મહાશિવરાત્રિ પર્વ એટલે શિવજીનો મહિમા દર્શાવતુ પર્વ. પરમ કલ્યાણ, સત્ય, સુંદર, પવિત્ર, ચૈતન્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ એટલે ભગવાન શિવ. સૂર્યની અનુપસ્થિતિ એટલે રાત્રિ, સૂર્ય એટલે પ્રકાશ. પ્રકાશની ગેરહાજરી એટલે અંધકાર. પ્રકાશનો અર્થ છે જ્ઞાન. અંધકાર એટલે અજ્ઞાન અને અધોગતિ. આ પ્રમાણે શિવરાત્રિ એટલે જે રાત્રિને શિવ કરે. એટલે અંધકારને પ્રકાશમય, જ્ઞાનમય, આનંદમય, ઉત્સવમય, ચિન્મય અને ચિદ્દઘન કરે તેવી રાત્રિ.

શિવરાત્રિની રાત્રે જાગરણ, પૂજા-અર્ચનાનું મહત્ત્વ છે જાગરણનો અર્થ છે પ્રમાદ, આળસ, નિદ્રા અને તંદ્રાનો લોપ. જાગરણનો અર્થ છે અસત્માંથી સત્, અજ્ઞાનમાંથી જ્ઞાન અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફની યાત્રા. ટૂંકમાં શિવરાત્રિ એટલે આત્મોપસનાની રાત્રિ, અનાત્માથી આત્મા તરફની યાત્રા. અનાત્મા એટલે આત્મા, ચેતના, દૃષ્ટા સિવાયનું બધું જ અનાત્મા છે. મોહ, માયા, મમતા, દુઃખ, ક્લેશ એ પણ અનાત્મા જ છે. આત્માનો અર્થ છે શુદ્ધ ચેતના, પરમસુખ, શાંતિ, આનંદ.

શિવજીને ભજવા તેની ઉપાસના આ જ શરીરથી કરવાના છે. તો આજે તિથિ પ્રમાણે ચૌદશ છે. એનો અર્થ છે ભગવાન શિવજીની પૂજા, અર્ચનામાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચૌદ ઇન્દ્રિયો ભગવાન શિવજીને સમર્પિત કરી અને શિવજીની આરાધના કરીએ એ જ શિવરાત્રિ છે.