હે પરમકૃપાળુ પરમાત્મા,

આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે પણ કાલે તું એ બધું લઇ લે એમ પણ બને. આજે તેં ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે. પણ કાલે મારો દેહ દુર્બળ, બીમાર થઇ જાય એવું પણ બને. આજે તેં મીઠાં સંબંધો આપ્યા છે પણ કાલે મારા પ્રિયજનો મને છોડીને જાય એમ પણ બને. આજે તેં મને પદ-પ્રતિષ્ઠા અને સંપત્તિ આપ્યા છે. પણ કાલે હું સાવ રંક અને અસલામત બની જાઉં, ઝંઝાવાતમાં ફેંકાઇ જાઉં. લોકો મારું અપમાન કરે એવું પણ બને.

તેથી જ હે મારા પ્રભુ! હું પ્રાર્થના કરું છું કે મારા સુખમાં મત્ત બની હું કોઇની અવજ્ઞા ન કરું. સ્વજનોના સ્નેહને મારો અધિકાર ન માની લઉં. ‘બધું સારું જ થવાનું છે, મને કોઇ દિવસ કંઇ જ થવાનું નથી.’ એવા ભ્રમમાં ફસાઇ ન જાઉં. બધું સવળું ચાલતું હોય ત્યારે એને મારી હોંશિયારી અને આવડતનું પ્રમાણ ગણી ‘તારી કંઇ જ જરૂર નથી’ એવો ભાવ મારામાં ન આવે. ધારેલું કશું ન મળે તો, તારી અવકૃપા છે એવું માનવાની ભૂલ ન કરું.

કારણ કે બધું આપવા કે લઇ લેવા પાછળ તારો ચોક્કસ હેતુ છે. બંનેમાં તારી જ કૃપા કામ કરે છે. હે પ્રભુ! માર્ગ ફુલનો હોય કે કાંટાનો, એના પર ચાલીને હું તારા ભુવનમાં પહોંચું, કે જ્યાં સર્વ તારી લીલાનો જ આનંદ છે. હે પ્રભુ! હું બધી જ પરિસ્થિતિઓમાં હળવાશથી પસાર થઇ. નિત્ય આનંદના લોકમાં પહોંચું, ‘સ્વ’માં સ્થિર થઉં એવી શક્તિ, ભક્તિ અને સ્થિરતા મને આપજે, એ જ પ્રાર્થના.