ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે નિજસ્વરૂપની પ્રાપ્તિ, બોધ, મુક્તિ, આત્મસાક્ષાત્કાર, કે જે નામથી કહીએ એ. આ પરમ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને, એને જ પાયા-સમ મુખ્ય આધાર રાખીને આપણી બધી જ વ્યવસ્થાઓ ઉભી થઇ છે. જો આ વાત સુયોગ્ય રીતે સમજી, આપણા ધ્યાનમાં નથી રહેતી, તો આપણી ભારતીય સંસ્કૃતિને સમજવી થોડી અઘરી પડશે, એ થઇ એક વાત.

બીજી અગત્યની વાત એ કે આપણા ઋષિઓએ વિચારીને દરેક વ્યવસ્થાઓ જે આપણને આપી છે એ વ્યવસ્થાઓ માટેની જે-જે પ્રક્રિયાઓ છે એ બધી જ મનુષ્ય જીવનની સહજ અને સ્વાભાવિક પ્રક્રિયાઓ છે, અને ઋષિઓએ એ બધી પ્રક્રિયાઓને વ્યવસ્થિત રીતે ગોઠવી આપી છે – રીતિ-રિવાજો-કર્મ-ધર્મ વિગેરેના રૂપમાં. જીવનમાં સ્વાભાવિક રીતે થતી ક્રિયાઓ દ્વારા જે શક્તિ ઉદ્ભવે છે એ શક્તિને એમણે એ બધી વ્યવસ્થાઓને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે કહો કે ઉપયોગ કરી લીધો હતો – મનુષ્ય જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે. આ વાતને આ રીતે સમજી શકાય: તમે હિમાલય જેવા પહાડી વિસ્તારમાં જાવ તો ત્યાં તમને પાણીથી ચાલતી ઘંટી જોવા મળે; આવા પ્રદેશોમાં ઠેર-ઠેર ઝરણા વહેતા હોય, તો ત્યાંના લોકોએ નજીકમાં વહેતા ઝરણાઓના વહેણને શક્ય હોય એ રીતે એક પાઈપમાં વાળી લે, અને એ પાણીને ઘંટીના પંખા ઉપર પાડે. આ રીતે પડતા પાણીથી એ પંખો ટર્બાઈનનું કામ કરે અને ઘંટી ફરતી થઇ જાય. પાણીથી ચાલતી આવી ઘંટીની મદદથી એ લોકો અનાજ દળી શકે છે. આમ, પાણીનો જે સહજ પ્રવાહ છે એને, અને એ પ્રવાહની શક્તિનો એમણે ઉપયોગ કરી લીધો. બસ, ઋષિઓએ પણ આવું જ કર્યું આપણી દરેક વ્યવસ્થાઓ ગોઠવવા માટે.

આ બંને વાતોને જો આપણે સારી રીતે સમજીને ધ્યાનમાં રાખીશું તો આપણી આ ભારતીય સંસ્કૃતિની વાતોને વધારે સ્પષ્ટ રીતે સમજાશે.

વેદો આધારિત આ સંસ્કૃતિની વાતોના સંદર્ભમાં આપણે એની શિક્ષણ વ્યવસ્થા ઉપર વાત કરી રહ્યા હતા – એ વ્યવસ્થા ગુરકુળ વ્યવસ્થા હતી જે સમાજથી દૂર હતી જેમાં શિષ્યો ગુરુ સાથે જ ત્યાં રહીને અધ્યયન કરતા હતા; એ વ્યવસ્થા તદ્દન સાદી હતી, એમાં ગુરુ-શિષ્યોનું જીવન પણ સાદું અને સરળ હતું; એ વ્યવસ્થામાં અપાતું શિક્ષણ માત્ર પુસ્તકીય ન્હો’તું, પણ પ્રેક્ટિકલ-applied હતું (જીવનોપયોગી, કે જીવનમાં જે કરવું છે એનું જ અધ્યયન હોય, એ જ વિદ્યાનું અધ્યયન હોય; આવું શિક્ષણ નિ:શુલ્ક અપાતું હતું; અને જો શિક્ષણ નિ:શુલ્ક નથી હોતું ત્યારે સમાજમાં કેવા દુષ્પરિણામો આવી શકે એ વિષે પણ આપણે થોડો વિચાર કરેલો.

એ વ્યવસ્થાની સરખામણીમાં આજની શિક્ષણ વ્યવસ્થાના ‘સ્નાતકો’ કેવા હોય છે એ પણ આપણે જોયું કે કોઈ વિદ્યાર્થી BE Civil ૩-૪ વર્ષ કોલેજમાં ભણ્યા પછી પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે એણે બીજા ૨-૩ વર્ષ ફરી કોઈની સાથે રહેવું જ પડે; એવી જ રીતે BAMS, કે પછી MBBS કરીને આવે તો પણ એ ‘સ્નાતક’ કોઈની યોગ્ય રીતે ચિકિત્સા કે ટ્રીપટમેન્ટ ના કરી શકે. તો આવા વિદ્યાર્થીઓએ ૮-૧૦ વર્ષ કર્યું શું?

ગુરુકુળની નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીના સર્વાંગીણ ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને પણ ગોઠવવામાં આવી હતી. વ્યવહારિક અને જીવનાવશ્યક વિદ્યા, પૈત્રિક ધંધો-વ્યવસાય એનું શિક્ષણ મળતું – જો બ્રાહ્મણ હોય અને એ વેદાધ્યયન કરતા હોય તો એના બાળકને એ પ્રમાણેનું શિક્ષણ મળતું; પિતા જો ક્ષત્રિય હોય, અને યોદ્ધા હોય તો એના બાળકને એ પ્રમાણેનું શસ્ત્રવિદ્યાનું શિક્ષણ મળતું. આવી જીવનાવશ્યક વિદ્યા સાથે-સાથે એ શિક્ષણની બીજી જે એક વિશેષતા હતી તે એ કે એ શિક્ષણ વિદ્યાર્થીને ધીમે-ધીમે જીવનના પરમ લક્ષ્ય તરફ પરમ સત્ય તરફ, આત્મસાક્ષાત્કાર તરફ પણ લઇ જતું હતું. એ વ્યવસ્થામાં આધ્યાત્મિક શિક્ષણ દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત, કમ્પલસરી હતું. આ શિક્ષણ દ્વારા વિદ્યાર્થી સંધ્યા, યોગ, ધ્યાન, અધ્યાત્મ, ધર્મ વિગરેનું શિક્ષણ પણ એને મળતું. આવી બધી વાતોને ધ્યાનમાં રાખીને એ વ્યવસ્થા હતી.

દરેક વિદ્યાર્થીને એનું જે પૈત્રિક વ્યવહારુ જ્ઞાન હોય એ જ જ્ઞાન એને આપવામાં આવતું. હવે આ વાતની જે વિશેષતા છે એને થોડા ઉંડાણથી સમજીએ. પહેલી વાત તો એ કે માતા-પિતા દ્વારા બાળકને શરીર મળે છે, તો એ શરીર સાથે એના પરિવારનું જ્ઞાન, એના પિતાનું જ્ઞાન, એના પિતાનું જે શરીર છે એ એમના કર્મ પ્રમાણે ઘડાયેલું હોય એવું શરીર બાળકને પણ મળે. મહદંશે, દરેકનું શરીર એના કર્મ પ્રમાણે ઘડાય છે. હવે જો એ યોદ્ધા હોય, સૈન્યદળ (army)માં હોય, તો એનું શરીર ધીમે-ધીમે એ કામ માટે આવશ્યક હોય એ પ્રમાણે બનતું જાય. જો કોઈ કલાકાર હોય, artist હોય તો એનું શરીર કાંઈ યોદ્ધા જેવું કદાવર અને tuff ના હોય, કલાકારનું મન પણ કઠણ ના હોય, એના કાર્યને અનુરુપ એનું શરીર અને મન બનતું હોય, એના શરીર સાથે એનું મન પણ નાજુક હોય… તેથી એનામાં થોડા સ્ત્રૈણ ગુણો પણ હોય જ. તમે કોઈ પુરુષ વાદ્ય-વાદક કે ગાયકને જોશો તો એનામાં થોડા સ્ત્રૈણ લક્ષણો-ગુણો હોય જ, કેમ કે એનું કાર્ય ભાવ-પ્રધાન વધારે છે. આ જ કારણે એની હેર-સ્ટાઈલ, એનું બોલવાનું, વિગેરે થોડું સ્ત્રૈણ જેવું થઇ ગયું હોય.

તમે જો સમજી શકતા હો, અને જો તમે traditional લોકોને જુઓ તો જોઇને જ કહી શકો કે આ બ્રાહ્મણ હશે, એ વેદાધ્યયન કરતા હશે; કે પછી બીજો જો કદાવર હોય તો એ લડવૈયો હશે, કે એ દરબાર હશે… મોટે ભાગે માણસના શરીરના બંધારણ પરથી એના વ્યવસાયનો ખ્યાલ આવી જાય.

હવે, પુત્રને એના પિતાનો જે ધંધો છે, એ ધંધાને અનુરૂપ એને શરીર મળ્યું હોય, બાળક પિતાનો ધંધો-વ્યવસાય કરે… અને જો આ પ્રક્રિયા, આ પૈત્રિક વ્યવસાયનો રિવાજ, એ પ્રથા જો ૧,૦૦૦ વર્ષો સુધી પળાતી હોય, તો શરીરની ભીતર, સૂક્ષ્મમાં એનું જૈવિક-જીનેટિક બંધારણ DNA structure વિગેરે એ પ્રમાણે વધુ-ને-વધુ બદલાઈને એ પ્રમાણે ઘડાતું જાય છે, એ એવી રીતે હોય છે કે એ જે-તે ક્ષેત્રની કળા-કાર્યને વધારે અનુરૂપ હોય. તમે જોશો તો, આજે પણ ગીત-સંગીત-કળાના ક્ષેત્રે આ પરંપરા મહદંશે હજુ જળવાઈ રહી છે.

થોડા સમય પહેલા એક સંશોધન-રિસર્ચની વિગતો વાંચવા મળી હતી, એમાં જૈનોના જીન (genes) માટેનું વિશ્લેષણ હતું. જૈનો છે એ લોકો જે રીતે ઉપવાસ કરી શકે છે, એવા ઉપવાસો બીજી communityના લોકો માટે કરવા અઘરાં છે, બહુ અઘરાં છે. એ સમાજના ૮-૮, ૯-૯, ૧૦-૧૦ વર્ષના બાળકો અઠ્ઠાઈ કરતા હોય, આઠ દિવસ સતત માત્ર ઉકાળેલા પાણી ઉપર રહેવાનું હોય, અને તમે જોયું હશે કે જૈનોના ૧૦-વર્ષના બાળકો પણ આવા ઉપવાસો કરતા હોય, વરસી તપ કરતા હોય, પાવાગઢની જાત્રા કરતા હોય, પાણી પીધા વગર પાવાગઢની યાત્રા કરવાની, દિવસમાં બે-બે, ત્રણ-ત્રણ વખત યાત્રા કરતા હોય… અને છેક સાંજે પાણી પીવે. વળી, એવા પણ જૈનો છે જે ઉપવાસ કરીને પછી તપ પણ કરતા હોય, એવું કરવું બીજા લોકો માટે અઘરું છે.

આ સંશોધનમાં એવું જોવામાં આવ્યું હતું કે કાલાંતરે એ (જૈન) લોકોના genesમાં જ એવા પરિવર્તનો થઇ ગયા હતા કે વારે-વારે પ્રયત્નો કરતાં-કરતાં એમના શરીર થોડા દિવસો માટે પાણી-ખોરાકના અભાવમાં પણ ટકી શકે એવા થઇ જાય. વર્ષો-વર્ષ અભ્યાસ કરતાં રહેવાથી કે, પછી બે-ચાર જન્મો દરમિયાન પણ આવા પ્રયત્નો કરતા રહેવાથી એમના જીનેટિક બંધારણમાં જ એવા પરિવર્તનો ધીમે-ધીમે થતાં જાય છે. અને તમે પણ જાણતા હશો કે આકરા ઉપવાસો, આકરી તપસ્યા કાંઈ એક જન્મમાં ના થઇ શકે… એ સાધકના તો કેટલા જન્મો થયા હોય જેમાં એ જાતના પ્રયાસો કરવાથી એના શરીરની આંતરિક રચનાની બદલાવની પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે કાળાંતરે એ જાતની એના શરીરની રચના થઇ હોય.

હું એક વખત ગોધરાના જંગલમાં ગયેલો, ત્યાં મારી સાથે જંગલ ખાતાના અધિકારી હતા, એ મને બધું બતાવતા હતા. ફરતા-ફરતા અમે એમની નર્સરી જોવા આવ્યા, મેં જોયું તો ત્યાં જે છોડો હતા એ અડધા સૂકાઈ ગયેલા, કરમાયેલા જ હતા, ભાગ્યે જ કોઈ છોડ લીલો હતો. આપણે શહેરોમાંની નર્સરી જોઈએ તો દરેકે-દરેક છોડ લીલા હોય, પૂર્ણ રીતે ખીલેલા હોય, એ બધાંને આવશ્યક એવા ખાતર-પાણી, માવજત વિગેરે બધું અપાતું હોય. તો મેં એ અધિકારીને પૂછ્યું ‘‘આ બધા છોડોને પાણી કે માવજત બરાબર નથી અપાતાં?’’ તો એમણે કીધું કે  ‘‘સ્વામીજી, આ બધા છોડોને જાણીજોઇને ઓછું પાણી આપીએ છીએ, ખાતર નથી આપતા કેમ કે એ છોડોનો ઉછેર જંગલમાં થવાનો છે.’’

હવે જે માણસ જંગલમાં ઉછર્યો હોય એ જ માણસ જંગલમાં રહી-ટકી શકે. શહેરોમાં રહેનારા લોકો તો AC, અનૂકૂળ વાતાવરણમાં રહેતા હોવાથી જંગલમાં જીવી કે ટકી ના શકે. આમ, એ માણસના શરીરની રચના જ ધીમે-ધીમે એ રીતની થઇ ગઈ હોય કે જે એના કામને-કાર્યને અનુરૂપ હોય; એક બિઝનેસમેન હોય તો એનું શરીર, મન બધું એના બિઝનેસને અનુરુપ થઇ ગયું હોય.

આ જ વાતને આપણે કોઈ એક સંસ્કૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એક સમય (૧૯૧૭ પછીનો સમય) એવો હતો કે જયારે સામ્યવાદી વિચારધારાએ (communism) ભૌતિકવાદ (capitalism)ને એટલું બધું પડકાર્યું હતું કે દુનિયાના લગભગ અડધા જેટલા દેશો એ સમયે સામ્યવાદી થઇ ગયા હતા; એ વખતનું આખું વિશાળ રશિયા (થોડા દાયકાઓ પહેલા એ જ રશિયા તૂટીને જુદાં-જુદાં, નાના-નાના દેશોમાં પરિવર્તિત થઇ ગયું છે); એની સાથે આજુ-બાજુના દેશો, ખાસ કરીને યુરોપમાંના ઘણા દેશો – રોમાનિયા, ચેકોસ્લોવેકિયા, બુલ્ગેરિયા, (તે વખતનું પૂર્વીય) જર્મની જેવા ઘણા દેશો communist બની ગયા હતા. આજે એકવીસમી સદીમાં વિશ્વભરમાં capitalismની જ બોલબાલા છે; અને તેથી આજે માત્ર પાંચ જ દેશો communist રહી ગયા છે – ચીન, ઉત્તર કોરિયા, વિયેતનામ, ક્યુબા અને લાઓસ. પહેલાના વિશાળ USSR કે જ્યાં communism ઉદ્ભવ્યું હતું, ૧૯૯૧માં એ તૂટ્યું અને ૧૫ દેશોમાં વિભાજીત થઇ ગયું; આજે જે રશિયા છે તે એક અલગ દેશ છે, અને હવે તો ત્યાં પણ communism નથી રહ્યું.

Communist દેશની દરેકે-દરેક વસ્તુઓ અને ધંધાઓ ઉપર સરકારની જ માલિકી, મોટા-મોટા કારખાના હોય એ પણ સરકારના જ; ત્યાં બધું કામ સરકાર જ કરતી હોય, લોકોને જીવન-જરૂરીયાતની બધી જ વસ્તુઓ પણ સરકાર આપે, અને સ્વતંત્રતા માત્ર નામની કહી શકાય એવી, તેથી વ્યક્તિગત રીતે લોકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઉભો કરવાની આવડત કે ખબર પણ ના હોય, અને જો કોઈને હોય તો એને છૂટ પણ ના હોય. આ જ કારણે સામ્યવાદી દેશોમાં જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ તેટલો નથી થઈ શક્યો, રશિયાનો પણ નહીં.

ચીને હોંશિયારી વાપરી; સામ્યવાદી વિચારધારા યથાવત્ રાખી છે, પણ સાથે-સાથે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પણ આપ્યું…પરિણામે આજે ચીન એટલું સમૃદ્ધ અને શક્તિશાળી થઇ ગયું છે કે તે હવે અમેરિકાને પણ ધમકાવે છે, ભારતને પણ ધમકાવે છે!

આ બધામાં મને એક વિચાર એ પણ આવ્યો કે ભારત આજથી વીશ વર્ષો પહેલા કેવો દેશ હતો? એમાં ત્યારે માત્ર બે-જ મોટા કહી શકાય એવા ઉદ્યોગ-ગૃહો (બિઝનેસ ફેમિલી) હતા – ટાટા અને બિરલા; એ સમયના ૧૦૦ દેશોમાં ભારતનું ક્યાં’ય નામ પણ ન્હોતું, કે ના તો અહીંના ઉદ્યોગપતિઓના નામ આગલી હરોળમાં હતાં.

આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે, માત્ર છેલ્લા ૨૦ વર્ષોમાં જ અહીંના ઉદ્યોગજગતમાં ઘણો બદલાવ આવી ગયો છે, પહેલા જે સરકારી પકડ હતી એ હવે ઢીલી થઇ છે, ઉદ્યોગ-વેપારને ઘણી છૂટ મળી છે… તેમ છતાં, ઉદ્યોગ-વેપારી જગતને અમેરિકામાં મળે છે એટલો સપોર્ટ આપણે ત્યાં હજુ નથી મળતો, હજુ પણ બાબુશાહી તો છે જ તે ત્યાં સુધી કે અહીંનો કરોડપતિ પણ જો ઇન્કમટેક્ષના અધિકારી પાસે જાય તો એને એ લોકો ચોર છે એ પ્રમાણે ટ્રીટ કરે, જાણે કે એ ચોર છે, અહીં સરકારી તંત્રમાં બિઝનેસમેનને મોટેભાગે ચોર જ માનવામાં આવે છે.

હું એક વખત અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં ગયો હતો; ત્યાંની એક countyના એક વેપારી ભાઈના ૪-૫ સ્ટોર હતા એને ત્યાં ભિક્ષા હતી. એમને ઘરે ભિક્ષા માટે ગયો અને વાત નીકળી ત્યારે એમણે કહ્યું કે એમને થોડા દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફીસમાંથી આમન્ત્રણ હતું – President જ્યોર્જ W બુશ સાથે લંચ લેવાનું આમંત્રણ!! એમની સાથે એ દિવસે ૫૦૦-૬૦૦ લોકો President Bush સાથે લંચ કરવા જોડાયા હતા!!

મેં એ ભાઈને પૂછ્યું કે તમે એવું તે શું કર્યું કે તમને President Bush તરફથી લંચનું આમંત્રણ મળ્યું? તો એ ભાઈ કહે કે એ જે countyમાં રહે છે ત્યાં જુદી-જુદી જગ્યાએ એના નાના-નાના સ્ટોર છે, અને એ countyમાં એણે સૌથી વધારે ટેક્ષ ભર્યો છે; કહે, એના બિઝનેસની સાઈઝના પ્રમાણમાં એણે સૌથી વધારે ટેક્ષ ભર્યો છે.

અમેરિકાની એક county એટલે આપણે ત્યાંના રાજ્યના એક જીલ્લાનો વિસ્તાર કહી શકાય. હવે વિચાર કરો કે એક નાની countyના એક નાના સ્ટોર માલિકે સૌથી વધારે ટેક્ષ ભર્યો તેથી ત્યાંના પ્રેસિડેન્ટ સાથે લંચ લેવાનું આમંત્રણ મળ્યું!! આપણે ત્યાં આવો વિચાર જ ના કરી શકાય; આપણે ત્યાં સરકારી બાબુઓ તો બિઝનેસમેનને ચોર જ માને, તેથી નાના કે મોટા વેપારી-ઉદ્યોગપતિઓને બિલકુલ પણ આ પ્રમાણેનું પ્રોત્સાહન નથી મળતું. અને આવું વાતાવરણ છતાં જો તમારે કોઈ ફેક્ટરી ઉભી કરવી હોય તો એને લગતા દરેકે-દરેક ડિપાર્ટમેન્ટવાળા મદદને બદલે સ્પીડ-બ્રેકરનું કામ કરતા હોય. તમારે માત્ર કોઈ ઇલેક્ટ્રિક ક્નેક્શન જોઈતું હોય તો એ મેળવતા મહિનાઓ નીકળી જાય; બેંક પાસેથી લોન લેવી હોય તો કામ તો બે-પાંચ કલાકો કે એક-બે દિવસનું જ હોય, પણ ક્યારેક તો લોન મળતા પણ મહિનાઓ નીકળી જાય… અને જયારે લોન pass થાય, મળે છે, ત્યારે એ પણ અડધી-પડધી જ હોય, લોન માંગી હોય એટલી તો મળે જ નહીં, બાબુઓના કમીશન કપાઈને મળે.

અમેરિકાની સરકાર એના વેપાર-ઉદ્યોગ જગતના લોકોને સારી રીતે સાચવતી હોય છે, જયારે આપણે ત્યાં સરકારી તંત્ર વેપાર-ઉદ્યોગ જગતને સપોર્ટ કરવાને બદલે મોટે ભાગે સ્પીડ-બ્રેકરનું કામ કરતું હોય; આવા વાતાવરણમાં પણ છેલ્લા ૧૫-૨૦ વર્ષોમાં અહીંના ઉદ્યોગ-જગતના લોકો દુનિયાભરમાં આગળ આવતા થઇ ગયા છે; તેઓ હવે અમેરિકાની નાની IT કંપનીઓ પોતાના હસ્તક લેવા માંડ્યા છે; એકાદ-બે કંપનીઓ ફાર્માની પણ છે જે ભારતના લોકોએ ખરીદી લીધી છે; ફ્રાંસની મોટા ભાગની ટેકસટાઇલ મિલ્સ ભારતના લોકોએ ખરીદી લીધી છે…અને આ બધું થયું છે માત્ર છેલ્લા બે દાયકાઓમાં!

તમને કદાચ યાદ હશે કે ભારતમાં ૨૦-30 વરસો પહેલાં એવી પરિસ્થિતિ હતી કે જો કોઈએ રેડિયો પણ રાખવો હતો, તો એ માટે લાઇસન્સ લેવું પડતું હતું; સાઈકલ લેવી હોય તો પણ એનું લાઇસન્સ લેવું પડતું હતું; ત્યાર પછી સરકારી તંત્રએ દરેક ઉદ્યોગ ક્ષેત્ર માટે quota પદ્ધતિ દાખલ કરી હતી, જેને કારણે કોઈ પણ ઉદ્યોગમાં અમુક આંકડાઓથી વધારે કોઈ પણ વસ્તુ બનાવી ન્હોતી શકાતી. સ્કૂટર લેવું હતું તો ચાર વર્ષ પહેલા નોંધાવીને રાહ જોવી પડતી; વિદેશી ચલણ જો કોઈની પાસે હોય તો એને તો જેલમાં જ મૂકી દે’તા. ત્યારે તો સરકારે જ ધંધાર્થીઓના હાથ બાંધી રાખ્યા હતા.

આજે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર જ કહે છે ‘‘વિદેશી ચલણ લાવો, વધુ લાવો’’, સરકારે આવું છ દાયકાઓ પહેલા કેમ ના કીધું? સરકારે જો ત્યારે ઉદ્યોગોને આવી બધી છૂટ આપી હો’ત તો કેટલું સારું થયું હોત?

આ દેશ અને એની સામાજીક વ્યવસ્થા જ એવી હતી કે હજારો વર્ષોથી એક કોમ છે એ માત્ર વેપાર-ધંધા-ઉદ્યોગો જ કરે. એ જાતિનું લોહી, એમનો સમાજ જ ધનોપાર્જન માટે જાણીતો છે જે એમની અટક (surname) પરથી ઓળખાય છે – માહેશ્વરી, અગ્રવાલ, શાહ, બીજી એક-બે અટકવાળા લોકો માત્ર બિઝનેસ જ કરતા આવ્યા છે; બીજી એક કોમ છે જે માત્ર વેદાધ્યયન જ કરતી હોય, બીજું કશું જ ના કરતી હોય; એક વર્ગ એવો પણ છે જે માત્ર સંગીતમાં પારંગત હોય (જેને આપણે ‘ઘરાના’ તરીકે જાણીએ છીએ); પછી એક વર્ગ એવો છે જે યુદ્ધ કરવામાં આગળ હોય, એ માત્ર યુદ્ધ જ કરે, એના લોકો યોદ્ધા જ હોય.

દરેક કાર્યની કુશળતા કેળવવાથી આવતી હોય, એના જે ગુણો છે, એના જે characters છે એ બધું એ વ્યક્તિમાં આવી જતું હોય છે – વેપાર-ધંધાની કુનેહ, ક્ષાત્ર બળ, વેદોમાં પારંગતતા, વિગેરે જે છે એ કાળાંતરે, જન્માંતરે લોહીમાં આવી જતા હોય; પછી, એના genes એ પ્રમાણે develop થતાં હોય છે, એના મન અને શરીર એ પ્રમાણે વિકસતા હોય. તો, આવી સામાજીક તાકાત દુનિયાના કોઈ દેશ પાસે નથી.

આપણા ઋષિઓએ મનુષ્યના મન, કાર્ય-શક્તિને ચાતુરવર્ણાશ્રમમાં એવી વ્યવસ્થિત રીતે ગોઠવી હતી કે લોકોની અંદર પોતાની ઈચ્છાના ક્ષેત્રમાં પારંગતતા આવે; એ પછી સમાજમાં પણ એ પ્રમાણેની પારંગતતા આવતી જાય; સુથાર હોય, તો એ પ્રમાણેના કામ વિદ્યાર્થીને ગુરુકુળમાં શિખવાડવામાં આવતું કેમ કે એને એ પ્રમાણેનું શરીર મળ્યું હોય… પછી એને એ કામ કરવું સહેલું થઇ જાય.

પછી એને એના કાર્યને અનુરૂપ વાતાવરણ પણ મળતું હોય; સંગીતકાર હોય તો સંગીતકારને ત્યાં તો બધાં સાધનો પડ્યા હોય, વાર-તહેવારે, એમને-એમ પણ ત્યાં ગાયન-વાદન ચાલતા હોય… તો, આવનારું બાળક ગર્ભથી જ સંગીતના વાતાવરણમાં રહેતું હોય.

મારા ગુરુજીએ એક વખત એમનો અનુભવ કહ્યો – તેઓ જયારે એમના ગુરુ એટલે કે પૂ. સ્વામી શિવાનંદજીના આશ્રમમાં રહેતા હતા ત્યાં જોડે એક વેદ પાઠશાળા હતી, એમાં વિદ્યાર્થિઓ રહેતા અને વેદપાઠ, વેદાધ્યયન વિગેરે કરતા, અને સાંજે ઘરે જતા રહે. ત્યાં એ પાઠશાળામાં થોડી ચોરીની બીક હતી, એટલે ત્યાંના આચાર્યએ પુ. સ્વામી શિવાનંદજીને કીધું કે તમારા કોઈ શિષ્યને કહો ને કે રાત્રે અમારે ત્યાં આવી સુઈ જાય, તો અમારી પાઠશાળા સચવાઈ જાય. તો પૂ. સ્વામી શિવાનંદજીએ ત્યાં એ પાઠશાળામાં રહેવાની સેવા મારા ગુરુજીને આપી, કે ભઈ, તું રાત્રે ત્યાં રહેજે.

થોડા દિવસ પછી શિવાનંદ આશ્રમમાં વેદ પાઠનો કાર્યક્રમ હતો; જયારે વેદપઠન ચાલતુ હતું ત્યારે ગુરુજીને એવું લાગ્યું કે આ પાઠ તો હું જાણું છું, એનો મને અનુભવ છે, એવું  કહે, પણ એવું કેવી રીતે થયું તે એમને સમજાયું નહીં, કેમ કે આ પાઠ તો મેં ક્યાય સાંભાળ્યા નથી. એમણે આચાર્યને પૂછ્યું, તો એમણે સમજાવ્યું કે ‘‘તમે રાત્રે પાઠશાળામાં જાગતા હો, પણ પછી જયારે વિદ્યાર્થીઓ અહીં સવારના ચાર વાગ્યે આવતા ત્યારે તમે સુઈ જતા હતા, અને અમે વેદ-પાઠ કરતા; તો, ઉંઘમાં તમારી અંદર જે પાઠના સંસ્કારો પડ્યા છે એના લીધે તમને એવું થાય છે કે તમે એ સાંભળ્યા છે.’’

તમને કદાચ ખ્યાલ હશે કે વિદ્યાર્થીને ઉંઘાડીને શિક્ષણ આપવાના પ્રયોગો થયા છે, અને એ પ્રયોગો ખૂબ સફળ પણ રહ્યા છે. બાળકને ઉંઘાડીને જે શિક્ષણ આપવું હોય એ આપો. યોગનિદ્રામાં અથવા હિપ્નોસિસમાં, કે પછી ટ્રાન્સમાં લઇ જઈને એને શિક્ષણ આપો, તો એની આજુ-બાજુ જે થતું હોય એ બધું જ એની અંદર જતું હોય. ત્યાનું આખું વાતાવરણ એવું હોય કે એનો જે પિતા છે એને અનુરૂપ એ વાતાવરણ આખું મળ્યું હોય, અને વાતાવરણમાં માત્ર એ જ વસ્તુ નહીં, દરેક વસ્તુ, ત્યાં થતી પ્રવૃત્તિઓથી પણ એ વાતાવરણ charged હોય. આ વાતને સમજજો.

આપણે પહેલા પણ આ દ્રષ્ટાંતની વાત કરી હતી કે માનો કે હું મારો નેપકીન (જે વાપરતો હોઉં તે) ક્યાંક ભૂલી જઉં છું, અને ૧-૨ કિ.મી. દૂર જતો રહું છું. હવે એ નેપકિનને આધારે કોઈ કુતરું કે હાથી એને સુંઘીને મારી પાછળ-પાછળ આવી, મારા સુધી પહોંચી જાય છે. આનો મતલબ શું? એ જ કે મારા વપરાયેલા નેપકિનમાં એવું કાંઇક ‘તત્ત્વ’ છે જે માત્ર ને માત્ર મારું જ છે; જેમ કે મારી ફિંગરપ્રિન્ટ, જે મારી જ હોય, મારા જેવી ફિંગરપ્રિન્ટ બીજા કોઈની ના હોય.

આવી જ રીતે વાળનું હોય, genesનું હોય એ જે-તે વ્યક્તિના જ હોય, એના જેવું બીજાનું ના હોય. નેપકિનને સુંઘીને કુતરું મારા સુધી પહોંચી શકે એનો અર્થ જ એ કે એમાં ઓળખી શકાય એવું જે પણ છે એ મારું જ છે, જો એવું ના હોય તો કુતરું મારી જ પાસે આવે, બીજા કોઈ પાસે કેમ ન ગયું?

વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો એવું કહી શકાય કે એ જે મારું જ તત્ત્વ એ નેપકિનમાં છે એને જો લેબોરેટરીમાં કોઈ ઉપકરણો દ્વારા તપાસવા કે શોધવા જઈએ તો એ મળશે નહીં; એ તપાસમાં એ પણ ખબર નહીં પડે કે એ નેપકિન મારો છે, કે તમારો કે બીજા કોઈનો, પણ કુતરું કે હાથી જેવા પ્રાણી એ ‘તત્ત્વ’ને સમજી શકે છે, પારખી શકે છે.

હવે, હું નેપકિન ભૂલીને જે રસ્તેથી આવ્યો હોઉં, જે-જે જગ્યઓથી હું પસાર થયો છું તો એ તો માત્ર ૨-૪ સેકન્ડમાં જ ત્યાંથી પસાર થઇ ગયો હોઉં, તે છતાં મારી જે વિશેષતા છે એ દરેક જગ્યાઓમાં પણ સંગ્રહાઈ જાય છે – રસ્તા ઉપર, ત્યાંના પત્થરોમાં, ઝાડ-પાનમાં, ઘાસમાં, આ બધાંમાં મારી જે વિશેષતા છે એ બધાંમાં સંગ્રહાઈ જાય છે. તાત્ત્વિક રીતે જોવા જઈએ તો આ દરેકે-દરેક વસ્તુઓ witness બની કહી શકે કે હા, આ ભાઇ અહીંથી પસાર થયો છે. અને આવું બને છે ત્યાં એ જગ્યાઓમાં મારી થોડા સમય ની જ ઉપસ્થિતિ માત્રથી!! જો હું એ (કે અન્ય કોઈ પણ) જગ્યામાં વર્ષો રહ્યો હોઉં તો ત્યાંની દરેકે-દરેક વસ્તુઓ ત્યાં મારી ઉપસ્થિતિના witness નહીં બની શકે? બધાંય witness બનશે, અને પોતાની વાત ‘કહેશે’.

આ દિશામાં વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે, હજુ શોધ અઘૂરી છે, શોધ પૂરી થશે તો એવું પણ ખબર પડશે કે ત્યાં રહેનાર વ્યક્તિ ડોક્ટર (કે અન્ય કોઈ – વૈદ્ય, ગાયક કલાકાર, નૃત્યકાર…) હતી, એ ત્યાંના કપડા કહેશે, ત્યાંની ખુરશીઓ કહેશે, દીવાલો અને માટી પણ કહેશે… એક-એક વસ્તુઓ પાસે જે પણ કાર્ય થતું હોય, એ વસ્તુ એવી રીતે એ પ્રમાણે charged થઇ હોય. આ વાતને આધારે કહી શકાય કે બાળકને એના પૈત્રિક વ્યવસાય ચાલુ રાખવામાં સરળતા હોય છે, એને જે શરીર, ઘર, વાતાવરણ મળ્યા હોય એ પ્રમાણેની કુશળતા વધી શકે; તેમ છતાં કોઈ લલિત કળાના અભ્યાસુના હાથમાં તમે બંદુક આપી દો તો એનું મન એવું રહેશે?

(આ સંદર્ભમાં એક નવી કહી શકાય એવી વાત છે કે અમેરિકામાં ૨૦૧૬ ના ગાળામાં મિશિગનની એક countyમાં એક પત્નીએ એના પતિને ગોળી મારી હત્યા કરી હતી; મરતાં પહેલા પતિ કરગરી કહેતો હતો કે મને મારતી નહીં – ‘don’t shoot’. શક્ય છે કે આ વારદાતના સમયે ત્યાં કોઈ હાજર ના હોય એટલે કોઈ witness પણ ના હોય; પરંતુ, વારે-વારે બોલાયેલા આ શબ્દો ‘don’t shoot’ એ લોકોના પાળેલા આફ્રિકન પોપટે સાંભળ્યા હતા, અને એ બેનને જોઇને ફરી-ફરી એ શબ્દો બોલતો હતો. એ સ્ત્રીને સજા માટે કોર્ટમાં લાવવામાં આવી, અને witness તરીકે એના પોપટને પણ કોર્ટમાં ‘હાજર’ કરવામાં આવ્યો. ત્યાંના વકીલ સમુદાયના સભ્યો ચર્ચા કરતા હતા કે શું પોપટને આમ witness તરીકે લાવી શકાય? શું એના દ્વારા ઉચ્ચારાયેલા ‘શબ્દો’ કાયદાકીય રીતે સજા આપવા માટે કોર્ટમાં માન્ય ગણી શકાય?  (Parrot may be used as witness in murder trial after repeating ‘dont shoot’https://www.telegraph.co.uk/news/2016/06/28/does-parrots-foulmouthed-squawk-hold-key-to-murder-case/) આ વાતનો ખુલાસો મળી શક્યો નથી.)

મને યાદ છે કે એક વખત હું ક્યાંક બેઠો હતો, અને બાજુમાં એક બહેન પણ બેઠાં હતાં, એ જૈન બહેન હતાં. ક્યાં’કથી ત્યાં એક મચ્છર આવ્યું, મને કરડવા લાગ્યું, તો મેં એને ટપલી મારી, અને એ મરી ગયું. આ જોઇને એ બહેને તો બંને આંખો પર હાથ મૂકી ૨-૩ મિનિટ સુધી ધ્રુજતા રહ્યા!! મને થયું કે મેં ગુનો કર્યો છે, મારે એ મચ્છરને એમની સામે ન્હોતું મારવું જોઈતું હતું.

હવે વિચાર કરો, આવી માનસિકતાવાળા લોકો જો જરૂર પડે તો લડી શકે ખરાં? બંદુક લઈને દુશ્મનને મારી શકશે? અને યુદ્ધમાં જયારે સૈનિકની બંદુકમાંની ગોળીઓ ખલાસ થઇ જાય ત્યારે બંદુકના નાળચામાં રખાયેલી બેયોનેટ (નાની છરી જેવું સાધન)થી મારતા હોય છે; આવશ્યક હોય ત્યારે બેયોનેટથી પણ લડાઈ થતી હોય છે, સૈનિક એની બેયોનેટ જ દુશ્મનના પેટમાં હુલાવી દે, તલવાર હોય તો એ ચલાવી દે…દુશ્મન ચીસો પાડતો હોય, કરગરતો હોય, તો પણ સૈનિક એનું ગળું કાપી નાંખે. તો, એક નાના, સામાન્ય મચ્છરથી જેને તકલીફ થતી હોય તો એ વ્યક્તિ આવશ્યકતા પડે ત્યારે આવું કરી શકશે?

તો, બાળક કે વ્યક્તિની માનસિકતા વિરુદ્ધનું શિક્ષણ, કાર્ય, જોબ કે કોઈ પણ કામ હોય એ એને આપવામાં આવે તો એ જોઈએ તેટલું સારી રીતે નહીં કરી શકે, એટલો એ સફળ નહીં થાય. આને શાસ્ત્રમાં કર્મ-સંકર કહે છે, વર્ણ-સંકર કહે છે, અને તેથી ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ‘જેનું કામ તે તે કરે.’ એટલે, બાળકને એના પિતાના જેવું શરીર, વિચાર, કાર્ય-ક્ષેત્ર, કુનેહ મળ્યા હોય, એ પ્રકારનું વાતાવરણ મળ્યું હોય તો એને એવું શિક્ષણ આપવામાં આવતું જેનાથી એની કાર્યકુશળતા વધે, એને એ કાર્ય કરવામાં આનંદ પણ આવે, એ કામ સહેલાઇથી અને સારી રીતે કરી શકે.

હવે, એક બીજી વાત સમજવાની કે મને સંગીત ગમે છે, હું સંગીત શીખું છું, સંગીત મારી આરાધના છે, મારી કળા છે. હવે તમે જે થોડું-ઘણું સંગીત જાણતા હો તો તમને એવું લાગે છે કે એક જન્મમાં તમે સંગીત વિષે, બધું જાણી શકશો? તમને એવી ખાતરી છે કે તમે એક જ જન્મમાં સંગીત વિષે બધું જ જાણી લેશો?

માનો કે તમારું ક્ષેત્ર ગણિતનું છે, તો શું તમે એક જ જન્મમાં એ વિષય વિષે બધું જ જાણી શકશો? ટેકનોલોજી હોય તો એ વિષે એક જ જન્મમાં બધું જાણવું શક્ય છે? ના, કોઈ પણ ક્ષેત્રનું બધું જ્ઞાન એક જ જન્મમાં મેળવવું શક્ય જ નથી.

કોઈ પણ ક્ષેત્રના જ્ઞાનને મેળવવા માટે જન્મો-જનમ એ ક્ષેત્રમાં લાગેલા રહો તો તમે એ ક્ષેત્રમાં આગળ વધતા હો એવું બનતું હોય છે. સંગીતની વાત કરીએ તો કેટલા જન્મોમાં માત્ર સંગીતની જ સાધના કરતા તમે આવ્યા હો, જન્મો-જનમની સાધના પછી તમે એ ક્ષેત્રમાં ક્યાં-થી-ક્યાં, ઘણા-ઘણા આગળ જઈ શકો છો.

આજના શિક્ષણ અને જીવન પદ્ધતિની વાત કરીએ તો તમે વિચાર કરો કે તમે પાંચ વર્ષ મેડિકલનું ભણી, પાંચ વર્ષ પ્રેક્ટિસ કરો; પછી, વકીલ બનો, વકીલાત કરો, પછી, પાંચ વર્ષ કોઈ દુકાન ચલાવો, પછી બીજો કોઈ ધંધો કરો… તો તમે શેમાં સફળ થઇ શકશો? અને જો તમે કોઈ એક જ ક્ષેત્રમાં પૂરી લગનથી આખી જીન્દગી કામ કરો તો એ ક્ષેત્રમાં તમે સફળ થશો?

કોઈ એક ડોક્ટર છે, એ થોડો વખત આંખની પ્રેક્ટિસ કરે, પછી કાનની પ્રેક્ટિસ કરે; પછી ગરદનની, પછી પેટની.. તો,એવો ડોક્ટર સફળ થશે કે એ ડોક્ટર જે કોઈ એક જ ક્ષેત્રમાં કામ કરતો હશે એ ડોક્ટર સફળ થશે?

જો કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે જન્મો-જનમની સાધના કરવી પડતી હોય તો બાળકને પણ એના ક્ષેત્રમાં સફળતા માટે એને એવી તક મળવી જોઈએ કે એને બીજા જન્મોમાં પણ એને ગમતા ક્ષેત્રમાં (દા.ત. સંગીતમાં) સાધના કરી શકે એ પ્રમાણેનું શરીર-મન-બુદ્ધિ વિગેરે મળે; જો એ લડવૈયો, યોદ્ધા હોય તો એને ક્ષત્રિયનું કુળ અને એવું શરીર મળે. તો, આ રીતે જીવનમાં કોઈ પણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા લાવવાની પદ્ધતિસરની જે શક્યતા છે એ શક્યતા ભારતમાં જેટલી હતી, એટલી બીજે ક્યાંય ન્હોતી, બીજે ક્યાંય એ શક્યતા જ નથી.

આપણા ઋષિઓએ એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી કે એનો જન્મ એની ઈચ્છા-ક્ષેત્રના ઘરમાં મળે, જો સંગીત ગમતું હોય, એમાં સાધના કરી હોય, તો એને સંગીતકારને ત્યાં જ જન્મ થાય. કેમ? તો જ્યાં એનો જન્મ થતો હોય તો ત્યાં એને એ જાતનું વાતાવરણ હોય, એ જાતના લોકો આજુ-બાજુ હોય, એને કારણે એના ઈચ્છિત ક્ષેત્રમાં એનું મન, એની ઈચ્છાઓ, એની વાસનાઓ એ પ્રકારની નિર્માણ થતી હોય, ત્યાં એને એના ક્ષેત્રમાં પુષ્ટિ મળતી હોય… અને એ એના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાના માર્ગે આગળ વધી શકે એવા ઘરમાં એનો જન્મ થતો હોય.

મેડિકલ જગતમાંનું એક સરસ પુસ્તક છે Many Lives Many Masters, લેખક Dr. Brian Weiss, જાણીતા મનોચિકિત્સક અને પાછલા જન્મોના ક્ષેત્રના નિષ્ણાત. આ પુસ્તકમાં કેથરિન નામની એક યુવતીની કથની, એની માનસિક વ્યાધિઓની સારવાર માટેના ડોકટરના પ્રયોગોની વાત છે. કેથરિન પોતાની અકથ્ય એવી અકારણ ઉદ્વેગ, વ્યગ્રતા, સંભ્રમ (anxity)ની ફરિયાદ લઈને ડોક્ટર પાસે એના નિદાન માટે આવે છે. ડોકટરે એના ઉપર હિપ્નોસિસ દ્વારા અમુક રિગ્રેશનના પ્રયોગો કર્યા જેના દ્વારા કેથરિનને એના એંસી (૮૦) જેટલા પાછલા જન્મો સુધીની સ્મૃતિઓ જાગૃત થઇ, એંસી જન્મોની સ્મૃતિઓ! એની બધી સ્મૃતિઓનું ડોકટરે અધ્યયન કર્યું ત્યારે એમને સમજાયું કે એમાં ૫૦-૧૦૦ જેટલા આત્માઓનું ગ્રુપ હોય છે, અને એ ગ્રુપ દરેક જન્મોમાં લગભગ સાથે હોય છે.

ચિકિત્સા દરમિયાન, ડોક્ટરને એક વાત તો એ સમજાઈ કે કેથરિનની કોઈ બહેનપણી છે, જે થોડા જ દિવસોમાં બહુ નિકટ આવી ગઈ; કેથરિનની સ્મૃતિઓ પરથી ડોકટરને એ પણ સમજાયું કે એ બંને યુવતીઓ આગલા જન્મમાં બહેનો હતી. બીજી વાત – આ જન્મમાં કેથરિનને એક છોકરો બહુ હેરાન કરતો હતો; તપાસ કરતા ડોક્ટરને સમજાયું કે કેથરિનને કેટલાંક જન્મો પહેલા એ યુવકે મારી નાંખી હતી. આવી વાતો ઉપરથી એ પણ સમજાય કે અમુક આત્માઓ બે-પાંચ જન્મો, કે વધારે પણ સાથે-ને-સાથે જ ચાલતા હોય.

આ ઉદાહરણ ઉપરથી એ સમજી શકાય છે કે જો કોઈને પોતાને ગમતા ક્ષેત્રમાં બીજો-ત્રીજો જન્મ મળે તો એ ક્ષેત્રમાં એના પ્રયાસો, એની સાધના સારી થઇ શકે, અને એ ક્ષેત્રમાં એ આગળ વધી શકે. જો એ સંગીતકારને ત્યાં જનમ્યો હોય, તો સંગીત અનુરાગી કુટુંબ હશે, ત્યાં એને અનુકૂળ વાતાવરણ હશે…તો એને સંગીતકારને ત્યાં જ ફરી જન્મ મળે એવી શક્યતા વધારે હોય.

એક સ્વામીજી હતા, સ્વામી આત્માનંદજી; એમના મિત્ર હતા Mr Roy. ક્યારેક-ક્યારેક આ Mr Roy એમના પત્ની સાથે સ્વામીજીને મળવા ખંભાત આવતા. Mrs Royને 6th સેન્સનો થોડો ખ્યાલ, એટલે એ સામેવાળી વ્યક્તિને જુએ તો એના વિષે ઘણું કહી શકે, એ વ્યક્તિના પાછલા જન્મની વાત પણ કહી શકે. તો, સ્વામીજી વિષે એમણે કહ્યું કે તમે પહેલા બૌધ સાધુ હતા, બુદ્ધિસ્ટ સાધુ હતા, અને એક વખત તેઓ (સ્વામીજી) હિમાલયના પહાડના વિસ્તારમાં ચાલતા હતા ત્યારે એક મોટો પથ્થર એમના ઉપર પડવાથી એમનું મૃત્યુ થયેલું.

હવે એ બહેને પોતાના વિષે વાત કરતા કીધું કે આ જે મારા પતિ છે એ ગયા જન્મમાં મારા કાકા હતા; અમારી બંનેની ઉમર લગભગ સરખી હતી, એટલે એમને મારા માટે થોડું આકર્ષણ હતું… અને આ કારણે આ જન્મમાં અમે પતિ-પત્ની થયા.

એટલે, જે વાતાવરણમાં આપણે રહેતા હોઈએ, જે કુટુંબ-પરિવારમાં રહેતા હોઈએ, જે પરિવેશમાં રહેતા હોઈએ એવી જ ઈચ્છાઓ, એવી જ વાસનાઓ આપણી અંદર જન્મ લેતી હોય, અને એને હિસાબે પછી એને બીજો જન્મ મળે, એને અનુરૂપ જન્મ મળે.

આ બધી વાતો ઉપરથી તમે કલ્પના કરો કે જો કોઈ ૧૦ જન્મોથી સંગીતની સાધના જ કરતો હોય તો એ સંગીતની કઈ સીમાને સ્પર્શ કરશે? તમે ધ્યાન આપ્યું હશે કે કેટલાંક બાળકો માત્ર ચાર વર્ષની ઉંમરે આખી ગીતા બોલી જતાં હોય; ઉપનિષદના શ્લોકો બોલતા હોય; કોઈ ચાર કે સાત વર્ષનું બાળક હોય અને એની મેમરી એટલી તીક્ષ્ણ હોય તો એ mathematicsના ક્ષેત્રમાં ઘણું બધું જાણતો હોય. કોઈ લય-બદ્ધ સરસ રીતે વેદપાઠ કરતા હોય તો એવું કરવું એક જન્મમાં શક્ય નથી, એ વ્યક્તિ કેટલા જન્મોથી વેદપાઠ-વેદાધ્યયન કરતો આવ્યો હોય ત્યારે જ શક્ય બને છે.

આમ, તમે જે ક્ષેત્ર-કળા-વિદ્યા માટે પૂર્ણ રીતે સમર્પિત છો, અને તમને કેટલા જન્મો સુધી એ અવસર આપે છે, આવી સમજ, આ અવસર માત્ર ભારતીય સંસ્કૃતિ જ આપી શકે, બીજી કોઈ સંસ્કૃતિ કે સમાજ વ્યવસ્થા એ તક ના આપી શકે.

ભારતીય સમાજ વ્યવસ્થા સિવાયની બીજી જે વ્યવસ્થાઓ છે એમાં તો આપણે કાંઈ નક્કી જ ના કરી શકીએ કે બાળક શું કરશે; મોટો થઈને શું કરશે? ત્યાર પછી શું કરશે? કશું જ નક્કી ના હોય. હવે તો બાળકો મન ફાવે ત્યાં જાય, મન ફાવે એમ કર્યા કરે… આ વાતને દરેક પાસથી વિચારજો.

જ્યારે અમુક બાળકો આજે પણ એવા હોય છે અને કહે છે કે મારે તો બસ સંગીત જ શીખવું છે. કેમ સંગીત જ શીખવું છે? તો કહેશે, ‘‘સંગીત એ મારા વડવાઓની કળા છે, અમારા કુળની કળા છે, એટલે મારે એ શીખવી છે.’’

તમને ખ્યાલ હશે કે આજથી ૨૦-૩૦ વર્ષો પહેલાં પૈત્રિક વ્યવસાય, કળા માટે બાળકોને અને વયસ્કોને પણ નિષ્ઠા હતી કે બાપ-દાદાનો ધંધો એ લોકો બદલતા ન્હોતા. ખેતી હોય તો કહે અમારા બાપ-દાદાઓ ખેતી કરતા આવ્યા છે, અમારે ખેતી જ કરવી છે… એમ કોઈ કહેશે, મારે તો બસ, સંગીત જ શીખવું છે.

પૈત્રિક વ્યવસાય સાથે એક અગત્યની વાત જોડાયેલી છે તે એ કે હું જયારે બાપ-દાદાઓના હિસાબે કામ કરું છું, તો એ વ્યવસાય, ધંધા પ્રત્યે મને કર્તવ્યની ભાવના છે એટલે કરું છું; એવું કરવું એ મારું કર્તવ્ય છે, ફરજ છે, મારી ડ્યુટી છે એટલે કરું છું. અને જયારે હું કર્તવ્યની ભાવનાથી કોઈ કાર્ય કરું છું, તો એ કર્મ સાત્ત્વિક હોય છે. કર્મ તો ત્રણ પ્રકારના હોય – સાત્ત્વિક હોય, રાજસિક હોય, તામસિક પણ હોય. એટલે, જે બધાં કર્મો કર્તવ્યભાવથી કરવામાં આવે છે – જપ-તપ વિગેરે છે એ જયારે કર્તવ્યભાવથી કરવામાં આવે છે ત્યારે એ સાત્ત્વિક કર્મ કહેવાય છે. હવે, યજ્ઞ છે, એ લોભથી થાય, લાલચથી થાય, અહંકારથી થાય તો એ રાજસિક કર્મ કહેવાય; અને ઉંધી સમજ સાથે થાય, બીજાને સતાવવા માટે થાય… એવા બધા કર્મો તામસિક કર્મો હોય.

તો જયારે હું પૈત્રિક ધંધો લઉં છું તો એમાં કર્તવ્ય બુદ્ધિ આવે છે, અને જો હું બીજો કોઈ ધંધો-કર્મ લઉં છું, કરું છું તો એમાં લોભ વૃત્તિ આવે છે. જે ક્ષેત્રમાં વધારે પૈસા મળે એમાં જવું – અત્યારે યુવાનો માટે IT ક્ષેત્ર બહુ આકર્ષક લાગે છે, ITમાં વધારે પેકેજ છે તો બધાંય ITના કૂવામાં જ પડે. થોડા વર્ષો પહેલા civilનો જમાનો હતો, ક્યારેક મિકેનિકલનો જમાનો હતો… તો, સમાજમાં આવી ૩-૪-૫ ફેકલ્ટી સિવાય બીજું કશું દેખાય જ નહીં. આ બધાંનો હેતુ શું? કે પૈસા ક્યાં વધારે મળે છે.

એટલે, આજનું એજ્યુકેશન પૈસાને હિસાબે છે, શિક્ષણ જે છે એનો આધાર માત્ર પૈસા જ છે; જયારે, પુરાતન ભારતના ગુરુકુળના શિક્ષણનો આધાર બોધ-જ્ઞાન હતું, આ ધ્યાનમાં રાખજો, જ્ઞાન છે, આત્મ-ઉપલબ્ધિ છે એ શિક્ષણનો આધાર હતો. આજના શિક્ષણનો આધાર પૈસા છે. બધાને મેડિકલમાં જવું છે, કેમ? કેમ કે ત્યાં પૈસા વધારે છે; ITમાં પૈસા મળવા લાગે એટલા જો મેડિકલમાં નહીં મળે તો મેડિકલમાં કોઈ નહીં જશે, બધાં ITમાં જશે…અને ત્યાં ITમાં જશે તો પણ એ એક જગ્યાએ રહેશે નહીં, જે કંપની વધારે પૈસા બતાવશે, તો ત્યાં એ બાજુ જતા રહેશે.

આજે દરેક વ્યક્તિ વેચાઈ ગઈ છે, દરેકને ઓછા-કે-વધારે ભાવમાં ખરીદી શકાય છે, બધાંને એક પ્રકારનો price-tag હોય છે – એક જણ ૨-૧/૨ લાખમાં વેચાઈ ગયો, કોઈ વળી છ લાખમાં, દશ લાખમાં… વેચાય છે જરૂર. દરેકની ક્ષમતા પ્રમાણે એનો ‘ભાવ’ હોય, અને કંપની પોતાના ફાયદા માટે એને બધું આપે – ઘર-ગાડી બધું આપે. પછી એને ઘર, કુટુંબ, પરિવાર, કશું જ નહીં, કંપની જ એના મા-બાપ, બધું જ… કેમ કે શિક્ષણ અને જીવનનો આધાર બસ પૈસા જ છે, લોભ કહી શકાય જે રજસ કર્મ છે, અને રજસમાં કોઈ દિવસ શાંતિ ના હોય. તમે જોયું હશે કે આજે યુવાનો અને વયસ્કોને ૧૦-૨૦-૨૫-૨૫ લાખનું પેકેજ મળતું હોય, પણ ત્યાં એને સંતોષ ના હોય, કેમ કે ત્યાં baseમાં, મૂળમાં કર્તવ્ય ભાવ નથી, પણ લોભ છે, અને લોભને થોભ ના હોય… તો ત્યાં સંતોષ કે શાંતિ ક્યાંથી હોય?

આપણે પહેલા પણ એક-બે વખત વાત થઇ હતી કે આવનારા દિવસોમાં સમાજમાં સૌથી મોટી સમસ્યા સ્ટ્રેસની હશે, ૨૦-૪૦ વર્ષના લોકો અચાનક massive હાર્ટ એટેકથી મરશે, સૌથી વધુ મરણ આવા કારણોને લીધે થશે. તમે પહેલા ક્યારેય સાંભળ્યું હતું કે ૩૦ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવે, અને એ મરી જાય? માનસિક વ્યાધિઓ પણ વધતી જાય છે, અને તેથી ૨૫ વર્ષના યુવાનોને diabetes હોય, એને સ્ટ્રેસ હોય, એ mentally sick જેવો હોય, એ depressionમાં જતો રહે…૧૫-૧૫-૨૦-૨૦ વર્ષના યુવાનોને આવી બધી વ્યાધિઓ ગ્રસી લે છે. તમે આવું પહેલા ક્યારે’ય સાંભળ્યું હતું? હવે આપણે સાંભળીએ છીએ. આવું કેમ થતું જાય છે? કેમ કે લોભ વૃત્તિ વધતી જાય છે, પૈસા સિવાય બીજી કોઈ વાત જ નથી, અને લોભનો કોઈ દિવસ નથી થોભ કે નથી અંત, તો ત્યાં સંતોષ કે શાંતિ ક્યાંથી હોય? સારું સ્વાસ્થ્ય ક્યાંથી હોય?

એટલે, આજની જે શિક્ષણ અને સમાજ વ્યવસ્થા છે જે માત્ર પૈસાને જ લક્ષ્યમાં રાખીને ઉભી કરાઈ છે, એ માનવજાતિને કોઈ દિવસ સુખ નહીં આપી શકે.

પુરાતન ભારતીય સંસ્કૃતિમાં માણસો માટે જે-તે કર્મો નક્કી થયા હતાં એ બધાંનો આધાર હતો બોધ, કર્તવ્યભાવ. અને જયારે કોઈ પણ કર્મ કર્તવ્યભાવથી કરવામાં આવે છે, કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવે છે, ભક્તિના ભાવથી કરવામાં આવે છે તો એવા કર્મોમાં એક પ્રકારની દિવ્યતા, divinity ઉમેરાતી હોય છે, જે માણસને વધારે સંતોષ અને સુખ આપે છે. આપણી વ્યવસ્થામાં મનુષ્ય સુખ-શાંતિના જે ઊંચા સ્તરે જઈ શકે છે, અન્ય કોઈ પણ વ્યવસ્થા સુખ-સંતોષના એ સ્તરે આજના માણસને નહીં લઇ જઈ શકે.

તમે શિવામણિનું નામ સાંભળ્યું હશે, એ ડ્રમર છે, વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી લયબદ્ધ સુર કાઢવામાં માહેર એવો percussionist છે. એ હવે એટલા પ્રખ્યાત થઇ ગયા છે કે એમની કળાને સાંભળવા માટે ૫-૫ હજાર, ૧૦-૧૦ હજાર લોકો એમના શો-માં આવે છે. એ જયારે તલ્લીનતાથી વગાડતા હોય ત્યારે audience પણ તલ્લીન થઇ ધ્યાનમાં જતા રહ્યા હોય. એ શિવામણિએ પોતાનો અનુભવ કીધો હતો કે “હું જયારે ડ્રમ વગાડવાની શરૂઆત કરું છું, ત્યારે હું મારા ગુરુજનોને પ્રાર્થના કરું છું કે તમે આવો, મારા શરીરમાં પ્રવેશ કરો, મારા શરીરને તમે સુરોનું સાધન બનાવો, અને પછી એ સાધનને તમે જ વગાડો, હું નહીં”. ત્યાર પછી, એ કહે છે, હું વગાડવાનું શરુ કરું છું, પછી મને કશું જ ધ્યાન નથી રહેતું, કે શું થાય છે… પછી મારી કુંડલિની જાગૃત થાય છે અને એ પછીનું સંગીત સાંભાળતા-સાંભળતા audienceની પણ કુંડલિની જાગી જાય છે, અમે બધાં ટ્રાન્સ (trans)માં જતાં રહીએ છીએ.

આવું સંગીત ભાવથી, ભક્તિથી, કર્તવ્યભાવથી જ શક્ય બને છે, અને જો માત્ર પૈસાને જ લક્ષ્યમાં રાખ્યા હોય તો એ સંગીતની આવી ઉત્કૃષ્ટતા, આટલી ઉંચાઈ સુધી ક્યારે’ય નહીં જઈ શકશે. દરેકે-દરેક કર્મોમાં ઉત્કૃષ્ટતાના સ્તરો તો હોય જ છે, અને કળા-કારીગરીમાં તો ખાસ હોય જ. કોઈ શિલ્પકાર જો ભાવથી કોઈ મૂર્તિ કંડારશે, અને બીજો કોઈ ભાવ-ભક્તિ વગર બનાવશે અને જો તમે બંનેના ફોટા પાડશો તો એ બંને મૂર્તિઓો કદાચ એક સરખી દેખાશે. વાંધો નથી, પરંતુ, જે મૂર્તિ ભાવ-ભક્તિથી બનાવાઈ હશે, જે મૂર્તિમાં મૂર્તિકારનો ભાવ વધારે હશે એ મૂર્તિ આપણને બીજું કશું’ક વધારે કહેતી હશે, એનો અનુભવ થશે. આજે તો કમ્પ્યુટર-પ્રોગ્રામિંગ દ્વારા આબેહૂબ, ઓરીજીનલ જેવી જ મૂર્તિ બનાવી શકાય છે, પણ એવી જ મૂર્તિ જો ભાવથી ઘડવામાં આવી હશે તો એ મૂર્તિ, સરખાપણા સિવાય બીજું કશું પણ કહેશે; એ ભાવ-પ્રધાન મૂર્તિમાં દિવ્યતા, સાત્વિકતા ઉમેરાતી હોય છે.

એટલે, આપણે ત્યાં જે કર્મો થતાં એ કર્તવ્યબુદ્ધિથી થતાં હતાં, માત્ર પૈસાને લક્ષ્યમાં રાખીને નહીં, એ લોકો ગર્વથી કહેતા કે “મારા પિતાનો, દાદાનો ધંધો-વ્યવસાય છે, એ મારે કરવાનો છે.”

તો, આ વિષયના બીજા પાસાંઓ પણ છે, એની વાત આપણે ફરી ક્યારે’ક કરીશું.

 ॐ