ભારતીય સંસ્કૃતિ – ૯

ભારતીય સંસ્કૃતિને જો સમજવી હોય તો એને માટે વિશેષ પ્રકારની બુદ્ધિ જોઈએ, વિશેષ પ્રકારની દૃષ્ટિ જોઈએ, અને એ બંને એવી હોય કે જે માત્ર માણસની ઇન્દ્રિયો ઉપર જ આધારિત ના હોય – આંખથી જેટલું જોઈએ છીએ, કાનથી જેટલું સાંભળીએ છીએ, અન્ય ઇંદ્રિયોથી જે અનુભવી શકીએ છીએ એના ઉપર જ જો આપણા જ્ઞાનનો આધાર હશે તો આ સંસ્કૃતિને સમજવી બહુ અઘરી છે.

આ સંસ્કૃતિને સમજવા માટે વિશેષ પ્રકારની બુદ્ધિ, બહુ જ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ એટલે કે જે સામાન્ય (ઇન્દ્રિયો ઉપર જ આધારિત) બુદ્ધિ છે એવી નહીં, પણ એવી બુદ્ધિ જે ઉપાસના, તપ, ધ્યાનથી સંસ્કારિત થઈ હોય, તીક્ષ્ણ થઈ હોય, સૂક્ષ્મ થઈ હોય; અને જો એવી બુદ્ધિ નથી તો આ સંસ્કૃતિને સમજવું, અનુભવવું બહુ અઘરું પડે છે, ખાસ કરીને તો જે નવા સંપ્રદાયોમાં, ‘ધર્મો’માં, નવી વિચારધારાઓમાં ધ્યાનની વાતો નથી, મનની એકાગ્રતાની વાતો નથી, ચિત્તની એકાગ્રતા કે શાંતિની વાતો નથી એ પંથોના અનુયાયીઓને તો આ સંસ્કૃતિ સમજાય નહીં.

કોઈ પણ સંસ્કૃતિ હોય, એને સમજવા માટે સૌથી પહેલા તો એ સમજવું પડે કે એ સંસ્કૃતિનો, એ સિસ્ટમનો આધાર શો છે? એ આખી સંસ્કૃતિ જે ઊભી થઈ છે, એ કયા મુખ્ય લક્ષ્યને, કઈ ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને ઊભી થઈ છે? એ સંસ્કૃતિનું ફળ, કે હેતુ શું છે, એની ફળશ્રુતિ શું છે?

ધારો કે મેં સિમેન્ટની કોઈ ફેક્ટરી જોઇ હોય, અને એ જોઈને મને એવી જ સમજ થઈ જાય કે ફેક્ટરી એટલે આવી (સિમેન્ટની) ફેક્ટરી જ હોય. ત્યાર પછી જો હું કેમિકલની કોઈ ફેક્ટરી જોઉં, તો મને એ કેમિકલની ફેક્ટરીમાં બધું ‘ખોટું’ જ લાગે, કેમ કે હું જે ફેક્ટરી ‘સમજુ’ છું, એમાનું તો આ (કેમિકલની) ફેક્ટરીમાં કશું જ નથી. બીજું, મને જો માત્ર રોટલી જ બનાવતા આવડતું હોય, અને જો પુરી બનાવવા જાઉં, તો પુરી બનાવવાની રીતમાં મને બધું ‘ખોટું’ જ લાગવાનું, અને જો મારી સાથે, મારા જેવી જ કોઈ બીજી વ્યક્તિ હોય, તો એને પણ એવું જ લાગે કે આ તો બધું ‘ખોટું’ જ કરી રહ્યા છે.

એવી જ રીતે જો હું અમુક જ સંસ્કૃતિથી, અમુક જ ધર્મથી, અમુક જ જ્ઞાનથી બીજાની વાત, વસ્તુઓ, માણસને સમજતો હોઉં, તો બીજી સંસ્કૃતિની, બીજા ધર્મની, બીજા જ્ઞાનની બધી વાતો મને ‘ખોટી’ જ લાગશે, કે એ તો બિલકુલ સાચી નથી, એ તો ખોટી જ છે.

એટલે, જો આપણી ભારતીય સંસ્કૃતિને સમજવી છે, તો એ માટે થોડીઘણી વાતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે – આ સંસ્કૃતિ કઈ વિચારધારાને આધારે ઊભી થઈ છે? એમાં કઈ મૂળભૂત વાતો છે, કે જે આખી પૃથ્વીમાં આપણને બીજા લોકોથી અલગ અને કંઈક વિશિષ્ટ બનાવે છે? આપણી અંદર એવી કઈ વાતો છે કે જેને આધારે એવી વિશિષ્ટતાઓ છે? – જો આવી વાતોની જાણ, સમજ કે સ્પષ્ટતા નથી તો આપણી સંસ્કૃતિ સમજાય નહીં.

ભારતમાં એક સ્વભાવિક, સામાન્ય વાત છે – આપણે જો કોઈને ઘરે જઈએ, અને જો એના ઘરમાં પોતાનું દેવસ્થાન, નાનું મંદિર હોય તો એમાં એકબેથી વધારે દેવીદેવતાની મૂર્તિઓ, ફોટા એવું હોય છે. એવી જ રીતે આખા ભારતમાં જોઈએ તો આ દેશમાં કેટકેટલા, અસંખ્ય દેવીદેવતાઓ આજે પણ જોવા મળે છે, અને લોકોને પોતપોતાના ઇષ્ટદેવદેવી પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે, તેમ છતાં એમને બીજા દેવીદેવતા પ્રત્યે સામાન્યત: દ્વેષ, અણગમો એવું નથી હોતું.

આ સંસ્કૃતિમાં તેત્રીસ કોટિ (કરોડ) દેવીદેવતાઓની વાત પ્રચલિત છે, એટલે, ભારત દેશમાં કોઈને પૂછવા જાય કે આ સંસ્કૃતિના સંસ્થાપક કોણ છે? તો ઉત્તર મળવો મુશ્કેલ છે, કેમ કે આ સંસ્કૃતિના કોઈ એકબે સંસ્થાપક જ નથી. પછી પૂછીએ કે ‘આ સંસ્કૃતિનું નિયમન કરનાર કોઈ સંસ્થા કે એના કોઈ વડા, છે ખરા?’ જેવી રીતે અન્ય સંપ્રદાયો, ધર્મોમાં કોઈ એક મોટી સંસ્થા હોય, એના કોઈ એક મુખ્ય નિયામક હોય, એક ધર્મગુરુ હોય, વડો હોય જે એકબે દેશમાં કે પછી દુનિયાના ઘણા દેશોમાં પ્રસરેલા એમના સંપ્રદાયનું નિયમન કરતા હોય. એટલે, કોઈ પૂછે કે આવી વ્યવસ્થા સનાતન હિન્દુ ધર્મમાં છે? તો એનો પણ કોઈ ઉત્તર ના મળે.

અને જો કોઈને ખરેખર જ ઉત્તર જોઈતો હોય તો એવું કહી શકાય કે વેદો આધારિત આ ભારતીય સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મના એક આદિ નિયામક પરમાત્મા જ છે, અન્ય કોઈ જ સંસ્થાપક, નિયામક, વડો, કે કોઈ એક ગુરુ નથી.

વર્તમાન સમયના વિશ્વ આખામાં કેટલા સંપ્રદાયો અને ‘ધર્મો’ છે એ બધાની બેચાર વાતો પ્રચલિત થઈ ગઈ છે એ અનુસંધાનમાં લોકો આ સંસ્કૃતિ વિષે પણ જાતજાતના પ્રશ્નો કરે છે. સામાન્ય રીતે આવા પ્રશ્નો હોય અન્ય સંપ્રદાયોમાં હોય છે એવી આ (હિન્દુ) ધર્મમાં કોઈ એક વિચારધારા છે જેને અનુસરી શકાય? આ ધર્મનું કોઈ એક મુખ્ય પુસ્તક કે ગ્રંથ છે? કોઈ એક જ મુખ્ય દેવ છે? એની કોઈ મૂર્તિ કે જેની પૂજા કરતા હો? પછી કોઈ એવું પણ પૂછે કે તમે મૂર્તિને માનો છો કે અમૂર્તિને માનો છો? જો મૂર્તિને માનો છો તો કયા ભગવાનને માનો છો? તો, સામાન્ય રીતે આપણાથી એવું જ કહેવાય જાય કે અમે તો બધાને માનીએ છીએ.

એટલે, જે કોઈ એક જ વિચારધારાની ‘આંખે’ જોવાવાળા હોય એને આ વૈદિક સંસ્કૃતિ સમજાય નહીં કે આ છે શું? ભગવાન, દેવીદેવતાઓ, માન્યતા, રીતરિવાજો, ભાષાબોલી એવી ઘણી બધી વાતોનો તો પાર જ નથી, અને છતાં અહીં આ સનાતન, વૈદિક પરંપરામાં, કંઈક એક એવું દિવ્ય તત્ત્વ ­છે કે જે આપણને બધાને જોડીને રાખે છે, આ સંસ્કૃતિમાં કોઈ એક એવું અલૌકિક તત્ત્વ છે જે હજારો વર્ષોથી આવી ઘણી બધી વાતોના વૈવિધ્યને એકસૂત્રથી જોડીને રાખે છે. વૈદિક કાળથી આ સંસ્કૃતિમાં દરેકેદરેક વિચારોમાં વિવિધતા રહી છે; અને એવું પણ નથી કે હજારો વર્ષોથી દરેક કાળમાં આવું બધું એવુંનેએવું જ રહ્યું છે – ના, કાળક્રમે એમાં બધું બદલાતું પણ રહ્યું છે – દેવદેવીઓ બદલાતા આવ્યા હોય, મંદિરો બદલાતા આવ્યા હોય, માન્યતાઓ, રીતિરિવાજો, ઉત્સવો બદલાતા આવ્યા હોય, ભાષાઓ બદલાતી આવી હોય.. .. અને આ બદલાવના પ્રવાહ વચ્ચે એક અક્ષુણ્ણ ધારા, કોઈ એક દિવ્ય અનંત ધારા છે જે હજારો વર્ષોથી આપણી અંદર પ્રવાહિત થઈ રહી છે.

એટલે, આ સંસ્કૃતિના આધારના સંદર્ભમાં થોડી ઘણી મૂળભૂત વાતો છે, જે અગત્યની વાતો છે એ સમજી લઈએ – પહેલું તો એ કે આપણા ઋષિઓ હજારો વર્ષો પહેલાં ધ્યાનથી, સમાધિથી પોતાની અંદર ઉતાર્યા હતા, ત્યાં સુધી પહોંચ્યા કે જ્યાં આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત જે તત્ત્વ છે. એ પરમ તત્ત્વનો એમણે સાક્ષાત્કાર કર્યો, અને એમને સમજાયું કે આ જ પરમ તત્ત્વ સમસ્ત જગતનું મૂળ છે, આ જ એનો આધાર છે, સમસ્ત વિશ્વમાં આ પરમ તત્ત્વ સિવાય બીજું કશું જ નથી, જેમ માટીના વાસણોનો આધાર માટી છે, સુતરાઉ કાપડનો આધાર રૂકપાસ છે, એવી જ રીતે સમસ્ત જગતમાંની દરેક વસ્તુઓનો આધાર એ એક તત્ત્વ જ છે, જેને આપણે પરમતત્ત્વ કહીએ છીએ – આપણી ભારતીય સંસ્કૃતિની આ સૌથી મૂળ અને મુદ્દાની વાત છે.

અમુક બીજા સંપ્રદાયો, ‘ધર્મો’ છે જે પણ એવું માને છે કે સમસ્ત જગતમાં બસ, એક જ તત્ત્વ છે – તો પછી એક જ તત્ત્વ વિષેની એમની અને આપણી માન્યતામાં શો ફેર છે? એ લોકો પણ એવું જ માને છે કે બધે એક જ સત્તા છે, પરંતુ ફેર ત્યાં છે કે એમની માન્યતા સાથે પછી એ લોકો એ પરમ તત્ત્વના કોઈ આકાર કે મૂર્તિને નથી સ્વીકારી શકતા. એમની આવી માન્યતાને કારણે પછી એ લોકો મૂર્તિઓની નિંદા કરતા હોય, પછી બળ હોય તો મૂર્તિઓને તોડી નાંખતા હોય, મંદિરોને તોડે, અને પછી તો ત્યાં સુધી કે મૂર્તિને માનનારાઓની નિંદા કરે, એ લોકોને જ મારી નાંખતા હોય.

તો, આપણે એક તત્ત્વને માનીએ છીએ, સાથેસાથે એવું પણ માનીએ છીએ કે જગતમાં જે બધું છે એ બધું એ એક તત્ત્વની જ અભિવ્યક્તિ છે, એ એક તત્ત્વનો જ બધે, બધો વિલાસ છે.

એક જ પરમ સત્યની આ બે વિરોધી વિચારધારમાં આપણે એવું પણ માનીએ છીએ કે અંતિમ તો એક જ સત્ય છે, અને પછી જીવનમાં ધીમેધીમે એ પરમ તત્ત્વ સુધી જઈએ અને સમજીએ છીએ, સ્વીકારીએ પણ છીએ કે છેલ્લે તો એક જ તત્ત્વ અવશિષ્ટ રહે છે – द्वितीयाद्वै भयं भवतिકે બે હોય તો ત્યાં ભય છે, અને એકમાં જ નિર્ભયતા છે.

થોડા દિવસ પહેલા મારે એક સંતની પાસે જવાનું થયું. હું એક ગૃહસ્થ સાધકને ઘરે રોકાયો હતો એ સાધક મારી સાથે આવ્યા હતા. થોડી વાતો થઈ, પછી એ સંત પાસેથી રજા લેતી વખતે એ ગૃહસ્થ સાધકે એ સંતને સંબોધીને કહ્યું, “સ્વામીજી મારે ત્યાં રોકાયા છે, આપ પણ આવો.”

હવે, સાધુસંત સમાજમાં એક વણલખ્યો સામાન્ય પ્રોટોકોલ (protocol) એવો છે કે એક સાધુ કોઈને ત્યાં રોકાયા હોય તો બીજા સાધુએ એ ઘરે નહીં જવાનું. આ પ્રોટોકોલને લીધે એ સંતે મારી બાજુ જોયું, અને ધીમેથી બોલ્યા द्वितीयाद्वै भयं भवति, કે બીજાથી ભય થાય છે; એટલે, શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ભયની શરૂઆત બે હોય ત્યાંથી જ થાય છે. તો મેં હંસતાહંસતા કીધું સ્વામીજી, બે છે જ નહીં, એક જ છે – एकमेवाद्वितीयम्, કે એટલે એક જ છે, કોઈ બીજું છે જ નહીં. આ ‘અદ્વિતીયતા’નો ભાવ સાંભળીને એ સંત તો રાજી થઈ ગયા, અને અમારી સાથે એ ગૃહસ્થને ઘરે આવ્યા, અને ત્યાં રોકાયા.

જે પ્રમાણે આપણે એક જ નિરાકાર પરમ સત્તા માનીએ છીએ, એવી જ રીતે બીજી સંસ્કૃતિમાં પણ લોકો એક જ સત્તાને, એક જ નિરાકાર સત્તાને માને છે – પરંતુ, આ બંને પ્રકારના લોકોની વિચારધારા અને માન્યતામાં જે ખાસ ફેર છે, તે એ પણ છે કે આપણે એમ માનીએ છીએ કે એ પરમ, નિરાકાર સત્તા જ બધા’ય સાકાર સત્તાના રૂપમાં અભિવ્યક્ત થઈ છે, એના રોમેરોમમાં, એના કણેકણમાં એ જ તત્ત્વ વિલસી રહ્યું છે – માટીના કણમાં, પત્થરના કણમાં, હવામાં, પ્રકાશમાં, પર્વતમાં, નદીમાં, વૃક્ષોમાં, બધી જગ્યાએ એ જ તત્ત્વ વિલસી રહ્યું છે; એ જ તત્ત્વ ગંદામાં ગંદા માણસમાં, અને પવિત્રમાં પવિત્ર માણસમાં હોય – એ બધાં’યની અંદર એક જ તત્ત્વ વિલસી રહ્યું છે – એ એક પરમ સત્તા સિવાય બીજું કશું જ નથી, એ એક જ તત્ત્વનો બધો વિલાસ છે, એક જ તત્ત્વનો વિકાસ છે, એની જ બધે અભિવ્યક્તિ છે.

પરમ સત્તાના સંદર્ભમાં બીજો એક મોટો ફેર એ છે કે અસ્તિત્વની એક પરમોચ્ચ સ્થિતિ એવી આવતી હોય છે, જ્યાં મૂર્ત અને અમૂર્ત, વ્યક્ત અને અવ્યક્ત, સાકાર અને નિરાકાર બધું એક થઈ જતું હોય છે, જેમ કોઈ પણ પદાર્થની સુક્ષ્મતમ અવસ્થા સુધી પહોંચવા માટે આપણે એને તોડતા જઈએ, તોડતા જઈએ, અને અંતમાં માત્રનેમાત્ર ઉર્જા જ બચે છે. ઉર્જા, એનર્જીનો કોઈ આકાર નથી હોતો.. .. એનાથી પણ સૂક્ષ્મમાં એવી સ્થિતિ હોય છે કે એને પછી ઉર્જા (એનર્જી) કે પદાર્થ (મેટર) પણ નથી કહી શકતા; એ સ્થિતિને પદાર્થવિજ્ઞાનમાં (physicsમાં) ક્વોન્ટા (quanta) કહે છે (ક્વોન્ટમ – quantum – એટલે, કોઈ પણ વસ્તુની સૂક્ષ્મતમ, અતિ સૂક્ષ્મ અવસ્થા, સામાન્ય રીતે ઉર્જા કહી શકાય. આ જ ક્વોન્ટમનું બહુવાચક, plural, એટલે ક્વોન્ટા). એ ક્વોન્ટાને આપણે ના તો ઉર્જા કહી શકતા કે ના તો પદાર્થ કહી શકતા, અને તેથી જ આ ક્વોન્ટાને એનર્જી તરીકે જોઈએ તો એ એનર્જી છે, અને જો એને પદાર્થ તરીકે જોઈએ તો એ પદાર્થ છે.

એવી જ રીતે પરમ સત્યને પણ બે રીતે સમજી, જાણી કે ‘જોઈ’ શકાય છે – એને શુદ્ધ ચેતનાની રીતે સમજવા કે ‘જોવા’ જઈએ તો એ નિરાકાર, નિર્ગુણ છે, અને એ જ સત્યને મેટર તરીકે ‘જોઈએ’ તો એ ભૌતિક જગતના રૂપમાં વ્યક્ત થયું છે, એના સિવાય બીજું કશું જ નથી. આ પણ એક ભેદ છે, અને જે અંતિમ, પરમ સત્ય છે. વેદો આધારિત આપણી સંસ્કૃતિમાં પરમ સત્યને શુદ્ધ ચેતનાના રૂપમાં વધારે સ્વીકારાયું છે, જ્યારે પશ્ચિમી જગતની નવી સંસ્કૃતિઓમાં એ તત્ત્વ સ્થૂળ, ભૌતિક પદાર્થ તરીકે જ સમજી, સ્વીકારાયું છે.

અત્યારે મને કોઈ પણ વસ્તુની જે સ્થૂળ આકૃતિ દેખાય છે એ આકૃતિવાળી વસ્તુનો અને એ ઉર્જાનો ક્રમબદ્ધ સંબંધ છે. મને જે રોટલી દેખાય છે એ ઉપર કહી એ જ ઉર્જા છે, એ જ ઉર્જાનો એક આકાર છે, એ ઉર્જા એ રોટલીથી ભિન્ન નથી, ફરક એટલો જ છે કે એ જ ઉર્જા રોટલીના રૂપમાં વ્યક્ત થઈ છે, આવી ગઈ છે, એ ઉર્જા એક લાંબી યાત્રા કરીને આવી છે. એ જ્યારે અગ્નિના રૂપમાં હોય ત્યારે પણ એ જ અગ્નિ ઉર્જાથી ભિન્ન નથી થતી, એ ઉર્જાથી જુદી નથી થઇ જતી; એ જ ઉર્જા પત્થરના રૂપમાં પણ હોય. તો, દરેકેદરેક આકારકે ગુણધર્મોવાળી વસ્તુઓ જે જોઈ, સાંભળી, અડકી, અનુભવી શકાય છે એ બધામાં એ જ ઉર્જા છે જે એક લાંબી યાત્રા કરી આવીને વ્યક્ત થાય છે.

એવી જ રીતે આત્મા છે, એ જ શરીરના રૂપમાં વ્યક્ત થઈ રહ્યો છે, અને એ પણ બહુ લાંબી યાત્રા કરીને આવે છે. મૂળ જે અવ્યક્ત પ્રકૃતિ છે, એ પછી ત્રિગુણાત્મક (સત્ત્વરજસતમસથી યુક્ત) પ્રકૃતિ બની, એમાંથી પંચમહાભૂતો બન્યા (પંચમહાભૂતો – આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી), એમાંથી પછી કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બન્યું. આમ, સમસ્ત વિશ્વમાં ઇંદ્રિયોથી અનુભવાતી દરેકેદરેક પ્રકારની વસ્તુઓમાં એ જ પરમ ચૈતન્યરૂપી ઉર્જાનું જ વૈવિધ્ય છે, અને એ જ પરમ ઉર્જા આટલી લાંબી યાત્રા કરીને આવતી હોય છે, એ જ ઉર્જા જુદાંજુદાં આકારોરસગંધધ્વનિવાળી થઈને આવી અને છતાં એ બધી જ વસ્તુઓ એકબીજાથી, બધા’યથી અલગ નથી.

આ જ વાતને નરસિંહ મહેતા એમના એક પ્રચલિત ભજનમાં બહુ સુંદર રીતે સમજાવે છે – અખિલ બ્રહ્માંડમા એક તું શ્રી હરી, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, … વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયેઅખિલ બ્રહ્માંડમા એક તું શ્રી હરી.

એટલે, અધિકાંશરૂપે દરેક ભારતીયોની, આપણી એક વિશેષતા છે કે આપણે આખા જગતને એક રૂપમાં જ જોઈએ છીએ, અલગઅલગ નથી જોતા; આખી સૃષ્ટિને, સમગ્ર સૃષ્ટિને એક જ એકમ, એક અખંડ unit છે એ રૂપમાં જોઈએ છીએ, એટલે, આખું જે યુનિવર્સ છે એ એક છે.

આપણા શાસ્ત્રોમાં આ જ વાતને એક વિરાટ પુરુષની કલ્પના કરી, સમજાવવામાં આવી છે, કે એક પુરુષ છે, એ વિરાટ પુરુષ છે, સૂર્યચંદ્ર એની બે આંખો છે, સમુદ્ર એનું ઉદર છે, પૃથ્વી ઉપર જે બધી વનસ્પતિઓ છે એ એની રુંવાટી છે… આમ, વ્યક્ત સ્વરૂપ, પરમ સત્યને એક પુરુષની કલ્પના કરી છે.

જુદાજુદા અંગોવાળું આપણું શરીર એક આખું એકમ, યુનિટ છે, એ વાતને જો ના સ્વીકારીએ અને એને બદલે જો આપણે આખા શરીરને અને એના અંગોને અલગઅલગ સમજીએ તો આપણે શરીર સાથે કોઈ દિવસ ન્યાય નથી કરી શકવાના, એટલે પછી નુકશાન તો આપણને જ થાય. એવી જ રીતે આખી સૃષ્ટિને, સૃષ્ટિની જુદીજુદી વસ્તુઓને, પ્રકૃતિને, વૃક્ષોને, નદીપર્વતોને બધું એક જ એકમ છે એવું નહીં સમજીશું અને જો દરેક વસ્તુઓને પૃથકપૃથક, જુદીજુદી છે એવું સમજીશું તો આપણને, માણસજાતિને બહુ જ નુકશાન થશે.

એક ડોક્ટર પાસે એક પેશન્ટ આવ્યો, અને પોતાને રાત્રે ઉંઘમાંથી જાગવાનું થાય ત્યારે એને શ્વાસ લેવામાં ખૂબ ગભરામણ થતી હોવાની વાત કરી. આ પહેલા એ ભાઈ બીજા બધા’ય ડોકટરો પાસે ગયા હશે, તો કોઈ એને શ્વાસ માટેની દવા આપે, કોઈ ડૉક્ટરને એવો વિચાર આવે કે એને હાર્ટની કોઈ તકલીફ હશે, એટલે એ હાર્ટની દવા આપે.

એ ભાઈ પછી કોઈ હોમીઓપેથિના ડૉક્ટર પાસે ગયા. હવે હોમીઓપેથિનું એવું કે દવા આપતા પહેલા ડૉક્ટર પેશન્ટની હિસ્ટ્રી લે – પેશન્ટ શું કરે છે, એ કઈ રીતે સુવે છે, કઈ જગ્યામાં સુઇ જાય છે, એને કેવા વિચારો, ભાવો આવે છે વિગેરે. આમ, આ ભાઈની પણ હિસ્ટ્રી લેતાલેતા ડૉક્ટરને ખબર પડી કે એ જ્યારે સુઈ જાય છે ત્યારે કાચબાછાપ અગરબત્તી સળગાવીને સુવાની એમને ટેવ છે. ડોક્ટરે કીધું કે ભઇ, ‘કાચબો’ ના સળગાવતો’, અને માત્ર આટલું જ કરવાથી એ દર્દીની શ્વાસની તકલીફ મટી ગઈ.

મેડિકલ જગતમાં મોટામોટા ડોકટરો છે એ પેશન્ટને પોતાની સ્પેશિયાલિટી સિવાય બીજા કોઈ આયામમાં જોતાં પણ નથી, બીજી દૃષ્ટિથી નથી જોતા, તો એ બીમારીને કોઈ દિવસ શોધી નહીં શકે દા. . હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એ માત્ર હ્રદયની રીતે જ વિચારશે, કે ના હાર્ટમાં કંઈક ગડબડ છે, શ્વાસવાળા ડૉક્ટર પાસે જાવ તો એ શ્વાસની રીતે જ કંઈક વિચારશે. કોઈ ડૉક્ટર આખા શરીરને એક એકમ, whole unit તરીકે નહીં વિચારશે, અને આ વાત જ મહત્ત્વની છે, કેમ કે આપણા શરીરની અંદર કેટકેટલું એક બીજા સાથે જોડાયેલું છે, કલ્પના ના કરી શકીએ.

મેં ક્યાં’ક વાંચ્યું હતું કે આપણે રાત્રે ઉંઘમાંથી ઉઠીએ ત્યારે જો અંધારું હોય, તો સામાન્ય રીતે તરત જ મોટી લાઇટ કરીએ. એમાં ડોક્ટરે કીધું હતું કે આવી રીતે રાત્રે ઓચિંતી લાઇટ કરીએ તો આંખના અને આંખના પડદાના કેન્સર થવાની શક્યતા વધી જાય છે. વાત નાની છે, માત્ર રાત્રે મોટી લાઈટ કરીએ છીએ, પણ દુનિયામાં વિવિધ કારણોસર કેન્સરના કેસો જે વધી રહ્યા છે, એમાં એક કારણ આ પણ છે.

હવે, આ રાત્રે થતી લાઇટ જેવી નાની જણાતી વાતને વિશ્વના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ, તો જણાશે કે વિશ્વમાં રાત્રે જે પહેલાં કાળું ડિબાંગ અંધારું હતું એ હવે વર્તમાન જગતમાં મળતું નથી. ખરેખર, આપણે રાત્રે જ્યારે ઉંઘીએ છીએ ત્યારે આપણા શરીરના દરેક cells, કોષો પણ ઉંઘી જાય છે, અને એ કોષોને ઉંઘવા માટે અંધારું જોઈએ, અને જ્યારે એવા અંધારામાં ઓચિંતી લાઇટ થાય તો કોષોમાં એક પ્રકારનો ખળભળાટ જેવો થાય, કે અચાનક શું થઈ ગયું; આ પરિસ્થિતિ એવી છે કે ઉંઘમાંથી ઉઠાડીને કોઈ આપણને બેસાડી ‘દે, પછી ચાલવાનું થાય, તો આપણને કશું ના સમજાય? એટલે આપણે પડી જઈએ.

એવી જ રીતે, રાત્રે અચાનક લાઇટ થાય ત્યારે કોષોને સમજાય નહીં કે શું થઈ ગયું? એ ‘હેબતાઈ’ જાય, અને એ સ્થિતિમાં પછી કોષો ખોટા નિર્ણય લેવા લાગે, એનાથી ભૂલો થવા લાગે, અને ઉંઘ માટેનું આપણું જે કુદરતી સોફ્ટવેર હોય, એનું જે પ્રોગ્રામિંગ હોય એ શરીરનું નિયમન કરે છે, રાત્રે અચાનક લાઇટને લીધે પછી આપણી સ્થૂળ પ્રકિયાઓનું નિયમન ખોરવાઇ જાય; અને એ પ્રોગ્રામીંગમાં પણ ગડબડ થાય, એ જ કેન્સર, જે કોષો (cells) ના આવવા જોઈએ, જે કોષોનો વિકાસ ના થવો જોઈએ, એ સેલનો વિકાસ થવા લાગે, જે સેલને મરવું જોઈએ એ મરે નહીં, એ એમનેએમ રહે; એટલે પછી આપણા સેલ્સ જ અંદરઅંદર લડવા લાગે, અને પ્રોગ્રામિંગમાં જે ગડબડ થઈ જાય એ જ કેન્સર.

એટલે, જો આપણે આખી સિસ્ટમને નથી સમજતા, આખી વાતને નથી સમજતા, આખી સૃષ્ટિને નથી સમજતા, અધુરું જ વિચારીએ છીએ, તો જે આવી અધુરી સમજ સાથેની વિચારધારાને આધારે જે પણ સિસ્ટમ ઊભી થશે એ અધુરી જ હશે.

આપણી સંસ્કૃતિની બીજી વિશેષતા એ છે કે પરમ સત્ય એક જ છે, બધી જ અભિવ્યક્તિઓ, બધા’ય રૂપોમાં એનો જ વિકાસ છે, એનું જ દર્શન છે, એના સિવાય બીજું નથી. અને જગતમાં જે બહુ દેખાય છે એ અલગઅલગ નથી – એવી જ રીતે કે આપણા શરીરના અંગો દેખાય અલગઅલગ, પણ એ બધાને જોડનારું જે તત્ત્વ છે એ છે એક ચેતના, એ ચેતનાને લીધે જ બધું જોડાયેલું હોય છે.એ અલગ નથી કે આંખ અલગ છે, કે કાન અલગ છે, નાક અલગ છે, એવું નથી

એવી જ રીતે સૃષ્ટિમાં એવું નથી કે વૃક્ષ અલગ છે, માણસ અલગ છે, પશુ અલગ છે, પક્ષી અલગ છે, એવું નથી.. દરિયો અલગ છે, પર્વત અલગ છે, એવું નથી. આપણી એક આંખ જો ના હોય, કે શરીરનો થોડો નાનો અમથો ભાગ પણ ઓછો થતો હોય, તો એની ગુણવત્તામાં કંઇનેકંઈ તો ફરક પડે જ. એવી જ રીતે એક નાની કીડી પણ જો આ પૃથ્વી ઉપરથી ઓછી થશે તો પૃથ્વીની જીવ સૃષ્ટિમાં, જીવનમાં એ ગુણવત્તામાં કોઈનેકોઈ નાનો અમથો પણ ફેર તો પડશે જ.

પાંત્રીસેક વર્ષ પહેલાં હું જ્યારે હેરંજ આવેલો, ત્યારે મને ખ્યાલ છે કે અહીંના ખેડૂતો ડાંગરની ખેતી કરતા હતા, ત્યારે એ ખેતીમાં કોઈ રોગ ન્હોતો થતો, અને ડાંગરની સરસ ખેતી થતી હતી; વરસાદ થાય, એટલે ખેતરો દેડકાઓથી જાણે ભરાઈ જાય અને એ દેડકાઓનો ટરરરર, ટરરરર, ટરરરર, એટલો બધો અવાજ આવે; વાણિયાઓ એટલા બધા ઉડતા હોય, જાતજાતના પક્ષીઓ હોય, બીજા નાનામોટા પ્રાણીઓ હોય, અળસીયાં હોય….

ધીમેધીમે એ ખેડૂતો દવાઓ વાપરતા થઈ ગયા હતા એટલે દેડકાઓ દેખાતા નથી, અને દેડકાઓ હોય તો એ આખો દિવસ નાનીનાની મસીઓને ખાયા કરે. દવાને કારણે હવે ખેતરોમાં દેડકાઓ નથી, મસીઓ મરતી નથી, એટલે રોગ વધવાના .. “તો દવા નાંખીશું”. છેવટે, એ દવા આપણા શરીરમાં જ જશે, અને આપણને કેન્સર થશે.

આજે ડૉક્ટરોનું કહેવું છે કે આવનારો સમય એવો હશે કે દુનિયાની ચારમાંથી એક વ્યક્તિને કેન્સર હશે, અને આપણે એની સાથે જીવતા શીખવું પડશે, કેમ કે આપણે, માણસે કુદરતી તંત્ર એટલું બધું બગાડી રહ્યા છીએ કે એની કોઈ કલ્પના જ નથી.

આજે છાપામાં એક લેખ વાંચ્યો કે વિદેશી જર્સી જાતિની ગાયોના દૂધથી જાતજાતની શારીરિક તકલીફો તો થાય છે, અને કેન્સર પણ થાય છે, કેમ કે એમાં મૂળ વાત એ હતી કે ગાયોને દૂધ વધારે આવે એટલા માટે વિદેશી લોકોએ એ જાતિની ગાયોમાં ભૂંડના જીન્સ દાખલ કર્યા હતા, એટલે એ ગાયોને ભૂંડની માફક બચ્ચા ખૂબ થયા કરે, અને એ બચ્ચાઓ મોટી ગાય થાય પછી દૂધ પણ વધુ આપે. આમ, એક જ વાતનું – વધુ દૂધ, વધુ પૈસા ધ્યાન રાખવામાં આવ્યું.

એટલે, મૂળ ભરતીય સંસ્કૃતિનું એક સત્ય જે છે તે એ છે કે બધે એનો જ વિસ્તાર છે, અને આખી સૃષ્ટિ એક છે, અલગ નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ ચેતનાના સાક્ષાત્કારમાં જ જીવનની પૂર્ણતા છે – અને આ વાત બહુ જ અગત્યની છે કે જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી એનું જીવન અધુરું હોય. બીજી મહત્ત્વની વાત એ કે જીવનમાં જે પણ કંઈ ઈચ્છીએ છીએ એ બધા’યનો આધાર આત્મા છે – અને આ વાત સંસ્કૃતિનો પાયો નાંખે છે.

દરેક માણસને સુખ જોઈએ, આનંદ જોઈએ, અને આ બંને આત્મામાં છે. જેને સુખ કહીએ છીએ એ આત્મા છે, દરેક માણસને શાશ્વત જીવન જોઈએ, મૃત્યુ ના જોઈએ, પરંતુ અમર તો માત્ર આત્મા જ છે, માણસનું જે સ્થૂળ શરીર છે એ તો મરણધર્મા છે, અને આત્મા સિવાય બધું જ મરણધર્મા છે. જે પ્રમાણે બધા’ય રંગોનો આધાર સૂર્યના કિરણો છે, સૂર્યના કિરણોનો કોઈ જ રંગ દેખાતો નથી, તેમ છતાં, દરેકેદરેક રંગો સૂર્યના કિરણોથી જ બને છે; અનંતાનંત રંગો જુદાજુદા સંયોજનથી બનતા હોય છે. એવી જ રીતે બધા જ્ઞાનનો આધાર આત્મા છે, આત્મામાં કોઈ ગુણ દેખાતા નથી, આત્મામાં કોઈ જ્ઞાન નથી, પણ બધું જ્ઞાન એનાથી જ થાય છે. એટલે, આપણે જે પણ ઇચ્છતા હોઈએ, જે પણ મેળવવા ઇચ્છતા હોઈએ, આત્મા જો હાથમાં આવી જાય – આત્માને પામી લઈએ તો બધું જ હાથમાં આવી જાય.

कस्मिन् नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति ( मुण्डकोपनिषद् – । १ । ३) ઉપનિષદ્માં ઋષિ પ્રશ્ન પૂછે છે કે એવું શું છે કે જે એકને જાણી લેવાથી બધું જાણી લેવાય છે, એકને પામી લેવાથી બધું પામી લેવાય છે, એક જો મળી જાય તો બધું મળી જાય, એક ઉત્તર મળી જવાથી બધા’ય પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. भिद्यते ह्रदयग्रंथिस्छिद्यन्ते सर्वसंशया😐 क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे”એક સત્યને પામી લેવાથી એના હ્રદયની બધી ગ્રંથિઓ ખુલી જાય છે, બધા સંશયનું નિરાકરણ થઇ જાયછે, કર્મો ક્ષીણ થઇ જાય છે. આ જે સત્યની શોધ છે, એ આપણી સંસ્કૃતિનું રહસ્ય છે, રાઝ, સીક્રેટ છે.

એટલે, આ સંસ્કૃતિએ, ઋષિઓએ કહ્યું કે જીવનમાં ગમે તે ભોગે, ગમે તે રીતે આત્મસાક્ષાત્કાર મેળવવા માટેનો જે પુરાષાર્થ છે એ સૌથી મોટો પુરુષાર્થ છે – અને આ પુરુષાર્થ માત્રનેમાત્ર મનુષ્ય જન્મથી જ શક્ય છે, એ સિવાય અન્ય કોઈ પણ જન્મથી શક્ય નથી. મનુષ્ય જીવનમાં સૌથી છેલ્લો પુરુષાર્થ, સૌથી ઉત્તમ પ્રાપ્તવ્ય – પ્રાપ્ત કરવાનું – શું છે? એ છે મોક્ષ, આત્મસાક્ષાત્કાર, બોધ; મનુષ્ય જીવનનું આ સૌથી ઉત્તમ પ્રાપ્તવ્ય ફળ છે.

આ ચર્ચામાં આપણે આગળ વાત કરી હતી કે કોઈ પણ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી હોય, એનો આધાર એનું અંતિમ પ્રોડક્ટ, કોઈ પણ ઉદ્યોગની મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન સીસ્ટમ, ઑફિસ, માર્કેટિંગ વિગેર દરેક વિભાગો એ ફાઇનલ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને જ ઊભા કરાતા હોય છે.

એવી જ રીતે મનુષ્ય જીવન પણ એક પ્રકારનો ઉદ્યોગ જ કહી શકાય, કર્મઉદ્યોગ, જેમાં વિવિધ કર્મો કરીને એના ફળ મેળવવાના હોય છે; તો, વેદોઆધારિત આપણી સંસ્કૃતમાં મનુષ્ય જીવનનું જે ફાઇનલ પ્રોડક્ટ છે એ છે મોક્ષ, બોધ, આત્મસાક્ષાત્કાર. આટલી વાત જો સમજાય તો પછી આપણી અદ્વિતીય સંસ્કૃતિનું જે આખું સાંસ્કૃતિક માળખું છે એ ધીમેધીમે સમજાશે કે એમાં ફાઇનલ પ્રોડક્ટ મોક્ષ, બોધ છે, એક પરમ સત્યને પામવું એ અંતિમ લક્ષ્ય છે.

હવે, આ પરમ પ્રાપ્તવ્ય માટે જે પ્રકારના સંસાધનો, ધર્મ, અર્થ, કામ, આચારવિચાર, રહેણીકરણી, યોગ, ભક્તિ વિગેરે કાર્યો બધું જ એ ફાઇનલ પ્રોડક્ટ, મોક્ષને ધ્યાનમાં રાખીને, એ મેળવવાનું શક્ય થઈ શકે એ માટે કહેવાયા છે, અને એ મેળવી શકાય એ માટે આખું સાંસ્કૃતિક માળખું ઊભું કરાયું છે. આ પ્રમાણેના જીવનમાં આવશ્યક છે કે મનુષ્ય બધે, બધામાં એક જ તત્ત્વ, સત્યને જોતાં શીખે, એ જોતો થાય, જુએ – પછી સામે દુષ્ટ માણસ હોય કે ભલો માણસ, બધાની અંદર એ એક જ તત્ત્વ છે એ સમજીને, સમતા રાખીને જીવતો હોય. જ્ઞાની જે છે એ બધામાં એક જ તત્ત્વને જુએ છે, પરંતુ એનો અર્થ એવો નથી કે જ્ઞાની કોઈને મારશે નહીં, ના એ મારશે જેમ કે ભગવાન શ્રીરામ રાવણને મારે છે, ભગવાન શ્રીકૃષ્ણ એમના મામા કંસને મારે છે.

હા, ભગવાન મારે છે, પણ એ આપણે સમજીએ છીએ એ દ્વેષના કારણે નહીં તમે ધ્યાન આપ્યું હશે કે શાસ્ત્રોમાં જ્યારે વર્ણન આવે છે કે ભગવાન રામે રાવણને માર્યો ત્યારે રાવણના શરીરમાંથી એક પ્રકાશની જ્યોત નીકળી હતી, અને એ રામની અંદર સમાઈ ગઈ હતી. એટલે, જ્ઞાની છે એ આપણે સમજીએ છીએ એવી રીતે કોઈને મારતા નથી, પણ તેઓ મુક્ત કરે છે, મોક્ષ આપે છે, અને એ પણ ત્યારે જ કે જ્યારે જ્ઞાની જુએ છે કે એ શરીરમાં રહેલી ચેતનાનો વધુ વિકાસ થવો હવે શક્ય નથી, અને જો ચેતના એ શરીરમાં રહેશે તો એ વધારેનેવધારે વિકૃત થતી જશે, એટલે પછી ભગવાન એની પાસેથી એનું શરીર લઈ લે છે, અને પછી બીજા શરીરની એને તક આપે છે.

મહાભારતમાં દુર્યોધનની માન્યતા શું હતી? એણે જાતે જ કીધું હતું કે ‘હું ધર્મને સમજુ છું, પણ એનું આચરણ નથી કરી શકતો, અધર્મને પણ સમજું છું, પણ એને હું છોડી શકતો નથી’. તો પછી ભગવાને એનું શરીર એની પાસેથી લઈ જ લેવું પડે ને? શરીરરૂપી એનો જે રથ છે એ એને એના અંતિમ ગંતવ્ય – મોક્ષ, આત્મસાક્ષાત્કાર – સુધી લઈ જઈ શકે એમ નથી, એટલે ભગવાન એનો એ ‘રથ’ લઈ લે છે, અને કહે કે હવે ‘બીજો રથ’ લઈ લે.

એટલે, જ્ઞાની કોઇ વખત કંઈક એવું કરતો દેખાતો હશે, તો એ કરુણાવશ કરતો હશે, દયાવશ કરતો હશે, ના કે કોઈ દ્વેષ, બદલાની ભાવનાથી એવું કરતો હોય.

તો, આપણી સંસ્કૃતિમાં બે સૌથી મહત્ત્વની વાતો છે એક, એમાં મનુષ્ય જીવનનું અંતિમ ફળ એ મોક્ષ છે, અને બીજું એ કે આખી સૃષ્ટિ એક છે, આપણા, મનુષ્યના શરીર અને એના અંગોની જેમ. આપણા શરીરના અંગો ભલે જુદાજુદા દેખાતા હોય, પરંતુ એ બધા એક સાથે મળીને આખું શરીર કહેવાય છે – જેમ કે કુટુંબપરિવારના સભ્યો મળીને એ કુટુંબપરિવાર કહેવાય છે. આ સમજ આવે ત્યારે એ પણ સમજાય છે કે એ અંગોની એકતા સાથે એમાં પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્યનો ભાવ પણ હોય જ છે – હાથનું કર્તવ્ય થાય છે કે એ આંખની રક્ષા કરે, આંખનું કર્તવ્ય છે કે એ હાથની રક્ષા કરે, પગની રક્ષા કરે, બધા’ય અંગોની રક્ષા કરે, આ પ્રમાણેનું બધામાં કુદરતી પરસ્પર ભાવપૂર્વકની કર્તવ્યતા હોય છે.

આવો પરસ્પર ભાવ હોય ત્યારે આપણે બધા એક છીએ, એ ભાવના પણ જાગે છે, એ સાથે એકબીજાની સંભાળ, રક્ષા કરવી છે, એકબીજાના હિત માટે કામ કરવું છે એ ભાવ જાગે છે. આ એકત્વનો ભાવ એટલો સ્પષ્ટ છે કે માથામાં કંઈ વાગે તો હાથને કહેવું નથી પડતું કે તું ત્યાં જા, અને હાથ પણ ત્યાં જવા માટે આળસ નથી કરતો, એ તત્કાળ જ પહોંચી જાય છે સહાય કરવા, હાથ ક્યારે’ય એવું નથી કહેતો કે, જીદ નથી કરતો કે ‘લાગ્યું તો માથાને છે, એનું જે થાય એ થાય, હું શું કરવા એને મદદ કરવા જાઉં’.

આમ, આ સંસ્કૃતિ બધા માટે એકત્વના ભાવ સાથેનું કર્તવ્ય શીખવે છે, અને આ સંસ્કૃતિએ તો બધા’યને માટે કર્તવ્ય શીખવ્યું છે – માણસ નાનાનાના કાર્યો કરતો દેખાય છે કે એ કયાં’ક કોઈ કિડિયારુ પૂરે છે, ગામમાંથી જુવાર ભેગી કરીકરીને પક્ષીઓને નાંખે છે; ગામમાં જાવ તો દેખાય કે ઘણી જગ્યાએ થોડા નાનામોટા પત્થરો રસ્તાની એક બાજુ પડ્યા હોય જેના ઉપર ગામના લોકો કુતરાઓ માટે ખાવાનું મૂકતા. ગામમાં બહેનો સવારસવારમાં વૃક્ષો, વડપીપળાને પાણી પાવા માટે પાણી લઈને દોડતી હતી.

ભારત ઈતરના અન્ય દેશોમાં આવું નથી દેખાતું, કેમ કે પરસ્પર પ્રત્યે આવી ભાવપૂર્વકની જે બધી ક્રિયાઓ છે એની પાછળ એક પરમ તત્ત્વનું ગહન ચિંતન છે, દર્શન છે, સમજ છે, જેને લીધે અધિકાંશ રૂપે બધામાં એકત્વનો ભાવ સહજ રૂપે દેખાય છે. અને આ દર્શન આ સંસ્કૃતિના પાયામાં છે જેને આધારે આખી સાંસ્કૃતિક સિસ્ટમ ઊભી થઈ છે.

આ એકત્વના ભાગ રૂપે આપણને એ સમજાવવામાં આવ્યું છે કે વૃક્ષો પણ આપણા જ ભાગ છે, પક્ષીઓ આપણો જ ભાગ છે. અને વિચાર કરો કે જો એક રીતે જોઈએ તો વૃક્ષો આપણાં ફેફસાં નથી? આપણા શરીરમાંના ફેફસાઓ શું કરે છે? ”ફેફસાંનું પ્રમુખ કાર્ય હવામાંના પ્રાણવાયુને ખેંચી રક્તપ્રવાહમાં ભેળવવાનું, અને રક્તમાંના કાર્બન ડાયોક્સાઈડને પાછું હવામાં મુક્ત કરવાનું છે. શરીરની અશુદ્ધ હવાને પોતાની અંદર લે છે અને શુદ્ધ હવાને પોતાનાથી બહાર કાઢી શરીરને પાછી આપી દે છે ??? હવે, વૃક્ષોનું કાર્ય એ છે કે એ વાતાવરણથી કાર્બન ડાયોક્સાઈડવાળી હવાને પોતે લે છે, અને વાતાવરણમાં ઑક્સીજન બહાર કાઢે છે. આમ, ફેસફસાં અને વૃક્ષોનું કાર્ય પરસ્પર પૂરક કહી શકાય એવું છે. એટલે, વિચાર કરો કે શરીરમાંથી ફેફસાં કાઢી લઈએ તો શરીર કેટલા દિવસ ટકશે? એવી જ રીતે, પ્રકૃતિમાંથી વૃક્ષો કાઢી નાંખીએ તો શું થશે? માણસ, મનુષ્યને અત્યાવશ્યક એવું ઑક્સીજન ઓછું મળશે, બધે કાર્બન ડાયોક્સાઈડ ફેલાતું રહેશે, વૃક્ષોને એમના અસ્તિત્વ, વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઈડ જોઈએ, તેથી વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડ લઈને એ ઑક્સીજન બહાર કાઢે છે, જે ઑક્સીજન મનુષ્યો માટે અત્યાવશ્યક છે.

છેલ્લા કેટલા’ક દાયકાઓથી વિવિધ કારણોસર માણસ જાતીએ વિશ્વમાંની કુદરતી લીલી ચાદર (green cover) ને જાણે રહેંસી નાંખી છે, લીલીછમ પ્રકૃતિના વૈવિધ્યને આપણે ઘણું નષ્ટ કરી નાંખ્યું છે deforestationને પરિણામે વાતાવરણ ખૂબ જ દૂષિત થતું જાય છે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, અકારણ પૂર જેવી ઘટનાઓ વધતી જાય છે.

થોડા દિવસો પહેલાં જ એક દીકરીએ મને વાત કરી કે એની સોસાયટીમાંથી ત્યાંના રહેવાસીઓએ વૃક્ષો કાઢી દીધા છે. કેમ કે સોસાયટીમાં ઝાડના પાંદડા પડે છે, પક્ષીઓને કારણે ગંદુ થાય છે. તો, લોકોમાં પહેલાં જે એકત્વની ભાવનાત્મક દૃષ્ટિ હતી એ દૃષ્ટિ હવે નથી, લગભગ બધા જ દેશોમાં જે મોટામોટા શહેરો ઝડપથી ઊભા થઈ રહ્યા છે ત્યાં પ્રાણીઓ કે પક્ષીઓ નથી. કેમ? એ ગંદુ કરે છે.

લોકો એક મહત્ત્વની વાત ભૂલી જાય છે કે આપણી જેમ જ વૃક્ષો, પક્ષીઓ પ્રકૃતિના જ ભાગ છે, એટલે એ બધા આપણાથી જુદા નથી, એ પણ આપણા જ ભાગ છે, એ જીવનદૃષ્ટિ આપણી સંસ્કૃતિએ જ આપી છે.

પુરાતન ભારતમાં જે વિકાસ હતો એ એકત્વની ભાવનાત્મક દૃષ્ટિને ધ્યાનમાં રાખીને થયો હતો, એટલે એ વિકાસ નાનાનાના એકમોમાં હતો, ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિ હતી, જેની વિશેષતા એ હતી કે મને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હોય એ મારા ઘરની એકબે કિ.મી.ના પરિઘમાં મળતી હોવી જોઈએ.

મને મારા બાળપણના સમયની વાત યાદ આવે છે કે એ વખતે અમને શાકભાજી, દૂધ વિગેરે જોઈતું હતું એ અમારા ઘરથી થોડે દૂર રહેતા એક ખેડૂતને ત્યાંથી મળી જતું – શાકભાજી એના ખેતરેથી તોડીને લઈ આવવાનું, દૂધ જોઈતું હોય તો ડોલકું લઈ, જવાનું એમને ત્યાં જે ગાયભેંસ હોય એને દોહ્વડાવીને દૂધ લઈ આવવાનું, અનાજ જોઈતું હોય તો એ ખેતરમાંથી લઈ આવવાનું.

આમ, મને જે વસ્તુઓ જોઈતી હોય એ બધી મારા નજીકના વિસ્તારમાં મળવી જોઈએ, મારા જ શરીરનો જ ભાગ છે, પીવા માટે પાણીનો ગ્લાસ મારી પાસે જ હોવો જોઈએ – અને જો એ મારી પાસે થી દૂર હોય તો એ મારા કામનો નથી.

વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે રોજરોજ જોઈતી આવશ્યક વસ્તુઓ લેવા માટે પણ આપણે કેટલે દૂર સુધી જવું પડે, દુકાનો નજીક ના હોય, જો હોય તો એને ત્યાં જોઈએ એ વસ્તુ ના હોય, બીજા કારણોસર ના છૂટકે લોકોએ એ બધું ખરીદવા માટે દૂર શોપિંગ મોલ્સમાં જવું પડે, અને ત્યાં દૂધ, ફૂડપ્રોડક્ટ્સ વિગેરે બધા પેકિંગમાં જ હોય; આજે લગભગ બધી જ ખાદ્ય વસ્તુઓનું પેકિંગ જ કરવું પડે એટલે, કેન્સરના કેસો જે વધી રહ્યા છે એમાં ૫૦% કારણ આ પણ છે.

આજે જે દૂધ પેકિંગમાં મળે છે એ ૧૫૨૦ દિવસ જુનું દૂધ આવે છે, પાશ્ચરાઇઝ્ડ (pasteurized) દૂધ હોય છે, ક્યારે’ક છ મહિના જુનું હોય, શાકભાજી, ફ્રૂટ જ્યુસ બધું જુનું જ આવે, તાજું નથી આવતું. હવે, એ જુનું હોય એટલે એ કુદરતી તો ના જ હોય, એ બધી ખાદ્ય વસ્તુઓની શેલ્ફલાઈફ વધારવા માટે એમાં કૃત્રિમ કેમિકલ્સ ઉમેરાયા જ હોય, એ ખાઈએ તેથી પછી માંદા પડવાનું, કે મરવાનું કેમ કે જીવનને સમગ્રતાથી નથી સમજતા.

પુરાતન ભારતની સિસ્ટમ જીવનને સમગ્રતાથી સમજીને ઊભી કરવામાં આવી હતી. ગાય મારી સાથે, મારે ઘરે જ હોવી જોઈએ, દૂર (જંગલમાં) નહીં, અને ઘરની આગળકેપાછળ ગાય હોય અને એ ‘ગંદુ’ કરે એ ખરેખર ગંદુ નથી, ગૌમૂત્રથી ઘણી અકસીર દવાઓ બને છે; અત્યારે ૧૫૦૨૦૦ જાતની દવાઓ બને છે, ગૌમૂત્રમાં એટલા ગુણો છે, એમાં એટલી તાકાત છે કે એ ઝેરને અમૃત બનાવી દે.

આપણે પારા (મરક્યુરી)ને ખાઈ ના શકીએ, પરંતુ એ જ પારાની અમુક માત્રા જો ગૌમૂત્ર સાથે મર્દન કરવામાં આવે તો એ દવા બને છે, એ પારાવાળી દવા જો ખાઈએ તો એ ઘણા રોગોને મટાડી શકે છે, એવી તાકાત છે ગૌમૂત્રમાં. ઝેરકોચિલો હોય, એને પણ આપણે કુદરતી ફોર્મમાં ખાઈએ તો મરી જવાય, પણ એને જો ગૌમૂત્રથી શોધન કરવામાં આવે તો આપણે એ દવા તરીકે ખાઈ શકીએ, એ ઝેરી વનસ્પતિ દવા બની જાય, અમૃત થઈ જાય.

આમ, ગૌમૂત્રમાં આવી તાકાત છે, અને આપણે કહીએ “એ ગંદુ છે”, “ગંદુ છે”, અને તેથી ગાયને શહેરની બહાર કાઢી મૂકી છે. હવે જો તમારે દૂધ પીવું છે તો તમને કંપનીઓ આપશે, પણ પછી એ દૂધ દૂધ નહીં હશે.

અમેરિકામાં કુદરતી દૂધનો વપરાશ ઘટતો જ રહ્યો છે, હવે લેબોરેટરીમાં કેમિકલસથી, કે પછી ઓટ્સના મિશ્રણથી બનાવાયેલ પ્રવાહીને, અને અન્ય પ્રકારના દૂધજેવા ગુણોવાળા પ્રવાહીને – vegan (non-dairy milk) તરીકે ખૂબ વેચાય છે, અને એની માંગ વધે એ માટે મોટીમોટી જાહેરાતોને પ્રસારવામાં આવે છે, અને એને લીધે અકુદરતી દૂધની માંગ વધારાતી જાય છે. થોડા વર્ષો પહેલા અમેરિકામાં ડોક્ટરોએ “No Milk”ની જુંબેશ, કેમ્પેન ઉપાડી હતી, કેમ કે જે મિલ્ક ઉપભોક્તાઓ પાસે પહોંચે છે એ ખરેખર મિલ્ક નથી, ઝેર છે, એ જીનેટિકલી મોડીફાઇડ છે, એમાં જાતજાતના કેમિકલ્સ ઉમેરાયા હોય, અને દૂધ વધારવા માટે પશુઓને જાતજાતનું ખાવાનું આપ્યું હોય, એને ઈંજેક્શન આપ્યા હોય, અને તેથી એ કુદરતી દૂધ નથી.

એટલે, વૃક્ષ મારા જ શરીરનો ભાગ છે, અને જે રીતે મારા શરીરમાં વિનાકારણે દવાઓ જાય તો એ મને નુકશાન કરે, એવી જ રીતે જો વૃક્ષોને કારણઅકારણ દવાઓ અપાતી હોય તો એ પણ વૃક્ષોને નુકશાન થશે. એટલે, આપણા ઋષિઓએ વૃક્ષોની પૂજા કરવાનું શિખવાડ્યું હતું. ભારત ખેતીપ્રધાન દેશ હોવાને કારણે આપણે ત્યાંના મોટા ભાગના ઉત્સવો ખેતીના પાકના આધારે ઉજવાતા હોય છે – પંજાબ, કેરળ જેવા રાજ્યોમાં જે ઉત્સવો ઉજવાય છે એ ત્યાંના પાકને આધારે હોય છે, જ્યારે પાક લેવાતો હોય, ત્યારે ઉત્સવ થતા, અને એ ઉત્સવ થાય એટલે વૃક્ષ વાવવા જાય, ત્યારે એનું પૂજન કરે, પાક લણવા માટે જાય ત્યારે પહેલાં એનું પૂજન કરે, એવું ત્યાં સુધી કે જ્યારે જાણકાર કોઈ આયુર્વેદની વનસ્પતિ પણ જો લેવા જાય તો પહેલાં એ એ વનસ્પતિનું પૂજન કરે.

થોડા દિવસ પહેલાં તમે પણ વાંચ્યું હશે કે વૃક્ષોની પણ ભાષા હોય છે, વૃક્ષ પોતાના રક્ષણ માટે ઉપાય કરતા હોય, વૃક્ષોનું પણ સંગઠન હોય છે, વૃક્ષો પણ સંદેશો મોકલે છે. મને થોડા વર્ષો પહેલા એક વાત ધ્યાનમાં આવેલી કે કોઈ એક વૃક્ષને રોપીએ અને એની આજુબાજુ કોઈ વૃક્ષ ના હોય તો એનો વિકાસ ઓછો થતો, પરંતુ એની પાસે થોડા બીજા વૃક્ષો રોપીએ તો એનો વિકાસ સારો થાય – એવું જ કે જેમ માણસ એકલો હોય તો એ કેવો મુંઝતો હોય, પણ જો એની સાથ ચારપાંચ જણ હોય તો એને કેવો હર્ષ થઈ જાય, ખુશી થઈ જતી. તો વૃક્ષોમાં પણ એવું થાય છે.

વિચારો કે તમારી સાથે એક ચીની માણસ બેઠો હોય, એક ઇટાલિયન હોય, એક ફ્રેંચ હોય, એક અરબી હોય, તો તમે કેવા એકલા અનુભવો, મુંઝાઓ; પરંતુ જો પાંચ ગુજરાતી સાથે ભેગા હોય તો? આવું જ વૃક્ષોમાં પણ થાય છે, અને અહીં સુધી જોવામાં આવ્યું છે કે બીજી જાતના વૃક્ષને એની પાસે લગાવો, તો એ એના મૂળને વધતા રોકે છે, પણ જો એની જ જાતિ, જ્ઞાતિ બંધુને લગાવો તો એને એના મૂળને વધવા માટે એ વૃક્ષ જગ્યા કરી આપે છે.

તો, વૃક્ષોમાં પણ એટલી સમજ હોય છે. જો મારા શરીરમાં વગર કામની દવાઓ જવાથી નુકશાન થાય છે, તો વૃક્ષને પણ કેમિકલ્સ આપવાથી નુકશાન થશે; અને વૃક્ષનું માત્ર શરીર છે એવું નથી, એની અંદર દેવત્વ પણ છે, એટલે વૃક્ષની પૂજા શિખવાડી છે. એટલે, એની અંદર રસાયણો જશે તો કાલે કરીને એ ‘મારું જ અંગ’ બગડશે, વૃક્ષ એ પણ યુનિવર્સનું જ અંગ છે, એટલે એ કેમિકલ્સને કારણે અંગ બગડશે, હાથ બગડશે, હાથમાં સડો થશે, તો એ સડો મગજમાં પહોંચવાનો જ છે, પેટમાં પહોંચવાનો જ છે, શરીરના એક ભાગમાં પરુ થશે, બીજા ભાગમાં એ જવાનું જ છે, કેમ કે આખું શરીર છે, એના અંગો જોડાયેલા છે. એવી જ રીતે સમાજમાં એકએક સિસ્ટમ એક બીજાથી જોડાયેલી છે, અને એ જે જોડનાર શક્તિ છે એ જ ચેતના છે.

સમસ્ત જીવ જગત ચેતનાને આધારે જ જીવે છે, અને જીવનભર પોતપોતાનું કાર્ય કરે છે, પરંતુ મનુષ્ય અને મનુષ્યઈતર જે જીવો, પ્રાણીઓ, વનસ્પતિ, વૃક્ષો છે એમના જીવન અને કાર્ય કરવાની પદ્ધતિમાં જે મૂળભૂત ફરક છે એ સમજવા જેવો છે – મનુષ્ય સિવાયના દરેકેદરેક જીવો, પ્રાણીઓ એમને પ્રકૃતિજન્ય જે શરીર અને કાર્યો મળ્યા છે, સોંપવામાં આવ્યા છે એ જ કાર્ય એ જીવનભર કર્યા કરે છે, એ કરવામાં એ ક્યારે’ય ના નથી કહી શકતા, કે ના તો પોતાને મળેલા કાર્યોને ક્યારે’ય એ બદલી શકતા. વૃક્ષ છે એ એનું કર્તવ્ય કર્યા કરે છે; પશુપક્ષીઓ, જીવજંતુઓ બધા જ પ્રકૃતિના નિર્દેશ પ્રમાણે જ વર્તે છે.

મનુષ્યની વાત કરીએ તો માત્ર મનુષ્યને જ પૂરેપૂરી સ્વતંત્રતા મળી છે, અને એ પણ જીવનભર પૂર્ણ સ્વતંત્ર. સમસ્ત જીવ જગતમાં એક મનુષ્યને જ એની ઈચ્છા પ્રમાણે વર્તી શકવાની સ્વતંત્રતા છે, અને એને જો ઈચ્છા ના હોય તો એ ના પણ કરી શકે છે, એના કર્તવ્યોને એ બદલી પણ શકે છે – એના જીવનમાં એ ધારે તે કરી શકે છે. એટલે, જો મનુષ્ય ધારે તો પૃથ્વીને સ્વર્ગ બનાવી શકે છે, અને ધારે તો પૃથ્વીને નરકથી પણ ખરાબ બનાવી શકે છે.

વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જ પૂર્ણ સ્વતંત્ર એવી મનુષ્ય જાતીએ પૃથ્વીની શું દશા કરી દીધી છે. વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીમાં જે પ્રમાણેની બરબાદી, ખાનાખરાબી થઈ રહી છે, એ માનવ નિર્મિત જ છે, એ કંઈ પ્રકૃતિ દ્વારા નથી થઈ – જેજે જગ્યાએ અકારણ બરફ પડી રહ્યો છે, તાપ વધી રહ્યો છે, કે પૂર આવી રહ્યું છે એ બધું જ માનવનિર્મિત છે; એ બધી બરબાદીના મૂળમાં માણસ છે.

હવે જો આપણને પૃથ્વી ઉપર વધારે ખરાબી, બરબાદી, આવું નથી જોઈતું, તો પછી ભારતીય સંસ્કૃતિને સમજવી પડશે, આ સંસ્કૃતિના હ્રદયને સમજવું પડશે, અને આ સંસ્કૃતિના મૂળમાં કયું, અને કેવું વિજ્ઞાન છુપાયેલું છે એ સમજવું પડશે, કેમ કે આ સંસ્કૃતિની એકેએક વાત સુપરસાયન્ટિફિક છે, અને માત્ર સાયન્ટિફિક જ નથી, એ તો beyond science, આજના વિજ્ઞાન કરતા ઘણું આગળ છે, એ પણ એવું કે આજના વૈજ્ઞાનિકોએ સમજવા માટે માથું ખંજવાળવું પડે. એટલે, આ પૃથ્વીને જો કોઈ વિચારધારા, વિજ્ઞાન બચાવી શકશે તો એ માત્ર વૈદિક ચિંતન અને વૈદિક સંસ્કૃતિ જ કરી શકશે. એટલે, એની સૌથી મોટી જવાદારી આપણી ભારતીયોની થઈ પડે છે.

જાણીતા વકીલ નાની પાલખીવાલાએ એક નાની (૪૮ પાનાની) પણ સરસ પુસ્તિકા લખી છે – ‘India’s Priceless Heritage’ (ગુજરાતીમાં ભારતનો અમૂલ્ય વારસો)’. આ પુસ્તકના અંતિમ ભાગમાં એમની એક ટકોર જેવી કોમેન્ટ મને કાયમ યાદ આવે છે. એમણે કહ્યું છે કે ‘ગધેડો હોય એની પીઠ ઉપર સોનાની પાટો હોય કે ઈંટો હોય, માટીપત્થરની ગુણો હોય એને કોઈ ફેર નથી પડતો, એક દિવસ એના ઉપર સોનાની પાટો લાદો, બીજે દિવસે બીજો કોઈ ભારી સામાન લાદો એને કોઈ ફેર નથી પડતો, એને તો માત્ર પીઠ ઉપર વજન છે એ જ સમજાય, શેનું વજન છે એનાથી એને કોઈ નિસ્બત નથી.

આપણી (ભારતીયોની) સ્થિતિ એવી છે કે બધા’ય વાતો કરે છે કે આ સંસ્કૃતિ બહુ સારી – પણ આ સંસ્કૃતિમાં શું છે, એમાં શું સારી વાતો છે, એ સમજ નથી કે એ સંસ્કૃતિની વાતો સુવર્ણની છે, કે લાકડાની છે, કે માટીઢેફાની છે, બસ કંઈક વજન જેવું છે – એ સરસ છે.’ આ સંસ્કૃતિનું હ્રદય શું છે, આપણે કોઈ દિવસ વિચારતા જ નથી, ઊંડાણપૂર્વક અધ્યયન નથી કરતા, કે નથી એ વિષે કોઈ ચિંતન, મનન કરતા.

આવી સ્થિતિમાં આપણને કોઈ પ્રશ્ન પૂછે કે શું છે ભારતીય સંસ્કૃતિ? તો એ માટે આપણી પાસે કોઈ ઉત્તર નથી, કેટલા ભારતીયો અમેરિકા, યુરોપ, જેવા દેશોમાં જાય છે, ત્યાં એ દેશના લોકો જાણે છે કે આ ભારતથી આવ્યા છે, એટલે એ લોકો યોગ વિષે, ભાગવદ્ગીતા વિષે, જરૂર જાણતા હશે અને તેથી એ પરદેશીઓ ગીતાની બાબતમાં પૂછે તો ત્યાં ગયેલા ભારતીઓમાંથી ભાગ્યે જ કોઈને ખબર હોય, અને ના પણ ખબર હોય. અને કોઈને તો વળી એ પણ ખબર ના હોય કે ગીતા મહાભારતમાં છે કે રામાયણમાં છે.

આમ, આપણી “સારી સંસ્કૃતિ”નું વજન જેવુ પીઠ ઉપર લઈને ફર્યા કરીએ, એ શું છે, એનું ક્યારે’ક તો થોડું દર્શન કરીએ, ચિંતન, મનન તો કરીએ.

ૐ તત્ સત્