વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી તેવી રીતે એક જ માર્ગનું બધા અનુસરણ કરે તે પણ જરૂરી નથી. માર્ગ અલગ-અલગ હોવા છતાં બધાનું લક્ષ્ય એક જ છે. એ છે – ‘પરમ સત્યની પ્રાપ્તિ’

સરળતાથી સમજવા માટે, જે વધારે સક્રિય રહેવાનું પસંદ કરતા હોય, શરીર વધારે કામરત રહેતું હોય, મન વધુ ચંચળ હોય તો તેમના માટે ‘કર્મયોગ’ વધુ શ્રેષ્ઠ છે. જેની પ્રકૃતિ લાગણીશીલ, ભાવ-પ્રધાન હોય તેમના માટે ‘ભક્તિયોગ’ શ્રેષ્ઠ છે અને જે રહસ્યવાદી પ્રકૃતિવાળા, મનનશીલ વિચારકો છે તેમના માટે ‘જ્ઞાનયોગ’ શ્રેષ્ઠ છે.

કહેવાતાં અલગ-અલગ માર્ગ એક-બીજાના વિરોધી નથી પરંતુ એક-બીજાના પૂરક છે. દરેક પ્રધાન માર્ગમાં બીજા માર્ગ પણ છુપાયેલા જ હોય છે. તેથી દરેક માર્ગનું પરમ ગન્તવ્ય, પરમ લક્ષ્ય પણ સત્યની પ્રાપ્તિ જ છે.

આ લક્ષ્યને પ્રાપ્ત કરવા યોગ્ય પથ-પ્રદર્શક જરૂરી છે જેને આપણે ‘સદગુરુ’ કહીએ છીએ. જેમની શરણે જવાથી તેઓ આપણને યોગ્ય માર્ગ બતાવતા હોય છે. આ માર્ગે શ્રદ્ધા-ભક્તિ અને ધીરજ પૂર્વક ચાલતા રહેવાથી પરમ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.

હે પથ-પ્રદર્શક ગુરુદેવ ! અમને અસત્યથી સત્ય, અંધકારથી પ્રકાશ, મૃત્યુથી અમૃતત્ત્વ તરફ લઇ જાઓ. ‘શિષ્યસ્તેઽહં શાધિ માં ત્યાં પ્રપન્નમ્’