આપણે ભારતીય સંસ્કૃતિની પુરાતન શિક્ષણ વ્યવસ્થા ઉપર વિચાર કરી રહ્યા છીએ. એ વ્યવસ્થાનું શિક્ષણ એ સમયની દુનિયા આખીમાં શ્રેષ્ઠતમ હતું, દરેક ક્ષેત્રનું આપણું જ્ઞાન ટોચ પર હતું, તે ત્યાં સુધી કે જીવનનું કોઈ ક્ષેત્ર એવું ન હતું જેમાં આપણે એકદમ શિખર પર ન હતા. અંગ્રેજો ૧૬૦૦માં ભારત આવ્યા ત્યારે આ શિક્ષણ વ્યવસ્થા એવી હતી કે સરેરાશે દર ૪૦૦ની વસ્તીમાં એક શાળા હતી; એ શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાંઈ આજના જેવું વિશાળ ન હતું – ત્યારે શાળાઓ મહેલ જેવી નહોતી, એમાં AC પણ ન્હોતા… એ વખતની શાળાઓ કોઈ ખુલ્લા મેદાનમાં કે એવી જગ્યાના ઝાડ નીચે હતી, કોઈના ઘરે પણ ચાલતી હતી અને મહદંશે આપણે ત્યાં બધા ગુરુકુળોમાં તો ઝાડ નીચે બેસીને જ અધ્યયન થતું, વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું હતું.

ત્યારની શાળાઓમાં ઉચ્ચતમ જ્ઞાનની ચર્ચાઓ પણ ઝાડ નીચે થતી, એ માટે જરૂરી ન્હોતુ કે મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ જોઈએ. હું એક વખત નડીયાદ હતો, ત્યાં એક ભાઈ શાહપુરકરજી અવાર-નવાર મળવા આવતા હતા. આ ભાઈ ત્યાંની એક કોલેજના English Departmentના  Head હતા. એક દિવસ એ ભાઈ મને એમના Departmentમાં લઇ ગયા. ત્યાં એ કોલેજે એક language lab બનાવેલી, એમાં English શીખવા માટે એક મોટો હોલ હતો, એમાં મોટું સ્ક્રીન હતું એના ઉપર કમ્પ્યુટર-DVD એવા ઉપકરણો દ્વારા સ્લાઈડ્સ, વિડીઓ, મૂવી વગેરે જોઈ શકીએ; ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ માટે કાચની કેબીનો, ટેબલ અને સાથે head-phones પણ હતા, રીમોટ હતું જેના દ્વારા નાના-મોટા ફ્નેક્ષ્ન્સ કન્ટ્રોલ કરી શકાય. આ બધી ફેસિલીટી માટે એ કોલેજે ત્યારના ઓછામાં ઓછા રૂ.ચાર-થી-પાંચ લાખ ખર્ચ્યા હશે. આજથી બે દાયકાઓ પહેલા આવી મોંઘી ફેસિલીટી ઉભી કરાઈ હતી, અને એ પણ માત્ર spoken English શીખવા માટે. બધું જોઈ લીધા પછી મેં એમને પૂછ્યું કે “અત્યાર સુધીમાં અહીંથી કેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે?” ભાઈ થોડીવાર રહીને બોલ્યા “એકે’ય નહીં”.

સામાન્ય અંગ્રેજી શીખવા-શીખવવા માટે વધારેમાં-વધારે કેસેટો જ વગાડવાની છે? અને એનાથી અંગ્રેજીમાં બોલતા, વાતો કરતા જ શીખવાનું છે? એ તો આપણે ત્યાં એક ઝાડ નીચે ટેપ રેકોર્ડર મુકી એમાં કેસેટો વગાડીને પણ શીખવી શકાય! (આજે તો આનાથી પણ સુગમ, સરળ રીતે થઇ શકે છે – ફોન-કે પેન-ડ્રાઈવ અને બ્લુ ટૂથ સ્પીકર્સ દ્વારા પણ શીખવી શીખી શકાય)

એટલે, શિક્ષણ માટે મસમોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ જરૂરી નથી. એ વખતની આપણી શાળાઓ, વિદ્યાલયો બધું સાદું હતું…તેમ છતાં, અંગ્રેજો આપણને શિખવાડી ગયા છે કે આ દેશમાં તો શૂદ્રો ઉપર બહુ અત્યાચાર થતો હતો!…આવું હતું, તેવું હતું… એ શાળાઓમાં સારા એવા પ્રમાણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ એવા હતાં કે જેમને અંગ્રેજો શેડ્યુલ કાસ્ટના કહેતા હતાં…પણ સારી વાત જેમ કે દરેક વસ્તીમાં પર્યાપ્ત શાળાઓ હતી, શાળા અને વિદ્યાલયો સાદા હતાં ત્યાં પણ શિક્ષણ તો ઉચ્ચતમ કક્ષાનું અપાતું હતું એ અંગ્રેજોએ નથી કીધું.

આપણી શિક્ષણ વ્યવસ્થા શ્રેષ્ઠતમ હતી, એમાં એક મહત્ત્વની વાત તો એ હતી કે એમાં શિક્ષણ તદ્દન નિ:શુલ્ક હતું, આપણી શિક્ષણ વ્યવસ્થા નિ:શુલ્ક હતી.

આપણે આપણી રીતે જ્ઞાનની વાતોના મૂળને સમજવુ હોય તો બે વાતો સતત ધ્યાનમાં રાખવી – એક, કે સુખ, શાંતિ, સમાધાન આપણી અંદર, આત્મામાં જ છે, અને બીજું એ કે એક પરમ તત્ત્વ છે જે કણેકણમાં છે, અને એ જ તત્ત્વ આપણા હૃદયમાં પણ છે. એ તત્ત્વના સાક્ષાત્કાર વગર જીવનમાં સમાધાન નથી, એના વગર મનુષ્યને શાંતિ નથી, સુખ નથી, અને આ જ તત્ત્વ સમસ્ત જ્ઞાનનો આધાર પણ છે.  જો આ સર્વના આધારની વાત આપણને ખ્યાલમાં નથી આવતી તો આપણી શિક્ષણ વ્યવસ્થા અને એ ઉચ્ચતમ કેમ હતું એ નહીં સમજાશે.

આપણે જયારે કોઈ માળખું ઉભુ કરીએ છીએ તો એ માળખા દ્વારા આપણે શું અને કેવી વસ્તુ મેળવવા ઈચ્છીએ છીએ, કે ફાઈનલ પ્રોડક્ટ શું છે એ નક્કી થાય એ પછી જ આપણે એ પ્રમાણેનું માળખું ઉભુ કરીએ છીએ – ધારો કે મારે નવી ફેકટરીમાંથી ammonium sulphate, કે અન્ય કોઈ રસાયણ મેળવવું છે, તો એ ફાઈનલ પ્રોડક્ટને આધારે જ હું નવી ફેક્ટરી ઉભી કરીશ. અને જો તમને ખુરશી-ટેબલ-ફર્નીચર બનાવવા  હોય અને કોઈ તમને ammonium sulphateની ફેક્ટરી બતાવે તો તમને થશે કે આ શું છે, આ તે કેવું માળખું છે? જો ફર્નિચર બનાવવું હોય તો એનું માળખું એ પ્રમાણેનું, જુદું જ હોય.

એવી જ રીતે મનુષ્યના જીવનની પણ વાત છે, કે મનુષ્યે એના જીવનમાં શું મેળવવું છે? શું મેળવીને એને શાંતિ થશે? આપણે ત્યાં આ બધી વાતોના જ્ઞાનના આધારે, મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય શું છે એ જાણી-સમજીને જ એના જીવનનું માળખું ઉભું થયેલું છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને આપણી શિક્ષણ વ્યવસ્થા પણ ઉભી થઇ હતી, અને એ નિ:શુલ્ક પણ રાખવામાં આવી હતી.

આ નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થામાં સૌથી જે અગત્યની વાત થતી હોય તો એ છે કે ત્યાં દરેક વિદ્યાર્થી સમાન હોય છે – શિષ્ય રજાનો રાજકુંવર હોય કે પછી કોઈ ગરીબનો પુત્ર હોય બંનેને આપણે સરખા, સમાન ગણતા હતા, બંનેને સમાન રીતે ભોજન મળશે, સમાન રીતે રહેવાનું મળશે, સમાન રીતે સેવા વહેંચવામાં આવશે, એ વ્યવસ્થા બધા માટે સરખી જ હોય.

હા, માનવીય જે કમજોરી છે, એને હિસાબે આચાર્યને એના દશ વિદ્યાર્થીઓમાંથી કોઈ એકાદ માટે વિશેષ લાગણી હોય તો એ એની વ્યક્તિગત મુશ્કેલી છે, વ્યક્તિગત કમજોરી છે, પરંતુ જો શુલ્ક નથી લેતો તો હું બધા સાથે એક-સરખો જ વ્યવહાર કરી શકુ, કેમ કે કોઈ પણ વિદ્યાર્થી ફીસ આપીને નથી આવ્યો; જો ફીસ આપીને આવે તો પછી ત્યાં પણ gradation હશે જ – એક વિદ્યાર્થી હોય એ એક લાખ રૂપિયા આપીને ભણતો હોય, બીજો રૂ.૧.૫ લાખ આપીને આવતો હોય, ત્રીજો એનાથી વધારે.

આજે નાના-નાના બાળકોના ભણતરની ફીસ જોઈએ તો બાલમંદિર, કે પહેલા ધોરણની ફીસ પણ વરસના રૂ.એક લાખથી દોઢ લાખ હોય છે! તો, સમાજમાં એક બાજુ આવા વિદ્યાર્થીઓ ભણતા હોય, બીજી બાજુ એવા બાળકો હોય જેને માથે છાપરું’ય ના હોય, જો કદાચ હોય તો એ તૂટેલું હશે એ ક્યાં, કેવી રીતે ભણી શકે? આ બીજા પ્રકારના બાળકને તો સારા આચાર્ય પણ નહીં મળશે, કેમ કે બીજી મોટી, મોંઘી શાળાઓમાં સારા, ઉંચા પગારે સારા શિક્ષકો હશે, અને આને માટે તો એવા શિક્ષક હશે કે જેને ક્યાં’ય નોકરી ના મળતી હોય તેથી એવી સ્કૂલમાં જઈને ભણાવતો હશે.

આજે નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થાનો વિચાર કરીએ પણ તો એમાં સારા શિક્ષકો જ નહીં મળે, કેમ કે આચાર્યનું મન પણ પૈસા માટે જ છે, એણે કાંઈ સેવા નથી કરવી, તેથી એ પણ એવી જ શાળામાં જશે જ્યાં એને સારો પગાર મળશે. સમાજમાં પૈસાનું જ મહત્ત્વ સૌથી વધારે હોય તેથી એમને સારા આચાર્યો નહીં મળશે, વિદ્યાર્થીઓને સારું જ્ઞાન પણ નહીં મળશે, અને એમનું gradation થશે. આમ, પૈસાને આધારે સમાજનું વિભાજન થશે, એ સમાજમાં વર્ગીકરણ વધારે હશે, એક વર્ગ, બીજા વર્ગથી જુદો જ હશે, એમાં એકતા, સમાનતા જેવી કોઈ વાત નહીં હોય.

આમ સમાજના પાયા સમાન શિક્ષણના ક્ષેત્રે આવું વર્ગીકરણ હોય, તો પછી આ જ વાત સમાજના અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરશે. સેમિનારોમાં પ્રવચનો, કથા અને અધ્યાત્મમાં, ધ્યાનની શિબિરોમાં પણ હવે એવું નથી થવા લાગ્યું? આગળની હરોળના રૂ.૨૦,૦૦૦, પાછળની બે હરોળના પછી રૂ.૧૦,૦૦૦, એનાથી પાછળની હરોળના રૂ.૫,૦૦૦. આમ, gradation થશે જ. આગળની હરોળમાં બેઠો હશે, તો એ કોલર ઉંચો કરીને પાછળ જોતો હોય કે ત્યાં કોણ-કોણ બેઠાં છે. એ બેઠો હોય ત્યારે એનો ચહેરો તો આમ સામે હોય, પાછળવાળા જોઈ ના શકે, તેથી એ વારે-ઘડીએ પાછળ ફરી-ફરીને જોશે કે એને બધા જોઈ લે, કે એણે રૂ.૨૦,૦૦૦ આપ્યા છે!

આમ શિક્ષણમાં gradation આવે, તેથી સમાજના દરેક ક્ષેત્રમાં પણ gradation આવશે. આપણે આપણા મહર્ષિ પતંજલિ યોગ મંડળમાં યોગ-સત્ર નિ:શુલ્ક રાખીએ છીએ, ફીસ નથી લેતા. નડિયાદમાં એક વખત એક યોગસત્રમાં એક દીકરી ત્યાં આવતી હતી, સમજુ છોકરી હતી. તો મેં એને પૂછ્યું કે “બેટા, તને અહીં કેમ લાગ્યું?” એ કહે, “મને અહીં એક વાત સારી લાગી,”.. “શું?” કહે, “હું ઘણી બધી શિબિરોમાં ગઈ છું, અને એ લોકોની ફીસ સારી એવી હોય છે, પણ ત્યાં જે વાતો થાય છે તે એવા લોકો માટે હોય છે કે જેનું intellectual level થોડું ઊંચું હોય; તમારું લેવલ એ પ્રમાણેનું હોય તો જ તમે એમની વાતોને સમજી શકો, એ સ્તરની વાતો દરેક માણસ સમજી ના શકે. સામાન્ય કે અભણ માણસ એમની વાતોને ના સમજી શકે; હા, વાતો તો એ-ની-એ જ હોય, પણ જે રીતે રજુ કરવામાં આવતી હોય કે એને સમજવા માટે તમારું intellectual level એ સ્તરનું હોવું જ જોઈએ, તો જ એ વાતોને તમે સમજી શકો… અને, અહીં હું સત્રમાં જોઉં છું તો અહીં તો ગામડાની ડોશીમાં હોય તો એ પણ તમારી વાતો સંભાળીને ખુશ થાય છે, અને સારા ભણેલા-ગણેલા લોકો હોય તો એ પણ ખુશ; અહીંયા તો અભણ માણસ પણ એટલો જ ખુશ થાય છે, અને ભણેલો વિદ્વાન હોય એ પણ એટલો જ ખુશ થાય છે.

એટલે, ઘણી સંસ્થાઓમાં ફીસ એ પ્રમાણે વધારે રાખે કે સમાજની અમુક સ્તરની વ્યક્તિઓ જ ત્યાં આવી શકે, કેમ કે આવા લોકોએ સમાજના બીજા સ્તરના લોકો સાથે એક પ્રકારનું distance રાખ્યું હોય છે, તેથી એવા નીચલા સ્તરના લોકો સાથે એ લોકો ભળી ના શકે, એમાં એમને હલકાપણું લાગે.

આશ્રમમાં એક વખત એક સાધક આવેલા; એ અમેરિકાના એક ડોક્ટર હતા. હવે આપણા આશ્રમમાં તો કર્મયોગ હોય, એટલે સવારે બધા સાધકો આશ્રમમાં જુદી-જુદી જગ્યાએ ઝાડુ લઈને પણ સફાઈ કરતા હોય. ત્યારે ઉનાળો હતો, ગરમી હતી, ધૂળ પણ ઉડતી હતી, તેથી આશ્રમમાં જેટલું સારું થઇ શકતું હતું એટલું મેં મારી રીતે એમને માટે રહેવાની અને અન્ય આવશ્યક વ્યવસ્થા કરાવી.

આ ડોક્ટર સાધક તો પહેલા દિવસે જોયા કરે, બધા સાધકો જે કામ કરતા હતા એ જોયા કરે. બે દિવસથી હું જોઉં કે એ ઉભા-ઉભા બધું બસ જોયા જ કરે છે. ત્રીજા દિવસે મેં જોયું કે એમણે તો મોઢે રૂમાલ બાંધ્યો હતો, અને બધા સાથે સફાઈ કરતા હતા. પછી એમણે દિલ ખોલીને વાત કરી કે “સ્વામીજી, હું અહીં આવતો હતો તો મારા wifeએ મારા ડ્રાઈવરને કહેલું કે તું સૌથી પહેલા બાથરૂમ જો’જે, જો સારું ના હોય તો તું એમને ગાડીમાં બેસાડી દે’જે, ત્યાં રહેવા ના દઈશ.”

અમેરિકામાં તો બાથરૂમ પણ ચોખ્ખા હોય, શાવરવાળા હોય, ત્યાં ગ્લાસનું કેબીન હોય જેથી કરી ન્હાતા-ન્હાતા પાણી બહાર ના ઉડે, બહાર એકદમ કોરું હોય. હવે આવા બાથરૂમ તો આપણે ત્યાં ના હોય, એટલે, ઘણાંને આ દેશમાં આવે છે તો એટલા માટે જ તકલીફ થતી હોય છે. હજુ થોડો વખત સુધી તો ગામડામાં જ રહેતો હોય, અને માત્ર બે-જ મહિના ત્યાં થઇને કોઈ મોટેલમાં સફાઈ-કામ કરીને આવ્યો હોય એ માણસ અહીં આવીને નાક બગાડે, કે અહીં dirty છે, બાથરૂમ ગંદો છે…

એ ડોક્ટર સાધક મને કહે, “મેં ડ્રાઈવરને બહારથી જ વિદાય આપી દીધી કે પછી એ wifeને કહે નહીં કે ત્યાં બધું ખરાબ છે. જયારે હું જમવા માટે ગયો તો મને એકદમ shock લાગ્યો કે ગામડાના પણ લોકો અહીં છે, એ લોકો ધોતિયું પહેરે, એટલા ચોખ્ખા ના હોય, એમના કપડાં પણ સાફ ના હોય… હું એવા માણસો સાથે કોઈ દિવસ ઉભો પણ ના રહું, અને અહીં મારે એમની સાથે નીચે બેસીને જમવાનું?” બે દિવસ સુધી મારા મનમાં આવી બધી ગડમથલ ખૂબ ચાલી, પછી અંદરથી મને થયું કે ‘ના, શીખવું છે તો અહીં રહેવું છે, અને અહીંના પ્રમાણે જ જીવવું છે’. મેં તો મનમાં નક્કી કરી લીધું, તેથી હવે મને તકલીફ નથી.”

એટલે, એક વર્ગ એવું ઇચ્છતો હોય કે ફીસ વધારે હોય એટલે અમુક લોકો તમારાથી દૂર રહે, તમારી સાથે ભળી ના શકે. આવા વિઘટિત, વર્ગીકૃત સમાજમાં પરસ્પર પ્રેમ, પરસ્પર જે વિશ્વાસનું વાતાવરણ હોય તે સ્વાભાવિક રીતે ના થઇ શકે… ભલે પૈસાને લીધે વર્ગભેદ હોય… કોઈ એક શેઠ હોય, તેને ત્યાં માણસ કામ કરતો હોય, ભલે એની સાથે એ જમે નહીં, એના ઘરમાં સાથે રહે નહીં, તો પણ એ બે વચ્ચે એક પ્રકારની આત્મીયતા તો હોય જ કે શેઠ એના નોકરના ઘરના કુશળક્ષેમ પૂછતો હોય, એને કોઈ તકલીફ હોય તો એમાં સહભાગી થતો હોય, એના છોકરા-છોકરીના લગ્ન હોય તો એને માટે પૈસાની પણ મદદ કરતો હોય… એને એક જાતની આત્મીયતા તો હોય જ. એ જાતની આત્મીયતા આજની નવી શિક્ષણ વ્યવસ્થામાં કે એ સમાજમાં શક્ય નથી.

મનુષ્યના જીવનમાં મૂળ આવશ્યક વાત છે પરમ સત્યને જાણવું, જો આ સત્યને જાણવું છે તો બધાં’યની અંદર એક સમાન તત્ત્વ છે, અને ચેતનાના સ્તરે, આત્માના સ્તરે બધાં’ય એક જ છે, આ જ્ઞાન વગર બોધ થવાનો નથી. ‘वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः’.

તેથી, હું જ્યારથી ભણવા લાગ્યો ત્યારથી જો મેં વર્ગીકરણ, અસમાનતા જ જોઈ હોય કે આ મોટો, આ નાનો છે, એ જ શિખ્યો હોઉં તો હું સમાનતા ને કેવી રીતે સમજી શકીશ? તો હું એ પરમ તત્ત્વને કઈ રીતે જોઈ શકીશ? જો આવું થાય તો મારી અંદર સમાનતાનો ભાવ, લાગણી, કે આત્મીયતા ક્યારે’ય નહીં આવે. જો શિક્ષણ નિ:શુલ્ક હોય તો જ એને એ પ્રમાણે સમાનતા કેળવી શકાય, પરંતુ મેં જો અલગ-અલગ ફીસ લીધી હોય તો હું વિદ્યાર્થીઓમાં સમાનતા કેવી રીતે કેળવી શકું? આ શક્ય નથી.

બીજી મહત્ત્વની વાત એ છે કે જો હું ફીસ લઉં છું તો મારે એ પ્રમાણે વ્યવસ્થા પણ ઉભી કરવી પડે. જો કોઈ વધારે ફીસ લે છે તો એણે એ પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરવી પડે, પછી તો ગ્રેડેશન વિસ્તરતું જાય, અલગ-અલગ વર્ગો ઊભા જ થતા જાય, અને મેં કહ્યું તેમ શિક્ષણમાં પણ આવું થવા જ માંડે, ત્યાં પછી શિક્ષણ સારું મળતું ના હોય, કેમ કે ત્યાં આચાર્યો પણ પૈસા-લક્ષી જ હોય.

નિ:શુલ્ક શિક્ષણનો એક ફાયદો એ છે કે સાદાઈ હોવાથી ખર્ચ ન હતો. વિદ્યાલયોને માથે વિદ્યાર્થીઓનો ખર્ચો જ ના આવે, રહેવાનું કુટિયામાં કે જંગલમાં, વિદ્યાલયની કે ગુરૂકુળોની આજુ-બાજુની જમીનમાં આવશ્યક ખેતી, ફળ-ફળાદી હોય, ગુરુકુળો એ બધું કરી લેતા હોય, અથવા વિદ્યાર્થીઓ ક્યારે’ક જંગલમાં જઈને લઇ આવતા, સાદી ઝુંપડી, કુટિયા બનાવી ત્યાં રહે, પુસ્તકો તો વૈદિક કાળમાં હતાં જ નહીં, કારણ કે એ સમયમાં તો બધું મૌખિક જ હતું, પુસ્તકો રાખતા જ નહીં, પુસ્તકો જ નહીં, શ્રૌત પદ્ધતિ હતી, એ એટલી શક્તિશાળી પદ્ધતિ છે જે હું કદાચ મારા જીવનમાં અનુભવી ન શક્યો હોત.

હરિયાણાના બહાલગઢમાં મારે શિક્ષણાર્થે રહેવાનું થયું હતું, ત્યાં પરિસ્થિતિ એવી હતી કે મારે કલાકો સુધી પુસ્તકો વગર જ કામ ચલાવવું પડે એવું હતું, તો મેં જોયું કે પુસ્તક વગર જે મેધા આપણી અંદર ખીલતી હોય છે, એ પુસ્તકો હોય તો ના ખીલી શકે. ત્યાંની જે વિદ્યાપીઠમાં ભણવા જતો ત્યાંથી અઢી-એક કિ.મી. દૂર એક નાની કુટિયામાં રહેતો, અને ત્યાંથી બીજી બાજુ દોઢ કિ.મી. દૂર એક ગામ હતું ત્યાંથી મધુકરી કરીને હું ભિક્ષા લઇ આવતો. એટલે સવારે આઠે’ક વાગ્યે જઉં તો ત્યાં છાશ અને રોટલી મળે, અને સાંજે અંધારું થતું હોય ત્યારે જઉં તો રોટલી અને દૂધ મળે. તો આમ રોજ બે વખત મારે બે વિરુદ્ધ દિશામાં ત્રણ કિ.મી. ચાલીને જવું પડતું. વળી, ત્યાં કુટિયામાં પ્રકાશ માટે મારી પાસે ના તો કોઈ સાધન નો’હતું કે ના કોઈ વ્યવસ્થા. એટલે, કોઈ ફાનસ કે લાઈટ ત્યાં કશું જ ન હતું; ન્હાવા માટે કૂવો, ખેતરે જવું હોય તો અજવાળું થાય પછી જ જઈ શકાય, આજુબાજુમાં ખેતર હોય, જંગલ હોય, ત્યાં જીવ-જંતુ હોય, તેથી અંધારામાં જવાય નહીં; કૂવામાંથી પાણી ખેંચી, નાહી લઉં પછી એક ડોલ ભરી લે’તો આવું, જે પીવા માટે કામ આવે.

આવી પરિસ્થિતમાં હું જેટલું પણ ભણી શકું તે મહત્ત્વનું હતું. સવારે ચાર-સાડાચારે ઉઠી જઉં, જ્યાં સુધી અજવાળું ના થાય ત્યાં સુધી આગલે દિવસે હું જે ભણ્યો હોઉં તે અંધારામાં જ બેસીને મનમાં જ repeat કરી લે’તો, કેમ કે ત્યારે અંધારું હોવાને કારણે પુસ્તકો વાંચી શકાય એમ હતું નહીં એટલે હું એ બધું અંધારામાં જ repeat કરી લઉં, આગલે દિવસે જે દશ સૂત્રો હું ભણ્યો હોઉં એ બધા ડીટેલમાં repeat કરી લઉં.

આમ કરતા મારે એ પણ ધ્યાન રાખવાનું કે અમુક સૂત્રમાં હું કાંઈ ભૂલતો તો નથી ને, લખી તો શકાય નહીં. કેટલી’ક વખત તો ૧૦-૧૨ સૂત્રો એકસાથે હોય, તેથી પાઠ કરતી વખતે એમાં ભૂલો પડતી હોય, ઘણીવાર એવું પણ બને કે ભૂલો ક્યાં થાય છે એ ખબર ના પડતી હોય તો એ પણ ચોક્કસ રીતે યાદ રાખવાનું કે અહીં મારી ભૂલ થાય છે. હવે જો આ યાદ ના રહે તો પછી હું જયારે પ્રકાશમાં પાછો વાંચવા બેસું ત્યારે યાદ ના આવે કે કયા સૂત્રમાં ક્યાં ભૂલ થઇ હતી, એટલે, એ પણ મારે ખ્યાલ રાખવાનો.

સંસ્કૃત વ્યાકરણના પિતામહ પાણિનિના અષ્ટાધ્યાયીના અધ્યયનમાં શું થાય કે જ્યાં સુધી તમે અષ્ટાધ્યાયી ઉપર મહર્ષિ પતંજલિનું મહાભાષ્યનું પૂરું અધ્યયન ન કરી લો ત્યાં સુધી એના આશરે ચાર હજાર સૂત્રો દિવસમાં ઓછામાં ઓછા એક વખત રિપીટ કરવા જ પડે, અને જો હું આ ક્રમબદ્ધ પાઠ રોજ ના કરું તો પછી એનો ક્રમ હું ભૂલી જઉં. હવે, પુસ્તક મારી પાસે હોય નહીં, અને હોય તો પણ હું એક જગ્યાએ બેસીને વાંચી શકું એવો સમય જ ન હતો, એટલે હું જયારે ભિક્ષા માટે જઉં ત્યારે રસ્તામાં થોડા અધ્યાયના સૂત્રો બોલતો જઉં અને આવતી વખતે બાકી અધ્યાયના સૂત્રો બોલતો આવુ.

ઘણી વખત સૂત્રો બોલવામાં ભૂલ થાય, એ ના થાય એ માટે મારે યાદ રાખવું પડે કે બીજા અધ્યાયમાં આ પાદ(અધ્યાય)માં અહીં હું સૂત્ર ભૂલ્યો છું. જો આવી પરિસ્થિતિ ના હોય, અને તમારી પાસે પુસ્તક હોય તો તમે તમારા મગજ ઉપર જોર આપો નહીં કે ક્યાં ભૂલી જવાયું છે; જયારે કયારે ભૂલ થઇ હોય, અને જો પુસ્તક પાસે હોય તો માણસ ઝટ દઈને પુસ્તક ખોલીને જોઈ લે, પણ મને તો આવી કોઈ જ સુવિધા જ ન્હોતી, એટલે હું યાદ રાખું કે આ અધ્યાયમાં અમુક જગ્યાએ આ સૂત્ર હું ભૂલુ છું, એ સૂત્રને હું મારે ઉતારે આવીને જોઈ લઉં, ત્યાં ઉતારા પર મને એકાદ કલાકનો સમય મળે તો હું એ વાંચી લઉં, પછી અડધા ૪ થી ૮ અધ્યાય વિદ્યાલય જઉં કે આવું ત્યારે રિપીટ કરું. ત્યાં પણ એ રીતે જ કરતો. વિદ્યાલયથી હું આવું ત્યાં સુધીમાં તો થોડુ અંધારું થવા માંડે, એટલે જલદી-જલદી જઈને ભિક્ષા લઈને આવું ત્યાં સુધીમાં તો અંધારું થઇ ગયું હોય એટલે દિવસે જે ભણ્યો હોઉં એ બધું પછીના બે-અઢી કલાક હું ફરી મનમાં રિપીટ કરી લઉં અને એમાં જે હું ભૂલ્યો હોઉં તે બીજા દિવસે યાદ રાખવું પડે કે હું અહીં ભૂલ્યો હતો.

આમ, હું રોજે-રોજ અધ્યયન કરું એ એકદમ પાકું થઇ ગયું હોય, બધું મન-મગજમાં સંગ્રહાઈ ગયું હોય. વિદ્યાલયની વ્યવસ્થા એવી હતી કે વિદ્યાર્થીનું અધ્યયન પૂરું થઇ જાય કે તરત જ એ પરીક્ષા આપી શકે. બીજા વિદ્યાર્થીઓ પાઠ થઇ ગયા પછી એક અઠવાડિયું માંગે, અને હું તો જે દિવસે પાઠ પૂરો થાય એના બીજે દિવસે પરીક્ષા આપી દઉં, કેમ કે મને તો ત્યારે બધું યાદ હોય, અને પરીક્ષા આપી દઉં. હવે, અધ્યયનની આ રીત પુસ્તક હોય તો શક્ય નથી, અને પરીક્ષા વખતે તો પુસ્તકનું જ્ઞાન કામમાં નથી આવતું, મન-મગજમાં જે પાઠ હોય એ જ કામ આવે.

આ બધામાં મહત્ત્વની વાત એ હતી કે વધારે સમય પુસ્તક વગરના અધ્યયન કરીને બધું મોઢે કંઠસ્થ કરવાથી જ્યારે મારો ચોથો અધ્યાય પૂરો થઇ ગયો હોય, ત્યારે બીજા વિદ્યાર્થીઓનો તો હજુ પહેલો જ અધ્યાય થયો હોય, અને તે પણ ત્યારે કે જયારે એમનો પાઠ મારા કરતા અઢી મહિના પહેલા શરુ થયેલો હોય.

એક વખત મારા એક સહઅધ્યાયી સ્વામીજી મારી કુટિયામાં આવ્યા, અને અમે અમુક સૂત્રો પર ચર્ચા કરી, તો એ કહે, “હું દશ વર્ષ પણ જો ભણીશ ને તો’ય એ સૂત્ર એ રીતે તો હું તૈયાર નહીં જ કરી શકું.” મારાથી આવું થઇ શક્યું કારણ કે મારી પાસે પુસ્તક ન હતું એટલે મારે ફરજિયાત બધું મોઢે કરી લેવાનું હતું, બધું મન-મસ્તિષ્કમાં જ ભરી લેવાનુ હતું, જયારે એમને તો પોતાના ભોજનની અને જ્યાં રહેતા ત્યાં પ્રકાશ બંનેની વ્યવસ્થા હતી. મારે તો વગર પુસ્તકે બધાં’ય સૂત્રો મોઢે કરી લેવાના હતા… તો વિચારો, એ મેધા કેવી હોય?

શ્રૌત શિક્ષણ પદ્ધતિને કારણે આવી રીતે આપણા દેશમાં ઘણાં વિદ્વાનો એક-શ્રુત હતા. હજુ આજે પણ સંતો શતાવધાનના પ્રયોગો કરતા હોય છે, જેમાં ૧૦૮ કાર્યો એક સાથે કરતા હોય અને યાદ પણ રાખતા હોય છે, એટલી તીક્ષ્ણ એમની મેધા હોય. અને આજે? આજે તો આપણી બધી મેમરી અને મેધા તો કમ્પુટર, મોબાઈલ ફોનની મેમરીમાં જતી રહી છે; હવે કોઈ કારણસર એ ફોરમેટ થઇ જાય, એટલે આપણે પણ ફોરમેટ થઇ ગયા!! મોડર્ન ઉપકરણોમાં જે બધું ‘સેવ’ કર્યું હોય એ બધું જતુ રહે, એમાંનું પછી આપણી પાસે કે આપણા હાથમાં કશું જ નહીં હોય.

આપણે ત્યાં ૧૧મી-૧૨મી સદીમાં વૈષ્ણવ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક રામાનુજાચાર્ય થયા હતા. એમણે બ્રહ્મસૂત્ર ઉપર એમનું ભાષ્ય લખ્યું છે. એવું કહેવાય છે બ્રહ્મસૂત્રની જે મૂળ પ્રત હતી એ કાશ્મીરમાં વેદાંત દર્શનના વિદ્વાનો પાસે હતી. આ પ્રત લેવા માટે રામાનુજાચાર્ય એમના એક શિષ્ય સાથે કાશ્મીર ગયા. હવે, એ લોકોનું દર્શન જુદું એટલે એ લોકોએ દ્વેષવશાત એ પ્રત આપી નહીં, કહે થોડી વાર વાંચવા માટે જોઈતી હોય તો લો, પણ બહુ સમય માટે નહીં મળે. એ પ્રત વાંચવા તો મળી, અને જેવી એ પ્રત હાથમાં આવી કે એ લઇ એ બંને તો ત્યાંથી ભાગ્યા. પેલા લોકોને ખબર પડી, એટલે એમની પાછળ દોડ્યા, અને છેક ચોથે દિવસે પકડી લીધા, અને પુસ્તક લઇ લીધું. તો રામાનુજાચાર્ય બહુ દુઃખી થઇ ગયા કે આ તો બહુ ખોટું થયું, હવે શું કરું? શિષ્યને પૂછે, “હવે આપણે આપણો ગ્રંથ (એમનું ભાષ્ય) કઈ રીતે તૈયાર કરીશું?” એમના શિષ્યે કહ્યું કે તમે ચિંતા ના કરો, મે મોઢે કરી લીધું છે!” વિચાર કરો, બ્રહ્મસૂત્ર જેવું કઠીનતમ અને ઉચ્ચ કક્ષાનું વાંગ્મય, એ લઈને ભાગવાનું હોય, જીવ બચાવતા દોડતા-દોડતા, માત્ર ચાર દિવસમાં જ આ આખું બ્રહ્મસૂત્ર કંઠસ્થ કરી લીધું!

તો, આપણા દેશમાં આવી જે પ્રતિભા હતી એ શ્રૌત પદ્ધતિને લીધે હતી;  વળી, સાદાઈથી રહેવાનું હોય, અને પૂરેપૂરું મન દઈને ભણવાનું હોય, તેથી એને લીધે મોટો ખર્ચ પણ ના થાય, કેમ કે મોટો ખર્ચ હોય તો આચાર્યે એ પૈસા ભેગા તો કરવા પડે, તેથી આર્થિક બાબતનો આખો બોજો આચાર્ય ઉપર આવી પડે. પરંતુ, આપણી નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થામાં આચાર્ય ઉપર વિદ્યાર્થીઓને નભાવવાની કોઈ ચિંતા જ ન હતી, ભણાવવા સિવાય બીજી કોઈ જવાબદારી હતી જ નહીં, આચાર્ય ઉપર બીજો કોઈ બોજ ન્હોતો.

મહારાષ્ટ્રમાં સંત તુકારામ, જ્ઞાનેશ્વર જેવા મહાન સંતોનું એક બહુ પ્રખ્યાત ગામ આલંદી. હું ક્યારે’ક-ક્યારે’ક આ આલંદી ગામમાં જાઉં ત્યારે જોઉં કે અહીં હજુ એવા નાના-નાના ગુરુકુળો છે જે અઢી વર્ષનો (માત્ર) વેદાંતનો કોર્સ કરાવતા હોય; આવા નાના ગુરુકુળોમાં ૨૦-૪૦ વિદ્યાર્થીઓ રહેતા હોય. મહારાષ્ટ્રમાં હજુ એવી વ્યવસ્થા છે કે ગુરુકુળોને અમુક ગામો વહેચાયેલા છે, વિદ્યાર્થીઓની ભિક્ષા માટે ઘરો પણ નક્કી કરાયેલા હોય, અને વિદ્યાર્થીઓ ડોલ કે એવું કોઈ વાસણ લઈને ત્યાં જાય. ત્યાંથી એમને અડધી, કે પા (૧/૪) રોટલી આપે – અને રોટલી આપણા ગુજરાતીઓ જેવી નહીં, મરાઠી રોટલી કે જે મોટી હોય! એક પા જેટલી રોટલી હોય એમાંથી આપણી ગુજરાતીઓની બે રોટલી તો થાય એવી; સાથે શાક કે એવું કાંઈ આપે એ લઇ આવે અને જે ૧૦-૨૦ વિદ્યાર્થીઓ હોય એ જમી લે, બચે તો સાંજે પણ એમાંથી જ ખાઈ લે, અને આખો  દિવસ અધ્યયન કરે.

આ આલંદી ગામમાં એક સંત છે, એ પણ એમનું નાનું ગુરુકુળ ચલાવે છે. એમને ત્યાં ૮-૧૦ વિદ્યાર્થીઓ રહે, એક વખત હું ત્યાં ગયો હતો. જાણીતા સંત ડોંગરે મહારાજ પણ ત્યાં ગયા હતા, તો એ સંત સારા વિદ્વાન સંત છે એટલે ડોંગરેજી મળવા ગયા હશે. તમને ધ્યાનમાં હશે કે તેઓ ઘણી બધી સંસ્થાઓનો ખ્યાલ રાખતા, પોતે પૈસા ન્હોતા રાખતા, પણ ઘણી સંસ્થાઓ એમની પ્રેરણાથી ઉભી થયેલી. એક વખત ડોંગરે મહારાજજીએ આ સંતને કીધું કે “હું અહીંયા અન્નક્ષેત્ર કરાવી દઉં તો વિદ્યાર્થીઓને ભિક્ષા માટે ક્યાં’ય જવુ ના પડે.” તો એ સંતે કીધું, “મારા દાદાજી જયારે વિદ્યાલય ચલાવતા ત્યારે એમના વિદ્યાર્થીઓ હતા એ ભિક્ષા માટે જતા; તો અત્યારે જ્યાંથી મારા વિદ્યાર્થીઓ ભિક્ષા લાવે છે એ એમના દાદાને ત્યાંથી લાવતા હતા; પછી મારા પિતાજી આવ્યા તો અત્યારે જ્યાંથી ભિક્ષા લાવે છે એ એમના પિતાજી ભિક્ષા આપતા હતા, અને હવે મારી સાથે જે લોકો છે એ લોકો ભિક્ષા આપે છે, આમ વિદ્યાર્થીઓને ભિક્ષા મળી રહે છે, તો મને કોઈ તકલીફ નથી, બધું બરાબર છે.”

આમ, આપણી પુરાતન શિક્ષણ વ્યવસ્થામાં આચાર્ય ઉપર આર્થિક બોજો જ નહીં હતો. શિક્ષણ સંસ્થા ઉપર જો આર્થિક બાબતનું ભારણ આવે તો આજે નહીં તો કાલે, ધીમે-ધીમે એ સંસ્થા પછી divert થતી જ હોય, કોઈ પણ સંસ્થાએ થવું જ પડે. હું જોઉં છું કે એક કોઈ આશ્રમમાં ૧૦ સંતો રહે છે, એમને ત્યાં રાખવાનો ખરચ હોય, પૈસાની વ્યવસ્થા કરી રસોડું ચલાવવાનું હોય. હવે એક સંત માટે ઓછામાં ઓછો રૂ.૨૦૦૦ નો માસિક ખર્ચ હોય, તો દશ સંતોને માટે મહીને રૂ.૨૦,૦૦૦ ખર્ચ થાય; પછી ત્યાંની અન્ય વ્યવસ્થા, લાઈટ, પાણી, ટેક્સ વિગેરે એટલે, એ આશ્રમ ઉપર દર મહીને રૂ.૩૦-૪૦,૦૦૦નો બોજો હોય. હવે સાધુ છે, એ આટલી મોટી રકમ દર મહીને લાવે ક્યાંથી? તો કહે, ચાલો, એક મંદિર ઉભું કરીએ, લોકો આવે, દાન-દક્ષિણા આપશે. હવે એ મંદિરના વહીવટ માટે એક-બે વ્યક્તિઓ તો જોઈએ, બે જણ મંદિરની દેખરેખ રાખે, બે જણ રસોડાનો વહીવટ કરે, બે જણા કથા-પ્રવચન માટે નીકળી જાય કેમ કે જેને જે આવડે છે તેમાંથી જ તો એ કમાશે… એ કાંઈ સુથારી કામ તો કરશે નહીં, ઈજનેરીનું કામ કરશે નહીં, દુકાન ઉભી કરશે નહીં…તો, આમ આશ્રમ પણ આ રીતે આવક ઉભી કરવા લાગી જાય, બસ, પછી તો આખી વ્યવસ્થા જ બીજી રીતે વિચારતી થઇ જાય, અને જે મૂળ કામ છે એ પછી બાજુએ રહી જાય.

એક વખત મારે રાયગઢમાં એક સંસ્થામાં રહેવાનું થયું, ત્યાં હું એકલો જ હતો. એક દિવસ બન્યું એવું કે મારી પાસે માત્ર રૂ.૧૫૦ જ હતા, તેથી મને થયું કે બીજા સાધકો જો આવશે તો હું આ રૂ.૧૫૦ માં શું લાવી શકુ? આશ્રમમાં ખાવા માટે શું કરશું? ત્યારે મને એક વિચાર આવેલો કે અહીં વિદ્યાર્થીઓ આવશે, એમની ફીસ આવશે, પછી હું જોઈતું સીધું લઇ આવીશ. ત્યાં વિદ્યાર્થીઓ આવ્યા, ફીસ ભરી, અને પછી હું બધા માટે સીધું લઇ આવ્યો, પણ મને એ વાતનું બહુ જ દુઃખ થયું કે મારા મનમાં એવો વિચાર આવ્યો જ કેમ? મારા મને એવી ગણતરી કરી જ કેમ કે આવક થશે પછી એમાંથી હું સીધું લઇ આવીશ, ખર્ચો ચલાવીશ?

આ જ વાત ગુરુકુળને ધ્યાનમાં રાખીને વિચારીએ તો સમજાય કે આચાર્ય ઉપર જો આવી રીતે કોઈ પણ આર્થિક બોજ હોય તો એણે આ પ્રમાણે વિચાર કર્યા વગર છૂટકો જ નથી. જેની જે આવડત હશે એ જ પ્રમાણે એ વિચાર કરશે! તો, કોઈ ભાગવતની કથા કરશે, અને તેથી ભાગવતની કથામાંથી થતી આવક એની સંસ્થાને ચલાવવા માટેનો source છે. એ વિચારશે કે મારી સંસ્થાને દર મહીને રૂ.એક-બે લાખનો ખર્ચ છે, એટલે મારે એવી એક-બે કથાઓ તો કરવી જ પડે કે જેમાંથી એટલી રકમ ઉભી થઇ શકે. હવે એને એ પ્રમાણેની આવક થાય તો જ એ કથા પણ કરશે? અને જો પૈસા ના મળવાના હોય તો એ કથા કરવા જાય? પૈસા મળશે ત્યાં જ એ કથા કરવા જશે. એટલે, આમ એ લોકોની વિચારવાની અને કાર્ય કરવાની આખી દિશા જ બદલાઈ જાય.

આચાર્યનું મુખ્ય કામ છે શિક્ષણ આપવાનું, સાચી અને સારી રીતે આપવાનું. હવે આ આચાર્ય ઉપર આર્થિક બોજો આવે તો એ એનું કાર્ય કેવી રીતે કરી શકે? એટલે,

આપણી શિક્ષણ વ્યવસ્થામાં આચાર્ય ઉપર કોઈ આર્થિક બોજો ન્હોતો. એટલે, હું ઘણી વખત કહું છું કે વિદ્યાપીઠ હોય, ગુરુકુળ હોય ત્યાં ગૃહસ્થોએ બધી વ્યવસ્થા, આર્થિક કામ પોતાને શિરે લઇ લેવાના હોય, તો જ એ ગુરુકુળ, એ વિદ્યાપીઠમાંથી આપણને સાચું જ્ઞાન મળી શકશે, નહીં તો એ સાત્ત્વિક જ્ઞાન ન હોય, એ રાજસિક જ્ઞાન હોય, એ જ્ઞાનની પાછળ લોભ હશે જ. એ લોકોની નજર તમારા ખિસ્સા ઉપર જ હશે, તમારા હૃદયમાં ક્યારે’ય નહીં હોય.

જો આપાણે શિક્ષણ સંસ્થાઓ, ગુરુકુળો, વિદ્યાપીઠો પાસેથી સારા જ્ઞાનની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે, ગૃહસ્થોએ એ માટેની બધી વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લેવી પડે. બીજું એ કે આચાર્ય ઉપર આર્થિક બોજો ના આવે એના માટે આપણા ઋષિઓએ એવી વ્યવસ્થા ઉભી કરેલી કે વિદ્યાર્થીઓ ભિક્ષાવૃત્તિથી રહેતા હોય. ભિક્ષાવૃત્તિનો અર્થ એ કે આશ્રમ કે ગુરુકુળમાં રસોડું જ ના હોય, રસોડાનો ભારણ જ ત્યાં ના હોય. આ ભિક્ષાવૃત્તિ માટે અલગ-અલગ વ્યવસ્થા હતી – વિદ્યાર્થીઓ અમુક નિયત લોકોને ઘરે જઈને જમી લેતા; કે પછી કાચું-સીધું લઈ આવીને જાતે બનાવી લે એવું પણ કરતા, અથવા પાકું હોય, એ તૈયાર ભેગું કરીને લઇ આવે અને પછી ત્યાં જમી લે. અલગ-અલગ વ્યવસ્થાઓ હતી, પણ ભિક્ષાવૃત્તિ તો કરતા જ હતા…આમ આ રીતે ગુરુકુળની વ્યવસ્થા સાદાઈથી, ઓછામાં ઓછા ખર્ચે ચાલતી.

આપણે ત્યાં જે ભિક્ષાવૃત્તિ છે એ કાંઈ એવા લોકો માટે નથી કે જેની પાસે કશું નથી, જેણે કોઈ કામ નથી કરવું, જે બિલકુલ અયોગ્ય માણસ છે, નકામો છે એને માટે ભિક્ષાવૃત્તિ નથી. આપણે ત્યાં ભિક્ષાવૃત્તિ તો બુદ્ધે પણ કરી હતી, મોટા-મોટા આચાર્યોએ કરી છે, ગુરુ વશિષ્ઠ તો રાજગુરૂ હતા, તો પણ તેઓ ક્યારે’ય એમના રાજ્યમાં જમતા ન્હોતા, તેઓ એમના ગુરુકુળમાં જાય અને પછી ત્યાં ભિક્ષાવૃત્તિ કરીને જે લાવ્યા હોય એ જ જમે. તો, એ કાંઈ અભાવને લઈને ભિક્ષાવૃત્તિ ન્હોતા કરતા. સ્વામી વિવેકાનંદે ભિક્ષાવૃત્તિ કરી છે, જગતગુરુ શંકરાચાર્યજી એ માધુકરી કરી છે. એ લોકો ભિક્ષાવૃત્તિથી રહેતા, મોટા-મોટા આચાર્યોએ પણ માધુકરી કરી છે.

તમે વિચાર કરો, કે આ સંસ્કૃતિમાં જે સૌથી વધુ સમ્માનની જગ્યાએ છે (ગુર, સંતો, સંન્યાસીઓ), એને ભિક્ષુક તરીકે રાખ્યા છે, કોઈ દિવસ વિચારજો આ વ્યવસ્થાના આયામોને… અહીં જે મજૂર વર્ગ છે એની પાસે આ વ્યવસ્થાએ બહુ પૈસા નથી આપ્યા, મજૂરો પાસે બહુ પૈસા ના હોય. સેવા અને કામ કરવાની એની જે શક્તિ છે એ જ એનું ધન છે, તો આમ એ વર્ગ થોડા અભાવમાં રહેતો હોય, એને અભાવ હોય, તો પણ એની જીવન-જરૂરિયાતો પુરતું એને મળી રહે, એ સાવ અભાવમાં ના જીવે, પણ બહુ પૈસા પણ ના હોય એની પાસે… એવું પણ નહીં કે એની પાસે ગાડી-બંગલા થઇ જાય, રાજમહેલ થઇ જાય, એવું નહીં, એવુ ન્હોતું – કેમ કે માણસ પાસે બહુ પૈસા હોય તો એ મહેનતનું કામ ના કરે.

હમણાં જ અમે કરનાળી (વડોદરાથી લગભગ ૮૦ કિ.મી) ગયા હતા, તો કેટલી વખત અમે જોઈએ કે ત્યાં કામ માટે માણસો મળે જ નહીં, ગમે તેટલા પૈસા આપો -રૂ૧૫૦-૨૦૦-૨૫૦ આપો તો પણ કામ કરવા માણસ ના મળે. છેવટે જે.સી.બી. લઇ આવ્યા અને જે.સી.બી.થી કામ કર્યુ. તો જે.સી.બી.વાળા એ કીધું કે સ્વામીજી, અમારું ગામ મજૂરોનું ગામ કહેવાય છે, તો પણ અહીં અમાસના દિવસે લાખો લોકો આવે છે, તે ઉપરાંત ત્રયોદશી, ચતુર્દશી અને અમાસ આ ત્રણ પણ મોટા દિવસો ગણાય, લાખો શ્રાધાળુઓ આવે, તો આ લોકો બિલીપત્ર, ફૂલ લઇ આવે સાથે બીજી ચટપટી વસ્તુઓ પણ લાવે. આ મોટા દિવસોમાં અહીંના લોકો રૂ.૫-૬,૦૦૦ કમાઈ લે, પછી આખો મહિનો મોજ કરે છે, પછી એમણે કામ નથી કરવું.

તો, પૈસા હોય તો માણસ મહેનતનું કામ ક્યાં કરે છે? અને સુવિધા તો એને (કામદારને) બધી જ જોઈતી હોય છે. બીજા દેશોમાં શું થઇ રહ્યું છે તમને તો જાણ હશે જ ત્યાં મજૂરી કરવાવાળા, શારીરિક કામ કરવાવાળા નથી મળતા. યુરોપમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ્સ બધી બંધ થઇ રહી છે, કારણ કે ત્યાં મજૂરી કરવાનો ભાવ એક કલાકના ૨૫-યુરો (લગભગ રૂ.૧૮૦૦) છે; પછી ૨૫ યુરો સરકારને આપવાના, મજૂરના ઇન્સ્યુરન્સ વિગેરે માટે… આમ, જે દેશમાં ૨૩૫-૧,૦૦૦ યુરો minimum monthly wages હોય અને એક યુરોના લગભગ રૂ.૭૩-૭૪ હોય તો ત્યાં industry survive કેવી રીતે થશે? (હવે, ૨૦૧૬-૧૭માં યુરોપની સ્થિતિ ધીરે-ધીરે ફરી સુધરતી જાય છે, છતાં, એક દાયકા પહેલા જે સદ્ધર અને સારી સ્થિતિમાં યુરોપ હતું, એના કરતા તો અત્યારની સ્થિતિ ઘણી જ ઓછી કહેવાય)

એટલે, આપણે ત્યાંની વ્યવસ્થામાં મજૂર વર્ગ પાસે પૈસા ન્હોતા રાખ્યા, વેપાર-ધન-વિગેરે માત્ર વૈશ્યો પાસે જ હતા, પરંતુ પૈસા હોવા છતાં વૈશ્યોને શાસન વગેરેનો વહીવટ administration કે કોઈ પણ પ્રકારની સત્તા પાવર ન્હોતા આપ્યા; administration તો માત્ર રાજા પાસે, ક્ષત્રિય પાસે હતું, પૈસાવાળા પાસે નથી પાવર, કે નથી શિક્ષણ કેમ કે આજે જેમ કોઈ Industrialist જો education ક્ષેત્રે આવશે, સંસ્થા ઉભી કરી ચલાવશે તો એ ત્યાં વ્યાપાર જ કરશે, ભણાવશે નહીં, વ્યાપાર જ કરશે. અને આજે બધે આવું જ થઇ રહ્યું છે – વૈશ્ય-વેપારી છે, વાણીયો છે, businessman છે, અને એના હાથમાં જો સત્તા, પાવર હશે તો મોટા ભાગના સરકારી ખાતાઓ એ પોતાની પાસે રાખશે. તેથી, એક વાત તો સુવિદિત છે કે તમારે કોઈ પણ મોટો કોન્ટ્રેક્ટ લેવો હોય તો તમારે કોઈ વગ-વાળા રાજકારણીને વચ્ચે રાખ્યા વગર એ કોન્ટ્રેક્ટ તમને નહીં મળી શકે, એમાં પાંચ-થી-પચીસ ટકા ભાગ (શેર્સના રૂપે) એનો હોય.

થોડા દિવસો પહેલા જ એક સાધકે વાત કરેલી કે હવે ઓટો રિક્ષા પણ પોલીસવાળાની હોય છે, કેમ કે પોલીસવાળાઓએ જોયું કે અમે જ એ લોકોને પરમીશન આપીએ છીએ ગમે તેમ ચલાવવાની, રીક્ષામાં ગમે તેટલી સવારી લઇ જવાની… અને રીક્ષાવાળાઓ સરસ કમાય છે. તો શું કામ આપણે જ ના રાખીએ પોતાની ઓટો?

આપણા ઋષિઓએ જોયુ કે પૈસાની રીતે જોવા જઈએ તો સમાજમાં એ બધે જ પ્રસરશે, બીજા ક્ષેત્રો કથળશે. તેથી આપણે ત્યાં પુરાતન સમયમાં વૈશ્યો પાસે શિક્ષણ ન્હોતું આપ્યું, એ તો માત્ર બ્રહ્માણ પાસે જ હતું, અને એ બ્રાહ્મણ લોકો એવા હતા કે જે જંગલોમાં પણ સાત્ત્વિક રીતે જ રહેતા, જેને પૈસાનો બિલકુલ લોભ ન્હોતો, અને એ ગૌરવથી કહેતા પણ કે “હું ભિક્ષાવૃત્તિ કરીને રહું છું, મારી પાસે કાંઈ નથી,” અને કોઈ પણ સ્વાર્થ વગર એ જ્ઞાન આપતા.

ક્ષત્રિય કે રાજા પાસે સત્તા, administration છે એને વ્યાપાર ન્હોતો આપ્યો, એને પૈસા ન્હોતા આપ્યા, ઇન્કમ, આવક માટે એનો પોતાનો કોઈ જ સોર્સ ન્હોતો, સિવાય કે પ્રજા પાસેથી કર-ટેક્સ લઇ એમાંથી જ એણે ચલાવવાનું; રાજા પાસે શિક્ષણ પણ ન્હોતું, માત્ર administration જ આપ્યું હતું. તો, સમાજમાં જે સૌથી સમ્માનીય વ્યક્તિ છે (બ્રાહ્મણ) એણે માત્ર પંચ-ભાગ પર જ રહેવાનું, એણે યજમાનને ત્યાંથી લોટ, દાળ,ચોખા વગેરે સીધું લાવી ભેગું કરવાનું અને એણે એનાથી ચલાવવાનું કારણ એને પૈસાનું ક્ષેત્ર જ નથી આપ્યું, પાવર-સત્તા પણ નથી આપી… જેની પાસે administration છે એની પાસે પૈસા નથી.

આમ જોઈએ તો બ્રાહ્મણો સમાજમાં સૌથી વિદ્વાન અને વધુ માનવાળા સ્થાને કહેવાય, પરંતુ એમનાથી પણ ઉપર જે ગુરુ છે, સંન્યાસી છે એને તો આ વ્યવસ્થાએ ભિક્ષા-પાત્ર જ પકડાવી દીધું હતું!! સંન્યાસી પાસે ઘર નહીં, પત્ની-બાળકો-પરિવાર કોઈ જ નહીં કશું જ નથી આપ્યું, માત્ર ભિક્ષાપાત્ર આપી દીધું.

તો, આ સંસ્કૃતિની જે વિશેષતા છે એ ભિક્ષાવૃત્તિની છે, પણ એ ભિક્ષાવૃત્તિ કાંઈ અયોગ્ય માણસ જે કશું જ ના કરતો હોય, જેણે કશું જ ના કરવું હોય અને આમ ભીખ માંગવા નીકળી પડે … ભિક્ષાવૃત્તિ પાછળ આવો ભાવ બિલકુલ નથી… આ વિષે આગળ વાત કરીશું.

હરિ ॐ