યોગનું મૂળ સદ્ગુણોમાં છે, યોગમાં સફળતા માટે નૈતિક સંયમ અને શિસ્ત ખૂબ જ આવશ્યક છે.
જીવનમાં સદાચારનો અભ્યાસ નૈતિક શિસ્ત છે.

હે મૂર્ખ લોકો! તમે સંસારના બાહ્ય વિષયોમાં શા માટે વ્યર્થ સુખ શોધો છો? તમને મનની શાંતિ નથી, તમારી કામનાઓ કદી પણ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થતી. તમે અખૂટ ધન પ્રાપ્ત કરી શકો છો, સુંદર બાળકો મેળવી શકો છો, તમે પદ, સન્માન, યશ, શક્તિ વિગેરે બધુ પ્રાપ્ત કરી શકો છો તે છતાં તમારું મન શાંત નથી થતું; તમને સદા એવું ભાન રહ્યાં કરે છે કે તમારે હજુ કાંઈક જોઇએ છે, તેથી તમને પૂર્ણતાનો અનુભવ નથી થતો. હવે એ કદી ના ભૂલશો કે પૂર્ણતાનો ભાવ, અનુભૂતિ તથા નિત્યતૃપ્તિ ઇશ્વરમાં જ મળી શકશે અને ઈશ્વર સંયમ, શુદ્ધતા, ધારણા, ધ્યાન તથા યોગાભ્યાસ દ્વારા ઇશ્વર સાક્ષાત્કારથી જ સંભવ છે.

સર્વત્ર અશાંતિ છે, સ્વાર્થ, લોભ, ઈર્ષા તથા કામ દરેક હ્રદયમાં ઉપદ્રવ મચાવે છે. રણશીંગુ વાગે છે અને સૈનિકો યુદ્ધના મેદાનમાં ઊતરી પડે છે. આ ભયાનક યુદ્ધોની સાથે-સાથે શાંતિનું આંદોલન પણ આવે છે, તેનો ઉદ્દેશ્ય છે અવિદ્યાને નિર્મૂળ કરી જ્ઞાનને પ્રશસ્ત કરવું.

આજે જગતને સૌથી વધુ જરૂર છે પ્રેમના સંદેશની. પહેલા તમારા હ્રદયમાં પ્રેમની જ્યોતિ પ્રજ્વાળો, સર્વને ચાહો, બધાંને તમારા પ્રેમમાં તરબોળ કરી દો; શુદ્ધ પ્રેમ દ્વારા જ રાષ્ટ્રોનું સંગઠન થાય છે, અને શુદ્ધ પ્રેમ દ્વારા વિશ્વયુદ્ધોનો પણ અંત આવી શકે છે, રાષ્ટ્રસંઘ (UNO) પાસે આપણે ઘણી અપેક્ષા ના રાખી શકીએ. પ્રેમ જ બધાં હ્રદયોને સાંકળનારું એક રહસ્યમય સૂત્ર (તંતુ) છે. તમારા દરેક કર્મોને શુદ્ધ પ્રેમથી ભરી દો, અને લુચ્ચાઈ, લોભ, સંકુચિતતા તથા સ્વાર્થનો નાશ કરો.

ઝેરી ગેસથી બીજાઓની હત્યા કરવી એ અત્યંત જંગલી કર્મ અને ઘણો મોટો અપરાધ છે, જે વૈજ્ઞાનિકો એમની પ્રયોગશાળામાં આવા વાયુઓ બનાવે છે તેઓ જાતે જ પોતાના આવા અધમ, ઘાતકિ કર્મોના ખરાબ પરિણામોથી બચી નથી શકતા. ન્યાયના દિવસને ના ભૂલો (Christianity’s `God’s Day of Judgement’ – Revelation 21:3:4). હે નષ્વર મનુષ્ય! તમે શક્તિ, રાજ્ય તથા ધન પાછળ પાગલ થઇ રહ્યા તો છો, પણ તમે ઇશ્વરને શું કહેશો? આવશ્યક તો એ છે કે તમે શુદ્ધ અંત:કરણ કેળવીને શુદ્ધ પ્રેમનો વિકાસ-વિસ્તાર કરશો તો તમે ઇશ્વરના સામ્રાજ્યમાં જરૂર પ્રવેશ મેળવી શકશો.

મનુષ્યની કામના જ એની શાંતિનો ખરો શત્રુ છે. જેવી રીતે ઘી-થી અગ્નિ પ્રજ્વલિત થાય છે એવી જ રીતે કામનાઓથી મનુષ્યની અશાંતિની વ્રુદ્ધિ થાય છે. અદ્વૈત સિદ્ધાંતનો ઋષિ વાલ્મિકિજી દ્વારા રચાયેલ યોગવશિષ્ઠ ગ્રંથમાં ગુરુ વશિષ્ઠજી પોતાના શિષ્ય રાજકુમાર રામને કહે છે કે “હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ રામચંદ્ર! વાસનાક્ષય, મનોનાશ અને જ્ઞાનોપાર્જન આ ત્રણેનો જો એકી સાથે પૂરતા સમય સુધી અભ્યાસ કરવામાં આવે તો ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.” શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના શિષ્ય અર્જુનને કહે છે, “હે અર્જુન! રજોગુણથી ઉત્પન્ન થયેલ આ કામ જ ક્રોધનું મુખ્ય કારણ છે  (૨:૬૨, ૫:૨૩) અને તે મહાભક્ષી તથા મહાપાપી છે, તેથી જ્ઞાનોપાર્જનના વિષયમાં તું કામને જ વેરી/વૈરી જાણ. જેવી રીતે ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તેવી જ રીતે કામ દ્વારા જ્ઞાન ઢંકાય જાય છે. વળી હે અર્જુન, કદી તૃપ્ત ન થનાર, અગ્નિ જેવો, જ્ઞાનીઓના નિત્ય વૈરીરૂપ કામથી જ્ઞાન ઢંકાયેલુ રહે છે, એટલે અર્જુન, તું સૌથી પહેલા ઇંદ્રિયોને વશ કર અને જ્ઞાન તથા વિજ્ઞાનનો નાશ કરવાવાળા આ પાપી કામનો નિશ્ચયપૂર્વક નાશ કર (ભ.ગી. 3:3૭-૪૧).

‘પંચદશી’ અને ‘જીવનમુક્ત વિવેક’ના પ્રખ્યાત લેખક સ્વામી વિદ્યારણ્ય સરસ્વતી કહે છે કે જ્યાં સુધી વાસનાક્ષય, મનોનાશ અને જ્ઞાનોપાર્જનનો નિરંતર અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી સેંક્ડો વર્ષોમાં પણ ‘જીવનમુક્ત’ ની અવસ્થા પ્રાપ્ત નથી થઇ શકતી. જ્યારે મન (આત્મામાં) વિલીન થઈ જાય છે ત્યારે બાહ્ય સંવેદનો નથી રહેતા; ત્યારે સુપ્ત કામનાઓ પણ વિલીન થઈ જાય છે; કામનાઓ, ઇચ્છઓ વિલીન થઈ જાય છે ત્યાર પછી મનના કાર્ય માટે કોઇ કારણ નથી રહેતું; કામ, ક્રોધ વગેરે વૃત્તિઓ પ્રદિપ્ત નથી થતી, અને તેથી પછી મન પણ વિલીન થઈ જાય છે; મનનો નાશ થતા જ્ઞાનનો ઉત્કર્ષ, ઉદય થાય છે.

આપણા શાસ્ત્રો કહે છે કે મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે; જેવું તમે વિચારશો  તેવા જ તમે બનો છો. વિચારો કે તમે હાઇકોર્ટના જજ છો, અને તમે જજ બની જશો. વિચારો કે તમે મહાન શિક્ષક છો અને તમે તેવા શિક્ષક બની જશો; તમે વિચારો કે તમે સમસ્ત જગતના સમ્રાટ છો, અને તમે જગતના સમ્રાટ બની જશો. વિચારો કે તમે યોગી છો, તમે સંત છો તો તમે એવા જ બની જશો, વિચારો કે તમે ઇશ્વર, આત્મા કે પછી બ્રહ્મ છો તો તમે તેવા, તે-જ બની જશો…અને જો તમે એવું વિચારશો કે તમે ગરીબ, દુર્બળ છો તો તમે એવા જ બની જશો. આ સમસ્ત જગત આ મહાન નિયમથી સંચાલિત છે.

હંમેશા સારા અને યોગ્ય વિચાર કરો, ભલા કર્મો કરો, કદી પણ બીજાના અધિકાર છિનવવાનો પ્રયાસ ના કરો, પાડોશીની કે અન્ય કોઇની પણ ઇર્ષા ના કરો, ઉન્નત અને સકારાત્મક, સંકલ્પપૂર્વક વિચાર કરો, કે ‘હું જે કંઇ પણ કરીશ એમાં મને સફળતા મળશે જ’ તમે તમારા બધા જ પ્રયત્નોમાં સફળ થશો, સફળતા તમારી જ છે, તમને કદી નિષ્ફળતા નહીં મળે. આ જ મહાન સત્ય છે, એના ઉપર હંમેશા ધ્યાન કરો, અને આત્માનંદ માણો, ભોગવો.

વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે જો કોઇ વ્યક્તિ શરીરને ચાહે છે તો એ મૂરખ છે, કેમ કે વાસ્તવમાં તો એ શરીરની ચામડી, શરીરમાંના લોહી, હાડકા, માંસ, મળ-મૂત્ર અથવા નરકને ચાહે છે. તેથી જો મનુષ્ય પોતાના શરીરની દુર્ગંધથી વિરક્ત નથી બન્યો તો તેના વૈરાગ્ય માટે બીજા તર્કોથી શો લાભ?

એક સુવિદિત વાત છે કે ભોગમાં કામનાની તૃપ્તિ નથી થતી, ઊલ્ટુ કામનાઓનો ભોગ તો કામનાને વધુ પ્રજ્વલિત કરી મનુષ્યને વધુ અશાંત બનાવે છે. સંસારી ભોગોની તૃષ્ણા જ બધા માનવીય કષ્ટો તથા વિપત્તિઓનું મૂળ છે. તમે જેટલા ભોગો પાછળ પડશો તેટલા તમે વધુ દુ:ખી થશો, કામનાઓ વધતી જશે, જ્યાં સુધી વિષયો માટે તૃષ્ણા છે ત્યાં સુધી તમે કદી પણ સુખી નથી થવાના.

સંપૂર્ણપણે નિષ્કામ બનવું ખૂબ જ મુશ્કેલ છે; જીવનમુક્ત અથવા પૂર્ણયોગી જ કામનાઓના કલંકથી પૂર્ણરૂપે મુક્ત થઇ શકે છે, કારણ કે તેણે પોતાના મનને સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખેલ છે, તથા તે પોતાના અંતરાત્મામાં પરમ સુખનો ઉપભોગ કરી રહ્યો છે. જે વ્યક્તિ દિવ્ય આનંદસાગરમાં નિમગ્ન છે તેનામાં ભલા કામના શી રીતે ઉત્પન્ન થઇ શકે?

આધ્યાત્મિક માર્ગના સાધકે હંમેશ શુભ કામનાઓ રાખવી જોઇએ, તેણે સત્કર્મો કરવા જોઇએ, તેણે મુમુક્ષત્વની પ્રબળ ઇચ્છા-કામનાનો સજાગ રહી વિકાસ કરવો જોઇએ; પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે તે નિયમિત તથા ક્રમિકરૂપે ધર્મગ્રંથોનો સ્વાધ્યાય કરે, તે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરે, ધીમે-ધીમે ખરાબ કામનાઓ તથા વિષયો સંબંધી જૂની-હઠીલી તૃષ્ણાઓ વિલીન થઇ જશે. હે સૌમ્ય! પૂર્ણ સંતોષમય જીવન વિતાવો, સંતોષની શીતળ ધારા તરત જ કામાગ્નિને શાંત કરી દેશે; સંતોષ, શાંતિ એ ઇશ્વરના સામ્રાજ્ય ઉપર પહેરો ભરનાર મુખ્ય સજાગ પહેરેગીર છે.

સામાન્ય રીતે, જૂની, દબાઇ રહેલી કામનાઓ હઠપૂર્વક વારંવાર ઊભી થવા પ્રયત્ન કરે છે, કામના પોતાનો અધિકાર બતાવે છે – “અરે કૃતઘ્ન નર! તેં આજ સુધી તારા મનમાં મને આશ્રય આપ્યો છે, તેં મારે જ આશરે સંસારમાં ઘણા વિષયોનો ઉપભોગ કર્યો છે, જો ખાનપાન માટે કામના ના હોય તો તું કઇ રીતે તેમાંથી આનંદ ઉઠાવી શકે? હવે તું મારા પ્રત્યે આટલો બધો નિષ્ઠુર કેમ થઇ ગયો છે? તારા મનોધામમાં નિવાસ કરવાનો મને સમ્પુર્ણ અધિકાર છે, તેથી હું તો અહીં જ રહીશ, તમારે જે કરવું હોય તે કરો.” સાધકે મનની આવી ધમકીઓથી જરા પણ હતોત્સાહ થવું ના જોઇએ, બધી કામનાઓ ધ્યાન તથા યોગથી ક્ષીણ થઇ છેવટે નાશ પામશે.

દરેક માણસનું મન બે પ્રકારનું હોય છે, સબળું અને નબળી. સબળું મન દુર્બળ મનને દબાવી દે છે. મન સ્થૂળ શરીર ઉપર ઘણો પ્રભાવ પાડે છે, મન પદાર્થો ઉપર પ્રભાવ પાડે છે, મનથી સંબંધોના બંધનો પણ પ્રાપ્ત થાય છે, અને આ જ મન મનુષ્યને મુક્તિ પણ અપાવે છે. મન શેતાન પણ છે, એ સર્વોત્તમ મિત્ર પણ છે, અને મન જ તમારો ગુરુ પણ છે. તમારે તમારા મનને સંયમમાં રાખવું જોઇએ, એને વશમાં રાખીને એને પાળેલું બનાવી દે’વું જોઇએ, અને આ બધું તમારે જ કરવાનું છે.

મનમાં વૃત્તિઓ જેવી ઊભી થાય કે તરત જ એને દબાવી દો, જો આમ કરવું મુશ્કેલ પડે છે તો એ વૃત્તિઓ તરફ ઉદાસીન બની જાઓ, એ વૃત્તિઓ તરફ બિલ્કુલ પણ ધ્યાન ના આપો, એની પરવા ના કરો, એને સ્વેચ્છા પ્રમાણે મનમાં વિચરવા દો, તે આપોઆપ જ નાશ પામશે. કોઇ-કોઇ વખત વિચારોનું દમન પણ કરતા જાઓ; આવું કરતા થાકી જાઓ તો ઉદાસીન બની જજો. આ રીત એનાથી પણ વધુ સહેલી છે કે જો કોઇ વાંદરાને થાંભલા સાથે બાંધવામાં આવે તો તે ખૂબ ઉપદ્રવ મચાવશે, પણ જો એને છૂટો મુકવામાં આવે તો તે તેટલો ઉપદ્રવ નહીં મચાવશે. આવી જ રીતે મનને જો કોઇ એક બિંદુ ઉપર સ્થિર, એકાગ્ર કરવા પ્રયત્ન કરશો તો એ મન પણ ઉપદ્રવ મચાવશે. મનને એક બિંદુ ઉપર કેંદ્રિત કરવાનું મુશ્કેલ લાગે તો તેને ઢીલું મૂકી ‘દો, મન સાથે ખેંચતાણ ના કરો, એ મન પછી જલ્દી થાકી જશે, અને પછી તમારા આદેશ પ્રમાણે ચાલવા તૈયાર થઈ જશે, હવે તમે તેને સહેલાઇથી વશમાં કરી શકશો.

મનમાં કામનો જ વિકાર ક્રોધ છે, આત્મામાં કોઇ વિકાર નથી હો’તો. સંસારી વ્યક્તિ ક્રોધ સાથે તાદાત્મ્ય સંબંધ સ્થાપિત કરી દયનીય બની જાય છે. આ જ અજ્ઞાન છે. સાંસારીક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પરમાત્માએ તમને શરીર અને મન બે યંત્રો આપ્યા છે, તો આ જ યંત્રોને સમજીને એનો સદુપયોગ કરી જે અસીમ ‘હું’ છે, તેની સાથે પોતીકા જેવો, તાદાત્મ્ય સંબંધ સ્થાપિત કરો. તમે આ શરીર અને મનરૂપી યંત્રના ચાલક છો. હે સૌમ્ય! તમારો જન્મ અધિકાર પ્રાપ્ત કરી મુક્ત થઇ જાઓ. આ દુષ્ટ મનની ચાલ સમજો, તેણે તમારી સાથે ખૂબ રમત રમી છે, હવે તેને નિયંત્રણમાં લઇ, એના ઉપર સંપૂર્ણ અધિકાર કરો, તમે આ કામ યોગાભ્યાસ દ્વારા સુગમતાથી કરી શકો છો.

તમારા મનમાં રહેલી ભાવનાઓ અને ભાવુકતાનું જાતે અધ્યયન કરો, એનું વિશ્લેષણ કરો અને સમજદારીપૂર્વક એની સાથે આત્મીય, પોતિકા જેવો સંબંધ ના કેળવો, ભાવનાઓ અને ભાવુકતાના મૂક સાક્ષી માત્ર બનો, કેમ કે ભાવનાઓ અને ભાવુકતા સાથેના સંબંધો જ બંધન તથા દુ:ખનું કારણ છે.

આધ્યાત્મ માર્ગમાં મન ઉપર વિજય મેળવવો અતિ-આવશ્યક છે, પરંતુ જો એ મેળવવામાં તમને નિષ્ફળતા મળે તો તેનાથી નિરાશ ન થશો, મક્કમતાથી પ્રયત્નો ચાલુ રાખશો.  હરક્યુલસ અને સટાન / દૈત્યના યુદ્ધને યાદ કરો. યાત્રા કરતી વખતે રસ્તામાં હરક્યુલસને એક દૈત્ય મળ્યો; તેને એવું વરદાન હતું કે જ્યારે તે પૃથ્વીનો સ્પર્શ કરશે ત્યારે તેની શક્તિ દશ-ઘણી વધી જશે. આ પ્રસંગ યાદ રાખવાથી તમે તમારી આંતરિક શક્તિ અને સાહસ પ્રાપ્ત કરી શકશો, તમને જરૂર સફળતા મળશે.

‘ખાઓ, પીઓ, મોજ ઉડાઓ’-વાળી વૃત્તિ, વિચાર-ધારા, જીવનશૈલીનો ત્યાગ કરો; અને સદા સકારાત્મક, ઉચ્ચ વિચાર અને આગળ તરફ દૃષ્ટિ માંડી રાખો; તમારી સમક્ષ એક આદર્શ રાખો અને તે પ્રમાણે તમારું જીવન જીવો; યાદ રાખો કે તમે કોઇ પણ વ્યક્તિના જેવા મહાન બની શકો છો. લઘુતા ગ્રંથિથી તમને ચિંતા રહેશે, ગુરુતાની ભાવનાથી તમારામાં અભિમાન વધશે, માટે ગુરુતાની ભાવનાનો પણ ત્યાગ કરો. તમારા હ્રદયના અંતરતમમાં પરમ જ્યોતિ પ્રગટાવો, એ દિવ્ય જ્યોતિને ત્યાં સ્થિર થવા દો, અને તમે તન-મનથી આધ્યાત્મિક સાધનામાં લાગી જાઓ. એક ક્ષણ પણ ના બગાડો. તમારી સાધના નિયમિત અને ક્રમિક બનો. જેવી રીતે સેનાપતિ પોતાની સમસ્ત સેનાને સંગઠિત કરે છે તેવી રીતે તમે પણ તમારી સમસ્ત શક્તિને મેદાનમાં ઉતારો, તમારા બધા અંતરાયો, તમારી બધી જ વિપત્તિઓ સહેલાઇથી ઓગળી જશે, તમે મહિમામય જીવનમુક્ત બની જશો, તમે સર્વત્ર એકતાનો અનુભવ કરશો.

દરરોજ સવારે આંતર્નિરીક્ષણ કરો અને તમારા હ્રદયના ખૂણે-ખૂણે તપાસ કરો; મન જો બેકાબૂ અને અનિયંત્રિત હોય તો એ ઘણું જ કુટિલ અને દુષ્ટ હોય છે; તમારી અંદર ઘણી બધી કામનાઓ, ઇચ્છાઓ સુષુપ્ત રીતે રહી હોય, વળી અહંકાર ઘણી બધી કામનાઓને ગુપ્ત રૂપે તૃપ્ત કરવા માટે છુપાવી રાખશે, તેથી એ બધી ઇચ્છાઓને શોધી કાઢી એનો નાશ કરવો જરુરી છે, પણ એ કરવું ઘણું મુશ્કેલ છે. જે સાધકો વિદ્વત્તા, સિદ્ધિઓને કારણે ઘમંડથી ફુલાઇ જાય છે, તેમને પણ આવી સુષુપ્ત ઇચ્છાઓનો ખ્યાલ નથી આવતો, અને તેથી તેઓ મહાન યોગી હોવાનો ઢોંગ કરે છે, જુદા-જુદા સ્થળોએ પ્રવચનો આપતા ફરે છે, અને મહિલા શિષ્યો બનાવે છે. આવા સાધકોના પ્રવચનો લોકોના મન ઉપર ઉંડી અસર ઉપજાવતા નથી. ગુપ્ત કામનાઓ તક સાધીને હુમલો કરી બેસે છે અને સાધકના બધાં જ સદ્ગુણો અને દિવ્ય વિચારોનો નાશ કરી નાંખે છે.

જે સાધકોની બુદ્ધિ સુક્ષ્મ છે, જેઓ સતત ઈશ્વર સ્મરણ કરે છે, જેમનામાં મુમુક્ષુત્વ જાગૃત છે જેઓ નિત્ય આત્મનિરીક્ષણ, મનન તથા નિયમિત ધ્યાનનો અભ્યાસ કરે છે તેઓ જ આ સૂક્ષ્મ કામનાઓને ઓળખી શકે છે. જે બધી કામનાઓથી મુક્ત છે તે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. કામનાઓ જેટલી ઓછી હશે તેટલું જ વધારે સુખ તમને પ્રાપ્ત થશે. જે નિષ્કામ વ્યક્તિ માત્ર એક કૌપીન અને એક ધાબળો ઓઢીને વિચરણ કરે છે તે સાચે જ આ ત્રણે લોકમાં સૌથી વધુ સુખી અને ભાગ્યવાન છે.

સ્વાર્થ એ હલકા મનનો સ્વભાવ છે, એ રાગયુક્ત મનની વૃત્તિ છે, અને એ અવિવેકથી ઉત્પન્ન થાય છે; આ વૃત્તિ યોગાભ્યાસમાં આગળ વધવામાં સૌથી મોટી બાધા, અવરોધ છે, તેથી તે જીવનનો અભિશાપ છે, તે હ્રદયને સંકુચિત બનાવે છે, અને ભેદ-ભાવની વૃદ્ધિ કરે છે. સ્વાર્થની સાથે-સાથે અભિમાન, દંભ, મદ, કૃપણતા, ધૂર્તતા, મિથ્યાચાર અને મત્સર વગેરે દુર્ગુણો પણ આવે છે.

તો, સ્વાર્થને કેવી રીતે નિર્મૂળ કરી શકાય? તેનો જવાબ સરળ છે કોઇ-ને-કોઇ પ્રકારની નિષ્કામ સેવા કરવી, ઉદારતા રાખવી, દરેક કામોમાં નિષ્કામતા કેળવવી, પૂર્ણતાનો ભાવ, દાનશીલતા, કરુણા, વિશ્વપ્રેમ વગેરેની પ્રાપ્તિ – આ બધી વાતોના અભ્યાસથી સ્વાર્થ દૂર કરી શકાય છે.

પ્રિય અમર આત્મા! મૌન વ્રતનું પાલન કરો, મનને સદા આત્મા સાથે સંલગ્ન રાખો, કોઇ પણ ગમતા આસન ઉપર બેસીને નિયમિત ધ્યાન કરો, ઇશ્વરના નામનું ગાન કરો, જપમાળા ફેરવો, સ્વાધ્યાય કરો, બ્રહ્મચર્યનું પાલન કરો, અથવા આધ્યાત્મિક સંયમી બનો. દરરોજ સવારે બદામ અને સાકરનું સેવન કરો; વૈદ્યોની સલાહ ના લો, રોગની ચિંતા ના કરો, મનને રોગથી મુક્ત રાખો, પ્રસન્ન રહો, મલકાઓ, હંસો, ભાવ સાથે નૃત્ય કરો – આ જ જીવનનું લક્ષ્ય છે. ઉત્સાહ અને ધીરજપૂર્વક અનવરત, દીર્ઘકાળના અભ્યાસ દ્વારા તમે ‘તે’ને પ્રાપ્ત કરો, તમે જીવનમુક્ત બની જશો.

હે સૌમ્ય! તમારો જય થાઓ, તમારો અનેકાનેક વખત જય થાઓ.

શિવાનંદ મીશન,
વીરનગર, (રાજકોટ) દ્વારા પ્રકાશિત
સાધના
ગ્રંથમાંથી સાભાર