આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખામાં સમૃદ્ધ અને વૈભવશાળી હતી, અને એ પણ માત્ર ત્રણ-ચાર સૈકાઓ સુધી નહિ પણ હજારો વર્ષો સુધી! આવી અદ્ભૂત સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. આ વિષયની ચર્ચામાં આપણે એ પણ સમજ્યા હતાં કે કોઈ પણ સંસ્કૃતિ અને એની સભ્યતાનું મૂળ એની શિક્ષણ વ્યવસ્થા હોય છે. આપણે ત્યાં પહેલા ગુરુકુલ પદ્ધતિની શિક્ષણ વ્યવસ્થા હતી જેના ઘણા પાસાઓ એવા છે જેને કારણે એ શિક્ષણ વ્યવસ્થા અને આખા સમાજ બંનેને એક ઉચ્ચ કક્ષાએ, લઇ ગયા હતાં. આ ગુરુકુલ વ્યવસ્થામાં શિક્ષણ નિ:શુલ્ક હતું જેને આધારે એ સમયનો આપણો સમાજ, આપણી સભ્યતા ઉત્કૃષ્ટ કહી શકાય એવી હતી જેની સુવાસ વિશ્વભરમાં ફેલાઈ શકી હતી.
આ વિષયમાં આપણે એ પણ જોયું કે શિક્ષણ જો શુલ્ક લઈને આપવામાં આવે છે તો પછી એ શુલ્કની માત્રા એ શિક્ષણ આપનારની સુવિધા અને ઈચ્છા મુજબ વધતી જાય છે, જેને કારણે પછી આવું શિક્ષણ વિદ્યાર્થી અને એમના વાલીઓમાટે એટલું મોંઘુ થઇ જાય છે કે પછી વિદ્યાર્થીએ કે વાલીઓએ ફી-માટે ઉધારી કે પછી લોન પણ લેવી પડે છે. હવે જેના પૈસા ભર્યા હોય એ તો પાછા મેળવવા જ જોઈએ, તેથી આવી શિક્ષણ વ્યવસ્થાના જ વિદ્યાર્થીઓ પછી સમાજના જે-તે ક્ષેત્રોમાં જઈને પછી એમણે ભરેલી ફી-ની યેન-કેન-પ્રકારેણ વસૂલ કરવાની વૃત્તિથી કામ કરશે.
વૈશ્યો પોતાના બધાં જ કામોને વેપાર-ધંધો કહે અને એ દરેકમાંથી નફો મેળવવાનો જ વિચાર કરે. હવે શુલ્ક ચૂકવીને ભણીને તૈયાર થયેલો વિદ્યાર્થી જયારે પોતાનું ભણતર, શિક્ષણ લઈને સમાજમાં આવે છે ત્યારે એ પણ વૈશ્ય-વૃત્તિ લઈને જ આવે છે; શિક્ષણ માટે મોટા દામ ચૂકવ્યા હોય તો એ પાછા મેળવવાની તજવીજ પણ એ પ્રમાણે કરવી પડે. એટેલ પછી સમાજમાં દરેક તંત્ર, દરેક ભાગના લોકો વેપારી વૃત્તિ સાથે જ ઉભા હોય, અને વેપારી તો વેપારી, એ કોઈ દિવસ ખોટ ના કરે, એને તો બધાંમાંથી બસ પ્રોફિટ જ જોઈએ. બધાં’યની ભાષાનું એક જ કેન્દ્રબિંદુ – ફાયદો ક્યાં છે, કેટલો છે? તો આવા લોકોનો સમાજ એટલે પછી લોભીયાનો જ સમાજ, જેમાં કોઈના ઉપર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, કહો કે કોઈના ઉપર વિશ્વાસ ના કરી શકીએ.
પશ્ચિમના દેશોની જેમ આપણે ત્યાં પણ હવે જયારે શિક્ષણ-ક્ષેત્ર પણ એક નફાકારક ઇન્ડસ્ટ્રી બની ગયું છે, તો એમાંથી ડોકટરો પણ આવતા હોય, અને એની પણ માનસિકતા તો વેપારીની જ હોય. તેથી, આપણે હવે ડોકટરો ઉપર પણ વિશ્વાસ ના કરી શકીએ, એ સાચી સલાહ આપશે એવું ના કહી શકાય. આવું તો હવે દરેકે-દરેક ક્ષેત્રમાં થઇ ગયું છે. આપણને લાગે કે બધે બધાં લાગ જોઇને બસ લેવા જ બેઠા છે. આવા સમાજમાં કોઈ દિવસ માણસને શાંતિ નથી મળવાની, અને જો એને શાંતિ નથી તો પછી એ આધ્યાત્મનો વિચાર નથી કરી શકવાનો કે ના તો એ માર્ગમાં આગળ ગતિ કરી શકવાનો.
મનુષ્યના જીવનમાં અર્થનું મહત્ત્વ તો છે, પરંતુ, એની સાથે અધ્યાત્મનું મહત્ત્વ વધુ છે એ સમજીને જ આપણા ઋષિઓએ આપણી શિક્ષણ વ્યવસ્થા નિ:શુલ્ક જ રાખેલી, કોઈ શુલ્ક નહીં. આજે પશ્ચિમમાં ભૌતિકતા વચ્ચે પણ એવા દેશો છે કે જ્યાં એજ્યુકેશન ફ્રી કરી દેવાયું છે – આગળ જણાવ્યું હતું તેમ, જર્મની, નોર્વે, સ્વિડન,ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, શેઝ રિપબ્લિક, ફ્રાંસ, બેલ્જિયમ, ગ્રીસ, સ્પેનમાં વિવિધ સ્તરો સુધી શિક્ષણ ફ્રી કરી દેવાયું છે[1].
તો, આપણે કે આપણા રાજકારણીઓ ધારે તો યુનિવર્સિટી સુધી એજ્યુકેશન ફ્રી થઇ શકે છે, તેમ છતાં પશ્ચિમના દેશોમાં જે સ્કુલ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક કરી દે’વામાં આવ્યું છે એ શિક્ષણ અને આપણે ત્યાંના ગુરુફુલના શિક્ષણ અને બધી શિક્ષણ વ્યવસ્થામાં ઘણો ફેર છે. પશ્ચિમી દેશોમાં આ સુવિધા ટેક્સ પેયર્સ ઉપર ચાલે છે, ત્યાં એ દેશના લોકો જે ટેક્સ ભરે છે એમાંથી સરકાર અમુક ટકા શિક્ષણ માટે ફાળવી ત્યાંનું શિક્ષણ (અમુક સ્તર સુધીનું) નિ:શુલ્ક કરે છે.
આપણે ત્યાં આવું ન્હોતું, આપણે ત્યાં પહેલાંની શિક્ષણ વ્યવસ્થામાં શિષ્યો માટે માધુકરીની વ્યવસ્થા હતી, ભિક્ષાની વ્યવસ્થા હતી જેની વાત આપણે આગળ કરીશું, એ પહેલાં આ સંદર્ભને લગતી મારી એક વાત કરું. પહેલા હું એવું વિચારતો હતો કે મને બીજાના વિચારો ના જોઈએ, મને વિચારો મારી અંદરથી સ્ફુરવા જોઈએ. મારા એ સાધનાકાળમાં મને અંદરથી બહુ વ્યથા હતી કે મને કોઈ અનુભવ નથી થઇ રહ્યો, કોઈ અનુભૂતિ નથી થઇ રહી. તો, એક દિવસ મારા એક સંન્યાસી મિત્રએ મને કીધું કે તું ઉપનિષદ વિગેરે વાંચ, મેં કીધું, “ના, હું કશું વાંચીશ નહીં, હું તો શોધ જ કરીશ, આંતરશોધ કરીશ, મારે કોઈનું એઠું ના જોઈએ, ઉપનિષદો મારી અંદરથી પ્રકટ થવા જોઈએ.” સાધના કાળમાં હું અનુભવોથી પસાર થયો અને ત્યાર પછી મેં ઉપનિષદો વિગેરેનું અધ્યયન શરુ કર્યું. જેમ-જેમ અધ્યયન કરતો ગયો અને એમાંથી મને જે થોડી ઘણી વાતો સમજાઈ તેનાથી મારું મસ્તક એ ઋષિઓ માટે નમતું જ ગયું, નમતું જ ગયું. મને એટલી વાત સમજાઈ કે એ લોકોની વ્યવસ્થામાં, એ લોકોના દર્શનમાં, એ લોકોના જ્ઞાનની કોઈ વાતો જો આપણને ના સમજાતી હોય તો આ વાત બરાબર નથી, આ ખોટું છે એવું કહેવાની ઉતાવળ નહીં કરવાની; પરંતુ, એમાં કહેલી વાતો ઉપર સાંગોપાંગ, એટલે દરેક પાસાઓથી વિચારવાનું, દરેક ડાઈમેનશનથી વિચારવાનું, ક્યાં’ક એ વાતોને સમજવામાં આપણી કોઈ ઉણપ હશે તેથી એ વાતો આપણે કદાચ ના સમજી શકતા હોઈએ.
એટલે, એ સમયની આપણી શિક્ષણ વ્યવસ્થામાં શિષ્યો માટે જે માધુકરીની, ભિક્ષાની વ્યવસ્થા રાખી હતી એ એટલી સરસ અને મહત્ત્વની હતી જેને કારણે એ વ્યવસ્થા આપણે ત્યાં હજારો-લાખો વર્ષોથી સર્વાઈવ કરી શકી હતી, આજે પણ એ વ્યવસ્થા થોડે-ઘણે અંશે હશે. આ વ્યવસ્થાએ જ આપણને અધ્યાત્મિક અને ભૌતિક જગત બંને જગતનું દિવ્ય જ્ઞાન આપ્યું છે. આજે ભારત પાસે જે જ્ઞાનનો અમૂલ્ય વારસો છે એ બધો આ ભિક્ષા-માધુકરી આધારિત નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થા પણ એક કારણ છે.
ભારતના દિવ્ય જ્ઞાન વિશે તમારે જાણવું હોય તો તમે ગૂગલ અથવા યુ-ટ્યુબ ઉપર જઈને સર્ચ બોક્સમાં માત્ર એટલું જ લખો – ancient India – અને સર્ચ કરો, આ પુરાતન જ્ઞાન વિશે તમને લાખોના હિસાબે માહિતી મળશે; ત્યાર પછી વિષય-વાર પણ સર્ચ કરો, મેથમેટિક્સ ઇન એનશિયન્ટ ઇન્ડિયા, તમને માહિતીનો ભંડાર મળશે; ancient India એરોનોટિક્સ, ancient India સાયન્સ, ancient India હેલ્થ… આમ, ancient India વિશેના કોઈ પણ વિષય માટે સર્ચ કરો અને જો ધ્યાનપૂર્વક વાંચશો તો એ બધાં અગાધ, દિવ્ય જ્ઞાન આગળ તમને આજનું વિજ્ઞાન વામણુ લાગશે.
મેં એક નાની વાત કરી હતી દિલ્લીના કુતુબ મીનારના સ્તંભ વિશે. લગભગ ૮૦૦ વર્ષો પહેલા બનાવાયેલો આ ૨૪૦ ફૂટ ઉંચો મિનારો આટલા બધાં વર્ષોથી ખુલ્લામાં જ છે તે છતાં એના ઉપર ક્યાં’ય જરા સરખો પણ કાટ નથી લાગ્યો, અને તે પણ દિલ્લી જેવા શહેરમાં કે જ્યાં ચારે તરફ પોલ્યુશન છે. આવી અદ્ભૂત ટેકનોલોજી અને જ્ઞાન આપણી પાસે હતાં, અને એ પણ વિવિધ ક્ષેત્રોમાં. આવો જ બીજો એક સ્તંભ છે દક્ષિણ ભારતના એક ગામમાં જે કોઈ ટેક્નિશિયનોએ ન્હોતો ઉભો કર્યો, પણ ગામના સામાન્ય માણસોએ એ ઉભો કર્યો હતો. એક વખત એ ગામમાં શંકરાચાર્યજી પધારવાના હતા ત્યારે એમના સ્વાગત માટે ત્યાંના લોકોએ એ સ્તંભ ઉભો કરી દીધો હતો!! આજ સુધી એ સ્તંભ પણ એવો જ છે, એના ઉપર પણ કોઈ કાટ નથી લાગ્યો.
આવી અદ્ભુત વિદ્યા, જ્ઞાન, ટેકનોલોજી તો આપણે ત્યાં અગણિત કહી શકાય એટલી બધી હતી, ઘણી આજે પણ છે. તો આ બધી વાતોના પાયામાં શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
પહેલી વાત કે આ બધી અદ્ભુત વાતોના મૂળમાં છે આપણી શિક્ષણ વ્યવસ્થા જે નિ:શુલ્ક હતી. આની સામે જો શુલ્ક લઈને શિક્ષણ આપવામાં આવે છે અને પછી એ વ્યક્તિ પાસેથી સેવાની આશા રાખીએ તો એ એના પર અન્યાય કરીએ છીએ. આજે સમાજમાં એક મેડીકલ ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ લાખો રૂપિયા ખર્ચવા પડે છે, પછી એ ડોક્ટર થઈને સમાજમાં પ્રેક્ટિસ કરે છે ત્યારે એની પાસેથી સેવાની અપેક્ષા રાખીએ એ ખોટું છે. જો ડોક્ટર પાસેથી, વૈદ પાસેથી, વકિલ પાસેથી સાચે જ સેવાભાવની અપેક્ષા રાખો છો, તો એને સમાજે એ પ્રમાણેનું શિક્ષણ નિ:શુલ્ક આપવું જોઈતું હતું.
શિક્ષણ નિ:શુલ્ક કેમ હોવું જોઈએ? શિક્ષણ જો નિ:શુલ્ક મળે તો એ વિદ્યાર્થીને પછી સમાજ માટે કાંઇક કૃતજ્ઞતાનો ભાવ ઉત્પન્ન થશે. એ વિદ્યાર્થી વિચારશે કે સમાજે મને ભણાવ્યો છે, સમાજે મને ઉછેર્યો પણ છે તેથી મોટો થઇ હવે હું પણ સમાજ માટે કાંઈ કરું, હું સમાજને પાછું કાંઇક તો આપું, Giving back to the society, એના મનમાં આ પ્રમાણેનો એક અહોભાવ જાગશે. જ્યાં સુધી કોઈનું હૃદય અહોભાવથી નથી ભરાતું, ત્યાં સુધી એ એના મનની, અંતરની એવી જગ્યાએ નથી જઈ શકતો કે જ્યાં નિર્ભેળ આનંદ હોય, જ્યાં સાત્ત્વિક શાંતિ હોય. જે વ્યક્તિ મનના આ ઊંડાણ સુધી પ્હોંચી હોય એ પછી સમાજમાં એના ક્ષેત્રમાં નવી ઉંચાઈએ લઇ જાય છે. હું જો સંગીત શીખતો હોઉં, અને જો ગુરુ સારા, સાચા હોય તો મને મારા ગુરુ પ્રત્યે અહોભાવ જાગે, એમના પ્રત્યે મને આભારનો ભાવ હોય… તો આવું જ્યાં હોય ત્યારે જ હું મારા ક્ષેત્રમાં નવી ઉંચાઈને આંબી શકું.
The Secret પુસ્તિકાની સફળતાપછી લેખિકા Rhonda Byrne એ બીજી નાની પુસ્તિકા પણ લખી The Magic, જેમાં લેખિકા કહે છે કે તમે તમારા જીવનમાં ‘મેજીક’ લાવવા માંગો છો, તો તમે ભગવાનને ધન્યવાદ કહેતા શીખો; તમે ચાર-પાંચ એવી વસ્તુઓ શોધી કાઢો જે તમને થાય કે આ તો ભગવાને મારા માટે બહુ સારું કર્યું, જો ભગવાને કર્યું હોય તો તમે ભગવાનને ધન્યવાદ આપો. દરેકના જીવનમાં આવી કોઈ-ને-કોઈ બે-ચાર વાતો તો હશે જ કે જેને માટે કોઈને નહીં તો ભગવાનને થેન્ક્સ કહી શકીએ.
આભાર! ધન્યવાદ! થેન્ક્સ! જો તમે કહી શકો તો જરૂરથી કહેજો, તમારા જીવનમાં ખરેખર મેજીક થશે. આ શબ્દોમાં કૃતજ્ઞતાનો ભાવ છે. જો શિક્ષણ ફ્રી હશે તો વિદ્યાર્થીના મનમાં આ કૃતજ્ઞતાનો ભાવ આવશે જ. અમેરિકામાં અત્યારે એજ્યુકેશન ફ્રી છે, પણ એ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, સમાજથી નથી મળતું, એ તો ગવર્નમેન્ટથી મળે છે, અને મુખ્યત્વે તો ત્યાંના નાગરિક હોવાને કારણે એજ્યુકેશન પણ મેળવવું એ એનો હક્ક-રાઈટ છે એવો ભાવ આવે છે, કે એજ્યુકેશન મળવું એ મારો હક્ક છે. ત્યાં અમેરિકામાં એ સર્વસ્વીકૃત છે કે જે કોઈ ત્યાં જન્મ્યું હોય તો એ ત્યાનો નાગરિક બને છે, ‘હું એક સિવીલિયન તરીકે જન્મ્યો છું તો મારો એ બર્થ રાઈટ છે કે મને સરકાર સંભાળે, મને ખાવાનું આપે, દૂધ આપે, જરૂર પડે તો દવા પણ આપે, મને ભણાવે… આ બધાં મારા બર્થ રાઈટ છે.’
સરકાર દ્વારા ફ્રી એજ્યુકેશન આવે છે તો એ તો મારો અધિકાર છે તેથી આવે છે, અને જ્યાં અધિકાર હોય ત્યાં અહોભાવ, જેવા ભાવો ક્યારે’ય નહીં આવી શકે. જો સરકાર દ્વારા એજ્યુકેશન હોય તો ભાવ તો પછી સરકાર માટે જાગે…તેથી, અમેરિકામાં બધાં લોકોમાં એક સર્વમાન્ય, સર્વસ્વીકૃત વાત એ છે કે અમારા મા-બાપ સરકાર છે. મા-બાપની સંભાળ બાળકો ના લેતા હોય તો મા-બાપ કહે, તું શું અમારી સંભાળ લેશે, અમારી સંભાળ તો સરકાર લે છે. તો, સરકારથી આવતું હોય એમાં શુદ્ધતા પણ ના રહેતી હોય, એ લોકોમાં પછી અહોભાવ ના કેળવાતો હોય, એ સમાજમાં ભાવનાનું અરસ-પરસ આદાન-પ્રદાન ના થતું હોય.
આપણે ત્યાં શિક્ષણની બાબતમાં સમાજ અને વિદ્યાર્થી વચ્ચે જે લેવડ-દેવડ હતી એ સીધી-સ્પષ્ટ હતી, વચ્ચે ના તો કોઈ રાજા, ના ધનિક વર્ગ કે ના સરકાર, અને ત્યારે તો બેંકો નો’હતી, તેથી લોનની વાત પણ નો’હતી. સીધી લેવડ-દેવડની વાત હતી. આ વ્યવસ્થામાં આપનારને લેનાર પ્રત્યે એક ભાવ થતો, લેનારને પણ આપનાર પ્રત્યે ભાવ થતો, તેથી આ વ્યવસ્થામાં પરસ્પર ભાવનાત્મક સંબંધો પણ કેળવાતા હતા.
૨૦૦૧ની સાલમાં જયારે ભુજમાં ભૂકંપ થયો હતો, ત્યારે ત્યાંના રહેવાસીઓની મદદે બહારની ટીમો આવતી હતી, લોકોને તો નવાઈ લાગી કે સરકાર તરફથી એટલી સારી વ્યવસ્થા ન્હોતી થઇ શકી જે પર્યાપ્ત હોય, કે જેટલી આ બહારની ટીમો દ્વારા મળી. ભુજમાં બહારથી ટ્રકો ભરીને સામાન આવતો હતો, ત્યાંના લોકોએ કહેવું પડ્યું કે ખાવાનું ના મોકલો બીજી આવશ્યક વસ્તુઓ મોકલો, અને એ પણ આવી.
મને યાદ છે કે સુરતમાં ૨૦૦૬ની સાલમાં જે પૂર આવ્યું હતું ત્યારે ત્યાં પણ આજુ-બાજુના ગામોમાંથી ઘણી સહાયતા મળી હતી, સુરતમાંથી કોઈ બહારના લોકોને ફરિયાદ, આજીજી કે મદદ માગવા માટે ન્હોતા ગયા, તો પણ સૌએ હળીમળીને સેવાનું કામ કર્યું.
જયારે ભુજમાં ધરતીકંપ આવ્યો ત્યારે તો ત્યાના લોકો આપ્તજનોના અગ્નિસંસ્કાર માટે ૬-૬, ૮-૮ દિવસો સુધી રાહ જોતાં કે કોઈ મદદે આવશે, પેલું પત્થર નીચેથી એનું શરીર કાઢીશું, એને અગ્નિદાહ દઈશું. ઘણાંની પાસે કાંઇજ જ ન્હોતું, ઘર-બાર બધું જ નષ્ટ થઇ ગયું હોય, ખુલ્લામાં એ બેઠાં હોય, અને ત્યારે પણ અજાણ્યા લોકો આવ્યા હોય તો કહે કે “આવો, બેસો, ચા પીઓ”, ત્યારે વિદેશી ટીમોને નવાઈ લાગી કે આ કેવી રીતે બને. લોકો મદદ માટે આવતા અને જેને જરૂર હોય એ લેતા પણ ખરા. ત્યારે વિદેશીઓ કહેતા કે હમારે ત્યાં વ્યક્તિગતરૂપે સામાન્ય રીતે કોઇ મદદ કરે નહિં અને જલ્દી કોઇ લે નહિં. ત્યાં એવી મદદ સરકાર, ચર્ચ કે કોઇ સામાજિક સંસ્થા કરતી હોય. કોઇ વ્યક્તિથી સીધી મદદ લેવામાં લેનારને થાય કે અમારી મદદ કરવી સરકારની ફરજ છે અમે કોઈના ઉપકાર નીચે કેમ આવીએ?
બીજી બાજુ જયારે અમેરિકાના પૂર્વીય મીડ-એટલાંટિકના અમુક પ્રદેશોમાં ૨૦૦૬ની સાલમાં પણ ભયંકર પૂર આવ્યું હતું, અને ૨૫ જૂન થી ૫ જુલાઈ ૨૦૦૬ દરમિયાનના દિવસોમાં એ પ્રદેશો પૂરગ્રસ્ત થયા હતા. ત્યાંની સરકારે એ શહેરોમાં હજારોની સંખ્યામાં પોલીસો ગોઠવી દીધી હતી એટલા માટે કે ત્યાંના લોકો આવી કુદરતી આફતની પરિસ્થિતિનો ગેરલાભ લઇ કાંઈ લુંટફાટ ના કરે, કે નાની-નાની વાતો માટે, પાણીની બોટલ માટે, ખાવાની વસ્તુના માટે એક-બીજાને મારી ના નાંખે એટલા માટે ત્યાં પોલીસ ગોઠવવામાં આવી હતી.
આવી વાતો હું વાંચતો હતો ત્યારે મને વિચાર આવતો કે અહીં ભારત ગરીબ દેશ છે, તો પણ અહી કપરી પરિસ્થિતિઓમાં લુંટ-ફાટ, મારામારી એવું નથી થતું, પણ અહીના લોકોમાં એક પરસ્પર ભાવ છે, જયારે ત્યાં અમેરિકા તો રીચ કન્ટ્રી કહેવાય, તો પણ ત્યાંના લોકોમાં સંપ-ભાવ પ્રેમ જેવી વાત નથી. પણ લૂંટ-ફાટ, મારામારી થાય અને તેથી ત્યાંના લોકોએ પૂર જેવા દિવસોમાં સરકાર પાસેથી જ મદદ મળે એની રાહ જોવી પડે, પોલીસ પણ ગોઠવવી પડે. ત્યાં એ ધનિક દેશમાં સેવા માટે કોઈમાં પણ સ્વયં પ્રેરણા કે ભાવ પણ ના થતા હોય કે એ વ્યવસ્થામાં કોઈ પણ આપસી મેળ ના હોય, અરસ-પરસની ભાવના કે કોઈ લેવડ-દેવડનો વ્યવહાર જ નથી, તો, આવા સમાજમાં કોઈની અંદર સેવાના, કૃતજ્ઞતાના ભાવો કઈ રીતે આવી શકે?
આપણી જે શિક્ષણ વ્યવસ્થા હતી એમાં વિદ્યાર્થીની અંદર અનાયાસે જ સેવા-ભાવ, કૃતજ્ઞતાનો ભાવ વણાઈ જતો હોય છે, એના વિદ્યાર્થીકાળમાં સમાજ એને મદદરૂપ થાય છે, તેથી એ જ્યારે મોટો થઇ સમાજમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એને પણ સમાજ પ્રત્યે કાંઇક કરવાનો ભાવ થતો હોય, એ ડોક્ટર હોય તો ત્યારે પણ એને એ ભાવ હોય કે હું લોકો માટે કાંઈ કરું, અને આ જ ભાવનું જે ઝરણું અંદર વહ્યા કરતુ હોય એ જ પછી એના ક્ષેત્રમાં એની મહેનત એને ઉચ્ચ સ્તરે લઇ જાય છે, આ વાતને સમજજો.
માણસના કોઈ પણ કામમાં વળતર, રિવોર્ડ, એક્સચેન્જનો ભાવ આવે છે ત્યારે એની વિદ્યા અમુક સ્તર સુધી જઈને પછી સંકોચાઈ, સુકાઈ જઈ, દિશા બદલી દે છે, પછી એ ઉર્ધ્વગામી, ઉપરને સ્તરે નથી જઈ શકતી. માની લો કે કોઈ સંગીત વિશારદ છે, એ જયારે એનો પ્રોગ્રામ કરે છે ત્યારે એને શરૂઆતમાં એક શોના રૂ. એક લાખ, બે લાખ, ત્રણ-ત્રણ લાખ મળે, પાછી તો ચાર-ચાર લાખ, પાંચ-પાંચ લાખ રૂપિયા પણ મળતા હોય!… લોકો એના સંગીતથી બહુ પ્રભાવિત થયા હોય, એ પ્રખ્યાત થઇ જાય છે તો પછી એને એક શોના ૩.૫૦ કરોડ સુધી પણ મળે છે! એની સફળતા એના સંગીતને નવો ઓપ આપે છે, એ સુંદર દેખાય છે, પરફોર્મન્સ સરસ કરે છે, પૈસા પણ સારા મળે છે… જીવનમાં એક પ્રકારની તૃપ્તતા આવતી જાય છે… ત્યારે એ બધાં પૈસા, ઐશ્વર્યને કરશે શું? એ એની સફળતામાં જ રચ્યો-પચ્યો રહે છે, એ ત્યારે એના પોતાના ભાવજગતમાં પ્રવેશ નથી કરી શકતો, તેથી એ એને ઉપર, આગળ લઇ જઈ નથી શકતો.
સંગીત હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યક્તિને સફળતા મળ્યા પછી એણે વધુ સારી, ઉચ્ચ સર્જનાત્મકતા માટે એની સાધના ચાલુ રાખી એના ભાવજગતમાં પ્રવેશ કરવો જ પડે છે, પરંતુ જો એ એની સફળતામાં ખોવાઈ જાય છે તો એ એના ભાવ જગતમાં પ્રવેશ કરી નહીં શકે, કેમ કે એની સફળતા, એનું ઐશ્વર્ય એને પછી વિષયસુખ તરફ ઘસડી જાય છે, એને મોજ-શોખ તરફ આકર્ષે છે જે કોઈ દિવસ પૂરા થતા નથી.
ઈચ્છાઓ, કામનાઓથી જે ભૌતિક સુખ મળે છે એ કોઈ દિવસ તૃપ્ત નથી કરી શકાતું, કેમ કે સાચું, તૃપ્તિદાયક સુખ તો માત્ર હૃદયમાં, આત્મામાં જ છે – આ જ જ્ઞાન શુદ્ધ વિજ્ઞાન છે, અને હૃદય-આત્મા સુધી પ્હોંચી શકાય છે માત્ર ભાવજગતમાં જઈને, જે મહદંશે ભક્તિથી જ આવી શકે છે. પરંતુ જો એ આ ભાવજગતમાં નથી જતો, તો પછી એની દિશા ભૌતિક જગતના આકર્ષણો, ઐશ્વર્યો તરફ જ વળે છે, એની વિદ્યા પછી શુષ્ક થઇ જાય છે, એ એને આગળ લઇ જઈ નથી શકતી. એને ખબર પડે છે કે એણે આગળ જવું જોઈએ, પરંતુ એ ‘આગળ’ જવા માટે પછી અજાણપણે એ ડ્રગ્સ-નશાની લતે ચઢી જાય છે, મોટે ભાગે ડ્રગ્સને કારણે એને થાય છે કે એ ટ્રાન્સમાં જાય છે.
એટલે તમે જોશો કે માઈકલ જેક્સન વગેરે જેવા અતિસફળ કલાકારો અમુક ઉંચાઈના સ્તરે પ્હોંચ્યા પછી નશો કરતા થઇ જાય છે, ડ્રગ્સ વગર એને ચેન ના પડે, ઉંઘ ના આવે, સતત સ્ટ્રેસમાં જ રહેતા હોય. મોટા-સફળ કલાકારોની સ્થિતિ આવી જ હોય છે. ભીમસેન જોશીએ એમના ગાયનની ઉંચાઈઓ આંબી હતી, પણ તેઓ એમની પાછલી ઉંમરમાં બહુ જ દારૂ પીતા થઇ ગયા હતા, નશાની ટેવ જ પડી જાય છે એ નશો જ જાણે એમનું ‘ભાવજગત’ બની જાય છે, નશો કર્યા વગર એ પરફોર્મ ના કરી શકે એવી સ્થિતિ થઇ જાય છે.
અત્યારના સફળ કલાકારોની સામે આપણે હરિદાસજી જેવા, કે મીરાબાઈ, નરસિંહ મહેતા એવાને જોઈએ તો એ લોકો પણ શાસ્ત્રીય ગાયન, કે ગીતો જ ગાતા હતા, પરંતુ એ ગાતા હતા નિતાંત, શુદ્ધ ભક્તિભાવથી ગાતા હતા, કોઈ સ્વાર્થ, કે આકાંક્ષા વગર ગાતા હતા.
આજની પરિસ્થિતિમાં જોઈએ તો વાલીઓ એમનાં બાળકોને ડોક્ટર બનાવવા ખૂબ જ પ્રયત્ન કરે છે, ઘણો ખર્ચો પણ કરે છે, એમાંથી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટરો બની પણ જાય છે કારણ કે આ ક્ષેત્રમાં ખૂબ પૈસા મળે છે તેથી. આપણને લાગશે કે કેટલા બધાં દવાખાના ખૂલી ગયા છે,… હા, બધું થશે, બધાં ડોકટરો પણ અન્યોની જેમ પૈસા પાછળ પડ્યા હોય, અને જો નજીકથી જોશો તો આમાંના સફળ ડોકટરોને શાંતિ તો નથી જ.
અહીં અમદાવાદના એક સફળ ડોક્ટર વિક્રમ શાહ, તમે નામ સાંભળ્યું હશે. સફળતા મળી ગઈ તો પણ કહેવાય છે કે એમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો. કમાણી ખૂબ હતી, પણ હજુ વધારે, હજુ વધારે કરતાં-કરતાં તેઓ ક્યાં’ક શેર્સની લે-વેચમાં કરોડોની જાળમાં ફંસાયા હતાં.
મુંબઈમાં એક ડોક્ટર માંડે કરીને હતા. એમની ધીકતી પ્રેક્ટિસ હતી, તેઓ રોજની ૮-૧૦ બાય-પાસ સર્જરી કરતા એટલા કાબેલ હતા; નાની ઉંમરમાં એમને ખૂબ સફળતા મળી, અને એ જ દરમિયાન એક દિવસ અચાનક રસ્તામાં જ એમને હાર્ટએટેક આવ્યો અને એ કોલેપ્સ થઇ ગયા.
એટલે, સ્વાર્થ છે એ માણસને વધારે પૈસા, જલ્દી મળે એ માટેની એનામાં ભૂખ જગાડે છે, એ ભૂખ ગજબની હોય છે. આવાં ઘણા લોકો વિવિધ ક્ષેત્રોમાં હોય છે અને એ બધાંની વચ્ચે નોખી માટીના’ય મેં તો જોયાં છે. અહીં એક જાણીતા વૈદ્ય અરણીકર નામે હતા, તમે ઓળખતા હશો. આ વૈદ્ય અઠવાડિયામાં અમુક દિવસો ચાણોદમાં એમના દવાખાને જતા. દૂર-દૂરથી લોકો એમની પાસે સારવાર માટે આવતા, ગરીબ પણ અને પૈસા-ગાડીવાળા પણ. આ વૈદ્ય સવારમાં એમની ગાદી પર બેસી જાય, બપોરે બે વાગે, ત્રણ વાગે. એમના પેશન્ટ પૂરા થાય પછી એ ગાદી પરથી ઉઠે, નજીકમાં નર્મદા નદીમાં જઈને સ્નાન કરે, પછી જાતે થોડું રાંધીને ખાય, અને બસમાં બેસી પાછા ઘરે આવે. એમના પેશન્ટોમાં ઘણા પાસે ગાડી હતી, તે છતાં એ તો બસમાં જ આવ-જા કરતા, કહે, કોઈની ગાડીમાં બેસીશ તો પક્ષપાત ગણાશે.
ખંભાતમાં કાંતિભાઈ નામે હોમિયોપેથીના ડોક્ટર હતા, એમની દવાનો એક નાનો ડોઝ અકસીર મેજીક ડોઝ હતો, એનાથી ઘણાને ફાયદો થયો હતો, પણ એક પૈસો ન્હોતા લેતા. સવારે સાત વાગ્યાથી બપોરે ૧૨-૧ વાગ્યા સુધી હોસ્પિટલમાં હોય, ત્યાર પછી ઘરે જાય, જામી-કરીને પછી એ વિઝીટ પર જતા, ત્યાં પણ કોઈ ફી નહીં, છેલ્લે-છેલ્લે એમણે એક રૂપિયો ફી લેવાનું શરુ કર્યું હતું, લોકો એમને અમસ્તા’ય બોલાવે, હેરાન પણ કરતા. ત્યાર પછી વિદ્યાર્થીઓને ભણાવતા. કહેવાય છે કે તે વખતના ગુજરાતમાં કદાચ જ કોઈ એવો હોમિયોપેથ હશે જે કાંતિભાઈ પાસે રહીને ભણ્યો ના હોય. આ કાંતિભાઈ એક સંત હરનાથ બાબાના શિષ્ય હતા. તે રાત્રે ભોજન પછી ભજન-કીર્તન કરે, અને પછી પોતે અધ્યયન કરતા. તેમણે અધ્યયન કોઈ દિવસ બંધ નથી કર્યું. માણસ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોય, એણે એના ક્ષેત્રનું અધ્યયન કયારે’ય છોડવું નહીં, જો છોડ્યું, તો એનું મન, મગજ પછી તળાવના પાણી જેવું થઇ જાય, ધીમે-ધીમે એ બગડવા માંડે, આજની ભાષામાં કહીએ તો તમારું જ્ઞાન અપડેટ હોવું જોઈએ, તેથી પોતાના ક્ષેત્રનું વાંચવાનું ક્યારે’ય બંધ ના કરવું, આપણું જ્ઞાન ગમે તેટલું વધ્યું હોય, પણ એ વિષયનું વાંચવાનું ક્યારે’ય બંધ નહીં કરવું, આ જ કારણથી કાંતિભાઈની દવા મેજીકનું કામ કરતી હતી.
મને યાદ છે કે એક ડોક્ટરને સફેદ કુષ્ઠ જેવું થયું હતું. આ ડોક્ટર એમના બે-ત્રણ આપ્તજનો સાથે મુંબઈમાં એક જાણીતા બેન હોમિયોપેથ ડોક્ટર છે એમની પાસે ગયા. આ બેનની પ્રેક્ટિસ સારી ચાલતી હતી, મહિનાઓ સુધી એમની એપોઇન્ટમેન્ટ મળે નહીં, તે છતાં, આ લોકોએ એમને કીધું કે અમે ગુજરાતથી આવીએ છીએ, તો એ બેને એમના સવારે નાસ્તાના વખતે આવવા કીધું. આ લોકો નિયત સમયે ગયા, એ બેન ડોકટરે પૂછ્યું, “ક્યાંથી આવો છો?” “ખંભાતથી આવીએ છીએ”. તરત જ બેને કીધું, “ત્યાં ખંભાતમાં તો કાન્તીભાઈ છે ને? એ મારા ગુરુજી છે. હું તમારો ઈલાજ નહીં કરું, તમે ત્યાં જાવ.”
મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જો કોઈ ડોક્ટર એવો વિચાર કરે, અને શુદ્ધ મનથી, શુદ્ધ ભાવ સાથે વિચાર કરે કે એના દર્દીનું દરદ મટી જવું જોઈએ, આ માટે એને કોઈ સ્વાર્થ કે અપેક્ષા ના હોય અને માત્ર એનો શુદ્ધ સંકલ્પ જ હોય, તો આ એનો સંકલ્પ જરૂર કામ કરે છે, પછી તો દવા એ બહાનું છે. અને પછી દર્દીનું દર્દ જયારે મટી જાય, ત્યારે એના ચહેરા ઉપરનો જે આનંદ થાય એ જોઇને ડોક્ટરને પણ આનંદ થાય. તો ડોકટરનો શુદ્ધ સંકલ્પ જ કામ કરે છે.
એક વખત મુંબઈમાં મને એક દીકરી મળી હતી, એ હોમિઓપેથ ડોક્ટર છે, અને એને પૈસાની પડી નથી. એ કહે “સ્વામીજી, હું જ્યારથી હોમિઓપેથીની દવા બનાવતી થઇ, ત્યારથી મને હૃદયથી એવું જ લાગે કે હું કોઈને રાખ પણ આપી દઉં ને, માટી પણ આપી દઉં, તો દર્દીનું દરદ મટી જાય છે, અને દર્દીને થાય કે મારી દવાથી મટી ગયું.”
અહીં નડીયાદમાં થોડાં સમય પહેલાં એક ડોકટરે એક ચિકિત્સા પદ્ધતિ શરુ કરેલી. એ પદ્ધતિમાં એક બાર ખાનાનું ચોખઠું હોય, એક ચાર્ટ બનાવે, અને એક પેન્ડ્યુલમ, લોલક હોય. એ ડોક્ટર શું કરે કે જયારે કોઈ દર્દી આવે ત્યારે એ પેલા લોલકને હલાવીને એ ચાર્ટ ઉપર ફરવે; એ લોલક જે ખાનામાં રોકાય એ ખાનામાં પછી હોમિયોપેથીની થોડી નાનકડી ગોળીઓ માત્ર દોઢ મિનીટ સુધી મૂકે અને પછી એ દર્દીને આપે. એ ગોળીઓમાં કોઈ જ દવા ના હોય, માત્ર મિલ્કસુગરનું થોડું મિશ્રણ જ હોય, બીજું કાંઈ ના હોય. હવે આ ડોક્ટર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ આખા ખેડા જીલ્લાના સરકારી હોસ્પિટલમાંના ટી.બી. વિભાગના સુપરીન્ટેન્ડન્ટ હતા, એ રિટાયર થયા પછી એમણે આ કામ શરુ કર્યુ હતું.
આપણા એક સાધક છે, એ પણ ડોક્ટર છે, એ આ ડોક્ટરને ત્યાં જાય, ક્યારે’ક, એક-બે કલાક બેસે અને જુએ તો ૨૫૦-૩૦૦ દર્દીઓ કતારમાં હોય. આ સાધક ડોક્ટર કહે, “સ્વામીજી, ત્યાં તો જાણે કે જાદુ થાય છે, એમની દવાથી તો કેટલા દર્દીઓને મટી જાય છે, અને એ ડોક્ટર તો એમજ કહે કે ‘આપણે તો પ્રાર્થના કરીએ છીએ, પ્રકૃતિમાં, યુનિવર્સમાં જે શક્તિ સર્વવ્યાપ્ત છે એ જ બધું મટાડવાની છે, આપણી પાર્થનાથી એ શક્તિ અહીં આ ગોળીઓમાં આવી જાય છે અને દર્દીના રોગ મટાડી દે’ છે. હું જો ખાલી ભભૂતિ પણ આપુ તો’ય આવું થઇ શકે છે, ઘણા સાધુઓ ભભૂતિ આપતા હોય છે, તો એ જ ભાવ હોય છે એમાં જે (એમની નાનકડી ગોળીઓમાં), પણ હું જો ભભૂતિ આપું તો લોકો કહેશે કે ધતિંગ ચલાવે છે, લોકોમાં અંધ વિશ્વાસ ફૈલાવે છે, વિગેરે, તેથી હું આ હોમિયોપેથીની નાનકડી ગોળીઓ આપું છું, અને લોકોના દરદ મટી જાય છે.’”
આમ, તમે કોઈ પણ ક્ષેત્રમાં નિ:સ્વાર્થ ભાવથી, કરુણાના ભાવ, અહોભાવ સાથે લાગેલા રહો તો એક સમય એવો આવે છે કે જયારે તમે તમારા કોન્સિયસ માઇન્ડ (જાગૃત મન)ની સીમાને ક્રોસ કરી જાવ છો, એનાથી આગળ જતા રહો છો, અને ત્યાંથી તમે સબકોન્સિયસ માઇન્ડના અલૌકિક પ્રદેશમાં પ્રવેશ કરો છો, આ સબકોન્સિયસ માઇન્ડ એટલે શ્રદ્ધાનું ક્ષેત્ર, એમાં તમે પ્રવેશો છો અને આમાં તો જે થાય તે અજબ-ગજબનું હોય છે.
તમને જો કોઈ હિપનોટાઈઝ કરે, અને કહે કે તમારું શરીર લાકડાનું થઇ ગયું છે, તમે લાકડા જેવા થઇ ગયા છો. તો તમારું શરીર સાચે જ લાકડા જેવું થઇ ગયું હોય છે. કોઈ પણ પદ્ધતિથી જો તમે ટ્રાન્સમાં પ્હોંચો છો, તો ત્યાં આવું બધું થતું હોય છે, જે જાગૃત મનના ક્ષેત્રમાં શક્ય નથી[2].
આવી ટ્રાન્સની સ્થિતિ ત્યારે પણ આવે છે કે જયારે તેમે માત્ર નિજાનંદ માટે એવુ કરતા હો, અહોભાવ માટે કરતા હો, પ્રત્યુપકાર માટે કરતા હો ત્યારે આવી સ્થિતિ આવતી હોય છે, પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, તો પણ આવી શકે છે.
આપણા એક સાધક છે એ અલ્ટ્રામેરેથોનના અલ્ટ્રારનર છે, અલ્ટ્રારનર એટલે જે ૧૦૦ કિ.મી.થી વધારે દોડતા હોય, વિરામ વગર (ખૂબ પ્રેક્ટિસ કર્યા પછી જ આટલુ લાંબુ દોડી શકાય છે). આ અલ્ટ્રારનર સાધક ૨૪ કલાકમાં ૧૪૬ કિ.મી. દોડીને આવ્યા હતા, કોન્સ્ટન્ટ, અવિરત, વિરામ કર્યા વગર. એક શનિવારે સવારથી એમણે દોડવાનું શરુ કર્યું, તે છેક બીજે દિવસે, રવિવારની સવાર સુધી એકધારુ દોડ્યાં. એમણે વાત કરી કે, સ્વામીજી, દોડીયે છીએ ત્યારે દોડતાં-દોડતાં એક સ્થિતિ એવી આવે કે બસ તમને દોડવા સિવાય બીજા કશાનું પણ ભાન નથી રહેતું. શરૂઆતમાં એવું થાય કે તમે દોડો છો, તમારું ધ્યાન શરીર તરફ જ હોય તમને થાય કે તમારું શરીર હાંફે છે, તમને શરીરે પરસેવો થાય છે, તમને થાક પણ લાગે છે,… તો પણ તમે દોડતા જ રહો, દોડતા જ રહો બીજું કશું જ ભાન નથી રહેતું.. અને તમને લાગે કે હું ઘણું દોડું, મનમાં આ જ ભાવ ચાલ્યા કરે છે, અને ધીમે-ધીમે એ જ ભાવ પછી તમને તમારા શરીરથી ઉપર લઇ જાય છે.
આપણે ત્યાં પંજાબની મિલિટરીના મિલ્ખા સિંહ હતા જેની આ દોડના ક્ષત્રમાં ઉત્કટ મહેનતને કારણે એમને એશીયાઇ અને કોમનવેલ્થની રમતોમાં વિવિધ સુવર્ણપદકો પ્રાપ્ત થયા હતા, જેને કારણે એમનું નામ ‘ફ્લાઈંગ શિખ’ પડ્યું હતું. એમના જીવનની ઉપર એક ફિલ્મ પણ બની હતી (૨૦૧૩માં) भाग मिल्खा, भाग .
હું એક વખત દહેરાદૂન ગયેલો, ત્યાં એક સાધકનો દીકરો છે, NDAમાં સિલેક્ટ થયેલો અને ત્યાં દહેરાદૂનમાં એની ટ્રેનીંગ ચાલતી હતી, હું ત્યાં ગયેલો. એ દીકરો મને એ કેમ્પસમાં લઇ ગયો, અને વાત કરી કે અમારી ટ્રેનિંગમાં એક દિવસ એવું કરવાનું હતું કે સાવરથી સાંજ સુધી બસ, દોડવાનું, અને તે પણ વજન લઇને દોડવાનું, રસ્તામાં કાંઈ પણ ખાવાનું-પીવાનું કશું જ નહીં, માત્ર દોડવાનું જ. કહે, ૧૧-૧૨ વાગ્યા સુધીમાં તો એવી સ્થિતિ થઇ ગઈ કે હું પડી જઈશ… પછી એક વાગ્યો… થયું કે પડી જઈશ, મરી જઈશ… પછી જોયું તો પડ્યો’ય નહીં અને મર્યો’ય નહીં એવી હાલત થઇ ગઈ… પછી, ખબર નહીં કે શું થયું કે એવું જ થાય કે બસ, શરીર દોડ્યા કરે છે અને હું એને જોયા કરું છે, શરીર દોડે છે અને હું જોઉં છું. આવી સ્થિતિમાં પછી તો સાંજ ક્યારે થઇ ગઈ એ પણ ખબર ના પડી, અમે દોડતાં જ રહ્યાં, દોડતાંજ રહ્યાં…ગીત-સંગીતના ક્ષેત્રે પણ સાધના કરવાની હોય તો ત્યાં રોજના ૧૭-૧૭, ૧૮-૧૮ કલાકો સુધી રિયાઝ કરતા હોય… અને ત્યાર પછી જ એ ક્ષેત્રના સાધક એના ભાવજગતમાં ઉતરી શકે છે.
તો, આપણી સંસ્કૃતિની નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થા જે હતી એ વિદ્યાર્થીને એના ભાવજગતમાં લઇ જવા માગતી હતી, અને તે પણ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીને, એ શિક્ષણ વ્યવસ્થા આજના જેવી માત્ર અર્થની લેવડ-દેવડ, મોનેટરી એક્સચેન્જની દુનિયામાં રાખવા ન્હોતી માગતી. એટલે, આ શિક્ષણ વ્યવસ્થાને આધારે એ વિદ્યાર્થી એના ભાવજગતમાં જતો જાય પછી તો એ એના ક્ષેત્રમાં એટલો ઉચ્ચ કક્ષાએ, ટોચની શિખરે પહોંચે છે કે ના પૂછો વાત! અને આ શિક્ષણ વ્યવસ્થાના હાર્દમાં દરેક વિદ્યાર્થી ભાવજગતના એ ઉચ્ચતાના શિખરે પ્હોંચે એ હતું. એ વિદ્યાર્થી પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ એના ભાવજગતમાં પછી એને માત્ર ઉત્કૃષ્ટતા જ ગમે, આપવાનું, વહેંચવાનું જ ગમે, એને પૈસાની પડી ના હોય, એ ભણાવતો પણ હોય તો એ સારામાં સારું જ ભણાવશે.
હું જયારે બનારસમાં હતો, ત્યારે ત્યાં એક વિદ્વાન પંડિતજી હતા, એમને ત્યાં સવારે ૪.૩૦ થી લઇ રાતનાં ૧૦.૩૦ સુધી વિદ્યાર્થીઓ આવ્યા કરે અને એ ભણાવ્યા કરે, ભણાવ્યા જ કરે. એમની એક નાની આઠ બાય દસની એક ઓરડી હશે, એમાં એક તૂટેલો ખાટલો અને એક સ્ટવ. બપોરે સમય થાય એટલે કોઈ વિદ્યાર્થી એમને કાંઈ રોટલી-બોટલી બનાઈ આપે, એ ખાઈ લે, અને પાછું એમનું ભણાવવાનું ચાલુ થઇ જાય. આખો દિવસ ભણાવ્યા જ કરે. તો, આમાંથી એમને શું મળતું હશે? એમને એમના કાર્યમાંથી જે મળતું હોય એ પૈસાથી મળે એ શક્ય નથી.
પ્રેમ હોય, ભાવ હોય પછી આપણી અંદર જે ઉર્મીઓ આવતી હોય એ બધું કાંઈ પૈસાથી ના માપી શકાય કે ના મળી શકે. આપણને કોઈએ કપરી પરિસ્થિતિમાંથી બચાવી લીધો હોય, આપણું જીવન જ બચાવ્યું હોય અને આવું કરવા પાછળ એને કોઈ પૈસા-બૈસાનો જરા પણ સ્વાર્થ ના હોય, તો એને માટે આપણી અંદર જે ભાવ, ઉર્મીઓ આવતી હોય એ કોઈ પણ રીતે પૈસાથી ના ખરીદી શકાય, કે ના માપી શકાય, પછી એ કરોડો’ય હોય, અબજો હોય…જરૂરી નથી, પૈસાથી બધી વસ્તુઓ મળી શકશે, સુખ મળી શકશે એવું પણ જરૂરી નથી.
આપણી સંસ્કૃતિની મહાનતાના વિવિધ કારણોમાં આ પણ એક મહત્ત્વનું કારણ હતું કે એમાં શિક્ષણ નિ:શુલ્ક હતું. જો શિક્ષણ શુલ્કવાળું હોય તો એની એક સીમા હશે, જેમાં પછી વિદ્યાર્થી, કે વયસ્ક વ્યક્તિ એ સીમામાં જ રોકાઈ જશે, અને ત્યાંથી પછી એની દિશા બદલાઈ જશે, કેમ કે જ્યાં પૈસા છે, ત્યાં એક્સચેન્જનો ભાવ છે તો એ મને ભૌતિકતા તરફ, વસ્તુઓ તરફ જ લઇ જશે. હું બધું ભેગું કરું, મને લક્ઝરીમાં જ સુખ મળશે એવું હું માનતો થઇ જઈશ તો એ મને ભૌતિકતા તરફ, બહાર જ લઇ જશે. પરંતુ, મને જો સાચું સુખ જોઈતું હોય, સાચી શાંતિ જોઈતી હોય તો પછી એ દિશા જ ખોટી છે.
એટલે, પહેલી અગત્યની વાત એ છે કે શિક્ષણ વ્યવસ્થા નિ:શુલ્ક હતી, જેમાં ગુરુ કોઈ પણ ફી ન્હોતા લેતા. ગુરુકુળ નાનું હોય તો પણ ત્યાંના વિદ્યાર્થીઓને રાખવા-ભણાવવાનો ભાર ગુરુને માથે ન્હોતો, જો આનો ભાર ગુરુ ઉપર હોય તો તો પછી એણે ધનિક પાસે હાથ લાંબો કરવો જ પડે, અને જ્યાં હાથ લંબાવવાની વાત આવી ત્યાંથી ગુરુની તેજસ્વિતા જતી રહે, એમની ખુમારી જતી રહે.
એટલે, કોઈ પણ વ્યવસ્થામાં અર્થ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા જો એની ઉપર ડોમિનેટ કરશે તો એ વ્યવસ્થામાં તેજસ્વિતા ખોવાઈ જશે, અને જો રાજ્ય વ્યવસ્થા ડોમિનેટ કરે છે તો ત્યાં વ્યાપાર-ધંધો-બિઝનેસ પછી રાજ્યના હાથમાં આવી જશે એટલે પછી એ સમાજમાં તેજસ્વિતા ખલાસ થઇ જશે. જો લોકોમાં તેજસ્વિતા જોઈતી હોય તો એ સમાજમાં શિક્ષણ વ્યવસ્થા તો નિ:શુલ્ક હોવી જોઈએ, અને એના ગુરુએ કોઈની પાસે હાથ લાંબો કરવો ના પડવો જોઈએ. આપણે ત્યાંની શિક્ષણ વ્યવસ્થામાં ગુરને માથે વિદ્યાર્થીનો ભાર ના પડે એ જ કારણે વિદ્યાર્થીઓ માટે પણ માધુકરીની વ્યવસ્થા હતી અને એ પણ બે પ્રકારની માધુકરીની વ્યવસ્થા હતી – એક, વિદ્યાર્થી ગામના નિયત ઘરોમાંથી કાચુ-સીધુ લાવી જાતે રાંધી ખાય, અથવા તો નિયત થયેલાં ઘરે જઈને વિદ્યાર્થી જમી લે.
હજુ આજે પણ મહારાષ્ટ્રના અમુક ગામોના ગુરુકુળોમાં માધુકરીની વ્યવસ્થા છે, પણ એ વ્યવસ્થા માત્ર સંસ્કૃતના, વેદાંતના અધ્યયન, અધ્યાપન પૂરતી જ સીમિત છે, શિક્ષણના બીજા ક્ષેત્રોમાં નથી. આ વ્યવસ્થામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે નજીકના ગામનાં ઘરો વહેંચાયેલા હોય. હવે મહારાષ્ટ્રમાં રોટલી મોટી-મોટી હોય, મોટે ભાગે એ પણ જુવારની (જુવારના રોટલા) હોય…ક્ષેત્ર પ્રમાણે જુદું હોય, એટલે, આવી રોટલી, શાક, વિગેરે જે મળે એ ખાઈ લે, એક-બે વિદ્યાર્થીઓ ડોલ લઇ સાઈકલ પર જાય, “भवति भिक्षां देहि” કરીને ઉભા રહે જે બે-પાંચ ઘરો નિયત હોય એમને ત્યાંથી એ વિદ્યાર્થીઓ ડોલમાં શાક લઇ આવે અને પાંચ-દસ વિદ્યાર્થીઓ જમી શકે એટલું નક્કી થયું હોય ત્યાંથી લઇ આવે; પછી સાંજે પણ આવી જ વ્યવસ્થા હોય, ક્યારે’ક કોઈને ત્યાંથી દૂધ પણ આવે. બસ, પછી તો વિદ્યાર્થીઓ નિરાંતે વિદ્યાધ્યયન કરતા હોય, ગુરુને માથે વિદ્યાર્થીઓનો કોઈ જ ભાર નહીં.
આપણે ત્યાં આવી શિક્ષણની વ્યવસ્થા હતી, આજની માફક નહીં કે જ્યાં બધે જ ફી લે છે. અમુક શાળાઓમાં જ્યાં ફ્રી મફત ભણાવાય છે ત્યાં મફત ભોજનની પણ વ્યવસ્થા શરુ કરવામાં આવી, અને એ પણ માત્ર ભારતમાં જ પ્રયોગ રૂપે કરવામાં આવ્યું. હવે, આવી વ્યવસ્થામાં શું થાય છે એ આપણને બધાને ખબર છે. જર-તે રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યું છે, ક્યારે’ક જો કોઈને ઘરે ખાવાનું હોય તો ત્યાં બગડેલું હોય એ ખવડાવે, સરકારી વ્યવસ્થામાં ઘઉં-ચોખા સડેલા હોય એવું પણ બની શકે. વળી એવું પણ બને છે કે એકને જમાડે તો દસને જમાડે છે એવું કહે, શાળામાં જો દસ વિદ્યાર્થીઓ માટે બનતું હોય તો ચોપડે નામ પચાસના લખતા હોય.
આની સામે આપણી પુરાતન માધુકરીની વ્યવસ્થામાં તો બધું પ્રત્યક્ષ હતું, અને એ વ્યવસ્થા ગુરુકુળમાં ભણતા બધા વિદ્યાર્થીઓ માટે એક સરખી હતી, પછી એ રાજાનો રાજ-કુંવર હોય કે ગરીબનું બાળક હોય, કોઈ ભેદભાવ નહીં, બધા માટે એકસરખી વ્યવસ્થા હતી. આવી વ્યવસ્થામાં મારે ત્યાં જે બાળક આવશે એમાં મને મારુ બાળક દેખાશે, એ પ્રમાણેનો ભાવ પણ જાગશે.
કેટલીક વખત એવું’ય થાય કે અમે ક્યારે’ક કોઈ પરિવારમાં ગયા હોઈએ તો એ લોકોનો અમારા માટે ભાવ જ જુદો હોય. પછી ખબર પડે કે એમના પરિવારમાંથી કોઈ ભાઈ, કાકા, મામા હતા એમણે સંન્યાસ લીધો છે, તેથી, એ લોકોને અમારામાં એમના એ સગા દેખાતા હોય. બસ, આવી જ રીતે જૂની માધુકરીવાળી વ્યવસ્થામાં પણ એવું હતું કે મારો પુત્ર ક્યાં’ક કોઈ ગુરુકુળમાં ભણવા ગયો હોય, આવી રીતે માધુકરી કરતો હોય, અને જો મારે ત્યાં કોઈ બાળક માધુકરી માટે આવે તો મને એ વિદ્યાર્થીમાં મારો પુત્ર જ દેખાય, તેથી એને ભાવથી, પુત્રવત્ જમાડે.
તમને યાદ હશે કે મહાભારતના સમયના મહાન ગુરુ દ્રોણાચાર્યે રાજ્યાશ્રય લીધો અને પછી શિક્ષણવ્યવસ્થા આખી રાજ્યાશ્રય હેઠળ જતી રહી, તેથી જે પહેલા તેજસ્વિતા હતી એ આખી ખલાસ થઇ ગઈ. જે વ્યવસ્થામાં આચાર્યએ, ગુરુએ આવી રીતે રાજ્યાશ્રય કે અન્યાશ્રયમાં પડવું પડે, તો એના શિક્ષણની ગુણવત્તા, એનું સ્તર જે પહેલાં ઉંચું હતું, કે જેવું હોવું જોઈએ એવું ના રહી શકે.
તમે જુઓ કે કોઈ પણ પ્રોફેસર, લેક્ચરર હોય એને જો એડમિનિસ્ટ્રેશનમાં બેસાડી દો, પ્રિન્સિપલ બનાવી દો તો પછી એનાથી ભણાવાય નહીં. ગોપીનાથ કવિરાજ નામે B.H.U. (બનારસ હિંદુ યુનીવર્સીટી)ના વાઈસ ચાન્સેલર હતા. પોતે જાતે વિદ્વાન હતા, અધ્યાપન કરાવવાનું એમને ગમતું હતું… પણ પછી એમને થયું કે વાઇસ-ચન્સેલર બન્યા પછી એમનું જ્ઞાન બધું ખલાસ થઇ જશે, તેથી એમણે તો રેઝિગ્નેશન આપી દીધું, અને છેક સુધી રીડર રહ્યાં.
એટલે, આપણે ત્યાં આવી વ્યવસ્થા હતી શિષ્યો માટે, વિદ્યાર્થીઓ માટે, એ લોકો સીધા સમાજ પાસે જાય, અને ગામમાંથી આવશ્યક ભોજન મેળવી શકે, સાથે બીજી જે જરૂર હોય એની વ્યવસ્થા પણ હતી, જેની વાત આગળ કરીશું.
[1] https://en.wikipedia.org/wiki/Free_education;
[2] (Trance denotes any state of awareness or consciousness other than normal waking consciousness, resembling deep sleep. Trance states may occur involuntarily and unbidden. The term trance may be associated with hypnosis, meditation, magic, flow, and prayer – https://en.wikipedia.org/wiki/Trance ).