हरी ॐ

ભારતીય સંસ્કૃતિ | પ્રવચન પુષ્પ ૩૭ | સંન્યાસ – ૬

આપણે જ્યારે પણ ભારતીય સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે એ સમજવું કે સનાતન વૈદિક સંસ્કૃતિની વાત કરીએ છીએ. વૈદિક સંસ્કૃતિની એક મોટામાં મોટી વિશેષતા છે કે એને ઉભી કરનાર કોઈ એક વ્યક્તિ નથી, કોઈ એક જ વ્યક્તિએ આખી વ્યવસ્થા ઊભી કરી હોય, કે એક જ વ્યક્તિએ કશું જાણ્યું હોય અને એની પાછળ પછી એક માર્ગ ઉભો થયો હોય, એક વ્યવસ્થા ઊભી થઇ હોય, એવું નથી. વૈદિક સંસ્કૃતિ તો સેંકડો ઋષિઓએ જે પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કર્યો હતો, એના પ્રકાશમાં જ દિવ્ય મંત્રોનો સાક્ષાત્કાર કર્યો એ મંત્રોનો સંગ્રહ વેદોમાં છે. આ વૈદિક સનાતન જ્ઞાનનો આધાર લઇને પછી જુદા-જુદા દાર્શનિકોએ પરમ તત્ત્વની સમજ, બ્રહ્માંડ, પૃથ્વી, વિવિધ પ્રકારના વિજ્ઞાન અને એ બધાંની મધ્યમાં મનુષ્યને મૂકી જીવનના સમસ્ત આયામોને ઉંડાણપૂર્વક સમજી, સમસ્ત જીવન માટેના જે દર્શન, વિચાર અને સમજ આપ્યા હતાં એ જ પછી વૈદિક સંસ્કૃતિના રૂપમાં વ્યક્ત થયાં. આવા દિવ્ય સનાતન જ્ઞાનને વ્યવહારિક જગતમાં ઉપયોગ કરવાથી સમાજના દરેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે.

સત્ય તો એક જ છે, પણ જીવનમાં ડાયવર્સિટી, વિવિધતા તો રહેવાની જ છે, સમાજની વૈચારિક અને ભૌતિક આવશ્યકતાઓ પ્રમાણે દરેક સમાજમાં વિવિધતા રહેવાની છે – સમાજમાં ડૉક્ટર જોઈએ, વ્યાપારી જોઇએ, વકીલ જોઈએ, શિક્ષક જોઈએ, દરજી, લુહાર, સુથાર જોઈએ એવા બધા લોકો જોઈએ, દરેકનું કામ જુદું-જુદું તો રહેવાનું જ છે, દરેકના ભાવ, સંસ્કારો જુદાં-જુદાં રહેવાના, તો બધાને પોતાના કાર્ય સાથે કઈ રીતે આગળ વધવું, એ બધાનો સમાવેશ વૈદિક સંસ્કૃતિમાં છે.

ભારતમાં વૈદિક સંસ્કૃતિ સિવાયના જે બધા સંપ્રદાયો ઊભા થયા છે, જે બધા પંથોમાં કોઈ એક વ્યક્તિએ જ સાક્ષાત્કાર કર્યો હોય, અને એ જે સાક્ષાત્કાર, ધ્યાનની રીત છે એના જીવનમાં એક જ રીતનો પ્રચાર-પ્રસાર કર્યો હોય, પછી ધીમે-ધીમે બીજી વ્યવસ્થાઓ આવી હોય, પણ આ બધી વ્યવસ્થાઓમાં એટલી સૂક્ષ્મતાથી સત્ય તરફ જવા માટે ઉપયોગી થાય એ બૃહદ કાર્ય કોઇ એક વ્યક્તિ કે એક જીવનનું કામ જ નથી.

આપણી બહુઆયામી સંસ્કૃતિમાં માત્ર એક આયુર્વેદમાં જ કેટલું મોટું વાંગ્મય છે, અને આયુર્વેદ આખું સાંખ્યદર્શન પર આધારિત છે, વેદાંત દર્શન પર આધારિત છે. આવું તો દરેક ક્ષેત્રોમાં, કળાઓમાં છે. સત્ય માટે પણ બહુ જ ગહન અને વિશાળ દર્શન છે. તો, આટલી વિપુલતાવાળુ વાંગ્મય કોઇ એક જ સાધના પદ્ધતિથી આગળ વધતા હોઈએ તો શક્ય જ નથી. હવે મૌન સાધના પદ્ધતિથી કોઈ વ્યવસ્થા વધી હોય તો એમાં નૃત્ય માટે, લલિત કલાઓ માટે કોઈ સ્થાન જ નથી, ત્યાં ગીત-સંગીતનું કોઈ સ્થાન જ નથી, જ્યારે, વૈદિક વ્યવસ્થાએ જીવનની સમગ્રતાનો સમાવેશ કર્યો છે, એને સમજવા માટે પણ બહુ મોટું હૈયું જોઇએ, બહુ મોટું દિલ જોઈએ, એ જો ના હોય તો આ વ્યવસ્થા નહીં સમજાય.

આવી અદ્ભુત સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં આપણે સંન્યાસ વિશે વાતો કરી રહ્યા છીએ, અને સંન્યાસમાં પણ જે ભિક્ષાની વ્યવસ્થા છે એ અંગે વાત કરી રહ્યા છીએ. આપણે વાત કરી હતી કે વૈદિક વ્યવસ્થાએ સંન્યાસીને સમાજમાં સૌથી મોટું સ્થાન, સૌથી ઉંચું સ્થાન આપ્યું છે, સંન્યાસીને સૌથી વધારે માન આપ્યું છે, અને એ સ્થાન, એ માન એના ત્યાગ માટે આપ્યું છે, સત્યની શોધ માટેના એના કમિટમેન્ટ માટે આપ્યું છે, કે હવે એ સત્યની શોધ માટે સમર્પિત છે, એ સિવાય એણે બીજું કશું જ કરવાનું નથી… પરંતુ એટલું મોટું સન્માન, આટલો આદર આપીને પણ સંન્યાસીને તો છેવટે નાગો જ રાખ્યો છે. વિરોધાભાસી  લાગે એવી આ વાત છે કેમ કે આપણે કોઈને માન આપીએ તો એને કેટલું નવાજીએ, જાતજાતના ઉપહારથી, જાતજાતના વૈભવથી, પરંતુ સંન્યાસીને આદર આપીએ તો છીએ, પણ એ સિવાય એને આપ્યું કશું જ નથી આપ્યુ, એની પાસે કશું જ રાખ્યું પણ નથી – આ વાત જ અલૌકિક છે.

એટલે, આ વાતને બહુ સારી રીતે સમજવી છે – ભિક્ષાની વ્યવસ્થા સંન્યાસનો સાર છે. આ વ્યવસ્થાએ સંન્યાસીને એકદમ અકિંચન બનાવી દીધો છે, એની પાસે કશું નથી રાખ્યું, એણે માત્ર ભિક્ષા જ કરવી કેમ કે એણે બધાનો ત્યાગ કર્યો છે. એક રીતે જોઇએ તો બધાનો ત્યાગ થઇ શકે છે – તમે ઘર છોડી દો, સંબંધો છોડી ‘દો, બધું જ છોડી ‘દો, વસ્ત્રો પણ છોડી દો, એ પણ ચાલશે, પરંતુ તમે ભોજન છોડો એ નહીં ચાલી શકે, આ ક્ષુધા, ભૂખ એવી બિમારી છે કે ચોવીસ કલાકથી વધારે કોઈપણ દવાથી એ ઠીક જ નથી રહેતી. કોઈ પણ દવા કરો, ગમે તેવું ભોજન કરો, ચોવીસ કલાકથી વધારે એની અસર રહે જ નહીં. સામાન્ય રીતે જોઈએ તો, એટલે 24 કલાક પછી તમારે બીજો ડોઝ લેવો પડે એવી આ વ્યવસ્થા છે.

એટલે, આ વ્યવસ્થાએ સાધુને ભિક્ષા માટે અધિકાર આપ્યો છે – क्षुद्व्याधिश्च चिकित्स्यतां प्रतिदिनं भिक्षौषधं भुज्यताम, ભાષ્યકાર કહે છે, ક્ષુધારૂપી જે વ્યાધિ છે એની ચિકિત્સા કરવી, પ્રતિદિન ભિક્ષા કરવી અને स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात्प्राप्तेन सन्तुष्यताम्‌ સ્વાદવાળું ભોજન નહીં માંગવું, ભિક્ષામાં વિધિવશાત્ ભગવાન જે અપાવી દે એ લઇ લેવાનું, પણ એની ચિકિત્સા કરવી.

આપણી વાત થયેલી કે વૈદિક વ્યવસ્થા જે છે એ વ્યવહારિક રીતે ઉપયોગમાં લેવા માટે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી છે – વ્યવહારિક, માનસિક, વૈચારિક, આધ્યાત્મિક પાસુ, સામાજીક પાસું એમ દરેક પ્રકારના પાસાઓને ધ્યાનમાં રાખીને સમગ્રતાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ઊભી થયેલી છે અને જેને માટે એ વ્યવસ્થા ઊભી થઈ છે એનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને પામવામાં સપોર્ટ કરે એવી વ્યવસ્થા ઊભી કરી છે; સાથે સાથે બીજાને પણ એનો ફાયદો થાય, સમાજને પણ એનો ફાયદો થાય, એવી આ વ્યવસ્થા છે.

આ વ્યવસ્થાએ સંન્યાસી માટે ભિક્ષાની વ્યવસ્થા ઊભી કરી છે કેમ કે સંન્યાસીનું લક્ષ્ય તો માત્ર ચેતના, આત્મા એના સિવાય બીજું કશું જ નથી; લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એણે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, જો એ એના લક્ષ્યને પૂરી રીતે જો સરેન્ડર થાય છે તો એ સત્યને વધારે સરખી રીતે સમજી શકે – આ વાત સરેન્ડરથી શરૂઆત થાય છે, સ્વાદની વાતથી થાય.

ગાંધીજી કહેતા હતા કે સ્વાદ સ્વાદેન્દ્રિય જે છે ને, એની ઉપર સંયમ રાખવો, બ્રહ્મચર્ય કરતાં વધારે અઘરું છે. એટલે મને નવાઈ લાગતી હતી કે બધા કહે છે કે બ્રહ્મચર્ય તો બહુ અઘરું છે પણ ગાંધીજી તો એમ કહે છે કે સ્વાદ છોડવો બહુ અઘરો છે, અને મને આ વાત ગુજરાતમાં આવ્યા પછી ખબર પડી કે ગાંધીજી બરાબર કહેતા હતા – સ્વાદને છોડવું ઘણું અઘરું છે. સાધુ ભિક્ષા માટે નીકળે ત્યારે એને ખબર નથી કે આજે ભોજન મળશે કે નહીં મળશે એ પણ નક્કી નથી હોતું; કેટલી વખત એવું પણ બનતું કે અમે ભિક્ષા માટે જતા તો ભૂખ્યા જ પાછા આવતા રહ્યા હોય, પાંચ-સાત ઘરે પણ જઈને ભિક્ષા ન મળે, તો પાછા આવી જઈએ. હવે બીજે દિવસે મળશે કે નહીં એ પણ નક્કી ના હોય… સંન્યાસી તો પૂરી રીતે સત્ય ને સમર્પિત છે, ખાવામાં શું મળશે એ કોઈ દિવસ નક્કી નથી હોતું.

હું ઉત્તરકાશીમાં જે ગુફામાં રહેતો હતો ત્યાં એક વખત મને તાવ આવી ગયો. હવે જગ્યા એવી હતી કે હું દુનિયાથી પણ જતો રહું તો પણ કોઈને ખબર ના પડે કે અહીં કોઈ મરી ગયું છે. દવા-બવા તો હતી નહીં, પૈસા પણ ન્હો’તા… નજીકમાં ઝરણું વહેતું હતું ત્યાં હું ધીમે-ધીમે ગયો, એમાંથી પાણી લઇ આવ્યો અને પાણી પી’ને ત્રણે’ક દિવસ રહ્યો! અને ત્રણ દિવસમાં તાવ એની મેળે જતો રહ્યો – બે-ત્રણ દિવસ માત્ર પાણી પી’ને રહ્યો અને તાવ ઉતરી ગયો. એટલે પછી ભૂખ લાગી, જોરથી ભૂખ લાગી, તો ધીમે-ધીમે લાકડીના ટેકે ચાલતો ગયો અને મેં મારી જાતને કહ્યું  કે આજે તો પેટમાં કશું નાખવું જ પડશે; ભિક્ષા લેવા ગયો તો ત્યાં મને રાઈતું આપ્યું, અને એ પણ ખાટું હતું, મેં વિચાર કર્યો, ‘ચાલો, શિવજીની આ જ ઈચ્છા છે’ અને રાઈતું ખાધા પછી બીજી જગ્યાએ ભિક્ષા લેવા ગયો, એ ઘર કોઈ ફોરેસ્ટ ઓફિસરનું હશે, એણે નોકરને બૂમ પાડી, નોકર આવ્યો, મને થયું એ ખાવા માટે કશું’ક આપશે, પણ એણે તો મારો હાથ ઝાલ્યો અને મને ગેટની બહાર મૂકી આવ્યો! એટલે મને થયું કે શિવજીની આજે આટલી જ ઈચ્છા છે, મારે રાઇતું ખાવાનું.

તો, સંન્યાસમાં આમ કશું જ નક્કી ના હોય કે તમને ભિક્ષામાં શું મળશે; અને ગૃહસ્થના ઘરમાં તો ભોજન માટે, સ્વાદ માટે કેવી-કેવી પ્લાનિંગ કરે છે કે આજે આ બનાવીશું, આજે આ બનાવીશું, એવી વાત હોય.

આ વ્યવસ્થામાં સાધુ ક્યારે સ્વાદથી મુક્ત થઈ જાય એ ખબર જ ના પડે, નહીં તો સ્વાદથી મુક્ત થવું બહુ જ અઘરું છે. કેટલાં’ય ઘરોમાં સ્વાદ ને લીધે જ અશાંતિ હોય છે ક્યારે’ક તો ઘણા ઘરોમાં કાયમ ઝઘડા પણ થતાં હોય. એક વખત હું રાજકોટમાં એક ઘરમાં રોકાયો હતો ત્યાંના બેન મને જમાડવા બેઠા, અને જમાડતા-જમાડતા પૂછ્યું,  “સ્વામીજી રસોઈ કેવી બની છે?” મેં કહ્યું “બહુ સરસ છે”, અને સાંભળીને તો એ બેન એકદમ રડવા લાગ્યા, જોર-જોરથી રડવા લાગ્યા. મને થયું, મેં કંઈ કશું ખોટું નથી કીધું ને? મેં તો સારું જ કીધું છે કે ‘બેન રસોઈ સારી બની છે’ તો બેન રડે કેમ છે? પછી એ બેને સ્પષ્ટતા કરી કે “સ્વામીજી, આ જે ડાઈનીંગ ટેબલ છે ને એ મારે માટે નરક છે; જ્યારથી પરણીને આવી છું ત્યારથી મારે માટે રસોઈની બાબતમાં ફરિયાદ જ હોય છે, મારા પતિ કાયમ મને કાંઈ ને કાંઈ બોલતા જ રહે, અહીં ડાઈનીંગ ટેબલ ઉપર બેસે અને બોલવાનું શરૂ કરે, ‘તને આ નથી આવડતું, તને આ નથી આવડતું… આજે આ કરી દીધું, કેમ કર્યું આજે? આમ બનાવી દીધું…..’ અને હવે તો દીકરો મોટો થઇ ગયો છે, એ પણ મારા પતિની સાથે ભળી ગયો છે; એટલે મેં રસોઈ બનાવવાની જ બંધ કરી દીધી છે, એક બાઈ આવે છે એ રસોઈ બનાવે છે, આજે તો તમારે માટે મેં રસોઈ બનાવી છે.”

તો, આમ સ્વાદને લઈને માણસ પોતે તો હેરાન થતો હોય, અને બીજાને હેરાન પણ કરતો હોય. આપણે દક્ષિણમાં જઈએ અને અઠવાડિયામાં એવા તો ઢીલા થઈને પાછા આવીએ ઇડલી, ઢોસા ખાઇ-ખાઇને હેરાન થઈ ગયા હોઇએ.

એક વખત મારી સાથે એક ભાઈ ગુજરાતથી દહેરાદુન પરિવ્રજનમાં એક અઠવાડિયા માટે આવેલા. ત્યાં અમે એક ઘરમાં રોકાયા, બે દિવસ પછી મને પૂછ્યું કે “સ્વામીજી, અહીં ભાત નથી બનાવતા?” પંજાબી કે હરિયાણવી ફેમિલી હોય તો એ ઘરોમાં સવારે નાસ્તામાં પણ રોટલી-શાક હોય,, પૂરી-શાક હોય, પરોઠા-શાક હોય, દહીં હોય, બપોરે પણ એ જ ભોજન હોય, સાંજે પણ એ જ ભોજન! એટલે, પૂછે, “સ્વામીજી ભાત…”? ત્યારે મેં કહ્યું , “જુઓ, હું જ્યાં રહું ત્યાં એ ઘરમાં જે બનાવે એ ખાઉં છું, કોઈ દિવસ કહેતો નથી કે ‘આ બનાવો’. તમને ભાત ખાવો હોય તો હું બેનને કહું.” તો, મેં બેનને કહ્યું, “ભાત બનાવજો.” પછી એ ભાઈ, જે યજમાન હતા એમની સાથે વાત કરતા હતા તે હું સાંભળી ગયો. આ ભાઈ કહેતા હતા કે “હું ઘરે જઈશ, ગુજરાત જઈશ તો એક કિલો ખાંડ એમ-ને-એમ જ અઠવાડિયામાં ખાઈ જઈશ.” પછી, અમે જ્યારે ટ્રેનમાં પાછા આવતા હતા, ત્યારે બપોરે જમીને હું ઉપરની રેક પર સુઈ ગયો હતો, અને એ ભાઈ નીચે ઢીલા થઇને બેઠા હતા, પછી હું જ્યારે ઊતર્યો તો એ એકદમ ખુશ-ખુશ દેખાયા; મેં પૂછ્યું “શું થયું તમને, તમે બહુ ખુશ દેખાવ છો?” એ કહે, “સ્વામીજી, અહીં બે માણસો બેઠા હતા…” અને મેં કહ્યું, “હા, એમણે કીધું “સ્વામીજી, એ ગુજરાતી બોલતા હતા.”

આપણે કોઇ બીજા પ્રદેશમાં ગયા હોઇએ અને જો ત્યાં આપણી ભાષાવાળી વ્યક્તિ ના મળે, આપણા જેવા માણસો ના મળે, આપણને ગમતા સ્વાદનું ભોજન ન મળે તો માણસ હેરાન-હેરાન થઈ જતો હોય. અમે તો જ્યાં જઈએ ત્યાંનો સ્વાદ માણીએ દક્ષિણમાં જઈએ તો દક્ષિણનો સ્વાદ માણીએ, બંગાળમાં જઈએ તો બંગાળનો સ્વાદ માણીએ, ઓડિશામાં જઈએ તો ઓડિશાનો સ્વાદ માણીએ, અમારે માટે સ્વાદ જેવું કશું રહ્યું જ નથી. મને હજુ કોઈ પૂછે કે શું બનાવું? શે’નું શાક બનાવું?’ હું  કહું કોઈ પણ શાક બનાવો, ચડી જાય એટલે બસ, બહુ થઈ ગયું.

એટલે, સંન્યાસીએ સ્વાદેન્દ્રિયથી મુક્ત થઈ જવું, કેમ કે સ્વાદ માટે માણસ માત્ર આ જીવનમાં જ હેરાન નથી થતો… તમને નવાઈ લાગશે કે માત્ર સ્વાદ, ખાવાની વૃત્તિ કેટલી વખતે ચેતનાને રોકી દે’તી હોય છે, અહીં જ રોકી રાખતી હોય છે. ખાવાની ઇચ્છા રહી ગઈ હોય, અને જો એનું મૃત્યુ થઈ ગયું તો એ ચેતના મુક્ત નથી થતી, કેટલા’ય દાખલાઓ એવા હશે કે એ અતૃપ્ત જીવ બીજાના શરીરમાં પ્રવેશ કરીને કહે કે ‘મને આ ખાવાનું આપો’.

આશ્રમમાં સાધ્વીજી છે એ વાત કરે કે એ નાના હશે ત્યારે એમના પરિવારમાંથી કોઈ એક બહેન બહાર કુવા પાસે ગયા હશે, તો ત્યાં એનામાં કોઈનો પ્રવેશ થઇ ગયો. એ જીવ કહે “મને બુંદીના લાડુ કરીને આપો,”  “બુંદીના લાડુ ખાઈ ને જતી રહીશ?” તો કહે, “હા”. તો એને એ પ્રમાણેના લાડુ બનાવી આપ્યા તો એ પેલી બેન એવા વર્ણની હશે એ લોકો જે ખાવાની વસ્તુ લે એ સાડીના છેડામાં જ રાખીને ખાય, વધે તો એમાં પછી બાંધી લે. હવે, જે જીવ જેના શરીરમાં આવ્યો હતો એ બેન તો બ્રાહ્મણ દીકરી હતી, તો પછી એણે આમ લાડુ લઇને સાડીના પાલવમાં લીધા, અને એમાં જ રાખીને જેમ બીજા લોકો કામ કરી ને ખાય છે એમ ખાવા લાગી, અને પછી દોડી, અને પડી ગઈ… અને જતી રહી. એટલે, સ્વાદ માટે ચેતના રોકાઈ જતી હોય છે અને તેથી એની આગળની યાત્રા જ રોકાઈ જતી હોય છે. તો, સ્વાદ આવી વસ્તુ છે.

સાધુને તો સ્વાદની ખબર જ ના હોય, અને એ પણ ના ખબર હોય કે આજે કેવા સ્વાદનું ખાવાનું મળશે. એટલે અનાયાસે એ સ્વાદથી મુક્ત થઈ જાય છે, ‘માત્ર કંઈ’ક ખાવું છે’, માત્ર આ વિચાર સાથે એ બે-ચાર વર્ષ ભિક્ષાવૃત્તિથી જો જીવી જાય, તો બહુ થઈ ગયું, એ સ્વાદથી મુક્ત થઈ જાય છે. સ્વાદેન્દ્રિય બહુ જ પ્રબળ ઈન્દ્રિય છે, તમારા હાથમાં જો રસોઈ બનાવવાની આવે, રસોઈ બનાવીને ખાવાનું થાય તો સ્વાદ આવે જ કે આજે આ બનાવીએ આજે આ બનાવીએ.

હું જ્યારે ખંભાત રહેતો હતો ત્યારે તો હું નાનો હતો, પણ જ્યારથી મેં સંન્યાસ લીધો છે ત્યારથી મને સંન્યાસ પરંપરાની બાબતમાં ઝાઝી કંઈ સમજ કે જ્ઞાન ન હતું, પણ ત્યારથી જ મને અંદરથી એવું જ થાય કે સાધુએ તો ભિક્ષા કરીને જ રહેવાનું હોય.

કૈલાશ આશ્રમમાં તો ઘણી બધી સારી વ્યવસ્થા હતી તો પણ હું એ બધું મૂકીને ભિક્ષાટન કરીને જ રહેતો હતો. એક વખત ખંભાત પાસે એક સાધકે આશ્રમ માટે એક  જગ્યા જોઈ, થોડે દૂર હતી અને અજાણ્યુ ગામ હતું; એ સાધક કહે, એક કુટીયા તમારે માટે બનાવી દઈએ, તમે એમાં રહેજો. તો મેં પૂછ્યું કે “ભિક્ષાની શું વ્યવસ્થા છે?” તો કહે “એક માણસ રાખી દઈશું અમે  ત્યાં સીધું પણ ભરી દઈશું, માણસ બનાવી આપશે.” મેં કહ્યું “એવું નહીં કરવાનું આપણે, પછી કાલે જો ત્યાં દાળ ખૂટે, ચા ખૂટે, ચોખા ખૂટે તો પછી મારે જાતે કહેવું પડે મીઠું નથી, મસાલો નથી એવું બધું નથી કરવું આપણે.”

સ્વાદની વાત કરીએ તો સ્વાદ આપણા હાથમાં છે જ નહીં, એટલે સંન્યાસી સ્વાદથી મુક્ત થઈ જાય, માન-અપમાનથી મુક્ત થઈ જાય. અને જુઓ, એક બાજુ એને કેટલું બધું માન કે મોટા મોટા મહારાજા હોય, રાજા થઈને પણ સંન્યાસીને પગે લાગે છે, કેટલું બધું માન મળે!! કોઈપણ વર્ગના માણસ હોય, એ સંન્યાસીને તો નમન કરે જ, વિદ્વાન બ્રાહ્મણ હોય, ગૃહસ્થ હોય ભલે મોટા વિદ્વાન હોય, પરંતુ જેણે સંન્યાસ લીધો હોય, એને નમન કરે, એનું પૂજન કરે… આવી વૈદિક વ્યવસ્થા છે, અને જો સંન્યાસમાં માન એકલું હોય તો એ માન ક્યારે અહંકારમાં બદલાઈ જાય, એ ખબર ના પડે.

ગૃહસ્થને જ્યારે ક્યારે પણ ગુસ્સો આવે, અભિમાન થાય તો એને એના ઘરવાળા, એના મા-બાપ ભાઈ-બહેન, સગા સંબંધીઓ કોઇ તો ટોકે ને એના વર્તન માટે, એના સ્વભાવ માટે ટોકે એના આચાર-વિચાર માટે ટોકે, પરંતુ સંન્યાસીએ તો બધું છોડી દીધું છે, હવે એને કોઈ કહેનાર કે ટોકનાર જ નથી; ગુરુ હોય તો ગુરુથી પણ હવે એ મુક્ત થઈ ગયા હોય, ગુરુ પણ પ્રત્યક્ષ ના હોય, એને રોકવા માટે… તો, સંન્યાસીને જે માન મળતું હોય એ ક્યારે વિકૃત થઈ જાય એ ખબર ના પડે. તમે ભિક્ષાપાત્ર લઈને ઊભા થઈ ગયા પછી માન જેવું કશું રહ્યું જ નહીં,  કોઇપણ વ્યકિત કોઇપણ રીતે એનું અપમાન કરી શકે, કોઈ કાઢી મૂકે, ગાળ પણ આપે, કશું પણ કરી શકે અને ખરેખર ગાળ ખાવા માટે તો જવાનું છે સંન્યાસી બનીને મનને બેલેન્સ કરવા તો જવાનું છે.

હું કૈલાશ આશ્રમમાં જ્યારે રહેતો હતો ત્યારે શરૂ-શરૂમાં ભિક્ષા માટે જઉં, તો એક વડીલ સંત હતા, એ પણ મધુકરી વૃત્તિથી રહેતા હતા, એમને મારે માટે સ્નેહ હતો, અ સાંજે મને પૂછે કે “આજ કુછ મિલી ભિક્ષા?” એટલે, જે દિવસ મને કશું ના મળ્યું હોય, તો હું કશું બોલું નહીં, એસમજી જાય, અને એ ભિક્ષા લાવ્યા હોય એમાંથી એક-બે રોટલી મને સાંજે આપી ‘દે. એવું બે-ચાર વખત થયું, તો, મને એક વખત કહે “તુમ ઐસા મત કરો, તુમ મેરે સાથ ચલો, મૈં તુમ્હે થોડે અચ્છે-અચ્છે ઘર બતા દે’તા હૂં, યે લોગ અચ્છા ખાના દેં’ગે”. પછી, બીજે દિવસે હું ગયો નહીં; મને ફરી એક-બે વખત ટોક્યો, પણ હું નહીં ગયો, આ માર્ગમાં હું તો નાનો હતો, પરંતુ મને થયું કે પછી ભિક્ષાનો મતલબ નથી કે તમે સારા-સારા ઘરે જાઓ તમને માનથી બેસાડે ખવડાવે… ના, ભિક્ષાનો મતલબ નથી, સરેન્ડરનો મતલબ નથી. એટલે, સંન્યાસીને અપમાન તો મળવું જ જોઈએ…. કોઈ તમને શું સમજે, કોઈ તમને ગાંડા’ય સમજે.

હું એક વખત ભિક્ષા માટે ગયો, ત્યારે તો નાની ઉંમર હતી, ત્યારે એક સંતે મને ચોલા જેવું પહેરવા માટે  વસ્ત્ર આપેલું એ પહેર્યું હતું; ભિક્ષા માટેની જગ્યાએ એક માજી ગેટની અંદર થોડે દૂર ઘર હતું, ત્યાંથી ઊભા-ઊભા મને જોયા કરે.. “નારાયણ હરિ” કરીને હું ઊભો રહ્યો, પછી મેં જોયું કે કોઈ ઉત્તર નથી આપતા, માત્ર જોયા જ કરે છે…. બે-ત્રણ મિનિટ રાહ જોઈ, પછી મેં આગળ ચાલવા માંડયું, ત્યારે મને ઈશારો કર્યો કે, ના, ઉભા રહો, ઉભા રહો. પછી એ માજી નજીક આવ્યા ,મને પૂછે, “ક્યા ચાહિયે?”  “રોટી વગેરે દે દો, કુછ ખાને કે લિયે, જો ભી હૈ વો,” તો, મને કહે, ઐસા કરો, મૈં તુમ્હે પૈસે દેતી હું, તુમ જાકે કહીં ખા લેના.” મેં કહ્યું, “નહીં પૈસા નહીં ચાહિયે મને તો ભોજન જ જોઈએ, એકાદ રોટલી હોય તો એ ચાલે” કહે “અચ્છા, મૈં  અનાજ દે’તી હું, તુમ પકાકે ખા લેના,” “નહીં , નહીં હોગા”..

તો આવી બધી વાતો કરી એટલે પાડોશના પાંચ-દસ જણા ભેગા થઈ ગયા પુછ્યું શું છે? માજી કહે યે લડકે લોગ પઢાઈ કરકે પાગલ જૈસે હો જાતે હૈ, યે લડકા કિસી અચ્છે ઘર કા  લગતા હૈ, પઢા- લિખા લગતા હૈ, ઔર રોટી માંગ રહા હૈ ખાને કે લિયે, પૈસે દેતી હું તો લેતા નહીં હૈ” પછી હું ચાલવા માંડ્યો કે માજી હવે લાંબુ કરે છે, કશું આપશે નહીં, મને ફરી પાછો ઊભો રાખ્યો અને ભોજન લઈને આવ્યા, મને એક પત્રાળામાં થોડો ભાત આપ્યો,, એ ખાઈ લીધું, પછી એ માજી ઊભા રહ્યા, અને કહે, “ઉસ ઘરમેં જાઓ, વહાં જાઓ”, હું ત્યાંથી લઈને આવ્યો, ત્યાં જમી લીધું. પછી, કહે “વહાં જાઓ.”

આમ, તમે ક્યારે માન-અપમાનથી મુક્ત થઈ જાવ ખબર જ ના પડે, અને તમે માન-અપમાનની સીમાને તોડી દો, સત્યની વધારે નજીક જતા રહો, તમારો દેહ ભાવ ક્યારે જતો રહે ખબર જ ના પડે તમને. એટલે, માન-અપમાનથી મુક્ત થઈ ગયા, સ્વાદથી મુક્ત થઈ ગયા બીજી કોઈ લાગણીથી મુક્ત થઈ ગયા, અને આ બધું અનાયાસે જ થતું હોય એને માટે તમારે કોઈ લાંબો પ્રયત્ન કરવાનો ના હોય, તમે કોઈ આયોજન ના કર્યું હોય કે તમારે માન અપમાનથી મુક્ત થવું છે, તમે તો માત્ર ભિક્ષા માટે જતા હો એ બધું માન-અપમાન, સ્વાદ અનાયાસે સહજતાથી બધાથી મુક્ત થવાતું હોય છે તમે પ્રયત્ન કરવા જાવ કે મારે માનથી મુક્ત થઈ જવું છે, અપમાનથી મુક્ત થવું છે તો એ તમારા મન પર વધારે ચઢી બેસે છે; નહીં, કોઈ પ્રયત્ન નથી કરતા, સહજતાથી બધાં’યથી મુક્ત થતા જાવ છો, સ્વાદ ભૂખથી મુક્ત થઈ જાવ ખબર જ ના પડે.

હું ઉત્તરકાશી રહેતો હતો, ત્યારે બપોરે ભિક્ષા માટે જઉં, તો ગરમાગરમ ભાત જ મળે, કેટલા મહિના રહ્યો હોઇશ, માત્ર ભાત જ મળે, હા, કોઈ-કોઈ દિવસ દાળ કે શાક મળે ૨૪ કલાકમાં એક વખત આવું મળે. એટલે, સાધુ કયા પ્રાંતમાં રહેતો હોય, ક્યાં રહેતો હોય, કશું નક્કી નથી હોતું; એ બધી વાતો સહજતાથી જીવનમાં આવી જતી હોય છે, નહીંતર એને માટે તમે કેટલું તપ કરો, કેટલું ધ્યાન કરો, કેટલી સાધના કરો પરંતુ તમને કોઈ અપમાનિત કરી દે તો તમે એ પચાવી નથી શકતા, કોઇ દિવસ બેસ્વાદ ખાવાનું આવી જાય તો એ ના પચાવી શકો, એનો અર્થ એ છે કે હું દેહની સીમાથી બહાર નથી નીકળ્યો, એની અંદર જ હજુ છું.

એટલે, જે વ્યવસ્થા ઋષિઓએ આપી છે એ એને માટે શુભકારી છે, અહંકારથી મુક્ત થઈ જાય કોઈ અહંકાર જ ન હોય, ભિક્ષાપાત્ર લઈને ઊભા રહેવાનું હવે શેનો અહંકાર, તો એવો એક નાનો તો નાનો પ્રયોગ બધા’ય લોકો એ કરવા જેવો તો છે.

 આપણા એક સાધક ભાઈ એક વખત શિબિર માટે બેંગ્લોર ગયા હતા, ત્યાંના આયોજકોએ એક પ્રયોગ કરાવ્યો જેમાં બધાંને ભિખારી જેવો મેકઅપ કરાવી, ફાટેલા કપડાં પહેરાવી દીધા, વાળ અસ્તવ્યસ્ત કરી દીધા, ચહેરો ખરાબ કરી દીધો, અને આવા વેશમાં બધાને ગાડીમાં લઈ જઈને શહેરમાં છોડી દીધા, અને કીધું કે આજે તમારે બધાએ ભીખ માગીને જ જીવવાનું છે. એ સાધક પોતાનો અનુભવ કહે કે “સ્વામીજી, નવ દસ વાગ્યા સુધી તો હિંમત જ ન થઈ કે માંગવું કઈ રીતે; વળી એ લોકોએ સવારથી કશું ખાવાનું પણ આપ્યું ન્હોતું, એટલે ભૂખ લાગી તો એક દુકાનમાં ગયો અને કહ્યું કે મને કંઈક આપો. દુકાનવાળાએ જોયું કે આ તો તંદુરસ્ત છે, અને મને જોઈને પછી એણે ગંદી ગાળો આપી, ભીખ માંગવા આવી ગયો, હટ્ટોકટ્ટો છે, કોઇ કામ કેમ નથી કરતો? તો મને થયું કે એ માણસને એક લાફો મારી દઉં, અને એને કહું કે હું ભિખારી નથી… પણ મને પછી યાદ આવ્યું કે હું તો આજે ભિખારી થઈને જ આવ્યો છું, એટલે હું કશું બોલ્યો નહીં, બીજી જગ્યાએ ગયો, પછી જ્યાં ચાર રસ્તાની ચોકડી પડે અને જ્યાં સિગ્નલને માટે ગાડીઓ ઉભી રહે ત્યાં હું માંગવા લાગ્યો; ત્યારે મારી પાસે થોડા પૈસા થયા અને ત્યાં સુધીમાં તો બપોરના એક વાગી ગયા હતા, અને ભૂખ પણ કકડીને લાગી હતી, તો, જે પૈસા મળ્યા હતા એમાંથી લારી પરથી થોડું ખાવાનું લીધુ અને રસ્તાને કિનારે બેસીને એ ખાઈ લીધું.. પછી એ ભાઈ કહે, એ જે ક્ષણોમાં એવી શાંતિ અને આનંદનો મેં અનુભવ કર્યો, એવો  ક્યારે’ય અનુભવ ન્હોતો કર્યો..”

હવે આવું કેમ થયું? કેમ કે તમે એકદમ મુક્ત પક્ષી જેવા થઈ ગયા, ખુલ્લા આકાશ નીચે તમે આવી ગયા, તમને કોઇ જવાબદારી નથી, કોઈ સંબંધ નથી, ખુલ્લા આકાશમાં તમે કેવી સ્વતંત્રતાનો અનુભવ કરો? તમે એકદમ સ્વતંત્ર થઇ ગયા ઉડો ને, આખું આકાશ ખાલી છે.

એ ભાઇ પછી કહે, મારી સાથે વડોદરાનો એક એન્જીનીયર પણ હતો એનો constructionનો ધંધો હતો એ કહે, હું તો ના જ માંગુ ભલે ભૂખ્યો રહીશ, બારેક વાગ્યા અને એમને સ્વભાવિક રીતે ભૂખ લાગી, તો પછી છેવટે માંગવા લાગ્યા. પછી કહે, અરે બહુ આનંદ આવે છે માંગવામાં, બહુ શાંતિ લાગે છે, બહુ આનંદ આવે છે માંગવામાં એન્જિનિયરને પણ… કેમ કે તમે દરેક જાતના અહંકારના ભારથી મુક્ત થઈ ગયા. આમ તો મનમાં ઘણું બધું હોય, એની જ પીડા છે, એનું તો દુઃખ છે બધાને એ બધાથી આવા સંજોગોમાં તમે મુક્ત થઈ ગયા, માથા ઉપર કોઇ ભાર નથી તમે નિર્મળ પાણીની માફક થઈ ગયા એટલે આનંદ આવ્યો.

આજે હવે, એ જે વેલ્યુઝ, મૂલ્યો  છે એ થોડા-થોડા બદલાઈ રહ્યા છે, ઘણા સાધુઓને પણ એમ થાય છે કે હું તો ક્યાં’ય માંગવા નથી જતો, મારા આશ્રમમાં બધી જ વ્યવસ્થા છે…તો, આવી વાત સાધુ માટે સારી નથી કેમ કે આવી સારી પરિસ્થિતિમાં સાધુ પાકો થાય જ નહીં આવી બધી સુવિધા હોય તો સાધુ પાકો ન થાય, સાધુ જાય, ભિક્ષાપાત્ર લઈને ઊભો રહે, ભલે થોડા સમય માટે… અને ભિક્ષા જેવું કાર્ય સાધુ માટે પવિત્ર અન્ન બીજું કોઈ જ નથી મનાતું.

આજના સમયમાં હજુ પણ રામકૃષ્ણ મિશનમાં સંન્યાસની દીક્ષા થાય છે, તો સામાન્ય રીતે મિશનના સાધુઓ ભિક્ષા માટે જતા નથી, પરંતુ દીક્ષા મેળવ્યા પછીના ત્રણ દિવસ દીક્ષાર્થિઓએ કમ્પલસરી ભિક્ષા કરવાની હોય છે, કેમકે રામકૃષ્ણ જ્યારે બીમાર હતા (કેન્સર થઈ ગયેલું) અને કશું ખાઈ શકતા ન હતા, ત્યારે એ લોકોને ભગવા વસ્ત્ર પહેરાવીને ગામમાં મોકલેલા એમ કહીને કે ‘ભિક્ષા કરીને આવો’, અને ભિક્ષા લઈને આવ્યા એમાંથી રામકૃષ્ણે થોડું ખાધું હતું અને કહ્યું હતું કે “આનાથી પવિત્ર અન્ન બીજું કશું જ નથી”, એટલે, સાધુને માટે પવિત્ર અન્ન ભિક્ષાનું અન્ન જ છે.

એટલે, સાધુઓ માટે પણ કેટલી સરસ વ્યવસ્થા છે કે જે એનું ધ્યેય છે, કે એ સંબંધ માત્ર આત્માની સાથે જ છે બીજા કશાથી અને સંબંધ નથી દેહની આસક્તિથી જતો રહ્યો હોય, સ્વાદની આસક્તિથી ઉપરામ થઇ ગયો હોય, માન-અપમાનથી મુક્ત થઈ ગયો હોય, અહંકારથી મુક્ત થઈ ગયો હોય, અને બીજી કશી ખબર જ ના પડે, એ અનાયાસે એ બધાથી મુક્ત થઈ ગયો, અને સાથે સાથે આ વ્યવસ્થાથી સમાજને કેટલો બધો ફાયદો છે એને સમજવું છે.

મને એ વિચારીને પણ રોમાંચ થાય છે કે કોઈના ઘરે ઊભા રહીને શંકરાચાર્યજીએ ભિક્ષા લીધી હશે, તો એ ઘર કેટલું ભાગ્યશાળી હશે, એ માણસ કેટલો ભાગ્યશાળી હશે. મહાવીર પણ ઊભા રહ્યા હશે કોઈના ઘરે, દત્તાત્રેય ઉભા રહ્યા હશે, બુદ્ધ ઉભા રહ્યા હશે કોઈ-ને-કોઈ ઘરે અને એ બધાએ આવા મહાપૂરુષોને ભિક્ષા આપી હશે. તમે કલ્પના કરો, કે એક જ્ઞાની મહાપુરુષને માત્ર અડધી રોટલી આપીને સાક્ષાત્ ભગવાનની પ્રત્યક્ષ સેવાનો એને લાભ મળ્યો હોય! કેમ કે, જેણે પોતાના હૃદયમાં પરમાત્માનો પ્રકાશ કર્યો હોય તો એ તો પરમાત્મા જેવો જ થઈ ગયો હોય!

એટલે, આ વ્યવસ્થામાં સંન્યાસીને માત્ર અડધી રોટલી આપીને ગૃહસ્થને પ્રત્યક્ષ સેવાનો લાભ પણ મળતો હોય છે.

બીજી વાત કે, જો આ વ્યવસ્થા ના હોય તો? હવે, તો ગુરુજનોના દર્શન તો ટીવી પર જ થઈ જતા હોય છે, પ્રત્યક્ષ દર્શન થાય નહીં, પાસે જવાનું ના મળે એટલે ગુરૂની સેવાની તો વાત જ નથી કરવાની. કેટલા સંપ્રદાયો છે, એમના સાધકો મને મળે ત્યારે વાત કરે છે “અમને બહુ સારું છે, ગુરુજી બહુ સારા મળ્યા છે, પરંતુ પ્રત્યક્ષ સંપર્કનો અભાવ ક્યારે’ક-ક્યારે’ક જ બહુ જ ફીલ (દુ:ખ) થાય છે, દર્શન પણ થતા હોય તો મંચ ઉપર, ગુરૂજી દસ ફૂટ ઉપર મંચ પર બેઠા હોય, અને સત્સંગ વખતે દર્શન થાય, પછી તો દર્શન પણ ના થાય, જ્યારે સંન્યાસની આ વ્યવસ્થામાં તો જ્ઞાની પુરુષ ઘરે આવ્યો હોય, તમારી સામે બેઠા હોય, નજીકથી જોયા હોય પ્રત્યક્ષ તમે એમની સાથે વાત કરી હોય, સેવા પણ કરી હોય અને એ પણ કોઈ પણ ખર્ચો કર્યા વગર!

હવે આધુનિક ગુરુઓ તો એવા થઇ ગયા છે કે  જે અનુયાયી વધારે ખર્ચો કરતો હોય એ જ એમના ઇનર સર્કલમાં જઈ શકે. ત્યારે સંન્યાસની વ્યવસ્થામાં તો અડધી રોટલી આપીને તમને એક જ્ઞાની પુરુષની સેવાનો લાભ મળે છે સહજતાથી, એટલી સહજતાથી જ્ઞાની પુરુષ, સાધુ ઉપલબ્ધ છે… પણ હવે ના મળે. હવે તમે વિચાર કરો કે સાધુ ભિક્ષા માટે જતા હશે ચાલતા જતા હશે નાના-નાના ગામડાંઓની વસ્તીમાં જતા હશે, નાના ઘરોમાં જતા હશે, આમ અનાયાસે એને સમાજની પરિસ્થિતિનો ખ્યાલ પણ આવી જાય છે.

શંકરાચાર્યજીનું કનકધારા સ્તોત્ર છે એ સ્તોત્રની બાબતમાં એવું કહેવાય છે કે શંકરાચાર્યજી એક જગ્યાએ ભિક્ષા માટે ગયા તો ત્યાં એક વૃદ્ધ માજી હતા, એમની પાસે કશું હતું જ નહીં, ખાવા માટે પણ કશું ન્હોતું, માત્ર એક  હતું એ પણ જૂનું પડેલું… તો, એ આમળું એમણે ભિક્ષામાં શંકરાચાર્યજીને આપ્યું, એટલે શંકરાચાર્યજીને પરિસ્થિતિ સમજાઈ ગઇ, તો એ વખતે એમણે કનકધારા સ્તુતિ કરી હતી, અને એવું કહેવાય છે કે એ વૃદ્ધાને ત્યાં સોનાના આમળાંની વૃષ્ટિ થયેલી.

એટલે, સંન્યાસી જ્યારે ગામમાં જતો હોય, કોઈના ઘરે જતો હોય તો એને પરિસ્થિતિનો ખ્યાલ આવે અને એનામાં કોઈ કરુણાનો ભાવ આવશે જ કે ભગવાન એનું ભલું કરે. આ મહત્ત્વની વાત છે જે વ્યક્તિ પરમાત્મા સાથે જીવતી હોય, આત્મસ્થિતિમાં જીવતી હોય અને તેમની અંદર આપણે માટે એક સારો ભાવ આવે તો બહુ થઈ ગયું!

મને ખ્યાલ છે એક વખત હું મુંબઈ ટ્રેનમાં જતો હતો, ત્યાં એક મુસ્લિમ છોકરો મારી સામે ઘડી-ઘડી એ જોયા કરે, પછી થોડીવારમાં ઊભો થઈને નજીક આવ્યો, મને કહે, “આપ જબ પ્રાર્થના કરોગે ના, તબ મેરે લિયે દુઆ માંગના”. એટલે, આનાયાસે સાધુને સમાજની પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય કે સમાજમાં શું ચાલે છે. કોઈ ધરતીમાં પગ ના મુક્યો હોય, ઝુપડપટ્ટીમાં કોઈ દિવસ ગયો ના હોય એને કઈ રીતે આ દેશનો ખ્યાલ આવે? સમાજનો કઈ રીતે એને ખ્યાલ આવે?

આમ, અનાયાસે સમાજને લાભ થઈ જાય છે, મળી પણ જાય છે, અને મોટામાં મોટી વાત તો એ છે કે સાધુ-સંન્યાસીને કારણે તમારી અંદર એક આપવાનો ભાવ પણ ઉત્પન્ન થાય છે ત્યાં ભલે લાલચ હોય, કોઈને કે એને આપીશ તો મને લાભ થશે, ભલે જે હોય, પણ તમારી અંદર આપવાનો એક જે ભાવ આવે છે એ સામાન્ય વાત નથી, અને જીવનમાં કોઇને કશું આપવાનો ભાવ આવે તો સમજવું કે એ પરમાત્માની કૃપા થઈ રહી છે.

મેં સ્વામી કૃષ્ણાનંદજીનો અનુભવ વાંચ્યો હતો, ત્યારથી મને વિચાર આવતો કે સાધુનું કેવું મન હોય, એમનામાં કેટલી કરુણા હોય છે! સ્વામી કૃષ્ણાનંદજી આણંદ જીલ્લા ના ભાદરણ ગામમાં રહેતા હતા, બહુ સારા, વિદ્વાન સંત હતા, એમનું આખું સાહિત્ય અંગ્રેજીમાં છે, જેનો ગુજરાતીમાં અનુવાદ મઢીવાલા કરીને એક ભાઈએ કર્યો છે. સ્વામીજી ભ્રમણ કરતા, અને એમના અનુભવો એમાં લખ્યા છે..

એક વખત સ્વામીજી પુરીમાં ક્યાં’ક રોકાયા હશે, એમની પાસે થોડા ફળ હતા, વધારે હતા એટલે એમને થયું કે હું કોઈ ગરીબને એ ફળ આપી દઉં એમને કામ આવશે, એટલે એમણે આજુબાજુમાં નજર કરી તો એક બહુ જ ગંદા ઉકરડા જેવું હતું, અને એમાં એક ગંદો માણસ બેઠો હતો એ ઉકરડામાં બેઠો હતો. એટલે એમને થયું કે હું એમને ફળ આપી દઉં. પોતાની પાસેના ફળ લઈને એ તો ગયા પેલા માણસની પાસે, જઇને એમની પાસે ઊભા રહ્યા, પેલા ભાઈ થોડાક હસીને કહે, “બેસો”.  હવે, ત્યાં બેસવામાં સ્વામીજીને થોડો સંકોચ થયો, એ ભાઈએ સ્વામીજીને માર્મિક રીતે જોયા, અને કહ્યું કે “કપડે કી ચિંતા જ્યાદા હૈ”, અને જે અધિકારપૂર્વક એ બોલ્યા ને, તો સ્વામીજી ચૂપચાપ એની બાજુમાં બેસી ગયા. એ ભાઇએ સ્વામીજીને કીધું કે “તુમ જો ફલ લાયે હો-ના ઉસકી જરૂરત મુજે નહીં હૈ, યહાં પાસ મેં એક બચ્ચા બીમાર હે, બુખાર હે ઉસકો, ઉસે દે દેના.”

ત્યાર પછી, એની સાથે વાતો કરતાં ખબર પડી કે આ તો સિદ્ધપુરુષ છે ભૂત-ભવિષ્ય બધાનું તેમને જ્ઞાન છે. પછી એ સંતે  કૃષ્ણાનંદજીને થોડા પૈસા આપ્યા, અઢાર રૂપિયા હશે અને કીધું “પૈસા તમે રાખો, હું થોડા દિવસ પછી(ની તિથી કીધી, દિવસે કીધો) આ દિવસે હું શરીર છોડી દે’વાનો છું, “આ જ પૈસાથી તમે મારા સંસ્કાર કરજો, બીજો એક રૂપિયો પણ તમારે વાપરવાનો નથી. હું પછી કલકત્તામાં એક છોકરીના શરીરમાં જન્મ લઇશ, સ્ત્રી શરીરમાં જન્મ લઇશ અને અમુક વર્ષ જીવીશ અને એ મારો છેલ્લો જન્મ છે… અને પછી હું મુક્ત થઈ જઈશ,” એ ભાઈએ એવો નિર્દેશ કર્યો.. કૃષ્ણાનંદજીને થયું, હા, હું કરીશ, તમારી જે ઈચ્છા છે એ પ્રમાણે હું કરીશ.

પછી એક બે દિવસ પછી કૃષ્ણાનંદજી ત્યાં રેલવે સ્ટેશન પર ગયા, તો જોયું કે ચાર-પાંચ જણા જમતા હતા, અને ત્યાં એમની પાસે જ સંત ભોજન માંગતા હતા, ખાવાનું માંગતા હતા અને પેલા લોકો ધૂત્કારતા હતા કે ‘ખાવા નથી દેતા ભાગ અહીંથી … ચલ”

આપણે કોઈ આવી ખુલ્લી જગ્યામાં ક્યાં’ક ખાવા બેઠા હોઇએ, અને સામે કોઈ માંગવાવાળો આવી જાય તો એમ જ થાય ને કે, ભાઈ, શાંતિથી ખાવા તો ‘દે થોડું,’ એટલે, પેલા લોકો અમને ધુત્કારતા હતા. આ જોઇને કૃષ્ણાનંદજીને દુઃખ થયું, કે અરે! આ તો આટલા મોટા સંત છે અને આવું અપમાન? તો, એમણે એનો હાથ પકડ્યો અને કીધું “હું તમને જમાડી દઉં” અને એમનો હાથ પકડીને ત્યાંથી તે લઈ ગયા. એ સંત થોડે દૂર સુધી બહાર આવ્યા, પછી, હાથ છોડાવી દીધો, કહે, “મુજે ભૂખ નહીં હૈ, મુજે ખાના નહીં હૈ.” “તો ખાના ક્યોં માંગ રહે થે?” તો એ સંતે કીધું, “વહાં મૈં ઈસલિયે માંગ રહા થા કિ ઇન લોગોં કે અંદર ભૂખેકો દેને કા થોડા ભાવ આયે, કુછ દયાકા ભાવ આયે.” વિચાર કરો, કેટલી ગજબની વાત છે!

આપણે બારણે કોઇ આવીને ઊભો રહે, અને ભૂખ્યો હોય, આપણને એવી ખાતરી થાય કે એ માણસ નુકસાન નહીં કરશે, ભલો માણસ છે, એ કહે છે કે માત્ર મને ખાવાનું જ આપો રોટલી જ આપો, તો, આપણે ના નહીં કહી શકીએ. એમ કેમ? આવા સમયે શું કરવું એ આપણને કોઈએ શીખવાડયું નથી, અને છતાં આ ભૂમિમાં, ભારતની ભૂમિમાં એટલા મહાન મહાન પુરુષોએ હાથ લાંબો કર્યો છે અને લોકોએ એમને આપ્યું છે… એના સંસ્કારો આપણી અંદર છે, એની ભાવનાઓ આપણી અંદર છે. પશ્ચિમના દેશોમાં તમને કોઇ પાણી પણ નહીં પા’ય, હા, કદાચ ગોળી મારી દે, અથવા તો પોલીસને બોલાવી દે’શે. અમેરીકાના ટેક્સાસ જેવી જગ્યામાં હજુ આજે પણ એવો કાયદો છે કે તમે તમારી પ્રોપર્ટી પર કોઈ અજાણ્યો માણસ જુઓ તો તમે એને ફાયર કરી શકો છો, તમે એના કેમ્પસની બાઉન્ડ્રીની અંદર જાવ તો એ ગોળી મારી દે તમને. ત્યાં ભિક્ષા કરવી શક્ય જ નથી.

જ્યારે, ભારતમાં તો કોઈના પણ ઘરે જઇને તમે માંગી શકો છો. એટલે, ગૃહસ્થની અંદર સમાજમાં ક્યારે’ક કરુણાનો ભાવ આવે, દયાનો ભાવ આવે અને દુઃખીને કંઈ’ક મદદ કરવાનો ભાવ આવે, કોઈને જમાડવાનો ભાવ આવે, અને કોઈને ભોજન આપીએ એના કરતાં બીજું કોઈ ઉત્તમ દાન નથી, કોઈ સારું પુણ્ય નથી. આ એક જ કામ (ખાવાનું આપવાનું) એવું છે એમાં અધિકારી કે અનધિકારી આપણે વિચાર કરવાની જરૂર નથી, એટલે માગનાર ગુંડો એ બદમાશ હોય, ગુનેગાર હોય, લોફર હોય, લુચ્ચો હોય એ જે પણ હોય તેને ખાવાનો અધિકાર છે, એને આપણે જો ભોજન આપીએ છીએ તો બિલકુલ વિચાર કરવાની જરૂર નથી એ જે હોય, એને આપી શકાય છે.

આપણે ત્યાં જેલમાં નિયમ છે કે અઠવાડિયા પછી જો કોઈને ફાંસી આપવાની હોય તો પણ એને ભોજન આપતાં રહીએ છીએ, એવું નથી હો’તું કે, ભાઈ, એને તો અઠવાડિયા પછી ફાંસી આપવાની છે પછી આપણે શું કરવા એને જમાડવાનું? અન્નદાન એવું છે કે એ જઠરાગ્નિને શાંત કરે એવું દાન છે, વૈશ્વાનર અગ્નિને શાંત કરે એવું એ દાન છે. તો, અનાયાસે દયાનો ભાવ માણસની અંદર, સમાજની અંદર આવે, કરુણાનો ભાવ આવે અને એવું અનાયાસે થાય. આજે કોઈ સંતને આપે છે, તો કાલે કોઈ ગરીબને પણ આપશે, કાલે કોઈ ભૂખ્યાને પણ આપશે… અને આ બધું અનાયાસે જ થાય છે..

આવી નાની-નાની વાતો છે, એમ જ લાગે કે ભિક્ષાની વ્યવસ્થામાં આવું બધું શું છે? પરંતુ આ વ્યવસ્થાને હું જેમ-જેમ, દરેક બિંદુથી વિચારું છું, દરેક દૃષ્ટિકોણથી વિચારું છું તો મને આ વ્યવસ્થા અદ્ભુત લાગે છે.

આજે આટલું જ.

ઓમ તત્ સત્