આશ્રમમાં અખંડ જ્યોતિની, અખંડ અગ્નિની સ્થાપના

સમસ્ત બ્રહ્માંડના કણે-કણમાં વ્યાપ્ત પરમ પિતા પરમાત્માને કોટિ-કોટિ વંદન!!

પરમ કૃપાળુ પરમાત્માની અખંડ તેમજ નિત્ય ઉપસ્થિતિ આશ્રમમાં રહે, એમના આશીર્વાદ આપણને બધાને સતત મળતા રહે એવી પરમાત્માને પ્રાર્થના. આપણા સૌના પ્રાત:સ્મરણીય પરમ પૂજ્ય ગુરુદેવની અંતરતમ ભાવનાનું નવું સ્વરૂપ એટલે આપણા આશ્રમમાં અખંડ જ્યોતિ અને અખંડ અગ્નિનું સ્થાપન.

પરમાત્માના અનંતાનંત રૂપોમાંથી એક સ્વરૂપ એવું છે કે જેનો સ્વીકાર લગભગ દરેક ધર્મો-સંપ્રદાયોએ પોત-પોતાની રીતે કર્યો છે, અને એ સ્વરૂપ છે અગ્નિનું! આ અગ્નિ-સ્વરૂપ જે તત્ત્વ છે, જેને આપણે અગ્નિદેવ તરીકે જાણીએ છીએ, પૂજીએ છીએ એનું મહત્ત્વ એટલું બધું છે કે વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ્-ની શરૂઆત પણ अग्नि-सुक्तથી કરવામાં આવી છે, જેના પહેલા મંડલનો સૌથી પહેલો જ શ્લોક આ પ્રમાણે છે –

अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् । होतारं रत्न धातमम् ।। (ऋग्वेद् – १.१.१)

અર્થાત્, અમે અગ્નિદેવની સ્તુતિ કરીએ છીએ જે યજ્ઞો બ્રહ્માંડની સ્વાભાવિક વ્યવસ્થા જાળવવા માટે, લૌકિક, પારમાર્થિક અને કલ્યાણકારી કાર્યોમાં સૌથી આગળ છે; તદુપરાંત, યજમાનોને માટે ઋત્વિજો દ્વારા બોલાયેલા શ્લોકો દ્વારા આ દેવ પ્રસન્ન થઇને યજમાનોને રત્નો, ધન-ધાન્ય પ્રદાન કરનાર છે.

બીજું, પરમાત્મા પોતે પંચ-મહાભૂતોના રૂપમાં વ્યક્ત પણ થયા છે, અને એમાં ‘અગ્નિ’ બરોબર મધ્યમાં છે – એક બાજુ છે ‘खं’ આકાશ અને વાયુ છે, બીજી તરફ છે જળ અને પૃથ્વી. આ જ પરમાત્મા સંતો, ભક્તોના ભાવ અને ભક્તિથી વિશેષરૂપે પ્રગટ પણ થાય છે. આપણી વૈદિક સંસ્કૃતિમાં, મનુષ્ય-જીવનનું દરેક કાર્ય અગ્નિથી શરૂ થઇ અગ્નિમાં જ પરિણમે છે; એટલે, આપણે દરેક શુભ કાર્યો જ્યોતિ પ્રગટાવીને શરૂ કરીએ છીએ.

જ્યોતિ સ્વયં-પ્રકાશમય હોઇ, પરમાત્મા-સ્વરૂપ છે, અને અખંડ જ્યોતિમાં            આ જ પરમાત્માની ઉપસ્થિતિ પણ અખંડ હોય છે. આ ભાવ સાથે આપણે સૌ ભગવાન શિવ અને માતૃ-સ્વરૂપા શક્તિને જ્યોતિ સ્વરૂપેઆપણા આશ્રમમાં નિત્ય નિવાસ કરવા પ્રાર્થના કરીએ છીએ.

અખંડ અગ્નિ

હવન કુંડની અગ્નિ એ દેવોનું મુખ છે, એમાં ભાવથી પદાર્થરૂપે અપાયેલી આહુતિઓ દેવો ગ્રહણ કરે છે, અને તૃપ્ત થઇ, ઇચ્છિત ફળ આપે છે. આ અગ્નિ અખંડ હોય ત્યાં દેવોનો વાસ, ઉપસ્થિતિ પણ અખંડ હોય છે.

 

અન્નપૂર્ણા ભવન

अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञान-वैराग्य-सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ।।

माता च पार्वती देवी पिता देवौ महेश्वरः ।
बांधवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम ।।

હે, સદાપૂર્ણ અન્નપૂર્ણા! હે, ભગવાન શંકરની પ્રાણવલ્લભા!
હે, પાર્વતી! જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે મને ભિક્ષા આપો!
પાર્વતી દેવી મારી માતા છે, ભગવાન મહેશ્વર, મહાદેવ મારા પિતા! ભગવાન શંકરના બધા ભક્તો મારા બંધુઓ છે, અને ત્રણે ભુવન મારા માટે સ્વદેશ છે.

 

વૈશાખ સુદ છટ્ઠ, વિક્રમ સંવત ૨૦૭૫, તા. ૧૦-૫-૨૦૧૯ના પાવન દિવસે

પ.પૂ ગુરુજી દ્વારા અન્નપૂર્ણા ભવનની પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે,
એ દિવસે, આપણે સૌ ગુરૂજીના સર્વે ભક્તજનો પ્રસાદ લઇ પાવન થઇએ
એવી મા અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના.