એક ખાલી પાત્ર છે. એ પાત્રમાં પાણી ભરીએ તો એનું મૂલ્ય કદાચ પાંચ રૂપિયા થાય. હવે પાણી કાઢી શરબત ભરીએ તો એનું મૂલ્ય કદાચ દશ રૂપિયા થાય. શરબત કાઢી દૂધ ભરીએ તો મૂલ્ય વીસ રૂપિયા થાય. દૂધ કાઢી જ્યુસ ભરીએ તો તેનું મૂલ્ય ત્રીસ રૂપિયા થાય અને જ્યુસ કાઢી સૂપ ભરીએ તો મૂલ્ય કદાચ પચાસ રૂપિયા થાય. સૂપ પણ કાઢી નાંખી ચાંદી ભરીએ તો એની કિંમત હજારો રૂપિયા થાય, ચાંદી પણ કાઢી સોનું ભરીએ તો એની કિંમત લાખો રૂપિયા થાય અને સોનું કાઢીને હીરા ભરીએ તો એની કિંમત કરોડો રૂપિયા થઇ જાય.
આ પ્રમાણે પાત્ર મહત્ત્વનું નથી પરંતુ પાત્રમાં શું છે તેના આધારે તેની કિંમત નક્કી થતી હોય છે. તો આ શરીરરૂપી, મનરૂપી પાત્રમાં શું છે તે જાણવું પણ સૌથી વધુ અગત્યનું છે. જે કંઇ દેખાય છે તે ક્ષણિક સુખ આપવાવાળું છે અને જે નથી દેખાતું તે અનંત અનંત સુખનો ભંડાર છે. અને જીવનનું મૂલ્ય પણ નહીં દેખાતા તત્ત્વને લીધે જ છે. જે દેખાય છે તે વિકારી છે. તેમાં વધ-ઘટ, બદલાવની શક્યતા છે. પરંતુ જે નથી દેખાતું તે “अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।” તે અજન્મા, નિત્ય, શાશ્વત અને સનાતન તત્ત્વ છે જે શરીરના નાશ થવાથી તેનો નાશ થતો નથી.
એના અમૂલ્ય તત્ત્વના આપણે માલિક છીએ એને ઓળખીએ અને એનું મૂલ્ય સમજીએ, એવી નવા વર્ષની શુભકામના.