દૈવી સંપત્તિઓ – ભાગ ૧૧

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૧મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે.

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिर्पैशूनम् |
दया भूतष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२

दैवासुरसंपद्विभागयोग નામના ૧૬માં અધ્યાયના આ બીજા શ્લોકમાં જે દૈવી સંપત્તિઓ વર્ણવી છે એમાં ભગવાને અહિંસાને અતિ મહત્ત્વનું સૌથી પહેલું, સૌ  પ્રથમ સ્થાન આપ્યું છે, પછી સત્ય કીધું છે. જાણે કે સત્યના દિવ્ય, તેજસ્વી, પવિત્ર રાજ્યમાં પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર છે અહિંસા, તેથી દૈવી સંપત્તિઓમાં અહિંસાનું મહત્ત્વ સત્ય કરતા પણ વધારે છે, તેથી અહિંસા પહેલા આવે છે પછી સત્યનો વારો. મહર્ષિ પતંજલિએ પણ એમના યોગસૂત્રમાંના અષ્ટાંગ યોગના પાયા સમાન યમ-નિયમની વાતો સમજાવતા યમના વર્ણનમાં અહિંસાને સૌ પ્રથમ મુક્યું છે ‘अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः’ (यो-सू-२:३०). અહિંસાથી રક્ષિત હોય, અહિંસા જેના દ્વારપર સૌ પ્રથમ હોય એવું સત્ય જોઈએ.

દૈવી સંપત્તિઓનું મહત્ત્વ સમજાવતા ભગવાને કહ્યું છે કે એ બધી સંપત્તિઓ મોક્ષ અપાવનારી સંપત્તિઓ છે. સત્ય સાક્ષાત્ પરમાત્મા છે, અને તેથી જો અનંતકોટી પરમાત્માના અનંત સ્વરૂપોને એક જ શબ્દમાં જો કહેવું-વર્ણવું હોય તો એ શબ્દ છે ‘સત્ય’, ભગવાનનું વર્ણન આ ‘સત્ય’ શબ્દથી કરવામાં આવ્યું છે. સત્ય ઉપરાંત જે બીજી બધી સંપત્તિઓ છે એ પણ સાક્ષાત્ પરમાત્મા સ્વરૂપ જ છે, તેથી એ બધી સંપત્તિઓ પણ પરમાત્માની દિશામાં લઇ જનારી સંપત્તિઓ છે.

સત્યનો અર્થ છે જેનો કોઈ દિવસ નાશ નથી થતો, જે પરમ સુખ છે. સત્ય એક એવું તત્ત્વ છે જે એવું નથી કે એ ગઈકાલે હતું, આજે નથી કે આવતી કાલે નહીં હોય, એવું નથી.

જ્યાં સુધી સમયની ગતિ હોય અને જો ક્યારે’ક સમયની ગતિ નહીં પણ હોય, તે છતાં ત્યારે પણ સત્યનું અસ્તિત્વ તો હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. જો કોઈ એક સત્ય છે તો એ પરમાત્મા જ છે, અને તેથી પરમાત્માનું સાચું નામ એ સત્ય જ છે.

પરમાત્મા અને સત્યને વિષે ગાંધીજીએ પણ કીધું છે કે પરમાત્માના ઘણા બધા સ્વરૂપો છે, પણ મને તો પરમાત્માનું જે સત્ય સ્વરૂપ છે એ જ સૌથી સારું લાગે છે.  તેથી, જેને સત્યનું સ્વરૂપ થોડું પણ સમજાય જાય છે, એને માટે બીજું બધું ગૌણ થઇ જતું હોય છે. એટલે આ સંદર્ભમાં ગાંધીજીએ આગળ એ પણ કીધું છે કે હું સત્યને હજુ ઓળખી શક્યો નથી, પામી શક્યો નથી, પણ મને એની આછી-આછી ઝાંખી થાય છે. મારે માટે, મારા મન માટે એ સત્ય એટલું મુલ્યવાન છે કે જો મને સત્ય મળતું હોય તો મારું જે કાંઈ પણ છે એ બધું આપી દે’વા હું તૈયાર છું, અહીં સુધી કે મારા શરીરનો પણ જો ભોગ આપવો પડે તો એ પણ આપવા હું તૈયાર છું.

સત્યને સરળ રૂપે સમજીએ – દા.ત. માટી અને એમાંથી જ બનતા માટીના વાસણો; એ જ વાસણો જો નષ્ટ પણ થઇ જાય, તો પણ છેવટે વિલીન થઇ જાય છે માટીમાં જ! એવી જ રીતે સૃષ્ટિ, બ્રહ્માંડમાં જે બધું છે – પ્રત્યક્ષ દેખાય તે, જે અપ્રત્યક્ષ છે એ પણ, જે દૃશ્યમાન છે, જે અદ્રશ્ય છે એ બધું જ અસ્તિત્વમાં છે પરમાત્માને કારણે – પરમાત્માના મૂળ સ્વરૂપથી એ બધું જ પ્રકટ થાય છે, અને તેથી જ કહ્યું છે કે

પરમાત્મા તો કણ-કણમાં વ્યાપ્ત થઈને રહે છે, અને એ જ જગત-સ્વરૂપે ભાસે છે. જે ભાસ્યમાન જગત છે, એ જો નષ્ટ પણ થાય છે તો અંતે એ પરમાત્મામાં જ વિલીન થઇ જાય છે. પરમાત્માનું આ જે સ્વરૂપ છે એ જ સત્ય છે, એને જ આપણે બ્રહ્મ કહીએ છીએ, એ જ બ્રહ્મ છે.

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थः कोटिभिः ब्रह्म सत्यं जगत्-मिथ्या जीवो ब्रह्मैव ना परः|  ભાષ્યકારે કહ્યું છે કે જે બધું કોટિ-કોટિ ગ્રંથોમાં કહેવાયું છે એ બધું જ હું માત્ર અડધા જ શ્લોકમાં તમને કહી દઉં છું – ‘ब्रह्म सत्यं जगत्-मिथ्या’ બ્રહ્મ જ સત્ય છે, જગત તો મિથ્યા છે. ‘મિથ્યા’ એટલે જે વસ્તુને કે જગતને પણ જે રૂપમાં આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, જે રૂપમાં અનુભવીએ છીએ એ એની વાસ્તવિકતા નથી, એ એવું નથી. जीवो ब्रह्मैव ना परः – જીવ બ્રહ્મ છે, સત્ય છે, શાશ્વત છે, અમૃત છે, એ અનંત છે, અને એ બ્રહ્મથી અલગ નથી. આ સત્યને પામવામાં ,એ સત્યને માણવામાં જ જીવનની પૂર્ણતા છે, અને તેથી આપણા બધા શાસ્ત્રોનો સાર એટલો જ કે મનુષ્યે જીવનમાં સત્યને પામવું, સત્યને માણવું, જેને શાસ્ત્રીય ભાષામાં જીવનમુક્તિ કહે છે.

દેહાધ્યાસથી ગ્રસિત માણસ માટે આ સત્યને પામવું, માણવું, જીવનમુક્તિ બધું અઘરું છે, કેમ કે આપણી જે સમજ છે, આપણો જે અનુભવ છે એ દેહ સાથે, ઇન્દ્રિયો સાથે, મન સાથે, જગત સાથે એટલો બધો એકાકાર થયેલો છે, કે એને કઈ રીતે અસ્વીકાર કરવો એ વાત સાધનાના ફળસ્વરૂપે અને ગુરુકૃપાથી મળેલા અનુભવ વગર શક્ય નથી, સ્વાનુભૂતિ વગર શક્ય નથી. મારું અસ્તિત્વ, મારી ઓળખ તો દેહ થકી જ છે, તેથી હું દેહને કઈ રીતે અસ્વીકાર કરી દઉં કે હું એટલે મારો દેહ નહીં? એટલે, આ જીવન-મુક્તિ વિગેરેની વાતોથી ઘણાને ભય પણ બહુ લાગે છે, ઘણાને એમ થાય કે મુક્ત થઇ જશું, મોક્ષ મળી જશે તો પછી આ બધાનું (મારો સંસાર, મારા ધંધા-વ્યાપાર, ધન-દોલત…વિગેરેનું) શું?

સ્વામી વિવેકાનંદ જયારે પશ્ચિમમાં ગયેલા અને ત્યાં એક વખત બ્રહ્મનું વર્ણન કરતા કીધું કે ‘જગત તો મિથ્યા છે’, ત્યારે આ વાત સાંભળી એક છોકરી ડરી ગઈ, વચ્ચેથી એકદમ ચીસ પાડી ઉઠી!! કહે, “એવું ના કહો, મને બહુ ડર લાગે છે.” એટલે, આપણે ભક્તિ પણ બહુ સાવધ રહીને જ કરતા હોઈએ છીએ.

આ સંદર્ભમાં રવિન્દ્રનાથ ટાગોરે એમની અનુભૂતિ બહુ સરસ રીતે કહી છે. એમણે કહ્યું છે કે હું ભગવાનનું ઘર બહુ દિવસોથી શોધતો હતો, કે ભગવાન ક્યાં રહેતા હશે? કેવી રીતે, ક્યાં મળશે? એક દિવસ મને આશ્ચર્ય સાથે આનંદ થયો કે મને ભગવાનનું ઘર મળી ગયું, મને ભગવાનનું ઘર દેખાયું! અરે! આ તો ભગવાનનું ઘર છે! નજીક જઈ જોયું તો ત્યાં એક દાદર હતો…એ ચઢીને ઉપર જવાનું હતું… હું માત્ર થોડા’ક જ પગથિયાઓ ચડ્યો પછી મને ભય લાગવા લાગ્યો, એક અજાણ્યો ભય કે હું ભગવાન પાસે જતો તો રહીશ, પછી આવીશ કઈ રીતે? પાછા આવવાનો માર્ગ ના મળે તો? અને તેથી પછી ટાગોર કહે છે કે તો પણ હું તો આખો દાદર ચઢી ગયો, ભગવાનના ઘરના દ્વાર સુધી પહોંચી પણ ગયો… પણ ત્યાં તો મારો ભય એટલો બધો વધી ગયો કે મને થયું કે હવે તો હું નહીં જ રહીશ, મારું જે વ્યક્તિત્વ છે, એ આખે-આખું વિલીન થઇ જશે… મારો ભય એટલો તો તીવ્ર હતો કે હું તો ધીમેથી દાદરો ઉતરી આવ્યો… અંદર જે છે એને ખબર ના પડે કે બારણે કોઈ આવી ઉભો છે, અને ભૂલે-ચૂકે એ દ્વાર ખોલી દે’ તો? પૂછશે કે ‘કોણ છે?’

ભક્ત કે સાધકને શરૂઆતમાં આવો ભય લાગે કે હું જો આ માર્ગે આગળ વધીશ તો મારા વ્યક્તિત્વનું શું થશે? મારું શું થશે? મારા સંસારનું શું થશે? આવું થવું સ્વાભાવિક છે, કારણ કે દેહ હોવા છતાં તમે દેહનો જ અસ્વીકાર કરી ‘દો એ કાંઈ મામૂલી વાત નથી.

સ્વામી તુરીયાનંદજી હતા, હરિ મહારાજ, એમણે એમના જીવનનો એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત તેઓ હૃષીકેશ ગયા હતા, ત્યાં કૈલાશ આશ્રમ છે એની સામે વર્ષો પહેલા ઝાડીઓ હતી, નાનું જંગલ જેવું હતું. એ જગ્યા ત્યારે ‘પુરાની ઝાડી’ તરીકે પ્રસિદ્ધ હતી. ત્યાં ઝાડીમાં સંતો નાની-નાની ઝૂંપડીઓ બનાવીને રહેતા. એ સંતો એકદમ વિરક્ત સંતો હતા, એમની પાસે કોઈ સાધન જ નહીં; ત્યાં અંધારું હોય તો પણ એ સંતો પાસે દીવો પણ નહીં. એક દિવસ કોઈ સંત ત્યાં આવ્યા અને અંધારામાં થોડો ઉજાસ મળે એ માટે પોતાની સાથે એક દીવો લઇ આવ્યા. તો, ત્યાંના સંતો બધાં’ય આપસમાં વાતો કરવા લાગ્યા, કહેતા કે આ તો પ્રપંચી થઇ ગયો છે, પ્રપંચ વધારે છે…’ તો, ત્યાં આવા સંતો રહેતા હતા.

એક દિવસ સંધ્યાનો સમય હતો, બધા સંતો કુટિયાની બહાર બેસીને શાસ્ત્ર-ચર્ચા કરતા હતા, ગોષ્ઠી કરતા હતા. એટલામાં ત્યાં, એક વાઘ આવી ચડ્યો. સામાન્ય રીતે વાઘ ભૂખ્યો હોય તો જ માણસોની વસ્તીમાં આવે. સંતો ગભરાયા, ઉભા થઇ પોત-પોતાની કુટિયામાં જતા રહ્યા. એક સંત કોઈ કારણસર ત્યાં બહાર જ રહી ગયા, એમણે જોયું તો વાઘ એમની સામે આવ્યો. સંત જોયા કરે, અને પછી બહુ પ્રેમથી બોલ્યા, “આવો નારાયણ! પા લો, આરોગો, આ શરીરને આરોગો.” અને વાઘ તો ખરેખર આવ્યો, અને સંતને પકડી જંગલમાં લઇ ગયો. હરિ મહારાજે લખ્યું છે કે છેક સુધી એ સંતનો “સોSહમ્”, “સોSહમ્”, “સોSહમ્”, (હું આત્મા છું) એવો જ અવાજ સંભળાતો રહ્યો.

દેહ હોવા છતાં હું જો એનો અસ્વીકાર કરી દઉં કે “હું દેહ નથી, પણ એ જ પરમ તત્ત્વ છું,” તો આ તો અસામાન્ય વાત કહેવાય, અને અઘરું પણ છે. આ રીતે સત્યને ઝીલવું અઘરું છે. મારી આઇડેન્ટિટી, મારા સંબંધો, મને મળતા માન કે પછી અપમાન પણ હોય, બીજી પીડાઓ હોય, અને છતાં હું અંદરથી નિર્લિપ્ત રહી શકું, કે ના, મને કશું જ નથી થતું…કોઈ માન નથી, કોઈ અપમાન પણ નથી…

સ્વામી રામ એક વખત વિદેશ ગયા હતા; ત્યાં, ક્યારે’ક ક્યારે’ક લોકો પ્રવચન પછી બહાર જઈને એમનું અપમાન પણ કરતા. સ્વામી રામ પોતાને ઉતારે આવે ત્યારે એમના શિષ્યોને હંસતા-હંસતા કહે, “આજે લોકોએ રામને બહુ ગાળો આપી, મજા આવી ગઈ, કહે રામને ખૂબ ગાળો પડી”. પછી, એમને ભૂખ લાગે તો એવું ના કહે કે મને ભૂખ લાગી છે, એમ કહે કે “રામને” ભૂખ લાગી છે. પહેલા તો શિષ્યો સમજે નહીં, કે એમના સિવાય અહીં તો બીજું કોઈ નથી, તેથી પૂછે “કોને ભૂખ લાગી છે? તમે શું કહેવા માંગો છો?” સ્વામી રામ પછી પોતાના શરીર તરફ ઈશારો કરીને કહે, “આને, આને, રામને ભૂખ લાગી છે, આ શરીરને ભૂખ લાગી છે.”

હું શરીરથી અલગ શાશ્વત સત્ય છું, એ સ્વીકારવું અઘરું છે, અને આ અઘરી વાત, આ પરમ સત્યને જો સ્વીકારી લેવાય તો પછી એના સિવાય બધું જ મિથ્યા થઇ જાય. એ સત્યને પામવા માટેની આપણી જે વ્યવહારિક વાતો છે, એ યથાર્થ સ્વરૂપમાં પ્રકટ થાય, યથાર્થ સ્વરૂપમાં કહેવામાં આવે એને પણ આપણે સત્ય કહીએ છીએ. ઇન્દ્રિયોથી હું જે અનુભવું છું, એને હું એમ-ને-એમ રજુ કરું, એનું નામ સત્ય – હું જે જોઉં છું, જે સાંભળું છું, એવું જ કહું, એનાથી વિરુદ્ધ કે એમાં કાંઇક ઉમેરું, કે ઓછું કરું એવું નથી કરતો પણ જેવું છે, જેવું અનુભવ્યું એવું જ કહું, એ યથાર્થ બોલું… એને આપણે વ્યવહારમાં સત્ય કહીએ છીએ.

સત્યનારાયણની કથામાં એવું આવે છે કે સત્ય બોલનારો માણસ સીધો સ્વર્ગમાં જઈ શકે છે; એટલે, જીવનની અલૌકિક ઉપલબ્ધિ તો સ્વર્ગ છે. તો એ મેળવવા માટે આ લૌકિક સત્ય, વ્યવહારિક સત્યનું આચરણ આવશ્યક છે એ પરમ સત્યને પામવાની ભૂમિકા તૈયાર કરે છે. જે માણસ નાના નુકશાનની આશંકાઓથી, નાની-નાની વાતોમાં એને તકલીફ થશે, નુકશાનના ભયથી એ જૂઠું બોલે છે, એને ધીરજ નથી રહેતી…તો, એ પરમ સત્યને કઈ રીતે મેળવી શકશે, કઈ રીતે પચાવી શકશે? સત્ય તો બહુ મોટું છે, એ સહેલાઇથી નથી મળતું કે નથી પચતું.

એટલે, આપણા ઋષિઓએ કહ્યું છે કે સત્યનું આચરણ કરો – सत्यं वद, धर्मं चर – સત્ય બોલો, ધર્મનું આચરણ કરો … આવું કરતા રહેવાથી આપણા મન, સ્વભાવ, ચરિત્ર એવા ઘડાય છે જે એ પરમ સત્યને મેળવવા, પામવા માટેની આપણી ભૂમિકા તૈયાર કરે છે, કે હું જેવું વિચારું છું એવું બોલું છું એમાં છો, ભલે મારું નુકશાન થાય, વાંધો નહીં, પણ હું અસત્ય તો નહીં જ બોલું, સત્ય જ બોલીશ. તો આને સત્ય કીધું છે.

આ સત્ય મને ધીમે-ધીમે પરમ સત્યની દિશા તરફ આગળ વધવામાં મદદરૂપ થાય છે. તો સત્ય બોલવું, પણ કેવી રીતે બોલવું? બધા સંતોનો એક જ મત છે કે ઋષિઓ કહે તેમ सत्यं ब्रूयात, प्रियं ब्रूयात, સત્ય બોલવું પણ પ્રિય બોલવું, અપ્રિય સત્ય નહીં, કટુ સત્ય નહીં બોલવાનું.

સત્યની વાતને સંત જ્ઞાનેશ્વરે બહુ સરસ વાત કહી છે કે સત્ય કેવું હોવું જોઈએ? કહે કે કોમળ હોવું જોઈએ. અને આ ‘કોમળ’ની સરખામણી કોની સાથે કરી છે? પાણી સાથે, કે પાણી આપણે આપણી નાજુકમાં નાજુક એવી આંખમાં પણ નાંખીએ તો એ આંખને નુકશાન નથી કરતું, એટલું કોમળ છે. તેમ છતાં એ જ જળ એવું પણ છે જે પર્વતની શિલાઓને વીંધી પોતાનો માર્ગ કરી શકે છે, સત્યમાં પણ એટલી તાકાત છે કે એ બ્રહ્મની આગળ જે માયા છે, માયાનું આવરણ છે, અવિદ્યાનો જે પર્વત-સમો ગાઢ અંધકાર છે, બ્રહ્મને પામવા માટેના પ્રયત્નોમાં આડે આવતા શત્રુઓ કામ, ક્રોધ, મદ-મત્સર, વિગેરે એ બધા અવરોધોને તોડી-ચીરી-વીંધી-શકે છે… અને સાધક સત્યના આચરણ સહિતના સતત પ્રયત્નો, અને ગુરુ કૃપાને આધારે એ પરમ સત્યને પોતાની અંદરથી બ્રહ્મને ઉદ્ઘાટિત પણ કરી શકે છે.

આમ, સત્ય કોમળ હોવું જોઇએ; પણ કોમળ કેવું? જળ જેવું કોમળ જે કોઈને નુકશાન નથી કરતું, એમાં ચંદ્રમાં જેવી શીતળતા છે. તો, સત્ય કઠોર ના હોવું જોઈએ, સત્ય એવું ના હોવું જોઈએ કે સામેવાળાને દુઃખી કરે. આવી પ્રિય, કોમળ સત્યની વાતને સમજવી થોડી અઘરી છે, કારણ કે આપણને ટ્રેનિંગ જ એવી મેળે છે કે સત્ય બહુ પ્રિય રૂપે રજુ નથી થતું.

મા-બાપ હોય અને એ બહુ સાચું બોલતા હોય, પોતાના છોકરા વિષે પણ સાચે-સાચું કહે, ઘરમાં બધા બેઠા હોય, એમનો છોકરો પણ સાથે બેઠો હોય, અને મા-બાપ કહે કે અમારો છોકરો તો બહુ તોફાની છે, ભણતો જ નથી, તોફાન જ કર્યા કરે છે. હવે વિચારો, કે છોકરો આ બધું સાંભળે છે, તો એને કેવું થતું હશે? કે બધાની વચ્ચે એને તોફાની કહે છે, બદમાશ છે, ભણતો નથી’… એટલે, પછી, છોકરાઓ, બાળકો પણ પછી મા-બાપ વિષે શું સાચું નહીં કહી દે’શે? એ પણ પછી બધે મા-બાપની સાચી વાતો કહેશેને?!

હું એક વખત મુંબઈ રોકાયો હતો. જે ઘરમાં રોકાયો હતો એ ઘર ચોથા-પાંચમાં માળે હશે. એક દિવસ હું બારીએથી નીચે જો’તો હતો, જોયું તો બે-પાંચ છોકરાઓ  અને એક છોકરી આપસમાં ઘર-ઘરની રમત રમતા હતા. એક છોકરો બેગ જેવું કાંઈ વસ્તુ ઘસડતાં-ઘસડતાં જાણે ઓફિસથી થાકીને ઘરે આવતો હોય એમ આવ્યો. એટલામાં, ઘરમાં મા હોય એનો રોલ પેલી છોકરી હતી એ ભજવતી હતી, એ કહે, “સાંભળો છો, હું થોડા દિવસ પિયર જઈ આવું.” પેલાએ જોરથી કીધું, “હમણાં થોડા દિવસો પહેલા તો તું પિયર જઈને આવી છે, જોતી નથી મારી શું હાલત છે? પિયર, પિયર, પિયર…”  ત્યાં તો બીજો છોકરો આવે છે, કહે, “પપ્પા, મને મેથેમેટિક્સનો આ દાખલો સોલ્વ કરી આપોને.” પપ્પા એને એક લાફો મારી કહે છે, “હું ઓફીસથી આવ્યો છું, થાકી ગયો છું, પાણી પણ નથી પીધું… અને તું મેથેમેટિક્સનો દાખલો લઈને આવી ચડ્યો…?”  તો આ દૃશ્ય પણ ઘરનું સત્ય જ છે ને? અને મહદઅંશે બધે જ આવું હોય છે.

સત્ય પ્રિય હોવું જોઈએ, સામેવાળી વ્યક્તિનો આત્મા દુભાય નહીં એ રીતનું સત્ય કહેવાવું જોઈએ, એટલે જ પહેલા અહિંસા કીધું છે, સત્ય બોલો એમાં પણ હિંસા ભરેલી ના હોવી જોઈએ. સત્ય બોલતી વખતે આપણે સામેવાળાને નુકશાન થાય કે દુઃખ થાય એવું ઈચ્છતા ના હોઈએ અને એનું હિત કરવાની ભાવનાથી કદાચ થોડો ક્રોધ પણ થઇ જાય, તો એ માન્ય ગણાય છે. મા એના બાળક ઉપર ક્યારે’ક ગુસ્સે થાય, ક્રોધ પણ આવે એમાં થોડી હિંસા, કડવાશ દેખાય, પણ બાળકના હિત માટે આવશ્યક છે તેથી માનું એવું થોડું કડવું ‘સત્ય’ હોય તો પણ એ સત્ય માન્ય કહેવાય.

આપણા દેશમાં, આ ભૂમિમાં સત્યને પરમાત્મા કીધું છે; અહીં એ પણ શિખવાડવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો સત્યનારાયણની કથા કરવામાં આવે છે, લોકો હોંશ થી કહે કે સત્યનારાયણની કથા કરવી છે. તો, આ સત્યનારાયણ એટલે સત્ય જ નારાયણ છે, સત્ય જ પરમેશ્વર છે, સત્ય જ ભગવાન છે. વાસ્તવમાં થોડું જુદું દેખાય છે, સત્યનારાયણની કથાની વાત જાહેર રીતે કરાઈ હોય કે સવારે નવ વાગ્યેથી શરુ થશે… અને જોઈએ છીએ કે દશ વાગ્યા સુધી ગોરજીનું જ ઠેકાણું હોય નહીં, અને કહે સત્યનારાયણની કથા રાખી છે.  આવું આપણને સામાન્ય લાગે છે, પરંતુ આપણને આવા જુઠ્ઠાણાની આદત પડી ગઈ હોય છે, આપણે જુઠમાં જીવતા થઇ ગયા છીએ, અને ખબર પણ નથી પડતી કે એ જુઠું થઇ રહ્યું છે.

મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, જે સવારે છ વાગ્યેથી શરુ થવાનો હતો, અને આયોજકોએ પેમ્ફલેટમાં ૫.૩૦નો સમય છપાવી દીધો હતો કે કાર્યક્રમનો શુભારંભ ૫.૩૦થી થશે. મેં એ પેમ્ફલેટ જોયું, તો એ લોકોને મેં પૂછ્યું કે “કાર્યક્રમ તો છ વાગ્યે શરુ થશે, ૫.૩૦ કેમ લખ્યું છે?”

“આપણે ૫.૩૦ લખીશું તો લોકો છ વાગ્યે આવશે.”

મે કહ્યું, “જુઓ, તમે લોકોને જણાવી દીધું છે કે કાર્યક્રમ ૫.૩૦ વાગ્યે ચાલુ થશે, તમે આ સમય માટે કમીટેડ છો, તેથી હું કાલનો કાર્યક્રમ ઠીક ૫.૩૦ વાગ્યે શરુ કરી દઈશ.”

આયોજકો તો ગભરાયા, હાથ જોડીને કહે, “એવું ના કરતા, ૫.૩૦ વાગ્યે કોઈ નહીં આવ્યા હશે.”

“જુઓ, અમે તો બાવા લોકો છીએ, કોઈ હોય કે ના હોય, અમને ફેર પડે નહીં, હું તો કાલે કાર્યક્રમ ૫.૩૦ વાગ્યે શરુ કરી દઈશ. હા, તમને એક રાહત આપી શકુ છું, કે તમે કાલે પછીથી એનાઉન્સ કરી દે’જો કે આજે તો ૫.૩૦વાગ્યે કાર્યક્રમ શરુ થયો છે, આવતી કાલથી કાર્યક્રમ ૬.૦૦ વાગ્યેથી શરુ થશે, તેથી કાર્યક્રમ શરુ થાય એ પહેલા તમે લોકો આવી જશો’ આવી જાહેરાત કરવાની તમને રાહત આપુ, પરંતુ હું તો કાલે કાર્યક્રમ નિયત સમય ૫.૩૦ વાગ્યેથી જ કરીશ.”

આપણને જુઠી વાતોની આદત પડી ગઈ હોય છે, તેથી જુઠી વાતો આપણને સમજાતી જ નહીં કે અહીં જુઠું થઇ રહ્યું છે. અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બાળકને સવારે સ્કુલે જવાનું હોય તેથી એની મા એને સવારે ઉઠાડવા જાય, માંડ ૬.૦૦ વાગ્યા હોય, અને મા કહે, “ઉઠ, ઉઠ, જલ્દી ઉઠ, સાત વાગી ગયા.. ઉઠ…” હવે, માને ખબર જ નથી પડતી કે એ ખોટું બોલે છે, જુઠ્ઠું બોલે છે. બાળક પણ બે-ત્રણ-ચાર દિવસમાં સમજી જાય છે કે મા જુઠું બોલે છે. બાળક સમજતું થાય, એ સમજે છે કે આવી રીતે બીજી બાબતોમાં પણ એની મા આવું જ કરે છે, તો વિચાર કરો કે બાળક એની માની વાતો પર ક્યારે’ય વિશ્વાસ કરશે?

તમે એક વાર્તા સાંભળી હશે – એક ભરવાડ ગામના લોકોને અમસ્તા ખોટે-ખોટું જ દોડાવતો હતો એમ કહીને કે “દોડો, દોડો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો”.  આની બૂમ સાંભળીને ગામના લોકો તો એ ભરવાડના ઘેંટા-બકરાને બચાવવા દોડી જાય… પણ ત્યાં જુએ તો ત્યાં કોઈ જ ના હોય, અને માત્ર એ ભરવાડ જ બેઠો હોય, હંસતો, અને પછી કહે, “હા…હા…હા જોયું, તમને બધાને કેવા બનાવ્યા…ખી…ખી…ખી…?” અને પછી એક દિવસ અચાનક સાચે જ વાઘ આવ્યો, લોકોને એણે બૂમ પણ પાડી… પણ ગામના લોકો એની બૂમ સાંભળીને કોઈ દોડ્યું નહીં, કહે આ તો અમસ્તો દોડાવે છે, ખોટે-ખોટું. તો, આમ માણસ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દે છે, અને આપણે સહજ વાતે-વાતે એટલા બધા જૂઠાણાથી ટેવાઈ ગયેલા છીએ કે જેની કોઈ કલ્પના નથી, અને તે પણ આ ભૂમિમાં કે જ્યાં આપણે એને સત્યને ભગવાન કીધું છે, પરમેશ્વર તરીકે સ્વીકાર્યા પણ છે.

ક્યારે’ક કોઈ સાધક આશ્રમ પરથી મને લેવા આવ્યા હોય, અને એમનાથી થોડું મોડું થઇ ગયું હોય, સામે લોકો રાહ જોતા હોય, એ ફોનમાં પૂછે કે ક્યા પહોંચ્યા? તો કહે, “હમણા પાંચ મિનિટમાં આવું છું.” હું કહું કે આપણને અહીંથી ૨૦ મિનિટ લાગશે, ઓછામાં ઓછી ૨૦ મિનિટ. તો, તમે એમને એમ કેમ નથી કહેતા કે પહોંચતા ૨૦-૨૫ મિનિટ લાગશે?” ક્યારે’ક જગ્યા પણ ખોટી બતાવી દે, ઘરેથી નીકળ્યા પણ ના હોઈએ, અને સામેવાળાના ઘરની પાસેની કોઈ જગ્યા હોય એ કહી દે કે અહીં આવી ગયા છીએ, ખોટું બોલે છે. કોઈક સાધક આશ્રમ પર આવતા હોય અને એમને પૂછીએ કે ક્યાં પહોંચ્યા? તો કહે અલીન્દ્રા ચોકડીએ આવી ગયા છીએ, અને આવે અડધા કલાક પછી… કારમાં આવતા હોય તો અલીન્દ્રા ચોકડીએથી આશ્રમ આવતા બે જ મિનિટ થાય. તો, આમ લોકો એટલું બધું જુઠું બોલતા થઇ ગયા છે કે ખબર જ નથી પડતી કે જુઠું બોલીએ છીએ.

હું હેરંજ ગામમાં જયારે આવ્યો હતો ત્યારે શરૂમા-શરૂમાં ગામમાં ત્યારે કોઈ સ્કૂટર પણ ન હતું. હું સવારે ઉઠી બહાર નીકળું, ઠંડીનો સમય હોય, ત્યારે મેં જોયું કે સ્કૂટર પર એક માણસ ક્યાં’કથી રોજ આવે અને ગામમાં જાય, રોજે’ય અને તે પણ એકદમ સવારની ઠંડીમાં. મારી સાથે એક ભઈ રહેતા હતા એમને મેં પૂછ્યું કે “આ માણસ કોણ છે જે રોજ સવારે સ્કૂટર પર આવે છે?” પેલા ભઈ કહે, “એ તો નજીકના વસો ગામનો વેપારી છે.”, “રોજ એ ગામમાં શું કામ આવે છે અને તે પણ સવારમાં?” “એ વેપારીની ગામમાં ઉઘરાણી છે તે લેવા આવે છે, અને સવાર પછી તો ખેડૂતો કામ પર નીકળી જાય એટલે એ રોજ વહેલા આવે છે.

મેં પૂછ્યું કે “ગામમાં ઘણા માણસોની ઉઘરાણી છે?” એમણે કીધું કે “ના, પણ બાપુ, ગામમાં બે-ચાર જણા હશે જેમને એણે પૈસા કે માલ ધીર્યા હશે, તેની ઉઘરાણી કરવા આવે છે.” મેં પૂછ્યું, “રોજે’ય આવે?” તો કહે, “હા, કારણ કે એ ખેડૂતો રોજ પૈસા આપવાનું ટાળે, કાંઈ-ને-કાંઈ બહાનું કાઢે, રોજ નવું બહાનું હોય.”

મને થયું, તમે કોઈ પાસેથી ઉછીના પૈસા કે માલ ઉધાર લીધો હોય, એ માણસ તમે કહો ત્યારે પૈસા લેવા આવે, અને તમે રોજ કાંઈ-ને-કાંઈ બહાનું કાઢે જ રાખો, આજે વ્યવસ્થા થઇ નથી એ કહેવા તમે રોજ નવા બહાના કાઢતા રહો… તો રોજ બહાનું જે છે એ જૂઠ્ઠી વાત થઇ, એકદમ જૂઠ્ઠી વાત. તો, માણસો જૂઠું બોલવામાં કેટલા માહેર થઇ ગયા હોય છે. અને આવું તો દરેકે-દરેક જગ્યાએ થાય છે, આપણને ટેવ પડી ગઈ છે જૂઠું બોલવાની. વેપારી જૂઠું બોલતો હોય, એકદમ જૂઠ્ઠું… અને એ લોકોની સાથે રહીને આપણે પણ જૂઠ્ઠું બોલતા થઇ જઈએ છીએ, જૂઠ્ઠું બોલ્યા વગર આપણને ચાલે જ નહીં. પરદેશોમાં પણ મોટે ભાગે એવું જ છે; તમે કોઈ દુકાનમાં જાવ તો ત્યાં બોર્ડ પર લખેલું હશે – ૪૦% ડિસ્કાઉન્ટ, ૩૫% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ… તો એક કંપની આવી રીતે બીઝનેસ કરતી, એણે એપલ કંપનીમાંથી એક જણને CEO તરીકે હાયર કર્યો. હવે આ નવો એક્ઝીક્યુટિવ એપલ કંપનીમાંથી આવ્યો હતો, એને થયું કે આપણે આવું ડિસ્કાઉન્ટ જાહેર નથી કરવું, કમીશન પણ નહીં લખવાનું પણ આપણે માલનો ભાવ એકદમ ઓછામાં ઓછો રાખીએ. પરિણામ? એક જ વર્ષમાં આ કંપનીએ બહુ જ નુકશાન કર્યું, અને એ કંપનીએ આ નવા CEOને કાઢી મૂકવો પડ્યો.

આપણને ઓછા ભાવમાં લેવાનું ગમતું જ નથી, ડિસ્કાઉન્ટ મળતું હોય તો આકર્ષણ થાય, આપણને ફાયદો થયાનો મીઠો ભ્રમ પણ થાય. વેપારી આપણને વધારે ભાવ કહે, પછી કહે, ચલો, તમે તો આપણા માણસ છો તમારે માટે ૨૦% ડિસ્કાઉન્ટ, હું તમારે માટે ૨૦% છોડી દઈશ. ઘરે આવીને આપણે બધાં’યને વાત પણ કરીએ કે “પેલો વેપારી છે ને એ ભલો માણસ છે, મને તો એણે ૨૦% ડિસ્કાઉન્ટ આપ્યું.” આમ, બધાને જુઠ્ઠાણામાં જીવવાની ટેવ પડી ગઈ છે. આખું વાતાવરણ જ એવું હોય કે ત્યાં સત્યનું અનુસરણ કઈ રીતે થાય? અને નાના સત્યમાં પણ આપણું ધૈર્ય ના રહેતું હોય, નાની વાતોમાં પણ મને નુકશાન થતું હોય તો મારે સાચું નહીં બોલવાનું, એવી આપણી ભાવના હોય, ભૂમિકા હોય. જો આવું છે તો આવું મન પરમાત્માને કઈ રીતે ધારણ કરી શકશે? અને ખરેખર જો પરમાત્મા જોઈતા હોય તો એને માટે સર્વસ્વ ગુમાવવું પડે છે.

“પ્રેમ ગલી અતિ સાંકરી, દૂજો નહીં સમાય, આપ રહે તો હરિ નહીં, હરિ રહે તો નહીં આપ.” તેથી, જો સત્યને પામવું છે તો જે સત્ય સિવાય જે બધું આપણે માની રાખ્યું છે એ બધું જ છોડી દેવાનું, બધું જ ગુમાવવું પડે…તે ત્યાં સુધી કે છેલ્લે, છેલ્લે સાધનાની ચરમ સીમા પર હોઈએ ત્યારે તો દેહની રક્ષાનો ભાવ, ઈચ્છા પણ ગુમાવવી પડે, છોડી દે’વી પડે.

વ્યવહારિક જીવનમાં આપણને નાની-નાની વાતોમાં નુકશાન દેખાય કે ફટ દઈને ખોટું બોલી નાંખીએ. ગ્રાહકને થાય કે મને નુકશાન થાય, વેપારીને થાય કે ગ્રાહક જતો રહેશે તો મને નુકશાન થશે, ઘરમાં કે સંબંધોમાં પણ આવા જ વિચારો સ્વભાવ-ગત રમતા હોય એટલે બધાને થાય કે સાચું નહીં ખોટું જ બોલવાનું.

મારે જયારે લંડન પહેલી વખત જવાનું હતું, તો ત્યાંના એક સાધક જે બ્રિટિશ સોલીસીટર હતા, એમણે વ્યવસ્થા કરેલી. તો એમણે એમના કોઈ પરિચિત પાસેથી મારે માટે સ્પોન્સર-લેટર મંગાવ્યો. એ ભાઈએ મને એમના પરિચિત ભાઈના ફોટા બતાવ્યા અને કીધું કે “સ્વામીજી, ઇન્ટરવ્યુમાં તમને પૂછે કે ‘આ જે વ્યક્તિ તમને સ્પોન્સર કરે છે એમને તમે ઓળખો છો?’ તો તમે કહેજો કે હા, હું એમને આશ્રમમાં મળ્યો હતો, એ લોકો મારા આશ્રમમાં આવ્યા હતા.”

મેં કીધું, “હું એવું કઈ રીતે કહી શકું? જે વ્યક્તિને હું કોઈ દિવસ મળ્યો નથી, જાણતો પણ નથી… હું તો એમ જ કહીશ કે તમે મારા સાધક છો અને એ ભાઈ તમારા પરિચિત છે, હું એ ભાઈને પર્સનલી નથી જાણતો?

એમણે સ્વીકાર્યું અને કહ્યું, “વાંધો નહીં.”

એવી જ રીતે હું ફ્રાન્સ ગયેલો ત્યારે એક ભાઈએ મને ફ્રાન્સથી ઇન્વીટેશન લેટર મોકલેલો. જેણે લેટર મોકલ્યો હતો એ મારા પરિચિત ન હતા, પણ વડોદરાના એક સાધક છે, એમના પરિચિત હતા. ફ્રાન્સ કોન્સ્યુલેટ ઓફિસમાં વિઝા માટેના જે ઓફિસર બહેન ઇન્ટરવ્યુ લેતા હતા એમણે મને બે-ત્રણ વખત પૂછ્યું, “આ સ્પોન્સર કરનાર ભાઈને તમે ઓળખો છો?” મેં કહ્યું, “ના, એ ભાઈને તો હું નથી ઓળખતો, પણ વડોદરાના મારા એક સાધક છે એમના એ મિત્ર છે, અને એ સાધકના રિક્વેસ્ટથી એમણે મને લેટર લખ્યો છે, એ મને એના ઘરે બોલાવે છે, હું એમના ઘરે જઈને રહીશ.” એ બહેને મને બે-થી-ત્રણ વખત ફેરવી-ફેરવીને પૂછ્યું, પણ હું મારી વાતને વળગી રહ્યો, કે ના હું સ્પોન્સર કરનાર ભાઈને નથી ઓળખતો.

બીજી કન્ટ્રીમાં આપણે જયારે જતા હોઈએ ત્યારે ત્યાંના લોકોને એ જ ભય હોય કે બીજા દેશમાંથી આવનાર વ્યક્તિ એ દેશમાં રહી તો નહીં પડશે, એટલે ક્રોસ-ચેકિંગ કરતા હોય છે.

પરદેશના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સમાં તમે જે વિગતો આપી હોય એમાં તમે સાચે-સાચું લખ્યું હોય, અને છતાં પૂછે કે “તમે કેટલા દિવસો રહેશો, પાછા ક્યારે જવાના છો?” ત્યારે તમે જે કહેશો, બોલશો એ એકદમ નિષ્ઠાથી બોલશો, અને એ વાતને એ નકારી નહીં શકે.

જયારે હું લંડન ગયો અને મને વીઝા મળી ગયા ત્યારે મારે ૨૬-તારીખે પાછુ આવવાનું હતું. ત્યાં અમે એક સાધકને ત્યાં ગયા હતા, ત્યાં એમણે કીધું કે “સ્વામીજી, અહીં ૨૭-તારીખે અમે એક કોન્ફરન્સ કરવાના છીએ, હિંદુ લોકોનું સંમેલન છે, એમાં ૨૫૦-૩૦૦ લોકો ભેગા થશે, તેથી એમાં આપની હાજરી હોય તો બહુ સારું રહેશે, અમને આનંદ આવશે, અને એ કોન્ફરન્સમાં આપ પણ સામેલ થાવ એવું અમે ઈચ્છીએ છીએ. હું આપની ટિકિટ કેન્સલ કરાવી દઈશ, બીજી નવી પણ કરાવી દઈશ, એનો વાંધો નથી.”

મેં કહ્યું, “ના, હું તો ૨૬ તારીખે જ પાછો જવાનો છું, ૨૭ તારીખના કાર્યક્રમમાં નહીં આવી શકુ.” એ ભાઈએ મને બે-ત્રણ વખત કીધું, મારી સાથે જે ભાઈ હતા એમણે પણ મને કીધું અને એ પણ કીધું કે “હું મારી રજા વધારી દઈશ, તમે રહો, વાંધો નથી. એક-બે દિવસ પછી આપણે જઈશું.” મેં કહ્યું, “ના, અમે ૨૬ તારીખે જ જઈશું.”

ત્યાંથી પાછા આવ્યા, ત્યારે સાથેવાળા ભાઈએ મને પૂછ્યું, “સ્વામીજી આપણે એક-બે દિવસ રોકાઈ ગયા હો’ત તો? આપણે એ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યા હો’ત.”

મે કીધું, “જુઓ, જ્યારે હું ઈન્ટરવ્યુ આપવા ગયેલો ત્યારે એમણે મને બે-ત્રણ વખત પૂછેલું કે કેટલા દિવસ રહેશો? કઈ તારીખે પાછા આવશો?” ત્યારે મેં કહેલું, ૨૬ તારીખે પાછો આવીશ. એવું હું બે-થી-ત્રણ વખત બોલી ગયો છું, તો હું કઈ રીતે ૨૬ તારીખ કેન્સલ કરી શકુ?”

કેટલી’ક વખત એવું પણ થયું હોય કે મેં વીઝા માત્ર પંદર દિવસના માંગ્યા હોય, અને ત્યાં ગયા પછી એ લોકોનો આગ્રહ વધી ગયો હોય અને મારી પાસે સમય પણ હોય, તેમ છતાં હું કહું કે “ના, જે ડેટ માટે વિઝા માગ્યા છે, એ ડેટ પર જ પાછા જવાનું, પછી ભલે મારી પાસે વિઝા છ મહિનાનો હોય. જો આવું કરવામાં આવે તો તમારી વાતમાં એક પ્રકારનું બળ હોય.

આપણે નાની-નાની વાતોમાં થોડું પણ નુકશાન થવાનું હોય તો ઝટ લઈને ખોટું બોલી દઈએ છીએ, અને જો, કે જયારે એ જ જુઠ્ઠાણું પકડાઈ જાય ત્યારે એક જુઠને સાચવવા બીજા કેટલા બધા જુઠ્ઠાણાં કહેવા પડે? એક જુઠ્ઠાણાંને સાચવવા બહુ જુઠું બોલવું પડે.

એક વખત વિદ્યાર્થીઓની શિબિર હતી, એ શિબિરમાં અમે બાળકોને શિખામણ આપેલી કે ચોરી કરીને પરીક્ષા નહીં આપવાની, ચોરી કરીને પરીક્ષા પાસ નહીં કરવાની. શિબિરમાં આવેલા વિદ્યાર્થીઓમાંથી એક બાળકે ઘરે જઈને વાત કરી કે પરીક્ષામાં હવે હું ચોરી નહીં કરું. એના પપ્પાને તો એમ જ કે એમાં શું, પાસ થવા માટે, સારા માર્ક્સ લાવવા માટે ચોરી કરે એમાં કશો વાંધો નહીં; અને જો બાળક ચોરી નહીં કરે, સારા માર્ક્સ નહીં લાવે તો શું થશે? તેથી એમણે બાળકને પાસે બેસાડીને સમજાવ્યું કહે, “બેટા આપણે હરિશ્ચન્દ્ર નથી થવાનું!” કેમ? તો એ પપ્પાને  લાગે છે કે એને (બાળકને) સારા માર્ક્સ નહીં આવશે તો નુકશાન થશે એ ભયથી આપણે બાળકને પણ એવું ખોટું કરવાનું શિખવીએ છીએ – જુઠ્ઠું બોલવાનું, પરીક્ષામાં ચોરી કરવાની, વિગેરે.

હવે મહત્ત્વની વાત એ કે જુઠ્ઠું બોલવામાં આપણું જે મોટામાં મોટું નુકશાન થાય છે એ છે કે આપણી પર્સનાલિટી સ્પ્લિટ થાય છે – આપણું વ્યક્તિત્વ ટુકડાઓમાં ખંડિત થઇ જાય છે – સ્પ્લિટ પર્સનાલિટી ડેવલપ થાય છે, એ મોટામાં મોટું નુકશાન છે. આવા ખંડિત વ્યક્તિત્વવાળી વ્યક્તિની ઈચ્છાશક્તિ, એનું મનોબળ, બધું જ ખંડિત થઇ જાય છે.

જુઠ્ઠાણું, જુઠ્ઠાણાંની આદત આખું વ્યક્તિત્વ જ તોડી નાંખે છે, એ વ્યક્તિ અંદરથી નબળી થતી જાય છે, એને કમજોર કરી મૂકે છે. આવી કમજોર વ્યક્તિની પછી ધીરજ, ધૈર્ય, શક્તિ, આંતરશક્તિ, બધું જ ધીમે-ધીમે તૂટતું જાય, ખંડિત થતું જાય અને એમાંથી જે વ્યક્તિત્વ બને છે એ ખંડિત, સ્પ્લિટ પર્સનાલિટી.

મેં જો કોઈને કીધું હોય કે કાલે ૧૦.૦૦ વાગ્યે તમને સમય આપુ છું, હું તમને ૧૦.૦૦ વાગ્યે મળીશ. હવે, મારા કહેવા છતાં હું જ જો સમય પર જાણીજોઇને નથી જતો, એને નથી મળતો અને પછી કાંઈ-ને-કાંઈ બહાનું કાઢું છું. તો હું તમને દશ વાગ્યે મળીશ એ કહેનાર વ્યક્તિ જુદી હતી? બીજે દિવસે જે કહ્યાં છતાં નિયત સમયે મળતી નથી એ વ્યક્તિ જુદી છે? એક સત્યને જે મેં કહ્યું એમાં હું વળગી નથી રહેતો, તો એમ કરવાથી મારી અંદરનું જે વ્યક્તિત્વ છે એ ખંડ-ખંડ, ટુકડાઓમાં ખંડિત થઇ જાય છે. એમાં, એક જ વ્યક્તિનો એક ‘ટુકડો (એક ખંડ) એક વાત કહે, બીજો ટુકડો (બીજો ખંડ) બીજી વાત કરે…!!

આવી ખંડિત વ્યક્તિત્વવાળી વ્યક્તિ, સ્પ્લિટ પર્સનાલિટીવાળી વ્યક્તિ માટે તો ભગવાન પણ વિચારતા થઇ જાય કે એને જો મુક્તિ પણ આપવી છે, તો કોને, કયા ‘ટુક્ડા’ને મુક્તિ આપવી? એક વ્યક્તિત્વ માંહે જાણે ચાર-પાંચ-છ કે એથી’ય વધારે  વ્યક્તિત્વના ‘ટુકડા’ઓ છે. તેથી, આવી ખંડિત વ્યક્તિત્વવાળી વ્યક્તિને મુક્તિ તો મળવાની જ નથી. આમ, જુઠ્ઠાણાંથી સૌથી મોટું નુકશાન થાય છે તે એ કે એની પર્સનાલિટી ખંડિત થાય છે, એનું વ્યક્તિત્વ તૂટે છે, વ્યક્તિ ખંડ-ખંડ થઇ જાય છે, અને એની અંદર વિશ્વાસ છે એનું પણ એક પ્રકારનું બળ છે એ નષ્ટ થાય છે, એની અંદર બળ નથી હો’તું. માણસ સત્ય બોલતો હોય તો એની અંદર એક પ્રકારનું નૈતિક બળ હોય છે.

ગાંધીજી જયારે વકીલાત કરતા હતા ત્યારે એમણે એવું નક્કી કરેલું કે હું ખોટો કેસ (case) નહીં લઈશ, અને એક વખત એવું બન્યું કે કેસ ચાલતો હતો ત્યાં વચમાં જ ગાંધીજીને ખબર પડી કે એનો અસીલ જ ખોટો છે, એટલે એમણે કેસ જ બંધ કરી દીધો. તેઓ અસીલ પાસે જાતે ગયા, કહે “હું આ કેસ જાતે છોડું છું આ કેસ હું નહીં લડીશ, આ કેસમાંથી હું પોતાની જાતને વિથ્ડ્રો (withdraw) કરું છું.” અસીલ ગભરાયો, કહે તમે આવું ના કરો. તો ગાંધીજી બોલ્યા, “હવે વધારે આગ્રહ કરશો તો હું જ કોર્ટમાં કહી દઈશ કે મારો અસીલ જ ખોટો છે,” અને એ કેસ ગાંધીએ છોડી દીધો.

અબ્રાહમ લિંકન પણ જયારે વકીલાત કરતા હતા ત્યારે એક વખત ચાલુ કેસમાં એમને પણ ખબર પડી કે એમનો જ અસીલ ખોટો છે. તો એ પણ કેસ છોડીને એમના રૂમમાં આવતા રહ્યા. અસીલ એના માણસો સાથે પાછળ-પાછળ આવ્યો, પૂછે, “તમે ચાલુ કેસે કોર્ટમાંથી બહાર કેમ આવી ગયા?” લિંકને કહ્યું, “હું નહીં આવી શકુ, અને જો તમે મને બળજબરીથી લઇ જશો તો હું જ બૂમ પાડીને કહી દઈશ કે આ અસીલ જ ખોટો છે, અહીં ખોટું થઇ રહ્યું છે. તો, હું આ કેસ નહીં લડી શકીશ.”

સત્યને ચાહનાર આવા વ્યક્તિઓનો પ્રભાવ એવો પડ્યો કે ગાંધી જો કોઈ કેસ લઈને ઉભા થાય એટલે જજે પહેલેથી જ તૈયારી કરી લીધી હોય કે નિર્ણય એમના ફેવરમાં આપવાનો છે, તેથી સામેવાળી વ્યક્તિ, વકીલ ઢીલા જ થઇ જાય કે બધા જ પછી જાણશે કે આ ખોટું જ કરી રહ્યો છે, ખોટા માટે લડી રહ્યો છે, એ અંદરથી જ ઢીલો થઇ ગયો હોય.

તમને ખ્યાલ હશે કે જયારે ટી.એન. શેષાન ચૂંટણીપંચના અધિકારી હતા ત્યારે એમણે રાજકરણીઓમાં કેવી ધાક બેસાડેલી! મને યાદ છે કે તે વખતે વડાપ્રધાન પી.વિ.નરસિંહારાવ હતા. એક વખત જાહેર સભામાં નરસિંહારાવે પબ્લિકને કીધું કે મારે તમને ઘણું બધું કહેવું છે, પણ આચાર સંહિતાને લીધે નથી કહી શકતો. મને થયું કે જુઓ, એક સામાન્ય અધિકારી (વડાપ્રધાન સામે તો ચૂંટણીપંચના અધિકારી પણ સામાન્ય અધિકારી ગણાય) ની ધાક જે છે એ સત્યની તાકાતની ધાક છે, તે એટલી સબળી ધાક હતી કે એક વડાપ્રધાને પણ એનાથી ડરવું પડે. ટી.એન. શેષાનનું જે બળ હતું એ એના સત્યનું બળ હતું.

જયારે હું સત્ય બોલતો હોઉં, સત્ય સાથે જીવતો હોઉં તો એની એક વિશેષ ક્ષમતા હોય, વિશેષ શક્તિ, બળ હોય, એના બળમાં પણ ધીરજ હોય, એ બળથી એની અંદર એનું તેજ વધે… અને જો સત્યનું બળ ના હોય તો એનું અંદરનું જે તેજ છે એ ધીમે-ધીમે હણાવા લાગતુ હોય, ધીમે-ધીમે બધું જ નષ્ટ થવા લાગે. આ સત્યનું પણ એક પાસુ થયું. કોઈ પણ સંપત્તિ, કોઈ પણ આચરણ વિવેક તો માંગે જ માંગે, વિવેક વગર નહીં ચાલે.

માની લો કે કોઈ એક છોકરી પોતાના રક્ષણ માટે દોડતી-દોડતી જાય છે, અને એક ઘરમાં ઘુસી જાય છે; આ દૃશ્ય તમે જોયું હોય, અને એ પણ જોયું હોય કે એ છોકરી પાછળ ચાર-પાંચ ગુંડાઓ પડ્યા છે… તમને ત્યાં જોઇને એ લોકોએ પૂછ્યું “છોકરી ક્યાં ગઈ?” તો તમે શું કરવાના? એમને કહી દેશો કે સામેના ઘરમાં ઘુસી ગઈ છે? આ સવાલનો જવાબ વિવેક માંગી લે છે. એટલે, સત્ય, અને તે પણ વ્યવહારિક સત્ય જેટલું સમજીએ છીએ માત્ર એટલું જ નથી.

વળી, માની લો કે તમે આર્મીમાં છો, દુશ્મનના સૈનિકોએ તમને પકડી લીધા છે, અને તમને કહે કે તમે સત્યવાદી છો, સાચે-સાચું કહી દો… અને એ લોકો તમને તમારા દેશની મહત્ત્વની વાતો, બાતમીઓ, સૂચનાઓ માંગે છે. તો, તમે શું કરશો?

મને મારી વાત યાદ આવે છે કે જયારે હું પહેલી વખત ઘર છોડીને ગયેલો તો મને હતું કે હું સીધો હૃષીકેશ જઈશ… પછી થયું કે જતા-જતા હું ગુરુજીના દર્શન કરી લઉં, પછી હૃષીકેશ જઈશ. અને પછી ત્યાં નદી કિનારે જઈ, મુંડન કરાવી, ભગવુ વસ્ત્ર પહેરી લઈશ. ગુરુજીએ તો મને સંન્યાસનું નામકરણ વગેરે પહેલા જ કરી દીધેલું. તો જઈને મેં કીધું કે મારે અહીં કેટલા દિવસ રહેવાનું, તો ગુરુજીએ પ્રશ્નાર્થક રીતે મને જોયો… કે કેમ, આવો સવાલ કરે છે? પૂછ્યું નહીં, પણ એમના જોવાનો ભાવ એવો હતો કે કેમ આવો સવાલ કરે છે? મેં કહ્યું, ઘરના બધાય પાછળ-પાછળ અહીં જ આવશે, એટલે એમણે કીધું એ વ્યવસ્થા હું કરું છું, અને બીજા દિવસે મને દીક્ષા આપી કલકત્તા મોકલી દીધો. કલકત્તાથી રાયગઢ. રાયઘઢમાં એવી જગ્યાએ મને મોકલ્યો કે એ જગ્યાનું નામ પણ કોઈએ સાંભળ્યું ના હોય ત્યાં મોકલી દીધો. રાયગઢમાં થોડા દિવસો પછી સંમેલન થયું, ત્યારે ત્યાં ગુરુજી આવ્યા હતા, એમણે હંસતા-હંસતા મને કહ્યું, “ઘરના બધા આવ્યા હતા, હું સત્ય બોલ્યો, પણ કૃષ્ણ-સત્ય બોલ્યો. એ લોકોને મેં એમ કીધું કે અહીં આવ્યો હતો ખરો, પણ જતો રહ્યો, અહીં મુંગેરથી જતો રહ્યો છે.” કેમ કે એમને ખબર છે કે મેં નવું-નવું ઘર છોડ્યું છે, અને તેથી બધા’ય એમની પાછળ-પાછળ જશે, તો એમને તકલીફ થશે. તો, આમ, એ પણ એક ‘સત્ય’ છે, એ પણ સત્યનું જ સ્વરૂપ છે. અને કોઈ પણ હિસાબે એમાં જેટલું સામેનું હિત હોય, પ્રિય હોય, અને વ્યવહારમાં પણ સત્ય સાથે જીવતા આપણને શીખવું જ પડશે.

સત્ય સાથે જીવીશું નહીં, નાની વાતોમાં, નાના-નાના નુકશાનની બીકે હું ઝટ દઈને જુઠું બોલી દઉં … મારે એનાથી બચવું જ પડશે, મારે નવું શીખવું જ પડશે, એને માટે મારે ધીરજ વધારવી જ પડશે, તો જ હું પરમ સત્યને ઝીલી શકીશ, એને ધારણ કરી શકીશ એને પામી શકીશ.

મારી અંદર સત્યના આચરણની પ્રબળ ધારણા હશે, તો જ હું એવી પરિસ્થિતિઓ કે એવો સમાજ નિર્માણ કરીશ કે જેમાં સત્યના આચરણ સાથે સરળતાથી જીવી શકાય… પરંતુ, આજે વાસ્તવિકતા એવી કપરી બની ગઈ છે કે સત્ય સાથે જીવવાનું જ અઘરું થતું જાય છે લાંબા ગાળાના લાભ માટે અને પરમ સત્ય સુધી પહોંચવા માટે આપણે એ પરિસ્થિતિઓ બદલવી જ રહી.