જ રીતે, આખી સૃષ્ટિને જો અલગ-અલગ ઘટકોમાં જોઈશું કે સમજીશું તો એક તો દ્રષ્ટિ સંકુચિત બને, અને એવી રીતે જોવા-સમજવાથી નુકશાન પણ બહુ થશે.

થોડાં દિવસો પહેલાં જ એક ડોક્ટરે કીધું કે એની પાસે એક દર્દીનો કેસ આવ્યો. દર્દીને રાતે ઉંધી ગયા બાદ વચ્ચે-વચ્ચે એ જયારે પણ જાગી જાય છે ત્યારે એને શ્વાસની બહુ તકલીફ થાય, ગભરામણ થાય. સ્વાભાવિક રીતે ઘરના લોકો જુદાં-જુદાં ડોક્ટરો પાસે લઇ ગયા, કોઈકે એને શ્વાસની દવા આપી, બીજાએ હૃદયમાં તકલીફ હશે તો એને માટે દવા આપી. છેવટે, એ લોકો આ દર્દીને એક હોમિયોપેથીના ડોક્ટર પાસે લાવ્યા. હોમિયોપેથીની એક પદ્ધતિ છે કે એ દર્દીને દવા આપતા પહેલાં એ દર્દીની હિસ્ટ્રી લે છે કે એ કઈ રીતે સુવે છે, એ શું કરે છે, કેવી જગ્યામાં સુઈ જાય છે, સુતી વખતે કેવા ભાવો આવે છે, કેવા વિચારો આવે છે… આમ, હિસ્ટ્રી લેતાં-લેતાં ખબર પડી કે એ ભઈને સૂતા પહેલાં કાચબા છાપ અગરબત્તી સળગાવીને સુવાની ટેવ છે. ડોકટરે નિદાન કર્યું કે સૂતા પહેલાં એવી કોઈ કોઈલ સળગાવવી નહીં. બસ, એ દર્દીની તકલીફ જતી રહી.

મેડીકલ ક્ષેત્રે તો હવે બહુ મોટા-મોટા સ્પેશ્યાલીસ્ટ્સ ડોકટરો છે, એ લોકો શરીરના અમુક ભાગોમાં થતા વ્યાધિ મટાડવામાં નિષ્ણાત હોય, પણ એ લોકો શરીરના એક જ ભાગને જુએ છે, એક જ આયામમાં જોવે છે, બીજા આયામમાં જો’તા પણ નથી, બીજી દ્રષ્ટિથી નથી જો’તા તો એ લોકો પેશન્ટની વ્યાધિના મૂળને કોઈ દિવસ શોધી નથી શકવાના. હાર્ટ સ્પેશ્યાલીસ્ટ્સ એના જ ક્ષેત્રમાં જોશે, વિચારશે કે હાર્ટમાં કાંઈ’ક ગરબડ છે; શ્વાસના સ્પેશ્યાલીસ્ટ પાસે જઈએ તો એ માત્ર એની જ રીતે વિચારશે, નિદાન કરશે… મહદંશે કોઈ પણ ડોક્ટર કે સ્પેશ્યાલીસ્ટ આખા શરીરનો વિચાર નહીં કરશે; અને આપણું આખું શરીર એના દરેકે દરેક અંગો સાથે એવું અદ્ભૂત રીતે સંકળાયેલું છે કે આપણે કલ્પના પણ ના કરી શકીએ.

મને એક જગ્યાએ વાંચેલું યાદ આવે છે કે આપણે રાતે ઉંઘમાંથી જયારે ઉઠીએ છીએ ત્યારે અંધારુ હોવાથી આપણે તરત જ ટ્યુબ લાઈટ ઓન કરીએ છીએ. ડોકટરોનું કહેવું છે કે આવું કરવાથી આંખોના સ્ક્રીનને નુકશાન થાય છે, અને તેથી આંખોના સ્ક્રીનનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

આમ જુઓ તો આ વાત નાની છે, પણ

દુનિયામાં જે રીતે કેન્સરનો વ્યાધિ વ્યાપી રહ્યો છે એના ઘણાં કારણોમાંનું એક કારણ એ પણ છે કે આખી પૃથ્વી ઉપરથી અંધારું જ ઓછું થતું જાય છે, જેને light pollution અને over illumination કહેવાય છે. કેન્સર થવા પાછળ પૃથ્વી ઉપર પ્રકાશનું વધતું પ્રદુષણ પણ એક મોટું કારણ છે જે આંખોને અને શરીર બંને માટે હાનિકારક છે.

માણસના શરીરને આરામ મળે એ માટે રાતે અંધારું હોય એ હિતાવહ છે, કારણ કે આપણે જયારે સુઈ જઈએ છીએ ત્યારે આપણા દરેક કોષો પણ ઉંધી જાય છે, એક-એક સેલ (cell) ઉંધી જાય છે અને આપણા કુદરતી બંધારણ મુજબ એ બધાં સેલ્સને આરામ માટે અંધારું જ જોઈએ. તેથી, સારી ઉંઘ માટે અંધારું (complete darkness) આવશ્યક અને હિતાવહ બંને છે… એવામાં જ્યારે ઓચિંતી લાઈટ કરીએ છીએ ત્યારે નુકશાન સેલ્સને અને આપણા શરીરને, આપણને થાય છે, જેમ કે આપણને કોઈ ઉંઘમાંથી ઉઠાડીને બેસાડી દે’, અને પછી તરત જ ચાલવા કહે ત્યારે આપણને કશું સમજાય નહીં, અને પડી જઈએ.

આવી જ રીતે, અંધારામાં આરામ કરતા આપણા સેલ્સ પણ અચાનક લાઈટ થવાથી કોષોને પણ કાંઈ ના સમજાય, એમને થાય કે અચાનક શું થઇ ગયું? એવામાં એ હેબતાઈ જઈ ત્યાં એના એરિયામાં ખોટા નિર્ણય લેવા લાગે છે, એના નિશ્ચિત કાર્યોમાં પછી ભૂલો થવા લાગે છે, કરવાનું હોય શું, અને થાય શું. આપણા શરીરની જે અદ્વિતીય, અદ્ભૂત સંરચના છે એના સોફ્ટવેર, એનું પ્રોગ્રામીંગ આવા કારણોને લીધે ખોરવાઈ જાય છે, ત્યાં ગરબડ થાય છે. આપણા શરીરના સેલ-સ્ટ્રક્ચરમાં જે ગરબડ થાય એ જ કેન્સર છે કે જે પ્રકારના સેલ્સનો વિકાસ ના થવો જોઈએ, કે ના આવવા જોઈએ એ આવે છે અને વિકસિત પણ થાય છે, જે સેલ્સે મરવું જોઈએ એ મરે નહીં એમ-ને-એમ જ રહે… પછી મૂળ પ્રોગ્રામથી ઉદભવેલા સેલ્સ અને આવા ખોટી રીતે આવેલા સેલ્સ અંદરો-અંદર લડવા લાગે ત્યારે ઓરીજીનલ સેલ-સ્ટ્રક્ચર જ ખોરવાઈ જાય, પ્રોગ્રામીંગમાં ગરબડ થવા લાગે… એ જ કેન્સર છે.

એટલે, આ સંસ્કૃતિની બીજી સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે એ પરમ સત્ય એક જ છે, એ જ બધાં રૂપોમાં અભિવ્યક્ત થાય છે, બધે એનો જ વિકાસ અને વિલાસ છે, એનું જ દર્શન છે એના સિવાય બીજું કશું જ નથી. આપણા શરીરમાં બધાં અંગો છે એ શરીરના જ ભાગ છે – આંખ છે, કાન છે, નાક છે – અને કોઈ ચેતના એ બધાંને સાથે જોડી રાખે છે. એવી જ રીતે જગતમાં પણ જે બધું અલગ-અલગ દેખાય છે એ બધું એ એક પરમ ચેતના સાથે જોડાયેલું હોય છે, એમાંનું કશું પણ અલગ નથી – જેમ કે શરીરથી નાક અલગ નથી,હાથ-પગ અલગ નથી, કાન કે આંખ અલગ નથી… એવી જ રીતે સૃષ્ટિમાં બધું અલગ દેખાય વૃક્ષ, માણસ, પશુ, પક્ષી, દરિયો, પર્વત… એ બધું અલગ દેખાયગે છે, પણ બધું જ એક ચેતનાનો જ ભાગ છે, બધું એક બીજાની સાથે જોડાયેલું છે, તેથી શરીરની જેમ બધું એક જ છે. વળી, શરીરમાં બે આંખો છે, કે બે હાથ-પગ છે એમાંથી એક ઓછી થાય, કે શરીરનો કોઈ ભાગ ઓછો થાય તો શરીરની ગુણવત્તામાં, એની કાર્યક્ષમતામાં થોડો કે વધારે ફેર તો પડે જ છે, એવી જ રીતે, એક નાનકડી કીડી પણ જો આ પૃથ્વી ઉપરથી ઓછી થશે તો પૃથ્વીની જીવ-સૃષ્ટિમાં, એના પરના સમસ્ત જીવનમાં, એની ગુણવત્તામાં કાંઈ-ને-કાંઈ ફેર તો પડશે જ.

હું લગભગ પાંત્રીસ વર્ષો પહેલા હેરંજ ગામમાં આવ્યો હતો, મને યાદ છે કે ત્યારે એ લોકો ડાંગરની ખેતી કરતા હતા અને એ પાકમાં કોઈ રોગ ન્હોતો થતો. સરસ ડાંગરનો પાક થતો, વરસાદ વરસે એટલે આખું ખેતર દેડકાઓથી ભરાઈ જાય અને વાતાવરણમાં  ટરર્ … ટરર્… નો કેટલો અવાજ આવતો! અળસિયા હોય, ‘વાણીયા’, તીડીયા ઉડતાં હોય, જાત-જાતના પક્ષીઓ ઉડતા હોય, નાના-મોટા પ્રાણીઓ હોય…

થોડાં વર્ષો પછી ત્યાંના ખેડૂતો ઝેરી દવાઓ છાંટતા થઇ ગયા, તેથી હવે ત્યાંના ખેતરોમાં દેડકાઓ દેખાતાં જ નથી, દેડકા છે એ આખો દિવસ નાની-નાની મસીઓ (જંતુઓ, માછલીઓ) ખાયા કરે… હવે દવાને કારણે એ પ્રાણી પણ નથી રહ્યાં, દેડકા નથી… વાતાવરણમાં ઝેરી જંતુઓ ફેલાઈ ગયા તેથી પાકમાં રોગ વધવાના… એનું મારણ એટલે ઝેરી દવા… એ દવા પાકમાં ભળે અને એ પાક ખાવાથી એ ઝેર આપણા પેટમાં જાય… આપણને કેન્સર જેવા રોગો થાય.

હવે ડોકટરોનું પણ કહેવું છે કે આવનારો જે સમય છે એમાં દર ચાર વ્યક્તિમાંથી એકને કેન્સર હશે, અને તેથી આપણે બધાએ એ પ્રમાણે જીવતા શીખવું પડશે, કારણકે આપણે કુદરતનું તંત્ર એટલું બધું ખરાબ કરી રહ્યાં છીએ કે કોઈ કલ્પના જ નથી.

આજે છાપામાં એક લેખ હતો કે જર્સી ગાયના દૂધ પીવાથી જાત-જાતની તકલીફો અને કેન્સર પણ થાય છે. જર્સી ગાયની બાબતમાં એક જ વાત મુખ્ય રીતે ધ્યાનમાં રાખવામાં આવી છે કે કઈ રીતે એના દૂધની માત્રા વધારી શકાય, એ કેટલા વાછરડાઓ આપી શકે છે. તો આ માટે પરદેશીઓએ આ ગાયમાં ભૂંડના જીન્સ (જનિન તત્ત્વ) ઉમેરવાનું શરુ કર્યું, કારણ કે ભૂંડને તો ઘણાં બચ્ચા થયાં કરે છે, તેથી એના જીન્સ આ જર્સી ગાયમાં ઉમેરવાથી એને પણ ભૂંડની જેમ ખૂબ બચ્ચાઓ થયાં કરે, અને એ બધામાંથી દૂધની માત્રા વધતી જ રહે. તો, જર્સી ગાયના કિસ્સામાં એક જ વાત પર ધ્યાન આપવામાં આવ્યું – વધારે દૂધ!

પરદેશોમાં જર્સી ગાયનો ઉછેર મુખ્યત્વે દૂધ ઉપરાંત એના માંસ માટે પણ થાય છે; અમુક દેશોમાં તો એના દૂધના વેચાણ પર પાબંધી પણ લગાવામાં આવી છે. આવું હોવા છતાં, ભારતમાં હવે દેશી ગાયની જગ્યાએ જર્સી ગાયના વેપારમાં નફો વધુ હોવાથી એના વેચાણ અને ઉછેર વધતાં જાય છે, જેને કારણે પણ આપણે ત્યાં જાત-જાતની બીમારીઓ અને કેન્સર જેવા જીવલેણ રોગો સુદ્ધાં વધી રહ્યા છે.

(related links –

don’t drink jarsi cow milk By Rajiv Dixit – https://www.youtube.com/watch?v=4-BLMIQu6LI

– Deshi cow milk vs foreign cow milk –  http://www.blog.gomataseva.org/milk-desi-cow-breeds-foreign-jersey-hf-cow/

એટલે, ભારતીય સંસ્કૃતિમાં જે મુખ્યત્વે માનવામાં આવે છે તે સત્ય એ છે કે બધામાં ‘એ’ પરમ તત્ત્વનો જ વિસ્તાર છે, સૃષ્ટિનાં બધા ઘટકો મળીને જ આ આખી સૃષ્ટિ છે તે એક છે, અલગ નથી. તેથી, એ પરમ તત્ત્વના સાક્ષાત્કારમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા, પૂર્ણતા છે. આ બહુ જ અગત્યની વાત છે કે એ સાક્ષાત્કાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એનું જીવન અધૂરું જ હોય, આપણા જીવનમાં જે બધી ઉપલબ્ધિઓ છે, જે પણ કાંઈ ઈચ્છીએ છીએ એ બધાનો આધાર આત્મા જ છે અને આ સત્ય વાત જ આપણી સંસ્કૃતિનો પાયો છે, આ જ વાત આ સંસ્કૃતિનો આધાર પણ છે.

દરેક માણસને સુખ જોઈએ, આનંદ જોઈએ જેને એ બહાર જગતમાં શોધે છે, પરંતુ સુખ જેને કહીએ છીએ  એ તો આત્મામાં છે. વળી, દરેક માણસ લાબું જીવન જ નહીં, પણ શાશ્વત જીવન ઈચ્છે છે એ તો આત્મામાં છે. દરેક માણસ અમરતા પણ ઈચ્છે છે, એને મૃત્યુ ના જોઈએ, પણ અમર તો એક આત્મા જ છે, શરીર મરણધર્મા છે, એક આત્મા સિવાય બધું જ મરણધર્મા છે. માણસને જ્ઞાન પણ જોઈએ, પણ બધાં જ જ્ઞાનનો આધાર આત્મા છે જેમ બધાં’ય રંગોનો આધાર સૂર્યના કિરણો છે, તેમ છતાં એ કિરણોમાં કોઈ જ રંગ દેખાતો નથી; બધાં રંગો સૂર્યકિરણોથી જ બને છે અને જાત-જાતના અસંખ્ય રંગો એક-બીજાના મિશ્રણથી બનતા હોય છે, એમ આત્મામાં કોઈ ગુણ દેખાતા નથી, આત્મામાં કોઈ જ્ઞાન નથી, પણ બધાં ગુણો અને બધું જ જ્ઞાન એમાંથી ઉદ્ભવે છે.

એટલે, આપણે જે પણ કાંઈ ઈચ્છતા હોઈએ જે પણ કશું પામવા ઈચ્છતા હોઈએ એ બધું શક્ય છે જો આત્મા હાથમાં આવી જાય તો.

મુણ્ડક ઉપનિષદ્-ની શરૂઆતમાં શૌનક મુનિ ઋષિ અંગીરસને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति? (મુ.ઉપ. ૧.૧.૩)  એવું શું કે કયું તત્ત્વ છે કે જેને જાણી લેવાથી બધું જાણી લેવાય છે? એવું કયું તત્ત્વ છે કે જે એકને પામી લેવાથી બધું જ પામી લેવાય? એક મળી જાય તો બધું જ મળી જાય એવું શું છે? એક ઉત્તર મળી જવાથી બધાં પ્રશ્નોનું નિરાકરણ થઇ જાય છે એ શું છે? ઋષિ અંગીરસ બ્રહ્મનો નિર્દેશ કરી કહે છે કે ‘એ’ એવું તત્ત્વ છે જે भिद्यते हृदय ग्रन्थिस् छिद्यन्ते सर्व संशया:| क्षीयन्ते चास्य कर्माणि, तस्मिन् दृष्टे परावरे || (मु.उ. – २/२/૮) – કે એ એક સત્યને પામવાથી એના હૃદયની બધી ગ્રંથીઓ ખુલી જાય છે, એના બધ સંશયો નષ્ટ થઇ જાય છે, એના બધા કર્મો ક્ષીણ થઇ જાય છે, પૂરા થઇ જાય છે, એ એકને પામવાથી આ બધું થાય છે.

તો, બ્રહ્મ જ એક પરમ સત્ય છે, એ સત્યની શોધ, એનું જ્ઞાન, એની ઉપલબ્ધિ એ જ આપણી સંસ્કૃતિનું ગુઢતમ અને સર્વોત્તમ રહસ્ય છે. આ જ સંસ્કૃતિમાં ઋષિઓએ કહ્યું છે કે જીવનમાં ગમે તે ભોગે, ગમે તે રીતે આત્મસાક્ષાત્કાર મેળવવાનો એ જ સૌથી મોટો પુરુષાર્થ છે, અને એ પુરુષાર્થ માત્ર મનુષ્ય જીવનમાં જ શક્ય છે, અન્ય યોનિઓમાં નહીં. એટલે, આપણા શાસ્ત્રોમાં જે સૌથી મહત્ત્વનો અને છેલ્લો પુરુષાર્થ મોક્ષ છે. મોક્ષ, બોધ, આત્મસાક્ષાત્કાર જ સર્વોત્તમ પ્રાપ્ય વસ્તુ છે એ જ આપણા જીવનનું સર્વોત્તમ ફળ છે.

ઉપર કહ્યું તેમ, ફાઈનલ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને જ ફેક્ટરી, ઓફીસ, એ માટેના આવશ્યક જ્ઞાનવાળા માણસો ઈત્યાદિ ભેગા કરવા પડે છે. એવી જ રીતે મનુષ્યજીવનનું અંતિમ પ્રોડક્ટ મોક્ષ છે એ મૂળ વાત સમજાય તો જ પછી ધીમે-ધીમે આપણી સંસ્કૃતિનું જે દિવ્ય અને અદ્વિતીય માળખું છે એ સમજાશે કે એની બધી વાતો, એના દિવ્ય ગ્રંથો બધું જ એ એક પરમ સત્યને જ જુએ છે.

તો, એ એક સત્યને પામવું એ જ જીવનનો આધાર છે, અને તેથી જ્ઞાની બધી જગ્યાએ એ એક જ તત્ત્વને જુએ છે પછી સામે કોઈ દુષ્ટ માણસ હોય કે ભલો માણસ હોય, બધાની અંદર એક જ તત્ત્વ, એક જ તત્ત્વને એ જુએ છે. એનો અર્થ એવો નથી થતો કે જ્ઞાની કોઈને મારશે નહીં, આવશ્યક હોય તો મારશે’ય ખરો. યાદ છે ને, ભગવાન રામચંદ્રજીએ રાવણને માર્યો છે, શ્રીકૃષ્ણે કંસને માર્યો છે, પરંતુ ભગવાન મારે છે એ મારવું તો આપણી દૃષ્ટિએ છે, ભગવાનની દ્રષ્ટીએ નહીં. તમે ધ્યાન આપ્યું હશે કે જયારે રામાયણમાં વર્ણન આવે છે કે ભગવાન રામે જયારે રાવણને માર્યો, તો રાવણના શરીરમાંથી પ્રકાશની એક જ્યોતિ નીકળી અને રામની અંદર સમાઈ ગઈ – એટલે, જ્ઞાની છે એ વાસ્તવમાં કોઈને પણ મારતા નથી, એ તો માત્ર મુક્ત કરે છે, મોક્ષ આપે છે. જ્યારે એ જુએ છે કે આ શરીરમાં એ ચેતનાનો વિકાસ શક્ય નથી, અને એ ચેતના એ શરીરમાં રહેશે તો વધારે ને વધારે વિકૃત થતી જશે, તેથી જ્ઞાની, ભગવાન પછી એ શરીર એની પાસેથી લઇ લે છે, અને બીજા શરીરની પછી તક પણ આપે છે.

દુર્યોધનનો મતલબ શું? તો એ કહે છે તેમ, “હું ધર્મ શું છે એ જાણું છું, પણ એમાં પ્રવૃત્ત થઇ નથી શકતો, અને અધર્મને પણ સમજું છું, પણ એને છોડી શકતો નથી.” તો પછી એનું શરીર રાખીને શું કામ? ભગવાને એ લઇ જ લેવું પડે, શરીરરૂપી એનો રથ લેવો જ પડે કારણ કે એ રથ હવે એને એના ગંતવ્ય સુધી (મોક્ષની પ્રાપ્તિ) નહીં લઇ જઈ શકે, તેથી હવે એનો ‘રથ’ (શરીર) બદલી દઈએ, અને બીજો ‘રથ’ આપીએ.

એટલે, જ્ઞાની કોઈ વખત એવું કશું કરતો દેખાતો હશે તો એ કરુણાવશ થઈને કરતો હશે, દયાવશ થઈને કરતો હશે, ના કે કોઈ પ્રત્યે દ્વેષની ભાવનાથી કે બદલાની ભાવનાથી એવું કરતો હોય.

આ બધામાં આ સંસ્કૃતિની બે-ત્રણ વાતો મહત્ત્વની છે – એક, તો મનુષ્ય જીવનનું અંતિમ ફળ એ મોક્ષ છે, અને આખી સૃષ્ટિ જે છે એ પરમ સત્તાના અંગ સમાન બધું, આખું એક જ છે. બીજી સંસ્કૃતિઓ, કે બિલીફ સીસ્ટમમાં પણ એક પરમ સત્તાની માન્યતા છે, પણ આપણામાં વિશેષતા એ છે કે સંસાર અને બ્રહ્માંડમાં જે બધું જુદું દેખાય છે એ બધામાં આ સત્તા જ બિરાજમાન છે, અને એ જ સત્તા બધામાં વિવિધ રૂપે વિલસે છે, અને તેથી બધું જ એક અંગ સમાન એક જ છે. આ ઐક્યના વિચાર અને ભાવનાને કારણે પરસ્પર કર્તવ્ય ઉભું થાય છે. જે રીતે શરીરના બધાં અંગોમાં પરસ્પર કર્તવ્યની ભાવના છે તેમ – જરૂર પડ્યે હાથનું કર્તવ્ય છે કે તે આંખનું રક્ષણ કરે, આંખ હાથની, પગની રક્ષા કરે…આમ, બધાં અંગોમાં એકતાની, કર્તવ્યની ભાવનાની સમજ ઉત્પન્ન થાય છે કે આપણે બધાં એક જ છીએ, એક-બીજાની રક્ષા કરવાની છે, એક-બીજાના હિત માટે કામ કરવું છે. આ ઐક્ય અને પરસ્પરના ભાવની પરાકાષ્ઠા એ છે કે માથામાં કશુક વાગે છે તો હાથને કહેવું નથી પડતું કે તું ત્યાં જઈ જે આવશ્યક છે એ કર; અને હાથ પણ કોઈ દિવસ જીદ નથી કરતો કે હું શું કરવા જઉં માથાનું જે થવાનું હોય એ થાય. ના શરીરનું કોઈ પણ અંગ બીજા અંગો માટે આવું નથી કહેતું.

આ ઐક્યનો ભાવ જ માણસને કર્તવ્ય શિખવે છે, એટલે આ સંસ્કૃતિએ બધાં’યને કર્તવ્ય શીખવ્યા છે તે ત્યાં સુધી કે કોઈ જાતે જ કીડીયારું પૂરે, કોઈ ગામમાંથી જુવાર ભેગી કરીને પક્ષીઓને ખવડાવે છે. તમે ગામમાં જાવ તો ત્યાં ઠેર-ઠેર મોટા પત્થરમાંથી બનેલા વાસણ દેખાશે કે જેમાં કો’ક વાર ખાવાનું હોય, કો’ક વખત એમાં પાણી પણ ભરવામાં આવે છે, જે કુતરાઓ, કે અન્ય ચોપગા પ્રાણીઓ માટે હોય; કોઈ વળી તુલસી કે અન્ય વૃક્ષને પાણી પાય, કોઈ સવાર-સવારમાં દોડીને જાય છે પીપળાને પાણી પાવા માટે.

સમસ્ત સૃષ્ટિમાં આ ઐક્યની વાત પરદેશોમાં નથી, તેથી સમાજના સામાન્ય માનવીમાં કોઈ પણ મોટી દર્શનની વાતો વગર સૃષ્ટિ સાથે એવું જોડાણ જોવા નહીં મળે. કોઈ સંસ્થા કે વ્યક્તિ વિશેષ કદાચ એવું વિચારી શકે પણ વ્યક્તિગત રૂપે આપણે ત્યાં જ એ ઐક્યની ભાવના છે કે વૃક્ષો અને આપણે એક છીએ, કીટ-પતંગ-પશુ-પક્ષીઓ આપણો જ ભાગ છે, અને આ ઐક્યની ભાવનામાંથી પરસ્પર કર્તવ્યની વાત આવી; આ બંને વાતોમાં એક ગહન ચિંતન છે, એક ગૂઢ દર્શન છે જેને આધારે જ આ આખી સંસ્કૃતિ ઉભી થઇ છે. વૃક્ષો છે એ આપણા શરીરમાં ફેફસાનું જ કામ કરે છે તો વૃક્ષો આપણા ફેફસાં છે, એવું પહેલી નજરે સમજાતું નથી. પણ ફેફસા શું કરે છે, શુદ્ધ હવા શરીરમાં લે છે, અને અશુદ્ધને બહાર કાઢે છે; તો વૃક્ષો પણ તો આ જ કામ કરે છે. વિચાર કરો કે આપણા શરીરમાંથી આ ફેફસા કાઢી દઈએ તો શરીર કેટલા દિવસ ટકશે? જે વૃક્ષો સૃષ્ટિમાં ફેફસાનું કામ  કરે છે, અને જે ગતિએ આપણે વૃક્ષોને કાપી રહ્યાં છીએ તો સૃષ્ટિમાં શું થશે?

હમણાં જ એક દીકરીએ વાત કહી કે એની સોસાઈટીમાંથી વૃક્ષો કાપી નંખાયા છે. કેમ? તો કહે કે વૃક્ષોને કારણે સોસાઈટીમાં કચરો થાય છે, પક્ષીઓ ગંદુ કરે છે તેથી. આમાં એકત્વ, ઐક્યની દૃષ્ટિ, સમજ ક્યાં છે? વિદેશોમાં શહેરી કરણ ઉપર વધારે ભાર છે આ ઐક્યનો તો વિચાર કે દૃષ્ટિ જ નથી તેથી વિદેશોમાં અને નવા જે cosmopolitan cities ડેવલપ થઇ રહ્યાં છે ત્યાં ઘણી જગ્યાએ મોટા અક્ષરોમાં લખેલા બોર્ડ જોવા મળે છે  Animals, pets are not allowed. કેમ? કારણ કે એ ગંદુ કરે છે, પક્ષીઓ પણ ગંદુ કરે છે તેથી not allowed.

(related links- Deforestation threats – http://www.worldwildlife.org/threats/deforestation

  http://environment.nationalgeographic.com/environment/global-warming/deforestation-overview/

http://www.mydoorsign.com/no-pets-allowed-signs)

સમસ્ત સૃષ્ટિના દરેક ઘટકો આપણો જ ભાગ છે, બધું એક જ છે એ ભાવ, એ વિચાર, એ દૃષ્ટિ માત્ર આ જ સંસ્કૃતિએ આપ્યા છે. સૃષ્ટિના ઐક્યને સમજાવતી આ જીવનદૃષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં જે વિકાસ થયો હતો એ નાના-નાના યુનિટ્સમાં વિકાસ હતો, એ ગ્રામ્ય સંસ્કૃતિ હતી, અને ગ્રામ્ય સંસ્કૃતિની એક વિશેષતા એ છે કે મને મારી જીવન જરૂરિયાતની વસ્તુઓ એક-બે કિ.મી.ની દૂરીમાં મળી રહેતી.

મને યાદ છે અમે નાના હતા ત્યારે અમને જે જોઈતું હોય શાકભાજી કે એવું કાંઈ પણ તો ઘરથી થોડે દૂર એક ખેડૂત હતો એ બધી શાકભાજી ઉગાડતો હતો એના ખેતરમાં જઈ તોડી લાવતા; દૂધ જોઈએ તો ડોલકું લઈને જવાનું, અને એની ગાયને દોહવડાવીને લઇ આવવાનું; અનાજ જોઈતું હોય તો એ પણ ખેતરમાંથી લઇ આવવાનું. તો, જીવનની આવશ્યક બધી વસ્તુઓ આ પ્રમાણે સરળ રીતે ઘરની નજીકમાં જ મળી રહેતી હતી, અને સાચી રીતે જોઈએ તો આવી રીતે જ મળી રહેવી જોઈએ. આ બધું જ મારા જીવન માટે આવશ્યક છે, તેથી મારા જીવનનો ભાગ પણ છે, પાણી પીવું છે તો ગ્લાસ મારી પાસે જ હોવો જોઈએ, એ આસમાનમાં હોય કે દૂર હોય તો મારા કામનું નથી.

જીવનની આવી નાની, પણ મહત્ત્વની વાતોને સમજ્યા વગર જે સિસ્ટમ ઉભી થશે તો એ મોંઘી અને નુકશાનકારક પણ હશે. આજના માણસના જીવનમાં વધતાં કેન્સરના રોગોના કારણોમાં આ એક કારણ ૫૦% ભાગ ભજવે છે કે દૂધ સહિત ખાવાના દરેક પદાર્થો દૂર-દૂર ઉભા કરાયેલા મોટા-મોટા શોપિંગ મોલ્સમાં મોકલવા માટે નાછૂટકે પેક કરવા જ પડે, અને એ ખાદ્ય પદાર્થો પછી લાંબો સમય સુધી સારાં રહે એ માટે એમાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવા જ પડે.

આજે આપણી પાસે દૂધની ડેરીમાંથી જે દૂધ આવે છે એ ૧૫-૨૦ દિવસોનું વાસી દૂધ આવે છે, એ પાસ્ચૂરાઇઝ્ડ દૂધ હોય છે, જે છ-છ મહિના જુનું દૂધ હોય, સાત-સાત મહિનાનું, ક્યારેક તો એક વરસનું પણ વાસી દૂધ હોય!! સ્વસ્થ જીવન માટે દૂધ તાજું હોવું જોઈએ, એમ શાક-ભાજી, અનાજ પણ તાજા હોય એ સારું, પણ શહેરોમાંના મોલ્સમાં તો બધું જુનું જ આવે છે, અને તેથી એ કુદરતી રીતે તાજા ના જ હોય, એમાં કેમિકલ્સ ઉમેરાયા જ હોય. તો, આ વિષચક્રમાં આપણે મરવાનું, કેમ કે જીવનને સમગ્રતાથી નથી સમજતા.

આપણી સંસ્કૃતિમાં જીવનને સમગ્રતાથી સમજીને આખી સિસ્ટમ, જીવન અને સમાજ વ્યવસ્થા ઉભી થઇ છે. ગાય જેને આપણે મા-સમાન ગણીએ છીએ, એ દૂધ આપી આપણને પોષે પણ છે તેથી ગાય ઘરમાં જ હોવી જોઈએ, દૂર કે જંગલમાં નહીં. ગાયને ઘરમાં રાખવાથી એ ગંદુ નથી કરતી, ગૌ-મૂત્ર તો દવામાં અકસીર ગણાય છે, અત્યારે ૧૫૦-૨૦૦ જાતની દવાઓ એમાંથી બને છે; ગૌ-મૂત્રમાં એટલી તાકાત છે કે એ ઝેરને પણ અમૃત બનાવી દે’ છે. આપણે પારો સીધો ના ખાઈ શકીએ, પણ જો પારાને ગૌ-મૂત્ર થી મર્દન વગરે થી શુદ્ધ કરીએ તો એ ખાવા યોગ્ય થઇ જાય છે અને એ ઘણાં રોગોને મટાડી શકે એવી તાકાત ધરાવે છે. ઝેર-કોચીલાને આપણે એમ-ને-એમ ખાઈએ તો મરી જવાય, પણ એ જ ઝેર-કોચીલાને ગૌ-મૂત્રથી શોધન કરવામાં આવે તો એ આપણે ખાઈ શકીએ અને એ અમૃત થઇ જાય છે. ઝેર પણ દવા થઇ જાય, ગૌ-મૂત્રમાં એવી તાકાત છે. પણ ખાલી “ગંદુ છે, ગંદુ છે” કરીને આપણે ગાયોને શહેરથી “બહાર કાઢો, બહાર કાઢો” એવું કહીએ છીએ પરંતુ ગાયોને બહાર કાઢી મુકવાથી તમને તાજું પૌષ્ટિક દૂધ જોઈએ છે તો એ ના મળે, અને જો મળશે તો પછી કંપનીઓ તમને જે આપશે એ દૂધ જેવું, પણ દૂધ સિવાય બીજું જ હશે. અને ગાયના છાણનો ઉપયોગ તો યજ્ઞમાં પણ થાય છે.

અમેરિકામાં ઘણાં ડોકટરોએ No Milkની ઝુંબેશ શરુ કરી છે, કેમ કે જે દૂધ અત્યારે આવી રહ્યું છે એ મિલ્ક નથી ઝેર છે, કારણ કે જે ગાયનું દૂધ હોય એ ગાયને જ ત્યાંના લોકો જાત-જાતના ઇન્જેક્શન આપે છે જેથી એનું દૂધ વધારે મળે, વધારે નફો થાય. વળી, એ દૂધ આવે એમાં પણ જાત-જાતના પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ નંખાયા હોય તેથી આવું બધું મળીને જે પ્રમાણેનું દૂધ મળે છે એ કુદરતી નથી, એ હાનિકારક ઝેર જેવું દૂધ છે.

(Leukemia? Lymphoma? this may be the worst–brace yourself!

The bovine leukemia virus is found in more than three of five dairy cows in the United States! This involves about 80% of dairy herds. Unfortunately, when the milk is pooled, a very large percentage of all milk produced is contaminated (9095 per cent). – source – http://www.notmilk.com/kradjian.html   

(Related links – Not Milkhttp://www.notmilk.com/; You’re Drinking the Wrong Kind of Milk http://www.motherjones.com/environment/2014/03/a1-milk-a2-milk-america);The Dairy Industry – http://www.peta.org/issues/animals-used-for-food/factory-farming/cows/dairy-industry/)

વૃક્ષ પણ આપણી માફક સૃષ્ટિનો એક શરીર છે અને આહાર ના રૂપમાં મારા શરીરનો ભાગ છે, એટલે મારા શરીરમાં જો માત્ર દવાઓ જ જશે તો મને નુકશાન થાય છે, તેવી જ રીતે છોડવાઓમાં, ખેતરના પાકમાં, વૃક્ષોમાં જો માત્ર દવાઓ જશે તો એને પણ નુકશાન થશે. એટલે આપણા ઋષિઓએ આપણને વૃક્ષોની પૂજા કરવાનું શિખવાડ્યું હતું, એ પણ ધર્મનો અગત્યનો ભાગ સમજાવી સમાજમાં પ્રસરાવ્યો છે.

આપણે ત્યાં જે બધાં ઉત્સવો છે એ મહદંશે ખેતીના પાકના આધારે છે. પાકની લણળીની સીઝન આવે એટલે ઉત્સવ! પંજાબમાં હોય, કેરળમાં હોય, ગુજરાતમાં હોય જયારે પાક લેવાય ત્યારે ઉત્સવ ઉજવાય. આ ઉત્સવમાં પાક આવે એટલે પણ ઉત્સવ, અને નવા પાક માટેની રોપણી કરવાની હોય ત્યારે પણ પૂજન કરી ઉત્સવ થાય.  વળી, આયુર્વેદની વનસ્પતિઓ લેવા જાય ત્યારે એ વનસ્પતિનું પૂજન કરે… આમ, માત્ર વૃક્ષનું જ પૂજન થાય એવું નથી, કુદરતી પાકમાં, આયુર્વેદની વનસ્પતિઓ વિગેરે બધાં’યનું પૂજન આપણે ત્યાં કરવાનો રિવાજ અને ધર્મ ગણતા.

હમણાં થોડાં દિવસો પહેલા તમે વાંચ્યું હશે કે વૃક્ષોની પણ ભાષા હોય છે; વૃક્ષ પણ પોતાના રક્ષણ માટે ઉપાય કરે છે; વૃક્ષોનું પણ સંગઠન હોય છે, વૃક્ષો સંદેશાની આપ-લે કરે છે. મને થોડાં વર્ષો પહેલાં એક વાત ધ્યાનમાં આવેલી કે કોઈ એક છોડને આપણે એવી જગ્યાએ રોપીએ કે જ્યાં બીજા વૃક્ષો ના હોય, તો એ છોડનો વિકાસ નથી થતો; પણ જો એ છોડની આજુ-બાજુ બીજા વૃક્ષો પણ હોય તો એનો વિકાસ સારો થાય; જેમ કે એક માણસ એકલો જ હોય, એ કારણ-અકારણ એકલો જ મુંઝાતો પણ હોય… પરંતુ, જો ચાર-પાંચ જણ એની સાથે ભેગાં મળે તો એ કેવો આનંદિત થઇ જાય! તો એ કેવો હર્ષિત થઇ જાય! વૃક્ષોમાં પણ એવું જ હોય.   ધારો કે તમારી સાથે એક ચાઇનીઝ બેઠો હોય, એક ઈટાલીયન હોય, એક ફ્રેંચ હોય, એક અરબી બેઠો હોય તો તમે મુંઝાવ ને? અને જો ચાર-પાંચ ગુજરાતીઓ જ સાથે બેઠાં હોય તો તમને કેવું સારું લાગે!

વળી વૃક્ષોમાં તો એવું પણ જોવા મળ્યું છે કે અમુક પ્રકારના ઝાડ વચ્ચે કોઈ એકાદ જુદા પ્રકારનો છોડ રોપવામાં આવે તો એ ઝાડ બધા આ નવા આગંતુકના મૂળિયાં વધતાં રોકે છે; પરંતુ જો ત્યાં એ પ્રકારના બીજા વૃક્ષો છે, એના જ ભાઈબંધની જાતિનો છોડ વાવવામાં આવે તો એને જોઈતી જગ્યા પણ કરી આપે છે.

વૃક્ષોમાં એટલી તો સમજ છે કે મારા શરીરમાં આડી-અવળી દવા નાખવાથી નુકશાન થાય છે. તો, વૃક્ષનું પણ શરીર છે, એની અંદર દેવત્વ છે, એટલે આપણા ઋષિઓએ આપણને વૃક્ષની પૂજા શિખવાડી છે. કાળક્રમે છોડવાઓમાં, વૃક્ષોમાં જાત-જાતના રસાયણો દવાઓ જશે તો મારું જ શરીર બગડી રહ્યું હશે કારણ વૃક્ષો મારું જ અંગ છે. શરીરનું એક અંગ જો બગડશે, હાથ બગડશે, હાથમાં સડો થશે તો એ સડો મગજમાં પહોંચવાનો જ છે, પેટમાં પ્હોંચશે; શરીરના એક ભાગમાં પરુ થાય, અને એ જો ના મટે તો પછી એ બીજા ભાગમાં જવાનું જ છે, કેમ કે આખું શરીર જોડાયેલું છે, શરીરની દરેક સિસ્ટમ એક-બીજાથી જોડાયેલી છે અને એ બધાને જોડનાર છે ચેતના!

એ એક જ પરમ ચેતનાને આધારે એક મનુષ્ય સિવાય દરેક જીવ પોતાને જે-તે કર્તવ્ય આપ્યું હોય એ કર્યે જ જાય છે, એમાં એ જીવો કોઈ પણ આનાકાની નથી કરતા – વૃક્ષ એનું કાર્ય કરે, નદી એનું, પ્રાણીઓ છે એ સ્વભાવગત એમનું કામ કર્યા કરે છે કારણ કે એ જીવો કુદરતના વિધાનમાં ફેરફાર ના કરી શકે, પણ એક મનુષ્ય એવો જીવ છે જે એની ઈચ્છા પ્રમાણે વર્તે છે, એણે કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના’ય કરે અને તેથી એ કુદરત થી થતાં કાર્યમાં ફેરફાર કરતો હોય છે.

એટલે, મનુષ્ય જો ધારે તો ધરતીને સ્વર્ગ બનાવી શકે, અને ધારે તો આ પૃથ્વીને નરકથી પણ ખરાબ બનાવી શકે…અને હવે તો વૈજ્ઞાનિકો પણ સ્વીકારી કહે છે કે સમાજ અને જગતમાં જે બધી પાયમાલી થઇ રહી છે એ બધી માનવ-નિર્મિત છે, એ પાયમાલી કાંઈ કુદરતની નથી. કોઈ જગ્યાએ અકારણ હિમવર્ષા થાય, કોઈ જગ્યાએ તાપ વધી રહ્યો છે, તો ક્યાં’ક રણમાં પણ પૂર આવે છે! આ બધી આફતો કુદરતી નથી, માનવ-સર્જિત આફતો અને પાયમાલી છે, એ બધાના મૂળમાં માણસ છે…

અને જો આપણને આવી આફત નથી જોઈતી તો આપણે આપણી સંસ્કૃતિને સમજવી પડશે, આ સંસ્કૃતિના હૃદયને સમજવું પડશે, એના મૂળમાં કેટલું ગૂઢ વિજ્ઞાન છુપાયેલું છે એ જાણવું પડશે, કેમ કે એની એકે-એક વાત પૂર્ણતયા વૈજ્ઞાનિક super scientific છે, અરે! કહો કે એ વિજ્ઞાનની પણ પાર છે, beyond science છે, અને તેથી આ જ્ઞાનને સમજવા માટે વૈજ્ઞાનિકોએ પણ માથું ખંજવાળવું પડે એવી અદ્ભુત, અકલ્પનીય વાતો છે અહીં. તેથી,

આ વિશ્વને જો કોઈ વિચાર, સભ્યતા, સંસ્કૃતિ આફતો, પાયમાલીથી બચાવી શકશે તો એ છે વૈદિક ચિંતન, વૈદિક સંસ્કૃતિ અને તેથી એ માટેની સૌથી મોટી જવાબદારી આપણી થઇ પડે છે. 

સંસ્કૃતિની વાતો, આધુનિક સમાજની દશાની વાત નીકળે ત્યારે મને નાની પાલખીવાલા અચૂક યાદ આવે છે. માત્ર ૪૦ પાનાની એમની એક નાનકડી પુસ્તિકા India’s Priceless Heritage (ભારતનો અમૂલ્ય વારસો) માં તેઓ આપણી સંસ્કૃતિની ખુબ સુંદર વાતો કરે છે. છેલ્લે એક તીક્ષ્ણ કોમેન્ટ કરી કહે છે કે ‘એક ગધેડો હોય એની પીઠ ઉપર સોનની પાટો લાદી હોય, બીજો ગધેડો હોય એની પીઠ ઉપર ઇંટો લાદી હોય, બીજે દિવસે બંનેની પીઠ ઉપરના ભારનો ફેરફાર કરી દઈએ તો એને કાંઈ ફેર ના પડે, એને તો પીઠ પર કોઈ વસ્તુનું વજન છે એ જ સમજાય, એ વજન શેનું છે એનાથી એને કાંઈ મતલબ નથી. પછી એમણે એ પણ કીધું કે આપણી ભારતીયોની સ્થિતિ પણ કાંઇક આવી જ છે.

બધા વાતો કરે છે કે ભારતની સંસ્કૃતિ બહુ સારી છે, હોં! પણ એમાં શું છે, એ સારી છે એનું કારણ શું એ સમજ નથી, એ જ્ઞાન ગધેડાના ભાર જેવું – સોનાનું છે, ઈંટનું છે, રેતી-પત્થરનું છે, લાકડાનું છે… કાંઈ’ક તો છે, બસ, આટલું જ જાણે છે. સરસ છે સંસ્કૃતિ, હોં!! પણ એ સંસ્કૃતિનું હાર્દ, હૃદય શું છે, એ કોઈ દિવસ વિચારતા જ નથી, ઉંડાણથી એનું કોઈ દિવસ અધ્યયન નથી કરતા, કે નથી ચિંતન-મનન કરતા. ભારતમાંથી ઘણા લોકો અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ જાય છે, તો ત્યાંના લોકોને થાય કે ભારતથી આવ્યા છે તો એ યોગ જરૂર જાણતા હશે, ભગવદ્ગીતા વિશે પણ જાણતા હશે (ત્યાં, અમેરિકામાં તો ઘણી યુનીવર્સીટીઓમાં ગીતા ભણાવાય છે), પણ ભારતથી ત્યાં વિદેશ જનારાઓને આમાંનું કશું ખબર ના હોય, એ પણ ખબર ના હોય કે ગીતા મહાભારતમાં છે કે રામાયણમાં છે… ક્યાં’ક તો હશે. પેલું ગધેડાને માથે કશું’ક ભાર-વજન છે એવું જ કાંઈ આ પણ છે. ભારતીય સંસ્કૃતિ બહુ સારી, હોં! તો, આપણી પીઠ ઉપર શું છે એનું પણ થોડું દર્શન કરીએ.