વૈદિક સંસ્કૃતિ એટલે વેદો પર આધારિત સંસ્કૃતિ, એ સંસ્કૃતિ કે જેનો આધાર વેદો છે. સમસ્ત વિશ્વના સૌથી મુખ્ય એકમ, માણસના વૈયક્તિક જીવન માટેના નીતિ-નિયમો, એની આચાર સંહિતા, એના વિકાસ માટેના વિવિધ ઉપાયો, અને એને આધારે ઉભા થયેલા આખા સમાજ માટે, દેશ માટે, અને અહીં એ પણ કહેવું જોઈએ કે આખા અસ્તિત્વને ધ્યાનમાં રાખીને આ બધી વાતોને લઇ જે એક વિશિષ્ટ માળખું બંધાયું, એક જે રચના થઇ એ વૈદિક સંસ્કૃતિ છે.

વેદો એટલે તપોનિષ્ઠ ઋષિઓને એમની સમાધિ અવસ્થામાં જે જ્ઞાનનો અનુભવ થયો એ વેદો; એટલે, વેદો કોઈ એકાદ-બે ઋષિઓ દ્વારા નથી રચાયા – અને જ્યાં કોઈ પણ વસ્તુની કે જ્ઞાનની રચનાની વાત આવે ત્યાં એ રચના સાથે કે એની પાછળ કોઈ વ્યક્તિ હોય, એનું મન અને મનની સીમા હોય, એનું નામ અને તેથી એનો ઈગો, કર્તાપણું, એનો અહં પણ એમાં હોય, એ વ્યક્તિ રચનાકાર હોય, રચયિતા હોય. તેથી આપણે ઋષિઓને વેદોના ‘રચયિતા’ નથી કહેતા, ઋષિઓએ તો વેદોનો સાક્ષાત્કાર કર્યો, એમણે વેદ-મંત્રોનો સાક્ષાત્કાર કર્યો છે, કારણ સમાધિવસ્થામાં ઋષિઓનો અહંકાર તો વિલીન થઇ ગયો હોય, પૂર્ણ સમાધિ દશામાં એ જે જુએ છે ત્યારે એ માત્ર જોનાર, દ્રષ્ટા હોય છે, ત્યાર બાદ આ દ્રષ્ટાની અવસ્થામાંથી જે પ્રગટ થાય છે તે એમને થયેલા સાક્ષાત્કારનું ફળ હોય છે. એટલે, ઋષિઓ આપણા વેદોના રચયિતા નથી, એ દ્રષ્ટા છે ऋषयः मन्त्र द्रष्टारः – ઋષિઓ મંત્રના દ્રષ્ટા છે, એમણે નથી મંત્રોની રચના કરી કે નથી વેદોની રચના કરી.

તો, સાક્ષાત્કાર પામેલા ઋષિઓએ જાણ્યું કે વેદોનો સાર અને આપણી વૈવિધ્યપૂર્ણ જે સંસ્કૃતિ છે એ બંનેનો સાર એક જ છે અને તે એ કે સમસ્ત જગત, બ્રહ્માંડમાં બસ, એક પરમ સત્તા જ છે, એ જ મૂળ તત્ત્વ છે જે બધામાં વિવિધ રૂપે વિલસી રહ્યું છે, એના સિવાય બીજું કશું જ નથી. ઋષિઓએ બીજી મહત્ત્વની વાત એ અનુભવી કે એ પરમ તત્ત્વ, પરમ સત્તાનું મૂળ સ્વરૂપ કહો, સ્વભાવ કહો એ છે સત્ય, ચૈતન્ય અને આનંદ, અને એ તત્ત્વ શાશ્વત છે! અને જો એ પરમ તત્ત્વ બધામાં અને વિશ્વના મુખ્ય એકમ, માણસમાં પણ હોય તો માણસનો પણ મૂળ સ્વભાવ, એનું પણ મૂળ સ્વરૂપ તો સત્ય, ચૈતન્ય અને આનંદ જ હોય!

દરેક વસ્તુનો પોતાનો મૂળ સ્વભાવ હોય છે, અને જો એ એના મૂળ સ્વભાવથી સ્હેજે પણ આમ-તેમ થાય, કે ખસે તો એની અંદર એક પ્રકારની તાણ, સ્ટ્રેસ, અસંતુલન ઉભું થાય છે. દા.ત. દીપકની જ્યોત, જો એની આજુબાજુનું વાતાવરણ શાંત હોય, હલકો, ઝીણો પવન પણ ત્યાં નથી તો સામાન્ય રીતે એ જ્યોત સીધી જ હોવાની, સીધી રહેવું એ એનો સ્વભાવ છે; પરંતુ, જો ત્યાં હલકી પવનની લ્હેર પણ આવે તો એ જ્યોત આમ-તેમ ડોલવા લાગે છે, એમાં એક પ્રકારનું ઈમ્બેલેંસ, અસંતુલન ઉભું થાય છે, તેથી એ તાણયુક્ત હોઈ, પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે સીધી રહેવા માટે સતત મથતી હોય છે, પ્રયત્ન કરતી હોય છે.

પોતાના મૂળ સ્વભાવને પામવું એ દરેક વસ્તુની સાથે થતું હોય છે. મારો સ્વભાવ આનંદ છે, અને એ આનંદ મારા નિજમાં છે, એટલે જયારે હું નિજના આનંદમાં નથી હો’તો તો મારી અંદર એક પ્રકારનું અસંતુલન ઉભું થાય છે, એક જાતની અપૂર્ણતા ઉભી થાય છે, એક જાતની તાણ ઉભી થાય છે. અહીંથી આપણી બધી સમસ્યાઓની શરૂઆત થાય છે. 

હવે, આજની પરિસ્થિતિમાં, આજના સંદર્ભમાં આપણે એવા સંજોગો વચ્ચે છીએ કે જ્યાં આપણે નિજના આનંદમાં નથી, તેથી સંસ્કૃતિની અગત્યતા એ છે કે એ ફરી મને નિજ સ્વરૂપમાં લઇ જાય, હું જ્યાં છું, જેવી રીતે છું, જેવો છું એ મને ત્યાંથી નિજ સ્વરૂપમાં લઇ જાય – સંસ્કૃતિનું કાર્ય આ છે.

આજના સંદર્ભમાં જોઈએ તો પહેલી સમસ્યા એ છે કે હું નિજના સ્વભાવથી વિચલિત થયો, નિજના સ્વભાવથી અસ્થિર થયો, તેથી મારા આનંદનો સ્રોત હવે નિજ નથી રહ્યો, એ બીજું જ કશું થયું છે, એટલે મારી અંદર જે અસંતુલન ઉભું થાય છે એ દર્શાવે છે કે હું મારા અસીમિત સ્વભાવથી, અનંત સ્વભાવથી ખસીને સીમિત થઇ જઉં છું, હું મૂળ સ્વભાવ આનંદથી ખસીને દુઃખમાં આવી જઉં છું.

આપણી સમસ્યાઓની શરૂઆત અહીંથી થાય છે, એટલે સુખ, આનંદ શોધવાના મારા પ્રયત્નોમાં મારી ચોઈસ ખોટી ઉભી થાય છે. આગળ કહ્યું તેમ, કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવથી ખસે તો એ એના મૂળ સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરતી જ હોય છે, અને જ્યાં સુધી એ મૂળ સ્વભાવમાં ફરી ના પહોંચે ત્યાં સુધી એ સતત પ્રયત્ન કરતી રહે છે, એ બિલકુલ જંપે જ નહીં.

આ વાત ઉપરથી બે વાતો સમજાય છે – એક એ કે આપણી અંદર જે ક્ષોભ છે, જે અજંપો છે, જે સ્ટ્રેસ છે એનું કારણ એ છે કે આપણું અસ્તિત્વ, આપણું મન સતત મૂળ સ્વભાવ આનંદમાં સ્થિર થવા માટેના પ્રયત્ન કરતું હોય છે. બીજું એ કે આનંદ મેળવવા માટેની દિશા નિજ તરફ ના હોય તો પછી ઉંધી દિશામાં જતા મારા મનની ચોઈસીસ ખોટી ઉભી થતી જાય છે… ખોટી ચોઈસીસ ઉભી થાય, એટલે પછી એના ફણગા ફૂટવાના, વિવિધ માત્રામાં જાત-જાતની ઈચ્છાઓ ઉભી થતી જ રહેવાની.

જે લોકો નિજના સ્વભાવમાં ડૂબ્યા છે, નિજને પામ્યાં છે એ લોકો જ સાચા અર્થમાં તૃપ્ત થયા છે, આખો ઈતિહાસ આ વાતનો સાક્ષી છે કે આપણે મોટા-મોટા મહારાજાઓને ભૂલી ગયા છીએ, પણ બુદ્ધને નથી ભૂલ્યા, શંકરાચાર્યને નથી ભૂલ્યા અને ભૂલીશું પણ નહીં; આપણે રામ-લક્ષ્મણને નથી ભૂલી શકવાના, રમણને નથી ભૂલી શકવાના. નિજથી નિજની પ્રાપ્તિ, આત્મા, એનો પ્રકાશ એની ઉપસ્થિતિ – આ જ વાત એટલી બધી અગત્યની છેકે જો થોડું પણ એ દિશામાં એનું આકર્ષણ હોય તો એના પ્રભાવથી કોઈ પોતાને બચાવી શકે નહીં.

લગભગ ૧૮૮૦માં જન્મેલા રમણનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે, “તમારા જાતનો આત્મસાક્ષાત્કાર જ દુનિયા માટેની તમારી સૌથી મોટી સેવા છે” (Your own Self-realization is the greatest service you can render the world). એમનો દેહ વિલય ૧૯૫૦માં થયો હતો, અને આજે રમણ શરીરે નથી,પણ તમિલનાડુના અરુણાચલ પર્વતની તળેટીમાં આવેલા રમણઆશ્રમમાં અને એની ચારે બાજુ દુનિયાના જુદા-જુદા દેશોમાંથી લગભગ ૧૯૩૦થી લોકો આવીને ત્યાં પરમેનન્ટ ઘર બનાવીને રહે છે.

હું એક વખત રમણઆશ્રમમાં ગયેલો, મારી સાથે અહીં વડોદરાના એક સાધક હતા. ત્યાં મોટી ઉંમરનું એક યુરોપિયન કપલ હશે જે આશ્રમથી એક-બે કિ.મી. દૂર, મકાન બનાવીને રહેતા હતા. આ સાધકને એમની સાથે પરિચય હશે, તો અમે તો આમ જ એમને ત્યાં ગયા. એમણે બીજી કોઈ વાત જ ના કરી, એ ભાઈએ રમણનો ઉપદેશસાર ગ્રંથ કાઢીને વાંચવાનું શરુ કર્યું, રમણની જ વાતો કરવાની શરુ કરી અને એકદમ રમણમય થઇ ગયા હોય, રમણના જ ગ્રંથોનું વાંચન, એમનું જ ચિંતન, બીજું કશું જ નહીં.

રમણને સાક્ષાત્કાર થયાને આજે એક સો વર્ષથી થોડા વધારે થયા હશે, પણ એમની ઉપલબ્ધિ શું છે? માત્ર ‘સ્વ’, ‘મૈ’ ‘હું’ની ઉપલબ્ધિ – આત્મસાક્ષાત્કાર એ જ એમની ઉપલબ્ધિ. આવી ઉપલબ્ધિ માટેના શરૂઆતના પ્રયત્નો અઘરા જરૂર લાગે, પરંતુ એ સમાધિસ્થ સ્થિતિનું પોતાનું આકર્ષણ એટલું બધું છે કે બીજા આકર્ષણો કરતાં એ વધારે જ હોય.

આપણે જયારે ધ્યાન કરવા બેસીએ, થોડા’ક શાંત થવા બેસીએ ત્યારે આપણી સમસ્યા એ હોય કે આપણે ધ્યાન સિવાયના જ વિચારોમાં ખોવાઈ જતા હોઈએ છીએ, જાત-જાતના વિચારો આવે, મન શાંત થતું ના હોય, એ અંદર તરફ પણ જતું ના હોય, ધ્યાનના સમયે આ આપણી મોટી સમસ્યા છે.

શારદા-મા, રામકૃષ્ણના ધર્મપત્નીને જયારે પહેલી વખત સમાધિ થઇ તો બહાર જ ન્હોતા આવતા, તો રામકૃષ્ણે થોડો પ્રયત્ન કરી માંડ-માંડ એમને બહાર લાવ્યા, અને તરત જ શારદા-મા બોલી ઉઠ્યા, “અરે! ફરી સંસારમાં આવવાનું છે? મારે તો ત્યાં (ધ્યાનમાં) જ રહેવું છે.” રામકૃષ્ણ જયારે સમાધિસ્થ રહેતા તો એમને ખાવાનું ભાન ના હોય. એ સમયે ત્યાં એક સાધુ આવી ગયેલા એમણે રામકૃષ્ણને મારીને, ક્યારેક લાકડીથી પણ મારવું પડ્યું હતું અને પછી એ રામકૃષ્ણના મોઢામાં કશું’ક નાંખી દે’તા. આવી રીતે રામકૃષ્ણને ખવડાવીને એમના શરીરનું રક્ષણ કર્યું હતું.

તો, ધ્યાનમાં આવી સ્થિતિ પણ હોય છે કે જયારે માણસ સ્વની દિશામાં સ્હેજ પણ જો અંદરની તરફ જતો હોય તો એને પોતાની જાતનો અનુભવ, પોતાની પ્રતીતિ તો હોય છે, પણ એની સાથે એને તો આખા વિરાટનો અનુભવ થતો હોય છે.

આજે જયારે મીરાને, ચૈતન્યને, રામકૃષ્ણને અને એવા બીજા સંતોને યાદ કરુ છું, ત્યારે મને ઘણી વખત વિચાર થાય છે કે આ દેશમાં એવું કોઈ ગામડું નહીં હશે કે જ્યાં નાના-મોટા ચમત્કાર કરનારા ના થયા હોય કે જે તમને હાથમાં સાકર કાઢી દે’, હાથમાંથી ભભૂતિ કાઢી દે’, એવા લોકો જે નાના-મોટા ચમત્કારો કરનારા તો અહીં ગામે-ગામમાં થયા હશે, પણ આપણે કોઈને યાદ નથી કરતા, આપણને કોઈનો ખ્યાલ નથી પણ આપણે મીરાબાઈ જેવા ભક્તો-સંતોને યાદ કરીએ છીએ, કારણ કે તેઓ તો પ્રભુના શુદ્ધ પ્રેમમાં ગાંડા થયા છે, શુદ્ધ ભગવદ્દ પ્રેમમાં ગાંડા થયા છે, એમણે કોઈ જ ચમત્કાર નથી કર્યા, હા, ક્યારે’ક ચમત્કાર થયા હશે પણ એ માટે એમણે કોઈ પ્રયત્ન નથી કર્યો, કે નથી ચમત્કાર પાછળ પડ્યા કે નથી કોઈ બીજી વસ્તુ પાછળ પડ્યા, આવા સંતોએ તો માત્ર ભગવાનને પ્રેમ જ કર્યો છે, એમાં જ એ લોકો એટલા બધા ખોવાઈ ગયા હતા કે બીજા કશાનું ભાન પણ ના રહ્યું, એ સ્થિતિનો આટલો પ્રભાવ છે એટલે.

મારા ગુરુજી અમને કાયમ કહેતા કે કોઈ માણસને તું આમ ના કર એવું નહીં કહેવું, કોઈને એમ નહીં કહેવાનું કે તું દારૂ ના પી, બીડી-સિગરેટ ના પી, આ ના કર, પેલુ ના કર એવું ના કર નહીં કહેવાનું. એને એમ કહેવાનું કે તું ભગવાનની પૂજા કર, ભક્તિ કર, જપ કર, યોગ કર, ધ્યાન કર એવું કહેવાનું,

“ના કર” નહીં કહેવાનું, કારણ આપણા કહેવાથી એ એવું નહીં કરે એ શક્ય જ નથી. કોઈને કહીએ કે “તમે ચિંતા ના કરો, ગુસ્સો ના કરો”, તો એ કાંઈ એવું કરતા અટકવાના નથી, આપણા પ્રયત્ન છતાં એ એવું નહીં કરે એ શક્ય નથી.

મારા ગુરુજી પહેલી વખત અમેરિકા ગયેલા ત્યારના એમના અનુભવની અમને વાત કરતા. લગભગ ૧૯૬૮નુ વર્ષ હશે, કહે કે તેઓ ન્યુ યોર્કની એક હોટલમાં ઉતર્યા હતા. ત્યારે વિદેશોમાં યોગ વિગેરે વિશે કાંઈ ખાસ પ્રચાર-પ્રસાર ન્હોતો પણ થોડી-થોડી વાતો વહેતી થઈ હતી. એ દિવસોમાં તેમનો સંપર્ક કોઈ એક જેલના ઉચ્ચાધિકારી સાથે થયો હશે. એ લોકોએ પછી ગુરુજીને ઇનવાઈટ કર્યા, કહે, “તમે અમારે ત્યાં આવો અને કેદીઓને થોડું યોગ, ધ્યાન વગેરે કરાવો.” સ્વામીજી ત્યાંની જેલમાં ગયા અને અધિકારીને કહ્યું કે “બધાં કેદીઓને બોલાવી હોલમાં ભેગાં કરો.”

સ્વામીજી કહે, એ બધાં કેદીઓ કાંઈ મોટી ઉંમરવાળા ન્હોતા, પણ નાની ઉંમરના યુવાનો, છોકરા-છોકરીઓ હતા. એ બધાંને પકડીને, ધક્કા મારીને ગમે તેમ પણ હોલમાં ભેગાં કર્યા. એ કેદીઓ યુવાન હતા, મને જોતાંજ એમને તો મસ્તી સુઝી, કોઈ મારા કપડાં ખેંચવા માંડ્યું, કોઈ મારે માથે હાથ ફેરવે, કોઈ વળી કાંઈ ટીખળી કરી, એવું કરવા લાગ્યા. “મને થયું, હું ક્યાં અહીં આવી ચડ્યો, મારે અહીં ન્હોતું આવુવું જોઈતું”.

પછી સ્વામીજીએ જેલના અધિકારીને કીધું કે “આ બધાને નીચે સુવાડી દો’, તો માંડ-માંડ એ લોકોને સુવડાવ્યા. સ્વામીજીએ બહુ ધીરજથી એ લોકોને યોગ નિદ્રાનો અભ્યાસ કરાવવાનું શરુ કર્યું, અને કેદીઓને સંબોધીને એ બોલતા રહ્યા, “તમારું શરીર શાંત કરો, ઢીલું કરો…શરીર ઢીલું થઇ રહ્યું છે…શાંત થઇ રહ્યું છે,” એટલું જ બોલતા રહ્યા. પણ કેદીઓ, અને એ પણ યુવાન કાંઈ શાંત રહે? કોઈ બીજાને પગ મારે, કાંઈ ટીખળ કરે, શાંત શે’ના રહે?

સ્વામીજીને થયું, “હવે મારે અહીં બીજી વખત નથી આવવું.” હોટલમાં ઉતારે ગયા. બીજે દિવસે ત્યાંથી જ સવારમાં ફોન આવ્યો, પૂછ્યું, “તમે આવો છો આજે?”, “ના, હું નથી આવવાનો.” તો ફોન પર એ ઉચ્ચાધિકારી કહેવા લાગ્યા, “ના, સ્વામીજી, તમે આજે પણ આવો, પ્લીઝ તમે આવો, જરૂર આવો,” આમ, આગ્રહ કર્યો. સ્વામીજીએ પૂછ્યું “તમે આટલો બધો આગ્રહ કેમ કરો છો?” એ કહે, “તમારા ગયા પછી કેદીઓના વર્તનમાં બીજા દિવસો કરતાં ગઈકાલે ઘણો ફેરફાર દેખાયો હતો, એમની તોડ-ફોડ ઓછી થઇ ગઈ, ઝગડાઓ ઓછા થઇ ગયા છે, એટલે તમે જરૂર આવો.”

આપણને જયારે કાંઈ જોઈતું કે સારું મળવા લાગે ત્યારે આપણું મન શાંત થવા લાગે, આપણે અંદરથી શાંત થવા લાગીએ છીએ, અને તેથી નેગેટિવિટી પછી ધીમે-ધીમે એની મેળે, એની રીતે જતી રહે છે.

મને ઘણા સાધકોની વાત ખબર છે કે એ લોકો પી’વે છે, કઈ ડ્રીંક લે છે, મને ખબર હોય, પણ હું કશું બોલું નહીં. આવા તો કેટલા’ય અનુભવો મને થયા હશે. થોડા દિવસો પછી એ આવે, અને મારી પાસે આવી રડી પડ્યા હોય, કહે, “હવે હું નહીં પી’શ’. હું કહું “મેં ક્યાં તમને ના કહી છે?” હું કોઈને ના નથી કહેતો, પરંતુ માણસમાં કાંઈ સાત્વિકતા આવે, કાંઈ સારું આવે તો ધીમે-ધીમે એની નેગેટિવિટી જતી જ હોય છે. એટલે, મારા ગુરુજી કહે “ના કર” નહીં કહેવાનું, પોઝીટિવિટીમાં આટલું બળ છે.

કોઈ પણ વ્યક્તિની ચેતના જયારે એના નિજની તરફ થોડી પણ ગતિ કરે છે, ત્યારે એને કાંઈક જુદો જ અનુભવ થાય છે, અમુક એક સુવાસનો અનુભવ પણ થતો હોય છે.

વૈદિક સંસ્કૃતિનો અર્થ છે કે આપણે જ્યાં જે કોઈ સ્થિતિમાં છીએ ત્યાંથી નિજ તરફ કઈ રીતે આગળ વધવું એ માટેની આખી વૈયક્તિક અને સામાજીક જીવન પદ્ધતિ ઉભી કરાઈ છે. નિજ તરફ જવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ બધું સમજવું બહુ સરળ છે.

સાધના-ધ્યાન બધું શરીરથી જ થઇ શકે છે, તેથી આપણે પહેલાં તો શરીરને સમજવાનું. મારા શરીરમાં શું થઇ રહ્યું છે, શું થવું જોઈએ, મારે શું કરવું જોઈએ એવી વાતો સમજવા માટે માત્ર મારી પોતાની જાગૃતિ જ બહુ છે. ધારો કે મને ક્રોધ આવે છે, તો મને એવું લાગે કે થાય કે વાહ!, વાહ! ક્રોધ આવ્યો! એ હજુ થોડી વાર રહે તો કેવું સારું, અડધો કલાક, એક કલાક મારી અંદર ક્રોધ રહેવો જોઈએ? આવું થાય છે? મને જયારે ગુસ્સો આવે છે તો શું હું કમ્ફર્ટ, ઇઝીનેસ ફીલ કરું છું? તો આવી સાદી વાતો પરથી કહી શકાય કે મારે ગુસ્સો ક્રોધ નહીં કરવાનો. એવી જ રીતે ચિંતાને માટે પણ – મને એવું નથી લાગતું કે મારી ચિંતા લાંબો વખત રહે, કારણ હું ચિંતામાં કમ્ફર્ટેબલ નથી રહી શકતો, ત્યારે મારી બેચેની વધી જાય છે… જયારે, આવી વાતો સામે પ્રેમની, કરુણાની, ક્ષમાની લાગણીની વાત જુદી જ છે. એમાં પણ શુદ્ધ પ્રેમ છે, સાત્ત્વિક પ્રેમ છે, કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ છે આવો ભાવ જે સ્થિતમાં મને લઇ જાય છે ત્યારે એમ જ થાય છે કે મારે આ સ્થિતમાંજ રહેવું જોઈએ, એ પ્રેમની સ્થિતિ કાયમ રહેવી જોઈએ… તો આવી લાગણીઓની પણ એક જુદી જ હાર્મની, સુસંવાદિતા હોય છે.

એટલે, જે વાત જે ક્રિયા મને આનંદ તરફ લઇ જાય, મારા મનને શાંત કરે એ વિધેયાત્મક અભ્યાસ છે. એનાથી વિરુદ્ધ, મને જે વાત આનંદથી દૂર લઇ જાય, સ્હેજ પણ દૂર લઇ જાય, તો મારી અંદર સ્ટ્રેસ વધશે, અને આનંદથી જેટલું વધારે દૂર જઈશ તેટલું વધારે સ્ટ્રેસ હશે, આ નિષેધાત્મક વાત છે.

આયુર્વેદની ભાષામાં આવી નિષેધાત્મકતાના મૂળને “પ્રજ્ઞા અપરાધ” કહે છે, માણસનો પહેલો અપરાધ શું થયો કે એ નિજને ભૂલ્યો, નિજમાં જે પરમ સુખ છે એ સુખને એ નથી સમજતો. અને કુદરતી રીતે માણસ સુખને મેળવ્યા વગર તો રહેવાનો નથી, કે નથી આનંદ વગર રહેવાનો… અને જો કોઈ કારણવશ એણે સુખ કે આનંદ વગર રહેવાનું આવશે તો એનું હૃદય એ બંને માટે સતત પ્રયત્ન કરતું જ રહેશે, એ આનંદ, સુખની શોધમાં બહાર દોડતો જ રહેશે. અને જો માણસ એ સાચા સુખ, આનંદ માટે સાચી દિશામાં નહીં દોડશે તો પછી એ ઇન્દ્રિયો લઇ જાય એ દિશામાં દોડશે, ઐન્દ્રિક સુખ તરફ દોડશે, અને પછી એને એવું પણ કયારે’ક થશે કે આપણે થોડી ભૂલ કરી, બે ડગલા આગળ નીકળી ગયા.

ઐન્દ્રિક સુખની દિશામાં પછી એ જીભમાં સુખ શોધશે, જોશે, આંખ દ્વારા વિવિધ ચિત્રો-દ્રશ્યોમાં સુખ જોશે, મધુર કે પછી ઘોંઘાટવાળા ગીત-સંગીતમાં શોધશે, અન્ય ઇન્દ્રિયોમાં સેન્સીસમાં સુખ જોશે… તો, આમ ઐન્દ્રિક સુખની દિશામાં જેમ-જેમ આગળ વધતો જઈશ તેમ-તેમ હું મારા કેન્દ્રથી, મારા નિજથી દૂર થતો જઈશ અને તેમ-તેમ મારી અંદર એક પ્રકારનો અસંતોષ, અજંપો અસંતુલન અને એક પ્રકારની અકથ્ય એવી બેચેની, અવ્યવસ્થા ઉભી થશે.

આજે આપણે જોઈએ છીએ કે જે સભ્યતામાં, જે દેશોમાં, જે સમાજમાં ભૌતિક અને ઐન્દ્રિક સુખોના ખૂબ સાધનો છે, ટેક્નો-ગેજેટ્સ વધ્યા છે એ સમાજમાં સ્ટ્રેસનું પ્રમાણ પણ એટલું જ વધારે છે.

{http://www.nationalpeening.com/technology

Technology, despite its advantages, can interfere in a teen’s life in ways that bring considerable amounts of stress. http://oureverydaylife.com/technology-increase-teen-stress-14542.html

http://www.mentalhealthy.co.uk/news/568-overwhelming-technology-disrupting-life-and-causing-stress-new-study-shows.html   

If there’s one thing that every person in the modern world experiences, it’s stress. Several years’ worth of findings show that young adults between 18 and 35 report significantly high levels of stress compared to other age brackets. Could technology be a factor? Why does technology designed to make our lives easier only seem to make it more stressful?

http://strategicpsychology.com.au/why-are-we-so-stressed-the-tech-factor/ }

તમે જંગલમાં જાવ, ઓછામાં ઓછી વસ્તુઓ સાથે માણસ જીવતો હોય છે, કે પછી મધ્યમ કે એથી નીચેના સ્તરના સમાજમાં જાવ તો ત્યાં જોશો કે એ લોકોને સાઈકિયાટ્રિસ્ટની જરૂર નથી પડતી. હું જ્યાં રહું છે એ આશ્રમની આજુબાજુમાં જોઉં છું કે ત્યાં ખેતરોમાં માણસો આખો દિવસ કામ કરે, રાત્રે રાત્રિભોજન કરે, પછી એકાદ-બે કલાક ભજન, કે ગીતો ગાય, કૂદે-નાચે અને સૂઈ જાય. એને જોઈતો આનંદ એને એના ગાવા-નાચવામાંથી મળી જાય છે, એને ભજન ગાવામાંથી મળે છે, કારણ એ નિજની થોડો નજીક છે, સ્વની નજીક છે, એને બીજું કોઈ વાજીન્ત્ર, ગેજેટ ના જોઈએ… જયારે શહેરોમાં આપણે આનંદ નિજથી દૂર જઈ ટેક્નોગેજેટ્સમાં શોધીએ છીએ, આપણને ડિવાઈસીસ, કમ્પ્યુટર વગર ચાલતું નથી, TV વગર ચાલતું નથી. હું જેટલો ઐન્દ્રિક સુખોમાં જતો જઈશ કે અટવાઈશ તેટલો સ્ટ્રેસ મારામાં વધશે, કેમ કે હું સેન્સીસ ઉપર ડિપેન્ડન્ટ છું, અને તેથી હું મારા નિજથી દૂર થઇ રહ્યો છું.

આવાં કારણોને લીધે હવેના સમાજમાં જે એક મોટી સમસ્યા ઉભી થઇ રહી છે એ છે સ્ટ્રેસની સમસ્યા. હમણાં જ એક ભાઈએ વાત કરી કે જે સમાજમાં હિતચિંતકો છે, ડોકટરો છે બુદ્ધિજીવીઓ છે એ લોકોનું કહેવું છે કે આવનારો જે સમય છે એમાં ૨૫-૪૦ વર્ષના લોકોને massive heart attack આવશે, આપણે એમ્બ્યુલેન્સ બોલાવશું, પણ એ આવે ત્યાં સુધીમાં તો શરીરમાં કશું જ નહીં હોય.

{ It’s official: millennials are the most stressed-out generation. While money may be the greatest source of stress, the health problems caused by this stress could lead to a negative cycle. People with serious health issues are more likely to report a “great deal of stress,” according to a study by the Robert Wood Johnson Foundation and Harvard School of Public health. http://www.businessinsider.in/Its-official-millennials-are-the-most-stressed-out-generation/articleshow/46150998.cms }

આપણા એક સાધક ભાઈ છે જે ઈ-માર્કેટિંગની કંપનીમાં કામ કરે છે; એની સાથે એનો ૨૮ વર્ષનો યુવાન મિત્ર પણ બેસતો. એક દિવસ અચાનક એના મિત્રને એટેક આવ્યો, હોસ્પિટલમાં લઇ ગયા, ડોકટરોએ કીધું “આમાં હવે કશું જ નથી.” પછી એ ડોકટર કહે, મારી પાસે છેલ્લા બે મહિનાની અંદર આવા પાંચ કેસો આવ્યા છે, કહેતા સંકોચ અને ડર બંને લાગે છે કેવી રીતે આવા યુવાનના માતા-પિતાને કહું કે એમનો યુવાન દીકરો/દીકરી મરી ગયા છે, એમાં કશું જ નથી? હિમ્મત નથી થતી મૃત યુવાનોના વાલી-માતા-પિતાને કહેતા… અને આ બધા’ય કેસોનું એક જ કારણ – સ્ટ્રેસ, બીજું કોઈ કારણ નથી, બસ સ્ટ્રેસ જ મુખ્ય કારણ છે.

આધુનિક યુવા વર્ગ માટે, સામાન્ય માણસને સુખ આપવા માટે બજારમાં સુવિધાઓ, લક્ઝરીના ગેજેટ્સ સાધનો કેટલા બધા વધી ગયા છે? તો પણ માણસના જીવનમાં સ્ટ્રેસ કેમ? કારણ કે સુખની શોધમાં એ નિજથી દૂર થઇ રહ્યા છે, અને ઐન્દ્રિય સુખ-સુવિધાના સાધનોની જાળમાં એ ફસાતો જ જાય છે, એ સુવિધાઓની જાળમાં એને એટલું બધું ગમે છે કે એ ત્યાંથી બહાર નીકળવાનું કોઈ દિવસ નથી વિચારતો કે નથી રોકાતો.

હમણાં જ હું એક શહેરમાં કોઈને ત્યાં રોકાયો હતો. વાત-વાતમાં એ ભાઈ કહે કે એક બહેન નજીકના એક આશ્રમમાં છેલ્લાં વીશેક વર્ષોથી રહેતા હશે. એમના પૂર્વાશ્રમના ભાઈઓને થોડા મોજ-શોખની ટેવ પડી ગઈ હશે, પૈસા ન્હોતા તો પણ જુનું મકાન તોડીને મોટું ત્રણ-ચાર માળનું મકાન બનાવી દીધું; ગાડી તો કે BMW લઇ આવ્યા. હવે એ ભાઈઓએ આશ્રમમાં રહેતી બહેનને દબાણ કરીને આશ્રમના કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી પચાસેક લાખ ઉછીના લઇ આવ્યા! એ આશ્રમના જે મુખ્ય બહેન હતા એમને પછીથી ખબર પડી કે એમણે અમારા નામે એવું કર્યું છે તેથી એમનાં બધાં સંબંધો બગડી ગયા. મુખ્ય બહેને ભાઈઓને કીધું કે તમે પૈસા પાછાં આપો, પૈસા તો ના આવ્યા, પણ પેલા બહેન (ભાઈઓના બહેન) રિસાઈને આશ્રમ છોડીને એમના ઘરે જ જતા રહ્યા… અને એમનું તો જીવન ખરાબ થઇ ગયું.

હવે એ ભાઈઓ પાસે પૈસા પરત ચુકવવાની ક્ષમતા તો હતી નહીં, અલગ-અલગ માણસો પાસેથી ઉધાર લીધે રાખે, દેવું કરતા જાય… હવે વિચાર કરો કે કોઈનું દેવું એક કરોડનું થઇ જાય તો એનું શું થાય? એટલી મોટી રકમ ક્યાંથી આવશે? આવા સંજોગોમાં લોકો શેર બજારના આકર્ષક, ટૂંકા રસ્તે જાય, અને એમાંથી ઘણું બધું અને જલ્દી મેળવવાની લાલચમાં ઘરમાં જે કાંઈ બચ્યું-કુચ્યું હોય તો એ પણ શેર બજારમાં નાંખતો જાય. માણસ દેવાદાર બનતો જાય, અને તેથી એની ઉંઘ હરામ થઇ જાય, સ્ટ્રેસ સહીત અન્ય વ્યાધિઓ થાય.

ચાર્વાક દર્શન મુજબ ऋणं कृत्वा घृतं पिबेत्! કે ઋણ (ઉધાર, દેવું) કરીને પણ ઘી પી’ઓ, મોજ કરો! હાલના પશ્ચિમી દેશોની જે ડેટ (debt)-બેસ્ડ જીવન વ્યવસ્થા ઉભી થઇ છે એ પણ ચાર્વાક દર્શન જેવી જ છે કે જેમાં દરેક માણસે મોજ કરવી છે જેને માટે પૈસા જોઈએ, પૈસા ઉધાર લે છે તેથી તે દેવામાં જ છે; એની દરેક વસ્તુ દેવાના આધારે જ હોય છે, ઘર તો બેંક પાસેથી વ્યાજે પૈસા લઈને લીધું હોય, ગાડી પણ આવી જ રીતે દેવાથી આવી હોય… માથે દેવું હોય તેથી એ માણસ હંમેશા સ્ટ્રેસમાં જ જીવતો હોય છે. તમારે કોઈ પશ્ચિમના દેશમાં જવાનું થયું હોય અને જોયું હોય કે મહદંશે દરેક માણસ પાસે આમ તો પૈસા સારા એવા હોય તો પણ એક-એક ડોલરની ગણતરી કરે…અને ભારતમાં આપણે ઘણીવાર રૂ.૫૦-૧૦૦ની પણ ગણતરી નથી કરતા. તો, પરદેશમાં માણસોની આવી માનસિકતા કેમ? કારણ કે એને માથે મોટું દેવું છે, જે એણે ચુકવવાનું છે. તો, ત્યાંની સીસ્ટમ જ એવી છે કે ત્યાં માણસ સુખ-શાંતિથી નહીં જીવી શકે એ સતત સ્ટ્રેસમાં જ જીવતો હશે.

આધુનિક જીવનમાં સુખ એટલે ઐન્દ્રિય સુખ – TV, મ્યુઝિક સિસ્ટમ, સારા કપડાં, મોબાઈલ ફોન, ગાડી…અને આવું સુખ તો બધાંને જ જોઈએ– મજૂરને જોઈએ, શેઠ-શાહુકારને જોઈએ, વ્યાપારીને, ફેક્ટરીવાળાને જોઈએ, વૈજ્ઞાનિકને જોઈએ, વિદ્યાર્થીને પણ સુખ જોઈએ… અને ઐન્દ્રિય સુખ મેળવવાનું સૌથી મહત્ત્વનું સાધન એટલે પૈસા. બસ, તો પછી દરેકે-દરેક વર્ગના લોકો દોડે જ જાય પૈસાની પાછળ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ, बाप बड़ा न भैया सब से बड़ा रुपैया. It’s a Mad, Mad, Mad, Mad World! (૧૯૬૩ની અમેરિકન કોમેડી ફિલ્મ).

પાશ્ચાત્ય જીવન અને સમાજ વ્યવસ્થા જ એવી છે કે માણસ એ વ્યવસ્થાના મસમોટા મશીનનો જાણે એક નાનો અમથો સ્ક્રૂ! એ સંસ્કૃતિમાં દરેકે-દરેક માણસે ગમે ત્યાંથી પૈસા ઉભા કરવાના જ અને એ ઇકોનોમિક-મશીનને ચાલુ રાખવાના પ્રયત્નોમાં સામેલ રહેવાનું. તેથી ત્યાંના માણસને પૈસા સિવાય બીજું કશું સુઝશે નહીં, એનું જીવન-ચક્ર (વિષ-ચક્ર) જ એવું ઉભું થઇ જશે કે ક્યાંથી પૈસા મળે, એમાંથી એ નીકળી જ નહીં શકે. ત્યાં, માણસ જાણે પૈસા બનાવવાનું સાધન! પરિવારમાં બે જણ કામ કરે, માનો કે એક લાખ ડોલર પણ કમાય, તો ૫૦,૦૦૦ તો બેંક-લોનના હપ્તા-ઇન્સ્ટોલમેન્ટ અને બાળકોની ફી માટે, બચે એમાંથી માંડ ઘર ચાલે.

વૈદિક સંસ્કૃતિમાં પૈસા-ધનનું પણ મહત્ત્વ હતું જ, એને નિગ્લેક્ટ ન્હોતું કર્યું, પરંતુ એ જીવન શૈલી અને સમાજ વ્યવસ્થામાં પૈસાની ચિંતા માત્ર વૈશ્ય જ કરતો; બ્રાહ્મણ પૈસાની ચિંતા ન્હોતો કરતો, ઉલ્ટાનું બ્રાહ્મણ તો પૈસાથી ગભરાતા કારણ કે એણે તો વિદ્યાધ્યયન કરવાનું હોય, એવી જ રીતે સંન્યાસી પણ પૈસાથી ગભરાતા.

હું આજના બ્રાહ્મણો કે સંન્યાસીઓની વાત નથી કરતો, પણ જે સીસ્ટમ પહેલાં હતી એની વાત કરું છું. એ વૈદિક સંસ્કૃતિ આવા અદ્વિતીય વિચારો અને મુલ્યોના આધારે ઉભી થઇ હતી, અને એ જ સંસ્કૃતિએ આપણા દેશને હજારો-લાખો વર્ષોથી ઉચ્ચતમ સ્થાનમાં રાખ્યો છે, અને જે સિસ્ટમ આજે પણ જીવંત છે એ સિસ્ટમની વાત કરું છું, કે જેમાં બ્રાહ્મણને પૈસાની ચિંતા નો`હતી, અને એ પૈસાથી દૂર ભાગતા.

રામકૃષ્ણની બાબતમાં તો એવું કહેવાય છે કે એ પૈસાને અડકી પણ ન્હોતા શકતા. કહેવાય છે કે તેઓ એક વખત  પથારીમાં સુવા ગયા, તો એમનું શરીર અક્કડ થવા લાગ્યું. બધાં વિચારમાં પડી ગયા કે થયું શું? એમને ઉઠાડ્યા, પથારીમાં જોયું તો કાંઈ કઠણ જેવું લાગ્યું, અને એ લોકોએ પથારી ખંખેરવા લાગ્યાં તો એમાંથી એક સિક્કો નીકળીને નીચે પડ્યો. રામકૃષ્ણની નજર પડીકે સિક્કો પડ્યો, એટલે વિવેકાનંદ રૂમમાંથી બહાર નીકળી ગયા. રામકૃષ્ણ સમજી ગયા કે એણે જ મારી પરીક્ષા લેવા માટે મારી પથારીમાં આવો સિક્કો મૂકી દીધેલો. પછી કહ્યું, “આ કામિની-કાંચનથી દૂર રહો, દૂર રહો”. તો આવી સ્થિતિ હતી કે રામકૃષ્ણ એક સિક્કાને અડકી પણ ન્હોતા શકતા… અને આજે? રામકૃષ્ણના માત્ર સ્મરણથી હજારો લોકો ઘરબાર છોડીને અને સમાજની સેવામાં લાગેલા છે, રામકૃષ્ણના સ્મરણ માત્રથી!

તો, એ વર્ગ પૈસાથી દૂર ભાગતો. કૈયટ-નામે સંસ્કૃતના એક પ્રકાંડ વિદ્વાન હતા. એ જે રાજ્યમાં રહેતા હતા એ રાજ્યના રાજાને ત્યાં એક વખત બનારસથી થોડા વિદ્વાનો આવ્યા. બનારસ તો પહેલાથી જ વિદ્વાનોનું, શાસ્ત્રોના અંતિમ નિર્ણયો માટેનું ઉચ્ચતમ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) હતું. કોઈ પણ શાસ્ત્રમાં કોઈ નિર્ણય કરવાનો હોય તો અંતિમ નિર્ણય બનારસના વિદ્વાનોનો જ હોય. તો આવા વિદ્વાનો એક દિવસ એ રાજાને ત્યાં આવ્યા, રાજાએ એમનું બહુ સમ્માન કર્યું. પછી, એ લોકોએ રાજાને કહ્યું, “અમારે કૈયટને મળવું છે.” રાજાએ પૂછ્યું “કોણ કૈયટ? હું તો નથી જાણતો.” વિદ્વાનો ગુસ્સે થયા, કીધું, “તમે કેવા રાજા છો? તમારા જ રાજ્યમાં આટલા મોટા વિદ્વાન છે, અને તમે એમને જાણતા પણ નથી?”

રાજાએ તપાસ કરી, તો ખબર પડી કે કૈયટ તો ગામની બહાર નાની ઝુપડીમાં રહેતા હતા, આજીવિકા માટેનો કોઈ સ્રોત ન્હોતો, એમના પત્ની નજીકના જંગલમાં જઈ લાકડા કાપી લાવી, વેચી જે પૈસા મળે એમાંથી ઘર ચલાવતા. રાજા તો ગયા કૈયટને ઘરે, ત્યાં જોયું તો કૈયટ કશું’ક લખતા હતા. રાજા બારણામાં શાંતિથી ઉભા રહ્યા. જયારે કૈયટની નજર પડી તો એમણે પ્રશ્નાર્થ નજરે રાજા સામે જોયું. રાજાએ કીધું, “હું અહીંનો રાજા છું, મને કોઈ સેવાની તક આપો.” કૈયટે કીધું, “હું જે ગ્રંથ લખું છું એમાં મને વિક્ષેપ પડે છે, તમે અત્યારે અહીંથી જાવ.”

જે બ્રાહ્મણ પાસે ખાવા માટે કશું નથી, એ બ્રાહ્મણને એવો વિચાર નથી આવતો કે પૈસા વગર મારું નહીં ચાલે. એવી જ રીતે એ સંસ્કૃતિએ એવું પ્રતિષ્ઠાપિત કર્યું હતું કે જે સેવા કરે છે એને પણ પૈસાની બહુ પડી ના હોય. આમ બ્રાહ્મણને પૈસાની નથી પડી, શૂદ્રને પણ પૈસાની નથી પડી, અને ક્ષત્રિય જે રાજા હોય, એણે તો કોઈ વેપાર કરવાનો નથી.  તો જે વ્યક્તિ વેપાર કરતી હોય જે પ્રજા વેપારી હોય એને માટે સમાજમાં આ દાખલો હોય, એ પ્રજા સંન્યાસીને જો’તી હોય અને વિચારે કે એની પાસે કશું જ નથી, તો પણ એમના ચહેરા ઉપર કેટલું તેજ છે, એમની અંદર કેવી શાંતિ છે… તો જોનાર વિચારે, એને જીજ્ઞાસા ઉભી થતી કે એમને કેવી, કેટલી શાંતિ હશે, મારે પણ આવો અનુભવ લેવો જોઈએ.’ તો, પરદેશમાં તો કેટલા બધા પૈસા છે, ત્યાં પૈસાની રેલમછેલ છે, તો પણ લોકોને સુખ નથી, કે નથી શાંતિ.

બુદ્ધને જયારે વૈરાગ્ય આવ્યો તો એ સ્થિતિ માટે એમણે પહેલાં જે દૃશ્યો જોયેલા એ એમના વૈરાગ્ય માટે કારણભૂત થયા હતા. કહેવાય છે કે તેમણે વારાફરથી એક વૃદ્ધને જોયો, પછી એક બિમારને, ત્યાર બાદ એક મડદાને પણ જોયું, અને એક સંન્યાસીને પણ જોયા! તો, બુદ્ધ તો સંન્યાસીની પર્સનાલિટીથી પ્રભાવિત થયા, એમને થયું કે એમના ચહેરા ઉપર કેટલું તેજ છે, એમને કેટલી શાંતિ છે? એમણે સારથીને પૂછ્યું કે આ કોણ છે? સારથીએ જણાવ્યું કે “એ સંન્યાસી છે, એમણે બધાનો ત્યાગ કર્યો છે.” તો ત્યારે એક રાજાને જીજ્ઞાસા થઇ કે હું આ સત્યને જાણવા માટે મથીશ, પ્રયત્ન કરીશ.” બસ, એ રાજા માટે પછી પૈસા, ધન, વૈભવ કશું પણ સર્વોપરી ના રહ્યું.

આપણા ભારતમાં આવું હતું. આજે, આજની વ્યવસ્થામાં મને એવો કોઈ દાખલો મળતો જ નથી, દેખાતો જ નથી. સંન્યાસી સામાન્ય માણસ કરતાં વધુ સુરક્ષિત છે, આપણે જોઈએ છીએ કે સુરક્ષા માટે એમની પાસે મકાન છે… મને તો એવો સાચો દાખલો જોઈએ કે જે એવું વિચારી જીવે છે કે મને પૈસા વગર પણ સુખ મળશે. એવો જીવતો, જાગતો દાખલો આજે ક્યાં દેખાય છે?

આજે બધા’યની દોટ પૈસા પાછળ છે, બજારમાં ઇન્દ્રિયો વિષયક સુખ, લકઝરીના સાધનો વધી રહ્યાં છે અને ધીમે-ધીમે, જેમ-જેમ હું એ બધાં તરફ આકર્ષાઉં છું, તેમ-તેમ ઇન્દ્રિયો તરફની મારી આકાંક્ષા વધશે. તો, આ આકાંક્ષા જેટલી વધારે, તેટલો વધારે હું સ્ટ્રેસમાં ગરકાવ થતો જઈશ, અને પછી એમાંથી બહાર નીકળવા માટે મારે ચરસ-ગાંજા,ડ્રગ્સનો સહારો લેવો પડશે, પછી તો હું એ ડ્રગ્સનો પણ એડિક્ટ થઇ જાઉં, એના સિવાય સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય કે માર્ગ નથી રહેતો. વધતા સ્ટ્રેસને લીધે પછી એ દેશોમાં ડ્રગ્સના એડિક્સનની સમસ્યા પણ ખૂબ વધી છે, પણ ડ્રગ્સની સમસ્યા ગરીબ દેશોમાં એટલી નથી, કારણ કે તવંગર લોકો નિજથી, સ્વથી દૂર થઇ રહ્યા છે.

તો, વૈદિક સંસ્કૃતિમાં આપણે જોઈશું તો સમજાશે કે પૈસાની, અર્થની વાત એક જ વર્ગના લોકો માટે હતી, વૈશ્યો માટે, બીજા ત્રણ વર્ગના લોકો માટે પૈસાનું મહત્ત્વ ન્હોતું. બ્રાહ્મણે તો શાસ્ત્રોનું અધ્યયન કરવાનું વિદ્યાધ્યયન કરવાનું, અને મફતમાં જ્ઞાન આપવાનું, ભણાવવાનું, દાનનું જે મળે એ લઇ ખાવું અને જીવવાનું. ક્ષત્રિયો પાસે દેશના સુદ્રઢ એડમિનીસ્ટ્રેશનની જવાબદારી હતી, વેપાર ન્હોતો. એટલે આપણે ત્યાં કહેવત છે કે ‘જ્યાંનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી.’

આજે તો જ્યાં જોઈએ ત્યાં બધે જ વેપારીઓ છે, બધાં જ વેપાર-વેપાર રમે છે! આજે તો કયા મંત્રી પાસે કયુ ખાતું છે એ જોવાય છે… બધે બધા વેપાર જ કરે છે! તો, એ સિસ્ટમમાં બીજા લોકો ભિખારી જ રહેવાના છે. એટલે, વૈદિક સંસ્કૃતિમાં રાજાઓ પાસે (આજના પોલિટીશિયનો) કોઈ વેપાર, પૈસાને લાગતું ખાતું જ ન્હોતું. રાજાના રાજ્યનો કારભાર તો એને મળતાં રેવેન્યુમાંથી થતો, એમાંથી એ એનું ગુજરાન ચલાવતા. અને એવા પણ રજાઓ હતા જે વ્યક્તિગત રીતે જાતે મહેનત કરીને રાજ્યનો કારભાર ચલાવતા હતા, રાજ્યની તિજોરીમાંથી એ પોતાને માટે કશું પણ ન્હોતા લે’તા.

મારી પાસે તો જાત-જાતના લોકો આવે, એ બધામાં એક બિલ્ડર પણ છે જે થોડો પરિચિત છે. તમે તો જાણો છો કે બિલ્ડર જરા પણ મોટો થાય કે એ ગેંગ્સની નજરમાં આવી જ જાય. માફિયા લોકોની નજરમાં એ બિલ્ડર આવી જાય, અને પછી તો કામ કરવું અઘરું થઇ પડે. આ બિલ્ડરે એક દિવસ કીધું કે “માફિયા ટોળકીથી મને કામ કરવામાં મુશ્કેલી થવા લાગી, તો મેં ત્યાંના પોલિટીશિયનને એક-બે પ્રોજેક્ટમાં પાર્ટનરશિપ આપી દીધી, ધીમે-ધીમે માફિયાનો પ્રોબ્લેમ ખતમ!”

આજે તો રાજા-પોલિટીશિયનો વેપારી તો થઇ ગયા જ છે, માફિયા પણ થઇ ગયા છે. રાજા વેપારી, રાજા જ ગુંડો પણ…! આવી સિસ્ટમ આપણે ત્યાં પણ છે, પાર્લિયામેન્ટમાં જોઈએ છીએ કે બધા બૂમાબૂમ કરે છે કે ત્યાં અપરાધીઓ જ વધતા જાય છે, તો આવી સિસ્ટમ કાંઈ લાંબુ નહીં ચાલી શકે.

વૈદિક સંસ્કૃતિમાં રાજાની પાસે એનો પ્રેરણાસ્રોત એના ગુરુ હતા. બ્રાહ્મણ માટે જ્ઞાન અને ભક્તિ બે મુખ્ય આદર્શ, અને તેથી બ્રાહ્મણનું બળ એનું જ્ઞાન છે, બ્રહ્મવિદ્યા છે જે બળ રાજાને પણ માન્ય હોય, કારણ રાજાને ખબર હોય છે કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન અર્થ કરતા અધિક મોટું, મહત્ત્વનું અને ‘બલિષ્ઠ’ છે.

આજની સિસ્ટમમાં તો પૈસા જ મહત્ત્વના છે, બીજું કશું જ નહીં. પશ્ચિમના દેશોમાં તો જેનું બેંકની લોનનું દેવું વધારે એની ત્યાં ક્રેડિટ વધારે, ત્યાં રોકડ રકમની ખાસ વેલ્યુ નહીં, તેથી, જેની પાસે રોકડ રકમ હોય, અને તેથી દેવું કર્યું ના હોય તો એની ક્રેડીટ નથી, અને જેની ક્રેડીટ ના હોય, એનો ક્રેડીટ રેકોર્ડ ના હોય અને જયારે ક્યારે એને બેંક લોનની જરૂર પડે તો બેંક એને લોન ના આપે. તો એ સીસ્ટમમાં આવું છે – કમાઓ, ખર્ચો કરો, લોન લો, દેવું કરો, ક્રેડીટ વધારો, ફરી લોન લો…

વૈદિક સિસ્ટમમાં માણસના જીવનનું લક્ષ્ય હતું મોક્ષ! મોક્ષ મેળવવો એ લોકો માટે સૌથો મોટું આદર્શ હતું અને ઘણે અંશે આજે પણ છે. તો જે વ્યક્તિએ મોક્ષ માટે, આત્મા માટે, સત્ય માટે, નિજ માટે, નિજની શોધ માટે સર્વ ત્યાગ કર્યો છે, એ આદર્શ સૌથી શ્રેષ્ઠ આદર્શ! એ સમાજે આવી વ્યક્તિને સૌથી ઉપર બેસાડ્યા છે, અને એટલે જ એ સમાજ, એ સંસ્કૃતિ હજારો વર્ષો સુધી સ્ટેબલ રહી શકી હતી, અને આ સિસ્ટમને અનુસરવાથી આ દેશ લાખો વર્ષો સુધી સર્વાઈવ પણ થઇ શક્યો છે.

મહદંશે સ્ટ્રેસ-ગ્રસિત આજની માનવ જાતિને જો સુખ અને શાંતિની દિશામાં લઇ જવી હશે તો વૈદિક સંસ્કૃતિના પાયાના સનાતન નિયમો અને સૂત્રો જે છે એ બધા આજના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે પ્રેક્ટિકલી એપ્લીકેબલ થઇ શકે એ વિશેની વાતો આપણે આગળની ચર્ચાઓમાં કરીશું.