વસંત ખરેખર પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ નવા યુગની વસંત છે અને એ પણ એના જ પૂર્ણરૂપમાં પ્રગટ થઇ રહી છે. આપણે તેનો ભાગ છીએ, એ આપણને નવું જીવન આપે છે. એની સાથે આવે છે સંપૂર્ણ મુક્તિ અને પરિત્યાગની ભવ્ય અનુભૂતિ. જૂના બંધિયાર ચીલાઓ તોડીને જ્યાં કોઇ સીમાઓ નથી એવી નવી વિશાળતામાં પ્રવેશવાની લાગણી. આપણી જાતને દરેક દિશામાં ઉગતી અને વિસ્તરતી જોવી છે અને એવા ભાવ સાથે કે કોઇ પણ ક્ષણે કશું પણ બની શકે. આરંભ રેખા પર દોડવીર ઉભો હોય, આંગળા બરાબર ગોઠવાયેલા હોય અને સંકેત મળતા જ એ દોડી જવા તૈયાર હોય એવા બનવું છે.
અત્યારે, આ સમયે દરેકે-દરેક સ્તર ઉપર એટલું બધું નવું અવનવું બની રહ્યું છે, પરિવર્તનો આવી રહ્યાં છે. એમાં આપણે પણ આ પરિવર્તનોનો ભાગ છીએ, એ પ્રમાણે જ બધાની સાથે તાલમેલ કરવો છે. બદલાવ માટે તૈયાર રહેવું છે. જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યાં ઝડપથી બદલાવવું છે, જે બધું થઇ રહ્યું છે એમાં, પ્રકૃતિના કાર્યમાં હું કદી હસ્તક્ષેપ ના કરું.
પરંતુ હા! આ પરિવર્તન પાછળ એક સ્થિર અને કદી નહીં બદલાવવાવાળી જે પરમસત્તા છે એને હું કદી ન ભૂલું. હે પ્રભુ! મારી શ્રદ્ધા અને વિશ્વાસ તારા પ્રતિ સદા રહે તેવી પ્રાર્થના.