નવા વર્ષનું આગમન ઘણાં ડાન્સ, પાર્ટી, નવાં કપડાં વગેરેથી કરતાં હોય છે. અમુક લોકો માટે આ બધું તો જાણે દર વર્ષનો એક ક્રમ થઇ ગયો હોય છે. પરંતુ બહારથી આવા રંગરોગાન કરવાથી મન શું નવું થઇ જાય છે ? ના, મન તો એવું ને એવું જૂનું જ રહેતુ હોય છે. ઉત્સાહનું રંગરોગાન તો ક્યાં પૂરું થઇ જાય છે એની વાર નથી લાગતી. તો મન ઉત્સાહી, આનંદી અને નવું જ રહે તેના માટે થોડાં પ્રયોગો કરી શકાય છે. એમાં પહેલું છે સ્વાર્થથી ઉપર ઉઠી બીજાના હિત માટે કામો કરવા. તેનાથી અકલ્પનીય આનંદની પ્રાપ્તિ થાય છે.
જીવન કંટાળાજનક એટલા માટે લાગે છે કે આપણે આદતવશ જીવીએ છીએ. આપણે આપણા મનને યંત્ર બનાવી દીધું છે. સવાર પડે પછી સાંજ પડે છે અને રાત્રે સૂઇ જઇએ છીએ. આ પ્રમાણે દિવસ પૂરો થઇ જાય છે એમ જીવન પણ પૂરું થઇ જાય છે. પરંતુ આપણે મશીન નથી. આપણે તો ચેતનાથી ભરેલા જીવતા જાગતા માણસો છીએ.
તો મન યાંત્રિક ન થઇ જાય એના માટે પૂર્ણ સભાન રહી જૂની કંટાળાજનક આદતોને દૂર કરી આપણે રોજ કંઇક નવું કામ કરવાની ટેવ પાડવી છે. આ કામ મોટા મોટા હોય એ જરૂરી નથી. લાંબી યાત્રાની શરૂઆત તો નાના પગલાથી જ થાય છે ને ! જેમ કે કોઇ ગરીબ માણસને પૂછીએ તમે જમ્યા ? કોઇ બીમારને પૂછીએ તમને કેમ છે ? વળી તેને ફ્રૂટ, દવા વગેરે લાવી આપીએ. ગરીબ વિદ્યાર્થીની ફી ભરવી, ફ્રી ભણાવવું. આપણી મોટાઇ અને મોભાને ભૂલીને કોઇ પણ વ્યક્તિને મદદરૂપ થવું. આ બધાં કામ કરવાથી મનુષ્ય પરમાત્માની શક્તિના સ્રોતથી ભરાય છે. એનાથી એની હર ક્ષણ ઉત્સાહ પૂર્ણ થઇ જતી હોય છે. અને આપણા ઋષિમુનિઓએ જે સૂત્ર આપ્યું છે, “वसुधैव कुटुम्बकम् *’ ભાવના ચરિતાર્થ થાય છે.
એટલા માટે નવા વર્ષમાં આપણે આપણા મનને નવા સંકલ્પોથી, નવા કર્મોથી શણગારી એને નવું બનાવીએ.