हरि ॐ

આપણે ભારતીય સંસ્કૃતિ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, અને તેથી આપણે એનો ઈતિહાસ તો જાણવો જ જોઈએ, કારણ કે જે પ્રજા પોતનો ઈતિહાસ ભૂલી જાય છે એ ઘણું બધુ ગુમાવે છે. સામાન્ય રીતે આપણે એ તો જાણીએ જ છીએ કે ભારતની સંસ્કૃતિ અને એનો ઈતિહાસ બંને સુંદર અને ભવ્ય હતાં, અને જો આવું હોય, એનું સ્મરણ પણ જો આપણી અંદર હોય તો એ સ્મરણ આપણામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જગાડશે, જીવનમાં ઉત્સાહ જગાડશે…આ વાત આપણને આજે પણ ઘણા દેશો અને એના દેશવાસીઓમાં જોવા મળે છે, પરંતુ, આપણા ભારતીયોમાં જો કોઈ એક સૌથી મોટી ખામી, ઉણપ હોય તો એ છે આપણામાં આત્મવિશ્વાસનો અભાવ. આનું એક મોટું કારણ એ છે કે માત્ર ૧૦૦-૧૨૫ વર્ષના કાળમાં (ઈ.સ.૧૭૫૦-૧૯૪૭) (સ્રોત – https://en.wikipedia.org/wiki/East_India_Company) ભારત ઉપર અંગ્રેજોના રાજ દરમિયાનમાં અંગ્રેજો આપણી અંદર વિવિધ પ્રકારે એટલી બધી હીનતા ભરીને ગયા હતા કે આપણને એવું જ લાગવા માંડ્યું હતું કે આપણે તો બહુ તુચ્છ અને હીન છીએ. આ આત્મવિશ્વાસનો અભાવ અને હીનતાનું પ્રમાણ આપણી અંદર એટલું બધુ છે કે સ્વતંત્રતાના સાત દાયકોઓ વીતી ગયા છતાં આજે પણ એ હીનતા આપણામાં જોવા મળે છે કે જો કોઈ યુરોપિયન માણસ ભારતીય સામે ઉભો હોય અને એની સામે અહીંનો માણસ ભલેને ઉંચી ડિગ્રીધારી હોય, કોઈ ક્ષેત્રમાં Masters હોય, કે MBA હોય, અને એ અંગ્રેજ માત્ર કોઈ મામૂલી મજૂરી જ કરતો હોય તો પણ અહીંનો માણસ એની સામે પોતાને નીચો જ અનુભવશે.

મને યાદ છે કે એક વખત એક સાધક આશ્રમમાં એક યુગલને લાવ્યો હતો, એમાં છોકરી અહીં ગુજરાતની હતી, આપણા નજીકના વસો ગામની, અને છોકરો ઇંગ્લેન્ડનો. એમની સાથે આવેલા લોકોમાં એ છોકરા પ્રત્યે એટલો બધો અહોભાવ હતો કે છોકરો અંગ્રેજ છે, ઇંગ્લેન્ડનો છે, એ ગોરો છે. ઔપચારિકતા પછી બધાં બેઠા, થોડીવાર વાતો થઇ, ત્યારે મેં એને પૂછ્યું ‘‘તું શું કરે છે?’’ એ છોકરો કહે કે એ કમ્પ્યુટર રીપેરીંગનું કાંઈ કામ કરે છે, હાર્ડવેર રીપેરીંગનું કામ. પછી, આશ્રમમાં જ એક સાધક રહે છે, એ IT ઈન્જીનીયર છે અને એમણે અહીં ભારતમાં જ Automationમાં Mastery કરી હતી. એમની સાથે મેં પેલા છોકરાનો પરિચય કરાવ્યો, તો પેલા ગોરા છોકરાએ કીધું કે ‘‘ના-ના, હું તો બહુ નાનું કામ કરું છું, એમના જેટલું હું નથી કરતો.’’ આવી વાત છે, કે આપણા લોકોને એમ જ થાય કે એ ગોરો છોકરો તો બહુ મોટો માણસ છે, અને આપણે પોતાને જ બહુ હીન ભાવથી જોતા હોઈએ છીએ. હવે આપણી અંદર જે આ હીનતા છે, એ આપણી અંદરથી જાય એ બહુ જ અગત્યનું છે. ભૂતકાળમાં આપણે સાચેસાચ જ શ્રેષ્ઠતમ હતા, અને આજે પણ શ્રેષ્ઠતમ થવાની પૂરે-પૂરી શક્યતા છે, જો આપણે આપણી જાતને સમજી શકીએ, આ દેશની ભવ્ય સંસ્કૃતિને આપણે જાણીએ, સમજીએ, એના પ્રત્યે આપણને અહોભાવ હોય, એને respect કરી શકીએ, એને આદર આપી શકીએ તો…

ભારતીય સંસ્કૃતિના વિશાળ ફલકમાંથી આપણે એક બહુ જ મહત્ત્વની એવી શિક્ષણ-વ્યવસ્થા ઉપર વાત કરી રહ્યા હતા. એમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે શિક્ષણ પાયો છે. કોઈ પણ વ્યવસ્થાનો, કોઈ પણ સમાજનો, રાષ્ટ્રનો કે કોઈ પણ સંસ્કૃતિનો શિક્ષણ (education) પાયો છે, કેમ કે શિક્ષણ-સંસ્થાઓમાંથી – ગુરુકુળોમાંથી – યોગ્ય રીતે ભણીને, તૈયાર થઈને, ઘડાઈને વ્યક્તિ એના કુટુંબનું ભરણ-પોષણ તો કરી શકે છે, ઉપરાંત એ આખા સમાજનું પણ સારી રીતે નિર્માણ કરતી હોય છે. પહેલી વાત તો એ કે પુરાતન ભારતમાં દરેક ગુરુકુળોમાંની શિક્ષણ-વ્યવસ્થા નિ:શુલ્ક હતી, ત્યાં કોઈ ફી ન્હો’તી લેવાતી. બીજી વાત એ કે ત્યાં રહેનાર ગુરુજનો કે વિદ્યાર્થીઓ માટેની જે બધી વ્યવસ્થાઓ હતી એ તદ્દન સાદી હતી, ત્યાંનું જીવન બહુ જ સાદું, simple જીવન હતું.

વિશ્વની સૌથી પહેલી મોટી યુનીવર્સિટી – વિશ્વ-વિદ્યાલય – ભારતમાં ૨,૫૦૦ વર્ષો પહેલા (ઈ.પૂ. ૫૦૦) આજના બિહાર-પટના નજીક નાલંદામાં હતી (https://en.wikipedia.orgwiki/Nalanda). એ સમયની બીજી મોટી યુનીવર્સીટી ઈ.પૂ. ૪-૫મી સદીમાંના ત્યારના ભારતના ઉત્તર-પશ્ચિમના ગાંધાર રાજ્યમાં (આજના પાકિસ્તાનના રાવલપિંડીમાં) હતી (https://en.wikipedia.org/wiki/Taxila). હજારો વર્ષો બાદ નાલંદા વિશ્વવિદ્યાલયને આજે ફરી ઉભું કરવામાં ભારતને બે-ત્રણ દેશો મદદ કરે છે, પાંચ વૈશ્વિક સ્તરની મોટી અને નામી આર્કીટેક્ચર કંપનીઓ પણ સાથે જોડાઈ છે અને ત્યાં વિશાળ અને અદ્યતન કેમ્પસ બનાવાઈ રહ્યું છે. (https://www.nalandauniv.edu.in/campus-life/upcoming-campus/)  અમે ત્યાં પણ એક વખત જઈ જોઈ આવ્યા હતા, પરંતુ, પુરાતન ભારતના નાલંદામાં તો વિદ્યાર્થીઓ માટેની જે રૂમો હતી એ તો ત્યારે પણ નાની અને સાદી જ હતી, એમાં વિદ્યાર્થીઓ રહેતા અને ઉચ્ચતમ વિદ્યાઓ શીખતા હતા – એ પણ નિ:શુલ્ક.

સાદાઈ જીવનની બહુ જ અગત્યની વાત છે. જેણે જીવનમાં સાદાઈને પચાવી હોય, એની પાસે પછી વૈભવ આવે તો એને કોઈ પ્રકારનો વાંધો નથી નડતો. પુરાતન ભારતે વૈભવ પણ વિપુલ પ્રમાણમાં જોયો છે, અને સાથે-સાથે સાધુની સાદાઈ પણ જોઈ છે; ત્યારના મહારાજાઓનો વૈભવ પણ જોયો છે; ત્યારના મહારાજાઓ પાસે વૈભવ હતો તે છતાં એ મહારાજાઓ સાદાઈને પચાવીને રહેતા હતા. નાનપણમાં એ રાજાઓએ પણ ગુરુ પાસે જઈને શિક્ષણ ગ્રહણ કરવું પડતું હતું, ત્યારે એ પણ ગુરુકુળમાં જઈ અન્ય વિદ્યાર્થીઓ સાથે સાદાઈથી રહેતા હતા. પાંચાલ નરેશ અને દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ પણ ગુરુકુળમાં જયારે રહેતા હતા ત્યારે એ પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે તદ્દન સાદાઈથી રહ્યા હતા. એ રાજકુમાર હતા એટલે એને માટે કોઈ જુદી-વૈભવી વ્યવસ્થા ન્હો’તી. ગુરુ સાંદીપનીને ત્યાં કૃષ્ણ પણ સુદામાની સાથે રહેતા હતા, એમને માટે કોઈ અલગ વ્યવસ્થા ન્હો’તી. બધાં વિદ્યાર્થીઓ અને ગુરુજનો પણ સાદાઈથી રહેતા હતા.

મારા ગુરુજી કહેતા કે જીવન સાદુ હોય, તો વ્યક્તિનો એ આંતર-વિકાસ છે, ત્યાં એની બુદ્ધિ, intellectનો વિકાસ વધારે સારી રીતે થઇ શકે છે, અને એનાથી પણ આગળ વધીને કહીએ તો એના આત્મવિકાસની શક્યતાઓ વધી જાય છે. આને થોડું સમજજો – જીવનમાં સાદગી ના હોય, એની રહેણી-કરણીમાં, ખાવા-પીવામાં, કપડા-પહેરવેશમાં… દરેક બાબતોમાં એને લક્ઝરી જોઈએ… તો પહેલી વાત તો એ કે એ બધી લક્ઝરી માટે તમારે જે પ્રકારનો શ્રમ કરવો પડે, જેટલી મહેનત કરવી પડે, એની પાછળ જે કલાકો અને સમય જાય… એ બધું કરતાં-કરતાં એ એટલો ઊંડો જતો રહે છે કે એને એના જીવનમાં બીજી આવશ્યક દિશામાં વિકાસ કરવા માટેનો સમય જ ના રહે.

આજે આપણી જરૂરિયાતો જેમ-જેમ વધતી જાય છે, તેમ-તેમ જીવનમાંથી સાદાઈ જતી જાય છે. તો આપણું આખું જીવન જે છે એ ઘર, ગાડી અને બીજી બધી વસ્તુઓ માટે લીધેલી લોનોના હપ્તાઓ ચુકવવામાં જ પૂરું થઇ જાય છે. હવે ગાડી છે એ કાંઈ એક તો રખાય નહીં; દર બે-ત્રણ વર્ષે તો બદલવી જ પડે, અને એ તમે ના બદલો તો કંપની બદલી દે’શે. એટલે તમારે ફરજીયાત એને સ્ક્રેપમાં મૂકી જ દેવી પડે, કારણ કે એની resale વેલ્યુ નહીંવત થઇ જાય. એટલે, આખા જીવનની તાકાત, જીવનનો  કિંમતી સમય આપણા વૈભવ કાજે જ નીકળી જાય છે… તેથી, બને એટલું જલ્દી, ચારે બાજુથી હું ભેગુ કરું છું એ બધું maintain કરવામાં જ ખલાસ થઇ જાય, મને જીવનની બીજી દિશા માટે વિચાર કરવાનો પણ સમય ના હોય.

આ સંદર્ભમાં બીજી જે અગત્યની વાત છે એના ઉપર થોડું ધ્યાન આપજો કે માણસ પોતાનું મૂલ્યાંકન એણે ભેગી કરેલી ભૌતિક વસ્તુઓ, સુખના સાધનોથી જ કરતો હોય છે. એ ઉપરાંત, એ શું અને કેટલું ભણ્યો, કઈ ડિગ્રીઓ મેળવી – engineer, ડોક્ટર, વકીલ… એ પણ મહત્ત્વનું છે; આ બધું હોય ત્યારે એ બધા ઉપરથી એને થાય કે હા, હું કાંઈ છું, સમાજમાં મારી પણ કોઈ કિંમત છે. હવે આજના ભૌતિક સમાજની રચના જ એવી છે કે આવી બધી વસ્તુઓ જ માણસને ‘કિંમતી’ બનાવે છે, જો આવું બધું એની પાસે ના હોય તો સાસરી પક્ષમાં પણ એની કોઈ કિંમત જ ના હોય. માણસની કિંમત અંકાય છે એના educationથી, એના પૈસાથી  અને ત્યારે એને થાય કે હું પણ કાંઈ છું. આવું બધું હોય, સાસરી અને સમાજમાં એને સ્વીકૃતિ મળે, એની ગણતરી થાય, તો એ વાતોથી એને અંદરથી ભર્યું-ભર્યું લાગે.

હવે, બીજી બાજુ કોઈ એવી વ્યક્તિ છે જે માત્ર ૧૦-ચોપડી જ ભણી હોય, તો એને તો એકદમ એવું જ થઇ જાય કે એ તો તદ્દન નકામો માણસ છે, અને બીજા પણ એને માટે એવું જ વિચારે કે એનામાં કશું જ નથી. પોતાનું સ્વતંત્ર મકાન છે, હોય તો કેટલી રૂમો છે? એનું એપાર્ટમેન્ટ છે? Penthouse છે?

આ બધી વાતો ઉપરથી એવું સમજાય કે જેમ-જેમ મકાન મોટું થતું જાય તેમ-તેમ હું પણ મોટો થતો ગયો, એ પ્રમાણે આજુ-બાજુનો મારો જે વૈભવ છે, જે મેં ભેગું કર્યું છે એનાથી મારી કિંમત અંકાય છે, હું પણ મારી કિંમત આ બધા ઉપરથી આંકુ છું… પણ, માણસ તરીકેની મારી શું કિંમત છે? વિચારજો.

માની લો કે મારી પાસે કાંઈ જ નથી, નથી ઘર, નથી સારું ભણતર કે ડિગ્રીવાળું education કશું જ નથી, માત્ર એક માણસ તરીકે હું અવતર્યો છું આ પૃથ્વી ઉપર, તો શું મારી કોઈ જ કિંમત નથી? માણસ હોવું એ જ મારી સાચી ઓળખ, સાચી કિંમત છે એ તો આ ભૌતિક સમાજમાં નકામી છે, આ સમાજમાં મારી કિંમત કાંઈ જ નથી, હા, મારા મકાનની કિંમત છે, મારી ગાડીની કિંમત છે, મારા educationની કિંમત છે, મેં ભેગી કરેલી બીજી બધી વસ્તુઓની કિંમત થઇ, તો શું એ બધાનો સરવાળો એ જ મારી કિંમત? સમાજના આવા ધારા-ધોરણને લીધે હું પણ મારી કિંમત આ બધાથી જ ગણું છું, પરંતુ એ તો મારી કિંમત નથી, મારી સાચી, real, વાસ્તવિક કિંમત નથી. તો મારી સાચી કિંમત કેટલી? મારું મૂલ્ય કેટલું?

રામકૃષ્ણ કાંઈ બહુ ભણેલા નહોતા, એ તો શાળામાં ભણવા ગયા અને થોડા દિવસ ત્યાં અધ્યયન કર્યું અને પછી એમને સમજાયું કે અરે! આ તો અર્થકરી વિદ્યા છે, પૈસા માટે જ ભણવાનું છે… મારે આવું નથી ભણવું. આમ, એ ભણ્યા નહીં તો પણ જીવનમાં આગળ જતા કલકત્તાના મોટા-મોટા ગણમાન્ય લોકો એમના ચરણોમાં બેસીને જ્ઞાન લેતા હતા. તો, એમની કિંમત શે’ની? કેટલી?

એવી જ રીતે મહાવીર તો દિગંબર થઈને ઉભા છે, તદ્દન નિર્વસ્ત્ર, અને એમની પાસે તો કાંઈ જ નથી, અરે! ખાવા માટે પણ કશું જ નથી, કે રહેવા માટે કોઈ સ્થાન પણ નથી… તો પણ એમને એવું નથી લાગતું કે હું ખાલી છું, હું અભાવમાં છું… ના, એમને તો થાય છે કે હું તો ભરેલો છું, અને આવી વ્યક્તિઓ સામે પછી રાજા પણ જો આવે તો એ પોતાને જ ખાલી અનુભવશે, કે હું તો એમની આગળ ખાલી છું.

તો, મારી કિંમત ક્યારે, કેવી રીતે થશે? એ ત્યારે થશે કે જયારે હું તદ્દન સાદું જીવન જીવું છું; હવે મારું મૂલ્ય મારા ઘર, એમાંનું રાચરચીલું, ગાડી જેવી વસ્તુઓથી નથી થતુ. મારું મૂલ્ય તો મારા આંતરિક વૈભવથી છે; મારી અંદર એવી કઈ વસ્તુ છે જે અમૂલ્ય છે, એની શોધ જ ત્યારે શરુ થાય છે કે જયારે હું મારું મુલ્યાંકન બહારની વસ્તુઓ કે વૈભવથી નથી આંકતો.

તેમે જોયું હશે કે કોઈ માણસને કાંઈ ઉણપ, ખોડ-ખાપણ હશે, differently abled હશે, તો એ બીજા કોઈ ક્ષેત્રમાં એની ability, કુશળતા વધારવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈ કદરૂપો માણસ હોય તો એ ગાવામાં કે પછી અન્ય ક્ષેત્રમાં કુશળતા મેળવવાનો પ્રયાસ કરશે, એની ઉણપને એ બહારથી ભરવાનો પ્રયાસ કરશે. પરંતુ, જો હું બહારના બધાં ટેકા-આશ્રયોને છોડી દઉં, કે એ જતા રહે અને છતાં અંદરથી મારી જાતને વૈભવી અનુભવું, તો એ મારું આંતરિક મૂલ્ય અને મારી સાચી કિંમત છે, કેમ કે હવે એ મૂલ્યાંકન, એ કિંમત કાંઈ કોઈ બહારના આધારે નથી હોતી.

માણસની પોતાની કિંમત, એનું પોતાનું મૂલ્ય શું? આ બાબતમાં મારા ગુરુજી કહેતા કે સાદું જીવન હોય તો વિચારો ઉચ્ચ થાય, દિવ્ય થાય, જો આવું નહીં હોય તો એના વિચારો નીચા, બહુ નીચા હોય; એના વિચારો, એની ચર્ચા, એની બુદ્ધિ, બધું જ નીચું હોય. અંગ્રેજીમાં પણ એક જાણીતી ઉક્તિ છે – simple living high thinking. 

આ ઉક્તિ, આવું જીવન ગાંધીજીના જીવન સાથે જોડાઈને એમના વ્યક્તિત્વ સાથે જોડાઈને સૌથી વધુ પ્રચલિત પણ થઇ ગયું છે.

હું ઘણી વાર જોઉં છું કે બહેનો હોય તો એમની ચર્ચા નવી કઈ વસ્તુ ખરીદી, ક્યાં’થી ખરીદી, કેટલા પૈસામાં ખરીદી… આવી બધી વાતોની આજુબાજુ જ ફરતી હોય; આખા દિવસની ચર્ચામાં આ સિવાય બીજી કોઈ ચર્ચા જ ના હોય, કેમ કે અન્યોની જેમ એમને પણ થાય છે કે મારી કિંમત, બીજા સામે મારું મૂલ્ય મારા કપડા-લત્તા, ઘરેણાં, વસ્તુઓ વિગેરેથી જ થતું હોય છે, તેથી એ સિવાય મારી ચર્ચાનો બીજો કોઈ વિષય જ નથી હો’તો. એટલે, મારા વિચારો, મારું intellect, મારી બુદ્ધિ બધું આટલામાં જ આવી જઈ, સીમિત હોય.

આટલા માટે જ જીવનના પાયા સમાન આપણી શિક્ષણ વ્યવસ્થામાં, ગુરુકુળોમાં સાદાઈ શીખવતા,  સાદાઈથી રહેવું. ગાંધીજી એમના જીવનના એક કાળમાં મોટા બેરિસ્ટર હતા, પરંતુ આફ્રિકાથી ભારત પાછા આવ્યા, ત્યાર પછી તેમણે માત્ર પોતડી જ પહેરી છે, તે છેક સુધી. બહારના પહેરવેશમાં આવો આમૂલ ફેરફાર કર્યા છતાં એમને ક્યારે’ય એવું નથી લાગ્યું કે હું અધૂરો છું. તેઓ ૧૯૩૨માં જયારે લંડન ગયા, ત્યાં યોજાયેલા ગોળ-મેજી પરીષદમાં (Round Table Conferenceમાં) ભાગ લેવા માટે ગયા ત્યારે ત્યાંના ચોકીદારે એમને રોક્યા, પૂછ્યું કે ‘‘તમે તો અહીંના પ્રિન્સને મળવા જાવ છો, તો તમે યોગ્ય કપડા પહેર્યા છે?’’ ગાંધીજીએ એને કીધું કે ‘‘તમારા પ્રિન્સે એટલું બધું પહેર્યું હશે કે અમારા બે’યનું કામ ચાલશે.’’

એટલે, મને આજના યુવાનોની એક વાત બહુ ગમે છે કે એ લોકો તો સાદા કપડામાં, જર્સી પહેરીને પણ એરપોર્ટ જતાં રહેશે, એ ઓફીસમાં પણ જશે, અને, ક્યારે’ક તો શોર્ટ્સમાં પણ ફરશે… એમને બહુ પડી ના હોય.

જીવનમાં વિકાસ, પ્રોગ્રેસ કરવો છે, તો સાદું જીવતા શીખવું, સાદાઈને પચાવવી. રાજા પાસે વૈભવ છે, તો પણ એ જયારે ગુરુકુળમાં રહીને ભણ્યા ત્યારે ત્યાં સાદગીભર્યું જીવન જીવી સાદાઈને પચાવીને ભણ્યા છે. વિદ્યાગ્રહણના સમય બાદ બહાર આવીને રાજાનું જીવન જીવતા થઇ ગયા પછી પણ ત્યારના આપણા રાજા-મહારાજાઓ વચ્ચે-વચ્ચે ગુરુકુળમાં જઈને અમુક અનુષ્ઠાન કરતા, પૂજા કરતા, ત્યાં થોડા દિવસો રહેતા, સાદાઈથી રહેતા… આજે જોઈએ તો આશ્રમમાં પણ કયારે’ક જઈએ છીએ તો પહેલા તપાસ કરીએ છીએ કે ત્યાં AC છે? પલંગ છે? ટોઇલેટ ઇન્ડીયન છે કે વેસ્ટર્ન છે?… જતાં પહેલા આવી તપાસ કરીએ છીએ.

આશ્રમ એ કાંઈ સુખ-સગવડ માટે નથી, એ તો આપણે સાદાઈ શીખવી છે એટલે આશ્રમ સાદા હતા, હોય છે. તો, સાદાઈ એ ગુરુકુળની વિશેષતા હતી.

આજની શિક્ષણ વ્યવસ્થામાંથી સાદાઈની વાતો નીકળતી જાય છે, અને જેમ-જેમ શિક્ષણ self-financed થતું જાય છે, તેમ-તેમ ત્યાં હવે classroomsમાં AC, હોસ્ટેલ્સમાં AC આવતા જાય છે… ત્યાં સુખ-સગવડના ઘણા સાધનો આવશે, તેથી ત્યાં સાદાઈ નહીં રહે. અને જ્યાં સાદાઈ નથી ત્યાં આત્મવિશ્વાસ પણ નહીં કે નહીંવત હશે. આજના વિદ્યાર્થીને એની ગાડીનો વિશ્વાસ છે, એના પૈસાનો વિશ્વાસ છે, બીજી બધી વસ્તુઓનો વિશ્વાસ છે, પણ એનામાં આત્મવિશ્વાસ નથી…અને જો આવું બધું ના હોય તો એને થાય કે મારી કિંમત જ શું, એ તો મરી જ ગયો, સમજી લો.

હમણાં એક ભાઇ મળેલા, તો એમના ગુરુજીએ એમને એક દિવસ મોકલ્યો એવું કહીને કે આજે તારે  માંગીને ખાઈને આવવાનું છે. હવે, એ શરીરથી એકદમ હૃષ્ટ-પૃષ્ટ,  હટ્ટા-કટ્ટા, પણ ગુરુજીએ કહ્યું તેથી એ તો ગયા, એક દુકાને જઈ ઉભા રહ્યા, કહે ‘‘કાંઈ ખાવાનું આપો.’’ દુકાનદારે એની સામે જોયું, અને ગાળ આપી; કહે, ‘‘આટલો સ્વસ્થ માણસ છે અને ખાવાનું માંગે છે, ભીખ માંગે છે?’’ આશ્રમ પર આવીને એ કહે, ‘‘એ દુકાનદારની વાત અને ગાળ સાંભળીને મને થયું કે ઉઠાઈ’ને બે મારી દઉં એને, કે હું કાંઈ ભિખારી નથી, પણ પછી યાદ આવ્યું કે ગુરુજીએ મને ભિખારી જ બનાવીને મોકલ્યો છે એટલે હું કશું જ નથી. ભિખારી છું, માંગવા માટે ઉભો છું… તો, આવી પરિસ્થિતમાં હું પોતાને એકદમ ખાલી અનુભવું છું…’’

આપણા આ ભાઈના જ જેવી પરિસ્થિતિમાં હોવા છતાં આચાર્ય શંકર ‘ખાલી’ નથી, બુદ્ધ ‘ખાલી’ નથી, એ લોકોએ પણ માંગ્યું હતું, આવા દિવ્ય પુરુષો પણ લોકોને બારણે જઈ ખાવાનું માંગવા માટે ઉભા રહ્યાં હતાં.

તો, આપણો અંદરનો જે વિકાસ છે, આંતરવિકાસ છે, એ વિકાસની શક્યતા એટલા પ્રમાણમાં ઘટતી જાય છે જેટલા પ્રમાણમાં આપણે ભૌતિક વૈભવ ઉપર નિર્ભર, depend થતા જઈએ છીએ, અને માત્ર ભૌતિકતાથી જ પોતાની જાતનું મૂલ્યાંકન કરીએ છીએ. એટલે, આવું ના થાય, અને આંતરિક વિકાસ તરફ આપણે સજાગ થઈએ એ માટે આપણે જીવનમાં થોડા દિવસો માટે એકદમ સાદાઈથી રહેવાનું. આ વાતને કેન્દ્રમાં રાખીને આપણા વ્રતો, ઉપવાસ રહ્યાં છે; એટલા માટે કોઈ-કોઈ દિવસ ગાદલા-પથારી વગર નીચે સૂઈ જવાનું, અમુક વ્રતો પણ એવા હોય છે કે નીચે જ સૂઈ જવાનું, ગાદલું નહીં વાપરવાનું, હલકું, સાદું ખાવાનું, સાદા વસ્ત્રો પહેરવાના… આવું એટલા માટે કે હું મારું અંદરનું મૂલ્ય શું છે, મારી અંદર જે અમૂલ્ય વસ્તુ છે એ શું છે એની શોધ મારામાં જાગે, એને હું શોધવાના પ્રયત્ન કરું…સાદાઈથી જીવતા-જીવતા, સજાગ રહીને હું એને શોધી શકું…તો એ, અંદરની ‘અમૂલ્ય’ વસ્તુ મેળવવા માટેના પ્રયાસો માટે આપણા વ્રતો, ઉપવાસો વિગેરે હતાં.

ગુરુકુળની બીજી અગત્યની જે વાત હતી તે એ કે ત્યાં બધાં કામ જાતે જ કરવાના હતાં. ત્યાં કોઈ નોકર ન્હોતા, રસોઈ બનાવવાની હોય, ત્યાં સફાઈ કરવાની હોય, કુટિયાનું બાંધકામ કરવાનું હોય, યજ્ઞ-વેદી સમારવાની હોય, કે નવી બનાવવાની હોય, યજ્ઞ માટે જરૂરી સમિધા લાવવાની હોય, એ પણ જંગલમાંથી… તો, આશ્રમ પર રહેનારા વિદ્યાર્થીઓ આવું બધું કામ જાતે જ કરતા હતા.

દરેક કામ જાતે કરવાનું, આ બહુ જ અગત્યની વાત છે. મેં આ બાબતમાં બહુ વિચાર્યું, ત્યારે થોડું સમજાયું કે આપણા ઋષિઓ એટલા સમર્થ હતા કે તેમના સંકલ્પ માત્રથી તેઓ કોઈ પણ વૈભવ ઉભો કરી શકતા હતા. તેમ છતાં તેઓ એટલી સાદાઈથી કેમ રહેતા હતા?

આપણા વેદોમાં, શાસ્ત્રોમાં અને મહાભારતમાં પણ ભારદ્વાજ ઋષિના ઉલ્લેખો છે. આ ભારદ્વાજ ઋષિ ખૂબ જ વિદ્વાન ઋષિ હતા, તેઓ અર્થશાસ્ત્રી (economist) પણ હતા અને ખૂબ જ અસરકારક એવા વૈદ્ય (ડોક્ટર, ફિઝિશિયન) પણ હતા. (સ્રોત: http://wiki-bhardwaja). એમને માટે એક ઉલ્લેખ આવો પણ છે કે શ્રી રામચંદ્રજી જયારે અયોધ્યામાંથી વનવાસ માટે નીકળી ગયા હોય છે, ત્યારે એમની પાછળ-પાછળ ભરત એમની સેના સાથે જાય છે, એવી ઈચ્છા સાથે કે તેઓ શ્રી રામને મનાવીને ફરી અયોધ્યા લઇ આવી શકશે. રસ્તામાં એક નદી આવે છે, અને નદીની પાર ભારદ્વાજ ઋષિનો આશ્રમ હતો ત્યાં ભરત એમના સૈન્ય સાથે રોકાય છે. ભરત રાજા હતા, તેથી એમને અનુરૂપ રાજ-ઠાઠ જેવી સઘળી સુવિધાઓ – રહેવાની, ખાવાની, નોકરોની, બધી જ વ્યવસ્થા આ ભારદ્વાજ ઋષિએ એમના સંકલ્પ-બળથી ઉભી કરી દીધી; રાજાના મંત્રી માટે પણ અલાયદી મહેલ જેવી જ વ્યવસ્થા, સૈનિકો માટે એમને જોઈતી વ્યવસ્થા… બધું જ માત્ર સંકલ્પ બળથી ઉભું કરે છે. અને જયારે બીજે દિવસે રાજા ભરત એમના સૈન્ય સાથે આગળ જાય છે, ત્યારે પછી આ બધી જ સુવિધાઓ ઋષિ ભારદ્વાજે એમના સંકલ્પ બળથી સંકેલી લીધી. આશ્રમના સઘળા વિદ્યાર્થીઓ ત્યાર પછી પોત-પોતાના કામ કરતા થઇ ગયા, જંગલોમાંથી લાકડા લાવવાનું, સફાઈ કરવાનું, બધું જ કામ જાતે કરવા લાગી ગયા.

તો, આવા પ્રખર વિદ્વાન અને સમર્થ ઋષિ પણ તદ્દન સાદાઈથી કેમ જીવતા હતા? કેમ કે સાદાઈ વગર આંતર-શક્તિ ખીલી શકતી નથી. એટલે, ગુરુકુળોમાં એક જે અગત્યની વાત હતી તે એ કે ત્યાં રહેતા વિદ્યાર્થીઓએ બધું જ કામ જાતે કરવાનું હતું. બાળક આઠ વર્ષનો થાય એટલે એ ગુરુકુળમાં આવે, ત્યાં રહે અને ત્યાંથી જાય ત્યાં સુધી બધાં જ કામો જાતે કરતા, કોઈ કામ એવું ન્હોતું કે એ ના કરતા, અને સાદાઈથી રહતા હતા.

સત્તરમી સદીમાં જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે પણ આ વ્યવસ્થા થોડે-ઘણે અંશે આ દેશમાં પ્રવર્તમાન હતી, પરંતુ એમણે એમના સ્વાર્થ માટે આપણામાંથી આપણો આત્મવિશ્વાસ નષ્ટ થાય એ માટે પૂરા પ્રયત્નો કર્યા, કેમ કે એમણે અહીં શાસન કરવું હતું. વળી, અંગ્રેજોના એક પ્રભાવી મિનીસ્ટર લોર્ડ મેકોલેએ ૧૮૩૫માં એક ભવિષ્યવાણી કરી હતી કે હું જે (અંગ્રેજી) શિક્ષણ વ્યવસ્થા (education system) ભારતને આપું છું એ વ્યવસ્થા એવી હશે કે એનાથી ભારતમાં જે લોકો તૈયાર થશે એ લોકોને એમની (ભારતની) બધી જ વાતો માટે અહીંના ધર્મ-સંસ્કારો માટે, ભાષા અને ભણતર માટે તિરસ્કાર થશે, અને એ લોકોને અંગ્રેજોની બધી જ વાતો માટે અહોભાવ થશે, અને આપણું બધું નકામું, અંગ્રેજોનું, વિદેશનું બધું જ સારું. એટલે આપણને જે આપણી સંસ્કૃતિ માટે, ભાષા અને શિક્ષણ માટે, અહીંની જીવનપદ્ધતિ માટે જે તિરસ્કાર છે, એના મૂળમાં આ મેકોલેની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે.

(નોંધ: – માર્ચ ૫, ૨૦૧૮ના રોજ દક્ષિણ કોરિયાની સરકારે એવો નિર્ણય લીધો છે કે નાના બાળકોને પહેલા ત્રણ વર્ષ સુધી માત્ર ત્યાંની કોરિયન ભાષામાં જ ભણાવવું, નહીં કે અંગ્રેજીમાં. પશ્ચિમી, વિદેશી, અંગ્રેજી ભાષાથી બાળમાનસ પર થતી આડ અસરથી બાળકોને બચાવવા, અને બાળકોમાં કોરીયન ભાષા અને સંસ્કૃતિના બી રોપાય એ માટે આ નિર્ણય લેવાયો છે. સ્રોત – https://thepienews.com/news/south-korea-bans-english-third-grade/)

આજે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં જોઈએ તો અંગ્રેજી ભાષાનું જ પ્રાધાન્ય છે, બાળમંદિર, પ્રિ-કેજી, કે શાળાઓમાં અને કોલેજોમાં પણ. નાના બાળકને પણ પૂછો કે તું શેમાં ભણે છે તો ગર્વથી કહેશે કે conventમાં, English mediumમાં ભણું છું. ના, વાંધો નથી કે એ convent કે English mediumમાં ભણે, અંગ્રેજી એક ભાષા તરીકે જાણીએ તો એમાં ખોટું શું છે? પણ સાથે-સાથે, બાળકને, યુવાનોને એની જ માતૃભાષા ગુજરાતી નથી આવડતી, એને ગુજરાતી લખતા-વાંચતા નથી આવડતું એવું કહેવામાં પણ એને ગર્વ થાય તો, એ શું સારું કહેવાય?

ઘણા લોકોમાં જોવા મળે છે કે એમને આપણી ખાણી-પીણીમાં, કે હાથથી ખાવામાં નાનમ લાગે, આપણું દેશી ખાવાનું ના ભાવે, ક્યારે’ક ખરાબ પણ લાગે પણ એમને ફાસ્ટ ફૂડ સારું લાગે, પેક્ડ ફૂડ ગમે, એવું કાંઈ હોય તો ખાધા જેવું લાગે, એમને થાય કે કાંઈ ખાઈએ છીએ. તો એમને પશ્ચિમની દરેક વાતો સારી લાગશે, જયારે આપણું બધું જ ખરાબ, જુનવાણી લાગશે – આપણી કુટુંબ વ્યવસ્થા સારી નહીં લાગે, આપણા ઘર સારા નહીં લાગે…બધું જ ખરાબ લાગશે.

બીજી એક વાત પણ સમજવા જેવી છે કે અંગ્રેજોએ આપેલા શિક્ષણ અને જીવન પદ્ધતિને કારણે આપણે જાતે કામ કરવાનું ભૂલી ગયા છીએ જે વાત ગુરુકુળમાં મુખ્ય હતી. એક રહસ્ય એ પણ છે કે એ લોકોએ જાણતા-અજાણતા આપણી ઘણી-ખરી જીવન-પદ્ધતિ એડોપ્ટ કરી લીધી છે – ત્યાં મહદંશે બધા જ લોકો હવે જાતે કામ કરતા થઇ ગયા છે, જે પહેલા ન્હોતા કરતા.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧) અંગ્રેજોના સમયના એક અંગ્રેજ-ભારતીય તરીકે જાણીતા હતા, એમણે ત્યારના ભારતના બંગાળની શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિ આણી હતી. તેઓ પોતે નામી પંડિત હતા, એક ફિલસૂફ, લેખક, ભાષાંતરકાર, પ્રિન્ટર, પબ્લિશર, સારા બીઝનેસમેન, સમાજ સુધારક અને દાની પણ હતા. આવું બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા છતાં તેઓ ખૂબ સરળ પણ હતા.

એક વખત કોઈ કારણસર તેઓ એક નાના સ્ટેશન પર ઉભા હતા, ત્યારે એક ટ્રેન આવી, એમાંથી એક યુવક ઉતાર્યો, જોયું તો અંગ્રેજોનો યુનિફોર્મ પહેર્યો હતો – કોટ-પેન્ટ-ટાઈ હતા, હાથમાં બ્રીફકેસ છે. ઉતરીને એ યુવાને તો ‘‘કુલી…કુલી…કુલી…’’ એમ બૂમ પાડવા માંડી. હવે સ્ટેશન નાનું હતું, ત્યાં કોઈ પોર્ટર કે કુલી ના હોય. એટલામાં, ત્યાં એક ભાઈ આવ્યા, ધોતિયું-ઝભ્ભો પહેર્યા હતા, એમણે પેલા યુવકની બ્રિફકેસ લઇ લીધી; પૂછ્યું ક્યાં જવું છે; ગામ નાનું હતું, તેથી એણે જે જગ્યાનું નામ લીધું ત્યાં એને લઇ ગયા. હવે ત્યાં પહોંચ્યા પછી એ યુવકને ખબર પડી કે એ જે વ્યક્તિને મળવા આવ્યો હતો એ જ વ્યક્તિએ એની બ્રિફકેસ ઊંચકી હતી અને એ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે!

તો, મહાપુરુષોનું જીવન આવું સાદું હોય, તેઓ કોઈ પણ કામ સહજ રીતે જાતે કરી શકતા, એમને બધું કામ જાતે કરવાનું આવડતું હોય, અને કદાચ હું પણ આ વાતને નહીં સમજી શકયો હો’ત જો હું આ જીવનમાં ના આવ્યો હો’ત તો.

મારા ગુરુજીએ મને એક વખત છત્તીસગઢના રાયગઢના આશ્રમમાં મૂક્યો, ત્યાં સેવા માટે મને અવસર આપ્યો. તો, મને નથી ખ્યાલ કે જેટલા દિવસ હું રાયગઢ આશ્રમમાં રહ્યો હોઇશ તો ત્યાં મને માળા કરવાનો પણ સમય મળ્યો હોય. આખા આશ્રમમાં હું એકલો હતો, દર મહીને બે શિબિર હોય, એ પણ ૧૨-૧૨ દિવસની બે શિબિરો; એમાં ૧૫-૨૦ જણા ભાગ લેનારા થઇ જાય; વળી, એ આશ્રમ જ એક યોગ થેરેપી સેન્ટર હતું, ત્યાં ઘણાં લોકો પોતાની કોઈ-ને-કોઈ તકલીફો લઈને આવ્યા હોય.

આ વાત લગભગ ૧૯૭૭ની છે, ત્યારે ત્યાં મારો દિવસ સવારે લગભગ ૩.૩૦-૪.૦૦ વાગ્યાથી શરુ થઇ જતો; ઉઠીને, નિત્ય કર્મ કર્યા પછી સૌથી પહેલું કામ હોય કે ત્યાંના સંડાસ ધોવાના! ત્યાં ૬-૮ સંડાસ હતા, અને શંખ-પ્રક્ષાલન તો દર શિબિરમાં થાય, અને દર ત્રણ-ચાર માણસની વચ્ચે એક સંડાસ! ત્યાં આ સાફ કરવા માટે નારિયેળનો કૂચો હોય, એને રાખ સાથે લઇ સંડાસ સાફ કરવાના હોય, ત્યારે કોઈ કેમિકલ વગેરે તો હતા નહીં.

સવારનું પહેલું કામ પૂરું થઇ જાય પછી ત્યાંનો જે મોટો હોલ હતો એમાં કચરા-પોતું કરું; ૬.૦૦ વાગ્યે ક્લાસ હોય એ લઉં; વર્ગ પૂરો થાય, પછી તરત જ પાણી ગરમ કરી અને બધાં’યને નેતિ, કુંજલ વગેરે કરાઈ દે’વાનું; એ પૂરું થાય પછી મોટા જે વાસણો હોય એને ઘસી-સાફ કરીને એમાં નાસ્તો બનાવું. બધા નાસ્તો કરી રહે પછી રસોડાના મોટા વાસણો ઘસી કાઢું; પછી, આશ્રમની બહારની સફાઈ શરુ, એ પૂરી થાય પછી દશ વાગ્યે ફરી રસોઈ માટે મારે જ તૈયારી કરવાની – અને રસોઈ બનાવાની એ પણ લાકડાના ચૂલા ઉપર. ત્યાંના લાકડા પણ જાડ્ડા-જાડ્ડા હોય એને કુહાડીથી ફાડીને રસોઈ માટે વાપરી શકાય એવા કરવાના, પછી રસોઈ બનાવાની… બધા જમી રહે ત્યાર પછી હું જમી લઉં અને બધાં જે મોટા વાસણો હોય એને સાફ કરી મૂકી દઉં.

આ બધું કરતાં બપોરના ૧.૩૦ વાગી જાય. ત્યાર પછી ૨.૦૦ વાગ્યે ફરી ક્લાસ હોય એ પણ મારે જ લેવાનો હોય; એ પૂરો થાય પછી બધા માટે ચા બનાવવાની. ત્યાર પછી બહાર આંગણમાં બાગ હોય એમાં પાણી પાવાનું, ત્યાં થોડું શાક-ભાજી વાવ્યું હોય તો એ વીણીને લઇ લેવાનું, નવું રોપવા માટે થોડું ખોદવાનું’ય ખરું… આ બધું પૂરું થાય એટલે સાંજને માટે ફરી રસોઈ મૂકી દે’વાની; એ થઇ જાય, અને બધા જમી રહે એ પછી ફરી એ બધાં વાસણો માંજી-ધોવાના… ત્યાર પછી રાત્રે પણ એક ક્લાસ હોય એ પતી જાય પછી મારે આખા દિવસનો હિસાબ હોય એ લખવાનો, આવશ્યક પત્ર-વ્યવહાર પણ કરવાનો, કેમ કે અહીં આવનાર લોકો પત્રવ્યવહાર કરીને ત્યાં એડ્મિશન લઈને આવતા હતા, એટલે બધાં’યના ૨૦-૨૫ પત્રો મારે જાતે રોજ લખવાના.

હવે આશ્રમ નજીકમાં બહાર જઈ કશું કામ કરવા માટે એક સાઈકલ હતી, ત્યાં ૨-૨.૫૦ km દૂર શહેર હતું; ત્યાં જઈને શાકભાજી, અનાજ, કરિયાણું વિગેરે લઇ આવવાનું, બેંકનું કોઈ કામ હોય તો એ પણ કરવાનું… આશ્રમમાં આવ્યા પછી વચ્ચે-વચ્ચે ટેલિફોન એટેન્ડ કરવાના, આગંતુકો હોય એમને પણ એટેન્ડ કરવાના… તો આશ્રમના એ વખતના ૨૪-કલાકની મારી વ્યસ્તતા આટલી હતી.

આજે હું વિચારું છું અને હવે સમજી પણ શકું છું કે જીવનમાં મને જે મળ્યું છે એ મારી આ આશ્રમની એક વર્ષની સેવા જે હતી એના લીધે મને મળ્યું છે; જો આવું મને ના મળ્યું હો’ત તો કદાચ હું જે પણ મેળવી શક્યો છું એમાંનું કશું જ મારી માસે આજે ના હો’ત.

તો, ગુરુકુળની વ્યવસ્થા આવી હતી, કે દરેક કામ જાતે કરવાના હતા, કામ કેવું છે, કેટલું છે એ મહત્ત્વનું ન્હો’તું, મહત્ત્વનું એ હતું (અને હોય છે) કે એ કામ કરવાથી કરનારની અંદર આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જાગવા જોઈએ, એ મહત્ત્વનું હતું. દરેક જાતનું કર્મ વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જગાડે છે.

નેપોલિયન બોનાપાર્ટના જીવનની એક બહુ નાની વાત છે કે એક વખત એમને એક લાઈબ્રેરીમાંથી કોઈ પુસ્તક જોઈતું હતું; પોતે જાતે હતા બટકા, એમની ઉંચાઈ બહુ ન્હો’તી, અને એમને જોઈતું પુસ્તક ત્યાં ઉપરના ભાગમાં હશે, અને એ પુસ્તકને લેવા માટે તેમણે પ્રયત્ન કરી જોયો પણ એ પુસ્તક થોડું વધારે ઉંચાઈ પર હતું. ત્યાં લાઈબ્રેરીમાં એક સૈનિક હતો એ થોડો લાંબો હતો, એ આ બધું જોતો હતો, અને તેથી એણે કીધું કે હું તમને જોઈતું પુસ્તક કાઢી આપું. નેપોલિયને એની સામે જોયું, અને પૂછ્યું ‘‘કેમ?’’ ‘‘કેમ કે હું તમારા કરતા ઉંચો છું, લાવો, હું પુસ્તક કાઢી આપું.’’

આ સાંભળીને નેપોલિયને એ સૈનિકને તરત જ કીધું, ‘‘ના, તું મારા કરતા ઉંચો નથી, મારા કરતાં તું લાંબો છે; પુસ્તક તો હું જ કાઢીશ.’’ પછી, ક્યાં’કથી તેઓ એક સ્ટૂલ લઇ આવ્યા, એના ઉપર ચઢીને પોતાને જોઈતું પુસ્તક શોધી લીધું.

અહીં વિચારવાનું એ છે કે સેનાનો એક વણલખ્યો નિયમ એવો હોય છે કે જે કામ કોઈ ના કરી શકે એ સેનાપતિ કરે. સેનાપતિનો અર્થ શું છે? કે જે કામ કોઈ સૈનિક ના કરી શકે એ સેનાપતિ કરે. અહીં ઉલ્ટું થાય છે કે જે કામ સેનાપતિ નથી કરી શકતા એ એક સૈનિક કરવા તૈયાર છે, કરી શકે છે.

જીવનમાં એક મહત્ત્વની વાત છે કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, મારી અંદર આત્મશ્રદ્ધા જાગે, અને મને થાય કે હું બધું કરી શકીશ. બધું જ કરી શકું છું. અને જે વ્યક્તિ બધું કામ કરી શકે છે, બધાંજ કામો જાતે કરીને આનંદ પણ કરી શકે છે એ જ વ્યક્તિ વર્તમાનમાં રહી શકે છે, એ જ વ્યક્તિ વર્તમાનમાં સુખ માણી શકે છે, અને દરેક પ્રકારના કામમાંથી એ સુખ મેળવી, માણી શકે છે.

એક વખત હું શિકાગોમાં ગયો હતો, ત્યાં મને એક છોકરો મળેલો. એ ત્યાં શરુ-શરૂમાં કોઈ જોબ શોધવા ગયો તો એને એક રેસ્ટોરાંમાં વાસણ ધોવાનો જોબ મળ્યો. એવું કરતાં-કરતાં એ જીવનમાં આગળ આવ્યો હતો. મને જયારે મળ્યો હતો, ત્યારે એ કહે, ‘‘સ્વામીજી, મને હજુ પણ જો વાસણ સફાઈનું કામ મળી જાય તો બહુ આનંદ આવે છે, કહે, મારે જો જોબ શોધવી હોય તો હું વાસણ ધોવાનો જ જોબ લઉં, એમાંથી પણ એક પ્રકારનો આનંદ આવે છે.’’

મનુષ્યના જીવનમાં એક બહુ અગત્યની વાત જે હોવી જોઈએ, કેળવાવી જોઈએ એ છે આત્મવિશ્વાસ. હું દરેક કામમાં આનંદ લેતા શીખું, મારી અંદર એક પ્રકારની શ્રદ્ધા જાગે કે એવું કોઈ કામ નથી જે હું નહીં કરી શકું. આ પ્રકારની આવડત, એબિલીટી, ખાસિયત, trait કે લક્ષણ જે કહો તે, જીવનમાં આગળ વધવા માટે બહુ અગત્યનું અને એ છે કે સૌથી પહેલા મારામાં આત્મવિશ્વાસ હોય કે હું આ કરી શકીશ, હું બધું જ કરી શકીશ.

આજની પરિસ્થિતિ તદ્દન અવળી જ છે, કારણ કે આપણે જ આપણા બાળકોને કશું જ નથી કરવા દે’તા. Work respect, work honor જે જીવનના પાયા સમાન છે એ વાત આપણી અંદર છે જ નહીં, સહેજે’ય કે બિલકુલ જ નથી. આપણને કચરો વાળવાનું હલકું લાગે છે, એમાં હીનતા, હીનપણું લાગે છે, વાસણ ઘસવામાં નાનમ લાગે છે, કપડા ધોવામાં હીનતા લાગે છે. અહીં આશ્રમમાં શિબિરમાં ભાગ લેવા આવતા હોય, ૬૦ વરસની ઉંમર થઇ ગઈ હોય, જીવનમાં ક્યારે’ય કોઈ કપડું જ ના ધોયું હોય, પોતાની જમવાની થાળી-વાટકો પણ ના ધોયા હોય, કોઈ દિવસ જાતે પાણીનો પ્યાલો’ય ના લીધો હોય… કોઈ કામ જાતે કરવાનો કોઈ અનુભવ જ ના હોય. હવે આ માણસ જીવનમાં કયારે’ય સુખી થવાનો છે? એ માણસ કયારે’ય સ્વતંત્ર થઇ શકે ખરો? એ એના દરેક કામ માટે કોઈ-ને-કોઈનો ગુલામ જ રહેવાનો. તેથી એણે બીજાને ‘‘હા-જી’’, ‘‘હા-જી’’ તો કરવું જ પડશે. જો એને બેઠાં-બેઠાં પાણી પીવું છે, બેઠાં-બેઠાં ચા પીવી છે, બધું જ બેઠાં-બેઠાં કરવું છે તો એ માટે કોઈની ગુલામી તો કરવી જ પડશે.

પોતાના દરેક કામ માટે બીજા ઉપર આધાર રાખનાર કોઈ પણ દિવસ સ્વતંત્રતા અનુભવી નથી શકવાનો. સ્વતંત્રતા શું છે એ કેવી રીતે અનુભવી શકશે? જે વ્યક્તિ પોતાના કામ જાતે કરી શકતા હોય એ જ સ્વતંત્રતાને સમજી શકશે. અને આ વાત ઉપર તમે ધ્યાન આપજો, તમે માર્ક કરજો કે આજે જાણતા કે અજાણતામાં પણ પશ્ચિમી જગતે જાતે કામ કરવાની ખાસિયત જીવનમાં અપનાવી લીધી છે, પશ્ચિમી જગતના લોકોમાં વર્ક રિસ્પેકટ, વર્ક હોનર ખૂબ છે. ત્યાં કોઈ પણ માણસને સફાઈ કરવામાં, ઝાડું વાળવામાં નાનમ નથી લાગતી, કોઈ પણ કામ કરવામાં એમને હીનતા નથી લાગતી.

એક વખત હું લંડનમાં એક ભાઈને ત્યાં રોકાયો હતો, ત્યાં એમનો એક store છે, એમાં એમની પાસે ન્યુઝ પેપરની એજન્સી હતી. એમને ત્યાં એક છોકરો newspaper boy તરીકે જોબ કરતો હતો. હવે આ છોકરો ત્યાંના એક MPનો છોકરો છે. એના father કયારે’ક-ક્યારે’ક આ ભાઈના storeમાં આવે, પૂછે કે ‘‘એ છોકરો કામ તો સારું કરે છે ને, તું એને ઠીક રાખજે કે એ સારું કામ કરે એવું કરજે.’’ વિચાર કરો, આપણે ભારતમાં આવી વાતની કલ્પના પણ કરી શકીએ ખરા?

વર્ક હોનરનું બીજું એક ઉદાહરણ – લંડનના માન્ચેસ્ટર વિસ્તારમાં હું એક ડોકટરને ત્યાં રોકાયો હતો. આ ડોક્ટરને ઘરે દર રવિવારે એક કપલ પોતાની ગાડીમાં આવે, આ ડોકટરના ઘરની બહારમાં જે ગાર્ડન હતું એમાં પોતાના જ મોઈંગ (mowing) મશીનથી ગાર્ડનમાં મોઈંગ (ગમે-તેમ ઉગેલા ઝાડ-ઝાંખરાને વાઢવું) કરી પાછા જતા રહે. એમના ગયા પછી આ ડોક્ટર મને કહે, ‘‘સ્વામીજી, આ ભાઈ બહુ સારી પોસ્ટ પર છે, પણ દર શનિ-રવિવારે એ લોકો ૨-૪ ઘરોમાં, કે જગ્યાએ જઈ થોડું ગાર્ડનીંગ કરી આપે.’’ આપણે કલ્પના કરી શકીએ કે ભારતમાં કોઈ હોદ્દેદાર વ્યક્તિ કોઈને ત્યાં જઈ આવું કામ કરે?

ભારતમાં જીવન-પદ્ધતિ જ કાંઈ એવી છે કે અહીં આજે પણ જાતે કામ કરવામાં ઘણાંને શરમ આવે, હીનતા અનુભવાય, અહીંનો સમાજ એવો થઇ ગયો છે. તો એમાં આપણા પાડોશી પણ આપણને આવું કામ કરીએ તો જીવવા નહીં દે’શે. તમે કોઈને ઘરે જઈ એને ત્યાં ગાર્ડનિંગ કરો તો તમને તમારા જ પાડોશી, તમારા જ સગા-વાહલાઓ કોઈ જીવવા નહીં દે.

કારણ કોઈ પણ હોય, આપણામાં work honor છે જ નહીં, અને તમે ધ્યાન આપજો કે પશ્ચિમી જગત જે પૂર-ઝડપે આગળ વધ્યું છે એમાં આ વર્ક-કલ્ચરનો ખૂબ મોટો ફાળો છે, ત્યાં એ લોકો કોઈ પણ કામ જાતે કરી લે’શે, એમને કોઈ પણ કામ કરવામાં નાનમ નથી લાગતી. હવે પશ્ચિમી જગતમાં લોકોની જીવનશૈલી જ એ પ્રમાણે બની છે કે લગભગ દરેક બાળકે ૧૦-માં ધોરણ પછી અઠવાડિયામાં ૨૦-એક જેટલા કલાકો કામ કરવું જ પડે, જાતે કમાવું જ પડે, માતા-પિતા કાંઈ ખર્ચાઓ  નહીં આપે, તેથી એણે પોતાનો જ ખર્ચ કાઢવા માટે કોઈ-ને-કોઈ કામ કરી પૈસા કમાવા જ પડે. વળી, એના આગળના ભણતર માટે કે પછી, જરૂરી વસ્તુઓની ખરીદી જે લોન લઈને કરવાની હોય, કે કરી હોય તે લોનના હપ્તાઓ એ ચૂકવી નહીં શકે.

હવે દશમાં ધોરણના વિદ્યાર્થીને નોકરી જોઈતી હોય તો કોઈ skilled જોબ તો ના મળે, વળી એણે આગળ ભણવાનું છે, આવશ્યક skills મેળવવાની છે, કોલેજની ઉંચી ફી માટે પૈસા ભેગા કરવાના છે… તેથી એને કોઈ હોટલ-રેસ્તોરામાં વેઈટરની કે એવી કોઈ નોકરી મળે તે લેવી જ પડે, જીવનની શરૂઆત જ અહીંથી થાય એવું કહી શકાય, અને તેથી નાનપણથી જ એમને કોઈ કામમાં શરમ નથી લાગતી, શરમ જતી રહે છે, એમનામાં વર્ક કલ્ચર ડેવલપ થઇ જતું હોય છે. આખો સમાજ પછી તો આવો વર્ક-હોનર, વર્ક કલ્ચરમાં માનતો થઇ જાય છે, અને તેથી ત્યાં કામની બાબતમાં કોઈ કોઈની ટીખળી નથી કરતું.

હવે, કોઈ કારણસર આપણે એવા સમાજમાં જીવવાનું આવે, તો જીવી જ નહીં શકીએ. પરંતુ ઘરમાં કે કોઈ અન્ય જગ્યાએ જાતે કામ કર્યું હોય, કોઈ પણ કામ જાતે કરવામાં કોઈ શરમ ના હોય તો આપણામાં પણ વર્ક હોનર આવી શકે… પણ એ આપણે ભૂલી ગયા છીએ. આપણે ત્યાં પુરાતન ભારતના ગુરુકુળોમાં આવી સિસ્ટમ હતી કે દરેક કામ જાતે કરવાનું હતું. ગાંધીજીએ એમના આશ્રમમાં આ પ્રયોગ કર્યો હતો કે એમને ત્યાં દરેક જણાએ બધું જ કામ કરવાનું, તે વખતે જો’કે એમના અમુક નિયમો માટે વિરોધ પણ થતો કે ત્યાં એમની સાથે રહેનારાઓએ જાતે ખાળ-કુવા સાફ કરવા પડતા, મળ પણ ઉંચકીને દૂર નાંખવા જવું પડતું. આમ, ગાંધીજી તો જાતે આવા કામ કરી લેતા હતા, સાથે રહેનારાઓએ પણ એ બધાં જ કામ જાતે સેવાના ભાવથી કરવાના હતા.

એક વખત ગાંધીજી એમના આશ્રમમાં બેઠાં-બેઠાં કોઈ અનાજ સાફ કરતા હતા, ત્યાં એક ભાઇ ઈંગ્લીશ ડ્રેસમાં આવ્યા, કહે ‘‘હું Englishમાં ગ્રેજ્યુએટ છું, અને હું તમને મદદ કરી શકું છું, આશ્રમમાં સેવા આપી શકું છું, અહીંની ઓફીસ સંભાળી શકું છું, અંગ્રેજીમાં correspondence એવું બધું કરી શકું છું, તો તમે મને કોઈ સેવા આપો.’’ એ ભાઈની વાત સાંભળી લીધા પછી ગાંધીજીએ શાંતિથી બીજી થાળી લીધી, એમાં થોડું અનાજ મૂકી આપ્યું, અને એને કીધું ‘‘આને સાફ કરો.’’ એણે થાળી તો લીધી, સાફ કરવાનું શરુ કર્યું, પણ એને જીવમાં અજંપો શરુ થાય, શાંતિ કે ધરપત નહીં, બેચેનીથી આમ-તેમ જોયું, અને જયારે એણે જોયું કે ગાંધીજીનું ધ્યાન અનાજ સાફ કરવામાં છે, તો એણે પોતાની થાળી ધીમેથી બાજુમાં મૂકી, અને એ તો જતો રહ્યો.

આવા માણસોને જોઈ-જોઇને આપણે બધાં’ય એમના જેવા જ થઇ ગયા છીએ, આપણને પણ જાતે કામ કરવાની શરમ આવે છે એટલે, આપણી આ પ્રજામાં ક્યાંથી આત્મવિશ્વાસ આવશે?

પશ્ચિમના યુવાનોની વાત કરીએ તો ત્યાં દેખાશે કે ૧૭-૧૮ વર્ષનો છોકરો હોય, એ થોડું કમાયો હોય તો પછી એ વારાફરથી દૂર કે નજીકના અમુક દેશોમાં જઈ ફરે; પાછો પોતાના દેશમાં આવે, થોડું નોકરી-ધંધા જેવું કરે એક વરસ સુધી કશું’ક કામ કરે, કમાય, અને ફરી બીજા continentમાં ફરવા નીકળી પડે, એ પણ એક થેલો, travelling-બેગ જેવું લેઈને નીકળી જાય. સાહસ વૃત્તિ કહો, નવું જાણવાની, ફરવાની ઈચ્છા કહો જે કહો તે… પણ નીકળી તો પડે જ. આપણે ત્યાં યુવાનોમાં એવું નથી દેખાતું; અહીંનું વાતાવરણ જ નથી એ જાતનું… એક કારણ એ પણ છે કે અહીંના યુવાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠાં છે.

ગુરુકુળના જીવનમાં એક જે વિશેષતા હતી તે એ કે બધું કામ જાતે કરતાં-કરતાં આત્મવિશ્વાસ આપમેળે કેળવાતો હતો, એનાથી માણસ એકલો જીવી શકે. અમે તો અહીં આવતા સાધકોને કહીએ છીએ કે દરેકે બીજું કાંઈ નહીં તો રસોઈ બનાવતા તો શીખી લેવી જ જોઈએ, કેમ કે જેને રસોઈ બનાવતા આવડી ગઈ માનો એણે દુનિયા જીતી લીધી. કેમ કે એ પછી ગમે ત્યાં જાય તો ખાવાની બિલકુલ ચિંતા જ નાં હોય. તમે ચીનમાં જાવ તો ત્યાં તમે સર્વાઈવ થઇ શકશો? તમારે કોઈ કારણસર ચીનમાં એકલા જવાનું થયું, તો તમે ત્યાં શું ખાશો? તમને ખબર છે એ લોકો ત્યાં ચીનમાં શું ખાય છે? બધું જ ખાય – જીવતા-મરેલા-સંઘરેલા સાપ ખાય, વીંછી ખાય, દેડકા’ય ખાય, કાચબા અને કૂતરા’ય ખાય. બધું, બધું જ ખાય. તમે ફાર-ઇસ્ટમાં જાવ, તો ત્યાં તમે સર્વાઈવ થઇ શકશો? હોંગકોંગ, મકાઉ, નોર્થ અને સાઉથ કોરિયા, જાપાન એ બધાં ફાર-ઇસ્ટના દેશો, એ તો વળી ચીન કરતા પણ ખતરનાક છે. ત્યાં તો એવું છે કે તમને ત્યાં કાચના કબાટમાં, બોટલમાં સંઘરી રાખેલા જીવતા સાપ, કાચબા, ઓક્ટોપસ જેવા જીવો હોય એમાંથી તમને જે પસંદ હોય એ કહો તે કાઢીને તમારી સામે ઉકળતા પાણીમાં નાંખી દે’ અને એની વાનગી બનાવી તમને ખાવા માટે આપે. ત્યાં તમે સર્વાઈવ કરી શકશો? એવી જ રીતે તમે યુરોપ કે આફ્રિકામાં સર્વાઈવ કરી શકશો?

શુદ્ધ, શાકાહારી  લોકો હોય તો આખા વિશ્વમાં ભારત સિવાય ભાગ્યે જ કોઈ બીજો દેશ હશે. અને જો  તમને જાતે રસોઈ બનાવતા આવડતી હોય તો જ તમે બીજા દેશોમાં સર્વાઈવ કરી શકશો, તમારે માટે કોઈ દેશ-પરદેશ અજાણ્યું નહીં રહે, તમે કોઈ પણ જગ્યામાં રહી શકશો. એટલે, બીજું કશું નહીં તો માત્ર રસોઈ બનાવતા તો શીખવી જ જોઈએ, અને રસોઈ શીખો તો પછી શાક પણ સમારતા આવડવું જોઈએ, રસોઈના વાસણો પણ ધોતા આવડવું જોઈએ. કચરા-પોતું પણ અને રસોઈની જગ્યા પછી તો clean રાખવી પડે… પછી તો બધું, ધીરે-ધીરે આવડતું જાય… તેથી, રસોઈ બનાવતા તો શીખવી જ જોઈએ.

મૂળ વાત છે આત્મવિશ્વાસની, તમારી અંદર એક આત્મવિશ્વાસ હોય કે તમે ગમે ત્યાં જઈ શકશો, ગમે ત્યાં રહી શકશો, ગમે ત્યાં સર્વાઈવ કરી શકશો… તો, પહેલા નાના-નાના કામ કરતા શીખવાનું, બાળકોને પણ થોડું, નાનું-નાનું કામ કરવા આપવાનું, એને કરવા દે’વાનું. ઘરનું બધું કામ જો છોકરીએ કરવાનું હોય, તો છોકરાએ કેમ નહીં? છોકરાએ કચરો કેમ નહીં વાળવાનો? વાસણ કેમ સાફ નહીં કરવાના? શું તમારે છોકરાને આજીવન ગુલામ જ બનાવી રાખવો છે? એને જીવનમાં આગળ નથી આવવા દે’વો? તો છોકરાએ પણ બધું જ કામ જાતે કરતા શીખી લેવાનું… એની અંદર આત્મવિશ્વાસ વિકસશે… તો, ગુરુકુળની આ વિશેષતા હતી.

ગુરુકુળની બીજી જે વિશેષતા હતી તે એ કે એ બધાં મહદંશે આત્મનિર્ભર, અને સ્વતંત્ર હતા. ગુરુકુળો ઉપર કોઈ રાજ્યાશ્રય કે કોઈ આર્થિક સત્તાનું domination ન્હોતું. મૂળમાં ત્યાંનું જીવન જ સાદું હતું, ત્યાં બધાં જ સાદાઈથી રહેતા, એટલે કોઈ ઝાઝો ખર્ચ જ નહીં, એના રોજીન્દા ખર્ચ માટે મોટા donationની જરૂર જ નહીં પડતી.

વિદ્યાધામ સ્વતંત્ર હોય એ જ સારું, નહીં તો આજની જેમ education industry, education institution જેવા બની જાય અને જે પ્રમાણે બધા institution અને industry હોય એ પ્રમાણે બધું બીઝનેસમેનોના હાથમાં હોય, અને બીઝનેસમેનોનું ટાર્ગેટ એક જ હોય, પ્રોફિટ, વિદ્યા નહીં. કોઈ એક કોલેજ જો નિરમાવાળાએ ચાલુ કરી હશે, તો કાલે એ રિલાયંસના હાથમાં હશે, પછી ટાટાના હાથમાં… પછી વિદેશીઓના હાથમાં.

વિદ્યાધામ જયારે વ્યાપારી પેઢી કે institution હશે તો ત્યાં એ વિદ્યાનું દાન નહીં કરે, બલ્કી વિદ્યાનો વેચાણ કે વેપાર કરશે. આપણે ત્યાં વિદ્યાનું દાન દે’વાતું હતું, વિદ્યા દાનમાં મળતી હતી, નહીં કે વેચાતી. આજની જેમ જેણે પણ એને જોઈતી વિદ્યા વેચાતી લીધી કે મેળવી હશે, તો પછી એ એના જીવનમાં એ વેચાતી લીધેલી વિદ્યાની કિંમત પણ તો લેશે.

એ થોડો કાંઈ દાનમાં આપશે? ડોક્ટર બનવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય, તો પછી એ ડોક્ટર સંસારમાં આવીને કોઈની સેવા કે કોઈને દાન નથી કરવાના.

આવા ઘણા કારણોસર ગુરુકુળો ઉપર કોઈ અર્થસત્તાનું domination ન્હોતું, રાજા પણ ત્યાં કહી નહોતા શકતા કે આ ભણાવવાનું અને આ નહીં. ગુરુકુળોમાં ગુરુજનો સ્વતંત્ર હતા, રાજસત્તાનું કામ એટલું કે એ ગુરુકુળો રાજાએ બનાવેલા નિયમોની મર્યાદામાં રહીને ભણાવે, એકબીજાને હેરાન ના કરે, પ્રજાની સુરક્ષા, એટલું જ રાજાએ જોવાનું, એ સિવાય રાજા પાસે ગુરુકુળ પ્રત્યે કોઈ સત્તા ન્હોતી.

આપણા દેશની ચતુરાશ્રમની વ્યવસ્થામાં રાજા પાસે સમાજ રક્ષણ, નિયમો, વિગેરેની જવાબદારી હતી, ધનને લગતી કોઈ સત્તા જ ન્હોતી, ધનનો ઈજારો તો વૈશ્યોનો હતો અને તેથી ઇતિહાસમાં એટલા બધાં દાખલાઓ છે કે રાજાને પણ જયારે કોઈ કાળે ધનની આવશ્યકતા આવી પડે તો એણે વૈશ્યો, શ્રેષ્ઠીઓ પાસે માંગવું પડતું. આ એક અદભુત વ્યવસ્થા ભારત સિવાય ક્યાં’ય નથી, કોઈ દેશ કે કોઈ ધર્મમાં નથી, એક માત્ર સનાતન (હિંદુ) ધર્મમાં જ આ વ્યવસ્થા છે.

આપણે ત્યાં સમાજ વ્યવસ્થા જુદી વ્યક્તિઓના હાથમાં હતી. સમાજ જુદી-જુદી કોમ-વિચારધારાઓમાં વ્હેચાયેલો છે. પટેલ લોકોનો સમાજ હોય તો ત્યાં પટેલનો પ્રમુખ હોય, એનો સમાજ હોય, એ લોકો નિર્ણય કરે કે કોને ક્યાં પરણાવવાનું, કોને માટે શું કરવાનું, એ લોકો નિર્ણય કરતા હોય, એ નિર્ણય સાધુ ના કરે, જે-તે સમાજ અને એના મુખીઓ કરે.

તો, પહેલાની સમાજ વ્યવસ્થા જુદી હતી. ધાર્મિક શિક્ષણ, ધર્મની વ્યવસ્થા અલગ હતી, એ વ્યવસ્થા બ્રાહ્મણો અને પુરોહિતોના હાથમાં હતી. શિક્ષણ, ધર્મને લગતી વાતોનો નિર્ણય એ લોકો કરતા.

અધ્યાત્મની વ્યવસ્થા પણ જુદી હતી. અધ્યાત્મનો વિષય સંન્યાસીઓનો વિષય, તેથી એ માટેની વ્યવસ્થા સંન્યાસીઓ પાસે હતી, એમાં પછી ધાર્મિક રીત-રિવાજો, rituals ન્હોતા, કેમ કે, સંન્યાસીઓના કોઈ જ રીત-રિવાજો ના હોય, એ તો ફક્ત આત્મા સાથે સંકળાયેલા છે, શુદ્ધ આત્મ-શોધના કાર્ય સાથે જ સંકળાયેલા છે.

આમ, સનાતન ધર્મમાં ચારે’ય વ્યવસ્થા સ્વતંત્ર વ્યવસ્થાઓ હતી, હા, ક્યારે’ક વાર-તહેવારે, પ્રસંગોમાં એક-બીજાને બોલાવે, ત્યાં જાય પણ ખરા, એક બીજા માટે માન હોય, જરૂર-પડ્યે એક-બીજાને સહયોગ પણ કરે, ક્યારે’ક માર્ગદર્શનની પણ આપ-લે થાય… પણ કોઈ પણ વ્યવસ્થાનું બીજી વ્યવસ્થા ઉપર દબાણ ન્હોતું, દરેક વ્યવસ્થા સ્વતંત્ર હતી.

આપણા ચતુરાશ્રમની આવી અનોખી વ્યવસ્થાને લીધે આપણે જાત-જાતની વિકટ પરિસ્થિતિઓમાં પણ આપણી કોઈ શાખાઓ કે વ્યવસ્થાઓનો વિકાસ રૂંધાયો કે રોકાયો નથી. આ વાત પર ધ્યાન આપજો, કે આપણે લગભગ ૮૦૦-વર્ષો સુધી મોગલોને આધીન રહ્યાં, અને પછી ૨૦૦ વર્ષો અંગ્રેજોને આધીન રહ્યાં તે છતાં આપણા ઋષિઓ, સંતો, યોગીઓ એમની રીતે એમના ક્ષેત્રનો વિકાસ કરતાં જ રહ્યાં. ઈતિહાસ વાંચશો તો ત્યાં જોશો કે અંગ્રેજોના કાળમાં આપણે ત્યાં શ્રી અરવિંદ થયા, શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ થયા, રમણ મહર્ષિ આ ભૂમિ ઉપર લગભગ ૧,૦૦૦ વર્ષોના કપરા કાળમાં પણ કેટ-કેટલા પ્રખર સંતો થયા છે. એ બધાં સંતો રાજ્ય-વ્યવસ્થાથી તદ્દન અલિપ્ત જ રહ્યાં હતાં, રહી શક્યા હતાં કેમ કે એ વ્યવસ્થા – અધ્યાત્મની, સંન્યાસીઓની, ગુરુજનોની, સંતોની વ્યવસ્થા – તદ્દન જુદી જ હતી, અને એ જુદી, અલાયદી, અલિપ્ત હતી તેથી જ એમાં રહીને એ વ્યવસ્થાનો વિકાસ અટક્યો નથી.

મોગલોના કાળમાં જુઓ તો કબીર છે, નાનક છે, તુલસી છે, ચૈતન્ય મહાપ્રભુ છે, રામાનુજાચાર્ય છે, કેટલા બધા સંતો એ કપરા કાળમાં પણ થયા છે, અધ્યાત્મનો એ પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો છે, અટક્યો નથી, કેમ કે એ વ્યવસ્થા જ અલગ-અલગ હતી.

હવે આસ્થા અને રાજાની વાત કરીએ તો જો કોઈ રાજા પાસે ધાર્મિક સત્તા પણ હોય અને જો એ કોઈ એક આસ્થા સાથે જોડાયેલો હોય, તો મહદંશે એવું થાય કે ત્યાં એ રાજ્ય કે દેશમાં બીજી કોઈ આસ્થાને રહેવાનો કે એના વિકાસનો કોઈ અવસર જ ના હોય. એટલે તમે જુઓ કે આજે ઈરાક વગેરેમાં શું થઇ રહ્યું છે.  ભારત સાથે, કે પહેલા પણ દુનિયામાં કેટલી બધી અન્ય સંસ્કૃતિઓ આવી હતી, વિકસી પણ હતી, પરંતુ… આજે, આજે એમાંની ઘણી સંસ્કૃતિઓ નષ્ટ થઇ ગઈ છે, એમના અવશેષો પણ આજે નથી મળતા. અમુક વિચારધારાના લોકો તો પુરાતન વિચારધારાના અવશેષો પણ નથી રહેવા દે’તા, થોડા વર્ષો પહેલા જ એ લોકોએ અન્ય વિચારધારાની પુરાતન વિશાળ મૂર્તિઓ જે હતી એને તોડી-ફોડી નાંખી, કેમ કે એમની આસ્થા સિવાય એ લોકો બીજું કશું સહન કરી જ શકે નહીં.

એટલે, આપણે ત્યાં શિક્ષણ-ધર્મ-આસ્થા, રાજ્ય, ધંધા-વેપાર-વાણિજ્ય અને અધ્યાત્મ એ બધી વ્યવસ્થાઓ જુદી-જુદી હતી, એ વ્યવસ્થાઓમાં રાજાનો પણ હસ્તક્ષેપ ન્હો’તો, તેથી શિક્ષણના ક્ષેત્રમાં પણ રાજાનો કે ધનપતિઓનો હસ્તક્ષેપ ન્હોતો. શિક્ષણના ક્ષેત્રે જો રાજ્યાશ્રય હોય, રાજ્યનો હસ્તક્ષેપ હશે તો આજે જે પ્રમાણે ચીનમાં કે ઉત્તર કોરિયામાં છે એમ માત્ર ક્મ્યુનિઝમ સિવાય તમે ત્યાં કશું જ ભણાવી ના શકો.

ભારતની વાત કરીએ અને અહીં હિંદુ સિવાય જો કોઈ અન્ય આસ્થા કે વિચારધારાનો રાજા (રાજ-તંત્ર, લોક-તંત્ર) આવી જાય તો એ ‘રાજા’ પોતાની જ શિક્ષણ વ્યવસ્થા લાદી દે, બીજી જે અહીંની વ્યવસ્થા હોય એ બધું કાઢી જ નાંખે. આઝાદી પછી આ દેશનો (‘રાજ્ય’નો) વહીવટ  હિન્દુઓના હાથમાં જ રહ્યો છે એટલે અહીં બીજી આસ્થાઓમાં માનનારાઓનું બધું ચાલે છે, અહીં અન્ય આસ્થાઓના લોકો શાંતિથી રહી શકે છે, અને એ આસ્થાનું બધાં’યનું ભણાવવા પણ દે’વામાં આવે છે, અને જો હિંદુ નહીં હશે તો આમાંનું કશું જ નહીં રહેશે.

એટલે, આપણે ત્યાં બધી વ્યવસ્થા જુદી-જુદી હોવાં છતાં એક-સૂત્રે જોડાયેલી હતી. આવી વ્યવસ્થા ભારતમાં હિંદુઓ સિવાય બીજા કોઈ જ ધર્મ કે દેશમાં નથી. વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. આ ધર્મના ઘણાં ફાંટાઓ છતાં, એના ૨૦૦ અબજથી પણ વધારે માનનારા લોકોના મોટા ભાગના કેથોલિક ખ્રિસ્તીઓના એકમાત્ર ધર્મગુરૂ એટલે ઇટલીના વેટિકનમાં રહેતા પોપ છે. પોપ ધર્મગુરુ પણ છે, વેટિકન શહેરનો રાજા પણ કહેવાય, અને આખા કેથોલિક ખ્રિસ્તીઓના મુખી પણ છે; દેશ-વિદેશોમાં લાખો કેથોલિક ચર્ચો છે તે બધા એમના હસ્તકના છે, ત્યાંના પાદરીઓની નિમણુક આ પોપની સંમતિથી થાય; અને પછી એ પાદરીઓ સમાજમાં કેથોલિક ખ્રિસ્તી ધર્મની, શિક્ષણની વાતોના અધિકારી જેવા બની જાય છે; વળી, એ સમાજમાં લગ્ન વિગેરેની વાતો પણ એમની સંમતિથી થતી હોય છે; મર્યા પછી ચર્ચના તાબાની જમીનમાં એમને દફનાવવા દેવાના કે નહીં એ પણ એ પાદરીઓ નક્કી કરે. ખ્રિસ્તીઓનો એક બીજો મોટો સમુદાય એટલે પ્રોટેસ્ટંટ; આ સમુદાયના કોઈ એક ધર્મગુરુ કે મુખિયા નથી, અને  જે-તે દેશ, કસ્બાઓના લોકો સમયાંતરે એમના ધર્મગુરુ કે મુખી નક્કી કરે છે.

આપણે ત્યાં સમાજ વ્યવસ્થા જુદી- જુદી હતી, અને એ વ્યવસ્થાઓ પોતાની રીતે સ્વતંત્ર હતી. આ એક મુખ્ય કારણ છે કે સમાજના દરેક ક્ષેત્રની વિદ્યાઓ, કળાઓ, જ્ઞાનનો ખૂબ વિકાસ થયો છે. આ બધું એટલે થઇ શક્યું હતું કે એમાં કોઈ એક સત્તાનો કોઈ હસ્તક્ષેપ ન્હોતો, અને દરેક સંસ્થા પોતાની રીતે વિકાસ કરી શકી હતી.

ॐ तत् सत्