દૈવી સંપત્તિ | ક્ષમા
(પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ ‘દૈવાસુરસમ્પદ્વિભાગયોગ’ના શ્લોક ૩–પરના પ્રવચન પર આધારિત. આ અધ્યાયના શ્લોકો ઉપરના અન્ય
પ્રવચનો પાછલા અંકોમાં છપાયા છે)
तेज: क्षमा धृति: शौचमद्रोहो नातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
— १६:३
દરેક બી નાનું જ હોય છે, પરંતુ એ નાનકડા બી–ની અંદર મોટું વૃક્ષ છુપાયેલું હોય છે. એ બી શે’નું છે, કયા વૃક્ષનું છે એ જો આપણને ખબર ના હોય તો આપણી કલ્પનામાં પણ ના હોય કે એ નાના બી–ની અંદર કોઈ ‘મોટું’ વૃક્ષ હશે. આપણે કોઈ દિવસ વડનું વૃક્ષ જોયું ના હોય તો વિચારી પણ ના શકીએ કે એ નાનકડા બી–ની અંદર આટલું મોટું વડનું વૃક્ષ હશે. એ જ નાના બી–નું વૃક્ષમાં રૂપાંતરિત થવું, અને નાનું બી વૃક્ષ થઈ જાય ત્યાં સુધીમાં એની લાંબી યાત્રા હોય છે – એને જમીનની અંદર રોપવામાં આવે છે, એના ઉપર કેટલી કઠણ માટી હોય, અને તો પણ એ બી શાંતિથી, ક્યાં’યથી પણ માર્ગ કાઢીને, પત્થર ફોડીને પણ એનો નાનકડો અંકુર બહાર આવતો હોય… અને, જાણે એ આકાશ આંબી જશે, એ ઉત્સાહથી ધીમે–ધીમે વધવા લાગે છે.
સમયાંતરે મોટો થતો અસ્તિત્વમાંનો દરેક જીવ જ્યારે નાનો હોય ત્યારે બહુ સુંદર હોય છે – કોઈ પ્રાણીનું બચ્ચું નાનું હોય ત્યારે સુંદર લાગતું હોય, એવી જ રીતે અંકુરિત થયેલા બી–માંથી જે નોનો છોડ હોય એ પણ બહુ સુંદર હોય; પછી એ ધીમે–ધીમે વધે, પ્રકૃતિ સાથે સામંજસ્ય કેળવે, વૃક્ષ બની પ્રકૃતિને સુંદરતા આપે, અને પોતાનું કર્તવ્ય પૂરું કરે – વૃક્ષ જ્યારે ફળ આપે ત્યારે વૃક્ષની પૂર્ણતા થઈ હોય.
દરેક નદીનો ઉદ્ગમ પર્વતમાંથી થતો હોય, અને એ ઉદ્ગમ પણ બહુ જ નાનો હોય; હિમાલયના ઊંચા હિમ–પર્વતોમાંથી ઉદ્ભવેલા ગંગાજીને જોઈએ તો કલ્પનામાં પણ ના આવે કે આગળ જતાં એ જ ગંગા સાગર જેવી થઈ જાય – ગંગોત્રીમાં તો ગંગાજીનો પ્રવાહ કઈંક મોટો છે… એવી જ રીતે નર્મદાજીનો ઉદ્ગમ મધ્યપ્રદેશના મૈકલ પર્વતના અમરકણ્તક શિખરથી થયો છે, અને ત્યાંથી લગભગ ૧,૨૧૨ કિ.મી.ની લાંબી મજલ કરી, ગુજરાતના ખંભાતમાં સમુદ્ર જેવા થઈ જાય છે.
એવી જ રીતે, ભગવાને દૈવી સંપત્તિઓ–રૂપે જે ગુણો કહ્યા છે, એ ગુણોની અંદર એટલી બધી શક્યતાઓ છુપાયેલી છે કે સહજરૂપે, માત્ર ઉપરી દૃષ્ટિથી જોઈએ તો ખ્યાલ ના આવે કે એક નાનો ગુણ પણ જો આપણે કેળવીએ તો આપણી અંદર કેટલું બધું રૂપાંતર લાવી શકીએ છીએ; આપણું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય.
દરેક દૈવી સંપત્તિનો જે ગુણ છે, એ બહારથી સ્થૂળ દેખાતો હોય, સ્થૂળમાં વ્યવહારથી ભલે એની શરૂઆત થતી હોય, પણ દરેક ગુણની પૂર્ણતા છેવટે બોધમાં થાય, આત્મસ્થિતિમાં થાય, પરમાત્માની ઉપલબ્ધિમાં થાય, અને તેથી જ એ દરેક ગુણો દૈવી સંપત્તિ–રૂપ છે. દૈવી–સંપત્તિરૂપ ગુણોની યાત્રા આપણે ‘અભય’થી શરૂ કરી હતી, આજે ‘ક્ષમા’ સુધી પહોંચ્યા છીએ.
ક્ષમા – મારા પ્રત્યે કોઈનાથી અપરાધ થયો હોય, કોઈએ મારું અપમાન કર્યું હોય, મને કોઈએ દુ:ખી કર્યો હોય, કષ્ટ આપ્યું હોય, એવા લોકોને હું માફ કરી શકું, ભૂલી શકું, એ લોકો માટે મારી અંદર કોઈ પ્રતિક્રિયા ના હોય, એ વ્યક્તિ માટે મારી અંદર કોઈ પ્રકારનો તિરસ્કાર કે ક્રોધ ના હોય, એને હાનિ પહોંચાડવાનો ભાવ નહીં હોય, એ ક્ષમા છે. મારા પ્રત્યે કોઇથી કશું પણ અનિચ્છનીય, ખોટું થયું હોય, તો પણ હું અંદરથી એકદમ શાંત રહી શકતો હોઉં, અવિચલિત રહ્યો હોઉં – જેમ કે દરિયો છે, એમાં ગમે તેટલું પાણી જાય, અને કેટલી બધી નદીઓનું પાણી જાય છે દરિયામાં, તો પણ દરિયો ક્યારે’ય બહુ ઉભરાતો નથી, એની અંદર કોઈ પરીવર્તન નથી આવતું.
એટલે, ખરેખર જોઈએ તો ક્ષમાનો જે ગુણ છે એ આત્મા સિવાય બીજા કોઈમાં નથી, માત્ર આત્મામાં જ છે, કેમ કે શરીરની અંદર મનમાં, ઈચ્છા–ભાવનાઓ–વિચારોમાં, કે પછી બહાર જગતમાં પણ, ગમે તેવા, ગમે તેટલા ફેર–બદલાવ, ઉથલ–પાથલ થતાં હોય, પરંતુ એમાંની કોઈ પણ વાતની અસર આત્મામાં થતી જ નથી, આત્માની સ્થિતિમાં કોઈ પરીવર્તન નથી આવતું.
ભગવાન ભાષ્યકારે અક્રોધ અને ક્ષમામાં ફેર કહ્યો છે – અક્રોધ એ છે કે જેમાં મને કોઈ અપમાનિત કરે, મને કષ્ટ આપે, મારી ઉપર કોઈ અત્યાચાર, જુલમ કરે, મારા પ્રત્યે એનો અપરાધ થાય… તો પણ સ્વાભાવિક રીતે મને એના પ્રત્યે જે ગુસ્સો આવતો હોય, કે મારી અંદર કોઈ પ્રતિક્રિયા થતી હોય, એનું હું શમન કરી લઉં, એને હું પ્રકટ ના થવા દઉં, વિકૃત ના થવા દઉં – એ અક્રોધ છે; અને ક્ષમાનો અર્થ છે કે આવી વ્યક્તિ માટે મારી અંદર કોઈ પ્રતિક્રિયા જ ના થઈ હોય – મારી અંદર આ પ્રમાણેની કોઈ પણ પ્રકારની અનિચ્છનીય વાતને સહન કરવાની જે ઉચ્ચ સ્થિતિ છે, એ ક્ષમા છે – જ્યાં સુધી આત્મસ્થિતિ ના હોય, પૂરેપૂરી આત્મસ્થિતિ ના હોય ત્યાં સુધી એ શક્ય નથી.
એટલે, આપણે ભલે નાની–નાની વાતોથી બાળકોને શિખવાડતા હોઈએ કે કોઇથી કોઈ નાની ભૂલ થાય તો એ “sorry” (સોરી) કહે, અને આપણે એને કહીએ છીએ “it’s ok” (કશો વાંધો નહીં), અથવા, “mention not” (એવું કહેવાનું નહીં). સભ્ય સમાજમાં નાનપણથી બાળકોને આવું શિખવાડાતું હોય છે, ક્ષમા કરો, ભૂલી જાવ. એમ, એ નાની–નાની જે વાત છે એ ધીમે–ધીમે બોધ સુધી લઈ જઇ શકે છે – જો એ સંસ્કાર, એ ભાવ ખૂબ વિવેક–પૂર્વક, સભાનપણે એ પ્રમાણેની ક્ષમાની યાત્રા ચાલુ રહે તો. આ વાત ભલે પહેલા વ્યવહારથી શરૂ થાય, ભલે પહેલાં નાની–નાની વાતોમાં ક્ષમા કરતા શીખીએ, એવી વાતો ભૂલતા શીખીએ, અને જો એ યાત્રા ચાલુ રહે, ધીમે–ધીમે એ વધતી જાય, ગહન થતી જાય, તો, એક દિવસ આ ક્ષમા જ આપણને બોધ સુધી લઈ જઇ શકે છે.
બી–માંથી જેમ અંકુર ફૂટે, અને જમીનથી બહાર આવે, કેટલું સુંદર થતું જાય! પછી એ ધીમે–ધીમે મોટું વૃક્ષ થઈ જાય, એ ફળ આપે … એ જ પ્રમાણે ક્ષમા–ગુણનો દરેક રીતે લાભ છે – શારીરિક રીતે એટલો જ લાભ છે, કેમ કે, હું જો કોઈને ક્ષમા નથી કરી શકતો, મારા પ્રત્યે કોઈએ કરેલા અપરાધને, ગુનાને જો હું ભૂલી નથી શકતો મારા પ્રત્યે થયેલા કોઈના ખરાબ વર્તન, વ્યવહાર, અપરાધને કે ગુનાને હું ભૂલી નથી શકતો, કોઇની ઉપર મને ગુસ્સો હોય, તો એ વિચાર, એ ભાવ મને જ અંદરથી વ્યથિત કરતો રહે છે, મારા મનને એ અશાંત કરે; મારા મનની એ અશાંતિ મારા શરીરમાં ફેલાવાની જ છે, કેમ કે આપણા મનની કોઈ પણ સ્થિતિ આપણા આખા શરીરને અસર કરતી જ હોય છે.
કોઈએ મારા પ્રત્યે કોઈ પણ ભૂલ કરી હશે, એ ભૂલ મારા મનમાં સતત રહે, મને એ જ વાતનો વિચાર આવ્યા કરે, અને માણસ પછી પોતાની સાથે જ વાત કરતો રહે, ૨૪ કલાક એવું ચાલ્યા કરે. પછી અંદર વિચાર શરૂ થાય, વાતો થાય કે ‘હું એને જોઈ લઈશ, એને આમ કરી નાંખીશ, આમ કરી દઇશ, હું એને છોડીશ નહીં,’ એવા જ વિચારો મનમાં આવ્યા કરે, એ મારા શરીરને તકલીફ કરશે, નુકશાન પણ કરશે; એની ભૂલની વાતના વિચારો મારા મનમાં સતત આવ્યા કરશે.
અને જો હું એ બધી વાતો ભૂલી જાઉં છું, તો મારું મન શાંત થઈ જાય છે, હું શાંત થઈશ, તો માનસિક રીતે હું એનાથી મુક્ત થઈ જાઉં છું. અને જો નથી ભૂલી શકતો… પછી એ જ વ્યક્તિ જો જીવનમાં ઉન્નતિ કરશે, જેટલો વિકાસ કરશે, મને એટલો–ને–એટલો ગુસ્સો આવતો જશે, એ જેટલી પ્રગતિ કરશે, મને એટલું દુ:ખ થશે, મને માનસિક પીડા થયા કરશે, મારો ગુસ્સો એટલો વધશે. કોઈએ મારી પાસેથી પૈસા લીધા હોય, પાછા આપ્યા ના હોય તો હું એ ભૂલી નથી શકતો; પાર્ટનરશિપમાં કોઈએ મને દગો કર્યો હોય, હું નથી ભૂલી શકતો, મારું મન સતત એમાં–ને–એમાં જ અટવાઈ જાય… અને આવી વાતોથી પછી મને ભગવાન પ્રત્યે અવિશ્વાસ પણ થઈ જાય કે ‘જુઓ, આ માણસે મને અન્યાય કર્યો છે, અને એ કેટલો આગળ આવી ગયો, અને હું તો ત્યાં–ને–ત્યાં જ છું.’
બીજા માટેની આવી બધી વાતો જો હું ભૂલી શકું, એને ક્ષમા કરી શકું તો વ્યાવહારિક રીતે મને એટલો–ને–એટલો લાભ જ છે.
મને આપણા એક સાધકનો ખ્યાલ છે કે તેઓ સાથે ભાગીદારીમાં હીરા–કટિંગનું સાધન બનાવવાનો બિઝનેસ કરતા હતા. આમાં સાધક માર્કેટિંગ, ટ્રેડિંગનો ભાગ સંભાળતા હતા, અને એના ભાગીદાર મેન્યુફેક્ચરિંગનો ભાગ સંભાળતા હતા.
થોડા સમયમાં જ સાધકને જાણ કર્યા વગર, એના પાર્ટનરે ધીમે–ધીમે માર્કેટિંગ પણ ચુપકેથી કરવાનું શરૂ કર્યું… હવે, આપણા સાધકને મેન્યુફેક્ચરિંગનો કોઈ અનુભવ જ નહીં, અને જ્યારે ખબર પડી કે એ પાર્ટનરે તો આખો બિઝનેસ જ લઈ લીધો છે, ત્યારે એ સાધકે કોઈ જ પ્રતિક્રિયા ના કરી. એમણે પણ એના પાર્ટનરને કીધા વગર, ધીમે–ધીમે મેન્યુફેક્ચરિંગ કરવાનું શીખી લીધું, અને પોતાનું એક નવું, નાનું યુનિટ શરૂ કરી દીધું, માર્કેટિંગ તો આવડતું જ હતું, તેથી એ નાનું યુનિટ થોડાં જ સમયમાં સારી રીતે કાર્યરત થઈ ગયું, પછી એમણે પેલી જૂની જગ્યાએ જવાનું જ બંધ કરી દીધું.
મેં એ સાધકને પૂછ્યું કે તમે તમારા પાર્ટનર સાથે એનો હિસાબ–બિસાબ કશું કર્યું કે નહીં?” તો એ કહે, “ના સ્વામીજી, અમે તો એ બધું ભૂલી જ ગયા છીએ, એ પાર્ટનર સાથે કોઈ સંપર્ક નથી, કોઈ વાતો નથી થતી, એમના કોઈ સમાચાર પણ નથી. અમે જો એ બધું ના ભૂલ્યા હો’ત તો અમારા નવા બિઝનેસમાં જે પ્રેમાણે ધ્યાન–લગન સાથે કામ કરવાનું હતું એ ના કરી શક્યા હો’ત.” આજે થોડા વર્ષોમાં, એમનો એટલો મોટો બિઝનેસ છે કે આપણે વિચાર ના કરી શકીએ.
એટલે, હું જો ક્ષમા કરી શકું છું, તો એનો વ્યવહારિક લાભ પણ છે, અને આગળ બીજા આવશ્યક કામોમાં પૂરા મનથી કામ કરી શકું છું.
સ્વામી સચ્ચિદાનંદજીએ એમના યુરોપના પ્રવાસનો એક અનુભવ લખ્યો છે – તેઓ કોઈ પેકેજ ટૂરમાં યુરોપ ગયા હતા. ટૂરવાળાએ જે હોટલમાં ઉતરવાની વ્યવસ્થા કરી હતી, ત્યાંની એક હોટલમાં સવારે તેઓ પણ નાસ્તો કરવા ગયા હતા. સવારમાં એ ટૂરના સહેલાણીઓ નાસ્તો કરી લે પછી આગળ જાય. પેકેજ–ટૂરની ટિકીટના ભાડામાં હોટલમાં રોકાવાનું, ત્યાં નાસ્તો free, ફ્રી–જ હોય છે, અને ત્યાં જે ખાવું હોય, જેટલું ખાવું હોય તેટલું ખાઈ શકો. સ્વામીજી ત્યાં જોતાં હતા કે કોઈ ભારતીય હોય તો એમની સાથે બેસીને નાસ્તો કરીએ. એવામાં એક ભારતીય પરિવાર દેખાયો, સંજોગથી ગુજરાતી નીકળ્યા. સ્વામીજી એમની સાથે બેઠા, થોડી વાત–ચીત શરૂ થઈ, નાસ્તો કરતા હતા… એટલામાં, પેલા બહેને તો પોતાની થેલી કાઢી અને ટેબલ ઉપરથી થોડા સફરજન, બે–ત્રણ ફળો પોતાની થેલીમાં નાંખવા લાગ્યા. હવે, હોટલમાં ફ્રી નાસ્તો ત્યાં જ કરવા માટે હોય છે, સાથે લઈ જવા માટે ના હોય. સ્વાભાવિક રીતે, સ્વામીજીને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે – ત્યાંનો મેનેજર જો આ જોઈ જાય તો!? અને, સાચે જ આ બહેન જે કરી રહ્યા હતા એ ત્યાંનો મેનેજર જો’તો હતો – અને સ્વામીજીની આંખ એની સાથે મળી ગઈ, એમને અંદરથી થોડી શરમ લાગી, પણ કશું બોલ્યા નહીં. સ્વામીજીએ પેલા બહેનને ધીરેથી પૂછ્યું, “તમે આવું કેમ કરો છો?” તો કહે, “રસ્તામાં ખાવા કામ આવેને?”
નાસ્તો પતી ગયો, ત્યાંથી બધા લોકો એક–એક કરીને જવા લાગ્યા; પેલો મેનેજર ત્યાં કાઉન્ટર પર જ ઊભો હતો. સ્વામીજી પણ ત્યાંથી નીકળયા; અને એમને ખબર હતી કે મેનેજરે પેલા બહેનને ખોટું કરતાં જોયા હતા, એટલે તેઓ પેલા મેનેજર પાસે ઊભા રહ્યા, એને “સોરી” કીધું. આ સાંભળીને મેનેજરે કીધું “કશો વાંધો નહીં, કશો વાંધો નહીં.. ઠીક છે”. પછી, સ્વામીજીએ એને પૂછ્યું, “તમે એ બહેનને કશું બોલ્યા કેમ નહીં?” તો એણે કીધું, “અમારે માટે થોડાં ફળો કરતાં ગ્રાહકની આબરૂની કિંમત વધારે છે. હું જો એ બહેનને પકડી પાડતે તો થોડાં સફરજન માટે એની બે–ઈજ્જતી થઈ જ’તે, ટૂરના અન્ય પ્રવાસીઓના મનમાં એ ચોર થઈ જાય, લોકો એને ચોર તરીકે જોય, અને એની આખી ટૂર ખરાબ થઈ જતે.”
આ ક્ષમા છે, કોઇની ભૂલને ભૂલી જવી – આ ભાવે, પશ્ચિમના બિઝનેસને વિસ્તારવામાં સારો એવો ફાળો આપ્યો છે – તમે કોઈ વસ્તુ ખરીદી લાવ્યા, તમને નથી ગમતી અને એ જ સ્ટોરમાં પાછી લઈ જઇને આપો, તો ત્યાં તમને કોઈ પૂછતું નથી કે કેમ પાછી લાવ્યા, એ વસ્તુ તરત બદલી આપશે. તો, ભૂલી જવાનું. કેટલા’ક હોંશિયાર લોકો એવું કરે કે કોઈ લગ્ન પ્રસંગ હોય, એ માટે નવા કપડા–બપડા લઈ આવે, પ્રસંગે પહેરીને, બીજે દિવસે પાછા આપી આવે, “આ નથી ગમતા”, આવું’ય કરે છે. તો દુકાનવાળાને પણ ખબર હોય છે, ભૂલી જવાનું.
ભૂલી જવાનું એટલે, કોઇ અણગમતી વાતને ભૂલી જઇએ, એનાથી મુક્ત થઈ જઈએ છીએ. આ સ્વભાવથી શારીરિક ફાયદો છે, માનસિક ફાયદો છે, માનસિક રીતે મુક્ત થઈ જઈએ; નહીં તો કોઈના ગુનાને આપણે ચોવીસ કલાક ભૂલી નથી શકતા, એ જ વિચારોમાં આપણે રહેતા હોઈએ, મનમાં એ વાતના જ સંવાદ ચાલ્યા કરે. પરંતુ જે વ્યક્તિ કોઇની વિકૃતિને બીજું બધું જ ભૂલી શકે છે, એવી વાતો જેને જરા પણ સ્પર્ષતી નથી એ આત્મ–સ્થિતિ છે, એટલે, ક્ષમા કરવાથી માણસ ધીમે–ધીમે આધ્યાત્મ તરફ વધતો હોય.
હા, ક્ષમા હોવી જોઈએ, પણ એ કેવી હોવી જોઈએ? ક્ષમા પાંગળી ના હોવી જોઈએ, માયકાંગલી ના હોવી જોઈએ. એમ કહેવાય છે, “क्षमा वीरस्य भूषणम्”, ક્ષમા એ વીર માણસનું ભૂષણ છે, કાયરનું કે નબળાનું નહીં; જેમ કે અહિંસા છે, એ પણ સામર્થ્યવાનનો ગુણ છે, એનું બળ છે, અને કોઈ નબળો માણસ અહિંસક હોય, તો એનો કંઈ અર્થ નથી, એની ‘અહિંસા’નો કોઈ પ્રભાવ ના હોય; નપુંસકના બ્રહ્મચર્યનું મહત્ત્વ ના હોય, બ્રહ્મચર્ય તો વીર્યવાનની શોભા હોય, એવી જ રીતે ક્ષમા એ વીરની શોભા છે, એની ક્ષમામાં વીરતા છે, એમાં એનું બાળ છે, સામર્થ્ય જોડે છે, અને ક્ષમા છે.
ભગવાન અને ભૃગુ ઋષિના એક પ્રસંગમાં કહેવાય છે કે, એક વખત ભૃગુ ઋષિ બધાં દેવોનું પરીક્ષણ કરવા માટે નીકળ્યા એ જોવા કે કોને ક્રોધ આવે છે, કોને ક્રોધ નથી આવતો. એવામાં ઋષિએ તો ભગવાન વિષ્ણુને જ લાત મારી એમની પણ પરીક્ષા લીધી. ભગવાન વિષ્ણુએ ગુસ્સે થયા વગર આરામથી, હળવેથી સ્પર્શ કરીને ઋષિના પગ પકડ્યા, અને જાણે ઋષિને કાંઇ વાગી ના ગયું હોય એવી રીતે એમણે ઋષિના પગ પકડ્યા, અને કીધું, “ઋષિવર, મારી છાતી તો વજ્ર જેવી કઠોર છે, અને આપના પગ તો બહુ કોમળ છે, તમને કંઈ ઇજા તો નથી થઈ ને?” હવે, ભગવાનમાં દંડ આપવાની પૂરી ક્ષમતા છે, અને એ ક્ષમતા કાંઇ નબળાની ક્ષમતા નથી, એ તો વીરની ક્ષમા છે; નહીં તો એવું’ય બને સામે કોઈ બળીયો હોય એને આપણે કહીએ, “જા, હું તને ક્ષમા કરું છું,” તો એવી ક્ષમા ફળ આપનારી નથી હોતી.
મોહ હોય, ત્યાં પણ ક્ષમા હોય છે – જેમ કે, મા–ને એના બાળકો માટે બહુ મોહ હોય તો એ એના બાળકના બધા’ય ગુના, ભૂલો માફ કરી ‘દે છે.
વિનોબાજી એક જજની વાત કરતા – એ જજ એટલા બાહોશ અને ઈમાનદાર હતા કે લોકો કહેતા કે જો સારો અને પૂરે–પૂરો ન્યાય જોઈતો હોય તો એ જજ પાસે જવાનું, તેઓ કોઈ દિવસ ખોટો નિર્ણય નહીં કરે. એક દિવસ એ જજની કોર્ટમાં એમનો જ છોકરો આવ્યો, એનો ગુનો એટલો મોટો હતો કે એને ફાંસીની સજા આપવી પડે, પણ અહીં ગુનેગાર એમનો જ છોકરો હતો, એટલે એ જજ બીજી રીતે બોલવા લાગ્યા, એમણે પ્રતિક્રિયા જ બદલી કાઢી – કહેવા લાગ્યા “આપણે કોઈને જીવન નથી આપી શકતા તો જીવન લઈ કેવી રીતે શકીએ? ફાંસી જેવી સજા હોવી જ ના જોઈએ, એવા લોકોને તો ક્ષમા કરી અભયદાન આપવું જોઈએ…” અહીં, મોહવશ ક્ષમા થઈ રહી છે.
ક્ષમા મોહવશ હોય, ભયવશ હોય, સ્વાર્થવશ હોય… ઇન્કમ–ટેક્સ ડિપાર્ટમેન્ટની raid (રેડ) પડી હોય, અધિકારીઓ આવ્યા હોય, એ ગમે તે બોલતા હોય… તો પણ આપણે ગુસ્સો નથી કરતા, મોઢું નથી બગાડતા, કોઈ પ્રતિક્રિયા જ નથી કરતા, આપણે તો બસ, “હા, સાહેબ… હા, સાહેબ,” કહીને ભૂલી જઈએ છીએ, કેમ કે અહીં આપણા સ્વાર્થ, ભય, લોભ, લાલચની સ્થિતિ હોય … કોઈ મોટો ફાયદો થવાનો હોય, ક્ષમા કરી દઈએ છીએ… એવી પણ સ્થિતિ હોય જ્યાં આવું કશું જ ના હોય, માત્ર સામેવાળના કલ્યાણનો જ ભાવ હોય કે સામેવાળાનું કલ્યાણ થાય, ભલું થાય.
અંબરીષ રાજા હતા, એમનના જીવનો પ્રસંગ તમને પણ ખ્યાલ હશે કે એમણે એક વખત વ્રત કરેલું, અને જે દિવસે એ વ્રતના પારણાં હતા એ જ દિવસે એક ઋષિ આવી ચઢ્યા, રાજાએ એમને આમંત્રણ આપ્યું કે તમે જમવા આવજો. ત્યાર પછી ઋષિ તો સ્નાન કરવા ગયા, અને કદાચ એમણે જાણીજોઇને કે પછી કોઈ પણ કારણસર કર્યું હોય, પણ પાછા વળતા એમને મોડું થયું, અહીં તો પારણાંના મુહુર્તનો સમય જતો હતો. રાજાએ અન્ન તો ના ખાધું, કે ઋષિને જમાડયા વગર મારાથી કઈ રીતે જમી શકાય? તેથી એમણે તો માત્ર એક તુળસીનું પાન લઈ મોઢામાં રાખી લીધું. એવામાં દુર્વાસા ઋષિ આવી ગયા, અને વાત સાંભળીને એ તો બહુ ક્રોધે ભરાયા; એમણે કીધું, “અરે! મને જમાડયા વગર તેં તારા વ્રતના પારણાં કરી લીધા? તેં જમી લીધું?” કહેવાય છે કે, દુર્વાસા ઋષિએ તો રાજાને મારી નાંખવા માટે એમના ઉપર એક કૃત્યા મોકલી; તો પણ રાજા તો પોતાના ભક્તિ–ભાવમાં જ રહ્યા, પોતાના ઇષ્ટના જ સ્મરણમાં રહ્યા. ભગવાનને આ વાતની ખબર પડી, પોતાના ભક્ત ઉપર સંકટ જોયું, અને એમણે તો ઋષિ ઉપર સુદર્શનચક્ર મોકલ્યો, જેણે દુર્વાસાજીના કૃતયાને મારી નાંખી, અને પછી તો સુદર્શનચક્ર ઋષિ દુર્વાસા પાછળ ગયો; દુર્વાસા ઋષિ તો જીવ બચાવવા બધી જગ્યાએ ગયા, કોઈએ શરણ આપ્યું નહીં… છેવટે, થાકીને ઋષિ રાજા અંબરીષ પાસે આવ્યા; પણ રાજા તો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, કહે, “ના, ભગવાન! એમને ક્ષમા કરો, મારો જ ક્યાં’ક ગુનો થયો હશે, મારી જ કંઈ ભૂલ થઈ હશે.”
એટલે, ક્ષમા પાછળ એ ભાવ રહ્યો હોય કે સૌનું કલ્યાણ થાય, કોઈને તકલીફ ના થાય… અને આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે એની ભક્તિભાવની પરાકાષ્ઠા હોય,
આત્મભાવની સ્થિતિ હોય – આ પ્રમાણેનો ભાવ, ક્ષમા માટેની આવી ઉચ્ચ સ્થિતિ એમ–ને–એમ, સહેલાઈથી તો નથી આવતી, એ ભાવ, એ સ્થિતિ તો ધીમે–ધીમે કેળવવી પડે. મારા ગુરુજી મને કહેતા કે સાધન અને સાધ્યમાં બહુ ફેર નથી હો’તો, તો પણ ફેર એટલો જ કે સમાધિમાં મનની સ્થિરતા, શાંતિ સહજ હોય, જ્યારે સાધન પ્રયત્નપૂર્વક હોય છે, સાધકે તો પ્રયત્ન–પૂર્વક મનને સ્થિર કરી, શાંત કરવું પડતું હોય છે. એટલે, જ્યાં બોધ છે, આત્મસ્થિતિ છે ત્યાં ક્ષમા સહજ છે, કેમ કે ત્યાં બધુ એક જ છે, બીજું કોઈ છે જ નહીં, તો કોણ, કોની ઉપર ગુસ્સો કરશે? બીજો હોય તો કોઈ પ્રતિક્રિયા થાય, આત્મસ્થિતિમાં તો બધે ‘એક’ જ છે, એટલે ત્યાં ક્ષમા સહજ છે; પરંતુ કોઈ સાધક હોય તો એણે સાધન કરવું પડે, પ્રયત્ન કરવો પડે, જેને આધારે એ પોતાની અંદર ક્ષમાના ગુણને પોતાની રીતે કેળવી શકે.
ક્ષમાના ગુણને કેળવવા માટે સાધકે થોડી વાતો, વિચારો સમજવા ઉપયોગી છે – આ માટે થોડા વિચારો છે જે આપણેને ધીમે–ધીમે ક્ષમા કરતા શીખવે.
પહેલી વાત તો એ કે દરેક માણસમાં ગુણ–દોષ હોય જ છે, કોઈમાં કોઈ દોષ જ ના હોય એવું ના બને. દરેક માણસનું વર્તન એના ગુણ–દોષના સ્વભાવને લીધે થતું હોય, અને તેથી દરેક વ્યક્તિમાં ગુણ–સ્વભાવ–જણીત ભિન્નતા રહેવાની જ, ભેદ રહેવાનો જ; આખી પૃથ્વી ઉપર આપણા જેવા જ વાણી–વર્તન–સ્વભાવ બીજાના નહીં હોઇ શકે અને તેથી, આખી દુનિયાની દરેક વ્યક્તિમાં સ્વભાવની ભિન્નતા રહેવાની, ભેદ તો રહેવાનો જ છે.
બીજી વાત, ભૂલ કોઈથી પણ થઈ શકે છે – એ સહજ–સ્વાભાવિક છે, ભૂલ તો કોઇથી પણ થઈ જાય; પરંતુ આપણાથી ભૂલ થાય છે ત્યારે કહીએ છીએ કે, આવી ભૂલ તો થાય, માણસ છીએ; પરંતુ એ જ ભૂલ જો બીજાથી થાય તો આપણને એમ જ થાય કે આવું થયું? આવું કેમ થાય?
મને ખ્યાલ છે કે હું જ્યારે નડીઆદની એક સોસાઇટીમાં રહેતો હતો ત્યારે, અમારી સામે જ એક પરિવાર રહેતો હતો; ત્યાંના ભાઈ કોઈ દિવસ માંદા ન્હોતા પડ્યા, એટલે ઘરમાં કોઈ પણ જો માંદુ પડે તો એ ગુસ્સે થાય, કહે કે તમે માંદા પડ્યા જ કેમ? તમે એવું તે શું કર્યું કે તમને તાવ આવ્યો? હવે, ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડી હોય ત્યારે એક તો એ તાવથી હેરાન થતી હોય, અને એના ઉપર આ ભાઈના ગુસ્સાનો તાવ (તાપ). એક દિવસ આ ભાઈને આંખની તકલીફ થઈ, એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા; તપાસ કર્યા બાદ, એમને સર્જરી કરવા માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા; ત્યાં બધું જોઈને એ તો એટલા બધા ગભરાઈ ગયા કે તરત જ એમનું B.P. વધી ગયું, અને ત્યાં ઓપરેશન ટેબલ ઉપર જ એમને એટેક આવી ગયો – આ જ માણસ બીજાની બીમારીને અપરાધ ગણતા હતા, અને જાતે બીમાર થયા તો બધું ભૂલી ગયા.
તો, સામેવાળાથી જો ભૂલ થાય, તો મારાથી પણ ભૂલ થઈ શકતી હોય, અને તો હું બીજાની ભૂલને ભૂલી શકું છું, અને ક્ષમા પણ કરી શકું. એક સ્વાભાવિક વાત છે કે ભૂલ દરેકથી થતી હોય, અને એમાં જો પોતાપણું હોય, બ્લડ રિલેશન હોય તો ત્યાં એની અંદર ક્ષમા કરવાનો ભાવ પણ સ્વાભાવિક હોય છે – કહેશે કે, ‘આપણો જ માણસ છે ને’. આપણા બાળકની ભૂલને આપણે ભૂલી શકીએ છીએ, એને ક્ષમા કરી શકીએ છીએ કેમ કે એ પોતાનું છે. સંબંધોમાં જેમ–જેમ પોતાપણું વધાતું જાય તેમ–તેમ ક્ષમા કરવાનો ભાવ સ્વાભાવિક રીતે વધતો જાય છે. આપણા જ દાંતોની વચ્ચે રહેતી, આપણી જ જીભ જ્યારે ક્યારે થોડી પણ જો કચરાઈ જાય તો આપણે દાંતને શું સજા કરીએ છીએ? એ દાંતને તોડી પાડીએ છીએ? ના, કેમ કે દાંત અને જીભ બંને આપણા ‘મારાં’ જ છે, બંને એક જ છે. એવી જ રીતે, ક્યારે’ક હાથથી આંખમાં ઝાપટ વાગી જાય; કે ક્યારેક જોવાનું ચૂકી જઇએ અને જો ખાડામાં પડી જઈએ, તો આપણે ના તો હાથને ગુસ્સો કે સજા કરીએ છીએ, કે ના તો આંખને.
દરેકની અંદર ઈશ્વરીય શક્તિ છે એ જો આપણે માનતા હોઈએ તો, એ બધાં જ સંબંધો દિવ્ય સંબંધો છે, કેમ કે આપણે બધા ભગવાનના જ અંશો છીએ. જે પ્રમાણે મારી અંદર ભગવાન વિરાજમાન છે, મારી અંદર ભગવાનની શક્તિ કામ કરી રહી છે, એવી જ રીતે બીજાની અંદર પણ એ જ ભગવાન વિરાજમાન છે, એની અંદર પણ ભગવાનની શક્તિ કામ કરી રહી છે – જેમ–જેમ આ વિચાર સજાગતાથી વિચારતા, સ્વીકારતા જઈએ, તેમ–તેમ ધીમે–ધીમે, ધીમે–ધીમે એ આપણને ક્ષમા કરતા શીખવે છે, અને પછી સહજતાથી ક્ષમા કરતા પણ શીખીએ છીએ.
આ વાતોમાં એક મૂળ વાત એ છે કે જે વ્યક્તિ જેવી છે એવી સ્વીકારી શકતા હોઈએ તો, ક્ષમા કરવાનું સહેલું થઈ જાય – કોઈનો સ્વભાવ બહુ બોલવાનો હોય, કોઈ વાતે–વાતે જૂઠું બોલ્યા કરે; તો આવા લોકોનો સ્વભાવ બેસી ગયો હોય, આપણે એને સ્વીકારી નથી શકતા, ભૂલી પણ નથી શકતા.
મને પ્રકૃતિની એક વાત બહુ જ ગમે છે – કુદરત દરેક વસ્તુને એના મૂળ સ્વરૂપમાં જ સ્વીકારે છે. તમે વિચાર કરો, કે એકદમ વિરુદ્ધ ગુણધર્મની વસ્તુઓ આ પૃથ્વી ઉપર કેટલી સહજતાથી રહે છે – અહીં જ ઝેર પણ છે, અને અમૃત પણ છે; આ જ પૃથ્વી ઉપર ઝેરીલા વૃક્ષો પણ છે, અને મા–જેવા, અમૃતના વૃક્ષો પણ છે; એકદમ કડવા કે તીવ્ર તીખા વૃક્ષો પણ છે, અને ખૂબ મીઠાં – સાકર કરતાં પણ મીઠાં, એટલી મીઠાશ – એવા વૃક્ષો પણ છે; અને કડવું’ય છે, તીખું’ય છે, ગળ્યું પણ છે અને સાથે–સાથે મધુર પણ છે. આમ પ્રકૃતિ દરેકને સ્વીકારે છે, દરેકને ધારણ ન કરે છે.
આપણે મનુષ્યો પણ તો કુદરતના જ ભાગ–રૂપે છીએ, તો આપણે પણ કુદરત પાસેથી દરેક વ્યક્તિને એના સ્વભાવ સાથે સ્વીકારવાનું તો શીખીએ, પરમાત્મા પાસેથી એ તો શીખીએ. જે વ્યક્તિ જેવી છે એવી, એ જ સ્વરૂપમાં સ્વીકારી તો શીખી શકું. કુદરત બધાં’યને સ્વીકારે છે. બધાં’યનો સમાવેશ કરે છે, તો હું પણ એવું કરી શકું. એટલે જ સંતો પાસે બધાનો સમાવેશ થઇ જતો હોય છે, શિવજી પાસે બધાનો સમાવેશ છે, એમની પાસે પરસ્પર વિરોધી કહી શકાય એવા જીવો છે – તમે કલ્પના કરો, મોર અને સાપ, બંને સાથે હોય, ત્યાં, શિવજી પાસે અમૃત–સમાન મા–ગંગા પણ છે, અને કાળકૂટ ઝેર પણ છે – બધું સાથે–સાથે છે.
ગુરુદેવ સ્વામી શિવાનંદજી હતા, કેટલા’ક લોકોને એમની વાતો ન્હોતી ગમતી, એટલે એમની ટીકા પણ કરતા, કહેતા કે આ તો ગુંડાઓના ગુરુ છે, કેમ કે એમની પાસે કેટલા’ય ગુંડાઓ, બદમાશો પણ આવતા હતા, અને એ જ ગુરુદેવે કેટલી મહાન વિભૂતિઓને પણ આપી છે! તમે વિચાર કરો, આવા તદ્દન વિરુદ્ધ પ્રકૃતિના લોકોને સાથે રાખવા માટે ગુરુદેવનું હ્રદય કેટલું, વિશાળ અને ઊંડું હશે, એની અંદર કેટલી બધી ક્ષમા હશે! એટલે, આપણા ગુરુજી સ્વામી સત્યાનંદજી, સચ્ચિદાનંદજી, વેંકટેશાનંદજી, ચિદાનંદજી, એવા કેટલા મોટા–મોટા સંતો આપણને આપ્યા! અને ગુરુદેવ પાસે ગુંડાઓ, બદમાશો પણ આવતા, કેમ કે ગુરુદેવની અંદર દરેકને એ જેવા હોય તેવા સ્વીકારવાનો ખૂબ ભાવ હતો.
સ્વામી સત્યાનંદજી એક વખત એમનો અનુભવ કહેતા હતા – સ્વામી શિવાનંદજીના આશ્રમમાં એમને અન્નપૂર્ણાની સેવા હશે, અને ત્યાં ભગવાનને ભોગનો થાળ ધરાવી ‘દે પછી અન્યોને જમવા માટે ઘંટ વાગતો, પછી જ બધા જમવા આવે. એક દિવસ એક ભાઈને જવાની થોડી ઉતાવળ હતી, એટલે એમણે સ્વામી શિવાનંદજીને વિનંતી કરી કે ‘મારે જવું છે, તેથી ભોજનની થોડી જલ્દી વ્યવસ્થા થાય તો સારું’. શિવાનંદજીએ તરત સ્વામીજીને કહ્યું, “તું એમને પહેલા જમાડી ‘દે”. સ્વામીજીને થયું, ભગવાનને ભોગ ધરાવતા પહેલા આમને કઈ રીતે જમાડું? ત્યારે શિવાનંદજીએ કહ્યું કે “એની અંદર પણ નારાયણ છે, એ પણ નારાયણનું જ સ્વરૂપ છે, તેથી એને પહેલા જમાડી દઇશ તો વાંધો નથી.” સ્વામીજીને આ વાત ના ગમી, તેઓ ગુસ્સે થઈ ગયા, રસોડાની ચાવી જે એમની પાસે હતી એ ચાવી ફેંકી દીધી, અને ગુરુજીને કહ્યું, “લો, તમે જ સંભાળો, ભગવાનને થાળ ધરાવ્યા વગર હું એને નથી જમાડવાનો,” કહીને એ તો જતા રહ્યા. ગુરુદેવે ચાવી લીધી, એ સાધકને પ્રેમથી જમાડયા, કે કોઈ બીજી વ્યવસ્થા કરી હશે; પણ પછી સ્વામી સત્યાનંદજીને ક્ષોભ થયો – જો એમણે એ વખતે કોઈ પણ પ્રતિક્રિયા કર્યા વગર એમ–ને–એમ રહ્યા હો’ત, તો એમને કદાચ ક્ષોભ ના થા’ત – પણ ક્ષોભ થયો; અને પછી એ ક્ષોભને લીધે તેઓ ત્રણ દિવસ જમ્યા જ નહીં, ભોજન ના કર્યું; પછી શિવાનંદજી આવ્યા, એમને પ્રેમથી લઈ ગયા, મનાવીને જમાડયા. હવે, આવી ક્ષમા ના કરી શકીએ, તો આવી મહાન વ્યક્તિ તૈયાર થઈ શકે નહીં, ગુરુદેવની અંદર ખૂબ ક્ષમા હતી, એટલે તેઓ મહાન વ્યક્તિઓને તૈયાર કરી શક્યા.
તો, ક્ષમા આવી હોય, એ દરેક વ્યક્તિને એના સ્વભાવ સાથે સ્વીકારે છે, કેમ કે દરેકનો જે સ્વભાવ છે એ તો રહેવાનો, અને જો પરમાત્મા સ્વીકારે છે, કુદરત સ્વીકારે છે, તો આપણે પણ એ પ્રમાણે સ્વીકારી શકીએ. મારી અંદર બીજા માટે પણ પોતાપણું હોય, એકાત્મતાનો ભાવ હોય, ત્યારે ક્ષમા થતી હોય, એ ગુણ ધીમે–ધીમે વધતો જાય. જ્યારે હું કોઈને ક્ષમા કરું છું, ત્યારે અનાયાસે એની અને મારી અંદર એક દૈવી સંબંધ, એક પ્રકારની દૈવી સહજતા, સમાનતા ઊભી થતી જ હોય છે, એ અનાયાસે થાય છે. હું બીજાને જેટલો સ્વીકાર કરતો જાઉં છું, જેટલી ક્ષમા કરતો જાઉં, તેટલું મારું દિલ મોટું થતું જાય; હું ઉદાર થતો જાઉં અને જેમ–જેમ મારી અંદર ઉદારતાના, ક્ષમાના ગુણ વધતા જાય, તેમ–તેમ અનાયાસે મારી અંદર બીજા બધાય સદ્ગુણો પણ આવતા જ હોય; માણસ એટલો પ્રેમાળ થતો જાય; પછી એની અંદર દરેક માટે પ્રેમ–કરુણાનું ઝરણું ફૂટે છે, એ ઝરણું પછી દરિયો થતો જાય… એ ઉદાર થતો જાય… અને આ બધા ગુણોને લીધે એને અંદર ચૈતન્યની અનુભૂતિ થતી જાય – કેમ કે મને અને બીજાને, બંનેને ‘એક’ કરનાર એ પરમ ચૈતન્ય સિવાય બીજું કશું હોય નહીં; એટલે, એની અંદર બધા પ્રત્યે પોતાપણાનો ભાવ જાગે, એને ચૈતન્યની અનુભૂતિ થાય.
એટલે, માણસ ભલે ક્ષમાના ગુણની શરૂઆત વ્યવહારથી કરે, નાના–નાના વ્યવહારોથી ભલે એની શરૂઆત થાય –પરંતુ, પહેલા વાત કરી હતી તેમ, ક્ષમા હોય, સત્ય હોય, અહિંસા હોય દરેક દૈવી સંપત્તિના ઉપયોગ સાથે વિવેક તો જોઈએ જ.
સત્ય સાથે વિવેકનું એક તાજું ઉદાહરણ – ૨૦૧૯ના મધ્યમાં આપણા એક ફાઇટર પાઇલટને પાકિસ્તાને એની સરહદ નજીક પકડી પાડ્યો હતો; ત્યાં એને ૬૦ દિવસો સુધી બંદી બનાવી એ લોકોએ એને જાત–જાતના સવાલો પણ કર્યા – તું કયા વિમાનો ઉડાવાતો હતો, “ના, નહીં કહી શકું”; તું અહીં (પાકિસ્તાનની બોર્ડર સુધી) શેને માટે આવ્યો હતો? કોઈ મિશન હેઠળ આવ્યો હતો? “ના, નહીં કહી શકું”. હા, માણસે સત્ય પાળવું જોઈએ, પરંતુ, સત્યવાદિતાનો અર્થ એવો નથી કે તમે દુશ્મનને પણ તમારા દેશની મહત્ત્વની વાતો, હકીકતો, બધું જ સાચે–સાચું કહી ‘દો કે ‘હા, હું આ વિમાન ચલાવતો હતો’, ‘અહીં આ કારણે આવ્યો હતો’, વિગેર. તો, આવા કપરા સમયે માણસમાં સજાગતા, હિંમત સાથે વિવેક પણ જોઈએ.
સત્યને પામવા માટે આપણા ઋષિઓએ બે માર્ગો આપ્યા છે – નિવૃત્તિ અને પ્રવૃત્તિ, એક સંન્યાસ માર્ગ, બીજો સંસારી/ગૃહસ્થનો માર્ગ. શરૂઆતમાં આ માર્ગો જુદા લાગે, બંનેમાં ભેદ છે, પ્રવૃત્તિ–માર્ગની પૂર્ણતા પણ છેવટે તો નિવૃત્તિમાં જ છે, અંતે એ બંને માર્ગ એક થઈ જાય છે નિવૃત્તિમાં. સંન્યાસ માર્ગ એ છે જેમાં એ માર્ગે ચાલનારને માત્ર–ને–માત્ર આત્મા સાથે જ સંબંધ છે, બીજા કશા સાથે નહીં. એટલે, સંતોની ક્ષમા અને સંસારીઓની ક્ષમામાં ઘણો ફેર હોય છે – સંસારીની ક્ષમા–માં વ્યક્તિગતતા હોય છે, એની ક્ષમામાં વ્યક્તિગત ફાયદો, લોભ, મોહ, ભય, જેવા પોતિકા કહી શકાય એવા ભાવો હોય છે, જ્યારે સંતોની ક્ષમામાં કેવળ વ્યષ્ટિ, વિરાટનો જ પ્રશ્ન હોય છે, એટલે એમની ક્ષમા જુદા પ્રકારની હોય છે.
મહાવીર સ્વામીના જીવનમાં એક વખત એવું બન્યું કે તેઓ એક વખત, એક વૃક્ષ નીચે સાધના કરતા હતા – અને એ ઊભા–ઊભા ધ્યાન કરતા, તેઓ એક જ એવા મહાપુરુષ છે જેમણે ધ્યાનના બે આસનો સિલેક્ટ કરેલા – ઊભા–ઊભા અને ગૌદોહાસન. ધ્યાનનો મોટો શત્રુ ઊંઘ છે – અને યોગના ક્ષેત્રે લગભગ દરેક સ્થિતિમાં ઊંઘ આવવાની શક્યતા ઘણી છે, ખાસ કરીને યોગનિદ્રામાં; અને ઘણા તો પદ્માસનમાં બેસીને પણ ઊંઘી જાય છે; પરંતુ ઊભા–ઊભા ધ્યાન કરતી વખતે ઊંઘ આવવાની શક્યતા નહીંવત, અઘરી છે, અને ગૌદોહાસનમાં આંખ બંધ કરીને તમે માંડ બે મિનિટ ઉભડક બેસી શકો. એટલે, મહાવીર સ્વામી ઊભા–ઊભા ધ્યાન કરતા, અને એમને કૈવલ્ય–જ્ઞાન ગૌદોહાસનમાં થયેલું.
તો, મહાવીર સ્વામી જ્યારે ઊભા–ઊભા ધ્યાન કરતા હતા, ત્યારે ત્યાં એક ભરવાડ આવ્યો, એના પશુઓ આજુ–બાજુમાં થોડે દૂર ક્યાં’ક ગયા હશે, અને ત્યાં એ ભરવાડે મહાવીર સ્વામીને ઉભેલા જોયા, એટલે એમને કીધું કે “મારી ગાયોનું ધ્યાન રાખજો.” આવું ૨,૦૦૦ વર્ષ પહેલા પણ હતું, અને આજે પણ એવું જ છે, કે કોઈ સાધુ હોય તો એને લોકો કહે, ‘તમે મંદિરમાં રહેજો’, એ આશાએ કે એ સાધુ મંદિરમાં કચરો–બચારો વાળશે, સફાઈ કરશે અને ભગવાનની પૂજા–બુજા તો કરશે; એટલે, ભરવાડે પણ કીધું મહાવીર સ્વામીને કે ‘તમે મારી ગાયોનું થોડું ધ્યાન રાખજો’.
હવે, મહાવીર સ્વામી તો ઊભા–ઊભા ધ્યાનસ્થ હતા. ભરવાડે આવીને જોયું તો એની ગાયો આડી–અવળી ચાલી ગઈ હતી, એ જોઈને એને એટલો તો ગુસ્સો આવ્યો કે એણે તો મહાવીર સ્વામીના કાનમાં ખીલા જ ઠોકી દીધા! તો પણ એમણે કોઈ પ્રતિક્રિયા ના કરી, તેઓ શાંત રહ્યા… આમ, સાધુ–સંતની ક્ષમા જુદી હોય છે, કે કોઈ હજાર વખત અપરાધ કરે તો’ય એને ક્ષમા કરે.
સોળમી સદીના મહારાષ્ટ્રના એક સંત એકનાથજી, એમના જીવનનો એક કિસ્સો કઈંક આવો હતો – એમના ગામના એક મુસ્લિમ માણસે એવો અપરાધ કર્યો કે એકનાથ એમના ઘર નજીકની ગોદાવરી/કૃષ્ણ/ભિમા નદીમાં જેટલી વખત સ્નાન કરીને આવે તેટલી વખત એ મુસ્લિમ એમને અશુદ્ધ કરી ‘દે, એકનાથ ફરી સ્નાન કરવા જાય, સ્નાન કરીને પાછા આવે કે તરત એમને પેલો અશુદ્ધ કરી ‘દે. તો, પણ એકનાથજી દરેક વખત એને ક્ષમા કરી દે’તા. તો, સંતો માટે આવી વ્યક્તિઓને ક્ષમા કરવાનું સહજ હોય છે. પુરાણોમાં વાર્તા આવે છે કે ભગવાને વિષ્ણુ સ્વરૂપમાં ભૃગુ ઋષિને ક્ષમા કરી શકે છે; કોને ક્ષમા કરીએ છીએ એમાં પણ વિવેક જોઈએ. નિવૃત્તમાર્ગવાળાની ક્ષમા તો બધા માટે સમાન હોય, સામેવાળો ખોટો હોય કે સાચો, એમને કોઈ ભેદ નથી.
વિનબા બહુ સરસ વાત કરતા, કે એમના મા–નો સ્વભાવ કેવો, કે કોઈ ભિક્ષુક આવે તો તરત જ એને ઘરમાંથી કશું’ક કાઢીને આપી ‘દે; બારણે કોઈ માંગવા પણ આવે તો કશું’ક આપી ‘દે. એક દિવસ, વિનોબાજીએ મા–ને પૂછ્યું કે “મા, તું આવું કેમ કરે છે? આપતા પહેલા તું થોડો તો વિચાર કર છે કે એ યોગ્ય છે કે અયોગ્ય છે?” તો મા–એ કીધું કે “જો, હું તો ‘નારાયણ’ને આપી દઉં છું, એ ‘નારાયણ’ યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય તું કર.” એટલે, નિવૃત્તિ–માર્ગવાળાઓની ક્ષમામાં યોગ્યતા–અયોગ્યતાના નિર્ણયની વાત જ નથી, ઋષિઓ, સંતો તો કાયમ બધાને ક્ષમા કરે છે.
અધ્યાત્મ માર્ગમાં હોય, ભક્તિ માર્ગમાં હોય એનાથી પણ ક્યારે’ક ભૂલો થતી હોય, પરંતુ એમની ભૂલો એ એમનો સ્વભાવ ના હોય; એમને ક્યારે’ક ગુસ્સો આવી જાય, પરંતુ ગુસ્સો એ એમનો સ્વભાવ ના હોય; કોઈ બીજી ભૂલો થાય તો એ ભૂલો એમનો સ્વભાવ ના હોય, એટલે, જો ક્યારે’ક એમનાથી કોઇ ભૂલ થઈ જાય, તો પછી એમને અંદર પસ્તાવો થાય. પરંતુ, જેનો સ્વભાવ જ હોય, ગુનેગાર લોકોનો સ્વભાવ જ થઈ ગયો હોય, એને એનો કોઈ પસ્તાવો ના હોય. તમે મોહમ્મદ ગોરીને ક્ષમા આપો તો શું એ સુધરી જશે? એવું બનવાનું નથી; હા, ઋષિ સુધરી શકે છે.
એટલે, અધ્યાત્મમાર્ગીઓ પોતાની દૈવી સંપત્તિનો ઉપયોગ કરે છે તો એ પૂર્ણ રૂપે વ્યક્તિગત વાત છે, દૈવી સંપત્તિનો ઉપયોગથી એને જે ફાયદો કે નુકશાન થવાનું છે એ એને એકલાને થશે – હું ક્ષમા કરું છું, એનો જે ફાયદો થશે એ મને જ થશે, જે નુકશાન થશે તો એ પણ મને થશે – તો આ વ્યક્તિગત વાત છે; પરંતુ જ્યાં સમાજ–દેશનો પ્રશ્ન છે, ત્યાં પછી એ ક્ષમા ના હોય. બુદ્ધપુરુષો છે એ સજા આપીને પણ ક્ષમાવાન રહે છે – આ વાતને સમજજો.
ભગવાન રામ, રાવણને ક્ષમા નથી કરતા, એને છોડી પણ નથી દે’તા, રામ એને દંડ આપે છે, અને એ દંડ આપીને પણ ક્ષમાવાન છે. રાવણ માટે એમને એટલું માન છે, નહીં તો લક્ષ્મણજીને ઉપદેશ લેવા માટે છેલ્લા શ્વાસ ગણતા રાવણ પાસે મોકલત નહીં; રાવણવધ પછી ભગવાનને પણ થયું કે એમનાથી બ્રહ્મહત્યા થઈ છે, તેથી ભગવાને રામેશ્વરમ્–માં ભગવાન શિવજીની સ્થાપના કરી, પૂજન કર્યું હતું – તો રામ દંડ આપીને પણ ક્ષમાવાન છે.
એટલે, જ્યાંથી સમાજને, દેશને વધારે નુકશાન થઈ શકતું હોય, ત્યાં ક્ષમા ના થઈ શકે, એ કામ પ્રવૃત્તિમાર્ગવાળાનું છે, રાજા લોકોનો માર્ગ છે; પરંતુ, જ્યાં વ્યક્તિગત પ્રશ્ન છે, અધ્યાત્મ માર્ગે ચાલનારા માટેની, સાધુની ક્ષમા જુદી, રાજાની ક્ષમા જુદી હોય, અને એ વિવેક તો જોઈએ. વિવેક સાથે ક્ષમાની આપણી યાત્રા ચાલુ રહે તો, ધીમે–ધીમે એ સત્ય સુધી પહોંચી શકાય, ધીમે–ધીમે એ આત્મભાવ સુધી આપણને લઈ જઈ શકે છે.