આપણા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જ્ઞાનને ઉદ્ઘાટિત કરનાર આપણા ઋષિમુનિઓને પ્રણામ. આ જ્ઞાનને આત્મસાત્ કરી સરળ ભાષામાં જન-માનસ સુધી લાવનાર વિશ્વવંદનીય ગુરુજનોના ચરણ-કમળમાં પ્રણામ. પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ગુરુદેવના ચરણ-કમળમાં પ્રણામ.
ગુરુપૂર્ણિમા, ગુરુદેવને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, એનો અર્થ છે – ‘જે સ્વયં પૂર્ણ છે, જેમણે જ્ઞાનને આત્મસાત્ કર્યુ છે, જે ચંદ્રમા જેવા પ્રકાશ સ્વરૂપ છે, જે બીજાના તાપને દૂર કરી શીતળતા આપવાવાળા, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને આપવાવાળા છે માટે જ ગુરુદેવને પૂર્ણિમાની ઉપમા આપી છે. એવા ગુરુદેવના ચરણ-કમળમાં સાદર પ્રણામ.
આજનો દિવસ શિષ્ય માટે ખૂબ મહત્વનો છે. આપણી સંસ્કૃતિ શિક્ષા અને સંસ્કાર પ્રધાન છે. શિક્ષિત થવું જરૂરી છે પરંતુ સંસ્કારિત કરીને એક આખું પ્રકરણ છે. આ પ્રકરણમાં આપવામાં આવેલી શિક્ષાને આચરણમાં મૂકનાર સાધક આ લોક અને પરલોક બન્નેને સુધારી ઉપનિષદના ગૂઢ તત્ત્વને ગ્રહણ કરવા સમર્થ થઇ જાય છે.
આ “शीक्षा वल्ली’માં કુલ બાર અનુવાક છે. પ્રથમ અનુવાકમાં અલગ-અલગ શક્તિઓના અધિષ્ઠાતા પરબ્રહ્મ પરમાત્માની જુદા-જુદા નામ અને રૂપોમાં સ્તુતિ અને પ્રાર્થના કરવામાં આવી છે. સર્વવ્યાપક પરમાત્મા જ નામ અને રૂપ ધારણ કરી મિત્ર, વરૂણ, અર્યમા અને બૃહસ્પતિરૂપે સૌનું રક્ષણ કરે છે. આ પરમાત્મા અમારું કલ્યાણ કરે. અમારી ઉન્નતિમાં આવતા વિઘ્નોને દૂર કરે આ ભાવ સાથે પરમાત્માને પ્રણામ કર્યા છે.
બીજા અનુવાકમાં વર્ણ એટલે કે અક્ષરોનો ઉચ્ચાર કેવી રીતે કરવો એટલે કે હૃસ્વ, દીર્ઘ અને પ્લુત સ્વરનો ઉચ્ચાર અને તેના સ્થાનની વિસ્તૃત માહિતી આપી છે.
ત્રીજા અનુવાકમાં અલગ-અલગ લોક, જ્યોતિ, વિદ્યા, પ્રજા અને શરીર વિષયક સંહિતોપાસનાના પ્રકરણમાં અભીષ્ટ લોકોની પ્રાપ્તિનો ઉપાય, જ્યોતિઓના સંયોગથી ભૌતિક પદાર્થોની ઉન્નતિ કેવી રીતે પ્રાપ્ત થાય. તેનું રહસ્ય વાણી દ્વારા વિદ્યાપ્રાપ્તિ અને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના. શરીરની સ્વસ્થતા અને મનની શાંતિ માટે નામ અને જપ દ્વારા ભગવદ્પ્રાપ્તિ થઇ શકે છે આ બધી વાતોનું ઉપાસનાના રૂપમાં ખૂબ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.
ચોથા અનુવાકમાં ૐકાર ઉપાસના દ્વારા શારીરિક અને માનસિક બળની પ્રાપ્તિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે યજ્ઞ-યાગાદિનું વર્ણન કરવામાં આવ્યું છે.
પાંચમા અનુવાકમાં ભૂઃ, ભુવઃ, સ્વઃ અને મહઃ આ ચાર વ્યાહૃતિઓની ઉપાસનાનું રહસ્ય તથા ફળશ્રુતિનું વર્ણન કર્યું છે.
છઠ્ઠા અનુવાકમાં જે મહાપુરુષો હૃદયાકાશમાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે તેમને ક્રમશઃ ભૂઃ, ભુવઃ, સ્વઃ અને મહઃ લોકોની પ્રાપ્તિ થાય છે. ત્યાં તેઓ પ્રકૃતિ ઉપર અધિકાર પ્રાપ્ત કરી પ્રકૃતિથી પર જે અવ્યક્ત પરમાત્મા છે તેની પ્રાપ્તિનું વર્ણન વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યું છે.
સાતમા અનુવાકમાં લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે પાંકતરૂપે એટલે કે પાંચ-પાંચના જોડકામાં ઉપાસનાનું વર્ણન છે. તેના દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક સંબંધોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આઠમા અનુવાકમાં ૐકારના મહિમાનું વર્ણન કર્યુ છે, ૐકાર એ સર્વ ધર્મોનો સાર છે. આ જ્ઞાનને શિક્ષાના રૂપમાં લેવામાં આવ્યું છે.
નવમા અનુવાકમાં આચાર્ય અને વિદ્યાર્થીમાં યથાયોગ્ય સદાચાર પાલન, શાસ્ત્ર ભણવું – ભણાવવું, અન્ય ભાષણ, તપ, મન અને ઇન્દ્રિયોનું સંયમન, અગ્નિહોત્રાદિ યજ્ઞ, અતિથિ સેવા, કુટુંબ પરિવાર અને સમાજની સેવા તથા કર્તવ્યપાલન કરતાં-કરતાં સ્વાધ્યાય-ધ્યાન સતત કરતા રહેવું એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી કરીને આચાર્ય કે વિદ્યાર્થીની અંદર પોતાના કર્તવ્યો માટે આળસ-પ્રમાદ ન આવે અને સતત જાગૃત રહી પોતાનું અને સૌનું કલ્યાણ કરે.
દશમા અનુવાકમાં ત્રિશંકુ નામના ઋષિએ જે પરમસત્યનો સાક્ષાત્કાર કર્યો છે એનું વર્ણ કર્યુ છે. આ અનુવાકમાં સંકલ્પમાં અદ્ભુત શક્તિ રહેલી છે. એના દર્શન થાય છે. મનુષ્ય જેવી ભાવના કરે છે તેવો તે થાય છે. વિવેક અને સંકલ્પ દ્વારા એ દેવ પણ બની શકે છે અને વિવેક ગુમાવી એ દુઃખી પણ થઇ શકે છે. ઋષિ સતત સાધકની ઉન્નતિનો જ ખ્યાલ રાખી સાધકને સભાન કરે છે. સાધના કરતા કરતા સાધકમાં પણ ક્યારેક અહંકાર આવી જાય છે. તેની ખબર નથી પડતી. સામાન્ય અહંકારથી મુક્ત થવું સહેલું છે પરંતુ જ્ઞાન, તપ, દાનનો અહંકાર તથા હું જે કર્મ કરું છું તે જ શ્રેષ્ઠ છે આ પ્રમાણેના અહંકારથી મુક્ત થવું ખૂબ અઘરું હોય છે. તેથી સાધના કરતા હોવા છતાં ફળ મળતું નથી. પછી સાધક એક સાધનાથી બીજી સાધના, બીજીથી ત્રીજી સાધના એમ સાધનાની વિધિ બદલે છે પરંતુ પોતાને બદલતો નથી. માટે ઋષિ શિક્ષાના માધ્યમથી સાધકને પવિત્ર, નિર્મળ કરી પરમાત્મા સુધી લઇ જવાનો માર્ગ બતાવે છે.
અગિયારમો અનુવાક ખૂબ જ સુંદર છે અને એ ખૂબ મહત્ત્વનો છે. ગુરુકુળમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી આચાર્ય, ગુરુ શિષ્ય ‘સમાવર્તન સંસ્કાર’ કરે છે. તે સમયૈ આચાર્ય વિદ્યાર્થી (શિષ્ય)ને શિક્ષા આપતા કહે છે કે, ‘અહીંથી ગયા પછી તમે ગૃહસ્ત ધર્મનો સ્વીકાર કરશો. ત્યાં સફળતાપૂર્વક જીવન જીવવા માટે હું તમને થોડા સોનેરી સૂત્ર આપું છું, ‘ એ પ્રમાણે જીવશો તો તમે મનુષ્ય દેહને સાર્થક કરી શકશો.
सत्यं वद। धर्म चर। स्वाध्यायान्मा प्रमदः। आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छैत्सीः। सत्यान्न प्रमदितव्यम्। धर्मान्न प्रमदितव्यम्। कुशलान्न प्रमदितव्यम्। भूत्यै न प्रमदितव्यम्। स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम्। देवपितृकार्याभ्यां न प्रमदितव्यम्।
હે પુત્ર! તું સત્ય બોલજે. ગમે તેવી તકલીફ પડે પરંતુ તું અસત્ય ના બોલીશ. તારા વર્ણાશ્રમ પ્રમાણે શાસ્ત્ર સંમત ધર્મનું આચરણ કરજે. ભગવાનનું ભજન કરવામાં ક્યારેય પ્રમાદ ના કરીશ. એટલે કે ક્યારેય એનો ત્યાગ ના કરીશ અને પ્રેમથી ભાવપૂર્વક કરજે, કરવા ખાતર ના કરીશ. ગુરુ માટે જરૂરિયાત પૂર્વકનું ધન તથા આશ્રમને અનુરૂપ સામગ્રી દક્ષિણાપૂર્વક પ્રેમથી આપજે, પછી એમની આશા પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી. સ્વધર્મનું આચરણ કરી સંતતિ પરંપરાને સુરક્ષિત રાખજે. તેનો કોઇપણ પરિસ્થિતિમાં ત્યાગ ના કરીશ. તું સત્યથી ડગીશ નહિ એટલે કે વિચલિત થઇશ નહિ. એનો અર્થ છે કે, ‘વ્યર્થ વાતોમાં શક્તિનો ત્યાગ કરી, હંસી-મજાકમાં મિથ્યાભાષણ કરી ખોટું ના બોલીશ. દૃઢપણે ધર્મનું પાલન કરજે. ક્યારેય આળસવશ ધર્મની ઉપેક્ષા ના કરીશ. લૌકિક તથા શાસ્ત્રીય જેટલા કર્તવ્ય કર્મો છે તેની કદી ઉપેક્ષા કે ત્યાગ ના કરીશ. પરંતુ તેનું અનુષ્ઠાન કરજે. લૌકિક ઉન્નતિના સાધનોમાં કદી આળસ ના કરીશ પરંતુ વર્ણાશ્રમ ધર્માનુસાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરજે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે ગૃહસ્થે દશ હાથે કમાવવું અને હજાર હાથે દાન કરવું. એનો અર્થ છે દશ હાથ જેટલી શક્તિ પ્રમાણે મહેનત કરવી અને હજાર હાથનો અર્થ છે દરેક પ્રકારના સેવાના કાર્યોમાં મદદરૂપ થવા પ્રયત્ન કરવાનો છે. જે ચેતના પોતાની અંદર એ જ સૌની અંદર છે એવું સમજી સૌની સાથે પ્રેમથી હળીમળી સેવાભાવથી રહેવું છે.
સ્વાધ્યાયનો અર્થ છે – ‘સ્વ’નું અધ્યયન અને બીજાને ભણાવવું એનો ત્યાગ ના કરીશ અને અગ્નિહોત્ર તથા યજ્ઞ આદિ અનુષ્ઠાન સ્વરૂપ દેવયજ્ઞ તથા શ્રાદ્ધ-તર્પણ આદિ પિતૃયજ્ઞ જેવા કર્મો કરવામાં આળસ, પ્રમાદ કે ઉપેક્ષાનો ભાવ મનમાં ન આવે તેનો ખ્યાલ રાખજે.
मातृदेवो भव। पितृदेवो भव। आचार्य देवो भव। अतिथि देवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो इतराणि। यान्यस्माकं सुचरितानि। तानि त्वयोपास्यानि। नो इतराणि। ये के चास्मच्छ्रेयां सो ब्राह्मणाः। तेषां त्वयाऽऽसनेन प्रश्वसितव्यम्। श्रद्धया देयम्। अश्रद्धयादेयम्। श्रिया देयम्। हृया देयम् । भिया देयम्। संविदा देयम्
હે પુત્ર! તું માતાને દેવ સમાન ગણજે, પિતાને પણ દેવ સમાન ગણજે. કારણ કે જ્યારે મનુષ્ય બહુ બહિર્મુખ થઇ જાય છે ત્યારે અજાણતાં એ માતા-પિતાની ઉપેક્ષા કરતો થઇ જાય છે. તેવું ન થાય એનો ખ્યાલ રાખજે. જીવનમાં બેલેન્સ હોવું જોઇએ. એક તરફ માણસ વધારે પડતો ભાવુક થાય છે ત્યારે બીજા પક્ષનો તેને ખ્યાલ નથી આવતો. તેથી આચાર્ય કહે છે પહેલા ગુરુ માતા-પિતા છે તેમને પ્રણામ કરી તેમની આજ્ઞાનું પાલન કરજે. પછી આચાર્યને પણ દેવ સમાન ગણજે. જ્યાંથી શીખ્યા છે એમના માટે હંમેશા અહોભાવ રાખજે અને અતિથિને પણ દેવ સમાન જાણજે. અતિથિ કોઇ આશાથી અથવા તો પ્રેમ જોઇને જ આપણે ત્યાં આવે છે તો તું એમને સાંભળજે, તારી પાસે સગવડ હોય તે પ્રમાણે તેમની સેવા તથા તેમની આજ્ઞાનું પાલન કરતાં હંમેશા પ્રસન્ન રહેજે. જે જે નિર્દોષ કર્મ છે તેનું આચરણ કરજે. નિર્દોષ કર્મનો અર્થ છે એવું કોઇ કર્મ ન કરવું જેનાથી ક્ષોભ થાય, ગ્લાનિ થાય, દુઃખ થાય, કર્યા પછી પસ્તાવો થાય પરંતુ જે કર્મથી હંમેશા પ્રસન્નતા મળે, સૌનું હિત થાય એવા કર્મોને નિર્દોષ કર્મ કહે છે. માટે જે દોષ યુક્ત, નિષિદ્ધ કર્મો છે તેનું ભૂલથી સ્વપ્નમાં પણ આચરણ ના કરીશ. આપણા વડીલો અને ગુરુજનોનું દિવ્ય અને શાસ્ત્ર સંમત આચરણ છે એમાં કદી નિંદા કે શંકા ના કરીશ. એ કર્મો તને સારા લાગે તો તેનું આચરણ કરજે અને કદાચ કોઇ કર્મ તારા યોગ્ય ન હોય તો તેનું અનુસરણ ના કરીશ.
જે આપણાથી ઉંમર, વિદ્યા, તપ અને આચરણમાં શ્રેષ્ઠ હોય તેઓ જ્યારે ઘરે પધારે તો તેમને જલપાન વિગેરે કરાવી યથા યોગ્ય સન્માનપૂર્વક સેવા કરજે, અને દાન-દક્ષિણા પણ આપજે. તું જે કંઇ કરું કે આપું તે શ્રદ્ધાપૂર્વક અને લજ્જાપૂર્વક આપજે. એનો અર્થ છે બધું પરમાત્માનું છે હું તો નિમિત્ત છું, હું આપવાવાળો કોણ? આ ભાવ સાથે અહંકારથી મુક્ત થઇને આપજે. આપવા ખાતર કે કરવા ખાતર કરેલા કર્મો મનુષ્યને પ્રસન્ન કરતા નથી. અને શાસ્ત્ર પ્રમાણે શ્રદ્ધા વગર આપેલું દાન તથા કર્મ અસત્ માનવામાં આવે છે. કોઇ પણ કર્મ મને સેવાની તક આપે છે એવું વિચારી ખૂબ સાવધાની પૂર્વક કર્મ કરજે. ઠાકોરજીની સેવા માનીને કર્મ કરજે. ક્યાંય મારા ઠાકોરજીને કષ્ટ ન પડે કોઇ ભૂલ ન થાય આ ભાવ સાથે કર્મ કરજે. છેલ્લા સંવિદા દેયમ્ એટલે જે કંઇ આપીએ તે વિવેક પૂર્વક આપજે. એટલે કે નિષ્કામ ભાવથી અભિમાનનો ત્યાગ કરીને આપજે. આ પ્રમાણે આપેલું દાન અને કર્મ અક્ષય ફળ આપવાવાળું હોય છે. તે તારા માટે “अक्षयं ते भविष्यति’ થશે.
अथ यदि ते कर्मविचिकित्सा वा वृतविचिकित्सा वा स्यात् यं तत्र ब्राह्मणाः सम्मार्शनः। युक्ता आयुक्ताः। अलूक्षा धर्मकामाः स्युः। ब्राह्मणाः सम्मार्शनः। युक्ता आयुक्ताः। अलूक्षा धर्मकामाः स्यु। यथा ते तेषु वर्तेरन् । तथा तेषु वर्तेथाः। एष आदेशः। एष उपदेश एषा वेदोपनिबत्। एतदनुशासनम्। एवमुयासितव्यम्। एवमु चैतदुपास्यम्।
હે પુત્ર! આ પ્રમાણે આચરણ કરતાં કદાચ તારા મનમાં કોઇ પણ કામ કરવામાં પ્રશ્ન ઉભો થાય તો તું જ્યાં રહેતો હોય તેની આજુબાજુ કોઇ મહાપુરુષ, વિદ્વાન બ્રાહ્મણ જે પ્રમાણે આચરણ કરતો હોય અને તને તેમાં શ્રદ્ધા હોય તો તેમને પૂછજે, તેમની આજ્ઞા પ્રમાણે આચરણ કરજે.
આપણી ગુરુકુળ પદ્ધતિમાં ગુરુ આ પ્રમાણે પુત્રને અને શિષ્યને તથા તમામ વિદ્યાર્થીઓને ઉપદેશ આપતા. આપનારને એવું નથી લાગતું કે હું કંઇ આપી રહ્યો છું, બધાં મને જ પૂછે, મારું જ સન્માન કરે આવો ક્યાંય ભાવ નથી હોતો અને શિષ્યને થાય કે મારા ગુરુ માટે હું જેટલું કરું એટલું ઓછું છે. કારણ કે ગુરુ ‘સ્વ’થી ઉપર ઉઠી શિષ્યને વિરાટ સાથે જોડે છે. બ્રહ્મ સાથે જોડે છે, બ્રહ્મસ્વરૂપ બનાવી દે છે.
આ જ શાસ્ત્રની આજ્ઞા છે, શાસ્ત્રનો નિચોડ છે. આ જ વેદોનું રહસ્ય છે. હે વત્સ! આ પ્રમાણે તારે કર્તવ્ય તથા સદાચારનું પાલન કરવું જોઇએ.
॥ ૐ નમો નારાયણાય ॥