ભારતીય સંસ્કૃતિ – પ્રવચન પુષ્પ – ૩૧ – વાનપ્રસ્થાશ્રમ
(પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)
કોઇ પણ સ્ટ્રક્ચર, માળખું એ વાતને આધારે બને છે કે એનો ઉપયોગ શું હશે – એ રહેવા માટે ઘર હશે, શાળા-કોલેજ હશે, ફેકટરી, દુકાન, હોસ્પિટલ કે અન્ય બીજું કાંઇ; જો ફેક્ટરી હશે તો એમાં અંતિમ વસ્તુ, ફાઇનલ પ્રોડક્ટ જે બનાવવાનું હશે એને માટે પછી એ સ્ટ્રક્ચરની અંદર જોઇતી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. ઠીક એવી જ રીતે, આપણી ભારતીય સંસ્કૃતિની આખી જે રચના ઉભી કરાઇ છે એ એટલી તો ઉત્કૃષ્ટ છે કે જેને લીધે એ રચનાનું પૃથ્વી ઉપર વિશિષ્ટ સ્થાન રહ્યું છે; અને હજારો વર્ષોથી ધબકતી આ સંસ્કૃતિના માળખાનો મૂળ હેતુ રહ્યો છે જીવનની અંતિમ પરમ ઉપલબ્ધિ, ફાઇનલ પ્રોડક્ટ, ફાઇનલ અચીવમેન્ટ – આત્મ સાક્ષાત્કાર.
આજની નવી, ખાસ કરીને પાશ્ચાત્ય સમાજની, વ્યવસ્થા જે છે એની અંતિમ ઉપલબ્ધિ છે ‘આર્થિક સમૃદ્ધિ’ (economical gain). આ મૂળ વાતને કેંદ્રમાં રાખીને આવશ્યક એવું આખું માળખું ઊભું કરાયું છે. આ સમાજમાં વિકાસનો માપદંડ છે આર્થિક સમૃદ્ધિ – એમાં દરેક માણસ, અને આખો સમાજ પણ આર્થિક રીતે જેટલો મજબૂત હશે તેટલો એ વિકસિત ગણાશે. આપણી સંસ્કૃતિમાં વિકાસની પરાકાષ્ઠા છે ‘બોધ’ અને ‘સ્વ’ની ઉપલબ્ધિ; આ મૂળ વાત ધ્યાનમાં રહેશે તો જ આપણી બધી વ્યવસ્થાઓ સમજાશે, જો ધ્યાનમાં નહીં હશે, તો આપણી વ્યવસ્થા નહીં સમજાશે.
ભારતના સામાજીક માળખાના સંદર્ભમાં આપણે ‘ચતુરાશ્રમ’ અને એના અંતર્ગત ‘ગૃહસ્થાશ્રમ’ ઉપર વિચાર કરી રહ્યા હતા. આપણી સંસ્કૃતિના પાયા-સમ આ વ્યવસ્થાઓ સમાજના વહીવટી સત્તાનું ‘વિકેંદ્રીકરણ’ (decentralisation) કરે છે, કે જેમાં સમાજની દરેક વ્યક્તિઓ પોત-પોતાની જવાબદારીઓ સમજીને નિભાવતા હોય છે, ના કે પાશ્ચાત્ય સમાજમાં હોય છે એવું સત્તાનું ‘કેંદ્રીયકરણ’ (centralisation), કે જ્યાં બધી સત્તા એક જ જગ્યાએ હોય છે. આપણા વિકેંદ્રિત સમાજમાં જીવનની લગભગ દરેક પ્રકારની જવાબદારીઓ આપણી પોતાની જ હોય છે, તે ત્યાં સુધી કે જો હું સાંસારિક બંધનમાં પડ્યો છું, તો એને માટે પણ હું જ જવાબદાર છું, અને એ જવાબદારી પણ મારી જ છે કે મુક્ત થવા માટે હું યથા-યોગ્ય પ્રયાસો કરી મુક્ત થાઉં.
બીજી મહત્વની વાત, આપણી વ્યવસ્થા લોકોને એક-બીજા સાથે જોડનારી છે, અને એ પણ ભાવપૂર્વકની જવાબદારીઓ સાથે! કુટુંબ-પરિવારના લોકોને એક-બીજા સાથે જોડે છે, આ જ પરિવારોના સમૂહ પછી સમાજ સાથે જોડાયેલા હોય, આ સમાજ પછી દેશ સાથે, અને દેશ આખા વિશ્વ અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય! આમ એકે-એક વ્યક્તિને આ રીતે એક-બીજા સાથે જોડે છે – અને આ વ્યવસ્થામાં બધું લગભગ એની મેળે જ થતું રહે છે, જાણે કે સ્વયંસંચાલિત, autonomous હોય, એવા સંસ્કારો, એવી ભાવનાઓ આપણી અંદર ભરી છે આ સંસ્કૃતિએ.
આપણે ત્યાં દરેક વ્યક્તિ માટે જે બધી જવાબદારીઓ છે એ બધી કર્તવ્યરૂપે છે, એમાં કર્તવ્યનો ભાવ છે – મારા પ્રત્યે મારી પોતાની જવાબદારી, એ મારું કર્તવ્ય છે, એવી જ રીતે મારા કુટુંબની સાર-સંભાળ રાખવાની, મારા માતા-પિતા, બાળકો, ભાઇ-બહેનોની જવાબદારી મારી છે, અને એ મારું કર્તવ્ય પણ છે. થોડું વિસ્તારીને જોઇએ તો વૈયક્તિક-કુટુંબની જવાબદારી સમાજ સુધી અને દેશ સુધી વિસ્તરે છે. આવી વ્યવસ્થાને કારણે લોકો એક-બીજા સાથે પ્રેમ અને ભાવથી જોડાઇને રહેતા હોય, એક-બીજાને હુંફ, સથવારો પણ મળી રહેતો હોય, લોકોમાં આનંદ હોય – આ બધી જવાબદારીઓ સરકારની નથી, કેમ કે સરકારની જવાબદારી તો સમાજમાં, દેશમાં સુરક્ષા પૂરી પાડવાની, અન્ય આવશ્યક સર-સાધનો, રેલ્વે, રસ્તાઓ, વિજળી-પાણી, આર્થિક, કાયદાની વ્યવસ્થા, અને એ બધાંનુ સુચારુ રીતે પાલન, વિગેરેની જવાબદારીઓ હોય.
નવી, પાશ્ચાત્ય વ્યવસ્થામાં મોટા ભાગની બધી સત્તા સરકાર પાસે હોય, તેથી, ત્યાં બધી જવાબદારીઓ પણ સરકારની હોય. આવી વ્યવસ્થાને આપણે પૂરી રીતે સમજતા ના હોઇએ તેથી કહીએ છીએ કે “વાહ!, ત્યાં તો કેવી મઝા, બધી જવાબદારી સરકારની” – બાળકોને ઉછેરવાની, બાળકોને ભણાવવાની, દવા-મેડિકલના ખર્ચાઓ સરકાર કરે, સોશિયલ સિક્યુરિટીની જવાબદારી સરકારની, નોકરી પણ એ અપાવે, અને ઘરડાં થાઓ તો એનો પણ ખ્યાલ સરકાર રાખે… આપણને ગમે કે કેટલી સરસ વ્યવસ્થા છે!
પરંતુ, જ્યારે વૈયક્તિક, સામાજીક જવાબદારીઓ સરકાર લે’તી જાય છે ત્યારે બે વાતો મુખ્યત્વે પરિણમે છે – એક, ધીમે-ધીમે સમાજના લોકોને એક બીજાથી દૂર કરતી જાય છે, જેની આડ-અસર રૂપે એ સમાજમાં એકલતા, અવિશ્વાસ, સ્ટ્રેસ, માનસિક બિમારીઓ વિગેરે વધતી રહે છે; બીજું, આખા સમાજના લોકોની જવાબદારીઓ વધે છે, તો એ બધાનો ખર્ચ પણ વધે છે, એનો બોજ સરકાર ઉપર જ હોય. વળી, પૈસાની લેવડ-દેવડ જે-તે સરકારી ખાતાના બાબુઓ પાસે હોય, તેથી ત્યાં કરપ્શન પણ વધુ હોય! સરેરાશે, સમાજ આખો મોંઘવારીના વમળમાં સપડાતો જાય છે.
આજે યુરોપ, અમેરિકા, ચીન, જાપાન વગેરે બધા વિકસિત દેશોમાં આપણા કરતાં ખૂબ ભૌતિક વિકાસ થયો છે. હવે આ બધા દેશોમાં સૌથી મોટી સમસ્યા છે ઘટતા બર્થ-રેટની.
હવે એ લોકોને ભય સતાવી રહ્યો છે કે આવી સ્થિતિ હશે તો આવનારા 20-25 વર્ષોમાં 60+ વરસની ઉંમરના લોકો 60% હશે, અને એ બધાનો ખર્ચ જે બીજા 40% લોકો જે ટેક્ષ ભરનારાઓ છે એમની ઉપર આવશે. કમાનારા 35-40% લોકો, અને ખાનારા 60%!! હવે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે યોગ્ય પગલાં કે આવશ્યક કાયદાઓ માટે પણ ત્યાંની સરકારો ઉપર ખૂબ દબાણ થઈ રહ્યું છે!
ભૌતિક વિકાસની સાથે મોંઘવારી પણ વધે જ છે, અને એ દેશોમાં પણ બધા લોકો કાંઇ મોંઘા મેડિકલ ખર્ચાઓ નથી કરી શકતા, અને આગળ કહ્યું તેમ બધી જવાબદારી સરકારની હોય તો સરકાર પણ એ વધતા ખર્ચાનો બોજ, ખાસ કરીને વૃદ્ધોના મેડિકલ માટેના ખર્ચાઓ હવે નથી લઈ શકતી!! એટલે, હવે ઘણા દેશોમાં સરકાર જ તમને સ્વાભિમાનથી ‘ઇચ્છા મૃત્યુ, કે જાતે મરવાની છૂટ’ (euthanasia – યુથેનેસિયા) આપે છે – તમને જો જીવવાની ઇચ્છા નથી, તો હવે અમુક દેશોમાં સરકાર તમને ઇચ્છા મૃત્યુ માટે મદદ કરશે, કે હવે તમે ‘જઇ’ શકો છો.
હું એક કેસ વાંચતો હતો – ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વૃદ્ધથી એમની એકલતા જીરવાતી ન્હોતી, એમની આગળ-પાછળ કોઇ હતું નહીં, એમનું ધ્યાન રાખવાવાળું પણ કોઇ ન્હોતું, તેથી હવે એમને જીવવાની ઇચ્છા રહી ન્હોતી, અને એમને મરી જવા માટે, ઇચ્છા મૃત્યુ માટે એમની સરકાર કોઇ પરમિશન નથી આપતી, તો હવે એ વૃદ્ધ છેક સ્વિટ્ઝરલેન્ડ જઇને ત્યાં એમનો દેહ છોડવાના છે!
આપણે ત્યાં છેક આવી પરિસ્થિતિ નથી આવતી, કેમ કે આપણી સમાજ વ્યવસ્થા જ એટલી સરસ રીતે ગોઠવાયેલી છે કે જે કોઇ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે તો એને એક ભાવના હોય કે એને ત્યાં એક બાળક આવવું જોઇએ – અને જીવનના બધાં ક્ષેત્રોમાં ભાવનાની જ તો વાત છે! અને જો બાળક નહીં હોય તો એ માટે જાત-જાતના ઉપાયો કરશે, દવા કરશે, પૂજા-વિધિ કરશે, જે કરશે તે… પરંતુ, તમે પણ જોયું હશે કે આવા ભાવો હવે ઓછા થતા જાય છે. પહેલાં એવું હતું કે જો કોઇ બે’નને બાળક ના હોય તો એને કોઇ શુભ પ્રસંગમાં ન્હોતા બોલાવતા, ઘરમાં કે આડોશ-પાડોશમાં પાપડ-અથાણા બનાવાતા તો એ બે’નને અડકવા પણ ન્હોતા દે’તા, કહેતા કે આ તો વાંઝણી છે. તો, ઘરના લોકો, સમાજ આવી બે’નો ઉપર જાત-જાતના માનસિક દબાણ કરતા, અને તેથી દરેકને થાય કે મારે બાળક તો જોઇએ જ.
ગૃહસ્થાશ્રમમાં આ ‘બાળક’ હોવાની જે વાત છે, એ વાસ્તવમાં, મૂળમાં તો ભાવનાની જ વાત છે. તેથી, જો કોઇ પરિવાર એવું નક્કી કરી લે કે અમારે બાળક નહીં જોઇએ, તો તમે શું કરી લે’વાના છો? અને આજે આવી પરિસ્થિતિ, આ વિચારધારા માત્ર પરદેશોમાં જ નથી, આપણે ત્યાં પણ આવતી થઇ ગઇ છે. મોટા શહેરોમાં વિવિધ-ભાષા-સંસ્કારોવાળા લોકો રહેતા હોય એમાં એવું ઘણુ બધું થતું જાય છે; એ લોકો કહે કે ‘હમણાં તો કેરિયરની જ વાત છે, બીજી કોઇ વાત નથી, 35-40 વર્ષ સુધી તો (બાળક) માટે કોઇ પ્લાનીંગ નથી’, તો, એ લોકો ‘પ્લાનીંગ’ કરે કે ક્યારે એમણે બાળકને ‘તેડવું’ છે!
વળી, કેટલા’ક લોકોને તો એવું પણ થઇ શકે કે ‘બાળક માટે આપણે શું કરવા શરીર ખરાબ કરીએ, કેમ કે પછી તો એ સાથે રહેવાનું નથી’…એટલે, બાળક નથી કરવું. જ્યાં આવા વિચારો હોય ત્યાં સરકાર કે કોઇ વ્યવસ્થા શું કરી શકે? એટલે, વિકસિત દેશોમાં આ પણ એક સમસ્યા ઉભી થતી જાય છે. એ દેશોમાં હવે ઘણા પરિવારો બાળક નથી ઇચ્છતા, હા, સાથે રહે છે, પણ લગ્ન કર્યા વગર, એ લોકોએ લગ્ન નથી કરવા… એ ડરને કારણે કે કાલે જો છૂટા પડવાનો વારો આવે તો બધી પ્રોપર્ટીને શું કરવાનું, અડધી તો જતી રહેશે. તો, ત્યાં બધાને આવા ભય પણ સતાવે છે. એટલે, સાથે રહેતા હોય, બાળકો’ય થઇ ગયાં હોય, પણ લગ્ન ના જોઇએ!
હવે, આવા સંબંધોમાં એક પ્રકારનો પરસ્પરનો જે વિશ્વાસ પાંગરવો જોઇએ એ તો ના જ પાંગરે. એટલે, એ સમાજમાં ઘણા લોકો પાસે ઘણું બધું હોય, તે છતાં ત્યાં માણસ તો એકલો જ હોય, એ છાતી ઠોકીને ના કહી શકે કે આ વ્યક્તિ આજીવન મારી સાથે હશે – ‘જીવશું-મરશું ત્યાં સુધી સાથે છીએ’, એવું ના કહી શકાય, છાતી ઠોકીને. એ સમાજમાં માણસની દશા દયનીય કહી શકાય એવી છે, ત્યાં લોકોમાં સ્ટ્રેસ લેવલ જે વધી રહ્યું છે એના મૂળમાં એક કારણ આ પણ છે.
આવા સમાજમાં બાળકોની વાત કરીએ તો ત્યાં 10-20% એવા બાળકો હશે કે જે સિંગલ પેરન્ટ બેબી હશે. (યુરોપમાં (15-25%; ફ્રાન્સ (58%); સ્વીડન (57%), આઇસલેન્ડ (70%), અમેરિકામાં 28-30% છે; (દક્ષિણ અમેરિકા 70-75%); આફ્રિકન દેશો (30-40%); અને જો આવા બાળકોના મા-બાપ હશે તો ક્યાં તો બાપ સાવકો હશે, અથવા મા સાવકી હશે, એનો ઉછેર એ રીતે થયો હોય. (આ આંક અન્ય દશે’ક દેશોમાં (ઇઝરાઇલ, ઇજીપ્ત, જોર્ડન, તુર્કિસ્તાન, દક્ષિણ એશિયાઇ દેશો જેવા કે ભારત, ચીન, ઇન્ડોનેસિઆ) ભાગ્યે એકા’દ ટકા જેટલો હશે.)
આપણે ત્યાં પરિવાર ભાવથી બાળકની ઇચ્છા કરે છે. બાળક જન્મે એટલે એને ભણાવવાની, શિક્ષિત કરવાની જવાબદારી મા-બાપની છે, પરિવારની છે, સરકારની નથી; અને બાળકો ગુરૂકુલમાં જતાં તો મોટા થઇને જતાં હતાં, ત્યાં બાળકોનો વિકાસ થતો હતો. ગુરુકુલો કોઇને આશ્રિત ન્હોતા, રાજાને પણ આશ્રિત ન્હોતા. ગુરુકુલના શિક્ષણ બાદ સમાજમાં, ગૃહસ્થાશ્રમમાં આવ્યા પછી પૈસા કમાવાની જવાબદારી મારી છે; અને આપણે ત્યાં મોટેભાગે એવું થતું કે જે પૈતૃક વ્યવસાય હોય એ જ વ્યવસાયમાં દીકરો જોડાઇ જતો, એટલે, એને કોઇ દિવસ બે-રોજગારીનો પ્રશ્ન સતાવતો ન્હોતો; એ કોઇ દિવસ ‘જોબ-સીકર’ (નોકરી શોધવાવાળો) ન્હોતો બનતો, કેમ કે એને માટે ‘જોબ’ કમાણીનો રસ્તો તો તૈયાર જ હોય! આ અંગે પણ આપણે ઘણી વાતો કરી છે.
દીકરો કમાતો થાય, ધંધો સંભાળતો થાય પછી એને પરણાવવાની જવાબદારી પણ મા-બાપની; ના થાય તો બધાંને ચિંતા થાય કે હવે એનું ક્યાં’ક ગોઠવીએ; ના થતું હોય તો’ય ચિંતા કરે કે હવે આ એક જવાબદારી રહી છે. આવશ્યક પડે તો એનો બિઝનેસ સેટ કરવાની જવાબદારી પણ મા-બાપની હતી. એટલે, કુટુંબ-પરિવારમાં આપણે બધાં એક-બીજાથી જોડાયેલા રહીએ છીએ.
નવી વ્યવસ્થામાં સમાજની લગભગ બધી જવાબદારીઓ સરકારની હોય છે, તેથી ત્યાં કોઇ કોઇનાથી જોડાયેલું ના હોય – હું મારે રસ્તે, મા-બાપ એમના રસ્તે. બીજું, આ વ્યવસ્થામાં શિક્ષણ એટલું મોંઘુ છે કે ત્યાં શાળાના ભણતર પછી લગભગ બધાએ નોકરી કરવી જ પડે, અથવા તો સરકાર એમના ભથ્થાનો ખર્ચ ઉઠાવે, એ સિવાય બીજો કોઇ આરો જ નથી. એ જવાબદારી આપણી ગુરુકુલ વ્યવસ્થામાં ઋષિઓએ સમાજના દરેક માણસ ઉપર નાંખી હતી. આમ, એને ડિસેંટ્રલાઇઝ્ડ કર્યું, કેંદ્રીયકરણ નથી કર્યું. અને એની સાથે-સાથે વિચાર્યું કે જો ભણાવવાનો ખર્ચ મા-બાપથી નથી લઇ શકાતો, તો એના કુટુંબના લોકો કાકા-મામા હોય એ લોકો કરે; એ લોકો પણ ના કરે તો એના સમાજના લોકો કરે. આજે એ વ્યવસ્થા પહેલા જેટલી સ્ટ્રોંગ નથી રહી, અને એ એકદમ તૂટી પણ નથી ગઇ; હજુ પણ સમાજ એવા લોકોનો ખ્યાલ રાખી એમના ભણવાનો ખર્ચ ઉઠાવે છે જે વિધવા હોય, ગરીબ હોય, કેમ કે એમની પાસે એવા ફંડ્સ હોય છે.
હવે આપણે વિચાર કરીએ કે કોઇ એક બીમાર માણસ છે, એને માટે લાગણી, ચિંતા જે હોય એ એના કુટુંબને થશે, કે સરકારને થશે? એને માટે લાગણી કોને વધારે થશે? કુટુંબ-સમાજના લોકોની સંભાળ જો સરકાર લેતી હોય તો એ તંત્રમાં, જે-તે વિભાગોમાંના કર્મચારીઓ હોય એ લોકોમાં કરપ્શનની શક્યતા એટલી-ને-એટલી વધી જતી હોય છે. જ્યારે કુટુંબ કે સમાજ એ વ્યવસ્થા કરતો હોય તો ત્યાં કરપ્શનની શક્યતા નહીંવત્ હોય. જો હું બીમાર છું, હોસ્પિટલનો ખર્ચો થયો હોય એ હું નથી આપી શકતો, તો સમાજ વ્યવસ્થા કરે છે, અને એ લોકોને ખબર હોય કે કેટલો ખર્ચ થયો છે, તેથી એ વ્યવસ્થામાં કરપ્શનની શક્યતા ઓછામાં ઓછી હોય, વધારે પૈસાની આવશ્યકતા હોય તો છૂટ પણ હોય, અને ત્યાં આત્મીયતા વધારે હોય. આ વ્યવસ્થામાં એ કોઇ દિવસ હાથ ઉંચો ના કરી શકે, એ એનું ઘર વેચીને, ગમે-તેમ કરીને પણ માણસ કરશે.
નવી વ્યવસ્થામાં જાવ તો કોઇને પણ કમીશન આપો, પેપરમાં સિગ્નેચર કરાવી લો, બીમાર-બીમાર કાંઇ ના હો, તો’ય તમને પૈસા મળી જાય, તેથી ત્યાં કરપ્શનની શક્યતા વધી જાય. મોટી-મોટી કંપનીઓ હોય, ત્યાં એમના કામદારો આ જ કરતા હોય છે, ડોક્ટરને કમિશન આપે, એની પાસેથી કોઇ મોટી ટ્રીટમેન્ટ લખાવી લે, દવાઓ પાસ કરાવી લે, મોટું બીલ હોય એના પૈસા પાસ કરાવી લે.
જો સરકાર લોકોના આવા ખર્ચાઓ ઉઠાવવાની હોય તો એ કાંઇ દેવાળિયા થઇને આપણી ટ્રીટમેન્ટ નથી કરવાની. જે દેશોમાં ફ્રી હોસ્પિટલ સર્વિસ છે એ દેશોમાં મોટામાં મોટી સમસ્યા ઉભી થઇ છે, એ લોકો હવે બધી બીમારીઓની ચિકિત્સા નથી કરી શકતા એટલો મોટો ખર્ચો છે. તેથી, આપણે ત્યાં કુટુંબ-સમાજની બધી જવાબદારીઓનું વિકેંદ્રીયકરણ કર્યું હતું.
નવી વ્યવસ્થા વિશે સાંભળીએ તો સારું લાગે કે સરકાર બહુ સરસ કામ કરે છે; ના, સરકાર કરે તો છે, પણ એ આપણને એક-બીજાથી દૂર રાખી દે’શે, દૂર કરીને ધીમે-ધીમે કરશે, પછી બાળક આપણું નહીં હોય, મા-બાપ આપણા નહીં હોય, કોઇ કોઇનું નહીં હોય; આ સામે આપણે ત્યાં મા-બાપ, બાળકની જે પરસ્પર જવાબદારી છે એમાં કૃતજ્ઞતાનો ભાવ છે. આપણને પંચયજ્ઞ શિખવાડ્યું એમાં એક પિતૃયજ્ઞ પણ શિખવાડ્યો છે કે પિતૃઓની, મા-બાપની, વડીલ લોકોની સેવા; નૃ-યજ્ઞમાં અતિથિ સેવા જે કરવાની છે, એ જે ગૃહસ્થાશ્રમમાં છે એની છે.
નવી વ્યવસ્થામાં મા-બાપ બિચારા એકલા જ રહેતા હોય, એમની સાથે કોઇ ના હોય; એ દેશોમાં હું જોઉ છું કે ત્યાં બધી જ વ્યવસ્થાઓ હોય, જે સિટિઝન્સ માટેના હોમ હોય, જે બહુ બીમાર થઇ જાય એને ત્યાં રાખતા હોય; આપણે ત્યાં જઇએ તો એ રૂમમાં એટલી સરસ સગવડો હોય છે કે આપણને થાય કે આપણે ત્યાં રહી જઇએ, પણ ત્યાં એમની પાસે કોઇ માણસ ના હોય, એ એકલા જ હોય. આવા સમયે માણસને માણસની જરૂર હોય.
આપણે ત્યાં, ગૃહસ્થાશ્રમમાં બાળકો પ્રત્યે મારું જે કર્તવ્ય હતું, મારી જવાબદારીઓ હતી એ બધી પૂરી થઇ; ત્યાર પછીની જે જવાબદારી છે એ મારી પોતાના પ્રત્યેની છે, હવે મારા આત્મા પ્રત્યેની જવાબદારી ઊભી થઇ છે. આ વાત આપણે આગળ થયેલી ચર્ચાઓમાં કરેલી કે ગૃહસ્થાશ્રમમાં બધા જ ભોગ છે, બ્રહ્મચર્યાશ્રમમાં કોઇ ભોગ નથી ત્યાં તો એણે તપસ્યાપૂર્વક ગુરૂને ત્યાં રહેવાનું હોય; જૂના જમાનામાં વાનપ્રસ્થાશ્રમમાં અઘરાં તપો હતાં; સંન્યાસમાં એવી કોઇ સામગ્રી નહીં. ગૃહસ્થાશ્રમમાં એને માટે બધી સુવિધા છે, એણે ઐશ્વર્યમાં રહેવાનું, સારું-સારું ખાવાનું-પીવાનું, બધી જ છૂટ છે, પણ સંયમપૂર્વક જાગૃતિ સાથે, સભાનતા સાથે રહેવાનું, કેમ કે અમુક વાતો એવી હોય છે અથવા અમુક વ્યક્તિ સાથે એવું હોય છે કે જ્યાં સુધી માણસ અનુભવથી પસાર ના થાય ત્યાં સુધી એને વાત નથી સમજાતી, અનુભવમાંથી પસાર થાય ત્યારે જ એને વાત સમજાય. ગૃહસ્થાશ્રમમાં બધી જ સુવિધાઓ છે, પણ જો માણસ જાગૃત હોય તો એને સમજાવા માંડે છે કે બધી’ય ઇંદ્રિયસુખની સીમા હોય છે.
મને ખ્યાલ છે અમુક સાધકોનો કે પતિ-પત્ની વર્ષોથી સાથે રહેતા હોય પણ એમના એ રીતના કોઇ દેહના સંબંધો હવે રહ્યા ના હોય, એ લોકો તૃપ્ત થઇ ગયા હોય, એમાંથી બહાર નીકળી ગયા હોય, અને સાથે રહેતા હોય, પ્રેમથી રહેતા હોય; તો, એ લોકો ભોગથી, ઇંદ્રિયસુખથી ધરાઇ ગયા હોય, જેમ ખાઇ-ખાઇને માણસ ધરાઇ જાય તેમ.
એક સાધકનો હમણા મને પરિચય થયો, એને 50-60 લાખનું પેકેજ હતું. એ કહે, મને જે પૈસાનો charm હતો બધું ફૂલફિલ થઇ ગયું છે, હવે પૂરું થઇ ગયું છે, તેથી એણે એ જોબ છોડી દીધી. હવે એણે એની જાતને લોકોને કાઉંસેલીંગ માટે તૈયાર કર્યો. બે-ત્રણ વર્ષ ખૂબ સ્ટડી કર્યું, અને અત્યારે એ જુદા-જુદા ગ્રુપ સાથે કાઉંસેલીંગ કરે છે, જે લોકોની સમસ્યાઓ હોય એને સોલ્વ કરે છે – ફેમિલીની સમસ્યા હોય, માનસિક-શારીરિક સમસ્યા હોય, વ્યવહારની સમસ્યા હોય એ સોલ્વ કરે છે.
તો, પૈસાની એક ‘ભૂખ’ હોય; જો એ સમયે માણસ સભાન હોય, તો એને એની નશ્વરતા સમજાય, નહીં તો એ ‘ભૂખ’નો કોઇ દિવસ અંત જ નથી, કોઇ પણ ઇંદ્રિયસુખની કોઇ સીમા જ નથી, આપણે એને વિરામ ના કરી શકીએ; પણ માણસ જો સભાન હોય તો એની નશ્વરતા, એની સીમા એને સમજાવા લાગે છે. અને ત્યાર પછી એને એના આત્માને explore કરવાની જવાબદારી લાગે છે. જો આ વાત ધ્યાનમાં રહેશે કે આત્મ-સાક્ષાત્કાર જ જીવનનો હેતુ છે, તો એકદમ સમજાશે કે હવે મારી જવાબદારી ‘આ’ છે. શરીરની જવાબદારી પૂરી થઇ ગઇ, મારું જે કર્તવ્ય હતું, બાળકો સુધીનું એ પૂરું થઇ ગયું, હવે આત્માને પામવાની જવાબદારી છે.
આપણને આત્માની જવાબદારી નથી સમજાતી, એટલે આત્મશોધ માટે કોઇ પણ વ્યક્તિ જાય છે, નીકળે છે, તો આપણને એ સ્વીકાર્ય નથી હો’તું, તેથી કહેશે, “અરે! પહેલા ઘર-પરિવારની જવાબદારી છે એ પૂરી કરો, પછી ભગવાન-બગવાનની વાત કરવાની, આત્માની વાત પછી કરવાની”. પણ, ધીમે-ધીમે સમજાવા લાગે છે કે સૌથી મહત્વનો તો આત્મા છે, અને તેથી આત્માની શોધ પહેલાં હોય, સૌથી પહેલા આત્માની જરૂર છે, અને જે લોકોને આ સમજાય છે, એકદમ એમના હ્રદયમાં ઉતરી જાય છે એ લોકો પછી કશાની પરવાહ નથી કરતાં, એ આત્મશોધમાં લાગી જતાં હોય છે – ગમે ત્યાંથી, કોઇ પણ પરિસ્થિતિ હોય એ ત્યાંથી લાગી જ જતાં હોય છે. તો, છેલ્લી જવાબદારી આવે આત્મશોધની.
આપણા ઋષિઓ બહુ વ્યવહારુ હતા, તેઓ કોઇ પણ વાત માત્ર લાગણી-emotionsથી નથી કરતા, એમનો નિર્ણય ભાવ-પૂર્વકનો હોય તે છતાં એ નિર્ણય વ્યવહારપૂર્વકનો, વ્યવહાર સાથે છે. એટલે, હવે તમે પચાસના થઇ ગયા, પ્રકૃતિનો જે સહજ સ્વભાવ છે, એની સાથે સહયોગ કરીને હું આગળ વધી શકીશ – આપણે આ વાત પણ થયેલી, કે આ સંસ્કૃતિની એક વિશેષતા છે કે મનુષ્યની પ્રકૃતિનો જે સ્વભાવ છે એનો એ લોકોએ સદુપયોગ કરી લીધો. આ ઉંમરે માણસની દરેક ઇંદ્રિયો ક્ષીણ થતી જ હોય છે, ઇંદ્રિયોનું ક્ષરણ થવા લાગે છે, શરીર ક્ષીણ થઇ રહ્યું છે, હવે એનું ક્ષરણ શરૂં થયું છે, એનો અર્થ છે કે આંખ ક્ષીણ થઇ રહી છે, હવે મારે જોવાનું ઓછું કરવાનું; શ્રવણ શક્તિ ક્ષીણ થઇ રહી છે, તો સાંભળવાનું ઓછું કરવાનું, મારું પાચન બગડી રહ્યું છે, એટલે મારે હવે હલકો ખોરાક લેવાનો… તો, આ એક પ્રકૃતિ છે એ એક દિશામાં જઇ રહી છે, એમાં મારે સહયોગ કરવાનો.
એટલે, મને વિચાર આવે છે કે પ્રકૃતિ આપણા દાંત લઇ લે છે, એનો મતલબ છે કે નાના બાળકનો દાંત ના હોય ત્યારનો જે ખોરાક હોય હવે વૃદ્ધનો ખોરાક પણ એવો હોવો જોઇએ. પ્રકૃતિ આપણને કહે છે કે હવે તમારો જે ખોરાક છે એ માટે તમને દાંતની જરૂર નથી, પણ આપણે એવા કે હજારો-લાખો રૂપિયા ખર્ચો કરીને ઠોકી બેસાડીને, ઇમ્પ્લાન્ટ કરીને, ગમે-તેમ કરીને નવા દાંત લગાવીએ છીએ. ના, નેચર ઇશારો કરે છે કે હવે ઇંદ્રિયો વિલીન થવી જોઇએ, અંદર હ્રદયમાં વિલીન થવી જોઇએ. બહારનું કામ આપણું થઇ ગયું છે, હવે ઇંદ્રિયોની દિશા અંદર તરફ જવી જોઇએ, ઇંદ્રિયનું ક્ષરણ થઇ રહ્યું છે એટલે હવે આપણી આત્મશોધ શરૂ થવી જોઇએ.
મહાપુરુષોને એ વાત સમજાય છે કે જો કોઇને રોટલાની, પૈસાની જવાબદારી સમજાય છે તો એ લઇ લે છે; તો, આત્માને જાણવાની જે જવાબદારી છે એ કોણ લે’શે? એનું પોતાનું આત્મોત્થાન થાય અને પછી એ સામેવાળી વ્યક્તિનો, બધા’યનો, સમાજનો ઉદ્ધાર જે કરવાનો છે એ જવાબદારી કોણ લે’શે? અને આપણી સંસ્કૃતિમાં સૌથી વધારે અગત્યનું તો આત્મા જ છે, આત્મા વગર તો કશું જ નથી. તો હવે, પચાસ વર્ષ પછી આપણે ત્યાં આત્મશોધની શરૂઆત કરવાની વાત અપણા ઋષિઓએ કીધી, અને એ માટે વાનપ્રસ્થની વાત કરી.
આજની પરિસ્થિતિમાં જોઇએ કે રિટાયરમેન્ટની જે age (ઉંમર) છે ત્યાં સુધીમાં આત્મશોધ માટેની બધી તૈયારી થઇ જવી જોઇએ, પછી આપણે આત્મશોધમાં લાગી જઇ શકીએ, એ ઉંમર છે; કેમ કે ઋષિઓએ કહ્યું છે કે આત્માની ઉપલબ્ધિ તો મૃત્યુ પહેલાં જ થઇ જવી જોઇએ. એટલે, એને માટેની જે તૈયારીઓ છે એ રિટાયરમેન્ટ પહેલાં એનું પણ આયોજન હોવું જોઇએ, જેમ કે આપણે બીજી બધી વાતો માટેનું આયોજન કરીએ છીએ -બાળકના જન્મ વખતે કઇ હોસ્પિટલમાં જવાનું, ત્યાં શું-શું જોઇશે, વિગેરે; ભણવા માટેનું, સારી શાળા-સ્કૂલનું આયોજન કે બાળકને કઇ સ્કૂલમાં દાખલ કરીશું, લગ્નનું પણ આયોજન કરીએ, નોકરી-ધંધા-ધનોપાર્જન માટેનું આયોજન કરીએ. આમ, બધી વાતોનું આયોજન આપણે કરીએ છીએ…પણ, રિટાયરમેન્ટ પછી આપણે શું કરીશું એનું કોઇ આયોજન આપણે નથી કરતા.
હું જોધપુરમાં એક મંદિરમાં રહેતો હતો, જે પુષ્કરણા બ્રાહ્મણોનું મંદિર હતું, ત્યાં રોજ સાંજે એ લોકો શિવજીની સેવા કરે. તો, એમાંથી એક-બે જણ એક-દોઢ વર્ષ પછી રિટાયર થવાના હતા. તો, મેં એમને કહ્યું કે “તમે રિટાયરમેન્ટ પછીનું કોઇ પ્લાનીંગ કરો, કોઇ આયોજન કરો, કે તમે ત્યારે શું કરશો?” તો કોઇ ધ્યાન આપે નહીં; પછી હું થોડા સમય પછી પાછો ત્યાં ગયો, તો એ એક-બે જે લોકો હતા એ રિટાયર થઇ ગયા હતા, અને એ વાતને દોઢ-બે મહિના થયા હતા, માત્ર દોઢ-બે મહિના. એમાંના એક ભાઇ તો મારી પાસે આવીને નાના બાળકની જેમ રડવા લાગ્યા, કહે “સ્વામીજી હું ગાંડો થઇ જઇશ.” તો, અઘરું છે, રિટાયમેન્ટ પછી એને કોઇ કામ નથી, એ સમય માટેનું જો કોઇ આયોજન ના હોય તો માણસ ખાલી-ખમ થઇ જાય, ગાંડા જેવો થઇ જાય, તો આવી પરિસ્થિતિ આવીને ઉભી રહે.
વાનપ્રસ્થાશ્રમ, આજના સંદર્ભમાં
આપણી વ્યવસ્થામાં તો વાનપ્રસ્થાશ્રમમાં એક નવા આશ્રમમાં પ્રવેશ કરવાનો હોય, એ માટે નવો ઉત્સાહ હોય, નવો જુસ્સો હોય, નવી દિશા તરફ પ્રયાણ કરવાનો છે, નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો છે. તો, એ માટે કોઇ પ્લાનીંગ તો હોવું જોઇએ કે આપણે ત્યાં શું કરીશું. અને એક વાત સમજવાની – જો લૌકિક સફળતા માટે મારે મનનો જોશ જોઇએ, શરીરનું જોશ જોઇએ, જુસ્સો જોઇએ, તો અધ્યાત્મમાં સફળતા માટે તો એનાથી પણ વધારે જોમ-જુસ્સો જોઇએ, લૌકિક જીવનમાં જોઇએ એ કરતાં પણ વધારે તાકાત, શક્તિ જોઇએ કે જેથી એ ઇંદ્રિયોના બંધનને છોડીને આગળ વધી શકે; આ માર્ગમાં આગળ વધવા માટે એનું મન ખૂબ સક્રિય અને એલર્ટ જોઇએ, કેમ કે જો એનું મન આળસુ થઇ જાય તો એ અધ્યાત્મમાં પણ સફળ નહીં થઇ શકે. એટલે, રિટાયર્મેન્ટ પછી જીવન મોનોટોનસ ના થઇ જાય, એ માટે સવારથી સાંજ સુધીનો એક ચોક્ક્સ કાર્યક્રમ હોવો જોઇએ.
એક સાધક હતા, આપણા સત્સંગ વગેરેમાં આવતા. થોડા દિવસો પછી એ રિટાયર થવાના હતા, તો કહે, “સ્વામીજી, હું રિટાયર થઇ જઇશ, પછી વધારે સમય આપીશ.” મેં કહ્યું, “ભલે”. પછી એ ભાઇ તો બે-ત્રણ વર્ષ સુધી દેખાયા જ નહીં; પછી મને મળ્યા, તો મેં એમને કહ્યું, “તમે તો હવે બિલકુલ આવતા જ નથી, શું થયું?” કહે, “સ્વામીજી જવા ‘દો ને, હવે ઘરમાં જે પણ કામ હોય એ બધું કામ મને જ આપી ‘દે, કહે, હવે તો તમે રિટાયર, ફ્રી થઇ ગયા છો.. તો શાક લાવી આપવાનું હોય, બાળકોને શાળાએથી લઇ જવાના-લઇ આવવાના હોય…તો ‘તમે જ જઇ આવોને,’ આમ, પહેલાં કરતા વધારે કામ મને આવી ગયું.’ એટલે, સવારે ઉઠવાનું, TV, છાપું, નાસ્તો…ક્યારે’ક ગાર્ડનમાં જઇ આવે, ત્યાં ગપાટા મારે, ઘરે આવે, બપોરે સુઇ જાય, પછી સાંજે ફરી ગપ-શપ, ગપાટા, TV જોઇને સુઇ જાય.
તો આવું મન અધ્યાત્મમાં કોઇ દિવસ સફળ નહીં થાય; અને ઉપર કહ્યું તેમ થાય, અથવા તો પછી શક્ય છે કે એ ફરી જૂની જંજાળ કે જેમાંથી એ આવ્યો હોય, એની કોઇ સ્કીલ, આવડત હોય, એનું જે ક્ષેત્ર હોય એમાં એ ફરી કંસલટન્સી શરૂ કરે, અથવા તો એના જૂના ક્ષેત્રમાં કશું કરવા લાગે… તો, રિટાયરમેન્ટ પછીનું જો કોઇ આયોજન ના હોય તો એ સ્થિતિ સહન નહીં થાય.
એટલે, વાનપ્રસ્થાશ્રમમાં જઇ રહ્યા છીએ, રિટાયર થવાનો સમય આવે છે, તો બે-ત્રણ વરસ પહેલાથી એ માટે પ્રોપર પ્લાનીંગ હોવું જોઇએ, અને એમાં આપણે ધીમે-ધીમે પગ માંડવા જોઇએ; રિટાયર થઇ ગયા, રોજીંદા કામોમાંથી એક્દમ ખાલી થઇ ગયા પછી તરત સાધના નહીં થાય, પછી તરત ધ્યાન નહીં થાય. આપણા ઋષિઓએ વાનપ્રસ્થાશ્રમની એવી વ્યવસ્થા કરી હતી કે ગૃહસ્થાશ્રમની બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ, વિષય-સુખની નશ્વરતા સમજાવા લાગે, એની સીમા સમજાવા લાગે, તો ધીમે-ધીમે એણે વાનપ્રસ્થમાં પ્રવશ કરવો.
હવે ઉપર જણાવ્યા એ જે મૂલ્યો છે, જે વાત છે એને આજના સંદર્ભમાં પ્રેક્ટિકલી સમજવાની કે એ આજના આપણા જીવનમાં કઈ રીતે ઉપયુક્ત, કે લાગુ થઈ શકે. પહેલાં તો એ સમજીએ કે ‘વાનપ્રસ્થ’ એટલે જે વનમાં, જંગલમાં ‘પ્રસ્થાન’ કરતા, જતા રહેતા, ત્યાં જઇ એ જંગલમાં રહે કે પછી ઋષિઓના આશ્રમો હોય ત્યાં જઈને રહેતા હોય. તમને કદાચ ખ્યાલ હશે કે પાંડવો યુદ્ધ જીત્યા પછી એમના કુંતા-માતા અને ધ્રુતરાષ્ટ્રને પણ સારી રીતે રાખવા તૈયાર હતા, પાંડવો એમની સેવા પણ કરતે, પણ એ લોકો ઋષિઓના આશ્રમમાં જતા રહ્યા. તેમણે આજીવન દુ:ખ જ જોયું; અને જ્યારે યુદ્ધ જીત્યા, આખું રાજ્ય મળ્યું, જ્યારે સુખ મેળવી આનંદથી જીવવાનો સમય આવ્યો ત્યારે તો ઉંમર થઈ ગઈ હતી તેથી એ લોકો છેલ્લે વાનપ્રસ્થી થઈ ગયા, વનમાં જતા રહ્યા.
તો, હવે એવી પરિસ્થિતિ તો નથી કે આપણે વાનપ્રસ્થ થઇએ એટલે જંગલમાં જતા રહીશું. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પુરાતન સમયમાં વાનપ્રસ્થ જીવન જીવનારે જંગલમાં રહેવાનું હતું, ત્યાં બહુ આકરી તપશ્ચર્યા કરવી પડતી, ફળ કે પાંદડા ખાઇને રહેવાનું; આકરી તપસ્યા કરીને શરીરનું જે બંધન છે, દેહનું જે બંધન છે, જે દેહભાવ છે, એનાથી ધીમે-ધીમે મુક્ત થવાની વાતો છે. હવે આજના સંદર્ભમાં એ શક્ય નથી અને આપણા જે કર્મો છે એ બધાં ઇચ્છા, કામના, સ્વાર્થ સાથેના હોય છે એ કર્મો બંધનકર્તા, બંધનકારક છે, એનાથી બંધન ઊભું થાય છે, તો એનાથી વિરુદ્ધ હવે જે કર્મો થશે કે જે નિષ્કામ ભાવે જે કર્મો થશે એનાથી હું મુક્ત થઈ શકીશ.
તો, જે વ્યક્તિ રિટાયર થાય છે એ દરેક વૃદ્ધો પાસે એક વિશેષતા હોય છે કે એમને જીવનનો અનુભવ છે, કોઇ-ને-કોઇ ક્ષેત્રનો એમને અનુભવ છે – કોઇને ઇંજીનિયરીંગનો હશે, કોઇને બિઝ્નેસનો હશે, તો એમની પાસે જીવનનું કેટલું મોટું ભાથું છે. વિદ્યાર્થીને પુસ્તકોમાંથી જ્ઞાન જલ્દી મળી જાય, પણ અને અનુભવ ના હોય તો, રિટાયર, વાનપ્રસ્થ થયા પછી વૃદ્ધો પોતાના ક્ષેત્રનો એ અનુભવ સમાજને આપી શકે, નિષ્કામ ભાવે કર્મ કરી શકે, તો એ પણ તપસ્યા છે, આજના યુગની તપસ્યા છે. રિટાયર થવા સુધીની એમની પ્રવૃત્તિઓ સીમિત હતી, માત્ર પરિવારની જ દેખ-રેખ રાખતા હતા, હવે થોડો વિસ્તાર કરવો છે; તો એ સમાજની સેવાનું કાર્ય લઇ શકે. અને મને સમજાય છે કે વૃદ્ધોએ શક્ય હોય તો બાળકોની કોઇ એક્ટિવિટી સાથે પણ જોડાવું જોઇએ; અને મને અનુભવથી એવું લાગે છે કે નાના બાળકો છે એ વૃદ્ધોની દવા છે.
એક સાધક હતા, એ ઇલેક્ટ્રિકલ વિષયના પ્રોફેસર હતા; બહુ આદર્શવાદી હતા, એટલે એમને ના તો સ્ટાફ જોડે ફાવતુ, ના તો મેનેજમેન્ટ જોડે, તેથી એમને સ્ટ્રેસ બહુ રહ્યા કરે; એક વખત મેનેજમેન્ટ સાથે સતત સંઘર્ષ થયો, એટલે એ ડિપ્રેશનમાં જતા રહ્યા; હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, પછી એગ્રેસિવ થઈ જાય, તોડ-ફોડ શરૂ કરી, ઝઘડો કરે, એટલે એમણે ડિપ્રેશનની નિયમિત દવા લેવી પડે. પછી એમના બાબાનું લગ્ન થયું, એને એક નાની દીકરી આવી, એના બે વરસની અંદર એમની બધી દવાઓ બંધ થઇ ગઈ ને એ એકદમ સ્વસ્થ થઇ ગયા, ત્યારે મને સમજાયુ કે નાનું બાળક છે એ વૃદ્ધ માટે દવા-સમાન છે.
રિટાયર થયેલા લોકોએ બાળકોની કોઇ એક્ટિવિટી સાથે જોડાવું, ગરીબ બાળકો હોય એમને મદદ કરી શકાય, એમને કોઇ પ્રકારનું શિક્ષણ આપી શકાય, યોગની એક્ટિવિટી હોય, આર્થિક સહાય હોય; બાળકો સાથે ભળીએ, એમની સાથે જોડાઇએ, તો, એ બધી પ્રવૃત્તિઓ આજની ‘તપસ્યા’ હોઇ શકે છે, ધીમે-ધીમે નિષ્કામ કર્મ છે, એમાં સેવા આપવી, કેમ કે પહેલાંના સમયની જેમ આજે જંગલો રહ્યા નથી; જે છે એ મોટે ભાગના સરકાર હસ્તકના ‘રિઝર્વ’ ફોરેસ્ટ બની ગયા છે, એટલે, ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓ એ જંગલોમાં જવા ના ‘દે. પહેલાં તો સાધુઓ હતા, ઋષિઓ હતા, એ લોકો ગમે ત્યાં જંગલમાં જઈને નાની ઝૂંપડી બનાવી એમાં રહી ભજન-ધ્યાન કરી શકતા હતા. તો, એવી કોઇ સંસ્થા સાથે જોડાઇએ, નિષ્કામ ભાવે સેવા કરી શકીએ; ધીમે-ધીમે એવી પ્રવૃત્તિ હોવી જોઇએ…અને, એ સાથે સાથે અંદર ઉતરવાની સાધના પણ હોવી જોઇએ.
તમે કલ્પના કરો કે કોઇ પરિવારથી કોઇ એક વડીલ સત્કાર્યથી જોડાય જાય, અને એને પૈસાની બહુ આસક્તિ ના હોય, પૈસાનો બહુ મોહ ના હોય, સુખ-સુવિધાનો મોહ ના હોય, તો એ પરિવારના સંસ્કારો કેવા હશે? એમના જીવનથી પરિવારમાં કોઇને તો પ્રેરણા મળશે!
મને ખ્યાલ છે કે પરિવારથી કોઇએ સંન્યાસ લીધો હોય, અને આત્મશોધમાં એનું જીવન પસાર થયું હોય, તો એ પરિવારની કેટલી પેઢીઓ સુધી એની અસર હોય છે, અને આજે એ પરિવારમા કોઇ યુવક છે, એની ઉપર એનો પ્રભાવ તો રહેશે, અને એ એક પ્રકારના સંતોષથી તો જીવી શકશે! કેમ કે, સંતોષથી જીવવું કે નહીં, સુખથી જીવવું કે નહીં એ મારા હાથમાં છે. માણસને સંતોષ ક્યારે થાય, કે જ્યારે એને લાગે કે મારી પાસે જે છે એ મારી જરૂરિયાતો કરતાં વધારે છે, તો માણસને સંતોષ હોય. અને જો માણસને એવું થાય કે મારી જરૂરિયાતો કરતાં મારી પાસે ઓછું છે…તો? ખરેખર માણસ કોઇ દિવસ વિચારતો જ નથી કે મારી જરૂરિયાતો શું છે, અને તેથી બીજાનું જોઇને એ અસંતુષ્ટ રહ્યા કરે છે, બીજાની પાસે કેટલું છે એ જોઇને જ એને અસંતોષ રહ્યા કરે. તો, જે ઘરમાં એક વડીલ અધ્યાત્મ સાધનામાં લાગેલો હોય, એનો પ્રભાવ જ જુદો હોય.
મને ખ્યાલ છે, કે દિલ્લીમાં હું એક પરિવારમાં રોકાયો હતો; એમણે કીધુ કે “સ્વામીજી, એક સંત છે, આપ એમને મળવા આવશો?” મેં કીધુ, જરૂર આવીશ, અને એમની સાથે ગયો. ત્યાં જોયું તો મને એટલો આનંદ થયો કેમ કે એ ‘સંતે’ એમનું ઘર છોડ્યુ ન હતું, એમનો પોતાનો બંગલો હતો, પણ ત્યા બહાર એક નાના વરંડામાં એ રહેતા, અંદર નહીં જવાનું, બહાર જ એક કંતાણનું પાથરણુ બનાવેલું, કંતાણનું પહેરણ અને નાળિયેરના કોચલાનું વાસણ બનાવેલુ! ત્યાં જ રહે, આવી રીતે પોતાના ‘ઘર’માં જ રહે. સાંજે 5-10-15 જેટલા જણા આવ્યા હોય એમની સાથે સત્સંગ ચાલતો હોય, જ્ઞાનની વાતો ચાલતી હોય.
પછી, મને એમના બાળકો અંદર લઈ ગયા, અને જોઇએ તો બાળકોમાં એટલા સાત્વિક સંસ્કારો! એ કહેવા લાગ્યા, કે “બાપુજીની એવી ઇચ્છા છે, માનતા જ નથી અમે તો કહીએ છીએ કે અહીં ઘરમાં, અંદર રહો, તો કહે, નહીં.” એમનો કોઇ સંગ્રહ નહીં, કશું જ નહીં – બે ટાઇમ ખાવાનું મળી જાય, અને બસ, આત્માની જ ચર્ચા, ભગવાનની જ વાતો…તો આવું થઈ શકે છે. આ છે ‘વાનપ્રસ્થ’ જીવન.
વાનપ્રસ્થાશ્રમમાં સંન્યાસાશ્રમની જેમ પરિવારથી પૂરી રીતે અલગ, detach, નથી થઈ જવાનું, અને આ વાત જ આપણી સંસ્કૃતિની બહુ મોટી વિશેષતા હતી. આપણી સંસ્કૃતિમાં જે પણ શુભ છે, અને શાસ્ત્રોના રૂપમાં લખાયેલુ છે – મોટા ભાગનું શાસ્ત્ર છે – એ બધું જ વાનપ્રસ્થોએ આપ્યું છે. આપણા ઋષિઓ વાનપ્રસ્થ હતા, એ પરિવાર, બાળકો સાથે જંગલમાં રહેતા અને એમને બીજી કોઇ એક્ટિવિટી જ નહીં – જે વિદ્યા સાથે, જે કળા સાથે જોડાયા હોય એમાં એ પૂરી રીતે સમર્પિત થઈને રહેતા.
સંન્યાસી છે એ માત્ર આત્મવિદ્યા સાથે જ જોડાયેલો છે, બીજી વિદ્યાઓ સાથે નથી જોડાયેલો. અને આમ કરતાં-કરતાં, ધીમે-ધીમે વાનપ્રસ્થે પોતાની અંદર સંન્યાસની ભૂમિકા તૈયાર કરવી; વાનપ્રસ્થ પરિપક્વ થાય એ માટે એણે પોતાની અંદર સંન્યાસની ભૂમિકા તૈયાર કરવાની, એવી આપણી વ્યવસ્થા હતી. અને ફરી યાદ કરાવું કે બોધ જીવનની અંતિમ પરિણતિ છે, એ અંતિમ સમાપ્તિ છે એ જ્યાં સુધી નહીં સમજાય તો, આપણી આ વ્યવસ્થા પણ નહીં સમજાશે.