નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને કરેલા કર્મોનું ફળ સંપૂર્ણ ન મળતા ઓછુ મળતુ હોય છે.
આપણે પ્રકૃતિથી તો બોધપાઠ લઇએ. સૂર્ય સમયસર ઉગે છે અને આથમે છે. ઋતુઓ સમયસર આવી જાય છે. ઋતુ પ્રમાણે ફળ, ફૂલ, શાકભાજી વગેરે ઉત્પન્ન થાય છે. ચંદ્ર અને પૃથ્વી નિયમિત રીતે ગોળ ફરે છે. દિવસ અને રાત્રિ સમયસર થાય છે.
જીવનમાં સફળ થવા માટે નિયમિતતા જરૂરી છે. જેમ કે- રાત્રે સમયસર સૂવું અને સવારે નિયમિત ઉઠવું. યોગાભ્યાસ, ધ્યાન, પ્રાર્થના કરવા જે શરીર અને મનને સ્વસ્થ રાખે છે અને શાંતિ, આનંદ, પ્રસન્નતા આપી આપણને વિધેયાત્મક બનાવે છે. રાત્રે સૂતા પહેલા સદ્ગ્રંથોનું વાચન પણ ખૂબ સારું પરિણામ આપે છે.
પ. પૂ. ગુરુદેવ કાયમ કહે છે કે,
આવતી કાલે કરવાના કામોની યાદી આજે બનાવો.
કયું કામ અગત્યનું છે તે પ્રમાણે ક્રમશઃ ગોઠવો.
એક પછી એક કામ પૂર્ણ કરો.
એક સમય પત્રક રાખો જેમાં કામ થયું કે નથી થયું તેની નોંધ રાખો.
અધૂરા કામ બીજે દિવસે પૂરા કરવાની તૈયારી રાખો.
આ આદેશ પ્રમાણે જે આચરણ કરે છે તે જીવનના કોઇપણ ક્ષેત્રમાં જરૂર સફળ થાય છે.
આવો, આપણે નવા વર્ષે માનવ જીવનને સફળ કરવા માટે સૌ સાથે મળીને પૂ. ગુરુદેવના બોધ પ્રમાણે આચરણ કરીએ.